1:1 ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવ આપણા તારનાર તથા ખ્રિસ્ત ઈસુ જેનામાં આપણી આશા છે તેની આજ્ઞાથી હું પ્રેરિત છું. 2 હવે તિમોથીને કહું છું. તેથી તું મારા ખરા દીકરા સમાન છે. દેવ આપણા બાપ તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને તેની કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ. 3 મારી ઈચ્છા છે કે તું અફેસસમાં રહે. જ્યારે હું મકદોનિયામાં ગયો ત્યારે મેં તને તે આજ્ઞા આપી હતી. ત્યાં એફેસસમાં કેટલાએક લોકો ખોટું શિક્ષણ આપી રહ્યાં છે. તે લોકો ત્યાં ખોટી બાબતોનું શિક્ષણ ન આપે એવો તેઓને હુકમ કરવા તું ત્યાં જ રહેજે. 4 જે વાર્તાઓ સાચી નથી અને વંશાવળીઓમાં આવતાં નામોની લાંબી યાદીઓમાં તેઓ તેઓનો સમય ન બગાડે એવું તું તેઓને કહેજે કેમ કે તે બાબતો માત્ર દલીલબાજીને જ ઉત્તેજે છે. દેવના કાર્યમાં તે બાબતો જરાય ઉપયોગી હોતી નથી. વિશ્વાસથી જ દેવનું કાર્ય સિદ્ધ થાય છે. 5 આ આજ્ઞાનો હેતુ એ છે કે લોકો પ્રેમનો માર્ગ સ્વીકારે. આ પ્રેમની પ્રાપ્તિ માટે લોકોનું હૃદય શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. જે યોગ્ય અને સાચું લાગતું હોય તે જ તેઓએ કરવું જોઈએ. અને તેઓમાં સાચો વિશ્વાસ હોવો જોઈએ. 6 કેટલાએક લોકોએ આ બધું તો કર્યુ જ નથી. તેઓ ખોટા રસ્તે ભૂલા પડી ગયા છે, અને જે બાબતોની કશી કિમત નથી તેના વિષે તેઓ વાતો કર્યા કર છે. 7 તે લોકોને તો મૂસાના નિયમશાસ્ત્રના ઉપદેશકો થવું છે. પરંતુ તેઓ શાના વિષે બોલી રહ્યાં છે, તેનું તેઓને ભાન નથી. જે બાબતો વિષે તેઓ ખાતરીપૂર્વક બોલી રહ્યા છે તે તેઓ પોતે પણ સમજી શક્તા નથી. 8 જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ. 9 આપણે તે પણ જાણીએ છીએ કે ન્યાયી માણસો માટે નિયમની રચના કરવામાં આવી નથી. નિયમ તો તેઓના માટે છે કે જે લોકો નિયમની વિરૂદ્ધમાં છે અને જેઓ નિયમના પાલનનો ઈન્કાર કરે છે. જે લોકો દેવથી વિમુખ હોય, જે પાપી હોય, જેઓ પવિત્ર ન હોય, અને જેને કોઈ ધર્મ ન હોય, જે લોકો પિતૃહત્યારા તથા માતૃહત્યારા હોય, ખૂની હોય, એવા લોકો માટે નિયમ હોય છે. 10 જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે. 11 દેવે મને જે સુવાર્તા કહેવા મોકલ્યો છે, તેના એક ભાગરુંપે હુ આ ઉપદેશ આપી રહ્યો છું. તે મહિમાની સુવાર્તા સ્તુત્ય દેવ તરફથી પ્રાપ્ત થઈ છે.દેવની દયા માટે આભાર 12 આપણા ખ્રિસ્ત ઈસુનો હુ આભાર માનું છું કેમ કે તેણે મારામાં વિશ્વાસ મૂકીને તેની સેવા કરવાનું આ કામ મને આપ્યું. તેણે જ મને આ સેવા માટે સાર્મથ્ય આપ્યું. 13 ભૂતકાળમાં તો હુ ખ્રિસ્તની વિરૂદ્ધમાં બોલતો હતો, અને બધા પર જુલમ ગુજારતો હતો મે તેને આઘાત આપે તેવા ઘણાં કામો કર્યા. પરંતુ દેવે મને ક્ષમા આપી, કેમ કે હુ શું કરતો હતો તેનું મને ભાન નહોતું. જ્યાં સુધી હુ વિશ્વાસુ ન થયો, ત્યાં સુધી એવું કર્યા કર્યુ. 