1:1 પાઉલ તરફથી કુશળતા હો. ખ્રિસ્ત ઈસુના એક પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે દેવે તે રીતે ઈચ્છયું. ખ્રિસ્તમાં આપણા ભાઈ સોસ્થનેસ તરફથી પણ કુશળતા હો. 2 કરિંથમાંની દેવની મંડળી અને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર બનાવાયેલા લોકો પ્રતિ, તમે દેવના પસંદ કરાયેલા પવિત્ર લોકો છો. તમે બધી જગ્યાઓના બધા લોકો સાથે તમે પસંદ કરાયેલાં છો, કે જેને આપણા અને તેઓના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં વિશ્વાસ છે. 3 દેવ આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થાઓ. 4 ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે તમારા પર જે કૃપા દર્શાવી છે, તેના માટે હમેશા હું મારા દેવનો આભાર માનું છું. 5 દરેક રીતે તમે ખ્રિસ્ત ઈસુમાં આશીર્વાદ પામ્યા છો. તમારી સંપૂર્ણ વાણી અને તમારા સંપૂર્ણ જ્ઞાનમાં તમે આશીર્વાદ પામ્યા છો. 6 ખ્રિસ્ત વિષેનું સત્ય તમારામાં પ્રમાણિત થયું છે. 7 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની તમે પ્રતિજ્ઞા કરી રહ્યા છો, તે દરમ્યાન દેવના દરેક કૃપાદાન તમારી પાસે છે. 8 અંત સુધી હરહંમેશ ઈસુ તમને સક્ષમ રાખશે. તે તમને સુદઢ રાખશે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનના દિવસે તમારામાં કોઈ ક્ષતિ ન રહે. 9 દેવ વિશ્વાસપાત્ર છે. તે એ જ છે કે જેણે તેના દીકરા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ સાથે જીવન ગાળવા તમને પસંદ કર્યા છે. 10 ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે બધા એક મતના થાઓ. જેથી કરીને તમારામાં કોઈ ભાગલા ન પડે. હું તમને વિનંતી કરું છું કે તમે એ જ હેતુથી એ જ વિચારમાં સંપૂર્ણ રીતે એક થાઓ. 11 મારા ભાઈઓ અને બહેનો, ખ્લોએ પરિવારના કેટલા એક સભ્યોએ મને તમારા વિષે જણાવ્યું. મેં સાંભળ્યું છે કે તમારામાં અંદરો અંદર મતભેદ છે. 12 મારું કહેવું આમ છે: તમારામાંનો એક કહે છે, “હું પાઉલને અનુસરું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું અપોલોસને અનુસરું છું,” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું કેફાને અનુસરું છું;” તો કોઈ વ્યક્તિ કહે છે, “હું ખ્રિસ્તને અનુસરું છું.” 13 ખ્રિસ્તને વિવિધ જૂથોમાં વિભાજીત ન કરી શકાય. શું પાઉલ તમારા માટે વધસ્તંભ પર મરણ પામેલો? ના! તમે પાઉલના નામે બાપ્તિસ્મા પામ્યા હતા? ના! 14 મને આનંદ છે કે કિસ્પુસ અને ગાયસ સિવાય બાકીના કોઈને પણ મેં બાપ્તિસ્મા આપ્યાં ન હતાં. 15 મને આનંદ છે કારણ કે હવે કોઈ પણ એવું કહી શકશે નહિ કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા છો. 16 (મેં સ્તેફનાસના પરિવારને તો બાપ્તિસ્મા આપેલુ, પણ એ સિવાય મેં બીજા કોઈનું પણ બાપ્તિસ્મા કર્યુ હોય તેવું હું જાણતો નથી.) 17 ખ્રિસ્તે મને લોકોને બાપ્તિસ્મા આપવાનું કામ સોંપ્યું ન હતું. ખ્રિસ્તે તો મને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું હતું. પરંતુ ખ્રિસ્તે મને દુન્યવી શાણપણના શબ્દોનો ઉપયોગ કર્યા સિવાય સુવાર્તા કહેવા મોકલ્યો હતો. જો મેં દુન્યવી જ્ઞાનનો સુવાર્તા કહેવામાં ઉપયોગ કર્યો હોત, તો ખ્રિસ્તના વધસ્તંભેતેનું સાર્મથ્ય ગુમાવ્યું હોત. 18 જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે. 19 શાસ્ત્રોમાં આ પ્રમાણે લખ્યું છે કે:“હું જ્ઞાની માણસોના જ્ઞાનનો વિનાશ કરીશ. હું બુધ્ધિમાન માણસોની બુધ્ધિને નિર્માલ્ય બનાવી દઈશ.” યશાયા 29:14 20 જ્ઞાની વ્યક્તિ ક્યાં છે? શિક્ષિત વ્યક્તિ ક્યાં છે? આ યુગનો તત્વજ્ઞાની ક્યાં છે? દેવે દુન્યવી જ્ઞાનને મૂર્ખતામાં ફરવી દીધું છે. 21 તેમના આ જ જ્ઞાન વડે દેવ આવું ઈચ્છતો હતો: દુનિયા પોતાના જ્ઞાનથી દેવને ન ઓળખી શકી ત્યારે સુવાર્તા પ્રગટ કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવે ઈચ્છયું. 22 યહૂદિઓ પ્રમાણ તરીકે ચમત્કારોની માગણી કરે છે. ગ્રીકો શાણપણ માગે છે. 23 પણ અમે આવો ઉપદેશ આપીએ છીએ: ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. આ યહૂદિઓ માટે અસ્વીકાર્ય છે. અને બિનયહૂદિઓને આ મૂર્ખામી ભરેલું લાગે છે. 24 દેવે જેને બોલાવ્યો તેવા યહૂદિ (પસંદ કરેલા) અને ગ્રીક લોકો માટે ખ્રિસ્ત તો દેવનું સાર્મથ્ય તથા જ્ઞાન છે. 25 દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે. 26 ભાઈઓ અને બહેનો, દેવે તમને પસંદ કર્યા. તેના વિષે વિચાર કરો! અને દુનિયા જે રીતે જ્ઞાનને મુલવે છે, તે રીતે તમારામાંના ઘણા જ્ઞાની ન હતા. તમારામાના ઘણાનો વિશિષ્ટ પ્રભાવ ન હતો. કે તમારામાંના ઘણા વિશિષ્ટ ખાનદાનમાંથી પણ આવતા ન હતા. 27 જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી. 28 જગત જેને બિનમહત્વનું ગણે છે, અને જેને દુનિયા ધિક્કારે છે જે કશું જ નથી. દેવ તેને પસંદ કરે છે. જેને જગતે મહત્વનું ગણ્યું તેનો વિનાશ કરવા માટે દેવે પસંદ કર્યુ. 29 કોઈ પણ માણસ દેવ સામે બડાશ મારી શકે નહિ તેથી દેવે આમ કર્યુ. 30 દેવ એક જ છે જે આપણને ખ્રિસ્ત ઈસુના અંશરૂપ બનાવે છે. દેવ તરફથી ખ્રિસ્ત આપણું શાણપણ બન્યો છે. ખ્રિસ્તના કારણે આપણે દેવે પ્રત્યે ન્યાયી છીએ. ખ્રિસ્તના કારણે પાપમાંથી મુક્તિ મળી છે. ખ્રિસ્તના કારણે જ આપણે પવિત્ર છીએ. 31 તેથી જેમ શાસ્ત્રલેખ કહે છે, “જો કોઈ વ્યક્તિ અભિમાન કરે તો તે ફક્ત પ્રભુમાં જ અભિમાન કરે.”
2:1 પ્રિય ભાઈઓ અને બહેનો, જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે મેં તમારી સમક્ષ દેવ વિષેનું સત્ય પ્રગટ કર્યુ. પણ મેં સુશોભિત વચનો કે ઉત્કૃષ્ટ જ્ઞાનનો ઉપયોગ કર્યો ન હતો. 2 મેં નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી હું તમારી સાથે હોઈશ ત્યાં સુધી હું ઈસુ ખ્રિસ્ત અને તેના વધસ્તંભ પરના મૃત્યુ સિવાય દરેક વસ્તુ ભૂલી જઈશ. 3 જ્યારે હું તમારી પાસે આવ્યો, ત્યારે હું અશક્ત હતો અને ભયથી ધ્રૂજતો હતો. 4 મારી વાણી અને મારો ઉપદેશ લોકો સમજે અને સંમત થાય તેવા જ્ઞાની વચનોથી ભરપૂર ન હતાં. પરંતુ આત્માએ મને જે શક્તિ આપી તે મારા ઉપદેશનું પ્રમાણ હતું. 5 મેં આમ કર્યુ જેથી કરીને તમારો વિશ્વાસ માણસના જ્ઞાન કરતા દેવના સાર્મથ્યમાં જળવાઈ રહે. 6 જે લોકો પરિપકવ છે તેમને અમે જ્ઞાનનો ઉપદેશ શીખવીએ છીએ, પરંતુ જે જ્ઞાન અમે આપીએ છીએ તે આ દુનિયાનું નથી. તે આ દુનિયાના શાસકોનું જ્ઞાન નથી કે જે શાસકો તેમની સત્તા ગુમાવી રહ્યા છે. 7 પરંતુ અમે દેવના રહસ્યપૂર્ણ જ્ઞાન વિષે કહીએ છીએ કે જે જ્ઞાન લોકોથી છુપાવવામાં આવ્યું હતું. દેવે આ જ્ઞાન આપણા જ મહિમા માટે આયોજિત કરેલું. જગતનાં પ્રારંભ પૂર્વેથી દેવે આ યોજના કરેલી. 8 આ જગતના કોઈ પણ અધિકારીઓ આ શાણપણનો પાર પામી શક્યા નથી. જો તેઓ તે સમજી શક્યા હોત, તો તેઓ પ્રભુને વધસ્તંભે ન જડત. 9 પરંતુ જે રીતે શાસ્ત્રમાં લખ્યું છે તે રીતે,“નથી આંખે જોયું, નથી કાને સાભળ્યું, નથી કોઈ વ્યક્તિએ કલ્પના કરી કે તે લોકો જેઓ તેને પ્રેમ કરે છે તેમના માટે દેવે શું તૈયાર કર્યુ છે.” યશાયા 64:4 10 પરંતુ દેવે બધી બાબતો આપણને આત્મા દ્વારા દર્શાવી છે. આત્મા આ બધી બાબતો જાણે છે.આત્મા તો દેવનાં ઊડા રહસ્યોને પણ જાણે છે. 11 તે આ પ્રમાણે છે: કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિના વિચારો જાણી શક્તી નથી. ફક્ત તે વ્યક્તિમાં રહેલો આત્મા જ તે વિચારો જાણી શકે છે. દેવ સાથે પણ આમ જ છે. દેવના વિચારો કોઈ જાણી શકતું નથી. ફક્ત દેવનો આત્મા જ તે વિચારો જાણે છે. 12 જગતના આત્માને તો આપણે પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ દેવ તરફથી પ્રાપ્ત થયેલા આત્માને આપણે મેળવ્યો છે. આપણે આ આત્મા પ્રાપ્ત કર્યો છે, તેથી દેવે આપેલી વસ્તુઓને આપણે જાણી શકીએ છીએ. 13 જ્યારે અમે આ વાતો કહીએ છીએ ત્યારે અમે મનુષ્યે શીખવેલા શબ્દો વાપરતા નથી. અમે આત્માએ શીખવેલા શબ્દો વાપરીએ છીએ. અમે આત્મિક બાબતો સમજાવવા આત્મિક શબ્દો વાપરીએ છીએ. 14 જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે. 15 પરંતુ આધ્યાત્મિક મનુષ્ય પ્રત્યેક બાબતોની મૂલવણી કરવા માટે સક્ષમ હોય છે. બીજા લોકો તેને મૂલવી શક્તા નથી. શાસ્ત્રલેખ કહે છે કે: 16 “પ્રભુનું મન કોણ જાણી શકે? પ્રભુએ શું કરવું તે કોણ તેને કહી શકે?” યશાયા 40:13પરંતુ આપણી પાસે ખ્રિસ્તનું મન છે.
