Ezekiel

1:1 આ બાબત ત્રીસમા વર્ષના ચોથા મહિનાની પાંચમીએ બની જ્યારે હું ઇસ્રાએલી બંદીવાનોની સાથે બાબિલમાં આવેલી કબાર નદીની પાસે રહેતો હતો. તે વખતે મે જોયું કે આકાશ ઊઘડી ગયું, ને મને દેવનાં દર્શન થયાં. 2 આ દર્શન દરમ્યાન પાંચમા વર્ષમાં ચોથા મહીનાના પાંચમા દિવસે યહોયાકીન રાજાને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો. 3 ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો. 4 તે દરમ્યાન મે જોયું, કે ઉત્તરમાંથી એક આંધીરૂપી તોફાન મારી તરફ આવતું હતું. એ તો ખૂબજ વિશાળ વાદળું હતું, જેમાં અગ્નિ ચમકતો હતો, અને જેની આસપાસ પ્રકાશ હતો, ચળકતી ધાતુ જેવી કોઇક વસ્તું અગ્નિમાં હતી. 5 અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. 6 પણ દરેકને ચાર મુખ અને ચાર પાંખો હતી. 7 તેમના પગ માણસના જેવા સીધા હતા પણ તેમના પગના પંજા વાછરડા અને તે પિત્તળ સમાન ચળકતા હતા. 8 દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. 9 તેઓની પાંખો એકબીજાની પાંખોને અડકતી હતી. ચાલતી વખતે તેમને આમ કે તેમ ફરવું પડતું નહોતું. દરેક પ્રાણી સીધું આગળ વધતું હતું. 10 પ્રત્યેક પ્રાણીને આગળના ભાગમાં માણસનું મુખ, જમણી બાજુ સિંહનું મુખ, ડાબી બાજુ બળદનું મુખ અને પાછળની તરફ ગરૂડનુ મુખ હતું. 11 દરેક પ્રાણીની બે પાંખો પ્રસારેલી હતી અને તે પાસેના પ્રાણીની પાંખને સ્પર્શતી હતી અને બાકીની બે પાંખો શરીરને ઢાંકતી હતી. 12 દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ. 13 આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા. 14 અને તે પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ વધતાં હતાં તથા પાછળ જતાં હતાં. 15 આ સર્વ હું નિહાળી રહ્યો હતો ત્યારે મેં દરેક પ્રાણીની પાસે એક એમ ચાર પૈડાં જમીનને અડેલા જોયાં. 16 પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું. 17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા. 18 ચારેય પૈડાની ધારો ઊંચી અને ભયાનક હતી અને તેને સર્વત્ર આંખો હતી. 19 જ્યારે પ્રાણીઓ ચાલતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ચાલતાં, જ્યારે પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ જમીન પરથી ઊંચે જતાં. 20 પ્રાણીઓ મન ફાવે ત્યાં જતાં, અને પૈડાં પ્રાણીઓની સાથે સાથે જતાં. કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. 21 જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડા ચાલતાં, પ્રાણીઓ ઉભા રહેતાં ત્યારે પૈડાં ઊભા રહેતા અને પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ ઊંચે જતા હતાં કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું. 22 પ્રાણીઓના માથાં ઉપર ઊંચે, આકાશના ઘૂમટ જેવો અદૃભુત સ્ફટિકના જેવો જાણે ચમકતો ઘૂમટ તાણેલો હતો. 23 એ ઘૂમટની નીચે પ્રાણીઓએ નજીકના પ્રાણીની પાંખને સ્પશેર્ એ રીતે બબ્બે પાંખ પ્રસારેલી હતી અને બીજી બે પાંખોથી દરેકનું શરીર ઢંકાયેલું હતું. 24 તેઓ ઉડતાં ત્યારે તેઓની પાંખોનો અવાજ ધસમસતા પાણીના અવાજ જેવો મોટો સૈન્યના કોલાહલ જેવો, સર્વસમર્થના સાદ જેવો સંભળાતો હતો. અને જ્યારે તેઓ ઉભા રહેતાં ત્યારે તેઓ પોતાની પાંખો નીચે નમાવી મૂકતા. 25 અને જ્યારે તેઓ થોભ્યા, ત્યારે તેઓના માથા પર ઘૂમટ માંથી અવાજ આવ્યો અને તેઓએ તેમની પાંખોને નીચેની તરફ નમાવી દીધી. 26 જાણે ચાંદી, પિત્તળ, લોખંડ, સીસુ અને જસતને ઓગાળીને અગ્નિમાં એકઠા કર્યા હોય તેમ તેઓનાઁ માથાઁ પર પ્રસારેલા ઘૂમટની ઉપર જાણે નીલમનું બનાવેલું હોય તેવું રાજ્યાસન જેવું દેખાયું. આ રાજ્યાસન પર એક મનુષ્ય જેવો આકાર દેખાયો. 27 તેની કમરનો ઉપરનો સમગ્ર ભાગ ચળકતી ધાતુ જેવો દેખાતો હતો, અને કમરની નીચેનો સમગ્ર ભાગ અગ્નિની જેમ પ્રકાશતો હતો. તેની ચારે બાજુએ ઝળહળાટ વ્યાપેલો હતો. 28 એ ઝળહળાટમાં ચોમાસામાં થતા મેઘધનુષની જેવા બધા રંગો દેખાતા હતાં. આ રીતે યહોવાના મહિમાનું સ્વરૂપ મારી સમક્ષ પ્રગટ થયું. તે જોઇને મેં સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને મને સંબોધતી કોઇની વાણી મારા સાંભળવામાં આવી.

2:1 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઊભો થા, મારે તારી સાથે વાત કરવી છે.” 2 તેમણે મારી સાથે વાત કરી અને દેવનો આત્મા મારી અંદર પ્રવેશ્યો અને હું પગ પર ઊભો થયો; અને મેં તેમની વાણી સાંભળી. 3 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને ઇસ્રાએલ પાસે, હા, મારી વિરુદ્ધ બંડ કરનાર પ્રજા પાસે મોકલું છું, તેઓ તથા તેઓના પિતૃઓ આજ દિવસ સુધી મારી વિરુદ્ધ પાપ કરતા આવ્યા છે. 4 તેઓ ઉદ્ધત અને હઠીલા છે, તેમની વચ્ચે હું તને મોકલું છું, તું તેમને મારી વાણી સંભળાવજે. 5 ભલે પછી તેઓ તને સાંભળે કે ન સાંભળે. એ તો બંડખોરોની પ્રજા છે; તોપણ તેમને એટલી તો ખબર પડશે કે તેમની વચ્ચે કોઇ પ્રબોધક આવ્યો છે. 6 “પણ, હે મનુષ્યના પુત્ર, તું તેમનાથી ડરીશ નહિ કે તેમના વચનોથી ગભરાઇશ નહિ; ભલે તારી ચારે બાજુ ઝાંખરાં અને કાંટાઓ હોય અને તારે વીંછીઓની આસપાસ વસવું પડે, તેમ છતાં તું તેમનાથી ડરીશ નહિ, અને નાસીપાસ થઇશ નહિ, કારણ કે તેઓ તો બંડખોરો પ્રજા છે. 7 અને તારે તેઓને તે કહેવું જે મેં તને કહૃયુ, પછી ભલે તે લોકો સાંભળે કે ન સાંભળે કારણ કે તેઓ તો બળવાખોર પ્રજા છે. 8 “હે મનુષ્યના પુત્ર, હું જે કહું છું તે સાંભળ, એ બંડખોરોની જેમ તું બંડખોર થઇશ નહિ, તારુ મુખ ઉઘાડ અને હું તને આપું છું તે તું ખાઇ જા.” 9 અને મેં જોયું તો ઓળિયું પકડેલો એક હાથ મારા તરફ લંબાયેલો હતો; 10 તેમણે મારી આગળ ઓળિયું ખુલ્લું કર્યું. તેમાં બન્ને તરફ લખાયેલું હતું; તેમાં અંતિમ ક્રિયાના ગીતો, શોકગીતો તથા વિલાપ ગીતો લખેલા હતાં.

3:1 દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તારી સામે છે તે ખાઇ, જા, આ ઓળિયું ખાઇ જા, અને પછી ઇસ્રાએલીઓ આગળ જઇને કહી સંભળાવ.” 2 તેથી મેં મારું મુખ ઉઘાડ્યું અને તેમણે મને ઓળિયું ખાવા માટે આપ્યું. 3 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને આપું છું તે ઓળિયું ખાઇ જા અને તારું પેટ ભર.”મેં તે ખાધું અને મને તે મધ જેવું મીઠું લાગ્યું. 4 પછી તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ પાસે જઇને હું તને કહું તે તેઓને કહે. 5 હું તને દૂરના દેશમાં રહેતી અને તું ન સમજી શકે તેવી અજાણી ભાષા બોલતી વિદેશી પ્રજા પાસે નથી મોકલતો, પણ ઇસ્રાએલી પ્રજા પાસે મોકલું છું. 6 હું તને કોઇ અજાણી કે અઘરી ભાષા બોલનાર પ્રજા પાસે નથી મોકલતો. જો હું તને તેઓની પાસે મોકલું તો તેઓ જરૂર તારો સંદેશો સાંભળે. 7 પરંતુ ઇસ્રાએલીઓ તારી વાત નહિ સાંભળે, કારણ, તેઓ મારી વાત સાંભળવા પણ તૈયાર નથી. તેઓ બધા એવા કઠોર અને હઠીલા છે. 8 તેથી હું પણ તને એમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ. 9 હું તને કાળમીઠ પથ્થર જેવો, અરે! વજ્ર જેવો કઠણ બનાવીશ. માટે તું એ બંડખોરોથી બીશ નહિ, ગભરાઇશ નહિ.” 10 પછી દેવે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું તને જે કહું તે ધ્યાનથી સાંભળ અને બરાબર યાદ રાખી લે. 11 પછી બંદીવાસમાં ગયેલા તારા લોકો પાસે જઇને તેઓને કહે: ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે!’ તેઓ સાંભળે કે ન સાંભળે.” 12 પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો અને મેં મારી પાછળ પ્રચંડ અવાજ સાંભળ્યો: “યહોવાના ગૌરવને ધન્ય હો.” 13 મેં હવામાં પ્રાણીઓની પાંખો એકબીજા સાથે અથડાવાનો મોટો અવાજ સાંભળ્યો, અને, તેમની પાછળ પૈડાંઓના ગડગડાટ પણ સંભળાતા હતા. 14 પછી આત્મા મને ઉપાડી ગયો અને હું દુ:ખી થઇને ક્રોધ અનુભવતો સાથે ગયો. પરંતુ યહોવાનો હાથ પ્રબળ રીતે મારા પર હતો. 15 હું તેલ- આબીબકબારનદીને કાંઠે વસતા દેશવટો ભોગવનારાઓ પાસે પહોંચી ગયો અને સાત દિવસ સુધી તેમની વચ્ચે સ્તબ્ધ બની બેસી રહ્યો. 16 સાત દિવસો પૂરા થયા પછી મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલ પર ચોકીદાર તરીકે નીમ્યો છે; જ્યારે હું મારા લોકો માટે ચેતવણી મોકલું ત્યારે તે તરત જ તેઓને જણાવજે. 18 હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ. 19 “પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે તો, તે પોતાના પાપે મરશે, પણ તારો જીવ બચી જશે. 20 “વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ. 21 “પણ જો તું કોઇ સારા માણસને પાપ ન કરવાને ચેતવે અને તે પાપ ન કરે તો તે તારી ચેતવણીને લીધે જીવતો રહેશે, એટલું જ નહિ, તારો જીવ પણ બચી જશે.” 22 ત્યારે યહોવાનો હાથ મારી પર એ જગ્યાએ આવ્યો અને તેણે મને કહ્યું, “ઊઠ, બહાર ખીણમાં જા, ત્યાં હું તારી સાથે વાત કરીશ.” 23 તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા. 24 પછી દેવનો આત્મા મારી પાસે આવ્યો અને મને ઉભો કર્યો અને તેણે મને કહ્યું, “ઘરે જઇને પોતાને તારા ઘરની અંદર બંધ કરી દે. 25 હે મનુષ્યના પુત્ર, તને દોરડાં વડે બાંધવામાં આવશે, જેથી તું લોકોમાં જઇ ન શકે. 26 અને હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઇશ. જેથી તું મૂંગો બની જશે અને તેઓને ઠપકો આપી શકશે નહિ; તેઓ તો બળવાખોરોની જમાત છે. 27 પરંતુ મારે તને કઇંક કહેવું હશે ત્યારે હું તને ફરી બોલતો કરીશ, અને તું તેમને કહેજે કે, ‘યહોવા આપણા પ્રભુ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, એ તો બળવાખોરોની જમાત છે.”

4:1 દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર. 2 પછી તેને ઘેરો ઘાલ, તેના ફરતે ખાઇ બનાવ, હુમલો કરવા માટે માટીના ગઢ ઊભા કર. છાવણી ઊભી કર અને ચારે બાજુ કોટનો નાશ કરવાના યંત્રો ગોઠવ. 3 વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે. 4 “પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે. 5 મેં તેઓના પાપોના વરસોની સંખ્યા નક્કી કરી છે જેવી રીતે તારા માટે દિવસોની સંખ્યા નક્કી કરી છે. તેથી ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇસ્રાએલ પ્રજાના અપરાધની ઘોષણા કરશે. 6 “આ પ્રમાણે કર્યા પછી તારે તારા જમણા પડખે સૂઇ જવું અને યહૂદિયાના લોકોના પાપોની ઘોષણા કરવી. દરેક વરસને માટે એક દિવસ એમ 40દિવસ તારે માટે મેં ઠરાવ્યા છે. તેટલા દિવસો સુધી યહૂદાના પાપો અને અપરાધની ઘોષણા કરજે.” 7 “ત્યાર બાદ તારે યરૂશાલેમના ઘેરા તરફ એકીટશે જોઇ રહેવું. અને એ શહેરના વિનાશનું ભવિષ્ય ભાખવું. 8 હું તને દોરડાં વડે બાંધી દઇશ, જેથી ઘેરો પૂરો થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.” 9 “ત્યારપછી તારે, ઘઉં, જવ, વટાણા, ચોળા, મઠ અને બાજરીનો લોટ લઇ એક જ વાસણમાં નાખી તેમાંથી રોટલા બનાવવા. જ્યારે તું ત્રણસોને નેવું દિવસ સુધી સૂઇ રહીશ ત્યારે તારે ફકત એ જ ખાવાનું છે. 10 તારે દરેક વખતે ભોજન તોળીને ખાવું પડશે. તને દરરોજ એક કપ લોટની રોટલી બનાવીને. દિવસ દરમ્યાન નક્કી કરેલા ચોક્કસ સમયે તું ખાઇ શકીશ. 11 તારે જળપાન પણ માપીને જ કરવું, આખા દિવસના બે પ્યાલા. 12 તારે બધાની હાજરીમાં માણસનો સુકાયેલો મળ સળગાવવો અને તેના ઉપર જવના રોટલાં શેકવા.” 13 યહોવા જાહેર કરે છે કે “ઇસ્રાએલીઓને હું જે દેશોમાં બંદીવાન તરીકે લઇ જઇશ ત્યાં તેઓ આ રીતે અશુદ્ધ થયેલો ખોરાક ખાશે!” 14 પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી. 15 ત્યારે તેમણે મને કહ્યું, “હું તને માનવમળને બદલે છાણાં ઉપર રોટલા શેકવાની છૂટ આપું છું.” 16 એટલે તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, હું યરૂશાલેમનો અનાજનો ભંડાર ખાલી કરી નાખનાર છું, ત્યાંના લોકો ચિંતામાંને ચિંતામાં તોળી તોળીને ખાશે અને ભયના માર્યા માપી માપીને પાણી પીશે. બધા જ ભયભીત થઇ જશે. 17 હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.

5:1 “હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર. 2 તેં દોરેલા યરૂશાલેમના નકશાના મધ્યભાગમાં ત્રીજા ભાગના વાળ મૂક, ઘેરો પૂરો થયા પછી તેને ત્યાં બાળી નાખ. બીજા એક તૃતીયાંશ ભાગને તારા નકશા પરના યરૂશાલેમ નગરની આસપાસ તરવારથી કાપી નાખ, વાળના છેલ્લા ત્રીજા ભાગને પવનમાં ઉડાવી દે. કારણ કે હું મારા લોકોનો તરવારથી પીછો પકડીશ. 3 એ વાળમાંથી થોડા લઇને તારા ઝભ્ભાની ચાળમાં વીંટી દેજે. 4 તેમાંથી થોડા વાળ લઇને દેવતામાં નાખી બાળી મૂકજે. એમાંથી અગ્નિ પ્રગટી સમગ્ર ઇસ્રાએલી પ્રજામાં વ્યાપી જશે.” 5 યહોવા મારા માલિક કહે છે: “યરૂશાલેમને જુઓ, તેને મેં પૃથ્વીની મધ્યમાં ગોઠવી છે અને બીજા દેશો એની આજુબાજુ આવેલા છે. 6 પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.” 7 આથી યહોવા મારા માલિક કહે છે, તમારી બાજુના પડોશીઓ કરતાં તમે વધારે દુષ્ટ છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી; મારા નિયમોનું પાલન કર્યું નથી; તમે તમારી આજુબાજુની બીજી પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું.” 8 તેથી, યહોવા મારા માલિક, કહે છે કે, “હું પોતે તમારી વિરુદ્ધ છું: હું બધાની હાજરીમાં તમારી પર ન્યાયશાસનનો અમલ કરીશ. 9 તમારા બધા ધૃણાજનક આચારોને કારણે હું તમને એવી સજા કરીશ જેવી મેં કદી કરી નથી, ને ભવિષ્યમાં કદી કરવાનો નથી. 10 પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.” 11 યહોવા મારા માલિક કહે છે કે, “હું મારા સમ ખાઇને કહું છું કે, તે તારી તિરસ્કૃત વસ્તુઓથી (મૂર્તિઓથી) અને ધૃણાજનક વર્તનથી મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યું છે તેથી હું પણ તમને વેતરી નાખીશ. હું તમારા પર કરૂણા નહિ રાખું કે દયા બતાવીશ નહિ. 12 તમારી વસ્તીનો ત્રીજો ભાગ રોગચાળાથી અને ભૂખમરાથી માર્યો જશે અને ત્રીજો ભાગ શહેરની ફરતે યુદ્ધમાં તરવારથી કપાઇ જશે અને ત્રીજા ભાગને હું ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને ઉઘાડી તરવારથી તેમનો પીછો કરીશ. 13 એ રીતે મારો ક્રોધ શમી જશે. હું તેમના પર મારો રોષ વરસાવીશ, ત્યારે જ મને શાંતિ વળશે. મારો ક્રોધ હું તેમના પર પૂરેપૂરો ઉતારીશ ત્યારે એમને ખબર પડશે કે, હું યહોવા પુણ્યપ્રકોપથી આ બોલ્યો હતો.” 14 દેવ કહે છે, “હું તમને ખંડિયેરનો ઢગલો બનાવી દઇશ અને આસપાસની પ્રજાઓ અને જતાઆવતા લોકો તમારી હાંસી ઉડાવશે. 15 હું જ્યારે તને રોષે ભરાઇને સજા કરીશ ત્યારે આજુબાજુની પ્રજાઓ ભયથી થરથર કાંપશે અને તું એમને માટે હાંસીપાત્ર બની જઇશ અને તેમના માટે ચેતવણી રૂપ તથા અચંબારૂપ થઇ જઇશ; હું યહોવા આમ બોલ્યો છું. 16 હું મારા દુકાળરૂપી જીવલેણ બાણો છોડીશ; તે તમારો જીવ લઇ લેશે, હું મારા જીવલેણ બાણો છોડ્યા કરીશ અને તમારા અનાજના ભંડારો ખાલી કરીને તમારી વચ્ચે ભૂખમરો વધારીશ. 17 હું તમારી સામે દુકાળને અને જંગલી પશુઓને મોકલીશ, તેથી તમારા પર મોત અને ખૂનરેજી ફરી વળશે; તમે મારી તરવારનો ભોગ બનશો, આ હું યહોવા બોલ્યો છું.”

6:1 યહોવાની વાણી મને ફરીથી સંભળાઇ: 2 “તેણે કહ્યું હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલના પર્વતો તરફ તારું મુખ ફેરવ અને તેમને મારા વચનો સંભળાવ: 3 “‘હે ઇસ્રાએલના પર્વતો, યહોવા મારા માલિકનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક પર્વતોને અને ડુંગરોને અને ખીણોને કહે છે; હું યહોવા તમારા પર યુદ્ધ લાવીશ અને તમારા ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ. 4 તમારી વેદીઓ તોડી પાડવામાં આવશે અને તમારી ધૂપવેદીઓ ભાંગી નાખવામાં આવશે. અને હું તમારા મૃતદેહોને તમારી અપવિત્ર મૂર્તિઓ આગળ નીચે પાડી દઇશ. 5 હું ઇસ્રાએલનાં લોકોના મૃતદેહો તેમની અશુદ્ધ મૂર્તિઓ સમક્ષ નાખીશ અને તેમના હાડકાંને તેમની વેદીઓની આસપાસ વિખેરી નાખીશ. 6 ઇસ્રાએલના સર્વ નગરોને ખંડિયેર બનાવી દેવામાં આવશે અને તમારા મૂર્તિપૂજાના થાનકોને ભોંયભેંગા કરવામાં આવશે; તમામ વેદીઓ અને મૂર્તિઓ ભાંગી નાખવામાં આવશે અને ધુપદાનીઓને તોડી નાખવામાં આવશે; તમારી એકેએક વસ્તુનું નામોનિશાન મિટાવી દેવામાં આવશે. 7 તમારી ચારેબાજુ હત્યા થશે, ત્યારે જેઓ બચી જશે તેઓ જાણશે કે હું યહોવા છું.”‘ 8 દેવે કહ્યું, “પરંતુ હું તમારામાંના કેટલાકને જીવતા રહેવા દઇશ, તેઓ હત્યામાંથી બચી જશે. 9 અને પછી તેઓ વિદેશી પ્રજાઓમાં વેરવિખેર થઇ દેશવટો ભોગવશે. ત્યાં તેઓ મને યાદ કરશે અને તેમને સમજાશે કે તેમના હૃદયો દગાબાજ નીવડી મૂર્તિઓ ઉપર મોહી પડ્યા હતાં તેથી તેમને શરમાવવા માટે મેં તેમને સજા કરી હતી. આમ, પોતે કરેલાં ધૃણાજનક કૃત્યો બદલ તેમને પોતાના પર તિરસ્કાર થશે. 10 અને તે રીતે તેઓને ખાતરી થશે કે હું એકલો જ યહોવા છું; અને હું તેઓને કહેતો હતો કે આ સર્વ વિપત્તિઓ તમારા પર લાવીશ. તે મેં અમસ્તુ કહ્યું ન હતું.” 11 યહોવા મારા માલિકે કહ્યું, “ઇસ્રાએલના લોકોએ તિરસ્કૃત દુષ્કૃત્યો કર્યા છે માટે હાથ અફાળીને, પગ પછાડીને ઘૃણાથી બડબડાટ કરો, એ લોકો યુદ્ધથી, ભૂખમરાથી અને રોગચાળાથી મૃત્યુ પામશે. 12 જેઓ બંદીવાસમાં છે તેઓ માર્યા જશે, જેઓ ઇસ્રાએલ દેશમાં છે તેઓ યુદ્ધમાં માર્યા જશે અને બાકીના જેઓ ઘેરાબંધીની અંદર છે તેઓ દુકાળમાં માર્યા જશે. અને તેથી આમ હું તેમના પર મારો ગુસ્સો ઉતારીશ. 13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે. 14 ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

7:1 યહોવાએ મને એક વધુ સંદેશો આપ્યો; 2 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે. 3 આખો દેશ પુરો થવા બેઠો છે, હવે તારો અંત આવી પહોંચ્યો છે. મારો રોષ તારા પર ઊતરનાર છે. હું તારાં દુષ્કમોર્નો હિસાબ માગીશ અને તારાં ધૃણાજનક કમોર્ની ઘટતી સજા કરીશ. 4 હું તારા પર કોઇ દયા બતાવીશ નહિ કે અનુકંપા રાખીશ નહિ. તારા દુષ્કમોર્ની હું તને સજા કરનાર છું. હું તારા બધાં ધૃણાજનક કૃત્યો માટે હું તારો ન્યાય કરીશ, જેથી તને ખબર પડે કે હું યહોવા છું.” 5 યહોવા મારા માલિકના આ વચન છે: “એક પછી એક આફત આવી રહી છે. 6 અંત આવી રહ્યો છે. તમારો અંત આવી રહ્યો છે, અત્યારે જ આવી રહ્યો છે. 7 ઇસ્રાએલના રહેવાસીઓ માટે ભયસૂચક ધ્વની કરવામાં આવી છે, તમારો સજા માટેનો સમય આવી પહોંચ્યો છે. વિપત્તિનો દિવસ નજીક આવી રહ્યો છે. આ દિવસ આનંદના ઉત્સવોનો નહિ પણ ખેદ કરવાનો દિવસ હશે! 8 હમણાં જ હું મારો રોષ તમારા ઉપર ઉતારું છું, મારો કોપ ઠાલવું છું. હું તમારા દુષ્કમોર્નો હિસાબ માગનાર છું અને તમારા ધૃણાજનક કૃત્યોની ઘટતી સજા કરનાર છું. 9 હું તમારી દયા રાખનાર નથી કે તમારી કરૂણા કરનાર નથી, હું તમને તમારા દુષ્કૃત્યો માટે સજા કરીશ. તમારા ધૃણાજનક કૃત્યો માટે થઇને હું તમારો ન્યાય કરીશ, જેથી તમને ખબર પડે કે હું યહોવા સજા કરું છું. 10 “ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે. 11 હિંસા ક્યારનીયે વધી ગઇ છે અને તેણે દુષ્ટતાનો ટેકો લઇ લીધો છે. એ તેમનામાંથી કે તેમના સંગ્રાહકોમાંથી કે તેમના વિષ્વાસઘાતીઓમાંથી કે તેમના બળવાખોરોમાંથી નથી આવતી. 12 “સમય આવી રહ્યો છે, દિવસ ઉગવાની તૈયારીમાં છે. ખરીદનારે હરખાઇ જવાનું નથી, કે વેચનારે પસ્તાવાનું નથી, કારણ, મારો રોષ બધા પર એકસરખો ઊતરનાર છે. 13 રણશિંગાના વર્ષમાં જ્યારે પાછા આવવાનો સમય થશે ત્યારે પોતે જીવતો હશે તોપણ વેચનાર પોતાના સ્થળે પાછો નહિ આવે. કારણ કે, આ સંદર્શન તો આખા સમુદાય વિષે છે. તેઓ પાછા ફરવાના નથી. કોઇ માનવીનું જીવન તેણે કરેલા અનિષ્ટોને કારણે બચશે નહિ. 14 “ઇસ્રાએલના સૈન્યને એકત્ર કરવા એ લોકો રણશિંગડું વગાડે છે. લડાઇ માટે બધી તૈયારીઓ કરે છે પણ કોઇ યુદ્ધમાં જતું નથી, કારણ મારો રોષ સૌ ઉપર એકસરખો ઊતરનાર છે. 15 કિલ્લાની બહાર તરવાર છે અને અંદર રોગચાળો અને ભૂખમરો છે. જેઓ લડાઇનાં મેદાનમાં છે તેઓ તરવારનો ભોગ બનશે. અને જેઓ નગરમાં છે તેમને રોગચાળો અને ભૂખમરો ગળી જશે. 16 “અને જો કે તેમનામાંથી અમૂક લોકો ભાગી જઇને પર્વતો તરફ દોડી જશે, તેઓ ખીણમાંના પારેવાં જેવા હશે જે દરેક પોતાના પાપને કારણે નિસાસો નાખી રહ્યાં છે. 17 દરેકના હાથ અશકત થઇ જશે અને પગ પાણીની જેમ ઢીંલા થઇ જશે. 18 તેઓ શોકના વસ્ત્રો ધારણ કરશે અને માથાથી તે પગ સુધી ધ્રૂજ્યા કરશે. બધાના ચહેરા પર શરમ અને માથે મૂંડન હશે. 19 તમારા નાણાં, તમારું સોનું અને ચાંદી વિષ્ટાની જેમ રસ્તા ઉપર ફેંકી દો. કારણ યહોવાના કોપને દિવસે તે તમારો બચાવ કરશે નહિ, તે તમારી ભૂખ સંતોષસે નહિ, કે તેનાથી કોઇનું પેટ ભરાશે નહિ. 20 “અને તેઓ તેના કરારના શહેરમાં આનંદ પામશે, પણ તેઓએ તેમાં અણગમતી મૂર્તિઓ બનાવી છે, તેથી મે તેને તેમનાં માટે અશુદ્ધ વસ્તુ જેવી બનાવી છે. 21 હું એ પરદેશી લૂંટારાના હાથમાં દુનિયાના ઉતાર જેવા માણસોના હાથમાં લૂંટ તરીકે સોંપી દેવા ઇચ્છું છું. તેઓ એને ષ્ટ કરશે. 22 તેઓ મારા મંદિરને ષ્ટ કરશે ત્યારે હું તે તરફથી મારું મુખ અવળું ફેરવી લઇશ અને તેઓને અટકાવીશ નહિ, લૂંટારુઓ એમાં પ્રવેશ કરશે અને તેને ષ્ટ કરશે. 23 “મારા લોકોને માટે સાંકળો તૈયાર કરો. કારણ કે સમગ્ર દેશ લોહીથી ખરડાયેલો છે. ગામેગામ હિંસા ફાટી નીકળી છે. 24 હું દુષ્ટમાં દુષ્ટ પ્રજાઓને અહીં લઇ આવીશ અને તેમને આ લોકોનાં ઘર પડાવી લેવા દઇશ. હું બળવાનોનો ઘમંડ ઉતારીશ અને તેમનાં મંદિરો ષ્ટ કરાવીશ. 25 “જ્યારે ભયનો સમય નજીક આવે ત્યારે, તેઓ નિરાશ થઇ જશે અને લોકો શાંતિ ઝંખશે પણ કદી શાંતિ પામશે નહિ. 26 આફત એક પછી એક આવી પડશે, એક પછી એક અફવા ફેલાશે, તેઓ પ્રબોધકોને ભાવી જાણવા ફોગટ પૂછ-પૂછ કરશે. યાજકો પણ કશું માર્ગદર્શન નહિ આપી શકે, તેમ વડીલો કશી સલાહ નહિ આપી શકે. 27 રાજાઓ શોક કરશે, અમલદારો પાયમાલીથી ઘેરાઇ જશે, ને લોકો ભયથી કાંપી ઊઠશે. તમારા આચરણ પ્રમાણે હું તમને સજા કરીશ; તથા તેઓના કાર્યો મુજબ હું તેમને ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

8:1 છઠ્ઠા વર્ષના છઠ્ઠા મહિનાના પાંચમા દિવસે યહૂદાના આગેવાનો સાથે હું મારે ઘેર બેઠો હતો એવામાં અચાનક મારા માલિક યહોવાની શકિતનો મારામાં સંચાર થયો. 2 મેં જોયું તો માણસ જેવું કઇંક દેખાયું; તેની કમરની નીચેનો ભાગ અગ્નિ જેવો હતો અને કમરની ઉપરનો ભાગ ચળકતી ધાતુ જેવો ઉજ્જવળ હતો. 3 તેણે હાથ જેવું લંબાવીને મારા વાળ પકડ્યા પછી દેવના આત્માએ મને આકાશ અને પૃથ્વીની વચ્ચે ઉપાડી લીધો અને દેવના સંદર્શનમાં તે મને યરૂશાલેમના મંદિરના ઉત્તર તરફના અંદરના દરવાજા પાસે લઇ ગયો, જ્યાં તિરસ્કૃત મૂર્તિ હતી, જે જોઇને યહોવા રોષે ભરાય છે. 4 અને જે પ્રમાણે મેં ખીણમાં સંદર્શન જોયું હતું બરાબર તે જ પ્રમાણે ઇસ્રાએલના દેવનો મહિમા ત્યાં હતો. 5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ઉત્તર તરફ જો.” મેં જોયું તો વેદીના દરવાજાની ઉત્તર તરફના પ્રવેશદ્વાર આગળ દેવના અપમાનરૂપ એક મૂર્તિ હતી. 6 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એ લોકો શું કરે છે તે તમે જોયું? અહીં ઇસ્રાએલીઓ જે અધમ કૃત્યો કરે છે તેને લીધે હું મારા મંદિરમાંથી દૂરને દૂર થતો જાઉં છું. પણ તમે આનાથી પણ વધુ અધમ કૃત્યો જોવા પામશો.” 7 આમ કહીને પછી તે મને મંદિરના ચોકના બારણા આગળ લાવ્યા. ત્યાં મેં ભીતમાં એક કાણું જોયું. 8 તેમણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, અહીં ભીંતમાં ખોદ, મેં ખોધ્યુ તો બારણું નીકળ્યું.” 9 તેમણે મને કહ્યું, “અંદર જા, અને અહીં એ લોકો જે અધમ કૃત્યો કરે છે તે જો.” 10 તેથી મેં અંદર જઇને જોયું તો ચારે બાજુની ભીંતો ઉપર પેટે ચાલનારા પ્રાણીઓની નિષિદ્ધ પશુઓની અને ઇસ્રાએલીઓની બીજી બધી મૂર્તિઓ કોતરેલી હતી. 11 શાફાનનો પુત્ર યાઅઝાન્યા તથા ઇસ્રાએલના 70 વડીલો ત્યાં ઊભા હતા. દેરકની પાસે ધૂપદાનીઓ હતી, તેથી તેઓનાં માથા પર ધૂપના ગોટેગોટા ઉડતા હતા. 12 પછી યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તેં જોયું કે ઇસ્રાએલીઓના આગેવાનો અહીં અંઘારામાં પોતપોતાની મૂર્તિના ગોખલા આગળ શું કરે છે? એ લોકો એમ માને છે કે, ‘યહોવા અમને જોતા નથી, તે તો દેશને છોડીને ચાલ્યા ગયા છે.”‘ 13 પછી યહોવાએ મને કહ્યું, “તું આના કરતા વધુ અધમ કૃત્યો કરતાં એમને જોશે.” 14 ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તરના દરવાજે લઇ આવ્યા અને ત્યાં મેં સ્ત્રીઓને ખોટા દેવ તામ્મૂઝના મૃત્યુ માટે દુ:ખી થતા જોઇ. 15 તેમણે મને પૂછયું, “હે મનુષ્યના પુત્ર, આ જોયું? આથી પણ વધારે અધમ કૃત્યો તું જોવા પામીશ.” 16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા. 17 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે. 18 તેથી હું તેઓ પર મારો રોષ જરૂર ઉતારીશ. હું તેમના ઉપર દયા કરીશ નહિ કે હું તેમના પર સહાનુભૂતિ બતાવીશ નહિ, તેઓ દયા માટે મોટા સાદે પોકાર કરશે છતાં હું તેમને સાંભળીશ નહિ.”

