Hebrews

1:1 ભૂતકાળમાં દેવ આપણા પૂર્વજો સાથે પ્રબોધકો દ્ધારા અનેકવાર અનેક પ્રકારે બોલ્યો હતો. 2 અને હવે આ છેલ્લા દિવસોમાં દેવ જે કઈ બોલ્યો તે તેના પુત્ર દ્ધારા આપણી સાથે બોલ્યો છે. દેવે આખી દુનિયા તેના પુત્ર દ્ધારા બનાવી અને તેમાંનું બધું જ દેવે પોતાના પુત્ર દ્ધારા ઉત્પન્ન કર્યું છે. અને પુત્રને સર્વસ્વમાં વારસ, અને માલિક ઠરાવ્યો છે. 3 તે તેના ગૌરવનું તેજ તથા દેવની પ્રકૃતિના આબેહૂબ પ્રતિમા છે. તે પ્રત્યેક વસ્તુઓને પોતાના પરાક્રમી શબ્દો સાથે નિભાવી રાખે છે. પુત્રએ લોકોના પાપોનું શુદ્ધિકરણ કર્યું પછી તે મહાન દેવની જમણી બાજુએ આકાશમાં ઉચ્ચસ્થાને બિરાજમાન છે. 4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે. 5 દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે:“તું મારો પુત્ર છે; અને આજથી હું તારો પિતા બનું છું.” ગીતશાસ્ત્ર 2:7દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે,“હું તેનો પિતા હોઇશ, અને તે મારો પુત્ર હશે.” 2 શમુએલ 7:14 6 જ્યારે પ્રથમજનિતને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે, “દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.”પુનર્નિયમ 32:43 7 વળી દૂતો સંબંધી દેવ કહે છે કે: “દેવ પોતાના દૂતોને વાયુજેવા બનાવે છે, અને દેવ તેના સેવકોને અગ્નિની જવાળા જેવા બનાવે છે.” ગીતશાસ્ત્ર 104:4 8 પણ દેવ તેના પુત્ર વિષે કહે છે કે: “ઓ દેવ, તારું રાજ્યાસન, સનાતન સદાય રહેશે. તું જગત પર ન્યાયી રાજ્યશાસન કરશે. 9 તું સત્યને ચાહે છે, અને ખોટાનો દ્ધેષ કરે છે. તેથી, દેવે, તારા દેવે તને મહા મોટો આનંદ આપ્યો છે. અને બીજા કોઈ સાથીઓ કરતાં તને વધારે મહત્વનું સ્થાન આપ્યું છે.” ગીતશાસ્ત્ર 45:6-7 10 દેવ એમ પણ કહે છે કે, “હે પ્રભુ, શરૂઆતમાં તેં પૃથ્વીનું સર્જન કર્યુ. અને આકાશ તારા હાથની કૃતિ છે. 11 આ બધીજ વસ્તુઓ નષ્ટ થઈ જશે, બધીજ વસ્તુઓ ફાટેલા જૂનાં વસ્ત્રો જેવી ર્જીણ થઈ જશે. પણ તું કાયમ રહે છે. 12 તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે. અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે. પરંતુ તું બદલાશે નહિ, તું સદાકાળ એવોને એવો જ રહેશે.” ગીતશાસ્ત્ર 102:25-27 13 દેવે પોતાના દૂતને આ કદી નથી કહ્યું કે: “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારા પગ તળે કચડી ના નાખું ત્યાં સુધી તું મારી જમણી બાજુ બિરાજમાન થા.” ગીતશાસ્ત્ર 110:1 14 બધા જ દૂતો તો દેવની સેવા કરનાર આત્માઓ છે અને તારણ પામનાર મનુષ્યોની સેવા કરવા માટે તેઓને મોકલવામાં આવે છે.

2:1 આથી આપણને જે કઈ સત્ય શીખવવામાં આવ્યું છે તેના તરફ ખૂબજ કાળજીપૂર્વક ધ્યાન આપવું જોઈએ જેથી આપણે સત્યના માર્ગથી દૂર ફંટાઇ ન જઇએ. 2 દેવે દૂતો દ્ધારા જે શિક્ષણ આપ્યું તે સત્ય કરી બતાવ્યું હતું. અને દરેક વખતે જ્યારે યહૂદિ લોકો આ શિક્ષણની વિરૂદ્ધમા કંઈક કરતા તો તેમને આજ્ઞાભંગ માટે શિક્ષા કરવામાં આવતી હતી. 3 જે તારણ આપણને આપવામાં આવેલું છે તે અતિ મહાન છે તેથી ખાતરી પૂર્વકની વાત છે કે જો આપણે પણ તારણની ઉપેક્ષા કરીશું તો આપણને પણ શિક્ષા થશે. પ્રભુએ પોતે લોકોને પ્રથમ તારણની વાત કરી. અને જેમણે તેનું સાંભળ્યું તેમણે એ સાક્ષી પૂરી કે આ તારણ તે સાચું તારણ છે. 4 દેવે પોતે પણ આ સત્યતાને, ચિહ્રનો, અદભૂત કૃત્યો, જુદા જુદા ચમત્કારો અને ભેટો વડે પ્રમાણિત કરી છે, અને તેની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા તરફથી દાન મેળવીને સાક્ષી આપતો રહ્યો છે. 5 નવી દુનિયા જે આવી રહી હતી તેના ઉપર શાસન કરવા દેવે દૂતોને પસંદ કર્યા નહિ. આપણે જે ભવિષ્યની દુનિયાની વાત કરીએ છીએ તે આ દુનિયા છે. 6 તેમાં કોઈક જગાએ શાસ્ત્રોમાં લખ્યું છે કે, “હે દેવ તું માણસોની શા માટે દરકાર કરે છે? મનુષ્ય પુત્રની પણ શા માટે દરકાર કરે છે? શું તે એટલો બધો અગત્યનો છે? 7 થોડા સમય માટે તેં તેને દૂતો કરતાં ઊતરતો ગણ્યો છે. તેં તેને ગૌરવ તથા માનનો મુગટ આપ્યો છે. અને તારા હાથનાં કામ પર તેને અધિકાર આપ્યો છે. 8 સમગ્ર સૃષ્ટિ તેં તેના પગ તળે મૂકી છે.” ગીતશાસ્ત્ર 8:4-6તેં તેના પગ તળે સઘળું મૂક્યું છે. તો સઘળું તેને સ્વાધીન કરવાથી તેને સ્વાધીન ન કર્યું હોય તેવું તેણે કશુંય રહેવા દીધું નથી. પણ સઘળું તેને સ્વાધીન કર્યું, એમ હજુ સુધી આપણી દષ્ટિએ દેખાતું નથી. 9 થોડા સમય માટે ઈસુને દૂતો કરતાં ઊતરતો બનાવ્યો હતો, પણ હવે આપણે તેને મહિમા અને માનનો મુગટ પહેરેલો જોઈએ છીએ કારણ કે તેણે મરણનું દુ:ખ સહન કર્યું અને દેવની દયાથી મરણનો અનુભવ સમગ્ર માનવજાત માટે કર્યો હતો. 10 દેવે સર્વસ્વ બનાવ્યું છે. અને તે પોતાના મહિમાને અર્થે બનાવ્યું છે. આ મહિમામાં ઘણા લોકો ભાગ લે તેવું દેવ ઇચ્છતો હતો. તેથી દેવને એક (ઈસુ) પરિપૂર્ણ તારનાર બનાવવો પડ્યો જે ઘણા લોકોને તેમના તારણ તરફ દોરી જાય છે. અને તે ઘણાને તે મુક્તિમાર્ગે દોરી ગયો. દેવે તે કર્યું. 11 જે એક (ઈસુ) લોકોને પવિત્ર બનાવે છે અને જે લોકો પવિત્ર બનાવાયા છે તે એક જ પરિવારના છે. એટલે તે (ઈસુ) તેઓને પોતાના ભાઈઓ અને બહેનો કહેતાં જરાપણ શરમ અનુભવતો નથી. 12 ઈસુ કહે છે. “હે દેવ, હું મારા ભાઈઓ અને બહેનોને તારા વિષે કહીશ. તારા સર્વ લોકો આગળ હું તારાં સ્તોત્રો ગાઇશ.” ગીતશાસ્ત્ર 22:22 13 તે એમ પણ કહે છે, “હું દેવ પર ભરોસો રાખીશ” યશાયા 8:17અને તે કહે છે, “દેવે મને આપેલા બાળકો અને હું અહીંયા છીએ.” યશાયા 8:18 14 તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે. 16 એ સ્પષ્ટ છે કે ઈસુ દૂતોને નહિ, પરંતુ મનુષ્યો જે ઇબ્રાહિમનાંસંતાનો છે તેમને મદદ કરે છે. 17 આ કારણે ઈસુ ખ્રિસ્ત પોતાના ભાઈઓ અને બહેનોમાં બધા બાબતોમાં સમાન બને એ જરુંરી હતું, એ માટે તે આપણા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે એવો દયાળુ અને આપણા લોકોના પાપનું પ્રાયશ્ચિત કરીને દેવ સમક્ષ સજા ભોગવે એવો વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. 18 ઈસુ જે લોકો પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓને મદદ કરવા શક્તિમાન છે કારણ કે તે પોતે જાતે યાતનાઓમાંથી પસાર થયો હતો અને તેનું પરીક્ષણ થયું હતું.