3:1 ભાઈઓ અને બહેનો, ભૂતકાળમાં હું તમારી સાથે વાતચીત નહોતો કરી શક્યો જે રીતે હું આધ્યાત્મિક માણસો સાથે વાતચીત કરું છું. મારે તમારી સાથે દુન્યવી માણસોની રીતે વાતચીત કરવી પડેલી-ખ્રિસ્તમાં બાળકોની જેમ. 2 જે શિક્ષણ મેં તમને આપેલું તે દૂધ જેવું હતું, અને નક્કર આહાર જેવું ન હતું. મેં આમ કર્યુ કારણ કે નક્કર આહાર માટે તમે તૈયાર ન હતા. અને અત્યારે પણ તમે નક્કર આહાર માટે તૈયાર નથી. 3 હજુ સુધી તમે આધ્યાત્મિક માનવી નથી. તમારામાં ઈર્ષ્યા અને વિવાદ છે. આ દર્શાવે છે કે તમે આધ્યાત્મિક બન્યા નથી. તમે તો દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. 4 તમારામાંનો એક કહે છે કે, “હું પાઉલને અનુસરું છું.” અને કોઈ વ્યક્તિ કહે છે કે, “હું અપોલોસને અનુસરું છું.” જ્યારે તમે આવી બાબતો કહો છો, ત્યારે તમે દુન્યવી માણસો જેવું જ વર્તન કરો છો. 5 શું આપોલોસ મહત્વપૂર્ણ છે? ના! શું પાઉલ મહત્વપૂર્ણ છે? ના! અમે તો ફક્ત દેવના સેવકો છીએ જેણે તમને વિશ્વાસ કરવામાં મદદ કરી. અમારામાંના પ્રત્યેક જણે દેવે અમને જે કામ સોંપ્યું હતું તે કર્યુ. 6 મેં બીજ વાવ્યાં અને અપોલોસે તેને પાણી સિંચ્ચુ. પરંતુ દેવે તે બીજ અંકુરિત કર્યુ. 7 તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે. 8 જે વ્યક્તિ વાવે છે અને જે વ્યક્તિ જળ સિંચે છે તેમનો હેતુ તો સરખો જ છે. અને પ્રત્યેક વ્યક્તિને તેના કામનો બદલો મળશે. 9 આપણે દેવ માટેના સહકાર્યકરો છીએ અને તમે દેવની માલિકીનું ખેતર છો. અને તમે દેવની માલિકીનું મકાન છો. 10 એક કુશળ કારીગરની જેમ મેં મકાનનો પાયો નાખ્યો. આમ કરવા માટે મેં દેવે આપેલા કૃપાદાનનો ઉપયોગ કર્યો.બીજા લોકો તે પાયા પર બાંધકામ કરી રહ્યા છે. પણ દરેક વ્યક્તિએ તે કેવી રીતે બાંધે છે તેની કાળજી રાખવી જોઈએ. 11 પાયાનું તો ક્યારનું ય ચણતર થઈ યૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ બીજો પાયો બનાવી શકે નહિ. પાયો કે જે ક્યારનો ય ચણાઈ ચૂક્યો છે તે ઈસુ ખ્રિસ્ત છે. 12 તે પાયા પર વ્યક્તિ સોનું, ચાંદી, સમૂલ્ય પથ્થર, લાકડું ઘાસ કે પરાળ વગેરેનો ઉપયોગ કરીને બાંધકામ કરી શકે. 13 પરંતુ પ્રત્યેક વ્યક્તિ જે કામ કરશે તે સ્પષ્ટપણે દેખાશે કારણ કે તે દિવસ તેને પ્રગટ કરશે. તે દિવસઅગ્રિની જવાળાઓ સહિત પ્રગટ થશે અને અગ્રિ પ્રત્યેક વ્યક્તિના કાર્યને પારખશે. 14 જો કોઈ પણ વ્યક્તિનું મકાન તેના પાયા પર ટકશે તો તે વ્યક્તિને તેનો બદલો મળશે. 15 પરંતુ જો તે વ્યક્તિનું મકાન આગમાં બળી જશે તો તેને નુકશાન ભોગવવું પડશે. તે વ્યક્તિ બચી તો જશે પરંતુ તે અજ્ઞિમાંથી તેની જાતને બચાવ્યા જેવું હશે. 16 તમારે જાણવું જોઈએ કે તમે પોતે જ દેવનું મંદિર છો. દેવનો આત્મા તમારામાં નિવાસ કરે છે. 17 જો કોઈ પણ વ્યક્તિ દેવના મંદિરનો વિનાશ કરશે તો દેવ તે વ્યક્તિનો વિનાશ કરશે. શા માટે? કારણ કે દેવનું મંદિર પવિત્ર છે. તમે પોતે જ દેવનું મંદિર છો. 18 તમારી જાતને મૂર્ખ ન બનાવો. જો તમારામાંનો કોઈ એમ વિચારે કે દુનિયામાં તે જ્ઞાની છે, તો તેણે જ્ઞાની થવા મૂર્ખ બનવું. પછી જ તે વ્યક્તિ વાસ્તવમાં જ્ઞાની બની શકશે. 19 શા માટે? કારણ કે આ દુનિયાનું જ્ઞાન તો દેવ માટે મૂર્ખતા સમાન છે કારણ કે તે શાસ્ત્રલેખમાં લખેલ છે કે, “તે જ્ઞાની માણસોને જ્યારે તેઓ પ્રપંચો કરે છે, ત્યારે પકડે છે.” 20 શાસ્ત્રલેખોમાં તો આવું પણ લખેલું છે કે, “પ્રભુ જ્ઞાની માણસોને વિચારોને જાણે છે. તે એમ પણ જાણે છે કે તેમના વિચારોનું કશું જ મૂલ્ય નથી.” 21 તેથી તમારે માણસો વિષે બડાશ મારવી જાઈએ નહિ. દરેક વસ્તુઓ તમારી જ છે. 22 પાઉલ, અપોલોસ અને કેફા: વિશ્વ, જીવન, મૃત્યુ, વર્તમાન તેમજ ભવિષ્ય-આ બધી જ વસ્તુઓ તમારી છે. 23 અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે.
4:1 લોકોએ અમારા વિષે આમ માનવું જોઈએ: અમે તો ઈસુ ખ્રિસ્તના સેવકો છીએ. અમે એવા લોકો છીએ કે જેને મર્મોના કારભારીઓ ગણવા. 2 જો કોઈ વ્યક્તિનો કશાક માટે વિશ્વાસ કરવામાં આવે તો તેણે દર્શાવવું જોઈએ કે તે વ્યક્તિ તે વસ્તુનો વિશ્વાસ કરવા લાયક છે. 3 મારો તમે ન્યાય કરો તેની મને પરવા નથી. અને કોઈ માનવ અદાલત દ્વારા મારો ન્યાય થાય તેની પણ મને પરવા નથી. હું તો મારા પોતાનો પણ ન્યાય કરતો નથી. 4 મેં કોઈ પણ ખરાબ કૃત્યો કર્યા હોય તેવી મને જાણકારી નથી. પરંતુ તેનાથી હું નિર્દોષ સાબિત થતો નથી. પ્રભુ જ એક એવો છે જે મારો ન્યાય કરી શકે છે. 5 તેથી યોગ્ય સમય પહેલાં ન્યાય ન કરો, પ્રભુ આવે ત્યાં સુધી રાહ જુઓ. તે જે વસ્તુઓ અંધકારમાં છુપાઈ છે તેના પર પ્રકાશ પાડશે તે લોકોના હૃદયના ગુપ્ત ઈરાદાઓને જાહેર કરી દેશે. પછી દેવ દરેક વ્યક્તિને તેને મળવી જોઈએ તેટલી પ્રશંસા આપશે. 6 ભાઈઓ અને બહેનો, આ બાબતો અંગે મેં અપોલોસ અને મારો પોતાનો જ ઉદાહરણ તરીકે ઉપયોગ કર્યો છે. મેં આમ કર્યુ જેથી કરીને તમે અમારામાંથી શબ્દના અર્થ પામી શકો, “ફક્ત જે શાસ્ત્રલેખમાં લખ્યું છે તેનો જ અમલ કરો. પછી તમે કોઈ એક વ્યક્તિ માટે ગૌરવ નહિ અનુભવો કે બીજી વ્યક્તિને તિરસ્કાકશો નહિ. 7 કોણ કહે છે કે તમે બીજા લોકો કરતાં વધુ સારા છો? તમારી પાસે જે કાંઈ છે તે તમને આપવામાં આવ્યું હતું, તો પછી તમે તે વસ્તુઓ તમારી પોતાની તાકાતના જોરે મેળવી હોય તેવી બડાશ કેમ મારો છો? 8 તમે માનો છો કે તમારી પાસે તમારી જરૂરિયાતની દરેક વસ્તુ છે. તમે માનો છો કે તમે ધનવાન છો. તમે માનો છો કે અમારા વગર તમે રાજાઓ બની ગયા છો. હું ઈચ્છું અને આશા કરું છું કે તમે ખરેખર રાજા હો! તો પછી અમે પણ તમારી સાથે રાજા બની શકીએ. 9 પરંતુ મને એમ લાગે છે કે દેવે મને અને બીજા પ્રેરિતોને અંતિમ સ્થાન આપ્યું છે. અમે તો તે માણસો જેવા છીએ કે જેને અન્ય લોકોની નજર સામે મરવું પડે છે. અમે તો આખા જગત-દૂતો અને લોકોની નજરે તમાશા જેવા થયા છીએ. 10 અમે તો ખ્રિસ્ત માટે મૂર્ખ છીએ. પરંતુ તમે માનો છો કે તમે ખ્રિસ્તમાં ઘણા જ્ઞાની છો. અમે તો નિર્બળ છીએ. પરંતુ તમે માનો છો કે તમે શક્તિશાળી છો. લોકો તમને માન આપે છે, પણ અમારું અપમાન કરે છે. 11 અત્યારે પણ અમારી પાસે પૂરતું ખાવા કે પીવાનું નથી કે અમારી પાસે પૂરતાં કપડાં નથી. અમારે ઘણી વાર માર ખાવો પડે છે. અમારી પાસે કોઈ ઘર નથી. 12 અમારે અમારી જાતે અમારા પોતાના હાથે અમને પોષવા સખત પરિશ્રમ કરવો પડે છે. લોકો અમને શાપ આપે છે. પરંતુ અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. લોકો અમને હેરાનગતિ કરે છે, અને અમે તે સ્વીકારીએ છીએ. 13 લોકો અમારા વિષે ખરાબ બોલે છે, પરંતુ અમે તેમને સારી બાબતો કહીએ છીએ. આ ક્ષણે પણ લોકો હજુ પણ અમારી સાથે એવો વર્તાવ કરે છે કે જાણે અમે જગતનો કચરો અને સમાજનો મેલ હોઈએ. 14 હું તમને શરમાવવાનો પ્રયત્ન કરવા માગતો નથી. પરંતુ આ બધી બાબતો હું તમને ચેતવણી આપવા માટે લખી રહ્યો છું. જાણે તમે મારા પોતાના જ પ્રિય બાળકો હો! 15 ખ્રિસ્તમાં તમારી પાસે 10,000 શિક્ષકો હશે, પરંતુ તમારી પાસે અનેક પિતા નહિ હોય. સુવાર્તા દ્વારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા બન્યો છું. 16 તેથી કરીને હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા જેવા બનો. 17 તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું. 18 તમારામાંના કેટલાએક બડાઈખોર બની ગયા છો. તમે બડાશ મારો છો, એવું માનીને કે હું તમારી પાસે ફરીથી આવીશ નહિ. 19 પરંતુ હું બહુજ જલ્દી તમારી પાસે આવીશ. હું આવીશ, જો પ્રભુ એમ મારી પાસેથી ઈચ્છતો હશે તો. પછી હું જોઈશ કે આ બડાઈખોરો શું કઈ કરી શકે છે કે માત્ર બોલી જ શકે છે. 20 મારે આ જોવું પડશે કારણ કે દેવનું રાજ્ય બોલવામાં નહિ પરંતુ સાર્મથ્યમાં છે. 21 તમે શું પસંદ કરો છો:હું તમારી પાસે તમને શિક્ષા કરવા આવું તે, કેપછી તમારી પાસે પ્રેમ અને નમ્રતા લઈ આવું તે?
5:1 લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે. 2 અને હજુ પણ તમે તમારી જાત માટે ગૌરવ અનુભવો છો! તમારે તો ઉદાસીથી ઘેરાઈ જવું જોઈતું હતું. અને પેલો માણસ કે જેણે આવું કામ કર્યુ તેનો તમારા જૂથમાંથી બહિષ્કાર કરવો જોઈતો હતો. 3 મારું શરીર ત્યાં તમારી સાથે નથી, પરંતુ આત્મા સ્વરૂપે હું તમારી સાથે જ છું અને જે માણસે આવું પાપ કર્યુ છે તેનો મેં ક્યારનો ય ન્યાય કર્યો છે. હું ત્યાં હાજર હોત અને મે તેનો જે ન્યાય કર્યો હોત તે જ પ્રમાણે મેં તેના ન્યાય કર્યો છે. 4 આપણા પ્રભુ ઈસુના નામથી એકઠા થાવ. હું તમારી સાથે આત્મા સ્વરૂપે હોઈશ, અને તમારી સાથે આપણા પ્રભુ ઈસુનું સાર્મથ્ય હશે. 5 તો પછી આ માણસને શેતાનને સોંપી દો, જેથી તેની પાપયુક્ત જાતનો વિનાશ થાય. પછી તેના આત્માનું પ્રભુના દિવસે તારણ થઈ શકે. 6 તમે અભિમાન રાખો છે તે સારું નથી. તમે આ કહેવત જાણો છો, “થોડુ ખમીરઆખા લોંદાને ફુલાવે છે.” 7 તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે. 8 તો ચાલો આપણે આપણું પાસ્ખા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહિ. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે. પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ. આ તો સજજનતા અને સત્યની રોટલી છે. 9 મેં તમને મારા પત્રમાં લખેલું કે જે લોકો વ્યભિચારનું પાપ કરતાં હોય તેવા લોકો સાથે તમારી જાતને સંડોવશો નહિ. 10 પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો. જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે, અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે, અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે. તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે. 11 હું તમને તે જણાવવા લખી રહ્યો છું કે તે વ્યક્તિની સાથે તમારે સંકળાવું નહિ જે પોતાને ખ્રિસ્તમાં ભાઈ કહેવડાવે પરંતુ વ્યભિચારનું પાપ કરે, અથવા સ્વાર્થી હોય, અથવા મૂર્તિની ઉપાસના કરે, અથવા લોકો સાથે ખરાબ વાણી ઉચ્ચારે, અથવા છાકટો હોય, અથવા લોકોને છેતરે. આવી વ્યક્તિ સાથે તો ભોજન પણ કરશો નહિ. 12 જે લોકો મંડળીના ભાગરૂપ નથી તેવા લોકોને ન્યાય કરવાનું કામ મારું નથી. દેવ તેવા લોકોનો ન્યાય કરશે. પરંતુ તમારે જે લોકો મંડળીના ભાગરૂપે છે તેઓને ન્યાય કરવો જ પડશે. શાસ્ત્રલેખ કહે છે, “દુષ્ટ વ્યક્તિને તમારા જૂથમાંથી દૂર કરો.” 13
6:1 જ્યારે તમારામાંની એક વ્યક્તિને તકરાર હોય, તો શા માટે તમે ન્યાયાધીશો પાસે કાયદાની અદાલતોમાં જાઓ છો? તે માણસો દેવ સાથે ન્યાયી હોતા નથી. તો શા માટે તે લોકોને તમે શું ન્યાયી છે તેનો નિર્ણય કરવા દો છો? તમારે તો શરમાવું જોઈએ! શા માટે તમે સંતોને કોણ ન્યાયી છે તેનો નિર્ણય કરવા દેતા નથી? 2 નિશ્ચિત રીતે તમે જાણો જ છો કે સંતો જ જગતનો ન્યાય કરશે. તો જો તમે જગતનો ન્યાય કરશો તો પછી આવી નજીવી વાતને ન્યાય કરવા માટે તમે સક્ષમ છો જ. 3 તમે જાણો છો કે ભવિષ્યમાં આપણે દૂતોને ન્યાય કરીશું. તેથી નિશ્ચિત રીતે આપણે આ જીવનની બાબતોની મૂલવણી કરી શકીએ છીએ. 4 તેથી તમારી જો અસંમતિ હોય તો તેનો ન્યાય થવો જોઈએ, શા માટે તમે આ બાબતો તે લોકો સધી લઈ જાઓ છો કે જે મૈંડળીના ભાગરૂપ નથી? તે લોકો મૈંડળી માટે કોઈ વિસાતમાં નથી. 5 તમને શરમાવવા હું આમ કહી રહ્યો છું. નિશ્ચિત રીતે તમારામાંથી બે ભાઈઓ વચ્ચેની ફરિયાદ દૂર કરી શકે તેવો કોઈ જ્ઞાની માણસ તમારા જૂથમાં હશે! 6 પરંતુ હવે એક ભાઈ બીજા ભાઈની વિરૂદ્ધમાં ન્યાયાલયમાં જાય છે. લોકો જે વિશ્વાસુ નથી તેવા લોકોને તમે તમારા મુકદમાનો ન્યાય કરવાનું કહો છો! 7 જે કાનૂની કાર્યવાહી તમે એકબીજા વિરૂદ્ધ કરી છે તે પૂરવાર કરે છે કે તમે ક્યારનાય પરાજિત થઈ ચૂક્યા છો. એના બદલે તો કોઈ વ્યક્તિને તમે તમારા વિરૂદ્ધ કઈક ખોટું કરવા દીધું હોત તો સારું થાત! તમે કોઈને તમારી જાતને છેતરવા દીઘી હોત તો સારું થાત! 8 પરંતુ તમે તમારી જાતેજ ખોટા કામ કરો છો અને છેતરો છો! અને તે પણ તમે ખ્રિસ્તના જ તમારા પોતાના ભાઈઓ સાથે આમ કરો છો! 9 તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે. 10 11 ભૂતકાળમાં, તમારામાંના કેટલાએક આવા હતા. પરંતુ તમારું શુદ્ધિકરણ કરવામાં આવ્યું, અને તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા અને દેવના આત્મા દ્વારા દેવ સાથે ન્યાયી બનાવવામાં આવ્યા. 12 “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ. 13 “ભોજન પેટ માટે છે, અને પેટ ભોજન માટે છે.” હા. પરંતુ દેવ બંનેનો વિનાશ કરશે. શરીર અનૈતિક શારીરિક પાપ માટે નથી. શરીર પ્રભુ માટે છે, અને પ્રભુ શરીર માટે છે. 14 દેવે તેના સાર્મથ્યથી પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો. દેવ આપણને પણ ઉઠાડશે. 15 નિશ્ચિત રીતે તમે જાણો છો કે તમારા શરીર સ્વયં ખ્રિસ્તના અંશરૂપો છે. તેથી હું કદાપિ ખ્રિસ્તના અંશરૂપ શરીરને વેશ્યા સાથે ન જોડી શકુ! 16 શાસ્ત્રલેખમાં આ પ્રમાણે લખેલ છે કે: “બે વ્યક્તિઓ એક દેહ થશે.”તેથી તમારે જાણવું જોઈએ કે જે વ્યક્તિ એક વેશ્યા સાથે શારીરિક સંબંધથી જોડાશે તે તેની સાથે શરીરમાં એક બનશે. 17 પરંતુ જે વ્યક્તિ પોતાની જાતને પ્રભુ સાથે જોડે છે તે તેની સાથે આત્મામાં એક થાય છે. 18 તેથી વ્યભિચારથી નાસો. અન્ય બીજા જે કઈ પાપ વ્યક્તિ કરે છે તે તેના શરીરની બહાર રહીને કરે છે. પરંતુ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે તેના પોતાના શરીર વિરુંદ્ધ કરે છે. 19 તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી. 20 દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.