9:1 ત્યાર પછી તેણે મોટા અવાજે કહ્યું, “હે શહેરને સજા કરનારાઓ, તમારાં શસ્ત્રો લઇને આ બાજુ આવો.” 2 અને અચાનક મંદિરની ઉત્તરે આવેલા ઉપરના દરવાજામાંથી છ માણસો આવ્યાં. દરેકના હાથમાં સંહારક હથિયાર હતું. તેમની સાથે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલો એક માણસ હતો. તેની કમર પર લહિયાનો શાહીનો ખડિયો અને કલમ લટકાવેલા હતાં. તે બધા મંદિરમાં પિત્તળની વેદી આગળ આવીને ઊભા રહ્યા. 3 ત્યાર બાદ ઇસ્રાએલના દેવનો મહિમા કરૂબો ઉપરથી ઊઠયો જ્યાં તે પહેલા હતો અને મંદિરના પ્રવેશદ્વાર પાસે ગયો, યહોવાએ કમરે લહિયાના સાધનો લટકાવેલા સુતરાઉ રેસાના વસ્ત્રો પહેરેલા માણસને બોલાવીને કહ્યું, 4 “યરૂશાલેમમા ચારેબાજુ સર્વત્ર ફર અને જે માણસો તેઓની આસપાસ નગરમાં ચાલતાં ધિક્કારપાત્ર કૃત્યોને લીધે રડતા અને શોક કરતા હોય તેઓના કપાળ પર નિશાની કર.” 5 ત્યાર બાદ મેં યહોવાને બીજા માણસોને એમ કહેતાં સાંભળ્યાં કે, “નગરમાં તમે એની પાછળ પાછળ જાઓ અને હત્યા કરવાનું શરૂ કરો, કોઇ પણ પ્રકારની કરૂણા કરશો નહિ, ને તેમના માટે દયા રાખશો નહિ. 6 વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો સર્વનો સંહાર કરો; પણ જેઓના કપાળ પર નિશાની હોય તેવા કોઇને અડશો નહિ, મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી. 7 પછી દેવે તેઓને કહ્યું, “મંદિરને ષ્ટ કરો. હત્યા થયેલાઓનાં મૃતદેહોથી મંદિરનો ચોક ભરી દો.” અને હમણાં જ જાઓ, એટલે તેમણે શહેરમાં જઇને લોકોની હત્યા કરી. 8 જ્યારે એ લોકો હત્યા કરતા હતા ત્યારે હું એકલો પડ્યો હતો. મેં સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું, “હે મારા માલિક યહોવા યરૂશાલેમ પર જ્યારે તમે તમારો રોષ ઠાલવો છો ત્યારે તમે ઇસ્રાએલમાં બાકી બચેલાઓને સંહાર કરવાના છો?” 9 તેથી દેવે જવાબ આપ્યો: “ઇસ્રાએલના તથા યહૂદાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રકતપાત અને અધમતાથી ખદબદે છે. તેઓ માને છે કે ‘યહોવા દેશ છોડીને ચાલ્યા ગયા છે. અને તેઓ અમને જોતા નથી!’ 10 તેથી હું તેઓ પર સહાનુભૂતિ બતાવીશ નહિ કે દયા કરીશ નહિ. તેમણે જે કાંઇ કર્યું છે તેમના માટે હું તેઓને સજા કરીશ.” 11 એટલામાં કમરે લેખનનાં સાધનવાળો સુતરાઉ વસ્રો પહેરેલા માણસે આવીને જણાવ્યું કે, “તમારા હુકમ પ્રમાણે મેં કર્યું છે.”

10:1 ત્યાર બાદ મેં કરૂબ દેવદૂતોના માથા ઉપર જોયું તો નીલમણિના ઘૂમટ જેવું કંઇક દેખાયું. 2 પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.”અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો. 3 તે માણસ અંદર ગયો ત્યારે કરૂબ દેવદૂતો મંદિરની દક્ષિણ બાજુએ ઊભા હતા. ત્યારે અંદરનો ચોક વાદળથી ભરાઇ ગયો. 4 પછી યહોવાનો મહિમા કરૂબો ઉપરથી ઊડીને મંદિરના પ્રવેશદ્વાર આગળ ગયો. એટલે મંદિર વાદળથી ભરાઇ ગયું અને આખો ચોક યહોવાના ગૌરવનાં તેજથી ઝળાંહળાં થઇ ગયો. 5 કરૂબોની પાંખોનો અવાજ સર્વસમર્થ દેવના મુખમાંથી નીકળેલા શબ્દ જેવો અવાજ હતો, અને બહારના આંગણમાં તે સ્પષ્ટ સંભળાતો હતો. 6 યહોવાએ શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબો મધ્યે જઇને ફરતાં પૈડામાંથી સળગતા કોલસા લે, એટલે માણસ અંદર જઇને એક પૈડા પાસે ઊભો રહ્યો. 7 અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો. 8 કરૂબોની પાંખો નીચે માણસના હાથ જેવું કઇ દેખાતું હતું. 9 મેં જોયું તો પ્રત્યેક કરૂબ પાસે એક એમ ચાર પૈડા હતાં અને તે પૈડા સોનેરી પોખરાજ રત્નની જેમ ઝળહળતાં હતાં. 10 બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું. 11 કરૂબો આગળ વધતા ત્યારે તેઓનાં મુખ તે ચારે દિશામાં, આમતેમ ફેરવ્યાં વિના તેઓ જઇ શકતા હતાં. પૈડાંને વળાંક લેવાની જરૂર પડતી નહોતી, તેઓ બધા એકી સાથે ફર્યા વગર ગમે તે દિશામાં સીધા આગળ વધી શકતા હતાં. 12 તેઓના આખા શરીર પર, પીઠ પર, હાથ પર, પાંખો પર અને પૈડાઓ પર સર્વત્ર પુષ્કળ પ્રમાણમાં આંખો હતી. 13 અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં. 14 દરેક કરૂબને ચાર મોઢાં હતાં, પહેલું મોઢું કરૂબનું હતું, બીજું માણસનું હતું, ત્રીજું સિંહનું હતું અને ચોથું ગરૂડનું હતું. 15 કરૂબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જોયાં હતાં તે જ પ્રાણીઓ આ હતાં. 16 કરૂબો જમીન ઉપરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે જતાં. તેઓ ઊંચે જવા પાંખો પ્રસારતા ત્યારે પૈડાઓ તેમની પાસે જ રહેતા. 17 જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું. 18 પછી યહોવાનું ગૌરવ મંદિરના પ્રવેશદ્વારથી ખસીને કરૂબો પર આવી ઊભું. 19 કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું. 20 કબાર નદીના કાંઠે ઇસ્રાએલના દેવના સિંહાસન નીચે જે પ્રાણીઓ મેં જોયાં હતાં તે આ જ હતાં, મને ખાતરી થઇ હતી કે તેઓ કરૂબો હતા. 21 પ્રત્યેકને ચાર મોઢાં, ચાર પાંખો અને દરેક પાંખ નીચે માણસના હાથ જેવું કઇંક હતું. 22 તેમનાં મોઢાં કબાર નદીને કાંઠે મેં દર્શનમાં જોયેલાં મોઢાં જેવાં જ હતાં. દરેક કરૂબ સીધો આગળ વધતો હતો.

11:1 મને પવિત્ર આત્મા ઉપાડીને મંદિરના પૂર્વ દરવાજે લઇ ગયો. આ દરવાજે મેં નગરના 25 માણસો જોયાં; મેં તેઓની વચ્ચેં લોકોના સરદાર આઝઝુરના પુત્ર યાઅઝાન્યાને તથા બનાયાના પુત્ર પલાટયાને જોયા. 2 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ તો તે લોકો છે, જેઓ દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર છે અને આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ એ જ છે; 3 તેઓ એમ વિચારે છે કે, ‘આપણે થોડીવારમાં યરૂશાલેમને ફરીથી બાંધીશું, આપણું નગર લોખંડની કઢાઇ સમાન છે, આપણે એમાંનું માંસ છીએ અને તે આપણને સર્વ નુકશાનમાંથી બચાવશે.’ 4 માટે, હે મનુષ્યના પુત્ર, તું એમને મારી ચેતવણી સંભળાવ.” 5 ત્યાર બાદ યહોવાનો આત્મા મારામાં આવ્યો અને યહોવાએ મને કહ્યું; “તું તેઓને કહે: આ યહોવાના વચન છે; હે ઇસ્રાએલીઓ, તમે શું કહો છો અને તમે શી યોજનાઓ ઘડો છો તે હું જાણું છું. 6 તમે ઘણા લોકોને મારી નાખ્યા છે અને તમારી શેરીઓ મૃતદેહોથી ભરી દીધી છે. 7 તેથી હું યહોવા તમારો માલિક, તમને કહું છું કે, ‘આ નગર કઢાઇ છે એ ખરું, પણ એમાનું માંસ તમે નથી; માંસ તો તમે આ શહેરમાં જે મડદાં નાખ્યાં છે તે છે; તમને તો હું એની બહાર ફેંકી દેનાર છું. 8 સર્વસમર્થ યહોવા કહે છે, તમે તરવારથી ડરો છો અને હું તમને તરવારને જ સોંપનાર છું.”‘ 9 “અને હું તમને યરૂશાલેમમાંથી દૂર લઇ જઇને વિદેશીઓને સોંપી દઇશ. અને આ રીતે હું મારો ન્યાય કરીશ અને તમને સજા કરીશ. 10 તમે તમારા પોતાના દેશની હદમાં જ તરવારનો ભોગ બનશો. હું તમને સજા કરીશ, ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું. 11 આ શહેર કઢાઇ બની તમારું રક્ષણ નહિ કરે, હું આ ઇસ્રાએલની હદમાં જ તમને સજા કરનાર છું. 12 તમે મારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી પણ તમારી આસપાસ વસતી અન્ય પ્રજાઓનું અનુકરણ કર્યું છે, એટલે તમે જાણશો કે હું યહોવા છું.” 13 હું આ ચેતવણી આપતો હતો તે દરમ્યાન ત્યાં જ બનાયાનો પુત્ર પલાટયા ઢળી પડીને મરી ગયો, હું ઊંધે મોઢે ભોંય પર પડ્યો અને મેં બૂમ પાડી, “હે યહોવા મારા માલિક, તારે બાકી રહેલા બધા ઇસ્રાએલીઓનો સંપૂર્ણ વિનાશ કરવો છે?” 14 ફરીથી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, 15 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.” 16 “તેથી યહોવા અમારા માલિક કહે છે: ‘જો કે મેં તેઓને વિશ્વના વિવિધ દેશોમાં વિખેરી નાખ્યા છે છતાં પણ તેઓ જે દેશમાં છે ત્યાં હું તેઓને માટે એક નાના પવિત્રસ્થાનરૂપ થઇશ. 17 તેઓ જે દેશોમાં વિખેરાઇ ગયા છે ત્યાંથી હું તેઓને એકઠા કરીશ અને તેઓને ફરીથી ઇસ્રાએલનું વતન આપીશ. 18 જ્યારે તેઓ અહીં પાછા આવે ત્યારે તેમણે અહીંથી બધી ધૃણાજનક મૂર્તિઓને અને આચારોને હઠાવી દેવાના છે. 19 હું તેમનું હૃદય પરિવર્તન કરી નાખીશ અને તેમનામાં નવો આત્મા પૂરીશ, હું તેમનામાંથી પથ્થર જેવું હૃદય લઇને, તેમને માંસનું હૃદય આપીશ. પછી તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મેં જણાવેલ માગેર્ ચાલશે. 20 જ્યારે તેઓ મારા નિયમોનું પાલન કરશે અને મારા બતાવેલા માર્ગ પર ચાલશે. તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો દેવ થઇશ.” 21 “પરંતુ જેઓ ધૃણાજનક અપવિત્ર મૂર્તિઓની પૂજાને વળગી રહેશે, હું તેમને તેમના બધાં કૃત્યો માટે જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 22 પછી કરૂબો ઊંચે ઊડવા લાગ્યા અને પૈડાં પણ તેમની સાથે સાથે પર ગયાં. ઇસ્રાએલના દેવનો મહિમા તેઓની પર આચ્છાદીત હતો. 23 પછી યહોવાનો મહિમા શહેર પરથી ખસીને પૂર્વ ભાગ તરફ આવેલા પર્વત પર ગયો. 24 ત્યાર બાદ સંદર્શનમાં દેવના આત્માએ મને ફરીથી ઉપાડીને બાબિલમાં દેશવટો ભોગવનારાઓ વચ્ચે લાવી મૂક્યો અને ત્યાં સંદર્શન લોપ થયું, 25 અને યહોવાએ મને જે બતાવ્યું હતું તે સર્વ મેં બંદીવાનોને કહી સંભળાવ્યું.

12:1 ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું બંડખોરોની જમાતની વચ્ચે વસે છે. એ લોકો છતી આંખે દેખતા નથી, છતે કાને સાંભળતા નથી. એ તો બંડખોરોની જમાત છે. 3 તેથી હે મનુષ્યના પુત્ર, તું દેશવટે જવાનો હોય એમ સરસમાન બાંધી લે અને ધોળે દિવસે સૌના દેખતાં ચાલી નીકળ; તેમના દેખતાં તું બીજે જવા નીકળી પડ. તે બળવાખોરો કદાચ તને જુએ પણ ખરા. 4 “તારી મુસાફરીનો સામાન બાંધીને તેઓ જુએ તેમ દિવસ દરમ્યાન તારા ઘરમાંથી બહાર કાઢી લાવ. પછી જેમ કેદીઓને દૂરના દેશોમાં લઇ જવામાં આવે છે તે પ્રમાણે સાંજે તેઓની હાજરીમાં ઘરમાંથી બહાર નીકળી પડ. 5 તેઓનાં દેખતાં નગરની ભીતમાં બાકોરું પાડી તેમાંથી તારો સામાન ઊંચકીને લઇ જા. 6 તેઓનાં દેખતાં તું તારો સામાન ખભે ચઢાવ અને અંધારામાં ચાલી નીકળજે. તારું મોઢું ઢાંકી દેજે અને આજુબાજુ જોઇશ નહિ. આ બધું ઇસ્રાએલીઓને ચેતવણીરૂપ થઇ પડશે.” 7 યહોવાએ મને જે કહ્યું હતું તે પ્રમાણે મેં બરાબર કર્યું. મેં દેશવટે જવા માટે બાંધીને તૈયાર કરેલો સામાન દિવસે બહાર કાઢયો. સાંજે મારા હાથે જ મેં ભીંતમાં બાકોરું પાડ્યું અને લોકોના દેખતાં જ રાત્રે મારો સામાન મારા ખભે મુકીને ચાલી નીકળ્યો. 8 બીજા દિવસે સવારે યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, 9 “હે મનુષ્યના પુત્ર, આ બંડખોર ઇસ્રાએલી લોકોએ પૂછયું છે કે, આ સર્વનો અર્થ શો છે? 10 તું તેમને કહે કે, આ યહોવાના વચન છે: આ દેવવાણી યરૂશાલેમના રાજકર્તા માટે અને ત્યાં વસતા બધા ઇસ્રાએલીઓ માટે છે. 11 તું તેઓને સમજાવ; ‘હું હઝકિયેલ તમારે માટે નિશાનીરૂપ છું. મેં જે કર્યું છે તે કરવાનો તમારો વારો આવશે, તમારે દેશવટે નીકળવું પડશે અને કેદ ભોગવવી પડશે.’ 12 તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ. 13 હું તેને મારી જાળમાં ફસાવીને ખાલદીઓનાં દેશ બાબિલમાં લઇ જઇશ. પરંતુ તે જોઇ શકશે નહિ અને ત્યાં જ મૃત્યુ પામશે. 14 હું તેના બધા દરબારીઓને, અંગરક્ષકોને અને સમગ્ર સેનાને ચારે દિશામાં વેરવિખેર કરી નાખીશ અને હું ઉઘાડી તરવારે તેમનો પીછો પકડીશ. 15 હું તેઓને જ્યારે વિવિધ પ્રજાઓમાં વિખેરી નાખીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 16 “હું તેઓમાંના થોડાને યુદ્ધ, ભૂખમરો, અને રોગચાળામાંથી ઉગારી લઇશ, જેથી તેઓ જે પ્રજાઓમાં જઇને વસ્યા હશે ત્યાં કબૂલ કરે કે તેમનાં કૃત્યો કેટલાં અધમ હતાં, અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.” 17 પછી મને યહોવાની વાણી સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, તારે જમતી વખતે ધ્રુજવું અને જળપાન કરતી વખતે ભય અને ચિંતાથી થરથરવું. 19 બધા લોકોને કહેજે કે, ઇસ્રાએલમાં હજી પણ વસતાં યરૂશાલેમના વતનીઓ માટે યહોવા મારા માલિકના આ વચન છે; તેઓ ડરતા ડરતા ખાશે અને ચિંતાતુર થઇને પાણી પીશે. તેમના દેશમાં વસતી દરેકે દરેક વ્યકિત હિંસક છે. તેથી તેને વેરાન બનાવી દેવામાં આવશે. 20 તમારા નગરો તારાજ થઇ જશે અને તમારાં ખેતરો વેરાન થઇ જશે. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.” 21 ફરીથી યહોવાએ મને કહ્યું, 22 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલમાં લોકો આ કહેવતને વારંવાર ટાંકે છે તે શું છે:વખત વહી જાય છે અને એકે ભવિષ્યવાણી સાચી પડતી નથી. 23 “તું એમને કહે: આ યહોવાના વચન છે. હું એ કહેવત જૂઠી પાડીશ, ઇસ્રાએલમાં એ હવે કદી ઉચ્ચારાશે નહિ, તેના બદલે તેઓ કહેશે;સમય આવ્યો છે અને એકેએક ભવિષ્યવાણી સાચી પડવાની જ છે! 24 “હવે પછી ઇસ્રાએલ પ્રજામાં વ્યર્થ સંદર્શન થશે નહિ. અને લોકોને ખુશ રાખવા જૂઠી પ્રબોધવાણી પ્રગટ નહિ થાય. 25 કારણ કે હું, યહોવા, મારે જે કહેવું હશે તે કહીશ અને જે કહીશ તે સાચું પડશે. એમાં વિલંબ નહિ થાય. હે બંડખોર ઇસ્રાએલીઓ, હું આ તમારા જીવનકાળ દરમ્યાન જ કરીશ.” આ યહોવા મારા માલિકના વચનો છે. 26 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું અને તેણે કહ્યું: 27 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ એમ માને છે કે તને જે દર્શન થાય છે તે તો દૂરના ભવિષ્યનું છે, અને તું જે ભાખે છે તે કઇં આજે ફળવાનું નથી. 28 તેથી એ લોકોને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: હવે મારા વચનો પૂરાં કરવામાં વિલંબ નહિ થાય. દરેક વચન જે હું બોલ્યો છું તે ફળીભૂત થશે.”‘ આ યહોવા મારા માલિકના વચન છે.

13:1 ફરીથી મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પ્રબોધકોને મારી ચેતવણી સંભળાવ; પ્રબોધકો જેઓ પોતાને મન ફાવે તેમ કહે છે તેમને યહોવા જે કહે છે તે સાંભળવા માટે તું કહેે, 3 ‘યહોવા મારા માલિકના આ વચન સાંભળો: એ દુષ્ટ પ્રબોધકોનો અંત આવી ગયો છે! તેઓ પોતાના દુષ્ટ આત્મા વડે જ પ્રેરણા મેળવે છે, તેઓ કોઇ સંદર્શન જોતા નથી. 4 “‘હે ઇસ્રાએલીઓ, તમારા પ્રબોધકો ખંડિયેરમાં વસતાં શિયાળવા જેવા છે. 5 તેમણે કદી ઇસ્રાએલ ફરતેના કોટમાં પડેલાં ગાબડાં પૂરવા જવાની હિંમત કરી નથી કે જેથી ઇસ્રાએલીઓ યહોવાને દિવસે યુદ્ધમાં ટક્કર ઝીલી શકે. 6 “‘તેઓ જે જુએ છે તે આભાસ છે અને તેઓ જૂઠાણાં ઘડી કાઢી ઉચ્ચારે છે. તેઓ એમ કહે છે કે, “અમે યહોવાની વાણી ઉચ્ચારીએ છીએ,’ અને પોતે ઉચ્ચારેલી વાણી સાચી પડે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ મેં તેમને મોકલ્યા નથી; 7 “‘બીજી બાજુ હું તો કહું છું કે, તમે જે જુઓ છો તે તો આભાસ છે, અને તમે જૂઠાણા ઘડી કાઢો છો. તમે એમ કહો છો કે એ મારાં વચન છે, પણ મેં તેમને કશું કહ્યું નથી.”‘ 8 યહોવા મારા માલિક તેમને કહે છે, “તમે ખોટી વાણી ઉચ્ચારો છો અને જૂઠાં દર્શનની વાત કરો છો, તેથી હું તમારી વિરુદ્ધ થઇ ગયો છું. 9 ખોટાં સંદર્શનની વાત કરનાર અને જૂઠી વાણી ઉચ્ચારનાર પ્રબોધકોને હું સજા કરનાર છું. મારા લોકોની સભામાં તેમને સ્થાન નહિ મળે તેમના નામ ઇસ્રાએલીઓના ઇતિહાસમાં નોંધવામાં નહિ આવે. તેઓ ઇસ્રાએલની ધરતી પર ફરીથી પગ મૂકી શકશે નહિ. અને ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું. 10 “આ જૂઠા પ્રબોધકોએ મારા લોકોને એમ કહીને છેતર્યા છે કે,’ ત્યાં શાંતિ હશે.’ જ્યારે ત્યાં કોઇ શાંતિ નથી હોતી, તેથી મારા લોકો ફકત નબળી વાડ બાંધે છે, અને આ પ્રબોધકો તેને મજબૂત દેખાડવા માટે થઇને તેને ચૂનો ધોળીને ઢાંકી દે છે. 11 તું એ ચૂનો ધોળનારાઓને કહી દે; એ ભીત તો પડી જશે. યહોવા મૂશળધાર વરસાદ મોકલશે; કરા વરસશે અને તોફાની વાવાઝોડું તેને તોડી પાડશે. 12 કોટની ભીત તૂટી પડશે અને લોકો પૂછશે, ‘તમે ધોળેલો ચૂનો ક્યાં છે!”‘ 13 એટલે યહોવા મારા માલિક કહે છે: “હા હું તે ભીતને તોડી પાડવા રોષે ભરાઇને વાવાઝોડું મોકલીશ, મૂશળધાર વરસાદ અને કરા મોકલીશ. 14 તમે દિવાલ પર ચૂનો ધોળ્યો છે તેને હું તોડી પાડીશ, ભોયભેગા કરી નાખીશ, તેના પાયા ખુલ્લા પડી જશે. અને એ પડશે ત્યારે તમે એની નીચે કચઢાઇને મરી જશો. ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું. 15 એ ભીંત પર અને તે લોકો પર મારો રોષ ઠાલવ્યા પછી હું તમને કહીશ: ‘ભીતો ગઇ અને તેને ચૂનો ધોળનારા પ્રબોધકો પણ ગયા.’ 16 “કારણ કે તેઓ જૂઠા પ્રબોધકો છે. શાંતિ નહિ હોવા છતાં યરૂશાલેમમાં શાંતિ થશે એવો દાવો કરે છે.” આમ યહોવા મારા માલિક કહે છે. 17 “અને હવે, હે મનુષ્યના પુત્ર, તારા લોકની જે પુત્રીઓ પોતાને પ્રબોધિકાઓ માને છે અને પોતાને યહોવા તરફથી વાણી સંભળાઇ છે, એમ કહીને ઢોંગ કરે છે તેઓની વિરુદ્ધ પ્રબોધ કર. 18 તેઓને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: જે સ્ત્રીઓ કોણી પર કે કાંડા પર તાવીજ બાંધે છે, અને નાનામોટા લોકોને ફસાવવા માટે જુદી જુદી લંબાઇના બુરખા પહેરે છે, તેઓને અફસોસ! શું તમે મારા લોકોનો જીવનો શિકાર કરશો, અને તમારા પોતાના જીવ બચાવી રાખશો? 19 મુઠ્ઠીભર જવના દાણા માટે અને રોટલીના ટુકડા માટે તમે મારા નામ પર નિંદા લાવ્યા છો. જેઓએ મૃત્યુ પામવાને યોગ્ય કશું જ કર્યું નથી તેઓને તમે મારી નાખ્યા છે. જેઓ જીવવાને યોગ્ય નથી તેઓને તમે બચાવી લીધા છે. મારા લોકો આગળ તમે જૂઠું બોલો છો. 20 “તેથી યહોવા આ પ્રમાણે કહે છે: “તમે તમારા દોરાધાગાથી મારા લોકોને પક્ષીઓની માફક સપડાવ્યા છે. હું તમારા દોરાધાગાની વિરુદ્ધ છું. હું એ દોરાધાગા તમારા હાથ પરથી તોડી નાખીશ અને તમે જેઓને વશમાં રાખવા માંગો છો તેમને હું છોડી મૂકીશ. 21 તમારા બુરખાઓને હું ફાડી નાખીશ. અને મારા લોકોને તમારામાંથી બચાવી લઇશ. હવે પછી તેઓ તમારી જાળમાં ફસાશે નહિ, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.” 22 “‘હું નીતિમાન લોકો ઉપર દુ:ખ લાવ્યો નહોતો તે છતાં તમે તમારા જૂઠાણાંમાંથી તેમને નિરાશ કર્યા છે. અને તમારા જૂઠા પ્રબોધકો દુષ્ટ લોકોને એટલું પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનાં ભૂંડાં જીવનથી પાછા ફરતા નથી અને પોતાનાં જીવન બચાવતા નથી. 23 પરંતુ હવે પછી સમજીલ્યો કે તમારાં ખોટાં દર્શનનો અને તમારી જૂઠી ભવિષ્યવાણીનો અંત આવ્યો છે. હું મારા લોકોને તમારા હાથમાંથી ઉગારી લેનાર છું અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા છું.”‘

14:1 ઇસ્રાએલના કેટલાક આગેવાનો મારે ત્યાં આવીને બેઠા હતા. 2 એ સમયે મારી પાસે યહોવાનું વચન આવ્યું કે, 3 “હે મનુષ્યના પુત્ર, આ માણસોએ પોતાનાં હૃદયમાં મૂર્તિઓની સ્થાપના કરી છે, અને જાણી જોઇને પોતાના પતનનો માર્ગ ખુલ્લો કર્યો છે. એવા માણસોના પ્રશ્ર્નનો હું શું જવાબ આપીશ? 4 તેઓને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: ઇસ્રાએલમાં જેઓ અપવિત્ર મૂર્તિઓની પૂજા કરે છે અને પછી મારી મદદને માટે વિનંતી કરવા પ્રબોધક પાસે આવે છે, હું તેમને કહીશ કે તમારી અપવિત્ર મૂર્તિ પાસે મદદ માંગવા જાવ. 5 તેમનાં મનમાં એમ ઠસાવવાનો પ્રયત્ન કરું છું કે, તેઓ તેમની અશુદ્ધ મૂર્તિઓને લીધે મારા માટે અજાણ્યા જેવા બની ગયાં છે.’ 6 “તેથી તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: પાછા ફરો, તમારી મૂર્તિઓનો ત્યાગ કરો અને તમારા અધર્મ આચારો છોડી દો. 7 જો કોઇ ઇસ્રાએલી કે તેમના ભેગો વસતો કોઇ વિદેશી મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સ્થાન આપશે અને પોતાના પતનના કારણરૂપ એ મૂર્તિઓનું ધ્યાન ધરશે અને કોઇ પ્રબોધક પાસે આવીને મારી ઇચ્છા જાણવા પ્રશ્ર્ન કરશે તો હું, યહોવા, પોતે તેનો જવાબ આપીશ. 8 હું એ માણસની વિરુદ્ધ થઇ જઇશ: હું તેની એવી દશા કરીશ કે જેથી લોકોને દાખલો બેસે, અને કહેવતરૂપ બને. મારા લોકો વચ્ચેથી હું તેને કાપી નાખીશ. અને તમે જાણશો કે હું યહોવા છું. 9 અને જો કોઇ પ્રબોધક છેતરાઇને સંદેશો આપશે કે મેં યહોવાએ તે પ્રબોધકને છેતર્યો છે તો હું તેની સામે મારો હાથ ઉગામીશ, અને મારા ઇસ્રાએલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ. 10 આ જૂઠા પ્રબોધક અને દુષ્ટ ઢોંગી માણસ બંને સરખા જ દોષિત છે. તેઓને પોતાના પાપોને લીધે શિક્ષા થશે. 11 એટલે પછી ઇસ્રાએલીઓ કદી મારો ત્યાગ નહિ કરે અને, પોતાની મૂર્તિઓ દ્વારા પોતાને અપવિત્ર નહિ કરે. તેઓ મારી પ્રજા થઇને રહેશે અને હું તેમનો દેવ થઇશ.”‘ આ યહોવા મારા માલિકના વચન છે. 12 મને યહોવાની વાણી સંભળાઇ: 13 “હે મનુષ્યના પુત્ર, જો કોઇ દેશ મારી સાથે વિશ્વાસધાત કરીને પાપમાં પડશે તો હું તેને અન્ન આપવાનું બંધ કરી દઇશ. હું ત્યાં દુકાળ મોકલીશ, ત્યાંના માણસોનો અને પશુઓનો નાશ કરીશ. 14 જો ત્યાં નૂહ, દાનિયેલ, અને અયૂબ એ ત્રણ જણ રહેતા હોય તો તેઓ પોતાના નીતિવંત આચરણથી કેવળ પોતાના પ્રાણ જ બચાવી શકે.” આ યહોવા મારા માલિકના વચન છે. 15 “જો હું હિંસક જંગલી પશુઓને મોકલું કે આ દેશને વેરાન તથા ઉજ્જડ કરી મૂકે, અને કોઇ માણસ ત્યાંથી પસાર ન થાય. 16 અને જો આ ત્રણ માણસો ત્યાં હોત તો તેઓ પોતાના પુત્ર-પુત્રીઓને બચાવી શક્યા ન હોત. તે ત્રણ માણસો માત્ર પોતાના જીવ બચાવી શક્યા હોત. અને આખો દેશ વેરાન અને ઉજ્જડ થઇ જાત.” એમ યહોવા કહે છે. 17 “અથવા, જો હું એ દેશમાં યુદ્ધ મોકલું અને કહું કે, જા, એ દેશમાં બધે ફરી વળ અને માણસોનો અને પશુઓનો સંહાર કર, 18 તો એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય તોયે, હું યહોવા મારા માલિક, મારા જીવના સમ ખાઇને કહું છું કે, તેઓ પોતાના બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; તેઓ ફકત પોતાના જ પ્રાણ બચાવી શકશે.” આ યહોવા મારા માલિકના વચન છે. 19 “અથવા જો હું તે દેશમાં રોગચાળો મોકલું અને રોષમાં અને રોષમાં માણસોનો અને પશુઓનો સંહાર કરું. 20 જો નૂહ, દાનિયેલ અને અયૂબ એ ત્રણ માણસો ત્યાં રહેતાં હોય, તોયે હું, સર્વસમર્થ યહોવા, મારા પ્રાણના સોગંધ ખાઇને કહું છું કે, તેઓ પોતાનાં બાળકોને સુદ્ધાં બચાવી નહિ શકે; પોતાના નીતિવંત આચરણથી તેઓ ફકત પોતાના પ્રાણ બચાવી શકશે.” 21 યહોવા મારા માલિક કહે છે: “એ કેટલું વધારે ભયંકર હશે, જ્યારે હું મારી ચારે ચાર આકરામાં આકરી શિક્ષાઓ યરૂશાલેમના માણસોનો અને પશુઓનો સંહાર કરવા માટે મોકલીશ- યુદ્ધ, દુકાળ, રોગચાળો, અને જંગલી પશુઓ. 22 છતાં તેઓમાંથી થોડા છટકી જવા પામશે અને તેે પુત્ર પુત્રીઓને બંધકો તરીકે બાબિલમાં લઇ જવાશે અને તેઓ તમારી સાથે જોડાશે. ત્યારે તમે તેઓની ખરાબ વર્તણૂંક તમારી પોતાની આંખે નિહાળશો. ત્યારે તમે મારો યરૂશાલેમનો વિધ્વંસ તથા જે પ્રત્યેક શિક્ષા મેં ત્યાં મોકલી તે વિષે સમજશો. 23 કારણ કે તેઓ કેવા દુષ્ટ છે તે જોઇને તમને ખાતરી થશે અને તમને સમજાશે કે મેં જે કઇં કર્યું છે તે વગર કારણે કર્યું નથી.” આ યહોવા મારા માલિકના વચન છે.

15:1 ત્યાર બાદ મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, દ્રાક્ષાવેલાનું લાકડું જંગલમાંની ઝાડની ડાળીના લાકડાં કરતાં કઇ રીતે સારું ગણાય? 3 એના લાકડામાંથી શું કશું બને છે? માણસ એમાંથી એક ખીંટી પણ બનાવી શકે છે, જેના પર કશું લટકાવી શકાય? 4 એને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે તેના બંને છેડા સળગવા લાગે છે અને વચ્ચેનો ભાગ ખાખ થઇ જાય છે. પછી એ શા કામમાં આવે? 5 બળતણ તરીકે વપરાયા અગાઉ પણ તે બિનઉપયોગી હતું, હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે? 6 આથી યહોવા મારા માલિક કહે છે; જેમ મેં દ્રાક્ષાવેલને લાકડા કરતાં વધારે બિનઉપયોગી બનાવ્યું છે, અગ્નિમાં ઇંધણ તરીકે વપરાતા કોઇ પણ લાકડાં કરતા પણ બિન ઉપયોગી, તે પ્રમાણે હું યરૂશાલેમના લોકોનું પણ કરીશ. 7 હું તેઓની વિરુદ્ધ થઇ જઇશ, તેઓ એક આગમાંથી બચી જશે તોપણ તેઓ બીજી વારની આગમાં બળી મરશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું. 8 એ લોકો મને વિશ્વાસઘાતી નીવળ્યા છે, તેઓ મૂર્તિઓની પૂજા કરે છે માટે હું તેઓના દેશને ઉજ્જડ કરી નાખીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.

