Colossians

1:1 ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હું પ્રેરિત છું. કારણ કે દેવ જ તેમ ઈચ્છતો હતો. ખ્રિસ્તમાં આપણા ભાઈ તિમોથી તરફથી પણ સલામ. 2 કલોસ્સામાં રહેતા ખ્રિસ્તમાં આપણા પવિત્ર અને વિશ્વાસુ ભાઈઓ અને બહેનોને આપણા દેવ બાપ તરફથી કૃપા તથા શાંતિ પ્રાપ્ત થાઓ. 3 હંમેશા અમે અમારી પ્રાર્થનામાં તમારે સારું દેવનો આભાર માનીએ છીએ. દેવ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ છે. 4 અમે દેવનો આભાર માનીએ છીએ કારણ કે તમે જે વિશ્વાસ ખ્રિસ્ત ઈસુમાં ધરાવો છો અને દેવના સર્વ સંતો માટે તમને જે પ્રેમ છે તેના વિષે અમે સાભંળ્યું છે. 5 તમને ખ્રિસ્તમાં વિશ્વાસ છે. તમારી આશાને કારણે તમે દેવના સંતોને પ્રેમ કરો છો. તમે જાણો છો કે જે વસ્તુની તમે આશા રાખો છો, તે આકાશમાં સલામત છે. તમે તેની આશા જાણવા આવ્યા છો. જ્યારે તમે સત્યના ઉપદેશને સાંભળ્યો, સત્ય સંદેશ એ જ સુર્વાતા છે. 6 જ્યારે તમને સુવાર્તા આપવામાં આવી ત્યારે સુવાર્તા આશીર્વાદ વરસાવી રહી છે. જ્યારે તમે તે સુવાર્તા પ્રથમ સાંભળી અને દેવની કૃપાની (દયા) સત્યતા તમે સમજયા તે સમયે પણ આમ જ બન્યું હતું. 7 એપાફ્રાસ પાસેથી તમે દેવની કૃપા વિષે જાણ્યું. એપાફ્રાસ અમારી સાથે જ કાર્ય કરે છે, અને અમે તેને ચાહીએ છીએ. તે અમારા માટે ખ્રિસ્તનો વિશ્વાસુ સેવક છે. 8 પવિત્ર આત્મા તરફથી તમને જે પ્રેમ પ્રાપ્ત થયો છે તે પણ એપાફ્રાસે અમને જણાવ્યું છે. 9 જે દિવસથી અમે આ બાબતો તમારા વિષે સાંભળી તે દિવસથી તમારે સારું પ્રાર્થના કરીએ છીએ. અમે આ બાબતો માટે પ્રાર્થના કરીએ છીએ:કે તમે સર્વ આત્મિક સમજણ તથા બુદ્ધિમાં દેવની ઈચ્છાના જ્ઞાનથી ભરપૂર થાઓ; 10 તમે આ બાબતોનો જીવનમાં એ રીતે ઉપયોગ કરો કે જેથી પ્રભુ તેમના વડે સમ્માનિત થાય, અને સર્વ પ્રકારે તેનાથી તે પ્રસન્ન થાય; કે તમે દરેક પ્રકારના સત્કાર્યો કરો અને દેવ અંગેના જ્ઞાનમાં વિકસિત થાવ; 11 દેવ તેના મહિમાના સાર્મથ્ય પ્રમાણે તમને શક્તિશાળી બનાવે, જેથી જ્યારે આપત્તિઓ આવે ત્યારે તમે ડગી ન જાવ અને સહનશીલ બનો.પછી તમને આનંદ પ્રાપ્ત થશે. 12 અને (દેવ) બાપની આભારસ્તુતિ કરો. જે વસ્તુઓ તેણે તમારા માટે તૈયાર કરી છે, તેને પામવા માટે તેણે જ તમને યોગ્ય બનાવ્યા છે. તેણે આ વસ્તુઓ તેના બધા જ લોકો માટે બનાવી છે, કે જે લોકો પ્રકાશમાં (સારું) જીવે છે. 13 દેવે આપણને અંધકારની (શૈતાન) સત્તામાંથી મુક્ત કર્યા છે. અને તે જ આપણને તેના પ્રિય પુત્ર (ઈસુ) ના રાજ્યમાં લઈ આવ્યો. 14 પુત્રએ આપણને છોડાવવા માટે કિમત ચુક્વી છે. તેનામાં જ આપણને આપણા પાપોની માફી પ્રાપ્ત થઈ છે. 15 કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી. પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ, જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે. 