2 Peter

1:1 ઈસુ ખ્રિસ્તના સેવક અને પ્રેરિત સિમોન પિતર તરફથી તમને કુશળતા હો. અમારામાં છે તેવો મૂલ્યવાન વિશ્વાસ જે બધા લોકોમા છે, તે સર્વને આપણા દેવ અને તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયીપણાથી અમારા જેવો મૂલ્યવાન વિશ્વાસ જેઓ પામ્યા છે, તેઓ જોગ. 2 કૃપા અને શાંતિ વધુ ને વધુ પ્રમાણમાં તમને પ્રદાન થાઓ. તમને કૃપા અને શાંતિ પ્રાપ્ત થશે કારણ કે તમે ખરેખર દેવ અને આપણા પ્રભુ ઈસુને ઓળખો છો. 3 ઈસુ દૈવી સાર્મથ્ય ધરાવે છે. તેના સાર્મથ્ય આપણને એ દરેક વાનાં આપ્યાં છે જેની આપણને જીવવા અને દેવની સેવા માટે આવશ્યકતા છે. આપણે તેને જાણીએ છીએ તેથી આપણી પાસે આ વાનાં છે. ઈસુએ તેના મહિમા અને સાત્ત્વિકતાથી આપણને બોલાવ્યા. 4 તેના મહિમા અને સાત્ત્વિકતાથી, ઈસુએ આપણને આપેલાં તે ઘણા મહાન અને સમૃદ્ધ દાનો પ્રદાન કર્યા અને તેથી મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યા છે જેથી તે દ્ધારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને દૈવી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. 5 કારણ કે તમને આ આર્શીવાદો પ્રાપ્ત થયા છે, તેથી તમારે શક્ય હોય તેટલા તમામ પ્રયત્નો દ્ધારા આ બાબતોને તમારા જીવનમા ઉમેરવી જોઈએ: તમારા વિશ્વાસમાં ચારિત્ર ઉમેરો; 6 અને તમારા ચારિત્રમાં જ્ઞાન અને તમારા જ્ઞાનમાં સ્વ-નિયંત્રણ; અને તમારા સ્વ-નિયંત્રણમાં ધીરજ ઉમેરો અને તમારી ઘીરજમાં દેવની સેવા; 7 અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા; અને ભાઈ-બહેનોમાટેની કરૂણામાં પ્રેમ ઉમેરો. 8 જો આ બધી બાબતો તમારામાં હોય અને તે વિકાસ પામતી રહે, તો આ બાબતો તમને ક્યારેય નિરુંપયોગી બનવા દેશે નહિ. આ બાબતો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાનમાં કદાપિ અયોગ્ય ઠરવા દેશે નહિ. 9 પરંતુ જો વ્યક્તિ પાસે આ બાબતો ન હોય, તો તે સ્પષ્ટપણે જોઈ શકતી નથી તે વ્યક્તિ અંધ છે. તે ભુલી ગઇ છે કે તે તેના ભૂતકાળના પાપોથી શુદ્ધ થયો હતો. 10 મારા ભાઇઓ અને બહેનો, પ્રભુએ તમને તેડ્યાં છે અને તેના બનવા માટે તમને પસંદ કર્યા છે. એવું દર્શાવવા વિશેષ પ્રયત્ન કરો કે જેથી સાબિત થાય કે ખરેખર તમે જ પ્રભુના પસંદ કરાયેલ અને તેડાયેલ લોકો છો. જો તમે આ બધી બાબતો કરશો તો તમે કદી ઠોકર ખાશો નહિ. 11 અને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના રાજ્યમાં તમારું ઈષ્માભર્યુ સ્વાગત કરવામા આવશે. તે રાજ્ય સર્વકાળ છે. 12 તમે આ બાબતો જાણો છો. તમને જે સત્ય પ્રગટ થયું છે તેમાં તમે ઘણા સ્થિર છો. પરંતુ આ બાબતોનું સ્મરણ કરાવવામાં હું હંમેશ તમને મદદ કરીશ. 13 જ્યાં સુધી હું અહીં આ પૃથ્વી પર જીવિત હોઉ ત્યાં સુધી હું માનું છું કે મારા માટે તમને આ બાબતોનું સ્મરણ કરાવવું તે યોગ્ય જ છે. 14 હું જાણું છું કે મારે ખૂબ ઝડપથી આ શરીરનો ત્યાગ કરવાનો છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને તે દર્શાવ્યું છે. 15 હંમેશા તમને મદદરૂપ બનવા આ બાબતોનું સ્મરણ કરાવવા શક્ય તેટલા શ્રેષ્ઠ પ્રયત્નો હું કરતો રહીશ. મારા ચાલ્યા ગયા પછી તમે આ બાબતોને હંમેશા યાદ રાખવા શક્તિમાન બનો એમ હું ઈચ્છું છું. 