Jeremiah

1:1 બિન્યામીન પ્રદેશના અનાથોથ ગામના યાજક કુળસમૂહના હિલ્કિયાના પુત્ર યમિર્યા પાસે દેવ તરફથી આવેલા આ યહોવાના વચન છે: 2 યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના રાજ્યમાં તેરમે વષેર્ તેને યહોવાની વાણી સંભળાઇ; 3 વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા. 4 યહોવાએ મને કહ્યું: 5 “તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો; તું જન્મ્યો તે પહેલાં મેં તને આ કામ માટે પવિત્ર કર્યો હતો, આ તો પ્રજાઓના પ્રબોધક થવા માટે મેં તને નીમ્યો હતો.” 6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!” 7 પરંતુ યહોવાએ કહ્યું, “‘હું બાળક છું, ‘એવું કહીશ નહિ.’ કારણ કે હું તને જે બધા લોકો પાસે મોકલું ત્યાં તારે જવાનું જ છે, અને હું જે કઇં તને કહું તે તારે તેમને જરૂર કહેવંુ પડશે. 8 તે લોકોથી બીશ નહિ, કારણ, હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”‘ આ યહોવાના વચન છે. 9 પછી યહોવાએ પોતાનો હાથ લંબાવીને મારા મોંને સ્પર્શ કર્યો અને મને કહ્યું,“જો મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે! 10 આજે હું તને પ્રજાઓ અને રાજ્યો પર સત્તા આપું છું, તારે તોડી પાડવાનું અને ઉખેડી નાખવાનું છે, વિનાશ કરવાનું અને ઉથલાવી નાખવાનું છે, બાંધવાનું અને રોપવાનું છે.” 11 પછી મને યહોવાએ કહ્યું, “યમિર્યા, જો! તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામડીના ઝાડની ડાળીને હું જોઇ શકું છુ.” 12 પછી યહોવાએ મને કહ્યું, “તેં જે કઇં જોયું તે બરાબર છે, કારણ, હું તારા પરના મારાં વચનો પૂરાં કરવાની બાબતની ખાતરી કરવા ધ્યાનથી જોઉ છું.” 13 ફરીવાર મને યહોવાનાં વચન સંભળાયા, “તને શું દેખાય છે?”મેં કહ્યું, “એક ઊકળતો ચરું દેખાય છે; એ ઉત્તર તરફથી આ તરફ નમેલો છે.” 14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં સૌ વાસીઓ પર આફત ઉતરશે. 15 હા! જુઓ, હું ઉત્તરમાં બધા રાજ્યોને બોલાવું છું. તેમના રાજાઓ યરૂશાલેમના દરવાજા સામે તેની ફરતેની દીવાલની સામે, તેમ જ યહૂદિયાના બધા નગરોની સામે પોતપોતાનું સિંહાસન માંડશે. આ યહોવાના વચન છે. 16 મારા લોકોના સર્વ દુષ્કૃત્યો બદલ હું તેમને સજા ફરમાવીશ. કારણ, તેમણે મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ કર્યા છે, પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા પણ કરી છે. 17 “તારા માટે તારે ઉભા થવું પડશે, તારો પોષાક પહેર અને બહાર જા, અને હું તને જે ફરમાવુ તે તું જઇને તેઓને કહે. તેઓથી ડરીશ નહિ, નહિ તો હું તને તેઓની આગળ ભયગ્રસ્ત ઠરાવીશ. 18 અને તેના બદલે હું તને, તે શહેર જેની બાજુએ કિલ્લો હશે તેવો બનાવીશ અને તને લોખંડી સ્તંભ જેવો અને કાંસાની દીવાલ બનાવું છું જેથી તું રાજાઓ, આગેવાનો, યાજકો અને યહૂદિયાના બધા લોકો જે તારી વિરુદ્ધ છે, તેમની સામે ઊભો રહી શકે. 19 તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કારણ, હું તારે પડખે રહી તારું રક્ષણ કરીશ.” આ હું યહોવા બોલું છું.

2:1 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરીને આ પ્રમાણે કહ્યુ: 2 “જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર:“‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે, જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી! નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી! તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી. 3 એ દિવસોમાં, હે ઇસ્રાએલ, તું મને સમપિર્ત હતી, જાણે ફસલની પહેલી ઊપજ. જે કોઇ તને ખાવા ધાતું તેને સજા થતી, તેને માથે આફત ઊતરતી.” આ હું યહોવા બોલું છું. 4 હે યાકૂબના કુટુંબો, ઇસ્રાએલના કુળસમૂહો, યહોવાની વાણીનો સંદેશો સાંભળો. 5 યહોવા કહે છે, “તમારા પિતૃઓને મારામાં શો દોષ દેખાયો કે તેઓ મને છોડીને દૂર ચાલ્યા ગયા? તેઓ વિસાત વગરની મૂર્તિઓને ભજવા લાગ્યા અને પોતે વિસાત વગરના થઇ ગયા. 6 તેઓએ પૂછયું નહી કે યહોવા ક્યાં છે? જે અમને મિસરમાંથી સલામત બહાર લાવ્યા અને અમને રેતી અને ખડકોની ભૂમિમાંથી દોરી ગયાં, જ્યાં સદાકાળ દુકાળ અને અંધકાર હોય છે, જ્યાં નથી કોઇ માણસના ક્યારેય પગલાં પડ્યાં કે નથી કોઇ ત્યાં ક્યારેય વસ્યું” 7 યહોવાએ કહ્યું “હું જ તેમને ફળદ્રુપ પ્રદેશમાં લઇ આવ્યો, જેથી તેઓ તેની મબલખ ઊપજ ભોગવે. પણ તેમણે તો તેમાં પ્રવેશ કરતાં વેંત તેને અશુદ્ધ બનાવ્યો, મેં આપેલી ભૂમિને ઘૃણાપાત્ર બનાવી દીધી. 8 યાજકોએ કદી પૂછયું નથી કે, ‘યહોવા ક્યાં છે?’ શાસ્ત્રના જાણકારોએ મને ઓળખ્યો નથી, લોકોના આગેવાનોએ મારી સામે બળવો કર્યો છે. પ્રબોધકોએ બઆલદેવની આરાધના કરી અને નકાંમા દેવોને ભજવામાં સમય બગાડ્યો.” 9 “આથી હું, યહોવા, ફરી એકવાર મારા લોકો સામે આરોપ મુકું છું-તેમની અને તેમના વંશજો સામે. 10 સાગર પાર કરી પશ્ચિમમાં જાઓ કે પૂર્વમાં તપાસ કરો. ધ્યાનથી જુઓ અને વિચાર કરો, આવું કદી બન્યું છે ખરું ? 11 કોઇ પ્રજાએ કદી દેવોને બદલ્યા છે? ભલેને એ પછી નામના હોય? પરંતુ મારા લોકોએ તો પોતાના ગૌરવશાળી દેવના બદલામાં નકામી મૂર્તિઓને સ્વીકારી છે. 12 આ જોઇને આઘાત પામો. ઓ સ્વર્ગ આઘાત પામો, અને સંપૂર્ણ વિનાશ પામો.” આ યહોવાની વાણી છે. 13 મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે. 14 ઇસ્રાએલ શા માટે ગુલામોની પ્રજા બની છે? શા માટે તેને બંદીવાન બનાવી દૂર દેશમાં લઇ જવામાં આવી છે? 15 તરૂણ સિંહોએ તેની સામે ગર્જના કરી છે, તેઓ ઘુરઘુરાટ કેમ કરે છે? એની ભૂમિ વેરાન કેમ થઇ ગઇ છે? એનાં શહેરો બળીને ખાક કેમ થઇ ગયા છે, ઉજ્જડ કેમ છે? 16 અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી. તારું માથું વાઢી નાંખશે. 17 શુ આ સાચું નથી? કે તું જ આ દશા તારી પર લાવ્યો છે? તેં આવું તારા યહોવા દેવને છોડી દઇને કયુઁ છે, જયારે તે તને માર્ગમાં દોરી રહ્યો હતો. 18 અને હવે નીલ નદીનાં પાણી પીવા મિસર જવાનો શો અર્થ છે? અને ફ્રાંત નદીનાં પાણી પીવા આશ્શૂર જવાનો શો અર્થ છે? 19 તારા પોતાનાંજ દુષ્કૃત્યોના પરિણામ તું ભોગવશે, તારા પોતાના જ ધર્મથી વિમુખ થવાની સજા તું ભોગવી રહ્યો છે, “તારી જાતે જો અને જાણ કે મારાથી, તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ અને નુકશાનકારક છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. 20 “હા! ઘણા સમય પહેલા તેં તારી ઝૂંસરી ભાંગી નાખી. અને દોરડાં જેણે તને તેની સાથે બાંધ્યો હતો તે તોડી નાખ્યા અને મને કહ્યું કે, ‘હું તારો ગુલામ નહિ થાઉં.’ અને દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા વૃક્ષની નીચે તે વારાંગનાની જેમ વર્તન કર્યું છે. 21 મેં તો તને ઉત્તમ દ્રાક્ષલત્તા માની, જાતવાન રોપો માની રોપી હતી, પણ તું તો ષ્ટ માણસોની આવી દુષ્ટ પેઢી જેવી કેવી રીતે બની? 22 સાબુ તથા ખારો મોટા પ્રમાણમાં વપરાય તોપણ તે તમને શુદ્ધ કરી શકશે નહિ, યહોવા દેવ કહે છે કે, તારા અપરાધોના ડાઘ સદા મારી આંખો સમક્ષ છે.” 23 તું કેવી રીતે કહી શકે કે, ‘મેં મારી જાતને ષ્ટ નથી કરી અને, હું બઆલ દેવની પાછળ નથી દોડી?’ પેલા કોતરમાં તું શી રીતે વતીર્ હતી તે યાદ કર, અને તેં જે કર્યું તે કબૂલ કર. તું તો ઋતુમાં આવેલી સાંઢણી જેવો છે, જે ગાંડી થઇને ગમે તેમ દોડે છે. 24 તું રાનમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાવેશમાં છીંકારા કરતી રણમાં દોડી જાય છે, વેતરે આવી હોય ત્યારે કોણ એને રોકી શકે? કોઇ નરે તેની પાછળ કાલાવાલા કરવાની જરૂર નથી. વેતરે આવતાં એ જાતે આવીને ઊભી રહેશે. 25 જો જે, તારા પગની ખરી ઘસાઇ ન જાય, જો જે તારે ગળે પાણીનો શોષ ન પડે! પણ તું કહે છે, ‘એ નહિ સાંભળું મને અજાણ્યાઓ પ્રત્યે પ્રીતિ છે અને મારે તેમની પાછળ જ જવું છે.’ 26 જેમ ચોર પકડાય ને ફજેત થાય, તેમ તમે ઇસ્રાએલના લોકો ફજેત થશો, તમે બધા જ તમારા રાજાઓ, આગેવાનો, યાજકો અને પ્રબોધકો, 27 તમે લાકડાંની અને પથ્થરની મૂર્તિઓને કહો છો, ‘તમે અમારાં માબાપ છો.’ તમે મારી તરફ પીઠ ફેરવી છે, ‘મને તમારું મોં સુદ્ધાં બતાવતા નથી.’ પણ આફત આવે છે ત્યારે મને હાંક મારો છો, ‘યહોવા આવો, અમને બચાવો!’ 28 તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી? જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે. હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે તેટલાં દેવોની મૂર્તિઓ છે. 29 યહોવા કહે છે, “મારી વિરુદ્ધ તમે શા માટે ફરિયાદ કરો છો? મારી સામે તો તમારામાંના બધાએ બળવો કર્યો છે.” 30 “મેં તમારા બાળકોને માર્યા કે તમને સજા થાય પણ તે વ્યર્થ ગયું. તમારામાં કોઇ સુધારો થયો નથી. તમારી જ તરવાર ભૂખ્યા સિંહની જેમ તમારા પ્રબોધકોને ભરખી ગઇ.” 31 હે મારા લોકો, તમે તે કેવા છો? મારી વાત ધ્યાનથી સાંભળો! “શું હું તમારા માટે વેરાન વગડા જેવો કે ઘોર અંધકારની ભૂમિરૂપ હતો! મારા લોકો શા માટે કહે છે કે ‘અમે સ્વતંત્ર થયા છીએ; હવે અમે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા નથી?’ 32 શું કોઇ કન્યા કદી પોતાનાં ઘરેણાં ભૂલે? કોઇ નવવધૂ પોતાના કમરપટા ભૂલે? તેમ છતાં હે મારી પ્રજા, ગણ્યા ગણાય નહિ એટલા દિવસોથી તું મને ભૂલી ગઇ છે. 33 પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે. તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે! 34 તારા વસ્ત્રોનો પાલવ લોહીથી ખરડાયેલો છે, નિદોર્ષ ગરીબોના લોહીથી! તે કંઇ એ લોકોને તારા ઘરમાં ખાતર પાડતાં પકડ્યા નહોતા. 35 ને છતાં તું કહે છે, ‘દેવ રોષે ભરાય તેવું કોઇ કૃત્ય મેં કર્યું નથી. મને ખાતરી છે તે ગુસ્સે થયા નથી.’ તું કહે છે, ‘મેં પાપ નથી કર્યું’, માટે હું તને આકરી શિક્ષા કરીશ. 36 તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે. 37 તેથી તું પણ મિસરની બહાર તારો હાથ તારે માથે મુકીને આવીશ કારણ કે મેં તેઓનો અસ્વીકાર કર્યો છે જેના પર તે વિશ્વાસ મૂક્યો હતો. તેથી, તેઓ તારું ભલું નહીં કરી શકે.

3:1 યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ - કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?” 2 “જરા ઊંચી નજર કરીને ટેકરીઓ તરફ જો, એવી કોઇ જગ્યા છે જ્યાં તું વેશ્યાની માફક ન વતીર્ હોય? ટાંપી બેઠેલા રણમાંના આરબની જેમ તું રસ્તાની ધારે પ્રેમીઓની રાહ જોતી બેઠી છે, અને તેં તારા અધમ વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ષ્ટ કરી છે. 3 આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે અને ત્યાં પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે. 4 હજી થોડા સમય પહેલા જ તું મને કહેતી હતી, “પિતા તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો, તમે હંમેશા મારી સાથે રિસાયેલા રહેશો? 5 શુ તમે મારા પર સદાય રોષમાં રહેશો? તેં મને આમ કહ્યું હતું, પણ છતાં તેં તારાથી થાય એટલાં પાપ કર્યા.” 6 યોશિયા રાજા હતો ત્યારે યહોવા તરફથી મારી પાસે આ સંદેશો આવ્યો, “પેલી બેવફા ઇસ્રાએલી પ્રજાએ શું કર્યું છે, તે તેં જોયું? તે એકેએક ટેકરી પર અને એકેએક ઘટાદાર વૃક્ષ નીચે ગઇ અને ત્યાં તે વેશ્યાની જેમ વતીર્. 7 મેં ધાર્યું હતું કે, ‘એક દિવસ તે મારી પાસે આવશે અને મારી થઇને રહેશે, પણ તે પાછી આવી નહિ, તેની બેવફા બહેન યહૂદિયાએ ઇસ્રાએલનું બંડ સતત નિહાળ્યું છે. 8 તેણે એ પણ જોયું કે, વ્યભિચાર કરવા માટે મેં બેવફા ઇસ્રાએલને છૂટાછેડા આપી હાંકી કાઢી છે, તેમ છતાં, એની બેવફા બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ જઇને વેશ્યાના જેવો વર્તાવ કર્યો. 9 અને તેના કારણે તે એટલી નફફટ થઇ ગઇ છે વ્યભિચારમાં કે પથ્થર અને લાકડાના ટુકડાની પૂજા કરી તેણે ભૂમિને અશુદ્ધ કરી છે. 10 આ બધું છતા, ઇસ્રાએલની બહેન યહૂદિયા સાચા હૃદયથી મારી પાસે આવી નથી. એ માત્ર આવવાનો ઢોંગ કરે છે.” આ યહોવાના વચન છે. 11 વળી યહોવાએ મને કહ્યું કે, “બેવફા યહૂદિયાની તુલનામાં બેવફા ઇસ્રાએલ તો ઓછી દોષપાત્ર લાગે છે. 12 તેથી જા અને ઉત્તર દિશામાં, આ શબ્દો જાહેર કરીને કહે, અવિશ્વાસુ ઇસ્રાએલને ‘મારી પાસે પાછા આવવા માટે કહે.’ એવું યહોવા કહે છે. ‘હવે હું તેમની પર મારા ભવા નહિ ચઢાવું કે તારી સામે ક્રોધે ભરાઇને નહિ જોઉ, કેમકે હું દયાળુ છું’ એવું યહોવા કહે છે. ‘હું હંમેશના માટે ક્રોધે નહી ભરાઉં. 13 ફકત તારો દોષ કબૂલ કર કારણ કે તેં, તારા યહોવા દેવ સામે બળવો કર્યો છે, પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે પારકા દેવોની મૂર્તિઓની તેં પૂર્ણહૃદયપૂર્વક ઉપાસના કરી છે. તેં મારો સાદ સાંભળ્યો નથી.”‘ આ યહોવાના વચન છે. 14 “‘પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ,“હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ. 15 ત્યાં હું મને મનગમતાં રાજકર્તાઓ તમને આપીશ; ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે. 16 જો તમારો દેશ ફરી એક વખત લોકોથી ભરપૂર થશે.”“તો ભૂતકાળમાં યહોવાનો કરારકોશ તમારી પાસે હતો તે સમયના ‘સારા દિવસોની’ તમે ઇચ્છા નહિ કરો. ‘તમે કયારેય એવું નહિં વિચારો કે આ દિવસો ભૂતકાળના દિવસો જેટલા સારાં નથી. કરારકોશ ફરીથી બનાવાશે નહિ; 17 તે વખતે યરૂશાલેમ ‘યહોવાનું રાજસિંહાસન’ કહેવાશે. અને ત્યાં સર્વ પ્રજાઓ યહોવાની પાસે આવશે અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને આધીન થવાની હઠ કદી કરશે નહિ, 18 તે વખતે યહૂદિયાના લોકો ઇસ્રાએલના લોકો સાથે જોડાઇ જશે, અને તે બંને ભેગા મળીને ઉત્તરનાં દેશમાંથી નીકળી જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના તરીકે આપી હતી તેમાં પાછા આવશે.” 19 યહોવા કહે છે,“હે ઇસ્રાએલ, ‘મેં વિચાર્યું કે હું તને મારા પુત્ર જેવો ગણું અને તને એક રળિયામણી ભૂમિ, આખી દુનિયામાં સુંદરમાં સુંદર ભૂમિ વારસામાં આપું.’ મેં એમ માન્યું હતું કે, તું મને ‘પિતા’ કહીને બોલાવશે અને મારાથી કદી વિમુખ નહિ થાય. 20 પણ તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. તમે મારાથી દૂર ચાલ્યા ગયા છો. અને અસંખ્ય વિદેશી દેવોને તમે સોંપાઇ ગયા છો. વ્યભિચારી પત્ની પોતાના પતિનો ત્યાગ કરે તેવા તમે થઇ ગયા છો.” આ યહોવાના વચન છે. 21 હું ઊંચા પર્વતો પર રૂંદન અને દયા યાચનાનો અવાજ સાંભળું છું. યહોવા દેવથી દૂર ભટકી ગયેલા ઇસ્રાએલી લોકોનો તે અવાજ છે. 22 યહોવા કહે છે, “પાછાં આવો, હે બેવફા બાળકો! હું તમારી બેવફાઇ દૂર કરીશ.” અને લોકો જવાબ આપે છે, “હે યહોવા, આ રહ્યા અમે, તમારી પાસે અમે આવીએ છીએ, કારણ, તમે જ અમારા યહોવા દેવ છો. 23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર અને પર્વતો પર જૂઠાં દેવોની કોલાહલ પૂર્વક પૂજા કરવી વ્યર્થ છે, માત્ર અમારા યહોવા દેવ પાસેથી જ ઇસ્રાએલને મદદ મળી શકે છે અને ઇસ્રાએલનું તારણ ફકત અમારા યહોવા દેવ તરફથી જ શક્ય છે. 24 અમે અમારા બાળપણથી જોયું છે. અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં, ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું. ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે. 25 અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

4:1 યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો તું મારી પાસે જ પાછો આવ, તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે અને ફરીથી ખોટે માગેર્ જતો નહિ 2 અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ; તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે, તથા તેનામાં અભિમાન કરશે.” 3 યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે,“તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો, તમારાં બીજ કાંટા ઝાંખરા વચ્ચે વાવશો નહિ; 4 યહોવાનું શરણું સ્વીકારો, તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો, રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.” 5 “યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે, આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો. ‘તમારા જીવ બચાવવાને દોડો! કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’ 6 સંકેત ધ્વજ ઊંચો કરો, ‘સિયોન ને’ “હમણાં જ ભાગી જાઓ. વિલંબ કરશો નહિ!” કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર ભયંકર વિનાશ લાવું છું.” 7 “સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે; તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ, 8 માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો, કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.” 9 યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ અને સરદારો ભયને લીધે કાંપશે, યાજકોને તથા પ્રબોધકોને ભયને કારણે ભારે આઘાત લાગશે.” 10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.” 11 “તે સમય આવી રહ્યો છે, જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે, અરણ્ય તરફથી તેઓના પર બાળી નાખે તેવા પવનો આવે છે. તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવે તેવો હશે નહિ. 12 મારી તરફથી ખૂબ શકિતશાળી પવન તમારી તરફ દોડયો આવશે. હવે હું તમારી વિરુદ્ધ મારો ચુકાદો જણાવીશ.” 13 જુઓ, તોફાની પવનની જેમ લશ્કર અમારા પર ચઢી આવશે. તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે, તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે. ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા. 14 હે યરૂશાલેમ, તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે, તો કદાચ તું બચી જાય, તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ? 15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે. 16 “અન્ય લોકોને જાણ કરો, યરૂશાલેમમાં દાંડી પિટાવો. યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા દૂરના દેશથી દુશ્મનો આવે છે. 17 જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે; કારણ કે તેના લોકોએ યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.” યહોવા આ વચનો કહે છે. 18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે, તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે. માટે આ બધું તારા પર વિત્યું છે. આ તારી સજા છે! કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!” 19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે! મારી છાતી કેવી ધડકે છે! હું શાંત રહી શકતો નથી, કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે. 20 સંકટ પર સંકટ આવે છે, દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે, મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે. તેના પડદાઓના લીરા ઊડે છે. 21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો અને રણશિંગડાનો નાદ સાંભળવો? 22 દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી, કારણ, મારા લોકો મૂરખ છે, તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે. એમને કશી સમજ નથી. એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે, પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.” 23 મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી. સર્વત્ર વિનાશ વેરાયેલો હતો. આકાશો પણ અંધકારમય હતા. 24 મેં પર્વતો તરફ જોયું, તો તે ધ્રૂજતા હતા. બધા ડુંગરો ડોલતા હતા. 25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું. આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા. 26 મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં, બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં, કારણ, યહોવા રોષે ભરાયા હતા. 27 કારણ કે યહોવાએ કહ્યું હતું કે, “આખા દેશનો વિનાશ થઇ જશે, પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું. 28 સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે. કારણ, યહોવા બોલી ચૂક્યો છે અને તેનો વિચાર તે બદલનાર નથી, તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.” 29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં જ સમગ્ર દેશ નાસભાગ કરે છે. કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે, કેટલાક ડુંગરો પર ચઢી જાય છે. એકેએક શહેર સૂનું થઇ જાય છે, કોઇ ત્યાં રહેતું નથી. 30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો અને ઘરેણાં પહેર્યાં છે? અને શા માટે આંખોમાં કાજળ લગાવીને આંખોને તેજસ્વી કરી છે? તેનાથી તને લાભ થવાનો નથી. તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે અને તારો વિનાશ કરવાનું ઈરછે છે. 31 હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું. પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે. એ તો મારા લોકોનો અવાજ છે. તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ, અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”

5:1 યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું. 2 લોકો પ્રતિજ્ઞા લે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે એમ કહે છે, પણ એ જૂઠું બોલે છે.” 3 હે યહોવા, તમે વિશ્વાસુપણું ચાહો છો. તમે તેઓને પ્રામાણિક બનાવવા પ્રયત્ન કર્યો. તમે તેઓને શિક્ષા કરી પણ તેઓ સુધર્યા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છતાં પોતાના પાપોથી પાછા ફરવા તેઓએ અસંમતિ દર્શાવી. અને પશ્ચાતાપ નહિ કરવાનો તેઓએ નિરધાર કર્યો છે. તેઓ પાષાણથી પણ વધુ કઠણ છે. 4 પછી મેં કહ્યું, “તેઓ જ ગરીબ લોકો છે, તેઓને કંઇ ભાન નથી. હા, તેઓને યહોવાના માગોર્ ખબર નથી અને તેમના દેવના કાયદાથી અજાણ છે.” 5 હું વડીલો પાસે તેમની સાથે વાત કરવા જઇશ, કારણ કે તેઓ યહોવા તરફનો માર્ગ જાણે છે અને જેઓ દેવના કાયદા જાણે છે, પણ તે લોકોએ દેવની ઝૂંસરી ભાંગી નાખી છે અને જોતરો તોડી નાખ્યાં છે.” 6 આથી જંગલમાંથી સિંહ આવી તેમને ભોંયભેગા કરી દેશે. વગડામાંથી વરૂ આવી તેઓને ફાડી ખાશે. તેમનાં શહેરો ફરતે ચિત્તો આંટા માર્યા કરશે; નગરની બહાર જનારા દરેકને તે ફાડી ખાશે, કારણ કે તેઓનાં પાપ અતિઘણાં અને મારી વિરુદ્ધ તેઓનું બંડ અતિ ભારે છે. અસંખ્ય વાર તેઓ દેવથી વિમુખ થયાં છે. 7 દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા. 8 તેઓ સારો ખોરાક ખવડાવીને મસ્ત બનાવેલા ઘોડા જેવા છે; દરેક પોતાની પડોશીની સ્ત્રી તરફ કુષ્ટિ કરે છે. 9 આ માટે મારે એમને સજા ન કરવી?” શું હું આવી પ્રજાઓ પર મારું વૈર ન વાળું? 10 “તેમની દ્રાક્ષાવાડીઓમાં પ્રવેશ કરો અને તેઓનો વિનાશ કરો, પણ તેમનો સંપૂર્ણ વિનાશ ન કરો. તેની લીલી ડાળીઓ કાપી નાખો, કારણ કે એ મારી નથી. 11 કારણ કે ઇસ્રાએલનાં વંશ અને યહૂદાના વંશ બન્ને મને સંપૂર્ણપણે બેવફા નીવડ્યા છે.” આ યહોવાના વચન છે. 12 તેઓએ એમ કહીને અસત્ય ઉચ્ચાર્યુ છે, “‘યહોવા અમને મુશ્કેલીમાં મૂકશે નહિ! અમારા પર સંકટ આવી પડશે નહિ, અમે દુકાળ કે યુદ્ધ જોઇશું નહિ!’ 13 જૂઠા પ્રબોધકો વાતોડિયા છે અને હવાભરેલા થેલા જેવા છે. તેઓને કોઇ સંદેશો મળ્યો નથી. તેઓ જે આપત્તિ વિષે કહે છે તે યહૂદિયા અને ઇસ્રાએલના લોકો પર નહિ આવે પરંતુ તેમના પોતાના પર ચોક્કસ આવશે!” 14 એથી સૈન્યોનો દેવ યહોવા તેમના પ્રબોધકોને કહે છે: “તમારી આ પ્રકારની વાતોને કારણે હું તમારા શબ્દોને અને ભવિષ્યવાણીને પ્રચંડ અગ્નિમાં ફેરવી નાખીશ અને બળતણના લાકડાની જેમ આ લોકોને હું ભસ્મ કરીશ.” 15 યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લઇ આવું છું. એ પ્રાચીન અને બળવાન પ્રજા છે, અને તેની ભાષા તમે જાણતા નથી. 16 તેઓ બધા પ્રચંડ યોદ્ધાઓ છે, તેમનાં ભાથામાં જીવલેણ બાણ ભર્યા છે. 17 તેઓ તમારી ફસલ અને તમારો ખોરાક ખાઇ જશે. તેઓ તમારાં પુત્ર-પુત્રીને ભરખી જશે, તેઓ તમારાં ઘેટાં-બકરાંને અને ઢોરઢાંખરને ખાઇ જશે; તેઓ તમારી દ્રાક્ષાવાડીઓને અને ફળઝાડોને ખાઇ જશે; અને તમે જેના પર આધાર રાખો છો, તે તમારા કિલ્લેબંધ નગરોને તેઓ તોડી પાડશે. 18 તેમ છતાં એ દિવસોમાં પણ- આ હું યહોવા બોલું છું- હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. 19 અને યમિર્યા જ્યારે તમારા લોકો પૂછે, ‘શા માટે યહોવા આ શિક્ષા અમારા પર લાવ્યા છે?’ ત્યારે તમે કહેજો, ‘તમારા વતનમાં રહીને તમે યહોવાનો નકાર કર્યો અને અન્ય દેવોની પાછળ ભટકી ગયા. હવે તમે વિદેશીઓના દેશમાં તેઓની ગુલામગીરી કરશો.”‘ 20 યહોવા કહે છે, “યાકૂબના વંશજોને આની જાણ કરો, યહૂદિયાના લોકોમાં આની ઘોષણા કરો: 21 ધ્યાન દઇને સાંભળો, ‘હે મૂરખ અને અક્કલ વગરના લોકો! તમે છતી આંખે જોતા નથી, છતે કાને સાંભળતા નથી; તમને મારો ભય નથી?”‘ 22 આ હું યહોવા બોલું છું “શું તમે મને જોઇને થથરી નહિ જાઓ? મેં સાગરને રેતીની પાળ બાંધી છે; એ પાળ કાયમી છે; સાગર એને ઓળંગી શકે નહિ, સાગર ગમે તેટલો તોફાને ચડે પણ કઇં કરી શકે નહિ. એનાં મોજાં ગમે તેટલી ગર્જના કરે પણ એને ઓળંગી નહિ શકે. 23 પરંતુ આ લોકો તો હઠીલા અને બળવાખોરો છો. તેઓ મારાથી દૂર ભટકી ગયા છે. 24 પ્રતિવર્ષ હું તમને પ્રથમ તથા છેલ્લો વરસાદ આપું છું અને વાવણીનો સમય આપું છું, છતાં તમે તમારી જાતને ક્યારેય કહેતા નથી. ચાલો, આપણા યહોવા દેવને માન આપીએ.” 25 તમારા પોતાના દુષ્કમોર્થી વરસાદ તમારાથી વિમુખ થઇ ગયો. અને તમારાં પોતાના પાપે તમને કુદરતના આશીર્વાદથી વંચિત રાખ્યા છે. 26 મારા લોકોમાં દુષ્ટ માણસો છે, અને પારધીઓ જેમ ગુપ્ત રહીને શિકાર કરવાનો લાગ શોધે છે, તેમ તેઓ મનુષ્યને પકડવા માટે ફાંદો માંડે છે. 27 જેમ પાંજરું પક્ષીઓથી ભરાયેલું હોય છે, તેઓનાં ઘરો વિશ્વાસઘાતથી ભરેલાં છે. પરિણામે તેઓ મહાન અને શ્રીમંત થઇ ગયા. 28 તેઓ હૃષ્ટપુષ્ટ અને તેજસ્વી થયા છે. તેઓનાં દુષ્ટ કાર્યોની કોઇ સીમા નથી. તેઓ અનાથોની બાબતે ન્યાય કરતા નથી, તેમને સમૃદ્ધ થવાની કોઇ તક આપતા નથી, અને તેઓ નિર્ધનોના હકોનું રક્ષણ કરતાં નથી. 29 આ બધાં માટે મારે તેમને સજા ન કરવી? એવી પ્રજાને મારે બદલો ન આપવો?” આ હું યહોવા બોલું છું. 30 યહોવા કહે છે, “દેશમાં ભયંકર આઘાતજનક વાતો બની રહી છે: 31 પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?”

6:1 હે બિન્યામીનના લોકો, જીવ બચાવવા ભાગો, યરૂશાલેમમાંથી નીકળી જાઓ, તકોઆમાં રણશિંગડું વગાડો અને બેથ-હાક્કેરેમ પર ચેતવણીનો દીવો પેટાવો, સર્વને ચેતવણી આપો કે ઉત્તર તરફથી સાર્મથ્યવાન લશ્કર મહાવિનાશ કરવા આવી રહ્યું છે. 2 તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ “સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.” 3 ઘેટાંપાળકો પોતાનાં ટોળા લઇને ત્યાં આવે છે. એની ફરતે તંબુઓ નાંખે છે, દરેક જણ પોતાને ગમે તે જગ્યાએ ચરશે. 4 તેઓ કહે છે: “તેની સામે યુદ્ધે ચડવા માટે તૈયાર થાઓ; ચાલો, આપણે ભરબપોરે તેના પર હુમલો કરીએ. હાય રે! દિવસ તો ઢળી ગયો, સંધ્યાની છાયા લંબાતી જાય છે! 5 તો ચાલો, આપણે તેના પર રાતે હુમલો કરીને તેના મહેલોનો નાશ કરીએ.” 6 આમ સૈન્યોના દેવ યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “તેણીના વૃક્ષો કાપી નાખો અને યરૂશાલેમ પર આક્રમણ કરવા મોરચાઓ ઊભા કરો. આ નગર તો દંડને પાત્ર છે કારણ કે એમાં જુલમ સિવાય બીજું કશું નથી. 7 જેમ ઝરો પાણીથી ઊભરાય છે તેમ એ દુષ્ટતાથી ઊભરાય છે. નગરમાં મારઝૂડ અને લૂંટફાટ સિવાય કશું જ સંભળાતું નથી, માંદગી અને ધા સિવાય કશું જોવા મળતું નથી. 8 માટે યરૂશાલેમ, આ ચેતવણી પર તું ધ્યાન આપ. નહિ તો ધૃણાથી હું તારો ત્યાગ કરીશ. તને વસ્તી વગરનું વેરાન બનાવી દઇશ.” 9 સૈન્યોના દેવ યહોવાએ મને કહ્યું, “તમારા પર એક પછી એક આફત આવી પડશે અને ઇસ્રાએલમાં જે થોડાં બાકી રહેલા હશે તેઓને શોધીને લઇ જવામાં આવશે. દ્રાક્ષા તોડનાર વેલા પર ચંૂટાયા વગર રહી ગયેલી દ્રાક્ષાઓને એકત્ર કરવા ફરીથી વેલાને તપાસી જુએ છે, તેમ બચાવી લીધેલા મારા થોડા લોકોને તું જરૂર જોતો હોઇશ.” 10 મેં જવાબ આપ્યો, “મારે કોને કહેવું? કોને ચેતવવા? કોણ સાંભળશે? તેમના કાન તમારા વિષે કંઇ સાંભળવા માંગતા નથી. હા, તેઓ યહોવાના વચનને નિંદાસ્પદ ગણે છે, તેઓને તે ગમતા નથી. 11 પણ, યહોવા, હું તારા રોષથી ભર્યોભર્યો છું, હું એને અંદર સમાવી શકતો નથી.” ત્યારે યહોવાએ કહ્યું, “તો એને મહોલ્લામાં રમતાં નાનાં બાળકો પર અને ટોળે વળતા તરુંણો પર ઠાલવ, પતિ, પત્ની, અને ઘરડાઓ સુદ્ધાં બધા જ એનો ભોગ બનશે. 12 તેઓના શત્રુઓ તેઓનાં ઘરોમાં વાસો કરશે અને તેઓનાં ખેતરો તથા પત્નીઓ લઇ લેશે. કારણ કે હું આ દેશના લોકોને શિક્ષા કરીશ.” આ યહોવાના વચન છે. 13 “કારણ કે તેઓ બધા સામાન્ય માણસથી માંડીને છેક ઉચ્ચ અધિકારી સુધી સર્વ તેમના લોભ દ્વારા ખોટા લાભો મેળવે છે, અને તેમના પ્રબોધકો અને યાજકો પણ તેવી જ છેતરામણી રીતે વતેર્ છે! 14 તેઓ મારા લોકોના ઘાને સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે, તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી. 15 પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ? એમને વળી લાજશરમ કેવી? તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે. તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે, હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે. 16 હજુ પણ યહોવા તમને સમજાવે છે: “જુઓ, ભૂતકાળના વષોર્માં તમે દેવના માગોર્માં ચાલતા હતા. તો જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તે માગેર્ ચાલો. ત્યાં તમારા આત્માને શાંતિ મળશે. પણ તમે પ્રત્યુત્તર આપો છો, ‘ના, અમારે એવા રસ્તા પર ચાલવું નથી!’ 17 તમને ચેતવણી આપવા મેં તમારા પર ચોકીદારો નીમ્યા. ‘રણશિંગડાનો અવાજ સાંભળજો, વિપત્તિ આવતી હશે, ત્યારે તે તમને ચેતવી દેશે.’ પરંતુ તમે કહ્યું, ‘ના, અમે તે તરફ ધ્યાન આપીશું નહિ.’ 18 આથી યહોવાએ કહ્યું, “હે પ્રજાઓ, તમે સાંભળો, અને જાણી લો કે મારા લોકોના શા હાલ થવાના છે. 19 હે પૃથ્વીના લોકો, સાંભળો, અને નોંધી રાખો, કે તે લોકો પર હું આફત ઉતારનાર છું. એ એમના કાવાદાવાનું ફળ છે. તેમણે મારા શબ્દો કાને ધર્યા નથી; અને તેમણે મારા નિયમશાસ્ત્ર નો અસ્વીકાર કર્યો છે.” 20 યહોવા કહે છે, “હવે મારી સમક્ષ શેબાથી દૂરદેશાવરથી મંગાવેલ ધૂપ-લોબાન બાળવાથી કાઇં વળવાનું નથી. તમારી કિંમતી સુગંધીઓ સાચવી રાખો! હું તમારા અર્પણો સ્વીકારી શકતો નથી. તેમાં મને પ્રસન્ન કરતી સુગંધ નથી. 21 યહોવા કહે છે, “તેથી હું મારા એ લોકોને ઠોકર ખવડાવીશ અને તેઓ ભૂમિ પર પછડાશે; પિતા અને પુત્ર, પડોશી અને મિત્ર બધા જ નાશ પામશે.” 22 યહોવા કહે છે, “ઉત્તરમાંથી એક પ્રજા આવી રહી છે, પૃથ્વીને દૂરને છેડે એક બળવાન પ્રજા યુદ્ધની તૈયારી કરી રહી છે. 23 તેઓ ક્રૂર અને નિર્દય છે, શસ્ત્રસજ્જ થઇ ઘોડેસવારી કરતા આવે છે, તેઓની કૂચનો અવાજ ઘૂઘવતા સમુદ્ર જેવો છે. હે સિયોનની દીકરી, તેઓ તારી વિરુદ્ધ લડાઇ કરવા તૈયાર છે.” 24 લોકો કહે છે, “અમે સમાચાર સાંભળ્યા છે, અમારા ગાત્રો ગળી ગયા છે. અમને વેદના જાગી છે, જાણે પ્રસૂતિની વેદના. 25 બહાર ખેતરોમાં જશો નહિ, રસ્તાઓ પર મુસાફરી કરશો નહિ કારણ કે સર્વત્ર શત્રુ છે અને સંહાર કરવાને તત્પર છે. ચારે તરફ ભય છે. 26 હે મારા પ્રિય લોકો શોકનાં વસ્ત્રો ધારણ કરો, રાખમાં બેસો, અને એકના એક પુત્રને માટે હોય તેમ ભગ્નહૃદયે ચિંતા કર. કારણ કે વિનાશ કરનાર સૈન્યો એકાએક આપણા પર ચઢી આવશે. 27 યમિર્યા, મેં તને ધાતુઓનો પારખનાર કર્યો છે, મારા લોકોની પરીક્ષા કર, અને તેઓનું મૂલ્ય નક્કી કર. તેઓ શું કહે છે તે તું સાંભળ. અને તેઓ શું કરે છે તે તું જો. 28 “એ બધા અધમ બંડખોરો અને યહોવાની વિરુદ્ધ દુષ્ટતા ભરેલી વાતો કરનારા નથી? તેઓ પિત્તળ જેવા કઠોર અને લોખંડ જેવા ક્રૂર છે. 29 ધમણ ચાલે છે, વેગથી હવા ફૂંકે છે. અને શુદ્ધ કરનારો અગ્નિ વધુ પ્રબળ બની અતિશય ગરમી આપતો જાય છે. આવો અગ્નિ પણ તેઓને શુદ્ધ કરી શકતો નથી. કારણ કે તેઓમાંથી કોઇ જ પ્રકારની શુદ્ધતા બહાર આવી શકે તેમ નથી. તો પછી શુદ્ધિકરણની પ્રક્રિયા શા માટે ચાલુ રાખવી? તે બધુંજ કચરો છે. અગ્નિ ગમે તેટલો પ્રબળ બને પણ તેઓ તો પોતાના દુષ્ટ માગોર્માં ચાલુ જ રહે છે. 30 તેઓ ‘નકારેલી ચાંદી એમ કહેવાય છે. કારણ કે યહોવાએ તેમનો નકાર કર્યો છે.”