16 તેના સાર્મથ્ય વડે દરેક વસ્તુનું સર્જન કરવામાં આવ્યું-આકાશની વસ્તુઓ, પૃથ્વીની વસ્તુઓ, દૃશ્યમાન અને અદૃશ્ય વસ્તુઓ, સમગ્ર આત્મીય સત્તા, અધિકારીઓ, દરેક વસ્તુનું સર્જન ખ્રિસ્ત દ્વારા અને ખ્રિસ્ત માટે જ કરવામાં આવ્યું. 17 કોઈ પણ વસ્તુના સર્જન પહેલા ખ્રિસ્ત હતો. અને તેના જ કારણે દરેક વસ્તુમાં સાતત્ય છે. 18 ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે; કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય. 19 કેમ કે તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે એમ બાપને પસંદ પડયું; તેનુ પોતાનું જીવન પરિપૂર્ણ ખ્રિસ્તમાં હતું તેથી દેવ પ્રસન્ન હતો. 20 દેવ પ્રત્યેક વસ્તુને પોતાના માટે ખ્રિસ્ત દ્વારા પુનઃપ્રાપ્ત કરીને પ્રસન્ન થયો-પૃથ્વી પરની અને આકાશની વસ્તુઓ. દેવે વધસ્તંભના ખ્રિસ્તના રક્ત (મરણ) દ્વારા શાંતિ કરાવી. 21 એક સમયે તમે દેવથી વિખૂટા પડી ગયેલા. મનમાં તો તમે દેવના શત્રું હતા, કારણ કે જે દુષ્ટ આચરણ તમે કરેલું તે દેવ વિરુંદ્ધ હતું. 22 પરંતુ હવે ખ્રિસ્તે તમને ફરીથી દેવના મિત્ર બનાવી દીઘા છે. જ્યારે તે તેના શરીરમાં હતો, ત્યારે ખ્રિસ્તે તેના મરણ દ્વારા આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ લઈ જઈ શકે તેથી ખ્રિસ્તે આમ કર્યુ. તે તમને દેવ સમક્ષ એવા લોકો તરીકે પ્રસ્તુત કરે છે કે જે પવિત્ર છે, જેનામાં કોઈ ક્ષતિ નથી, અને દેવ જેને પાપો ગણી તમને પાપી ન ઠેરવી શકે. 23 જો તમે સાંભળેલ સુવાર્તામાં વિશ્વાસ ધરાવતા રહેશો, તો ખ્રિસ્ત આમ કરશે. તમારે તમારા વિશ્વાસમાં સ્થાપિત અને દ્રઢ બનવાનું ચાલુ રાખવું જોઈએ. સુવાર્તાએ જે આશા તમને પ્રદાન કરી છે તેમાંથી તમારે કદાપિ ચલિત થવું જોઈએ નહિ. અને તે સુવાર્તા આખા વિશ્વમાં પ્રગટ થઈ છે. હું પાઉલ, તે સુવાર્તા પ્રગટ કરવામાં મદદ કરું છું. 24 તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર, મંડળી, દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર, મંડળી માટે યાતના સહું છું. 25 દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપેલું તેથી હું મંડળીનો સેવક બન્યો. આ કાર્ય તમને મદદરૂપ થવાનું છે. મારું કાર્ય સંપૂર્ણપણે દેવની વાત જણાવવાનું છે. 26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે. 27 તેના લોકો આ સમૃદ્ધિ અને મહિમાનું સત્ય જાનો તેવો નિર્ણય દેવે કર્યો. તે મહિમાની આશા તમામ લોકો માટે છે. તે સત્ય જે તમારામાં છે, તે ઈસુ ખ્રિસ્ત પોતે જ છે જે મહિમાની આશા છે. 28 દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેની વાત પ્રગટ કરીએ છીએ. અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ પ્રકારના જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ. બધા જ લોકોને અમે દેવ સમક્ષ એવા પ્રસ્તુત કરવા માંગીએ છીએ કે જેઓ ખ્રિસ્તમાં આત્મિક રીતે સંપૂર્ણ થયેલા છે. 29 આમ કરવા માટે, ખ્રિસ્તે મને પ્રદાન કરી છે તે મહાન શક્તિનો હું કાર્ય અને સંઘર્ષ કરવામાં ઉપયોગ કરું છું. તે શક્તિ મારા જીવનમાં કાર્યાન્વિત બની છે.

