1:1 ઉસ નામના દેશમાં અયૂબ નામે એક માણસ રહેતો હતો. તે ભલો, પ્રામાણિક અને દેવથી ડરનાર અને દુષ્ટ વસ્તુ કરવાની મનાઇ કરતો હતો. 2 તેનો પરિવાર મોટો હતો. અયૂબને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ મળી કુલ દશ સંતાન હતા. 3 તેની પાસે મિલકતમાં 7,000 ઘેટાં, 3,000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓં અને અનેક નોકર-ચાકર હતાં. સમગ્ર પૂર્વવિસ્તારમાં અયૂબના જેવો કોઇ ધનાઢય માણસ ન હતો. 4 અયૂબના સર્વ પુત્રોમાં રિવાજ હતો, દરેક પુત્ર પોતપોતાના જન્મદિનની ઉજવણીમાં પોતાનાં ભાઇબહેનોને નિમંત્રણ આપતા. તે સમયે સૌ સાથે મળીને ખાતાંપીતા અને આનંદપ્રમોદ કરતાં. અયૂબના પુત્રો વારા પ્રમાણે તેઓને ઘરે ઉજવણી રાખતા અને તેઓ તેઓની બહેનોને આમંત્રણ આપતા. 5 તેના સંતાનો એ ઉજવણી કર્યા પછી અયૂબ વહેલી સવારમા ઊઠતો અને દહનાર્પણ કરતો. તે વિચારતો, “મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઇને તેઓની ઉજવણી પર દેવ વિરૂદ્ધ કોઇ પાપ કર્યું હોય.” અયૂબ હંમેશા આ દહનાર્પણ કરતો જેથી તેના સંતાનોને તેઓના પાપોની માફી મળી જાય. 6 એક દિવસ દેવદૂતો યહોવાની આગળ ભેગા થયા હતા. તેઓની સાથે દુષ્ટ શેતાન પણ ઉપસ્થિત હતો. 7 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં ગયો હતો?”શેતાને યહોવાને જવાબ આપ્યો. “હું પૃથ્વી પર આમતેમ ભટકતો હતો.” 8 પછી યહોવાએ શેતાનને કહ્યું, “તો પછી તેં મારા સેવક અયૂબને જોયો હશે! તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ વસ્તુનો ઇન્કાર કરનાર છે.” 9 શેતાને કહ્યું, “અયૂબ કારણ વિના દેવની ઉપાસના કરે છે? 10 તમારા રક્ષણથી તેનું જીવન, તેનું ઘર, તેની સંપતિ બધુંજ સુરક્ષિત છે. તે જે કઇ કરે છે તેમાં તમે તેને સફળ બનાવ્યો છે. હા, તમે તેને આશીર્વાદ આપ્યા છે. તે એટલો શ્રીમંત છે કે તેના ગાયના અને ઘેટાઁ બકરાઁના ઘણનાઘણ આખા દેશભરમાં છે. 11 એક વાર તેની સંપત્તિને સ્પર્શ કરો, પછી જુઓ, એ કેવો તમારી સામો થાય છે? તે તમને તમારી સામે જ શાપ આપે છે કે નહિ?” 12 યહોવાએ શેતાનને કહ્યું, “જો, તેની તમામ ચીજો હું તને સોપુઁ છુઁ; પણ તેને નુકસાન કરતો નહિ” એ પછી શેતાન યહોવાની હાજરી છોડી ચાલ્યો ગયો. 13 એક દિવસે તેના પુત્રો અને તેની પુત્રીઓ તેઓનો મોટા ભાઈના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતા હતા. તે સમયે, 14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા. 15 એટલામાં અચાનક શબાઇમ લોકોએ અમારા પર હુમલો કર્યો. અને તમારા બધા પશુઓને ઊપાડી ગયા અને બધા સેવકોને મારી નાંખ્યા, ફકત હું જ બચી ગયો છું તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.” 16 જ્યારે એક સંદેશવાહક આ કહેતો હતો, એટલામાં વળી બીજો સેવક આવ્યો અને કહ્યું, “આકાશમાંથી વીજળી પડી છે અને ગાયના ઘણો અને સેવકો બળીને રાખ થઇ ગયા છે. ફકત હું જ બચી ગયો છું. તેથી તમને હું આ દુ:ખદ સમાચાર કહેવા આવ્યો છું.” 17 તે બોલવાનું પૂરું કરે તે પહેલા, એક ત્રીજો સંદેશવાહક આવ્યો અને કહ્યું, “કાસ્દીઓએ સૈનિકોના ત્રણ ટોળા મોકલ્યા. તેઓએ અમારા પર હુમલો કર્યો અને ઊંટો લઇ લીધા. તેઓએ સેવકોને મારી નાખ્યા છે. તમને આ સમાચાર આપવા ફકત હું જ બચી ગયો છુ.” 18 જ્યારે તે આ કહેતો હતો, ત્યાં હજી એક આવ્યો અને કહ્યું, “તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના મોટાભાઇના ઘરમાં ખાતાઁ હતાઁ અને દ્રાક્ષારસ પીતાઁ હતાઁ. 19 પછી રણમાઁથી અણધાર્યો જોરદાર પવન આવ્યો અને ઘરને ફૂંકી માર્યુ. ઘર તમારા પુત્રો અને પુત્રીઓ પર પડ્યું અને તેમને મારી નાખ્યા ફકત હું જ બચીગયો છુઁ. તેથી હું તમને આ સમાચાર આપવા આવ્યો છું.” 20 પછી અયૂબ ઊભો થયો. તેણે શોકમાં તેના કપડાં ફાડી નાખ્યાં, માથું મૂંડાવી નાંખ્યું અને જમીન પર પડીને દેવને ઉપાસના કરી. 21 કહ્યું કે,“મારી માતાના ગર્ભસ્થાનમાંથી હું નગ્ન આવ્યો હતો અને મારા મૃત્યુ સમયે પણ મારી પાસે કશું જ નહિ હોય.યહોવાએ આપ્યું, અને યહોવાએ લઇ લીધું છે; યહોવાના નામને ધન્ય હો.” 22 આ બધું બની ગયું, પણ અયૂબે દુષ્ટતા કરી નહિ. દેવે ખોટું કર્યુ હતું એમ તેણે કહ્યું નહિ.
2:1 ફરી એક વખત દેવદૂતો યહોવાની સમક્ષ હાજર થયા, ત્યારે તેઓની સાથે શેતાન પણ આવીને યહોવાની આગળ હાજર થયો. 2 યહોવાએ શેતાનને પૂછયું, “તું ક્યાં જઇ આવ્યો?”શેતાને યહોવાને કહ્યું, “હું પૃથ્વી પર ચારે તરફ ભટકતો હતો.” 3 યહોવાએ શેતાનને પૂછ્યું કે, “શું તેઁ મારા સેવક અયૂબને ધ્યાનથી જોયો છે? પૃથ્વી પર તેના જેવો કોઇ નથી. તે ભલો, પ્રામાણિક, દેવથી ડરનાર, અનિષ્ટ કમોર્ કરવાનો ઇન્કાર કરનાર છે. એને હેરાન કરવાને તેઁ મને પડકાર ફેક્યો અને તે પણ કોઇ કારણ વગર,અને તે છતાં પણ તે તેની પ્રામાણિકતાને દ્રઢતાથી વળગી રહ્યો છે.” 4 શેતાને યહોવાને જવાબ આપ્યો, “માણસ કોઇપણ ભોગે પોતાનું જીવન બચાવતો હોય છે. તે ચામડીને બદલે ચામડી પણ આપે છે. 5 તમે તેના શરીરને સ્પર્શ કરો અને માંદગી આપો. પછી જુઓ, તે તમારી સામો થશે અને તમારા પર શાપ વરસાવશે.” 6 પછી યહોવાએ શેતાનને કહ્યું કે, “જા, હું એને તારા હાથમાં સોંપુ છું. તારે એનું જે કરવું હોય તે કરજે; ફકત તેનો જીવ બચાવજે.” 7 પછી યહોવા પાસેથી શેતાન ચાલ્યો ગયો, તેણે અયૂબને તેના પગના તળિયાથી તે તેના માથા સુધી દુ:ખદાયક ગૂંમડાથી ભરી દીધો. 8 તેથી અયૂબ ધૂળમાં બેઠો, અને તેની ખંજવાળ મટાડવા તેના ઘા ને ખજવાળવા તેણે માટીના એક તૂટેલા ટૂકડાનો ઊપયોગ કર્યો. 9 તેની પત્નીએ તેને કહ્યું, “તમે હજુ પણ દેવને વળગી રહ્યાં છો? તમે દેવ પર શાપ વરસાવો અને જીવનનો ત્યાગ કરો!” 10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. 11 આ અયૂબ પર આવી પડેલી આફતોની વાત તેના ત્રણ મિત્રોના જાણવામાં આવી તેઓએ તેમના ઘર છોડ્યા એક બીજાને સાથે મળ્યા. તેઓ અયૂબ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા અને તેને આશ્વાસન આપવા જવા માટે સંમંત થયા. તે મિત્રોના નામ તેમાનથી અલીફાઝ, શૂહીથી બિલ્દાદ અને નાઅમાંથી સોફાર હતાં. 12 તેઓએ દૂરથી અયૂબને જોયો અને હવે તે ઓળખી ન શકાય તેવો થઇ ગયો હતો તેથી તેઓ મોટે અવાજે રડ્યા, શોકના માર્યા પોતાના વસ્ત્રો ફાડી નાંખ્યા અને તેઓનો શોક વ્યકત કરવા, તેઓ તેઓના માથા પર રેતી વરસાવવા લાગ્યાં. 13 તેઓ સાત દિવસ અને સાત રાત તેની સાથે જમીન પર બેસી રહ્યા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહિ. કારણકે તેઓએ જોયું કે અયૂબનું દુ:ખ ખૂબ વિશાળ હતું.