7:1 પછી યહોવાએ યમિર્યાને કહ્યું, 2 “યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જા અને ત્યાં થઇને મારી ઉપાસના કરવા આવનાર સૌ યહૂદિયા વાસીઓની આગળ જાહેરાત કર; 3 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કમોર્ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ. 4 પરંતુ તે લોકોનો વિશ્વાસ કરતાં નહિ, જેઓ જૂઠું બોલતા એમ કહેતા રહે છે, “યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર અહીયાં જ છે.” 5 કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કમોર્ સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો, 6 અને જો તમે વિદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો, અને જો તમે આ જગ્યાએ નિદોર્ષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ દોડી તમારો પોતાનો જ વિનાશ ન નોતરો; 7 તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે. 8 “‘જરા જો કે તું શું કરી રહ્યો છે? શું તું હજી એ છેતરામણા શબ્દોમાં માને છે જે તને કોઇ રીતે મદદ ન કરી શકે? 9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો, વ્યભિચાર કરો છો. ખોટા સોગંદ ખાઓ છો. બઆલદેવને ભોગ ચઢાવો છો. અને અજાણ્યા જ બીજા દેવોની પાછળ પડો છો. 10 અને પછી અહીં આવી મારા મંદિરમાં મારી સમક્ષ ઊભા રહીને કહો છો, “અમે સુરક્ષિત છીએ,” આ બધા અધમ કાર્યો કરવાને અમને છૂટ છે! 11 તમે શું એમ માનો છો કે આ મારું મંદિર એ ચોરલૂંટારાનો અડ્ડો છે? યાદ રાખજો, મેં જાતે આ બધું જોયું છે.”‘ આ હું યહોવા બોલું છું. 12 “‘મારું સ્થાન એક વખત ‘શીલોહમાં હતું ત્યાં જાઓ, જ્યાં મારું પ્રથમ નિવાસસ્થાન હતું. અને જોઇ આવો કે મારા લોકો ઇસ્રાએલીઓની દુષ્ટતાને કારણે મેં તેના શા હાલ કર્યા છે! 13 અને હવે, જ્યારે આ સર્વ દુષ્ટતા તમે કરી છે માટે હવે હું તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરીશ. મેં વારંવાર કહ્યું છે કે યહોવા આ પ્રમાણે કહે છે, છતાં તમે મારું સાંભળ્યું નહિ, મેં તમને સાદ કર્યો છતાં તમે પ્રત્યુત્તર ન આપ્યો. 14 તેથી તમે મદદ માટે મંદિર પર ભરોસો રાખો છો, પણ મેં જેમ ‘શીલોહ’માં કર્યું તેમ મારા નામથી ઓળખાતા આ મંદિરનો અને તમારા પિતૃઓનો પ્રદેશ તથા તમને મેં આપેલા આ સ્થળનો હું નાશ કરીશ. 15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના લોકોને જેમ કર્યું હતું, તેમ હું તમને બંદીવાસમાં મોકલી આપીશ.”‘ 16 યહોવાએ મને કહ્યું, “યમિર્યા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહી, મારી આગળ કોઇ મધ્યસ્થી કરીશ નહિ, કારણ, હું સાંભળનાર નથી. 17 તું જોતો નથી કે યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે? 18 આકાશની રાણી માટે ભાખરી બનાવવા બાળકો લાકડાં વીણે છે, પુરુષો દેવતા સળગાવે છે અને સ્ત્રીઓ ગૂંદે છે. બીજા દેવોને પણ તેઓ પેયાર્પણ ચઢાવે છે. જાણે મારું અપમાન ન કરતાં હોય? 19 શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? ખરું જોતાં તેઓ પોતાનું જ અપમાન કરતાં નથી? પોતે જ શરમજનક નામોશી વહોરી લેતા નથી?” 20 તેથી આ હું યહોવા બોલું છું, “મારો રોષાગ્નિ અને મારો ક્રોધાગ્નિ આ જગ્યા પર તેમ જ ખેતરો પર ઊતરશે, અને તે હોલાવ્યો પણ હોલવાઇ જશે નહિ.” 21 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે, “મારા લોકો, ભલે તમે મને ચઢાવેલ યજ્ઞ ભેગુ દહનાર્પણ પણ લઇ લો અને એ બધું માંસ તમે ખાઇ જાઓ. 22 કારણ કે તમારા પિતૃઓને હું મિસરમાંથી લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને દહનાર્પણ અને યજ્ઞ વિષે કશુંય નહોતું કહ્યું કે, કોઇ આજ્ઞાય ફરમાવી નહોતી; ફકત મેં તેઓને કહ્યું હતું; 23 ‘મને આધીન થાઓ અને હું તમારો દેવ થઇશ અને તમે મારા લોકો થશો; હું તમને ફરમાવું છું તેટલું તમે કરો તો તમે સુખી અને સમૃદ્ધ થશો!’ 24 “પરંતુ તેઓએ સાંભળ્યું નહિ, ને ધ્યાન પણ આપ્યું નહિ, પોતાના દુષ્ટ હઠીલા વિચારો પ્રમાણે જ ચાલ્યા. સારા બનવાને બદલે તેઓ વધારે ખરાબ થતા ગયા. આગળ વધવાને બદલે પાછળ હટયા. 25 તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત મેં મારા સેવકો પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા છે. 26 છતાં તમે મારું સાંભળ્યું નથી. ધ્યાન આપ્યું નથી. અને હઠીલા થઇને તમારા પિતૃઓ કરતાં પણ વધારે બંડખોર થઇને ર્વત્યા છો. 27 યમિર્યા, તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળવાના નથી, તું જો તેમને સાદ કરશે તો તેઓ જવાબ આપનાર નથી. માટે યોગ્ય પ્રત્યુત્તરની આશા રાખીશ નહિ. 28 માટે તું એમને કહેજે, ‘આ એ પ્રજા છે જે પોતાના દેવ યહોવાનું સાંભળતી નથી કે સુધરતી નથી; સચ્ચાઇ મરી પરવારી છે; એમને મોઢે હવે એનું નામ પણ સાંભળવા મળતું નથી.” 29 “હે યરૂશાલેમ, શરમને કારણે તારું માથું મૂંડાવ, શોક પાળ, અને પર્વતો પર એકાંતમાં ચિંતા કર; કારણ કે યહોવાએ પોતાના રોષને કારણે આ લોકોનો નકાર કર્યો છે અને તેઓનો ત્યાગ કર્યો છે. 30 આવુ બન્યું કારણકે યહૂદિયાના લોકોએ મારી સામે એવું શરમજનક કૃત્ય કર્યું છે, કે તે મને ગમ્યું નથી, તેમણે મારું નામ ધરાવતા મંદિરમાં ઘૃણાસ્પદ મૂર્તિઓ મૂકી એને તેને અશુદ્ધ કર્યું છે. 31 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓને હોમવા બેન-હિન્નોમની ખીણમાં તોફેથ નામનો યજ્ઞકુંડ બાંધ્યો છે. મેં એવી આજ્ઞા કરી જ નથી, એવો વિચાર સુદ્ધાં મારા મનમાં કદી આવ્યો નથી.” 32 “એવો સમય આવે છે જ્યારે ‘તોફેથ’ અથવા “બેન-હિન્નોમની ખીણ” નું નામ બદલીને ‘કતલની ખીણ’ રાખવામાં આવશે અને તેઓને દફનાવવા જગ્યા બાકી ન રહે ત્યાં સુધી તેમને તોફેથમાં દફનાવવામાં આવશે પછી તેઓના મૃતદેહોને ખીણમાં નાખી દેવામાં આવશે. 33 પછી એ લોકોના મૃતદેહોને આકાશના પંખીઓ અને જંગલી પશુઓ ખાશે અને તેમને ડરાવીને હાંકી મૂકનાર કોઇ નહિ હોય, 34 ત્યારે હું યહૂદિયાના ગામોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી આનંદના અને હર્ષના અવાજો અને વરવધૂના કિલોલ-હષોર્લ્લાસ બંધ કરીશ. જેથી સમગ્ર પ્રદેશ ઉજ્જડ વેરાન વગડો બની જશે.”

8:1 યહોવા કહે છે, “જ્યારે એ સમય આવશે ત્યારે યહૂદિયાના રાજાઓનાં અને તેમના આગેવાનોનાં, યાજકોનાં અને પ્રબોધકોનાં તેમજ યરૂશાલેમના વતનીઓના હાડકાં તેમની કબરોમાંથી બહાર કાઢવામાં આવશે. 2 અને તેઓનાં હાડકાં સૂર્ય, ચંદ્ર અને આકાશનાં નક્ષત્રો સમક્ષ પાથરવામાં આવશે, જેમના પર તેમને પ્રેમ હતો, જેમની તેઓ પૂજા કરતા હતા, જેમની તેઓ સલાહ લેતા હતા. એ હાડકાં ફરી ભેગાં કરવામાં કે દાટવામાં નહિ આવે, પરંતુ પૃથ્વીના પટ પર ખાતરરૂપ થઇ જશે. 3 “અને આ દુષ્ટ પ્રજામાંથી જેઓ જીવતાં રહેશે, તેઓને હું જ્યાં જ્યાં વિખેરી નાખીશ, ત્યાં ત્યાં તેઓ જીવવા કરતાં મરવું વધારે પસંદ કરશે.” એમ આ યહોવાના વચન છે. 4 તું એ લોકોને કહેજે કે આ યહોવાના વચન છે. “કોઇ પડી જાય છે તો પાછો ઊભો થાય છે. કોઇ રસ્તો ભૂલે છે તો પાછો ભૂલ સમજાતા સાચે રસ્તે પાછો ફરે છે. 5 તો પછી તમે મારાથી મોં ફેરવીને ગયા છો તો પાછા કેમ નથી ફરતા? તમે તમારી ભ્રામક મૂર્તિઓને વળગી રહો છો અને પાછા આવવાની ના પાડો છો. 6 મેં તમને ધ્યાનથી સાંભળ્યા છે, પણ કોઇ સાચું બોલતું નથી, કોઇ પોતાની દુષ્ટતા માટે પશ્ચાતાપ કરતું નથી, કહેતું પણ નથી કે, “અરે અમે આ શું કર્યું?” જેમ ઘોડો યુદ્ધના મેદાનમાં વેગથી ધસે છે, તેમ તેઓ પાપનાં રસ્તા પર વેગથી આગળ વધે છે. 7 આકાશમાં ઊડતો બગલો પણ પોતાના સ્થળાંતરનો સમય જાણે છે, તેમ જ હોલો, અબાબીલ તથા સારસ પણ જાણે છે, પ્રતિવર્ષ તેઓ સર્વ યહોવાએ તેમના માટે નિર્ધારિત કરેલા સમયે પાછા ફરે છે; પરંતુ મારા લોકોને યહોવાના નિયમનું ભાન નથી. 8 તમે એવું શી રીતે કહી શકો કે, ‘અમે શાણા છીએ, અમારી પાસે યહોવાનુ નિયમશાસ્ત્ર છે’ શાસ્ત્રીઓએ જૂઠી કલમો દ્વારા નિયમશાસ્ત્રમાં જૂઠ દાખલ કર્યું છે! 9 ‘શાણા માણસો લજ્જિત થશે, તેઓ ડરી જશે અને તેમના કામો ઉઘાડા પડી જશે. નોંધી રાખજો, આ યહોવાના શબ્દો તેમણે નકાર્યા હતા. તેમની પાસે કેવું શાણપણ હોઇ શકે? 10 હું તેમની પર દુકાળ, તરવાર અને બીમારી મોકલી દઇશ. હું તેમની પર ત્યાં સુધી હુમલો કરીશ જ્યા સુધી તે મરી નહિ જાય, ત્યારે તેઓ આ ભૂમિ પર સદાને માટે નહી રહે. જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી. 11 તેઓ મારા લોકોના ઘા નો સામાન્ય ઉઝરડા હોય એમ ઉપચાર કરે છે. તેઓ કહે છે કે, ‘બરાબર છે, બધું બરાબર છે.’ પણ લગારે બરાબર નથી. 12 મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે? ના, તેઓને સહેજે શરમ લાગતી નથી; વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી! તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે. 13 યહોવા કહે છે કે, “હું તેઓનો સંપૂર્ણ નાશ કરીશ; વળી દ્રાક્ષાવેલા પર કઇં દ્રાક્ષો થશે નહિ, ને અંજીરીને અંજીર લાગશે નહિ, ને પાંદડા ચીમળાશે; મેં તેઓને જે કઇં આપ્યું છે તે તેઓની પાસેથી જતું રહેશે.” આ યહોવાના વચન છે. 14 પછી યહોવાના લોકો કહેશે, “અહીં આપણે મરણ પામવાની પ્રતિક્ષા શા માટે કરીએ? આવો, આપણે કિલ્લેબંધ નગરોમાં જઇએ અને ત્યાં મૃત્યુ પામીએ, કારણ કે આપણા દેવ યહોવાએ આપણું મૃત્યુ જાહેર કર્યું છે અને આપણા સર્વ પાપોને કારણે દેવે આપણને ઝેરનો પ્યાલો પીવાને આપ્યો છે. 15 આપણે શાંતિની અપેક્ષા રાખી હતી, પરંતુ કઇં શાંતિ થઇ નહિ, આપણે કુશળ સમયની રાહ જોઇ હતી, પરંતુ તેના બદલે ભય આવી પડ્યો.” 16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે. દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે; ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે, તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે, એ લોકો આખો પ્રદેશ અને એમનું સર્વસ્વ, શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.” 17 યહોવા કહે છે, “સાવધાન! હવે હું તમારા પર સપોર્ અને નાગો મોકલું છું, એવા કે જેને કોઇ મંત્રથી વશ ન કરી શકે, તે તમને કરડશે.” 18 દેવ મારું હૃદય થાકી ગયું છે, શોક મને ઘેરી વળે છે. 19 સાંભળ! દુર સુધી દેશમાં મારા લોકોની ચીસ સંભળાય છે, તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી? સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?” યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને અને તમારા વિદેશી દેવો દ્વારા શા માટે મને ક્રોધિત કર્યો છે?” 20 લોકો કહે છે, “કાપણી પૂરી થઇ છે, ઉનાળો વિતી ગયો છે, પણ આપણું તારણ ન થયું.” 21 મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું. 22 શું હવે ગિલયાદમાં દવા નથી? ત્યાં કોઇ વૈદ્ય નથી? તો પછી મારા લોકોના ઘા રુઝાતા કેમ નથી?

9:1 મારું માથું જળાશય હોય તો કેવું સારું! મારી આંખો આંસુના ઝરણાં હોય તો કેવું સારું! હું સદાકાળ ચિંતા કર્યા કરું; મારા લોકોની હત્યાઓ માટે હું રાત-દિવસ કલ્પાંત કર્યા કરું! 2 અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે. 3 યહોવા કહે છે, “તેઓ ધનુષ્યની માફક પોતાની જીભ વાળીને પોતાનાં અસત્યના બાણો ફેંકે છે. તેઓ સત્યની પરવા કરતા નથી અને તેઓ વધુ ને વધુ દુષ્ટ બનતા જાય છે; તેઓ મારી પણ પરવા કરતા નથી.” 4 “પ્રત્યેક જણ પોતાના મિત્રથી સાવધ રહેજો, ભાઇનો પણ વિશ્વાસ ન કરતા, કારણ, એકેએક ભાઇ યાકૂબ જેવો દગાબાજ છે. 5 અને એકેએક મિત્ર પોતાના મિત્રની નિંદાત્મક જૂઠી વાતો ફેલાવે છે. દરેક જણ પોતાના મિત્રને છેતરે છે, કોઇ સાચું બોલતું નથી, તેમની જીભ જૂઠું બોલવા ટેવાઇ ગઇ છે. 6 તેઓ ખોટે માગેર્ ચડી ગયા છે, પાછા ફરી શકે એમ નથી, અન્યાય પર અન્યાય અને છેતરપિંડી ઉપર છેતરપિંડી કર્યા જ જાય છે! મારી પાસે આવવાનો સંપૂર્ણ ઇન્કાર કરે છે.” આ યહોવાના વચન છે. 7 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને દુ:ખરૂપી કુલડીમાં ઓગાળીશ. હું તેઓને શુદ્ધ કરીશ અને ધાતુની જેમ હું તેઓની પરીક્ષા કરીશ, આ સિવાય તેઓને માટે હું બીજું શું કરું? 8 તેમની જીભ જીવલેણ બાણ જેવી છે, તેઓ જૂઠાણું જ ઉચ્ચારે છે. બધા મોઢે મીઠું બોલે છે, પણ મનમાં એકબીજાને ફસાવવાના ઘાટ ઘડે છે.” 9 યહોવા પૂછે છે, “આ બધા માટે મારે તેમને શું સજા ન કરવી? આવી પ્રજા પર શું મારો આત્મા વૈર નહિ લે?” 10 હું તેઓના પર્વતો અને ઘાસચારાના બીડો માટે વિલાપ અને રૂદન કરતાં કરતાં તેમની તરફ નજર કરું છું; તેઓ ઉજ્જડ થઇ ગયા છે, તેમાં કોઇ જીવતું રહ્યું નથી. ઢોરનો અવાજ સંભળાતો નથી અને પક્ષીઓ તથા જંગલી પ્રાણીઓ પણ ત્યાં નથી; સર્વ નાસી ગયા છે. 11 યહોવાએ કહ્યું, “યરૂશાલેમને હું ખંડેરોનો ઢગલો બનાવી દઇશ, શિયાળોની બોડ બનાવી દઇશ, અને હું યહૂદિયાના શહેરોને નિર્જન વગડામાં ફેરવી નાખીશ.” 12 મેં પૂછયું, “યહોવા, કોણ એવો શાણો છે જે આ સર્વ સમજી શકે? તે સમજાવનાર યહોવાનો સંદેશાવાહક ક્યાં છે? વળી આ દેશ શા માટે અરણ્ય જેવો થઇ ગયો છે કે તેમાં થઇને મુસાફરી કરવાની કોઇ હિંમત કરતું નથી? 13 યહોવાએ કહ્યું, “એનું કારણ એ છે કે લોકોએ એમને માટે મેં રજૂ કરેલી નિયમસંહિતાનો ત્યાગ કર્યો છે. તેમણે નથી મારું કહ્યું સાંભળ્યું કે નથી તેનું પાલન કર્યું. 14 તેના બદલે તેઓએ પોતાને ગમ્યું તે કર્યું છે. અને તેઓના પિતૃઓએ શીખવ્યા પ્રમાણે બઆલની મૂર્તિઓની પૂજા કરી છે.” 15 આથી હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું કે, “હવે હું આ લોકોને ખાવા માટે કડવી વેલ અને પીવા માટે ઝેર આપવાનો છું. 16 હું તેમને સમગ્ર વિશ્વમાં વિખેરી નાખીશ, તેઓ દૂરના દેશોમાં વિદેશીઓ જેવા થશે; ત્યાં પણ વિનાશકારી તરવાર તેઓનો પીછો કરશે. આમ તેઓનો સંપૂર્ણ નાશ થશે.” 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “પરિસ્થિતિઓનો વિચાર કરીને દુ:ખનાં ગીતો ગાનારીઓને બોલાવો. દુ:ખનાં ગીતો ગાવામાં જે પારંગત હોય તેને બોલાવો; 18 જલદી કરો, તેમને કહો કે આપણે માટે જલ્દી દુ:ખનાં ગીતો ગાય, જેથી આપણી આંખોમાં ચોધાર આંસુ વહે અને આપણી પાંપણો ભીંજાઇ જાય.’ 19 સિયોનમાં વિલાપના સ્વર સંભળાય છે: ‘આપણો વિનાશ કેટલો ભયંકર છે! આપણે કેવા શરમિંદા થવું પડ્યું? આપણને આપણી ભૂમિ છોડવાની ફરજ પડી, કારણ કે તેઓએ આપણા ઘરોને તોડી પાડયા છે.”‘ 20 પરંતુ હે વિલાપ કરનારી સ્ત્રીઓ, દેવનો સંદેશો સાંભળો. તે શું કહે છે તે ધ્યાનથી સાંભળો; “તમારી પુત્રીઓને અને તમારી પડોશણોને મરશિયા ગાતાં શીખવો. 21 ‘મૃત્યુ આપણી બારીઓમાં થઇને આપણી હવેલીઓમાં અંદર ઊતર્યું છે. અને આપણા બાળકોને વધેરી નાખ્યા છે. તેઓ હવે રસ્તા પર રહ્યાં નથી, અને તરુણો જાહેર ચોકમાં રહ્યાં નથી.”‘ 22 યહોવા કહે છે: “તેઓને આ પ્રમાણે કહો, ‘ખેતરમાં ખાતરની માફક તથા કાપણી કરનારની પાછળ કલ્લા પડે છે તેની માફક મૃત શરીરો ખેતરોમાં વિખરાયેલા હશે. અને તેઓને દફનાવનાર કોઇ હશે નહિ.”‘ 23 યહોવા કહે છે, “જ્ઞાનીએ પોતાના જ્ઞાનની કે બળવાને પોતાના બળની કે ધનવાને પોતાના ધનની બડાશ મારી અભિમાન કરવું જોઇએ નહિ. 24 પરંતુ તેઓ ફકત આ એક બાબતમાં અભિમાન કરે કે તેઓ મને સાચે જ ઓળખે છે અને સમજે છે કે હું નિષ્પક્ષ અને ન્યાયી યહોવા છું અને મારી પ્રીતિ અવિચળ છે કારણ કે આ જ મને પસંદ છે.” આ યહોવાના વચન છે. 25 યહોવા કહે છે કે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ બે સુન્નતીઓને શિક્ષા કરીશ; 26 જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”

10:1 હે ઇસ્રાએલના લોકો, યહોવા તમને જે સંદેશો આપે છે તે ધ્યાનથી સાંભળો; 2 તે કહે છે, “બીજી પ્રજાઓને રસ્તે જશો નહિ, તેઓ કુંડળી તૈયાર કરે છે તથા ગ્રહોની સ્થિતિને આધારે પોતાનું ભવિષ્ય જુએ છે. તેઓ ભવિષ્યકથન કરે તેથી ડરશો નહિ. કારણ કે તે સર્વ કેવળ જૂઠાણું છે. 3 તે પ્રજાઓની મૂર્તિઓ કશા કામની નથી, તે તો જંગલમાંથી કાપી આણેલું લાકડું છે; કારીગરે તેને પોતાના ઓજારોથી કોતરી છે. 4 અને પછી સોનારૂપાથી શણગારી છે. તેને હથોડા અને ખીલાથી જડી દીધી છે, જેથી પડી ન જાય. 5 ખેતરોમાં ઊભા કરેલા અસહાય ચાડિયાની જેમ તેઓના દેવ ત્યાં ઊભા રહે છે! તે બોલી શકતા નથી, તે ચાલી શકતા નથી તેથી ઊંચકીને લઇ જવા પડે છે. આવા દેવોથી ડરશો નહિ, તે કશી ઇજા કરી શકે તેમ નથી, તેમ જ કશું ભલું કરવાની પણ એમની શકિત નથી.” 6 હે યહોવા, તમારા જેવા બીજા કોઇ દેવ નથી. તમે કેવા મહાન છો અને તમારા નામનો પ્રતાપ પણ કેવો મહાન છે! 7 હે લોકાધિપતિ, તમારો ભય કોને નહિ લાગે? તમારાથી તો ડરીને જ ચાલવું જોઇએ. સર્વ પ્રજાઓનાં જ્ઞાનીઓમાં અને બધા રાજાઓમાં તમારા જેવું કોઇ નથી. 8 મૂર્તિઓની પૂજા કરનારા બન્ને અક્કલ વગરના અને મૂર્ખ છે. તેઓ મૂર્તિઓ પાસેથી શિખામણ મેળવે છે જે માત્ર લાકડાનાં ટુકડા છે. 9 તાશીર્શથી ચાંદી અને ઉફાઝમાંથી સોનું લાવીને સોનીઓ એમાંથી વરખ બનાવીને એને શણગારે છે અને જાંબુડિયાં અને કિરમજી રંગના કિંમતી વસ્ત્રો એમને પહેરાવે છે. એ બધી મૂર્તિઓ કારીગરોએ બનાવેલી છે. 10 પરંતુ યહોવા તો સાચેસાચ દેવ છે, એ જીવતાજાગતા દેવ છે, શાશ્વત અધિપતિ છે. તે જ્યારે રોષે ભરાય છે ત્યારે ધરતી ધ્રુજી ઊઠે છે; પ્રજાઓ એમના ક્રોધાગ્નિને ખમી શકતી નથી. 11 યહોવા કહે છે, અન્ય દેવોની પૂજા કરનારાઓને તમે આ પ્રમાણે કહેજો: “જેમણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું નથી, તેવા તમારા દેવો આકાશ તળેથી તથા પૃથ્વી પરથી નાશ પામશે.” 12 પરંતુ આપણા દેવે પોતાના સાર્મથ્યથી પૃથ્વીને ઉત્પન કરી, પોતાના ડાહપણથી પૃથ્વીને સ્થાપી, પોતાના કૌશલ્યથી આકાશને વિસ્તાર્યુ. 13 તોફાની વાદળોની ગર્જનાઓથી તેમના અવાજનો પડઘો પડે છે, તે ધુમ્મસને પૃથ્વી પરથી ઊંચે ચઢાવે છે. જેથી વીજળીને ચમકાવીને વરસાદ વરસાવે છે અને પોતાના ભંડારમાંથી વાયુઓને મોકલે છે. 14 તેની સરખામણીમાં બધા માણસો મૂર્ખ અને અજ્ઞાની થઇ ગયા છે. દરેક સોની પોતે બનાવેલી મૂર્તિ જોઇને શરમાઇ જાય છે, કારણ, એ બધી મૂર્તિઓ તો અસત્ય અને પ્રાણ વગરની છે, 15 નકામી છે, હાંસીપાત્ર છે. દેવ તેમને સજા કરશે ત્યારે તેઓ નેસ્તનાબૂદ થઇ જશે. 16 પણ યાકૂબનો દેવ એવો નથી; તે તો આખી સૃષ્ટિનો સર્જનહાર છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે. તેનું નામ “સૈન્યોનો દેવ યહોવા છે.” 17 યહોવા કહે છે, “તમારામાંના જેઓ ઉપર ઘેરો નાખવામાં આવ્યો છે, તેઓ તમારો સામાન બાંધો અને હવે જવાને માટે તૈયાર રહો.” 18 કારણ કે તે એમ કહે છે કે, “આ વખતે હું એકાએક તેમને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ અને મોટી આપત્તિઓ નીચે એમને કચડી નાખીશ, એક પણ માણસ બચવા પામશે નહિ.” 19 લોકોએ કહ્યું, “અમારા ઘાની વેદના અસહ્યં છે, તે ઘા કદી રૂજાય તેમ નથી, અમે વિચાર્યુ કે; આતો ફકત એક બિમારી જ છે અને અમે આ સહન કરી શકીશું.” 20 પણ અમારો તંબુ હતો ન હતો થઇ ગયો છે, એનાં દોરડાં તૂટી ગયા છે; અમારા પુત્રો અમને છોડીને ચાલ્યા ગયા છે; એક પણ રહ્યો નથી; અમારો તંબુ ફરી ઊભો કરનાર કે એના પડદા બાંધનાર કોઇ નથી!” 21 આનુ કારણ મારા લોકોના ઘેટાંપાળકો ભાન ભૂલી ગયા છે; તેઓ યહોવાને અનુસરતા નથી તેથી સફળ થતા નથી. અને તેમના બધા લોકો ઘેટાંઓના ટોળાની જેમ વેરવિખેર થઇ ગયા છે. 22 સાંભળો, ઉત્તર તરફથી આવતાં મોટાં સૈન્યોનો ભયંકર અવાજ સાંભળો, તેઓ યહૂદિયાના નગરોને શિયાળવાની કોતરોમાં ફેરવી નાખશે. 23 હે યહોવા, હું જાણું છું કે માણસનું ભાગ્ય એના હાથની વાત નથી. તે પોતાનો જીવનમાર્ગ નક્કી કરી શકતો નથી. 24 તેથી હે યહોવા, તમે અમને સાચે માગેર્ વાળો. અમને પ્રમાણસર શિક્ષા કરો, રોષમાં આવીને નહિ, નહિ તો અમે હતા ન હતા થઇ જઇશું. 25 તમારો રોષ તમે બીજી પ્રજાઓ પર ઉતારો, જે લોકો તમને માનતા નથી, તમારું નામ લેતાં નથી. કારણ, તેઓ યાકૂબના કુટુંબોને ખાઇ ગયા છે, તેમણે તેમનો અંત આણ્યો છે, અને તેમના દેશને વેરાન બનાવી દીધો છે.

11:1 ફરીથી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ, 2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ. 3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’ 4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો. 5 “તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.” 6 ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો. 7 આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો, 8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.” 9 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે. 10 તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.” 11 તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ. 12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી. 13 હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે. 14 “તેથી, હે યમિર્યા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.” 15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા, તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે. તને અહીં શો અધિકાર છે? તું શું સમજે છે? પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન તથા આનંદ આપી શકશે?” 16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો, પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું અને ડાળીઓને ભાંગી નાખું છું. 17 બઆલની આગળ ધૂપ બાળીને તથા બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.” 18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે. 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.” 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે. 21 તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.” 22 તેથી યહોવા અનાથોથના લોકો વિષે આ પ્રમાણે કહે છે, “હું તેમને સજા કરીશ, તેમના યુવાનો તરવારથી મરશે અને તેમનાં પુત્રપુત્રી દુકાળમાં મરશે. 23 પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”

12:1 હે યહોવા, હું તમારે વિષે ફરિયાદ કરું છું ત્યારે સત્ય તમારે પક્ષે હોય છે. તેમ છતાં ન્યાયના એક મુદ્દા વિષે મારે તને પૂછવું છે, દુષ્ટ માણસો કેમ સુખસમૃદ્ધિ પામે છે? બદમાશો કેમ નિરાંતે જીવે છે? 2 તમે તેઓને રોપો છો, તેઓનાં મૂળ ઊંડા જાય છે. અને તેઓનો વેપાર વધતો જાય છે, તેઓ ઘણો નફો કરે છે. અને ધનવાન થાય છે. તેઓ કહે છે, “દેવની કૃપાથી!” સાચા હૃદયથી તેઓ તમારો આભાર માનતા નથી. 3 હે યહોવા, તમે મને જાણો છો, તમારા પ્રત્યેની મારી ભકિત તમે ક્યાંય જોઇ છે? તેઓને ઘેટાંની જેમ કતલખાને ખેંચીને લઇ જા, અને કતલના દિવસ સુધી તેઓને રાખી મૂક. 4 અને હે યહોવા, ક્યાં સુધી ભૂમિ શોક કરશે? તેઓનાં દુષ્ટ કાર્યોને કારણે ક્યાં સુધી ખેતરમાંનું લીલું ઘાસ પણ સૂકાતું રહેશે અને આક્રંદ કરતું રહેશે! વનચર પશુ-પક્ષીઓ પણ ચાલ્યા ગયા છે. દેશ ઉજ્જડ થઇ ગયો છે તેમ છતાં લોકો કહે છે, “આપણે શું કરીએ છે તે દેવ જોઇ શકતો નથી!” 5 યહોવાએ કહ્યું, “જો માણસો સાથે દોડતાં તું થાકી જાય તો પછી ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો તું સલામત પ્રદેશમાં નિશ્ચિંત નથી તો, યર્દનના કાંઠે આવેલાં જંગલમાં તારું શું થશે? 6 અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.” 7 પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો, મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે; મારી અતિપ્રિય પ્રજાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે. 8 મારા લોકો જંગલમાંના સિંહની જેમ મારી સામે થયા છે. અને મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી હું તેમનો તિરસ્કાર કરું છું. 9 મારા પોતાના લોકો કાબરચીતરાં બાજ જેવા છે; બીજા બધાએ ચારેબાજુએથી તેમના પર હલ્લો કર્યો છે. ચાલો, જંગલનાં સર્વ પશુઓ એકઠા થાઓ અને મિજબાનીમાં જોડાઇ જાઓ. 10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે. તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે. અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે. 11 તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, કારણકે ત્યાં રહેતી કોઇ પણ વ્યકિત તેની કાળજી લેતી નથી. 12 વગડાના ઉજ્જડ ટેકરાઓ પર થઇને ધાડપાડુઓના ધાડાં ધસી આવ્યા છે. કારણ કે મારી તરવાર બધું ભરખી રહી છે. દેશનાં આ છેડાથી પેલા છેડા સુધી બધાના જીવને અશાંતિ છે. 13 મારા લોકોએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. મારા ઉગ્ર રોષને લીધે તેઓની ફસલ નકામી ગઇ છે.” 14 યહોવા કહે છે, “જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇસ્રાએલને આપ્યો છે, તેને જ મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે,” તેથી યહોવા તેઓ વિષે કહે છે, “જુઓ, હું તેઓની ભુમિમાંથી તેઓને ઉખેડી નાખીશ, અને હું તેમના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઇશ. 15 પરંતુ ત્યારબાદ હું પાછો આવીશ અને તમારા બધા પર દયા દર્શાવીશ તથા તમને તમારા પોતાના દેશમાં તમારા ઘરોમાં પાછા લાવીશ. દરેક માણસને તેના પોતાના વારસામાં પાછો લાવીશ. 16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે; ‘એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 17 પરંતુ જે કોઇ પ્રજા મને આધીન થવાનો ઇન્કાર કરશે, તો હું તેને જડમૂળથી ઉખેડી નાખીશ અને તેનો નાશ કરીશ.” આ યહોવાના વચન છે.

13:1 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.” 2 આથી યહોવાના કહ્યા પ્રમાણે મેં કમરબંધ વેચાતો લીધો અને મારી કમરે બાંધ્યો. 3 યહોવાનો સંદેશો ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેમણે કહ્યું, 4 “તેં જે કમરબંધ ખરીદી લાવીને પહેર્યો છે તે લઇને એકદમ ફ્રાત નદીએ જા અને ત્યાં ખડકોની ફાટમાં સંતાડી દે.” 5 તેથી મેં તેમ કર્યું; યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે મેં તેને ફ્રાત નદીએ જઇને સંતાડી દીધો. 6 ઘણા દિવસો વીત્યા પછી યહોવાએ મને કહ્યું, “એકદમ ફ્રાત નદીએ જા અને મેં તને કમરબંધ સંતાડવા કહ્યો હતો તે પાછો લઇ આવ.” 7 આથી હું ફ્રાત નદીએ ગયો અને જે જગ્યાએ કમરબંધ સંતાડ્યો હતો તે શોધી કાઢી અને ઉપાડ્યો તો ખબર પડી કે, તેને ફૂગ લાગી ગઇ હતી અને તૂટી જતો હતો. હવે તે સંપૂર્ણપણે નકામો થઇ ગયો હતો. 8 પછી યહોવાનો સંદેશ મારી પાસે આવ્યો, 9 “આજ છે જે યહોવાએ કહ્યું, જેવી રીતે કમરબંધ ખરાબ થઇ જાય છે અને કશા કામનું નથી રહેતું, હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોને નષ્ટ કરી નાખીશ. 10 તે દુષ્ટ લોકોએ મારું કહ્યું સાંભળવાની ના પાડી છે; તેઓ પોતાના હઠીલાં મન કહે તેમ કરે છે, બીજા દેવોને માને છે, તેમની પૂજા કરે છે અને તેમને પગે લાગે છે, આથી તેઓની દશા પણ આ કમરબંધ જેવી થશે; તેઓ કશા કામના નહિ રહે.” 11 યહોવા કહે છે, “જેમ કમરબંધ માણસની કમરે વળગી રહે, તેમ ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોને મેં મારી આસપાસ વીંટાળ્યા હતા, જેથી તેઓ મારા લોકો બની શકે અને મારી કીતિર્ થાય, મારા નામનું ગૌરવ વધે; પણ તેમણે મારું સાંભળ્યું નહિ.” 12 “યમિર્યા, તું તે લોકોને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; દ્રાક્ષારસની દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ’ અને તેઓ જવાબ આપશે, ‘અલબત્ત અમે ઘણી સારી રીતે જાણીએ છીએ કે દરેક બરણી દ્રાક્ષારસથી ભરાઇ જવી જોઇએ.’ 13 પણ તું તેઓને કહે; ‘તમે મારા માટે ગેરસમજ કરો છો. મારું કહેવું આ છે, કે દેશના બધાં રહેવાસીઓને એટલે કે, દાઉદના રાજ્યાસન પર બેઠેલા રાજાને, યાજકોને, પ્રબોધકોને અને સર્વ સામાન્ય લોકોને હું છાકટાપણાથી ભરી દઇશ.”‘ 14 યહોવા કહે છે, “હું તેમને-વડીલોને તેમજ જુવાનોને, એકબીજાની સાથે અથડાવીશ. હું તેઓ પર દયા કે કરૂણા દર્શાવીશ નહિ, પણ હું તેમનો સંપૂર્ણ નાશ કરીશ.” આ યહોવાના વચન છે. 15 યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, સાંભળો, ધ્યાન આપો, ગર્વ છોડી દો! 16 અંધારું થાય તે પહેલાં અને સંધ્યાં સમયે પર્વત પરના પ્રવાસીની જેમ તમે ગબડી પડો તે પહેલાં તમારાં દેવ યહોવાને સન્માન આપો, અને તે અને તમે જે પ્રકાશની આશા રાખો છો તેને ધૂંધળા પડછાયા અને ગાઢ અંધકારમાં ફેરવી નાખે છે. 17 શું હજુ પણ તમે સાંભળવા ના પાડો છો? તો પછી તમારા અભિમાનને લીધે ભગ્ન થયેલું મારું અંત:કરણ એકાંતમાં શોક કરશે, મારી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેશે, કારણ કે યહોવાના લોકોને બંધનાવસ્થામાં લઇ જવામાં આવશે.” 18 યહોવાએ મને કહ્યું, “રાજાને અને રાજરાણીને કહે; નીચે બેસો, કારણ, તમારા મહિમાવંત મુગટો તમારા શિર પરથી ઉતારી લેવામાં આવ્યા છે. હવે તે તમારા નથી રહ્યા.” 19 દક્ષિણનાં શહેરો ઘેરાઇ ગયાં છે; કોઇ તે ઘેરાને વીંધીને ત્યાં પહોંચી શકે એમ નથી, આખા યહૂદિયાના લોકોને દેશવટો દેવામાં આવ્યો છે, કોઇ કહેતાં કોઇ બાકી રહ્યું નથી. 20 હે યરૂશાલેમ, આંખો ઊંચી કરીને જો! ઉત્તરમાંથી પેલા દુશ્મનો આવી રહ્યા છે, જે લોકોને મેં તને સોંપ્યા હતા, જેને માટે તું ગૌરવ લેતી હતી, તે ક્યાં છે? 21 તારા પડોશી દેશોને જેને તેઁ શીખવાડ્યું હતું અને જેમને તેં મિત્રો ગણ્યા હતાં તેમને તારા પર રાજકર્તાઓ તરીકે હું બેસાડીશ. ત્યારે તને કેવું લાગશે? સ્ત્રીને પ્રસૂતિની વેદના થાય તેવી વેદના અને કષ્ટ તું અનુભવશે. 22 ત્યારે તને થશે કે, “મારે માથે આ બધું શા માટે ગુજર્યું?” તારાં ભયંકર પાપને કારણે તને નવસ્ત્રી કરીને તારા પર બળાત્કાર કરવામાં આવ્યો છે. અને તારો નાશ કર્યો છે. 23 હબસી કદી પોતાની ચામડી બદલી શકે? અથવા ચિત્તો પોતાના ટપકાં દૂર કરી શકે? તે જો શક્ય હોય તો જ ખોટું કરવાને ટેવાયેલી તું સત્કર્મ કરી શકે. 24 “અરણ્યના સૂસવાટાભર્યા પવનથી ભૂસું ઊડી જાય છે તેમ તમને હું વિખેરી નાખીશ. 25 તારા ભાગ્યમાં એ જ છે, એ જ મેં તારે માટે નીમ્યું છે, આ હું યહોવા બોલું છું. “કારણ તું મને ભૂલી ગઇ છે, અને તેઁ ખોટા દેવોમાં વિશ્વાસ મૂક્યો છે. 26 હું તારા વસ્ત્રો તારા મોઢા સુધી પર લઇ જઇશ અને તારાં પાપ ઉઘાડા કરીશ. 27 તારા વ્યભિચાર, તારી કામવેગના હિસોટા, તારા જારકમોર્, ડુંગરો પરનાં અને ખેતરોમાંના તારાં એ અધમ કૃત્યો મેં જોયાં છે. હે યરૂશાલેમ, તારું આવી જ બન્યું છે! તારે શુદ્ધ થવું જ નથી. ક્યાં સુધી આમને આમ ચલાવ્યા કરીશ? તમારી મૂર્તિઓની પૂજાથી હું વાકેફ છું.”