14 પરંતુ મને આપણા પ્રભુની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ. અને તે કૃપામાંથી મારામાં ખ્રિસ્ત ઈસુ માટે વિશ્વાસ અને પ્રેમ પ્રગટ થયાં. 15 હુ જે કહુ છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ; અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હુ સૌથી મુખ્ય છું. 16 પરંતુ મારા પર દયા કરવામાં આવી. મારા પર દયા કરીને ખ્રિસ્ત ઈસુ દર્શાવવા માગતો હતો કે તે પૂરી સહનશીલતા દાખવી શકે છે. ખ્રિસ્તે મારા માટે ધીરજ રાખી બતાવી, જે લોકો અનંતજીવનને સારું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને માટે હુ નમૂનારુંપ થાઉ તેમ ખ્રિસ્તે મારા દ્વારા એક દાખલો બેસાડ્યો. 17 જે સનાતન યુગોનો રાજા રાજ કરે છે તેને માન તથા મહિમા હો. તે અવિનાશી, અદ્રશ્ય તથા એકાકી દેવ છે. તેને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન. 18 તિમોથી, તું તો મારા દીકરા સમાન છે. હુ તને આજ્ઞા આપું છું. ભૂતકાળમાં તારા વિષે જે ભવિષ્યકથનો થયેલા તેના અનુસંધાનમાં આ આજ્ઞા છે. એ ભવિષ્યકથનને અનુસરીને સારી રીતે સંઘર્ષ સામે લડી શકે, તે માટે હું તેને આ બધું કહુ છું. 19 તારો વિશ્વાસ ટકાવી રાખજે અને તને જે ન્યાયી લાગે તે કરજે. કેટલાએક લોકો આ કરી શક્યા નથી. તેઓનો વિશ્વાસ ડગી ગયો છે. 20 હુમનાયસ અને આલેકસાંદરે એવું કર્યુ છે. મેં એ લોકોને શેતાનને સોંપી દીઘા છે, જેથી તેઓ શીખે કે દેવની વિરૂદ્ધ બોલાય નહિ.
2:1 હુથી પ્રથમ તો સર્વ લોકો માટે પ્રાર્થના કરવાનું હું તમને કહું છુ. સર્વ લોકો માટે તમે દેવ સાથે વાત કરો. લોકોને જે વસ્તુઓની જરુંર છે તે દેવ પાસે માગો અને તેનો આભાર માનો. 2 રાજાઓ તેમજ સત્તા ભોગવતા બધા લોકો માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. દેવ માટે ભક્તિભાવ અને માનથી છલકાતું તથા પરમ શાંતિ પ્રદ જીવન આપણને પ્રાપ્ત થાય તે માટે એવા અધિકારીઓ સારું પ્રાર્થના કરો. 3 આ સારી વાત છે અને એનાથી આપણા તારનાર દેવ પ્રસન્ન થાય છે. 4 દેવ ઈચ્છે છે કે દરેક જાણનું તારણ થાય. અને તેની ઈચ્છા છે કે સર્વ લોકો આ સત્ય જાણે. 5 દેવ તો માત્ર એક જ છે. અને લોકો દેવ સુધી પહોંચે એ માટે પણ એક જ મધ્યસ્થ છે. તે મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત છે જે એક માનવ પણ છે. 6 બધા જ લોકોના પાપ માટે ઈસુએ પોતાની જાતનું સ્વાર્પણ કર્યુ. ઈસુ એ વાતની સાબિતી છે કે દેવ સર્વ લોકોને બચાવી લેવા માગે છે. અને યોગ્ય સમયે જ તે (ઈસુ) આવ્યો. 7 તેથી જ તો સુવાર્તા કહેવા સારું મારી પસંદગી કરવામાં આવી હતી. તેથી જ તો પ્રેરિત તરીકે મને પસંદ કરવામાં આવ્યો હતો. (હુ તમને સત્ય જ કહુ છું. હુ કઈ જૂઠુ બોલતો નથી.) બિનયહૂદિ લોકોને શીખવનાર થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી. તેઓ વિશ્વાસ કરી શકે અને સત્યને જાણે એવું હું તેઓને શિક્ષણ આપું છુ. 