3:1 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે. 2 અયૂબે કહ્યું; 3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય! 4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત, અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય! મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’ તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત. 5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું, તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું, હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે. 6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે, પંચાગમાં તે સુખનો દિવસ કોઇ મહિનામાં પણ તે ન ગણાય. 7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ, તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય. 8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો. 9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ. 10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ. 11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો? જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો? 12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો? માતાએ શા માટે મને ધવડાવ્યો? 13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તોે અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત. 14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે. 15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત! 16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે હું એ બાળક ન હતો? મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી તે એક બાળક જેવો હું હોત! 17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે. 18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી. 19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે. 20 માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે. એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે? 21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતંુ નથી. તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે. 22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે. તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે. 23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે. 24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે. 25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે અને બરોબર તેમજ થયું. 26 હું શાંત રહીં શકતો નથી, હું સ્વસ્થ થઇ શકતો નથી, હું આરામ કરી શકતો નથી, હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું. જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”
4:1 પછી તેમાનના અલીફાઝે જવાબ આપ્યો કે, 2 “શું, હું તને એકાદ બે શબ્દ કહું તો તું સહન કરી શકીશ? અને હવે હું કહ્યાં વગર પણ કેવી રીતે રહી શકું? 3 જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે. 4 તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને જેં લોકો પોતાની જાતે પગભર નથી તેમને તેં પ્રબળ કર્યા છે. 5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે, ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે, જ્યારે તારો વારો આવ્યો છે ત્યારે તું ગભરાઇ જાય છે. 6 દેવ પ્રત્યે તને ખરેખર વિશ્વાસ છે? તારી વિશ્વસનીયતાને કારણે તું આશા રાખે છે? 7 વિચારી જો, નિદોર્ષ લોકો કદી નાશ પામ્યા છે? કદી એક સારી વ્યકિતનો નાશ થયો છે? 8 મને એવો અનુભવ છે કે, જેઓ પાપ અને અડચણો વાવે છે, તેઓ તેવું જ તે લણે છે. 9 દેવની એક ફૂંકથી જ તેઓ ઊડી જાય છે, તેમના એક કોપના ફૂંફાડા માત્રથી જ તેઓ ફેંકાઇ જાય છે. 10 દુષ્ટો બરાડા પાડે છે અને સિંહની જેમ ઘુરકે છે. પરંતુ દેવ દુષ્ટોને મૂંગા કરી દે છે, અને તેઓના દાંત તોડી નાખે છે. 11 હા, તે દુષ્ટ લોકો, શિકાર શોધી ન શકે તેવા સિંહ જેવા છે. તેઓ મરી જાય છે અને તેઓના બચ્ચાં રખડી પડે છે. 12 હમણા એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા. 13 જ્યારે માણસને રાત્રે નિદ્રા ઘેરી વળે છે ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં- 14 હું ભયથી જી ગયો અને મારાઁ સર્વ હાડ થથરી ઊઠયાં. 15 ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઇ ગયો અને મારા શરીરનાં રૂઆં ઉભા થઇ ગયાં. 16 તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી, અને ત્યાં શાંતિ હતી. પછી મેં એક ખૂબજ શાંત અવાજ સાંભળ્યો. 17 ‘શું માણસ દેવ કરતાં વધારે ન્યાયી હોઇ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઇ શકે? 18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી; એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે. 19 તો વસ્તુત: લોકો વધારે ખરાબ છે! લોકો પાસે માટીના ઘરો જેવા શરીર છે. તેમના પાયા ગંદવાડમાં હોય છે. તેઓને કચરીને મારવું તે પતંગિયા મારવા કરતાં પણ સહેલું છે. 20 તેઓ સવારમાં જીવતા હોય છે પણ સાંજ પડતા તો મૃત્યુ પામે છે. તેઓ સદાને માટે ચાલ્યા જાય છે, કોઇ તેઓની ચિંતા કરતું નથી. 21 જો તેઓના તંબૂના દોરડાં ઉપર તાણ્યાં હોય તોે આ લોકો ડહાપણ રહિત મરી જાય છે.”
5:1 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે? 2 ક્રોધ મૂર્ખ માણસને મારી નાખે છે, ઇર્ષ્યા મૂર્ખનો નાશ કરે છે. 3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે. 4 તેનાં સંતાનોને મદદ કરવાવાળું કોઇ નથી, તેઓ ન્યાયાલયમાં ભાગી પડ્યાં છે. અને તેઓનો બચાવ કરે એવું કોઇ નથી. 5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે! 6 જટિલ સમસ્યાઓ ધરતીમાંથી નથી ઉગતી, અને મુશ્કેલીઓ જમીનમાંથી નથી ફૂટતી. 7 પરંતુ જેમ અગ્નિ તણખો પેદા કરે છે તેવીજ રીતે મનુષ્ય જટિલ સમસ્યાઓનો સામનો કરવા જ જન્મ્યો છે. 8 છતાં જો તમે મને પૂછો તો હું દેવ પાસે જઇશ અને તેમની સામે મારો કિસ્સો રજુ કરીશ. 9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે. 10 તે પૃથ્વી પર વર્ષા વરસાવે છે અને ખેતરોમાં જળ પહોંચાડે છે. 11 તે ગરીબ અને નમ્ર લોકોને ઉચ્ચ બનાવે છે; તથા શોકાતુરોને ઊંચે ચઢાવી સુરક્ષા આપે છે અને શાંતિ આપે છે. 12 તે ચાલાક, દુષ્ટ લોકોની યોજનાઓ બગાડી નાખે છે જેથી તેઓ સફળ ન થાય. 13 કપટી લોકો પણ પોતાના જ છળકપટમાં ફસાઇ જાય છે. દેવ તેમના દુષ્ટકમોર્નો નાશ કરે છે. 14 ધોળે દહાડે તેઓ અંધારાને ભટકાય છે, તેઓ અંધજનની જેમ ખરે બપોરે રાતની જેમ ફાંફા મારે છે. 15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે. 16 તેથી ગરીબને આશા રહે છે અને દુષ્ટોનું મોઢું ચૂપ કરી દેવામાં આવશે. 17 દેવ જેને સુધારે છે તે ભાગ્યશાળી છે, માટે તું સર્વ સમર્થ દેવની શિક્ષાની અવજ્ઞા કરીશ નહિ. 18 કારણકે તે દુ:ખી કરે છે અને તે જ પાટો બાંધે છે; ઘા કરે છે અને ઘા રુઝાવે પણ છે. 19 તેઓ તમને છ આફતોમાંથી બચાવશે, સાતમીથી તમને દુ:ખ થશે નહિ. 20 તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે. 21 નિંદાખોરોથી તું સુરક્ષિત રહીશ, અને આફતની સામે પણ તું નિર્ભય રહીશ. 22 વિનાશ અને દુકાળને તું હસી કાઢીશ.અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ગભરાઇશ નહિ, 23 તારા ખેતરના પથ્થરો પણ તારી દલીલમાં ભાગ લેશે, જંગલી જાનવરો પણ તારી સાથે સુલેહ કરશે. 24 તું બહાર હોઇશ ત્યારે પણ તારે તારા ઘરની કશી ચિંતા કરવાની રહેશે નહિ, અને તું તારા પોતાના વાડાને તપાસી જોઇશ, તો બધું સુરક્ષિત હશે. 25 તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે. 26 તું જેમ લણણીની ઋતું સુધી ઘંઉ ઊગે છે તેમ, તું તારી બરોબર પાકી ઉંમરે તારી કબરમાં જઇશ. 27 અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.”