7:1 હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે. 2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ. 3 પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. 4 પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. 5 એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે. 6 થોડાક સમય માટે એકબીજાથી અલગ રહેવાથી અનુમતિ આપવા માટે હું આમ કહું છું. તે આજ્ઞા નથી. 7 હું ઈચ્છું છું કે બધાજ લોકો મારા જેવા હોય. પરંતુ દરેક વ્યક્તિને દેવ તરફથી કઈક વિશિષ્ટ કૃપાદાન પ્રાપ્ત થયેલું છે. એક વ્યક્તિ પાસે અમુક કૃપાદાન છે, તો બીજી વ્યક્તિ પાસે બીજું જ કોઈ કૃપાદાન છે. 8 હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. 9 પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે. 10 હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. 11 પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ. 12 બીજા બધાજ લોકો માટે હું આમ કહું છું. (પ્રભુ નહિ, હું આ બાબતો કહી રહ્યો છું.) ખ્રિસ્તમય બનેલા બંધુને એવી પત્ની હોઈ શકે કે જે વિશ્વાસુ ન હોય. જો તે તેની સાથે રહેવા સંમત હોય તો તેણે છૂટાછેડા આપવા ન જોઈએ. 13 અને એક સ્ત્રીને એવો પતિ હોય કે જે વિશ્વાસુ ન હોય પણ તેની પત્ની સાથે રહેવા સંમત હોય તો પછી તેણે તેને છૂટાછેડા ન આપવા જોઈએ. 14 પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે. 15 પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે. 16 પત્નીઓ તરીકે તમે કદાચ તમારા પતિનો બચાવ કરી શકો; અને પતિઓ, તમે કદાચ તમારી પત્નીનો બચાવ કરી શકો. અત્યારે તો તમે જાણતા નથી કે પછી શું બનવાનું છે. 17 પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો. 18 જ્યારે વ્યક્તિને તેડવામાં આવે છે તે સમયે જો તેની સુન્નત થઈ ગઈ હોય, તો પછી તેણે તેની સુન્નતમાં પરિવર્તન કરવું જોઈએ નહિ. જ્યારે તેડવામાં આવે ત્યારે વ્યક્તિ સુન્નત વગરનો હોય, તો પછી તેની સુન્નત થવી જોઈએ નહિ. 19 વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે મહત્વનું નથી. દેવની આજ્ઞાઓનું પાલન મહત્વનું છે. 20 દરેક વ્યક્તિને જે સ્થિતિમાં તેડવામાં આવી હોય તેમાં જ તે રહે. 21 દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે જો ગુલામ હો, તો તે બાબતની તમે ચિંતા ન કરો. પરંતુ જો તમે મુક્ત બની શકો, તો મુક્ત બનો. 22 વ્યક્તિ કે જેને પ્રભુએ જ્યારે તેડયો, ત્યારે તે ગુલામ હતો તે પ્રભુમાં મુક્ત છે. તે જ પ્રમાણે જ્યારે તે વ્યક્તિને તેડવામાં આવ્યો ત્યારે તે મુક્ત હતો. હવે ખ્રિસ્તનો સેવક છે. 23 મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા છે તેથી મનુષ્યોના ગુલામો ન બનો. 24 ભાઈઓ અને બહેનો, દેવથી નવજીવનમાં તમારામાંના પ્રત્યેકને જ્યારે દેવે તેડયા હતા ત્યારે જે રસ્તે તમે હતા તે જ રીતે તમારી જીવન પદ્ધતિનું સાતત્ય જાળવો. 25 હવે હું જે કુવારીઓ છે તેઓના વિષે લખીશ. પ્રભુ તરફથી મને આ અંગે કોઈ આજ્ઞા મળી નથી. પરંતુ હું મારો અભિપ્રાય આપું છું. મારો વિશ્વાસ કરો કારણ કે પ્રભુની દયા મારા પર છે. 26 આ મુશ્કેલીનો સમય છે. તેથી હું માનું છું કે તમે જેવા છો એવી જ સ્થિતિમાં રહો તે તમારા માટે સારું છે. 27 જો તમારે પત્ની હોય, તો તેનાથી છૂટા થવાનો પ્રયાસ ન કરશો. જો તમે વિવાહિત ન હો તો પત્ની શોધવાનો પ્રયાસ ન કરશો. 28 પરંતુ જો તમે લગ્ર કરવાનો નિર્ણય કરો, તો તે પાપ નથી. અને જે કુંવારી કદી પરણી જ નથી, તેવી કુવારી માટે લગ્ન કરવું તે પાપ નથી. પરંતુ જે લોકો પરણશે તેમને આ જીવનમાં વિપત્તિઓ તો થવાની જ છે. હું તમને આ વિપત્તિઓથી મુક્ત કરવા ઈચ્છુ છું. 29 ભાઈઓ અને બહેનો, હું સમજું છું કે: આપણી પાસે હવે ઘણો સમય રહ્યો નથી. તે અત્યારથી શરું કરીને, જે લોકો પાસે પત્નીઓ છે તેમણે એ રીતે દેવની સેવામાં તેમનો સમય વ્યતીત કરવો જોઈએ જાણે તેમને પત્નીઓ છે જ નહિ. 30 લોકો, જે વિષાદગ્રસ્ત છે તેમણે એ રીતે જીવવું જાણે કે તેમને કોઈ વિષાદ છે જ નહિ. લોકો જે આનંદિત છે તેમણે એ રીતે જીવવું જાણે તેઓ આનંદિત છે જ નહિ. લોકો જે વસ્તુઓ ખરીદે છે તેમણે એ રીતે જીવવું જાણે તેમની પાસે કશું જ નથી. 31 લોકો જે દુન્યવી વસ્તુઓનો ઉપભોગ કરે તેમણે તે રીતે જીવવું જાણે તે વસ્તુઓનું તેમને કોઈ મહત્વ જ નથી. તમારે આ રીતે જીવવું, કારણ કે આ જગત જે રીતે અત્યારે છે તે ખૂબ ઝડપથી ચાલ્યું જવાનું છે. 32 તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 33 પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. 34 તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 35 તમને મદદ કરવાના હેતુથી આ બાબતો હું કહી રહ્યો છું. હું તમને સીમાબદ્ધ કરવા નથી માગતો. પરંતુ તમે યોગ્ય રીતે જીવન જીવો તેમ હું ઈચ્છું છું. અને તમે બીજી કોઈ દુન્યવી બાબતમાં સમય નષ્ટ કર્યા સિવાય તમારી સંપૂર્ણ જાતને પ્રભુને સમર્પિત કરી દો એમ હું ઈચ્છું છું. 36 જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી. 37 પરંતુ બીજી વ્યક્તિ તેના વિચારમાં વધુ મક્કમ હોઈ શકે. લગ્ન માટેની કોઈ જરુંર નથી, તેથી તે જે કરવા ઈચ્છે તેના માટે તે મુક્ત છે. જો આ વ્યક્તિએ તેના હૃદયમાં તેની કુમારિકાને અવિવાહિત રાખવાનો નિર્ણય કર્યો હોય તો તે સારું કરી રહી છે. 38 તેથી વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપે છે તે યોગ્ય જ કરે છે, અને વ્યક્તિ કે જે તેની કુમારિકાને લગ્ન માટે સોંપતો નથી તે વધારે યોગ્ય કાર્ય કરે છે. 39 સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ. 40 જો તે સ્ત્રી ફરીથી લગ્ન ન કરે તો તે વધુ પ્રસન્ન રહેશે. આ મારો અભિપ્રાય છે, અને હું માનું છું કે મારામાં દેવના આત્માનો નિવાસ છે.
8:1 હવે હું મૂર્તિઓને ઘરેલા નૈંવેદ વિષે લખીશ આપણે જાણીએ છીએ કે, “આપણા બધા પાસે જ્ઞાન છે.” “જ્ઞાન” તમને અભિમાનથી ચકચૂર કરી દે છે. પરંતુ તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે. 2 વ્યક્તિ જે માને છે કે તે કઈક જાણે છે તે તેણે ખરેખર જે રીતે જાણવું જોઈએ તેમાનું કશું જ જાણતો નથી. 3 પરંતુ જે વ્યક્તિ દેવને પ્રેમ કરે છે તેને દેવ ઓળખે છે. 4 તેથી હું મૂર્તિઓના નૈંવેદ ખાવા અંગે આમ કહેવા માગું છું: આપણે જાણીએ છીએ કે મૂર્તિ જેવું ખરેખર આ જગતમાં કોઈ અસ્તિત્વ નથી. આપણે એ પણ જાણીએ છીએ કે દેવ ફક્ત એકજ છે. 5 જો લોકો જેને દેવો કહે છે તેવી ઘણી વસ્તુઓ પૃથ્વી પર અને આકાશમાં હોય, તો તેનું કોઈ મહત્વ નથી. (અને ઘણી વસ્તુઓ એવી છે કે જેને લોકો “દેવો” અને “પ્રભુ” તરીકે સંબોધન કરે છે.) 6 પરંતુ આપણા માટે તો ફક્ત એકજ દેવ છે. તે આપણો પિતા છે. દરેક વસ્તુઓનું સર્જન તેનાથી થયું છે અને આપણે તેના માટે જ જીવિત છીએ. અને પ્રભુ તો ફક્ત એક જ છે. તે ઈસુ ખ્રિસ્ત છે. દરેક વસ્તુઓનું સર્જન તેના દ્વારા થયું છે, અને તેના દ્વારા જ આપણને પણ જીવન પ્રાપ્ત થયું છે. 7 પરંતુ બધા લોકો આ બાબત જાણતા નથી. છતાં ત્યાં કેટલાએક લોકો છે જેઓને મૂર્તિપૂજા કરવાની આદત પડેલી હતી. તેથી જ્યારે તે લોકો નૈંવેદ ખાય છે ત્યારે તેઓ હજુ પણ એમ જ માને છે કે તે મૂર્તિઓને છે. તેઓ મનમાં સ્પષ્ટ નથી કે આ નૈવેદ ખાવો યોગ્ય છે. તેથી જ્યારે તેઓ તે ખાય છે, ત્યારે તેઓ અપરાધભાવ અનુભવે છે. 8 પરંતુ ખોરાકથી આપણે દેવની સમીપ નહિ પહોંચીએ ને ખાવાનો ઈન્કાર કરવાથી દેવને આપણે ઓછા પ્રસન્ન કરતા નથી. તે ખાવાથી આપણે વધારે સારા બની જતા પણ નથી. 9 પરંતુ તમારી છૂટ અંગે સાવધ રહો. તમારી છૂટ જે લોકો તેમનાં વિશ્વાસમાં નિર્બળ છે તેવા લોકોને પાપના પતનમાં દોરવા જોઈએ નહિ. 10 તમારી પાસે સમજશક્તિ છે, તેથી મૂર્તિના મંદિરમાં તમે છૂટથી ખાઈ શકાય એમ વિચારો પણ જે વ્યક્તિ વિશ્વાસમાં નિર્બળ છે તે તમને ત્યાં ખાતા જુએ તો તે કાર્ય તેને પણ મૂર્તિઓના નૈવેદમાં બલિનું માંસ ખાવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ ખરેખર તે માને છે કે તે અનુચિત છે. 11 તેથી આ નિર્બળ ભાઈ તમારા જ્ઞાનને કારણે નાશ પામે. અને ખ્રિસ્ત તો આ ભાઈ માટે જ મૃત્યુ પામેલો. 12 જ્યારે તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનોની વિરૂદ્ધ આ પ્રકારનું પાપ કરો છો, અને જે બાબતોને તેઓ અનુચિત ગણે છે તે કરવા તમે તેમને પ્રેરો છો જેનાથી તેઓને આધાત લાગે છે. તો તમે આ રીતે ખ્રિસ્તની વિરૂદ્ધ પાપ કરો છો. 13 જેથી જે આહાર હું ગ્રહણ કરું છું જેના દ્વારા મારો ભાઈ પાપ કરવા પ્રેરાય છે, તે પછી ફરી ક્યારેય હું માંસ નહિ ખાઉં. હું માંસ ખાવાનું બંધ કરી દઈશ, જેથી હું મારા ભાઈને પાપ કરવા ન પ્રેરી શકું.
