1:1 ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઈચ્છાથી હું પ્રેરિત થયો છું. એફેસસમાં રહેલા, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવતા, સર્વ દેવના સંતો પ્રતિ. 2 આપણા દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા અને શાંતિ થાઓ. 3 આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. 4 વિશ્વનું સર્જન થયું તે પહેલા ખ્રિસ્તમાં દેવે અમને પસંદ કર્યા છે. દેવે અમને તેની પાસે પવિત્ર અને નિર્દોષ થઈએ તે માટે પસંદ કર્યા. 5 અને ઈસુ ખ્રિસ્તમાં પ્રસ્થાપિત દેવે, વિશ્વનું સર્જન થયું તે પહેલા પણ આપણને તેના સંતાન બનાવવા નકકી કર્યુ. દેવ આમ કરવા ઈચ્છતો હતો. અને તેમ કરવાથી તે પ્રસન્ન હતો. 6 તેની અદભુત કૃપાને કારણે દેવનો મહિમા થયો. દેવે તેની આ કૃપા આપણને મુક્ત રીતે અને ઊદારતાથી આપી. આપણને આ કૃપા તેણે ખ્રિસ્તમાં આપી, એ ખ્રિસ્ત કે જેને તે ચાહે છે. 7 ખ્રિસ્તમય આપણો તેના રકતથી ઉદ્ધાર થયો. દેવની સમૃદ્ધ કૃપાથી આપણને પાપોની માફી મળી છે. 8 દેવે તે કૃપા આપણને ઊદારતાથી અને મુક્તપને આપી. તેની રહસ્યપૂર્ણ યોજનાની માહિતી દેવે આપણને પૂરી સમજ અને જ્ઞાનથી આપી. 9 આપણે તેના ગૂઢ રહસ્યોને જાણીએ. આ બધી જ દેવની ઈચ્છા હતી. અને ખ્રિસ્ત થકી આમ કરવાનું તેનું આયોજન હતું. 10 દેવની યોજના યોગ્ય સમયે તેના આયોજનને પરિપૂર્ણ કરવાની હતી. દેવનું આયોજન હતું કે ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગમાંની અને પૃથ્વીની દરેક વસ્તુનું એકીકરણ થાય. 11 ખ્રિસ્તમાં આપણે દેવના લોકો તરીકે પસંદ કરાયા. દેવે આપણને તેના વારસો બનાવવાનું આયોજન ક્યારનું ય કર્યુ હતું. કારણ કે દેવ એ જ ઈચ્છતો હતો. અને દેવ એક છે જે ઈચ્છે છે અને માંગે છે તેને અનુરૂપ બધી વસ્તુઓને કરી શકે છે. 12 જેઓને ખ્રિસ્તમાં આશા હતી તેવા આપણે સૌથી પહેલા લોકો હતા. અને આપણે દેવના મહિમાની સ્તુતિ કરીએ તે માટે આપણે પસંદ કરાયા હતા. 13 તમારી સાથે પણ આવું જ છે. તમે સત્યનું વચન તમારા તારણની સુવાર્તા સાભળી. જ્યારે તમે આ સુવાર્તા સાંભળી ત્યારે તમે ખ્રિસ્તમાં વિશ્વાસ કર્યો. અને ખ્રિસ્ત થકી દેવે પવિત્ર આત્મા રૂપે પોતાનું ચિહન તમારામાં પ્રસ્થાપિત કર્યુ. આમ કરવાનું દેવે વચન આપ્યું હતું. 14 દેવે તેના લોકોને જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ થશે, તેની ખાતરી તે આ પવિત્ર આત્મા છે. જે લોકો દેવના છે તેઓને આના થકી સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. આ સર્વનો ધ્યેય દેવના મહિમાને માટે સ્તુતિ કરવાનો છે. 15 આ કારણે જ મારી પ્રાર્થનામાં હમેશા હું તમને યાદ કરું છું. તમારા માટે દેવનો આભાર માનું છું. જ્યારથી મેં પ્રભુ ઈસુમાં તમારો વિશ્વાસ અને દેવના લોકો પ્રત્યેના તમારા પ્રેમ વિષે સાંભળ્યું છે ત્યારથી મેં હમેશા આમ કર્યુ છે. 