3:1 તેથી તમારે બધાએ ઈસુ વિષે વિચાર કરવો જોઈએ. દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો અને તે આપણા વિશ્વાસનો પ્રમુખ યાજક છે. હું તમને આ કહું છું, મારા પવિત્ર ભાઈઓ અને બહેનો, તમને સર્વને દેવે તેડ્યા છે. 2 દેવે ઈસુને આપણી પાસે મોકલ્યો છે અને તેને આપણો મુખ્ય યાજક બનાવ્યો છે. મૂસાની જેમ ઈસુ પણ દેવને વફાદાર હતો. દેવના ઘરમાં દેવ તેની પાસે જે કરાવવા ઈચ્છતો હતો તે બધું તેણે કર્યું. 3 જ્યારે મનુષ્ય મકાન બાંધે છે, ત્યારે લોકો મકાન બાંધનારને ખુબ માન આપે છે. તેમ ઈસુ મૂસા કરતાં માન આપવાને વધુ યોગ્ય ઠર્યો. 4 દરેક મકાન કોઈ એક મનુષ્ય બાંધે છે, પરંતુ દેવે તો આખી દુનિયાનું સર્જન કર્યું છે. 5 મૂસા સેવકની જેમ ખૂબજ વફાદાર હતો. દેવ જે ભવિષ્યમાં કહેવાનો છે તે (મૂસાએ) તેણે કહ્યું. 6 પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આપણે વિશ્વાસીઓ દેવનું ઘર (કુટુંબ) છીએ. જો આપણે અંત સુધી હિંમત તથા આશાનું અભિમાન ચાલુ રાખીએ, તો આપણે દેવનું ઘર છીએ. 7 એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ: “જો તમે આજે દેવની વાણી સાંભળો તો, 8 ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ, અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો. 9 મેં જે કઈ કર્યું તે તમારા લોકોએવરસ સુધી અરણ્યમાં જોયું. છતાં તેઓએ મારી ધીરજની કસોટી કરી. 10 તેથી હું તે લોકો પર રોષે ભરાયો. અને મેં કહ્યું, ‘તેઓ તેમના હ્રદયમાં જે વિચારે છે તે હંમેશા ખોટું જ છે. તેઓને મારા માર્ગોની કદી પણ સમજણ પડી નથી.’ 11 તેથી ગુસ્સે થઈ મેં પ્રતિજ્ઞા કરી: ‘તેઓ મારા વિસામામાં કદી પ્રવેશ કરી શકશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:7-11 12 માટે હે ભાઈઓ અને બહેનો, તમે સાવધ રહો. રખેને તમારામાંના કોઈનું હ્રદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય, અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. 13 પણ જ્યાં સુધી ‘આજ’ કહેવાય છે, ત્યાં સુધી તમે દિનપ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હ્રદયનો ન થાય અને દેવ વિરૂદ્ધનો બને નહિ. 14 કેમ કે પ્રથમ જે વિશ્વાસ કર્યો હતો તેમાં ટકી રહીને જો આપણે અંત સુધી વિશ્વાસ રાખીશું તો ખ્રિસ્તની સાથે સર્વસ્વના ભાગીદાર બનીશું. 15 શાસ્ત્રમાં કહેલું છે કે: “જો આજે તમે દેવની વાણી સાંભળો, તો અરણ્યમાં જેમ ઇસ્ત્રાએલ પ્રજાએ જે રીતે દેવ વિરૂદ્ધ બળવો કર્યો, તેમ તમે તમારા હ્રદય દેવ વિરૂદ્ધ કઠોર કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8 16 દેવની વાણી સાંભળ્યા છતાં જેમણે તેની વિરૂદ્ધ બંડ પોકાર્યું. એ કયા લોકો હતા? મૂસાની આગેવાની હેઠળ ઇજીપ્તમાંથી નીકળી આવનાર તે લોકો હતા. 17 અને 40 વરસ સુધી દેવ કોના ઉપર ક્રોધાયમાન થયો? એ જ ઈસ્રાએલી લોકો કે જેઓ પોતાના પાપને કારણે અરણ્યમાં જ મરણ પામ્યા. 18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ. 19 અને આપણે જોઈએ છીએ કે એ લોકો પ્રવેશ કરી શક્યા નહિ. અને દેવનો વિશ્રામ મેળવવા તેઓ શક્તિમાન નહોતા. શા માટે? કારણ કે તેઓએ દેવ પર વિશ્વાસ કર્યો નહિ.

4:1 દેવે તૈયાર કરેલ વિશ્રાંતિનું વચન હજી મોજૂદ રહ્યું છતાં આપણામાંથી કોઈક ત્યાં પ્રવેશ મેળવવા નિષ્ફળ ન જાય માટે આપણે સાવચેત રહેવું જોઈએ. 2 કેમ કે દેવ આપણું તારણ કરવા ઇચ્છે છે, એ સુવાર્તા જેમ આપણને આપવામાં આવી છે, તેમ તે સમયના ઈસ્રાએલના લોકોને પણ આપવામાં આવી હતી તેમ છતાં તે સુવાર્તા તેમને કોઈ પણ રીતે લાભકર્તા નીવડી નહિ કારણ કે તેઓએ તે સુવાર્તા સાંભળ્યા છતાં વિશ્વાસથી તેનો સ્વીકાર કર્યો નહિ. 3 અમે જેઓએ તેનો સ્વીકાર કર્યો તે દેવના વિશ્રામમાં પ્રવેશ પામ્યા. દેવે જેમ કહ્યું છે, “મેં મારા ક્રોધમાં સમ ખાધા કે: તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 95:11દેવે આ કહ્યું. પણ સંસારની ઉત્પત્તિ કર્યા બાદ દેવનું કામ પૂરું થઈ ગયું હતું. 4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમાદિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” 5 ઉપર જણાવેલ સંબંધમાં પણ તેણે કહ્યું છે, “તેઓ કદી પણ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ. 6 તે હજુ પણ સત્ય છે કે કેટલાએક દેવના વિશ્રામમાં પ્રવેશ પામશે. અને તેઓ કે જેઓને સુવાર્તા સાંભળવાની પ્રથમ તક મળી. પરંતુ તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શક્યા નહિ. 7 પરંતુ દેવે આ માટે બીજો દિવસ નક્કિ કર્યો. અને તે “આજનો દિવસ” કહેવાય છે. દેવે આ દિવસની આગાહી ઘણા વર્ષો બાદ દાઉદ રાજા મારફતે કરી હતી. તેવું પવિત્રશાસ્ત્રમાં બતાવ્યું છે જેનો અમે હમણાં ઉલ્લેખ કર્યો: “આજે જો તમે દેવની વાણી સાંભળો, તો જેમ ભૂતકાળમાં કર્યુ તેમ તમારું હ્રદય તેની વિરૂદ્ધ કઠણ કરશો નહિ.” ગીતશાસ્ત્ર 95:7-8 8 આપણે જાણીએ છીએ કે યહોશુઆ લોકોને વિસામા તરફ દોરી ગયો હોત તો દેવે બીજા એક દિવસની વાત કરી ન હોત. 9 આ બતાવે છે કે જે દેવના લોકો માટેના વિશ્રામનો સાતમો દિવસ હજુય બાકી રહે છે. 10 દેવે પોતાનાં કામો કર્યા પછી વિશ્રાંતિ પ્રાપ્ત કરી. તે પ્રમાણે જો કોઈ દેવના વિશ્રામમાં પ્રવેશ મેળવે છે તે એનાં પોતાનાં કામો દ્ધારા વિશ્રામ મેળવી શકે છે. 11 તેથી આવો આપણે પણ એ વિશ્રામમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કરીએ. આપણે સખત પ્રયત્ન કરવો જોઈએ. જેથી જે લોકો આજ્ઞા ભંગ કરી વિશ્રામમાં સ્થાન મેળવવા નિષ્ફળ ગયા તેમ આપણા માટે ન થાય, તેની કાળજી રાખીએ. 12 કેમ કે દેવનો શબ્દ જીવંત છે અને ક્રિયાશીલ છે. બેધારી તરવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને જુદા પાડે છે. સાંધા અને મજ્જાના બે ભાગ કરે છે. અને આપણાં હ્રદયના ઊંડા વિચારોનો ન્યાય કરે છે અને હ્રદયના વિચારો અને ભાવનાઓને પારખનાર છે. 13 આ દુનિયામાં દેવથી કશું જ છુપાવી શકાતું નથી. તે સઘળું સ્પષ્ટ જોઈ શકે છે. તેની સમક્ષ બધુંજ ઉઘાડું છે. અને તેથી આપણે આપણાં બધા જ કૃત્યોનો હિસાબ તેની સમક્ષ આપવો પડશે. 14 દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. જે આપણને મદદ કરવા અર્થે તે આકાશમાં ગયેલો છે. તેમનો વિશ્વાસ કરવામાં આપણે જે વિશ્વાસનો પૂરેપૂરો સ્વીકાર કરીએ છીએ તેને દઢ પણે ચાલુ રાખવો જોઈએ. આપણે કદી પાછા ન પડીએ. 15 ઈસુ, પ્રમુખ યાજક આપણી નિર્બળતાઓ સંપૂર્ણ રીતે સમજે છે, કારણ કે તે પૃથ્વી પર જીવ્યો છે, અને આપણા પર આવે છે તેવા સર્વ પરીક્ષણોમાંથી પસાર થયો છે, તેણે કદી પાપ કર્યુ નથી. 16 તેથી હિંમતપૂર્વક આપણે દેવના કૃપાસન સુધી પહોંચીએ જ્યાં કૃપા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ત્યાં આપણને દયા અને કૃપાની જ્યારે જરુંર હોય છે ત્યારે મદદમાં મળે છે.