9:1 હું સ્વતંત્ર માનવ છું! હું પ્રેરિત છું! મેં આપણા પ્રભુ ઈસુનાં દર્શન કર્યા છે. પ્રભુ પરત્વેના મારા કાર્યમાં તમે લોકો એક ઉદાહરણ છો. 2 બીજા લોકો મને પ્રેરિત તરીકે કદાચ ન સ્વીકારે, પરંતુ તમે તો નિશ્ચિતરૂપે મને પ્રેરિત તરીકે સ્વીકારો છો. પ્રભુમાં હું પ્રેરિત છું તેનું તમે લોકો પ્રમાણ છો. 3 કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: 4 આપણને ખાવા-પીવાનો અધિકાર છે. શું નથી? 5 યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે. 6 બાર્નાબાસ અને હું જ ફક્ત એવા છીએ કે જેમણે આજીવિકા કમાવા માટે કશુંક કામ કરવું પડે. 7 કોઈ પણ સૈનિક લશ્કરમાં તેની સેવા માટે તેનો પોતાનો પગાર તે પોતે ચૂકવતો નથી. કોઈ પણ વ્યક્તિ કદી દ્રાક્ષના બગીચા લગાવી તેમાંથી થોડી ઘણી દ્રાક્ષ પોતે ને ખાય તેમ બનતું નથી. કોઈ પણ વ્યક્તિ ટોળાંની સંભાળ રાખે ને થોડું દૂધ ન પીએ તેમ બનતું નથી. 8 ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે. 9 હા, મૂસાના નિયમશાસ્ત્રમાં તે લખેલું છે કે: “જ્યારે પગરમાં અનાજને છૂટું પાડવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું મોઢૂં બાંધી દઈને તેને અનાજ ખાતા ન અટકાવો.”જ્યારે દેવે આમ કહ્યું, ત્યારે તે શું માત્ર બળદનો જ વિચાર કરતો હતો? ના. 10 તે ખરેખર આપણા વિષે વિચાર કરતો હતો. હા, તે શાસ્ત્ર આપણા માટે લખાયું છે. વ્યક્તિ કે જે ખેડે છે અને વ્યક્તિ કે જે અનાજને છૂટું પાડે છે તે તેમની મહેનત માટે તેમણે બદલાની આશા રાખવી જોઈએ. 11 અમે તમારામાં આધ્યાત્મિક બીજનું પ્રત્યારોપણ કર્યુ છે. અને તેથી આ જીવન માટે અમે થોડીક વસ્તુનો પાક લણી શકીએ. આ કઈ વધારે પડતી માગણી નથી. 12 બીજા લોકોને તમારી પાસેથી વસ્તુઓ મેળવવાનો હક્ક છે. તે અમને પણ જરુંરથી આ હક્ક છે. પરંતુ અમે આ અધિકારનો ઉપયોગ કરતા નથી. ના, અમે અમારી જાતે બધું સહન કરીએ છે કે જેથી કોઈને પણ ખ્રિસ્તની સુવાર્તાને અનુસરવામાં વિધ્નરુંપ ન બનીએ. 13 તમે ખરેખર જાણો છો કે જે લોકો મંદિરમાં કામ કરે છે તેઓ તેઓને આહાર મંદિરમાંથી મેળવે છે. અને જેઓ વેદી સમક્ષ સેવા કરે છે, તેઓ વેદીને ઘરાવેલા નૈવેદનો અંશ મેળવે છે. 14 જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને માટે પણ આમ જ છે. પ્રભુનો આદેશ છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને જીવન નિર્વાહ તેઓના આ કાર્ય થકી થવો જોઈએ. 15 પરંતુ આમાના કોઈ પણ અધિકારનો મેં ઉપયોગ કર્યો નથી અને આ વસ્તુ મેળવવાનો હું કોઈ પ્રયત્ન પણ કરતો નથી. તમને લખવાનો મારો આ હેતુ નથી. મને અભિમાન કરવાનું કારણ છીનવી લેવામાં આવે તેના કરતા તો હું મૃત્યુને પસંદ કરીશ. 16 સુવાર્તા પ્રગટ કરવી તે મારા અભિમાનનું કારણ નથી સુવાર્તા પ્રગટ કરવી એ તો મારી ફરજ છે - એ મારે કરવું જ જોઈએ. જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો એ મારા માટે ઘણું અનુચિત હશે. 17 જો મારી પોતાની પસંદગીથી હું સુવાર્તા પ્રગટ કરું તો હું પુરસ્કારને પાત્ર છું. પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ નથી. મારે સુવાર્તા પ્રગટ કરવી જ જોઈએ. મને સોંપવામાં આવેલી ફરજ માત્ર હું બજાવું છું. 18 તો મને ક્યો પુરસ્કાર મળે છે? મારો પુરસ્કાર આ છે: કે જ્યારે હું સુવાર્તા આપું છું, હું વિનામૂલ્ય આપું છું. અને આ રીતે વળતર મેળવવાના મારા અધિકારનો હું ઉપયોગ કરતો નથી કે જે સુવાર્તાનો ઉપદેશ આપવા માટે મને આપવામાં આવ્યો છે. 19 હું સ્વતંત્ર છું. હું કોઈ વ્યક્તિને આધિન નથી. પરંતુ મેં મારી જાતને બધાની ગુલામ બનાવી છે. હું આમ જેટલા બની શકે તેટલા વધારે લોકોનો ઉદ્ધાર કરવા માટે કરું છું. 20 હું યહૂદિઓ સાથે યહૂદિ જેવો થયો છું. યહૂદિઓનો ઉદ્ધાર કરવા હું આમ કરું છું. હું મારી જાતે નિયમને આધીન નથી. પરંતુ એ લોકો કે જેઓ નિયમને આધિન છે, પણ તેઓ માટે હું એક કે જે નિયમને આધિન છે તેના જેવો હું બન્યો. 21 જે લોકો નિયમ વગરના છે તેઓને માટે હું જે નિયમ વગરના છે તેવો હું બન્યો છું. હું આમ નિયમ વગરના લોકોનો ઉદ્ધાર કરવા માટે કહું છું. (પરંતુ ખરેખર, હું દેવના નિયમ વગરનો નથી - હું ખ્રિસ્તના નિયમને આધિન છું.) 22 જે લોકો નિર્બળ છે, તેઓ પ્રત્યે હું નિર્બળ બનું છું, કે જેથી હું તેઓના ઉદ્ધાર માટે મદદ કરી શકું. હું સર્વ લોકો માટે બધું જ બન્યો છું. મેં આમ કર્યુ કે જેથી દરેક સંભવિત રીતે હું લોકોનો ઉદ્ધાર કરી શકું. 23 મેં આ બધી વસ્તુઓ સુવાર્તાને કારણે કરી. મેં આ બધી વસ્તુઓ કરી છે કે જેથી સુવાર્તાના આશીર્વાદનો હું સહભાગી થઈ શકું. 24 તમે જાણો છો કે દરેક દોડનાર સ્પર્ધામાં દોડે છે, પરંતુ માત્ર એકજ દોડનાર પુરસ્કૃત થાય છે. તેથી તે રીતે દોડો. વિજયી થવા દોડો! 25 બધાજ લોકો જે રમતમાં હરિફાઈ કરે છે તે લોકો સખત તાલીમનો ઉપયોગ કરે છે. તેઓ આમ કરે કે જેથી તેઓ મુગટ મેળવવા વિજયી થાય. તે મુગટ દુન્યવી વસ્તુ છે કે જે અલ્પ સમય માટે ટકી રહે છે. પરંતુ આપણો મુગટ અવિનાશી છે. 26 તેથી હું એવી વ્યક્તિની જેમ દોડું છું કે જેની સામે એક લક્ષ્ય છે. હું એવા મુક્કાબાજની જેમ લડું છું જે કોઈક વસ્તુ પર પ્રહાર કરે છે, માત્ર હવામાં નથી મારતો. 27 એ મારું પોતાનું શરીર છે જેના પર હું પ્રહાર કરું છું. હું તેને મારું ગુલામ બનાવું છું. હું આમ કરું છું કે જેથી લોકોને ઉપદેશ આપ્યા પછી મારી ઉપેક્ષા ન થાય.
10:1 ભાઈઓ અને બહેનો, આપણા પૂર્વજો કે જે મૂસાને અનુસરેલા તેઓને સાથે શું બન્યું હતું, તે તમે જાણો તેમ હું ઈચ્છું છું. તેઓ બધા એક વાદળ નીચે હતા અને તેઓ દરિયો પસાર કરી ગયા. 2 મૂસામાં તે બધાજ લોકો વાદળ અને દરિયામાં બાપ્તિસ્મા પામ્યા હતા. 3 તેઓ બધાએ એ જ આત્મિક અન્ન ખાધું હતું. 4 તેઓ બધાએ એક સમાન આત્મિક પીણું પીધું હતું. તેઓએ તેઓની સાથે રહેલા આત્મિક ખડકમાંથી પીણું પીધું હતું. તે ખડક ખ્રિસ્ત હતો. 5 પરંતુ દેવ મોટા ભાગના લોકોથી સંતુષ્ટ ન હતો. તેઓને રણપ્રદેશમાં મારી નાખવામાં આવ્યા. 6 આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા. 7 મૂર્તિઓની ઉપાસના ન કરશો જેમ પેલા લોકોએ કરેલી. એવું શાસ્ત્રલેખમાં લખેલું છે કે: “લોકો ખાવા-પીવા માટે નીચે બેઠા. લોકો નૃત્ય માટે ઊભા થયા.” 8 આપણે વ્યભિચારના પાપો જે તેમાંના કેટલાએક લોકોએ કર્યા તે નહિ કરવા જોઈએ. તેઓના પાપોને કારણે એક જ દિવસમાં તેઓમાંના 23,000 લોકો મૃત્યુ પામ્યા. 9 તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું. 10 અને તેઓમાંના કેટલાએક લોકોએ ફરિયાદ કરેલી તેમ ન કરો. તે લોકોને જે વિનાશકર્તા છે એવા દૂત દ્વારા તેમને મારી નાખવામાં આવેલા હતા. 11 જે ઘટનાઓ પેલા લોકો સાથે ઘટી હતી તે ઉદાહરણરુંપ છે. અને તે બાબતો આપણા માટે ચેતવણીરૂપે લખાઈ હતી. આપણે એવા સમયગાળામાં અત્યારે રહીએ છીએ કે જ્યારે ભૂતકાળના દરેક ઈતિહાસની સમાપ્તિને આરે આવી પહોંચ્ચા છે. 12 તેથી જે વ્યક્તિ માને છે કે તે સ્થિર ઊભો રહી શકે છે તેણે નીચે પડી ન જવાય તેની સંભાળ રાખવી જોઈએ. 13 બધા લોકો પર જે પરીક્ષણ આવે છે તે જ પરીક્ષણો તમારા પર પણ આવે છે. પરંતુ તમે દેવમાં ભરોસો રાખી શકો છો. તમારી સહનશક્તિની સીમા બહાર તે તમને વધારે પરીક્ષણમાં પડવા દેશે નહિ. પરંતુ જ્યારે તમે પરીક્ષણમાં પડો, ત્યારે તે પરીક્ષણમાંથી છટકવા માટેનો રસ્તો પણ દેવ જ તમને બતાવશે, તેથી તમે સહન કરી શકો. 14 તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. 15 તમે બુદ્ધિશાળી લોકો છો એમ માનીને હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું; હું જે કઈ કહી રહ્યો છું તે તમે તમારી જાતે જ મૂલવો. 16 આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને? 17 રોટલીનો ત્યાં એક જ ટુકડો છે, અને આપણે ઘણા માણસો છીએ. પરંતુ આપણે બધા તે એક રોટલીના ટુકડાને વહેંચીએ છીએ. તેથી ખરેખર તો આપણે એક શરીર જ છીએ. 18 ઈસ્રાએલના લોકો વિષે વિચાર કરો. એ લોકો કે જે વેદી પર ચડાવેલા યજ્ઞાર્પણો ખાય છે. તેઓ વેદીના ભાગીદાર છે, શું તેઓ આમ નથી કરતા? 19 હું એમ કહેવા નથી માગતો કે મૂર્તિને ચડાવેલું નૈવેદ કોઈ મહત્વની વસ્તુ છે અને મૂર્તિ કઈક છે એવું તો હું જરાપણ કહેવા નથી માગતો. ના! 20 પરંતુ હું કહું છું કે મૂર્તિને લોકો જે વસ્તુઓનું બલિદાન ચડાવે છે તે તો ભૂતપિશાચોને ચડાવેલું બલિદાન છે, નહિ કે દેવને, અને ભૂતપિશાચો સાથે કોઈ પણ બાબતમાં તમારી ભાગીદારી હું ઈચ્છતો નથી. 21 તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી. તમે પ્રભુના તેમ જ ભૂતપિશાચોના મેજના સહભાગી થઈ શકો નહિ. 22 શું આપણે પ્રભુને ઈર્ષ્યાળુ બનાવવા માગીએ છીએ? શું આપણે તેનાથી વધુ જોરાવર છીએ? ના! 23 હા, “બધી જ વસ્તુઓ મંજૂર છે.” પણ બધી જ વસ્તુઓ સારી નથી. હા. “બધી જ વસ્તુની પરવાનગી છે.” પરંતુ કેટલીક વસ્તુઓ બીજાઓને વધારે શક્તિશાળી બનવામાં ઉપયોગી થતી નથી. 24 કોઈ પણ વ્યક્તિએ માત્ર તેની જાતને જ મદદરુંપ થાય તેવું કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. અન્યને મદદરુંપ થાય તેવું કરવાનો તેણે પ્રયત્ન કરવો જોઈએ. 25 જે કઈ બજારમાં માંસ વેચાતું હોય તે પ્રેરબુદ્ધિથી આત્મા કહે કે તે તમારે ખાવાને યોગ્ય હોય તો કોઈ પણ પ્રશ્ન તે માંસ વિષે પૂછયા વિના ખાઓ. 26 તમે તે ખાઈ શકો કારણ કે, “પૃથ્વી અને પૃથ્વીની અંદરની દરેક વસ્તુ પ્રભુની છે.” 27 વ્યક્તિ કે જે વિશ્વાસી નથી તે તમને તેની સાથે જમવાનું આમંત્રણ આપે. જો તમે જવા ઈચ્છતા હો તો તમારી આગળ જે કઈ મૂકવામાં આવે તે તમે જમો. તમારા મતે અમુક વસ્તુ ખાવી યોગ્ય છે તે દર્શાવવા પ્રશ્નો ન પૂછો. 28 પરંતુ એક વ્યક્તિ જો તમને કહે, “કે આ ખોરાક મૂર્તિને ઘરવામાં આવેલો હતો.” તો તે ખોરાક ખાશો નહિ. તે ખાશો નહિ. શા માટે? કારણ કે તમને જે વ્યક્તિએ કહ્યું તેના વિશ્વાસને તમે આંચ પહોંચાડવા નથી માગતા. અને તે જ સમયે, લોકો માને છે કે અર્પણ કરેલું ખાવું તે ખોટું છે. 29 હું એમ નથી કહેતો કે તમારા મતે તે ખોટું છે. પરંતુ અન્ય વ્યક્તિ માને છે કે તે ખોટું છે. આ એક જ કારણે હું તે માંસ ન ખાઉ. મારી પોતાની સ્વતંત્રતા અન્ય વ્યક્તિ વિચારે તે રીતે મૂલવાવી ન જોઈએ. 30 હું ત્ર્ક્ષણી થઈને ભોજન જમું છું. અને તેથી જે વસ્તુ માટે હું દેવનો ત્ર્ક્ષણી છું તેના માટે હું ટીકાને પાત્ર થવા નથી માગતો. 31 તેથી તમે ખાઓ કે તમે પીવો કે તમે જે કઈ કરો, તે દેવના મહિમા માટે કરો. 32 એવું કઈ પણ ન કરો કે જે બીજા લોકોને અનિષ્ટ કરવા માટે પ્રેરે-યહૂદિઓ, ગ્રીકો અથવા દેવની મંડળીઓ. 33 હું તેમ જ કરું છું. હું પ્રત્યેક વ્યક્તિને દરેક રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરું છું. જે મારા માટે સારું છે તે કરવાનો પ્રયત્ન નથી કરતો. હું મોટા ભાગના લોકો માટે જે સારું છે તે કરવાનો પ્રયત્ન કરું છું, કે જેથી તેમનું તારણ થાય.