8 દરેક જગ્યાએ રહેતા માણસો પ્રાર્થના કરે એમ હુ ઈચ્છુ છું. પ્રાર્થનામાં જેઓ હાથ ઊંચા કરતા હોય તેઓ પવિત્ર હોવા જોઈએ. તે માણસો એવા ન હોવા જોઈએ કે જે ગુસ્સે થતા હોય અને દલીલબાજી કરતા હોય. 9 હુ એ પણ ઈચ્છું છું કે સ્ત્રીઓ એવાં કપડાં પહેરે કે જે એમના માટે યોગ્ય હોય. સન્માનનીય અને ઉચ્ચ વિચારો જળવાય એ રીતે સ્ત્રીઓએ કપડા ધારણ કરવાં જોઈએ. તેમણે પોતાના વાળ કલાત્મક અને આકર્ષક રીતે ગૂંથેલા હોવા ન જોઈએ. તેમજ પોતાને સૌદર્યવાન બનાવવા માણેક-મોતી કે સોનાના આભૂષણો કે કિમતી પોષાકોનો ઉપયોગ નહિ કરવો જોઈએ. 10 પરંતુ સારા કાર્યો કરીને તેમણે સુંદર બનવું જોઈએ. જે સ્ત્રીઓ એમ કહેતી હોય કે તેઓ દેવને ભજે છે તેમણે એ રીતે પોતાને સુંદર બનાવવી જોઈએ. 11 સ્ત્રીએ કોઈપણ વાત શાંતિથી સાંભળીને અને આજ્ઞાનું પાલન કરવા સંપૂર્ણ રીતે તૈયાર રહીને શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. 12 સ્ત્રી પુરુંષને ભણાવે એ માટે હું મંજૂરી આપતો નથી. અને પુરુંષ પર સ્ત્રીની સત્તા ચાલે એની પણ હું છૂટ આપતો નથી. સ્ત્રીએ શાંતિથી પોતાનું કામકાજ કરતા રહેવું. આવું શા માટે? 13 કારણ કે પ્રથમ આદમની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ હવાનું સર્જન થયું. 14 શેતાને આદમની છેતરપીંડી કરી નહિ, તેણે હવાને છેતરી અને તેથી તે પાપી બની. 15 પરંતુ સ્ત્રીઓને બાળકો હોવાને કારણે બચાવવામાં આવશે. જો તેઓ યોગ્ય રીતે આત્મસંયમ રાખી પવિત્ર જીવન જીવશે તથા વિશ્વાસ અને પ્રેમ ચાલુ રાખશે તો તેઓ તારણ પામશે.
3:1 હુ જે કહુ છું તે સાચું છે: જો કોઈ વ્યક્તિ મંડળીનો અધ્યક્ષ બનવાનો સખત પ્રયત્ન કરતી હોય. તો તેની ઈચ્છા કઈક સારું કામ કરી બતાવવાની છે. 2 મંડળીનો અધ્યક્ષ ઘણો સજજન હોવો જોઈએ જેથી લોકો તેની ટીકા કરી ન શકે. તેને એકજ પત્ની હોવી જોઈએ. તે માણસ આત્મ-સંયમી અને ડાહ્યો હોવો જોઈએ. બીજા લોકોની નજરમાં તે માનનીય, આદરણીય હોવો જોઈએ. લોકોને પોતાના ઘરમાં આવકારીને તેઓને મદદ કરવા તે તત્પર રહેવો જોઈએ. તે એક સારો શિક્ષક હોવો જોઈએ. 3 તે અતિશય મદ્યપાન કરતો હોવો ન જોઈએ, અને તે એવી વ્યક્તિ ન જ હોવી જોઈએ કે જેને ઝઘડવાનું ગમતું હોય. તે વિનમ્ર અને સહનશીલ, શાંતિપ્રિય હોવો જોઈએ. એ માણસ એવો ન હોવો જોઈએ કે જે દ્રવ્યલોભી હોય. 4 તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ. 5 (જો કોઈ માણસને તેના પોતાના જ કુટુંબનો સારો વડીલ બનતાં ન આવડે, તો તે દેવની મંડળીની સંભાળ લઈ શકશે નહિ.) 6 પરંતુ કોઈ નવો વિશ્વાસુ અધ્યક્ષ થઈ ન શકે. જો કોઈ નવા વિશ્વાસીને મંડળીનો અધ્યક્ષ બનાવવામાં આવે, તો શક્ય છે કે તે પોતે અભિમાનથી છકી જાય. એમ થાય તો, જે રીતે શેતાન ધિક્કારને પાત્ર થયો હતો, તેમ એના અભિમાની વર્તન માટે એનો પણ એ રીતે ન્યાય કરવામાં આવશે. તેનું અભિમાન શેતાન જેવું જ થશે. 