6:1 પછી અયૂબે આ મુજબ જવાબ આપ્યો: 2 “અરે! મારા દુ:ખો અને વેદનાઓને ત્રાજવે તોળી શકાય એમ હોત તો! 3 તો તે સમુદ્રોની રેતી કરતાઁ પણ વજનમાં વધારે હોત. મારા વચનો મૂર્ખ જેવા લાગવાનું એજ કારણ છે. 4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે. 5 જંગલી ગધેડા જ્યારે ઘાસ મળે છે ત્યારે ભૂંકતા નથી. જ્યારે ઘાસ મળતું હોય ત્યારે બળદો બરાડા પાડતા નથી. 6 મીઠા વગરનો બેસ્વાદ ખોરાક કોણ ખાય? અથવા ઇડાના સફેદ ભાગનો કોઇ સ્વાદ હોય છે? 7 હું તેને અડકવા નથી માગતો; એ જાતના ખાવાનાથી હું થાકી ગયો છું. 8 અરે! દેવ મારી પ્રાર્થના સ્વીકારે અને મારી આશા પૂરી કરે! 9 મને થાય છે દેવ મને કચરી નાખે, જરા આગળ વધે અને મને મારી નાખે. 10 અને જો એ મને મારી નાખે, તો મને એક વાતનો દિલાસો થશે, મને એક વાતની ખુશી થશે, કે આટલું બધું દુ:ખ હોવા છતાં મે પવિત્ર દેવનાં વચનો પ્રમાણે ચાલવાની ના પાડી નથી. 11 હવે મારામાં એવું તે કર્યું બળ છે કે હું સહન કયેર્ જાઉં? અને એવો તે કેવો મારો અંત આવવાનો છે કે હવે હું ધીરજ રાખું? 12 શું હું કાઇં પથ્થર જેવો મજબૂત છું? શું મારું શરીર પિત્તળનું બનેલું છે? 13 અત્યારે મને મારી જાતને મદદ કરવાની શકિત નથી કારણકે મારી પાસેથી સફળતા લઇ લીધી છે. 14 મુસીબતમાં પડેલા માણસને એના મિત્રોનો સાથ હોવો જોઇએ, કદાચને તે સર્વસમર્થ દેવને ત્યજીદે. 15 પણ તમે, મારા ભાઇઓ, મને વિશ્વાસુ ન હતા. હું તમારા પર વિશ્વાસ કરી શકું નહિ; તમે ઝરણાં જેવા છો જે કોઇવાર વહે છે અને બીજી કોઇવાર નહિ. 16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે. 17 પરંતુ ગરમીમાં તે શોષાઇ જાય છે, અને એમના પેટ સૂકાઇ જાય છે; 18 વેપારીઓ વળાંક ને અનુસરીને જતા જતા રણમાં આવી જાય છે અને તેઓ અશ્ય થઇ જાય છે. 19 તેમના વેપારીઓ પાણીની શોધ કરે છે. શેબાના મુસાફરો આશાપૂર્વક રાહ જુએ છે. 20 તેઓને ખાત્રી હતી કે તેઓને પાણી મળશે, પરંતુ તેઓ નિરાશ થયા હતા. 21 તેવીજ રીતે તમે મારા કઠિન સમયમાં ગભરાઇ જઇને મારાથી મોઢું ફેરવી અને મને મદદ કરવાની ના પાડી હતી. 22 મેં તને પૂછયું હતું! કે, મેં તમારી સલાહ માટે પૂછયું હતું? 23 શું મે તમને કહ્યું, ‘મને મારા શત્રુના પંજામાંથી બચાવો? હેરાન કરનારાઓથી મને મુકત કરો? પણ તમે મને મુકત રીતે તમારી સલાહ આપી. 24 મને કહો મેં શું પાપ કર્યુ છે? મને શીખવો અને હું તમને અટકાવીશ નહિ. 25 સત્ય વચન ઘણાં અસરકારક હોય છે. પણ તમારી દલીલો કાઇપણ પૂરાવા કરતી નથી. 26 શું તમે માનો છો કે તમે મને ફકત શબ્દોથી સુધારી શકો? પણ હતાશ માણસના શબ્દો પવન જેવા હોય છે. 27 અનાથોના ભાગની વસ્તુઓ જીતવા માટે તમે કદાચ જુગાર પણ રમો એવા છો. અથવા તમારા મિત્રોના ભોગે નફો કરો છો. 28 મારી સામે જુઓ! હું તમારી આગળ જૂઠું નહિ બોલું. 29 આટલેથી અટકી જાવ, મને અન્યાય ન કરો, આટલેથી અટકો, મેં કાઇ ખોટું કર્યું નથી. 30 તમે એમ માનો છો કે હું જૂઠું બોલું છું? સાચું અને ખોટુ એ બે વચ્ચેનો ભેદ હું પારખી શકતો નથી?”
7:1 અયૂબે કહ્યું, “શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી? શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી? 2 એ તો આતુરતાથી છાંયડાની રાહ જોનાર સેવક અને પોતાના પગારની રાહ જોનાર મહેનતાણુ લઇ કામે રહેલા કામદાર જેવી છે. 3 મારે અર્થહીન મહિનાઓ અને કંટાળાભરેલી રાત્રિઓ પસાર કરવી પડે છે. 4 હું જ્યારે સૂવા જાઉ છું ‘ત્યારે પહેલા વિચારું છું કે ઊઠવાના સમયને થવાને કેટલી વાર લાગશે?’ રાત્રિ પસાર થયા કરે છે. હું સૂર્ય ઊગે ત્યાં સુધી પડખા ફેરવ્યા કરું છુ. 5 મારા શરીર પર ધૂળ જામી જાય છે અને એમાં કીડા પડ્યાં છે. મારી ચામડી સૂકાઇને તરડાઇ ગઇ છે. 6 મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે, અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે. 7 દેવ યાદ રાખજો, મારું જીવન માત્ર એક શ્વાસ છે. હું ફરી કંઇ સારું જોઇશ નહિ. 8 દેવ, તમે મને ફરી જોશો નહિ; થોડીવાર પછી તમે મને શોધશો પણ હું ચાલ્યો ગયો હોઇશ. 9 જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે, જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ. 10 તે પોતાને ઘેર ફરી કદી પાછો ફરશે નહિ, તે કુટુંબથી અને ઘરથી હમેશ માટે દૂર થઇ જશે. 11 મને મારો ઊભરો ઠાલવવા દો, મારો આત્મા સંકટમાં છે તેથી હું શાંત રહીશ નહિ. હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ. 12 હે દેવ! તમે મને એકલો શા માટે મૂકતા નથી? શું હું સમુદ્ર કે સમુદ્રનું પ્રચંડ પ્રાણી છંુ કે તમે મારો ચોકી-પહેરો રાખો છો? 13 જ્યારે હું એમ કહું છું, “હવે પથારીમાં સૂઇ જાઉં ત્યારે મને ચેન પડશે, મને કળ વળશે. 14 ત્યારે તમે મને ભયાનક સ્વપ્નો દ્વારા બીવડાવો છો. અને સંદર્શનોથી મને ગભરાવો છો. 15 ત્યાં હું જીવવાને બદલે ગુંગળાઇને મરી જાઉ તો વધારે સારું. 16 હવે હું ત્રાસી ગયો છું. મારે કાયમ માટે જીવવું નથી. મને એકલો રહેવા દો. મારા જીવનનો કોઇ અર્થ નથી! 17 દેવ, તમે મનુષ્યને મહત્વપૂર્ણ શા માટે ગણો છો? તમારે શા માટે તેને માન આપવું જોઇએ? તમે શા માટે તેના પર ધ્યાન આપવાની પણ તસ્દી લો છો? 18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો? 19 શા માટે તમે મને છોડી દેતાં નથી? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને એકલો કેમ મૂકતા નથી? 20 દેવ, તમે લોકો ઉપર ધ્યાન આપો, જો મે પાપ કર્યુ હોય, કાંઇ વાંધો નહિ, હું શું કરી શકું? તમે શા માટે મને તમારું નિશાન બનાવ્યો છે? જેથી હું બોજારૂપ થઇ ગયો છું? 21 તમે મને ખોટુ કરવા બદલ શા માટે સીધી રીતે માફ કરતા નથી? તમે મારા પાપોને શા માટે સીધી રીતે માફ કરતા નથી? થોડાજ સમયમાં હું મરી જઇશ અને માટીમાં મળી જઇશ. તમે મને શોધશો, પણ હું ત્યાં હોઇશ જ નહિ.”