16:1 ફરીવાર મને યહોવાની વાણી સંભળાઇ: 2 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું યરૂશાલેમને તેનાં તિરસ્કારને પાત્ર કૃત્યો વિષે કહીં સંભળાવ. 3 તેને કહે કે, ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:’ તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી હતા અને માતા હિત્તી હતી. 4 તું જે દિવસે જન્મી તે દિવસે તારી નાળ કાપનાર કે તને નવડાવનાર કે તને મીઠું ચોળનાર કે તને કપડામાં લપેટનાર કોઇ નહોતું. 5 કોઇને તારામાં સ્હેજ પણ રસ ન હતો; તારા પર દયા કરે અને તારી કાળજી લે તેવું કોઇ નહોતું. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત અને તજાયેલી હતી. 6 “‘એવામાં હું ત્યાંથી નીકળ્યો અને મેં તને તારા લોહીમાં તરફડતી જોઇ. તું લોહીમાં ખરડાયેલી હતી ત્યારે મેં તને જીવાડવાનું વિચાર્યું. 7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી અને તું મોટી થતી થતી યુવાનીમાં પ્રવેશી. તારાં સ્તન ભરાવદાર થયાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નગ્નાવસ્થામાં હતી. 8 ફરી તારી પાસેથી હું નીકળ્યો ત્યારે મેં તને જોઇ તો તું લગ્ન માટે પુખ્ત ઉંમરની બની ચૂકી હતી. મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી. મેં તને ગંભીર વચન આપ્યું અને તારી સાથે કરાર કર્યો અને તું મારી થઇ.” આ યહોવા મારા માલિકના વચન છે. 9 “‘ત્યાર પછી મેં તને પાણીથી નવડાવી અને તારું લોહી ધોઇ નાખ્યું અને મેં તારા શરીર પર જૈતતેલ ચોપડ્યું. 10 વળી મેં તને ભરતકામ કરેલાં વસ્ત્રો તથા ઉત્તમ ચામડાની મોજડી પહેરાવ્યાં. મેં તારે માથે શણનો રૂમાલ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં. 11 મેં તને કિંમતી આભૂષણો, બંગડીઓ અને સુંદર નેકલેસ પહેરાવ્યાં. 12 નાકમાં નથ અને કાને કુંડળ પહેરાવ્યાં અને માથે રૂપાળો મુગટ મૂક્યો. 13 સોનાચાંદીના તારા અલંકારો હતાં. શણ, રેશમ અને જરીયાનનાં તારાં વસ્ત્રો હતાં. ઉત્તમોત્તમ લોટ, મધ અને જૈતતેલ તારો ખોરાક હતો. તેથી પહેલા કરતાં પણ તું વધારે સુંદર લાગતી હતી. તું રાણી જેવી રૂપાળી લાગતી હતી અને તું સાચે જ રાણી હતી! 14 તારાં રૂપની સુંદરતાને કારણે તારી ખ્યાતી સર્વ પ્રજાઓમાં પ્રસરી ગઇ હતી. તું સંપૂર્ણ સ્ત્રી લાગતી હતી, કારણ કે મેં તને સર્વ ભેટો આપી હતી.”‘ એમ યહોવા મારા માલિક કહે છે. 15 દેવ કહે છે, “પણ તેં તારા રૂપનો અને તારી કીતિર્નો લાભ લઇને વારાંગનાની જેમ વતીંર્ને જતા આવતા દરેકને તેં પોતાની જાત સોંપી દીધી. 16 તેં તારાં વસ્ત્રોથી ટેકરી ઉપરનાં થાનકોને સજાવ્યાં અને ત્યાં વારાંગનાનો ધંધો શરૂ કર્યો. 17 તેં મારા આપેલાં સોનાચાંદીના અલંકારો લઇ તેમાંથી પુરુષમૂર્તિઓ બનાવડાવી અને તેની સાથે તે વ્યભિચાર કર્યો. 18 તેં મારાં આપેલાં જરીયાન વસ્ત્રો લઇને મૂર્તિઓને પહેરાવ્યાં અને મારું તેલ અને મારો ધૂપ તેમને ચઢાવ્યાં. 19 મેં તને જે ઉત્તમ લોટ, મધ અને તેલ ખાવા આપ્યાં હતાં તે તેમને પ્રસન્ન કરવા ચઢાવી દીધાં.” આ યહોવાના વચન છે. 20 દેવ કહે છે, “વળી મારાથી તને જે પુત્ર-પુત્રીઓ થયાં હતાં તેઓને તેં તારાં દેવોની આગળ બલિદાન તરીકે આપ્યાં. તું વારાંગના હતી એટલું જ શું તારે માટે પૂરતું નહોતું, 21 કે તેં મારાં બાળકોનો વધ કરીને તેઓની મૂર્તિની આગળ બલિદાન કર્યા? 22 તારા વ્યભિચાર અને પાપના આ બધાં વષોર્માં તે કદી વિચાર કર્યો નહિ કે તારા બાળપણમાં તું નગ્ન હતી અને લોહીમાં તરફડતી હતી. 23 યહોવા મારા માલિક કહે છે, “તેથી તારા બધા ખરાબ કૃત્યોના લીધે તારી પર આફત આવશે, ચૂકાદો આવી ગયો છે, 24 “તેં દરેક શેરીને ખૂણેખૂણે પૂજા સ્થાનો અને ધામિર્ક વારાંગનાખંડ બનાવ્યા છે. 25 અને ત્યાં તેં તારાં રૂપને ષ્ટ કર્યું. જતા આવતા સૌને તારી કાયા સમપિર્ત કરીને વારાંગનાવૃત્તિ ચાલુને ચાલુ રાખી. 26 તેં તારા કામાશકત પડોશી મિસરીઓ સાથે વ્યભિચાર કરી તારી વારાંગનાવૃત્તિથી મારો રોષ વહોરી લીધો. 27 “અને હવે મેં તારી સામે મારો હાથ ઉગામ્યો છે. મેં તારી ખોરાકી-પોશાકી ઘટાડી નાખી છે અને તારા શત્રુઓના હાથમાં તને સોંપી દેવામાં આવી છે. અરે પલિસ્તીઓની પુત્રીઓ તારી નિર્લજ વર્તણંૂકથી તું શરમાઇ ગઇ છે. 28 આટલાથી પણ તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો. તેમની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું ધરાઇ નહિ. 29 વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાંય તું તૃપ્ત થઇ નહિ. 30 તેથી યહોવા મારા માલિક કહે છે કે, તારું હૃદય કેટલું દુષ્ટ છે કે તું આવાં કામ કર્યા કરે છે. તું સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રી છે.” આ યહોવા મારા માલિકના વચન છે. 31 દેવ કહે છે, “તેં તારી મૂર્તિઓની વેદીઓ તથા વારાંગનાગૃહ દરેક શેરીએ બંધાવ્યા છે. તું વારાંગના કરતાંય ભૂંડી છે. તું બીજી વારાંગનાઓની જેમ પૈસા પણ લેતી નથી. 32 તું તો કુલટા જેવી છે, જે પોતાના પતિને છોડીને પરપુરુષ સાથે સંબંધ બાંધે છે. 33 વારાંગના તો પૈસા લે છે, પણ તું તો તારા બધા પ્રેમીઓને ભેટ આપે છે, તું તો તેમને બધેથી તારી સાથે વ્યભિચાર કરવા લલચાવી લાવવા લાંચ આપે છે. 34 તું બીજી વારાંગનાઓ કરતાં જુદી જ છે. કોઇ તને પૈસા આપતું નથી પણ તું સામેથી તેઓને પૈસા આપે છે. તું સાચે જ જુદા પ્રકારની છે.” 35 “તેથી હવે હે વારાંગના, યહોવાના વચન સાંભળ. 36 આ યહોવા મારા માલિકના વચન છે: “તેં વસ્ત્રો ઉતારી નાખી તારા દેહને નગ્ન કરી તારા પ્રેમીઓ અને તારી એ ધૃણાજનક મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં તારા બાળકોનો વધ કરીને એ મૂર્તિઓને ભોગ ધરાવ્યો છે, 37 આથી હું તારો ઉપભોગ કરનાર બધા પ્રેમીઓને-જેઓને તું ચાહતી હતી અને જેઓને તું ધિક્કારતી હતી તે સૌને ભેગા કરીશ. હું તને તેઓની આગળ નગ્ન કરીશ, જેથી તેઓ તારી સર્વ નિર્લજ્જતા જુએ. 38 ખૂની અને વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. કેમકે હું ક્રોધિત અને દ્વેષિત છું. 39 તને અને તારા પ્રેમીઓને હું બીજા અનેક દેશોને સુપ્રત કરીશ કે જે તારો નાશ કરે. તેઓ તારાં વારાંગનાગૃહો અને મૂર્તિઓની વેદીઓને તોડી નાખશે અને તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઇ લેશે અને તને શરમજનક નગ્ન અવસ્થામાં છોડીને ચાલ્યા જશે. 40 તેઓ તારી સામે ટોળું લઇ આવશે અને તને ઇંટાળી કરશે અને તરવારથી તારા ટુકડેટુકડા કરી નાખશે. 41 તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને સ્ત્રીઓના ટોળાના દેખતાં તને સજા કરશે. આમ, હું તારી વારાંગનાવૃત્તિનો અંત આણીશ અને તારું પ્રેમીઓને ભેટ આપવાનું બંધ થઇ જશે. 42 ત્યારે મારો રોષ શમી જશે અને તારા ઉપરથી દાઝ ઊતરશે. પછી હું શાંત પડીશ અને તારા પર રોષે ભરાઇશ નહિ. 43 તું તારું બાળપણ ભુલી ગઇ છે અને તારાં કૃત્યોથી તેં મારો રોષ વહોરી લીધો છે તેથી હું તને તારા કૃત્યો માટે સજા કરીશ. શું આ સાચું નથી? કે તું બીજી બધી અધમ વસ્તુઓ ઉપરાંત નિર્લજ વ્યભિચારમાં સંડોવાયેલી હતી?” આ મારા માલિક યહોવાના વચનો છે. 44 “જેવી મા તેવી દીકરી.’ તે કહેવત સર્વ લોકો તારા માટે વાપરશે. 45 સાચે જ તું તારી માની દીકરી છે. જેણે તેના પતિને અને તેના સંતાનોને ધિક્કાર્યા હતાં. તું તારી બહેનોની સાચી બહેન છે, જેઓએ પોતાનાં પતિને અને સંતાનોને ધિક્કાર્યા હતાં. તમે બધી જ હિત્તી મા અને અમોરી પિતાની પુત્રીઓ છો. 46 સમરૂન તારી મોટી બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ઉંત્તરે વસે છે. સદોમ તારી નાની બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી દક્ષિણે વસે છે. 47 તેમને પગલે ચાલી તેમનાં જેવા અધમ કૃત્યો કરી તું તૃપ્ત થઇ નથી; થોડી જ વારમાં તું તેમના કરતાં પણ વધારે ખરાબ રીતે વર્તવા લાગી. 48 યહોવા મારા માલિક કહે છે કે, સદોમ અને તેની પુત્રીઓએ કદી જ તારી પુત્રીઓના જેટલી દુષ્ટતા કરી નહોતી એ ખાતરીપૂર્વકની વાત છે.” 49 “તારી બહેન સદોમના પાપ આ પ્રમાણે હતાં; અભિમાન, આળસ અને અન્નની પુષ્કળતા. તેથી તેઓ અભિમાની થઇ ગઇ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી. 50 તેઓ અભિમાની થઇ ગઇ હતી અને હું જેને ધિક્કારું છું એવા કૃત્યો કરતી હતી; આથી મેં તેમને ધરતી પરથી ભૂંસી નાખી છે, એ તેં જોયું છે.” 51 દેવ કહે છે, “સમરૂને તો તારા કરતાં અડધાં પાપ પણ કર્યા નહોતાં. તેં તારી બહેનો કરતાં એટલા બધાં વધુ અધમ પાપ કર્યા છે કે તારી સરખામણીમાં તો તેઓ સારી લાગે છે. 52 હવે તારે તારાં કૃત્યો માટે શરમાવુ જોઇએ. તારાં પાપ તારી બહેનોના પાપ કરતાં એટલા તો વધારે છે કે તેઓ તારી તુલનામાં નિદોર્ષ લાગે છે. તું તારી બહેનોને પણ નિદોર્ષ કહેવડાવે એવી છે એટલે જરૂર તારે લજ્જિત થઇને ફજેતી વહોરીને ચાલવું પડશે.” 53 દેવ કહે છે, “પરંતુ એક દિવસ આવશે જ્યારે હું સદોમ અને તેની પુત્રીઓની તથા સમરૂન અને તેની પુત્રીઓની આબાદી પાછી આપીશ. વળી એ સાથે, હે યહૂદા, તારી આબાદી પણ હું તને પાછી આપીશ. 54 તેં જે કર્યુ છે તેને કારણે તારે લજ્જિત થઇને નામોશીપૂર્વક ચાલવું પડશે. અને એ જોઇને તારી બહેનોને સાંત્વન મળશે. 55 હા, જરૂર તારી બહેનો સદોમ અને સમરૂન તથા તેઓના સર્વ લોકો પહેલાં હતાં તેવા જ ફરીથી સમૃદ્ધ થશે અને યહૂદા પણ તે દિવસોમાં સમૃદ્ધિ પામશે.” 56 તારા ઘમંડના દિવસોમાં જ્યારે તારી દુષ્ટતા ઉઘાડી પડી નહોતી ત્યારે તું તારી બહેન સદોમની હાંસી નહોતી ઉડાવતી? 57 આજે હવે અરામ અને પલિસ્તી લોકો તારી હાંસી ઉડાવે છે અને તારી આસપાસના બધા જ લોકો તને ધિક્કારે છે. 58 હવે તારે તારા બીભત્સ અને અધમ કૃત્યોનાં પરિણામો ભોગવવાં જ રહ્યાં.” આ મારા માલિક યહોવાના વચન છે. 59 યહોવા મારા માલિક કહે છે, “તારા આચરણ પ્રમાણે જ હું તારી સાથે વર્તાવ કરીશ, કારણ કે તું તારી પ્રતિજ્ઞાઓ ભુલી ગઇ છે, અને તે કરારનો ભંગ કર્યો છે. 60 છતાં હું એ કરાર નહિ ભૂલું; તું જ્યારે જુવાન હતી, ને મેં તારી સાથે જે કરાર કર્યો હતો તેને હું અનુસરીશ. બીજી તરફ હું, તારી સાથે કાયમી કરાર કરીશ. 61 અને ત્યારે તને તારાં કુકમોર્ યાદ આવશે અને તું લજ્જિત થઇશ. જ્યારે તું તારી મોટી અને નાની બહેનોને પાછી લઇ લઇશ, કારણ હું તારી બહેનોને તારી પુત્રીઓ તરીકે પાછી આપનાર છું, જો કે એ તારી સાથેના મારા કરારનો ભાગ નથી. 62 તેથી હું તારી સાથે મારો કરાર ફરીથી સ્થાપન કરીશ અને ત્યારે તું જાણશે કે હું યહોવા છું. 63 જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.

17:1 યહોવા તરફથી વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલી લોકો આગળ એક ઉખાણું રજૂ કર અને તેમને આ બોધકથા કહે: 3 તેઓને જણાવ કે હું યહોવા, તેઓને આ કહું છું;રંગબેરંગી પીંછાથી ઢંકાયેલું વિશાળ કદની પાંખોવાળું અને લાંબા નહોરોવાળું એક મોટું ગરૂડ ઊડતું ઊડતું લબાનોનના પર્વત પર આવ્યું અને તેની ઉપરથી એરેજવૃક્ષની ટોચની ડાળી લઇ ગયું. 4 અને વૃક્ષની તે ડાળીને ટોચે રહેલી નવી ડાળો તેણે તોડી નાખી કનાન દેશ લઇ જઇ વેપારીઓના નગરમાં રોપી. 5 ત્યાર પછી તેણે એક બીજ તે જમીન પરથી લીધું અને નદીકાંઠાની ફળદ્રુપ ભૂમિમાં વાવ્યું, જ્યાં પાણીનો તોટો નહોતો. અને તેણે તે બીજને પાણી પાયું. 6 વેલો વધવા લાગ્યો અને તે વધીને ઊંચો ન થયો પણ બધી દિશામાં ફેલાઇ ગયો. તેની શાખાઓ ઉગી ત્યાં નવા ફણગાં ફૂટયાં અને તેનાં મૂળ ઊંડા ગયાં. આખો વેલો ડાળીઓ અને કૂંપળોમાં ફેલાઇ ગયો. 7 એવામાં બીજો એક મોટો ગરૂડ આવ્યો. તેની પાંખો વિશાળ હતી. તેને પુષ્કળ પીછાં હતાં. પેલા દ્રાક્ષના વેલાએ પોતાનાં મૂળીયાં તેના તરફ વાળ્યાં, ડાળીઓ તેના તરફ ફેલાવી, એવી આશાએ કે તે એને જ્યાં ઊગેલો હતો તે બગીચા કરતા વધારે પાણી પાશે. 8 જો કે આ દ્રાક્ષાવેલો પુષ્કળ પાણીવાળો અને ફળદ્રુપ જમીનમાં રોપેલો હતો. તેથી પુષ્કળ પાંદડાં અને ફળો તેને લાગે તેમ હતું. અને તે ઊંચી પ્રકારનો દ્રાક્ષાવેલો બની શકે તેમ હતું.” 9 “તું એમને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: આ વેલો ફૂલશેફાલશે ખરો? પેલો ગરૂડ એને મૂળમાંથી ઉખેડી નાખી દ્રાક્ષો ઝૂડી નહિ લે? એ સુકાઇ નહિ જાય? એના બધાં લીલાં ડાળપાંદડાં ચીમળાઇ નહિ જાય? એને મૂળમાંથી ઉખેડી નાખવા માટે વધુ જોરની કે બળવાન પ્રજાની જરૂર નહિ પડે? 10 એને રોપ્યો છે એ ખરું, પણ એ ફૂલશેફાલશે ખરો? જ્યારે પૂર્વના પવનો વાશે ત્યારે એ સુકાઇ નહિ જાય? જે બગીચામાં એ ઊગ્યો છે ત્યાં ને ત્યાં એ ચીમળાઇ નહિ જાય?” 11 ત્યાર બાદ યહોવાની વાણી મને સંભળાઇ: 12 “તું તે બંડખોરોની જમાતને પૂછ; તમને આનો અર્થ સમજાય છે? તું એમને સમજાવ કે બાબિલનો રાજા યરૂશાલેમ આવીને રાજાને અને આગેવાનોને પોતાના નગર બાબિલમાં ઉપાડી ગયો. 13 તેણે રાજાના કુટુંબના એક માણસ સાથે કરાર કર્યો અને તે પાળવાનું તેની પાસે વચન લીધું. 14 એ દેશ પોતાનો તાબેદાર થઇને રહે, બળવો ન કરે, અને સંધિનું પાલન કરે એ માટે એ દેશના મુખ્ય માણસોને બાન તરીકે પકડી ગયો. 15 પણ યહૂદાના રાજાએ તેની સામે બળવો કર્યો અને ઘોડાઓ અને મોટી સેના મેળવવા માટે દૂતોને મિસર મોકલ્યા, એ ફાવશે ખરા? સંધિનો ભંગ કરીને તે સજા વગર છટકી શકશે?” 16 ના! યહોવા કહે છે કે, “હું ખાતરી પૂર્વક કહું છું કે ઇસ્રાએલનો રાજા મૃત્યુ પામશે. જે રાજાએ તેને અધિકાર આપ્યો અને જેના કરારનો ભંગ કર્યો તે રાજાના દેશમાં એટલે બાબિલમાં સિદકિયા મૃત્યુ પામશે. 17 જ્યારે બાબિલનો રાજા યરૂશાલેમની આસપાસ ઘેરો નાખશે અને ઘણાં લોકોની હત્યા કરવા માટે લશ્કરને ઊભું કરશે ત્યારે મિસરનો રાજા ફારુન અને તેનું વિશાળ સૈન્ય ઇસ્રાએલને સહાયરૂપ બની શકશે નહિ. 18 તેણે પોતાની પ્રતિજ્ઞાનો અને કરારનો ભંગ કર્યો છે, જો કે તેણે આ બધું કર્યું છે એટલે તે છટકી શકશે નહિ.” 19 આથી યહોવા મારા માલિક કહે છે: “હું મારા જીવનના સમ ખાઇને કહું છું કે, એણે મારે નામે લીધેલી પ્રતિજ્ઞાનો અને સંધિનો ભંગ કર્યો છે, તેનો બદલો લીધાં વગર હું નહિ છોડું. 20 હું તેના પર મારી જાળ નાખીને તેને પકડી લઇશ અને હું તેને બાબિલમાં લઇ જઇશ અને મારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ, હું તેને ન્યાયાલયમાં ઢસડી જઇશ. 21 એનાં ચુનંદા યોદ્ધાઓ યુદ્ધમાં મરી જશે અને બાકી રહેલાઓ ચારે દિશામાં વેરવિખેર થઇ જશે. ત્યારે તમને ખબર પડશે કે આ હું યહોવા બોલ્યો છું.” 22 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:“હવે હું પણ એરેજ વૃક્ષની ટોચ પરની કુમળી ડાળી લઇને તેને ઇસ્રાએલમાં ઊંચામાં ઊંચા પર્વતના શિખર પર રોપીશ. 23 ઇસ્રાએલના ઊંચામાં ઊંચા પર્વતની ટોચે રોપીશ. એને ડાળીઓ ફૂટશે, ફળ બેસશે, અને એ ભવ્ય એરેજવૃક્ષ બનશે. તમામ પ્રકારના પંખીઓ એની વિશાળ શાખાઓની છાયામાં વાસો કરશે. 24 વનનાં બધા વૃક્ષોને ખબર પડશે કે હું, યહોવા, ઊંચા વૃક્ષોને નીચાં કરું છું અને નીચા વૃક્ષોને ઊંચા કરું છું; લીલાં વૃક્ષને હું સૂકવી નાખું છું અને સૂકા વૃક્ષને હું ફરી લીલા બનાવું છું, આ મેં યહોવાએ કહ્યું છે અને હું તેમ કરીશ.”

18:1 મને ફરી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “ઇસ્રાએલમાં લોકો શા માટે આ કહેવતનો ઉપયોગ વારંવાર કરે છે?“મા-બાપે ખાટી દ્રાક્ષ ખાધી અને દાંત છોકરાઓના ખટાઇ ગયા.” 3 યહોવા મારા માલિક કહે છે: “હું મારા નામના સમ ખાઇને કહું છું કે, હવેથી ઇસ્રાએલ દેશમાં આ કહેવતનો ઉપયોગ થશે નહિ. 4 એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે. 5 “કોઇ સારો માણસ હોય, તે ન્યાય અને ધર્મ પ્રમાણે વર્તતો હોય. 6 ઇસ્રાએલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય કે તેમનાં થાનકોમાં જઇને પ્રસાદ લેતો ન હોય, પડોશી સ્ત્રીને ષ્ટ કરતો ન હોય કે રજસ્વલા સાથે વ્યભિચાર ન કરતો હોય, 7 વળી તે કોઇના પર જુલમ ગુજારતો ન હોય, ચોરી કરતો ન હોય; દેણદારે ગીરો મૂકેલી વસ્તુ પાછી આપતો હોય; ભૂખ્યાંને અન્ન અને વસ્ત્રહીનને વસ્ત્ર આપતો હોય, 8 વ્યાજખોરી કરતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, માણસ- માણસ વચ્ચે પક્ષપાત કરતો ન હોય, 9 મારી સૂચનાઓને જે અનુસરે છે અને મારા કાયદાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે એવો માણસ ખરેખર સદાચારી છે, અને તે જરૂર જીવશે.” આ સર્વસમર્થ યહોવાના વચનો છે. 10 “પરંતુ જો તેનો પુત્ર લૂંટારો અથવા ખૂની હોય અને આમાંનું કોઇ પણ પાપ કરે, 11 અને પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પર્વતો પર જઇને જૂઠી મૂર્તિઓની પૂજા કરતો હોય, તથા પડોશીની પત્ની સાથે વ્યભિચારમાં ડૂબેલો હોય, 12 ગરીબો અને નિરાધારો પર ત્રાસ કરતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ પર ષ્ટિ રાખી તેઓની પૂજા કરતો હોય, 13 પોતાનાં નાણાં વ્યાજે આપતો હોય અને આકરું વ્યાજ લેતો હોય, તો શું તે જીવશે? ના, તે નહિ જીવે. તે તેનાં બધાં દુષ્કૃત્યોને લીધે માર્યો જશે. પોતાના પાપનું ફળ પોતે જ ભોગવવું પડશે. 14 “પરંતુ જો આ માણસનો પુત્ર હોય અને તે પોતાના પિતાની દુષ્ટતા અને પાપો જોતો હોય પણ તે પ્રમાણે કરતો ન હોય. 15 પર્વતો પર મૂર્તિઓની આગળ ઉજાણીમાં જોડાતો ન હોય કે ઇસ્રાએલ પ્રજાની મૂર્તિઓ તરફ ષ્ટિ કરતો ન હોય અને પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરે નહિ, 16 કોઇના પર ત્રાસ કરે નહિ, ન્યાયપૂર્વક વર્તતો હોય, ગીરવે મૂકેલી વસ્તુઓ તેના દેણદારોને પાછી આપતો હોય અને તેમને લૂંટતો ન હોય, પણ ભૂખ્યાઓને અન્ન અને જરૂરીયાતવાળાને વસ્ત્રો આપતો હોય. 17 દુરાચારથી દૂર રહે છે, વ્યાજખોરી કરતો નથી, મારી આજ્ઞાઓ અનુસાર ચાલે છે અને મારા નિયમો પાળે છે; તો એને એના પિતાના પાપો માટે મરવું નહિ પડે; એ જરૂર જીવશે. 18 પરંતુ એના પિતાએ અન્યાય ગુજાર્યો હતો, ચોરી કરી હતી અને પોતાના લોકોનું ભૂંડું કર્યું હતું. એટલે તેને તો પોતાનાં પાપને કારણે મરવું જ પડશે. 19 “છતાં તમે પૂછો છો શા માટે પિતાનાં પાપોની શિક્ષામાં પુત્ર ભાગીદાર નથી?’ પુત્રે જે યોગ્ય છે તે કર્યું છે અને ખૂબ કાળજીપૂર્વક મારા નિયમોનું પાલન કર્યું છે, તેથી તે જરૂર જીવતો રહેશે. 20 જે માણસ પાપ કરશે તે મરણ પામશે. પુત્રને તેના પિતાનાં પાપોની શિક્ષા થશે નહિ, કે પિતાને પોતાના પુત્રના પાપોની શિક્ષા થશે નહિ. ન્યાયી માણસને પોતાની ભલાઇનો અને દુષ્ટ માણસને પોતાની દુષ્ટતાનો બદલો મળશે. 21 “પરંતુ જો કોઇ દુર્જન પાપનો માર્ગ છોડી દે અને મારા બધા નિયમોનું પાલન કરે અને ન્યાય અને નીતિમત્તાને માગેર્ ચાલે તો તે જરૂર જીવશે, તે મરશે નહિ; 22 તેણે કરેલા કોઇ પાપો સંભારવામાં આવશે નહિ, એ એનાં પુણ્યકમોર્ને કારણે જીવશે.” 23 “કોઇ દુષ્ટ માણસના મૃત્યુથી મને કઇં થોડો આનંદ આવે? મને તો ઉલટું એ જ ગમે કે તે દુષ્ટતાનો માર્ગ છોડી દે અને જીવે.” આ યહોવા મારા માલિકના વચન છે. 24 “તેમ છતાં જો કોઇ ન્યાયી માણસ પાપી જીવન તરફ પાછો ફરે અને બીજા પાપીઓની જેમ વતેર્ તો શું તે જીવતો રહેશે? ના સાચે જ તે જીવશે નહિ. તેણે કરેલા ભૂતકાળના સર્વ ભલાઇના કાર્યો સંભારવામાં આવશે નહિ. અને તે પોતાના પાપોને કારણે મૃત્યુ પામશે.” 25 દેવ કહે છે, “છતાં તમે કહો છો કે, ‘યહોવા અન્યાય કરે છે.’ હે ઇસ્રાએલીઓ સાંભળો; અન્યાય હું કરું છું કે તમે કરો છો? 26 જો કોઇ સારો માણસ પોતાની નીતિમત્તાને છોડીને પાપ કરે છે અને મૃત્યુ પામે છે તો તેણે પોતે કરેલાં પાપને કારણે જ તે મૃત્યુ પામે છે. 27 અને જો કોઇ માણસ પોતાની ભૂંડાઇથી પાછો ફરે અને મારા નિયમો પાળે તથા પ્રામાણિકપણે વતેર્ તો તે પોતાનો જીવ બચાવશે. 28 તેણે વિચાર કરીને પોતાનાં પાપોથી પાછા ફરવાનો અને સારું જીવન જીવવાનો નિર્ણય કર્યો છે; તેથી તે જરૂર જીવશે, તે મૃત્યુ પામશે નહિ.” 29 છતાં તમે ઇસ્રાએલીઓ કહો છો કે, “યહોવા અન્યાય કરે છે,”દેવ કહે છે, “હે ઇસ્રાએલના લોકો, અન્યાય તમે કરો છો, હું નહિ. 30 એટલે, ઓ ઇસ્રાએલીઓ, હું યહોવા મારા માલિક, તમને કહું છું કે, હું, તમારો દરેકનો તેના વર્તન ઉપરથી ન્યાય કરીશ. 31 હૃદય પરિવર્તન કરો, પાપનો માર્ગ છોડી દો, નહિ તો પાપ તમારો વિનાશ કરશે. તમારા બધાં પાપોને ફગાવી દો, નવું હૃદય અને નવો આત્મા પ્રાપ્ત કરો. હે ઇસ્રાએલીઓ, તમે શાને માટે મરવા માંગો છો? 32 કોઇનુંય મૃત્યુ થાય તે જોઇને મને આનંદ થતો નથી, માટે હૃદય પરિવર્તન કરો અને જીવો.” આ યહોવા મારા માલિકના વચન છે.

19:1 યહોવાએ મને કહ્યું, “તું ઇસ્રાએલના આગેવાનો માટે મરશિયા ગા. 2 “‘તારી મા કેવી સ્ત્રી હતી! તે તો હતી સિંહણ, સિંહોના ટોળામાં રહીને પોતાના સંતાન ઉછેરતી હતી. 3 તે સ્ત્રીએ એમાનાં એક સિંહના બચ્ચાંનેઉછેર્યો અને તે શકિતશાળી સિંહ બની ગયો, પછી તે શિકાર કરતાં શીખ્યો અને લોકોનો ભક્ષ કરવા લાગ્યો. 4 બીજી પ્રજાઓએ એ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા. 5 “‘જ્યારે સિંહણે જોયું કે તેની આશાઓ ધૂળમાં મળી ગઇ છે ત્યારે તેણે બીજા બચ્ચાંનેબધાં જંગલી પ્રાણીઓના રાજા થવા માટે તાલીમ આપીને ઉછેરીને મોટો કર્યો. 6 તે પણ મોટા સિંહોનો વનરાજ થયો, શિકાર કરતાં શીખ્યો અને માણસોનો ભક્ષ કરવા લાગ્યો. 7 તેણે કિલ્લાઓ તોડી પાડ્યા, નગરોને ખંડિયેર બનાવી દીધાં; અને તેની ગર્જનાથી દેશના લોકો ભયભીત થઇ ગયા. 8 આજુબાજુના પ્રાંતના લોકોએ તેના પર હુમલો કર્યો, તેમણે જાળ નાંખીને તેને ખાડામાં પકડી લીધો. 9 તેઓ તેને સાંકળે બાંધી પાંજરામાં પૂરીને બાબિલના રાજા પાસે લઇ ગયા. ત્યાં તેને જેલમાં પૂરવામાં આવ્યો. જેથી ઇસ્રાએલના પર્વતો પર તેની ગર્જના સંભળાતી બંધ થઇ જાય. 10 “‘તારી માતા પાણીના ઝરા પાસે રોપેલા દ્રાક્ષના વેલા જેવી હતી. પાણીની ખોટ નહોતી, એટલે તેને ખૂબ પાંદડાં અને ફળ આવ્યાં. 11 તેની ડાળીઓ એવી મજબૂત હતી કે તેના રાજદંડ બને. વેલ વધતી વધતી આજુબાજુની જાડીથી ઉપર નીકળી ગઇ, અને તેની ઘટા અને ઊંચાઇ સૌની નજરે ચડતી. 12 પરંતુ તે દ્રાક્ષાવેલો કોપને લીધે ઉખેડી નાખીને ભોંયભેગો કરવામાં આવ્યો, તેની ડાળીઓ ભાંગી નાખવામાં આવી. પૂર્વ તરફથી ફૂંકાતા પવનોને કારણે તે સુકાઇ ગઇ અને તેનાં ફળો તૂટી પડ્યા. સુકાઇ ગયેલી ડાળીઓ અગ્નિમાં ભસ્મીભૂત થઇ ગઇ. 13 હવે તેને સૂકા વેરાન અને નકામા રણમાં રોપવામાં આવી છે. 14 તેના થડમાંથી અગ્નિ પ્રગટીને તેની ડાળીઓ અને ફળોને ભરખી ગયો છે. હવે એની ડાળીઓ ફરીથી કદી મજબૂત નહિ થાય, અને તેમાંથી રાજદંડ પણ નહિ બને.’ આ શોકનું ગીત ભલે વારંવાર ગવાય. આ દુ:ખદ ગીત છે, જે વારંવાર ગવાતું આવ્યું છે.”