7 મંડળીના સભ્ય ન હોય એવા બહારના લોકોનો પણ આદર તેના પ્રત્યે હોવો જોઈએ. તો પછી બીજા લોકો તેની ટીકા કરી શકશે નહિ, અને તે શેતાનની જાળમાં ફસાઈ નહિ જાય. 8 એ જ પ્રમાણે, જે માણસો સેવકો તરીકે સેવા આપતા હોય તેઓ એવા હોવા જોઈએ કે જેમને લોકો માન આપી શકે. જે ખરેખર તેઓને સમજાતી ના હોય તેવી વાતો આ માણસોએ કહેવી ન જોઈએ, તેઓએ સમજી-વિચારીને વાણી ઉચ્ચારવી જોઈએ. અને અતિશય મદ્યપાન કરવા પાછળ તેઓએ પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. તેઓ એવા માણસો હોવા ન જોઈએ કે જે હમેશા બીજા લોકોને છેતરીને પૈસાદાર થવાનો પ્રયત્ન કરતા હોય. 9 દેવે જે સત્યનું આપણને દર્શન કરાવ્યું છે, તેના તેઓ શિષ્યો હોવા જોઈએ. અને તેમણે હમેશા જે કઈ ન્યાયી લાગે તે જ કરવું જોઈએ. 10 પાઉલ તિમોથીને કહે છે એ લોકોની પહેલેથી જ તારે પરખ કરી લેવી જોઈએ. જો એમનામાં તને કોઈ અપરાધ ન જ્ણાય તો તેઓ મંડળીના સેવકો તરીકે સેવા આપી શકે. 11 એ જ રીતે, જે સ્ત્રી સેવામાં છે તે બીજા લોકોની નજરે આદરણીય હોવી જોઈએ. તે સ્ત્રીઓ એવી હોવી ન જોઈએ કે જે બીજા લોકો વિષે ખરાબ નિંદા કરતી હોય. તેઓનામાં આત્મ-સંયમ હોવો જોઈએ અને તેઓ એવી હોવી જોઈએ કે દરેક વાતે એમનામાં વિશ્વાસ મૂકી શકાય. 12 સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ. 13 સારી રીતે સેવા કરતા માણસો પોતાના માટે માન-સન્માનભર્યુ સ્થાન બનાવે છે. તે લોકોને ખ્રિસ્ત ઈસુમાં પોતાના વિશ્વાસ વિષે પાકી ખાતરીનો અનુભવ થશે. 14 મને આશા છે કે હું તારી પાસે જલ્દી આવી શકીશ. પરંતુ આ બધી વાતો હું તને અત્યારે લખી જણાવું છું. 15 પછી, જો કદાચ હુ જલ્દી આવી ન શકુ, તો દેવના કુટુંબના સભ્યોએ જે ફરજો બજાવવી જોઈએ તે તું જાણી લે તે કુટુંબ તો જીવતા દેવની મંડળી છે. અને દેવની મંડળી તો સત્યનો આધાર અને મૂળભૂત સ્તંભ અને પાયો છે. 16 બેશક, સ્તુતિનું આપણા જીવનનું રહસ્ય મહાન છે.તે (ખ્રિસ્ત) માનવ શરીરમાં આપણી આગળ પ્રગટ થયો; તે ન્યાયી હતો એમ પવિત્ર આત્માએ ઠેરવ્યું; દૂતોએ તેને દીઠો; બિનયહૂદી રાષ્ટ્રોમાં તેના વિષેની સુવાર્તાનો ઉપદેશ થયો; આખી દુનિયાના લોકો તેના પર વિશ્વાસ કરવા લાગ્યા. તેને મહિમામાં આકાશમાં ઉપર લેવામાં આવ્યો.
4:1 પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે કહે છે કે પાછલા સમયમાં કેટલાએક લોકો સાચા વિશ્વાસમાંથી દૂર જશે. તે લોકો ખોટું બોલનારા આત્માઓની આજ્ઞાનું પાલન કરશે. વળી તે લોકો ભૂતોના ઉપદેશને અનુસરશે. 2 જે લોકો જૂઠું બોલીને લોકોને છેતરતા હોય તેઓના દ્વારા ખોટો ઉપદેશ પ્રચાર પામે છે. તે લોકો સારા નરસાનો ભેદભાવ પારખી શકતા નથી. ગરમ લોખંડ વડે એમની સમજ શક્તિને ડામ દઈને બાળી નાખી હોય એવી આ વાત છે. 3 એવા માણસો લોકોને કહેતા ફરે છે કે તેઓ લગ્ર કરી શકે નહિ. અને તેઓ લોકોને કહે છે કે અમુક અમુક જાતનો ખોરાક ખાવો ન જોઈએ. પરંતુ તે ખોરાક પણ દેવે જ બનાવ્યો છે. અને દેવને માનનારા તથા સત્યને જાણનારા લોકો આભારસ્તુતિ કરીને એ ખોરાક ખાઈ શકે છે. 