16 17 મેં હમેશા આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તના દેવ-મહિમાવાન પિતાને પ્રાર્થના કરી છે. મેં પ્રાર્થના કરી છે કે તેઓ તમને એવી આત્મિય સમજ આપશે જે તમને દેવનો સાચો પરિચય કરાવે-એ પરિચય કે જેનું દર્શન તેણે કરાવ્યું છે. 18 હું પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં વિશિષ્ટ સમજણનો ઉદય થાય ત્યારે દેવે આપણને પ્રદાન કરવા જે આશા માટે બોલાવ્યા છે તેને તમે ઓળખી શકશો. તમે એ પણ જાણી શકશો કે દેવે તેના પવિત્ર લોકો માટે જે આશીર્વાદનું વચન આપ્યું છે તે સમૃદ્ધ અને મહિમાવંત છે. 19 અને તમે જાણશો કે વિશ્વાસી લોકો માટે દેવની શક્તિ મહાન છે. આ શક્તિ એ મહાન સાર્મથ્ય છે. 20 જેનો ઉપયોગ દેવે ખ્રિસ્તને મૂએલાંમાંથી ઉઠાડવા માટે કર્યો હતો. દેવે ખ્રિસ્તને સ્વર્ગમાં પોતાની જમણી બાજુ સ્થાન આપ્યું છે. 21 બધા જ રાજ્યસત્તા, અધિકારીઓ, પરાક્રમ, અને રાજાઓ કરતા પણ વધારે મહત્વનું સ્થાન આપ્યું છે. આ વિશ્વ કે આના પછીના વિશ્વમાં કોઈનાં પણ સાર્મથ્ય કરતા ખ્રિસ્તનું સાર્મથ્ય વધુ મહિમા ઘરાવે છે. 22 દેવે બધી જ વસ્તુઓને ખ્રિસ્તના સાર્મથ્ય નીચે મૂકી, અને દેવે સર્વ પર તેને મંડળીના શિર તરીકે (અધિપતિ) નિર્માણ કર્યો. 23 મંડળી ખ્રિસ્તનું શરીર છે. ખ્રિસ્ત થકી મંડળી ભરપૂર છે. તે સઘળાંને સર્વ પ્રકારે પરિપૂર્ણ કરે છે.
2:1 ભૂતકાળમાં તમારા પાપો અને દેવ વિરુંદ્ધના અનુચિત વ્યવહારને કારણે તમારું આત્મીક જીવન મરી ગયું હતું. 2 હા, ભૂતકાળમાં તમે જગત જે રીતે જીવે છે તે રીતે જીવ્યા અને તે અપરાધોમાં તમે દુષ્ટ વાયુની સત્તાના અધિકારીને અનુસર્યા. અને જે લોકો દેવના આજ્ઞાંકિત નથી તેમને તે જ આત્મા અત્યારે પ્રભાવિત કરી રહ્યો છે. 3 ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા. 4 પરંતુ દેવની દયા મહાન છે, અને આપણા પ્રત્યેનો તેનો પ્રેમ ગાઢ છે. 5 આપણે દેવની વિરુંદ્ધ જે અનુચિત વ્યવહાર કરેલો તે કારણે આત્મિક રીતે આપણે મરી ચૂક્યા હતા. પરંતુ દેવે આપણને ખ્રિસ્તની સાથે નવું જીવન આપ્યું, તેની કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે. 6 દેવે આપણું ખ્રિસ્ત સાથે ઉત્થાન કર્યુ અને તેની સાથે સ્વર્ગીય સ્થાનોમાં આપણને સ્થાન આપ્યું. જે ખ્રિસ્તમય છે તેવા આપણા માટે દેવે આમ કર્યુ. 7 દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા. 8 હું એમ કહેવા માંગુ છું કે તમે કૃપાથી તારણ પામ્યા છો. અને તે કૃપા તમને વિશ્વાસથી મળેલી છે. તમે તમારી જાતે તારણ પામ્યા નથી. તે દેવનું દાન છે. 9 ના! તમારા કાર્યોથી તમારું તારણ થયું નથી. અને તેથી કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે તારણ પામી છે તેવી બડાઈ ન મારી શકે. 10 દેવે આપણને જેવા બનાવ્યા, તેવા આપણે છીએ. કારણ કે આપણે તેની કૃતિ છીએ, અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિષે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. 