14:1 યહોવા શા માટે વરસાદને રોકી રાખતા હતાં તે સમજાવતો આ વચન, યહોવા તરફથી યમિર્યા પાસે આવ્યું: 2 “યહૂદિયા શોકમાં છે, તેનાં નગરો મરવા પડ્યા છે, તેનાં માણસો દુ:ખના માર્યા ભૂમિ પર ઢળી પડ્યા છે. યરૂશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે. 3 ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા માટે ટાંકા પાસે મોકલે છે, પણ તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઇને પાછા ફરે છે; ચાકરો સંતાપથી અને હતાશ થઇનેં દુ:ખને કારણે પોતાનાં માથાં ઢાંકે છે. 4 વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે. અને તેમાં તિરાડો પડી છે. ખેડૂતો હેબતાઇ ગયા છે. તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે. 5 ઘાસની અછતને કારણે હરણી પણ પોતાનાં તાજાં જન્મેલા બચ્ચાંનો ત્યાગ કરે છે. 6 જંગલી ગધેડાં ઉજ્જડ ટેકરા પર ઊભાં ઊભાં શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે જાંખ વળે છે અને અંધારા આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.” 7 લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવા, તારા નામ ખાતર કઇંક કર; અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે. 8 હે યહોવા, ઇસ્રાએલની એક માત્ર આશા, સંકટ સમયના તારણહાર, તું અમારા દેશમાં પારકા જેવો કેમ છે? એક રાત માટે મુકામ કરતા વટેમાર્ગુ જેવો કેમ થઇ ગયો છે? 9 તમે પણ શું મૂંઝવણમાં છો? અમારો બચાવ કરવા શું તમે નિ:સહાય છો? હે યહોવા, તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારું નામ ધારણ કરીએ છીએ; અમે તમારા લોક છીએ. હે યહોવા, હવે અમારો ત્યાગ કરશો નહિ!” 10 યહોવા આ લોકો વિષે કહે છે, “એ લોકોને ભટકવામાં એટલો આનંદ આવે છે કે, તેઓ પોતાના પગને કાબૂમાં રાખી શકતાં નથી; આથી હું એમના પર પ્રસન્ન નથી. હું હમણા તેમના અપરાધો, ને તેમનાં પાપોની સજા કરનાર છું.” 11 ત્યારબાદ યહોવાએ મને કહ્યું, “મને આ લોકોને મદદ કરવાનું કહેવા માટે થઇને મારી પ્રાર્થના કરીશ નહિ. 12 એ લોકો ઉપવાસ કરશે તોયે, હું એમની પ્રાર્થના સાંભળનાર નથી. તેઓ મને દહનાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે તોયે, હું પ્રસન્ન થનાર નથી. હું તેમનો યુદ્ધ દુકાળ, અને રોગચાળાથી અંત લાવીશ.” 13 પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવા, અહીયાં પ્રબોધકો તો તેમને એમ કહે છે કે, ‘તમારે યુદ્ધ જોવું નહિ પડે કે દુકાળ વેઠવો નહિ પડે. આ દેશમાં સદા શાંતિ અને સલામતી રહેશે.”‘ 14 ત્યારે યહોવાએ કહ્યું, “પ્રબોધકો મારે નામે જૂઠાણું ચલાવે છે. મેં એમને મોકલ્યા નથી, મેં એમને કોઇ આજ્ઞા આપી નથી. તે પ્રબોધકો તમને ખોટાં સંદર્શનો, નકામી આગાહીઓ અને પોતાનાં ભ્રામક દિવ્યસ્વપ્નો સંભળાવે છે. 15 તેથી યહોવા કહે છે, મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે ભવિષ્ય ભાખે છે અને કહે છે કે, ‘આ દેશમાં યુદ્ધ થાય કે દુકાળ પડે એમ નથી.’ તેમના સંબંધમાં મારાં વચન આ પ્રમાણે છે: એ પ્રબોધકો તરવાર અને દુકાળનો ભોગ બનશે. 16 જે લોકોને પ્રબોધકો ભવિષ્યવાણી સંભળાવે છે, તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ સહિત તરવાર અને દુકાળના ભોગ બની તેઓ યરૂશાલેમના રસ્તાઓ પર ફેંકાઇ જશે. કોઇ તેમને દફનાવનાર પણ નહિ હોય. હું તેમને દુષ્ટતાના ફળ ચખાડીશ.” 17 યહોવાએ મને કહ્યું, “તારે લોકોની આગળ આ પ્રમાણે કહેવું; ‘મારી આંખોમાંથી દિનરાત અવિરત અશ્રુધારા વહ્યા કરો, કારણ, મારી પ્રજા દારૂણ આઘાતથી ઘવાઇને ઢળી પડી છે. 18 જો હું ખેતરોમાં જાઉં છું, તો યુદ્ધમાં તરવારથી માર્યા ગયેલાઓનાં મૃતદેહો ત્યાં પડ્યા છે; જો હું શહેરમાં જાઉં છું, તો ત્યાં લોકોને દુકાળથી પીડાતાં જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી!”‘ 19 લોકો કહે છે, “હે યહોવા, શું તમે યહૂદિયાને સંપૂર્ણ પણે તજી દીધું છે? શું તમે યરૂશાલેમને ધિક્કારો છો? શું શિક્ષા પછી પણ ત્યાં શાંતિ નહિ સ્થપાય? તે અમને સાજાપણું આપશે તથા અમારા ઘા પર પાટા બાંધશે એવું અમે માનતા હતા. પરંતુ શાંતિ સ્થપાઇ નહિ અને સર્વત્ર ફકત સંકટ અને ત્રાસ જ જોવા મળે છે. 20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે. 21 તારા નામની ખાતર અમારો ત્યાગ ના કરીશ, તારા ગૌરવ પ્રતાપી સિંહાસન યરૂશાલેમને બેઆબરૂ ના કરીશ. અમારી સાથેના તારા કરારનું સ્મરણ કર, તેનો ભંગ કરીશ નહિ. 22 બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે? અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે, હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો. તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”

15:1 “મૂસા તથા શમૂએલ પણ જો મારી સમક્ષ ઊભા રહે, તોયે હું લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઇ જા! 2 અને તેઓ તને જો એમ કહે; ‘પણ અમે ક્યાં જઇએ? ‘ત્યારે તેઓને કહેજે: આ યહોવાના વચન છે:“‘જેઓ રોગથી મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ યુદ્ધમાં મૃત્યુ પામવાના છે તેમણે ત્યાં જવું, જેઓ દુકાળથી મૃત્યુ પામવાના છે તેમણે દુકાળ તરફ જવું, અને જેઓ બંદીવાસમાં જવા નિર્માયા છે તેમણે બંદીવાસમાં જવું.’ 3 મેં એ લોકોને માટે ચાર પ્રકારના અંત નિર્માણ કર્યા છે. તરવાર તેમનો સંહાર કરશે, કૂતરાં તેમને ફાડી ખાશે, આકાશના પંખીઓ એમને ખાઇ જશે, અને બાકી રહ્યા તેમને જંગલી જાનવરો ખાઇ જશે. 4 હિઝિક્યાના પુત્ર, યહૂદિયાના રાજા મનાશ્શાએ યરૂશાલેમમાં કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તમને આકરી શિક્ષા કરીશ. અને તમને કરવામાં આવેલી શિક્ષાને લીધે પૃથ્વીના સર્વ લોકો ભયભીત થશે.”‘ 5 યહોવા કહે છે, “કોણ તારી દયા ખાશે, હે યરૂશાલેમ? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવાની તસ્દી પણ કોણ લેશે? 6 તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફ પીઠ કરી છે; તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. દર વખતે પશ્ચાત્તાપ કરતાં હું થાકી ગયો છું.” આ યહોવાના વચન છે. 7 પ્રદેશના દરવાજા આગળ મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે; મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; કારણ કે તેઓએ પોતાના સર્વ દુષ્ટ માગોર્ તજીને મારા તરફ પાછા ફર્યા નથી. 8 અસંખ્ય સ્ત્રીઓને મેં વિધવા બનાવી છે. મેં તેમના જુવાનોને ભરયુવાનીમાં મારી નાખ્યા છે; અને તેમની માતાઓને વિલાપ કરાવ્યા છે; મેં તેમને એકાએક દુ:ખ અને ભયના ભોગ બનાવ્યા છે. 9 સાત સાત પુત્રોની માતા મૂર્છા ખાઇને પડી છે, શ્વાસ લેવા માટે હવાતિયાં મારે છે. તે દિવસે તેને અંધારાં દેખાય છે, તેની શરમ અને નામોશીનો પાર નથી. તમારામાંથી જેઓ હજુ પણ જીવતાં હશે, તેઓનો હું તમારા શત્રુઓ દ્વારા સંહાર કરાવીશ.” આ યહોવાના વચન છે. 10 પછી યમિર્યાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો! મારે દેશમાં બધા સાથે ઝગડો તથા તકરાર કરવાં પડે છે! મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે, નથી કોઇને ઉછીનું આપ્યું, તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે? 11 હે યહોવા, સાચે જ મેં તારી હૃદયપૂર્વક સેવા કરી નથી? મારા દુશ્મનો જ્યારે આફતમાં આવી પડ્યા, દુ:ખમાં આવી પડ્યા ત્યારે તેમના તરફથી તને મેં પ્રાર્થના નથી કરી?” 12 “શું કોઇ માણસ સળીયા એટલે ઉત્તરના દેશનાં લોખંડ તથા કાંસુ ભેળવીને બનાવેલા સળીયા ભાંગી શકે? 13 હું તમારી મિલકતોને અને ખજાનાઓને લૂંટાવી દઇશ. લોકોએ આના માટે કશું ભરવું નહી પડે. આનુ કારણ એ છે કે આખા દેશમાં તમે બધાયે મારી વિરુદ્ધ આચરેલા પાપ. 14 હું તમને અજાણ્યા દેશમાં તમારા દુશ્મનોના ગુલામ બનાવી દઇશ, કારણ મારો ક્રોધ તમારી પર ભભૂકી ઊઠયો છે અને મારો ક્રોધ જેને ઓલવી ન શકાય તેવો ભડભડતા અગ્નિ જેવો છે.” 15 યમિર્યાએ કહ્યું, “હે યહોવા, તમે બધું જાણો છો, મને યાદ કરો ને મદદ કરો, મને સતાવનારા પર વૈર લો. જ્યારે તમે તેમની સાથે ધીરજ રાખો છો, ત્યારે તેઓ મને દૂર લઇ ન જાય. જરા, જુઓ તો ખરા, તમારે ખાતર હું કેટકેટલાં અપમાન સહન કરું છું! 16 તમારા વચનો મને ટકાવી રાખ્યો છે; મારા ભૂખ્યા આત્માનું તે ભોજન છે, તે મારા દુ:ખી હૃદયને આનંદિત અને હષિર્ત કરે છે. હે સૈન્યોના દેવ યહોવા, તમારું નામ ધારણ કરીને હું કેટલો ગર્વ અનુભવું છું. 17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી. તમે મને બનાવ્યો છે અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે તેથી હું અળગો રહ્યો છું. 18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી, મારો ઘા અસાધ્ય કેમ છે, રુઝાતો કેમ નથી? તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે. કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.” 19 યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “જો તું મારી પાસે પાછો આવીશ તો હું તને મારી સેવામાં પાછો રાખીશ. તું જે કહે તે નિરર્થક નહોતાં, યથાયોગ્ય હોય તો હું તને મારાવતી બોલનારો બનાવીશ. લોકો વળીને તારી પાસે આવવા જોઇએ, પણ તારે તેમની પાસે જવાનું નથી. 20 હું તને એ લોકો સામે પિત્તળની ભીંત જેવો બનાવી દઇશ, તેઓ તારી સામે લડશે પણ તને હરાવી નહિ શકે. કારણ, તારું રક્ષણ કરવા અને તને બચાવવા હું તારી સાથે જ છું.” આ યહોવા વચન છે. 21 “હા, આ દુષ્ટ માણસોના હાથમાંથી હું તને જરૂર બચાવીશ અને જુલમગારોના પંજામાંથી મુકત કરાવીશ.” આ યહોવાના વચન છે.

16:1 બીજા એક પ્રસંગે મને યહોવાની વાણી સંભળાઇ; 2 ‘તારે આ જગ્યાએ લગ્ન કરવા નહિ, કે છોકરાં વાળા ન થવું.” 3 કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે, 4 “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, કોઇ તેઓને માટે ચિંતા કરશે નહિ કે તેઓને દફનાવશે નહિ, પરંતુ તેઓના મૃતદેહો ખુલ્લા મેદાનમાં પડ્યા રહેશે અને ભોંય પર સડી જઇ ખાતરરૂપ થશે. તેઓ યુદ્ધ કે દુકાળમાં મૃત્યુ પામશે અને તેઓના મૃતદેહોને પંખીઓ અને પશુઓ ફાડી ખાશે.” 5 “જે ઘર શોકમાં હોય ત્યાં જઇશ નહિ. તેમના શોકમાં ભાગ લેવા કે, તેમને આશ્વાસન આપવા જઇશ નહિ.” આ યહોવાના વચન છે. 6 “કારણ કે આ લોકો પાસેથી મેં મારી શાંતિ પાછી ખેંચી લીધી છે, મેં મારો પ્રેમ અને મારી દયા પાછા ખેંચી લીધા છે. આ દેશમાં ઊંચ કે નીચ જે કોઇ મરશે, તેને નહિ કોઇ દફનાવે કે તેનો નહિ કોઇ શોક કરે: તેમને માટે નહિ કોઇ પોતાના શરીર પર ઘા કરે કે નહિ કોઇ માથું મુંડાવે. 7 કોઇ તેને સાંત્વન આપવા શોક કરનારની સાથે ખાશે નહિ કે પીશે નહિ, પછી ભલે ને તેનાં માબાપ મૃત્યુ પામ્યા હોય. 8 “જે ઘરમાં ખાવાપીવાની ઉજાણી ચાલતી હોય ત્યાં જઇને ખાવાપીવા બેસી જઇશ નહિં. 9 કારણ, મેં ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, ‘હું અહીં આ દેશનાં સર્વ હાસ્યનો, આનંદના ગીતોનો, લગ્ન ઉત્સવોનો તથા વર-કન્યાનાં ગીતોનો અંત લાવીશ.’ 10 “જ્યારે તું આ લોકોને આ બધું કહેશે ત્યારે એ લોકો તને પૂછશે કે, ‘યહોવાએ આ બધી ઘોર આફતો આપણે માથે નાખવાનું શાથી નક્કી કર્યું છે? આપણો શો અપરાધ છે? આપણે આપણા દેવ યહોવાનો શો ગુનો કર્યો છે?’ 11 ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું. 12 અને તમે તમારાં પિતૃઓનાં કરતાં પણ વધારે દુષ્ટતા આચરો છો! તમારા હૃદયની ઇચ્છાઓ સંતોષાય ત્યાં સુધી તમે દુષ્ટતાની પાછળ જાઓ છો અને મને આધીન થવાનો ઇન્કાર કરો છો. 13 આથી હું તમને આ દેશમાંથી ઉખાડી; તમને અને તમારાં પિતૃઓને અજાણ્યા દેશમાં ફગાવી દેનાર છું. ત્યાં તમે રાતદિવસ વિદેશી દેવોને ભજ્યા કરજો. કારણ, હું તમારા પર દયા રાખવાનો નથી.”‘ 14 યહોવા કહે છે, “જુઓ, હવે એ સમય આવે છે જ્યારે લોકો સોગંદ લેતી વખતે ક્યારેય નહિ કહે કે જેવી રીતે ચોક્કસ પણે યહોવા જીવે છે ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો. 15 પણ તેઓ કહેશે જેમ ચોક્કસ પણે યહોવા જીવીત છે તેમ ઇસ્રાએલીઓને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેઓને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી પાછા લાવનાર યહોવાના સમ!’ કારણકે, મેં તેમના પૂર્વજોને ભૂમિ આપી હતી તેમાં જ હું તેમને પાછા લાવીશ.” 16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે. 17 કારણ કે હું આખો વખત તેમનું અને તેમના પાપોનું નિરીક્ષણ કરું છું. તેથી મારાથી કશું છુપું રહેતુ નથી. 18 “હું તેમની પાસે તેમનાં પાપોનો અને દુષ્ટતાનો બમણો બદલો લઇશ, કારણ, તેમણે મારા દેશની ભૂમિને મુડદાં જેવી ઘૃણાસ્પદ મૂર્તિઓથી ભરી દઇને અભડાવી છે.” 19 હે યહોવા, સંકટના સમયમાં મને બચાવનાર, મારું સાર્મથ્ય તથા મારો ગઢ, સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા વડીલો મૂર્ખ હતા, કારણ કે તેઓએ જૂઠા દેવોની તથા નિરર્થક મૂર્તિઓની પૂજા કરી હતી.” 20 માણસ કદી પોતાના દેવને બનાવી શકતો હશે? માણસના બનાવેલા હોય તે દેવ હોઇ જ ન શકે. 21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે, તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ અને ‘હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’ તેવું તેઓને સમજાવીશ.”

17:1 યહોવા કહે છે, “યહૂદિયાનું પાપ લોઢાના ઢાંકણાથી તથા હીરાકણીથી લખેલું છે; તે તેઓના હૃદયની પાટી પર કોતરેલું છે અને તમારી વેદીઓનાં શિંગો પર કોતરેલું છે; 2 કારણ કે તેઓના પુત્રો ઊંચા પર્વતો પરનાં લીલાં ઝાડની પાસે તેઓની વેદીઓ તથા જુઠ્ઠા દેવો અને તેઓની અશેરાદેવીનું સ્મરણ કરે છે. 3 અરે, ખેતરમાંના મારા પર્વત, તમારાં સર્વ પાપોની કિંમત રૂપે હું તમારી સર્વ સંપત્તિ તમારા શત્રુઓને આપી દઇશ. 4 મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો. દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે, જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં હું તમને મોકલી આપીશ. તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.” 5 આ યહોવાના વચન છે, “એને શાપિત જાણજો જે મારાથી વિમુખ થઇને માણસ પર વિશ્વાસ રાખે છે, જે માટીના માનવીને પોતાનો આધાર માને છે! 6 તે રાનમાંની સૂકી ઝાડીના જેવો છે. જે ઉજ્જડ મરું ભૂમિમાં જ્યાં કોઇ વસી શકે એવી ખારી જમીનમાં ઊભો છે અને તે જોઇ નહિ શકે કે ક્યારે સારી વસ્તુઓ આવશે. 7 પરંતુ જે મારા પર વિશ્વાસ રાખે છે અને મને પોતાનો આધાર માને છે તેના પર મારા આશીર્વાદ વરસશે. 8 તે ઝરણાની ધારે રોપેલા ઝાડ જેવો છે, જેના મૂળિયા પાણી તરફ ફેલાયેલાં છે; તાપ પડે તોય એને કશું ડરવા જેવું નથી; એનાં પાંદડા લીલાછમ રહે છે. દુકાળના વર્ષમાં તેને કશી ચિંતા નથી, તે ફળ આપતું જ રહે છે. 9 માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી. 10 માત્ર યહોવા તે જાણે છે, યહોવા સર્વ હૃદયોની તપાસ કરે છે. અને તેના અભ્યંતરની પરીક્ષા કરે છે. જેથી પ્રત્યેકના આચરણ પ્રમાણે એટલે તેણે કેવું જીવન વીતાવ્યું છે તેના આધારે તેને તે યોગ્ય બદલો આપે છે. 11 અન્યાયને માગેર્ ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે. અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે; આખરે તે મૂરખ ઠરશે.” 12 પરંતુ આપણું મંદિર, આપણો આશ્રય તો અનાદિ કાળથી ઉચ્ચસ્થાને મૂકેલું મહિમાવંત સિંહાસન છે. 13 હે યહોવા, તું ઇસ્રાએલની આશા છે, જેઓ તારો ત્યાગ કરશે તે બધા ફજેત થશે, ધૂળમાં લખેલા નામની જેમ તે ભૂંસાઇ જશે, કારણ કે તેમણે તમારો, જીવનના પાણીના ઝરાનો ત્યાગ કર્યો છે. 14 હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું. 15 લોકો મારી મશ્કરી કરીને મને પૂછયા કરે છે, “યહોવાના વચનો ક્યાં ગયા? જોઇએ તો ખરા કેવાં સાચાં પડે છે!” 16 યહોવા, મેં તમને એમનું ભૂંડું કરવાં આગ્રહ કર્યો નથી, મેં આ આફતની આંધીનો દિવસ માગ્યો નથી, એ તમે જાણો છો; મારે મોઢેથી શું નીકળ્યું હતું એની તને ખબર છે. 17 મને ભયભીત ન કરશો. તમે તો સંકટ સમયના મારા આશ્રય છે. 18 મારા જુલમગારો પર તમે મૂંઝવણો તથા મુશ્કેલીઓ લાવો, પરંતુ મને શાંતિ આપો, હા, તેઓ પર તમે બમણો વિનાશ લાવો. 19 યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, જે દરવાજે થઇને યહૂદિયાના રાજાઓ આવજા કરે છે તે ‘જનતાના દરવાજા’ આગળ અને યરૂશાલેમના બધા દરવાજા આગળ ઊભો રહે. 20 “અને કહે: ‘આ દરવાજામાંથી પસાર થનાર હે યહૂદિયાના રાજાઓ, યહૂદિયાના બધા લોકો અને યરૂશાલેમના વાસીઓ! તમે યહોવાની વાણી સાંભળો. 21 આ યહોવાના હુકમો છે: ધ્યાન રાખજો કે વિશ્રામવારને દિવસે કોઇ બોજો ઉપાડશો નહિ કે યરૂશાલેમના દરવાજામાં થઇને અંદર લાવશો નહિ. 22 વિશ્રામવારના દિવસે ઘરમાંથી બોજો ઉપાડી બહાર જશો નહિ અને કોઇ કામ કરશો નહિ! તમારા પિતૃઓને મેં આજ્ઞા આપી હતી તેમ વિશ્રામવારના દિવસને પવિત્ર માનો. 23 તમારા પૂર્વજોએ મારા હુકમોં માન્યાં નહિ, તેઓએ તે ધ્યાન પર પણ લીધાં નહિ, અને હઠે ચડીને ન તો સાંભળ્યું કે ન તો શિખામણ લીધી.”‘ 24 યહોવા કહે છે, “‘હવે જો તમે મને આધીન થશો અને વિશ્રામવારને દિવસે કોઇ કામ નહિ કરો તેને અલગ કરાયેલો-વિશિષ્ટ અને પવિત્ર દિવસ માની તેની પવિત્રતા જાળવો. 25 “‘તો રાજાઓ જે દાઉદના સિંહાસન પર બેઠા છે તેઓ આ શહેરના દરવાજામાંથી, રથો અને ઘોડાઓ પર સવાર લશ્કરના સરદારો સાથે, અને યહૂદિયાના લોકો અને યરૂશાલેમના વતનીઓ સાથે આવજા કરશે અને આ નગર યરૂશાલેમ સદાકાળ હર્યુભર્યુ વસેલું રહેશે. 26 યહૂદિયાના નગરોમાંથી, યરૂશાલેમની આસપાસના ગામોમાંથી, બિન્યામીનના, નીચાણના તેમજ પહાડી પ્રદેશમાંથી અને દક્ષિણમાંથી લોકો દહનાર્પણ, બલિઓ, ખાદ્યાર્પણ અને ધૂપ તથા ઉપકારાર્થાર્પણ લઇને મંદિરે આવશે. 27 “‘પરંતુ જો તમે મારું સાંભળશો નહિ અને વિશ્રામવાર દિવસને પવિત્ર માનવાની ના પાડશો, તથા અન્ય દિવસોની જેમ વિશ્રામવારને દિવસે પણ તમે યરૂશાલેમના દરવાજાઓમાંથી વેપારની ચીજ-વસ્તુઓ લાવશો, તો હું આ દરવાજાઓને આગ ચાંપીશ. તે અગ્નિ રાજમહેલ સુધી ફેલાશે અને તેનો સંપૂર્ણ નાશ થશે અને અગ્નિની ભભૂકતી જવાળાઓને કોઇ હોલવી શકશે નહિ.”‘

18:1 યહોવાનું જે વચન યમિર્યાની પાસે આવ્યું તે એ છે કે, 2 “તું એકદમ કુંભારને ઘેર જા અને ત્યાં હું તને મારે જે કહેવાનું છે તે કહીશ.” 3 પછી હું કુંભારને ઘેર ગયો. અને જોયું તો તે ચાક પર કામ કરતો હતો. 4 પરંતુ તે જે વાસણ ઘડતો હતો તે તેની ઇચ્છા મુજબ તૈયાર થયું નહિ, તેથી તેણે તેને તોડીને ફરીથી માટીનો પિંડ પોતાને સારું લાગ્યું તેવા ઘાટનું બનાવ્યું અને બીજીવાર વાસણ બનાવવાની શરૂઆત કરી. 5 પછી યહોવાની વાણી મને સંભળાઇ: 6 “હે ઇસ્રાએલ, આ કુંભારે જેમ માટીના પિંડનું જે કર્યું તેવું શું હું તમારી સાથે ન કરી શકું? જેમ માટીનો પિંડ કુંભારના હાથમાં છે તેમ તમે મારા હાથમાં છો. 7 કોઇ વાર હું કોઇ પ્રજાને કે રાજયને ઉખેડી નાખવાની, તોડી પાડવાની કે ખેદાનમેદાન કરી નાખવાની ધમકી આપું, 8 અને તે પ્રજા જો દુષ્ટ માગેર્થી પાછી વળે તો તેના પર આફત ઉતારવાનો મેં કરેલો વિચાર માંડી વાળું; 9 અથવા કોઇવાર હું કોઇ પ્રજાને કે રાજ્યને મજબૂત અને સ્થિર કરવાનું વિચારું. 10 પણ પછી તે પ્રજા પોતાના વિચારો બદલી નાખે અને દુષ્ટતા તરફ ફરે તથા મને આધીન થવાની ના કહે તો હું પણ મારા વિચારો ફેરવીશ અને મેં કહ્યું હતું તે પ્રમાણે હું તેઓને આશીર્વાદ આપીશ નહિ. 11 “હવે જા અને યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહે કે, ‘આ યહોવાના વચન છે: સાંભળો, હું તમારે માટે આફતની તૈયારી કરી રહ્યો છું. હું તમારી વિરુદ્ધ યોજના ઘડી રહ્યો છું. માટે હવે તમારામાંનો એકેએક માણસ દુષ્ટ માગેર્થી પાછો વળે, પોતાનાં આચરણ અને કમોર્ સુધારે.’ 12 પણ તેઓ કહે છે કે, ‘તારો સમય વેડફીશ નહિ. યહોવા કહે છે તે પ્રમાણે આચરણ કરવાનો અમારો કોઇ જ વિચાર નથી. અમે અમારી ઇચ્છા પ્રમાણે જ સર્વ પ્રકારના બંધનોથી મુકત અને સંપૂર્ણ હઠીલાઇથી તથા દુષ્ટતામાં જીવવાનું ચાલુ રાખીશું!”‘ 13 તેથી યહોવા કહે છે, “બધી પ્રજાઓમાં જઇને પૂછો, ‘કોઇએ કદી આવું સાંભળ્યું છે?’ મારી પ્રજા ઇસ્રાએલે ભયંકર કૃત્ય કર્યું છે. 14 લબાનોન પર્વતોની ટોચ પરનો બરફ કદી જ ઓગળી જતો નથી. હેમોર્ન પર્વતના ખડકોમાંથી વહેતાં ઠંડા પાણીના ઝરાઓ કદી સુકાઇ જતા નથી. 15 પણ મારા લોકો મને ભૂલી ગયા છે. તેઓ નિરર્થક તુચ્છ મૂર્તિને ધૂપ ચઢાવે છે. તેઓએ તેમના પૂર્વજોના સારા માગોર્નો ત્યાગ કર્યો છે અને પગદંડી વગરના ગંદા રસ્તાઓ પર ચાલ્યા છે. 16 તેમણે પોતાના દેશના એવા ભયંકર હાલ કર્યા છે કે લોકો સદા તેનો તિરસ્કાર કરશે. જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને આભા બની માથું ધુણાવશે. 17 મારા લોકોને હું પૂર્વના વાયરાની જેમ દુશ્મનો આગળ વેરવિખેર કરી નાખીશ. તેમની આફતને વખતે હું તેમના તરફ પીઠ ફેરવીશ, જોઇશ સુદ્ધાં નહિ.” 18 પછી લોકોએ કહ્યું, “આવો આપણે યમિર્યાને દૂર કરીએ, આપણી પાસે આપણા પોતાના યાજકો આપણને શીખવવા માટે, શાણા પુરુષો આપણને સલાહ આપવા માટે, તથા પ્રબોધકો આપણે શું કરવું તે આપણને કહેવા માટે છે. આપણને યમિર્યાની સલાહની જરાય જરૂર નથી. આપણે તેને ચૂપ કરી દઇએ. જેથી તે આપણી વિરુદ્ધ કાઇં પણ વધારે બોલી શકે નહિ અને આપણને ફરીથી હેરાન કરે નહિ.” 19 યમિર્યાએ પ્રાર્થના કરી, “હે યહોવા, મને ધ્યાનથી સાંભળ! મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ! 20 ભલાઇનો બદલો બૂરાઇથી કરાય તેમ છતાં, એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના પરથી ઊતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર. 21 તો હવે તું એમના બાળકોને દુકાળને હવાલે કર. તેમને તરવારની ધારે મરવા દે. તેમની સ્ત્રીઓને પુત્રવિહોણી અને પતિવિહોણી થવા દે. પુરુષોને રોગથી અને જવાનો લડાઇમાં તરવારથી માર્યા જાય. 22 અચાનક લશ્કરી ટૂકડીઓ તેઓ પર આવી ચઢે અને તેઓનાં ઘરોમાંથી ચીસો સાંભળશે, જ્યારે તું તારું લશ્કર લઇને તેમની પર ચઢી આવે, કારણ કે મને ખાડામાં પાડી નાખવા માટે તેઓએ ખાડો ખોદ્યો છે. અને મારા રસ્તામાં તેઓએ છૂપાં છટકાં ગોઠવી રાખ્યા છે. 23 પણ, હે યહોવા, મારો જીવ લેવા માટેનાં એમના તમામ ખૂની કાવત્રાઓ તમે જાણો છો. તમે તેઓને માફ કરશો નહિ, એમનાં પાપકમોર્ ભૂલશો નહિ, તેઓ તમારી સમક્ષ ઠોકર ખાઇને પછડાઇ પડો. તમારો રોષ ભભૂકી ઊઠયો હોય ત્યારે જ એમને સજા કરજો.”

19:1 ત્યારબાદ યહોવાએ યમિર્યાને કહ્યું, “જા, અને એક માટીની બરણી ખરીદી લાવ, ત્યાર પછી લોકોના કેટલાક આગેવાનોને અને કેટલાક યાજકોને તારી સાથે લઇ લે. 2 નગરનાં પૂર્વ દરવાજાએથી તેઓને બેન-હિન્નોમની ખીણમાં લઇ જા, અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ. 3 તું એમ કહેજે, ‘સાંભળો, હે યહૂદિયાના રાજાઓ અને યરૂશાલેમના વતનીઓ! ઇસ્રાએલના દેવ સૈન્યોના દેવ યહોવાના આ વચનો છે; હું આ જગ્યા પર એવી વિપત્તિ ઉતારનાર છું કે જે કોઇ સાંભળશે તેનાં કાનમાં ગુંજ્યા કરશે. 4 રણ કે ઇસ્રાએલે મારો ત્યાગ કર્યો છે અને તેમણે વિદેશી દેવોને દહનાર્પણો ધરાવીને આ સ્થાનને ષ્ટ કર્યુ છે. એ વિદેશી દેવો જેના વિષે તેમણે તેમના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાએ પણ ક્યારેય સાંભળ્યું નથી. તેમણે આ સ્થાનને નિદોર્ષોના લોહીથી ભરી દીધું છે. 5 તેમણે બઆલ દેવને માટે યજ્ઞવેદીઓ ઊભી કરી છે. જ્યાં તેઓ પોતાનાં બાળકોની આહુતિ આપે છે. મેં કદી એવી આજ્ઞા કરી જ નથી. એવો કોઇ વિચાર પણ મારા મનમાં કદી આવ્યો જ નથી!”‘ 6 યહોવા કહે છે, “‘એવો દિવસ આવશે જ્યારે આ ખીણ ‘તોફેથ’ અથવા ‘બેન-હિન્નોમ’ થી ઓળખાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે. 7 આ જગ્યાએ હું યહૂદિયા અને યરૂશાલેમના લોકોની બધી યોજનાઓના માટીની બરણીની જેમ ભૂક્કેભૂક્કા ઉડાવી દઇશ! હું તેમનો તેમના દુશ્મનોને હાથે તરવારથી નાશ કરાવીશ, તેમના મૃતદેહ હું પંખીઓને અને જંગલી પશુઓને ખાવા સોંપી દઇશ. 8 હું યરૂશાલેમને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક જોશે કે મેં તેને કેટલું ભારે નુકશાન પહોંચાડ્યું છે! અને તે આ જોઇને આશ્ચર્ય પામશે, કે મે તેનો કેવો નાશ કર્યો. 9 તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકડામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના પુત્રોનું તથા પોતાની પુત્રીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.’ 10 “અને હવે, યમિર્યા, તારી સાથે લાવેલી બરણીને તું આ માણસોના દેખતા તોડી નાખ. 11 તેઓને કહે, ‘યહોવા સૈન્યોનો દેવ તરફથી તમને આ સંદેશો છે; તેવી જ રીતે હું યરૂશાલેમ શહેરને તોડી નાખીશ જેમ કુંભાર એક વાસણને તોડી નાખે છે જેથી તેનું સમારકામ ક્યારેય ન થાય. તોફેથમાં ઘણા બધા લોકોને દફનાવવામાં આવશે કારણ કે તેઓને દફનાવવા માટે બીજી કોઇ જગ્યા નથી. 12 આ ખીણમાં જેવું હશે તેવું જ યરૂશાલેમમાં પણ હશે, કારણ કે હું યરૂશાલેમને પણ મૃતદેહોથી ભરી દઇશ.’ 13 ‘યરૂશાલેમનાં મકાનો, યહૂદિયાના રાજાઓનાં મકાનો અને જે જે ઘરનાં છાપરાં પર લોકોએ આકાશનાં નક્ષત્રોને બલિદાન ચઢાવ્યાં છે અને બીજા દેવોને પેયાર્પણો આપ્યા છે તે બધા મકાનો ‘તોફેથ’ જેવાં ષ્ટ બની જશે.”‘ 14 યહોવાએ દેવી વાણી ભાખવા યમિર્યાને તોફેથ મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો, 15 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ કહે છે; ‘મેં વચન આપ્યું છે તે મુજબ આ નગર તેમજ તેની આસપાસના નગરો પર સર્વ વિપત્તિઓ હું લાવીશ, કારણ કે તમે લોકો હઠીલા છો અને મારું કહ્યું માનતા નથી.”‘

20:1 ઈમ્મેરનો પુત્ર યાજક પાશહૂર યહોવાના મંદિરના રક્ષકોનો ઉપરી હતો. તેણે યમિર્યાને આવી ભવિષ્યવાણી ભાખતો સાંભળ્યો, 2 તેથી તેણે યમિર્યાની ધરપકડ કરી અને તેને કોરડાથી ફટકાર્યો, પછી તેણે તેને મંદિરના બિન્યામીન દરવાજા આગળ સાંકળોથી બાધ્યો. 3 બીજા દિવસે સવારે પાશહૂરે યમિર્યાને હેડમાંથી છૂટો કર્યો ત્યારે યમિર્યાએ તેને કહ્યું, “યહોવા તને પાશહૂર નહિ કહે, પણ માગોર-મિસ્સાબીબ (સર્વત્ર ત્રાસ) કહેશે. 4 કારણ કે યહોવા તારા પર તથા તારા સર્વ મિત્રો પર ભય મોકલશે અને તેઓના શત્રુઓની તરવારોથી તેઓને તું મૃત્યુ પામતાં જોશે. આખો યહૂદિયા હું બાબિલના રાજાને સોંપી દઇશ. તે તેમને કેદ કરીને બાબિલ લઇ જશે અને ત્યાં તરવારથી મારી નાખશે. 5 આ શહેરની સર્વ સંપત્તિ, એના બધા ભંડારો અને કિમતી વસ્તુઓ, યહૂદિયાના રાજાનો બધો ખજાનો હું તેમના શત્રુઓને સોંપી દઇશ, શત્રુઓ લૂંટમાર કરીને એનો કબજો લેશે અને બાબિલ લઇ જવામાં આવશે. 6 તું, પાશહૂર, અને તારું કુટુંબ કેદ પકડાશો, તમને બાબિલ લઇ જવામાં આવશે, અને ત્યાં તમારું મોત થશે અને ત્યાં તમે દટાશો. તું અને તારા બધા મિત્રો, જેમને તેં ખોટી ભવિષ્યવાણી સંભળાવેલી છે.”‘ 7 પછી મેં કહ્યું, “હે યહોવા, તમે મને યુકિતપૂર્વક છેતર્યો છે. તમારા સંદેશાઓ આપવા માટે તમે મને દબાણ કર્યુ. કારણ કે મારા કરતાં તમે અતિ બળવાન છો. પરંતુ હવે હું બધા દિવસો હાંસીપાત્ર થયો છું અને સર્વ લોકો મારી મશ્કરી કરે છે. 8 કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે ઘાટાં પાડીને એક જ વાત કહેવાની છે, ‘હિંસા અને વિનાશ!’ હે યહોવા, તારી વાણી સંભળાવવાને કારણે આખો દિવસ મારે હાંસી અને નામોશી સહન કરવી પડે છે.” 9 હું જો એમ કહું કે, “હવે હું યહોવાને સંભારીશ નહિ, એને નામે બોલું જ નહિ.” તો તારી એ વાણી મારા અંગે અંગમાં ભંડારાયેલી આગની જેમ મારા અંતરમાં ભડભડી ઊઠે છે; અને હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ નથી રાખી શકતો. 10 ચારે બાજુથી હું તેઓની ધમકીઓ ઉચ્ચારાતી સાંભળું છું અને મને ડર લાગે છે, તેઓ કહે છે, “આપણે ફરિયાદ કરીશું. જેઓ મારા મિત્રો હતા તેઓ સાવધાનીથી મને નિહાળે છે કે, ક્યારે ભયંકર ભૂલ કરી બેસું. તે પોતે જ ફસાઇ જશે અને ત્યારે આપણે તેના પર આપણું વૈર વાળીશું. તેઓ આ પ્રમાણે કહે છે.” 11 પરંતુ મહાન યોદ્ધાની જેમ યહોવા મારી પડખે ઊભા છે. તે પરાક્રમી તથા ભયાવહ છે. મારા જુલમગારો ઠોકર ખાશે, તેઓ નહિ ફાવે, તેઓ નિષ્ફળ જતાં ભારે ફજેત થશે; તેઓ બધી રીતે અપમાનિત થશે અને સદાને માટે તેઓ પર કલંક લાગશે. 12 હે સૈન્યોના દેવ યહોવા, તમે સતનું પારખું કરો છો, મારા મનનો અને હૃદયનો તાગ લો છો; અને હું ઇચ્છું છું કે હું તમને એમના પર બદલો વાળતા જોવા પામુંં, કારણ કે મેં મારો દાવો ફકત તમને સોંપ્યો છે. 13 યહોવાના ગીત ગાઓ, એમનાં ગુણગાન કરો. કારણ, તેણે દુષ્ટોના હાથમાંથી દરિદ્રીઓનું જીવન ઉગારી લીધુ છે. 14 તેમ છતાં મારા જન્મનો દિવસ શાપિત થાઓ! 15 તને પુત્ર થયો છે એવી વધામણી મારા પિતાને આપનાર માણસ શાપિત થાઓ. 16 તે માણસના હાલ એ પુરાતન નગરોના જેવા થાવ. જેનો યહોવાએ દયા રાખ્યા વગર નાશ કર્યો છે, ભલે તેને આખો દિવસ રણનાદ સંભળાય; સવારમાં આર્તનાદ અને બપોરે યુદ્ધનાદ સંભળાય, 17 કારણ કે, તેણે મને ગર્ભમાં જ મારી ન નાખ્યો, તો મારી માતા જ મારી કબર બની હોત, તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત. 18 હું કષ્ટો અને દુ:ખ સહન કરવા માટે, શરમાળ જીવન જીવવા માટે શું કામ ગર્ભમાંથી બહાર આવ્યો?

21:1 પછી જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના પુત્ર પાશહૂરને તથા માઅસેયા યાજકના પુત્ર સફાન્યાને યમિર્યાની પાસે મોકલીને કહેવડાવ્યું કે, 2 “બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધે ચઢયો છે માટે તમે અમારા તરફથી યહોવાને અરજ કરો, કદાચ તે અમારે ખાતર કોઇ ચમત્કાર કરે, જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે.” 3 ત્યારે યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ, અને તેમણે તે લોકોને કહ્યું, “સિદકિયાને જઇને કહેજો કે, 4 ઇસ્રાએલનો દેવ યહોવા આ પ્રમાણે કહે છે; ‘કોટની બહાર ઘેરો ઘાલીને પડેલા બાબિલના રાજા અને તેની સૈના સામે તમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે, તેમણે પાછા હઠી શહેરની મધ્યમાં આવવું પડશે. 5 “‘કારણ, હું જાતે ભારે રોષ અને ક્રોધપૂર્વક પૂરા બળ અને પરાક્રમથી તમારી સામે ઝઝુમીશ. 6 આ નગરમાં હું ભયંકર મરકી મોકલીશ અને માણસો તથા પશુઓ મૃત્યુ પામશે. 7 અંતે હું રાજા સિદકિયાને તથા નગરમાં બચી ગયેલાઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દઇશ. અને તે તેમની કત્લેઆમ ચલાવશે અને તેમના પર જરાપણ દયા કે કરૂણા દર્શાવશે નહિ.’ 8 “તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું. 9 જે કોઇ આ શહેરમાં રહેશે તે યુદ્ધથી, દુકાળથી કે રોગથી મૃત્યુ પામશે, પણ જે કોઇ તમને ઘેરો ઘાલીને પડેલી બાબિલની સૈનાને શરણે જશે તે બચવા પામશે, કઇં નહિ તો યે તે જીવતો તો રહેશે જ. 10 કારણ કે આ નગરનું ભલું નહિ પણ વિનાશ કરવાનો મેં નિરધાર કર્યો છે, તેને બાબિલના રાજાના હાથમાં સોપી દેવામાં આવશે અને બાળીને રાખ કરી દેવામાં આવશે.” આ યહોવાના વચન છે. 11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે: ધ્યાનથી સાંભળ! 12 હે દાઉદના ઘર, હંમેશા ન્યાય કરો, જે માણસ જુલ્મીઓના હાથે લૂંટાઇ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવ, નહિ તો તારાં દુષ્ટકૃત્યોને કારણે મારો રોષ ભભૂકી ઊઠશે અને મારો ગુસ્સો જે અગ્નિ જેવો છે તે હોલવ્યા વગર ભડભડયા કરશે. 13 અરે, હે યરૂશાલેમ હું તારી વિરુદ્ધ થઇ ગયો છું. ખીણ પર ઝઝૂમતા ખડકની ધારે બેઠેલું તું એમ કહે છે કે, “કોણ મારા પર હુમલો કરી શકે એમ છે, ‘કોણ મારા ગઢમાં પ્રવેશી શકે એમ છે”‘ આ યહોવાના વચન છે. 14 પરંતુ તારા પાપી કૃત્યોની ઘટતી સજા હું તને કરીશ. એમ યહોવા કહે છે: ‘હું જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાના માર્ગમાં આવનાર સર્વને મહેલ સહિત બાળીને ભસ્મિભૂત કરી નાખશે.”‘

22:1 પછી યહોવાએ મને યહૂદિયાના રાજાના મહેલમાં જઇને આ પ્રમાણે સીધી વાત કરવા કહ્યું: 2 “‘દાઉદના રાજ્યાસન પર બેઠેલા હે યહૂદિયાના રાજા, તું અને તારા અમલદારો તથા યરૂશાલેમના બધાં વતનીઓ હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો. 3 હું, યહોવા આ પ્રમાણે તમને કહું છું; ન્યાયથી અને સદાચારથી વતોર્, જે વ્યકિત તેના જુલ્મીના હાથે લૂંટાઇ ગઇ છે તેને બચાવો; પરદેશીઓ, અનાથો અને વિધવાઓ પ્રત્યે હિંસા આચરો નહિ, આ સ્થાને નિદોર્ષનું લોહી રેડશો નહિ. 4 જે હું તને કહું છું જો તું સાચે જ કરે તો, હું ખાતરી કરીશ કે તે રાજાઓ જે દાઉદના રાજ્યાસન પર બેસે છે. તેઓ આ દ્વાર તરફથી જશે. તેઓ રથોમાં અને ઘોડા પર સવારી કરશે અને તેઓના ચાકરો અને તેઓના લોકો પણ. 5 પણ જો તમે મારી ચેતવણી તરફ ધ્યાન નહિ આપો, ને મારું કહ્યું નહી કરો તો હું મારા પોતાના સમ ખાઇને કહું છું કે, આ મહેલ ખંડેર બની જશે. આ હું યહોવા બોલું છું.”‘ 6 યહૂદિયાના રાજમહેલ વિષે યહોવાએ કહ્યું છે કે,“તું મારે મન ગિલયાદ જેવો, લબાનોન પર્વતના શિખર જેવો છે. તેમ છતાં હું સમ ખાઉ છું, તને વેરાન અને વસ્તીહિન સ્થળ જેવું બનાવી દઇશ. 7 હું તારો વિનાશ કરવા માટે માણસો નક્કી કરીશ. તેઓ દરેક જણ હાથમાં કુહાડો લઇને તારા ગંધતરૂના સુંદરમાં સુંદર વૃક્ષોને કાપી નાખશે અને અગ્નિમાં હોમી દેશે. 8 “તારાજ થયેલા આ નગરની પાસેથી પસાર થતાં, ઘણી પ્રજાઓના લોકો એકબીજાને કહેશે, ‘યહોવાએ શા માટે આ નગરનાં આવા હાલ કર્યા? શા માટે તેમણે આવા મહાન નગરનો વિનાશ કર્યો?’ 9 ત્યારે પ્રત્યુત્તર મળશે, ‘કારણ કે એ લોકોએ પોતાના દેવ યહોવા સાથેના કરારને ફગાવી દઇ બીજા દેવોની પૂજા કરી.”‘ 10 યહૂદિયાના લોકો, જે મૃત્યુ પામ્યા છે તેને માટે ચિંતા કરશો નહિ, તેમ તેનો શોક પણ ન કરશો; પણ જે ચાલ્યો ગયો છે તેને માટે હૈયાફાટ રૂદન કરજો, કારણ તે કદી પાછો આવવાનો નથી. તે કદી ફરી જન્મભૂમિના દર્શન કરવાનો નથી. 11 તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે: 12 “તેને જ્યાં કેદ પકડીને લઇ જવામાં આવ્યો છે તે દેશમાં જ તે મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.” 13 યહોયાકીમ રાજા તારી પર શરમ છે, કારણ કે તેં પ્રામાણિકતાથી અને અન્યાયથી લોકો પર દબાણ મુક્યું છે, કે તારી માટે તેઓ સખત કામ કરે અને જેની ઉપરની તરફ ઓરડા હોય તેવો મહેલ બનાવે. તેં જ તારા સાથી માણસોને તેમને તેમનો પગાર આપ્યા વગર કામ કરવા માટે દબાણ કર્યુ હતું. 14 તે કહે છે, “હું મારા માટે જેમાં વિશાળ ઉપરી ઓરડાઓ હોય તેવો એક ભવ્ય મહેલ બંધાવીશ, પછી તેમાં બારીઓ મૂકાવીશ, સુગંધીદાર એરેજકાષ્ટથી તેને મઢાવીશ તથા મનમોહક કિરમજી રંગથી તેને રંગાવીશ.” 15 પરંતુ ભવ્ય મહેલ બનાવ્યા તેથી કાઇં મહાન રાજા થઇ શકાતું નથી! તારા પિતા યોશિયાએ શા માટે ઘણાં વષોર્ સુધી રાજ કર્યું? કારણ કે તે ન્યાયી હતો અને સર્વ વ્યવહારમાં પ્રામાણિક હતો. તેથી દેવે તેને આશીર્વાદ આપ્યો હતો. 16 ગરીબો તથા જરૂરતમંદોને ન્યાય તથા સહાય પૂરી પાડવામાં તેણે કાળજી રાખી, તેથી તે બધી વાતે સુખી હતો. આમ કરવાથી માણસ દેવની નજીક રહી શકે છે. આ યહોવાના વચન છે. 17 પણ તને તો સ્વાર્થ સિવાય બીજું કશું જોવાને આંખો જ નથી, નથી તને નિદોર્ષનું લોહી રેડવા અને ઘાતકી અત્યાચારો કરવા સિવાય બીજા કશા વિચાર આવતા. આ યહોવાના વચન છે. 18 તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, “તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ, ઓ મારા ભાઇ! અથવા ઓ મારી બહેન! એવું બોલીને રડશે નહિ. તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ. ‘મારા માલિક! મારા રાજા!’ એમ કહીને કોઇ રડશે નહિ. 19 એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે, તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.” 20 હે યરૂશાલેમની પ્રજા, લબાનોનના પહાડ પર જઇને હાંક માર! બાશાનમાં જઇને પોકાર કર! અબારીમ પર્વત પરથી હાંક માર! કારણ, તારા બધા મિત્રો પાયમાલ થઇ ગયા છે. 21 જ્યારે તુ સમૃદ્ધ થતો હતો; ત્યારે મેં તારી સાથે વાત કરી હતી, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળુ. તારી યુવાનીથી માંડીને તું આ રીતે વર્તતી આવી છે, તેં કદી મારું કહ્યું કર્યું નથી. 22 તારા સર્વ આગેવાનો પવન દ્વારા ઘસડાઇ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે દેશવટે લઇ જવામાં આવશે, આખરે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે, ને તું શરમ અનુભવશે. 23 લબાનોનના એરેજવૃક્ષો મધ્યે ભવ્ય મહેલમાં સુખચેનથી રહેવું ઘણું સારું છે. પરંતુ પ્રસૂતાની વેદનાની જેમ તારા પર આફત આવશે ત્યારે તારી દશા, કેવી દયાજનક હશે!” 24 જેમ સાચે જ હું જીવું છું, એવું યહોવા કહે છે, “જો યહૂદિયાના રાજા, યહોયાકીન રાજા યહોયાકીમના પુત્ર, જો તું મારા જમણા હાથ પરની વીંટી હોત, તો મેં તેને મારા હાથમાંથી દૂર કર્યો હોત. 25 તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને તેના સૈન્યના હાથમાં સોંપી દઇશ. 26 હું તને તથા તારી માતાને આ દેશમાંથી બહાર ફેંકી દઇશ. અને તમે પરદેશી ભૂમિમાં મૃત્યુ પામશો. 27 અને તમે જ્યાં પાછાં જવા માટે ઝૂરતાં હશો તે ભૂમિમાં કદી જવા પામશો નહિ.” 28 મેં કહ્યું, આ માણસ કોન્યા, એટલે ફૂટેલા અને ફેંકી દીધેલા ઘડા જેવો છે. તેને તથા તેનાં બાળકોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે. અને એક એવી ભૂમિમા નાંખી દેવામાં આવ્યા છે જેને તેઓ જાણતા પણ નથી. 29 હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાના વચન સાંભળ! 30 યહોવા કહે છે: “‘લખી રાખોકે આ માણસને સંતાન નહી થાય. જીવનમાં એ કદી સફળ નહિ થાય. એ કોઇ વંશજ નહિ મૂકી જાય, જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદીઓ પર રાજ કરે.”‘