20:1 સાતમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે ઇસ્રાએલના કેટલાક આગેવાનો પોતાના સવાલો યહોવાને પૂછવા માટે મારી સમક્ષ આવીને બેઠા. 2 તે સમયે મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ: 3 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’ 4 હે મનુષ્યના પુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? તો તેઓને દોષિત ઠરાવ અને તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ. 5 હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, “હું તમારો દેવ યહોવા છું. 6 હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે. 7 “પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, હું યહોવા જ તમારો દેવ છું.” 8 પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો. 9 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો તે લોકો જેમની વચ્ચે વસતા હતા તેમની નજરમાં મારું નામ હલકું પડત, કારણ કે તેમના દેખતાં જ મેં જાહેર કર્યું હતું કે, ‘હું એ લોકને મિસરમાંથી બહાર લઇ જનાર છું.’ 10 આથી મેં તેમને મિસરમાંથી બહાર કાઢીને રણમાં લાવીને મૂક્યા. 11 મેં તેમને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ સમજાવી. જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. 12 તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે. 13 “‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો, 14 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત. 15 આથી મેં રણમાં પ્રતિજ્ઞા લીધી કે, મેં તેમને જે ભૂમિ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં દૂધ અને મધની રેલછેલ છે અને જે સૌથી રળિયામણી છે- ત્યાં હું તેમને નહિ લઇ જાઉં. 16 “‘કારણ, તેમણે મારા કાનૂનોનો તિરસ્કાર કર્યો છે, મારા નિયમોનો ભંગ કર્યો છે અને બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે, અને તેમના મન મૂર્તિઓ પર મોહી પડ્યાં છે. 17 તેમ છતાં મને તેમના પર દયા આવી. મેં તેમનો સંહાર ન કર્યો, રણમાં જ તેમને બધાને પૂરા ન કર્યા. 18 મેં તેમનાં સંતાનોને કહ્યું, “તમારા પૂર્વજોના નિયમોને અનુસરશો નહિ, તેમના હુકમોને અનુસરશો નહિ કે તેમની મૂર્તિઓની પૂજા કરીને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ. 19 હું યહોવા તમારો દેવ છું. તમારે મારી આજ્ઞાઓ પાળવાની છે, મારા નિયમોને અનુસરવાનું છે અને તે પ્રમાણે ચાલવાનું છે. 20 વિશ્રામવારને તમારે પવિત્ર ગણીને પાળવો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બની રહે અને તમને ખબર પડે કે હું યહોવા દેવ છું.” 21 “‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો. 22 પણ હું શાંત રહ્યો. જો મેં એમ ન કર્યું હોત તો જે પ્રજાઓના દેખતા હું તેમને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત. 23 આથી મેં રણમાં બીજી પ્રતિજ્ઞા કરી કે, હું તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને વિદેશી ભૂમિઓમાં છોડી મૂકીશ.’ 24 “‘કારણ, તેમણે મારા કાનૂનોનું ઉલ્લંધન કયુંર્ છે, મારા હુકમોનો ભંગ કર્યો છે, બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે અને તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજા કરી છે. 25 એટલું જ નહિ, મેં તેમને ખરાબ નિયમો પાળવા દીધા, અને એવી આજ્ઞાઓ ઉઠાવવા દીધી જેનાથી જીવન પ્રાપ્ત ન થાય. 26 મેં તેમને પોતાનાં પહેલાં સંતાનોનો મૂર્તિઓને ભોગ ચઢાવી એ બલિથી જ અશુદ્ધ થવા દીધા. આમાં મારો હેતુ તેમને સજા કરીને ખબર પાડવાનો હતો કે હું યહોવા, છું.’ 27 માટે, હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને કહે; ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમારા પૂર્વજોએ એક બીજી રીતે પણ મારું અપમાન કર્યું છે. તેઓ મારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવળ્યાં છે. 28 મેં તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં હું તેઓને લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોયાં. અને તે દરેકની આગળ બલિદાનો, સુવાસિત ધૂપ અને પેયાર્પણો અર્પણ કરી તેઓએ મને ક્રોદિત કર્યો છે. 29 મેં તેઓને કહ્યું;’ તમે જ્યાં જાઓ છો તે ઉચ્ચસ્થાન શું છે? અને ત્યારથી તે ‘ઉચ્ચસ્થાન’ ડુંગર પરના થાનકો કહેવાય છે.”‘ 30 “હવે તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે તમારા વડવાઓની જેમ વતીર્ ને ષ્ટ થાઓ છો, તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ પાછળ પડો છો, 31 તેમની આગળ ભેટ ધરાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં હોમો છો, અને છતાં તમે ઇસ્રાએલીઓ મારા મનની વાત જાણવા આવો છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું, આ હું યહોવા તમારો માલિક બોલું છું, કે હું તમને મારા મનની વાત જણાવનાર નથી. 32 બીજી પ્રજાઓની જેમ, વિદેશીઓની જેમ આપણે પણ લાકડાંના અને પથ્થરના દેવોની પૂજા કરીશું.’ તમારા મનમાં એવી જે ઇચ્છાઓ તમે ઘરાવો છો તે હું સાચી પડવા દેનાર નથી.”‘ 33 યહોવા મારા માલિક કહે છે કે, “હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મારા ક્રોધમાં અને મારા પરાક્રમમાં તથા સમર્થ ભુજ વડે તમારા પર શાસન ચલાવીશ. 34 તમે જે પ્રજાઓમાં વિખેરાઇ ગયા છો ત્યાંથી હું તમને મારા ક્રોધથી અને મારા પરાક્રમથી મારા સમર્થ ભુજ વડે બહાર લાવી એકત્ર કરીશ. 35 હું તમને પ્રજાઓની રણભૂમિમાં દોરી જઇશ અને ત્યાં મોઢામોઢ તમારી સામે વાદ ચલાવીશ. 36 જેમ મેં મિસરના રણમાં તમારા પૂર્વજોની સામે વાદ ચલાવ્યું હતું તેમ અત્યારે તમારી સામે ઉભો રહીને ચલાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 37 “હું તને મારા દંડ નીચેથી પસાર કરીશ અને મારા કરારની શરતોને આધિન રાખીશ. 38 મારી વિરુદ્ધ બંડ કરનાર અને પાપમાં જીવનાર સર્વને હું તમારામાંથી દૂર કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇસ્રાએલમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.” 39 હવે, હે ઇસ્રાએલના કુળ, યહોવા, મારા માલિક તારા માટે કહે છે: “જો તમે મને સાંભળવા માંગતા નથી અને તમે તમારી મલિન મૂર્તિઓની પૂજા કરવા ચાહો છો, તો તમે તેમ કરવાનું ચાલુ રાખો. પણ તમે તમારી મલિન મૂર્તિઓની ભેટ આપીને, મારા પવિત્ર નામને હવે જરા પણ અભડાવશો નહિ. 40 યહોવા મારા માલિક કહે છે કે, “મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં સર્વ ઇસ્રાએલી લોકો મારી ભકિત કરશે. ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમારાં ઉપહાર અને તમારા ઉત્તમ અર્પણો મારી પાસે લાવવા હું તમને એકઠા કરીશ. 41 તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ. 42 તમારા પિતૃઓને જે દેશ આપવાનું મેં પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું તે દેશોમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 43 પછી, તમે યાદ કરશો કે, પહેલાં તમે દુષ્કૃત્યો કરીને કેવા અશુદ્ધ થયા હતા અને તમે આચરેલા પાપોને કારણે તમને તમારા પોતાના પર ધૃણા પેદા થશે. 44 “જ્યારે તમારા દુષ્ટ માગોર્ અને તમારા અધમ આચરણને કારણે મારે તમારી સાથે જે રીતે વર્તવું જોઇએ તેમ ન કરતાં મેં મારા નામને ગૌરવ અપાવે તેની વર્તણૂક તમારી સાથે કરી છે એમ તમે જાણશો ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું.” આ યહોવા મારા માલિકના વચન છે. 45 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 46 “હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ. 47 દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે. 48 અને બધા માણસોને ખાતરી થશે કે એ આગ પેટાવનાર હું યહોવા છું અને એને હોલવી શકાય એમ નથી.”‘ 49 પછી મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, તેઓએ મને કહ્યું, ‘તું તો અમને ફકત કોયડાઓ જ કહે છે.”‘

21:1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 2 “હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમ તરફ જો અને ઇસ્રાએલ વિરુદ્ધ અને મારા મંદિરની વિરુદ્ધ પ્રબોધ કર. 3 અને કહે: યહોવા આ પ્રમાણે કહે છે: ‘હું તારી વિરુદ્ધ છું. હું મારી તરવાર મ્યાનમાંથી ખેંચીશ અને તમારામાંથી સદાચારી માણસોની તેમજ દુષ્ટોની હત્યા કરીશ. 4 મારે તમારામાંના ભલાભુંડા સૌ કોઇનો સંહાર કરવો છે માટે હું દક્ષિણથી ઉત્તર સુધીના બધા સામે મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢનાર છું. 5 ત્યારે બધા માણસોને ખાતરી થશે કે મેં યહોવાએ મ્યાનમાંથી તરવાર ખેંચી છે અને એ કદી પાછી મ્યાનમાં જવાની નથી.”‘ 6 “હે મનુષ્યના પુત્ર, ભગ્ન હૃદયથી, તીવ્ર શોકથી અને અતિશય દુ:ખમાં તું મોટેથી રૂદન કર, લોકો આગળ તું પસ્તાવો કર. 7 તેઓ તને પૂછે કે, ‘તું શા માટે આક્રંદ કરે છે,’ ત્યારે તેઓને કહે: ‘દેવે આપેલા સમાચારને લીધે જ્યારે એમ થશે ત્યારે હિંમતવાન માણસ પણ ભાંગી પડશે અને તેની તાકાત ચાલી જશે. દરેક વ્યકિત નિર્ગત થશે. મજબૂત ઘૂંટણો પણ થરથરશે અને પાણીના જેવા થઇ જશે.’ યહોવા મારા માલિક કહે છે તમારા પર શિક્ષા આવી રહી છે. મારા ન્યાય ચુકાદાઓ પરિપૂર્ણ થશે.” 8 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 9 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું લોકોને એમ કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તરવાર! હા, તેને ધારદાર અને ચમકતી બનાવવામાં આવી છે. 10 સંહાર કરવા માટે તેને ધારદાર બનાવેલી છે. વીજળીની જેમ ચમકારા મારે તેવી તેને બનાવી છે. અજેય રહેનાર યહૂદાના રાજદંડમાં શું આપણે આનંદ મનાવીશું? પરંતુ એ બાબિલની તરવાર એવા પ્રત્યેક રાજદંડને તુચ્છકારે છે. 11 તરવાર ચકચકતી બનાવી છે. તેનો ઉપયોગ કરવા માટે સંહારકના હાથમાં સોંપવા માટે તેને ધારદાર અને ચકચકતી બનાવી છે. 12 “‘હે મનુષ્યના પુત્ર, તું અતિશય દુ:ખને કારણે મોટેથી પોક મૂક અને રૂદન કર, કારણ કે તે તરવાર મારા લોકોની અને તેઓના સર્વ આગેવાનોની હત્યા કરશે. સર્વ મરણ પામશે માટે તારી છાતી કૂટ. 13 હું તેઓની કસોટી કરીશ. જેને તરવાર તિરસ્કારે છે તે યહૂદાના રાજદંડનો અંત આવશે તો શું?”‘ એમ યહોવા મારા માલિક કહે છે. 14 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી સંભળાવ, તું બે હાથે જોરથી તાળી પાડ,“આ એ તરવાર છે જે એક શરીર પરથી બીજા શરીર પર જાય છે. એ તરવાર સંહાર કરનારી છે, એ પ્રાણ હરનારી તરવાર છે. એ સર્વત્ર ભય ફેલાવનારી તરવાર છે, એને જોઇને લોકો હિંમત હારી જાય છે. 15 બધા હૃદયમાં આતંક લાવવા માટે અને ઘણા લોકોને લથડાવીને નીચે પાડવા માટે, મેં તેઓની નગરીને દરવાજે-દરવાજે તરવાર લટકતી રાખી છે, જે વીજળીની જેમ ઝળકે છે અને સંહાર કરવાને સજ્જ છે. 16 હે તરવાર, તું તારી ડાબી બાજુ અને તારી જમણી બાજુ સંહાર કર. જે બાજુ તું ફરે તે બાજુ સંહાર કર. 17 હું પણ તાળી પાડીશ અને મારા ક્રોધને શાંત પાડીશ, હું યહોવા આ બોલ્યો છું.” 18 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ. 19 “હે મનુષ્યના પુત્ર, બાબિલનો રાજા પોતાની તરવાર સાથે જ્યાં થઇને આવી શકે એવા બે રસ્તા દોર બંને રસ્તા એક જ દેશમાંથી નીકળવા જોઇએ. જ્યાં રસ્તા ફંટાતા હોય ત્યાં નિશાન મૂક. 20 એક એંધાણી રાજાને આમ્મોનીઓના નગર નો માર્ગ બતાવે, અને બીજી એંધાણી યહૂદાનો, ઠેઠ યરૂશાલેમ સુધીનો માર્ગ બતાવે. 21 બાબિલનો રાજા જ્યાં રસ્તો ફંટાય છે ત્યાં નિશાન આગળ ઊભો છે. કયે રસ્તે જવું તે જાણવા માટે તે બાણ હલાવે છે, મૂર્તિઓને પ્રશ્ર્ન કરે છે અને વધેરેલા પ્રાણીનું કાળજું તપાસે છે. 22 “તેના જમણા હાથમાં આવેલું બાણ યરૂશાલેમનું છે. ત્યાં તે કિલ્લો તોડવાના યંત્રો ગોઠવશે અને હત્યા કરવા હુકમ આપશે. દરવાજા તોડવાના યંત્રો ગોઠવાશે અને માટીના ગઢ ઊભા કરાશે, અને ખાઇઓ ખોદશે. 23 યરૂશાલેમના લોકોએ સંધિઓ કરી છે એટલે તેઓ આ બધું નહિ માને; પણ એ તો તેમના પાપોની ખબર લેશે; તેઓ દુશ્મનના હાથમાં પડવાના જ છે, પછી તેઓને બંદીવાન તરીકે લઇ જવાશે.” 24 તેથી હું યહોવા મારા માલિક, કહું છું કે, “હે યરૂશાલેમ નગરી, તારાં પાપોની ખબર લેવાઇ રહી છે. સૌ કોઇ જાણે છે કે તું કેવી દોષિત છે. તારા એકેએક કાર્યમાં તારાં પાપ પ્રગટ થાય છે. તારાં પાપોની ખબર લેવાઇ રહી છે અને તું તારા દુશ્મનોના હાથમાં પડવાની જ છે. 25 હે ઇસ્રાએલના દુષ્ટ અને અધમ રાજા, તારા દિવસો પણ ભરાઇ ચૂક્યા છે, તારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે.” 26 યહોવા મારા માલિક કહે છે: “તારી પાઘડી અને મુગટ ઉતાર. હવે પહેલાના જેવી સ્થિતિ રહેવાની નથી. જે નીચે છે તે ઊંચે જશે અને જે ઊંચે છે તેને નીચે પાડવામાં આવશે. 27 હું નગરીને ખંડિયેરબનાવી દઇશ. ખંડિયેર! પણ આ નગરીને સજા કરવા માટે જે માણસ નક્કી થયો છે તે આવે નહિ ત્યાં સુધી આ બનવાનું નથી. હું તે સર્વ તેને આપીશ.” 28 “હે મનુષ્યના પુત્ર, તું આમ્મોનીઓ વિરુદ્ધ પ્રબોધ કર. કારણ કે તેઓએ મારા લોકોની તેમની વિકટ પરિસ્થિતીમાં હાંસી ઉડાવી છે. તેઓને આ પ્રમાણે કહે:“‘તમારી વિરુદ્ધ પણ ધારદાર, ચમકતી તરવાર ખુલ્લી કરવામાં આવી છે, તે વીજળીની જેમ ચમકારા મારે છે. 29 તમારાં દર્શન જૂઠાં છે. ભવિષ્યવાણી ખોટી છે. તમે દુષ્ટ છો, અધમ છો; તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે, કારણ કે તમારી શિક્ષાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે. તરવાર તમારી ડોક પર પડનાર છે. 30 “‘તારી તરવારને તેના મ્યાનની અંદર પાછી મૂકી દે! તમારા દેશમાં, જ્યાં તમારો જન્મ થયો હતો ત્યાં જ હું તમારો સંહાર કરીશ. 31 હું મારો કોપ તમારા પર રેડી દઇશ અને જ્યાં સુધી મોટી આગના ભભૂકે ત્યાં સુધી હું મારો કોપરૂપી અગ્નિ તમારા પર મોકલીશ. સંહાર કરવામાં કુશળ અને સ્વભાવે ક્રુર માણસોના હાથમાં હું તમને સોંપી દઇશ. 32 તમે અગ્નિમાં ઇંધણની જેમ હોમાઇ જશો. તમારા પોતાના દેશમાં તમારું લોહી રેડાશે. તમારું કોઇ નામોનિશાન નહિ રહે. હું યહોવા આ બોલ્યો છું.”‘

22:1 યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું તેણીનો ન્યાય તોળવા તૈયાર છે? તો તું યરૂશાલેમ પર તે ‘ખૂનીઓની નગરી’ છે તેવો આરોપ મૂક, પછી તેણે આચરેલા બધા ભયંકર કૃત્યો વિષે તેને જણાવ. 3 તે નગરને જણાવ કે, ‘યહોવા મારા માલિક તમને કહે છે: પોતાની મધ્યે ઘણાં લોકોનાં ખૂન કર્યા છે અને મૂર્તિઓની પૂજા કરીને પોતાને ષ્ટ કર્યા છે. 4 “‘એ કારણને લીધે તારા નાશનો સમય પાકી ચૂક્યો છે. એ ખૂનની જવાબદારી તારી છે અને તેં જ બનાવેલી મૂર્તિઓથી તું ષ્ટ થયેલી છે, તેથી તારી ઘડી ભરાઇ ચૂકી છે. તારું આવી બન્યું છે! આથી જ મેં તેને બધી પ્રજાઓની હાંસીનો અને બધા દેશોના ઉપહાસનો વિષય બનાવી છે. 5 દૂરના અને નજીકના દેશો તારી હાંસી ઉડાવશે, તું ઘણી બદનામ થયેલી છે. તું હિંસાથી ભરેલી છે. 6 “‘તારા કિલ્લાની અંદર રહેનાર ઇસ્રાએલના પ્રત્યેક આગેવાને પોતાના હાથનો ઉપયોગ લોહી વહેવડાવવામાં કર્યો છે. 7 તારામાં કોઇ માતાપિતાને માન આપતું નથી. વિદેશીઓને સુરક્ષા માટે નાણાં ચૂકવવા ફરજ પાડે છે. અને અનાથો તથા વિધવાઓ ઉપર ત્રાસ ગુજારે છે. 8 હું જે કઇં પવિત્ર માનું છું તેને તું ધિક્કારે છે. અને મારા ખાસ વિશ્રામવારોનું ઉલ્લંઘન કરે છે. 9 તારે ત્યાં લોકો ખોટી અફવાઓ ફેલાવે છે અને ખૂનો કરાવે છે, પર્વત પરના થાનકોએ જઇને બલિદાનો અર્પણ કરે છે.“‘તારે ત્યાં લોકો જાતિય પાપો આચરે છે. 10 ધણા પુરુષો પોતાના પિતાની પત્નીઓ સાથે વ્યભિચારમાં ડૂબેલા હોય છે. અને તેમાંના ધણા તો સ્ત્રીઓ પર ઋતુકાળ દરમ્યાન બળાત્કાર કરે છે. 11 કેટલાંક પુરુષો બીજા પુરુષોની પત્નીઓ સાથે ભયાનક કુકમોર્ કરે છે, તો કોઇ પોતાની પુત્રવધૂને ષ્ટ કરે છે; કોઇ તેની પોતાની બહેન પર એટલે કે પોતાના બાપની પુત્રી પર બળાત્કાર કરે છે. 12 “‘તારે ત્યાં લોકો પૈસા લઇને ખૂન કરે છે, પોતાના ઇસ્રાએલી ભાઇઓને ધીરેલા નાણા ઉપર વ્યાજ લે છે અને નફા માટે તેમની પાસે વધારે ભાવ પડાવે છે, મને તો તું ભૂલી જ ગઇ છે.’ આ યહોવા મારા માલિકના વચન છે. 13 “‘તમે અપ્રામાણિક નફો મેળવ્યો છે અને તમારી મધ્યે લોહી વહેવડાવ્યું છે. તેથી હું રોષમાં હાથ પછાડીશ. 14 હું તારી ખબર લઇશ ત્યારે તારી હિંમત ટકી રહેશે ખરી? તારું બળ કાયમ રહેશે ખરું? કારણ કે હું યહોવા બોલ્યો છું અને મેં જે કંઇ કહ્યું છે તે સર્વ હું કરી બતાવીશ. 15 હું તમને બીજી પ્રજાઓમાં અને વિદેશોમાં વેરવિખેર કરી નાખીશ અને તમે જે મલિનતામાં ખૂપેલા છો તેને હું સંપૂર્ણપણે દૂર કરીશ. 16 બીજી સર્વ પ્રજાઓ આગળ તમે અપમાનિત થશો અને ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”‘ 17 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ મારે માટે કચરા જેવા નકામા છે. તેઓ ચાંદીને શોધ્યા પછી ભઠ્ઠીમાં રહેલા તાંબા, કલાઇ, લોઢા અને સીસા જેવા છે. 19 આથી હું યહોવા માલિક કહું છું કે, ‘તમે બધા એ કચરા જેવા નકામા છો એટલે હું તમને યરૂશાલેમમાં ભેગા કરીશ. 20 જેમ ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા અને જસતને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં અગ્નિ વડે ગળાય છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં ભેગા કરીને તમને ભઠ્ઠીમાં ઓગળવા માટે મૂકી દઇશ. 21 તેવી જ રીતે હું મારા ક્રોધ અને રોષમાં તમને ભેગા કરીને ઓગાળીશ. તમે મારા રોષની ભડભડતી ભઠ્ઠીમાં ઓગળી જશો. 22 જેમ ચાંદી ભઠ્ઠીના અગ્નિથી ઓગળી જાય તેમ તમે મારા રોષના અગ્નિથી ઓગળી જશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ મારો કોપ તમારા પર રેડ્યો છે.”‘ 23 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભળાઇ: 24 “હે મનુષ્યના પુત્ર, તું એ ભૂમિને કહે: તુ એક અશુદ્ધ ભૂમિ છે જે ભૂમિ પર કોપના દિવસે વરસાદ વરસતો નથી. 25 શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા ‘પ્રબોધકો’ એ તારી વિરુદ્ધ જાળ પાથરી છે. તેઓ ઘણાં જીવોને હડપ કરી ગયા છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓ આ દેશમાં વિધવાઓનો વધારો કરે છે. 26 “તારા યાજકોએ ખરેખર મારા નિયમશાસ્ત્ર ભંગ કર્યો છે અને જે અપિર્ત વસ્તુઓ છે તેને ષ્ટ કર્યું છે. તેઓએ પવિત્રતાને અપવિત્રતાથી દુર કરી છે. તેઓ શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ શીખવતા નથી. તેઓ મારા ખાસ વિશ્રામવારનું અપમાન કરે છે તેથી હું તેઓની વચ્ચે અપવિત્ર બન્યો છું. 27 “નગરીના અમલદારો શિકારની ચીરફાડ કરતાં વરુઓ જેવા છે; તેઓ ખૂનરેજી કરે છે, લોકોને મારી નાખીને તેમની મિલકત લૂંટીને અપ્રામાણિક લાભ મેળવે છે. 28 “તેમના પ્રબોધકો દરેક વસ્તુઓ ઉપર વ્યર્થ ચૂનો ઘોળે છે. તેઓ પોકળ દર્શનો જુએ છે અને અસત્ય બોલે છે - તેઓ કહે છે, ‘આ યહોવા મારા માલિકના વચન છે, પછી ભલે, મેં તેમને કંઇ કહ્યું ન હોય. 29 “સામાન્ય લોકો પણ જુલમમાં ડુબેલા હોય છે, તેઓ ગરીબો અને જરૂરતમંદોને લૂંટે છે અને વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે. 30 “મેં તેમનામાં એવો માણસ શોધવાનો પ્રયત્ન કર્યો જે દિવાલ બાંધી શકે, જે દિવાલમાં પડેલાં ગાબડા પાસે ઊભો રહી મારાથી દેશનું રક્ષણ કરે - જે તેનો નાશ કરવા માટે તૈયાર હોય, પણ હું એવા કોઇને પણ શોધી ન શક્યો. 31 આથી હું તમારા પર મારો ક્રોધ રેડી દઇશ. હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તમે કરેલા સર્વ કુકમોર્ને માટે હું તમને જવાબદાર ઠરાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.

23:1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 તેમણે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, બે બહેનો હતી. 3 તેઓ યુવાન હતી ત્યારે મિસરમાં રહેતી હતી જે વારાંગના બની ગઇ હતી, ત્યાં જ તેમને ચુંબન, આલિંગન અને સ્તનોના મર્દનનો અનુભવ થઇ ચૂક્યો હતો અને તેમનું કૌમાર્ય હરાઇ ચૂક્યું હતું. 4 મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ. 5 “ઓહલાહ મારી થઇ હતી, છતાં તેણે વારાંગનાવૃત્તિ ચાલુ રાખી. તે આશ્શૂરના યોદ્ધાઓ ઉપર મોહી પડી હતી. 6 એ બધા જુવાન હતા, રૂપાળા હતા અને જાંબલી રંગના પોશાકમાં શોભતા હતા. કોઇ લશ્કરી અમલદાર હતા. કોઇ અધિકારીઓ હતા, કોઇ ઘોડેસવાર હતા. 7 તેથી તેણે પસંદ કરેલા આશ્શૂરી પુરુષો સાથે વ્યભિચારનું પાપ કર્યું. તેણીએ તેઓની મલિન મૂર્તિઓની પૂજા કરીને પોતાની જાતને અશુદ્ધ કરી. 8 મિસરમાં તેણે વારાંગનાવૃત્તિ શરૂ કરી હતી, ત્યાં તે નાની હતી ત્યારથી જ માણસો તેની સાથે સૂતા અને તેને ચુંબન, આલિંગન કરી તેની સાથે વ્યભિચાર કરતાં અને એ જ તેણે ચાલુ રાખ્યું. 9 તેથી મેં તેણીને આશ્શૂરીના માણસના હાથમાં સોંપી દીધી જેઓ માટે તેણી તલસતી હતી. 10 તેઓએ તેના કપડાં ઉતારી લીધા. તેને મારી નાખી અને તેના સંતાનોને પોતાના ગુલામો તરીકે લઇ ગયા. તે એક પાપી સ્ત્રી તરીકે સમગ્ર દેશની સ્ત્રીઓમાં કુખ્યાત બની. કારણ કે તેના આચરણ પ્રમાણે તેને યોગ્ય શિક્ષા થઇ હતી. 11 “તેની બહેન ઓહલીબાહે આ બધું જોયું હતું તેમ છતાં તે વધુ કામાસકત નીકળી અને વારાંગનાવૃત્તિમાં તેની બહેન કરતાં પણ ષ્ટ થઇ. 12 તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા. 13 મેં જોયું કે તે તેની મોટી બહેનના પગલે જ ચાલતી હતી અને તેના જેવા જ અધમ કૃત્યો તે આચરતી હતી. 14 “તેણે વધુને વધુ વ્યભિચાર કર્યો કારણ કે તેણે ભીત ઉપર સિંદૂરથી ચિતરેલા બાબિલના અમલદારોના ચિત્રો જોયાં. 15 તેમણે કમરે કમરબંધ અને માથે સુંદર સાફા બાંધેલા હતા. એ બધા જ અધિકારીઓ તરીકે ઉત્તમ લાગતાં હતાં. તેઓ બાબિલના ગૌરવ અને ખાલદીયોના વતની જેવા સુંદર લાગતા હતા. 16 જ્યારે તેણે આ ચિત્રો જોયાં ત્યારે તે આ ચિત્રોમાંના પુરુષો માટે ઝંખવા લાગી અને તેઓ પોતાની પાસે આવે માટે તેમને બોલાવવા માટે બાબિલ સંદેશાવાહકો મોકલ્યા. 17 બાબિલવાસીઓ આવ્યા અને તે સ્ત્રીને લઇને પથારીમાં સુઇ ગયા જેમકે તે વારાંગના હોય અને તેમ તેને ષ્ટ કરી અને તેણી ખીજવાઇને તેમનાથી દૂર નાસી ગઇ . 18 “આમ તે ઉઘાડેછોગ વ્યભિચાર કરતી હતી તેથી છેલ્લે હું તેની બહેનથી કંટાળી ગયો હતો તેટલો જ તેનાથી કંટાળી ગયો. 19 તે વારાંગનાવૃત્તિમાં આગળને આગળ વધતી ગઇ, અને પોતે જુવાન હતી ત્યારે મિસરમાં જેમ વારાંગનાવૃત્તિ કરતી હતી તેમ કરવા લાગી. 20 તેણી પોતાના મિસરના પ્રેમીઓને ઝંખતી હતી જેમની પુરુષ ઇદ્રિયો ગધેડાની ઇદ્રિયો જેવી હતી અને જેઓ ઘોડાઓની જેમ વીર્યસ્ત્રાવ કરતાં હતાં. 21 “તારી જુવાનીમાં મિસરમાં તું વ્યભિચારમાં ડૂબેલી રહેતી હતી અને દેહસુખ માણ્યા કરતી હતી, એ બધું તારે પાછું માણવું હતું. 22 આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ. 23 હું બધા બાબિલવાસીઓને અને ખાલદીવાસીઓને તથા પકોદ, શોઆને અને કોઆના માણસોને, તેમ જ બધા આશ્શૂરવાસીઓને, બધા રૂપાળા જુવાનોને, રાજ્યપાલોને અને ઉમરાવોને, રથના સારથીઓને અને ઘોડેસવારોને ભેગા કરીશ. 24 તેઓ તારી વિરુદ્ધ રથો, ગાડાં અને વિશાળ સૈન્ય સાથે શિરસ્ત્રાણ ઢાલ અને ભાલા સાથે તારી ઉપર આક્રમણ કરવા ચઢી આવશે, તેઓ શસ્ત્રસજ્જ માણસો વડે તને ચારેબાજુથી ઘેરી લેશે. હું તેઓ સમક્ષ મારી બાબત રજૂ કરીશ અને તેઓને યોગ્ય લાગે તેવો વર્તાવ તેઓ તારી સાથે કરશે. 25 હું તારા પર રોષે ભરાયો છું. તેથી તેઓ તારા પર રોષ ઉતારશે. તેઓ તારા નાક કાન કાપી નાખશે, તેઓ તારા પુત્ર-પુત્રીને તારી પાસેથી લઇ લેશે. અને બાકીનું બધું અગ્નિમાં ભક્ષ્મ થઇ જશે. 26 તેઓ તારા સુંદર પોશાક અને આભૂષણો તારી પાસેથી છીનવી લેશે. 27 હું તારા સપનાઓનો અને મિસરમાં શરૂ કરેલાં વ્યભિચારનો અંત લાવીશ. એટલે તું હવેથી તેઓને ક્યારેય તારી આંખોથી લલચાવી નહિ શકે.”‘ 28 યહોવા મારા માલિક કહે છે: “જે લોકોને તું ધિક્કારે છે અને જેમનાથી તું કંટાળી ગઇ છે તેમના હાથમાં હું તને સુપ્રત કરીશ. 29 અને તેઓ તને ધિક્કારે છે એટલે તેઓ તારા પરિશ્રમની કમાણી ઝૂંટવી લેશે અને તને બિલકુલ ઉઘાડી અને નગ્ન કરી મૂકશે. આમ, તું વારાંગના તરીકે ઉઘાડી પડી જઇશ. 30 તેં બીજી પ્રજાઓના દેવોની પૂજા કરી અને તેઓની મૂર્તિઓથી તે પોતાને અપવિત્ર કરી છે માટે આ સર્વ વિપત્તિઓ તારા પર લાવવામાં આવશે. 31 તું તારી બહેનને પગલે ચાલી છે એટલે હું તને તેનો જ પ્યાલો આપીશ.” 32 યહોવા મારા માલિકના આ વચન છે:“તારે તારી બહેનનો પ્યાલો પીવો પડશે, એ પ્યાલો ઉંચો છે અને ઊંડો છે. એ ઉપહાર અને મશ્કરીથી છલોછલ ભરેલો છે. 33 એ તારાજી અને વિનાશનો પ્યાલો તને છાકટી અને દુ:ખી બનાવી દેશે. 34 તું તારી બહેન સમરૂનનો પ્યાલો આખો ગટગટાવી જશે અને પછી તેને ભાંગી નાખી તેના કટકા વડે તારા સ્તન કાપી નાખશે. 35 “‘આ યહોવા મારા માલિકના વચન છે, તું મને ભૂલી ગઇ હતી અને મારી તરફ તેં તારી પીઠ ફેરવી. તેથી તારાં સર્વ પાપ, લંપટતા અને વ્યભિચારની શિક્ષા તારે સહન કરવી પડશે.”‘ 36 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઓહલાહ અને ઓહલીબાહનો ન્યાય તોળવાને તૈયાર છે? તો તેમણે જે શરમજનક કૃત્યો કર્યા છે તેનો તેમના ઉપર આરોપ મૂક. 37 તેમણે વ્યભિચાર કર્યો છે, ખૂન કર્યા છે; તેમણે મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મારાથી તેમને થયેલા બાળકોનો તેમની આગળ ભોગ આપ્યો છે. 38 વળી તેઓએ મારી વિરુદ્ધ આ કર્યું છે; એ જ દિવસે તેઓએ મારા મંદિરને મારા ખાસ વિશ્રામવારની સાથે અશુદ્ધ કર્યુ. 39 કારણ કે પોતાનાં બાળકોનો મૂર્તિઓને ભોગ ચઢાવ્યા પછી તે જ દિવસે તેઓ મારા મંદિરમાં પ્રવેશ્યા અને તેને અશુદ્ધ કર્યું છે. આ તેમણે મારા પોતાના જ મંદિરમાં કર્યું છે! 40 “વળી એમણે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમે તેઓનું સ્વાગત કર્યું. તમે સ્નાન કર્યું, આંખોમાં કાજળ આંજયું અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા. 41 પછી તે દબદબાભર્યા પલંગ ઉપર બેઠી અને સામે બાજઠ મૂક્યો. બાજઠ ઉપર તેમણે મેં આપેલો ધૂપ અને મેં આપેલું તેલ મૂક્યું. 42 “તમારા ઓરડામાંથી મોટી ઉજાણીના અવાજો સંભળાતા હતા. અને તમે રણમાંથી વંઠેલ સ્ત્રીઓ લાવ્યાં હતાં અને તમે તેમના હાથોમાં બંગડીઓ પહેરાવી હતી અને તેઓના માથે સુંદર મુગટો મૂક્યા હતા. 43 પછી મને વિચાર આવ્યો, ‘આ લોકો વારાંગનાવૃત્તિ કરી કરીને વૃધ્ધ થઇ ગયેલી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરી રહ્યા છે.’ 44 માણસો વારાંગના પાસે જાય તેમ તેઓ તેમની પાસે જવા લાગ્યા, અને તેમણે એ વંઠેલ સ્ત્રીઓ ઓહલાહ અને ઓહલીબાહ પાસે જવાનું ચાલું રાખ્યું છે. 45 “પણ સદાચારી માણસો તો તેમને વ્યભિચાર અને ખૂનના પાપોને કારણે સજા કરશે, કારણ, એ લોકોએ વ્યભિચારનું પાપ આચર્યુ છે અને એમના હાથ લોહીથી ખરડાયેલા છે.” 46 આ યહોવા મારા માલિકના વચન છે: “એમના ઉપર ત્રાસ ગુજારવા માટે અને એમને લૂંટી લેવા માટે લશ્કરની ટુકડી લઇ આવો. 47 તે લશ્કરની ટુકડી તેમને ઇંટાળી કરશે અને તરવારોથી તેમનો અને તેમનાં પુત્રો તથા પુત્રીઓનો સંહાર કરશે. અને તેમના ઘરોને બાળી મૂકશે. 48 આમ, સમગ્ર દેશમાંથી હું કામાચારનો અંત લાવીશ અને તમને બે બહેનોને જોઇને બધી સ્ત્રીઓ ચેતશે અને તમારી જેમ વ્યભિચાર નહિ કરે. કારણ કે વ્યભિચારનું અનુકરણ ન કરવાની શિખામણ તેમને મળશે. 49 તમારા વ્યભિચારના અને મૂર્તિપૂજાના પાપ માટે તમને સજા થશે, અને ત્યારે તમને ખબર પડશે કે હું યહોવા અને માલિક છું.”