2:1 તમને મદદ કરવા માટે હું ઘણી જહેમત ઉઠાવી રહ્યો છું તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને લાવદિકિયાના લોકોને જેઓ મને કદાપિ મળ્યા નથી તેઓને પણ હું મદદ કરવા પ્રયાસ કરી રહ્યો છું. 2 તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે. 3 ખ્રિસ્તમાં બધા જ જ્ઞાન તથા બુદ્ધિનો ખજાનો સુરક્ષિત રખાયેલો છે. 4 હું તમને આ બાબતો એટલા માટે જણાવું છું કે કોઈ પણ વ્યક્તિ તમને એવા ખ્યાલોથી મૂર્ખ ન બનાવે કે જે સારા લાગે ખરાં, પણ હોય ખોટા. 5 હું સદેહે તમારી સાથે નથી, પરંતુ મારું હૃદય તો તમારી સાથે જ છે. તમારું સારું જીવન અને ખ્રિસ્ત પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ જોઈને મને આનંદ થાય છે. 6 તમે ખ્રિસ્ત ઈસુ પ્રભુને સ્વીકાર્યો છે. તેથી કોઈ પણ પરિવર્તન લાવ્યા વિના તેને અનુસરવાનું ચાલુ રાખો. 7 તમારે ફક્ત ખ્રિસ્ત પર જ આધારિત રહેવું. જીવન અને સાર્મથ્ય તેના તરફથી આવે છે, તમને સત્ય શીખવવામાં આવ્યુ છે. તમારે તે સત્ય ઉપદેશ અંગે દ્રઢ રહેવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને હંમેશા આભારસ્તુતિ કરવી જોઈએ. 8 જે અર્થહીન હોય તેવા વ્યર્થ ખ્યાલો કે શબ્દો વડે કોઈ વ્યક્તિ તમને દોરે નહિ તે અંગે સાવધ રહો. તેવા ખ્યાલો ખ્રિસ્ત તરફથી નહિ, પરંતુ લોકો તરફથી આવતા હોય છે. 9 દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે. 10 અને ખ્રિસ્તમાં તમે સંપૂર્ણ છો. તમારે બીજા કશાની આવશ્યકતા જ નથી. બધા જ શાસકો અને સત્તાઓના ઈસુ જ શાસક છે. 11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. 12 જ્યારે તમે બાપ્તિસ્મા પામ્યા, ત્યારે તમારી ર્જીણજાત મૃત્યુ પામી અને ખ્રિસ્તની સાથે તમે દટાયા. અને તે બાપ્તિસ્મામાં ખ્રિસ્તની સાથે તમને ઉઠાડવામાં આવ્યા, કારણ કે દેવના સાર્મથ્યમાં તમને વિશ્વાસ હતો. જ્યારે તેણે ખ્રિસ્તને મૂએલામાંથી ઉઠાડયો ત્યારે દેવના સાર્મથ્યને દર્શાવ્યું. 13 તમે તમારા પાપી સ્વભાવ અને તમારી પાપી કાયાની તાકાતથી બંધાયેલા હતા, તેથી તમે આત્મિક રીતે મૂએલા હતા. પરંતુ ખ્રિસ્ત સાથે દેવે તમને જીવતા કર્યા અને દેવે આપણા પાપોની માફી આપી. 