23:1 “ઇસ્રાએલના દેવ યહોવા તેમની પ્રજાના રખેવાળો વિષે આ પ્રમાણે કહે છે, “જે ધેટાંપાળકો મારા બીડના ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે. તેઓને હાય હાય!” આ યહોવાના વચન છે. 2 તેની પ્રજાનું ધ્યાન રાખવાની જેમની ફરજ હતી તે ઘેટાંપાળકો માટે યહોવા આમ કહે છે, એ તમે છો જેણે મારા ટોળાને વિખેરીને ભગાડી મૂક્યાં છે, તમે ક્યારેય તેમની પર ધ્યાન નથી આપ્યું, હવે હું તમે કરેલા દુષ્કૃત્યો માટે તમને સજા કરીશ એવું યહોવા કહે છે. 3 “પરંતુ મારા લોકોમાંના બચેલાઓને હું જાતે જે દેશોમાં મેં તેમને હાંકી કાઢયા છે ત્યાંથી પાછા એકત્ર કરીને, તેમના વાડામાં પાછા લાવીશ. ત્યાં તેઓનો વંશવેલો ફૂલશે-ફાલશે અને વૃદ્ધિ પામશે. 4 હું એવા પાળકોની નિમણૂંક કરીશ જેઓ તેમની સંભાળ રાખે. એટલે પછી તેમને બીવાનું કે ડરવાનું રહેશે નહિ. તેમની સતત ગણતરી કરવામાં આવશે જેથી કોઇ ભૂલું પણ નહિ પડે.” આ યહોવાના વચન છે. 5 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે. 6 તેની કારકિદીર્ દરમ્યાન યહૂદિયાનો અને ઇસ્રાએલનો ઉદ્ધાર થશે અને તેઓ સુરક્ષિત રહેશે લોકો તેમને યહોવા અમારું ન્યાયીપણું છે. એ નામે બોલાવશે.” 7 યહોવા કહે છે, “હવે એવો સમય આવશે, જ્યારે લોકો સમ ખાતી વખતે એમ નહિ કહે કે, ‘હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લાવનાર યહોવાના નામે સોગંદ લઉં છું!’ 8 પણ એમ કહેશે કે , ‘ઇસ્રાએલના વંશજોને ઉત્તરના પ્રદેશમાંથી અને પોતે તેમને જ્યાં હાંકી કાઢયા હતા તે બધા દેશોમાંથી ફરી પાછા લાવનાર જીવતા યહોવાના સમ!’ તેઓ તેમની પોતાની ભૂમિમાં વસશે.” 9 અતિ કપટી જૂઠા પ્રબોધકોથી મારું હૃદય વ્યથિત થયું છે. હું ભયથી જાગી જાઉં છું અને દ્રાક્ષારસ પીધેલાં માણસની જેમ લથડીયાં ખાઉં છું, કારણ કે તેઓ માટે ભયંકર શિક્ષા રાહ જુએ છે, અને તેઓની વિરુદ્ધ યહોવાએ ન્યાયાસનનાં પવિત્ર વચનો ઉચ્ચાર્યાં છે. 10 કારણ કે દેશ વ્યભિચારીઓથી ભરાઇ ગયો છે; આ શાપને કારણે દેશ ઘેરી વ્યથામાં છે અને દુકાળ પડ્યો છે. લોકો ખોટા માગેર્ છે અને તેઓ પોતાની સત્તાનો યોગ્ય ઉપયોગ કરતા નથી. 11 યહોવા કહે છે, “પ્રબોધકો અને યાજકો બંને ષ્ટ થઇ ગયા છે. મેં તેમને મારા મંદિરમાં પણ દુષ્ટતા આચરતા જોયા છે. 12 તેને લીધે તેઓના રસ્તાઓ અંધકારમય તથા લપસણા થઇ ગયા છે. અંધકારમય જોખમી માર્ગ પર તેઓનો પીછો પકડવામાં આવશે અને તેઓ પછડાશે. કારણ કે હું તેમના પર વિપત્તિ લાવવાનો છું. જ્યારે તેઓનો સમય આવશે ત્યારે તેઓને તેમનાં સર્વ પાપોની સજા કરવામાં આવશે. 13 “મેં સમરૂનના પ્રબોધકોમાં ઘૃણાજનક વસ્તુઓ જોઇ છે; તેઓએ બઆલ દેવને નામે પ્રબોધ કર્યો છે અને ઇસ્રાએલીઓને ખોટે માગેર્ દોર્યા છે. 14 પરંતુ યરૂશાલેમના પ્રબોધકોમાં તો મેં આનાથી પણ ભયંકર કૃત્યો જોયાં છે; તેઓ વ્યભિચાર કરે છે, અને અન્યોને છેતરે છે, દુષ્ટ માણસોને સાથસહકાર આપે છે જેથી દુષ્ટતામાંથી કોઇ પાછું વળતું નથી; મારે મન તેઓ બધા સદોમ અને ગમોરાના લોકો જેવા છે, જેઓ સંપૂર્ણ રીતે ષ્ટ થઇ ગયા છે.” 15 તેથી સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેઓને કડવી વેલ ખવડાવીશ અને ઝેર પાઇશ કારણ કે તેઓને લીધે આ દેશ દુષ્ટતાથી ભરાઇ ગયો છે.” 16 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મારા લોકોને મારી આ ચેતવણી છે. જ્યારે આ જૂઠા પ્રબોધકો તમને પ્રબોધ કરે છે અને તમને જૂઠી આશાઓ આપે ત્યારે તમે સાંભળશો નહિ. તેઓ ધડમાથા વગરની વાતો કરે છે, તેઓ મારાં મુખનાં વચનો નથી કહેતાં. 17 જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેમને કહેવાય છે કે, “તમારી સાથે બધું સારું થશે, જેઓ પોતાની ઇરછા મુજબ વતેર્ છે તેમને કહે છે, કોઇ પણ આફતથી તમારે ગભરાવાની જરૂર નથી, 18 હા, જ્યાં યહોવાએ પોતાનો સંદેશો જાહેર કર્યો હતો ત્યાં આ બધા પ્રબોધકોમાંથી કોણ ત્યાં ઊભું હતું અને તેને ધ્યાનથી સાંભળ્યો હતો? કોઇ પણ પ્રબોધકે ધ્યાનથી સાંભળવાની કાળજી રાખી છે ખરી? 19 આ યહોવાના ક્રોધનો વંટોળ ચડ્યો છે; એ ધૂમરી લેતો લેતો દુષ્ટોને માથે અફળાશે. 20 તેઓની વિરુદ્ધ જે શિક્ષા યહોવાએ ઉચ્ચારી છે તેનો સંપૂર્ણ અમલ થશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થશે નહિ. પાછળથી જ્યારે યરૂશાલેમનું પતન થશે ત્યારે મેં જે કહ્યું છે તે તમે સમજી શકશો. 21 યહોવાએ કહ્યું, “આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડાદોડ કરે છે; મેં આ લોકોને કઇં કહ્યું નથી. છતાં તેઓ મારે નામે બોલે છે. 22 તેઓ જો મારી મંત્રણામાં ઉપસ્થિત રહ્યા હોત તો મારા લોકોને મારી વાણી સંભળાવી હોત અને તેમને ખોટે માગેર્થી અને ખોટાં કાર્યોથી પાછા વાળ્યા હોત.” 23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે? 24 શું કોઇ મારાથી પોતાને સંતાડી શકે? શું હું આકાશ તથા પૃથ્વીમાં સર્વત્ર હાજર નથી?” આ યહોવાના વચન છે. 25 તેઓ કહે છે, “ગઇ રાત્રે યહોવા તરફથી મને એક સ્વપ્નદર્શન થયું. તે સાંભળો, ‘અને પછી તેઓ મારા નામે જૂઠી વાતો કરે છે.’ 26 આવું કયાં સુધી ચાલશે? જો તેઓ ‘પ્રબોધકો’ છે તો તેઓ જૂઠા પ્રબોધકો છે અને તેઓ જે કહે છે તે સર્વ ઉપજાવી કાઢેલું છે. 27 તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને મારું નામ ભૂલાવી દેવાની કોશિશ કરે છે. બરાબર એવી જ રીતે-જેમ તેમના પિતૃઓ મારું નામ ભૂલીને બઆલદેવનું નામ લેતા થયા હતા. 28 આ જૂઠાં પ્રબોધકોને પોતાનાં સ્વપ્નો કહેવા દો અને મારા સંદેશાવાહકોને પણ વિશ્વાસપૂર્વક મારું પ્રત્યેક વચન કહેવા દો. ઘઉંની તુલનામાં તેનાં ફોતરાની શી કિંમત? 29 મારુ વચન આગ જેવુ નથી? ખડકના ચૂરેચૂરા કરનાર હથોડા જેવુ નથી? 30 “એટલે મારો વિરોધ એકબીજાના શબ્દો ચોરી લઇ એને મારે નામે ખપાવનાર પ્રબોધકો સામે છે. 31 જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. તેમની સામે મારો વિરોધ છે. 32 જુઓ હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું જેમના સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. મેં તેઓને મોકલ્યા નથી. અને મારા લોકને માટે તેઓની પાસે કોઇ સંદેશો નથી, જેઓ તેમના માટે કઇક છે.” એમ યહોવા કહે છે. 33 પછી યહોવાએ મને કહ્યું, “જ્યારે લોકોમાંથી કોઇ એક યાજક અથવા કોઇ પ્રબોધક તેમનામાંથી કોઇ તને પૂછે કે, ‘યહોવાએ કયા સંદેશા દ્વારા તારી પર બોજો7 નાખ્યો છે?’ તો તારે જવાબ દેવો કે, ‘તમે જ યહોવા પર બોજારુંપ છો અને તે તમને ફગાવી દેશે.”‘ એમ યહોવા કહે છે. 34 “જો કોઇ પ્રબોધક કે યાજક કે કોઇ બીજો ‘યહોવાની વાણી ભારરૂપ છે.’ એમ કહેશે તો હું તેને અને તેનાં કુટુંબને ભારે પડીશ. 35 તમે અંદરોઅંદર એકબીજાને પૂછી શકો છો, ‘યહોવાનો સંદેશો શો છે? યહોવા શું કહે છે?” એવો જ પ્રયોગ કરવો. 36 આજ પછી, તમારે ક્યારે પણ ‘યહોવાનો બોજો ‘ એમ બોલવું નહીં, જે કોઇ તેનો ઉપયોગ કરશે તે ખરેખર મુશ્કેલીમાં મુકાઇ જશે કારણ કે તેઓ, મેં જે કહ્યું છે તેનો અવળો અર્થ કરે છે અને લોકોને, એમ કહી છેતરે છે કે આ એ છે જે જીવતા જાગતા દેવ, આપણા યહોવા દેવ જે દરેક વસ્તુ પર શાસન કરે છે.-કહે છે. 37 “તમે આદરપૂર્વક પ્રબોધકને પૂછી શકો, ‘યહોવાનો સંદેશ શો છે? તેણે તમને શું કહ્યું છે?’ 38 મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યમિર્યાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? 39 પછી જે તમે મને ભારરૂપ છો, તે ભાર હું ફેંકી દઇશ. તમને તથા આ નગરને જે મેં તમને અને તમારા પિતૃઓને આપ્યું હતું. મારી નજરથી બહાર કરી દઇશ. 40 અને હું તમારાથી કદી ભૂલાય નહિ એવી નામોશી અને નિરંતર નિંદા તથા સતત અપમાન હું તમારા પર આણીશ.”‘

24:1 યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર કોન્યાહને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે દેશ નિકાલ કર્યો અને તેને યહૂદિયાના સરદારો તથા સુથારી અને લુહારી કામનાં નિપૂણ કારીગરોને બાબિલમાં બંદીવાસમાં મોકલી દીધા, પછી યહોવાના મંદિરની સામે બહાર મૂકેલી અંજીરની બે ટોપલીઓ યહોવાએ મને દેખાડી. 2 યરૂશાલેમમાં મંદિરની સામે અંજીરની ભરેલી બે ટોપલીઓ મેં જોઇ, એક ટોપલીમાં તાજાં અને હમણાંજ પાકેલા અંજીર હતા. પરંતુ બીજી ટોપલીમાં બગડી ગયેલા અને ખાવાને લાયક નહિ એવાં અંજીર હતાં. 3 પછી યહોવાએ મને કહ્યું, “યમિર્યા તું શું જુએ છે?” મેં ઉત્તર આપ્યો, “અંજીર, તેમાનાં કેટલાક બહુ સારા છે અને કેટલાંક ખૂબજ બગડી ગયા છે, તે એટલાં ખરાબ છે કે ખવાય પણ નહિ.” 4 ત્યારે યહોવાએ મને કહ્યું, 5 આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે. “યહૂદિયામાંથી જે લોકો દેશવટે ગયા છે. જેમને મેં અહીંથી બાબિલમાં દેશવટે મોકલી આપ્યા છે તેમને હું આ સારાં અંજીર જેવા સારા માનું છું. 6 તેઓ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તેવું હું કરીશ અને તેઓને ફરીથી આ દેશમાં પાછા લાવીશ. તેઓને સહાય કરીશ અને તેઓને હાની થશે નહિ, હું તેઓને રોપીશ અને તેઓને ઉખેડી નાખીશ નહિ. 7 હું તેમને બુદ્ધિ આપીશ, જેથી તેઓ મને ઓળખે કે હું યહોવા છું. પછી તેઓ મારા લોકો થશે અને હું તેમનો દેવ થઇશ; કારણ, તેઓ પૂરા દિલથી મારી પાસે પાછા આવશે. 8 “પણ યહૂદિયાના રાજા સિદકિયા તો ખાઇ ન શકાય તેવા સડેલા અંજીર જેવો હશે. સિદકિયા, અને તેના ઉચ્ચ અમલદારો અને યરૂશાલેમમાંના બાકીના લોકોને, જેઓ આ દેશમાં જ રહ્યાં હોય કે યહૂદિયાના તે બધાં લોકો જેઓ મિસરમાં રહેતા હોય, એ બધા ખવાય પણ નહિ એવા ખરાબ અંજીર જેવા હશે. 9 “હું તે લોકોને સજા કરીશ તેમને થયેલી સજા જોઇને પૃથ્વીના બધા લોકો થથરી જશે, લોકો યહૂદિયાના લોકોની ઠેકડી ઉડાવશે, લોકો તેમના વિષે મજાક મશ્કરી કરશે અને મેં તેમને જ્યાં જ્યાં વિખેરી નાખ્યાં છે ત્યાં લોકો તેમને શાપ આપશે. 10 હું તેમના પર તરવાર, ભૂખમરો અને રોગચાળો મોકલીશ. તેઓ જ્યાં સુધી નષ્ટ ન થઇ જાય ત્યાં સુધી હું તેમના પર ત્રાટકીશ પછી તેઓનું અસ્તિત્વ ભૂમિ પરથી મટી જશે જે મેં તેમને અને તેમના પિતૃઓને આપી હતી.”

25:1 યોશિયાનો પુત્ર રાજા યહોયાકીમ યહૂદિયા પર રાજ્ય કરતો હતો. તેના ચોથા વષેર્ યહૂદિયાના સર્વ લોકો માટે યહોવા તરફથી યમિર્યા પાસે આ સંદેશો આવ્યો. બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તે વષેર્ રાજ કરવાનું શરું કર્યું. 2 અને યમિર્યા પ્રબોધકે યહૂદિયાના બધા લોકોને તથા યરૂશાલેમના બધા વતનીઓને કહ્યું, 3 “છેલ્લા ત્રેવીસ વર્ષથી, યહૂદિયાના રાજા આમ્મોનના પુત્ર યોશિયાના શાસનનાં 13માં વર્ષથી તે આજ પર્યંત યહોવા પોતાના સંદેશાઓ મને મોકલતો રહ્યો છે. મેં વિશ્વાસુપણે તે તમારી આગળ પ્રગટ કર્યા છે, છતાં તમે તે પર ધ્યાન આપ્યું નથી. 4 વળી વષોર્ના વષોર્ સુધી યહોવાએ તમારી પાસે પોતાના પ્રબોધકો મોકલ્યા હતા; છતાં પણ તમે તેઓનું સાંભળ્યું નહિ. 5 તેમનો સંદેશો એ હતો કે, “તમે બધા તમારા દુષ્ટ વ્યવહાર અને દુષ્ટ કૃત્યોમાંથી પાછા ફરો, તો તમે જે ભૂમિ યહોવાએ લાંબા સમય પહેલાં તમને અને તમારા પિતૃઓને સદાને માટે આપી હતી તેમાં રહી શકશો. 6 તમે લોકો મૂર્તિઓની પૂજા અને સેવા કરશો નહિ. તમારા પોતાના માટેે બનાવેલી વસ્તુઓથી મને ક્રોધિત કરશો નહી. તો હું તમને હાનિ પહોંચાડીશ નહિ.” 7 “પરંતુ તમે મારું સાંભળ્યું નહિ, તમે તમારે માગેર્ આગળ વધ્યા અને તમારી મૂર્તિઓ વડે મને ક્રોધિત કર્યો છે. તેથી તમારા પર આવી પડેલી સર્વ વિપત્તિને માટે તમે પોતે જ જવાબદાર છો.” 8 અને હવે સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે મારું કહ્યું માન્યું નથી. 9 તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે. 10 હું તમારી ખુશી અને લગ્નના ઉલ્લાસને છિનવી લઇશ અને તમારા નોકરી ધંધા પડી ભાંગશે અને હું તમારા ઘરોમાં પ્રકાશતા દીવાઓને હોલવી નાખીશ. 11 આ સમગ્ર દેશ ખેદાન-મેદાન અને વેરાન થઇ જશે. અને એ લોકો સિત્તેર વર્ષ બાબિલના રાજાની ગુલામીમાં ગાળશે. 12 “અને જેટલા જલ્દી 70 વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ; તેમની ભૂમિને હું હંમેશને માટે ઉજ્જડ કરીશ.” 13 મેં જે જે કહેલું છે, આ ગ્રંથમાં લખેલું છે, અને યમિર્યાએ એ લોકોની વિરુદ્ધ જે જે આગાહી કરી છે, તે બધું હું એ દેશ પર ગુજારીશ. 14 તેઓ પોતે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓના ગુલામ બનશે અને હું તેમને તેમના હાથનાં કર્યા કૃત્યોનો બદલો આપીશ.” 15 ઇસ્રાએલના દેવ યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “મારા ક્રોધથી છલોછલ ભરેલો દ્રાક્ષારસનો આ પ્યાલો મારા હાથમાંથી લે. જે સર્વ પ્રજાઓની પાસે હું તને મોકલું તે સર્વને તેમાંથી પીવડાવજે. 16 તેઓ બધા એ પીધા પછી લથડીયાં ખાશે. અને તેમની વચ્ચે મેં મોકલેલા યુદ્ધથી ભાન ભૂલી જશે.” 17 આથી મેં યહોવાના હાથમાંથી તે પ્યાલો લીધો. અને યહોવાએ મને જે જે પ્રજાઓમાં મોકલ્યો તેમને મેં પાયો. 18 હું યરૂશાલેમ તથા યહૂદિયાના નગરોમાં ગયો અને તે પ્યાલામાંથી તેઓના રાજાઓએ તથા સરદારોએ પીધું. પરિણામે તે દિવસથી આજ સુધી તેઓ ઉજ્જડ, ધિક્કાર પામેલા તથા શાપરૂપ થયેલા છે. 19 મિસરના રાજા ફારુનને, તેના અમલદારોને તેના દરબારીઓને અને બીજા બધા લોકોને મેં આ પીણું પાયું હતું. 20 તેમ જ મિસરમાં વસતા બધા વિદેશીઓને, ઉસના બધા રાજાઓને, પલિસ્તીઓનાં શહેરો આશ્કલોન, ગાઝા અને એક્રોનના રાજાઓને અને આશ્દોદના બચી ગયેલા વતનીઓને, 21 અદોમ, મોઆબ અને આમ્મોનના લોકોને, 22 તૂરના અને સિદોનના બધા રાજાઓને ભૂમધ્ય કાંઠાના બધા રાજાઓને, 23 દદાન, તેમા અને બૂઝના શહેરોને, અને એ બધાં જેઓએ તેમના વાળ પોતાના માથાની બાજુ પરથી કાપ્યાં હતાં, 24 અરબસ્તાનના રણમાં વસતી જાતિઓમાં વસતા બધા રાજાઓને, 25 ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ; 26 એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે. 27 “પછી તું તેઓને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, ‘પીધા જ કરો મદમસ્ત થઇનેઊલટી કરો અને એવા પડી જાઓ કે ફરીથી ઊઠી ન શકો. કારણ કે હું તમારા પર ભયાવહ યુદ્ધો મોકલી રહ્યો છું.’ 28 “જો તેઓ તારા હાથમાંથી પ્યાલો લઇને પીવાની ના પાડે તો તારે તેમને કહેવું. ‘આ સૈન્યોનો દેવ યહોવાની આજ્ઞા છે; તમારે એ પીવો જ પડશે! આ યહોવાના વચન છે. 29 તારે આવું કરવું જ પડશે કારણ કે આ શહેર મારા નામથી ઓળખાય છે. હું તેની પર આફત લાવવાનો જ છું. અને એવી અપેક્ષા રાખતો નહિ કે તને સજા નહી મળે. કારણ કે હું આ સૃષ્ટિના બધા લોકો પર યુદ્ધ મોકલાવીશ.”‘ આ સૈન્યોના દેવ યહોવાના વચન છે. 30 “‘તારે તેઓની વિરુદ્ધ પ્રબોધ કરવો જ પડશે. તેઓને કહે કે, યહોવા તેના પોતાના લોકોની વિરુદ્ધ તથા પૃથ્વી પર વસનારા સર્વની વિરુદ્ધ પોતાના પવિત્ર મંદિરમાંથી ગર્જના કરશે. રસ બનાવવા માટે દ્રાક્ષ છુંદનારા લોકોની જેમ તે ઘાંટા પાડશે. 31 એમનો હોકારો પૃથ્વીના છેડા સુધી પહોંચશે. યહોવા બધી પ્રજાઓ સામે આરોપ મૂકે છે, તે બધા માણસોનો ન્યાય કરે છે. તે દુષ્ટોનો તરવારથી સંહાર કરશે.”‘ આ યહોવાના વચન છે. 32 સૈન્યોના દેવ યહોવા જાહેર કરે છે, “જુઓ, આફત એક દેશમાંથી બીજા દેશમાં, એક પ્રજામાંથી બીજી પ્રજામાં ફેલાઇ રહી છે, પૃથ્વીના દૂર દૂરને છેડેથી પ્રચંડ વાવાઝોડું ફૂંકાય છે.” 33 તે દિવસે યહોવાએ જેમને મારી નાખ્યા હશે, તેમના મૃતદેહો પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પડ્યા રહી ખાતરરૂપ થઇ જશે; કોઇ તેમને માટે શોક નહિ કરે કે કોઇ તેમને ઉપાડીને દાટશે નહિ.” 34 હે દુષ્ટ આગેવાનો! રડો, પોક મૂકીને રડો, હે લોકોના ઘેટાં પાળકો! તમારી કતલનો સમય આવી પહોંચ્યો છે. તુટેલા માટલાના ટુકડાની જેમ તમે ચારેબાજુ વિખેરાઇ જશો. 35 તમને હવે સંતાવાની જગ્યા મળશે નહિ, નાસી જવાને રસ્તો પણ નહિ મળે. હવે લોકોના ગોવાળને ઉગારવાનો કોઇ આરો નથી. 36 સાંભળો, આગેવાનો આક્રંદ કરે છે, ઘેટાંપાળકો પોક મૂકીને રૂદન કરે છે, કારણ કે યહોવા તેમના દેશનો નાશ કરી રહ્યાં છે. 37 તેમના ભયંકર રોષને કારણે તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે. 38 શિકારની શોધમાં ગુફામાંથી બહાર જતા સિંહની જેમ યહોવા બહાર આવે છે. યહોવાના ભયંકર ક્રોધને લીધે સૈન્યો વારંવાર ચઢી આવ્યાં, પરિણામે તેમની ભૂમિ વેરાન વગડો થઇ ગઇ છે.

26:1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યની શરૂઆતમાં યહોવાએ યમિર્યાને આ પ્રમાણે કહ્યું, 2 “આ યહોવાના વચન છે: મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને, યહૂદિયાના ગામોમાંથી જે લોકો મંદિરમાં ઉપાસના કરવા આવે છે, તે બધાને મેં તને જે કહેવા કહ્યું છે તે એક પણ શબ્દ ભૂલ્યા વગર કહેજે. 3 કારણ કે કદાચ તેઓ તે સાંભળે અને પોતાના દુષ્ટ માગોર્થી પાછા ફરે અને તેઓનાં દુષ્ટ કાર્યોને લીધે જે સર્વ શિક્ષા હું તેઓ પર રેડી દેવાને તૈયાર છું. તે હું તેઓ પર ન મોકલું.” 4 વળી યહોવાએ મને કહ્યું, ‘તું એમને કહેજે, આ યહોવાના વચન છે. “જો તમે મારું કહ્યું નહિ કરો, અને તમારા માટે ઠરાવેલ નિયમશાસ્ત્રનું પાલન નહિ કરો, 5 તથા મેં વારંવાર મોકલેલા મારા જે સેવકો, પ્રબોધકોને તમે કદી સાંભળ્યા નથી. તેમનાં વચનો નહિ સાંભળો. 6 તો આ મંદિરના હું શીલોહ જેવા હાલ કરીશ અને દુનિયાની પ્રત્યેક પ્રજામાં યરૂશાલેમને હું શાપરૂપ કહીશ.”‘ 7 યાજકો, પ્રબોધકો અને સર્વ લોકોએ યમિર્યાને યહોવાના મંદિરમાં આ બધા વચનો કહેતા સાંભળ્યો. 8 યહોવાએ તેને જે પ્રમાણે હુકમ કર્યો હતો તે મુજબ કહેવાનું યમિર્યાએ જ્યારે પૂરૂં કર્યુ કે તરતજ યાજકોએ, પ્રબોધકોએ અને બધા લોકોએ, તેને પકડ્યો અને કહ્યું, તું હમણા જે બોલ્યો છે તેના કારણે તું મૃત્યુ પામીશ. 9 તેં શા માટે યહોવાના નામે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી કે, આ મંદિરની હાલત શીલોહ જેવી થશે અને આ શહેર વેરાન અને વસ્તી વગરનું થઇ જશે?” બધા લોકો યહોવાના મંદિરમાં યમિર્યાને ઘેરી વળ્યા. 10 આ સાંભળીને યહૂદિયાના ઉચ્ચ અધિકારીઓ રાજમહેલમાંથી મંદિરમાં પહોંચી ગયા અને યહોવાના મંદિરના નવા પ્રવેશદ્વાર આગળ ગોઠવાઇ ગયા. 11 પછી યાજકોએ અને પ્રબોધકોએ, અધિકારીઓ અને લોકોને સંબોધીને કહ્યું, “આ માણસને મૃત્યુદંડની સજા થવી જોઇએ, કારણ, તેણે આ નગરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારી છે તે તમે બધાએ તમારા પોતાના કાને સાંભળી છે.” 12 ત્યારે યમિર્યાએ પોતાના બચાવમાં કહ્યું, “આ નગર તથા મંદિરની વિરુદ્ધ ભવિષ્યવાણી ઉચ્ચારવા માટે યહોવાએ મને મોકલ્યો છે. મેં જે કહ્યું છે તેનો પ્રત્યેક શબ્દ તેમણે મને આપ્યો છે. 13 માટે હવે તમારાં આચરણ અને કમોર્ સુધારો અને તમારા દેવ યહોવાનું કહ્યું સાંભળો, તો કદાચ તે તમારા પર જે આફત ઉતારવાની પોતે ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળે. 14 જ્યાં સુધી આ બાબત મને લાગુ પડે છે, હું તો તમારા હાથમાં છુ. તમને જે યોગ્ય અને તાકિર્ક લાગે તે મને કરો. 15 પણ એટલું ખાતરીથી માનજો કે જો તમે મને મારી નાખશો, તો તમે આ શહેર અને એના બધા વતનીઓ એક નિદોર્ષ માણસના પ્રાણ લીધાના અપરાધી ઠરશો. કારણ યહોવાએ મને ખરેખર આ બધું તમને કહી સંભળાવવા મોકલ્યો છે.” 16 ત્યારે અધિકારીઓએ અને લોકોએ યાજકોને અને પ્રબોધકોને કહ્યું, “આ માણસ મૃત્યુદંડને પાત્ર નથી. એણે આપણા દેવ યહોવાને નામે આપણને સંભળાવ્યું છે.” 17 પછી દેશના કેટલાક વડીલો અને જ્ઞાની માણસો ઊભા થયા અને આજુબાજુ ઊભા રહેલા સર્વ લોકોને સંબોધીને કહ્યું, 18 “યહૂદિયાના રાજા હિઝિક્યાના વખતમાં મોરાશ્તી મીખાહ દેવી વાણી ભાખતો હતો અને તેણે યહૂદિયાના બધા લોકોને આ પ્રમાણે કહ્યું હતું.”આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “સિયોન ખેતરની જેમ ખેડાઇ જશે, યરૂશાલેમ ખંડેરનો ઢગલો થઇ જશે, અને હાલમાં જે જગ્યાએ મંદિર આવેલું છે ત્યાં જંગલ ઊગી નીકળશે!” 19 “શું યહૂદિયાના રાજા હિઝિક્યા અને યહૂદિયાના બધાં લોકોએ આ માટે મીખાહને મારી નાખ્યો હતો? તેને બદલે, હિઝિક્યાએ યહોવાનો ડર રાખીને તેની પાસે માફી નહોતી માગી? આને કારણે યહોવાએ તેમના પર જે આફત ઉતારવાની ધમકી આપી હતી તે ઉતારવાનું માંડી વાળ્યું. આ રીતે તો આપણે જ આપણા પર મોટી આફત નોતરીશું.” 20 વળી શમાયાનો પુત્ર ઊરિયા કિર્યાથ-યઆરીમનો વતની હતો અને યહોવાનો બીજો સાચો પ્રબોધક હતો. યમિર્યાના સમયમાં તે પણ આ નગર તથા દેશની વિરુદ્ધ ભવિષ્યવચન કહેતો હતો. 21 રાજા યહોયાકીમે પોતાના બધા અમલદારો અને અંગરક્ષકો સહિત તેણે જે કહ્યું તે સાંભળ્યું હતું. અને તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે ઊરિયાને એની ખબર પડી ત્યારે ભયભીત થઇ મિસર ભાગી ગયો. 22 ત્યારે યહોયાકીમ રાજાએ ઊરિયાને બંદીવાન કરવા માટે આખ્બોરના પુત્ર એલ્નાથાનને અને તેની સાથે કેટલાંક માણસોને મિસરમાં મોકલ્યા. 23 તેઓ તેને બંદીવાન બનાવીને યહોયાકીમ રાજાની હજૂરમાં લઇ આવ્યા, ત્યારે રાજાએ તેનો તરવારથી વધ કરાવ્યો, અને તેના મૃતદેહને હલકા લોકોના કબ્રસ્તાનમાં દાટયો. 24 પરંતુ શાફાનના પુત્ર અને રાજવી મંત્રી અહીકામે યમિર્યાનો પક્ષ લીધો અને ન્યાયસભાને સમજાવ્યું કે યાજકો, પ્રબોધકો, લોકોના હાથમાં યમિર્યાને સોંપવો નહિ, કે તેઓ તેને મારી નાખે.

27:1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાની કારકિદીર્ના આરંભમાં યમિર્યાની પાસે આ વચન યહોવાની પાસેથી આવ્યું, 2 “યહોવાએ મને કહ્યું, તું તારે માટે ઝૂંસરી જોડતર બનાવ અને તે તારી ડોક પર મૂક, જેમ ખેતર ખેડતા બળદની ડોક પર હોય છે. 3 ત્યારબાદ અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને યહૂદિયાના રાજા સિદકિયાના દરબારમાં આવેલા તેના એલચીઓ મારફતે સંદેશા મોકલ: 4 તેઓને કહે કે, ‘તમે જઇને તમારા માલિકોને કહો કે, સૈન્યોનો દેવ યહોવા ઇસ્રાએલના દેવે આ સંદેશો તમને મોકલાવ્યો છે, 5 મેં પોતે જ મહાન સાર્મથ્ય અને શકિતથી પૃથ્વીને અને એના પર વસતાં માણસો અને પશુઓને ર્સજ્યા છે, અને હું ચાહું તેને તે આપી દઇ શકું છું. 6 તેથી હવે તમારા સર્વ દેશો મેં બાબિલના રાજા, મારા સેવક, નબૂખાદનેસ્સારને સોંપ્યા છે. વળી જંગલી પશુઓ પણ તેની સેવા કરે તેવું મેં ઠરાવ્યું છે. 7 બધી પ્રજાઓ તેના અને તેના પુત્રના અને પૌત્રના તાબામાં રહેશે, અને અંતે જ્યારે તેના દેશનો વારો આવશે ત્યારે બળવાન પ્રજાઓ અને મહાન રાજાઓ તેને તાબે કરશે; તેને આધીન થાઓ અને તેની સેવા કરો. 8 “‘બળવાન પ્રજા અને રાજ્ય, બાબિલની ઝૂંસરી નીચે તમારી ગરદન મૂકો! જે કોઇ પ્રજા તેના ગુલામ બનવા ના પાડશે તેને હું શિક્ષા કરીશ. તે પ્રજા પર હું યુદ્ધ, દુકાળ અને મરકી મોકલીશ જેથી અંતે તે બાબિલના હાથમાં સોંપાઇ જાય. 9 માટે તમારા પ્રબોધકો, જોશીઓ, ભૂવાઓ અને જાદુટોણા કરનારાઓ જેઓ તમને કહે કે, તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ, તો તેની તરફ ધ્યાન ના આપશો. 10 કેમકે તેઓએ તમને જૂંઠુ કહ્યું છે, જો તમે તેમની સલાહ માનશો અને બાબિલના રાજાના શરણે નહિ જાવ તો તમને તમારી ભૂમિમાથી હાંકી કાઢવામાં આવશે. હા, હું તમારો પીછો પકડીશ. અને તમે નાશ પામશો. 11 “‘પણ જો કોઇ પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી આગળ ગરદન ઝુકાવી દેશે, તો હું તેને પોતાની ભૂમિમાં સુખથી રહેવા દઇશ. તેઓ ત્યાં ખેતી કરશે અને વસસે.”‘ આ યહોવાના વચન છે. 12 “‘યહૂદિયાના રાજા સિદકિયાને આ બધી બાબતો મે કહી, મેં કહ્યું, “તમે બાબિલના રાજાને શરણે જાવ, જેથી તમે જીવતા રહેશો. 13 તારે તથા તારી પ્રજાએ યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી શા માટે મરવું જોઇએ? જે કોઇ પ્રજા બાબિલના રાજાની તાબેદારી ન સ્વીકારે તેની યહોવાએ આ દશા કરવાની ધમકી આપેલી છે.”‘ 14 તેણે કહ્યું છે, “‘પ્રબોધકોની વાત ના સાંભળશો, જેઓએ તમને કહ્યું છે કે, તમારે બાબિલના રાજાની સેવા ન કરવી, કારણ કે તેઓ જૂઠા છે. 15 મેં તેમને મોકલ્યા નહોતા. તેઓ મારા નામે તમને જૂઠાણા કહે છે. જો તમે તેઓનું સાંભળ્યા કરશો તો હું તમને આ દેશમાંથી હાંકી કાઢીશ, અને તમે આ ખોટું ભવિષ્ય ભાખનારા પ્રબોધકો સાથે નાશ પામશો.”‘ 16 6ત્યારબાદ મેં યાજકોને અને બધા લોકોને આ પ્રમાણે કહ્યું, “આ યહોવાના વચન છે: જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાના મંદિરની સાધનસામગ્રી થોડા જ વખતમાં બાબિલમાંથી પાછી લાવવામાં આવશે તેમની વાત સાંભળશો નહિ.’ તેઓ તમને જૂઠું કહે છે; 17 તે લોકોનું કહેવું તમે સાંભળશો નહિ. બાબિલના રાજાની શરણાગતિ સ્વીકારો જેથી તમે જીવતા રહેશો, શા માટે આખું શહેર નાશ પામે? 18 જો તેઓ સાચા યહોવાના પ્રબોધકો હોય, જો તેઓ મારી વાણી ઉચ્ચારતા હોય, તો તેમણે અત્યારે મારી સૈન્યોના દેવ યહોવાની એવી પ્રાર્થના કરવી કે, મંદિરમાં અને યહૂદિયાના રાજમહેલમાં અને યરૂશાલેમમાં બાકી રહેલી સાધનસામગ્રી બાબિલ ચાલી ન જાય.” 19 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તથા યહૂદિયાના તેમ જ યરૂશાલેમના સર્વ કુલીન લોકોને યરૂશાલેમમાંથી બાબિલમાં બંદીવાસમાં લઇ ગયો. 20 ત્યારે મંદિરની સામેનો સ્તંભ, મંદિરના આંગણામાંનો પિત્તળનો મોટો હોજ, ધાતુના પાયા અને ક્રિયાકાંડ માટેના પાત્રો તે લઇ ગયો નહોતો. 21 જે પાત્રો યહોવાના મંદિરમાં, યહૂદિયાના રાજાના મહેલમાં તથા યરૂશાલેમમાં હજુ રહેલા છે, તેના વિષે હું, ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, આમ કહું છું; 22 તે સર્વ ખજાનો બાબિલ લઇ જવામાં આવશે અને હું જ્યાં સુધી તેઓ પર ધ્યાન નહિ આપું ત્યાં સુધી તેઓ ત્યાં જ રહેશે. ત્યાર પછી હું તે સર્વ ખજાનાને ફરીથી યરૂશાલેમ લાવીશ.”

28:1 તે જ વષેર્ યહૂદિયાના રાજા સિદકિયાના શાસનની શરૂઆતમાં ચોથા વર્ષનાં પાંચમા મહિનામાં ગિબયોનના વતની આઝઝુરના પુત્ર પ્રબોધક હનાન્યાએ યહોવાના મંદિરમાં, યાજકો અને બધા લોકોની હાજરીમાં કહ્યું, 2 “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે; ‘બાબિલના રાજાની ઝૂંસરીં મેં તારા પરથી હઠાવી લીધી છે. 3 બે વર્ષની અંદર હું બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહોવાના મંદિરની જે સાધન-સામગ્રી બાબિલ લઇ ગયો હતો તે બધી અહીં પાછી લાવીશ. 4 તેમ જ હું યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને તેમ જ બાબિલમાં દેશવટે ગયેલા યહૂદિયાના બધા લોકોને પાછા લાવીશ, કારણ, હું બાબિલના રાજાની સત્તા તોડી નાખીશ.”‘ આ યહોવાના વચન છે. 5 ત્યારબાદ પ્રબોધક યમિર્યાએ મંદિરમાં યાજકો અને બધા લોકો સમક્ષ પ્રબોધક હનાન્યાને જવાબ આપ્યો: 6 “આમીન! યહોવા એ પ્રમાણે કરો. તમે જે વચનો ઉચ્ચાર્યા છે તેને તો તમે સાચાં પાડો અને મંદિરની બધી સાધન-સામગ્રી અને દેશવટે ગયેલા બધા લોકોને તે બાબિલથી ફરી અહીં લઇ આવો. 7 “તેમ છતાં મારે તને અને આ સૌ લોકોને જે કહેવાનું છે તે સાંભળો. 8 તારા અને મારા પહેલાં થઇ ગયેલા પ્રાચીન પ્રબોધકોએ અનેક દેશો વિરુદ્ધ પ્રબોધ કર્યો હતો. અને હંમેશા યુદ્ધ, દુકાળ તથા મરકી વિષે ચેતવણી આપી હતી. 9 જ્યારે પણ કોઇ પ્રબોધક સુખશાંતિની આગાહી કરે છે અને તેનાં શબ્દો સાચાં પડે છે, ત્યારે ખાતરી થાય છે કે યહોવાએ તેને મોકલ્યો છે.” 10 પછી પ્રબોધક હનાન્યાએ યમિર્યાની ડોક પર મૂકેલી ઝૂંસરી લઇ લીધી અને તેને ભાંગી નાખી. 11 તેણે બધા લોકો સમક્ષ કહ્યું, “આ યહોવાના વચન છે; ‘આ જ રીતે આજથી બે વર્ષ પછી હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધી પ્રજાઓની ડોક પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ.”‘એ પછી યમિર્યા મંદિરમાંથી ચાલ્યો ગયો. 12 ત્યારબાદ તરત જ યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો. 13 “તું હનાન્યા પાસે જઇને તેને કહે કે, ‘યહોવા કહે છે, તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પરંતુ હું એની જગ્યાએ લોઢાની ઝૂંસરીઓ મુકીશ. 14 હા મેં આ બધી પ્રજાઓની ડોક પર લોઢાની ઝૂંસરી મૂકી છે અને તેઓ બાબિલના રાજા નબૂખાદનેસ્સારના તાબામાં છે. તેઓ તેની આજ્ઞા માનશે. આ હુકમને કોઇ બદલી શકશે નહિ, એમ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવા કહે છે, જંગલી પશુઓ પણ નબૂખાદનેસ્સારનું દાસત્વ સ્વીકારશે.”‘ 15 ત્યારબાદ યમિર્યાએ પ્રબોધકને કહ્યું, “સાંભળ હનાન્યા, યહોવાએ તને મોકલ્યો નથી, અને તારે કારણે આ લોકો જૂઠાણામાં માને છે, 16 તેથી આ એ છે, જે યહોવા કહે છે, ‘હું પૃથ્વીના નકશા પરથી તારું નામોનિશાન મીટાવી દઇશ. આ વર્ષના અંત પહેલા તું મૃત્યુ પામીશ. કારણ કે તે જ લોકો પાસે દેવની આજ્ઞાનો અનાદર કરાવ્યો છે.”‘ 17 અને સાચે બન્યું પણ એમ જ. પ્રબોધક હનાન્યા તે જ વષેર્ સાતમા મહિનામાં મૃત્યુ પામ્યો.