11:1 જેમ હું ખ્રિસ્તના નમૂનાને અનુસરું છું તેમ તમે મને અનુસરો. 2 દરેક બાબતોમાં તમે મને યાદ કરો છો તેથી હું તમારાં વખાણ કરું છું. જે શિક્ષણ મેં તમને આપ્યું છે તેને તમે ચુસ્તતાથી અનુસરો છો. 3 પરંતુ તમે આ જાણો એમ હું ઈચ્છું છું: દરેક પુરુંષનું શિર ખ્રિસ્ત છે. અને સ્ત્રીનું શિર પુરુંષ છે. અને ખ્રિસ્તનું શિર દેવ છે. 4 કોઈ પણ પુરુંષ દેવ તરફથી પ્રબોધકરતાં કે પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકેલું રાખે તો તે પોતાના માથાનું અપમાન કરે છે. 5 અને જે કોઈ પણ સ્ત્રી ઉઘાડા માથે દેવની પ્રાર્થના કે પ્રબોધ કરતી હોય તો તેના માથાનું અપમાન કરે છે. તેણે માથુ ઢાંકેલું રાખવું જોઈએ. જો તે તેનું માથુ ઢાંકતી નથી તો તે સ્ત્રી પેલી સ્ત્રી જેવી જ છે જેણે પોતાના કેશ કપાવી નાખ્યા હોય. 6 જો કોઈ સ્ત્રી પોતાનું મસ્તક ઢાંકતી ન હોય તો તેણે પોતાના માથાનાં બધાંજ વાળ કપાવી નાખવા જોઈએ. પરંતુ સ્ત્રી માટે વાળ કપાવવા અને માથુ મુંડાવવું શરમજનક હોય, તો પછી તેણે તેનું મસ્તક ઢાંકવું જોઈએ. 7 પરંતુ પુરુંષે તેનું માથુ ન ઢાકવું જોઈએ. શા માટે? કારણ કે તે દેવનો મહિમા છે અને તેને દેવ જેવો બનાવવામાં આવ્યો છે. પરંતુ સ્ત્રી પુરુંષનો મહિમા છે. 8 પુરુંષ સ્ત્રીમાંથી આવ્યો નથી, પરંતુ સ્ત્રી પુરુંષમાંથી આવી છે. 9 અને પુરુંષને સ્ત્રી માટે નહિ, પરંતુ સ્ત્રીને પુરુંષ માટે બનાવવામાં આવી. 10 તેથી સ્ત્રીએ પોતાની આધીનતા દર્શાવવા માટે પોતાનું માથુ ઢાંકેલું રાખવું જોઈએ. દૂતોને કારણે પણ તેણે આમ કરવું જોઈએ. 11 પરંતુ પ્રભુમાં તો સ્ત્રી પુરુંષ માટે, અને પુરુંષ સ્ત્રી માટે મહત્વપૂર્ણ છે. 12 આ સત્ય છે કારણ કે સ્ત્રી પુરુંષમાંથી ઉદભવી પણ પુરુંષ સ્ત્રીમાંથી જન્મ્યો. ખરેખર, દરેક દેવમાંથી ઉદભવ્યા છે. 13 તમારા પોતાના માટે નિર્ણય કરો: માથા પર કશું પણ ઢાંક્યા વગર સ્ત્રી દેવની પ્રાર્થના કરે તે શું યોગ્ય છે? 14 કુદરત પોતે તમને શીખવે છે કે લાંબા દેશ પુરુંષ માટે શોભાસ્પદ નથી. 15 પરંતુ લાંખા કેશ સ્ત્રી માટે માનદાયક છે. તેના મસ્તકને ઢાંકવા માટે સ્ત્રીને લાંબા કેશ આપવામાં આવ્યા છે. 16 કેટલાએક લોકો હજુ પણ આ બાબત અંગે દલીલ કરવા ઈચ્છે છે. પરંતુ અમે કે દેવની મંડળીઓ આ લોકો જે કરી રહ્યા છે તેને સ્વીકારતા નથી. 17 જે બાબતો વિષે હવે હું જે કહી રહ્યો છું તેમાં હું તમારી પ્રશંસા કરતો નથી. તમારી સભાઓ તમને મદદકર્તા બનવાને બદલે તમને નુકસાનકર્તા બને છે. 18 પ્રથમ તો હું સાંભળું છું કે જ્યારે તમે મંડળીમાં એકઠા થાઓ ત્યારે તમારામાં ભાગલા પડેલા હોય છે. આમાંથી કેટલીક બાબતોને હું માનું છું. 19 તમારામાં મતભેદ હોય તે જરુંરી પણ છે. જેથી કરીને ખરેખર તમે જે કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ શકે. 20 જ્યારે તમે બધા જ ભેગા થાવ, ત્યારે તમે વાસ્તવમાં આવું સાચું પ્રભુનું ભોજનખાતાં નથી. 21 શાથી? કારણ કે તમે જ્યારે ભોજન ખાવા બેસો છો તો તમે બીજાની પ્રતિક્ષા કરતા જ નથી. કેટલાએક લોકો પૂરતું ખાવા કે પીવા માટે મેળવી શકતા નથી, તે કેટલાએક લોકો વધારે મેળવે છે તો તે છાટકા બને છે. 22 તમે તમારા પોતાના ઘરોમાં પણ ખાઈ-પી શકો છો! એમ લાગે છે કે તમે એમ માનો છો કે દેવની મંડળી મહત્વપૂર્ણ છે જ નહિ. જે લોકો દરિદ્રી છે તેમને તમે શરમમાં નાખો છો. મારે તમને શું કહેવું? શું મારે આમ કરવા માટે તમારી પ્રશંસા કરવી? હું તમારી પ્રશંસા કરતો નથી. 23 જે ઉપદેશ મેં પ્રભુ પાસેથી પ્રાપ્ત કર્યો છે, તે જ ઉપદેશ મેં તમને આપ્યો છે: જે રાત્રે પ્રભુ ઈસુને મારી નાખવા માટે સોંપવામાં આવ્યો, ત્યારે તેણે રોટલી લીધી 24 અને તેના માટે સ્તુતિ કરી. પછી તેણે રોટલીના ભાગ પાડ્યા અને કહ્યું કે, “આ મારું શરીર છે; તે તમારા માટે છે. મને યાદ કરવા માટે એમ કરો.” 25 તે જ રીતે, જમી લીધા પછી, ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો. ઈસુએ કહ્યું કે, “આ દ્રાક્ષારસ દેવનો તેના લોકો તરફનો નવો કરાર પ્રસ્થાપિત કરે છે. આ નવા કરારનો મારા રક્ત વડે પ્રારંભ થાય છે. જ્યારે તમે તેને પીઓ ત્યારેં મને યાદ કરો.” 26 દરેક વખતે જ્યારે તમે આ રોટલી ખાવ અને આ પ્યાલામાંથી પીઓ ત્યારે પ્રભુનું પુનરાગમન થાય ત્યાં સુધી તેના મૃત્યુનો પ્રચાર કરો. 27 જો કોઈ વ્યક્તિ અયોગ્ય રીતે રોટલી ખાય કે પ્રભુનો પ્યાલો પીએ તો તે વ્યક્તિ પ્રભુના શરીર અને રક્તની વિરુંદ્ધ પાપ કરે છે. 28 દરેક વ્યક્તિએ રોટલી ખાતા અને પ્યાલો પીતા પહેલા પોતાનું અંતઃકરણ તપાસવું જોઈએ. 29 જો વ્યક્તિ શરીરને ઓળખ્યા વગર રોટલી ખાય છે અથવા પીએ છે, તો તે વ્યક્તિને ખાધાથી તથા પીધાથી દોષિત ઠરાવવામાં આવે છે. 30 તેથી જ તમારા જૂથમાં ઘણા બધા બિમાર અને અશક્ત છે. અને ઘણા બધા મરણને શરણ થયા છે. 31 પરંતુ જો આપણે આપણી જાતને મૂલવીએ, તો દેવ આપણો ન્યાય કરશે નહિ. 32 પરંતુ જ્યારે પ્રભુ આપણને મૂલવે છે, ત્યારે તે આપણને સાચો માર્ગ બતાવવા સજા કરે છે. જગતના અન્ય લોકો સાથે આપણને દોષિત ઠરાવવામાં ન આવે તેથી તે આમ કરે છે. 33 તેથી, મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે ભોજન માટે મળો ત્યારે તમે એકબીજાની રાહ જુઓ. 34 જો કોઈ વ્યક્તિ અતિશય ભૂખી થઈ જાય, તો તેણે તેના ઘરે જમી લેવું જોઈએ. દેવનો ન્યાય તમારા એક સાથે મળવા પર ન તોળાય તેથી આ કરો. જ્યારે હું આવું ત્યારે બીજી બાબતો અંગે તમારે શું કરવું તે તમને જણાવીશ.