11 તમે બિનયહૂદિ તરીકે જન્મ્યા છો કે જેમને યહૂદિઓ “સુન્નત વગરના” કહે છે. તે યહૂદિઓ કે જે તમને “સુન્નત વગરના” કહે છે તો પોતાની જાતને “સુન્નતવાળા” કહે છે. (તેમની સુન્નત તેઓ પોતે પોતાના શરીર પર કરે છે.) 12 યાદ રાખજો કે ભૂતકાળમાં તમે ખ્રિસ્ત વિહીન હતા. તમે ઈસ્રાએલનાનાગરિક નહોતા. અને દેવે લોકોને જે વચન આપ્યું હતું, તેની સાથે તમે કરારબદ્ધ નહોતા. તમે દેવને ઓળખતા નહોતા અને તમારી પાસે કોઈ આશા નહોતી. 13 હા, કોઈ એક સમયે તમે દેવથી ઘણા દૂર હતા પરંતુ હવે ખ્રિસ્ત ઈસુ થકી તમે દેવની નજીક આવ્યા છો. ખ્રિસ્તના રક્તથી તમે દેવની સાનિધ્યમાં આવ્યા. 14 ખ્રિસ્તને કારણે હવે આપણને શાંતિ પ્રદાન થઈ છે. યહૂદી અને બિનયહૂદીઓ અત્યાર સુધી એકબીજાથી વિમુખ હતા જાણે કે તેઓની વચ્ચે એક દીવાલ ઊભી ના હોય! પરંતુ ખ્રિસ્તે આ બને લોકોને (યહૂદી અને બિનયહૂદી) એકતાનો અનુભવ કરાવ્યો. ખ્રિસ્તે પોતાના શરીરનું બલિહાન આપી આ બને પ્રજા વચ્ચેની ધિક્કારની દીવાલનો નાશ કર્યો. 15 યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી. 16 વધસ્તંભના બલિદાનથી ખ્રિસ્તે બે સમૂહ વચ્ચેના ધિક્કારનો અંત આણ્યો. અને બે સમૂહને એક અંગભૂત બનાવ્યા, તેથી તે તેઓને દેવ સમક્ષ લાવી શકે. અને વધસ્તંભ ઉપરના પોતાના મૃત્યુથી ખ્રિસ્તે આમ કર્યુ. 17 તમે લોકો જે દેવથી ઘણા જ વિમુખ હતા, તેઓને ખ્રિસ્તે શાંતિની સુવાર્તા આપી, અને જે લોકો દેવની નજીક હતા તેઓને પણ શાંતિની સુવાર્તા આપી. 18 હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે. 19 તો હવે તમે બિનયહૂદીઓ, દેવના પવિત્રો માટે મહેમાન કે અજાણ્યા નથી. હવે તમે દેવના પવિત્રો સાથે નાગરિક છો. દેવના કુટુંબના સભ્ય છો. 20 તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે. 21 આ આખો આવાસ ખ્રિસ્તમાં એકબીજાની સાથે સંયોજિત છે. અને ખ્રિસ્તના પ્રયત્નોથી તેનો વિકાસ થાય છે અને પ્રભૂમાં વધતાં વધતાં પવિત્ર મંદિર બને છે. 22 અને ખ્રિસ્તમાં તમે લોકો અન્ય બીજા સાથે જોડાઈ ગયા છો. તમને તે જગ્યાએ સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યાં આત્મા દ્વારા દેવનો વાસ છે.
3:1 હું પાઉલ તમારા માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન છું તમે લોકો કે જે યહૂદી નથી તેમનો પણ હું બંદીવાન છું. 2 તમને ખરેખર ખબર છે કે દેવે કૃપા કરીને મને આ કામ તમને મદદરૂપ થવા સોંપ્યું છે. 3 દેવે તેની ગૂઢ યોજના મને જાણવા દીધી. મને તેના દર્શન કરાવ્યા જે વિષે મેં પહેલા પણ થોડું લખ્યું છે. 4 અને મેં પહેલા જે લખ્યું હતું, તે જો તમે વાંચશો તો તમને સમજાશે કે દેવના ગૂઢ સત્યને હું ખરેખર જાણું છું. 5 લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં. 6 ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે. 7 દેવના કૃપાદાનથી, આ સુવાર્તાને કહેવા હું સેવક બન્યો હતો. દેવનું સાર્મથ્ય જે મારામાં કામ કરે છે તેનાથી મને આ કૃપા પ્રાપ્ત થઈ છે. 