14 આપણે દેવના નિયમનો ભંગ કર્યો તેથી આપણે દેવાદાર બન્યા. જે નિયમોને અનુસરવામાં આપણે નિષ્ફળ રહ્યાં, તેને કરજની યાદી દર્શાવે છે. પરંતુ દેવે આપણું બધું જ કરજ માફ કર્યુ. દેવે આપણું કરજ લઈ લીધું અને તેને વધસ્તંભ પર ખીલાથી જડી દીધું. 15 આત્મિક શાસકો અને સત્તાઓને દેવે પરાજીત કર્યો. વધસ્તંભ વડે દેવે જય મેળવ્યો અને તે શાસકો અને સત્તાઓને પરાજીત કર્યા. દેવે જગતને બતાવ્યું કે તેઓ સાર્મથ્યહીન હતા. 16 તેથી કોઈ પણ વ્યક્તિને તમારા માટે ખાવાપીવા અંગેના કે યહૂદી રિવાજો. (ઉત્સવો, ચાંદરાત,કે વિશ્રામવાર) વિષે કોઈ તમને દોષિત ન ઠરાવે. કોઈ પણ વ્યક્તિને આ વિષે તમારા માટે નિયમો ન ઘડવા દો. 17 ભૂતકાળમાં, આ બાબતો પડછાયારૂપ હતી કે જેનું આગમન થઈ રહ્યું છે તે દર્શાવતી હતી. પરંતુ નૂતન બાબતો કે જેનું આગમન થવાનું હતું તે ખ્રિસ્તમાં દેખાઈ છે. 18 કેટલાક લોકો નમ્રતા અને દૂતોની સેવા કરવા ઈચ્છતા હોય, એવું વર્તન કરે છે. તે લોકો હમેશા જે દર્શનો તેઓએ જોયા હોય તેના વિષે કહેતા રહે છે. તે લોકોને ન કહેવા દો કે, “તમે આમ કરતા નથી, તેથી તમે ખોટા છો.” તે લોકો મૂર્ખ અભિમાનથી ભરપૂર છે. કારણ કે તેઓ ફક્ત માનવ વિચારોને જ વિચારી શકે, દેવના વિચારોને નહિ. 19 તે લોકો તેમની જાતને શિરનાં નિયંત્રણ હેઠળ રાખતા નથી. સમગ્ર શરીર ખ્રિસ્ત પર આધારિત હોય છે. ખ્રિસ્તને (શિર) લીધે જ શરીરનાં બધા જ અવયવો એકબીજાની દરકાર રાખે છે અને એકબીજાને મદદ કરે છે. આ શરીરને મજબૂત બનાવે છે. અને તેને સંગઠિત કરે છે. અને તેથી દેવ જે રીતે ઈચ્છે છે તે રીતે શરીર વિકાસ પામે છે. 20 તમે ખ્રિસ્ત સાથે મૂઆ અને દુન્યવી નિરર્થક નિયમોથી મુક્ત થયેલા છો. તેથી તમે હજુ પણ આ દુનિયા સાથે સંકળયેલા હોય તમે વર્તો છો? મારો આ મતલબ છે, કે શા માટે આવા નિયમો પાળો છો: 21 “આ ખાશો નહિ,” “પેલું ચાખવું નહિ,” “પેલી વસ્તુને અડકશો નહિ?” 22 આ નિમયો એવી દુન્યવી વસ્તુઓ વિષે વાતચીત કરી રહ્યાં છે કે જેનો ઉપયોગ કર્યા પછી જેનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી. આ નિયમો તો ફક્ત લોકોથી મળેલ આજ્ઞા તથા શિક્ષણ છે, દેવથી નહિ. 23 આ નિયમો સારા લાગે છે. પરંતુ આ નિયમો તો બસ માનવ નિર્મિત ધર્મના ભાગરૂપ છે કે જે માણસોને નમ્રતાનો ઢોંગ રચવા પ્રેરે છે, અને તેઓને દેહદમન માટે પ્રેરે છે. પરંતુ આ નિયમો લોકોને તેઓનો પાપી સ્વભાવ જે દુષ્કર્મો ઈચ્છે તે કરાવે છે, તેને અટકાવવામાં મદદકર્તા નથી.