12:1 હવે ભાઈઓ અને બહેનો, તમારી પાસે આત્મિક દાનો અંગે સમજ હોય તેમ હું ઈચ્છું છું. 2 તમે વિશ્વાસુ બન્યા તે પહેલાં તમે જે જીવનજીવતા હતા તેને યાદ કરો. તમે તમારી જાતને પ્રભાવિત થવા દઈને તમે મૂર્તિપૂજા તરફ દોરવાઈ ગયા હતા. તે વસ્તુઓની પૂજા કે જેનામાં કોઈ જીવન હોતું નથી. 3 તેથી હું તમને કહું છું કે દેવના આત્માની મદદ વડે બોલનાર વ્યક્તિ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માની મદદ વગર એમ ન કહી શકે કે, “ઈસુ જ પ્રભુ છે.” 4 આત્મિક કૃપાદાનો વિવિધ પ્રકારના હોય છે, પરંતુ તે બધા એક જ આત્મા તરફથી પ્રાપ્ત થયેલા છે. 5 સેવાકાર્યના વિવિધ માર્ગો છે, પરંતુ આ બધાજ માર્ગો એ જ પ્રભુ પાસેથી મેળવેલા છે. દેવ લોકોમાં વિવિધ પ્રકારે કાર્યો કરે છે, પરંતુ આ દરેક પ્રકારો તો એક જ પ્રભુ તરફથી મેળવેલા છે. 6 અને દેવ વિવિધ પ્રકારે લોકોમાં કામ કરે છે, પરંતુ આ બધી જ રીતો એ એક જ દેવની છે. આપણે બધા બધું જ કરવા માટે તે કાર્યો કરીએ છીએ. 7 દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે. 8 આત્મા એક વ્યક્તિને શાણપણવાળી વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. જ્યારે આ જ આત્મા બીજી વ્યક્તિને પરમજ્ઞાન વાણી બોલવાનું સાર્મથ્ય પ્રદાન કરે છે. 9 આ જ આત્મા એક વ્યક્તિને વિશ્વાસ પ્રદાન કરે છે. અને તે જ આત્મા બીજી વ્યક્તિને સાજાં કરવાનું દાન પ્રદાન કરે છે. 10 આ જ આત્મા વડે બીજી વ્યક્તિને ચમત્કારો કરવાનું સાર્મથ્ય, તો અન્યને પ્રબોધ કરવાની ક્ષમતા અને અન્ય વ્યક્તિને સારા અને ખરાબ આત્માઓ વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે. આ જ આત્મા એક વ્યક્તિને વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા, તો બીજી વ્યક્તિને તે ભાષાઓના અર્થઘટન કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. 11 તે એક જ આત્મા આ બધી પ્રકિયા કરે છે. આત્મા પ્રત્યેક વ્યક્તિને શું આપવું તેનો નિર્ણય કરે છે. 12 એક વ્યક્તિનું શરીર તો એક જ છે, પરંતુ તેના અવયવો ઘણા છે. હા, શરીરને ઘણા અવયવો છે, પરંતુ બધાજ અવયવો ફક્ત એક જ શરીરને ઘડે છે. ખ્રિસ્ત પણ તે પ્રમાણે જ છે: 13 આપણમાંના કેટલાએક યહૂદિ છીએ તો કેટલાએક ગ્રીક લોકો; આપણામાંના કેટલાએક ગુલામ છીએ તો કેટલાએક સ્વતંત્ર. પરંતુ આપણે બધાજ એક જ આત્મા દ્વારા એક જ શરીરમાં બાપ્તિસ્મા પામેલા છીએ અને આપણને બધાને તે જ એક આત્મા પ્રદાન કરવામાં આવ્યો છે. 14 અને વ્યક્તિનું શરીર એક અવયવનું બનેલું નથી. પણ વધારે અવયવોનું બનેલું છે. તેને ઘણા અવયવો હોય છે. 15 જો પગ આમ કહે કે, “હું હાથ નથી. તેથી મારે શરીર સાથે કોઈ સંબંધ નથી.” પરંતુ પગના આમ કહેવાથી તે શરીરનો એક અવયવ મટી જતો નથી. 16 જો કાન આમ કહે કે, “હું આંખ નથી તેથી શરીર સાથે મારે કોઈ સંબંધ નથી.” પરંતુ કાનના આમ કહેવાથી તે શરીરના અવયવરુંપે મટી જતો નથી. 17 જો સમગ્ર શરીર આંખ હોત, તો સાંભળવા માટે સક્ષમ ન હોત. જો આખું શરીર કાન હોત, તો કશું પણ સૂંધવા માટે શરીર સક્ષમ ન હોત. 18 પણ દેવે દરેક અવયવને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો દરેક ભાગ જુદા હોય તો શરીર શરીર રહેતું નથી. પરંતુ દેવે દરેક માટે સ્થાન નિશ્ચિત કર્યુ છે. આપણા શરીરના ઘણા અવયવોને તેની ઈચ્છા પ્રમાણે ગોઠવ્યા છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? 19 20 અને તેથી હવે શરીરના અનેક ભાગો છે પણ શરીર ફક્ત એક છે. 21 આંખ હાથને નથી કહી શકતી કે મારે તારી જરૂર નથી!” અને તે જ રીતે મસ્તક પગોને નથી કહી શકતું કે, “મારે તારી જરૂર નથી.” 22 ના! શરીરના તે અવયવો જે દેખીતી રીતે વધારે નિર્બળ લાગે છે તે વાસ્તવમાં ખરેખર ઘણા જ મહત્વના છે. 23 અને શરીરના એ અવયવો કે જેમને આપણે ખાસ મૂલ્યવાન નથી ગણતા તેમની જ આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. અને શરીરના એ અવયવો કે જે આપણે પ્રદર્શિત કરવા નથી ઈચ્છતા તેમની આપણે વિશિષ્ટ દરકાર કરીએ છીએ. 24 ખરેખર તો આપણા શરીરના સૌથી સુંદર ભાગોને કોઈ વિશિષ્ટ કાળજીની જરુંર પડતી નથી. પણ જે ભાગ ને ઓછું માન અપાયું હતું તેને દેવે વિશેષ માન આપીને વ્યવસ્થિત રીતે શરીરમાં જોડ્યા છે. 25 દેવે આમ કર્યુ છે કે જેથી આપણું અંગ વિભાજીત ન થઈ જાય. દેવની ઈચ્છા એવી હતી કે બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. 26 જો શરીરનો એક અવયવ પીડાય તો તેની સાથે શરીરના બીજા બધાજ અબયવોને પણ વેદના થશે. અથવા શરીરનો કોઈ એક અવયવ સન્માનિત થાય તો બીજા બધા જ અવયવો પણ આનંદ પામે છે. 27 તમે બધા સમૂહ તરીકે ખ્રિસ્તનું શરીર છો. વ્યક્તિગત રીતે તમે દરેક તે શરીરનો કોઈ એક અવયવ છો. 28 અને મંડળીમાં દેવે પ્રેરિતોને પ્રથમ સ્થાન, પ્રબોધકોને દ્વિતીય સ્થાન અને તૃતીય સ્થાન ઉપદેશકને આપેલું છે. પછી દેવે જે લોકો ચમત્કારો કરે છે તેઓને માટે પણ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. અને તે જ રીતે જે લોકોની પાસે રોગીઓને સાજા કરવાની ક્ષમતા છે, જે લોકો અન્યને મદદરુંપ થાય છે, જે લોકોમાં અગ્રેસરનો ગુણ છે અને જે લોકો વિવિધ ભાષાઓ બોલે છે તેઓને માટે પણ દેવે કોઈ એક સ્થાન નિશ્ચિત કર્યુ છે. 29 બધા લોકો પ્રેરિતો નથી કે બધા લોકો પ્રબોધકો થઈ શકે નહિ. બધા લોકો ચમત્કારો પણ કરી શકતા નથી. 30 કે બધાની પાસે બીજાને સાજા કરવાની ક્ષમતા પણ નથી. બધા લોકો જુદી જુદી ભાષામાં બોલી શકતા નથી. બધા લોકો આ ભાષાઓનું અર્થઘટન કરવા માટે સમર્થ નથી હોતા. 31 તમારે તો ખરેખર આત્માના ઉત્તમ કૃપાદાનોની જ ઈચ્છા રાખવી જોઈએ. હું તમને સૌથી ઉત્તમ માર્ગ દર્શાવીશ.
13:1 જો હું માણસોની તથા દૂતોની વિવિધ ભાષા બોલી શકું, પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો હું રણકારો કરનાર ઘૂઘરી કે ઝમકાર કરતી એક ઝાઝ માત્ર છું. 2 જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય તો, હું દેવની તમામ રહસ્યપૂર્ણ વાતો જાણતો હોઉં અને સર્વ બાબતમાં જ્ઞાની હોઉં, અને પર્વતોને હઠાવી દે એવો મારો વિશ્વાસ હોય. પરંતુ આ બધી બાબતો ઉપરાંત જો મારામાં પ્રીતિ ન હોય તો હું કશું જ નથી. 3 મારી પાસે જે કઈ છે તે બધું જ હું લોકોને ખવડાવવા માટે આપી દઉં. અને હું મારું શરીર પણ અર્પણ તરીકે અગ્રિને સોંપી દઉં. પરંતુ જો મારામાં પ્રીતિ ન હોય તો પછી મને કોઈ લાભ નથી. 4 પ્રીતિ સહનશીલ છે અને પ્રીતિ પરોપકારી છે. પ્રીતિમાં ઈર્ષ્યા નથી, તે બડાશ મારતી નથી અને તે ગર્વિષ્ઠ પણ નથી. 5 પ્રીતિ ઉદ્ધત નથી, પ્રીતિ સ્વાર્થી નથી અને પ્રીતિ આસાનીથી ક્રોધિત પણ થઈ જતી નથી. પ્રીતિ તેની સામે થયેલા અનુચિત વ્યવહારને યાદ રાખથી નથી. 6 પ્રીતિ દુષ્ટતા સાથે નહિ, પરંતુ પ્રીતિ સત્ય સાથે પ્રસન્ન હોય છે. 7 પ્રીતિ ધૈર્ય સાથે આ બાબતોને સ્વીકાર્ય ગણે છે. પ્રીતિ હમેશા વિશ્વાસ કરે છે, હમેશા આશા રાખે છે, અને હમેશા મદદરુંપ બને છે. હમેશા સહન કરે છે. 8 પ્રીતિ ક્યારેય નામશેષ થતી નથી. દેવ તરફથી ભવિષ્ય કથન કરવાનાં દાનો છે, પણ તે તો સમાપ્ત થઈ જશે. વિવિધ ભાષાઓમાં વકતવ્ય આપવાના દાનો છે, પણ તે દાનો પણ નામશેષ થઈ જશે. જ્ઞાનનું દાન છે, પણ તે અસ્ત પામશે. 9 આ વસ્તુઓનો અંત આવશે કારણ કે જે જ્ઞાન અને ભવિષ્ય કથન આપણી પાસે છે તે અપૂર્ણ છે. 10 પરંતુ જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થશે ત્યારે અપૂર્ણતાનો અંત આવશે. 11 જ્યારે હું બાળક હતો ત્યારે બાળક જેવી વાતચીત કરતો; બાળક જેવું વિચારતો; બાળક જેવી યોજનાઓ ઘડતો. પણ હું જ્યારે પુરુંષ બન્યો, ત્યારે મેં બાળકો જેવું વર્તન છોડી દીઘું છે. 12 આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ. 13 તેથી વિશ્વાસ, આશા, અને પ્રીતિ. આ બધામાં પ્રીતિ શ્રેષ્ઠ છે.
14:1 પ્રીતિ એ એવી બાબત છે કે જેના માટે તમારે પ્રયત્ન કરવો જોઈએ. અને ખરેખર તમારે આત્મિક દાનની અભિલાષા રાખવી જોઈએ. એ બધામાં સૌથી વધુ પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ. 2 તે શા માટે તે હું સમજાવીશ: જે વ્યક્તિમાં વિવિધ ભાષાઓ બોલવાની ક્ષમતા છે તે લોકોને સંબોધતા નથી પરંતુ તે દેવને સંબોધે છે. તે વ્યક્તિને કોઈ સમજી શકતું નથી. કારણ કે આત્મા થકી તે મર્મો વિષે બોલે છે. 3 પરંતુ જે વ્યક્તિ પ્રબોધ કરે છે, તે લોકોને કહે છે. તે લોકોને સાર્મથ્ય, પ્રોત્સાહન અને દિલાસો આપે છે. 4 જે વ્યક્તિ અન્ય ભાષા બોલે છે તે માત્ર પોતાની જાતને જ મદદરુંપ થાય છે, પરંતુ પ્રબોધક તો આખી મંડળીને મદદરુંપ થાય છે. 5 તમારા બધામાં વિવિધ ભાષા બોલવાની ક્ષમતા હોય તે મને ગમશે. પરંતુ તમારી પ્રબોધ કરવાની ક્ષમતા મને વધુ ગમશે. પ્રબોધક વિવિધ ભાષી કરતાં વધુ મહાન છે. જે વ્યક્તિ વિવિધ ભાષી છે તે પ્રબોધક જેવો જ છે, જો તે બધી ભાષાઓનું અર્થઘટન કરી શકે, કે જેથી તેનું ઉદબોધન મંડળીઓને મદદરુંપ થાય. 6 ભાઈઓ અને બહેનો, જુદી-જુદી ભાષા બોલીને હું તમારી પાસે આવું તો તમને મદદરુંપ બનીશી? ના! જ્યારે હું નૂતન સત્ય કે થોડો પ્રબોધ, કે થોડો ઉપદેશ લઈને આવું ત્યારે તે તમને ઉપયોગી થશે. 7 અર્થ વગર વિવિધ ભાષામાં બોલવું તે નિર્જીવ વસ્તુઓ દ્વારા કરવામાં આવતા ધ્વનિ સમાન છે જેમ કે વાંસળી કે વીણા. જો સંગીતના વિવિધ સૂરને સુસ્પષ્ટ ન કરવામાં આવે તો કયું ગીત વાગે છે તેનો ભેદ સમજી શકશો નહિ. સૂરને તમે સાચી રીતે સમજી શકો તે માટે પ્રત્યેક સ્વર સ્પષ્ટ રીતે વગાડવો જોઈએ. 8 આ જ રીતે યુદ્ધમાં જો રણશિંગડું સ્પષ્ટ રીતે ફૂંકવામાં ન આવે તો સૈનિકોને યુદ્ધની તૈયારીનો સમય છે એની ખબર ન પડે. 