8 દેવના સર્વ લોકોમાં હું બિલકુલ બિનમહત્વનો છું. પરંતુ બિનયહૂદિઓને ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા આપવાનું દાન દેવે મને આપ્યું છે. એ સંપત્તિની સંપૂર્ણ સમજણ આપણી સમજશક્તિની બહાર છે. 9 જ્યારથી સમયનો આરંભ થયો, ત્યારથી જે ગૂઢ સત્ય દેવમાં ગુપ્ત હતું, તે દેવના ગુઢ સત્યને લોકો આગળ પ્રગટ કરવાનું કાર્ય પણ દેવે મને સોપ્યું છે. દેવ જ સર્વ વસ્તુઓનો સરજનહાર છે. 10 જે જુદી જુદી પદ્ધતિથી દેવ તેની પ્રજ્ઞાના દર્શન કરાવે છે તે સ્વર્ગના દરેક શાસક અને શક્તિઓને બતાવવા ઈચ્છતો હતો. મંડળીને લીધે તેઓ આ જ્ઞાન જાણશે. 11 અને સમયની શરૂઆતથી દેવની જે યોજના હતી તેને આ અનુકુળ છે. દેવે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ થકી પોતાની યોજના પ્રમાણે આ કામ કર્યુ. 12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ. 13 તેથી તમને હું કહું છું કે તમારા માટે જે વેદના થાય તેનાથી નાહિંમત કે નિરાશ ન થશો. મારી વેદના તમારા માટે મહિમા લાવે છે. 14 તેથી પ્રાર્થનામાં હું બાપની આગળ ઘુંટણે પડું છું. 15 આકાશમાં તેમ જ પૃથ્વી પરના દરેક કુટુંબ પોતે પોતાનાં નામ તેની પાસેથી પ્રાપ્ત કરે છે. 16 તેની મહિમાની સંપતિ પ્રમાણે પિતાને હું પ્રાર્થના કરું છું કે તે તમને તેના આત્મા દ્વારા આંતરિક મનુષ્યત્વમાં બળવાન બનવાની શક્તિ આપે. તેના આત્મા દ્વારા તે તમને સાર્મથ્ય આપશે. 17 હું પ્રાર્થના કરું છું કે વિશ્વાસથી તમારાં હૃદયમાં ખ્રિસ્તનો વાસ હો, અને તમારું જીવન પ્રીતિનાં મજબૂત મૂળિયાં પર પાયો નીખીને પ્રીતિમય બનાવો. 18 અને હું પ્રાર્થના કરું છું કે તમે બધા સંતો ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજી શકવાનું સાર્મથ્ય પ્રાપ્ત કરો. હું પ્રાર્થના કરું છું કે તે પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. 19 ખ્રિસ્તની પ્રીતિની મહાનતાને સમજવી કોઈ પણ વ્યક્તિની જ્ઞાન મર્યાદાની બહાર છે પરંતુ હું પ્રાર્થુ છું કે તમે તે પ્રેમને સમજી શકો. પછી તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. 20 દેવનું સાર્મથ્ય જ્યારે આપણામાં સકિય બને, ત્યારે તેના થકી આપણે માંગીએ કે ધારીએ તેના કરતાં અનેક ઘણું વધારે દેવ સિદ્ધ કરી શકશે. 21 મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં તેનો મહિમા સર્વકાળ સુધી સ્થાપિત રહો. આમીન.
4:1 હું પ્રભુમાં આધિન છું તેથી હું બંદી ગૃહમાં છું અને દેવે તમને તેના લોકો તરીકે પસંદ કર્યો છે. હું તમને કહું છું દેવના લોકો જેવું જીવન જીવો. 2 હમેશા વિનમ્ર અને દીન બનો. ધીરજવાન બનો અને પ્રેમથી એકબીજાનું સહન કરો. 3 આત્મા દ્વારા તમે શાંતિમાં એક થયા છો. સંગઠીત રહેવાનો પ્રયત્ન ચાલુ રાખો. શાંતિ તમને એકસૂત્રમાં રાખે. 4 જે રીતે એક શરીર અને એક આત્મા છે તે જ રીતે દેવે તમને એક આશા રાખવા બોલાવ્યા છે. 