5:1 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. 2 પ્રમુખ યાજકમાં પણ લોકો જેવી જ નિર્બળતાઓ છે. તેથી બીજાની નિર્બળતાઓ સમજે છે અને અણસમજુ અને ભૂલ કરનાર લોકો સાથે તે માયાળુપણે વર્તે છે. 3 તેથી પ્રમુખ યાજકને પોતાની નિર્બળતાઓ છે. તેથી તે લોકોનાં પાપો માટે તથા પોતાનાં પાપો માટે બલિદાન અર્પણ કરે છે. 4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. 5 ઈસુ ખ્રિસ્તે પણ પોતાની જાત માટે પ્રમુખ યાજક થવાની અને મહિમા પ્રાપ્ત કરવા માટે પસંદગી કરી નહોતી. પરંતુ દેવે તેને પસંદ કર્યો. દેવે ખ્રિસ્તને કહ્યું, “તું મારો પુત્ર છે; આજે હું તારો પિતા બન્યો છું.” ગીતશાસ્ત્ર 2:7 6 અને શાસ્ત્રમાં દેવે એક જગ્યાએ એમ પણ કહ્યું હતું કે, “તું મલ્ખીસદેકની માફક સનાતન યાજક રહીશ.” ગીતશાસ્ત્ર 110:4 7 ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે તેણે દેવને તેની મદદ માટે મોટે ઘાટે પ્રાર્થના કરી, અને આંસુ સહિત મરણમાંથી તેને છોડાવનાર દેવની પ્રાર્થના કરી. તે દરેક સમયે દેવની ઈચ્છા પ્રમાણે જ કરતો તેથી દેવે તેની પ્રાર્થના સાંભળી. 8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. 9 આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો. 10 અને દેવે ઈસુને મલ્ખીસદેકના ધારા પ્રમાણે પ્રમુખયાજકનું નામ આપ્યું. 11 આ વિષે અમારે તમને ઘણુંજ કહેવાનું છે. પરંતુ તે સમજાવવું ઘણું અઘરું છે કારણ કે તમે સમજવાની કોઈ જ ઈચ્છા દર્શાવી નથી. 12 જો કે આ સમયે તો તમારે ઉપદેશક થવું જોઈતું હતું. પરંતુ આ સમયે એવું દેખાય છે કે બીજા લોકો તમને ફરીથી દેવના વચનનાં મૂળતત્વો શીખવે. તમારે ભારે ખોરાક નહિ પરંતુ દૂધની જરુંરીયાત છે એવા તમે થયા છો. 13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. 14 પણ જેઓ પુખ્ત ઉંમરના છે. એટલે જેઓની ઈન્દ્રિયો ખરું ખોટું પારખવામાં કેળવાયેલી છે, તેઓને સાંરું ભારે ખોરાક છે. તેથી આત્મિક જીવનમાં વૃદ્ધિ પામ્યા સિવાય તમે ભારે ખોરાક એટલે કે જ્ઞાન પચાવી શકશો નહિ.

6:1 હવે આપણે ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની ચર્ચા બંધ કરવી જ જોઈએ. જ્યાંથી શરુંઆત કરી, ત્યા આપણે પાછા ન ફરીએ જેમ કે મૃત્યુ તરફ લઈ જતાં સારાં કર્મોથી દેવમાં વિશ્વાસ મૂકો. 2 વળી બાપ્તિસ્માવિષે તે વખતે આપણને શીખવવામાં આવ્યું હતું. અને લોકો ઉપર હાથ મૂકવાથી અને મૃત્યુ પછી ફરી સજીવન થવું અને અનંતકાળના ન્યાયકરણ વિષે આપણને શીખવવામાં આવ્યું હતું, પણ આપણને વધુ ઉચ્ચ કક્ષાના શિક્ષણની જરુંર છે. 3 અને જો દેવની ઈચ્છા હશે તો અમે એ પણ કરીશું. 4 જે લોકો એક વખત સત્ય જાણવા આવ્યા, જેમને સ્વર્ગીય દાનોનો અનુભવ થયો, પવિત્ર આત્માના દાનની ભાગીદારી અને દેવના સંદેશના સૌંદર્યનો અનુભવ કરાવ્યો. અને દેવની નવી દુનિયાની મહાન સત્તાને જોઈ. પછી આ બધું હોવા છતાં તેઓનું પતન થયું. તેમના જીવનનું તેમના માટે પરિવર્તન ફરીથી કરવું અશક્ય છે, શા માટે? કારણ કે આ લોકો ખરેખર દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે. લોકો સમક્ષ તેનું અપમાન કરે છે. 5 6 7 આ લોકો તે ભૂમિ જેવા છે જે તેના પર વારંવાર પડતા વરસાદનું તે શોષણ કરે છે. જેઓ તેને ખેડે છે અને તેની કાળજી રાખે છે તેઓ ઉપયોગી પાકની પ્રાપ્તિ માટે આશા રાખે છે. જો તે ભૂમિ આવો પાક પેદા કરશે તો દેવનો આશીર્વાદ તેના પર ઉતરશે. 8 પણ જો એ જમીન કાંટા અને ઝાંખરા ઉગાડ્યા કરે તો છેવટે બિનઉપયોગી અને શ્રાપિત થઈ બળી જશે. 9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. 10 પ્રભુ ન્યાયી છે. કારણ કે દેવના લોકો માટે તમે જે કંઈ કાર્યો કર્યા છે, તે દેવ ભૂલી શકે નહિ. તમે સંતો પર દર્શાવેલ પ્રેમ અને હાલ જેમની સેવા કરો છો તે બધું દેવ ભૂલી શકે નહિ. 11 અમે ઈચ્છા રાખીએ છીએ કે તમે દરેક જણ છેવટ સુધી આ પ્રમાણે ઉત્સાહ બતાવવાનું ચાલુ રાખશો જ્યાં સુધી આશા પૂર્ણ થાય. તમે જે કઈ ઇચ્છો છો તે મેળવી શકો. 12 અમે એ નથી ઈચ્છતા કે તમે આળસુ બનો. અમે ઈચ્છીએ છીએ કે જે લોકો દેવે આપેલ વચન મુજબનાં વાનાં મેળવે છે તેમના જેવા તમે બનો. તે લોકો દેવનાં વચનો પ્રાપ્ત કરે છે કારણ કે તેઓમાં વિશ્વાસ અને ધીરજ છે. 13 દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા. 14 દેવે કહ્યું. “હું તનેનક્કી ઘણાજ આશીર્વાદો અને ઘણા જ સંતાનો આપીશ.” 15 એ વચન પરિપૂર્ણ થાય, ત્યાં સુધી ઈબ્રાબિમે ઘણી જ ધીરજ રાખી. અને દેવે જે વચન આપ્યું હતું, તે ઈબ્રાહિમે મેળવ્યું. 16 માણસ પોતાના કરતાં મહાન વ્યક્તિના નામે શપથ લે છે. અને શપથથી સઘળી તકરારોનો અંત આવે છે. 17 દેવને એ ખાતરી કરાવવી હતી કે તેણે આપેલ વચન સત્ય હતું. તેને એ સાબિત કરવું હતું કે તેણે જેને જે વચન આપ્યાં છે તે તેઓ પ્રાપ્ત કરશે કારણ તેનો નિર્ણય બદલી શકાય તેમ નથી. તેથી વચનના પાલન સંબધી સંપૂર્ણ ખાતરી માટે દેવ પોતે પણ શપથથી બંધાયો છે. 18 પેલી બે વસ્તુ કદી બદલાતી નથી. એક તો દેવ કઈક કહે છે ત્યારે તે કદી અસત્ય હોતું નથી અને જ્યારે તે સમ લે છે ત્યારે તે જૂઠા હોઈ શકે નહિ.આ બે બાબતો આપણને દિલાસો આપે છે કે આશાને વળગી રહેવા દેવ પાસે આશ્રય માટે આવનારને સલામતી આશ્રય અને સામથ્યૅ મળે છે. 19 આ આશા આપણા આત્માઓના એક મજબૂત અને વિશ્વાસ યોગ્ય લંગર સમાન છે. વળી તે આપણને સૌથી પવિત્ર સ્થાનના પડદા પાછળ રહેલાં સ્વર્ગીય મંદિરમાં દેવ સાથે બાંધે છે. 20 ઈસુ ખ્રિસ્તે સ્વર્ગીય સ્થાનમાં આપણી અગાઉ પ્રવેશ કર્યો છે. અને આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે અને મલ્ખીસદેકના ધારા પ્રમાણે તે હંમેશને માટે આપણો પ્રમુખયાજક થયો છે.