3:1 ખ્રિસ્ત સાથે તમને મૂએલામાંથી ઉઠાડવામાં આવેલા. તેથી તે વસ્તુઓ, જે આકાશમાં છે તે પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરો. મારો મતલબ છે કે એ વસ્તુઓ કે જ્યાં ખ્રિસ્ત દેવના જમણા હાથે બેઠેલો છે. 2 ફક્ત આકાશની વસ્તુઓ વિષે જ વિચાર કરો, પૃથ્વી પરની વસ્તુઓ વિષે નહિ. 3 તમારી જૂની પાપી જાત મૃત્યુ પામી છે, અને ખ્રિસ્ત સાથે દેવમાં તમારું નવું જીવન ગુપ્ત રાખેલ છે. 4 ખ્રિસ્ત જ તમારું જીવન છે. જ્યારે તેનું પુનરાગમન થશે, ત્યારે તમે તેના મહિમાના સહભાગી બનશો. 5 એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. 6 એ કામો દેવને ક્રોધિત કરે છે. 7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે. 8 પરંતુ હવે તમારા જીવનમાં આ વસ્તુઓને જાકારો આપો: જેવી કે રીસ, બીજા લોકોની લાગણી દુભાવે તેવી વસ્તુઓ બોલવી કે કરવી, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો, અને વાતચીત દરમ્યાન અપશબ્દોનો ઉપયોગ કરવો. 9 એકબીજા સાથે જૂઠ્ઠું ન બોલો. શા માટે? કારણ કે તમે તમારું પાપી જીવન તથા તેવાં કાર્યો જે તમે અગાઉ કરેલાં તે તો ક્યારના ય છોડી દીધાં છે. 10 તમે નવું જીવન શરૂ કર્યુ છે. તમારા નવા જીવનમાં તમે નવા બનાવાયા છો. જેણે તમારું સર્જન કર્યુ છે તેના જેવા તમે બની રહ્યાં છો. આ નવું જીવન તમને દેવનું સત્ય જ્ઞાન આપે છે. 11 નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે. 12 દેવે તમને પસંદ કર્યા છે અને તમને તેના પવિત્ર લોકો બનાવ્યા છે. તે તમને પ્રેમ કરે છે. તેથી હમેશા આ વસ્તુઓ કરો: ધૈર્યવાન ને દયાવાન બનો, ભલાઈ કરો, દીન, નમ્ર, સહનશીલ બનો. 13 એકબીજાને સહન કરો, એકબીજાને માફ કરો. જો કોઈ વ્યક્તિ તમારી વિરુંદ્ધ કોઈ અનુચિત આચરણ કરે, તો તેને તમે માફ કરો. બીજા લોકોને માફ કરો કારણ કે પ્રભુએ તમને માફ કર્યા છે. 14 આ બધી જ બાબતો કરો; પરંતુ તે બધાથી મહત્વપૂર્ણ એ છે કે, તમે એકબીજાને પ્રેમ કરો. તમને દરેકને સંપૂર્ણ એકતામાં સાંકળતું બંધન જ પ્રેમ છે. 