5 એક પ્રભુ, એક વિશ્વાસ અને એક બાપ્તિસ્મા છે. 6 દેવ ફક્ત એક જ છે અને તે સર્વનો પિતા છે. તે બધું જ ચલાવે છે. તે સર્વત્ર અને બધામાં સ્થિત છે. 7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. 8 તેથી ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે, “તે ઊંચે આકાશમાં બંદીવાનો સાથે ગયો, અને લોકોને દાન આપ્યાં.” ગીતશાસ્ત્ર 68:18 9 “તે ઊંચે ચઢયો, “તેના અર્થ શું? એનો અર્થ એ કે પહેલા તે પૃથ્વી પર નીચે આવ્યો. 10 તેથી ખ્રિસ્ત પૃથ્વી પર નીચે આવેલો, તેનું જ ઉર્ધ્વગમન થયું. ખ્રિસ્ત બધી વસ્તુઓને તેનાથી ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊચે ચઢયો. 11 અને તે જ ખ્રિસ્તે જુદી વ્યક્તિઓને ભિન્ન ભિન્ન દાન આપ્યાં. તેણે કેટલીએક વ્યક્તિઓને પ્રેરિતો અને કેટલાએકને પ્રબોધકો, કેટલાએક લોકોને જઈને સુવાર્તા કહેવાનું કામ સોંપ્યું, જ્યારે કેટલાએકનું કામ સંતોની સંભાળ રાખવાનું અને તેઓને ઉપદેશ આપવો તે હતું. 12 દેવે આ દાન આપ્યો કે જેથી સેવા માટે સંતો તૈયાર થઈ શકે. તેણે ખ્રિસ્તના શરીરને વધુ શક્તિશાળી બનાવવા આ દાનો આપ્યાં. 13 આ કાર્ય ચાલુ રહે જ્યાં સુધી આપણે એક વિશ્વાસમાં અને દેવપુત્રના એક જ જ્ઞાન વિષે એકસૂત્રી ન બનીએ. આપણે પરિપક્વ માણસ (સંપૂર્ણ) જેવું બનવું જ જોઈએ-એટલે કે આપણો એટલો વિકાસ થવો જોઈએ કે જેથી ખ્રિસ્ત જેવા સર્વ સંપૂર્ણ બનીએ. 14 પછી આપણે બાળક જેવા અથવા મોજાની અસરથી દિશાશૂન્ય અથડાતા વહાણ જેવા નહિ હોઈએ. આપણે આપણને ઠગવાનો પ્રયત્ન કરતાં અને ભિન્ન પ્રકારનો ઉપદેશ આપતા માણસોથી પ્રભાવિત નહિ થઈએ. આ લોકો છેતરપીંડી કરીને લોકોને ખોટે માર્ગ અનુસરવા માટે યુક્તિનું આયોજન કરે છે. 15 ના! આપણે પ્રેમથી સત્ય બોલીશું. અને દરેક રીતે ખ્રિસ્ત જેવા બનવા આપણે વિકાસ કરીશું. ખ્રિસ્ત શિર છે અને આપણે શરીર છીએ. 16 આખું શરીર ખ્રિસ્ત ઉપર આધારિત છે. અને શરીરના પ્રત્યેક અવયવો એકબીજા સાથે સંગઠીત અને સંલગ્ન છે. દરેક અંગ પોતાનું કાર્ય કરે છે જેને કારણે આખા શરીરનો વિકાસ થાય છે અને તે પ્રેમ સાથે વધુ શક્તિશાળી બને છે. 17 પ્રભુનાં નામે હું તમને આ કહું છું. અને ચેતવું છું. જેઓ અવિશ્વાસુ છે તેમના જેવું જીવવાનું ચાલુ ન રાખો. 18 તેઓના વિચારોનું મૂલ્ય કશું જ નથી. તે લોકો કશું સમજતા નથી, તેઓએ કશું ય સાંભળવાની ના પાડી. અને તેથી તેઓ અજ્ઞાની છે, અને તેથી દેવ અર્પિત જીવન પણ તેમને મળ્યું નથી. 19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. 20 પણ તમે ખ્રિસ્ત પાસેથી એ પ્રમાણે શીખ્યાં નથી. 21 મને ખબર છે કે તમે એના વિષે સાંભળ્યું છે, તમે તેનામાં એકરૂપ થયા છો, અને તમને સત્યનું શિક્ષણ મળ્યું છે, હા! ઈસુમાં સત્ય છે. 22 તમને પહેલાનું જીવન જીવતા અટકી જવાની, અને તમારું જૂનું માણસપણું વધુ ને વધુ અનિષ્ટ બનતું જાય છે. કારણ કે દુષ્કર્મો કરવાની ઈચ્છાથી લોકોને છેતરે છે. 