7:1 આ મલ્ખીસદેક શાલેમનો રાજા હતો તથા તે પરાત્પર દેવનો યાજક હતો. ઘણા રાજાઓને હરાવીને ઈબ્રાહિમ પાછો આવી રહ્યો હતો, ત્યારે મલ્ખીસદેક તેને મળ્યો. અને મલ્ખીસદેક ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો. 2 ઈબ્રાહિમ પાસે લડાઇમાં જે કંઈ હતું તે બધામાંથી તેનો દશમો ભાગ તેણે મલ્ખીસદેકને આપ્યો.મલ્ખીસદેક શાલેમ નગરનો રાજા છે. તેના બે અર્થ થાય છે પહેલો અર્થ, મલ્ખીસદેક એટલે “ભલાઈનો રાજા.” અને “શાલેમનો રાજા,” એટલે “શાંતિનો રાજા” પણ છે. 3 મલ્ખીસદેકના માતાપિતા વિશે કોઈને જ ખબર નથી અને તેના પૂર્વજો વિષે પણ કોઈ જ માહિતી નથી, તે ક્યારે જન્મ્યો અને ક્યારે મરણ પામ્યો તે પણ કોઈ જાણતું નથી, પણ તે દેવના પુત્ર જેવો છે અને સદા યાજક તરીકે રહે છે. 4 આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો. 5 નિયમશાસ્ત્ર કહે છે કે લોકો લેવી પુત્રમાંથી એટલે પોતાના ભાઈઓમાંથી બનેલા યાજકોને દશાંશ આપે. યાજકો અને લોકો પછી ભલે તે ઈબ્રાહિમના પરિવારના હોય તો પણ તેમની પાસેથી દશાંશ એકઠા કરે. 6 મલ્ખીસદેક લેવી કુટુંબનો નહોતો. છતાં તેને ઈબ્રાહિમ પાસેથી દશમો ભાગ મળ્યો. ઈબ્રાહિમે દેવ પાસેથી આશીર્વાદ મેળવ્યા છતાં મલ્ખીસદેક તેને આશીર્વાદ આપ્યો. 7 આશીર્વાદ આપનાર વ્યક્તિ આશીર્વાદ પામનાર કરતાં વધુ મહાન હોય છે તે સર્વ કોઈ જાણે છે. 8 અહીં ર્મત્યે માણસો દશમો ભાગ લે છે, પણ ત્યાં જેના સંબંધી તે જીવતો છે એવી સાક્ષી આપેલી છે, તે લે છે. 9 વળી એમ પણ કહી શકાય કે, જે લેવીનો દશમો ભાગ લે છે, તેણે પણ ઇબ્રાહિમની મારફતે દશમો ભાગ આપ્યો. 10 કેમ કે જ્યારે મલ્ખીસદેક તેના પિતાને મળ્યો, ત્યારે લેવી હજી પોતાના પિતાની કમરમાં હતો. 11 હવે જો લેવીના યાજક પદથી પરિપૂર્ણતા થઈ હોત. (જેના મારફત લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું) તો હારુંનના ધારા પ્રમાણે ગણાયેલો નહિ એવો બીજો યાજક મલ્ખીસદેકના ધારા પ્રમાણે ઉત્પન્ન થવાની શી અગત્ય હતી? 12 કારણ કે યાજકપદ બદલાયાથી નિયમ પણ બદલવાની અગત્ય છે. દેવ જ્યારે યાજકપદ બદલે છે ત્યારે તેને સંકળાયેલા નિયમો પણ બદલે છે. 13 જેના વિષે વાત કરવામાં આવી છે તે કોઈ બીજા કુળના છે. આ કુળની કોઈપણ વ્યક્તિ વેદીનો સેવક નહોતી. સિવાય કે લેવી કુળની વ્યક્તિ હોય. 14 કેમ કે તે સ્પષ્ટ છે કે આપણો પ્રભુ (ખ્રિસ્ત) યહૂદાના કુળમાં જન્મ્યો હતો. અને મૂસાના નિયમ પ્રમાણે યાજકપદની સેવા તેના કુટુંબને સોંપાયેલી નહોતી. 15 મેં જે કંઈ કહ્યું છે તેથી પણ વધારે સ્પષ્ટ થાય છે. કે મલ્ખીસદેક જેવો બીજો યાજક પ્રગટ થઈ રહ્યો છે. 16 એ પોતે માનવ નિયમ કે કાયદાની તાકાતથી યાજક બન્યો ન હતો, પણ અવિનાશી જીવનના સાર્મથ્ય પ્રમાણે યાજક બન્યો છે. 17 શાસ્ત્રોમાં એના વિષે કહેવામાં આવ્યું છે કે: “તું મલ્ખીસદેકહતો તેના જેવો જ સનાતન યાજક છે.” 18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. 19 મૂસાના નિયમશાસ્ત્રથી કશું પૂર્ણ થઈ શક્યુ નથી. અને હવે આપણને વધારે સારી આશા છે. અને તે આશા દ્ધારા આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 20 એ વાત પણ એટલી જ અગત્યની છે કે દેવે વચન દ્ધારા ઈસુને પ્રમુખ યાજક બનાવ્યો. જ્યારે બીજા માણસો યાજક બન્યા, ત્યારે દેવે આવા કોઈ સમ લીધા નહોતા. 21 પણ ઈસુ તો દેવના વચન સાથે યાજક બન્યો. દેવે તેને કહ્યું: “પ્રભુએ સમ ખાધા છે, તે તેનો વિચાર કદી બદલશો નહિ: તું સનાતન યાજક છે.” ગીતશાસ્ત્ર 110:4 22 તેથી દેવના સમ દર્શાવે છે કે તેના લોકો માટે દેવ તરફથી ઈસુ ઉત્તમ ખાતરીબદ્ધ કરાર છે. 23 અને જ્યારે આવા ઘણા યાજકો હતા ખરા, કારણ કે યાજક વર્ગમાં તેમને ચાલુ રહેતા મૃત્યુએ અટકાવી દીધા હતા. 24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. 25 આથી જે લોકો ખ્રિસ્ત મારફતે દેવની નજીક આવશે તેઓને સંપૂર્ણ રીતે તારવાને સમર્થ છે અનંત અને અમર હોવાથી આ તે કરી શકશે. તેઓ માટે તેમના તરફથી ઈસુ દેવ સમક્ષ મધ્યસ્થતા કરશે. 26 ઈસુ એ પ્રમુખયાજક છે કે જેની આપણને જરુંર છે.તે પવિત્ર છે તેનામાં પાપ નથી. તે શુદ્ધ છે અને કોઈ પણ પાપીઓના પ્રભાવથી દૂર છે અને તેને આકાશથી પણ ઉંચું સ્થાન આપવામાં આવ્યું છે. 27 તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. 28 જૂના નિયમો પ્રમાણે પસંદ કરવામાં આવતા પ્રમુખ યાજકો નિર્બળ અને અધૂરા હતા. પરંતુ દેવના સમનું વચન નિયમશાસ્ત્ર પછી આપવામાં આવ્યું હતુ. તેણે પોતાના પુત્રને સદાકાળ માટે સંપૂર્ણ પ્રમુખયાજક તરીકે નીમ્યો છે.

8:1 આપણને જે કંઈ મુખ્ય મુદ્દા કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે. ઈસુ ખ્રિસ્ત આપણો પ્રમુખયાજક છે અને તે આકાશમાં દેવ પિતાના રાજ્યાસનની જમણી બાજુએ સર્વશ્રેષ્ઠ સ્થાને બિરાજેલો છે. 2 આપણા પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં ખરા મંડપમાં સેવા કરી રહ્યા છે. જે પવિત્રસ્થાનને દેવે સ્થાપિત કર્યુ છે, નહિ કે લોકોએ. 3 દરેક પ્રમુખયાજક દેવ સમક્ષ અર્પણો અને બલિદાનો લાવવા માટે નિમાયેલા છે કે જે આપણા પ્રમુખયાજકે પણ કઈક સમર્પણ કરવાનું છે. 4 જો આપણા પ્રમુખયાજક આજે પૃથ્વી પર જીવતા હોત તો તે યાજક બન્યા ન હોત, કારણ કે અહીં તો હજુયે નિયમશાસ્ત્ર પ્રમાણે દેવને દાનાર્પણ કરનારા યહૂદિ યાજકો છે. 5 પ્રમુખ યાજક તરીકે તેઓ જે સેવા કાર્ય કરે છે તે તો માત્ર આકાશમાંની વસ્તુઓની પ્રતિછાયા છે, મૂસાએ જ્યારે મંડપ બનાવવાની તૈયારી બતાવી ત્યારે દેવે તેને જણાવ્યું:“પર્વત પર તેં જે મંડપ જોયો છે તે પ્રમાણે જ તું પૃથ્વી પર મંડપની રચના કર.” 6 પણ ખ્રિસ્તને આકાશમાં સોંપાયેલી સેવા જૂના નિયમ પ્રમાણે સેવા કરનાર યાજકો કરતાં ઘણી જ ચઢિયાતી છે અને વધુ ચઢિયાતા વચન પર આધારીત દેવ અને મનુષ્યો વચ્ચે તેમણે સ્થાપેલો નવો કરાર જૂના કરાર કરતાં વધુ ચઢિયાતા વચનો પર આધારીત છે. 7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત. 8 દેવની દષ્ટિમાં લોકો દોષિત ઠરતા હતા તેથી તેણે કહ્યું:“પ્રભુ કહે છે, એવો દિવસ આવશે કે, જ્યારે હું ઈસ્રાએલ અને યહૂદિયાના લોકોને નવો કરાર આપીશ. 9 જ્યારે તેઓના પૂર્વજોને હાથ પકડીને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યો ત્યારે જે કરાર મેં તેઓની સાથે કર્યો હતો તેનાં કરતાં આ કરાર જુદો હશે. 10 દેવ કહે છે: ઈસ્ત્રાએલના લોકોને હું નવો કરાર આપીશ. ભવિષ્યમાં આ કરાર હું આપીશ. હું મારા આ કાયદાઓ તેમના મનમાં મૂકીશ. ને તેઓના હ્રદયપટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોકો થશે. 11 હવે પછી કોઈને પોતાના પ્રજાબંધુ અથવા તેના ભાઈને કહેવાની આવશ્યકતા નહિ રહે કે, પ્રભુને ઓળખ કારણ કે નાનાથી માંડીને મોટા સુધી બધાજ લોકો ઓળખશે. 12 તેઓએ જે કાંઈ અપરાધો મારા વિરૂદ્ધ કર્યા હશે તેને હું માફ કરીશ, અને તેઓનાં પાપોને કદી યાદ નહિ કરું.” યર્મિયા 31:31-34 13 દેવ આને નવો કરાર કહે છે, તેથી દેવે પહેલા કરારને જૂનો ઠરાવ્યો. અને જે કઈ જૂનું છે તે થોડા સમયમાં વિનાશ પામશે.