16 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સાર્મથ્ય અને આગમન વિશે અમે તમને જણાવ્યું છે. તેના આગમન વિશે અમે તમને જણાવ્યું હતું. જે બાબત વિશે અમે તમને જણાવેલ તે લોકો દ્ધારા ઘડી કાઢવામાં આવેલી ચતુરાઈથી કલ્પેલી કહાણીઓ ન હતી. ના! અમારી પોતાની આંખો દ્ધારા અમે ઈસુની મહાનતા જોઈ. 17 ઈસુએ સૌથી મોટા ભવ્ય મહિમાની વાણી સાંભળી હતી. દેવ બાપ તરફથી જ્યારે ઈસુએ માન અને મહિમા પ્રાપ્ત કર્યો ત્યારે તેમ બન્યું. તે વાણીએ કહ્યું કે, “આ મારો વહાલો પુત્ર છે અને હું તેને ચાહું છું. તેનાથી હું ખૂબ પ્રસન્ન છું.” 18 અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી. 19 પ્રબોધકોએ જે બાબતો જણાવી છે તે આપણને વધારે ખાતરી આપે છે, જે બાબતો તેઓએ કહી તે અંધકારના કોઈક સ્થળે પ્રકાશ આપનાર દીવા સમાન હતી. જ્યાં સુધી દિવસ ન થાય અને પરોઢનો તારો તમારા અંત:કરણોમાં ન ઊગે ત્યાં સુધી તે દીવો તમારી પાસે રહેશે. 20 સૌથી મહત્વપૂર્ણ, તમારે સમજવું જ પડે કે: પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્યવચન કોઈ એક વ્યક્તિએ કરેલું પોતાનું અર્થઘટન નથી. 21 ના! કોઈ પણ ભવિષ્યવચન કદાપિ કોઈપણ વ્યક્તિની સ્વેચ્છાથી પ્રગટ થયેલ નથી. પરંતુ લોકો પવિત્ર આત્માની પ્રેરણાથી દેવના વચન બોલ્યાં.

2:1 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે. 2 ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે. 3 આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે. 4 જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા. 5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું. 6 દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું. 7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો. 8 લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો. 9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે. 10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે. આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ. 11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા. 12 પરંતુ આ ખોટા ઉપદેશકો તો જે નથી સમજી શક્યાં તેના માટે પણ નિંદા કરે છે. આ ઉપદેશકો પશુઓ સમાન છે કે જે વિચાર્યા વગર કાર્ય કરે છે. જંગલી પશુઓની જેમ તેઓ તો ઝડપાવા તથા નાશ પામવા જ જન્મેલા છે. અને જંગલી જાનવરોની જેમ, આ ખોટા ઉપદેશકોનો વિનાશ થશે. 13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે. આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે. 14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. આ ખોટા ઉપદેશકો હંમેશા આ જ રીતે પાપકર્મો કર્યા કરે છે. તેઓ નિર્બળ માણસોને પાપ કરવા લલચાવે છે. તેઓએ તો તેમના પોતાના હદયને સ્વાર્થી બનવાનું શીખવ્યું છે. તેથી તેઓ શાપિત છે. 15 આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો. 16 પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી. 17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે. 18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે. 19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે. 20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે. 21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત. 22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”42 અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”