23 અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ. 24 અને નવું માણસપણું જે દેવની ઈચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સજાર્યેલુ છે. તે ધારણ કરો. 25 તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ. 26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો. 27 શેતાનને રસ્તો ન આપો. જેથી તેનાથી તમે હારી જાઓ. 28 ચોરી કરનારે ચોરી ન કરવી જોઈએ. અને પરિશ્રમ કરવો જોઈએ. અને પોતાના હાથનો ઉપયોગ સત્કર્મ માટે કરવો જોઈએ. તે પછી તે ગરીબ લોકોને કશુંક આપવા શક્તિમાન થઈ શકશો. 29 જ્યારે તમે બોલો, ત્યારે કટુવચન ના બોલો, એવું બોલો કે જેની લોકોને જરૂર છે, જે લોકોને શક્તિશાળી બનાવવામાં મદદરૂપ નીવડે. આમ કરવાથી તમારું સાંભળનારને તમે મદદરૂપ થઈ શકશો. 30 અને પવિત્ર આત્મા જેને તમે આધિન છો તે દેવે આપેલી સાક્ષી છે, તેથી પવિત્ર આત્માને દુઃખી ન કરશો. દેવે તમને એ આત્મા દર્શાવવા આપ્યો છે કે, દેવ યોગ્ય સમયે તમારો ઉદ્ધાર કરશે. 31 કડવા વચન બોલો નહિ, જે બીજા લોકોને નુકસાન કરે. કઈ પણ દુષ્કર્મ કરશો નહિ. 32 એકબીજા સાથે ભલા થાઓ અને પૂર્ણ પ્રેમાળ બનો. જે રીતે ખ્રિસ્તમાં દેવે તમને ક્ષમા આપી છે તેમ તમે એકબીજાને ક્ષમા કરો.
5:1 તમે દેવના સંતાનો છો જેને દેવ ચાહે છે. તેથી દેવ જેવા થવાનો પ્રયત્ન કરો. 2 પ્રેમાળ જીવન જીવો અને જે રીતે ખ્રિસ્ત આપણને ચાહે છે, તે રીતે અન્ય લોકોને તમે ચાહો. ખ્રિસ્ત આપણે માટે સમર્પિત થયો દેવને અર્પિત તે એક સુમધુર બલિદાનહતું. 3 પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી. 4 હાસ્યાસ્પદ નિર્લજ્જ મજાક પણ ન કરવી જોઈએ. આ બધી અયોગ્ય વસ્તુઓ કરવાને બદલે તમારે દેવની આભારસ્તુતિ કરવી જોઈએ. 5 તમારે એ વાતની ખાતરી રાખવી જોઈએ કે જે વ્યક્તિ વ્યભિચારનું પાપ કરે છે તેનું ખ્રિસ્તના રાજ્યમાં કોઈ સ્થાન નથી. જે વ્યક્તિ પોતાની જાત માટે વધુ ને વધુ લાલચો રાખે છે અને દુષ્ટ કાર્યો કરે છે અને વધારે ને વધારે ઈચ્છા રાખે છે તે જૂઠા દેવને ભજ્વા જેવું છે. 6 તમને નિરર્થક વાતો કહીને કોઈ પણ વ્યક્તિ તમને મૂર્ખ ન બનાવે તેનું ધ્યાન રાખો. આવી અનિષ્ટ વસ્તુઓ દેવને એવા લોકો પ્રતિ ક્રોધિત બનાવે છે જેઓ આજ્ઞાંકિત નથી. 7 તેથી તેવાં લોકો સાથે આ પ્રકારનું વર્તન ન કરો. 8 ભૂતકાળમાં તમે અંધકારમય (પાપ) હતા. પરંતુ હવે તમે પ્રભુની જ્યોતથી પ્રકાશિત છો. તેથી પ્રકાશિત બાળકોની જેમ જીવો. 9 પ્રકાશ દરેક પ્રકારની ભલાઈ, યોગ્ય જીવન અને સત્ય પ્રદાન કરે છે. 10 પ્રભુને જે પસંદ છે તેવું ન્યાયીપણું શીખો. 11 અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો. કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી. અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો. પરંતુ તેઓને વખોડો. 12 કેમ કે તેઓ ખાનગીમાં એવાં કામ કરે છે કે જે કહેતાં પણ શરમ લાગે છે. 