9:1 જુઓ પહેલા કરારમાં પણ ભજનસેવાના નિયમો હતા. અને મનુષ્યના હાથે બનાવેલ પવિત્રસ્થાનની જગ્યા પણ હતી. 2 મંડપનો પ્રથમ ભાગ પવિત્રસ્થાન તરીકે ઓળખાતો હતો. ત્યાં દીવી, મેજ અને તે પર દેવને અર્પિત રોટલી હતી. 3 બીજા પડદાની પાછળ અંદરનો ભાગ પરમપવિત્રસ્થાન તરીકે ઓળખતો હતો. 4 તેમાં સૌથી વધુ પવિત્ર સુગંધિત સોનાની ધૂપવેદી અને ચારે તરફ સોનાની મઢેલી પેટી હતી અને તેમાં જૂનો કરાર હતો. તે પેટીમાં સોનાની બરણી માન્નાથીભરેલી હતી.હારુંનની કળી ફૂટેલી લાકડી તથા શિલાપટ પર જૂના કરારની દસ આજ્ઞાઓ લખેલી હતી. 5 અને તેના પર મહિમાદર્શક કરૂબો હતા, જેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી સવિસ્તાર કહેવાય એમ નથી. 6 મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા. 7 પણ બીજા ઓરડામાં ફક્ત પ્રમુખયાજક જ જઇ શકતો, તે પણ વર્ષમાં એક જ વખત જતો, તે પોતાની સાથે લોહી લીધા વગર કદી તે ઓરડામાં પ્રવેશતો નહિ. પ્રમુખયાજક તે રક્ત લઈને પોતાના અને લોકો દ્ધારા અજાણથી પણ પાપકર્મ થયું હોય તેના માટે અર્પણ કરતો. 8 આ બધી બાબતો દ્ધારા પવિત્ર આત્મા બતાવે છે કે જ્યાં સુધી પ્રથમ ભાગ ત્યાં હતો, ત્યાં સુધી પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો ન હતો. 9 આ બાબત પરથી આજના માટે આપણે દાખલો લઈ શકીએ, જે મુજબનાં બલિદાનો અને અર્પણો આપવામાં આવ્યાં હતાં, તેઓ ભજન કરનારનું અંત:કરણ સંપૂર્ણ શુદ્ધ કરવા માટે દાવો કરતાં ન હતાં અને પૂર્ણ પણ બનાવી શકતા નહોતાં. 10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો. 11 હાલમાં અસ્તિત્વ ધરાવતી ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક સારી વસ્તુઓનો પ્રમુખયાજક હતો. પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યો. ત્યારે તેણે ખૂબજ ઉત્તમ એવા મંડપમાંથી પ્રવેશ કર્યો. અને તે સંપૂર્ણ એવા સ્વર્ગીય મંડપમાં પ્રવેશ્યો જે વધારે મોટો અને વધારે પરિપૂર્ણ હતો. તે માનવો દ્ધારા બનાવેલો ન હતો અને તે આ દુનિયામાં બનાવેલો ન હતો. 12 હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો. 13 જે લોકો પરમપવિત્રસ્થાનમાં પ્રવેશવા માટે શુદ્ધ ન હતા તેઓ પર બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડાંની રાખ છાંટીને તેઓના ફક્ત શરીરને શુદ્ધ કર્યા. 14 ખ્રિસ્તનું લોહી આપણે જે દુષ્ટ કાર્યો કર્યા છે, તેમાંથી આપણા હ્રદયોને વિશેષ શુદ્ધ કરશે જેથી આપણે જીવંત દેવની સેવા કરી શકીએ. તેથી ખ્રિસ્તે સનાતન આત્માની સહાય વડે દોષ વગરનું બલિદાન દેવને આપ્યું અને નિષ્કલંક બન્યો. 15 તેથી દેવ પાસેથી ઈસુ નવો કરારલોકો પાસે લાવ્યો. ખ્રિસ્ત નવો કરાર એવા લોકો માટે લાવ્યો કે જેઓને તેડવામાં આવ્યા છે અને જે ઉત્તરાધિકારીનો આશીર્વાદ મેળવે. દેવે આપેલાં વચન પ્રમાણે અનંતકાળનો વારસો પામે. કારણ કે પ્રથમ કરારપ્રમાણે લોકોથી થયેલ પાપમાંથી લોકોને ઉદ્ધાર અપાવવા ખ્રિસ્ત મરણ પામ્યો. 16 જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ? 17 વસિયતનામું કરનાર વ્યક્તિ મરણ પામે પછી જ વસિયતનામાંનો અમલ થઈ શકે. જ્યાં સુધી તે વ્યક્તિ જીવે છે, ત્યાં સુધી તેનો અમલ થઈ શકે નહિ (વ્યક્તિના મરણ પછી જ તેનો અમલ થઈ શકે). 18 પહેલા કરાર માટે દેવ અને લોકો વચ્ચે આવું જ કઈક છે. તેનાં રક્ત દ્ધારા પહેલાં કરારની પ્રતિષ્ઢા થાય એ જરુંરી હતું. 19 લોકોને બધીજ આજ્ઞાઓ કહી સંભળાવ્યા પછી મૂસાએ વાછરડા અને બકરાનાં રક્ત સાથે પાણી મેળવ્યું. તે રકેત લઈને તેણે ઝૂફાની ડાળી અને કિરમજી ઊન વડે નિયમના પુસ્તક પર તથા બધા લોકો પર નિશાની માટે લોહી છાંટ્યું. 20 પછી મૂસાએ કહ્યું, “આ લોહી એવા કરારનું છે જેને અનુસરવા દેવે તમને આદેશ આપ્યો છે.” 21 એ જ રીતે મૂસાએ પવિત્ર મંડપ પર રક્ત છાંટ્યું અને જે કોઈ વસ્તુઓનો સેવામાં ઉપયોગ કરવામાં આવે છે તે બધા પર રક્ત છાંટ્યું. 22 નિયમશાસ્ત્ર કહે છે કે દરેક વસ્તુ રક્તના છંટકાવથી પવિત્ર થાય છે. રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. 23 આ બધી વસ્તુઓ આકાશમાં છે તે જ સાચી વસ્તુઓની નકલ હતી. અને તે બધાને પશુઓના રક્ત વડે શુદ્ધ કરવામાં આવતી હતી. પરંતુ આકાશની વસ્તુઓને વધારે સારા બલિદાન વડે શુદ્ધ કરવાની જરુંર હતી. 24 વળી ખરેખર નમૂના પ્રમાણે માનવે બનાવેલ પવિત્રસ્થાનમાં ખ્રિસ્ત પ્રવેશ્યો નહિ, પરંતુ ખ્રિસ્ત આકાશમાં દેવની હજૂરમાં ગયો જેથી આપણને મદદ કરી શકે. 25 આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી. 26 જો એમ હોત તો ખ્રિસ્તને જગતની શરુંઆતથી વારંવાર મરણ સહન કરવું પડ્યું હોત. પરંતુ સદાને માટે પાપનું સામથ્યૅ નષ્ટ કરવા તેણે એક જ વાર પોતાનું બલિદાન આપ્યું. 27 જેમ માણસ એક જ વાર મરણ પામે છે અને પછી તેનો ન્યાયથાય તેવું નિર્માણ થયેલું છે. 28 તેમ ખ્રિસ્તે પણ ઘણા લોકોના પાપ પોતાને માથે લેવા એક જ વખતે બલિદાન આપ્યું અને હવે તે લોકોના પાપ માટે નહિ પરંતુ જેઓ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા ખ્રિસ્ત બીજી વખત આવનાર છે.

10:1 નિયમશાસ્ત્ર ભવિષ્યમાં આવનારા શુભ કાર્યોની પ્રતિછાયારૂપ છે અને તે વસ્તુઓની ખરી પ્રતિમાઓ તેમાં નથી. દર વર્ષે એના એ જ બલિદાનો સતત અર્પણ કરવામાં આવતાં હતાં, છતાં નિયમશાસ્ત્ર પ્રમાણે કોઈ વ્યક્તિ પરિપૂર્ણ થઈ શકી નથી. 2 જો જૂના નિયમે લોકોને પરિપૂર્ણ બનાવ્યો હોત તો પછી તેઓએ બલિદાન આપવાનું બંધ કર્યુ હોત. તેઓ સદાને માટે શુદ્ધ થઈ ગયા હોત અને તેઓએ તેમના પાપો માટે દોષિત થવું પડ્યું ના હોત. પરંતુ નિયમશાસ્ત્ર તે કરી શક્યું નહિ. 3 પરંતુ એ વાર્ષિક બલિદાનો તો તેમના મનમાં દર વર્ષે પાપોની યાદ તાજી કરાવે છે. 4 કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી. 5 આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું:“હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે. 6 પાપોની માફીને અર્થ અપાતું દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તું કઈ પ્રસન્ન થતો નહોતો. 7 તેથી તેમણે કહ્યું,‘હે દેવ, હું અહીં શાસ્ત્રમાં મારા સંબધી લખ્યા પ્રમાણે તારી ઇચ્છા પૂર્ણ કરવા હું અહીં છું.”‘ ગીતશાસ્ત્ર 40:6-8 8 પ્રથમ ખ્રિસ્તે કહ્યું છે, “શાસ્ત્રમાં અપાતાં પાપમુક્તિ માટેનાં અર્પણો તથા દહનાર્પણોથી અપાતાં બલિદાનો દ્ધારા તું પ્રસન્ન થઈ શકે તેમ નથી,” (આ બધા બલિદાનોની આજ્ઞા નિયમ કરે છે.) 