8:1 ત્યારે બિલ્દાદ શૂહીએ અયૂબને જવાબ આપ્યો, 2 “તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે? 3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે? 4 જો તારા સંતાનોએ તેમની વિરૂદ્ધ પાપ કર્યા હશે, તો તેણે તેમને તે માટે સજા કરી છે. 5 જો તું ખંતથી દેવની શોધ કરશે અને એમની કરુણા યાચશે, 6 અને તું જો પવિત્ર અને સારો હોઇશ તો એ તને ઝડપથી મદદ કરવા આવશે અને તને તારાં કાયદેસરના ઘરને, પાછા આપી દેશે. 7 પછી તારી પાસે પહેલા હતું તેના કરતા ઘણું વધારે હશે. 8 તું પહેલાની પેઢીઓને પૂછી જો! જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા? 9 આપણે તો આજકાલના છીએ, અને કાંઇજ જાણતા નથી. અહીં પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું અલ્પ છે. 10 તેઓ કદાચ તને શીખવી શકશે. કદાચ તેઓ તને તેઓ જે બાબત શીખ્યા હોય તે શીખવી શકે. 11 શું કાદવ વિના કમળ ઊગે? જળ વિના બરુ ઊગે? 12 ના, જો પાણી સૂકાઇ જાય તો તેઓ પણ સૂકાઇ જશે. 13 લોકો જે ઈશ્વરને ભૂલી જાય છે તે પેલા બરુઓ જેવા છે. જે વ્યકિત ઈશ્વરને ભૂલી જાય છે તેને આશા રહેશે નહિ. 14 તે માણસ પાસે અઢેલવા માટે કાઇ નથી. તેની સુરક્ષા કરોળિયાના જાળ જેવી છે. 15 જો એક વ્યકિત કરોળિયાના જાળાને અઢેલી ને ટેકો લે તો તે તૂટી જાય તે કરોળીયાના જાળાનો આશ્રય લે છે પણ તે તેને ટેકો આપશે નહિ. 16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે. તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે. 17 પથ્થર પર ઉગવાની જગ્યા શોધતા તે જથ્થાબંદ પથ્થરોને ઢાંકી દે છે. 18 પણ જો એને એકવાર ઊખેડવામાં આવે તો પછી એ ઊગ્યાં હતાં કે નહિ એની ખબર પણ પડે નહિ. 19 આ તો તેના માર્ગનું સુખ છે, અને જમીનમાંથી બીજા છોડ ઊગી નીકળે છે! 20 પરંતુ દેવ નિદોર્ષ લોકોને કદી અસમર્થ કરશે નહિ, અને અધમીર્ને કદી મદદ કરશે નહિ. 21 તેઓ તારા ચહેરાને હાસ્યથી અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે. 22 તારો તિરસ્કાર કરનારા દુશ્મનો શરમથી છુપાઇ જશે અને દુષ્ટોના ઘરબાર નાશ પામશે.”
9:1 ત્યારે અયૂબે જવાબ આપ્યો: 2 “હા, હું જાણું છું કે તું સાચું બોલે છે. પરંતુ દેવ સાથેની દલીલ માણસ કેવી રીતે જીતી શકે? 3 જો દેવ તેની સાથે દલીલ કરે, તો દેવના 1,000 પ્રશ્ર્નોમાંથી શું ઓછામાંઓછો એકનો જવાબ તે આપી શકશે? 4 તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી. 5 તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી. 6 દેવ પૃથ્વીને હલાવવા ધરતીકંપો મોકલે છે. દેવ પૃથ્વીના પાયાઓ હલાવી નાખે છે. 7 જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ, અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ. 8 તેણે એકલે હાથે આકાશને પાથર્યુ છે, અને સમુદ્રના મોજા પર ચાલે છે. 9 તેણે સપ્તષિર્, મૃગશીર્ષ તથા કૃત્તિકા બનાવ્યા છે. તેણે દક્ષિણી આકાશના નક્ષત્રો ર્સજ્યા છે. 10 દેવ અદભુત કાર્યો કરે છે જે લોકો સમજી શકતા નથી. અને કોઇ ગણી ન શકે તેનાથી વધારે ચમત્કારી કાર્યોનો કર્તા છે. 11 તે મારી બાજુમાંથી પસાર થાય છે; પણ હું તેમને જોઇ શકતો નથી. તે આગળ ચાલ્યા જાય છે, પણ હું તેમને જોઇ શકતો નથી. 12 તે જો ઓચિંતાના આવે અને તેમને જે કઇં જોઇતું હોય તે ઝડપમારી પડાવી લે તો તેમને કોણ રોકી શકે? તેને કોણ પૂછી શકે, ‘તમે આ શું કરો છો?’ 13 ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે. માણસનો ગર્વ તેની સામે ઓગળી જાય છે. 14 તો પછી માત્ર મારા જેવા કઇ દલીલોને બળે એની સામે ઊભા રહી શકે? 15 નિદોર્ષ હોવા છતાં હું તેમને જવાબ આપી શકતો નથી મારા ન્યાયાધીશ પાસે દયાની ભીખ માંગું એટલું જ હું કરી શકું. 16 હું જો એની સામે ફરિયાદ કરું અને તે જવાબ આપે તો. મને ખાત્રી છે તે મારું સાંભળશે નહિ. 17 તે મને કચરી નાખવા તોફાન મોકલશે. કારણ વગર તે મને વધારે ઘાયલ કરશે. 18 તે મને શ્વાસ લેવા દેશે નહિ, પણ મને મુશ્કેલીઓથી ભરપૂર કરી દેશે. 19 હું દેવને હરાવી શકીશ નહિ, તે ખુબજ શકિતશાળી છે. હું દેવને ન્યાયાલયમાં લઇ જઇને મારી તરફ નિષ્પક્ષ રહેવાનો આગ્રહ કરી શકીશ નહિ. 20 હું નિદોર્ષ છું, પણ હું જે કાંઇ કહું છું તેમાં હું ગુનેગાર જ દેખાઉ છું, હું નિદોર્ષ છું પણ જ્યારે હું બોલુ છુ, મારુ મોઢુ મને અપરાધી સાબિત કરે છે. 21 હું નિદોર્ષ છુઁ, પણ શું વિચાર કરવો તે હું જાણતો નથી. હું મારા પોતાના જીવનને ધિક્કારું છું. 22 ‘માણસ કદાચ ભલે વાંક વગરનો કે અનિષ્ટ હોય પરંતુ દરેકને સરખીજ વસ્તુ થાય છે. તે બધાનો નાશ કરે છે.’ 23 જ્યારે કોઇ ભયંકર બાબત બની જાય અને એક નિદોર્ષ માણસને મારી નાખવામાં આવે તો શું દેવ તેના પર હસશે? 24 જ્યારે દુષ્ટ માણસ એક પ્રદેશને કબ્જામાં લઇ લે છે, તો તે ન્યાયાધીશોને શું થઇ રહ્યુંં છે તે જોવા માટે રોકે છે? એ જો સાચું હોય તો પછી દેવ કોણ છે? 25 મારા દિવસો એક દોડવીર કરતા પણ વધારે ઝડપથી પસાર થઇ જાય છે. મારા દિવસો પસાર થઇ રહ્યા છે અને તેમા કોઇ આનંદ નથી. 26 ઝડપથી પસાર થતા વહાણની જેમ અંતે પોતાના શિકાર પર તૂટી પડતા ગરૂડની જેમ મારા દિવસો ચાલ્યાં જાય છે. 27 જો હું એમ કહું કે ‘હું મારા દુ:ખ વિષે ભૂલી જઇશ. અને ખુશ થઇને દેવ સામે ફરિયાદ ન કરવાનો નિર્ણય કરું.’ 28 વાસ્તવમાં કશું બદલાતું નથી. વ્યથા હજી પણ મને ડરાવે છે. હું જાણું છું કે તમે મને નિદોર્ષ નહિ ગણો. 29 હું પહેલેથીજ ગુનેગાર ઠરાયો છું. તો હું ફોકટ શા માટે શ્રમ કરું છું? 30 જો હિમથી હું મારું શરીર ધોઉં અને સાબુથી મારા હાથ ચોખ્ખાં કરું. 31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે. 32 હું મારો પોતાનો બચાવ કરી શકતો નથી કારણકે તમે મારા જેવા માણસ નથી. આપણે એક બીજાને ન્યાયાલયમાં મળી શકીએ તેમ નથી. તમે માણસ હોત તો આપણે સારી રીતે વાદ-વિવાદ કરી શક્યાં હોત. 33 મારી ઇચ્છા છે, કોઇ આડતિયો હોત કે જે બંને પક્ષને સાંભળી શકે. હું ઇચ્છું છું એવું કોઇ હોત જે આપણ બંનેનો ન્યાય કરી શક્યો હોત. 34 હું ઇચ્છું છુઁ, દેવનો શિક્ષા દંડ મારા પરથી લઇલે એવું કોઇ હોત, તો પછી દેવ મને ક્યારેય ડરાવશે નહિ. 35 તો હું દેવનો ડર રાખ્યા વગર તેને મોઢામોઢ કહી દઇશ. પણ હમણાં હું એમ કરી શકું તેમ નથી.