3:1 મારા મિત્રો, તમને લખેલ મારો આ બીજો પત્ર છે. તમારા પ્રામાણિક માનસને કઈક સ્મરણ કરાવવા મેં બંને પત્રો તમને લખ્યા છે. 2 પવિત્ર પ્રબોધકોએ ભૂતકાળમાં જે વાણી ઉચ્ચારેલી તેનું હું તમને સ્મરણ કરાવવા ઈચ્છું છું. અને આપણા પ્રભુ અને તારનારે આપણને જે આજ્ઞા આપેલી તેનું પણ સ્મરણ કરાવવા ઈચ્છું છું. તમારા પ્રેરિતો દ્ધારા તે અમને આપી હતી. 3 અંતિમ દિવસોમા શું થશે તે સમજવું તમારા માટે મહત્વનું છે. લોકો તમારી સામે હસશે. તેઓ પોતાને ગમતી દુર્વાસના પ્રમાણે ચાલશે જેનો તેઓ આનંદ માણશે. 4 એ લોકો કહેશે કે, “તેણે આગમનનું વચન આપ્યું હતું. તે ક્યા છે? આપણા પૂર્વજો અવસાન પામ્યા. પરંતુ દુનિયા તો જે રીતે તેનું સર્જન કરવામાં આવ્યું ત્યારે હતી તે જ રીતે ચાલુ છે.” 5 પરંતુ ઘણા લાબાં સમય પહેલા જે બન્યું હતું તેને તે લોકો યાદ રાખવા માગતા નથી. આકાશ ત્યાં હતું, અને દેવે પાણી વડે પાણીમાંથી પૃથ્વીનું સર્જન કર્યુ. આ બધું જ દેવના વચન દ્વારા બન્યું. 6 પછી તે જગત પાણીમા ડૂબીને નાશ પામ્યું. 7 અને અત્યારે દેવનું તે જ વચન આકાશ અને પૃથ્વીને ટકાવી રાખે છે કે જે આપણી પાસે છે. આ પૃથ્વી અને આકાશ અગ્નિથી નાશ કરવા માટે ટકાવી રાખવામાં આવ્યા છે. પૃથ્વી અને આકાશ ન્યાયના દિવસ સુધી ટકાવી રખાશે અને પછી તેનો અને જેઓ દેવની વિરુંદ્ધ છે તે બધા જ લોકોનો નાશ થશે. 8 પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે. 9 પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે. 10 પરંતુ જ્યારે પ્રભુનો એ દિવસ આવશે ત્યારે તે ચોરના જેવો આશ્વર્યજનક હશે. મોટી ગર્જનાસહિત આકાશ અદશ્ય થઇ જશે. આકાશમાથી બધી વસ્તુઓ અગ્નિમાં નાશ પામશે. પૃથ્વી અને તેમાંની બધી વસ્તુઓ બાળી નાખવામાં આવશે. 11 અને મેં કહ્યું તે પ્રમાણે બધી વસ્તુઓનો વિનાશ થશે. તેથી તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ? તમારે પવિત્ર જીવન જીવવું જોઈએ અને દેવની સેવા કરવી જોઈએ. 12 તમારે દેવના દિવસ માટે આતુરતાથી રાહ જોવી જોઈએ. અને તેને માટે ખૂબ જ ઈચ્છા રાખવી જોઈએ. જ્યારે એ દિવસ આવશે, ત્યારે આકાશ અગ્નિથી નાશ પામશે, અને આકાશમાંની બધી વસ્તુ ગરમીથી ઓગળી જશે. 13 પરંતુ દેવે આપણને એક વચન આપ્યું છે. અને તે વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની આપણે રાહ જોઈએ છીએ. 14 પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો. 15 યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી. 16 પાઉલ તેના બધા જ પત્રોમાં આ જ રીતે આ બધી વાતો લખે છે. પાઉલના પત્રોમાં કેટલીક એવી વાતો છે કે જે સમજવામાં અઘરી છે. અને કેટલાએક લોકો તેને ખોટી રીતે સમજાવે છે.તે લોકો આજ્ઞાત છે, અને વિશ્વાસમાં નિબૅળ છે. તે જ લોકો બીજા શાસ્ત્રો43 ને પણ ખોટી રીતે સમજાવે છે. પરંતુ આમ કરીને તેઓ પોતાનો જ વિનાશ નોતરે છે. 17 પ્રિય મિત્રો, તમે આ બધીજ વાતો અગાઉથી જાણો છો. તેથી સાવધ રહો. તે અનિષ્ટ લોકોને તમને દુરાચારના માર્ગે દોરી ન જવા દો. સાવચેત રહો કે જેથી તમે તમારા સુદઢ વિશ્વાસમાંથી ચલિત ન થાવ. 18 પરંતુ આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન અને કૃપામા તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો! આમીન.