4 દેવે સર્જલી દરેક વસ્તુ સારી છે. દેવની આભારસ્તુતિ કરીને સ્વીકારેલી કોઈ પણ વસ્તુનો ઈન્કાર કે અનાદર કરવો ન જોઈએ. 5 દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે. 6 આ બધી વાતો તું તારા ભાઈઓ તથા બહેનોને કહેજે. જો તું આ કરીશ તો સાબિત થશે કે ખ્રિસ્ત ઈસુનો તું એક સારો સેવક છે. વિશ્વાસથી શબ્દો દ્વારા તથા સારા ઉપદેશના તારા અનુસરણને લીધે તું મક્કમ અને દૃઢ બન્યો છે તે તું બતાવી શકીશ. 7 દેવના સત્યની સાથે સુસંગત ન હોય એવી મૂર્ખાઈભરી વાતો લોકોને કહેતા ફરે છે. એવી વાતોનું શિક્ષણ તું ગ્રહણ કરતો નહિ. પરંતુ દેવની સાચી રીતે સેવા કરવા તારી જાતને તાલીમ આપ. 8 શરીરને તાલીમ આપવાના કેટલાએક ફાયદા છે. પરંતુ દેવની સેવાથી તો દરેક વાતે ફાયદો જ છે. દેવની સેવાથી આ જીવનમાં તેમજ ભવિષ્યના જીવનમાં પણ એના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 9 હુ જે કહું છું તે સાચું છે. અને તારે સંપૂર્ણ રીતે એનો સ્વીકાર કરવો જોઈએ. 10 એ કારણે જ આપણે સખત મહેનત તથા પરિશ્રમ કરી રહ્યા છીએ. આપણે જીવતા દેવમાં આશા રાખીએ છીએ. સર્વ લોકોનો તે તારનાર છે. વિશેષ કરીને જેઓ તેનામાં વિશ્વાસ કરે છે તે સર્વ લોકોનાં તારનાર છે. 11 આ બધી બાબતોની તું આજ્ઞા આપજે તથા શીખવજે. 12 તને જુવાન જાણીને તારું કઈ મહત્વ ન હોય એ રીતે કોઈ પણ વ્યક્તિને તારી સાથે વર્તવા ન દઈશ. વિશ્વાસીઓએ કેવી રીતે જીવવું જોઈએ તે બતાવવા તારી વાણી વડે, તારા વિશ્વાસ વડે, અને તારા સ્વચ્છ જીવન વડે જીવવાને લીધે તું લોકોને નમૂનારુંપ થજે. 13 લોકોની આગળ પવિત્રશાસ્ત્ર વાચવાનું તું ચાલુ રાખ, તેઓને વિશ્વાસમાં દૃઢ કર, અને તેઓને ઉપદેશ આપ. હુ ત્યાં આવી પહોંચું ત્યા સુધી તું એ કાર્યો કરતો રહેજે. 14 તારી પાસે જે કૃપાદાન છે તેનો ઉપયોગ કરતા રહેવાનું યાદ રાખજે. જ્યારે વડીલોએ તારા પર તેઓના હાથ મૂક્યાતે વખતે થયેલ પ્રબોધ દ્વારા એ કૃપાદાન તને આપવામાં આવ્યુ હતુ. 15 એ બધી પ્રવૃત્તિઓ તું ચાલુ રાખજે. તે પ્રવૃત્તિઓ કરવા તું તારું જીવન આપી દે. પછી બધા લોકો જોઈ શકશે કે તારું કાર્ય પ્રગતિ સાધી રહ્યું છે. 16 તારા જીવનમાં અને તારા ઉપદેશમાં સાવધ રહેજે. યોગ્ય રીતે જીવતો રહેજે અને ઉપદેશ આપતો રહેજે. આમ, તારો ઉપદેશ સાંભળનારા લોકોને તથા તારી જાતને તૂં તારીશ.
5:1 વૃદ્ધને ઠપકો ના આપ, પરંતુ એ તારો પિતા હોય એ રીતે તેની સાથે વાત કરજે. જુવાનો તારા ભાઈઓ હોય એ રીતે વર્તજે. 2 વૃદ્ધ સ્ત્રીઓને મા સમાન ગણજે અને જુવાન સ્ત્રીઓને બહેનો જેવી ગણજે. તેઓની સાથે હંમેશા સારું વર્તન કરજે. 3 જે વિધવા ખરેખર નિરાધાર હોય તેઓનું માન-સન્માન જાળવજે અને તેઓની સંભાળ લેજે. 4 પરંતુ જો કોઈ વિધવાને બાળકો હોય અથવા પૌત્ર-પૌત્રીઓ હોય તો પ્રથમ તો તેમણે આ શીખવાની જરુંર છે: એ બાળકો અથવા પૌત્રોઓ પોતાના જ કુટુંબ પ્રત્યેની વફાદારી તેઓને મદદરુંપ થઈને બતાવવી જોઈએ. જ્યારે તેઓ આમ કરે છે ત્યારે તેઓ પોતાનાં મા-બાપનું ઋણ અદા કરે છે. એનાથી દેવ પ્રસન્ન થાય છે. 