9 પછી તેણે કહ્યું, ‘હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. 10 દેવીની ઈચ્છા મુજબ ઈસુ ખ્રિસ્તનાં કાર્યો પ્રમાણે એક જ વાર ખ્રિસ્તનું શરીર અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. 11 તેમ જ દરેક યાજક નિત્ય સેવા કરતાં તથા એ ને એ જ બલિદાનો ઘણીવાર અર્પણ કરતા. પરંતુ તે બલિદાનોથી પાપોને કદી દૂર કરી શક્યા નહિ. 12 પણ આપણાં પાપોને માટે ખ્રિસ્તે એક જ વાર બલિદાન આપ્યું અને ખ્રિસ્ત દેવની જમણી બાજુએ બિરાજ્યો. 13 અને તેના દુશમનોને તેની સત્તા નીચે મૂકવામાં આવે તેથી ખ્રિસ્ત હવે ત્યાં રાહ જોઈ રહ્યો છે. 14 જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને ખ્રિસ્તે પોતાના એક જ બલિદાનથી બધા જ સમય માટે પરિપૂર્ણ કર્યા. 15 આ વિષે પવિત્ર આત્મા પણ સાક્ષી આપે છે. તે પહેલા કહે છે: 16 “આ કરાર છે જે ભવિષ્યમાં હું મારા લોકો સાથે કરીશ એમ પ્રભુ કહે છે. હું મારા નિયમો તેઓના હ્રદય પર લખીશ. હું મારા નિયમો તેઓના મનમાં સ્થાપીશ.” યર્મિયા 31:33 17 પછી તે કહે છે:“તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.” યર્મિયા 31:34 18 અને હવે સદાને માટે પાપ માફ થયાં છે ત્યારે પાપ મુક્તિ માટે અન્ય કોઈ અર્પણની જરુંર રહેતી નથી. 19 ભાઈઓ, તેણે આપણા માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને, એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે, આપણે કોઈ પણ જાતના ભય વિના દાખલ થઈ શકીશું. 20 ઈસુએ જે નવો માર્ગ બતાવ્યો તે દ્ધારા આપણે અંદર જઇ શકીશું. 21 દેવના ઘરમાં રાજ કરવા માટે આપણી પાસે એક મોટો યાજક નિમાયેલો છે. 22 આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે. અને આપણું અંત:કરણ દોષિત લાગણીઓથી મુક્ત છે. આપણા શરીરનું શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું છે તેથી શુદ્ધ હ્રદયથી અને ખાતરી જે વિશ્વાસ દ્ધારા પ્રાપ્ત થયેલ છે માટે આપણે દેવની નજીક આવી શકીએ છીએ. 23 જે આશાઓમાં આપણે સંમત છીએ તેને આપણે મક્કમતાથી વળગી રહીએ, કારણ કે જેણે આપણને વચન આપ્યું છે તેનો સંપૂર્ણ ભરોસો આપણે કરી શકીએ છીએ. 24 આપણે અકબીજાનો વિચાર કરવો જોઈએ અને સારા કામ કરી અને પ્રેમ દર્શાવી એકબીજાને એ પ્રમાણે કરવા માટે ઉત્તેજન આપીએ. 25 જેમ કેટલાક લોકો કરે છે તેમ આપણે સમૂહમાં મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે સમૂહમાં મળીએ અને એકબીજાને બળ આપીએ, આ પ્રમાણે આપણે કરવાનું વધુ અને વધુ પ્રયત્ન કરીએ કારણ દહાડોનજીકને નજીક આવી રહ્યો છે. 26 સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે પાપમાં જીવવાનું ચાલું રાખીએ, તો પાપના નિવારણ માટે બીજુ બલિદાન છે જ નહિ. 27 જો આપણે પાપ કરવાનું ચાલુ જ રાખીશું તો ન્યાયની ભયંકર અપેક્ષા અને દેવના વિરોધિઓને ભસ્મ કરી નાખે એવા અગ્નિના તેઓ ભોગ બનશે. 28 જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી. 29 તો પછી દેવપુત્રને પગ તળે કચડી નાખનાર, કરારના જે રક્તથી પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણનાર કૃપાનું ભાન કરાવનાર પવિત્ર આત્માનું અપમાન કરનાર વ્યક્તિ કેટલી ભયંકર સજાને પાત્ર ઠરશે તેનો વિચાર કરો. 30 આપણે જાણીએ છીએ કે દેવે કહ્યું છે, “દુષ્ટ કૃત્યોકરનારને હું શિક્ષા કરીશ, હું તેને ભરપાઇ કરીશ.” દેવે એ પણ કહ્યું છે કે, “પ્રભુતેના લોકોનો ન્યાય કરશે.” 31 કોઈના પણ માટે જીવતા દેવના હાથમાં પડવું તે કેટલું ભયંકર છે! 32 યાદ રાખો. ભૂતકાળના તે દિવસોમાં જ્યારે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ ત્યારે તમે ઘણી યાતનાઓ સહન કરી સંઘર્ષ કર્યો, પરંતુ તમે બળવાન બનવાનું ચાલુ રાખ્યું. 33 ઘણીવાર તમે ઠપકો અને સતાવણી થઈ તે સહન કરી. વળી કેટલીક વાર બીજાંઓને એવાં દુ:ખોમાંથી પસાર થતા જોઈને તમે તેઓની પડખે ઊભા રહ્યા. 34 હા, જ્યારે કેટલાક લોકો કરાવાસમાં હતા, ત્યારે તેવા લોકોને તમે મદદ કરી તેમના દુ:ખના ભાગીદાર બન્યા. તમારું સર્વસ્વ પડાવી લેવામાં આવ્યું ત્યારે પણ તમે આનંદિત રહ્યા કારણ કે તમે જાણતા હતા કે તમારી પાસે એના કરતાં વધુ સારી અને સદા ને માટે ટકી રહે તેવી સંપત્તિ છે. 35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. 36 તમારે ધીરજ રાખવાની જરુંર છે. દેવની ઈચ્છા પૂરી કરવાનું કાર્ય ચાલુ રાખો. અને તેથી જ તમને જે વચનો આપ્યા છે તે પ્રાપ્ત કરશો. 37 થોડા સમયમાં, “પ્રભુ જે ફરીથી આવનાર છે તે વિલંબ કરશે નહિ. 38 ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” હબાક્કુક 2:3-4 39 પણ આપણે એ પ્રકારના માણસો નથી, જે પીછે હઠ કરે અને ખોવાઇ જાય. ના. આપણે એવા લોકો છીએ કે દેવમાં આપણને દઢ વિશ્વાસ છે અને તેનામાં આપણે ઉદ્ધાર પામેલાં છીએ.

11:1 વિશ્વાસ એટલે આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની ખાતરી છે. જે વસ્તુઓ આપણે જોઈ શકતા નથી છતાં આપણે જાણીએ છીએ કે તે સત્ય છે, તેનો જ અર્થ વિશ્વાસ . 2 પુરાતન સમયમાં જીવતા લોકો પર દેવ ખૂબ જ ખુશ હતો કારણ તેઓને દેવમાં વિશ્વાસ હતો. 3 વિશ્વાસના આધારથી જ આપણે જાણીએ છીએ કે સમગ્ર જગતની રચના દેવની આજ્ઞા પ્રમાણે થઈ છે એનો અર્થ એ થયો કે આપણે જે કાંઇ જાણીએ છીએ તે કોઈ અદશ્ય શક્તિ દ્ધારા બનાવવામાં આવેલું છે. 4 કાઇન અને હાબેલ દેવને અર્પણ ચઢાવ્યું પણ હાબેલને વિશ્વાસ હતો તેથી વિશ્વાસથી તે કાઇનના અર્પણ કરતાં વધુ સાંરું એટલે દેવને પસંદ પડે તેવું અર્પણ લાવ્યો. દેવે હાબેલના અર્પણનો સ્વીકાર કર્યો અને હાબેલને ન્યાયી ઠરાવતી સાક્ષી આપી. હાબેલ મરણ પામ્યો, પણ આજે પણ તે પોતાના વિશ્વાસ દ્ધારા આપણને કહી રહ્યો છે. 5 હનોખે પણ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેથી તે મરણનો અનુભવ કરે તે પહેલા દેવે તેને પૃથ્વી પરથી લઈ લીધો. તેથી તે મારણનો અનુભવ કરી શક્યો નહિ. શાસ્ત્રમાં લખ્યું છે કે હનોખ મનુષ્ય હતો, ત્યારે તેણે ખરેખર દેવને પ્રસન્ન કર્યો હતો. તે એકાએક અદશ્ય થઈ ગયો કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. 6 વિશ્વાસ રાખ્યા વગર તમે તેને પ્રસન્ન કરી શકો નહિ. દેવ પાસે આવનાર વ્યક્તિએ વિશ્વાસ રાખવો જોઈએ કે તેનું અસ્તિસ્વ છે, અને સાચા હ્રદયથી શોધનારને તે મળે છે દેવ તેનો બદલો આપશે. 