29:1 યકોન્યા રાજા, રાજમાતા, રાજ્યના અધિકારીઓ, કુળોના આગેવાનો અને કુશળ કારીગરોને બાબિલમાં બંદીવાન તરીકે નબૂખાદનેસ્સાર લઇ ગયો. 2 ત્યારે બંદીવાસમાં ગયેલાઓમાંના બાકી રહેલા વડીલો, ત્યાંના યાજકો, પ્રબોધકો તથા જે લોકોને નબૂખાદનેસ્સાર યરૂશાલેમમાંથી બાબિલમાં લઇ ગયો હતો. 3 તે બધાની પાસે યમિર્યા પ્રબોધકે, શાફાનનો પુત્ર એલઆસાહ તથા જેને યહૂદિયાના રાજા સિદકિયાએ બાબિલમાં, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની પાસે મોકલ્યો હતો, તે હિલ્કિયાનો પુત્ર ગમાર્યા, તે બંનેની સાથે જે પત્ર મોકલ્યો, તેમાં આ પ્રમાણે લખેલું છે: 4 યરૂશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં તેમણે મોકલેલા સર્વ પર સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ તરફથી આ સંદેશો છે: 5 “તમે ઘર બાંધો અને ઠરીઠામ થઇને રહો, દ્રાક્ષાનીવાડીઓ રોપો અને તેનાં ફળો ખાઓ, કારણ કે તમે ત્યાં ઘણાં વષોર્ સુધી રહેવાના છો. 6 તમે પરણો અને પ્રજા પેદા કરો. પછી તમારાં છોકરાં-છોકરીઓને પરણાવો. જેથી તેઓ પણ પ્રજા પેદા કરે. તમારે તમારી સંખ્યા વધારવાની છે, ઘટવા દેવાની નથી. 7 તે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે કાર્ય કરો. જ્યાં મેં તમારો દેશનિકાલ કર્યો છે. તેના માટે પ્રાર્થના કરો. કારણ કે જ્યારે તે સમૃદ્ધ થશે ત્યારે તમે પણ આબાદ થશો.” 8 હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા, તમને કહું છું કે, “તમારામાંના પ્રબોધકોથી કે જોશીઓથી છેતરાશો નહિ, તેઓનાં સ્વપ્નો પર ધ્યાન આપશો નહિ, 9 કારણ, એ લોકો મારે નામે જૂઠું ભવિષ્ય ભાખે છે. મેં તેમને મોકલ્યા નથી,” એમ યહોવા કહે છે. 10 સત્ય તો આ છે: “તમે 70 વર્ષ બાબિલમાં રહેશો, પરંતુ ત્યાર પછી હું યહોવા આવીશ અને મેં આપેલા વચન પ્રમાણે સર્વ સારી બાબતો હું તમારે માટે કરીશ અને તમને ફરીથી યરૂશાલેમમાં પાછા લાવીશ. 11 તમારા માટે મારી જે યોજનાઓ છે તે હું જાણું છું,” એમ યહોવા કહે છે. “તે યોજનાઓ છે તમારા સારા માટે, નહિ કે તમારું ભૂંડું થાય તે માટે. તે તો તમને ઊજળું ભાવિ અને આશા આપવા માટે છે. 12 તે સમય દરમિયાન તમે મારી પાસે આવીને પ્રાર્થના કરશો તો હું તમારું સાંભળીશ. 13 તમે મારી શોધ કરશો તો મને પામશો, કારણ, તમારી શોધ પ્રામાણિક હૃદયની હશે.” 14 યહોવા કહે છે, “હા, હું તમને જરૂર મળીશ અને તમારી ગુલામીનો અંત લાવીશ અને તમારી સમૃદ્ધિ તમને પાછી આપીશ, અને જે જે પ્રજાઓમાં અને દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હશે, ત્યાંથી હું તમને પાછા એકઠા કરીશ; જ્યાંથી મેં તમને દેશવટે મોકલ્યા હતાં ત્યાંથી હું તમને પાછા લાવીશ.” આ હું યહોવા બોલું છું. 15 “પણ જે જૂઠાં પ્રબોધકો તમારી મધ્યે છે, તેઓનો તમે સ્વીકાર કરો છો અને કહો છો કે યહોવાએ તેમને મોકલ્યા છે.” 16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: 17 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “એ લોકોને હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાનો ભોગ બનાવીશ; હું એમને ખાઇ ન શકાય એવાં સડેલાં અંજીર જેવા બનાવી દઇશ. 18 હું, યુદ્ધ, દુકાળ અને મરકીથી તેઓનો પીછો કરીશ અને તેઓની એવી દશા કરીશ કે, સમગ્ર દુનિયાના લોકો તે જોઇને ધ્રૂજી ઊઠશે. અને મેં તેમને જે જે પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે તે પ્રજાઓમાં એ લોકોની નામોશી અને હાંસી થશે અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 19 આ બધું એટલા માટે બન્યું છે કે મારા પ્રબોધકો મારફતે મેં વારંવાર તેઓની સાથે વાત કરી પણ તેઓએ મારું સાંભળવાની ના પાડી દીધી.” આ યહોવાના વચન છે. 20 “અને તમે બધાં યહૂદિયાના બંધકો-જેને મેં યરૂશાલેમથી બાબિલ મોકલ્યાં હતાં, દેવના વચનો સાંભળો તેથી બાબિલમાં બંદીવાન થયેલા તમે સર્વ યહૂદીઓ, યહોવાના વચનો સાંભળો.” 21 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે: “કોલાયાનો પુત્ર આહાબ, અને માઅસેયાનો પુત્ર સિદકિયા જેણે તમને મારા નામે ખોટી રીતે પ્રબોધ્યા હતાં તેમના માટે આમ કહે છે. જુઓ, તેઓનો જાહેરમાં શિરચ્છેદ થાય માટે હું તેઓને નબૂખાદનેસ્સારના હાથમાં સુપ્રત કરું છું. 22 યહૂદિયાથી બાબિલ દેશવટે ગયેલા બધા માણસો કોઇ શાપ આપવા માગતા હશે ત્યારે એમ કહીને આપશે કે, ‘યહોવા તારા હાલ સિદકિયા અને આહાબ જેવા કરો, જેમને બાબિલના રાજાએ જીવતા બાળી મૂક્યા હતા.’ 23 કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે. 24 ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાએ નેહેલામીના શમાયા વિષે યમિર્યાને એક સંદેશો આપ્યો. 25 જ્યારે તમે પોતે જ યરૂશાલેમના બધાં લોકોને આ પત્ર તમારા પોતાના નામે મોકલ્યા, અને માઅસેયાના પુત્ર સફાન્યા અને બધા યાજકોને કહ્યું, 26 ‘યહોવાએ તમને યાજક તરીકે યાજક યહોયાદાને સ્થાને નીમ્યા છે, અને મંદિરના અધિકારી તરીકે જે કોઇ ગાંડો માણસ પોતાને પ્રબોધક તરીકે ખપાવતો હોય તેને સજા કરવાના માંચડામાં મૂકવાની ફરજ આવી છે. 27 તો પછી અનાથોથના યમિર્યા જે તમારી આગળ પોતાને પ્રબોધક તરીકે ખપાવવાનો પ્રયત્ન કરે છે, તેને ઠપકો કેમ નથી આપતા? 28 કારણ કે બાબિલમાં અહીં તેણે અમારા પર લખ્યું છે કે, “અમારો બંદીવાસ લાંબા સમય સુધી ચાલશે. એણે અમને ઘર બનાવી અહીં રહેવાનું કહ્યું અને વાડીઓ રોપીને તેના ફળોનો આનંદ માણવા કહ્યુ.”‘ 29 યાજક સફાન્યા તે પત્ર લઇને યમિર્યા પાસે આવ્યો અને તેને તે વાંચી સંભળાવ્યો. 30 ત્યારે યહોવાએ યમિર્યાને આ વાણી સંભળાવી: 31 “બધા લોકોને જેમનો દેશ નિકાલ કર્યો છે એમને આ સંદેશો મોકલજે: નેહેલામીના શમાયા વિષે યહોવા આ પ્રમાણે કહે છે: ‘શમાયાએ મારા મોકલ્યા વગર તમને વાણી સંભળાવી છે અને તમે બધાં તેના જૂઠાણાને માનવા લાગ્યા છો. 32 માટે હું તેને તથા તેના પરિવારને શિક્ષા કરીશ, મારા લોકો માટે જે સારી બાબતો મેં રાખી મૂકી છે, તે તેના વંશજો જોવા પામશે નહિ, કારણ કે તેણે તમને યહોવાની વિરુદ્ધ બંડ કરવાનું શીખવ્યું છે.”‘ આ હું યહોવા બોલું છું.

30:1 યહોવા પાસેથી યમિર્યાને બીજો સંદેશો મળ્યો. 2 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે. “મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં નોંધી લે. 3 કારણ કે ધ્યાનથી સાંભળ, તે દિવસ આવી રહ્યો છે કે, જ્યારે હું મારા લોકોના ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોની સમૃદ્ધિને ફરીથી સ્થાપીશ, તેઓના પિતૃઓને જે ભૂમિ આપી હતી, એમાં હું તેઓને પાછા લાવીશ. તેઓ તેનો કબ્જો મેળવશે અને ફરીથી ત્યાં વસવાનું શરૂ કરશે.” 4 ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે: 5 આ યહોવાના વચન છે:“મેં ભયની એક ચીસ સાંભળી છે, નહિ કે શાંતિની. 6 તમારી જાતને પૂછો, વિચાર કરો કે કોઇ પુરુષ બાળકને જન્મ આપી શકે? તો પછી હું કેમ દરેક માણસને પ્રસૂતિએ આવેલી સ્ત્રીની જેમ કમરે હાથ દેતો જોઉં છું? બધાના ચહેરા કેમ બદલાઇ ગયા છે, ધોળા પૂણી જેવા થઇ ગયા છે? 7 અરેરે! એ ભયંકર દિવસ આવી રહ્યો છે! એના જેવો દિવસ કદી ઊગ્યો નથી, યાકૂબના વંશજો માટે દુ:ખના દહાડા આવે છે. પણ તેઓ સાજાસમા પાર ઊતરશે.” 8 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે હું તેમની ડોક ઉપરની ઝૂંસરી ભાંગી નાખીશ, અને તેમના બંધન તોડી નાખીશ. વિદેશીઓ ફરી કદી એમને ગુલામ નહિ બનાવે, 9 તેઓ પોતાના દેવ યહોવાની અને દાઉદની જેના એક વંશજને હું તેમનો રાજા બનાવનાર છું. તેની સેવા કરશે. એમ યહોવા કહે છે. 10 “અને તમે, યાકૂબના વંશજો, મારા સેવકો ગભરાશો નહિ. રે ઇસ્રાએલીઓ, તમારે ભય રાખવાની જરૂર નથી. હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો, કોઇ તમને ડરાવશે નહિ, 11 કારણ કે હું તમારી સાથે છું અને હું તમારો બચાવ કરીશ,” એમ યહોવા જણાવે છે. “તમને જે પ્રજાઓમાં મેં વિખેરી નાખ્યા હતા તે લોકોનો પણ જો હું સંપૂર્ણ રીતે વિનાશ કરું તોપણ હું તમારો વિનાશ કરીશ નહિ, હું તમને તેવી જ રીતે અનુશાશિત કરીશ અને તમે સાચે જ સજાથી ભાગી નહિ શકો.” 12 યહોવા પોતાની પ્રજાને કહે છે, “હે મારી પ્રજા, તારો ઘા રૂઝાય એવો નથી, તારો ઘા જીવલેણ છે; 13 તમારુ અહીંયા કોઇ નથી જે તમારા બાબતે ન્યાય કરી શકે, તમારા ઘા ની કોઇ દવા નથી. તેથી તમે સ્વસ્થ નહિ થઇ શકો. 14 તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે. હવે તેઓ તારી સંભાળ રાખતા નથી. કારણ કે મેં તને કોઇ શત્રુની જેમ ઘાયલ કર્યો છે. હા, નિર્દય માણસની જેમ મેં તને ઇજા પહોંચાડી છે. કારણ કે તારાં પાપ ઘણા વધી ગયા છે અને તે તારો ઘણો મોટો અપરાધ છે. 15 તારા ઘા વિષે રોક્કળ કરવાથી શું? તે ઘા રૂજાય એવો નથી, તારા અપરાધો ખૂબ જ નિંદાત્મક છે જેને લીધે તારા દુ:ખનો અંત આવશે નહિ! તારા પાપો ઘણા મોટા છે માટે તને વધુ શિક્ષા કરવાની મને ફરજ પડી. 16 પણ હવે એ દિવસ આવી રહ્યો છે, તે દિવસે તને કોળિયો કરી જનારાઓ જ કોળિયો થઇ જશે. તારા બધા શત્રુઓને કેદ કરવામાં આવશે, તારા પર જુલમ ગુજારનારાઓ જ જુલમનો ભોગ બનશે, તને લૂંટનારાઓ જ લૂંટાઇ જશે. 17 હાં હું તને તારી તંદુરસ્તી પાછી આપીશ અને તારા ઘાને રૂજાવીશ, કારણ કે તારા શત્રુઓ કહેતા કે, ‘સિયોન તો ખંડેર બની ગયું છે, કોઇને તેની પડી નથી.”‘ આ હું યહોવા બોલું છું. 18 યહોવા કહે છે, “જ્યારે યાકૂબના વંશજોને બંદીવાસમાંથી મુકત કરાશે અને તેમની ભૂમિ તેમને પાછી અપાશે અને પ્રત્યેક કુટુંબ પર કરૂણા દર્શાવાશે; યરૂશાલેમને પોતાના ખંઢેર પર ફરી બાંધવામાં આવશે અને કિલ્લાને તેના યોગ્ય સ્થાને ઊભો કરવામાં આવશે. 19 બધા નગરો આનંદ તથા આભારસ્તુતિના અવાજોથી ગૂંજી ઊઠશે. હું મારા લોકોની વૃદ્ધિ કરીશ અને તેઓને મહાન તથા મહિમાવંત પ્રજા બનાવીશ. 20 તેમનો સમાજ પાછો પહેલાના જેવો થશે; તે મારી નજર સમક્ષ વ્યવસ્થિત થશે, અને એમના બધા અન્યાયીઓને હું સજા કરીશ. 21 તેઓને ફરીથી પોતાનો રાજા મળશે, જે પરદેશી નહિ હોય, હું તેને મારી પાસે બોલાવીશ, અને તે મારી પાસે આવશે. કારણ કે વગર આમંત્રણે મારી પાસે આવવાની કોની હિંમત છે? 22 તમે મારા લોક થશો અને હું તમારો દેવ થઇશ.” 23 “જુઓ યહોવાનો ક્રોધ, દુષ્ટોના માથાને અથડાઇને, ઝંજાવાતથી ઘુમરાતા વંટોળની માફક ગર્જના કરતો ધસી રહ્યો છે. 24 યહોવાની યોજના પ્રમાણે ભયંકર વિનાશ પ્રવર્તશે નહિ, ત્યાં સુધી તેમનો ક્રોધ શાંત થાય તેમ નથી, હું જે તમને કહી રહ્યો છું તે ભવિષ્યમાં તમને સમજાશે.”

31:1 યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે ઇસ્રાએલના સર્વ કુળસમૂહો મને દેવ માનશે અને મારી પ્રજા થશે.” 2 અને યહોવા કહે છે, “જ્યારે ઇસ્રાએલે રાહત શોધી ત્યારે જે લોકો તરવારથી બચી ગયા છે, તેઓને અરણ્યમાં કૃપા મળી.” 3 ઇસ્રાએલી પ્રજા વિસામાની શોધમાં ફરતી હતી, ત્યારે મેં તેને દૂરથી દર્શન દીધાં હતાં. હે ઇસ્રાએલી પ્રજા, “હું અનંત પ્રેમથી તને ચાહું છું, એટલે મારી કૃપા તારા પર વરસાવ્યા કરું છું. 4 હું તને ફરીથી પર ઉઠાવીશ અને તું પાછી ઊભી થશે. ફરીથી તું કુમારિકાની જેમ ઝાંઝરથી શણગારાઇશ અને આનંદથી નાચવા લાગીશ. 5 તું ફરીથી સમરૂનના ડુંગરા પર દ્રાક્ષનીવાડીઓ રોપશે, ને રોપનારાઓ એનાં ફળ ખાવા પામશે. 6 એવો દિવસ જરૂર આવી રહ્યો છે. જ્યારે એફ્રાઇમના પર્વતો પરથી પહેરેગીરો પોકાર કરશે, ‘ચાલો આપણે સિયોનની યાત્રાએ જઇએ, આપણા દેવ યહોવાને દર્શને જઇએ.”‘ 7 યહોવા કહે છે, “યાકૂબને માટે આનંદપૂર્વક ગાઓ, મહાન કોમ માટે જયજયકાર કરો. તેથી મુકતકંઠે સ્તુતિગાન કરીને કહો, ‘દેવ યહોવા તારા લોકોને ઇસ્રાએલના અવશેષને બચાવ.” 8 હું તેઓને ઉત્તરમાંથી લાવીશ, ને પૃથ્વીના છેડાઓથી તેઓને એકત્ર કરીશ. હું તેઓનાં અંધજનોને અને લંગડાઓને, ગર્ભવતી તથા નાનાં બાળકોવાળી સ્ત્રીઓને રઝળતા નહિ મૂકું. તેઓ એક મોટા સમુદાયની જેમ અહીં પાછા ફરશે. 9 હું તેમને પાછા લાવીશ ત્યારે તેઓ રડતાં રડતાં અરજ કરતાં કરતાં આવશે. હું તેમને ઠોકર ન વાગે એવા સપાટ રસ્તે થઇને વહેતાં ઝરણાં આગળ લઇ જઇશ, કારણ કે હું ઇસ્રાએલનો પિતા છું અને એફ્રાઇમ મારો જયેષ્ઠ પુત્ર છે. 10 હે વિશ્વની પ્રજાઓ, તમે યહોવાના વચન સાંભળો, અને દૂર દૂરના દ્વીપોને તે જાણ કરો. ‘જેણે ઇસ્રાએલના લોકોને વેરવિખેર કરી નાખ્યા હતા તે પોતે જ તેમને એકત્ર કરશે અને તેમની ઘેટાંપાળકની જેમ સંભાળ લેશે.’ 11 કારણ કે યહોવાએ યાકૂબને બચાવ્યો છે, ને તેનાં કરતાં બળવાનના હાથમાંથી તેને છોડાવ્યો છે. 12 તેઓ આનંદના પોકાર કરતા સિયોનના પર્વત પર આવશે, અને યહોવાએ આપેલા ધાન્ય, દ્રાક્ષારસ, તેલ અને ઢોરઢાંખરરૂપી સમૃદ્ધિથી ખુશખુશાલ થશે. તેમનું જીવન સિંચેલી વાડી જેવું થશે અને તેઓનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે. 13 ત્યારે કુમારિકાઓ આનંદ સાથે નાચી ઊઠશે અને યુવાનો તથા વૃદ્ધો હરખાશે; કારણ કે હું તેઓના શોકને હર્ષમાં ફેરવી નાખીશ, હું તેઓને ખાતરી આપીશ અને તેઓને હષિર્ત કરીશ, કારણ કે તેઓનાં બંદીવાસનાં સર્વ દુ:ખો દૂર થઇ ગયા હશે. 14 હું યાજકોને પુષ્કળ ખોરાક આપીશ. અને મારી પ્રજા મેં આપેલી ઉત્તમ વસ્તુઓથી ભરાઇ જશે.” 15 યહોવાએ ફરીથી મારી સાથે વાત કરીને કહ્યું, “રામાહમાં ભારે રૂદનનો અવાજ સંભળાય છે, રાહેલ પોતાનાં સંતાનો માટે ઝૂરે કરે છે. તેને સાંત્વન આપી શકાય તેમ નથી. કારણ કે તેનાં સંતાનો મૃત્યુ પામ્યા છે.” 16 પરંતુ યહોવા કહે છે: “રૂદન બંધ કરો, આંસુ લૂછી નાખો, તારાં કષ્ટો વ્યર્થ નહિ જાય, તારા બાળકો દુશ્મનના દેશમાંથી પાછા આવશે. 17 તારા ભવિષ્ય માટે આશા છે; તારાં સંતાનો પોતાના શહેરમાં પાછાં આવશે, એમ યહોવા કહે છે. 18 મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો. 19 મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કારણ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.”‘ 20 યહોવા કહે છે, “હે ઇસ્રાએલ, તું ખરેખર મારો લાડકો દીકરો છે! તું મને વહાલો છે! હું તને ગમે તેટલી વાર ધમકાવું તોય પાછો તને યાદ કરું છું, અને મારું હૃદય તને ઝંખે છે. હું ચોક્કસ તારા પર અનુકંપા બતાવીશ. 21 જ્યારે તું બંદીવાસમાં જાય ત્યારે રસ્તામાં ઇસ્રાએલનો માર્ગ સૂચવતાં નિશાન કર. અને માર્ગદર્શક સ્તંભો બનાવ. તું જે રસ્તે ગઇ હતી તે બરાબર ધ્યાનમાં રાખ. કારણ કે હે ઇસ્રાએલની કુમારી, તું ફરીથી તારાં નગરોમાં અહીં પાછી ફરશે. 22 હે જક્કી ભટકી ગયેલી દીકરી, તું ક્યાં સુધી અવઢવમાં રહીશ? કેમકે યહોવાએ પૃથ્વી પર એક નવી વાત પેદા કરી છે. કોઇ સ્ત્રી પુરુષનું રક્ષણ કરે તેવી તે અદ્વિતીય વાત છે.” 23 આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’ 24 “અને યહૂદિયા તથા તેના બધા ગામોમાં ખેડૂતો અને ભરવાડો ભેગા રહેશે. 25 હાં, હું થાકેલા જીવને વિશ્રામ આપીશ અને જેઓ નબળા થઇ ગયા છે તેમને મજબૂત બનાવીશ.” 26 ત્યારબાદ યમિર્યા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.” 27 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હુ ઇસ્રાએલને અને યહૂદિયાને માણસોને તથા તેના પશુધનને પુષ્કળ વધારીશ. 28 ભૂતકાળમાં જેમ હું તેમને ઉખેડી નાખવા, તોડી પાડવા, ઉથલાવી પાડવા, નાશ કરવા, અને હાનિ કરવા માટે નજર રાખતો હતો તેમ હવે તેમના પર કાળજી રાખીને તેઓને સંસ્થાપિત કરીશ.” આ યહોવાના વચન છે. 29 “તે દિવસે પછી કોઇ એમ નહિ કહે કે, પિતૃઓના પાપની કિમત તેઓનાં બાળકો ચૂકવે છે. 30 કારણ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે. જે ખાટી દ્રાક્ષ ખાશે તેના દાંત ખટાઇ જશે.” 31 યહોવા કહે છે, “એ દિવસો આવી રહ્યા છે કે જ્યારે હું ઇસ્રાએલ અને યહૂદિયા સાથે નવો કરાર કરીશ. 32 મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે. 33 “પરંતુ હવે ઇસ્રાએલના લોકો સાથે જે કરાર કરીશ તે આવો હશે: હું મારા નિયમો તેમના અંતરમાં ઠસાવીશ અને તેમનાં હૃદય પર લખીશ. હું તેમનો દેવ થઇશ. અને તેઓ મારી પ્રજા થશે. 34 તે સમયે યહોવાને ઓળખવા માટે એકબીજાને શીખવવાની જરૂર રહેશે નહિ, કારણ કે ત્યારે નાનાથી મોટા સુધી સૌ કોઇ મને ઓળખશે. હું તેમના દુષ્કૃત્યો માફ કરીશ અને તેમના પાપને ફરી સંભારીશ નહિ.” આ યહોવાના વચન છે. 35 “જેણે દિવસે પ્રકાશ આપવા માટે સૂર્ય અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને તારાઓ આપ્યા છે, જે સાગરને એવો ખળભળાવે છે કે તેનાં તરંગો ગર્જના કરી ઊઠે, જેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે” તે કહે છે: 36 “જો મેં કુદરતમાં સ્થાપેલી વ્યવસ્થા લોપ પામે તો જ ઇસ્રાએલનો વંશ પણ મારી પ્રજા તરીકે લોપ પામી શકે છે. 37 જો ઉપરનું આકાશ માપી શકાય અને નીચેની ધરતીના તળીયાનો તાગ માપી શકાય, તો જ હું ઇસ્રાએલની સમગ્ર પ્રજાનો તેમણે જે કઇં કર્યું છે તે માટે તિરસ્કાર કરી શકું.” આ યહોવાના વચન છે. 38 યહોવા કહે છે, “સમય આવી રહ્યો છે કે જ્યારે યરૂશાલેમ મારા નગર તરીકે હનામએલના બુરજથી તે ખૂણાના દરવાજા સુધી ફરી બાંધવામાં આવશે. 39 તે સરહદ પસાર કરીને આગળ જશે. તે ઠેઠ ગોરેબની ટેકરી સુધી જશે અને ત્યાથી દક્ષિણ તરફ વળીને ગોઆહ જશે. 40 કિદ્રોનથી ઠેઠ ઘોડાના દરવાજા સુધી, સમગ્ર ખીણ અને દરેકે દરેક ખેતરને આ શહેરમાં સામેલ કરવામાં આવશે. જે યહોવા માટે પવિત્ર છે. અને આને ફરીથી કયારેય ઉખેડવામાં કે નાશ કરવામાં નહિ આવે.”

32:1 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના દશમાં વર્ષમાં, નબૂખાદનેસ્સારના અઢારમાં વર્ષમાં યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ. 2 તે વખતે બાબિલના રાજાની સૈના યરૂશાલેમને ઘેરો ઘાલીને પડી હતી અને પ્રબોધક યમિર્યા યહૂદિયાના રાજમહેલના રક્ષકઘરના ચોકમાં કેદમાં પડેલો હતો; 3 સિદકિયા રાજાએ યમિર્યાને કેદ કર્યો હતો, કારણ કે તેણે ભવિષ્યવચન કહેવાનું સતત ચાલું રાખ્યું હતું કે, “‘બાબિલનો રાજા નગરને જીતી લેશે. 4 અને રાજા સિદકિયા બચવા નહિ પામે, તેને ચોક્કસપણે બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે, તે તેને રૂબરૂ મળશે અને તેની સાથે વાત કરશે. 5 તે સિદકિયાને બાબિલ લઇ જશે અને હું તેને સંભારું નહિ ત્યાં સુધી તેણે ત્યાં રહેવું પડશે. તમે બાબિલવાસીઓ સામે લડશો તો યે વિજય નહિ પામો!”‘ આ તો યહોવાનું વચન છે. 6 પછી યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો: 7 “તારા કાકા શાલ્લૂમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને તને કહેશે કે, ‘અનાથોથનું મારું ખેતર તું ખરીદી લે, કારણ નજીકના સગા તરીકે તારો એ હક્ક છે.’ 8 “અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’“તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે. 9 તેથી 17 શેકેલ ચાંદી ચૂકવીને મેં હનામએલ પાસેથી તે ખેતર વેચાતું લીધું. 10 મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી. 11 ત્યાર પછી મેઁ મહોર મારેલું બંધ ખરીદખત લીધું જે નિયમો અને શરતો ધરાવતું હતું અને તેની એક ઉઘાડી પ્રત પણ લીધી. 12 અને જાહેરમાં મારા પિતરાઇ ભાઇ હનામએલ, વેચાણખત પર સહી કરનારા સાક્ષીઓની અને રક્ષકઘરના ચોકમાં તે વખતે હાજર હતા તે બધા યહૂદીઓની સાક્ષીમાં નેરિયાના પુત્ર માઅસેયાના પૌત્ર બારૂખના હાથમાં સુપ્રત કરી. 13 “તેમનાં દેખતા જ મેં બારૂખને આ પ્રમાણે સૂચના આપી: 14 ‘આ બન્ને દસ્તાવેજ, મહોર મારેલું બંધ ખરીદખત અને તેની ઉઘાડી પ્રત લઇ લે અને તેને લાંબા વખત સુધી સાચવવા માટે એક માટીના ઘડામાં મૂકજે. 15 કારણ કે ઇસ્રાએલના સૈન્યોનો દેવ યહોવાએ કહ્યું છે કે, “લોકો આ દેશમાં ફરીથી ઘરો, ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ ખરીદશે.”‘ 16 “દસ્તાવેજી નકલ બારૂખને આપ્યા પછી મેં પ્રાર્થના કરી: 17 “હે સૈન્યોનો દેવ યહોવા, તમેં તમારી પ્રચંડ શકિતથી આકાશ અને પૃથ્વી ર્સજ્યા છે. તમારે માટે કશું અશકય નથી. 18 હજારો પ્રત્યે તું કરૂણા બતાવે છે, પણ પૂર્વજોનાં પાપની સજા તેમનાં સંતાનોને કરે છે. તું મહાન અને બળવાન છે. તારું નામ સૈન્યોનો દેવ યહોવા છે. 19 તારી યોજના મહાન છે, તારાં કાર્યો પ્રચંડ છે, તારી આંખો માણસોનું બધું જ હલનચલન જુએ છે, અને તું દરેકને તેનાં કાર્યોને અનુરૂપ બદલો આપે છે. 20 તેં મિસરમાં ચમત્કારો અને અદભૂત કાર્યો કરી નામના મેળવી હતી અને ઇસ્રાએલમાં અને બીજી પ્રજાઓમાં આજ સુધી તું એમ કરતો રહ્યો છે. 21 મહાન ચમત્કારો અને મહાપરાક્રમ દર્શાવીને તથા શત્રુને ભયભીત કરીને તમે ઇસ્રાએલને મિસરની બહાર લઇ આવ્યા હતા. 22 “ત્યારબાદ તેમના પિતૃઓને વચન આપ્યા પ્રમાણે તેં આ ભૂમિ જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેમને આપી હતી. 23 તેમણે આવીને એનો કબજો લીધો. પણ તેમણે તારું કહ્યું ન કર્યું કે, ન તારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ. તેમણે તારી બધી સૂચનાઓની અવગણના કરી અને તેથી તે આ બધી આફત તેમની પર ઉતારી. 24 “શત્રુએ નગરનાં સામે મજબૂત મોરચાઓ બાંધ્યા છે. બાબિલનું સૈન્ય તરવાર વડે તથા નગરમાં પ્રવર્તતા દુકાળ અને મરકીને કારણે નગરને જીતી લેશે. તમે કહ્યું હતું અને તમે નક્કી કર્યું હતું તે જ પ્રમાણે બની રહ્યું છે, તમે તમારી જાતે જોઇ શકો છો. 25 “‘અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.” 26 પછી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ; 27 “હું, યહોવા, માનવ માત્રનો દેવ છું, શું મારા માટે કાઇં અશક્ય હોઇ શકે ખરું?” 28 તેથી આ યહોવા કહે છે, “જુઓ, હું આ નગર નબૂખાદનેસ્સારને સોપી રહ્યો છું. 29 જે ખાલદીઓ લડી રહ્યાં છે, તેઓ આવીને તેને આગ લગાડી દેશે. તે તેમના ઘરની સાથે સળગાવી દેશે, જેના છાપરા પર બઆલ દેવના બલિદાન અર્પણો અને બીજા દેવોને ધરેલા પેયાર્પણો હતા. આ બાબતે મને ખૂબ ક્રોધિત કરી દીધો. 30 હા ઇસ્રાએલના અને યહૂદિયાના લોકોએ તેમના ઇતિહાસના પ્રારંભથી જ મારી નજરમાં અયોગ્ય ગણાય એવાં કાર્યો કર્યા છે, અને પોતાના એ કાર્યોથી મારો રોષ વહોરી લીધો છે. 31 આ નગર બાંધવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી તેઓએ હું ક્રોધિત થાઉં તેવા જ કાર્યો કર્યા છે. તેથી તેઓને દૂર કરવાનો મેં નિરધાર કર્યો છે. 32 ઇસ્રાએલના અને યહૂદિયાના બધા લોકોએ તથા તેમના રાજાઓ યાજકો અને પ્રબોધકોએ અને યહૂદિયાના માણસો અને યરૂશાલેમના લોકોએ દુષ્કૃત્યો કર્યા છે, અને તેને કારણે હું એને મારી નજર આગળથી દૂર કરવા માંગુ છું. 33 “તેમણે મારા તરફ મોઢું નહિ, પીઠ ફેરવી છે, અને જો કે હું તેમને સતત ઉપદેશ આપતો રહ્યો છું, છતાંય તેઓ સાંભળતા નથી કે શીખતા નથી. 34 તેઓએ મારા પોતાના મંદિરમાં તેઓની ધિક્કારપાત્ર મૂર્તિઓની પૂજા કરીને તેને પણ અપવિત્ર કર્યું છે. 35 “તેમણે હિન્નોમની ખીણમાં બઆલ દેવ માટે ઉચ્ચસ્થાનકો બાંધ્યા છે. ત્યાં તેઓએ મોલેખની સામે પોતાનાં સંતાનોને અગ્નિમાં હોમીને બલિદાન આપ્યાં છે. મેં એવી સૂચના તેઓને કદી આપી જ નથી. તેઓ આવા ધૃણાજનક કાર્ય કરશે અને યહૂદિયાના લોકોને પાપમાં નાખશે. એવો વિચાર મારા મનમાં આવ્યો જ નથી. 36 “તેથી હવે ઇસ્રાએલના દેવ યહોવા આ નગર વિષે કહે છે કે ‘તેને તરવાર, દુકાળ અને મરકી દ્વારા બાબિલના રાજાના હાથમાં સુપ્રત કરવામાં આવશે.’ 37 ‘મારા પુણ્યપ્રકોપ અને ભયંકર રોષને લીધે એ લોકોને મેં જે જે દેશોમાં વેરવિખેર કરી નાખેલા છે, ત્યાંથી એમને પાછા એકત્ર કરીશ, આ જગ્યાએ પાછા લાવીશ અને શાંતિ અને સલામતીપૂર્વક અહીં વસાવીશ. 38 તેઓ મારા લોકો થશે અને હું તેઓનો દેવ થઇશ. 39 હું તેમને બધાંને સમાન અભિગમ અને જીવનનો માર્ગ આપીશ જેથી તેઓને હર સમય મારો ભય રહેશે. આ તેઓના પોતાના ભલા માટે જ અને ત્યાર પછી તેઓના સંતાનોના ભલા માટે છે. 40 હું તેઓની સાથે એક કાયમી કરાર કરીશ, હું સદાય તેમની ભલાઇ કરતા અટકીશ નહિ, અને તેમના હૃદયમાં મારે વિષે એવું દૈવત્વ ઉત્પન કરીશ કે, તેઓ કદી મારાથી વિમુખ ન થઇ જાય. 41 એમનું કલ્યાણ કરવામાં મને આનંદ આવશે અને હું તેમને પૂર્ણ હૃદયથી આ ભૂમિ પર ફરીથી સુસ્થાપિત કરીશ.”‘ 42 હા, આ યહોવા કહે છે, “જેમ તેઓ પર આ બધા દુ:ખ અને સમસ્યાઓ હું લાવ્યો હતો, તે જ રીતે હું તેઓને આપેલાં વચન મુજબ તેઓનું સર્વ રીતે ભલું કરીશ. 43 તમે જે ભૂમિને વિષે એમ કહો છો કે, ‘એ તો વેરાન થઇ જાણો, એમાં નહિ માણસ વસે કે નહિ એમાં પશુ વસે.’ એ તો બાબિલવાસીઓના હાથમાં જ પડી જાણો. તેમાં લોકો ફરી ખેતર ખરીદશે. 44 બિન્યામીન કુળસમૂહના પ્રદેશમાં, યરૂશાલેમની આસપાસ, યહૂદિયાના ગામોમાં, પહાડી દેશોમાં, શફેલાહની તળેટીમાં અને નેગેબમાં લોકો ખેતરો ખરીદશે, કિંમત ચૂકવશે, અને સહીસીક્કા કરીને કરારો બનાવશે, કારણ કે હું તેમનું ભાગ્ય ફેરવી તેઓને સુખ-સમૃદ્ધિ આપીશ.”

33:1 યમિર્યા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યાં જ તેને બીજી વાર યહોવાની વાણી સંભળાઇ. 2 આ પ્રમાણે યહોવા કહે છે જે જગતનો ઉત્પન કરનાર છે, જે યહોવાએ તેને સ્થાપિત થાય તે માટે બનાવ્યું છે, યહોવા તેનુ નામ છે. 3 “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. આ સ્થળે જે બનવાનું છે તે વિષે કેટલાક ગાઢ રહસ્યો હું તને જણાવીશ. 4 આથી જ ઇસ્રાએલના દેવ યહોવા આ નગરના ઘરો અને યહૂદિયાના રાજાઓના ઘરો માટે કહે છે, જેને બાબિલના હુમલાઓથી રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં. 5 “તેઓ બાબિલની વિરુદ્ધ લડાઇ કરશે, પણ પછી તેઓ એ લોકોના મૃત દેહથી પોતાના ઘરોને ભરી દેશે. જેઓને મે ગુસ્સાથી મારી નાખ્યા છે. આવું બનશે કારણકે, તેમણે આચરેલા દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે. 6 “છતાં એવો સમય આવશે ત્યારે હું તેના ઘા રૂઝાવીશ અને આરોગ્ય બક્ષીસ. હું તેના વતનીઓને સાજા કરી પૂર્ણ શાંતિને સલામતીનો અનુભવ કરાવીશ. 7 હું યહૂદિયા અને ઇસ્રાએલને ફરીથી બાંધીશ અને તેઓનું ભાગ્ય ફેરવીને તેમને ઉજ્જવળ ભવિષ્ય આપીશ. 8 તેમણે મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યા છે તે હું ધોઇ નાખીશ, તથા તેઓને ક્ષમા આપીશ. 9 પછી આ યરૂશાલેમ માટે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઇ પડશે. હું એને જે બધી સંપત્તિ બક્ષવાનો છું તેની વાત જ્યારે એ પ્રજાઓ જાણશે, ત્યારે મેં એને બક્ષેલી સંપત્તિ અને સુખશાંતિથી ભયભીત થઇને કંપી ઉઠશે.” 10 યહોવા કહે છે તે આ પ્રમાણે છે: “આ દેશમાં, જે, તું કહે છે કે નાશ પામ્યું છે, માણસો અને પ્રાણીઓ વગરના યહૂદિયાના શહેરોમાંથી અને યરૂશાલેમની શેરીઓમાંથી જે હવે નિર્જન છે, ત્યાં ફરી એક વખત અવાજો સંભળાશે. 11 વરવધૂના કિલ્લોલ કરતાં અવાજો અને યહોવા માટેના આભારઅર્પણોના આનંદિત ગીતો ફરી સંભળાશે. તે લોકો કહેશે,”સૈન્યોનો દેવ યહોવાનો સૌ માનો આભાર, એ છે ભલાઇનો ભંડાર, એની કરૂણા અપરંપાર” લોકો આ પ્રમાણે કહેશે.કારણ કે હું ફરીથી યહૂદિયા માટે સારી વસ્તુઓ કરીશ. આ યહોવાના વચન છે. 12 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આ જગ્યામાં એનાં માનવ કે પશુની વસ્તી વગરનાં ખંડેર ગામોં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતા ભરવાડોનું આશ્રયસ્થાન થશે. 13 પહાડી દેશમાં, શફેલાહના ગામોમાં અને નેગેબ અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમની નજીકના સ્થળોએ ફરીવાર ઘેટાં ગણતા ઘેટાંપાળકોના હાથ નીચેથી ઘેટાં પસાર થશે.” 14 યહોવા કહે છે કે, “એવો દિવસ આવશે કે ઇસ્રાએલ તથા યહૂદિયાના હકમાં સર્વ સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ. 15 તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે. 16 તે સમયે યહૂદિયા તથા યરૂશાલેમના લોકો સમૃદ્ધ થશે અને તેઓ સુરક્ષામાં જીવશે. ‘યહોવા આપણું ન્યાયીપણું’ એ તેઓનું નામ હશે.” 17 કારણ કે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલની ગાદીએ બેસવા માટે દાઉદના કુટુંબમાં કદી વારસની ખોટ નહિ પડે, 18 અને ત્યાં અર્પણ એવા બલિદાન, પ્રાણીઓના બલિદાન વગેરે માટે હવે લેવી વંશી યાજકનો અભાવ નહિ હોય.” 19 ત્યારબાદ યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો: 20 મેં દિવસ તથા રાત સાથે મારો કરાર કર્યો છે: “દિવસ અને રાત પોતાના નિર્ધારિત સમયે જ આવે છે. આ કરારનો કદી ભંગ થઇ શકતો નથી. 21 એ જ પ્રમાણે મેં મારા સેવક દાઉદ સાથે કરાર કર્યો છે કે, રાજ્યશાસન પર હંમેશા તેનો વંશજ રાજ કરશે. વળી લેવી કુળના યાજકો સાથે મેં કરાર કર્યો છે કે, તેઓ હંમેશા મારી સેવા કરશે અને આ કરારોનો પણ ભંગ થઇ શકે નહિ. 22 આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.” 23 યહોવાએ યમિર્યા સાથે ફરીથી વાત કરી અને કહ્યું; 24 “લોકો શું કહે છે તે તેં સાંભળ્યું છે? ‘યહોવાએ યહૂદિયા તથા ઇસ્રાએલને પસંદ કર્યાર્ અને પછી ફરી તેઓનો ત્યાગ કર્યો! તેઓ હાંસી કરે છે અને કહે છે કે, દેવની પ્રજા તરીકે ઇસ્રાએલની ગણના કરી શકાય તેમ નથી.” 25 પરંતુ યહોવાનો ઉત્તર આ છે: “દિવસ તથા રાત અને પૃથ્વી તથા આકાશના પરિમણનો સમય નિર્ધારિત કરેલો છે; 26 એટલી ખાતરી છે કે યાકૂબના વંશજો અને મારા સેવક દાઉદ સાથેનો કરાર એ પણ એટલો જ ચોક્કસ છે. હું જરુર ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર રાજ કરવા માટે દાઉદના કોઇ વંશજને પસંદ કરીશ. હું તેઓ પર દયા દર્શાવીશ અને તેઓના ભાગ્યને બદલી નાખીશ.”