13 પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે તે વસ્તુઓ ખરાબ છે ત્યારે પ્રકાશ તેની અનિષ્ટતાને વધુ સ્પષ્ટ રીતે ખૂલ્લી પાડે છે. 14 અને બધી જ વસ્તુઓ જે આંખો વડે દશ્યમાન બનાવાય છે તે પ્રકાશિત બને છે.” તેથી જ અમે કહીએ છીએ:“ઓ નિદ્રાધીન વ્યક્તિ, તું જાગ! મૃત્યુમાંથી ઊભો થા, ખ્રિસ્ત તારા પર પ્રકાશિત થશે.” 15 તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે ખૂબ જ ચોક્કસ બનો, અને નિર્બુદ્ધ લોકો જેવું જીવન ના જીવો પરંતુ તે લોકોના જેવું જીવન જીવો જે ડાક્યા છે. 16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે. 17 તેથી તમારા જીવન પ્રત્યે મૂર્ખ વ્યવહાર ન કરો. પણ તેને બદલે પ્રભુ તમારી પાસે શું કાર્ય કરાવવા ઈચ્છે છે તે શીખો. 18 મદ્યપાન કરી મસ્ત ન બનો. તે તમારી આત્મિકતાનો નાશ કરશે. પરંતુ આત્માથી ભરપૂર થાઓ. 19 ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ. 20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો. 21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ. 22 પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો. 23 જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે. 24 મંડળી ખ્રિસ્તની અધ્યક્ષતા નીચે છે. અને તે જ રીતે બધી પત્નીઓ દરેક બાબતમાં તેમના પતિના અધ્યક્ષપણા નીચે હોવી જોઈએ. 25 જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ. 26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. 27 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય. 28 હરેક પતિએ પણ પોતે પોતાના શરીરને જે રીતે ચાહે છે તે રીતે તેની પત્નીને ચાહવી જોઈએ. જે પુરુંષ તેની પત્નીને ચાહે છે તે પોતાની જાતને ચાહે છે. 29 શા માટે! કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના શરીરને ધિક્કારતી નથી. દરેક વ્યક્તિ પોતાના શરીરનુ પાલનપોષણ કરે છે અને તેની કાળજી રાખે છે અને ખ્રિસ્ત મંડળી માટે પણ આમ જ કરે છે. 30 કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. 31 પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.” 32 હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે. 33 પરંતુ તમારામાંના પ્રત્યેકે તેની પત્નીને પોતાની જાતની જેમ પ્રેમ કરવો જોઈએ. અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.
6:1 જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે. 2 “તમારે તમારા માતા અને પિતાને માન આપવું જોઈએ.”આ પહેલી આજ્ઞા છે જેની સાથે વચન સંલગ્ન છે. 3 તે વચન આ છે: “પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે.” 4 પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો. 5 દાસો, આ પૃથ્વી ઉપર તમારા માલિકને માન અને ભય સાથે અનુસરો. અને આમ સાચા હૃદયથી કરો; જે રીતે તમે ખ્રિસ્તને અનુસરો છો. 