10:1 હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ. હું દુ:ખ અને કડવાશથી બોલીશ. 2 હું દેવને કહીશ કે, ‘મને દોષિત ન ઠરાવો; તમે મારી સાથે શા માટે ઝગડો કરો છો તે મને બતાવો. 3 દેવ, શું મને દુ:ખ આપીને તમને આનંદ મળે છે? એવું લાગે છે તમે જે સર્જન કર્યુ છે તેની તમને કાળજી નથી. અથવા તો કદાચ તમે દુષ્ટ લોકોની યોજનાઓથી ખુશ થાઓ છો? 4 શું તને ચર્મચક્ષુ છે, અથવા શું તું માણસની જેમ જુએ છે? 5 શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે? તમારું જીવન માણસના જીવન જેટલું ટૂંકુ છે 6 કે તમે મારી ભૂલ શોધો છો અને મારા પાપ શોધો છો. 7 તમે સારી રીતે જાણો છો કે હું નિદોર્ષ છું. તમે જાણો છો કે તમારા હાથમાંથી મને કોઇ બચાવી શકે તેમ નથી. 8 તમે તમારા પોતાના હાથે મને ઘડ્યો છે, પરંતુ હવે તેઓ ભેગા થઇને મારો વિનાશ કરે છે. 9 યાદ રાખો કે હું માટીમાંથી બનેલો છું. શું હવે તમે મને પાછો માટીમાં મેળવી દેશો? 10 તમે મને એક બાટલીમાંથી બીજીમાં એમ દૂધની જેમ રેડ્યો છે અને મને પનીરની જેમ વલોવો છો. 11 તમે મને ચામડી અને માંસથી મઢી લીધો. તમે મને હાડકાં અને સ્નાયુઓથી વણી લીધો છે. 12 તમે મને જીવન આપ્યું, મારી સાથે દયાળુ રહ્યાં, તમે મારું ધ્યાન રાખ્યું અને મારા આત્માનું રક્ષણ કર્યું. 13 છતાં તમારા હૃદયમાં તો તમે આ છુપાવ્યું હતું. હું જાણું છું કે તમારા મનમાં આ હતું: 14 તમે જોતા હતાં કે હું પાપ કરું છું કે નહિ, એવા ઇરાદાથી કે જો હું પાપ કરું તો મને શિક્ષા કર્યા વગર છોડવો નહિ. 15 જો હું પાપ કરું, તો મારે માટે બહું ખરાબ થશે. પણ જો હું નિદોર્ષ હોઇશ તો પણ હું મારું માથું ઊપર ઉઠાવી શકીશ નહિ. હું ખૂબજ શરમિંદો અને મુંઝાયેલો છું. 16 જો હું અભિમાની હોઉ તો તમે સિંહની જેમ મારી પાછળ છો અને ફરીથી તમે મારી સામે તમારી અદભૂત શકિત બતાવો છો. 17 તમે મારી વિરુદ્ધ નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો: અને મારો સામનો કરવા એક પછી એક સૈન્ય મોકલો છો. 18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો? એના કરતાં તો હું મૃત્યુ પામ્યો હોત, કોઇએ મને જોયો સુદ્ધાં ન હોત તો એ કેવું સારું થાત! 19 હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત! હું ઈચ્છું છું કે હું મારી માતાના ગર્ભમાંથી સીધો કબરમાં લઇજવાયો હોત. 20 તમને ખબર નથી કે હું હવે થોડા સમય માટે જીવવાનો છું? 21 મૃત્યુના પડછાયા અને અંધકારનો પ્રદેશ, કે જ્યાંથી કોઇ પાછા આવતું નથી ત્યાં હું જાઉ તે પહેલા મારી પાસે જે થોડો સમય બચ્યો છે તેનો આનંદ મને માણી લેવા દો. 22 આ મૃત્યુ દેશ તો મધ્યરાત્રિના ઘોર અંધકાર જેવો દેશ છે; એ તો મૃત્યુછાયાનો દેશ છે જ્યાં બધું અસ્તવ્યસ્ત છે તથા પ્રકાશ પણ અંધકારરૂપ છે.”‘
11:1 ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો: 2 “આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે? 3 શું તું વિચારે છે કે વાતો કરીને તું બીજા માણસોને ચૂપ કરી દઇશ? તું શું વિચારે છે કે તું દેવની મશ્કરી કરીશ અને તને કોઇ ઠપકો નહિ આપે? 4 કારણકે તું કહે છ કે, ‘હું જે કહું છું તે સાચું છે. હું દેવની નજરમાં નિદોર્ષ છું.’ 5 હું ઇચ્છું છું કે, દેવ બોલશે અને તને કહેશે કે પોતે શું વિચારે છે! 6 દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે. તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે. અને તું ખાતરી રાખજે કે તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે. 7 અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી. 8 તું સ્વર્ગની બાબત કાંઇ કરી શકશે નહિ. શેઓલ બાબતે તું કાંઇ જાણતો નથી. 9 તેનું માપ પૃથ્વી કરતાં પણ મહાન અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે. 10 તે ધસી જઇને કોઇની પણ ધરપકડ કરે; અને તેનો ન્યાય કરવા તેને ન્યાયાલયમાં ઊભો કરી દે તો તેમ કરતાં તેમને કોણ અટકાવી શકે? 11 સાચે જ દેવ જાણે છે કોણ નિરર્થક છે. જ્યારે દેવ અનિષ્ટ જુએ છે ત્યારે તે તેને યાદ રાખે છે. 12 પણ મૂર્ખ માણસને તે બુદ્ધિમાન કરે છે, અને જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. 13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ. 14 જો તારા હાથ પાપથી ભરેલા હોય તો તેને સ્વચ્છ કરી નાખ! તારાં ઘરમાં અનિષ્ટ ને દાખલ થવા દેતો નહિ 15 પછી તું દેવ સામે શરમાયા વગર જોઇ શકશે અને ભય વિના દેવ સમક્ષ ઊભો રહી શકશે. 16 વહી ગયેલા પાણીની જેમ તું તારું દુ:ખ ભૂલી જઇશ. અને તારા દુ:ખો ભૂતકાળ બની જશે. 17 તારું જીવન મધ્યાનના સૂર્યથી પણ વધુ ઊજળું થશે. અને અંધકાર પણ પ્રભાતના પ્રકાશ જેવો બની જશે. 18 પછી તું સુરક્ષા અનુભવીશ કારણકે ત્યાં આશા છે. દેવ તારી સંભાળ લેશે અને તને વિસામો આપશે. 19 તું નિરાંતે સૂઇ શકશે અને તને કોઇ હેરાન કરશે નહિ. અને ઘણા લોકો તારી પાસે મદદ માગવા આવશે. 20 દુષ્ટ લોકો કદાચ મદદ માગશે, પરંતુ તેઓ તેમની મુશ્કેલીમાંથી છટકી શકશે નહિ. તેમની આશાઓ તેમને મૃત્યુ સુધી દોરી જશે.”