9 તમારી સાથે પણ આમ જ છે. બધી ભાષાઓમાં બોલાયેલા શબ્દો સ્પષ્ટ હોવા જોઈએ, નહિ તો તમે શું કહેવા માગો છો તે કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ, અને તમે માત્ર હવામાં વાતો કરતા રહી જશો! 10 તે સાચું છે કે દુનિયામાં વિવિધ પ્રકારની ભાષાઓ છે, ને દરેકને પોતાના વિવિધ અર્થ હોય છે. 11 અને તેથી એક વ્યક્તિ શું કહે છે તે જો હું ન સમજી શકું તો મને એમ લાગે કે તે વિચિત્ર બોલે છે અને તેને લાગે કે હું વિચિત્ર બોલું છું. 12 તમારી સાથે પણ આવું જ છે. તમે આત્મિક દાનની ખૂબ ઈચ્છા ઘરાવો છો જેથી મંડળી વધારે શક્તિશાળી બને. તેથી તે મેળવવા અથાગ પ્રયત્ન કરો. 13 તેથી જે વ્યક્તિની પાસે અન્ય ભાષા બોલવાની ક્ષમતા છે, તે પોતે જે બોલે છે તેનું તે સાચું અર્થઘટન કરી શકે તેવી તેણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. 14 હું જો અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પરંતુ મારું મન તો નિષ્ક્રિય છે. 15 તો મારે શું કરવું જોઈએ? હું મારા આત્મા સાથે પ્રાર્થના કરીશ. પણ હું મારા મન સાથે પણ પ્રાર્થના કરીશ. હું મારા આત્મા સાથે ગાઈશ. પણ હું મારા મન સાથે પણ ગાઈશ. 16 તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન”નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો. 17 તમે સુંદર રીતે દેવની આભારસ્તુતિ કરતા હશો, પરંતુ ન સમજનાર વ્યક્તિ માટે તે મદદરૂપ નથી બનતું. 18 તમારા બધા કરતા વિવિધ પ્રકારની ભાષા બોલવાની મારી શક્તિ વિશેષ છે, તે માટે હું દેવનો આભારી છું. 19 પરંતુ મંડળીની સભામાં તો વિવિધ ભાષાના હજારો શબ્દો બોલવાને બદલે હું જેને સમજી શકું છું તેવા માત્ર પાંચ શબ્દો જ બોલીશ. હું મારી સમજ પ્રમાણે બોલવાનું પસંદ કરું છું કે જેથી હું બીજા લોકોને ઉપદેશ આપી શકું. 20 ભાઈઓ અને બહેનો, બાળકો જેવું ન વિચારશો. દુષ્ટતામાં બાળકો થાઓ. પરંતુ તમારી વિચારસરણીમાં તો પુખ્ત ઉંમરના માણસ જેવા જ બનો. 21 પવિત્રલેખમાં લખ્યું છે કે:“જે લોકો જુદા પ્રકારની ભાષા બોલે છે તેમની અને વિદેશીઓની વાણીનો ઉપયોગ કરીને હું લોકોને ઉદબોધન કરીશ પરંતુ તેમ છતાં આ લોકો મને કબૂલ કરશે નહિ.” યશાયા 28:11-12પ્રભુ આમ કહે છે. 22 તેથી અન્ય ભાષા વિશ્વાસીઓને નહિપણ અવિશ્વાસીઓને ચિહનરુંપ છે; પણ પ્રબોધ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહનરુંપે છે. 23 ધારો કે આખી મંડળી ભેગી મળે અને સભામાં તમે બધા જુદી-જુદી ભાષાઓ બોલો, ત્યારે નહિ સમજનારા કે વિશ્વાસ વગરના કેટલાએક લોકો ત્યાં આવે તો તેઓ તમને કહેશે કે તમે ઘેલા છો. 24 પરંતુ ધારો કે તમે બધા પ્રબોધ કરી રહ્યા છો ત્યારે વિશ્વાસ વગરની બહારની કોઈ વ્યક્તિ ત્યાં આવે તો જ્યારે તમે પ્રબોધ કરી રહ્યા છો ત્યારે તે વ્યક્તિના પાપ તમે દર્શાવશો અને તમે બધા જે કહો છો તેનાથી તે વ્યક્તિનો ન્યાય થશે. 25 તે વ્યક્તિના હૃદયની રહસ્યમય વાત પ્રકાશમાં આવશે અને પરિણામે તે વ્યક્તિ નમન કરીને દેવનું ભજન કરશે અને કહેશે કે, “ખરેખર, દેવ તમારી સાથે છે.”તમારી સભા મંડળીને મદદરૂપ થવી જોઈએ 26 તો ભાઈઓ અને બહેનો, તમારે શું કરવું જોઈએ? જ્યારે તમે મળો ત્યારે એક વ્યક્તિ ગીત ગાવા માટે હોય, બીજી વ્યક્તિએ બોધ આપવાનો હોય, બીજી વ્યક્તિ દેવ તરફથી પ્રગટેલા નૂતન સત્યને દર્શાવતી હોય, જ્યારે અન્ય વ્યક્તિ અન્ય ભાષા બોલતી હોય અને બીજી વ્યક્તિ આ ભાષાનું અર્થઘટન કરતી હોય. આ બધીજ બાબતોનો મૂળભૂત હેતુ મંડળીઓને વધુ શક્તિશાળી બનાવવાનો હોવો જોઈએ. 27 જ્યારે તમે એકત્રિત થાઓ અને કોઈ વ્યક્તિ સમૂહને અન્ય ભાષામાં ઉદબોધિત કરે ત્યારે બે કે વધુમાં વધુ ત્રણથી વધારે માણસોએ ન બોલવું જોઈએ. અને તેઓએ એક પછી એક બોલવું જોઈએ અને બીજી વ્યક્તિએ તે જે બોલે છે તેનું અર્થઘટન કરવું જોઈએ. 28 પરંતુ ત્યાં કોઈ પણ અર્થઘટન કરનાર ન હોય તો મંડળીની સભામાં અન્ય ભાષામાં બોલનારે શાંત રહેવું જોઈએ. તે વ્યક્તિએ માત્ર પોતાની જાતને અને દેવને ઉદબોધન કરવું જોઈએ. 29 અને માત્ર બે કે ત્રણ પ્રબોધકોએ જ બોલવું જોઈએ અને તેઓ જે બોલે છે તેનું બીજાઓએ મૂલ્યાંકન કરવું જોઈએ. 30 અને જે વ્યક્તિ બેઠેલી છે તેનામાં પ્રભુના સંદેશની પ્રેરણા જાગે તો પ્રથમ વસ્તાએ અટકી જવું જોઈએ. 31 તમે બધા એક પછી એક પ્રબોધ કરી શકો. આ રીતે બધા જ લોકોને ઉપદેશ આપી શકાય અને પ્રોત્સાહિત કરી શકાય. 32 પ્રબોધકોનો આત્મા પ્રબોધકોના પોતાના નિયંત્રણમાં હોય છે. 33 દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે. 34 સ્ત્રીઓએ મંડળીની સભાઓમાં શાંત રહેવું જોઈએ. દેવના લોકોની બધી જ મંડળીઓમાં આમ જ હોવું જોઈએ. મૂસાનો નિયમ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓને બોલવાની છૂટ ન આપવી જોઈએ અને તેમણે નિયંત્રણમાં રહેવું જોઈએ. 35 સ્ત્રીઓને પોતાને કઈક જાણવાની ઈચ્છા હોય તો તેમણે તેમના ઘેર તેમના પતિઓને પૂછવું જોઈએ. મંડળીની સભાઓમાં સ્ત્રીઓનું બોલવું ઘણું શરમજનક છે. 36 શું દેવનો ઉપદેશ તમારા થકી છે? ના! અથવા તમે માત્ર એક એવા છો કે જેમના આ ઉપદેશ પ્રાપ્ત થયો છે? ના! 37 જો કોઈ પણ વ્યક્તિ એમ ધારતી હોય કે તે પોતે પ્રબોધક છે અથવા તેને આત્મિક દાન મળેલું છે, તો તે વ્યક્તિએ સમજવાની જરુંર છે કે તમને જે આ હું લખું છું તે પ્રભુનો આદેશ છે. 38 જો તે વ્યક્તિ આ ન જાણતી હોય તો દેવ દ્વારા તે અજ્ઞાત છે. 39 તેથી મારા ભાઈઓ અને બહેનો, ખરેખર તમારે પ્રબોધ કરવાની અભિલાષા રાખવી જોઈએ, પરંતુ અન્ય ભાષામાં બોલવાનું દાન ધરાવતા લોકોને તે ભાષામાં બોલતા રોકશો નહિ. 40 પરંતુ દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ.
15:1 હવે ભાઈઓ અને બહેનો, હું ઈચ્છું છું કે તમે સુવાર્તાને યાદ રાખો કે જે વિષે મેં તમને કહ્યું હતું. 2 તમે આ સંદેશાથી તારણ પામ્યા છો અને તે બાબતે તમે વધુ ને વધુ દઢ અને વફાદાર બનવાનું ચાલુ રાખો. આ સંદેશ દ્વારા તમારું તારણ થયું પરંતુ મેં તમને જે કહ્યું છે તેમાં વિશ્વાસ રાખવાનું તમારે સતત ચાલુ રાખવું જ જોઈએ. જો તમે તેમ નહિ કરો તો તમારો વિશ્વાસ નકામો છે. 3 મેં જે સંદેશ પ્રાપ્ત કર્યો તે મેં તમને પ્રદાન કર્યો. મેં તમને એક વિશેષ મહત્વની વાત કહી કે આપણા પાપો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, જેમ ધર્મશાસ્ત્ર કહે છે કે; 4 ખ્રિસ્તને દાટવામાં આવ્યો હતો અને ત્રીજે દિવસે તેનું ઉત્થાન થયું એમ ધર્મશાસ્ત્ર કહે છે; 5 પણ ખ્રિસ્તે પોતાની જાતે પિતરને દર્શન દીધું અને પછી બીજા બાર પ્રેરિતોને સમૂહમાં દર્શન આપ્યું. 6 ત્યારબાદ એક જ સમયેકરતાં પણ વધુ ભાઈઓને ખ્રિસ્તે પોતાનું દર્શન આપ્યું. આમાંના મોટા ભાગના ભાઈઓ હજુ જીવિત છે, જો કે કેટલાક મૃત્યુ પામ્યા છે. 7 પછી ખ્રિસ્તે યાકૂબને દર્શન આપ્યું અને પાછળથી પ્રેરિતોને પુન:દર્શન આપ્યું. 8 અને અંતે જાણે હું સમય પહેલા જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે ખ્રિસ્તે મને પોતે દર્શન દીધું. 9 ધા જ પ્રેરિતો મારા કરતાં મહાન છે, કારણ કે દેવની મંડળીની મેં સતાવણી કરી છે તેથી હું તો પ્રેરિત કહેવાને પણ લાયક નથી. 10 પરંતુ દેવની કૃપાએ અત્યારે હું જે છું તે છું. અને દેવની કૃપા જે તેણે મને અર્પિત કરી તે નિરર્થક નથી ગઈ. બીજા બધા પ્રેરિતો કરતા મેં વધારે સખત કામ કર્યુ છે. (જો કે કામ કરનાર હું ન હતો, પરંતુ મારામાં સ્થિત દેવની કૃપા કાર્યરત હતી.) 11 તેથી એ મહત્વનું નથી કે હું ઉપદેશ આપું કે અન્ય પ્રેરિતો તમને ઉપદેશ આપે-કારણ કે અમે એ જ વસ્તુનો ઉપદેશ આપીએ છીએ કે જેમાં તમે વિશ્વાસ કરો. 12 ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊઠયો છે તેવો ઉપદેશ આપવામાં આવે છે તો તમારામાંના કેટલાએક એમ શા માટે કહે છે કે મૂએલાનું પુનરુંત્થાન નથી? 13 જો મૂએલાનું પુનરુંત્થાન નથી તો એનો અર્થ એ કે ખ્રિસ્ત મૃત્યુમાંથી કદી પણ ઊઠયો નથી. 14 અને જો ખ્રિસ્ત કદી પણ ઊઠયો નથી તો અમારો ઉપદેશ નિરર્થક છે. અને તમારો વિશ્વાસ અર્થહીન છે. 15 અને દેવ વિષે અસત્ય બોલવા માટે અમે ગુનેગાર ઠરીશું. શા માટે? કારણ કે અમે દેવ વિષે એવો ઉપદેશ આપ્યો કે દેવે ખ્રિસ્તને મૂએલામાંથી ઊઠાડયો છે. અને જો લોકો મૂએલામાંથી ઊઠયા ન હોય તો દેવે ખ્રિસ્તને મૂએલામાંથી કદી પણ ઊઠાડયો નથી. 16 જો મૃત લોકો મૂએલામાંથી ઊઠયા નથી તો ખ્રિસ્ત પણ કદી મૂએલામાંથી ઊઠયો નથી. 17 અને જો ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો નથી તો તમારો વિશ્વાસ નિરર્થક છે, પરંતુ તમે તમારાં પાપો માટે હજુ પણ દોષિત છો. 18 અને ખ્રિસ્તમાં જેઓ મરી ગયેલાં છે, તેઓ હંમેશને માટે વિલિન થઈ ગયા છે. 19 જો આપણી ખ્રિસ્તમાંની અભિલાષા માત્ર આ દુન્યવી જીવન પૂરતી મર્યાદિત હોય તો બીજા લોકો કરતાં પણ આપણે વધુ દયાજનક છીએ. 20 પરંતુ હકીકતમાં ખ્રિસ્ત મૂએલામાંથી ઊઠયો છે. મૃત્યુની ઘેરી નિંદ્રામાં સૂતેલા તે બધા જ વિશ્વાસઓમાં તે પ્રથમ હતો. 21 કોઈ એક માણસના (આદમ) કૃત્યના કારણે લોકોનાં મૃત્યુ થયાં પરંતુ બીજા એક માણસના (ખ્રિસ્ત) કૃત્યના કારણે લોકો મએલામાંથી ઊઠશે. 22 આદમ થકી આપણે સર્વ મૃત્યુ પામીએ છીએ અને તે જ રીતે ખ્રિસ્ત થકી આપણે સર્વ સજીવન થઈશું. 23 પરંતુ દરેક વ્યક્તિ યોગ્ય ક્રમમાં સજીવન થશે. સજીવન થવામાં ખ્રિસ્ત સૌ પ્રથમ હતો. જ્યારે ખ્રિસ્તનું પુનરાગમન થશે ત્યારે જે લોકો ખ્રિસ્તના છે તે લોકો પણ સજીવન થશે. 24 પછી અંત આવશે. ખ્રિસ્ત બધાજ શાસકો, અધિકારીઓ અને સત્તાઓનો ધ્વંશ કરશે, અને પછી તે દેવ પિતાને રાજ્યની સોંપણી કરશે. 25 જ્યાં સુધી દેવ બધાજ દુશ્મનોને ખ્રિસ્તના અંકુશ નીચે ન લાવે ત્યાં સુધી ખ્રિસ્તે શાસન કરવું જોઈએ. 26 મૃત્યુ તે આખરી દુશ્મન હશે જેનો નાશ થશે. 