24:1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે મને યહોવાની આ પ્રમાણે વાણી સંભળાઇ. 2 તેમણે કહ્યું; “હે મનુષ્યના પુત્ર, આજની તારીખ નોંધી રાખ, કારણ, ‘આજે બાબિલના રાજાએ યરૂશાલેમને ઘેરો ઘાલ્યો છે.’ 3 એ બંડખોર ઇસ્રાએલી પ્રજાને તું આ દ્રષ્ટાંત કહી સંભળાવ. તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘કઢાઇને અગ્નિએ ચઢાવો, ચૂલે ચઢાવો તેમાં પાણી રેડો, 4 એમાં માંસના કટકા નાખો, પસંદ કરેલા સારામાં સારા ખભા અને પગનાં માંસના ટુકડા નાખો. 5 ઉત્તમમાં ઉત્તમ ઘેટું લો, ઉત્તમમાં ઉત્તમ હાડકાં પણ નાખો, નીચે લાકડાં ગોઠવો, ખૂબ ઉકાળો, હાડકાં પણ બફાઇ જાય ત્યાં સુધી બફાવા દો.’ 6 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે, જેનો કાટ કદી ઊખડે એમ નથી. તું દુષ્ટતાથી ભરેલી છે. તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે. પણ કોઇ તે ખાવાના નથી. 7 તેણે ખૂબ હિંમતપૂર્વક ખૂન કર્યા છે. બધાં જોઇ શકે છે કે મારી નંખાયેલનું રકત ખડકો પર એમનું એમ જ છે. જે બધા જોઇ શકે છે. જો એ લોહી જમીન પર રેડાયું હોત તો રેતી તેને ઢાંકી દેત; 8 ખડક પર એ રકત ખુલ્લું છે. જેથી તે મારી આગળ તેની વિરુદ્ધ હાંક મારે છે જેથી મારો કોપ સળગે અને હું બદલો લઉં.’ 9 તેથી યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘હે યરૂશાલેમ, ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! હું પણ લાકડાનો મોટો ઢગલો કરીશ. 10 પુષ્કળ લાકડા લાવો, આગ પેટાવો! માંસ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. મસાલાઓને તેમાં ઉમેરો ! હાડકાં બળી જાય ત્યાં સુધી તેને ઉકાળો. 11 પછી ખાલી કઢાઇને અંગારા ઉપર મૂકી તેનો બગાડ અને કચરો બળી જાય ત્યાં સુધી તેને તપાવો. 12 પણ કાટ એટલો બધો છે કે જવાળાઓથી પણ નહિ જાય. 13 હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી. 14 “‘આ મેં યહોવાએ કહ્યું છે અને તે, એ પ્રમાણે બનશે જ. હું એ પ્રમાણે જ કરીશ. જરા પણ પીછેહઠ કરીશ નહિ. દયા નહિ ખાઉં, ને હું મારો નિર્ણય પણ બદલીશ નહિ. તને તારી વર્તણૂંક માટે અને તારા દુષ્કૃત્યો માટે સજા થશે જ.’ આ યહોવા મારા માલિકના વચન છે.” 15 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 16 “હે મનુષ્યના પુત્ર, હું એક ઝપાટે તારી પ્રિયતમાને દૂર કરવાનો છું. પણ તારે રડવાનું નથી, કે શોક કરવાનો નથી કે આંસુ સારવાના નથી. 17 તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.” 18 સવારમાં તો હું લોકોને પ્રબોધ કરતો હતો અને તે જ સાંજે મારી પત્ની મૃત્યુ પામી. બીજે દિવસે મને કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે મેં કર્યું. 19 મને લોકોએ પૂછયું, “તમે આમ શા માટે કરો છો? આ બધાનો શું અર્થ છે?” 20 ત્યારે મેં તેમને કહ્યું, “મને યહોવાની વાણી સંભળાઇ છે. 21 તમને ઇસ્રાએલીઓને યહોવા મારા માલિક કહે છે કે, ‘જે પવિત્રસ્થાન માટે તમે ગર્વ લો છો, અને જેને માટે તમારું અંતર તલસે છે તેનો હું પોતે જ ધ્વંસક છું. તમારાં જે પુત્રપુત્રીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તરવારનો ભોગ બનશે. 22 ત્યારે તમારે મેં કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ કે શોકના રીતરિવાજો પાળશો નહિ. 23 તમારે માથે ઉત્તમ સાફો અને ઉત્તમ પગરખા પહેરી લો, રડશો નહિ કે પશ્ચાતાપ કરશો નહિ, તમારાં પાપે તમે એકબીજા સામે રોદણાં રડતાં રિબાઇ રિબાઇને મરશો. 24 યહોવા કહે છે, હઝકિયેલ તમારે માટે દ્રષ્ટાંત રૂપ છે. મેં જેમ કહ્યું છે તેમ જ તમારે કરવાનું છે અને આ બનશે ત્યારે તમને ખબર પડશે કે એ યહોવા મારા માલિક છે.”‘ 25 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, જે દિવસે હું યરૂશાલેમમાંથી તેઓનાં હૃદયનો આનંદ તેઓનો મહિમા અને તેઓની પત્નીઓ અને તેઓના પુત્ર-પુત્રીઓ લઇ લઇશ. 26 જે દિવસે હું આ કરીશ, તે જ દિવસે એ વિનાશમાંથી ઊગરી ગયેલું કોઇ આવીને તને એ સમાચાર આપશે. 27 તે જ દિવસે તને તારી વાચા પાછી મળશે અને તું એની સાથે વાત કરીશ. આમ તું તેમને દ્રષ્ટાંતરૂપ થઇ પડીશ અને તેઓને ખાતરી થશે કે હું યહોવા છું.”

25:1 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, આમ્મોનીઓ તરફ મોં કરી તેમની વિરુદ્ધ મારી ચેતવણી ઉચ્ચાર. 3 તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો. 4 તેથી હું તમને પૂર્વની પ્રજાઓના હાથમાં સુપ્રત કરુ છું. તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને વસવાટ કરશે. તેઓ તમારા ફળ ખાઇ જશે અને તમારું દુધ પી જશે. 5 “‘હું રાબ્બાહ નગરને ઊંટોને ચરવાની જગ્યા બનાવીશ અને આમ્મોનીઓનો દેશ ઘેટાંબકરાંને ચરવાની જગ્યા થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 6 યહોવા મારા માલિક કહે છે કે: તમારા હૃદયમાં મારા ઇસ્રાએલી લોકો માટે તિરસ્કાર છે, તેથી ઇસ્રાએલની અવદશા જોઇને તમે તાળીઓ પાડીને નાચ્યા અને ખુશ થયા હતા. 7 તેથી હું તમારી સામે મારો હાથ ઉગામીશ અને ઘણી પ્રજાઓના હાથમાં તમને સોંપી દઇશ અને તમારો નાશ કરીશ. હું તમને તમારા દેશમાંથી બહાર કાઢી મૂકીશ. હું દૂરના રાષ્ટોમાં તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”‘ 8 આ યહોવા મારા માલિકના વચન છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘યહૂદા તો બીજી પ્રજાઓ જેવું જ છે;’ 9 તેથી હું એની સરહદોનું રક્ષણ કરતાં શહેરોને બેથ-યશીમોથ બઆલ-મેઓન અને કિર્યાથાઇમ સહિત એનાં સુંદરમાં સુંદર શહેરોને હુમલાનો ભોગ બનાવીશ. 10 હું આમ્મોનની સાથે મોઆબને પણ પૂર્વની પ્રજાઓને સોંપી દઇશ, જેથી આમ્મોનના લોકોનું પ્રજા તરીકેનું અસ્તિત્વ જ ભૂંસાઇ જશે. 11 એ રીતે હું મોઆબને સજા કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.” 12 સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.” 13 તેથી યહોવા મારા માલિક કહે છે; “હું અદોમ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને તેના લોકોનો, જાનવરોનો અને ઢોરઢાંખરાનો હું સંપૂર્ણ નાશ કરીશ. તેમાનથી માંડીને દેદાન સુધીનું સર્વ તરવારથી નાશ પામશે. અને દેશ વેરાન થશે. 14 મારા લોકો ઇસ્રાએલીઓ દ્વારા હું અદોમ પર વૈર વાળીશ અને તેઓ અદોમ સાથે મારા રોષ અને ક્રોધને છાજે એવો વર્તાવ કરશે. એ લોકોને ખબર પડી જશે કે મેં વૈર વાળ્યું છે.” આ યહોવા મારા માલિકના વચન છે. 15 વળી યહોવા મારા માલિક કહે છે: “પલિસ્તીઓએ ધૃણાપૂર્વક પોતાના દુશ્મનો પર વૈર વાળ્યું છે, અને લાંબા સમયથી તેઓનો તિરસ્કાર કર્યા પછી તેમનો સંહાર કર્યો છે.” 16 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું પલિસ્તીઓ વિરુદ્ધ મારો હાથ લંબાવીશ અને પલિસ્તીઓનો નાશ કરીશ અને દરિયાકિનારાના બાકીના લોકોને સાફ કરી નાખીશ. 17 હું મારા ઉગ્ર રોષમાંને રોષમાં તેમના પર ભયંકર વૈર વાળીશ અને તેમને ભારે સજા કરીશ. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

26:1 અગિયારમા વર્ષમાં મહિનાના પ્રથમ દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા!’ પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!”‘ 3 તેથી યહોવા મારા માલિક કહે છે: “હે તૂર, હું તારી વિરુદ્ધ છું, હું અનેક પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા પર હુમલો કરવા લઇ આવીશ.” 4 “તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને કમાનોને તોડી પાડશે. હું તારી બધી રેતીને ભૂંસી નાખીશ અને ફકત ખુલ્લા ખડક રહેવા દઇશ. 5 તેનો ટાપુ વસવાટ કરવા લાયક રહેશે નહિ, પણ ત્યાં માછીઓ પોતાની જાળો પાથરશે.” કારણ કે યહોવા મારા માલિક તે બોલ્યા છે. “પ્રજાઓ તૂરને લૂંટી લેશે. 6 અને મુખ્ય ભૂમિ ઉપરના તારાં પરાંઓ તરવારનો ભોગ બનશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.’ 7 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ. 8 પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે. 9 તે તારા કોટ ઉપર યંત્રોથી મારો ચલાવશે અને તારા બુરજો ઓજારોથી તોડી પાડશે. 10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે. 11 તેના ઘોડેસવારો નગરની પ્રત્યેક શેરીઓ કબજે કરી લેશે. તે તારા લોકોની હત્યા કરશે અને તારા પ્રખ્યાત અને મોટા સ્તંભો ભોંયભેગા થઇ જશે. 12 તારી સંપત્તિ પડાવી લેવામાં આવશે, તારો માલ લૂંટી લેવામાં આવશે, તારો કોટ ભોંયભેગો થઇ જશે અને તારી વૈભવશાળી હવેલીઓ તોડી પાડવામાં આવશે. તારા પથ્થરો કાટમાળ અને છારું દરિયામાં પધરાવી દેવામાં આવશે. 13 હું તારાં ગીતો થંભાવી દઇશ અને તારી વીણાના સ્વરો ફરી કદી નહિ સંભળાય. 14 હું ફકત તારા ટાપુને વેરાન ખડક બનાવી દઇશ, તેના પર માછીઓ પોતાની જાળો પાથરશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ. કારણ કે હું યહોવા તે બોલ્યો છું.” એમ યહોવા મારા માલિક કહે છે. 15 યહોવા મારા માલિક તૂરને કહે છે: “તારા પતનથી, તારા લોકોની હત્યા થવાથી અને ઘવાયેલાઓના આર્તનાદથી સમુદ્ર તટના દેશોના લોકો ભયથી ધ્રુજી ઊઠશે. 16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે. 17 તેઓ તારે માટે આ મરશિયા ગાશે;“‘ઓ વિખ્યાત નગરી! આ તે તારો કેવો વિનાશ તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ! તું અને તારા વતનીઓ સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં. અને આખા સાગરકાંઠાના વતનીઓ તારાથી ડરતા રહેતા હતા. 18 તારા પતન વખતે આજે કાંઠાપ્રદેશ ધ્રુજી ઊઠયો છે, અને સમુદ્રના બધાં દ્વીપો તારા સર્વનાશથી કાંપી ઊઠયા છે.”‘ 19 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, “જ્યારે હું તૂરને વેરાન અને નિર્જન બનાવી દઇશ અને સમુદ્રના તોફાની પાણી નીચે ડૂબાડી દઇશ. 20 ત્યારે હું તને ભૂતકાળના ઘણાં લોકો જ્યાં છે ત્યાં નરકના ખાડામાં ધકેલી દઇશ, ત્યાં નીચેની ધરતીમાં, પ્રાચીન ખંડિયેરોમાં, નરકના ખાડામાં ગયેલા લોકો સાથે તારે રહેવું પડશે. ફરીથી તને આ જીવલોકમાં આવીને વસવા દેવામાં આવશે નહિ. 21 હું તારો અંત લાવી દઇશ અને તારુ અસ્તિત્વ રહેશે નહિ. લોકો તારી શોધ કરશે, પણ તું કદી મળશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.

27:1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું તૂર વિષે આ મરશિયો ગા. 3 “‘તું એ સમુદ્રકાંઠે વિસ્તરેલા તે નગરને, વિશ્વના વ્યાપારકેન્દ્રને કહે કે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “હે તૂર, તું કહેતી હતી કે હું સુંદર મુગટ છું.” 4 “હે તૂર, તું કહેતી હતી, ‘મારા સૌદર્યમાં કોઇ ઊણપ નથી.’ તારી સરહદ ઠેઠ મધદરિયા સુધી વિસ્તરેલી છે. તારા બાંધનારાઓએ તારામાં કોઇ ઉણપ રાખી નથી. 5 તારા પાટિયાં તેમણે સનીર પર્વતના સરૂના લાકડાનાં બનાવ્યા હતાં, અને તારા સ્તંભો બનાવવા માટે લબાનોનના એરેજકાષ્ટનો ઉપયોગ કર્યો હતો. 6 તેઓએ તારાં હલેસાં બાશાનના એલોનકાષ્ટનાં બનાવ્યાં હતાં. તારું તૂતક સાયપ્રસના દક્ષિણ કાંઠેથી લાવેલા સરળવૃક્ષના લાકડાનું અને હાથીદાંતજડિત બનાવવામાં આવ્યું હતું. 7 તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં, જે તારા માટે વાવટાનું કામ કરતા હતા. તારી છત અલીશાહ ટાપુઓના નીલ અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી. 8 તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં. તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા. 9 ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.’ 10 “તારા સૈન્યમાં પારસ, લૂદ અને પૂટના માણસો સૈનિકો તરીકે સેવાઓ આપતા હતા. તેઓ તારી ભીતો ઉપર ઢાલો અને ટોપો લટકાવતા હતા અને તારી શોભા વધારતા હતા. 11 આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી, 12 “તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાશીર્શ વેપાર કરતું હતું. અને તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઇ અને સીસું લવાતું હતું. 13 ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા. 14 બેથતોગાર્માહના લોકો તારા માલના બદલામાં તને ભારવાહક ઘોડા, લડાયક ઘોડા અને ખચ્ચર આપતા હતા. 15 દેદાનવાસીઓ તારી સાથે વેપાર કરતા હતા. ધણા સમુદ્ર તટ પરના પ્રદેશમાં લોકો તારા માલના બદલામાં તને હાથીદાંત અને અબનૂસ આપતા હતા. 16 અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા. 17 “યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા. 18 તારે ત્યાં એટલી બધી વસ્તુઓ બનતી હતી અને તારે ત્યાં એટલો બધો માલ હતો કે દમસ્કના લોકો તારી સાથે વ્યાપાર કરતાં અને બદલામાં તને હેલ્બોનનો દ્રાક્ષારસ અને સહારનું ઊન આપતા હતા. 19 દેદાનના લોકો અને ઉઝાલના યુવાનો તને ઘડતરનું લોઢું અને તેજાના અને શેરડી આપી તારો માલ ખરીદતા. 20 દેદાનના લોકો તારા માલના બદલામાં તને ઘોડાના જીન માટે ધાબળા આપતા. 21 અરબસ્તાનના લોકો અને કેદારના આગેવાનો તારા માલની કિંમત ઘેટાબકરાંમાં ચૂકવતાં. 22 શેબા અને રાઅમાહના વેપારીઓ ઉત્તમ જાતના તેજાના, રત્નો અને સોનું આપીને તારો માલ ખરીદતા. 23 હારાન, કાન્નેહ અને એદેન, શેબાના શહેરો અને આશ્શૂર તથા ખિલ્માદના લોકો સાથે તારો વેપાર ચાલતો હતો. 24 તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા. 25 “મોટાં મોટાં વહાણોમાં તારો માલ દેશવિદેશ જતો હતો. તું ભરસમુદ્રમાં સમૃદ્ધ હતો. 26 પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે. તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા. 27 તેં બધું જ ગુમાવ્યું છે, તારી બધી દોલત, તારો બધો જ માલ અને સરસામાન, તારા બધા ખલાસીઓ અને સારંગો, તારા મરામત કરનારાઓ, વેપારીઓ અને બીજા બધા જ યોદ્ધાઓ, બધા જ માણસો-ટૂંકમાં બધું જ ડૂબતાં તારી સાથે સમુદ્રમાં ડૂબી ગયું. 28 તારા નાવિકોની ચીસોથી દરિયા કિનારો કંપી ઊઠયો. 29 તે સાંભળીને બધા હલેસા મારનારાઓ, બધા નાવિકો, અને સારંગો પોતપોતાના વહાણ ઉપરથી ઊતરીને કિનારે જઇ ઊભા. 30 તેઓ તારું દુ:ખ જોઇને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે અને માથા પર ધૂળ નાખી રાખમાં આળોટશે. 31 તેઓ ભારે શોકમાં પોતાનાં માથાં મૂંડાવશે. તેઓ શણના વસ્ત્રો પહેરશે અને પોતાના હૃદયમાં ભારે દુ:ખ સાથે તારા માટે વિલાપ કરશે. 32 તેઓ શોકમાં તારા માટે વિલાપગીત ગાશે,‘તૂર જેવું કોણ છે? એ તૂરનગરી અત્યારે સાગરમાં શાંત પોઢી ગઇ છે! 33 જ્યારે તારો માલ સમુદ્રમાંથી ઠલવાતો ત્યારે તું દરેક પ્રકારની પ્રજાઓને સંતોષતી હતી. તારા માલ દ્વારા મેળવાતા પુષ્કળ દ્રવ્યથી રાજાઓના ભંડાર ભરાતાં હતાં. 34 હવે મહાસાગરે તારા ભુક્કા ઉડાવી દીધા છે, અને તું સમુદ્રને તળિયે ડૂબી ગઇ છે. તારો બધો માલ અને તારા બધા માણસો તારી ભેગા સમુદ્રને તળિયે પહોંચી ગયા છે. 35 સમુદ્રકાંઠે રહેનારા સર્વ તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગયા છે. તેઓના રાજાઓ ભયભીત થઇ ગયા છે અને તેઓના ચહેરાઓ પર ગભરાટ છવાયેલો છે. 36 દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે; કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે. સદાને માટે હવે તારો નાશ થયો છે. હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!”‘

28:1 મને યહોવાનું વચન આ પ્રમાણે સંભળાયું; 2 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજવીને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘તું અભિમાનથી ફુલાઇ ગયો છે અને દેવ હોવાનો દાવો કરે છે, તું કહે છે, “દેવની જેમ હું સમુદ્રોની મધ્યે આસન પર બેસું છું.” તું દેવના જેવો જ્ઞાની હોવાનો દાવો ભલે કરે, પરંતુ તું નાશવંત મનુષ્ય છે, દેવ નહિ. 3 છતાં તું દેવ હોવાનો દંભ કરે છે, તું એમ માને છે કે તું દાનિયેલ કરતા પણ ડાહ્યો છે. તારાથી કશું અજાણ્યું નથી. 4 તારા ડહાપણ અને તારા કૌશલથી તે સોનાચાંદીના ભંડાર ભર્યા છે. 5 તું વેપારમાં ઘણો કાબેલ છે. તેથી તું ઘણો ધનવાન થયો છે અને તે કારણે તું અભિમાની થયો છે. 6 તેથી યહોવા મારા માલિક કહે છે: તું દેવોના જેવો જ્ઞાની હોવાનો દાવો કરે છે. 7 તેથી હું તારા પર હુમલો કરવા માટે ઘાતકીમાં ઘાતકી પરદેશીઓને લઇ આવીશ. તેં તારી કુશળતાથી અને દાનાઇથી જે સંપત્તિ પ્રાપ્ત કરી છે તે બધાનો નાશ કરી, તેઓ તારી કીતિર્ને ઝાંખી પાડશે. 8 તેઓ તારા પ્રાણ લેશે અને તને નરકના ખાડામાં ધકેલી દેશે. અને સાગરને તળિયે પહોંચાડી દેશે. 9 તેઓ તારો પ્રાણ લેવા આવશે ત્યારે પણ તું એમ જ કહેતો રહીશ કે, “હું દેવ છું?” તું દેવ નથી, તું તો કેવળ માણસ જ છે. અને તે પણ વધ કરનારાઓના હાથમાં પડેલો છે. 10 તું બેસુન્નત વિદેશીની જેમ વિદેશીઓના હાથે મૃત્યુ પામશે. તેથી મેં આમ કહ્યું છે.”‘ એમ યહોવા મારા માલિક કહે છે. 11 મને ફરીથી યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો. 13 દેવના ઉદ્યાન એદનમાં તારો વાસ હતો અને બધી જાતના રત્નો તું ધારણ કરતો હતો; હીરા, માણેક, પોખરાજ, નીલમ, અકીક, બદામી ઇન્દ્રનીલ, પન્ના અને તારાં આભૂષણો સોનાનાં હતાં. તારા જન્મ સમયે તારે માટે બનાવવામાં આવ્યાં હતાં. 14 તારું રક્ષણ કરવા એક અભિષિકત રક્ષક દૂત તરીકે નીમ્યો હતો. તું દેવના પવિત્ર પર્વત પર જઇ શકતો હતો અને અગ્નિના ચળકતાં પથ્થરો પર ચાલતો હતો. 15 તું જન્મ્યો ત્યારે તારું આચરણ નિષ્કલંક હતું, પણ પાછળથી તારી દુષ્ટતા પ્રગટ થવા માંડી. 16 તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં અને પાપમાં ખેંચી ગયો. આથી મેં તને દેવના પવિત્ર પર્વત પરથી હાંકી મૂક્યો. જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો. 17 તારા સૌદર્યને કારણે તું ફુલાઇ ગયો હતો અને તારી કીતિર્ને કારણે તારી બુદ્ધિ બહેર મારી ગઇ હતી. મેં તને ભોંય ઉપર પટક્યો છે અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે. 18 તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો પણ ષ્ટ થઇ ગયા. આથી, હે તૂર, મેં તને આગ ચાંપી અને તને બાળીને ભોંયભેગો કરી દીધો. આજે તને જોનારા સૌ કોઇ તને ભસ્મીભૂત થયેલો જુએ છે. 19 જે પ્રજાઓ તને ઓળખતી હતી તે બધી તારી દશા જોઇને સ્તબ્ધ થઇ ગઇ છે. તારું પરિણામ ભયંકર આવ્યું છે, સદાને માટે તારો નાશ થયો છે.”‘ 20 ફરીથી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 21 “હે મનુષ્યના પુત્ર, તું સિદોન તરફ મુખ કરીને તેની વિરુદ્ધ પ્રબોધ કર. 22 તેણીને કહે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘હે સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારા સ્થાનમાં મારો મહિમા પ્રગટ કરીશ. તારામાં વસતા લોકોને સજા કરી હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે લોકો જાણશે કે હું યહોવા છું. 23 હું તારા પર મરકી મોકલીશ. તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ, જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે. પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.”‘ 24 યહોવાએ કહ્યું, “‘ઇસ્રાએલનો તિરસ્કાર કરનારી આજુબાજુની પ્રજાઓ હવે કદી તેને ભોંકાતા કાંટા કે ઝાંખરાની જેમ હેરાન નહિ કરે. અને ત્યારે તેઓને ખબર પડશે કે હું યહોવા તમારો માલિક છું.”‘ 25 આ યહોવા મારા માલિકના વચન છે: “ઇસ્રાએલીઓને મેં જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખી છે, તે બધામાંથી હું તેમને પાછા લાવી એકત્ર કરીશ અને ત્યારે બધી પ્રજાઓને ખબર પડશે કે હું પવિત્ર છું. ઇસ્રાએલના લોકો, મેં મારા સેવક યાકૂબને આપેલી તેમની પોતાની ભૂમિમાં વસશે. 26 તેઓ ઇસ્રાએલમાં શાંતિપૂર્વક રહેશે, ઘરો બાંધશે અને દ્રાક્ષની વાડીઓ રોપશે. તેમની સાથે દુર્વ્યવહાર કરનારી આજુબાજુની પ્રજાઓને હું સજા કરીશ અને તેઓ શાંતિથી રહેશે. ત્યારે તેઓને ખબર પડશે કે હું તેમનો દેવ યહોવા છું,”

29:1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને દશમા વર્ષના દશમા મહિનાના બારમા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન તરફ મોં કરીને તેની અને તેના આખા દેશના સર્વ લોકો વિરુદ્ધ પ્રબોધ કર. 3 તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે:“‘હે મિસરના રાજા ફારુન, હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું. તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે. તેં પોતે એનું સર્જન કર્યું છે.” 4 હું તારા જડબામાં આંકડી પરોવીશ અને તારી નાઇલની માછલીઓ તારાં ભિંગડાને ચોંટી રહે એમ કરીશ. અને એ બધી માછલીઓ સાથે હું તને નદીમાંથી બહાર ખેંચી કાઢીશ. 5 હું તને અને તારી નાઇલની બધી માછલીઓને રણમાં ફગાવી દઇશ.તું ખુલ્લી જમીન ઉપર પડ્યો રહીશ. કોઇ તને દફનાવશે નહિ.હું તને પશુપંખીઓનો આહાર બનાવીશ. 6 ત્યારે મિસરના બધા લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”તેં ઇસ્રાએલીઓને આપેલો ટેકો બરુની લાકડીના ટેકા સમાન હતો. 7 જ્યારે જ્યારે તેમણે એ લાકડી પકડી ત્યારે ત્યારે તે તેમના હાથમાં ભાંગી ગઇ, અને તેમના ખભાને તેણે ચીરી નાખ્યા. ને તેમણે જ્યારે એનો ટેકો લીધો ત્યારે તે તૂટી ગઇ અને તેમનાં અંગો ધ્રૂજતા રહ્યાં.”‘ 8 તેથી યહોવા આ પ્રમાણે કહે છે: “હે મિસર, હું તારી વિરુદ્ધ સૈન્યને મોકલીશ અને તારા લોકોની અને ઢોરઢાંખરની હત્યા કરાવીશ. 9 મિસર વેરાન અને ઉજ્જડ થઇ જશે; અને ત્યારે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.”દેવ કહે છે, “કારણ કે તેં કીધુ હતું કે નાઇલ નદી તારી છે અને તેં જ તેને બનાવી છે,’ 10 તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું, હું સમગ્ર મિસરને ઉત્તરમાં મિગ્દોલથી માંડીને ઠેઠ કૂશની સરહદ પાસે આવેલા આસ્વાન સુધી વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ. 11 ચાળીસ વર્ષ સુધી આ દેશમાં માણસ કે પશુ કોઇ ફરશે નહિ. તેમાં કોઇ વસવાટ કરશે નહિ. 12 હું મિસરને ઉજ્જડ બનાવીશ તથા તેની આજુબાજુના દેશોને પણ ઉજ્જડ બનાવીશ. તેના નગરો ચાલીસ વર્ષ સુધી ખંડિયેર જેવા રહેશે, હું મિસરવાસીઓને બીજા દેશોમાં અને પ્રજાઓમાં વિખેરી નાખીશ.” 13 આ યહોવા મારા માલિકના વચન છે: “ચાળીસ વર્ષને અંતે મિસરીઓ જે પ્રજાઓમાં વેરવિખેર થઇ ગયેલા હશે તેઓમાંથી તેમને પાછા ભેગા કરીશ. 14 હું મિસરની જાહોજલાલી પુન:સ્થાપિત કરીશ અને હું તેઓને મિસરની દક્ષિણના પાથોર્સમાં જ્યાં તેઓનો જન્મ થયો હતો ત્યાં પાછા લાવીશ. પણ તેઓ મહત્વના નહિ તેવા નાના રાજ્ય તરીકે રહેશે. 15 બધા રાજ્યોમાં તે નાનામાં નાનું રાજ્ય હશે. અને તે કદી બીજી પ્રજાઓ પર સત્તા નહિ ચલાવી શકે, હું તેમને એવા તો પામર બનાવી દઇશ કે તેઓ બીજી પ્રજાઓને તાબે નહિ કરી શકે. 16 ઇસ્રાએલ હવે કદી મિસરની સહાય પર આધાર રાખશે નહિ, કારણ કે જેટલી વાર તે મિસરની મદદ મેળવવાનો પ્રયાસ કરશે તેટલી વાર તેને યાદ આવશે કે તેની મદદ મેળવવા માટે ઇસ્રાએલે પાપ કર્યું હતું. ત્યારે ઇસ્રાએલ જાણશે કે હું એકલો જ, યહોવા મારા માલિક છું.” 17 સત્તાવીસમાં વર્ષના પહેલા મહિનાના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તૂર ઉપર હુમલો કર્યો, તેના સૈનિકોએ એટલી સખત મહેનત કરી કે તેમના વાળ ખરી પડ્યા અને તેમના ખભા છોલાઇ ગયા તેમ છતાં તેને કે તેના સૈન્યને પોતાની મહેનતનું કશું વળતર ન મળ્યું.” 19 તેથી યહોવા મારા માલિક કહે છે કે, “હું મિસરની ભૂમિ બાબિલના રાજા નબૂખાદરેસ્સારને આપીશ અને તે એની સર્વ સંપત્તિ તેના શ્રમના બદલા તરીકે લઇ જશે. 20 તૂર સામે એણે કરેલી મહેનતના બદલામાં હું તેને મિસરની ભૂમિ આપી દઉં છું, કારણ, તેની સેના મારે માટે કામ કરતી હતી.” આ યહોવા મારા માલિક બોલ્યા છે. 21 “અને એવો દિવસ આવશે કે હું જ્યારે ઇસ્રાએલને તેનું અગાઉનું બળ ફરીથી આપીશ. જેથી એ લોકોની આગળ તું બોલી શકે, અને ત્યારે લોકો તારા શબ્દો પ્રત્યે આદર રાખશે અને મિસર જાણશે કે હું યહોવા છું.”

30:1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે:“‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો! કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!” 3 તે દિવસ, એટલે યહોવાનો દિવસ આવી પહોંચ્યો છે; વાદળોથી ઘેરાયેલો દિવસ, પ્રજાઓને માથે આફત ઉતારવાનો દિવસ! 4 “એ દિવસે મિસરમાં અનેકોનો સંહાર થશે, તેની સંપત્તિ લૂંટાઇ જશે અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે, 5 “‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.”‘ 6 યહોવા મારા માલિકના આ વચન છે: “‘મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે.” એમ યહોવા મારા માલિક જાહેર કરે છે. 7 તે તથા તેની સાથેના આસપાસના દેશો ઉજ્જડ થશે અને તેના નગરો તથા તેની આજુબાજુના નગરો ખંડિયેર થઇ જશે. 8 હું મિસરને આગ ચાંપીશ અને તેના બધા ટેકેદારોનો નાશ કરી નાખીશ, ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું. 9 “‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે! 10 યહોવા મારા માલિકના આ વચન છે: “હું બાબિલના રાજા નબૂખાદરેસ્સારને હાથે મિસરની પ્રજાનો અંત આણીશ. 11 તે અને તેની ઘાતકી સેના આવીને દેશને ખેદાન-મેદાન કરી નાખશે. તેઓ મિસર સામે તરવાર ચલાવશે અને આખો દેશ મૂડદાંથી છવાઇ જશે. 12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને મિસરને બદમાશોને સોંપી દઇશ. હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ. આ હું યહોવા બોલ્યો છું.” 13 યહોવા મારા માલિકના આ વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અનેપૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે. 14 હું પાથોર્સને વેરાન બનાવી દઇશ અને સોઆનને આગ ચાંપીશ અને નોનોને સજા કરીશ. 15 હું મિસરના સૌથી મજબૂત કિલ્લાઓ પર મારો રોષ ઠાલવીશ અને નોફની જાહોજલાલી અને પાપનો નાશ કરીશ. 16 હું મિસરને આગ ચાંપીશ અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે. નોફની દિવાલમાંં ગાબડાં પડશે અને, મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે. 17 આવેનના તથા પી-બેસેથના યુવાનો તરવારથી માર્યા જશે અને બાકીના લોકોને ગુલામ તરીકે લઇ જવામાં આવશે. 18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે અને આખા મિસર પર વાદળ ઘેરાશે, અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે. 19 હું જ્યારે મિસરનું આવું કરીશ ત્યારે તે લોકોને ખબર પડશે કે હું યહોવા છું.” 20 યહોયાકીન રાજાને બંદીવાન થયાના અગિયારમાં વર્ષના પહેલા મહિનાના સાતમા દિવસે મને યહોવા તરફથી આ સંદેશો મળ્યો: 21 “હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.” 22 તેથી યહોવા મારા માલિક, કહે છે, કે “હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું. હું એનો સાજો અને પહેલાં મેં ભાંગેલો એમ બંને હાથ ભાંગી નાખનાર છું. અને તેના હાથમાંથી તરવાર પડી જશે. 23 હું મિસરીઓને બીજી પ્રજાઓમાં અને વિદેશીઓમાં વેરવિખેર કરી નાખીશ. 24 ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે. 25 “હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું. 26 હું મિસરવાસીઓને બીજી પ્રજાઓમાં અને અન્ય દેશોમાં વિખેરી નાખીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

31:1 યહોયાકીન રાજાને બંદીવાન થયાને અગિયારમે વષેર્ ત્રીજા માસની મધ્યમાં યહોવાનો સંદેશો મારી પાસે આવ્યો: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુનને તથા તેના સર્વ લોકોને તું કહે: “‘તારા જેવો મહાન અને વૈભવી બીજો કોણ છે? 3 તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે. તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે તું વાદળાને અડકે છે. 4 વરસાદના પાણીથી તેને પોષણ મળ્યું છે. પાતાળપાણી પીને એ ઊંચું વધ્યું છે. તેના રોપાઓની આસપાસ નદીઓ વહેતી હતી; અને તેના વહેણાંથી વનમાંના સર્વ વૃક્ષોને પાણી મળતું હતું. 5 પુષ્કળ પાણીને લીધે જંગલના બીજા સર્વ વૃક્ષો કરતાં તે ઊંચું થયું અને તેની ડાળીઓ ભરાવદાર અને પુષ્કળ થઇ. 6 દરેક જાતના પંખીઓએ તેમાં માળા બાંધ્યા, એની છાયામાં બધાં જંગલી પશુઓએ બચ્ચાંને જન્મ આપ્યાં અને અસંખ્ય પ્રજાઓએ એની છાયામાં વિશ્રામ કર્યો. 7 એ વૃક્ષ સુંદર અને મજબૂત હતું. અને તેની ડાળીઓ વિસ્તરેલી હતી, કારણ કે તેનાં મૂળ પાણી સુધી ઊંડા પહોંચેલા હતા. 8 દેવના ઉદ્યાનનું કોઇ પણ દેવદાર વૃક્ષ તેની બરાબરી કરી શકતું નહોતું, કોઇ પણ સરુના કે ચિનારના વૃક્ષને એના જેવી શાખા નહોતી, મેદાનના કોઇ પણ વૃક્ષોને તેની સુંદરતા સાથે સરખાવી ન શકાય. દેવના ઉદ્યાનનું કોઇ પણ વૃક્ષ તેની બરોબરી ન કરી શકે. 9 મેં યહોવાએ, તેને ઘટાદાર અને વિશાળ ડાળીઓ આપીને જે શોભા આપી હતી તેથી એદેનવાડીના બીજાં વૃક્ષો તેની ઇર્ષા કરતા.”‘ 10 તેથી હવે હું, યહોવા મારા માલિક, આ પ્રમાણે કહું છું: “એ વૃક્ષ વધતું વધતું વાદળને અડે એટલું ઊંચું થયું, પણ એ જેમ જેમ ઊંચું થતું ગયું તેમ તેમ એનો ગર્વ વધતો ગયો. 11 તેથી મેં તેને પ્રજાઓમાં જે પરાક્રમી રાજા છે તેના હાથમાં સોંપી દીધું છે. તે તેની દુષ્ટતાની તેને યોગ્ય શિક્ષા કરશે. મેં પોતે તેને ફેંકી દીધું છે. 12 પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે. 13 પક્ષીઓ તેના તૂટી ગયેલા થડ પર બેસશે અને વન્ય પશુઓ તેની ડાળીઓ પર સૂઇ જશે. 14 “તેથી કરીને હવે પછી કોઇ પણ વૃક્ષ, તેને ભરપુર પાણી મળ્યું હશે તોયે, એટલું ઊંચું નહિ વધે કે વાદળને અડી શકે. બધાં જ વૃક્ષો ર્મત્ય માનવીની જેમ મરવાને સજાર્યા છે. અને જેઓ ઊંડી ખીણમાં નીચે જાય છે અને જેઓ બીજી દુનિયામાં વસે છે તેમને જઇ મળશે.” 15 યહોવા મારા માલિક કહે છે: “જ્યારે તેનું પતન થયું, અને જ્યારે તે નીચે મૃત્યુની જગ્યાએ (શેઓલ) ઊતરી ગયું ત્યારે મેં સમુદ્રો પાસે તેને માટે શોક પળાવ્યો અને તેઓના પ્રવાહોને રોક્યા. તેથી લબાનોનના સર્વ વૃક્ષો મૂચ્છિર્ત થઇ ગયા. 16 તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં. 17 તેની છાયામાં વસતી બધી પ્રજાઓ પણ, પહેલા જેઓ કપાઇ ગયા હતા તેમની વચ્ચે શેઓલમાં પહોંચી જશે. 18 “એ વૃક્ષ એટલે મિસરનો રાજા અને તેની વિશાળ સેના. એદનમાંના વૃક્ષો પણ એટલાં ઊંચા કે ભવ્ય નહોતાં. પણ અત્યારે હવે એદનમાંના વૃક્ષોની જેમ એ કબરમાં પહોંચી જશે. અને યુદ્ધમાં ખપી ગયેલા દુષ્ટો સાથે પોઢી જશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