5 જો કોઈ વિધવા ખરેખર નિરાધાર હોય તો તેની સંભાળ માટે તે દેવની જ આશા રાખે છે. તે સ્ત્રી રાત-દિવસ હમેશા પ્રાર્થના કરતી હોય છે. તે દેવ પાસે મદદ માગે છે. 6 પરંતુ જે વિધવા પોતાને રાજી રાખવા મોજ-મઝામાં જીવન વેડફે છે, તે જીવતી હોવા છતાં ખરેખર મરણ પામેલી જ છે. 7 ત્યાનાં વિશ્વાસીઓને તું આ બધી વાત કહેજે (પોતાના ઘરની સંભાળ લેવાનું) જેથી, બીજી કોઈ વ્યક્તિ એમ કહી ન શકે કે તેઓ ખોટું કરી રહ્યાં છે. 8 વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે. 9 વિધવાઓની તારી યાદીમાં એવી સ્ત્રીનું નામ ઉમેરજે કે જે 60 વર્ષ કે તેથી વધારે ઊંમરની હોય. તે તેના પતિને વફાદાર રહી ચૂકી હોય. અને પર્ણલગ્ન ના કર્યુ હોય. 10 સત્કર્મ દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી હોય, પોતાના છોકરાઓને ઉછેર્યા હોય, મહેમાનોનું સ્વાગત કરનારી હોય, સંતોના પગ ધોયા હોય. દુઃખીઓને મદદ કરી હોય, અનેક પ્રકારના સત્કર્મોમાં ખત રાખતી હોય, એવી વિધવાનું નામ તારી યાદીમાં ઉમેરવું. 11 પરંતુ એ યાદીમાં જુવાન વિધવાઓનો સમાવેશ ન કરીશ. જ્યારે તેઓ ખ્રિસ્તને સમર્પિત થઇ જાય છે, ત્યારબાદ તેઓના તીવ્ર શારીરિક આવેગોને લીધે તેઓ ઘણીવાર ખ્રિસ્તથી દૂર ખેંચાઈ જાય છે. પછી તેઓ ફરીથી પરણવા ચાહે છે. 12 અને એવું કરનાર જુવાન વિધવાઓનો ન્યાય તોળાશે. તેઓએ પહેલા જે કરવાનું વચન આપ્યું હતું, તે ન કરવાના કારણે તેઓનો ન્યાય તોળવામાં આવશે. 13 વળી, તે જુવાન વિધવાઓ ઘેરઘેર ભટકવાનું શરું કરે છે અને પોતાનો સમય વેડફે છે. તેઓ નિંદા અને કૂથલી કરવાનું શરું કરી દે છે અને બીજા લોકોના જીવનમાં રસ લેતી થઈ જાય છે. જે ન બોલવું જોઈએ તે તેઓ બોલવા લાગે છે. 14 તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય. 15 પરંતુ કેટલીએક જુવાન વિધવાઓ અવળે માર્ગે દોરવાઈ જઈને શેતાનને અનુસરે છે. 16 જો કોઈ વિશ્વાસી સ્ત્રીના કુટુંબમાં વિધવાઓ હોય તો, તેણે પોતે તેઓની સંભાળ લેવી જોઈએ. તેઓની સંભાળ માટે મંડળીએ ભાર ઊઠાવવો જોઈએ નહિ. જેથી કુટુંબ વિહોણી નિરાધાર વિધવાઓની સંભાળ લેવાનું કામ મંડળી કરી શકશે. 17 મંડળીનો સારી રીતે અધિકાર ચલાવનાર વડીલોને માન પાત્ર ગણવા જોઈએ. ખાસ કરીને આ સાચું છે કે વડીલોને માન મળવું જોઈએ. જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે. 18 એવું શા માટે? કારણ કે શાસ્ત્ર કહે છે કે, “જ્યારે કામમાં જોતરેલો બળદ અનાજ છુટું પાડવાનું કામ કરતો હોય ત્યારે, એનું મોઢું બાંધીને તેને અનાજ ખાતો રોકવો નહી.અને વળી શાસ્ત્ર એ પણ કહે છે કે, “મજૂરને તેની મજૂરી આપવી જોઈએ.” 19 મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી. 20 પાપ કરનારાઓને કહેજે કે તેઓ ખોટા છે. આખી મંડળીની સમક્ષ આ કર. જેથી બીજા લોકોને પણ ચેતવણી મળી જશે. 