12:1 ત્યારે અયૂબે ઉત્તર આપ્યો કે, 2 “હા, તમે જ પ્રજાના ડહાપણનો ભંડાર છો; તમારા મૃત્યુની સાથે ડહાપણ પણ મરી પરવારશે! 3 પરંતુ તમારી જેમ મને પણ ડહાપણ અને અક્કલ છે; અને હું તમારા કરતાં ઊતરતો નથી; હા, એ બધું કોણ નથી જાણતું? 4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિદોર્ષ છું છતાં તેઓ હસે છે. 5 જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે. સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે. 6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે. 7 પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે, જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે. 8 અથવા પૃથ્વીને પૂછો, તે તમને શીખવશે; સમુદ્રમાંની માછલીઓને પૂછો તો તે તમને માહિતી આપશે. 9 દરેક વ્યકિત જાણે છે કે આ સર્વનું યહોવાએ સર્જન કર્યું છે. 10 બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે. 11 જેમ મારું મુખ સારા ભોજનનો સ્વાદ પારખે છે તે જ રીતે જ્યારે હું સાંભળું છું ત્યારે મારું મન સત્યની પરખ કરે છે. 12 અમે કહીયે છીએ, ‘વૃદ્ધ પુરૂષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.’ 13 પરંતુ ખરું ડહાપણ અને સાર્મથ્ય તો દેવનાં જ છે. સમજ અને સત્તા તો તેની પાસે જ છે. 14 તે મહા પરાક્રમી છે. તે જે કાંઇ ફાડી નાખે છે તે ફરીથી બાંધી શકાતું નથી. જ્યારે તે માણસને કેદ કરે છે, ત્યારે કોઇ તેને છોડાવી શકતું નથી. 15 જ્યારે તે વરસાદને અટકાવે છે, એટલે જમીન સૂકાઇ જાય છે અને જ્યારે તે વરસાદને છોડી દે છે, ત્યારે પાણી પૃથ્વી પર ફરી વળે છે. 16 દેવ સર્વસમર્થ છે અને હંમેશા જીતે છે. છેતરનારા અને છેતરાયેલાં બંને તેનાં હાથમાં જ છે. 17 તે રાજમંત્રીઓની બુદ્ધિ લૂંટી લે છે અને ન્યાયકર્તાઓને મૂર્ખા બનાવે છે. 18 રાજાઓ ભલે લોકોને કેદમાં પૂરે, પણ દેવ તે લોકોને મુકત કરે છે, અને તેમને શકિતશાળી બનાવે છે. 19 તે દેવ યાજકો પાસેથી તેમની સત્તા આંચકી લે છે સરકારી અધિકારીઓને તેમની નોકરીમાંથી કાઢી મુકે છે. 20 વિશ્વાસપાત્ર સલાહકારોને એ ચૂપ કરે છે, અને વડીલોનું શાણપણ પણ છીનવી લે છે. 21 દેવ રાજાઓ ઉપર તિરસ્કાર કરે છે. તે શકિતશાળીઓની સત્તા આંચકી લે છે. 22 દેવ ગુપ્તમાં ગુપ્ત રહસ્ય પણ પ્રગટ કરે છે, તે મૃત્યુ જેવી કાળી જગ્યાએ પણ પ્રકાશ પહોચાડે છે. 23 તે રાષ્ટને મોટું બનાવે છે પછી તેના લોકોને વિખેરી નાખે છે. 24 તે પૃથ્વીના લોકોના આગેવાનોની સમજશકિત હણી લે છે અને તેઓને દિશા-વિહોણા અરણ્યમાં રખડતાં હોય તેવા, 25 ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”
13:1 અયૂબે કહ્યું “તમે જે કઇં મને કહ્યું તે બધું તો મેં મારા કાનેથી સાંભળ્યું છે, અને મારી આંખોએ જોયું છે અને હું એ બધું સમજું છું. 2 તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ. તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું. 3 પણ મારે સર્વ સમર્થ દેવ સાથે મોઢાંમોઢ વાત કરવી છે. મારે એમની સાથે વિવાદ કરવો છે. 4 તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી. 5 તમે મૂંગા રહ્યા હોત તો સારું હતું! કારણકે એમાં તમારું ડહાપણ જણાત. 6 હવે મારી દલીલો સાંભળો, મારી બાબત પર ધ્યાન આપો. 7 શું તમે દેવ માટે જૂઠું બોલશો? શું તમે સાચે એમ માનો છો કે તે તમારી પાસે જૂઠુ બોલાવવા માગે છે. 8 શું તમે દેવનો મારી સામે બચાવ કરવા પ્રયત્ન કરી રહ્યાં છો? તમે પક્ષપાત કરો છો તમે દેવનો પક્ષ પસંદ કરો છો કારણકે તે દેવ છે એટલા માટે. 9 સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધંુ તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો? 10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે. 11 દેવની મહાનતા તમને નહિ ડરાવે તમે તેનાથી કરશો નહિ? 12 તમારાં બધા જોરદાર સૂત્રો નિરર્થક છે અને તમારી બધી દલીલો કોઇ કામની નથી. 13 હવે તમે છાના રહો, મને બોલવા દો અને જે થવાનું હોય તે થવા દો. 14 ભલે ગમે તે થાય, હું મારું જીવન જોખમમાં મૂકવાં તૈયાર છું, હું મારો જીવ મૂઠીમાં લઇને ફરવા તૈયાર છું. 15 આમ કહેવાને કારણે દેવ ભલે મને મારી નાખે, હું તેમની રાહ જોઇશ; તેમ છતાં હું તેમની સમક્ષ મારો બચાવ જરૂર રજૂ કરીશ. 16 ફકત એ જ મારું તારણ પણ થઇ પડશે. કારણકે દુષ્ટ લોકોની દેવ સામે ઊભા રહેવાની હિંમત હોતી નથી. 17 હવે તમે મારી વાત સહેજ ધ્યાનથી સાંભળો. 18 હું કાળજીપૂર્વક મારી દલીલો રજૂ કરીશ. અને હું જાણું છું કે હું નિદોર્ષ છૂટીશ. 19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ. 20 હે દેવ! માત્ર બે બાબતોથી તમે મને મુકત કરો પછી હું તમારાથી મારું મુખ સંતાડીશ નહિ. 21 મને સજા કરવાનું બંધ કરો અને મને ડરાવવાનું બંધ કરો! 22 પછી જો તમે મારી સાથે બોલશો તો હું તમને જરૂર જવાબ આપીશ; અથવા મને બોલવા દો અને તમે જવાબ આપો. 23 મને કહો, “મેં શું ખોટું કર્યુ છે? મને મદદ કરો! મારાં પાપ અને અપરાધ મને જણાવો. 24 શા માટે તમે મારાથી મુખ ફેરવી લો છો? શા માટે તમે મારી સાથે તમારા દુશ્મન જેવું વર્તન કરો છો? 25 શું તમે પવનથી ખરી પડેલા પાંદડાને શિક્ષા કરશો? શું તમે સૂકા નિરર્થક તણખલાની પાછળ પીછો કરશો? હું તો એવો છું. 26 તમે મારી વિરુદ્ધ સખત ઠરાવ લખો છો અને મારી યુવાવસ્થાના પાપોની સજા મને આપો છો; 27 હે દેવ, તમે મારા પગમાં બેડીઓ બાંધો છો, તમે મારા બધા રસ્તાઓ ધ્યાનથી નિરખો છો, અને મારું એકેએક ડગલું તપાસો છો. 28 જો કે હું નીચે પડી સડી ગયેલ વૃક્ષ જેવો છું અને ઊધઇથી ખવાઇ ગયેલા વસ્ર જેવો છું.”