32:1 યહોયાકીન રાજાને બંદીવાન થવાને બારમે વરસે બારમા મહનિના પહેલા દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, મિસરના રાજા ફારુન માટે વિલાપ ગીત ગા અને તેને કહે કે:“‘તું પોતાને પ્રજાઓનો સિંહ માને છે, પણ તું છે પાણીમાંના મગર જેવો. તું નદીનું પાણી ચારેબાજુ ઉડાડે છે, તારા પગથી પાણી અશુદ્ધ કરી નાખે છે અને નદીના પાણી દૂષિત કરે છે.”‘ 3 યહોવા મારા માલિક કહે છે: “તને મારી જાળમાં પકડી લેવા માટે હું ઘણી પ્રજાઓનું સૈન્ય મોકલીશ, તેઓ તને ખેંચી લાવશે, 4 હું તને ખુલ્લી જમીન પર પછાડીશ અને ભલે પશુપંખીઓ તારી પર આવે, બધાં પ્રાણીઓને તેઓ ધરાઇ જાય ત્યાં સુધી તારું માંસ ખાવા દઇશ. 5 હું ટેકરીઓને તારા માંસના ટુકડાઓથી ઢાંકી દઇશ અને ખીણોને તારા હાડકાથી ભરી દઇશ. 6 તારા લોહીથી હું ધરતીને તર કરી દઇશ. તારા લોહીથી પર્વતો છંટાઇ જશે અને નદીનાળા ઊભરાઇ જશે. 7 જ્યારે હું તને હોલવી દઇશ ત્યારે હું આકાશને ઢાંકી દઇશ, અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઇશ અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ. 8 હું આકાશના બધા નક્ષત્રોને અંધકારમાં ડુબાડી દઇશ અને તારા આખા દેશમાં અંધકાર ફેલાવી દઇશ.” આ યહોવા મારા માલિકના વચન છે. 9 “અને હું ઘણા દેશોને ક્રોધિત કરીશ; જ્યારે હું તારા ટુકડાઓને એવા ભૂમિ પ્રદેશોમાં નાંખી દઇશ, જેના વિષે તું હજી જાણતો નથી. 10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.” 11 કારણ કે યહોવા મારા માલિક કહે છે; “બાબિલના રાજાની તરવાર તારો પીછો પકડશે. 12 હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે. 13 તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે. 14 હું તારા બધાં જળાશયોને ઠરીને સ્વચ્છ થવા દઇશ અને તારી નદીઓને જૈતૂનના તેલની જેમ શાંતપણે વહેતી કરીશ.” યહોવા મારા માલિકે આ કહ્યું. 15 “જ્યારે હું મિસરને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ અને ત્યાંની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.” 16 “મિસરના દુ:ખોને લીધે તેઓ વિલાપ ગીતો ગાશે. મિસર અને તેની પ્રજા માટે રાષ્ટોની દીકરીઓ મરશિયા ગાશે.” આ યહોવા મારા માલિકના વચન છે. 17 ત્યાર બાદ બારમા વર્ષમાં મહિનાના પંદરમાં દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 18 “હે મનુષ્યના પુત્ર, મિસરની સમગ્ર સેના માટે શોક કર. શેઓલમાં નીચે ઉતરતાં બીજા મજબૂત લોકોની સાથે તું તેઓને નરકમાં મોકલી આપ. 19 તેને કહે, “હે મિસર, તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઉતરી જા, અને બેસુન્નતોની કબરમાં જઇને પોઢી જા.” 20 “મિસરને તરવારને સુપ્રત કરવામાં આવશે. તે અને તેની સમગ્ર સેના યુદ્ધમાં મરી ગયેલાઓ વચ્ચે પહોંચી જશે. 21 “જ્યારે તે પોતાના સર્વ મિત્રો સાથે કબરમાં જશે ત્યારે પરાક્રમી યોદ્ધાઓ ત્યાં તેઓનું સ્વાગત કરશે. જે પ્રજાઓનો તેણે ધિક્કાર કર્યો હતો તેઓની સાથે તે રહેશે. એ બધા તરવારથી માર્યા ગયેલાઓ છે. 22 “આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા. 23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેઓના સૈન્યની કબરો ત્યાં ચારે તરફ છે. લોકોને ત્રાસ પમાડનાર પોતે જ શત્રુઓના હાથે મૃત્યુ પામ્યા છે. 24 “એલામના મહાન રાજાઓ પણ ત્યાં પોતાના લોકોની સાથે મૃત્યુ પામેલા છે. તેઓ જીવતા હતા ત્યારે પ્રજાઓ માટે ત્રાસદાયક હતા. પરંતુ હવે તેઓ નરકમાં સબડે છે કબરમાં ઊતરી જનાર સામાન્ય માણસોની જેમ તેઓ લજ્જિત થયા છે. 25 એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે. 26 “મેશેખ અને તુબાલના રાજાઓ પણ ત્યાં છે અને તેઓની આસપાસ તેઓનાં સૈન્યોની કબરો છે. તેઓ બધા દુષ્ટો છે. એ વખતે બધા લોકોને તેઓ કંપાવતા હતા, પણ હવે તેઓ મરેલા પડ્યા છે. 27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા. 28 “પરંતુ, તને પણ બેસુન્નતોની સાથે મૃત્યુલોકમાં નીચે લઇ જવાશે અને તારી કબર જેઓ યુદ્ધમાં માર્યા ગયા છે તેમની સાથે હશે.” 29 “પોતાના રાજાઓ અને સેનાપતિઓ સહિત ત્યાં અદોમ પણ છે. એ બધા બળવાન યોદ્ધાઓ હતા. પરંતુ અત્યારે એ દુષ્ટો યુદ્ધમાં માર્યા ગયેલાઓ ભેગા પોઢયા છે.” 30 “ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે. 31 “મિસરનો રાજા ફારુન એમને બધાને જોઇને યુદ્ધમાં માર્યા ગયેલા પોતાના સંખ્યાબંધ માણસોનાં મૃત્યુનો શોક ભૂલી જશે અને આશ્વાસન પામશે. એમ યહોવા મારા માલિક કહે છે. 32 “પ્રજાઓમાં ત્રાસ ફેલાવવા માટે મેં તેનો ઉપયોગ કર્યો હતો, છતાં તરવારથી હત્યા થયેલા સર્વ વિશ્વાસઘાતીઓ સાથે ફારુન અને તેના સૈન્યને પણ તરવારથી હણી કાઢવામાં આવશે.” એમ યહોવા મારા માલિક કહે છે.

33:1 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્ય પુત્ર, તું તારા દેશબંધુઓને જઇને આ જણાવ; ‘જ્યારે હું, યહોવા, કોઇ દેશ સામે લશ્કર મોકલું છું, ત્યારે ત્યાંના લોકો પોતામાંના એકજણને પસંદ કરીને સંત્રી તરીકે નીમે છે. 3 જ્યારે તે લશ્કરને દેશ પર ચઢી આવતું જુએ છે ત્યારે તે લોકોને ચેતવવા રણશિંગુ ફૂંકે છે. 4 રણશિંગાનો અવાજ સાંભળવાં છતાં જો કોઇ ચેતે નહિ અને લશ્કર આવીને તેને મારી નાખે તો તેની જવાબદારી તેની પોતાની છે. 5 કારણ કે તેણે રણશિંગાનો અવાજ સાંભળ્યો પણ તે ચેત્યો નહિ; જો ચેત્યો હોત તો બચી ગયો હોત.”‘ 6 “‘પણ લશ્કરને આવતું જોઇને જો સંત્રી રણશિંગુ ન ફૂંકે અને લોકોને ન ચેતવે અને લશ્કર આવીને કોઇને મારી નાખે, તો તે પોતાને પાપે મર્યો હોવા છતાં હું એને માટે સંત્રીને જવાબદાર ઠેરવીશ.’ 7 “હે મનુષ્યના પુત્ર, મેં તને ઇસ્રાએલીઓનો સંત્રી નીમ્યો છે, જ્યારે જ્યારે તું મારી વાણી સાંભળે, ત્યારે ત્યારે મારા તરફથી તું તેમને ચેતવણી આપજે. 8 જો હું કોઇ દુષ્ટ વ્યકિતને તેની દુષ્ટતા ખાતર મોતની સજા કરું અને તું તે માણસને ખોટો રસ્તો છોડી દેવાની ચેતવણી ન આપે, તો તે મરશે તો તેના પોતાના પાપે, પણ એના મોત માટે હું તને જ જવાબદાર લેખીશ. 9 પરંતુ જો તે ખોટો રસ્તો છોડી દેવાની તેને ચેતવણી આપી હોય છતાં તેણે તે નહિ છોડ્યો હોય; તો તે પોતાના પાપે મરશે પણ તું બચી જશે. 10 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલી લોકોને કહે કે તમે આ પ્રમાણે કહો છો: ‘અમારાં પાપોનો બોજ અમારા માથા પર વધી ગયો છે. અપરાધોને લીધે અમે ક્ષીણ થતા જઇએ છીએ, અમે શી રીતે જીવીશું?’ 11 “તું એમને કહે કે, ‘હું યહોવા, મારા જીવના સમ ખાઇને કહું છું કે, દુષ્ટ માણસ મરી જાય એમાં મને આનંદ નથી આવતો. હું ઇચ્છું છું કે દુષ્ટ માણસ પોતાના ભૂંડા માગોર્થી પાછો ફરે અને જીવતો રહે, પાછા ફરો તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો, હે ઇસ્રાએલી લોકો, તમે શા માટે મૃત્યુ પસંદ કરો છો?’ 12 “હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’ 13 “હું કોઇ પુણ્યશાળી માણસને કહું કે, તું જીવશે, અને તે મારું પુણ્ય મને બચાવશે એમ માનીને પાપ કરે, તો તેનું કોઇ પુણ્ય સંભારવામાં નહિ આવે, પણ તેણે પાપ કર્યું એટલે તે મરવાનો જ. 14 “હું દુષ્ટ માણસને કહું કે તું મૃત્યુ પામશે, પણ જો તે પોતાના પાપોથી પાછો ફરે અને જે યોગ્ય તથા ભલું છે તે કરે. 15 જો એ ગીરો રાખેલી વસ્તુ પાછી આપે, ચોરેલી વસ્તુ પાછી સોંપી દે અને કશું ખોટું ન કરતાં સાચા જીવનના નિયમો પાળે તો તે જરૂર જીવશે, મરશે નહિ, 16 એણે કરેલું કોઇ પણ પાપ સંભારવામાં નહિ આવે; કારણ કે તેણે નીતિમત્તા અને ન્યાયનો માર્ગ અનુસર્યો છે એટલે એ ચોક્કસ જીવશે. 17 “તેમ છતાં તારા દેશબંધુઓ કહે છે કે, ‘યહોવાનો વ્યવહાર ન્યાયી નથી.’“પણ હકીકત એ છે કે તેઓનો પોતાનો વ્યવહાર ન્યાયી નથી. 18 હું ફરીથી કહું છું કે જો ન્યાયી માણસ પોતાના ન્યાયી કૃત્યો મૂકી દઇને ભૂંડાઇઓ તરફ વળશે તો તે મૃત્યુ પામશે. 19 પણ જો કોઇ પાપી માણસ પાપનો રસ્તો છોડીને નીતિમત્તા અને ન્યાયના માગેર્ ચાલે ત્યારે તેણે કરેલા સત્કમોર્ને કારણે તે જીવશે. 20 છતાં તમે ઇસ્રાએલી લોકો કહો છો એ યહોવાનો વ્યવહાર ન્યાયી નથી, પરંતુ હું તમારામાંના દરેકનો ન્યાય તમારાં કામ પ્રમાણે કરીશ.” 21 અમારા દેશવટાના બારમાં વરસમાં દશમાં મહિનાના પાચમા દિવસે યરૂશાલેમથી નાસી છૂટેલો એક માણસ મારી પાસે આવ્યો અને મને કહ્યું, “નગરનું પતન થયું છે.” 22 તે આવ્યો તે પહેલાની સાંજે મને યહોવાની શકિતનો અનુભવ થયો હતો અને સવારમાં તે મારી પાસે આવ્યો તે પહેલાં યહોવાએ મારું મોં ખોલી નાખ્યું હતું. મને વાચા પ્રાપ્ત થઇ ચૂકી હતી અને પછી હું મૂંગો નહોતો. 23 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું: 24 “હે મનુષ્યના પુત્ર, યહૂદાના બચી ગયેલા લોકો ખંડિયેર થયેલા નગરોમાં રહે છે. તેઓ એમ કહે છે, ‘ઇબ્રાહિમ એક જ માણસ હતો છતાં તેણે સમગ્ર દેશનો કબ્જો મેળવ્યો! અમે તો ઘણા છીએ, એટલે એ દેશ અમારો જ છે.’ 25 “માટે તું તેઓને કહે, યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: ‘તમે લોહીવાળું માંસ ખાઓ છો, મૂર્તિપૂજા કરો છો અને ખૂન કરો છો. છતાં શું તમે એમ માનો છો કે હું તમને દેશ પાછો આપીશ? 26 તમે તરવાર પર આધાર રાખો છો, ધૃણાસ્પદ રિવાજો પાળો છો, એકબીજાની સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરો છો, છતાં તમે દેશનો કબજો તમારી પાસે રહે એમ ઇચ્છો છો!’ 27 “‘તેઓને કહે; “યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, જેઓ ખંડિયેર નગરોમાં રહે છે, તેઓ સર્વ તરવારથી ચોક્કસ માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓ જંગલી પ્રાણીઓનું ભોજન બનશે, જેઓ ગઢોમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ રોગથી મૃત્યુ પામશે. 28 હું આ દેશને ઉજ્જડ કરીશ અને તેના અભિમાની સાર્મથ્યનો અંત આવશે. પર્વત પર વસાવેલા ઇસ્રાએલના નગરોને હું ઉજ્જડ કરીશ, જેથી કોઇ ત્યાંથી પસાર થશે નહિ. 29 તેમણે આચરેલા ધૃણાસ્પદ આચારોને કારણે હું દેશને વેરાન અને ઉજ્જડ બનાવી દઇશ ત્યારે તે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.” 30 “‘હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓ કોટની રાંગે અને ઘરના બારણા પાછળ તારે વિષે વાતો કરે છે; “ચાલો, યહોવાનો શો સંદેશો છે તે સાંભળીએ તો ખરા!” 31 એટલે મારા લોકો ગંભીર હોવાનો ઢોંગ કરીને તારી આગળ બેસીને તારું સાંભળે છે. પણ હું તેઓને કહું છું, તેનું પાલન કરવાની ઇચ્છા તેમની નથી. યહોવાને પ્રેમ કરવા વિષે તેઓ મધુર વાતો કરે છે પણ હૃદયોમાં તેઓને દ્રવ્ય પર વધુ સ્નેહ છે. 32 “‘તેઓ તારી સામે એવી રીતે જુએ છે, જાણે તું કોઇ સુંદર અવાજવાળો ગાયક હોય અથવા જાણે તું કોઇ કુશળ રીતે વાજિંત્ર વગાડનારો હોય. તારા સંદેશાઓ તેમના માટે મનોરંજન જેવા હોય છે. કારણ કે તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ તેઓ કરતા નથી, ને તેના તરફ ધ્યાન પણ આપતા નથી! 33 પરંતુ જ્યારે તમારાં વચનો સાચા પડશે અને ચોક્કસ તેમ થશે જ, ત્યારે તેઓ જાણશે કે તેઓની વચ્ચે એક પ્રબોધક આવ્યો હતો.”‘

34:1 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો. 3 તમે દૂધ પી જાઓ છો, ઊનના કપડાં પહેરો છો અને તાજામાજાં ઘેટાંંને મારીને ખાઓ છો, પણ તમે ઘેટાંને ખવડાવતા નથી. 4 તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે. 5 “‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે. 6 મારા ઘેટાં ડુંગરે ડુંગરે અને પર્વતે પર્વતે રખડતાં ફરે છે. ઘેટાંબકરાંના ટોળાં આખા દેશમાં વેરવિખેર થઇ ગયા છે. કોઇને તેમની પડી નથી કે કોઇ તેમને શોધવા જતું નથી.”‘ 7 માટે હે પાળકો, યહોવાનું વચન સાંભળો: 8 “મારાં ઘેટાં જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે, તેમનો કોળિયો બન્યા છે, કારણ, તેમનો કોઇ પાળક નથી. મારા પાળકોને ઘેટાંની કશી પડી નથી. ઘેટાંને ખવડાવવાને બદલે તેઓ પોતાનું પેટ ભરવાની જ કાળજી રાખે છે.” 9 તેથી ઓ પાળકો, તમે યહોવાનું વચન સાંભળો, હું યહોવા જીવના સમ ખાઇને કહું છું કે, 10 “હું તમારી વિરુદ્ધ છું, હું મારા ઘેટાં માટે તમને જવાબદાર ઠરાવીશ. પાળક તરીકે હું તમને દૂર કરીશ. જેથી પાળકો પોતાનું પોષણ કરી શકે નહિ, હું મારા ઘેટાંઓને તમારા મુખમાંથી છોડાવી લઇશ અને મારા ઘેટાં તમારો ખોરાક બનશે નહિ.” 11 યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ. 12 પોતાનાં ઘેટાં આજુબાજુ વેરવિખેર થઇ ગયા હોય ત્યારે ભરવાડ જેમ તેમને શોધવા જાય છે તેમ હું મારા ઘેટાંને શોધવા જઇશ અને તેમને સુરક્ષિત પાછા લાવીશ. જ્યારે તેઓ ગભરાઇ ગયા હોય અને અંધારા વાદળીયા દિવસે ખોવાઇ ગયા હોય. 13 જ્યાં તેઓ વિખેરાઇ ગયા છે તે દેશમાંથી અને પ્રજાઓમાંથી હું તેઓને પાછા લાવીશ અને તેઓને પોતાના દેશ ઇસ્રાએલમાં ઘરે પાછા લાવીશ. ઇસ્રાએલના પર્વતો પર નદીના કાંઠે તથા ફળદ્રુપ જગ્યાઓમાં હું તેઓનું પોષણ કરીશ. 14 હું તેઓને ચારાની સારી જગ્યાઓમાં લઇ જઇશ. ઇસ્રાએલના પર્વતોની ઊંચાઇઓ તેઓ માટે ચરવાની જગ્યા થશે. ત્યાં લીલા બીડમાં શાંતિથી તેઓ સૂઇ જશે. હું તેઓને ઇસ્રાએલના પર્વતોના રસાળ બીડોમાં લાવીશ. 15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું. 16 “ખોવાયેલાની હું શોધ કરીશ, આડે રસ્તે ચઢી ગયેલાને હું રસ્તે લાવીશ, ઘવાયેલાને હું પાટાપિંડી કરીશ, પાતળાંને બળ આપીશ; પણ તંદુરસ્ત અને મજબૂત હશે તેમનો હું નાશ કરીશ, અને સારી રીતે તેઓને ચરાવીશ.” 17 “અને તમને મારા ટોળાને વિષે હું યહોવા માલિક એમ કહું છું કે, “હું ઘેટાં ઘેટાં, વચ્ચે ન્યાય કરીશ. 18 હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો? 19 મારા બાકીના ટોળાએ તમારું કચડેલું ખાવું પડે છે અને તમારું ડહોળેલું પાણી પીવું પડે છે!” 20 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું આ જાડા અને પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ. 21 તમે જોડાથી અને ખભેથી હડસેલા મારીને મારા માંદા અને ભૂખ્યાને ઘણે દૂર સુધી વિખેરી નાખ્યા છે. 22 તેથી હું પોતે મારા ટોળાને બચાવીશ. પછી કોઇ તેઓને સતાવી શકશે નહિ કે તેઓનો નાશ કરશે નહિ. તેઓ તંદુરસ્ત છે કે પાતળા છે તે હું જોઇશ અને પછી તેઓનો ન્યાય કરીશ. 23 ત્યાર બાદ હું યહોવા, એમની સંભાળ લેવા માટે મારા સેવક દાઉદ જેવો એક ભરવાડ નીમીશ. તે તેમને ચારશે અને તેમનો ભરવાડ બનશે. 24 હું, યહોવા, તેમનો દેવ થઇશ અને મારો સેવક દાઉદ મારા લોકોમાં રાજકર્તા સમાન થશે. હું યહોવા એમ બોલ્યો છું. 25 “હું તેઓની સાથે શાંતિનો કરાર કરીશ અને દેશમાંથી જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે બધા ખુલ્લા ગૌચરમાં શાંતિને સુરક્ષામાં વાસો કરશે અને જંગલમાં સૂશે. 26 મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે. 27 તેઓના ફળના વૃક્ષો ફળ આપશે અને ખેતરોમાં મબલખ પાક થશે. સર્વ લોકો સુરક્ષિત રહેશે. જ્યારે હું તેઓની ગુલામીની સાંકળો તોડી નાખીશ અને તેઓના ભોગે લાભ મેળવનારાઓથી હું તેઓને છોડાવીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. 28 “હવે પછી ફરી કદી ન તો વિદેશી પ્રજાઓ તેમને સતાવશે કે ન તો જંગલી પ્રાણીઓ તેમને ખાઇ જશે. તેઓ શાંત ચિત્તે કોઇનાપણ ભય વગર રહેશે. 29 હું તેમની ભૂમિને એવી ફળદ્રુપ બનાવીશ કે તેની કીતિર્ ચોમેર થશે. ફરી કદી દુકાળ પડશે નહિ. કે કોઇ વિદેશી પ્રજા તેમને ટોણા મારી લજ્જિત કરશે નહિ. 30 તેમને ખાતરી થશે કે, હું, યહોવા તેમનો દેવ તેમની જોડે છું અને તેઓ મારી ઇસ્રાએલી પ્રજા છે.” આ હું યહોવા દેવ બોલું છું. 31 “તમે મારા ઘેટાં છો, જેમનો હું ચારનાર ભરવાડ છું; હું તમારો દેવ છું.” આ યહોવા મારા માલિકના વચન છે.

35:1 ફરીથી આ પ્રમાણે મને યહોવાની વાણી સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, સેઇરના પર્વતીય પ્રદેશ તરફ તારું મુખ રાખ અને લોકોની વિરુદ્ધ પ્રબોધ કરીને તેમને ચેતવણી આપ કે, 3 ‘આ યહોવા મારા માલિકના વચન છે:“‘હે સેઇરના પર્વતીય પ્રદેશ હું તારી સામે પડ્યો છું, હું મારો હાથ તારી વિરુદ્ધ ઉગામીશ અને તને સંપૂર્ણ તારાજ અને વેરાન કરી દઇશ. 4 તારા નગરોને ખંડિયેર બનાવી દઇશ અને તું તદૃન વેરાન થઇ જઇશ; ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું. 5 ઇસ્રાએલ સાથે તમે સતત દુશ્મનાવટ રાખી છે. અને વિનાશના સમયે, તેમની છેલ્લી સજાને સમયે તમે ઇસ્ત્રાએલીઓને તરવારથી હણવા માટે સુપ્રત કરી દીધાં.”‘ 6 તેથી યહોવા મારા માલિક કહે છે: “હું ખાતરીપૂર્વક કહું છું કે તારામાં રકતપાત થશે અને તું બચશે નહિ, તું હત્યાકાંડમાં બહુ આનંદ માણે છે તેથી લોહી તારી પર આવશે અને તને હંફાવી દેશે, હવે તારો વારો આવ્યો છે. 7 હું સેઇરના પર્વતીય પ્રદેશને વેરાન બનાવી દઇશ અને લોકોને હું ત્યાથી પસાર થતાં પણ અટકાવીશ. 8 હું તારા ડુંગરો, ખીણો અને નદીનાળાં યુદ્ધમાં માર્યા ગયેલાઓના શબોથી ભરી દઇશ. 9 હું તને સદાને માટે વેરાન બનાવી દઇશ અને તારા નગરોમાં ફરી વસ્તી થશે નહિ, બાંધકામ થશે નહિ ત્યારે તને જાણ થશે કે હું યહોવા છું.” 10 તમે કહ્યું છે, “ઇસ્રાએલ અને યહૂદા બંને મારા છે, અમે તેનો કબજો મેળવીશું.”પણ હું યહોવા ત્યાં તેઓની સાથે છું. 11 સર્વસત્તાધિશ યહોવા મારા માલિક કહે છે કે, “હું ખાતરીપૂર્વક કહું છું કે, તમે તમારા ક્રોધાવેશમાં જે કર્યું છે તેનો હું બદલો લઇશ. તમે ઇર્ષા અને અદેખાઇમાં જે કર્યું છે તેના માટે હું તમને સજા કરીશ અને હું તમને જે કઇં કરીશ તે દ્વારા ઇસ્રાએલમાં મારું નામ મોટું મનાવીશ. 12 અને ત્યારે તમને જાણ થશે કે મેં તમારા અપમાનજનક શબ્દો સાંભળ્યાં હતાં કે, ‘ઇસ્રાએલના પર્વતો વેરાન છે અને તેમના પર વિજય મેળવવાની આ આપણા માટે તક છે.’ 13 તમે બડાશ હાંકી છે કે તમે મારા કરતા મહાન છો, તમે મારી વિરુદ્ધ કઠોર શબ્દો બોલ્યા છો પરંતુ મેં તમને સાંભળ્યાં છે.” 14 યહોવા મારા માલિકના આ વચન છે: “જ્યારે ઇસ્ત્રાએલનો વિનાશ થયો ત્યારે તું ખૂબ ખુશ હતો તેને કારણે હું તારી સાથે પણ એવું જ કરીશ. 15 જેમ તેં ઇસ્રાએલને ઉજ્જડ થતું જોઇને આનંદ માણ્યો હતો, તેમ હવે હું તને પણ ઉજ્જડ બનાવીશ! સેઇરના પર્વતીય પ્રદેશ અને અદોમનો સમગ્ર દેશ વેરાન થઇ જશે. અને હું સર્વ લોકોનો નાશ કરીશ! ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

36:1 યહોવાએ કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પર્વતોને મારા વચન સંભળાવ, તેમને કહે; હે ઇસ્રાએલના પર્વતો યહોવાની વાણી સાંભળો, 2 આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનોઅમારા તાબામાં આવ્યા છે!’ 3 “એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.”‘ 4 માટે, હે ઇસ્રાએલના પર્વતો, મારાં વચનો સાંભળો, યહોવા મારા માલિકે, પર્વતોને અને કોતરોને અને ખીણોને, તથા આસપાસની બીજી પ્રજાઓની લૂંટ અને હાંસીનો ભોગ બનેલા વેરાન ખંડિયેરોને અને ઉજ્જડ શહેરોને જે કહ્યું છે તે સાંભળો; 5 યહોવા મારા માલિક કહે છે, “મારો કોપ અન્ય પ્રજાઓની અને મુખ્યત્વે અદોમની વિરુદ્ધ સળગી ઊઠયો છે: કારણ કે તેઓએ હર્ષાવેશમાં આવીને તિરસ્કારપૂર્વક ઇસ્રાએલના પ્રદેશોનો કબજો લઇને તેને લૂંટી લીધો છે.” 6 “તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.”‘ 7 યહોવા મારા માલિક કહે છે, “તેથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે તમારી આસપાસની પ્રજાઓએ પોતે મહેણાંટોણાં વેઠવા પડશે; 8 “પરંતુ, હે ઇસ્રાએલના પર્વતો, તમારાં વૃક્ષોને શાખાઓ ફૂટશે અને ટૂંક સમયમાં પાછા ફરનાર મારા લોકો માટે ફળો બેસશે. 9 કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે; 10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે. 11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. 12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.” 13 યહોવા મારા માલિક કહે છે: “બીજી પ્રજાઓ તારી હાંસી કરતા કહેતી હતી કે,’ ઇસ્રાએલ એવો દેશ છે જે પોતાના માણસોને ભરખી જાય છે અને પ્રજાને નિ:સંતાન બનાવે છે. 14 તો હવે પછી તું કદી માણસોને ભરખીશ નહિ અને તારા લોકોનાં સંતાનોને હરી લઇશ નહિ,” આ યહોવા મારા માલિકના વચન છે. 15 “હવે પછી તારે કદી બીજા લોકોના મહેણાં સાંભળવાનો કે વિદેશીઓની નિંદા સહેવાનો વખત નહિ આવે. તું તારી પ્રજાને ફરીથી કદીયે ઠોકર ખવડાવશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે. 16 ફરીથી યહોવાની વાણી મને આ પ્રમાણે સંભાળાઇ: 17 “હે મનુષ્યના પુત્ર, જ્યારે ઇસ્રાએલીઓ પોતાની ભૂમિમાં વસતાં હતાં ત્યારે તેમણે તેને પોતાના વર્તાવ અને દુષ્કૃત્યોથી અશુદ્ધ કરી હતી. મારી સામે તેઓ રજસ્વલા સ્ત્રીની જેમ ચાલતાં હતાં. મારે મન તેમનો વર્તાવ ગંદો અને ધૃણાજનક હતો. 18 તેમણે આ ભૂમિને ખૂનથી અને મૂર્તિપૂજાથી પ્રદુષિત કરી હતી. તેથી મારો રોષ તેઓ પર સળગી ઊઠયો હતો. 19 મેં તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા અને વિદેશોમાં રઝળતા કરી દીધા. તેમના કૃત્યો અને વર્તાવ જેને લાયક હતા તે જ સજા મેં તેમને કરી. 20 પણ જ્યારે તેઓ જે જે પ્રજાઓમાં ગયા તેમની વચ્ચે તેમણે મારા પવિત્ર નામને બટ્ટો લગાડ્યો. લોકો તેમને વિષે એવું કહેવા લાગ્યા કે, ‘આ યહોવાના લોકો છે, અને એમને યહોવાના દેશમાંથી નીકળવું પડ્યું છે.’ 21 “હું મારા પવિત્ર નામની ચિંતા કરું છું, કારણ કે મારા લોકોએ સમસ્ત જગતમાં મારા નામને તેઓ જ્યાં જયાં ગયા છે ત્યાં ત્યાં બટ્ટો લગાડ્યો છે. 22 એટલે તું ઇસ્રાએલીઓને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલીઓ, હું આ જે કહું છું તે તમારે માટે નથી કરતો પણ મારા પવિત્ર નામને માટે કરું છું, અને તમે જે વિદેશોમાં ગયા હતા તેમની વચ્ચે બદનામી કરી છે. 23 તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”‘ 24 દેવ કહે છે, “હું તમને બધાને પરદેશોમાંથી બહાર કાઢી એકત્ર કરીને તમારી પોતાની ભૂમિમાં પાછા લાવીશ. 25 હું તમારા પર શુદ્ધ જળનો છંટકાવ કરીને તમને મૂર્તિપૂજાના પાપથી અને તમારી બધી અશુદ્ધિઓથી મુકત કરીશ.” 26 દેવ કહે છે, “હું તમને નવું હૃદય આપીશ, અને તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારું પથ્થર સમાન પાપી હૃદય દૂર કરીશ અને તમને નવું પ્રેમાળ હૃદય આપીશ. 27 હું તમારામાં મારા પોતાના આત્માનો સંચાર કરીશ, તમે મારા નિયમો પ્રમાણે ચાલો, ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરોતો એમ કરીશ. 28 તમારા પૂર્વજોને આપેલા ઇસ્રાએલના દેશમાં તમે વસશો. તમે મારી પ્રજા થશો અને હું તમારો દેવ થઇશ.” 29 દેવ કહે છે, “હું તમને બધી અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ, તમારે ત્યાં દુકાળ કદી પડવા દઇશ નહિ, 30 હું વૃક્ષોના ફળ અને ખેતીની પેદાશમાં મબલખ વધારો કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવાનું રહેશે નહિ. 31 ત્યારે તમે તમારાં ભૂતકાળના પાપ યાદ કરશો અને તમારા દુષ્કમોર્ને લીધે દુ:ખી થશો અને પોતાની જાતનો તિરસ્કાર કરશો. 32 યહોવા મારા માલિક કહે છે, “પણ હંમેશા યાદ રાખો; આ હું તમારે માટે કરતો નથી એની ખાતરી રાખજો, હે ઇસ્રાએલીઓ, આને તમે તમારા દુષ્કમોર્થી થતી અપકીતિર્ ને બેઆબરૂ સમજો.” 33 યહોવા મારા માલિકનું આ વચન છે: “જ્યારે હું તમને તમારા પાપોથી શુદ્ધ કરીશ ત્યારે હું તમને ફરીથી ઇસ્રાએલમાં તમારા ઘરે પાછા લાવીશ અને ઉજ્જડ થયેલા નગરોને ફરીથી બાંધીશ. 34 તમારા બંદીવાસ દરમ્યાન જે ભૂમિ વરસો સુધી વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વ તમારા દેશને ખંડિયેર જોઇને નવાઇ પામતા હતા તે ભૂમિ ફરીથી ખેડાતી થશે. 35 જ્યારે હું તમને પાછા ‘લાવીશ ત્યારે તેઓ કહેશે, દેવથી તજાયેલી આ ભૂમિ હવે એદનવાડી સમાન થઇ ગઇ છે! ખંડિયેર જેવા નગરોની આસપાસ કોટ બાંધવામાં આવ્યા છે અને તેમાં ઘણા લોકો વસે છે!”‘ 36 દેવ કહે છે, “ત્યારે આજુબાજુની બચી ગયેલી પ્રજાઓ જાણશે કે હું યહોવા છું અને મેં ખંડિયેર નગરોને ફરી બાંધ્યા છે અને ખેતરોમાં પાક ઉગાડ્યો છે. હું યહોવા તે કહું છું અને હું આ પ્રમાણે કરીશ.”‘ 37 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલીઓની વિનંતી હું સાંભળીશ. હજી હું તેઓ માટે એટલું કરવા તૈયાર છું કે હું એમની ઘેટાંની જેમ વંશવૃદ્ધિ કરીશ. 38 યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”