34:1 બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર જે દેશો પર રાજ્ય કરતો હતો તે સર્વ સૈન્યો સાથે ચઢી આવ્યો અને યરૂશાલેમ તથા યહૂદિયાના નગરો સાથે યુદ્ધ કર્યું. તે સમયે યમિર્યા પાસે યહોવાનો આ સંદેશો આવ્યો: 2 “ઇસ્રાએલના દેવ યહોવાના આ વચનો છે: જા અને યહૂદિયાના રાજા સિદકિયાને કહે કે, આ મારાં વચન છે: ‘હું આ યરૂશાલેમ શહેર બાબિલના રાજાના હાથમાં સોંપી દેનાર છું અને તે તેને બાળી મૂકશે. 3 તું જાતે ભાગી શકશે નહિ. પણ તને બંદી બનાવી લઇ જવાશે અને બાબિલના રાજાને સુપ્રત કરી દેવામાં આવશે. તારે તેને મોઢામોઢ મળવાનું થશે અને તે તારી સાથે વાત કરશે. તે તને બાબિલમાં બંધક તરીકે લઇ જશે. 4 તેમ છતાં, હે યહૂદિયાના રાજા સિદકિયા, હું યહોવા કહું છું કે, તું યુદ્ધમાં મૃત્યુ પામીશ નહિ. 5 પરંતુ તું તારા લોકો મધ્યે શાંતિથી મૃત્યુ પામશે. જેમ તેમણે તારા પિતૃઓ માટે કર્યું હતું તેમ તારી યાદમાં તારા લોકો ધૂપસળી બાળશે, અને તેઓ તને દિલાસો આપશે અને ગાશે કે, “અરેરે, ઓ રાજા!”‘ આ યહોવાના વચન છે. 6 તેથી પ્રબોધક યમિર્યાએ આ બધું શબ્દે શબ્દ યહૂદિયાના રાજા સિદકિયાને કહી સંભળાવ્યું. 7 તે સમયે બાબિલનું સૈન્ય યહૂદિયાના બાકી રહેલા કિલ્લેબંદીવાળા નગરો યરૂશાલેમ, લાખીશ અને અઝેકાહની આસપાસ ઘેરો ઘાલતું હતું. 8 યહૂદિયાના રાજા સિદકિયાએ યરૂશાલેમના સર્વ ગુલામોને મુકત કરવાને લગતા કરાર કર્યા પછી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ. 9 કારણ કે રાજા સિદકિયાએ ફરમાન બહાર પાડ્યું હતું કે, દરેક જણે પોતાનાં સ્ત્રી કે પુરુષ હિબ્રૂ ગુલામને છોડી દેવાના હતાં. અને કોઇએ પછી કોઇ જાતભાઇને ગુલામ રાખવાનો નહોતો. 10 કરાર કરનાર બધા જ અમલદારો અને લોકો પોતાનાં સ્ત્રીપુરુષ ગુલામોને મુકત કરવા તથા તેમને હવે ગુલામ તરીકે ન રાખવા કબૂલ થયાં હતાં અને તેમણે એનું પાલન કરી તેમને છોડી મૂક્યાં. 11 પાછળથી તેઓનાં મન બદલાઇ ગયાં અને તેઓએ ફરીથી પોતાના ચાકરોને ગુલામ બનાવ્યાં. 12 એ વખતે યરૂશાલેમમાં યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ; 13 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે, 14 ‘તમે જે જાતભાઇને ગુલામ તરીકે ખરીદેલો હોય અને જેણે છ વર્ષ તમારી ગુલામી કરી હોય, તેને તમારે સાતમે વષેર્ છોડી મૂકવો.’ પરંતુ તમારા પિતૃઓેએ મારું કહ્યું સાંભળ્યું નહિ અને તેના પર ધ્યાન પણ આપ્યું નહિ. 15 મેં તમને ફરમાવ્યું હતું તે પ્રમાણે મારી ષ્ટિમાં જે યોગ્ય છે તે તમે તાજેતરમાં કર્યું છે અને તમારા ગુલામોને મુકત કર્યા છે. અને જે મંદિર મારા નામથી ઓળખાય છે તેમા તમે મારી આગળ કરાર કર્યો હતો. 16 પરંતુ હવે તમે ફરી ગયા, તમે ના પાડીને મારા નામનું અપમાન કર્યું, અને તમે છોડી મૂકેલાં સ્ત્રીપુરુષ ગુલામને તમે પાછા લાવ્યાં અને ફરી ગુલામ બનાવ્યાં. 17 “‘તમે મારું સાંભળ્યું નથી અને ગુલામોને મુકત કર્યા નથી. તેથી હું તમને યુદ્ધ, દુકાળ અને મરકી, તરવાર, રોગચાળો દ્વારા મૃત્યુને હવાલે કરીશ. બીજા શહેરના લોકો જ્યારે તારી સાથે શું થયું છે એ સાંભળશે ત્યારે ભયભીત થઇ જશે. યહોવા આમ કહે છે. 18 જેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે તેમને હું વાછરડા જેવા બનાવીશ, જેને તેઓએ બે ટુકાડામાં કાપ્યાં હતાં અને કરાર બનાવતી વખતે તેની વચ્ચેથી પસાર થયા હતાં. 19 તે લોકોને એટલે યહૂદિયાના તથા યરૂશાલેમના સરદારોને, ત્યાંના અધિકારીઓને, યાજકોને, તથા વાછરડાના બે ભાગો વચ્ચે થઇને ગયેલી દેશની સર્વ પ્રજાને. 20 હું તેમનો જીવ લેવા ટાંપી રહેલા તેમના શત્રુઓના હાથમાં તેમને સોંપી દઇશ. અને તેમનાં શબ આકાશનાં પંખી અને જમીનનાં પશુઓ ખાશે. 21 યહૂદિયાના રાજા સિદકિયાને તથા તેના સરદારોને પણ હું તેઓના શત્રુઓના હાથમાં, એટલે એ જેઓ તેઓનો સંહાર કરવા માંગે છે તેઓના હાથમાં, ને બાબિલના રાજાનું જે સૈન્ય તમારી પાસેથી પાછું ગયું છે તેના હાથમાં સુપ્રત કરીશ. 22 હું હુકમ કરીશ, અને બાબિલના સૈન્યોને પાછા બોલાવીશ, તેઓ આ નગર પર હુમલો કરશે, એને જીતી લઇને બાળી મૂકશે. એ રીતે હું યહૂદિયાના નગરોને વસ્તીહીન ઉજ્જડ જગ્યા બનાવીશ.”‘ આ યહોવાના વચન છે.

35:1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યકાળ દરમ્યાન યહોવાનો આ સંદેશો યમિર્યા પાસે આવ્યો: 2 “રેખાબીઓ પાસે જઇને તેમને વાત કર, તેમને મંદિરના એક ઓરડામાં લઇ આવ અને તેઓને પીવા માટે દ્રાક્ષારસ આપ.” 3 આથી હું હબાસીન્યાના પુત્ર યમિર્યાના પુત્ર યાઅઝાન્યાને તથા તેના સર્વ ભાઇઓ અને પુત્રોને એટલે કે રેખાબીના સર્વ કુટુંબોના પ્રતિનિધિઓને મળવા ગયો. 4 મંદિરમાં તેઓને ગદાલ્યાના પુત્ર હનાન પ્રબોધકના પુત્રોને આપવામાં આવેલા ઓરડામાં લઇ આવ્યો. આ ઓરડો મહેલના અધિકારીના ઓરડા પાસે તથા મંદિરના દરવાન શાલ્લૂમના પુત્ર માઅસેયાના ઓરડાની બરોબર પર હતો. 5 પછી મેં તેઓની આગળ પ્યાલા તથા દ્રાક્ષારસ ભરેલા જગ મૂક્યા અને તેઓને તે પીવા માટે આમંત્રણ આપ્યું. 6 પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ; 7 વળી તેમણે અમને એમ પણ કહ્યું કે, અમારે કદી ઘર બાંધવા નહિ, કે અનાજ ઉગાડવું નહિ, તેમજ દ્રાક્ષાવાડીઓ રોપવી નહિ, તમારે એવી કોઇ મિલકત રાખવી નહિ એને બદલે તમારે જીવનભર તંબુઓમાં જ રહેવું; તે પછી તમે આ ભૂમિમાં જ્યાં તમે વિદેશીઓ તરીકે રહો છો, લાંબા સમય સુધી જીવશો.’ 8 અમે આ સર્વ અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે કહ્યા પ્રમાણે કર્યુ છે. ત્યારથી અમે, અમારી પત્નીઓએ, અમારા પુત્રો કે પુત્રીઓ અને અમે પોતે કદી દ્રાક્ષારસ પીતા નથી. 9 અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી. 10 અમે તંબુઓમાં રહીએ છીએ અને અમારા પિતા યોનાદાબે અમને જે સર્વ આજ્ઞાઓ ફરમાવી હતી તે અમે સંપૂર્ણપણે પાળી છે, 11 પણ જ્યારે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે આ દેશ પર ચઢાઇ કરી ત્યારે અમે નક્કી કર્યું કે, ‘બાબિલવાસીઓના અને અરામના સૈન્યથી બચવા માટે અમારે યરૂશાલેમ ભાગી જવું.’ અને આમ અમે યરૂશાલેમમાં વસીએ છીએ.” 12 ત્યારબાદ યહોવાનું વચન યમિર્યાની પાસે આ પ્રમાણે આવ્યું: 13 ઇસ્રાએલના દેવ યહોવા કહે છે કે: “યહૂદિયા અને યરૂશાલેમમાં જઇને કહે કે, શું તમે મારાં વચનો સાંભળીને શિખામણ નહિ લો?” આ યહોવાના વચન છે. 14 “રેખાબીઓ દ્રાક્ષારસ પીતા નથી, કારણ કે તેઓના પિતા યોનાદાબે તેઓને તેમ કરવાની મનાઇ કરી છે. પણ હું તમારી સાથે વારંવાર બોલ્યો છું છતાં તમે મારું સાંભળતા નથી કે આધીન પણ થતાં નથી. 15 મેં એક પછી એક પ્રબોધકોને તમારી પાસે મોકલીને કહેવડાવ્યું કે, તમારા દુષ્ટ માગોર્થી પાછા ફરો તથા અન્ય દેવોની પૂજા કરવાનું બંધ કરો. તો જે દેશ મેં તમને તથા તમારા પિતૃઓને આપ્યો છે તેમાં તમે વસશો;’ પણ તમે કાન ધર્યા નહિ, ને મારું સાંભળ્યું નહિ. 16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.” 17 અને તેથી હું કહું છું: “મેં જે જે આફતોની ધમકી આપી છે તે બધી હું યહૂદિયા અને યરૂશાલેમના વતનીઓ પર ઉતારીશ. કારણ, મેં તેમને કહ્યું ત્યારે તેમણે સાંભળ્યું નહિ, અને મેં તેમને હાંકલ કરી ત્યારે તેમણે મને જવાબ ન આપ્યો.” આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે.” 18 પછી યમિર્યાએ રેખાબીઓના કુળને કહ્યું, “સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે કે, ‘તમે તમારા પિતૃઓ યોનાદાબની આજ્ઞા માની છે, તથા તેની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું છે, અને તમને જે કરવા કહ્યું તે પ્રમાણે જ તમે બધું કર્યું છે; 19 માટે સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે કે, રેખાબના પુત્ર યોનાદાબના વંશમાં મારી સેવા કરનારની ખોટ તને કદી પડશે નહિ.”‘

36:1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં યહોવાનું આ વચન યમિર્યાની પાસે આવ્યું. 2 “યોશિયાના શાસનમાં જ્યારે હું તારી સાથે પહેલી વાર બોલ્યો હતો ત્યારથી માંડીને આજસુધી મેં તને ઇસ્રાએલ અને યહૂદિયા તેમજ બીજી પ્રજાઓ વિષે જે જે કઇં કહ્યું હતું તે બધું એક ઓળિયું લઇને તેના પર લખી નાંખ. 3 કદાચ હું યહૂદિયાના લોકો પર જે આફતો ઉતારવાનું વિચારું છું તે તેઓ જાણવા પામે અને ખોટે રસ્તે જવાનું છોડી દે, તો હું તેમનાં દુષ્કૃત્યો અને પાપ માફ કરું.” 4 તેથી યમિર્યાએ નેરિયાના પુત્ર બારૂખને બોલાવ્યો અને યમિર્યાએ લખાવ્યું તે પ્રમાણે બારૂખે બધા ભવિષ્યવચનો લખ્યાં. 5 ત્યારબાદ યમિર્યાએ બારૂખને આ પ્રમાણે કહ્યું, “મને યહોવાના મંદિરમાં જવાનો નિષેધ છે. 6 માટે, તું ચોક્કસ જા અને મે તને જે યહોવાના વચનો લખાવ્યા છે તેને તું, એ બધા લોકોની સામે જે ઉપવાસના દિવસે મંદિરમાં આવ્યાં છે. તેની સામે વાંચ, ઉપરાંત તારે યહૂદિયાના સર્વ લોકો જેઓ પોતાના ગામમાંથી આવ્યા છે તેમની સામે પણ જરૂર વાંચવું. 7 કદાચ તે લોકો યહોવાને આજીજી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કારણ, યહોવાએ એ લોકોને ભારે રોષ ને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.” 8 યમિર્યાએ કહ્યું હતું તે મુજબ નેરિયાના પુત્ર બારૂખે કર્યું અને મંદિરમાં લોકોની આગળ સર્વ સંદેશાઓ વાંચી સંભળાવ્યાં. 9 યોશિયાના પુત્ર યહોયાકીમ રાજાના અમલ દરમિયાન પાંચમા વષેર્ નવમા મહિનામાં યરૂશાલેમના બધા લોકોએ તેમજ યહૂદિયાનાં ગામોમાંથી ત્યાં આવેલા બધા માણસોએ યહોવા સમક્ષ ઉપવાસ પાળ્યો. એ વખતે યહોવાના મંદિરમાં બધા લોકોના સાંભળતા બારૂખે યમિર્યાના વચનો વાંચી સંભળાવ્યાં. શાફાન ચિટનીસના પુત્ર ગમાર્યાના ઓરડામાંથી તેણે આ વચનો વાંચી સંભળાવ્યાં, એ ઓરડો મંદિરના નવા દરવાજાના ઓટલા આગળ ઉપલા ચોકમાં આવેલો હતો. 10 11 શાફાનના પુત્ર ગમાર્યાના પુત્ર મીખાયાએ યહોવા તરફથી આવેલા આ સંદેશાઓ સાંભળ્યાં. 12 ત્યારે તે નીચે ઊતરીને મહેલનાં વહીવટી સભાખંડમાં ગયો. અલીશામા મંત્રી ત્યાં હાજર હતો. અને તેની સાથે શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા બીજા બધા અમલદારો પણ ત્યાં હાજર હતાં. 13 બારૂખ લોકોની સમક્ષ વાંચતો હતો તે સંદેશાઓ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યું. 14 પછી અમલદારોએ કૂશીના પુત્ર, શેલેમ્યાના પુત્ર, નથાન્યાના પુત્ર યેહૂદીને મોકલી બારૂખને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું લઇને અહીં આવ.” 15 તેથી બારૂખ ઓળિયું લઇને તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું, “મહેરબાની કરીને બેસ અને એ ઓળિયું અમને વાંચી સંભળાવ.”આથી બારૂખે તેમને તે વાંચી સંભળાવ્યું. 16 બારૂખે તેમની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારૂખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઇએ.” 17 પરંતુ પહેલા તું અમને જણાવ કે, આ સંદેશાઓ તારી પાસે કેવી રીતે આવ્યા: “શું યમિર્યાએ પોતે આ સંદેશાઓ તને લખાવ્યા હતા?” 18 તેથી બારૂખે ખુલાસો કર્યો, “યમિર્યાએ મને શબ્દે શબ્દ લખાવ્યો અને મેં તે ઓળિયામાં શાહીથી લખી લીધો.” 19 પછી અધિકારીઓએ બારૂખને કહ્યું, “તું અને યમિર્યા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઇને પણ જાણ કરશો નહિ!” 20 ત્યારબાદ અધિકારીઓએ મંત્રી અલીશામાની ઓરડીમાં તે ઓળિયાને સંતાડી દીધું અને તેઓ રાજાને તેની વાત કરવા ગયા. 21 રાજાએ યેહૂદીને ઓળિયું લઇ આવવા મોકલ્યો, યેહૂદી તે ઓળિયું મંત્રી અલીશામાની ઓરડીમાંથી લઇ આવ્યો અને રાજાને તે વાંચીને સંભળાવ્યું. તે વખતે બધા અમલદારો રાજાની આજુબાજુ ઊભેલા હતા. 22 તે સમયે રાજા તેના મહેલના શિયાળું ખંડમાં બેઠા હતા. નવમો મહિનો ચાલતો હતો. તેની આગળ સગડીમાં લાકડા બળતાં હતાં. 23 યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું. 24 આ બધું જ સાંભળ્યા પછી પણ રાજાએ કે તેના અમલદારોએ ન તો ગભરાટ વ્યકત કર્યો કે ન તો પશ્ચાતાપમાં કપડાં ફાડ્યાં; 25 જો કે એલ્નાથાન, દલાયા અને ગમાર્યાએ રાજાને ટઓળિયું ન બાળવા કહ્યું હતું, પણ તેના પર ધ્યાન આપ્યું નહોતું. 26 પછી રાજાએ બારૂખ તથા યમિર્યાને પકડવા માટે યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને મોકલ્યા. પરંતુ યહોવાએ તેઓને સંતાડી રાખ્યા હતા. 27 રાજાએ ઓળિયાને બાળી નાખ્યું, પછી યહોવાએ યમિર્યાને કહ્યું: 28 “બીજું ઓળિયું લઇને તેના પર યહૂદિયાના રાજા યહોયાકીમે બાળી મૂકેલા પહેલાના ઓળિયામાં જે લખ્યું હતું તે બધું લખી કાઢ. 29 અને યહૂદિયાના રાજા યહોયાકીમને કહે કે, ‘આ યહોવાના વચન છે: “તે પોતે આ ઓળિયું બાળીને યમિર્યાને એમ કહીને ઠપકો આપ્યો છે કે, તું આવું તો કેવી રીતે કહી શકે કે, બાબિલનો રાજા આ દેશમાં ચોક્કસપણે આવી જે અહીંના માણસોનો અને પશુઓનો સંહાર કરી નાખશે?” 30 આથી હું યહોવા તને કહું છું કે તારા પછી દાઉદની ગાદીએ બેસનાર કોઇ વંશજ તારો રહેશે નહિ, અને તારું શબ દિવસના બળબળતા તાપમાં અને રાત્રીની કડકડતી ઠંડીમાં બહાર ફેકી દેવામા આવશે. 31 હું તને, તારા વંશજોને તથા તારા અમલદારોને તેમનાં દુષ્કૃત્યો માટે સજા કરીશ, અને તમારા પર, યરૂશાલેમના વતનીઓ પર અને યહૂદિયાના લોકો પર મેં જે જે અનિષ્ટ લાવવાની ધમકી આપી હતી તે તમારી પર અવશ્ય ત્રાટકશે, મેં તેઓને ધમકી આપી હતી પણ તેમણે સાંભળ્યું નહિ.”‘ 32 ત્યારબાદ યમિર્યાએ બીજું ઓળિયું લીધું અને નેરિયાના પુત્ર બારૂખ લહિયાને લખવા આપ્યું. પછી પહેલાં લખાયું હતું તે સર્વ તેણે બારૂખને ફરીથી લખાવ્યું, પરંતુ આ વખતે યહોવાએ તેમાં ઘણાં વચનો ઉમેર્યા.

37:1 બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના નવા રાજા તરીકે યહોયાકીમ રાજાના પુત્ર કોન્યાની નિમણૂંક કરી નહિ, પણ તેને બદલે તેણે યોશિયાના પુત્ર સિદકિયાની પસંદગી કરી. 2 યહોવાએ યમિર્યા દ્વારા જે વચનો કહેવડાવ્યા હતાં તે રાજા સિદકિયાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ. 3 તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યમિર્યા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.” 4 એ વખતે યમિર્યાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો; 5 દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો. 6 પછી યહોવાનું વચન યમિર્યા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: 7 “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. 8 અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ 9 આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે. 10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.”‘ 11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ. 12 યમિર્યા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. 13 પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યમિર્યા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.” 14 યમિર્યાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યમિર્યા પર ક્રોધે ભરાયા. 15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો. 16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યમિર્યાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો. 17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”યમિર્યાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.” 18 ત્યારબાદ યમિર્યાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે. 19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’ 20 તેથી, મારા ધણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. મને પાછો મંત્રી યહોનાથાનને ઘેર ન મોકલશો, નહિ તો હું ત્યાં મરી જઇશ.” 21 જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યમિર્યાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યમિર્યા રાજમહેલની જેલમાં રહ્યો.

38:1 પરંતુ જ્યારે માત્તાનનો પુત્ર શફાટયા, પાશહૂરનો પુત્ર ગદાલ્યા, શેલેમ્યાનો પુત્ર યુકાલ અને માલ્ખિયાનો પુત્ર પાશહૂરે યમિર્યા લોકોને જે કહેતો હતો તે સાંભળ્યું: 2 “આ યહોવાના વચન છે: ‘જે કોઇ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી મૃત્યુ પામશે, પણ જે કોઇ બાબિલવાસીઓને શરણે જવા બહાર ચાલ્યો જશે તે બચવા પામશે, કઇઁં નહિ તો તે જીવતો તો રહેશે જ.’ 3 ‘અને આ નગર બાબિલના રાજાના લશ્કરના હાથમાં જશે, અને તેઓ તેનો કબજો લેશે.”‘ 4 ત્યારબાદ પેલા અમલદારોએ રાજાને કહ્યું, “આ માણસને મારી નાખવો જોઇએ. આવી વાતો કરીને એ આપણા યોદ્ધાઓને અને નગરમાં બાકી રહેલા લોકોને નાહિંમત બનાવી દે છે. એ આ લોકોનું હિત કરવા નથી માગતો પણ વિનાશ કરવા માંગે છે. તે દેશદ્રોહી છે.” 5 રાજા સિદકિયાએ કહ્યું, “સારું તમને યોગ્ય લાગે તેમ કરો. હું તમને રોકી શકતો નથી.” 6 આથી એ લોકોએ યમિર્યાને લઇ જઇને રક્ષકઘરના પ્રાંગણમાં આવેલા રાજકુમાર માલ્ખિયાના ધાતુંના ટાંકામાં તેને ઉતાર્યો. તેઓએ તેને દોરડા વડે નીચે ઉતાર્યો. ધાતુના ટાંકામાં પાણી નહોતું, પણ ફકત કાદવ હતો અને યમિર્યા એ કાદવમાં ખૂંપી ગયો. 7 કૂશનો એબેદ-મેલેખ એ રાજમહેલમાં એક ખોજો હતો. તેણે સાંભળ્યું કે તેઓએ યમિર્યાને ધાતુના ટાંકામાં નાખવામાં આવ્યો છે. 8 રાજા બિન્યામીન દરવાજા આગળ બેઠો હતો એવામાં એબેદ-મેલેખે આવીને તેને કહ્યું, 9 “મારા ધણી, મારા રાજા, આ લોકોએ પ્રબોધક યમિર્યા સાથે જે બધું કર્યુ છે તે ઘણું અનિષ્ટ થયું છે; એ લોકોએ તેને પાણીનાં ટાંકામાં નાખ્યો છે અને નગરમાં ખોરાક તો છે નહિ એટલે તે કદાચ ભૂખે મરી જશે.” 10 આ સાંભળીને રાજાએ એબેદ-મેલેખેને આજ્ઞા કરી કે તું અહીંથી ત્રીસ માણસને તારી સાથે લઇને પ્રબોધક યમિર્યા મૃત્યુ પામે તે પહેલાં તેને બહાર ખેંચી કાઢ. 11 એબેદ-મેલેખે પોતાની સાથે ત્રીણ માણસો લઇને મહેલના ભંડારમાં ગયો. અને પોતાની સાથે કેટલાંક ફાટેલાં ચીથરાં લઇને દોરડા વડે ટાંકાંમાં યમિર્યાને પહોંચાડ્યા અને કહ્યું, 12 “દોરડાથી તને હાનિ પહોંચે નહિ માટે આ જૂના ફાટેલાં કપડાને તારી બગલમાં મૂક.” 13 યમિર્યાએ તે પ્રમાણે કર્યું. અને તેને દોરડા વડે ધાતુના ટાંકામાંથી બહાર ખેંચી કાઢયો અને પહેલા જ્યાં હતો ત્યાં રક્ષકઘરમાં મોકલી અપાયો. 14 પછી રાજા સિદકિયાએ પ્રબોધક યમિર્યાને યહોવાના મંદિરમાં ત્રીજા દરવાજે તેડાવી મંગાવ્યો અને તેને કહ્યું, “મારે તને એક વાત પૂછવી છે; મારાથી કશું છુપાવીશ નહિ.” 15 યમિર્યાએ સિદકિયાને કહ્યું, “હું તમને સત્ય હકીકત જણાવીશ તો તું મને મારી નાખશે અને જો હું સલાહ આપુ તો પણ તું મારું સાંભળવાનો નથી.” 16 ત્યારે રાજા સિદકિયાએ ખાનગીમાં યમિર્યાને એવું વચન આપ્યું કે, “આપણને જીવન બક્ષનાર સૈન્યોનો દેવ યહોવાના સમ ખાઇને કહું છું કે, હું તને મારી નાખવા ઇચ્છતા લોકોના હાથમાં સોંપી દઇશ નહિ કે તને મારી નાખવા દઇશ નહિ.” 17 એટલે યમિર્યાએ સિદકિયાને કહ્યું, “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં આ વચન છે: ‘જો તમે બહાર જઇને બાબિલના રાજાના શરણે જશો, તો તમે તથા તમારું કુટુંબ જીવતાં રહેશો અને આ નગરને અગ્નિથી બાળી નાખવામાં આવશે નહિં. 18 પરંતુ જો તમે બહાર જઇ તેને શરણે નહિ જાઓ, તો તેઓનું સૈન્ય આ નગરને આગ લગાડશે અને તમે તેઓનાં હાથમાંથી બચવા નહિ પામો.”‘ 19 એટલે રાજા સિદકિયાએ યમિર્યાને કહ્યું, “મને યહૂદિયાના લોકોથી ડર લાગે છે, જેમણે બાબિલના સૈન્યની શરણાગતિ સ્વીકારી છે, મને તેમની બીક લાગે છે. કદાચ મને તેમનાં હાથમાં સોંપી દેવામાં આવે, તેઓ મારી સાથે કેવી રીતે વર્તશે તેની કોને ખબર?” 20 યમિર્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તને તેમના હાથમાં સોંપવામાં નહિ આવે. જો તું કેવળ યહોવાને આધીન થશે તો તારું જીવન બચી જશે અને બધા સારા વાનાં થશે. 21 પરંતુ જો તમે બહાર જઇને તાબે થવાની ના પાડશો, તો યહોવાએ મને આવું દિવ્યદર્શન આપ્યું છે: 22 યહૂદિયાના મહેલમાં રહેતી સર્વ સ્ત્રીઓને બહાર લાવવામાં આવશે. અને તેઓને બાબિલના સૈન્યના અધિકારીઓને વહેંચી દેવામાં આવશે;” તેઓ જતાં જતાં ગાય છે:તમારાં પરમમિત્રોએ તમને ખોટે રસ્તે દોર્યા છે, તેમણે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવ્યું છે. તમારા પગ કાદવમાં ફસાઇ ગયા છે. અને તેઓ તમને છોડીને ભાગી ગયા છે. 23 “તમારી બધી સ્ત્રીઓને અને તમારા બધાં બાળકોને બાબિલવાસીઓ સમક્ષ લઇ જવામાં આવશે, અને તમે પોતે પણ બચવા નહિ પામો; તમે પણ બાબિલના રાજાના કેદી બનશો અને આ નગરને બાળીને ભસ્મિભૂત કરી દેવામાં આવશે.” 24 એટલે સિદકિયાએ યમિર્યાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે. 25 જો અમલદારોને ખબર પડે કે, હું તારી સાથે વાત કરતો હતો તો આપણે શું ચર્ચા કરી છે તે જાણવા માટે તેઓ તને મારી નાખવાની ધમકી પણ આપે. 26 છતાં તું કેવળ એટલું જ કહેજે કે, યહોનાથાનના ઘરમાં આવેલી કેદમાં મને પાછો મોકલે નહિ, હું ત્યાં મરી જઇશ, તેવી વિનંતી મેં રાજાને કરી હતી.” 27 બધા અમલદારોએ યમિર્યા પાસે આવીને તેને પૂછયું, અને તેણે રાજાએ તેને કહ્યું હતું તે પ્રમાણે જ બરાબર તેમને કહ્યું. તેઓ છાનામાના ચાલ્યા ગયા, કારણ તેમણે વાતચીત સાંભળી નહોતી. 28 યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યમિર્યા રક્ષકઘરના ચોકમાં જ રહ્યો.

39:1 યહૂદિયાના રાજા સિદકિયાના અમલના નવમાં વર્ષના દશમાં મહિનામાં નબૂખાદનેસ્સારે પોતાની આખી સૈના સાથે યરૂશાલેમ પર ચઢાઇ કરીને તેને ઘેરો ઘાલ્યો. 2 સિદકિયાના શાસનના અગિયારમા વર્ષના ચોથા મહિનાના નવમા દિવસે તેઓએ નગરની બધી દીવાલોને તોડી નાખીને ભંગાણ પાડ્યું. 3 બાબિલના સૈન્યના સર્વ અધિકારીઓ નગરમાં આવ્યાં અને વિજય પ્રાપ્ત કરીને નગરનાં વચલા દરવાજામાં બેઠાં, સામ્ગારનબૂ, સાર્સખીમ, રાબ-સારીસ અને રાજાનો મુખ્ય મદદનીશ નેર્ગલ-શારએસેર તથા અન્ય ત્યાં હાજર હતાં. 4 સિદકિયા રાજાને તથા તેના સૈન્યને તેની ખબર પડી કે નગર જીતી લેવાયું છે, ત્યારે તેઓ રાજાના બગીચાના રસ્તા પરથી ભાગી ગયા. તેઓએ બે દીવાલો વચ્ચેના દરવાજામાંથી નગર છોડ્યું અને યરદન નદી તરફ આગળ વધ્યાં. 5 પરંતુ બાબિલવાસીઓના લશ્કરે તેમનો પીછો કર્યો અને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડ્યો. તેઓ તેને કેદ પકડી હમાથના પ્રદેશમાં રિબ્લાહ ખાતે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર સમક્ષ લઇ ગયા અને તેના પર કામ ચલાવવામાં આવ્યું. 6 પછી બાબિલના રાજાએ સિદકિયાની નજર સામે તેના પુત્રોનો વધ કર્યો તથા બાબિલના રાજાએ યહૂદિયાના સર્વ રાજવી અધિકારીઓને પણ મારી નાખ્યા. 7 ત્યારબાદ તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, તેને સાંકળે બાંધી બાબિલ મોકલી આપ્યો. 8 બાબિલવાસીઓએ રાજમહેલને અને લોકોના ઘરોને બાળી મૂક્યા અને યરૂશાલેમની દીવાલ તોડી નાખી. 9 બાકી રહેલા લોકોને અને જેઓ બાબિલના લોકોને શરણે જતા રહ્યાં હતાં તેમને રક્ષકોના નાયક નબૂઝારઅદાને બાબિલમાં દેશવટો દીધો. 10 તેણે વસ્તીમાંના ગરીબ લોકોને યહૂદિયામાં રહેવા દીધા, જેમની પાસે કશું જ નહોતું, તેમને દ્રાક્ષનીવાડીઓ અને ખેતરો આપ્યાં. 11 હવે નબૂખાદનેસ્સાર રાજાએ નબૂઝારઅદાનને હુકમ કર્યો કે તે યમિર્યાને શોધી કાઢે. 12 તેણે કહ્યું, “તેને સહેજ પણ ઇજા થવી જોઇએ નહિ, તેની સંભાળ રાખજે, અને તેને જે જોઇએ તે બધું પૂરું પાડજે.” 13 તેથી નબૂઝારઅદાનને મુખ્ય દરબારી નબૂશાઝબાનને વડા અધિકારી નેર્ગાલ-શારએસેરને અને બાબિલના રાજાના બધા મુખ્ય અમલદારોને મોકલ્યા. 14 યમિર્યાને કેદખાનામાંથી કાઢી લાવવા માટે તેઓએ સૈનિકોને મોકલ્યા, યમિર્યાને ચોકીમાંથી બહાર કાઢયો, તે તેને ઘેર લઇ જવા સારું શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને સ્વાધીન કર્યો; આમ તે પોતાના લોકો સાથે જ રહ્યો. 15 યમિર્યા કેદખાનામાં જ હતો અને બાબિલનું સૈન્ય યરૂશાલેમ પર ચઢી આવ્યું તે પહેલાં યહોવાનો આ સંદેશો તેની પાસે આવ્યો હતો: 16 “તુ જઇને કૂશના એબેદ-મેલેખને કહે કે, ‘આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: મેં કહ્યા પ્રમાણે આ શહેર પર આફત ઉતારનાર છું, હું એનું ભલું કરનાર નથી. જે વખતે આ બનશે ત્યારે તું એ જોવા હાજર હોઇશ: 17 પણ તે દિવસે હું તને ઉગારી લઇશ, તું જેમનાથી ડરે છે તે માણસોના હાથમાં તને નહિ સોંપી દઉં. 18 કારણ કે હું તને ચોક્કસ બચાવી લઇશ, તું મરણ નહિ પામે. હું તારું જીવન બચાવીશ કારણ કે, તેં મારા પર વિશ્વાસ રાખ્યો હતો,”‘ આ યહોવાના વચન છે.

40:1 રક્ષકોની ટુકડીના નાયક નબૂઝારઅદાને યમિર્યાને રામામાંથી મોકલી દીધો, તે પછી તેને યહોવાની વાણી સંભળાઇ, યરૂશાલેમ અને યહૂદિયાના બીજા જે લોકોને કેદી તરીકે બાબિલ દેશવટે લઇ જતા હતા તેમની ભેગો યમિર્યાને પણ ત્યાં લઇ જવાયો. 2 સરદારે યમિર્યાને બોલાવ્યો અને કહ્યું, “યહોવા તમારા દેવ તેમણે આપેલા વચન પ્રમાણે આ વિપત્તિ દેશ પર લાવ્યા છે. 3 અને હવે તેણે એ આફત ઉતારી છે; તેણે જે કરવાની ધમકી આપી હતી તે કરી છે, કારણ, તમે યહોવા સામે પાપ કર્યું છે અને તેનું કહ્યું કર્યું નથી. 4 જો હવે હું તારા બંધનો છોડી નાખીશ અને તને મુકત કરીશ. તારે જો મારી સાથે બાબિલ આવવું હોય તો આવ, હું તારી સંભાળ રાખીશ. પરંતુ જો તારે મારી સાથે બાબિલ ન આવવું હોય તો તેનો ય વાંધો નથી, જો, તારી સમક્ષ પસંદગી કરવા માટે આખો દેશ પડેલો છે. તારે જ્યાં જવું હોય ત્યાં તું જઇ શકે છે.” 5 પરંતુ યમિર્યા જવાબ આપે તે પહેલાં જ નબૂઝારઅદાને કહ્યું, “તું જો અહીં વસવાનો નિર્ણય કરે તો પછી યહૂદિયા પાછો જા, કારણ કે બાબિલના રાજાએ ત્યાં ના લોકો પર ગદાલ્યાને હાકેમ તરીકે નીમેલો છે, અને તેની હકૂમત હેઠળના લોકો સાથે તું રહે. પરંતુ તેનો નિર્ણય તારે કરવાનો છે; તું ઇચ્છે ત્યાં જઇ શકે છે.”ત્યારબાદ નબૂઝારઅદાને થોડો ખોરાક અને નાણાં યમિર્યાને આપ્યાં અને તેને વિદાય કર્યો. 6 પછી યમિર્યા ગદાલ્યા પાસે પાછો આવ્યો અને યહૂદિયા પ્રાંતમાં રહેલા લોકો સાથે આવીને રહ્યો. 7 હવે જ્યારે વગડામાંના સૈનિકોના નેતાઓને અને તેના માણસોએ સાંભળ્યું કે, જેમને બંદીવાન તરીકે લઇ જવામાં આવ્યા નથી એવા દેશમાં બાકી રહેલા ગરીબ લોકો પર બાબિલના રાજાએ ગદાલ્યાને હાકેમ તરીકે નીમ્યો છે. 8 તેઓ મિસ્પાહ ખાતે ગદાલ્યા પાસે આવ્યા, ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆહના પુત્રો યોહાનાન અને યોનાથાન તાન્હુમેથના પુત્ર સરાયા, નટોફાથીને એફાયના પુત્રો માઅખાથીનો પુત્ર યઝાન્યા તથા તેઓની ટૂકડીઓ મિસ્પાહમાં ગદાલ્યાની પાસે આવ્યા. 9 ગદાલ્યાએ તેમને અને તેમના માણસોને વચન આપ્યું કે, “બાબિલવાસીઓને તાબે થતાં ડરશો નહિ. આ દેશમાં ઠરીઠામ થઇને રહો અને બાબિલના રાજાની સેવા કરો. સૌ સારાવાના થશે. 10 જ્યાં સુધી મારો સવાલ છે, હું મિસ્પાહમાં વસીશ. અને જ્યારે જ્યારે બાબિલવાસીઓ આવશે ત્યારે હું તમને તેમની સામે રજુ કરીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગા કરી શકો છો અને તમે જે ગામો કબજે કર્યા છે તેમાં વસી શકો છો.” 11 તે ઉપરાંત મોઆબ, આમ્મોન તથા અદોમમાં અને તેની પાસેના પ્રદેશોમાં વસતા યહૂદિયાના લોકોએ સાંભળ્યું કે હજુ પણ થોડા લોકો વસવાટ કરે છે, યહૂદિયામાં ગદાલ્યાને તે બધાં લોકોનો નેતા તરીકે નીમવામાં આવ્યો જેમને તે બાબિલ લઇ ગયો નથી. 12 ત્યાર પછી તેઓ બધાં જુદા જુદા સ્થળોએથી ગદાલ્યા પાસે આવ્યા. તેમણે પુષ્કળ ફળ અને દ્રાક્ષારસ ભેગાં કર્યાં. 13 પછી કારેઆહનો પુત્ર યોહાનાન તથા જે સૈન્યોના સરદારો સીમમાં હતાં, તેઓ બધા મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા અને 14 તેઓએ તેને કહ્યું, “શું તમને ખબર છે કે આમ્મોનીઓના રાજા બાઅલીસે નથાન્યાના પુત્ર ઇશ્માએલને તમારું ખૂન કરવા માટે મોકલ્યો છે?” પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમની વાત પર વિશ્વાસ મૂકયો નહિ. 15 કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?” 16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.”

41:1 અલીશામાનો પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રાજવી કુટુંબનો સભ્ય અને રાજાના મુખ્ય અધિકારીઓમાંનો એક હતો. તે દશ માણસો સાથે મિસ્પાહ ખાતે અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા આવ્યો. ગદાલ્યાએ તેઓને ભોજન માટે આમંત્રણ આપ્યું. 2 જ્યારે તેઓ ભોજન લઇ રહ્યા હતાં ત્યારે ઇશ્માએલ તથા તેની સાથેના દશ માણસો એકદમ ઊઠયા અને પોતાની તરવાર ખેંચીને ગદાલ્યાને મારી નાખ્યો. 3 ઇશ્માએલે ત્યાં મિસ્પાહમાં ગદાલ્યા સાથે હાજર રહેલા યહૂદિયાના બધાં માણસોને અને ખાલ્દીઓના યોદ્ધાઓને પણ મારી નાખ્યા. 4 બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં, 5 શખેમ, શીલોહ તથા સમરૂનમાંથી એંસી માણસો યહોવાની ભકિત કરવા માટે મંદિરમાં આવ્યા. તેઓએ પોતાની દાઢી મૂંડાવેલી હતી તથા પોતાનાં કપડા ફાડ્યાં હતાં, અને પોતાના શરીરો પર ઘા કર્યા હતા. તેઓ અર્પણો તથા ધૂપ લઇને આવ્યા હતા. 6 નથાન્યાનો પુત્ર ઇશ્માએલ રડતો રડતો તેમને મળવા મિસ્પાહથી નીકળ્યો, જ્યારે તેઓને મળ્યો ત્યારે કહ્યું, “અરે, આવો, અહીકામના પુત્ર ગદાલ્યાને મળવા ચાલો, અને શું થયું છે તે જુઓ!” 7 તેઓ બધા શહેરની મધ્યમાં પહોંચ્યા પછી ઇશ્માએલ તથા તેના માણસોએ દશ માણસો સિવાય સર્વને મારી નાખ્યા અને તેઓના મૃતદેહોને ટાંકામાં ફેંકી દીધા. 8 પરંતુ તેઓમાંના દશ માણસોએ ઇશ્માએલને કહ્યું, “અમને મારી ન નાખશો. અમારી પાસે ઘઉં, જવ, તેલ અને મધ ખેતરોમાં સંતાડેલા છે.” આથી તેણે તેમને જીવતા રહેવા દીધા અને તેમના સાથીઓ ભેગા મારી ન નાખ્યા. 9 ઇશ્માએલે મૃતદેહોને જે ટાંકામાં નાખી દીધા તે ઘણું મોટું હતું. આસા રાજાએ ઇસ્રાએલના રાજા બાઅશાથી રક્ષણ મેળવવા મિસ્પાહના નગરને કિલ્લેબંધ કર્યું ત્યારે તે બંધાવ્યું હતું. 10 ત્યારબાદ ઇશ્માએલ રાજકુમારીઓને તથા બાકી રહેલા લોકોને બંધકો તરીકે લઇ ગયો. જેઓને રક્ષક ટૂકડીના સરદાર નબૂઝારઅદાને અહીકામના પુત્ર ગદાલ્યાના તાબામાં સોપ્યાં હતાં. એ સર્વને લઇને તે આમ્મોન તરફ આગળ વધ્યો. 11 પરંતુ નથાન્યાનો પુત્ર ઇશ્માએલે જે સર્વ ભૂંડા કાર્યો કર્યા હતાં, તે વિષે કારેઆહના પુત્ર યોહાનાન અને સૈન્યના સર્વ અધિકારીઓ, જે તેની સાથે હતા તેઓએ સાંભળ્યું. 12 તેઓ પોતાના સર્વ માણસોને લઇને ઇશ્માએલની પાછળ તેની સાથે યુદ્ધ કરવા માટે ગયા. તેઓએ ગિબયોન પાસેના મોટા જળસમૂહ પાસે તેને પકડી પાડ્યો. 13 ઇશ્માએલે જેમને મિસ્પાહ ખાતે કેદ પકડ્યા હતા તે બધા માણસો યોહાનાન અને તેની સાથેના સૈનાનાયકોને જોઇને પ્રસન્ન થયા. 14 ઇશ્માએલ જે બધા લોકોને મિસ્પાહ પાસે બંધક બનાવીને લઇ ગયો હતો તેઓ પાછા ફરીને યોહાનાનની સાથે ગયા. 15 પરંતુ ઇસ્માએલ આઠ માણસો સાથે છટકી ગયો અને આમ્મોનના પ્રદેશમાં ભાગી ગયો. 16 ગદાલ્યાને મારી નાખ્યાં પછી ઇશ્માએલ જે પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને અધિકારીઓને, ગિબયોનથી લઇ આવ્યો હતો તે સર્વ બાકી રહેલા લોકોને પછી યોહાનાન અને તેના સૈન્યના અધિકારીઓ પોતાની સાથે લઇ ગયા. 17 તેઓ ત્યાંથી બાબિલવાસીઓથી બચવા મિસર જવા નીકળ્યાં અને માર્ગમાં તેમણે બેથલેહેમ પાસે કિમ્હામ આગળ મુકામ કર્યો. 18 તેઓને ડર લાગતો હતો કે હવે તે સમાચાર બાબિલ પહોંચશે ત્યારે તેઓ શું કરશે. કારણ કે બાબિલના રાજાએ ગદાલ્યાને પસંદ કરીને નીમ્યો હતો અને ઇશ્માએલે ગદાલ્યાને મારી નાખ્યો.