14:1 અયૂબે કહ્યું “માણસ કેવો નિર્બળ છે, તેનું આયુષ્ય અલ્પ છે અને સંકટથી ભરપૂર છે. 2 જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે. 3 શું આવા નિર્બળ માનવીની સામે જોવાની ચિંતા તમે કરો છો? શું ન્યાય મેળવવા માટે તેને તમારી સમક્ષ ઊભો કરવામાં આવશે? 4 અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે. 5 તમે માણસના આયુષ્યના મહિનાઓ એવાં મર્યાદિત કરી નાંખ્યા છે કે તેને ઓળંગી શકે નહિ; તેના મહિનાઓની ગણતરી તમારા હાથમાં છે. 6 તેથી દેવ અમારી સામે જોવાનું બંધ કરો. અમને એકલા રહેવા દો, દિવસને અંતે ભાડૂતી મજુરને મળતા મહેનતાણાની જેમ અમને અમારા વળતરનો આનંદ માણવા દો. 7 ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે. 8 તેનાં મૂળિયા કદાચ જમીનમાં ઊગે અને તેનું થડ જમીનમાં સૂકાઇ જાય. 9 તે છતાંપણ તે જો ફરતે પાણી સૂંધે તો એ નવા છોડની જેમ ડાળીઓ ઉગાડી શકે. 10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે. 11 જેમ સાગરમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઇને સુકાઇ જાય છે; 12 તેમ માણસ સૂઇ જઇને ક્યારેય પાછો ઊઠતો નથી; જ્યાં સુધી આકાશોનું અસ્તિત્વ ન રહે ત્યાં સુધી માણસ ફરીથી તેની ઊંઘમાંથી જાગશે નહિ. 13 હું ઇચ્છું છું કે તમે મને શેઓલમાં સંતાડો, અને તમારો ક્રોધ શમી જાય ત્યાં સુધી છુપાવી રાખો, અને મને ઠરાવેલ સમય ઠરાવી આપીને યાદ રાખો તો કેવું સારું! 14 માણસ મૃત્યુ પામ્યાં પછી શું તે ફરીથી સજીવન થશે ખરો? જ્યાં સુધી મને મુકત કરવામાં ન આવે ત્યાં સુધી હું રાહ જોઇશ. 15 દેવ તમે મને બોલાવશો ત્યારે હું તમને જવાબ આપીશ. પછી હું જેનું તમે સર્જન કર્યું છે, તમારા માટે મહત્વનો હોઇશ. 16 પછી તમે મારાં એકેએક પગલાંને નજરમાં રાખશો, પણ મારા દુષ્કૃત્યો તમને યાદ નહિ આવે. 17 તમે મારા પાપોને એક થેલામાં બાંધશો, અથવા તમે મારા ગુનાઓ ઉપર ચીતરશો! 18 પર્વતો પડીને નષ્ટ થાય છે, અને ખડકો પોતાની જગાએથી ચળી જાય છે. 19 પથ્થરો પર સતત વહેતું પાણી તેને ઘસારો પહોચાડે છે. પાણીના પૂર પૃથ્વી પરની જમીનને ધોઇ નાખે છે અને તેવી જ રીતે દેવ, તમે મનુષ્યની આશાઓનો વિનાશ કરી નાખો છો. 20 તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો અને પછી તે દૂર ચાલ્યો જાય છે. તમે તેને ઉદાસ બનાવીને દૂર મોકલી દો છો. 21 તેના સંતાનો આદરપાત્ર થયાં છે કે નહિ, તેની તેને જાણ નથી; અથવા જો તેઓ નીચે લવાયા હોય તો અપમાનિત કરાયા હોય, એ વિષે પણ તે અજાણ છે. 22 તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે અને મોટેથી પોતાના માટે રડે છે.”
15:1 પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો: 2 “અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત. શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે? 3 તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે? 4 અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત. 5 તું જે વાતો કરે છે તે તારા પાપો બતાવે છે. અયૂબ, તું ચતુરાઇ ભરેલા શબ્દો વડે તારા પાપ છૂપાવવાનો પ્રયત્ન કરે છે. 6 હું નહિ, તારા શબ્દો જ તને દોષિત ઠરાવે છે, હા, તારી વાણી જ તારું પાપ પોકારે છે. 7 તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો? 8 દેવની ગુપ્ત યોજનાઓ વિષે તમે સાંભળ્યું છે ખરું? શું તને એમ છે તું એક જ બુદ્ધિશાળી વ્યકિત છે? 9 અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે? અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે? 10 જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉમરનાં છે તે વૃદ્ધ અને અનુભવવાળાં માણસો અમારા પક્ષે છે! 11 દેવ તને આશ્વાસન આપવાની કોશિષ કરે છે, પણ એ તારા માટે પૂરતું નથી. અમે તને દેવનો સંદેશો નમ્રતા પૂર્વક કહ્યો. 12 તું શા માટે ઉશ્કેરાઇ જાય છે? તારી આંખો કેમ મિચાય છે? 13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો? તમે શા માટે આમ બોલો છો? 14 શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિદોર્ષ હોઇ શકે? 15 જો, તે પોતાનાં સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. તેમની દ્રષ્ટિએ તો આકાશો પણ સ્વચ્છ અને શુદ્ધ નથી! 16 મનુષ્ય તો અધમમાં અધમ છે. મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે. પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે. 17 “હું કહું તે સાંભળો; અને હું તો મેં જે જોયું છે, જાણ્યું છે તે જ કહેવાનો છું. 18 આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે. તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ પણ તેઓએ છૂપાવ્યું નથી. 19 એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી. કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ. તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી. તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે. 20 એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે. દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે. 21 દરેક અવાજ તેને ડરાવે છે. જે સમયે તે વિચારે છે કે તે સુરક્ષિત છે ત્યારે તેના દુશ્મનો આવી અને તેના પર હૂમલો કરશે. 22 અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી. કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે. 23 તે ખોરાક માટે ભટકે છે પરંતુ તે ક્યાં મેળવે છે? તે જાણે છે કે મૃત્યુના દિવસો નજીક છે. 24 સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે. 25 તેણે દેવની સામે પોતાની મુઠ્ઠી ઉગામી છે અને સર્વસમર્થ દેવની સામે લડે છે. 26 તે દુષ્ટ વ્યકિત બહુ દુરાગ્રહી છે. મજબૂત ઢાલથી સજ્જ થઇને તે દેવને પડકાર કરે છે. 27 એ દુષ્ટ માણસ છકી ગયેલો, પુષ્ટ અને ધનવાન છે. તે માણસ કદાચ ચરબી યુકત અને ધનવાન હશે. 28 પરંતુ તેના નગરો ખંડેર બની જશે, તેના ઘરનો નાશ થઇ જશે અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે. 29 તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ. તે તેની સંપતિ ટકશે નહિ. 30 દુષ્ટ માણસ અંધકારમાંથી બચશે નહિ, તે એક વૃક્ષ જેવો થશે જેની કુમળી ડાળીઓ જવાળાઓથી બળી જાય છે અને પવનમાં ફૂંકાઇ જાય છે. 31 દુષ્ટ માણસે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઇએ નહિ. કારણકે તેને કાંઇ મળશે નહિ. 32 દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે. 33 તે જેની કાચી દ્રાક્ષ ખરી પડે એવા દ્રાક્ષના વેલા જેવો, જેનું અપકવ ફળ ખરી પડે એવા જૈતૂનના વૃક્ષ જેવો છે, 34 કારણકે દેવ વિનાના લોકો પાસે કાઇ હોતું નથી. જેઓ પૈસાને પ્રેમ કરે છે, તેઓના ઘરો અગ્નિથી નાશ પામી જશે. 35 દુષ્ટ લોકો હમેશા હેરાન કરવા માટે દુષ્ટ યોજનાઓ બનાવે છે. તેઓ હંમેશા લોકોને છેતરવાની યોજનાઓ બનાવતા હોય છે.”
16:1 ત્યારે અયૂબે પ્રત્યુતર આપ્યો, 2 “આ બધું તો મેં પહેલાં સાંભળેલું છે. તમારો તો આશ્વાસન પણ ત્રાસદાયક છે. 3 શું તમારા નકામા શબ્દોનો અંત નથી? તમારી સાથે શું ખોટું થયું છે કે તમે આ પ્રમાણે દલીલો કર્યા કરો છો. 4 જો તમારી જગાએ હું હોત તો હું આ પ્રમાણે જ બોલી શક્યો હોત. મેં તમારી સામે ડાહી વાતો કરી અને માથું હલાવ્યું હોત. 5 માત્ર મૌખિક રીતેજ હું તમને હિંમત આપી શક્યો હોત,માત્ર મારા હોઠ ફફડાવીને જ હું તમને આશ્વાસન આપી શક્યો હોત. 6 જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે? 7 સાચેજ દેવ! તમે મારી શકિત લઇ લીધી છે, તમે મારા આખા કુટુંબનો નાશ કર્યો છે. 8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે! લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે. 9 દેવ મારા પર હુમલો કરે છે, તે મારી સાથે ઉદ્વિગ્ન છે અને મારા શરીરને કાપીને અલગ કરે છે. દેવ મારી સામે તેના દાંત પીસે છે. મારા દુશ્મનો મારી સામે ધિક્કારથી જુએ છે. 10 લોકો મારી આજુબાજુ ટોળે વળી ગયા છે. તેઓ મારી મશ્કરી કરે છે અને મારા મોઢા પર તમાચો મારે છે. 11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે; તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે. 12 હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો. 13 દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે. તેઓ મારુ હૃદય ફાડી નાખે છે. તે દયા દાખવતા નથી. તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે. 14 મારાં પર તે વારંવાર આક્રમણ કરે છે અને યોદ્ધાની જેમ તે મારા પર તૂટી પડે છે. 15 હું ખૂબ ઊદાસ છું તેથી મે આ શોકના વસ્ત્રો પહેર્યા છે, હું અહી ધૂળ અને રાખ પર હાર માનીને બેઠો છું. 16 હું કોઇ ઉપર ક્રૂર થયો ન હતો. મારી પ્રાર્થનાઓ પવિત્ર અને સાચી છે. 17 રડી રડીને મારું મોં લાલ થઇ ગયું છે. મારી આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડી ગયાં છે. 18 હે પૃથ્વી ન્યાય માટે તલસતાં મારા લોહીને તું ઢાંકી દઇશ નહિ. મારી ફરિયાદ માટે પોકારતાં મારા અવાજને તું દાટી દઈશ નહિં. 19 હજુ પણ આકાશમાં કોઇ છે જે મારી તરફેણમાં બોલે છે. ઉપર કોઇ છે જે મારી સાક્ષી પૂરશે. 20 મારા મિત્રો મારી વિરૂદ્ધ બોલે છે જયારે હું દેવ આગળ આંસુ રેડું છું. 21 જેમ એક વ્યકિત તેના મિત્ર માટે દલીલો કરે તેમ દેવ સામે મારા માટે બોલે છે. 22 થોડાજ વષોર્ માં હું એ જગ્યાએ જઇશ જ્યાંથી હું પાછો ફરવાનો નથી.”