27 શાસ્ત્રલેખ કહે છે કે, “દેવ બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે.”જ્યારે શાસ્ત્રલેખ, “બધીજ વસ્તુઓ” ને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે ત્યાં એ સ્પષ્ટ છે કે દેવનો આમાં સમાવેશ થતો નથી. કારણ કે દેવ તે એક છે કે જે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણ નીચે મૂકે છે. 28 જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર પોતે જ જેવના નિયંત્રણને આધીન થશે. દેવ તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી દેવ બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે. 29 જો લોકોને મૂએલામાંથી કદી પણ ઊઠાડયા ન હોય તો મૃત્યુ પામેલા લોકોના વતી જે લોકો બાપ્તિસ્મા પામ્યા છે તેઓ શું કરશે? જો મૃત્યુ પામેલા લોકો કદી પણ ઊઠયા ન હોય તો તેઓના માટે લોકો શા માટે બાપ્તિસ્મા લે છે? 30 અને આપણું શું? શા માટે દરેક કલાકે આપણે આપણી જાતને ભયમાં મૂકીએ છીએ? 31 હું તો દરરોજ મૃત્યુ પામું છું. ભાઈઓ તે એટલું જ સાચું છે, કે જેટલું આપણા પ્રભુ એવા ખ્રિસ્ત ઈસુમાં તમારા વિષે હું અભિમાન લઉ છું. તે સાચું છે. 32 જો હું એફેસસમાં માત્ર માનવીય કારણોને લઈને જંગલી પશુઓ સાથે લડયો હોઉં, માત્ર મારા અહંકારને પોષવા માટે લડ્યો હોઉં, તો મેં કશું જ પ્રાપ્ત કર્યુ નથી. જો લોકો મૃત્યુમાંથી ઊઠતા ન હોય તો, “ચાલો આપણે ખાઈએ, પીએ અને મજા કરીએ કારણ કે કાલે તો આપણે મરવાના છીએ.” 33 મૂર્ખ ન બનશો: “ખરાબ મિત્રો સારી આદતોનો નાશ કરે છે.” 34 તમારા ન્યાયી વિચારો તરફ પાછા ફરો અને પાપ આચરવાનું બંધ કરો. હું તમને શરમાવવા માટે કહું છું કે તમારામાંના કેટલાએક દેવને જાણતા નથી.ક્યા પ્રકારનું શરીર આપણું હશે? 35 પરંતુ કેટલાએક લોકો કદાચ પૂછશે કે, “મૃત્યુ પામેલા લોકો પુર્નજીવિત કેવી રીતે થાય? તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે?” 36 આ બધા મૂર્ખતા ભરેલા પ્રશ્નો છે. જ્યારે તમે કઈક વાવો ત્યારે પ્રથમ જમીનની અંદર તે મૃત્યુ પામે છે અને પછી તે જીવનમાં નવપલ્લવિત થાય છે. 37 અને તમે જે વાવો છો તેનું સ્વરૂપ પછીથી આકાર લેનાર “શરીર” જેવું નહિ હોય. તમે જે વાવ્યું છે તે તો માત્ર ધઉં કે બીજી કોઈ વસ્તુનું બીજ માત્ર છે. 38 પરંતુ દેવ તેના આયોજન પ્રમાણે તેને શરીરનું સ્વરૂપ આપે છે. અને દેવ ભિન્ન-ભિન્ન બીજને તેમનું પોતાનું જુદુ અંગ આપે છે. 39 હાડ-માંસમાંથી બનેલી દરેક વસ્તુઓ તે એક જ હાડ-માંસની નથી: તેથી લોકોનું હાડ-માંસ (શરીર) એક પ્રકારનું હોય છે, જ્યારે પ્રાણીઓનું બીજા એક પ્રકારનું, પક્ષીઓનું શરીર બીજા એક પ્રકારનું અને માછલીઓનું શરીર બીજા એક પ્રકારનું હોય છે. 40 દુન્યવી શરીરો તેમજ સ્વર્ગીય શરીરો પણ ભિન્ન પ્રકારનાં હોય છે. પરંતુ સ્વર્ગીય શરીરોની સુંદરતા એક પ્રકારની છે, જ્યારે દુન્યવી શરીરોની સુદરતા બીજા પ્રકારની છે. 41 સૂર્યનું સૌંદર્ય એક પ્રકારનું છે, જ્યારે ચંદ્રનું બીજા પ્રકારનું. જ્યારે તારાઓની સુંદરતા કઈક જુદી જ છે. તેમજ દરેક તારો પોતાની સુંદરતામાં બીજાથી વિશિષ્ટ છે. 42 જે લોકો મૃત્યુમાંથી ઊભા થશે તેમને માટે પણ આવું જ છે. જે શરીરનું “રોપણ” થયું છે તે તો સડી જશે. પરંતુ જે શરીર મૃત્યુમાંથી ઊઠશે તેનો વિનાશ થશે નહિ. 43 કોઈ પણ પ્રકારના સન્માન વગર શરીરનું “રોપણ” કરવામાં આવે છે, પરંતુ મહિમા સાથે તે પુર્નજીવિત થાય છે. ‘રોપેલું’ શરીર નિર્બળ હોય છે, પરંતુ પુર્નજીવિત શરીર શક્તિશાળી હોય છે. શરીર જે ‘રોપેલું’ છે તે ભૌતિક છે, પરંતુ જે પુર્નજીવિત થયું છે તે શરીર આત્મિક છે. 44 જેમ ભૌતિક શરીર છે તેમ આત્મિક શરીર પણ છે. 45 પવિત્રશાસ્ત્માં લખ્યું છે કે: “પ્રથમ પુરુંષ (આદમ) સજીવ પ્રાણી થયો.”પરંતુ અંતિમ આદમ એ આત્મા થયો કે જે જીવન પ્રદાન કરે છે. 46 આત્મિક માણસનું આગમન પ્રથમ નથી થતું. ભૌતિક માણસ પહેલા આવે છે, અને પછી આત્મિક માણસ આવે છે. 47 પ્રથમ માણસનું આગમન પૃથ્વીની રજકણમાંથી થયું. જ્યારે બીજા માણસનું આગમન આકાશમાંથી થયું. 48 લોકો પૃથ્વીને આધીન છે તેથી તેઓ પ્રથમ પેલા દુન્યવી માણસ જેવા છે. પરંતુ જે લોકો સ્વર્ગને આધિન છે તે લોકો પેલા સ્વર્ગીય પુરુંષ જેવા છે. 49 આપણને પેલા દુન્યવી માણસ જેવા બનાવ્યા છે. તેથી આપણને પેલા સ્વર્ગીય પુરુંષ જેવા પણ બનાવવામાં આવશે. 50 ભાઈઓ અને બહેનો, હું તમને કહું છું કે હાડ-માંસ અને રક્તને દેવના રાજ્યમાં તેનો હિસ્સો હોઈ શકે નહિ. જે વસ્તુઓ નાશવંત છે તે અવિનાશી વસ્તુઓનો ભાગ મેળવી શકે નહિ. 51 પરંતુ સાંભળો, હું તમને એક રહસ્ય કહું છું: આપણે બધા મૃત્યુ નહિ પામીએ પરંતુ એક પરિવર્તન પામીશું. 52 અને આ એકમાત્ર ક્ષણમાં થશે. એક આંખના પલકારાની ત્વરાથી આપણે બદલાઈ જઈશું. જ્યારે છેલ્લું રણશિંગડું ફૂંકાશે ત્યારે આમ બનશે. રણશિંગડું ફૂંકાશે અને જે વિશ્વાસીઓ મૃત્યુ પામ્યા છે તે ચિરંતનકાળ પર્યંત જીવવા પુર્નજીવિત થશે. અને આપણે જે જીવંત છીએ તે પણ પરિવર્તન પામીશું. 53 આ શરીર કે જેનો નાશ થવાનો છે. તેણે જેનો નાશ ન કરી શકાય તેવાં વસ્ત્રો પરિધાન કરેલાં હોવા જોઈએ. અને આ શરીર જે મૃત્યુ પામે છે તેણે તેને અમરપણું પરિધાન કરેલું હોવું જોઈએ. 54 એટલે કે શરીર જે નાશવંત છે તેણે અમરપણું ધારણ કરવું જોઈએ અને આ શરીર જે મૃત્યુ પામે છે તેને અમરપણું ધારણ કરાવવું જોઈએ. જ્યારે આ બનશે ત્યારે ધર્મલેખ નીચેનું કથન સત્ય સાબિત થશે:“મૃત્યુનો વિનાશ થયો અને આ મરણ જયમાં ગરક થઈ ગયું છે.” યશાયા 25:8 55 “મરણ તારો વિજય ક્યાં છે? મરણ, તારી ઘાયલ કરવાની શક્તિ ક્યાં છે?” હોશિયા 13:14 56 પાપ તે મૃત્યુની ઘાયલ કરવાની શક્તિ છે, અને પાપની શક્તિ તે નિયમ છે. 57 પરંતુ આપણે દેવના આભારી છીએ, દેવ જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે. 58 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, દઢ બનો. કોઈ પણ વસ્તુથી તમારી જાતને બદલવા ન દો. હંમેશા પ્રભુના કામમાં સમર્પિત બનો. તમે જાણો છો કે પ્રભુ પ્રત્યેનું તમારું કાર્ય કદી પણ નિરર્થક જતું નથી.
16:1 હવે હું દેવના લોકો માટે પૈસા એકત્ર કરવા વિષે લખીશ. ગલાતિયાની મંડળીઓને મેં જે કરવા સૂચવ્યું છે તે જ પ્રમાણે તમે કરો: 2 પ્રત્યેક સપ્તાહના પ્રથમ દિવસે તમારામાંની પ્રત્યેક વ્યક્તિએ તમારી આવકમાંથી શક્ય હોય તેટલા પૈસા બચાવવા જોઈએ. તમારે આ પૈસા કોઈ વિશિષ્ટ જગ્યાએ રાખવા જોઈએ જેથી હું આવું પછી તમારે તમારા પૈસા એકત્ર કરવાના ન રહે. 3 જ્યારે હું આવું ત્યારે હું કેટલાએક માણસોને મોકલીશ કે જે તમારા દાનને યરૂશાલેમ સુધી પહોંચાડે. આ એવા લોકો હશે કે તમે બધા સંમત થશો કે તેમણે જ જવું જોઈએ. હું તેઓને પરિચયપત્રો આપીને મોકલીશ. 4 જો મારા માટે ઉચિત હશે તો તે લોકો મારી સાથે આવશે. 5 હું મકદોનિયા થઈને જવા માંગુ છું. તેથી મકદોનિયા ગયા પછી હું તમારી પાસે આવી શકીશ. 6 હું કદાચ તમારી સાથે થોડો સમય રોકાઈશ. હું કદાચ આખો શિયાળો પણ તમારી સાથે કાઢીશ. જેથી તમે મને જ્યાં કઈ પણ હું જાઉં ત્યાં મને મદદ કરી શકો. 7 અત્યારે જતાં તમારી મુલાકાત લેવાની મારી ઈચ્છા નથી. જો પ્રભુ રજા આપશે તો તમારી સાથે થોડો સમય રહેવાની મારી ઈચ્છા છે. 8 પરંતુ પચાસમાના પર્વસુધી હું એફેસસમાં રહેવાનો છું. 9 હું અહીં રોકાઈશ, કારણ કે મહાન અને વિકસતું કાર્ય કરવાની સુંદર તક મને આપવામાં આવી છે અને ઘણા લોકો આ કાર્યનો વિરોધ કરે છે. 10 કદાચ તિમોથી તમારી પાસે આવે તો તેને રાહત લાગણીનો તમારી સાથે અનુભવ કરાવજો. મારી જેમ જ તે પ્રભુના કાર્યમાં રોકાયેલો છે. 11 અને તેથી તેને અપનાવવાનો ઈન્કાર કોઈએ પણ ન કરવો. તેની યાત્રા શાંતિપૂર્ણ બને તે માટે તેને મદદરુંપ થજો કે જેથી તે પાછો મારી પાસે આવે. બીજા ભાઈઓ સાથે તે મારી પાસે આવશે તેમ હું ધારું છું. 12 હવે આપણા ભાઈ અપોલોસ વિષે: બીજા ભાઈઓ સાથે તમારી મુલાકાત લેવા મેં તેને ઘણો પ્રોત્સાહિત કર્યો. પરંતુ અત્યારે નહિ આવવા માટે તે ઘણો જ મક્કમ હતો. પરંતુ જ્યારે તેને તક મળશે ત્યારે તે આવશે.પાઉલના પત્રની પૂર્ણાહૂતિ 13 સાવધાન રહો. વિશ્વાસમાં દઢ રહો. હિંમત રાખો અને વફાદાર રહો. અને શક્તિશાળી બનો. 14 બધી જ વસ્તુ પ્રેમપૂર્વક કરો. 15 તમે જાણો છો કે અખાયામાં સ્તેફનાસનું કુટુંબ વિશ્વાસ ધરાવવામાં પ્રથમ હતું. તેઓએ તેઓની જાતને દેવના લોકોના ચરણોમાં ધરી દીઘી હતી. ભાઈઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું, 16 લોકોને અને અન્ય વ્યક્તિઓ કે જેઓ તેઓની સાથે સેવા અને કામ કરે છે, તેમને દોરવામાં આ રીતે અનુસરો. 17 મને આનંદ છે કે સ્તેફનાસ, ફોર્તુનાતુસ અને અર્ખેકસ આવ્યા છે. તમે અહી નથી, પરંતુ તમારી ખોટ તેઓએ પૂરી કરી છે. 18 તેઓએ તમારા અને મારા આત્માને ઉત્તેજિત કર્યા છે અને તેથી આવા લોકોનું મહત્વ તમારે સમજવું જોઈએ. 19 આસિયાની મંડળીઓ તમારું અભિવાદન કરે છે. પ્રભુ થકી અકુલાસ અને પ્રિસ્કા પણ તમને ઘણા અભિવાદન મોકલે છે. અને મંડળી કે જે તેઓના ઘરમાં એકત્રિત થાય છે તે પણ તમને અભિવાદન મોકલે છે. 20 બધા જ ભાઈઓ અને બહેનો તમને અભિવાદન મોકલે છે, અને જ્યારે તમે મળો ત્યારે એકબીજાને પવિત્ર ચુંબન આપો તેમ ઈચ્છે છે. 21 હું પાઉલ છું, અને આ અભિવાદન હું મારા સ્વહસ્તે લખી રહ્યો છું. 22 જો કોઈ વ્યક્તિ પ્રભુને પ્રેમ કરતો ના હોય તો પછી ભલે તેને દેવથી વિમુખ થવા દો અને કાયમને માટે ખોવાઈ જવા દો!ઓ પ્રભુ, આવ! 23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર થાઓ. 24 ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રીતિ તમો સર્વની સાથે થાઓ. આમીન.