6 જ્યારે તમારો માલિક દેખરેખ રાખતો હોય ત્યારે જ ફક્ત તેને પ્રસન્ન કરવા તેની આજ્ઞાનું પાલન ના કરો. પણ તેથી વિશેષ કંઈ કરવાની જરૂર છે. તમે જેમ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરો છો તેમ તેની આજ્ઞાનું પાલન કરો. દેવ જે ઈચ્છે છે તે તમારે સંપૂર્ણ હૃદયથી કરવું જોઈએ: 7 તમારું કામ પ્રસન્નતાથી કરો, જે રીતે તમે પ્રભુની સેવા કરો છો, માત્ર લોકોની સેવા કરો છો તે રીતે નહિ. 8 યાદ રાખો કે પ્રભુ પ્રત્યેકને, પછી તે દાસ હોય કે મુક્ત હોય તેમને જેવા શુભકામ કર્યા હોય, તેવો બદલો આપશે. 9 માલિકો, એ જ રીતે તમે તમારા દાસો પ્રત્યે ભલું વર્તન રાખો. ધમકીનો ઉપયોગ બંધ કરો. યાદ રાખો તે એક જે તમારો અને તેઓનો પણ ધણી છે તે આકાશમાં છે. અને ધણી (દેવ) દરેક વ્યક્તિનો એક સરખો ન્યાય કરે છે. 10 મારા પત્રને પૂરો કરતાં હું તમને પ્રભુમાં અને તેના સાર્મથ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. 11 દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. 12 આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ. 13 અને તેથી તમે દેવનાં સર્વ હથિયારો સજી લો કે, જેથી ભૂંડા દિવસે તમે દઢે ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો. 14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો. 15 અને તમારા પગે શાંતિની સુવાર્તાની તૈયારીરૂપી જોડાં ધારણ કરો કે જેથી તમે શક્તિપૂર્વક ઊભા રહી શકો. 16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. 17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. 18 હમેશા આત્મામાં પ્રાર્થના કરો. હરવખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તમારો જરૂરી બધી જ વસ્તુની યાચના કરો. આમ કરવા માટે હમેશા તૈયાર રહો. નિરુસ્તાહી થઈ છોડી ના દો અને પ્રભુના બધા સંતો માટે પ્રાર્થના કરો. 19 અને મારા માટે પણ પ્રાર્થના કરો કે જ્યારે હું બોલું ત્યારે મને દેવ તરફથી શબ્દો પ્રદાન થાય કે જેથી ભય વિના સુવાર્તાના ગૂઢ સત્યને હું કહી શકું. 20 મારું કામ સુવાર્તા કહેવાનું છે અને તે હું અહી બંદીખાનામાંથી કરી રહ્યો છું. પ્રાર્થના કરો કે જ્યારે હું સુવાર્તાનો ઉપદેશ આપું ત્યારે ભય વિના મારે જે રીતે આપવો જોઈએ તે રીતે આપું. 21 હું તમારી પાસે અમારા ભાઈ તુખિકસને મોકલું છું, જેને અમે ચાહીએ છીએ. તે પ્રભુના કાર્ય પ્રત્યે વિશ્વાસુ સેવક છે. મારા પ્રત્યે જે કઈ બની રહ્યુ છે તે બધું તે તમને કહેશે જેથી તમને ખબર પડશે કે હું કેમ છું અને શું કરી રહ્યુ છું. 22 મારી ઈચ્છા છે કે તમે જાણો કે અમે કેમ છીએ અને તમને હિંમત આપવા હું તેને મોકલી રહ્યો છું. 23 દેવ બાપ અને પ્રભુ ખ્રિસ્ત તરફથી તમને શાંતિ તથા વિશ્વાસસહિત પ્રીતિ થાઓ. 24 તમે બધા કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રીતિ રાખો છો તેઓ પર દેવની કૃપા થાઓ. આમીન.