7 નૂહે પણ દેવમાં વિશ્વાસ રાખ્યો અને જે વસ્તુ તેણે જોઈ નહોતી એવી બાબતોની ચેતવણી તેને આપવામાં આવી, ત્યારે તેણે પોતાના પરિવારને બચાવવા માટે દેવનો ડર રાખીને વિશ્વાસથી પોતાના પરિવારના તારણ માટે વહાણ તૈયાર કર્યુ. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું મળે છે તેનો તે વારસો થયો. 8 વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો; એટલે પોતે ક્યાં જાય છે, એનાથી અજ્ઞાત હોવા છતાં તે પોતાનું વતન છોડી ચાલી નીકળ્યો. 9 દેવે જે દેશમાં જવાનું વચન આપ્યું હતું ત્યાં જઈને રહ્યો. ઇબ્રાહિમ ત્યાં એક મુસાફરની માફક રહ્યો. કારણ કે તેને વિશ્વાસ હતો. ઈસહાક અને યાકૂબને પણ તે જ વચન મળ્યું હતું. તેઓ પણ તંબુમાં રહ્યા હતા. 10 ઈબ્રાહિમ તે શહેરની રાહ જોતો હતો. જેનો પાયો દઢ હોય, એવું શહેર કે જેનો શિલ્પી અને બાંધનાર દેવ હોય. 11 ઈબ્રાહિમ ખૂબ ઘરડો હોવાથી બાળકોને પેદા કરવા અસમર્થ હતો. અને સારા માતા બની શકે તેમ નહતી પરંતુ દેવે ઇબ્રાહિમને વચન આપ્યું હતું તેમાં તેને પૂર્ણ વિશ્વાસ હતો. છેવટે સારા ગર્ભવતી થઈ અને ઈબ્રાહિમ પિતા બન્યો. 12 આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા. 13 આ બધાજ માણસો મરણ પામ્યા ત્યાં સુધી દેવે વચનો આપ્યાં તેમાંથી કાંઇજ મેળવી શક્યા નહિ છતાં વિશ્વાસથી જીવ્યા, તેઓએ પેલાં વચનો દુરથી જોયા. અને તેમનું સ્વાગત કર્યુ અને તેઓએ એ પણ જાણ્યું કે આ પૃથ્વી અમારું કાયમી ઘર નથી, અહીં તો અમે માત્ર મુસાફરો જ છીએ. 14 આ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ એક દેશની શોધમાં છે જે તેમનો પોતાનો દેશ છે. 15 જો તેઓ એવા દેશ વિષે વિચારતા હોય કે જેને તેમણે છોડી દીધો છે, તો તે એ દેશમાં ફરી પાછા આવી શક્યા હોત. 16 પણ એ માણસો એક વધુ સારા દેશની કે જે સ્વર્ગીય દેશ હશે તેની રાહ જોઈને બેઠા હતા. એટલે દેવને તેમનો દેવ કહેવામાં કોઈ સંકોચ ન હતો. તેણે એ લોકો માટે એક શહેર તૈયાર કરી રાખ્યું છે. 17 દેવે ઈબ્રાહિમના વિશ્વાસની કસોટી કરી. જ્યારે તેની કસોટી થઈ ત્યારે, ઇબ્રાહિમે વિશ્વાસથી ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યાં હતાં ને જેને કહેવામાં આવ્યું હતું કે, ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. 18 19 ઈબ્રાહિમ માનતો હતો કે દેવ મૂએલાંઓને પાછા ઉઠાડી શકે છે, અને ખરેખર દેવે જ્યારે ઈબ્રાહિમને ઈસહાકનું બલિદાન આપતા રોક્યો, ત્યારે તે તેને મૂએલામાંથી પાછા બોલાવવા જેવું હતું. 20 વિશ્વાસના કારણે જ ઈસહાકે તેના દીકરા યાકૂબ અને એસાવને ભવિષ્ય સબંધી આશીર્વાદ આપ્યો. 21 વિશ્વાસના કારણે જ મરણની ઘડીએ યાકૂબે લાકડીના ટેકે ઊભા થઈને યૂસફના બંને પુત્રોને આશીર્વાદ આપ્યો અને તેણે ઉપાસના કરી. 22 વિશ્વાસના કારણે જ યૂસફે પોતાના અંતકાળે ઇજીપ્તના ઇસ્ત્રાએલના લોકોના છૂટા પડવાની વાત કરી, અને તેના શબ વિષે સૂચનો કર્યા. 23 વિશ્વાસના કારણે જ મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે બાળક સુંદર છે અને તેઓ રાજાની આજ્ઞાથી ડર્યા નહિ. 24 વિશ્વાસથી મૂસા મોટો થયો અને મોટા થયા પછી પોતાને ફારુંન રાજાની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. 25 મૂસાએ પાપનું ક્ષણિક સુખ ભોગવવાને બદલે તેણે વિશ્વાસથી દેવના લોકોની સાથે મુશ્કેલીઓ વેઠવાનું આનંદથી પસંદ કર્યું. 26 ઈજીપ્ત દેશની સંપતિના ધણી બનવા કરતાં તેણે ખ્રિસ્તનું અપમાન સહન કરવાનું વધારે પસંદ કર્યુ, કેમ કે ભવિષ્યમાં દેવના તરફથી તેને જે મહાન ખજાનો મળવાનો હતો તેના તરફ તેણે લક્ષ રાખ્યું. 27 વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય. 28 મૂસાએ પાસ્ખા તૈયાર કર્યુ અને દરવાજાની બારસાખ ઉપર રક્ત છાંટ્યું. દરવાજા પર રક્ત એટલા માટે છાંટ્યું જેથી મરણનો દૂતઈસ્રાએલ લોકોના પ્રથમ જન્મેલ બાળકોને મારી ના નાખે. આમ કરવાનું કારણ મૂસાએ વિશ્વાસ (દેવમાં) હતો. 29 વિશ્વાસથી ઈસ્રાએલી લોકો મૂસાની પાછળ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્ર પસાર કરી ગયા તેમની પાછળ પડેલા ઈજીપ્તના લોકો તેમ કરવા જતાં ડૂબી (સમુદ્રમાં) ગયા. 30 લોકો વિશ્વાસથી દેવની આજ્ઞા મુજબ યરીખોના કોટની આગળ પાછળ સાત દિવસ ફર્યા અને અંતે તે કોટ તૂટી પડ્યો. 31 રાહાબ વેશ્યાએ ઇસ્ત્રાએલી જાસૂસ લોકોને આવકાર્યા અને મિત્રની માફક મદદ કરી. કારણ કે તેને વિશ્વાસ હતો એટલે તે અવજ્ઞા કરનાર લોકો સાથે મરણ પામી નહોતી. 32 આથી વિશેષ હું શું કહું? ગિદિયોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકોના વિશ્વાસની વાત કરવા બેસું તો મને એટલો સમય પણ નથી. 33 આ બધા લોકોને ઘણોજ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે તેમણે રાજ્યોને હરાવ્યા. અને જે કાર્યો ન્યાયયુક્ત હતા તે તેમણે કર્યા અને દેવના વચનોનાં ફળ પ્રાપ્ત કર્યા, વળી તેઓએ વિશ્વાસ સાથે સિંહના જડબા બંધ કરી દીધા. 34 આ રીતે કેટલાક લોકોએ શક્તિશાળી અજ્ઞિને રોક્યો. કેટલાક તલવારની ધારથી બચ્યા, તો કેટલાકને નિર્બળતાઓ હતી જે તાકાતમાં પરિવર્તન થઈ. કેટલાકે લડાઈમાં શૂરવીરતા દાખવી અને દુશ્મનોના સૈન્યને ભગાડી મૂક્યા. 35 સ્ત્રીઓના વિશ્વાસને કારણે કેટલાક પુરુંષો મૃત્યુ પામેલા સજીવન થયા અને તેઓને પાછા મળ્યા. કેટલાક રિબાઈને માર્યા ગયા, મુક્ત થવાને બદલે તેઓએ મરવાનું પસંદ કર્યુ તેમને વિશ્વાસ હતો કે પુનરુંત્થાન દ્ધારા તેઓ વધું સારું જીવન પ્રાપ્ત કરશે. 36 કેટલાકની મશ્કરી કરવામાં આવી અને તેમને અસહ્ય માર મારવામાં આવ્યો. બીજા (કેટલાએક) ને બેડીઓ બાંધીને કારાવાસમાં પૂરવામાં આવ્યા. 37 તેઓને પત્થરોથી મારી નાખવામાં આવ્યા અને બે ટુકડા કરી નાખવામાં આવ્યા. તેઓને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાકએક ઘેંટા બકરાના ચામડાં પહેરી રખડ્યા. જે ગરીબો હતા તેમને ખુબજ દુ:ખ આપવામાં આવ્યું અને તેમની સાથે અઘટિત વ્યવહાર કર્યો. 38 આ દુનિયા આવા માણસો માટે યોગ્ય નહોતી, આ માણસો રણમાં, પર્વતો પર, ગુફાઓમાં અને જમીનના ભોયરાઓમાં ભટકતા રહ્યા. 39 આ બધાજ લોકો વિશ્વાસ રાખનાર હતા. છતાં કોઈને પણ દેવનું મહાન વચન મળ્યું નહિ. 40 કેમ કે દેવે આપણને કઈક વધારે સારું આપવા નક્કી કર્યુ છે જેથી તેઓ ફક્ત આપણી સાથે જ પરિપૂર્ણ થઈ શકે.