15 ખ્રિસ્ત જે શાંતિ પ્રદાન કરે છે તેના વડે તમારા વિચારોને નિયંત્રિત થવા દો. શાંતિ પ્રાપ્તિ અર્થે તમે બધા એક જ શરીરબનવા માટે તેડાયેલા છો. હમેશા આભારસ્તુતિ કરો. 16 ખ્રિસ્તની વાતો સર્વ જ્ઞાનમાં પુષ્કળતાથી તમારામાં રહે. એકબીજાને શીખવવા માટે અને સક્ષમ બનાવવા તમારા સંપૂર્ણ જ્ઞાનનો ઉપયોગ કરો. ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનોથી તમારા હૃદયમાં દેવની આભારસ્તુતિ કરો. 17 તમે જે કહો અને કરો તે સર્વ પ્રભુ ઈસુના નામે થવા દો. અને તમારા આ દરેક કાર્યોમાં, દેવ બાપની આભારસ્તુતિ ઈસુ દ્વારા વ્યક્ત કરો. 18 પત્નીઓ, તમારા પતિની સત્તાને આધીન રહો. પ્રભુમાં આ કામ કરવાની સુયોગ્ય બાબત છે. 19 પતિઓ, તમે તમારી પત્નીઓ પર પ્રેમ કરો, અને તેમના પ્રત્યે કઠોર ન થાઓ. 20 બાળકો, તમારા માબાપોની દરેક આજ્ઞાને અનુસરો, આ પ્રભુને પ્રસન્ન કરે છે. 21 પિતાઓ, તમારા બાળકોને ચીડવો નહિ. જો તમે તેમના પ્રત્યે કઠોર બનશો, તો પછી તેઓ પ્રયત્નો કરવાનું જ છોડી દેશે. 22 દાસો, તમારા પૃથ્વી પરના માલિકોની દરેક આજ્ઞા પાળો. તમારો માલિક તમને જોઈ શકે તેમ ન હોય તેવા સમયે પણ તમારા માલિકની આજ્ઞાઓનું પાલન કરો. તમે તો ખરેખર લોકોને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા નથી, તમે તો પ્રભુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરી રહ્યા છો. તેથી પ્રામાણિકપણે આજ્ઞાપાલન કરો કારણ કે તમે પ્રભુનો આદર કરો છો. 23 તમે જે કરી રહ્યા છો તે દરેક કાર્યમાં, તમે જેટલું થઈ શકે તેટલું શ્રેષ્ઠ કામ કરો. એ રીતે કામ કરો, જાણે લોકો માટે નહિ, પરંતુ પ્રભુ માટે કાર્ય કરી રહ્યા છો. 24 યાદ રાખો કે પ્રભુ તરફથી તમને બદલો મળવાનો છે. તે તમને, તેણે જે તેના લોકોને વચન આપેલું તે પ્રદાન કરશે. તમે તો પ્રભુ ખ્રિસ્તની સેવા કરી રહ્યા છો. 25 યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિ અનુચિત કાર્ય કરશે તે તેના અનુચિત કાર્યને કારણે સજાને પાત્ર બનશે. પ્રભુ ને ત્યાં પક્ષપાત નથી.