37:1 યહોવાનો હાથ મારા પર આવ્યો અને યહોવાનો આત્મા મને લઇ ગયો અને મને એક મેદાનમાં મૂક્યો, જે મેદાન સૂકાં હાડકાથી ભરેલું હતું, 2 તેમણે મને તે હાડકા વચ્ચે આમતેમ ફેરવ્યો, જોઉં છું તો આખું મેદાન હાડકાંથી છવાયેલું હતું. હાડકાંનો કોઇ પાર નહોતો અને તે બધા તદૃન સુકાઇ ગયેલા હતા. 3 યહોવા મારા માલિકે મને પ્રશ્ર્ન કર્યો; “હે મનુષ્યના પુત્ર, શું આ હાડકાં ફરીથી જીવતા માણસો બની શકે?”મેં જવાબ આપ્યો, “યહોવા, તમે એકલા જ આ પ્રશ્ર્નનો ઉત્તર જાણો છો.” 4 તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો, 5 યહોવા મારા માલિક તમને આ પ્રમાણે કહે છે, ‘હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમે ફરી જીવતાં થશો. 6 હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.”‘ 7 તેથી યહોવા મારા માલિકે મને કહ્યું હતું તેમ મેં વચનો ઉચ્ચાર્યાં; હું બોલતો હતો ત્યારે જ ગડગડાટ સંભળાયો અને હાડકાં એકબીજા સાથે જોડાવા લાગ્યાં. 8 હું જોતો હતો તેવામાં હાડકાની આસપાસ સ્નાયુઓ અને માંસ આવી ગયાં. અને તેઓને ચામડી વડે ઢાંકી દેવામાં આવ્યાં. પણ તેઓ હજુ શ્વાસ લેતા નહોતા. 9 પછી મારા માલિક યહોવાએ મને કહ્યુ, “હે મનુષ્યના પુત્ર, તું પવનને પ્રબોધ કર, તું તેને કહે કે યહોવા મારા માલિક કહે છે, ‘હે પવન, ચારે દિશામાંથી આવ અને આ શરીરોમાં ફૂંક માર જેથી તેઓ સજીવન થાય.”‘ 10 તેથી તેના કહેવા પ્રમાણે મેં પ્રબોધવાનું શરૂ કર્યું તેમનામાં શ્વાસનો સંચાર થયો અને તેઓ સજીવન થઇને ઉભા થઇ ગયા. જાણે બહુ મોટું સૈન્ય! 11 ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’ 12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ. 13 તમારી કબરો ખોલીને હું તમને બહાર કાઢીશ ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું. 14 પછી હું મારો આત્મા તમારામાં મૂકીશ અને તમે જીવશો અને તમે તમારા પોતાના દેશમાં ઘરે પાછા ફરશો. ત્યારે તમે જાણશો કે મેં યહોવાએ જે તમને વચન આપ્યું હતું તે હું કરી બતાવું છું.”‘ આ યહોવા મારા માલિકના વચન છે. 15 પછી યહોવાએ મને આ પ્રમાણે કહ્યું; 16 “હે મનુષ્યના પુત્ર, એક લાકડી લઇને તેના પર લખ; ‘યહૂદાનું રાજ્ય’. પછી બીજી લાકડી લઇને તેના પર લખ: ‘યૂસફ (એફ્રાઇમ)નું રાજ્ય’. 17 હવે બંનેને જોડીને એક લાકડી બનાવી દે એટલે તારા હાથમાં એક જ લાકડી રહેશે. 18 “તારા દેશબંધુઓ જો તને કહે કે, આથી તમે શું સૂચવવા માંગો છો, 19 ત્યારે તારે તેઓને કહેવું કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “હવે હું યૂસફ (એફ્રાઇમ) લાકડી લઇને હું એને યહૂદાની લાકડી સાથે જોડી દઉં છું. આ રીતે હું બે લાકડીમાંથી એક લાકડી બનાવી દઇશ અને એટલે મારા હાથમાં એક જ લાકડી થઇ જશે.’ 20 “બંને લાકડીઓ તારા હાથમાં એવી રીતે પકડી રાખજે કે લોકો તેને જોઇ શકે. અને પછી તું તેમને કહેજે કે આ યહોવા મારા માલિકના વચન છે. 21 ‘ઇસ્રાએલીઓ બીજી પ્રજાઓમાં ચાલ્યા ગયા છે તેમને હું ત્યાંથી લઇ આવીશ, ઠેકઠેકાણેથી એકત્ર કરીને તેમને પોતાની ભૂમિમાં પાછા વસાવીશ. 22 ‘હું મારી પોતાની ભૂમિમાં, ઇસ્રાએલના પર્વત પર તેમને એક જ પ્રજા બનાવીશ અને તે બધાનો એક જ રાજા હશે. તેઓ ફરી કદી બે પ્રજાઓ નહિ રહે કે બે રાજ્યોમાં વહેંચાઇ નહિ જાય. 23 તેઓ મલિન મૂર્તિઓ દ્વારા તથા અપરાધ આચરીને પોતાને અપવિત્ર કરવાનું બંધ કરશે. કારણ કે હું તેઓને સર્વ અશુદ્ધતામાંથી બચાવી લઇશ. ત્યારે તેઓ સાચે જ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ. 24 “‘મારા સેવક દાઉદ જેવો એક રાજા તેમના પર રાજ્ય કરશે. તે જ બધાનો એક માત્ર પાળક હશે. તેઓ મારા નિયમો અનુસાર ચાલશે અને મારી આજ્ઞાઓને માથે ચઢાવી તેનું પાલન કરશે. 25 વળી મારા સેવક યાકૂબને મેં જે ભૂમિ આપી હતી અને જેમાં તમારા પિતૃઓ રહેતા હતા તેમાં જ તેઓ રહેશે, તેઓ અને તેમના બાળકો અને તેમના પણ બાળકો ત્યા કાયમ માટે રહેશે. અને મારા સેવક દાઉદ જેવો રાજા કાયમ તેમના પર શાસન ચલાવશે. 26 “‘હું તેઓની સાથે શાંતિનો કરાર અનંતકાળને માટે કરીશ, હું તેઓને આશીર્વાદ આપીશ. હું તેમને ફરી સ્થાપીશ અને તેમની વંશવૃદ્ધિ કરીશ. અને તેમની વચ્ચે મારા મંદિરની કાયમ માટે સ્થાપના કરીશ. 27 હું મારું નિવાસસ્થાન તેઓની વચ્ચે રાખીશ. અને તેઓનો હું દેવ થઇશ અને તેઓ મારી પ્રજા થશે. 28 જ્યારે મારું મંદિર તેઓ મધ્યે સદાને માટે રહેશે ત્યારે બીજી પ્રજાઓ સમજી જશે કે હું, યહોવા, ઇસ્રાએલને મારી પોતાની પ્રજા ગણું છું.”‘

38:1 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: 2 “હે મનુષ્યના પુત્ર, માગોગ દેશમાંના જરોશ, મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ તરફ તારું મુખ રાખ્ અને તેની વિરુદ્ધ પ્રબોધ કર. 3 તેને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે મેશેખ અને તુબાલના મુખ્ય રાજકર્તા ગોગ, હું તારી સામે પડ્યો છું. 4 હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ. 5 એ સેનામાં ઇરાનના, કૂશના અને પૂટના માણસો છે અને તે બધા ઢાલ અને ટોપથી સજ્જ છે. 6 તારી સાથે ગોમેર દેશની આખી સેના છે, છેક ઉત્તરના બેથ-તોગાર્માહની સમગ્ર સેના છે અને બીજી અનેક પ્રજાઓના માણસો પણ છે. 7 “‘હે ગોગ, તું તૈયાર રહેજે, તું તેઓનો સરદાર છે, સમગ્ર સેનાને તૈયાર રાખજે. 8 લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વષોર્ પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે. 9 તું, તારી વિશાળ સેના તથા તારી સાથે લડનારી બીજી પ્રજાઓના લોકો વાવાઝોડાની જેમ આવી પહોંચી દેશમાં વાદળની જેમ છવાઇ જશો.”‘ 10 યહોવા મારા માલિક ગોગને કહે છે; “એ સમયે તારા મનમાં ભૂંડા વિચારો આવશે અને તું દુષ્ટ યોજના વિચારી કાઢશે. 11 તને થશે, ‘હું આ અરક્ષિત દેશ પર ચઢાઇ કરું અને એના દિવાલો કે દરવાજા કે લોખંડના સળીયા વગરના નગરોમાં અને ગામોમાં શાંતિ અને સલામતીમાં વસતા લોકો પર હુમલો કરું. 12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’ 13 “શેબા અને દેદાનના લોકો તથા તાશીર્શના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી ઉપાડી જવા માટે અને ઢોરઢાંખર અને માલસામાન ઉઠાવી જવા અને ભારે સંપત્તિ લૂંટી જવા માટે સેના ભેગી કરી છે?”‘ 14 તેથી દેવ કહે છે, “હે મનુષ્યના પુત્ર, તું ગોગને મારી વાણી સંભળાવ, અને કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘જે વખતે મારા લોકો ઇસ્રાએલીઓ શાંતિ અને સુરક્ષિત રીતે રહેતા હશે. 15 તું ઉત્તરના છેડામાં આવેલા તારા સ્થાનેથી અનેક પ્રજાઓમાંથી એકઠા કરેલા વિશાળ અને પરાક્રમી ઘોડેસવાર સૈન્યને લઇને આક્રમણ કરવા આવશે. 16 તું મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવશે અને આખા દેશ ઉપર વાદળની જેમ છવાઇ જશે. હવે પછી હું તને મારા દેશ ઉપર ચઢાઇ કરવા માટે મોકલીશ, જેથી હે ગોગ, તારી મારફતે મેં બતાવેલો મારી પવિત્રતાનો પરચો જોઇને બધી પ્રજાઓ જાણે કે હું કોણ છું.”‘ 17 “ભૂતકાળમાં મારા સેવકો ઇસ્રાએલના પ્રબોધકો મારફતે મેં જ્યારે એવી વાણી ઉચ્ચારાવી હતી કે, હું કોઇ પાસે ઇસ્રાએલ ઉપર હુમલો કરાવીશ, ત્યારે મારા મનમાં તું જ હતો.” આ યહોવા મારા માલિકના વચન છે. 18 યહોવા મારા માલિક કહે છે: “તે દિવસે, જ્યારે ગોગ ઇસ્રાએલ પર ચઢાઇ કરશે, ત્યારે મારો રોષ ભભૂકી ઊઠશે. 19 મારા પુણ્યપ્રકોપમાં અને મારા ક્રોધાજ્ઞિમાં હું પ્રતિજ્ઞા કરું છું કે, તે દિવસે ઇસ્રાએલમાં ભયંકર ધરતીકંપ થશે. 20 મને જોઇને દરિયાની માછલીઓ, આકાશના પંખીઓ, જંગલના પ્રાણીઓ અને પેટે ચાલનારા જીવો તેમજ પૃથ્વી પરનાં બધાં માણસો ધ્રૂજી ઊઠશે. પર્વતો તૂટી પડશે, અને ખડકો ધસી પડશે અને ભીંતો ભોંયભેગી થઇ જશે.” 21 યહોવા મારા માલિક કહે છે, “હું ગોગને બધી જાતની આફતોથી ખડભડાવી મૂકીશ. આ હું યહોવા તમારો માલિક બોલું છું. તેના માણસો અંદરો અંદર તરવાર ચલાવશે. 22 હું તેની સાથે, તેના સૈન્ય સાથે અને તેની સાથેના બધા લોકો ઉપર રોગચાળા અને મૃત્યુથી, મૂશળધાર વરસાદથી, કરાંના તોફાનોથી અને તેમની ઉપર ગંધક બાળીને, ન્યાય કરીશ. 23 આ રીતે હું તમામ પ્રજાઓને બતાવીશ કે હું કેવો મોટો અને પવિત્ર છું અને ત્યારે તેમને જાણ થશે કે હું યહોવા છું.”

39:1 “હે મનુષ્યના પુત્ર, તું ગોગની વિરુદ્ધ પ્રબોધ કર અને કહે: યહોવા મારા માલિક તને આ કહે છે, ‘હેરોશ, મેશેખ તથા તુબાલના રાજકર્તા ગોગ, હું તારી વિરુદ્ધ છું. 2 હું તને ધૂમાવીને આગળ ધકેલી દઇશ. તને ઠેઠ ઉત્તરમાંથી દોરીને ઇસ્રાએલના ડુંગરો પર ચઢાઇ કરવાને લવાશે. 3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણાં હાથમાંથી તીર છીનવી લઇશ. 4 તું અને તારી સમગ્ર સેના તથા તારી સાથેની બધી પ્રજાઓ ઇસ્રાએલના ડુંગરો પર મૃત્યુ પામશો અને શિકારી પંખીઓ અને જંગલી પ્રાણીઓ તમને ખાઇ જશે. 5 તમે ખુલ્લી જમીન પર પડ્યાં રહેશો.”‘ આ યહોવા મારા માલિક બોલે છે. 6 દેવ કહે છે, “હું માગોગ પર અને દરિયાકિનારે સુરક્ષિત વસતા તારા સર્વ મિત્ર રાજ્યોના લોકો પર અગ્નિ વરસાવીશ અને તેઓ જાણશે કે હું યહોવા છું. 7 હું જોઇશ કે મારા ઇસ્રાએલી લોકોમાં મારું નામ પવિત્રને જાણીતું થાય, અને એને હું હવે કદી અપમાનિત થવા દઇશ નહિ; અને ત્યારે તમામ પ્રજાઓને જાણ થશે કે હું યહોવા, ઇસ્રાએલનો પરમપવિત્ર દેવ છું. 8 આ બધું બનવાનું જ છે, જરૂર આ પ્રમાણે થશે જ આ યહોવા મારા માલિક બોલે છે, જે ન્યાયનો દિવસ આવશે એમ મેં કહ્યું હતું તે આવવાનો જ છે. 9 “ઇસ્રાએલના નગરોના વતનીઓ બહાર નીકળશે અને પોતાનાં હથિયારોના નાનીમોટી ઢાલ, ધનુષ્ય, બાણ અને ભાલાં બાળીને સળગાવી દેશે અને તે સાત વરસ સુધી ચાલશે. 10 સાત વર્ષ સુધી તેઓને બળતણ માટે બીજું કશું વાપરવું પડશે નહિ, માણસોને લાકડાં વીણવા વગડામાં જવું પડશે નહિ કે લાકડા કાપવા જંગલમાં નહિ જાય, પણ હથિયારથી જ તાપણાં સળગતા રાખશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂટશે અને તેમનું પડાવી લેનારનું તેઓ પડાવી લેશે.” આ યહોવા મારા માલિકના વચન છે. 11 દેવ કહે છે, “એ દિવસે હું ગોગ માટે ઇસ્રાએલની ભૂમિમાં મૃતસરોવરની પૂવેર્ આવેલી મુસાફરોની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. તે મુસાફરોનો રસ્તો રોકશે કારણ કે ત્યાં ગોગ અને તેના સમગ્ર સૈન્યને દફનાવાશે અને એ ખીણ “ગોગના સૈન્યની” ખીણ કહેવાશે. 12 એ તમામને દફનાવતા અને દેશને સાફ કરતાં ઇસ્રાએલીઓને સાત મહિના લાગશે. 13 પ્રત્યેક ઇસ્રાએલી તેમાં મદદ કરશે. કારણ કે તે દિવસ ઇસ્રાએલ માટે મહિમાવંત વિજયનો દિવસ હશે જ્યારે હું મારો મહિમા પ્રગટ કરીશ.” એવું યહોવા મારા માલિક કહે છે. 14 દેવ કહે છે, “સાત મહિના પછી દેશમાં ફરતા રહી જમીન પર બાકી રહી ગયેલાં શબો શોધી કાઢી અને તેઓને દફનાવીને દેશને સાફ કરવા માટે માણસો પસંદ કરવામાં આવશે. 15 તે સમયે જો કોઇ વ્યકિત મનુષ્યનું હાડકું જુએ તો તેણે હાડકા પાસે ચિહન મૂકવું. પછી કબર ખોદનારાઓ આવીને તેને ગોગના સૈન્યની ખીણમાં દાટી દે. 16 ત્યાં જે નગર છે તે ‘હામોનાહ’ કહેવાશે અને આમ દેશ પાછો સ્વચ્છ થઇ જશે.” 17 આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ! 18 યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના રાજકર્તાઓનું લોહી પીઓ. એ બધા તમારા ઘેટાંબકરાં છે અને બાશાનના માતેલા બળદો છે. 19 તૃપ્ત થાઓ ત્યાં સુધી તમે ચરબી ખાઓ અને જ્યાં સુધી નશો ના ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ. આ બલિદાનયુકત ઉજાણી મેં તમારા માટે જ તૈયાર કરી છે. 20 મારા ભોજનસમારંભની મેજ પર તમે ઉજાણી માણો, ઘોડાઓ, ઘોડેસવારો અને શૂરવીર યોદ્ધાઓની ઉજાણી માણો.”‘ એમ યહોવા મારા માલિક કહે છે. 21 દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે. 22 તે દિવસથી ઇસ્રાએલીઓ જાણવા પામશે કે હું તેમનો દેવ યહોવા છું. 23 બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા. 24 તેમનાં ષ્ટાચાર અને પાપોને ઘટે એ રીતે જ મેં તેમની સાથે વ્યવહાર રાખ્યો અને હું તેમનાથી વિમુખ થઇ ગયો હતો.” 25 “પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું. 26 તેઓ પાછા પોતાના વતનમાં શાંતિને સલામતીમાં રહેતા થશે. અને તેઓ કોઇનાથી ડરશે નહિ, ત્યારે મારા પ્રત્યે વિશ્વાસઘાતી થવાની સજા અને શરમ પૂરા થશે. 27 હું તેઓને પોતાના શત્રુઓના દેશમાંથી ઘેર પાછા લાવીશ. હું તેમ કરીશ ત્યારે મારો મહિમા સર્વ પ્રજાઓ સમક્ષ દ્રશ્યમાન બનશે. તેમના મારફતે હું બીજી પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઇશ. 28 અને ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો દેવ યહોવા છું, કારણ, મેં તેમને બીજી પ્રજાઓમાં દેશવટે મોકલ્યા હતા. અને હું જ તેમને પોતાના વતનમાં પાછા ભેગા કરનાર છું. એકને પણ બહાર રહેવા દેનાર નથી. 29 અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.

40:1 અમારા દેશવટાના પચ્ચીસમે વષેર્ એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વષેર્, વર્ષનીશરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા. 2 સંદર્શનમાં યહોવા મને ઇસ્રાએલ દેશમાં લઇ ગયા અને ઊંચા પર્વત પર મને બેસાડ્યો, ત્યાંથી દક્ષિણે મેં એક નગરમાં હોય તેવા મકાનો જોયા. 3 તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો. 4 તેણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ધારીને જો, અને ધ્યાન દઇને સાંભળ, હું તને જે કઇં બતાવું તેના પર બરાબર ધ્યાન આપ, કારણ, તને એટલા માટે જ અહીં લાવવામાં આવ્યો છે. તું જે જુએ તે બધું ઇસ્રાએલીઓને જણાવજે.” 5 એક મંદિરના વિસ્તારની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં ‘લાંબો હાથ’વાપરતાં, 6 હાથ લાંબો હતો. અને તેણે દિવાલની પહોળાઇ માપી તે એક દંડ હતી અને દિવાલની ઊંચાઇ એક દંડ હતી. 6 ત્યાર બાદ તે પૂર્વ તરફના દરવાજે ગયો અને તેના પગથિયાં ચઢીને તેણે બારસાખનું માપ લીધું તો તે એક દંડ પહોળી. 7 રક્ષકોની ઓરડી એક દંડ લાંબી અને એક દંડ પહોળી હતી. રક્ષક ઓરડીઓની વચ્ચે પાંચ હાથનું અંતર હતું અને મંદિર તરફ જતી અંદરની પરસાળ એક દંડ લાંબી હતી. 8 તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી. 9 તે 8 હાથ લાંબી હતી અને તેના થાંભલા 2 હાથ જાડા હતા, આ ઓસરી મંદિર તરફ જતી હતી. 10 પરસાળની બન્ને બાજુ સરખા માપની ત્રણ ત્રણ ઓરડીઓ હતી અને તેમની વચ્ચેની ભીંતો પણ બધી સરખી જાડાઇની હતી. 11 તે પછી એણે દરવાજાના પ્રવેશ ભાગની લંબાઇ પહોળાઇ માપી, તેની પહોળાઇ 10 હાથ તથા લંબાઇ 13 હાથ હતી. 12 દરેક રક્ષક ઓરડીઓ આગળ એક હાથ ઊંચી અને એક હાથ પહોળી પાળી હતી. એ ઓરડીઓ દરેક 6 હાથ લાંબી અને છ ઇંચ પહોળી હતી. 13 એ પછી તેણે એક ઓરડીની પાછલી ભીંતથી સામેની ઓરડીની પાછલી ભીત સુધીનું અંતર માપ્યું તો એક દરવાજાથી સામેના દરવાજા સુધી 25 હાથ હતું. 14 ને પછી, તેણે બહારના થાંભલેથી માંડીને દરવાજા પાસેના બીજા થાંભલા સુધી માપ લીધું અને તે 60 હાથ હતું. 15 પરસાળની કુલ લંબાઇ પ્રવેશદ્વારથી ઓસરીના અંદરના છેડા સુધી, 50 હાથ હતી. 16 પરસાળની બંને તરફથી તથા રક્ષક ઓરડીની પરસાળ તરફની બારીઓ સાંકડી થતી જતી હતી. પ્રવેશભાગ તરફની પરસાળ તથા ઓસરીની ભીંતોમાં પણ આ જ પ્રમાણે બારીઓ હતી. અને એ ઓસરી તરફની ભીંતો પર ખજૂરીઓ કોતરેલી હતી. 17 ત્યાર બાદ તે માણસ મને દરવાજામાં થઇને મંદિરની ફરતે આવેલાં બહારના ચોકમાં લઇ ગયો. તેની બહારની ભીંતને અડીને ત્રીસ ઓરડીઓ બાંધેલી હતી અને તેની સામેની જગ્યા ફરસબંધીવાળી હતી. 18 એ ફરસબંધી આખા ચોકની ફરતે કરેલી હતી. અંદરના ચોક કરતાં આ બહારનો ચોક થોડો નીચો હતો. 19 થોડે ઊંચે એક દરવાજો હતો, તેમાંથી અંદરના ઓરડામાં જવાતું હતું. પેલા માણસે બે દરવાજા વચ્ચેનું અંતર માપ્યું તો તે 100 હાથ હતું. ઉત્તર અને પૂર્વ દિશાનું માપ સરખું હતું. 20 ત્યાર બાદ તે માણસે બહારના ચોકમાં જવાનો ઉત્તર તરફનો દરવાજો માપ્યો. 21 આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી. 22 આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું. 23 પૂર્વના દરવાજાની જેમ જ ઉત્તરના દરવાજા સામે અંદરના ચોકમાં જવાનો એક દરવાજો હતો. આ બે દરવાજાઓ વચ્ચેનું અંતર 100 હાથ હતું. 24 પછી તે માણસ મને દક્ષિણના દરવાજે લઇ ગયો, તેણે તેના માપ લીધાં અને તે પણ ઉપર પ્રમાણે પૂર્વના અને ઉત્તરના દરવાજાઓના માપ જેટલા જ હતાં. 25 બીજા દરવાજાઓની માફક આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજો એકંદરે 50 હાથ લાંબો અને 25 હાથ પહોળો હતો. 26 સાત પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું, અને એનો મોટો ખંડ પણ ચોકની સામે જ આવેલો હતો. ઓસરીમાં પડતી ભીંતો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં. 27 અહીં પણ અંદરના ચોકમાં જવા માટે એક દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે 100 હાથ થયું. 28 ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઇને અંદરના ચોકમાં લઇ ગયો. તેણે તે દરવાજો માપ્યો તો તે બીજા દરવાજા જેટલો જ થયો. તેની રક્ષક ઓરડીઓ, થાંભલા, પરસાળ અને ઓસરીના માપ બીજા દરવાજાઓ જેટલાં જ હતાં. 29 આ દરવાજાની રક્ષક ઓરડીઓને તથા દરવાજાની પરસાળમાં પણ બારીઓ હતી. બીજા દરવાજાની જેમ આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 30 ચોગરદમ પરસાળ હતી. દરેક 25 હાથ લાંબી અને 5 હાથ પહોળી. 31 માત્ર એક તફાવત હતો કે તેના પ્રવેશદ્વાર સુધી પહોંચવા સાતને બદલે આઠ પગથિયાં હતાં, તેના થાંભલાં પર પણ બીજા થાંભલાની જેમ જ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. 32 પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો; તેણે તે દરવાજો માપ્યો; તે ઉપરના માપ પ્રમાણે થયો. 33 તેની રક્ષક ઓરડીઓ, મોટો ખંડ અને એની ભીંતો તથા બીજા દરવાજાના માપ જેટલાં જ હતાં. આ દરવાજાની ઓરડીઓને પણ બારીઓ હતી. એ દરવાજાની કુલ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 34 મોટો ખંડ બહારના ચોકની સામે આવેલો હતો. રસ્તાની બંને બાજુની ભીતો ઉપર ખજૂરીના વૃક્ષો કોતરેલા હતા. આઠ પગથિયાં ચઢીને એ દરવાજે પહોંચાતું હતું. 35 પછી તે માણસ મને અંદરના ચોકમાં જવા માટેના ઉત્તર તરફના દરવાજે લઇ ગયો. તેણે તેના માપ લીધાં, તેના માપ પણ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. 36 તેની રક્ષકઓરડીઓ, થાંભલાં, પરસાળ, અને ઓસરી તથા બારીના માપ બીજા દરવાજાઓ પ્રમાણે જ હતાં. આ દરવાજાની પણ લંબાઇ 50 હાથ અને પહોળાઇ 25 હાથ હતી. 37 તેની પરસાળ બહારના ચોકની સામે હતી અને તેની બંને તરફની ભીંતો ઉપર ખજૂરીવૃક્ષની કોતરણી હતી. દરવાજે પહોંચવા માટે આઠ પગથિયાં હતાં. 38 બહારના ચોકમાં અંદરના દરવાજાને અડીને એક નાની ઓરડી હતી જેમાં થઇને ઓસરીમાં જવાતું હતું. અહીં દહનાર્પણ માટેના પશુઓને ધોવામાં આવતા હતાં, 39 મોટાં ખંડમાં ચાર મેજ હતાં-દરેક બાજુએ બબ્બે એની ઉપર દહનાર્પણમાં કે પ્રાયશ્ચિતમાં અથવા દોષપ્રક્ષાલનના બલિના પશુઓને વધેરવામાં આવતાં. 40 ખંડની બહાર પણ ચાર મેજ હતાં-ઉત્તરના દરવાજાની બંને બાજુએ બબ્બે. 41 આમ ખંડની અંદર ચાર મેજ હતાં અને બહાર ચાર મેજ હતાં. એટલે કુલ આઠ મેજ હતાં. જેના ઉપર પશુઓને વધેરવામાં આવતાં. 42 ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. 43 પરસાળની ભીંતે એક વેંત લાંબી આંકડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું. 44 પછી પેલો માણસ મને અંદરના ચોકમાં લઇ ગયો. ત્યાં ઉત્તરના દરવાજાને અડીને એક ખાસ ઓરડો હતો. જેનું મોઢું દક્ષિણ તરફ હતું. એવો જ એક ઓરડો દક્ષિણના દરવાજે અડીને હતો. અને તેનું મોઢું ઉત્તર તરફ હતું. 45 પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે. 46 અને દક્ષિણના દરવાજાની ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે. લેવીઓમાંથી માત્ર તેઓ જ યહોવાની સેવા કરવા પાસે જઇ શકે છે.” 47 પછી પેલા માણસે આગળના અંદરના ચોકને માપ્યો. તો તે 100 હાથ લાંબો અને 100 હાથ પહોળો હતો. વેદી મંદિરની સામે ચોકમાં હતી. 48 ત્યાર પછી તે મને મંદિરના પ્રવેશદ્વારની પરસાળમાં લઇ ગયો. તેણે એ પરસાળ માપી તો તે 5 હાથ લાંબી અને 5 હાથ પહોળી હતી. દરેક બાજુના દરવાજા 3 હાથ પહોળા હતાં. 49 પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.

41:1 પછી તે મને પવિત્રસ્થાને લઇ આવ્યો અને તેના પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે દરેક બાજુએ 6 હાથ ઊંડી હતી. 2 અને પહોળાઇ 10 હાથ હતી. પ્રવેશદ્વારની બંને બાજુએ ભીતો પાંચ પાંચ હાથ જાડી હતી. પવિત્રસ્થાનની જ્યારે તેણે લંબાઈ માપી તો તે 40 હાથ હતી અને પહોળાઈ 20 હાથ હતી. 3 પછી તે પવિત્રસ્થાનની પાછળના અંદરના ભાગમાં એટલે પરમપવિત્ર મંદિરમાં ગયો. તેણે પ્રવેશ આગળના સ્તંભો માપ્યા. તે દરેક 2 હાથ પહોળા હતા. તેનો પ્રવેશ 6 હાથ પહોળો હતો અને તેની બંને તરફની ભીંતો 7 હાથ પહોળી હતી. 4 પછી તેણે પરમપવિત્ર સ્થાનનો ઓરડો માપ્યો તો તે 2 હાથ પહોળો અને 20 હાથ લાંબો હતો. પછી તેણે મને કહ્યું, “આ પરમ પવિત્ર સ્થાન છે.” 5 ત્યાર પછી તેણે મંદિરની બહારની ભીતની જાડાઇ માપી તો તે 6હાથ પહોળી હતી. અને સમગ્ર મંદિરમાં નાની ઓરડીઓ 4 હાથ પહોળી હતી. અને તેની બાજુની ઓરડી બાર ઇંચ પહોળી હતી (મંદિરની આજુબાજુ). 6 એ ઓરડીઓ એક ઉપર એક આવેલી હતી. ત્રણ માળ મળીને કુલ 30 હતી. મંદિરની ભીંતની જાડાઇ દરેક માળે ઓછી થતી જતી હતી એટલે દરેક માળે એ ભીતમાં ખાંચો રહેતો હતો. તેથી ઓરડીઓ મંદિરની ભીંતમાં કાણાં પાડ્યા વગર એ ખાંચાને ટેકે રહી શકતી હતી. 7 આ ઓરડીઓને લીધે મંદિરની બહારની બાજુએથી ભીંતો તળિયાથી તે મથાળા સુધી સરખી જાડાઇની લાગતી હતી. મંદિરની ફરતે બાંધેલી ઓરડીઓની બહારની બાજુએ દાદરો હતો. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઇ શકાતું હતું. 8 મેં જોયું કે મંદિર ઊંચા ઓટલા પર બાંધેલું હતું. ઓરડીઓનો પાયો ઓટલા સાથે સમતલ હતો. ઓટલાની ઊંચાઇ 6 હાથ હતી. 9 આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી. 10 આ ઓરડીઓની અને યાજકોની ઓરડીઓ વચ્ચે મંદિરની ચારેબાજુ 20 હાથનું અંતર હતું. તે ફાજલ જગ્યા કહેવાતી હતી. 11 ઓરડીઓમાં પ્રવેશવા માટે ફાજલ જગ્યામાંથી એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ એમ બે પ્રવેશ હતા. ફાજલ જગ્યા સાથે જોડાતા આ બંને પ્રવેશની પહોળાઇ પાંચ પાંચ હાથ હતી. 12 મંદિર પાછળની ખુલ્લી જગ્યાની પશ્ચિમ બાજુએ એક મકાન હતું. તે 70 હાથ પહોળું અને 90 હાથ લાંબું હતું. તેની ચારે બાજુની ભીતો 5 હાથ જાડી હતી. 13 તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું. 14 મંદિરના આગલા ભાગની લંબાઇ બંને બાજુની ખુલ્લી જગ્યા સહિત 100 હાથ હતી. 15 તેણે પવિત્રસ્થાન પશ્ચિમે આવેલું મકાનનું અને તેની બંને બાજુની ભીતોનું માપ લીધું તો તે 100 હાથ હતું. 16 મંદિરનો પ્રવેશખંડ, મંડપ અને ગર્ભગૃહને બધે જ ભોંયતળિયાથી તે બારીઓ સુધી લાકડાની તકતીઓ જડેલી હતી. એ બારીઓ ઢાંકી દઇ શકાય એમ હતું. 17 મંડપની ભીતો ઉપર બારણાના મથાળા સુધી ખજૂરીના વૃક્ષો અને કરૂબો કોતરેલા હતાં: 18 પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં. 19 માણસનું મોઢું એક બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું અને સિંહનું મોઢું બીજી બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું. આખી ભીત ઉપર આ પ્રમાણે કોતરેલું હતું. 20 ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી કરૂબો તથા ખજૂરીઓની કોતરણી કરેલી હતી. 21 પવિત્રસ્થાનના બારણાં આગળની બારસાખો ચોરસ હતી. અને તે જ પ્રમાણે પરમપવિત્રસ્થાનના બારણાની બારસાખો પણ ચોરસ હતી. 22 પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે 3 હાથ ઊંચી અને 2 હાથ પહોળી હતી, તેના ખૂણા, પાયા, તથા બાજુઓ લાકડાના બનેલા હતા. તેણે મને કહ્યું કે, “આ યહોવાની સંમુખ રહેનારી મેજ છે.” 23 મંદિરને તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં. 24 પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે. 25 ભીંતની જેમ મંદિરના બારણાં પર પણ ખજૂરીવૃક્ષ અને કરૂબોની કોતરણી હતી. ઓસરીના બારણા બહાર લાકડાનું એક છાપરૂં હતું. 26 એ ઓસરીની બંને બાજુએ ભીંતોમાં બારીઓ હતી અને બંને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. મંદિરની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતાં.

42:1 પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો. 2 ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી. 3 આ ઇમારતની એક બાજુ, મંદિરની ફરતે 20 હાથની ખુલ્લી જગ્યા તરફ પડતી હતી અને બીજી બાજુ બહારના પ્રાંગણની ફરસબંધી તરફ પડતી હતી, એને ત્રણ માળ હતાં અને દરેક માળ નીચેના માળ કરતાં થોડો અંદર લીધેલો હતો. 4 આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં. 5 ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી. 6 આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો. 7 એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી. 8 બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ 100 હાથ હતી. 9 બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું. 10 મંદિરની પૂર્વ તરફ આવેલી ઇમારતની દક્ષિણ બાજુએ પણ ઉત્તરના જેવી જ એક બીજી ઇમારત હતી. 11 એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં. 12 એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું. 13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે. 14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.” 15 જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો. 16 તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી. 17 તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે 500 હાથ હતી. 18 તેણે માપદંડથી દક્ષિણ બાજુ માપી; તે 500 હાથ હતી. 19 તેણે માપદંડથી પશ્ચિમ બાજુ માપી; તે 500 હાથ હતી. 20 આમ તેણે ચારેબાજુનો વિસ્તાર માપ્યો. એ ભીતથી ઘેરાયેલો ભાગ ચોરસ હતો અને તેની દરેક બાજુ 500 હાથ લાંબી હતી. ભીંત મંદિરના પવિત્ર વિસ્તારને બાકીના વિસ્તારથી જુદી પાડતી હતી.