21 દેવ તથા ઈસુ ખ્રિસ્ત અને ખાસ પસંદગી પામેલા દૂતોની સમક્ષ હું તને આ બધું કરવાની આજ્ઞા આપું છું. પરંતુ સત્ય હકીકતો જાણ્યા વિના તું લોકોનો ન્યાય તોળવા બેસી ના જતો. અને દરેક વ્યક્તિ સાથે એક સરખો વ્યવહાર રાખજે. 22 કોઈ પણ વ્યક્તિને મંડળીના વડીલ તરીકે નિયુક્ત કરવા તું તેના પર હાથ મૂકે તે પહેલા કાળજીપૂર્વક વિચાર કરજે. બીજા લોકોના પાપમાં ભાગીદાર થતો નહિ. તું તારી જાતને શુદ્ધ રાખજે. 23 તિમોથી, આજ સુધી તે ફક્ત પાણીજ પીધા કર્યુ છે. હવે પાણી પીવાનું બંધ કરીને થોડો દ્રાક્ષારસ પીજે. તેનાથી તારું પેટ સારું થશે, અને તું વારંવાર બિમાર નહિ થાય. 24 કેટલાએક લોકોનાં પાપ સહેલાઈથી જણાઈ આવે છે. તેઓનાં પાપ જણાવે છે કે તેઓને ન્યાય તોળોશે. પરંતુ બીજા કેટલાએક લોકોનાં પાપ પાછળથી ખબર પડે છે. 25 સારાં કામો કે જે લોકો કરે છે તે બાબતમાં પણ આવું જ છે. લોકોનાં સારા કામો સહેલાઈથી દેખાઈ આવે છે. પરંતુ જ્યારે એ સારા કામો સહેલાઈથી ન દેખાય, તો પણ તે છુપાવી શકતા નથી.
6:1 સર્વ દાસોએ પોતાના શેઠ પ્રત્યે સંપૂર્ણ માન દર્શાવવું જોઈએ. જો તેઓ આમ કરશે તો, દેવનું નામ અને આપણો ઉપદેશ ટીકાને પાત્ર થશે નહિ. 2 કેટલાએક દાસોના શેઠો વિશ્વાસીઓ હોય છે. તેથી જે દાસો તથા એ શેઠો ભાઈઓ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે એ દાસો પોતાના શેઠોને ઓછું માન આપે તો ચાલે. ના! તેઓએ તો વધારે કામ કરવું જોઈએ કારણ કે તેઓ કે જેને તેની સેવાઓ દ્વારા લાભ થયો છે તેઓ વિશ્વાસીઓ છે. જેને તેઓ પ્રેમ કરે છે.તેઓને આ વાતો શીખવ અને સલાહ આપ. 3 કેટલાએક લોકો એવી બાબતોનો ઉપદેશ આપશે કે જે ખોટો જ હોય. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો સાથે એ લોકો સંમત નહિ થાય. અને દેવની સેવાનો સાચો માર્ગ દર્શાવતા ઉપદેશનો તેઓ સ્વીકાર નહિ કરે. 4 ખોટી રીતે ઉપદેશ આપતી વ્યક્તિ અભિમાનથી છલકાય છે અને કશું જાણતી હોતી નથી. તે વ્યક્તિમાં દલીલબાજીની બિમારી હોય છે. અને એ શબ્દો વિષે દલીલબાજી કરે છે. એના પરિણામે ઈર્ષા, મુશ્કેલીઓ, અપમાનો અને ખોટા વહેમ ઉત્પન્ન થાય છે. 5 પણ ભ્રષ્ટ મતિના લોકોથી પરિણામે સતત દલીલબાજી થાય છે. એ લોકોએ સત્ય ખોઈ નાખ્યું છે. તેઓ એવું માનતા હોય છે કે દેવની સેવા તો કમાઈનું સાધન છે. 6 એ સાચું છે કે દેવની સેવા-ભક્તિ માણસને ખૂબ ધનવાન બનાવે છે. જો તેને પોતાની વસ્તુઓથી સંતોષ હોય તો. 7 આ દુનિયામાં આપણે જ્યારે આવ્યા ત્યારે, આપણે કશુંય લીધા વગર ખાલી હાથે આવ્યા હતા. અને આપણે જ્યારે મરી જઈશું ત્યારે, આપણે કશુંય લઈ જઈ શકવાના નથી. 8 તેથી આપણને જો પૂરતો ખોરાક અને કપડાં મળી રહે, તો તેનાથી આપણે સંતોષ માનવો જોઈએ. 9 ધનવાન થવાની ઈચ્છા રાખતા લોકો પોતે જ પ્રલોભનોની જાળમાં પકડાય છે. તેઓને ઘણી બધી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા થાય છે, કે જે ચીજે તેઓને નુકસાન કે આઘાત આપનારી નીવડે છે. એ વસ્તુઓ લોકોને પાયમાલ કરીને તેઓનો સર્વનાશ આણે છે. 