4:1 ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે. 2 પ્રાર્થનામાં ખંતથી મંડયા રહો. અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે હમેશા દેવની આભારસ્તુતિ કરો. 3 અમારા માટે પણ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો કે દેવ અમને તેની સુવાર્તા ફેલાવવાની તક આપે. પ્રાર્થના કરો કે દેવે જે ખ્રિસ્ત વિષેનું મર્મ પ્રકાશિત કર્યુ છે તેનો અમે ઉપદેશ આપી શકીએ. હું કારાગૃહમાં છું કારણ કે હું આ સત્યનો ઉપદેશ આપું છુ. 4 પ્રાર્થના કરો કે આ સત્યને હું લોકોને સ્પષ્ટ જાહેર કરી શકું. આ જ મારે કરવું જોઈએ. 5 જે લોકો વિશ્વાસુ નથી તેવા લોકો સાથે ડહાપણથી વર્તો. તમારા સમયનો સદુપયોગ કરો. 6 જ્યારે તમે વાતચીત કરો, ત્યારે તમે હમેશા માયાળુ અને બુદ્ધિમાન રહો. પછી જ તમે પ્રત્યેક વ્યક્તિને તમારે જે રીતે ઉત્તર આપવો જોઈએ તે રીતે આપી શકશો. 7 તુખિકસ ખ્રિસ્તમાં મારો વહાલો ભાઈ છે. પ્રભુમાં તે મારી સાથે વિશ્વાસુ સેવક તથા સાથી દાસ છે. તે તમને મારી સાથે બની રહેલી તમામ ઘટનાઓ જણાવશે. 8 તેથી જ હું એને મોકલી રહ્યો છું. અમે કેવી સ્થિતિમાં છીએ, તે તમે જાણો એમ હું ઈચ્છુ છું. અને તમને પ્રોત્સાહિત કરવા માટે પણ હું એને મોકલી રહ્યો છું. 9 ઓનસિમસની સાથે હું એને મોકલી રહ્યો છું. ઓનેસિમસ ખ્રિસ્તમાં વિશ્વાસુ અને વહાલો ભાઈ છે. તે તમારા સમૂહમાંથી આવે છે. તુખિકસ અને ઓનેસિમસ તમને અહીં જે કંઈ બન્યું છે તે જણાવશે. 10 અરિસ્તાર્ખસ તમને ક્ષેમકુશળ કહે છે. તે મારી સાથે અહીં કેદી છે. અને માર્ક, બાર્નાબાસનો પિત્રાઈ પણ તમને ક્ષેમકુશળ કહે છે. (માર્ક અંગે શું કરવું તે ક્યારનું મેં તમને જણાવી દીધું છે. જો તે ત્યાં આવે, તો તમે તેને આવકારજો.) 11 ઈસુ પણ (તે યુસ્તસના નામે પણ ઓળખાય છે) તમને ક્ષેમકુશળ કહે છે. આ જ ફક્ત યહૂદી વિશ્વાસુઓ છે કે જે મારી સાથે દેવના રાજ્ય માટે કાર્ય કરે છે. તેઓ મારા માટે દિલાસારુંપ બની રહ્યા છે. 12 એપાફ્રાસ પણ તમને ક્ષેમકુશળ કહે છે. તે ઈસુ ખ્રિસ્તનો સેવક છે. અને તે તમારા સંઘનો છે. તે હમેશા તમારા માટે આગ્રહથી પ્રાર્થના કરે છે. તે પ્રાર્થે છે કે તમે આત્મિક રીતે પરિપકવ બનવા માટે વિકાસ પામો અને દેવ તમારા માટે ઈચ્છે છે તે દરેક વસ્તુ તમને પ્રાપ્ત થાય. 13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે. 14 દેમાસ અને આપણા વહાલા મિત્ર લૂક વેંદ પણ ક્ષેમકુશળ કહે છે. 15 લાવદિકિયાના ભાઈઓ અને બહેનોને ક્ષેમકુશળ કહેજો. અને નુમ્ફા અને મંડળી કે જે તેના ઘરમાં મળે છે, તેમને પણ ક્ષેમકુશળ કહેજો. 16 આ પત્ર તમારી આગળ વાંચ્યાં પછી, તે લાવદિકિયાની મંડળીમાં પણ વંચાવવા તેની કાળજી રાખજો. અને લાવદિકિયામાં જે પત્ર મેં લખ્યો છે તે પણ તમે વાંચજો. 17 આર્ખિપસને કહેજો કે, “તને પ્રભુએ જે કામ સોંપ્યું છે તે પૂર્ણ કરવા સાવધ રહેજે.” 18 હું પાઉલ, મારા સ્વહસ્તે આ પત્ર લખી રહ્યો છું અને તમને ક્ષેમકુશળ પાઠવી રહ્યો છુ, કારાગારમાં મને યાદ કરજો. દેવની કૃપા (દયા) તમારા પર થાઓ.