43:1 પછી પેલો માણસ મને પૂર્વ તરફના દરવાજે લાવ્યો, 2 એકાએક ઇસ્રાએલના દેવનો મહિમા પૂર્વ તરફથી દેખાયો, તેમના આગમનનો અવાજ ધસમસતા પાણીના ઘુઘવાટ જેવો હતો અને ભૂમિ દેવના મહિમાથી પ્રકાશતી હતી. 3 જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો. 4 યહોવાનો મહિમા પૂર્વના દરવાજેથી મંદિરમાં આવ્યો. 5 પછી આત્માએ મને ઉચકયો અને અંદરના ચોકમાં લઇ ગયો, અને જ્યાં મેં જોયું તો મંદિર યહોવાના ગૌરવથી ભરાઇ ગયું હતું. 6 મેં સાંભળ્યુ કે મારી સાથે કોઇ મંદિરની અંદરથી વાત કરી રહ્યું હતું. જ્યારે તે માણસ મારી બાજુમાં ઊભો હતો. 7 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ. 8 “તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં. 9 હવે એ લોકોએ બીજા દેવોની પૂજા કરવાનું છોડી દેવું જોઇએ અને તેમના રાજાઓનાં મૃતદેહોને મારાથી દૂર હટાવી દેવા જોઇએ. જો તેઓ એ પ્રમાણે કરશે તો હું તેમની વચ્ચે સદાકાળ વસીશ. 10 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને આ મંદિર બતાવ જેથી તેઓ એના નકશાનો અભ્યાસ કરે, અને પોતાનાં પાપી કૃત્યો માટે શરમાય, 11 જો તેઓ પોતાનાં કૃત્યો માટે શરમાતા હોય તો તું તેમને મંદિરનો નકશો સમજાવજે; એની યોજના, એના દાખલ થવાના અને બહાર નીકળવાના માગોર્, એનો ઘાટ, એમાં બધું કેવી રીતે ગોઠવેલું છે તે, અને એનાં બધાં નિયમો અને ધારાધોરણો, આ બધું તું તેમને માટે લખી લે, જેથી તેઓ જોઇ શકે કે બધું કેવી રીતે ગોઠવેલું છે અને બધા નિયમોનું પાલન કરી શકે. 12 “આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે. 13 “પહેલાં વપરાયેલા માપને ધોરણે તો વેદીનું માપ આ પ્રમાણે છે: વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી ખાળ હતી. એની બહારની બાજુએ એક વેંત પહોળી કોર હતી. 14 વેદીનો સૌથી નીચેનો ભાગ 2 હાથ ઊંચો હતો. એ પછીનો ભાગ એના કરતાં 1 હાથ અંદર લીધેલો હતો અને તે 4 હાથ ઊંચો હતો એ પછીનો ભાગ પણ 2 હાથ અંદર લીધેલો હતો. 15 વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં. 16 વેદીના મથાળાની લંબાઇ 12 હાથ અને પહોળાઇ 12 હાથ એટલે સમચોરસ હતી. 17 વચલો ભાગ પણ સમચોરસ હતો. તેની દરેક બાજુ 14 હાથની હતી. તેને દોઢ હાથ પહોળી, ફરતી ધાર હતી તેની ખાળ ચોતરફ એક હાથ પહોળી હતી. વેદીના પગથિયાં પૂર્વ બાજુએ આવેલાં હતાં.” 18 યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમપિર્ત કરવી.” 19 યહોવા મારા માલિક કહે છે, “લેવી કુળના સાદોક કુટુંબના યાજકો મારી હજૂરમાં સેવા માટે પાસે આવે છે. પ્રાયશ્ચિત બલિ તરીકે ચઢાવવા તેમને એક વાછરડો આપવો. 20 તારે એનું થોડું લોહી લઇને વેદીના મથાળાના ચારે શિંગડાને અને વેદીના વચલા ભાગના ચારે ખૂણાને અને ફરતી કોરને લગાડવું. આ રીતે તારે વેદીની શુદ્ધિ કરવી અને તેને બલિદાન મેળવવા તૈયાર કરવી. 21 ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો. 22 “બીજે દિવસે તમારે ખોડખાંપણ વગરનો બકરો પાપાર્થાર્પણ તરીકે ધરાવવો અને તેના વડે વાછરડાથી શુદ્ધ કરી હતી તેમ વેદીને શુદ્ધ કરવી. 23 વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા. 24 તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા. 25 સાત દિવસ સુધી દરરોજ તમારે ખોડખાંપણ વિનાનો એક જુવાન બકરો પાપાર્થાર્પણ તરીકે બલિદાન કરવો વળી ખોડખાંપણ વિનાનું એક વાછરડું અને એક ઘેટો અર્પણ કરવા. 26 સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમપિર્ત કરવી. 27 સાત દિવસ પછી આઠમા દિવસથી દરરોજ યાજકો વેદી પર લોકોના દહનાર્પણો અને આભારસ્તુતિનાં અર્પણો બલિદાન કરે અને હું તેમનો સ્વીકાર કરીશ.” એમ યહોવા મારા માલિક કહે છે.

44:1 તે માણસ મને પાછો મંદિરની પૂર્વ બાજુએ આવેલા બહારના દરવાજા આગળ લઇ આવ્યો. એ દરવાજો બંધ હતો. 2 યહોવાએ મને કહ્યું, “આ દરવાજો બંધ રાખવામાં આવશે. એને કદી ઉઘાડવો નહિ. કોઇ માણસે એમાં થઇને દાખલ ન થવું, કારણ, ઇસ્રાએલના દેવ યહોવા એમાં થઇને દાખલ થયેલા છે, એને બંધ જ રાખવો. 3 રાજકુમાર અને કેવળ રાજકુમાર જ ત્યાં બેસીને યહોવા સમક્ષ ભોજન લઇ શકે, તેણે ઓસરીને માગેર્ જ અંદર આવવું અને બહાર જવું.” 4 પછી તે માણસ ઉત્તરના દરવાજેથી મંદિરની સામે આવ્યો. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. હું ભૂમિ પર ઊંધો પડ્યો. 5 યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું જે કઇં જુએ, ને સાંભળે છે ત્યાં ધ્યાન કેન્દ્રીત કર હું તને યહોવાના મંદિરના નિયમો અને ધારાધોરણો કહું છું. મંદિરના પ્રવેશદ્વાર અને પવિત્રસ્થાનના બધા બહાર નીકળવાના સ્થાન પર ખાસ ધ્યાન આપ. 6 અને આ બંડખોર ઇસ્રાએલી લોકોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: હે ઇસ્રાએલ, તમે ઘણા ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે: 7 મને રોટલી ભેદ અને રકત અર્પણ કરતી વખતે તમે વિદેશીઓને, જેઓ હૃદયમાં અને શરીરમાં બેસુન્નત છે, એવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લઇ આવ્યા છો. આમ કરીને તમે મંદિરને અશુદ્ધ કર્યું છે અને મારા કરારનો ભંગ કર્યો છે અને તમારા બીજા સર્વ પાપોની સાથે આ પાપનો વધારો કર્યો છે. 8 મારા મંદિરમાં જાતે ઉપાસના કરવાને બદલે તમે એ માણસોને એ કામ સોંપી દીધું છે.”‘ 9 યહોવા મારા માલિક કહે છે: “હૃદય અને શરીરમાં બેસુન્નત એવા કોઇ પણ વિદેશીઓને અને ઇસ્રાએલીઓ ભેગો વસવાટ કરતા વિદેશીઓ સુદ્ધાંને મારાં મંદિરમાં પ્રવેશ કરવાનો નથી. 10 જ્યારે ઇસ્રાએલીઓ દેવથી દૂર જઇને મૂર્તિઓ પાછળ ભટકી ગયા ત્યારે લેવીઓએ પણ મારો ત્યાગ કર્યો. તેઓને તેમની બેવફાઇ માટે શિક્ષા થવી જ જોઇએ. 11 તો પણ તેઓ દરવાજાઓની ચોકી કરી શકે અને મંદિરના પરચુરણ કામો કરે. તેઓ દહનાર્પણ માટે લાવવા પ્રાણીઓનો વધ કરી શકે અને લોકોની સહાય કરવા હાજરી આપી શકે. 12 પણ તેઓએ ઇસ્રાએલના લોકો તરફથી મૂર્તિની પૂજા કરી હતી અને એમ કરીને લોકોને પાપમાં નાખ્યાં હતાં તેથી હું, યહોવા મારા માલિક, પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, ‘તેમણે તેમનાં પાપોની સજા ભોગવવી પડશે.”‘ 13 “તેઓ યાજકો તરીકે મારી સમક્ષ આવીને મારી સેવા નહિ કરી શકે, તેઓ મારી પવિત્ર વસ્તુઓની પાસે કે ગર્ભગૃહમાં નહિ આવી શકે. તેમણે કરેલાં ધૃણાપાત્ર કૃત્યોની આ સજા છે. 14 તેઓ મંદિરની કાળજી રાખનારા, પરચુરણ કામો કરનારા અને લોકોને મદદ કરનારા થશે. 15 “લેવી વંશના સાદોકના કુળના યાજકોએ ઇસ્રાએલીઓ જ્યારે મારાથી વિમુખ થઇ ગયા હતા ત્યારે પણ મંદિરમાં મારી સેવા કરવાનું ચાલું રાખ્યું હતું એટલે તેઓ જ મારી સેવા કરવા માટે મારી પાસે આવી શકશે. તેઓ ચરબી અને લોહી ધરાવવા માટે મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે. 16 “તેઓ મંદિરમાં દાખલ થઇ, મારી વેદી પાસે આવી, મારી સમક્ષ ઊભા રહી શકશે.” આ યહોવા મારા માલિક બોલે છે. 17 “તેઓ જ્યારે મંદિરના અંદરના ચોકમાં પ્રવેશે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો જ ધારણ કરે. મંદિરના અંદરના ચોકમાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનના વસ્ત્રો પહેરે નહિ. 18 તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને શણની ઇજાર પહેરવાં. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેમણે પહેરવાં નહિ. 19 રી ઉપાસના પૂરી કરીને તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય ત્યારે તેમણે ઉપાસના કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઊતારીને તેમને માટે ઠરાવેલી ઓરડીમાં મૂકી દેવા અને બીજા વસ્ત્રો પહેરવાં, જેથી એમનાં પવિત્ર વસ્ત્રો દ્વારા લોકોમાં પવિત્રતા ફેલાય નહિ 20 “તેમણે માથે મુંડન પણ ન કરાવવું તેમ વાળ લાંબા વધવા પણ ન દેવા. તેમણે ટૂંકા વાળ રાખવા. 21 મંદિરના અંદરના ચોકમાં પ્રવેશતા પહેલાં કોઇ પણ યાજકે દ્રાક્ષારસ પીવો નહિ. 22 તે છૂટાછેડા લીધેલી સ્ત્રી કે વિધવા સાથે લગ્ન કરી શકે નહિ. કેવળ ઇસ્રાએલી કુમારિકા સાથે અથવા યાજકની વિધવા સાથે લગ્ન કરી શકે. 23 “યાજકોએ મારા લોકોને પવિત્ર અને અપવિત્ર વચ્ચેનો ભેદ સમજાવવો અને તેમણે શુદ્ધ શું અને અશુદ્ધ શું છે તે સમજાવવું. 24 જ્યારે કોઇ ઝઘડો ઊભો થાય ત્યારે તેમણે મારા કાયદા અનુસાર ન્યાય ચૂકવવો. તેમણે મારાં ધારાધોરણો મુજબ બધા તહેવારો ઉજવવા અને વિશ્રામવારની પવિત્રતા જાળવી પાળવો, અને તે માટે કાળજી રાખવી. 25 યાજકો પોતાના પિતા, માતા, બાળક, ભાઇ અથવા કુંવારી બહેનના અપવાદ સિવાય બીજી કોઇ પણ વ્યકિતના મૃતદેહ પાસે જાય નહિ અને પોતાને અશુદ્ધ કરે નહિ. 26 શુદ્ધિ પછી તેમણે સાત દિવસ જવા દેવા. પછી જ તે મંદિરમાં પોતાની સેવા ફરીથી બજાવી શકે. 27 અને ત્યાર પછી અંદરના ચોકમાં જઇ પાપાર્થાર્પણ ચઢાવવો, જેથી તેઓ ફરી મંદિરમાં ઉપાસના કરી શકે.” આ યહોવા મારા માલિક બોલે છે. 28 “તેઓને ભાગે ઇસ્રાએલમાં કોઇ વારસાગત મિલકત આવેલી નથી. હું જ તેમની મિલકત છું, વારસો છું અને તે તેઓને માટે પૂરતું છે. 29 ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ બલિ એ જ તેમનો ખોરાક છે, અને ઇસ્રાએલમાં મને અર્પણ કરેલું સર્વ કઇં તેમને મળશે. 30 પહેલી ઊપજનો ઉત્તમ ભાગ અને મને ધરાવેલી તમામ વસ્તુઓ યાજકને મળે. અને જ્યારે તમે નવા અનાજની રોટલી બનાવો ત્યારે તમારે પહેલી રોટલી યાજકને અર્પવી, જેથી તમારા ઘર પર આશીર્વાદ ઊતરે. 31 યાજકોએ કદી પણ કુદરતી રીતે મૃત્યુ પામેલા અથવા હિંસક પ્રાણીનો શિકાર બની મૃત્યુ પામેલા કોઇ પણ પશુ કે પંખીનું માંસ ખાવું નહિં.

45:1 “જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વંશો વચ્ચે જમીનની વહેંચણી કરો ત્યારે 25,000 હાથ લાંબી અને 25,000 હાથ પહોળી જમીન યહોવા માટે જુદી કાઢવી. એ બધી જ જમીન પવિત્ર ગણાશે. 2 આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 500 હાથ પહોળો જમીનનો ટુકડો મંદિર માટે જુદો કરવો અને તેની આજુબાજુ 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો. 3 બધી જમીનમાંથી તમારે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો ટુકડો અલગ કાઢવો. એમાં મંદિર આવશે. એ પરમ પવિત્ર હશે. 4 આ સમગ્ર વિસ્તાર દેશનો પવિત્ર ભાગ ગણાશે. અને યહોવાની સંમુખ રહીને પવિત્ર સ્થાનમાં જેઓ સેવા કરે છે તે યાજકોના ઘરો અને મારું પવિત્રસ્થાન બાંધવા ઉપયોગમાં લેવાશે. 5 બાકીની જમીનનો ભાગ મંદિરના પરચૂરણ કામો કરતા લેવીઓ માટે રાખવો. એની માલિકી તેમની ગણાશે. એમાં તેમને વસવા માટે જગ્યાઓ હશે. 6 “પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે. 7 રાજકુમાર માટે પણ જમીન અલગ રાખવામાં આવશે. રાજકુમારની મિલકત પવિત્ર વિસ્તારની બન્ને બાજુએ હશે. અને નગરની મિલકત પૂર્વતરફ અને પશ્ચિમ તરફ હશે. દરેક બાજુની લંબાઇ બીજાં કુળોને આપવામાં આવેલી જમીન જેટલી જ હશે. 8 ઇસ્રાએલની જમીનમાં આ ભાગ રાજકુમારની મિલકત ગણાશે, જેથી તેઓ લોકોને ત્રાસ ન આપે અને દેશનો બાકીનો ભાગ ઇસ્રાએલના વંશજો પાસે રહેવા દે.” 9 યહોવા મારા માલિક કહે છે: “હે ઇસ્રાએલના સરદારો, મારા લોકોને તેઓના પોતાના દેશમાં લૂંટવાનું અને છેતરવાનું તથા તેઓને દેશમાંથી હાંકી કાઢવાનું બંધ કરો. પણ હંમેશા, નીતિમત્તાને માર્ગે અને ન્યાયના માગેર્ ચાલો અને પ્રામાણિક બનો,” એમ યહોવા મારા માલિક કહે છે. 10 “તમારે સાચાં માપ અને વજન વાપરવાં, તમારો ભરવાનો એફાહ સાચો હોવો જોઇએ, તમારો બાથ સાચો હોવો જોઇએ. 11 પ્રવાહી અને અપ્રવાહી વસ્તુઓના માપ માટે હોમેર તે તમારું અધિકૃત કરેલું એકમ રહેશે. અપ્રવાહી વસ્તુઓ માટે નાનું એકમ એફાહ રહેશે અને પ્રવાહી વસ્તુઓ માટે બાથ રહેશે; બંને એફાહ અને બાથ, હોમેરના દશમાં ભાગ જેટલું છે. 12 તમારો વજન કરવાનો વીસ શેકેલ ગેરાહનો હોવો જોઇએ અને માનેહ 60 શેકેલનો હોવો જોઇએ. 13 “આ ખાસ ભેટ તમારે રાજકર્તાને આપવાની રહેશે; એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠોભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ. 14 અને તમારા જૈતતેલનો એક ટકા ભાગ, 15 ઇસ્રાએલના સારી રીતે પાણી પાયેલા મેદાનોમાં ચારેલા ધેટામાંથી 200 ઘેટાંએ તમારે એક ઘેટું વિશેષ અર્પણ તરીકે.“ખાદ્યાર્પણ તરીકે, દહનાર્પણ તરીકે અને શાંત્યર્પણ તરીકે આપવું. 16 “ઇસ્રાએલના બધા લોકોએ આ પ્રમાણેની ખાસ ભેટ રાજકુમાર આગળ લઇ જવી. 17 અને રાજકુમાર ઇસ્રાએલની સમગ્ર પ્રજા તરફથી મારા ધણીને ચંદ્રદર્શનોએ, સાબ્બાથોએ અને બાકીના બધા ખાસ તહેવારોએ દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો પૂરા પાડશે. ઇસ્રાએલના લોકોનાં પાપના પ્રાયશ્ચિત માટે પાપાર્થાર્પણો, ખાદ્યાર્પણો, દહનાર્પણો અને શાંત્યર્પણો પૂરા પાડશે.” 18 આ યહોવા મારા માલિકના વચન છે: “પહેલાં મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો ધરાવી મંદિરની શુદ્ધિ કરવી. 19 યાજકે વધ કરેલા પાપાર્થાર્પણનું લોહી લઇ તે મંદિરના ઉબરે, યજ્ઞવેદીને ચાર ખૂણે અને અંદરની ઓસરીના બારણાની બારસાખે લગાડવું. 20 જો કોઇ પણ વ્યકિતએ ભૂલથી કે અજ્ઞાનતાથી પાપ કર્યું હોય તો તે માટે તે મહિનાના સાતમા દિવસે પણ આ પ્રમાણે કરવું. મંદિર માટે આ રીતે તમારે પ્રાયશ્ચિત કરવું. 21 “પહેલા મહિનાના ચૌદમા દિવસે તમારે પાસ્ખાનો તહેવાર ઊજવવાની શરૂઆત કરવી. સાત દિવસ સુધી સૌએ બેખમીર રોટલી જ ખાવી. 22 ઉત્સવને પહેલે દિવસે સરદારોએ પોતાનાં અને ઇસ્ત્રાએલની પ્રજાના પાપને માટે એક બળદને પાપાર્થાર્પણ તરીકે ધરાવવો. 23 ઉત્સવના દિવસે તેણે ખોડખાંપણ વગરના સાત બળદો અને ખોંડખાંપણ વગરના સાત મેંઢાને દહનાપર્ણ તરીકે યહોવાને બલિ ચઢાવવા. અને તેણે પાપાર્થાર્પણ તરીકે દરરોજ એક બકરો હોમવો. 24 હોમેલા દરેક બળદ અને ઘેટાં દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ અને ત્રણ લિટર જૈતૂનનું તેલ પણ ચઢાવવાં. 25 સાતમા મહિનાના પંદરમાં દિવસે શરૂ થતાં માંડવાપર્વ માટે પણ તેણે સાતે સાત દિવસ આવો જ બલિ, પાપાર્થાર્પણ, દહનાર્પણ, ખાદ્યાર્પણ અને જૈતૂનના તેલના અર્પણ ચઢાવવા.”

46:1 આ યહોવા મારા માલિકના વચન છે: “અંદરના ચોકનો પૂર્વનો દરવાજો કામ કરવાના છ દિવસોએ બંધ રહેશે, પરંતુ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શને દિવસે તેે ઉઘાડો રાખવો. 2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો. 3 દરેક સાબ્બાથ અને ચંદ્રદર્શન દિવસે બધા લોકોએ પણ દરવાજા આગળ નીચા નમીને યહોવાની ઉપાસના કરવી. 4 સાબ્બાથને દિવસે રાજકુમારે દહનાર્પણ તરીકે યહોવા સમક્ષ ખોડખાંપણ વગરના છ ઘેટા તથા ખોડખાંપણ વગરનો એક મેંઢો લાવવો. 5 દરેક ઘેટાં સાથે સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક મેંઢા સાથે જે કઇં ચઢાવવું હોય તે લાવવું, ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ લાવવું. 6 ચંદ્રદર્શન દિવસે તેણે ખોડખાંપણ વગરનો એક વાછરડો, ખોડખાંપણ વગરના છ ઘેટા અને એક મેંઢો ધરાવવા. 7 પ્રત્યેક વાછરડા અને મેંઢા દીઠ સત્તર કિલો ખાદ્યાર્પણ તથા દરેક ઘેંટા દીઠ યથાયોગ્ય અર્પણ ચઢાવવું ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ દીઠ ત્રણ લિટર તેલ પણ ચઢાવવું. 8 “સરદાર અંદર આવે ત્યારે તેણે દરવાજાની ઓસરીમાં થઇને દાખલ થવું અને એ જ રસ્તે બહાર નીકળવું. 9 “પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું. 10 રાજકુમારે પણ તેમની સાથે તેમની જેમ જ અંદર આવવું અને તેમની જેમ જ બહાર જવું. 11 “ ઉજાણીઓમાં તથા મુકરર પર્વોમાં દરેક બળદ કે મેંઢા દીઠ ખાદ્યાર્પણ તરીકે સત્તર કિલો અનાજ અને દરેક ઘેટા દીઠ યથાશકિત અર્પણ ચઢાવવું, એ ઉપરાંત આવા દરેક ખાદ્યાર્પણ સાથે ત્રણ લીટર તેલ અર્પણ કરવું. 12 “રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.” 13 “દરરોજ યહોવાને દહનાર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષની ઉંમરનો ઘેટો ચઢાવવો, પ્રતિદિન સવારે આ અર્પણ કરવું. 14 એની સાથે દરરોજ સવારે ત્રણ કિલો જેટલો લોટ અને તેને મોહવા માટે એક લિટર જેટલું તેલ ચઢાવવું. આ ખાદ્યાર્પણ યહોવાને ચઢાવવું એ કાયમનો નિયમ છે. 15 દરરોજ સવારે યહોવાને ખાદ્યાર્પણ તરીકે એક ઘેંટુ અને ખાદ્યાર્પણ તથા તેલ ચઢાવવાં.” 16 આ યહોવા મારા માલિકના વચન છે, “જો કોઇ રાજકુમાર પોતાના પુત્રને કઇં ઉપહાર આપે, તો તેના પુત્રની માલિકી ગણાય કારણ કે તે મિલકત કુટુંબની વારસાગત મિલકતનો ભાગ હશે. 17 પણ જો રાજકુમાર એવો ઉપહાર પોતાના કોઇ સેવકને આપે તો તેની માલિકી તે સેવક પાસે ઋણમુકિતના વર્ષ સુધી રહે. અને ત્યાર બાદ તે પાછી રાજા પાસે જાય. એ તેના પુત્રોની મિલકત ગણાય અને તેની માલિકી તેઓની ગણાય. 18 રાજકુમારે લોકોની કોઇ મિલકત લઇ લેવી નહિ, તેણે પોતાને મળેલી જમીનમાંથી પોતાના પુત્રોને જમીન આપવી જેથી મારા લોકોમાંથી કોઇને પોતાની મિલકત ખોવાનો વખત આવે નહિ.” 19 ત્યાર બાદ તે માણસ મને અંદરના ચોકમાં ઉત્તર તરફ યાજકો માટે જુદી રાખેલી ઓરડીઓ આગળ લઇ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ચિમ બાજુએ એક જગ્યા બતાવીને કહ્યું, 20 “આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.” 21 ત્યાર બાદ તે માણસ મને બહારના ચોકમાં લઇ જઇને તેને ચારે ખૂણે લઇ ગયો. એ દરેક ખૂણામાં એકએક ચોક હતો. 22 એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા, 23 એ દરેકની આસપાસ ભીંત હતી અને ભીંતને અડીને રાંધવાના ચૂલાઓ હતા. 24 તે માણસે મને કહ્યું, “આ તો રસોડા છે, જ્યાં મંદિરના સેવકોએ લોકોના બલિદાનો રાંધવાના હતાં.”

47:1 પછી તે માણસ મને મંદિરના ધ્વાર પાસે પાછો લાવ્યો, મેં જોયું તો મંદિરના ઉંબરા તળેથી નીકળીને પાણી પૂર્વ તરફ વહેતું હતું, કારણ, મંદિર પૂર્વાભિમુખ હતું. એ પાણી યજ્ઞવેદીની અને મંદિરની દક્ષિણ બાજુએ થઇને જતું હતું. 2 પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું. 3 હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં. 4 એ પછી તેણે બીજા 1,000 હાથ અંતર માપ્યું અને ફરી મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી ઘૂંટણસમાં હતાં. ફરીથી તેણે એક 1,000 હાથ અંતર માપ્યું, અને મને પાણીમાં ચલાવ્યો, અહીં પાણી કમરસમાં હતાં. 5 બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ. 6 તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.” 7 ત્યાર બાદ તે મને પાછો નદીને કાંઠે લઇ ગયો અને મેં જોયું તો બંને કાંઠે પુષ્કળ વૃક્ષો ઊભાં હતાં. 8 તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે. 9 જ્યાં જ્યાં એ પાણી વહેશે ત્યાં ત્યાં બધી જાતના પ્રાણીઓ અને માછલાંઓ ઉભરાવા માંડશે. એ પાણીનો ઝરો મૃતસરોવરના પાણીને મીઠું બનાવી દેશે. અને એ જ્યાં જ્યાં થઇને વહેશે ત્યાં જીવન ફેલાવશે. 10 મૃતસમુદ્રના કાંઠે માછીમારો ઊભા રહેશે અને એન-ગેદીથી છેક એન-એગ્લાઇમ સુધી સર્વ જગ્યાએ માછલાં પકડશે. તેનો કિનારો માછલી પકડવાની જાળો પાથરવાનું સ્થળ બની રહેશે અને ત્યાં મોટા સમુદ્રમાં છે તેમ વિવિધ પ્રકારની માછલીઓ હશે. 11 પરંતુ કાંઠે આવેલા કાદવકીચડના તથા તળાવોના પાણી મીઠાં નહિ થાય, પણ મીઠું બનાવવાના કામમાં આવશે. 12 એ નદીના બંને કાંઠાઓ ઉપર બધાં ફળઝાડો ઊગી નીકળશે, તેમના પાંદડાં કરમાશે નહિ અને તેમને ફળ આવતાં કદી અટકશે નહિ. દર મહિને તેમને નવા ફળ આવશે, કારણ, તેમને મળતું પાણી મંદિરમાંથી આવે છે, તેમના ફળ ખાવા માટે છે અને પાંદડાં દવા માટે છે.” 13 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે. 14 સર્વ કુળોને સરખો ભાગ મળશે, કારણ કે તમારા પિતૃઓને આ દેશ આપવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી અને તેમને તેનો વારસો મળશે. તેની હદ આ પ્રમાણે છે: 15 “ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી હેથ્લોન અને સદાદમાંથી પસુર થઇને, 16 હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે. 17 આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે. 18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે. 19 “દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે. 20 “પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે. 21 “ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો. 22 તમારા પોતાના માટે અને તમારી મધ્યે પોતાના કુટુંબો સાથે વસતા પરદેશીઓ માટે આ દેશને વતન તરીકે વહેંચી આપવો. આ દેશમાં જન્મેલા વિદેશી માતાપિતાના બાળકો પણ દેશના વતની કહેવાશે. તમારા બાળકોની જેમજ તેઓને એક સરખા અધિકારો મળશે. 23 વિદેશીઓ જે જાતિ વંશની ભેગા વસતા હોય તેની સાથે તેમને પણ ભાગ મળવો જોઇએ.” આ મારા માલિક યહોવાના વચન છે.

48:1 “હવે કુળોનાં નામ અને તેઓને મળનાર પ્રદેશની વિગતો નીચે પ્રમાણે છે. ઉત્તરની સરહદે દાન કુળ; ભૂમધ્ય સમુદ્રની ઇશાનથી હમાથના કાંઠા સુધી, હસાર-એનાન, અને દક્ષિણે આવેલા દમસ્ક અને ઉત્તરે આવેલા હમાથની વચ્ચે સુધી તે પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ તરફની આ સરહદો છે. 2 આશેરનો વિસ્તાર દાનની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો પણ તેના જેવી જ છે. 3 આશેરની સરહદની લગોલગ પૂર્વ બાજુથી તે છેક પશ્ચિમ બાજુ સુધીનો એક ભાગ નફતાલીનો. 4 પછી મનાશ્શા કુળનો પ્રદેશ નફતાલીની દક્ષિણે છે અને તેની પૂર્વની અને પશ્ચિમની સરહદો તેના જેવી જ છે. 5 મનાશ્શાની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ એફ્રાઇમનો પ્રદેશ છે. 6 એફ્રાઇમની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ રૂબેનનો પ્રદેશ છે. 7 રૂબેનની સરહદને અડીને પૂર્વથી પશ્ચિમ સુધીનો એક ભાગ યહૂદાનો પ્રદેશ છે. 8 “એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે. 9 આમાંથી યહોવાને સમર્પણ કરેલો વિસ્તાર 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો હશે. 10 આ પવિત્ર ભૂમિમાંથી યાજકોને એક ભાગ મળશે. ઉત્તરદક્ષિણ 25,000 હાથ અને પૂર્વપશ્ચિમ 10,000 હાથ, એ ભાગના મધ્યસ્થાને યહોવાનું મંદિર આવશે. 11 આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માગેર્ ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માગેર્ ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી. 12 આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે. 13 “યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે. 14 આ ખાસ પ્રકારની ભૂમિનો કોઇ પણ ભાગ વેચવામા આવશે નહિ, તેમજ વેપાર કરવામાં અથવા વિદેશીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે નહિ. કારણ કે આ શ્રેષ્ઠ ભૂમિ યહોવાની છે અને તે પવિત્ર છે. 15 “બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે. 16 શહેર ચોરસ હોય અને તેની ચારે બાજુ 4,500 હાથની જમીન હોય. 17 નગરની ઉતરથી પશ્ચિમ તરફ 250 હાથ પહોળી ખુલ્લી જમીન રહેશે; તે ઘાસચારાની જમીન બનશે. 18 પવિત્રભૂમિની પાસેના ભાગમાં શહેર બાંધ્યા પછી બાકી રહેલી જમીન-10,000 હાથ પૂર્વમાં અને 10,000 હાથ પશ્ચિમમાં તે શહેરમાં કામ કરતાં લોકો દ્વારા ખેતીવાડી માટે ઉપયોગ કરવામાં આવશે. 19 શહેરમાં કામ કરતો કોઇ પણ માણસ, પછી તે ગમે તે વંશનો હોય, એ જમીન ખેડી શકે છે. 20 “આ સમગ્ર વિસ્તાર, પવિત્ર ભૂમિ અને શહેરને પણ સમાવતો સમગ્ર વિસ્તાર, ચોરસ હશે અને તેની દરેક બાજુ 25,000 હાથની જમીન હશે. 21 “આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. 22 રાજાની માલિકીના આ પ્રદેશોની મધ્યમાં ત્યાં લેવીઓનો વિસ્તાર અને નગરનો વિસ્તાર આવશે. રાજકુમારની માલિકીનો આ વિસ્તાર યહૂદા અને બિન્યામીનના પ્રદેશની વચ્ચે હશે. 23 “બાકીનાં કુળોને આપવામાં આવેલો જમીનનો ભાગ આ પ્રમાણે છે: ઇસ્રાએલ દેશની પૂર્વ સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો એક ભાગ બિન્યામીનનો. 24 બિન્યામીનના વિસ્તારની દક્ષિણે આવેલો એક ભાગ શિમયોનનો. બંનેની પૂર્વથી પશ્ચિમની સરહદ એક જ હશે. 25 તેની પાસે ઇસ્સાખારનો વિસ્તાર, પૂર્વથી પશ્ચિમ સુધી શિમયોનની સરહદની દક્ષિણે હશે. 26 ઝબુલોનનો જે પ્રદેશ છે તે પૂર્વથી પશ્ચિમ સુધી ઇસ્સાખારની સરહદની દક્ષિણે હશે. 27 ગાદનો પ્રદેશ પૂર્વથી પશ્ચિમ સુધી ઝબુલોનની દક્ષિણે હશે. 28 “ગાદના પ્રાંતની દક્ષિણ સરહદ તામારથી મરીબાથ કાદેશનાં રણદ્વીપ સુધી અને પછી વાયવ્ય દિશામાં મિસરની સરહદથી ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. 29 યહોવા મારા માલિકે કહ્યું, “આ રીતે તમારે ઇસ્રાએલના વંશજોને જમીન વહેંચવી જોઇએ અને આ એમના હિસ્સા ગણાશે.” 30 “નગરના દરવાજા આ પ્રમાણે છે: ઉત્તરની સરહદ 4,500 હાથ લાંબી છે. 31 નગરના દરવાજાના નામ ઇસ્રાએલનાં કુળોનાં નામો પ્રમાણે રાખવા; ઉત્તરે ત્રણ દરવાજા એક રૂબેનનો દરવાજો, એક યહૂદાનો દરવાજો, અને એક લેવીનો દરવાજો; 32 પૂર્વ બાજુની દિવાલનું માપ 4,500 હાથ હશે. તેના ત્રણ દરવાજાઓ: યૂસફનો દરવાજો, બિન્યામીનનો દરવાજો અને દાનનો દરવાજો. 33 “દક્ષિણ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે. તેના ત્રણ દરવાજા શિમયોનનો દરવાજો, ઇસ્સાખારનો દરવાજો અને ઝબુલોનનો દરવાજો. 34 “પશ્ચિમ બાજુની દિવાલની લંબાઇ 4,500 હાથ છે અને તેના ત્રણ દરવાજા ગાદનો દરવાજો, આશેરનો દરવાજો, અને નફતાલીનો દરવાજો. 35 “ચારે તરફ દિવાલની લંબાઇ 18,000 હાથ છે, અને તે સમયથી શહેરને ‘યહોવા શામ્માહ’ નામ પડશે જેનો અર્થ છે, “યહોવા ત્યાં છે.”