42:1 પછી કારેઆહનો પુત્ર યોહાનાન અને હોશાયાનો પુત્ર યઝાન્યા પણ બધા સૈનાનાયકો; નાના મોટા બધા લોકો સાથે પ્રબોધક યમિર્યા પાસે ગયા અને કહેવા લાગ્યા. 2 “કૃપા કરીને અમારી અરજ સાંભળો, અમારા તરફથી અને બાકી રહેલા આ લોકો તરફથી તમારા દેવ યહોવાને પ્રાર્થના કરો. 3 તમે જુઓ છો કે અમે કેટલા બધા હતા અને કેટલા ઓછા થઇ ગયા છીએ. તમે એવી પ્રાર્થના કરો જેથી અમારા દેવ યહોવા અમારે ક્યાં જવું અને શું કરવું તે કહે.” 4 પ્રબોધક યમિર્યાએ કહ્યું, “ઠીક, મેં તમારી અરજ સાંભળી છે. હું તમારી ઇચ્છા મુજબ તમારા દેવ યહોવાને પ્રાર્થના કરીશ અને તે જે જવાબ આપશે તે તમને જણાવીશ. કશું છુપાવીશ નહિ.” 5 ત્યારે તેમણે યમિર્યાને કહ્યું, “જો તમારી મારફતે યહોવાએ આપેલી બધી સૂચનાઓનું અમે પાલન ન કરીએ તો ભલે યહોવા અમારી વિરુદ્ધ મજબૂત અને વિશ્વાસુ સાક્ષી બની રહે. 6 અમને પસંદ પડે, ન પડે પણ અમે અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું, જેની પ્રાર્થના કરવા અમે તમને મોકલીએ છીએ. અમે જો અમારા દેવ યહોવાનું કહ્યું કરીશું તો સૌ સારા વાનાં થશે.” 7 દશ દિવસ વીતી ગયા પછી યમિર્યાને યહોવાએ પોતાનો જવાબ આપ્યો. 8 તે સાંભળી તેણે યહોવાને તથા તેની સાથેના બધા સૈનાનાયકોને તેમજ નાનામોટા બધા લોકોને તેડાવી મંગાવ્યા. 9 અને કહ્યું, “તમે મને ઇસ્રાએલના દેવ યહોવા પાસે તમારી અરજ રજૂ કરવા મોકલ્યો હતો. તે કહે છે; 10 ‘જો તમે ફરી આ દેશમાં જ નિવાસ કરશો તો હું તમને આશીર્વાદ આપીશ, તોડી પાડીશ નહિ, તમારા મૂળીયાં રોપીશ, ઉખેડી નાખીશ નહિ, કારણ તમારા પર મેં આફત ઉતારી તેનો મને પસ્તાવો થાય છે. 11 બાબિલના રાજાથી હવે તમે જરાય ડરશો નહિ, કારણ કે તમારો બચાવ કરવા તથા તેના હાથમાંથી તમને મુકત કરવા હું તમારી સાથે જ છું. 12 હું તમારા પર દયા લાવીને તેના હૃદયમાં તમારે માટે દયા જગાડીશ, અને તે તમને તમારાં વતનમાં પાછા જવા દેશે.’ આ યહોવાના વચન છે. 13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો. 14 અને એમ કહેશો કે, “અમે આ દેશમાં રહેવા માગતા નથી. અમારે તો મિસર જવું છે, જ્યાં અમારે યુદ્ધ જોવું ન પડે કે રણશિંગડાનો નાદ સાંભળવો ન પડે, તેમ ખાવા માટે અનાજની પણ ખોટ ન પડે. અમારે તો ત્યાં રહેવું છે.’ 15 તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય; 16 તો તમે જે યુદ્ધથી ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો નહિ છોડે, જે દુકાળથી તમે ડરો છો તે મિસરમાં પણ તમારો પીછો પકડશે, અને ત્યાં તમે મરી જશો. 17 તમારામાંથી જે લોકો મિસરમાં જઇને ત્યાં વસવાનો આગ્રહ રાખે છે તે પ્રત્યેક માટે આ વિપત્તિઓ રાહ જોઇ રહી છે. હા, તમે તરવાર, દુકાળ અને મરકીથી મૃત્યુ પામશો. ત્યાં હું તમારા પર જે સર્વ વિપત્તિઓ લાવીશ તેમાંથી કોઇ પણ બચવા પામશે નહિ.’ 18 “કારણ કે આ ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના વચન છે: ‘જેમ મારો ક્રોધ અને રોષ યરૂશાલેમના વતનીઓ પર વરસ્યો હતો તેમ તે તમારા પર વરસશે જો તમે મિસર જશો તો. તમને જોઇને તે લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે; લોકો તમારી હાંસી ઉડાવશે અને તમારું નામ શાપરૂપ બની જશે. તમે ફરી કદી આ જગ્યા જોવા નહિ પામો.”‘ 19 યમિર્યાએ વધુમાં કહ્યું, “યહૂદિયામાં બાકી રહેલા લોકો, તમને યહોવા કહે છે, ‘તમે મિસર જશો નહિ.’ આ બરાબર સમજી લેજો. મેં આજે તમને ચેતવણી આપી દીધી છે. 20 જો તમે જશો તો તમારો જીવ ગુમાવશો, કારણ કે તમે તમારી જાતે જ મને તમારા માટે વિનંતિ કરવા મોકલ્યો હતો અને મને કહ્યું હતું, ‘તમારા યહોવા દેવ તને જે કહે તે તું અમને કહેજે અને અમે તેને આધીન થઇશું.’ 21 યહોવાએ મને જે કહ્યું તે સર્વ મેં આજે તમને જણાવ્યું છે. પરંતુ અગાઉ ઘણી વખત કર્યું હતું તેમ હમણાં પણ તમે આધીન થવાના નથી, 22 અને તેથી તમે ખચીત સમજી લોે કે, તમે જ્યાં જવાનો આગ્રહ રાખો છો, તે મિસરમાં તમે યુદ્ધથી, દુકાળથી અને રોગચાળાથી મૃત્યુ પામશો.”

43:1 અને પછી જેવો યમિર્યાએ યહોવા તેમના દેવ તરફથી આવેલો સંદેશો લોકોને કહેવાનું પુરું કર્યુ. 2 હોશાયાના પુત્ર અઝાર્યાએ અને કારેઆહના પુત્ર યોહાનાને તથા બીજા અભિમાની માણસોએ યમિર્યાને કહ્યું, “‘તું જૂઠું બોલે છે! અમે મિસરમાં જઇએ તેવું અમારા દેવ યહોવાએ તને કહ્યું નથી!’ 3 નેરિયાના પુત્ર બારૂખે અમારી વિરુદ્ધ કાવતરું કર્યું છે અને આ પ્રમાણે અમને કહેવા તને જણાવ્યું છે, જેથી અમે અહીં વસવાટ કરીએ અને બાબિલનું સૈન્ય આવે ત્યારે તે અમને મારી નાખે અથવા ગુલામો તરીકે અમને બાબિલ લઇ જાય.” 4 તેથી યોહાનાને, સૈનાનાયકોએ અને સર્વ લોકોએ યહોવાનું કહ્યું કરવાની અને યહૂદિયામાં રહેવાની ના પાડી. 5 આથી યોહાનાન અને સૈનાનાયકોએ યહૂદિયાના બાકી રહેલા લોકોને, 6 એ બધી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અને રાજકુમારીઓ જેને રક્ષકોના નાયક નબૂઝારઅદાને ગદાલ્યાને સોંપ્યાં હતાં, અને પ્રબોધક યમિર્યા, નેરિયાના પુત્ર બારૂખને પણ. 7 તેઓ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરીને મિસર ગયા અને ત્યાં તાહપાન્હેસ પહોંચ્યા. 8 તાહપાન્હેસમાં યહોવાએ ફરીથી યમિર્યા સાથે વાત કરી, અને કહ્યું: 9 “તું મોટા પથ્થરો લે, પછી યહૂદિયાના માણસોને ભેગા કર અને તેઓના દેખતા અહીં તાહપાન્હેસમાં ફારુનના મહેલના પ્રવેશદ્વાર આગળના ફરસબંધીવાળા માર્ગમાં એ મોટા પથ્થરને દાટી દે.” 10 પછી યહૂદિયાના માણસોને આ પ્રમાણે કહે, ‘સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારને હું ચોક્કસ અહીં મિસરમાં લાવીશ. કારણ કે તે મારો સેવક છે. આ જે પથ્થરો મેં જડેલાં છે તેના પર હું તેનું સિંહાસન સ્થાપન કરીશ. તેના પર તે પોતાનો રાજવી મંડપ ઊભો કરશે.” 11 તે આવીને મિસર પર હુમલો કરશે; જેઓ રોગચાળાથી મરવા નિર્માયેલા છે તેઓ રોગચાળાથી મૃત્યુ પામશે, જેઓ કેદ પકડાવા નિર્માયા છે તેઓ કેદ થશે અને જેઓ યુદ્ધમાં મરવા સજાર્યા છે તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે. 12 તે મિસરના દેવોનાં મંદિરોને અગ્નિથી બાળીને ભસ્મ કરશે, તે લોકોને બંદીવાન બનાવી લઇ જશે. જેમ કોઇ ભરવાડ પોતાની ચાદરમાંની જૂ વીણીને સાફ કરી નાખે છે તેમ તે મિસરને વીણીને સાફ કરી નાખશે અને વિજયી બનીને પાછો જશે. 13 તે મિસરમાંના બેથ-શેમેશના પૂજાસ્તંભો તોડી પાડશે; અને મિસરના દેવોના મંદિરો બાળી મૂકશે.”‘

44:1 મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યમિર્યા પાસે આવ્યો. 2 “ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: યરૂશાલેમ અને યહૂદિયાના બધા નગરો પર મેં જે આફત ઉતારી છે તે તમે જોઇ છે. આજે પણ એ નગરો ખંડેર હાલતમાં અને વસ્તી વગરના છે. 3 જે ‘દેવો’ ને તેઓએ કે તમે તમારા પિતૃઓમાંથી પણ કોઇએ જાણ્યા નથી, તે દેવોની તેઓએ પૂજા કરી; તેથી હું તેઓ પર અતિ કોપાયમાન થયો. 4 મેં સતત મારા સેવકો, પ્રબોધકો, મોકલીને તેમને ચેતવ્યા હતા કે, ‘આ અધમ કૃત્ય કરશો નહિ; હું તિરસ્કાર કરું છુ.’ 5 પરંતુ તમારા વડવાઓએ સાંભળ્યું નહિ, અને પોતાના દુષ્ટ માગોર્થી પાછા ફર્યા નહિ; તેઓએ તો આ ‘દેવો’ આગળ પોતાના બલિદાનો ચઢાવવાનું ચાલું જ રાખ્યું. 6 આથી મારો કોપ યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં અગ્નિની જેમ પ્રગટી ઊઠયો અને તે શહેરો ખંડેર અને વેરાન થઇ ગયાં, આજે પણ તેમની એ જ દશા છે, ઉજ્જડ પડેલાં છે.” 7 અને હવે હું ઇસ્રાએલનો દેવ, સૈન્યોનો દેવ યહોવા કહું છું: “આવી સમસ્યાઓ તમે તમારે માથે શા માટે નોતરો છો? તમે શા માટે યહૂદિયાના સ્ત્રીઓ, પુરુષો, બાળકો અને ધાવણાં બાળકોનો વિનાશ થવા દો છો? તમે શા માટે તમારીં પાછળ કોઇને બાકી રહેવા દેતા નથી? 8 તમે મૂર્તિઓ બનાવી છે અને અહીં મિસરમાં તેઓની પૂજા કરીને તેઓની આગળ બલિ ચઢાવી ધૂપ બાળ્યો છે. તેમ કરીને તમે મને વધુ કોપાયમાન કર્યો છે અને તમારો સંપૂર્ણ વિનાશ કરવા તથા તમને પૃથ્વીના સર્વ દેશોમાં શાપરૂપ તથા નિંદારૂપ કરવા તમે મને ફરજ પાડી છે. 9 તમારા પિતૃઓના પાપ, યહૂદિયાના રાજાઓ તથા રાણીઓનાં પાપ, અને તમારા પોતાના દ્વારા તથા તમારી પત્નીઓ દ્વારા યહૂદિયા તથા યરૂશાલેમની શેરીઓમાં આચરવામાં આવેલા પાપ શું તમે ભૂલી ગયા? 10 આજપર્યંત તમે તે માટે પશ્ચાતાપ કર્યો નથી, કે મેં તમારી અને તમારા પિતૃઓની આગળ રજૂ કરેલા નિયમો અને કાયદાઓનું પાલન કર્યું નથી.” 11 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે: “જુઓ, હું તમારી પર ભયાનક મુસીબતો મોકલવા માટે અને યહૂદિયાના લોકોનો જડમૂળથી નાશ કરવા માટે કૃત નિશ્ચયી છું. 12 યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે મિસર જઇને વસવાનો નિર્ધાર કર્યો છે, તેમને હું હતા ન હતા કરી નાખીશ. તેઓ બધા જ મિસર દેશમાં નાશ પામશે; કોઇ યુદ્ધમાં મરશે તો કોઇ દુકાળમાં મરશે. નાનામોટા સૌ યુદ્ધમાં કે દુકાળમાં મરી પરવારશે. તેમની દશા જોઇને લોકો ભયભીત અને સ્તબ્ધ બની જશે. સૌ તેમની હાંસી અને નાલેશી કરશે, અને તેમનું નામ શાપરૂપ લેખાશે. 13 યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ. 14 તેથી યહૂદિયાના બાકી રહેલા જે ફરી યહૂદિયા જઇને વસવાની આશાએ મિસરમાં જઇને વસ્યા છે તેમાંથી કોઇ પણ જીવતો રહેવાનો નથી કે પાછો યહૂદિયા જવા પામવાનો નથી, કારણ, થોડા ભાગી છૂટેલા સિવાય કોઇ મારા કોપમાંથી બચી શકવાના નથી.” 15 આ સાંભળીને જેઓ જાણતા હતા કે તેમની પત્નીઓ બીજા દેવોને બલી ચઢાવે છે તે બધાએ અને ત્યાં ઊભેલી બધી સ્ત્રીઓ જેઓ મોટા સમૂહમાં હતી તેમને તેમ જ મિસરમાં પાથોસમાં વસતાં બધા માણસોને યમિર્યાએ કહ્યું, 16 “તું અમારા માટે દેવનો સંદેશ લાવે છે, પણ અમે એ સાંભળવાનાં નથી. 17 અમે જે જે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે જ અમે ચોક્કસ કરીશું. અમે અને અમારા વડીલો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો જેમ યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમમાં થાય છે, તેમ આકાશની સમ્રાજ્ઞીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવતા રહીશું. તે વખતે અમને જોઇએ તેટલું ખાવા મળતું હતું, અમે ઘણા સુખી અને સમૃદ્ધ હતા. 18 પરંતુ જ્યારથી અમે આકાશની સામ્રાજ્ઞીને આહુતિ આપવાનું અને પેયાર્પણો ચઢાવવાનું બંધ કર્યું, ત્યારથી અમે ભારે મુશ્કેલીઓ ભોગવીએ છીએ, યુદ્ધનો કે દુકાળનો અમે ભોગ થઇ પડ્યા છીએ.” 19 સ્ત્રીઓ બોલી ઊઠી, “શું તું એવું ધારે છે કે અમારા પતિઓની સંમતિ વગર, તેઓની મદદ વિના ‘આકાશની સામ્રાજ્ઞી’ ની પૂજા કરતા હતાં અને તેને પેયાર્પણ ચઢાવતા હતાં તેમ જ તેની મુદ્રાવાળી રોટલીઓ તૈયાર કરી તેને અર્પણ કરતા હતાં? ના, એવું નથી.” 20 પછી યમિર્યાએ એવો ઉત્તર આપનારા સૌ કોઇને, સ્ત્રીઓને અને પુરુષોને કહ્યું, 21 “તમે તથા તમારા વડીલો તથા તમારા રાજાઓ અને સરદારો તેમજ દેશના બધા લોકો યહૂદિયાના નગરોમાં અને યરૂશાલેમના મહોલ્લાઓમાં મૂર્તિઓ આગળ ધૂપ બાળતા હતાં, તને લાગે છે કે તેને તે યાદ નથી? ચોક્કસ, તે આ બધું તેના મનમાં રાખે છે. 22 તમે જે દુષ્કમોર્ કરતા હતા તે યહોવા વધુ વખત સહન કરી શક્યા નહિ; તેથી તેમણે તમારો દેશ જેમ આજે છે તેમ ઉજ્જડ, વેરાન, શ્રાપરૂપ અને નિર્જન કરી નાખ્યો. 23 તમારા પર આ આફત આવી છે અને આજે પણ કાયમ છે તેનું કારણ, તમે એ અપીર્ને યહોવાનો અપરાધ કર્યો, તેનું કહ્યું કર્યુ નહિ કે તેના નિયમો, કાયદાઓ અને આજ્ઞાઓનું પાલન પણ ન કર્યું.” 24 પછી યમિર્યાએ તે સ્ત્રીઓને તથા સર્વ લોકોને કહ્યું, “મિસરમાં વસતા યહૂદિયાના નાગરિકો તમે સર્વ યહોવાનું વચન ધ્યાનથી સાંભળો! 25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલના દેવ કહે છે, ‘જ્યા સુધી આ બાબત તને અને તારી પત્નીને લાગુ પડે છે, તેં એ જ કર્યુ છે જે તે કહ્યું હતું, “તે કહ્યું હતું, અમે સ્વર્ગની રાણીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવીને અમારી પ્રતિજ્ઞા ચોક્કસ પાળીશું તેથી કોઇ પણ ભોગે તમે તમારી પ્રતિજ્ઞાઓ પૂરી કરો. 26 પણ મિસરમાં વસતા બધાં યહૂદીઓ, તમે મારા વચન ધ્યાનથી સાંભળો; હું મારા મોટા નામનાં સમ ખાઇને કહું છું. આ હું યહોવા બોલું છું, કે આખા મિસરમાં હવે કોઇ પણ યહૂદી મારું નામ લઇ શકશે નહિ. કોઇ પણ યહૂદી “યહોવાના સમ કહીને સમ લઇ શકશે નહિ.” 27 “‘સાવધાન, હું તમારા પર મારી નજર રાખીશ પણ તમારા ભલા માટે નહિ! તમારા પર આફત આવે તેવું હું કરીશ, અને તમે બધાં યુદ્ધ અને દુકાળથી સમાપ્ત થઇ જશો. કોઇ પણ બચવા નહિ પામે. 28 તેમ છતાં મિસરમાં વસતાં થોડા યહૂદીઓ મોતમાંથી ઊગરી જશે અને તેઓ યહૂદિયા પાછાં જશે. ત્યારે બચવા પામેલા લોકોને ખબર પડશે કે કોના વચન સાચાં છે, મારાં કે તેમના. 29 હું તને આ પ્રમાણે નિશાની આપીશ કે, તેથી હું તને મિસરમાં શિક્ષા કરીશ, કે જેથી તને ખબર પડે કે હું તારી પર ખરેખર ભયાનક વિપત્તિ લાવીશ. 30 યહોવા કહે છે: જુઓ, જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપી દીધો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના દુશ્મનના હાથમાં, તેનો જીવ લેવાની શકિત લોકોના હાથમાં સોંપીશ.”‘

45:1 યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના અમલમાં ચોથા વર્ષ દરમ્યાન નેરિયાના પુત્ર બારૂખે પ્રબોધક યમિર્યાએ લખાવ્યા પ્રમાણે આ શબ્દો એક પોથીમાંથી લખી લીધા. 2 ત્યારબાદ યમિર્યાએ તેને કહ્યું, “બારૂખ, તારી બાબતમાં ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: 3 તેં કહ્યું, ‘મને હાય હાય! મારા જીવનમાં મુશ્કેલીઓની ખોટ છે શું? અને હવે યહોવાએ તેમાં વધારો કર્યો છે! હું નિસાસા નાખીને થાકી ગયો છું. હું આરામ અનુભવતો નથી.”‘ 4 યહોવા કહે છે, “બારૂખને આ પ્રમાણે કહે: ‘આ દેશને મેં બાંધ્યો છે, હવે હું તેનો નાશ કરીશ. જે મેં સ્થાપન કર્યું છે તેને હું દૂર કરીશ. 5 તું શું પોતાને માટે મહાન બાબતો શોધે છે? તેવું કરીશ નહિ, જો કે આ સર્વ લોકો પર હું ભારે વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ, એ જ તારો બદલો છે.”‘

46:1 જુદા જુદા રાષ્ટ્રો વિષે યમિર્યાને આ સંદેશા આપવામાં આવ્યા હતા.મિસર વિષે સંદેશ 2 મિસર વિષે મિસરના રાજા ફારુનની સૈનાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ફ્રંાત નદીને કાંઠે આવેલા કાર્કમીશ ખાતે યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ચોથા વર્ષ દરમ્યાન હરાવી હતી તે પ્રસંગે મિસરની વિરુદ્ધ આ સંદેશો આપવામાં આવ્યો હતો. 3 “હે મિસરના લોકો, તમે તમારાં શસ્ત્રો સજીને યુદ્ધ કરવા માટે આગળ વધો. 4 ઘોડાઓ પર જીન બાંધો અને તેના પર સવાર થઇ જાઓ! તમે ટોપ પહેરીને સજ્જ થાઓ! ભાલાઓની ધાર તીણી કરો! બખતર ધારણ કરો! 5 પરંતુ હું આ શું જોઉં છું? તેઓ ભયભીત થઇ ભાગે છે, તેમના શૂરવીરોને મારી હઠાવવામાં આવ્યા છે. તેઓ પાછું જોયા વગર ઊભી પૂંછડીએ ભાગે છે. ચારેકોર ભય વ્યાપી ગયો છે.” આ હું યહોવા બોલું છું. 6 “ખૂબ અતિ ઝડપથી દોડનાર કે અતિ શૂરવીર સૈનિકો પણ બચી શકે નહિ, ઉત્તર તરફ યુફ્રેતીસ નદી પાસે તેઓ ઘવાઇને પડ્યા છે. 7 નીલ નદીના પૂરની જેમ સમગ્ર દેશમાં ફેલાઇ જતું આ શૂરવીર સૈન્ય કોણ છે? 8 મિસર નીલ નદીની જેમ ઉભરાય છે, જેમ નદીઓ તેમના કાંઠા પર પૂરથી ફરી વળે છે. તે કહે છે, ‘હું ઉપર ચઢીશ અને આખી પૃથ્વીને ઢાકી દઇશ, હું શહેરોને અને તેના વતનીઓને તાણી જઇશ.’ 9 તો હે મિસરના ઘોડેસવારો, રથસવારો, અને શૂરવીર યોદ્ધાઓ, આવો! ક્રૂશના અને પુરના અને લૂદોના ઢાલ ધારણ કરેલા ધનુર્ધારીઓ, તમે સર્વ આવો!” 10 કારણ કે આજે અમારા પ્રભુ યહોવાનો દિવસ છે, આજે તેનો વૈર લેવાનો, પોતાના દુશ્મનો ઉપર વૈર લેવાનો દિવસ છે. આજે તેની તરવાર ધરાઇ ધરાઇને તેમને ખાઇ જશે અને તૃપ્ત થતા સુધી તેમનું લોહી પીશે. અમારા પ્રભુ યહોવાએ ઉત્તરમાં ફ્રંાત નદીને કિનારે યજ્ઞ માંડ્યો છે. 11 હે મિસરની કુમારિકાઓ, ગિલયાદ જાઓ અને થોડી ઔષધી લો. તમે ઘણી ઔષધી લીધી પણ તમે સ્વસ્થ નહિ થાઓે. 12 સર્વ પ્રજાઓમાં તારી અપકીતિર્ સાંભળી છે. નિરાશા અને પરાજયનો તારો વિલાપ સમગ્ર પૃથ્વી પર સંભળાય છે; તારા ‘શૂરવીર યોદ્ધાઓ ‘અંદર અંદર અથડાય છે અને બંને સાથે ભોંય પર પછડાય છે.” 13 યહોવાએ યમિર્યા પ્રબોધકને નબૂખાદનેસ્સાર માટે આમ કહ્યું, “બાબિલના રાજા મિસરની ભૂમિ પર હુમલો કર.” 14 “મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમજ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, ‘હોશિયાર! તૈયાર! તમારી આસપાસ તરવાર વિનાશ ર્સજી રહી છે.’ 15 શા માટે તારા બહાદુર યોદ્ધા ભાગી ગયા? તેઓ સામનો ન કરી શક્યા, કારણ કે યહોવાએ તેમને તેમના શત્રુઓની સામે ચત્તાપાટ કરી દીધા હતાં. 16 તેણે તેઓને લથડતા કરી દીધા છે. આથી શુ વધારે છે, તેઓ એક બીજા પર પડીને કહેવા લાગ્યા કે, ‘ચાલો, ઘરે જઇએ, કારણ કે તરવાર આપણને મારી નાખશે.’ 17 “મિસરના ફારુનનું નામ આપો, ‘શકિતહીન, જે ડંફાસ તો બહુ મારે છે; પણ અણીને વખતે કરતો કશું નથી.”‘ 18 હું રાજાનો રાજા સૈન્યોનો દેવ યહોવા, “મારા જીવના સમ ખાઇને કહું છું; પર્વતોમાં જેવો તાબોર, સાગર સમીપે જેવો કામેર્લ તેવું બનશે. 19 હે મિસરના પ્રજાજનો, તમારો સામાન બાંધો અને બંદીવાસ જવાને તૈયાર થાઓ. કારણ કે મેમ્ફિસ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિવિહીન તથા ઉજ્જડ થશે. 20 “મિસર તો રૂડીરૂપાળી વાછરડી હતી. પણ ઉત્તરમાંથી એક અશ્વમાખ આવીને તેને ડંખ મારશે અને તેને દોડાવશેે! 21 તેના ભાડૂતી યોદ્ધાઓ પણ પાળેલા વાછરડા જેવા હતા, પણ તેઓ પણ બધા નાસી છૂટયા, કોઇ ટકી ન રહ્યો, કારણ, તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો હતો, તેમના સર્વનાશનો ઘડો ભરાઇ ચૂક્યો હતો.” 22 “સાંભળો, નાસી જતા સર્પ જેવો મિસર અવાજ કરે છે; કારણ કે એના દુશ્મન જોરશોરથી ધસતા તેની સામે આવે છે, તેઓ વૃક્ષો તોડી પાડનારા લોકોની જેમ કુહાડા લઇ તેના પર આવે છે.” આ યહોવાના વચન છે. 23 “જાણે કઠીયારા ઝાડ કાપતા ના હોય! તેમ તેઓ તેના ગાઢા જંગલો કાપી નાખે છે. કારણ કે તેઓ તીડોની જેમ અસંખ્ય છે, તેઓ ગણ્યાં ગણાય એમ નથી. 24 મિસરના લોકોએ તેમની આબરૂ ગુમાવી છે, ઉત્તરના લોકોએ તેમને તેમના ગુલામ બનાવ્યા છે.” 25 સૈન્યોનો દેવ યહોવા, ઇસ્રાએલનો દેવ, કહે છે, “હવે હું નોશહેરના દેવ આમોનને, મિસરને, તેના દેવોને અને રાજાઓને તથા ફારુનને અને તેના પર વિશ્વાસ રાખનારાઓને સજા કરનાર છું. 26 હું તેમને તેમનો જીવ લેવા તાકી રહેલા બાબિલના રાજા નબૂખાદનેસ્સારને સુપ્રત કરી દઇશ. અને પછી મિસરમાં પાછી પહેલાંની માફક વસ્તી થશે.” આ હું યહોવા બોલું છું. 27 “હે મારા સેવક યાકૂબના વંશજો, હે ઇસ્રાએલીઓ! તમારે ડરવાની જરૂર નથી. કારણ કે, હું તમને અને તમારા વંશજોને તમે જ્યાં બંદી છો તે દૂરના દેશમાંથી છોડાવી લાવીશ, અને તમે પાછા સુખશાંતિપૂર્વક રહેવા પામશો. કોઇ તમને ડરાવશે નહિ.” 28 યહોવા કહે છે કે, “હે યાકૂબ, મારા સેવક, ગભરાઇશ નહિ, કારણ, હું તમારી પડખે છું. જુદી જુદી પ્રજાઓની વચ્ચેં મેં તમને દેશવટો દીધો છે તે બધાનો હું અંત લાવનાર છું. પણ હું તમને મારીશ નહિ પણ હું ચોક્કસ તમને શિક્ષા કર્યા વિના છોડવાનો નથી.” આ યહોવાના વચન છે.

47:1 જ્યારે ફારૂન અને મિસરનું સૈન્ય ગાઝા પર ચઢી આવ્યું તે પહેલા, યહોવાએ પ્રબોધક યમિર્યા દ્વારા પલિસ્તીઓ માટે આ સંદેશો મોકલ્યો. 2 આ યહોવાના વચન છે, “ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે. તે તેઓનાં નગરો તથા તેમાનાં સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે.” 3 ઘોડાઓના દાબડાનો અવાજ અને રથના પૈડાની ઘરઘરાટી તીર્વ વેગથી દોડતાં રથોને કારણે પિતાઓ એટલાં નિ:સહાય હશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. 4 કારણ કે, એ દિવસ આવી પહોંચ્યો છે, જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થવાનો છે, જ્યારે તૂર અને સિદોનની સાથે થનારા કોઇ રહેશે નહિ. યહોવા બધા પલિસ્તીઓનો-કાફતોરના ટાપુમાંથી આવી વસેલા સૌનો સંહાર કરનાર છે. 5 ગાઝા અને આશ્કલોનના નગરો ધૂળભેંગા કરવામાં આવશે, અને ખંડેર બની જશે. અનાકીમના વંશજો તમે કેવી રીતે પસ્તાવો અને રૂદન કરશો! 6 હે યહોવાની તરવાર, તું ક્યારે શાંત થઇશ? ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે! 7 પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી એ આરામ શી રીતે કરે? કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”

48:1 ઇસ્રાએલના દેવ યહોવા મોઆબ વિષે આ પ્રમાણે કહે છે કે, “નબોનું આવી બન્યું! તે ભોંય ભેંગુ થઇ ગયું છે, કિર્યાથાઇમને લાંછન લાગ્યું છે, તે જીતાઇ ગયું છે. તેનો કિલ્લો તોડી પાડવામાં આવ્યો છે! હવે મોઆબનું ગૌરવ નથી રહ્યું! 2 મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે. 3 સાંભળો, હોરોનાયિમમાંથી પોકાર સંભળાય છે; “હિંસા, વિનાશ.” 4 મોઆબ નષ્ટ થઇ ગયું છે, સોઆર સુધી તેનાં બાળકોનું આક્રંદ સંભળાય છે. 5 કારણ કે તેઓ રડતાં રડતાં લૂહીથના ઢોળાવો પર ચઢે છે. અને તેઓ દુ:ખથી વિલાપ કરતાં કરતાં હોરોનાયિમના ઢોળાવો ઉતરે છે. 6 નાસો, તમારો જીવ લઇને નાસો! વગડાનાં જંગલી ગધેડા જેવા થાઓ. 7 હા, તમે પોતાની સંપત્તિ અને આવડત પર નિર્ભર રહ્યાં છો, તમે પણ નાશ પામશો, તમારા મૂંગા દેવ કમોશ દેશવટે જશે, તેના યાજકો અને અમલદારો તેની સાથે જશે. 8 દરેક નગર પર વિનાશ ઊતરશે, એક પણ શહેર બચવા પામશે નહિ.” આ હું યહોવા બોલું છું. 9 “મોઆબ માટે મીઠું અલગ રાખો કારણકે તે ચોક્કસ પડશે. તેના નગરો વસ્તી વિનાના ઉજ્જડ ખંડેર થઇ જવાના છે. 10 જે યહોવાનું કામ પૂરા દિલથી કરતા નથી તે શાપિત થાઓ! જે માણસ તરવારથી રકતપાત કરતા નથી તેને ધિક્કાર હો!” 11 યહોવાએ કહ્યું, “પ્રાચીનકાળથી મોઆબ પર આક્રમણો થયા નથી, ને તેને હેરાન કરવામાં આવ્યું નથી, તેનો દેશનિકાલ કરવામાં આવ્યો નથી, મોઆબ એવા દ્રાક્ષારસ જેવો છે કે જેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવ્યો નથી. તેનો સ્વાદ જેવો ને તેવો રહ્યો છે, ને તેની સુગંધ બદલાઇ નથી. “ 12 યહોવાએ કહ્યું છે કે, “આ લોકો મોઆબ શહેરને ખાલી કરી નાખશે જેમ લોકો દ્રાક્ષારસની બરણી ખાલી કરે છે. જેમ લોકો માટીના ઘડાના ટૂકડે ટૂકડા કરી નાખે છે તેમ તેના નગરોનો નાશ કરવામાં આવશે.” 13 ત્યારે મોઆબનો કમોશદેવ વિષેનો મ ભાંગી જશે, જેમ ઇસ્રાએલનો બેથેલના દેવ વિષે મ ભાંગી ગયો હતો જેના પર તેણે વિશ્વાસ રાખ્યો હતો. 14 “હે મોઆબના લોકો, આ રાજાઓના રાજા એવા સૈન્યોનો દેવ યહોવાના વચન છે. “તમારી હિંમ્મત કઇ રીતે થઇ આવુ કહેવાની. કે ‘અમે બહાદુર છીએ, કેળવાયેલા યોદ્ધાઓ છીએ?’ 15 મોઆબ અને તેના નગરોનો નાશ થયો છે, તેના ચુનંદા જુવાનો રહેંસાઇ ગયા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. 16 “હવે મોઆબનો વિનાશ હાથવેંતમાં છે, એનું પતન વાયુવેગે આવી રહ્યું છે. 17 હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો. જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા ધૂળધાણી થઇ ગયા છે! 18 હે દીબોનના લોકો, તમારા સન્માનજનક સ્થાન ઉપરથી નીચે ઊતરો અને ભોંય પર ધૂળમાં બેસો. કારણ કે મોઆબનો વિનાશ કરનાર આવી પહોંચ્યો છે. અને તેણે તમારા કિલ્લાઓનો નાશ કર્યો છે. 19 હે અરોએરના લોકો, રસ્તે ઊભા રહીને ચોકી કરો, ભાગી જતા લોકોને પૂછો. શું થયું છે? 20 તેઓ તને જવાબ આપશે, મોઆબ ખંડેર થઇ ગયું છે; રૂદન અને શોક કરો. આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે, મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે! 21 મોઆબના ઉચ્ચ મેદાન પરના નગરો તે હોલોન, યાહસાહ, મેફાઆથને સજા કરવામાં આવશે, 22 દીબોન, નબો, બેથ દિબ્લાથાઇમ છે. 23 ક્રિયા-થાઇમ, બેથ-ગામૂલ, બેથ-મેઓન, 24 કરીઓથ, બોસ્રાહ, અને મોઆબના સર્વ નગરો જે નજીકમાં છે તે તથા જે દૂર આવેલા છે, આ બધાને સજા થઇ છે. 25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે, અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.” આ યહોવાના વચન છે. 26 “મોઆબને છાકટો પીધેલો બનાવી દો! એણે યહોવાનો વિરોધ કર્યો છે. એ એની ઊલટીમાં આળોટશે અને લોકોની હાંસીનું પાત્ર થશે, સર્વ કોઇ તેનો તિરસ્કાર કરશે. 27 શું તેં ઇસ્રાએલની હાંસી કરી નહોતી? શું તેં તેઓને ચોરોની ટોળી માની નહોતી? હા, જ્યારે પણ તે તેમના વિષે વાત કરી છ,ે ત્યારે તેં તુચ્છકારથી તારુંડોકુ હલાવ્યુ છે. 28 હે મોઆબના લોકો, તમારા નગરોમાંથી ભાગી જાઓ અને ઊંડી સાંકડી ખીણોમાં પોતાના માળા બાંધીને રહેતા કબૂતરોની માફક તમે ગુફાઓમાં રહો. 29 મોઆબ અતિ ગવિર્ષ્ઠ છે. અમે તેના અભિમાન, ઉદ્ધતાઇ અને તુમાખી વિષે સાંભળ્યું છે.” 30 યહોવા કહે છે, “મને પોતાને એની ઉદ્ધતાઇની ખબર છે. તેની ડંફાસો બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધા પોકળ છે. 31 અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોકે પોકે રડું છું અને કીરહેરેસના માણસો માટે હું શોક કરું છું. 32 દ્રાક્ષાવાડીઓથી ભરપૂર સિબ્માહના લોકો, હું યાઝેરના કરતાં પણ તમારા માટે વધુ વિલાપ કરું છું. કારણ કે વિનાશે તમારી ફેલાયેલી ડાળીઓને કાપી નાખી છે અને તમારી દ્રાક્ષાઓ તથા ઉનાળાનાં ફળોની ફસલને લઇ લીધી છે. તેણે તમને ઉજ્જડ કરી મૂક્યા છે! 33 મોઆબની રસાળ ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઇ ગયાં છે, દ્રાક્ષારસના કોલુમાંથી દ્રાક્ષારસ વહેતો નથી. દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં હવે કોઇ આનંદના પોકારો કરતું નથી.” 34 તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે. 35 યહોવા કહે છે: મોઆબ જૂઠા દેવોની પૂજા કરતું હતું અને મૂર્તિઓ આગળ ધૂપ બાળતું હતું. તે સર્વ મેં બંધ કરાવી દીધું છે.” આ યહોવાના વચન છે. 36 “આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે મારા હૃદયમાં શોક છે. કારણ કે તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે. 37 હા, હરેક માણસનું માથું મૂડાયું છે અને બધા માણસની દાઢી બોડવામાં આવી છે. તેઓના હાથ કાપાઓથી ભરેલા છે. અને તેઓ સૌએ શણના વસ્રો પહેર્યા છે. 38 મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે. 39 મોઆબ ભાંગી ગયું! રડો! મોઆબ શરમજનક રીતે પીછેહઠ કરે છે! મોઆબના બધા પડોશીઓ એની હાંસી ઉડાવે છે!” આ યહોવાના વચન છે. 40 કારણ કે આ યહોવા કહે છે, “જો, તેના શત્રુઓ એક ગરૂડની જેમ મોઆબ પર ચકરાવો લે છે, અને તેની પર આક્રમણ કરે છે. 41 તેનાં નગરોનો નાશ થશે, તેના મજબૂત કિલ્લાઓને કબજે કરવામાં આવશે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીઓની જેમ તેના શૂરવીર યોદ્ધાઓ ભયથી ધ્રૂજશે. 42 પછી મોઆબનું નામોનિશાન મિટાઇ જશે. તેની પ્રજા નાશ પામશે, કારણ કે, તેમણે મારો યહોવાનો વિરોધ કર્યો છે.” 43 યહોવા કહે છે કે, “અરે મોઆબ, તારા માર્ગમાં ભય, ફાંદો અને ખાડા તારી રાહ જોઇ રહ્યા છે. 44 જે કોઇ માણસ ભયનો માર્યો ભાગી જશે તે ખાડામાં પડશે, જે ખાડામાંથી ઊભો થઇને બહાર આવશે તે પકડાઇ જશે, મોઆબને સજા કરવાનો સમય આવશે ત્યારે તેણે આ બધાંનો સામનો કરવો પડશે.” આ યહોવાના વચન છે. 45 “નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે. 46 હે મોઆબ, આ તે તમારી કેવી દશા! હે મોઆબના લોકો! હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ, તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.” 47 પરંતુ યહોવા કહે છે, “ભવિષ્યમાં હું મોઆબનું ભાગ્ય પલટી નાખીશ, હું મોઆબને સંસ્થાપિત કરીશ.”અહીં મોઆબ અંગેનો ચુકાદો પૂરો થાય છે.