10 પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે. 11 પરંતુ તું તો દેવભક્ત છે. તેથી એ બધી બાબતોથી તારે દૂર રહેવું જોઈએ. ન્યાયી માર્ગે જીવવાનો પ્રયત્ન કર, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતાના સદગુણ કેળવ. 12 વિશ્વાસ ટકાવી રાખવો એ સ્પર્ધાની હરીફાઈમાં ઉતરવા જેવું છે. એ સ્પર્ધા જીતવા તારાથી જેમ બને તેમ સખત પ્રયત્ન કરજે. અનંતજીવન તને પ્રાપ્ત થાય એની ખાતરી કરજે. એવું જીવન તને મળે એ માટે તને તેડવામાં આવ્યો છે. અને ખ્રિસ્ત વિષેના મહાન સત્યની તેં એવી રીતે કબૂલાત કરી છે કે જેના ઘણા લોકો સાક્ષી છે. 13 દેવ અને ઈસુ ખ્રિસ્ત આગળ હું તને આજ્ઞા આપું છું. જ્યારે ખ્રિસ્ત ઈસુ પોંતિયુસ પિલાત આગળ ઊભો રહ્યો ત્યારે તેણે પણ આજ મહાન સત્ય કબૂલ કર્યુ હતું. અને પ્રત્યેકને જીવન આપનાર એક માત્ર એવો દેવ જ છે. હવે જે હું તને કહું છું: 14 તને જે જે કાર્યો કરવાની આજ્ઞા કરવામાં આવી હતી તે કર. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન ન થાય ત્યાં સુધી તું એ કાર્યો કોઈ પણ દોષ કે ભૂલ કર્યા વગર કરતો રહે. 15 યોગ્ય સમયે એ ઘટના ઘટે એવું દેવ કરાવશે. જે ધન્ય તથા એકલો સ્વામી છે. જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. 16 દેવ એકલાને અમરપણું છે. દેવ તો એવા ઝળહળતા પ્રકાશમાં રહે છે કે માનવો એની નજીક જઈ શક્તા નથી. કોઈ પણ વ્યક્તિએ કદી દેવને જોયો નથી. દેવને જોવા માટે કોઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. તેને સદાકાળ ગૌરવ તથા સાર્મથ્ય હો. આમીન. 17 દુન્યવી ચીજ-વસ્તુઓ વડે ધનિક થયેલા લોકોને તું કહેજે કે તેઓ અભિમાની ન બને. એ ધનવાન લોકોને તું કહે કે તેઓ તેઓના ધનમાં નહિ, પરંતુ દેવમાં આશા રાખે. પૈસાનો વિશ્વાસ કરી ન શકાય. પરંતુ દેવ ખૂબ સારી રીતે આપણી સંભાળ લે છે. તે આપણને દરેક વસ્તુ આનંદથી માણવા આપે છે. 18 તું પૈસાદાર લોકોને સારાં કાર્યો કરવાનું કહે. સારાં કાર્યો કરીને સમૃદ્ધ થાય. તેઓ ભલું કરે. ઉત્તમ કાર્યો રુંપી સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને ઉદાર તથા પરોપકારી થાય. 19 એવું કરીને તેઓ પોતાના માટે આકાશમાં એક ખજાનો સંગ્રહ કરશે. તે ખજાનો મજબૂત સ્તંભ બનશે - તે ખજાના ઉપર તેઓ તે ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જેથી તેઓ જે ખરેખરું જીવન છે તે પ્રાપ્ત કરી શકે. 20 તિમોથી, દેવે તારામાં વિશ્વાસ મૂકીને તને ઘણી વસ્તુઓ સોંપી છે. તે વસ્તુઓને તું સુરક્ષિત રાખજે. દેવ તરફથી આવતી ન હોય એવી મૂર્ખાઈ ભરી વાતો કરતાં લોકોથી તું દૂર રહેજે. સત્યની વિરૂદ્ધમાં દલીલો કરતાં લોકોથી તું દૂર રહેજે. તેઓ જેને “જ્ઞાન” તરીકે ઓળખાવે છે, તેનો તે લોકો ઉપયોગ કરે છે. પરંતુ ખરેખર તો તે જ્ઞાન નથી. 21 કેટલાએક લોકો એવું કહેતા હોય છે કે તેઓની પાસે એ “જ્ઞાન” છે. એ લોકોએ સત્ય વિશ્વાસ તજ્યો છે.તમ સર્વ પર દેવની કૃપા થાઓ.