12:1 તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ). 2 આપણે હંમેશા ઈસુનો દાખલો લઈ તેને અનુસરીએ. ઈસુ આપણા વિશ્વાસનો અગ્રેસર છે. અને તે આપણો વિશ્વાસ પૂર્ણ કરે છે. આપણે ઈસુ તરફ દષ્ટિ રાખીએ. તેણે પછીથી મળનાર આનંદને નજર સમક્ષ રાખીને વધસ્તંભ પર શરમજનક મરણ સહન કર્યુ અને હાલ તે દેવના રાજ્યાસનની જમણી બાજુ બિરાજમાન છે. 3 ઈસુ વિષે વિચાર કરો. પાપીઓ તરફથી તેણે આવો મોટો વિરોધ સહન કર્યો. તેઓએ તેની સાથે ક્રૂર વર્તાવ કર્યો હતો, છતાં તેણે ધીરજ રાખી હતી. તેમ તમે પણ પ્રયત્ન છોડીના દો અને ધીરજ રાખો. 4 પાપની વિરૂદ્ધ તમારે એટલું બધું ઝઝૂમવું પડ્યું નથી, અને એવી કોઈ આવશ્યકતા ન હતી કે તમારે તમારું લોહી વહાવવું પડે. 5 વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર. 6 દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે, અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.” નીતિવચનો 3:11-12 7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે. 8 જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી. 9 આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના પિતાને આપણે વધારે આધિન થવું જ જોઈએ. તે વધારે મહત્વનું છે. જે કાંઈ શિક્ષા કરે તે આપણે સ્વીકારવી જ જોઈએ. 10 પૃથ્વી પરના આપણા પિતાએ જે સૌથી ઉત્તમ વિચાર્યુ અને આપણને આપણા સારા માટે થોડા સમય માટે શિક્ષા કરી. પરંતુ દેવ આપણને આપણા ભલા માટે શિક્ષા કરે છે. જેથી આપણે તેના જેવા પવિત્ર બનીએ. 11 જ્યારે આપણને શિક્ષા કરવામાં આવે છે ત્યારે તે આનંદકારક લાગતી નથી. તેના બદલે આપણે પીડા ભોગવીએ છીએ. પણ પાછળથી તે શાંતિમય અને પ્રામાણિક જીવનનો રસ્તો આપણને આપે છે. આપણને શિક્ષા દ્ધારા તાલીમ અપાય છે. 12 તમે અશક્ત બની ગયા છો માટે તમારી જાતને ફરીથી વધુ બળવાન બનાવો. 13 સત્યના માર્ગે ચાલો તો તમે બચી જશો તેમાં તમારે કાંઇજ ગુમાવવાનું નથી. 14 બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ. 15 સાવધ રહો, તમારામાંથી કોઈ દેવની કૃપા મેળવવામાં નિષ્ફળ ન જાય, કોઈ તમારામાં કડવાશના બી ના ઉગાડે. કારણ કે તેવા માણસો ઘણા લોકોના જીવન બરબાદ કરી શકે છે. 16 તમારામાંથી કોઈ વ્યભિચારમાં ન પડી જાય એ માટે સાવધ રહો. એક ભોજનના બદલામાં મોટો પુત્ર હોવાને લીધે જયેષ્ટ હકનો સોદો કરનાર એસાવની જેમ તમારામાંથી તમે કોઈ સાંસારિક મનવાળો ન બને. 17 યાદ રાખો, પાછળથી એસાવે આશીર્વાદ મેળવવા ભારે રુંદન સહિત પસ્તાવો કર્યો પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું અને પિતાએ આશીર્વાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી કારણ એસાવે જે કઈ કર્યુ છે તેમાંથી તે પાછો ફરી શકે તેમ નહોતો. 18 તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો. ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી. તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો. તમે ઘમઘોર અંધકાર, આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા. 19 તે સમયે રણશિંગડાના ભયંકર અવાજ સાથે દેવની વાણી સાંભળવામાં આવી પછી તે વિષે તેમણે ફરી કાંઈજ સાંભળ્યું નહિ. તે માટે લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓ ફરી આજ્ઞા સાંભળવાનું સહન કરી શકે તેમ નહોતું: કારણ કે, “જો કોઈ જાનવરપહાડને અડકે તો તે પથ્થરથી માર્યુ જાય.” એવી આજ્ઞાથી તેઓ ધ્રુંજી ઉઠ્યા. 21 લોકોએ જે દશ્ય જોયું તે ખૂબજ ભયાનક હતું કે મૂસાએ પોતે પણ કહ્યું, “હું ભયથી ધ્રૂજું છું.” 22 પરંતુ તમે તો સિયોન પર્વત પર એટલે કે જીવંત દેવના નગર સ્વર્ગીય યરૂશાલેમ અને હજારોહજાર દૂતોની પાસે, 23 પ્રથમ જન્મેલા જેઓનાં નામ આકાશમાં લખેલાં છે તેઓની સાર્વજનિક સભા તથા મંડળીની પાસે, અને સહુનો ન્યાય કરનાર દેવની પાસે અને સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે, 24 અને નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો. એ રક્ત હાબેલના રક્તની જેમ વેર લેવાનું કહેતું નથી. તેના કરતાં કાંઇક વિશેષ કહેવા માગે છે. 25 સાવધાન રહો અને જ્યારે તમારી સાથે દેવ બોલે ત્યારે સાંભળવાની ના પાડશો નહિ. યહૂદિઓ ચેતવણી સાંભળવાની ના પાડે છે જે તેઓને પૃથ્વી પર અપાઈ હતી. અને તેઓ તેમાથી બચ્યા નથી. હવે દેવ આકાશમાંથી આપણને કહે છે. જો આપણે તેને સાંભળવાનો અનાદર કરીએ તો આપણે તેમાંથી કેવી રીતે બચી શકીશું? 26 સિનાઈ પર્વત પરથી દેવ જ્યારે બોલ્યો, તે સમયે તેની વાણીએ પૃથ્વીને પણ ધ્રુંજાવી નાખી હતી, હવે તેણે વચન આપ્યું છે. “ફરી એક વાર પૃથ્વીની સાથે આકાશને પણ હું ધ્રુંજાવીશ.” 27 આ શબ્દો “ફરીથી એકવાર” સ્પષ્ટ દર્શાવે છે કે કંપાયમાન થયેલી વસ્તુઓની સાથે જે કાંઇ બનાવેલ છે તેનો નાશ થશે. અને જે કાંઇ સ્થિર છે અને જે ધ્રુંજાવી શકાશે નહિ તે રહેશે. 28 આપણે દેવનો આભાર માનવો જોઈએ કે આપણને એવંુ અવિચળ રાજ્ય આપે છે જેને ધ્રુંજાવી શકાતું નથી. તેથી આપણે દેવની સેવા ભય અને આદરભાવથી કરવી જોઈએ જેથી તે પ્રસન્ન થાય. 29 કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે.

13:1 તમે ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો છો આથી એકબીજા પર પ્રીતિ કરવાનું ચાલું રાખો. 2 મહેમાનોનો સત્કાર કરવાનું ના ભૂલશો. એમ કરવાથી કેટલાક લોકોએ અજાણતા પણ આકાશના દૂતોનું સ્વાગત કર્યુ છે. 3 જેઓ કારાવાસમાં છે તેઓને ભૂલો નહિ, જાણે તમે તેઓની સાથે જેલમાં હોય એમ તેઓની યાતનાઓના સહભાગી બનો. અત્યાચાર સહન કરે છે તેઓની સ્થિતિમાં તમે પણ છો એમ માની તેઓના દુ:ખમાં સહભાગી બનો. 4 સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. 5 નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.” પુનર્નિયમ 31:6 6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?” ગીતશાસ્ત્ર 118:6 7 તમને દેવના વચનો શીખવનાર તમારા આગેવાનોને યાદ કરો. તેઓ જે રીતે જીવ્યા અને તેમનું જીવન પૂર્ણ કર્યુ તેનો વિચાર કરો અને તેઓની માફક દેવમાં વિશ્વાસ રાખો. 8 ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદાને માટે એવો ને એવો જ છે. 9 તમે દરેક જાતના વિચિત્ર ઉપદેશથી ભરમાઈ જશો નહિ. જે તમને અવળા માર્ગે દોરી જાય, સાચી વસ્તુ એ છે કે દેવની કૃપાથી જ તમારા હ્રદયને બળવાન બનાવવું. ખોરાક વિષેના નિયમો પાળવાથી એ મળતું નથી. આ નિયમો પાળનારને કશો જ ફાયદો થતો નથી. 10 અમારી પાસે બલિદાન છે. પરંતુ યાજકો જેઓ પવિત્ર મંડપોમાં સેવા કરે છે તેઓ તે બલિદાનમાંથી ખાઇ શકતા નથી. 11 યહૂદી નિયમ પ્રમાણે પ્રમુખયાજક વધ કરેલાં પશુઓનું રક્ત પવિત્ર સ્થાનમાં લઈ તો જતાં હતા, પરંતુ પાપો માટે તે પશુઓના શરીર શહેર બહાર બાળી નાખવામાં આવતા. 12 આ કારણને લીધે અને તેના લોકોને તેની પોતાના લોહી સાથે પવિત્ર બનાવવાના હેતુથી ઈસુ દુ:ખ ભોગવીને શહેરની બહાર મરણ પામ્યો. 13 આપણે પણ શહેરની બહાર એટલે કે છાવણીની બહાર તેની પાસે જવું જોઈએ. અને તેની સાથે તેણે જે દુ:ખ તથા અપમાન સહન કર્યા છે તે આપણે સ્વીકારીએ. 14 આ પૃથ્વી પર જે શહેર છે તે આપણું કાયમી ઘર નથી. આપણે સદાકાળ થનાર ભવિષ્યમાં જે મળવાનું છે તે શહેરની રાહ જોઈ રહ્યા છીએ. 15 તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 16 બીજાના માટે ભલું કરવાનંુ ભૂલશો નહિ. તમારી પાસે જે કાંઈ છે તે બીજા સાથે વહેંચો. કારણ કે દેવ આવાં અર્પણોથી પ્રસન્ન થાય છે. 17 તમારા આગેવાનોની આજ્ઞા માનો અને તેમની સત્તાને આધીન થાઓ. તેઓ હિસાબ રાખનારાઓની જેમ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કરે. પણ શોકથી નહિ, કારણ કે એથી તમને ગેરલાભ થશે. 18 અમારા માટે પ્રાર્થના કરો, કેમ કે અમે જે કરીએ છીએ, તે અમને ન્યાયી લાગે છે. કારણ કે અમારો ધ્યેય હંમેશા જે સૌથી ઉત્તમ છે તે કરવાનો છે. 19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે. 20 હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.તે શાંતિનો દેવ છે. તમને પ્રત્યેક સારી વસ્તુઓમાં પરિપૂર્ણ બનાવો તેથી તમે તેની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો. વળી આપણામાં ઈસુ ખ્રિસ્ત દ્ધારા જે વસ્તુઓ તેને પ્રસન્ન કરે છે તે કરવા દો. ઈસુનો ગૌરવ સદાસર્વકાળ હો. આમીન. 21 22 મારા ભાઈઓ અને બહેનો, મેં જે તમને કહ્યું છે તે તમને ધ્યાનથી સાંભળવા વિનંતી કરું છું. તમને મજબૂત કરવા મેં કહ્યુ છે અને ટૂંકમાં લખ્યું છે. ભાઈઓ મારે તમને એ જણાવવું છે કે તિમોથી હવે જેલમાંથી છૂટ્યો છે, જો તે અહીં વહેલો આવશે તો, હું તેની સાથે તમારી પાસે આવીને તમને મળીશ. 23 તમારા બધાજ આગેવાનોને તથા દેવના સંતોને મારા તરફથી સલામ પાઠવશો. ઈટાલીમાંના સંતો તમને સલામ કહે છે. 24 25 તમ સર્વના પર દેવની કૃપા હો.