49:1 આમ્મોનના લોકો વિષે યહોવા આ પ્રમાણે કહે છે, “ઇસ્રાએલનું રક્ષણ કરનાર કોઇ વારસ નથી? શું તેને કોઇ પુત્રો નથી? તો પછી મિલ્કોમદેવના પૂજકોને ગાદનો પ્રદેશ શા માટે કબજે કરવા દે અને ત્યાં વસવા દે? 2 તેથી એવો સમય આવી રહ્યો છે, જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બાહમાં યુદ્ધનો રણનાદ ગાજી રહેશે અને એ વેરાન ખંડેરોનો ઢગ બની જશે, એની શેરીઓ બળીને ભસ્મ થઇ જશે, અને ઇસ્રાએલ પોતાની ભૂમિ કબજે કરનારાઓની ભૂમિ કબજે કરશે.” આ હું યહોવા બોલું છું. 3 હે હેશ્બોન, વિલાપ કર. આમ્મોનમાંનું આયનગર નાશ પામ્યું છે! રાબ્બાહની સ્ત્રીઓ રૂદન કરો, શોકના વસ્ત્રો પહેરો, વાડામાં સંતાઇને રડો અને પ્રશ્ચાતાપ કરો. કારણ કે તમારા દેવ મિલ્કોમ, તેના યાજકો અને અમલદારોનો દેશનિકાલ કરવામાં આવશે. 4 તમારી ખીણોનું તમને અભિમાન છે, પરંતુ ટૂંક સમયમાં જ તે નાશ પામશે. હે આમ્મોનના બંડખોર લોકો તમારા ભંડાર પર આધાર રાખી કહો છો કે,’ કોણ અમારા પર હુમલો કરી શકે એમ છે?” 5 પરંતુ સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, “હું દરેક બાજુએથી તારા પર વિપત્તિઓ લાવીશ, તને આખી દુનિયામાં ચારેબાજુ દેશ નિકાલ માટે હાંકી કાઢવામાં આવશે. અને તારા શરણાથીર્ઓની સંભાળ રાખનારું કોઇ નહિ હોય.” 6 “પરંતુ પાછળથી હું આમ્મોનીઓનું ભાગ્ય ફેરવી નાખીશ.” આ યહોવાના વચન છે. 7 અદોમના લોકો વિષે યહોવા કહે છે, “તેમાનમાં કશી અક્કલ જ રહી નથી? તેમના સમજુ પુરુષો શમજણ ખોઇ બેઠા છે? 8 તેમની અક્કલ બહેર મારી ગઇ છે? દદાનના રહેવાસીઓ, પાસુ ફરીને દોડો. સંતાઇ જાઓ! કારણ, એસાવના વંશજોની સજાનો સમય આવ્યો છે અને હું તેમના પર વિનાશ ઉતારનાર છું, 9 જ્યારે દ્રાક્ષ ઉતારનાર આવે છે ત્યારે તેઓ થોડી દ્રાક્ષ વેલ પર રહેવા દે છે, રાતે ચોર આવે છે તો તે જોઇએ એટલું જ લઇ જાય છે. 10 પરંતુ હું એસાવના વતનને સંપૂર્ણ ખાલી કરી નાખીશ. સંતાવાની કોઇ જગ્યા રહેશે નહિ, તેના બાળકો, તેના ભાઇઓ, તેના પડોશીઓ, સર્વ નાશ પામશે અને જાતે જ તેઓ બધા સમાપ્ત થઇ જશે. 11 એમ કહેનાર કોઇ નહિ હોય કે, “તારાં અનાથ બાળકોને અહીં મૂકી જા, હું તેમને સંભાળીશ. તારી વિધવાઓ મારે વિશ્વાસે રહી શકે છે.” 12 યહોવા કહે છે, “જેણે સજાનો પ્યાલો પીવો ન જોઇએ તેને પણ તે પીવો પડ્યો તો, શું તને સજા થયા વગર રહેશે? તારે સજા ચોક્કસ ભોગવવી જ પડશે, તારે એ પ્યાલો ચોક્કસ પીવો જ પડશે,” 13 કારણ, હું મારા જીવના સમ ખાઇને કહું છું કે “બોસ્રાહની દશા જોઇને લોકો હબકાઇ જશે, તેની હાંસી ઉડાવશે; તે વેરાન થઇ જશે અને લોકોમાં તેનું નામ શાપરૂપ લેખાશે. એના બધાં ગામો કાયમ માટે ખંડેર થઇ જશે.” 14 મેં યહોવા પાસેથી આ સંદેશો સાંભળ્યો છે, “તેમણે બધાં રાજ્યોમાં સંદેશાવાહક મોકલીને કહેવડાવ્યું છે કે, અદોમની વિરુદ્ધ સર્વ એકત્રીત થાઓ અને તેનો નાશ કરો.” 15 યહોવા કહે છે કે, “જો, હું તને રાષ્ટો વચ્ચે તુચ્છ બનાવીશ અને માનવજાત દ્વારા તિરસ્કૃત બનાવીશ. 16 તું ઊંચા શિખરો પર કરાડોની ધારે વસે છે, તેથી, તારી માથાભારે તુમાખીએ અને તારા અંતરના અભિમાને તને ખોટે રસ્તે દોરવ્યો છે, પરંતુ ગરૂડની સાથે તું શિખરો પર વસવાટ કરે, તોપણ હું તને ત્યાંથી નીચો પાડીશ.” એમ યહોવા કહે છે. 17 “તેથી અદોમ માનને પાત્ર બનશે. ત્યાં જઇને જતા આવતા સૌ કોઇ એની દશા જોઇને હબકાઇ જશે અને જ્યારે લોકો જોશે કે તેને કેવું ઘાયલ કરવામાં આવ્યું છે તો તેઓ સિસકારા બોલાવશે. 18 સદોમ અને ગમોરાનો તથા તેમની આસપાસના ગામોનો નાશ થયો હતો તેવું જ અદોમનું પણ થશે; પછી ત્યાં કોઇ રહેશે નહિ, ત્યાં કોઇ માણસ ફરી ઘર નહિ કરે.” આ યહોવાના વચન છે. 19 “જુઓ, પેલો સિંહ કેવો યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ ચરાણમાં ચઢી આવે છે! એ જ રીતે હું પણ અચાનક એ લોકોની પાછળ પડી એમને હાંકી કાઢીશ અને મને ગમતા રાજકર્તાને ત્યાં ગોઠવી દઇશ. કારણ, મારા સમાન બીજું કોણ છે? કોણ મારી બરોબરી કરી શકે એમ છે?” 20 માટે, અદોમ અને તેના લોકો વિષે મારી યોજના શી છે, તે સાંભળી લો; અને જેઓ તેમાનમાં રહે છે તેમની વિરુદ્ધ મેં ઘડેલી યોજના વિષે. નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી જવાશે અને તેમાન નસીબે તેમના ઘેટાંના વાડાને પણ ભયત્રસ્ત કરવામાં આવશે. 21 અદોમના પતનના અવાજથી પૃથ્વી થથરશે; તેમના આક્રંદના અવાજના પડઘા રાતા સમુદ્ર સુધી ગાજશે. 22 સમડી જેવી રીતે ઝડપ મારી તૂટી પડે છે તેમ દુશ્મન બોસ્રાહ પર તૂટી પડશે. અને તે દિવસે અદોમના યોદ્ધાઓ પ્રસૂતિ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ગભરાઇ જશે.” 23 દમસ્ક વિષે યહોવાની વાણી: “હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે, તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે. તેમને નિરાંત વળતી નથી. 24 દમસ્ક લાચાર બની ગયું છે. તેના સર્વ લોકો પાછા ફરીને નાસે છે. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ ભય, પીડા તથા દુ:ખોએ તેના પર પક્કડ જમાવી છે. 25 આ ‘આનંદનું નગર’ જે એક સમયે ખૂબ ગૌરવવતું હતું તે કેવું ત્યાગી દેવામાં આવ્યું છે.” 26 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તે દિવસે તેના જુવાન માણસો નગર ચોકમાં મૃત્યુ પામશે. અને એના બધા યોદ્ધાઓ હારી જશે. 27 અને હું દમસ્કની દીવાલો પર આગ લગાડીશ અને તે બેનહદાદના મહેલોને બાળીને ભસ્મ કરશે.” 28 બાબિલના રાજા નબૂખાદરેસ્સારે જીતી લીધેલાં કેદાર અને હાસોરના વિષે યહોવાની આ ભવિષ્યવાણી છે; તેઓનો નાશ કરવા માટે બાબિલના રાજા નબૂખાદરેસ્સારને યહોવા મોકલી આપશે અને કહેશે,“ચાલો, કેદારના કુળસમૂહો પર હલ્લો કરો; પૂર્વના એ લોકોનો સંહાર કરો. 29 તેઓનાં ઘેટાંબકરાં, તંબુઓ તથા ઘરનો સર્વ સામાન કબજે કરવામાં આવશે, તેઓનાં ઊંટોને લઇ જવામાં આવશે; ચારેબાજુ ભયની ચીસો પડશે, આપણે ચારેબાજુથી ઘેરાઇ ગયા છીએ અને આપણું પતન થયું છે.” 30 યહોવા કહે છે: “ભાગો ભાગો, તમારો જીવ બચાવવા નાસી જાઓ. હાસોરના વતનીઓ, અરણ્યમાં દૂર દૂર સંતાઇ જાઓ! કારણ કે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તમારી વિરુદ્ધ તમારો નાશ કરવા માટે કાવત્રું રચ્યું છે. 31 યહોવાએ નબૂખાદરેસ્સાર રાજાને કહ્યું, ઊઠો, અને એ પ્રજા જે નિશ્ચિંત છે અને વિચારે છે કે તેના પર કોઇ હુમલો નહિ કરે, તેમના નગરોને દરવાજા કે સળિયા નથી અને તેઓ બધાં પોતાનામાં જ વસે છે.’ 32 તેઓનાં ઊંટો અને તેઓનાં અસંખ્ય ઘેટાં લૂંટી લો! હું એ મૂંડેલા થોભિયાવાળાઓને ચારેકોર વિખેરી નાખીશ અને દરેક બાજુએથી તેઓના પર આફત ઉતારીશ.” આ યહોવાના વચન છે. 33 “હાસોર શિયાળવાંની બોડ બની જશે, કાયમ માટે તે વેરાન પ્રદેશ બની જશે, કોઇ ત્યાં વસશે નહિ કે કોઇ ત્યાં ઘર નહિ બનાવે.” આ યહોવાના વચન છે. 34 યહૂદિયાના રાજા સિદકિયાના અમલની શરૂઆતમાં પ્રબોધક યમિર્યાને એલામ વિષે યહોવાની વાણી દ્વારા સંદેશો આવ્યો. 35 “આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે. એલામનું બળ એનું ધનુષ્ય છે, હું એ ધનુષ્ય જ ભાંગી નાખનાર છું. 36 અને એલામના લોકોને હું ચારે દિશામાં વિખેરી નાખીશ. તેઓ દેશનિકાલ થઇ વિશ્વના સર્વ દેશોમાં ફેલાઇ જશે.” 37 યહોવા કહે છે કે, “એલામનો નાશ કરવા તાકતા એના દુશ્મનોથી એને હું ભયભીત બનાવી દઈશ. હું ભયંકર રોષે ભરાઇ તેમના પર આફત ઉતારીશ, તેઓ જડમૂળથી ઊખડી જાય ત્યાં સુધી હું તેમના પર યુદ્ધ મોકલ્યા કરીશ.” આ યહોવાના વચન છે. 38 યહોવા કહે છે કે, “હું એલામમાં મારું સિંહાસન સ્થાપીશ. અને ત્યાંના રાજાનો અને અમલદારોનો સંહાર કરી નાખીશ.” આ યહોવાના વચન છે. 39 “પણ ભવિષ્યમાં હું એલામનું ભાગ્ય ફેરવી નાખીશ. હું તે લોકોને પાછા લાવીશ.” એમ યહોવા કહે છે.

50:1 યહોવાએ યમિર્યા પ્રબોધક મારફતે બાબિલ અને ખાલદીઓ વિરુદ્ધ આ સંદેશો મોકલાવ્યો, 2 “સર્વ પ્રજાઓને આ સંદેશો કહો! ઢંઢેરો પિટાવો, બધી પ્રજાઓને જાહેર કરો, છુપાવશો નહિ, ખબર આપો કે, ‘બાબિલ જીતાયું છે, બઆલ દેવની બેઆબરું થઇ છે, મેરોદાખ દેવના ફુરચા ઉડાવી દેવામાં આવ્યાં છે; બાબિલની મૂર્તિઓને શરમજનક કરવામાં આવી છે, તેના પૂતળાંને ભાંગી નાખવામાં આવ્યાં છે.’ 3 કારણ કે, ઉત્તરમાંથી એક પ્રજા તેના પર ચઢી આવે છે; તેઓ એ દેશને વેરાન બનાવી દેશે, જ્યાં કોઇ રહેશે નહિ, જ્યાંથી માણસો અને પશુઓ ભાગી જશે.” 4 યહોવા કહે છે, “તે દિવસોમાં, તે સમયે, તેઓ સાથે મળીને આવશે, તેઓ રડતાં રડતાં આવશે અને તેમના દેવ યહોવાની શોધ કરશે. તેમને ફકત તેઓ જ અને બીજું કોઇ નહિ જોઇએ. 5 તેઓ સિયોનના માર્ગ પૂછશે અને તેની તરફ આગળ વધશે. તેઓ કહેશે, ‘આવો, કદી ભૂલી ન જવાય તેવો સનાતન કરાર કરીને આપણે યહોવા સાથેના સંબંધમાં જોડાઇએ.’ 6 “મારા લોકો ખોવાયેલાં ઘેટાં જેવાં હતા, તેઓના ઘેટાં પાળકોએ તેમને ભૂલા પડવા દીધા, અને પર્વતો પર ગમે તેમ ભટકવા દીધા, તેઓ પોતાના માર્ગ ભૂલી ગયા અને વાડામાં કઇ રીતે પાછા આવવું તે તેઓને યાદ રહ્યું નહિ. 7 જે કોઇએ તેમને જોયા, તેઓને મળ્યા તે સર્વ તેઓને ખાઇ ગયા, અને કહ્યું, તેઓ પર આક્રમણ કરવા અમે મુકત છીએ, કારણ કે તેમણે યહોવા તેમના ખરેખરા પોષક (ચરાણ) વિરુદ્ધ જેમનો તેમના પૂર્વજોએ વિશ્વાસ કર્યો હતો પાપ આચર્યુ છે. 8 ઇસ્રાએલના લોકો બાબિલમાંથી ભાગી જાઓ! ટોળાને દોરતા બકરાની જેમ આગળ થાઓ. 9 કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે. 10 બાબિલ લૂંટી લેવામાં આવશે અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.” આ યહોવાના વચન છે. 11 યહોવા કહે છે, “હે બાબિલવાસીઓ, તમે મારી પોતાની ભૂમિને લૂંટી છે; તમે ભલે આનંદ માણો અને મોજ કરો, ગોચરમાં ઠેકડા મારતા વાછરડાની જેમ દોડો અને ઘોડાની જેમ હણહણો; 12 તેમ છતાં તમારી માતૃભૂમિ બાબિલને બેઆબરૂ કરવામાં આવશે. તમારા જન્મદાતાઓની નામોશી કરવામાં આવશે; બીજી બધી સમૂહની પ્રજાઓમાં બાબિલનું સ્થાન સૌથી છેલ્લું રહેશે. તમારી ભૂમિ વેરાન સૂકું રણ બની જશે. 13 મારા ક્રોધને કારણે તે નિર્જન બની જશે, તે વેરાન વગડો બની જશે. બાબિલ થઇને જતા સૌ કોઇ તેની હાલત જોઇને ભયભીત થઇ જશે અને તેના સર્વનાશને કારણે તેઓ સિસકારા બોલાવશે. 14 બાબિલની આસપાસ રહેનારી પ્રજાઓ બાબિલ સામે યુદ્ધ માટે ગોઠવાઇ જાઓ, તેને ઘેરી લો, ઓ બાણાવળીઓ! તીર વરસાવો, અચકાશો નહિ, કારણ, તેણે મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે. 15 તેની ચારે બાજુએથી રણનાદ જગાવો, જુઓ, તે શરણાગતિ સ્વીકારે છે! તેનો કોટ પડી ગયો છે, યહોવાએ બદલો લીધો છે, તેણે કર્યું હતું તેવું જ તેને કરો! 16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ. લોહીતરસી તરવારથી ભાગીને ત્યાંના બધા વિદેશીઓ પોતાના વતનમાં પાછા જશે. 17 ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.” 18 તેથી ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “મેં જે રીતે આશ્શૂરના રાજાને સજા કરી હતી તે રીતે બાબિલના રાજાને અને તેના દેશને પણ સજા કરીશ. 19 હું ઇસ્રાએલને પાછો એના ચરાણમાં લઇ આવીશ, તે કામેર્લ પર્વત અને બાશાન પર ચઢશે. તેની ભૂખ એફ્રાઇમ અને ગિલ્યાદના ડુંગરો પર સંતોષાશે.” 20 “જ્યારે એ સમય આવશે ત્યારે ઇસ્રાએલમાં અધર્મ શોધ્યો નહિ જડે, યહૂદિયામાં કોઇ પાપ શોધ્યું નહિ જડે, કારણ કે, જેમને હું જીવતા રહેવા દઇશ તેમને માફ કરીશ.” આ યહોવાના વચન છે. 21 યહોવા કહે છે, “મેરાથાઇમના અને પેકોદના વતનીઓ પીછો પકડો, ચઢાઇ કરો, બંડખોર દેશ બાબિલનો હું ન્યાય કરવાનો છું; મેં તમને આજ્ઞા કરી છે તે પ્રમાણે તેઓનો સંહાર કરો. 22 દેશમાં રણનાદ ગાજે છે અને ભયંકર વિનાશ થઇ રહ્યો છે. 23 બાબિલને હથોડા સમાન બનીને જગતના દેશોના ભૂક્કા બોલાવી દીધા હતા. હવે તે હથોડો ભાંગી ગયો છે. બાબિલની તારાજી જોઇને લોકો આંચકો અનૂભવે છે. 24 હે બાબિલ! મેં તારા માટે જાળ બિછાવી હતી અને તું તેમાં સપડાઇ ગયો છે. કારણ કે તેં યહોવાની વિરુદ્ધ યુદ્ધ કર્યું. 25 યહોવાએ પોતાનો શસ્ત્રભંડાર ખોલ્યો છે અને પોતાના શત્રુઓ પર પોતાનો ક્રોધાગ્નિ પ્રગટાવવા માટે શસ્ત્રો બહાર કાઢયા છે. બાબિલ પર જે આફત આવી પડશે તે યહોવા દેવ સૈન્યોનો દેવ તરફથી હશે. 26 હા, દૂરના દેશોમાંથી સૌ કોઇ તેના પર ચઢી આવો; તેના અનાજના ભંડારો ખોલી નાખો, લૂંટના માલનો અનાજની જેમ ઢગલો કરો, એનો નાશ કરો; કશું જ બચવા ન દેશો તેના બધા રહસ્યનો નાશ કરો, કોઇ બાકી ન રહે, 27 તેના સર્વ ઢોરઢાંખરને પણ મારી નાખો, તેઓની હત્યા થવા માટે નીચે ઊતરી જવા દો! એમના દિવસો ભરાઇ ચૂક્યા છે! તેમની સજાનો દિવસ આવી પહોંચ્યો છે. 28 ધ્યાનથી સાંભળો, બાબિલમાંથી જેઓ ભાગી છૂટયા હતા તે શરણાથીર્ઓ, દેવે બાબિલના લોકો પર બદલો લીધો છે એવું જાહેર કરવા માટે સિયોન આવ્યા. જેઓએ તેના મંદિરનો નાશ કર્યો છે તેના પર દેવે વૈર વાળ્યું છે. 29 બાબિલની સામે બાણાવળીઓનો જમાવ કરો, ધનુષ્યબાણ ચલાવનારા સૌ કોઇ નગરને ચારે તરફથી ઘેરી લો. જેથી કોઇ ભાગી જવા પામે નહિ, તેના કૃત્યોનો તેને બદલો આપો, એણે બીજાની જે દશા કરી છે તે એની કરો. કારણ કે, એ મારા પ્રત્યે ઇસ્રાએલના પરમપવિત્ર યહોવા પ્રત્યે તોછડાઇથી વત્ર્યો છે. 30 તેથી યુવાન માણસો ચોકમાં માર્યા જશે. તેના તે જ દિવસે, તેના સર્વ યોદ્ધાઓ માર્યા જશે.” આ યહોવાના વચન છે. 31 આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે અભિમાની લોકો! હું તમારી વિરુદ્ધ છું. હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે. 32 હે અભિમાની પ્રજા, તું ઠોકર ખાઇને પડશે, કોઇ તને મદદ નહિ કરે! હું તારા ગામોમાં આગ લગાડીશ અને તે આસપાસનું બધું બાળીને ભસ્મ કરી નાખશે.” 33 આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે, “ઇસ્રાએલના અને યહૂદિયાના લોકો પર સિતમ ગુજારાઇ રહ્યો છે; તેમને કેદ પકડનારાઓ તેમને છટકવા દેતા નથી. 34 પરંતુ તેઓનો ઉદ્ધારક મહાન છે. તેનું નામ ‘યહોવા સર્વસમર્થ’ છે. તે અસરકારક રીતે તેઓના મુકદમાની વકીલાત કરશે અને ઇસ્રાએલમાં અને જગતમાં શાંતિ લાવશે. પરંતુ બાબિલમાં અંધાધૂંધી પેદા કરશે.” 35 યહોવા કહે છે, “બાબિલવાસીઓને માથે, બાબિલના વતનીઓને માથે, તેના આગેવાનો અને સમજણા પુરુષોને માથે તરવાર ઝઝૂમે છે. 36 તેના જૂઠા યાજકોને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમની અક્કલ બહેર મારી જશે. તેના યોદ્ધાઓને માથે પણ તરવાર ઝઝૂમે છે. તેમના હાથ હેઠા પડશે. 37 તેના ઘોડાઓ તથા રથો યુદ્ધમાં નાશ પામશે. બીજા મિત્ર દેશોમાંથી આવેલા યોદ્ધાઓ સ્ત્રીઓ જેવા નિર્બળ થશે, તેની સર્વ સંપત્તિ લૂંટાઇ જશે. 38 તેનાં જળાશયો સુકાઇ જશે, શા માટે? કારણ કે સમગ્ર દેશ મૂર્તિઓથી ભરપૂર છે અને લોકો તે મૂર્તિઓ પ્રત્યેના પ્રેમમાં પાગલ થઇ ગયા છે. 39 આથી ત્યાં બાબિલ નગરમાં વગડાના જાનવરો અને જંગલી વરુઓ વાસો કરશે, શાહમૃગો ત્યાં વસશે. ત્યાં ફરી કદી માણસો વસશે નહિ અને યુગોના યુગો સુધી તે આમ જ રહેશે.” 40 યહોવા કહે છે કે, “જેમ સદોમ તથા ગમોરા અને તેઓની આસપાસના નગરોનો નાશ કર્યો તેવી જ રીતે હું બાબિલનો નાશ કરીશ. તે સમયથી તે નગરોમાં કોઇ વસવાટ કરતું નથી, એવી જ રીતે ફરીથી કોઇ બાબિલમાં વસશે નહિ. 41 જુઓ, ઉત્તરમાંથી એક પ્રજા, એક બળવાન પ્રજા આવી રહી છે; પૃથ્વીને દૂરને છેડે મોટા મોટા રાજાઓ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. 42 લોકોએ ધનુષ્ય અને તરવાર ધારણ કરી છે; તેઓ ક્રૂર અને ઘાતકી છે. ઘોડે ચઢીને સાગરની જેમ ગર્જના કરતા આવે છે. એકેએક માણસ, હે બાબિલ, તારી સામે યુદ્ધ માટે સજ્જ છે. 43 જ્યારે બાબિલના રાજાએ આ સમાચાર સાંભળ્યાં ત્યારે તેના હાથ લાચાર થઇને હેઠા પડ્યા. પ્રસૂતિની વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ એકાએક આવી પડેલા ભયને કારણે તે તીવ્ર વેદનાથી પીડાવા લાગ્યો.” 44 યહોવા કહે છે, “જેવી રીતે ચારો ચરતાં ઘેટાં પર સિંહ તરાપ મારે, તે જ પ્રમાણે હું બાબિલની પર ત્રાટકીશ મને જે કોઇ ગમશે તેને હું તેમની પર નીમીશ. મારા સમાન કોણ છે? અને કોણ મને પડકારી શકે છે? ક્યો ઘેટાપાળક મારી વિરુદ્ધ ઊભો રહી શકે છે?” 45 માટે હવે બાબિલ વિષે મારા મનમાં શી યોજના છે; તે સાંભળી લો; અને ખાલ્દીઓ માટે મેં ઘડેલી યોજનાઓ વિષે નાનામાં નાના ઘેટાંને પણ ઘસડી લઇ જશે અને તેમના નસીબે તેમના ઘેટાંના વાડાને ભયગ્રસ્ત કરાશે. 46 બાબિલના પતનથી સમગ્ર પૃથ્વી થથરી ઉઠશે અને તેનો આર્તનાદ બધી પ્રજાઓમાં વિશ્વભરમાં સંભળાશે.

51:1 યહોવા કહે છે કે, “જુઓ, હું બાબિલની વિરુદ્ધ, તથા ખાલદીઓના સમગ્ર દેશની વિરુદ્ધ હું વિનાશક વાયુ લાવીશ અને તે તેઓનો નાશ કરશે. 2 હું વિદેશીઓને બાબિલમાં મોકલીશ; તેઓ તેને ઊપણશે અને દૂર સુધી ઉડાડી મૂકશે, વિપત્તિના દિવસે તેઓ ચારે તરફથી તેના પર ચઢી આવશે અને દેશને ચારેબાજુથી ઘેરી લઇ ઉજ્જડ કરી નાખશે. 3 ભલે તેમના ધર્નુધારી માણસો પોતાના હથિયાર વાપરવા માટે તૈયાર ન હોય. તેમના સૈનિકોને બખતર પહેરવા દેશો નહિ. તેઓના સૈનિકો પર દયા ન બતાવશો, તેમના સૈન્યનો નાશ કરો. 4 ખાલદીઓના દેશમાં તેઓની હત્યા થઇને પડશે અને તેની શેરીઓમાં તેઓના મૃતદેહો પડ્યા રહેશે.” 5 કારણ કે, ઇસ્રાએલને તેમના સૈન્યોનો દેવ યહોવા નીચું નહિ પાડે. બાબિલની ભૂમિ ઇસ્રાએલના સૈન્યોનો યહોવા દેવની વિરુદ્ધ અપરાધોથી ભરેલી છે. 6 બાબિલમાંથી ભાગી જાઓ! સૌ પોતપોતાના જીવ બચાવવા નાસી જાઓ! બાબિલના પાપે તમે મરશો નહિ, કારણ કે બદલો લેવાનો આ યહોવાનો સમય છે. તે તેને ઘટતી સજા કરી રહ્યા છે. 7 બાબિલ તો યહોવાના હાથમાં સોનાના પ્યાલા સમું હતું. તેણે સમગ્ર સૃષ્ટિને તેનો દ્રાક્ષારસ પીવડાવ્યો છે. પ્રજાઓએ તે પીધો અને તેઓ ઘેલા થયા. 8 પરંતુ હવે બાબિલનું અચાનક પતન થયું છે. તે ભાંગ્યું છે. તેને માટે ચિંતા કરો, તેના ઘા માટે ઔષધી લઇ આવો. કદાચ તે સાજું થાય પણ ખરું. 9 બાબિલના ઘા રૂઝવવા અમારાથી શક્ય તેટલો પ્રયત્ન અમે કર્યો, પરંતુ તે સ્વસ્થ ન થયું. એને છોડી દઇને, ચાલો આપણે સહુ પોતપોતાના દેશમાં પાછા ફરીએ, કારણ કે તે અમાપ સજાને પાત્ર છે. 10 યહોવાએ કહ્યું કે આપણે ન્યાયી છીએ. ચાલો, આપણા યહોવાએ જે સર્વ કર્યું છે તે આપણે યરૂશાલેમમાં જઇને કહી સંભળાવીએ. 11 તમારાં બાણને ધારદાર બનાવો! તમારા ભાથાં ભરી લો! ઢાલ ઊંચી કરો! કારણ કે બાબિલ પર ચઢાઇ કરી તેનો વિનાશ કરવા યહોવાએ માદીઓના રાજાઓને કહ્યું છે. અનિષ્ટ આચરણ કરનાર મંદિરને અપવિત્ર કરનાર લોકો પર આ રીતે યહોવા વૈર વાળી રહ્યાં છે. 12 બાબિલની દીવાલો પર આક્રમણ કરવા માટે સંકેત આપો, સંરક્ષણ મજબૂત કરો અને ચોકિયાતોને શહેરની આસપાસ ગોઠવો. ઓચિંતો છાપો મારવા માટે છુપાઇને પડ્યા રહો, કારણ કે યહોવાએ જે કહ્યું છે તે સર્વ તે સંપૂર્ણ કરશે. 13 તમે બાબિલની નદીઓને કાંઠે વસવાટ કરો અને તેની વિપુલ સમૃદ્ધિને માણો. તારો અંત આવ્યો છે; તારી જીવનદોરી કપાઇ જશે. 14 સૈન્યોનો દેવ યહોવાએ પોતાના નામના સમ ખાઇને પ્રતિજ્ઞા કરી છે કે, “હું તીડોના ટોળાંની જેમ ગણ્યા ગણાય નહિ તેટલા માણસોને તારી સામે લાવીશ અને તેઓ તારો પરાજય કરી વિજયનાદ કરશે.” 15 યહોવાએ પોતાની શકિત અને બુદ્ધિથી પૃથ્વીનું સર્જન કર્યું છે, પોતાના જ્ઞાનથી તેને સ્થિર કરીને સ્થાપી છે, પોતાના કૌશલથી આકાશને ફેલાવ્યું છે. 16 જ્યારે તે બોલે છે, ત્યારે આકાશમાં ગર્જના થાય છે. દુનિયાના દૂર દૂરના ખૂણેથી તે વાદળોને ઉપર ચઢાવે છે. તે વરસાદ લાવે છે અને સાથે વીજળી ચમકાવે છે, અનેે પવનને મોકલે છે. 17 તેમની સરખામણીમાં સર્વ માણસો મૂર્ખ છે, તેમને કશી ખબર નથી. દરેક પોતે બનાવેલી મૂર્તિ જોઇને લજ્જિત થાય છે, કારણ કે તે બધી મૂર્તિઓ તો ખોટી છે. પ્રાણ વગરની છે. 18 મૂર્તિઓ વ્યર્થ છે, હાંસીપાત્ર છે, તે ખોટી છે; દેવ તેમને સજા કરશે ત્યારે તે સર્વનો નાશ કરશે. 19 પરંતુ યાકૂબનો દેવ એવો નથી; તે તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે, અને ઇસ્રાએલીઓને તે પોતાની પ્રજા ગણે છે, તેનું નામ સૈન્યોનો દેવ યહોવા છે. 20 યહોવા કહે છે, “હે બાબિલ નગરી, તું મારી ફરશી તથા યુદ્ધશસ્ત્રો છે; તારા વડે હું સર્વ પ્રજાઓનું ખંડન કરીશ; અને તારા વડે હું રાજ્યોનો નાશ કરીશ; 21 તારા વડે હું સૈન્યોને, ઘોડા તથા તેના સવારોને અને રથ તથા રથસવારોને કચડી નાખીશ, 22 અને હા, સામાન્ય લોકોને પણ, એટલે વૃદ્ધોને તથા જુવાનોને, છોકરાઓને તથા કન્યાઓને, 23 ઘેટાંપાળકોને તથા ઘેટાબકરાનાં ટોળાંને, ખેડૂતોને તથા બળદોને, કપ્તાનોને તથા અધિકારીઓને હું કચડી નાખીશ. 24 બાબિલે તથા ખાલદીઆના બધાં લોકોને, તેમણે સિયોનમાં આચરેલા કુકમોર્ને લીધે હું સજા કરીશ. તે હું તમારી નજર સામે જ કરીશ.” એમ યહોવા કહે છે. 25 યહોવા કહે છે, “હે બળવાન પર્વત બાબિલ, પૃથ્વીનો નાશ કરનાર, હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તારી ઊંચાઇઓ પરથી તને નીચે ગબડાવીશ, અને અગ્નિથી ભસ્મ થયેલા પર્વત જેવો કરી તને છોડી દઇશ. 26 તારો કોઇ પણ પથ્થર બાંધકામ માટે કે પાયાના પથ્થર તરીકે પણ નહિ વપરાય. તું સદાને માટે ખંડેર રહેશે.” આ હું યહોવા બોલું છું. 27 “પૃથ્વી પર ઝંડો ફરકાવો, બધી પ્રજાઓમાં રણશિંગડા ફૂંકાવો, બાબિલ સામે જેહાદ જગાવવાને પ્રજાને આહવાન આપો, અરારાટ, મિન્ની અને આશ્કેનાઝના રાજ્યોને તેની સામે લડવા બોલાવો, તેની સામે હુમલો લઇ જવાને સેનાપતિ નીમો. તીડોના ટોળાંની જેમ ઘોડેસવારોને ભેગા કરો. 28 તેની વિરુદ્ધ માદીઓના રાજાઓ વિરુદ્ધ, અને તેના અધિકારીઓ અને અમલદારો સાથે તે સર્વ દેશોના લોકો જે તે તેના રાજ્યનો ભાગ છે તેની વિરુદ્ધ લડાઇને માટે તૈયારી કર. 29 પૃથ્વી ધણધણી અને ધ્રુજી ઊઠે છે, કારણ કે યહોવા બાબિલને નિર્જન વગડાઉ સ્થળ બનાવવાની તેની યોજના પાર પાડે છે. 30 બાબિલના અતિ પરાક્રમી યોદ્ધાઓ હવે યુદ્ધ કરતા નથી. તેઓ કિલ્લાઓમાં ભરાઇ ગયા છે, તેઓ હિંમત હારી ગયા છે. અને સ્ત્રીઓ જેવા થઇ ગયા છે. આક્રમણ કરનારાઓએ તેઓનાં ઘરો બાળી નાખ્યા છે અને નગરના દરવાજાઓ તોડી નાખ્યાં છે. 31 “આખું શહેર કબ્જે થઇ ગયું છે” તેવું કહેવાને ચારેબાજુથી સંદેશાવાહકો એક પાછળ એક રાજા પાસે દોડી આવ્યા છે! 32 નદી પાર કરવાના દરેક રસ્તાઓ કબ્જે કરાયા છે. બરૂની ઝાડીઓને આગ લગાડવામાં આવી છે, અને સૈનિકો ગભરાઇ ગયા છે.” 33 ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે: “બાબિલની સ્થિતી તો ઘઉ ઝૂડવાની ખળી જેવી છે જ્યાં ઘઉં ઝૂડવાના છે. થોડી વાર પછી ત્યાં લણણીની ઉપજને ધોકાવાનું શરું થશે.” 34 યરૂશાલેમ કહે છે, “બાબિલનો રાજા નબૂખાદરેસ્સાર મને ખાઇ ગયો છે, મને ચૂસી લીધો છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને હાંકી કાઢયા છે.” 35 યરૂશાલેમના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલા દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત તેને ચૂકવવા દો!” 36 આથી યહોવા પોતાના લોકોને કહે છે, “હું જાતે તમારો પક્ષ લઇશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાંને વહેતા બંધ કરી દઇશ, 37 અને બાબિલને ખંડેરનો ઢગલો બાનવી દઇશ. જ્યાં શિયાળવાં આવીને વસશે. લોકો તેની હાંસી અને નાલેશી કરશે અને કોઇ ત્યાં વાસો કરશે નહિ. 38 બાબિલવાસીઓ બધા ભેગા થઇને સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાંની જેમ ઘૂરઘૂરાટ કરે છે. 39 જ્યારે તેઓ પોતાના દ્રાક્ષારસથી મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે અલગ પ્રકારની ઉજાણી તૈયાર કરીશ, તેઓ બેભાન થઇને ભોંય પર પછડાય ત્યાં સુધી તેઓ પીયા જ કરે, એવું હું કરીશ. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ,” એમ યહોવા કહે છે. 40 “હું તેઓને કતલ માટે લઇ જવાતા ઘેટાંઓની જેમ લઇ જઇશ.” 41 બાબિલ વિષે યહોવા કહે છે; “જે નગરની પ્રસંશા સમગ્ર દુનિયા કરતી હતી તે નગરનું પતન થયું છે. બાબિલની આવી બિહામણી સ્થિતી જોઇ દુનિયાની પ્રજાઓ આઘાત અનુભવે છે. 42 બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેના મોજાઓએ તેને ઢાંકી દીધું છે. 43 તેના નગરો ખંડેર સ્થિતીમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઇ ગયો છે. ત્યાં કોઇ રહેતું નથી અને તેમાં થઇને યાત્રીઓ પણ પસાર થતા નથી.” 44 યહોવા કહે છે, “હું બાબિલમાં બઆલ દેવને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે. 45 ઓ મારી પ્રજા, બાબિલમાંથી નાસી જાઓ; યહોવાના ભયંકર રોષમાંથી જીવ બચાવવા સૌ ભાગી જાઓ! 46 હિંમત હારશો નહિ, દેશમાં ફેલાતી અફવાઓથી ગભરાઇ જશો નહિ, એક વરસે એક અફવા ફેલાય છે, અને બીજે વરસે બીજી- દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યો છે. 47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું. આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે. 48 ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે, અને ત્યારે આકાશ અને પૃથ્વી તેમજ તેમાંનું સર્વ કઇં બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે.” આ યહોવાના વચન છે. 49 “બાબિલને કારણે સમગ્ર પૃથ્વીમાં માણસો કપાઇને પડ્યા છે અને હવે ઇસ્રાએલમાં હત્યા થયેલાઓને કારણ કે બાબિલને પડ્યા વગર છૂટકો નથી. 50 તમે જેઓ તેની તરવારનો ભોગ બનતા બચી ગયા છો, તે ભાગી જાઓ! રોકાશો નહિ! દૂર દેશમાં યહોવાને સંભારજો, અને યરૂશાલેમને ભૂલશો નહિ.” 51 લોકો કહે છે, “તે અત્યાચારોની વાતો સાંભળીને આપણે સૌ લજવાઇ મરીએ છીએ, આપણે લજ્જિત થયા છીએ, કારણ કે, વિદેશીઓ યહોવાના મંદિરના પવિત્રસ્થાનોમાં પેસી ગયા છે.” 52 તેથી યહોવા કહે છે, “જુઓ, એવો સમય આવી રહ્યો છે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ અને સમગ્ર દેશમાં ઘવાયેલાઓનો આર્તનાદ સંભળાતો હશે. 53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઉંચા કોટોની કિલ્લેબંધી કરે તોપણ હું તેને હતું ન હતું કરી નાખવા માણસો મોકલીશ.” આ યહોવાના વચન છે. 54 “સાંભળો, બાબિલમાંથી આવતા રૂદનસ્વર, અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો. 55 યહોવા બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે. શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે. 56 હા, સંહાર કરનારાઓ બાબિલ પર તૂટી પડ્યા છે; તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે અને તેમનાં ધનુષ્ય તોડી પડાયા છે, યહોવા તે યહોવા છે જે દુષ્કૃત્યો માટે સજા કરે છે; તે પૂરો બદલો લેશે.” 57 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, કપ્તાનીઓને, તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ, તેઓ અનંત નિંદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ. 58 બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઇ જશે, તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે, જે બાંધવા માટે ઘણાં લોકોએ પોતાની જાતને ધસી નાખી હતી તે બધું ભસ્મ થઇ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.” 59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાનો રાજા માહસેયાના પુત્ર નેરિયાનો પુત્ર સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યમિર્યા પ્રબોધકે સરાયાને આપી તે આ: સરાયા તો લશ્કરનો અફસર હતો. 60 યમિર્યાએ એક પોથીમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું. 61 તેણે સરાયાને કહ્યું, “જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે અને પછી કહેજે કે, 62 ‘હે યહોવા, તે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઇ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઇ નહિ; તે સદાકાળ ઉજ્જડ રહેશે.’ 63 જ્યારે તું આ પોથી વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાંત નદીની વચ્ચોવચ્ચ એમ કહીને નાખી દેજે કે, 64 ‘આવા જ હાલ બાબિલના થશે, યહોવા બાબિલ પર એવી આફત ઉતારનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી પર આવે નહિ.”‘અહીં યમિર્યાના વચન પૂરા થાય છે.

52:1 સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી. 2 સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. 3 હકીકત એ છે કે, યરૂશાલેમે અને યહૂદિયાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે આખરે તેણે તેમને પોતાના સાન્નિધ્યમાંથી હાંકી કાઢયાં, અને સિદકિયાએ બાબિલ સામે છળકપટ કર્યું. 4 સિદકિયાના રાજ્યકાળમાં નવમે વષેર્ દશમાં મહિનાના દશમાં દિવસે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે પોતાની આખી સૈના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો. 5 તેણે એ શહેરને કબજે કર્યુ અને તેની ફરતે ઘેરો બાંધવા માટેની દીવાલો બાંધી, રાજા સિદકિયાના શાસનમાં અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. 6 ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાતી હતી અને લોકોને ખાવાનું મળતું નહોતું. 7 પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું, અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા બે દીવાલો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો, આમ બન્યું તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ યર્દનની ખીણ તરફ આગળ વધ્યા. 8 પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ. 9 બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઇ ગયા અને રાજા આગળ રજૂ કર્યો, અને તેણે તેના પર કામ ચલાવ્યું. 10 બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં. 11 ત્યારબાદ રાજા સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવી અને તેને સાંકળોથી બાંધીને બાબિલ લઇ જવામાં આવ્યો અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો. 12 બાબિલના રાજા નબૂખાદરેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. 13 તેણે યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરના દરેક મોટા મકાનોને આગ ચાંપીં. 14 તેના લશ્કરે યરૂશાલેમની ફરતેની દીવાલોને તોડી પાડી. 15 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો, 16 પરંતુ ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને છોડ્યો. તેઓએ તેમને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી. 17 ખાલદીઓ મંદિરમાંના પ્રવેશદ્વાર પાસે ઊભા કરેલા કાંસાના બે મોટા સ્તંભોને, કાંસાના હોજને અને પૈડાવાળી ઘોડીઓને ઉપાડીને બાબિલ લઇ ગયા. 18 વળી મંદિરમાં વપરાતા કૂડાં, પાવડીઓ, બુજારાં, ડોયાં, વાટકાં અને બધા જ વાસણો અને સાધનો પણ લઇ ગયા. 19 રાજાના અંગ રક્ષકોનો નાયક સોના ચાંદીની બધી વસ્તુઓ લઇ ગયો જેવી કે: કટોરાઓ, ધૂપદાનીઓ, કૂંડાઓ, ઘડાઓ, દીવીઓ, તપેલાઓ, વાટકાઓ વગેરે જે બધું પેયાર્પણો ચઢાવવા માટે વપરાતું હતું. 20 આ બધી વસ્તુઓ જે સુલેમાને બનાવડાવી હતી (બે સ્તંભો ‘સમુદ્ર’ નામે ઓળખાતો કાંસાનો હોજ, તેની નીચેના વીસ બળદો અને પૈડાંવાળી ઘોડી) તે બધી વજનમાં ખૂબ ભારે હતી. 21 એક સ્તંભ 18 હાથ ઊંચો અને 12 હાથના પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેની જાડાઇ ચાર આંગળ હતી. 22 દરેક સ્તંભની ટોચે પાંચ હાથનો (શિખર તરીકે ઓળખાતો) પિત્તળનો કળશ હતો. તેની બાર હાથની પહોળાઇની ચારે બાજુ તે પિત્તળના દાડમ વડે શણગારાયેલો હતો તે અંદરથી પોલો હતો અને એક હાથ જાડો હતો. 23 દરેક સ્તંભ પર સો દાડમ હતા, પણ તેમાંથી છન્નું જ નજરે જોઇ શકાતા હતાં. 24 રક્ષકટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને મંદિરના ત્રણ મુખ્ય રક્ષકોને પોતાની સાથે લઇ ગયો. 25 તદુપરાંત તે લશ્કરના વડા અમલદારને, રાજાના સાત સલાહકારોને બંધક બનાવીને લઇ ગયો, તે ઉપરાંત તે લહિયો જે સૈન્યમાં લોકોની ભરતી કરવા માટેનો મુખ્ય અધિકારી હતો તેને અને નગરના બીજા સાઠ મોભાદાર માણસોને પોતાની સાથે લઇ ગયો. 26 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહ ખાતે બાબિલના રાજા આગળ લઇ ગયો. 27 અને હામાથના દેશ રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યાં. આમ યહૂદિયાને પોતાના દેશમાંથી દેશવટે લઇ જવામાં આવ્યા. 28 નબૂખાદરેસ્સારના રાજ્યકાળના 7 વષેર્ બાબિલના બંદીવાસમાં લઇ જવાયેલાઓની સંખ્યા 3,023 હતી. 29 અને અઢારમાં વર્ષમાં 832 યરૂશાલેમવાસીઓને તે દેશવટે લઇ ગયો. 30 ફરીથી 5 વર્ષ બાદ 23 વષેર્ અંગરક્ષકોનો નાયક નબૂઝારઅદાન 745 યહૂદીઓને દેશવટે લઇ ગયો હતો.આમ કુલ 4,600 માણસોને બંદીવાસમાં લઇ જવાયા. 31 બાબિલમાં યહૂદિયાના રાજા યહોયાકીનના દેશવટાના સાડત્રીસમા વર્ષના બારમાં મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે ગાદીએ આવ્યો તે જ વરસે યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો. 32 તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો. 33 આથી યહોયાકીમએ કારાવાસનાં કપડાં ઉતારી નાખી, એમણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા, અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું. 34 અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિભાવ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે તેને આપવામાં આવ્યું.