17:1 “હું ત્રાહિત છું. મારો આત્મા રૂંધાય છે. હું જીવનને આરે આવી ઊભો છું, હવે કબર સિવાય મારે માટે કોઇ મારી રાહ જોતું નથી. 2 મારી આજુબાજુ હવે માત્ર મારી હાંસી કરનારાઓ જ રહ્યાં છે; અને જ્યારે તેઓ કઠોર વચનો બોલે છે, હું તેઓને નજરમાં રાખું છું. 3 દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો. બીજુ કોઇ મને આધાર નહિ આપે. 4 હે દેવ, તમે જ તેઓને આ સમજવા દીધું નથી, તેથી તમે તેઓને જીતવા દેશો નહિ. 5 તમે જાણો છો, લોકો શું કહે છે, ‘જ્યારે એક માણસ પોતાની સંપતિનો હિસ્સો મેળવવા માટે પોતાના મિત્રોને વાત કરે છે, તેના બાળકો અંધ બની જશે.’ 6 દેવે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેથી લોકો મારા મોઢા પર થૂંકે છે. 7 દુ:ખથી આંસુ સારવાથી હવે મારી આંખે અંધારા આવે છે,અને મારાં અંગો પડછાયા જેવા બની ગયા છે. 8 ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે. નિદોર્ષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે. 9 છતાંય સજ્જન પુરૂષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને પ્રામાણિક નીતિવાન અધિકાધિક બળવાન થતાં રહેશે. 10 પરંતુ તમે બધા રહેવા જ દો, પાછા આવો, મને તમારી વચ્ચે એકપણ શાણો માણસ નહિ મળે. 11 મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઇ ગઇ છે. મારી આશાઓ અદ્રશ્ય થઇ ગઇ છે. 12 પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે, અંધકાર હોવા છતાં તેઓ કહે છે,” પ્રકાશ નજીકમાં છે.” 13 હું કદાચ આશા રાખુંકે કબર મારું નવું ઘર બને. હું કબરના અંધકારમાં પથારી પાથરવાની પણ કદાચ આશા રાખું. 14 મેં કબરને એમ કહ્યું છે, ‘તમે મારા પિતા છો.’ મેં કીડાઓને કહ્યું છે, ‘તમે મારી માતા અને બહેનો છો.’ 15 તો પછી હવે, મારે માટે કોઇ આશા રહી ખરી? કોણ જોશે, મારા માટે કોઇ આશા છે કે નહિ? 16 મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું”
18:1 એટલે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો કે, 2 “અયૂબ, તું ક્યાં સુધી આમ શબ્દોને પકડવા જાળ ફેલાવ્યા કરીશ? સમજદાર થા, પછી અમે તારી સાથે વાત કરીએ. 3 તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો? 4 અયૂબ, તું જ તારા ક્રોધથી તારી જાતને દુ:ખ પહોંચાડી રહ્યો છે. શું તારા માટે લોકોએ પૃથ્વી છોડીને જવું? શું તમે વિચારો છો કે માત્ર તમારા સંતોષ માટે દેવ પર્વતોને હલાવશે? 5 હા, દુષ્ટ લોકોનું તેજ બહાર ચાલ્યંુ જશે. તેનો અગ્નિ બળતો બંધ થઇ જશે. 6 તેના પ્રકાશિત ઘરમાઁ અંધારૂ થશે. તેની પાસેનો દીવો હોલવાઇ જશે. 7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે. 8 તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે. 9 ફાસલો તેના પગની પાની પકડી લે છે, એના પાશમાં તે જકડાઇ જાય છે. 10 જમીન પર જાળ સંતાઇને પડી હશેે, તેનાં માર્ગમાં એ પાથરેલી હશે. 11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે. 12 ભૂખથી તેનું બળ ક્ષીણ થઇ જશે. વિનાશ તેને નીચો પાડવાં રાહ જોઇને ઊભા હોય છે. 13 ભયંકર બિમારીઓ તેની ચામડીને કોરી ખાશે. એના હાથ, પગ કોહવાઇ જશે. 14 એ જે ઘરમાં નિરાંતે જીવે છે એમાંથી એને બહાર ખેંચી કાઢવામાં આવે છે અને એને ભયના રાજાની હાજરીમાં લાવવામાં આવશે. 15 જેઓ તેનાં નથી તેઓ તેના ઘરમાં વસશે; એના ઘર પર ગંધક છાંટવામાં આવે શે. 16 તેની નીચેથી મૂળીયાં સડી જાય છે, તેની ઉપરની ડાળીઓ સુકાઇ જાય છે. તેથી તે મૃત્યુ પામશે. 17 આ દુનિયામાં તેનું નામનિશાન રહેશે નહિ. એને કોઇ પણ યાદ કરશે નહિ. 18 પ્રકાશમાંથી તેને અંધકારમાં ધકેલી દેવામાં આવશે અને જગતમાંથી તેને હાંકી કાઢવામાં આવશે. 19 તેને કોઇ સંતાન કે પૌત્ર, પૌત્રીઓ હશે નહિ. તેના કુટુંબમાંથી કોઇ જીવતું નહિ રહે. 20 પશ્ચિમના લોકો દિગમૂઢ થઇ જશે જ્યારે તેઓ સાંભળશે કે તે દુષ્ટ માણસને શું થયું. અને પૂર્વના લોકો ભયને કારણે તેમના વાળ ખેચી નાખશે. 21 દુષ્ટ લોકોના ઘરને ખરેખર આમ થશે, જેને દેવનું જ્ઞાન નથી તેની આવી જ દશા થશે.”
19:1 ત્યારબાદ અયૂબે જવાબ આપ્યો: 2 “તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો? અને મહેણાં મારીને મને કચડ્યા કરશો? 3 તમે પહેલેથીજ મને દસ વખત મહેણાં માર્યાં છે. જયારે તમે મારા પર હુમલો કરો છો, તમને શરમ આવતી નથી! 4 જો મેં પાપ કર્યુ પણ હોય, તો તે મારી સમસ્યા છે. તે તમને દુ:ખ નહિ પહોંચાડે. 5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે. તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે. 6 આટલું સમજી લો દેવે મને વિના વાંકે દંડ્યો છે અને મને ફાંસલામાં પકડી લીધો છે તે સાચું છે. 7 જો હું એમ બૂમો પાડું, “મારી મદદ કરો, મારા ઉપર હુમલો થયો છે.” તો કોઇ મારી મદદે આવતું નથી. જો હું પોકાર કરું તોય મને ન્યાય મળતો નથી. 8 દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે.તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે. 9 એમણે મને બેઆબરુ કર્યો છે અને અપમાનિત પણ કર્યો છે. મારા માથા પરનો મુગટ ઉતારી નાંખ્યો છે. 10 જ્યાં સુધી મારો વિનાશ ન થાય ત્યાં સુધી ચારે બાજુથી તે મારા પર પ્રહાર કરે છે. મારી આશાઓ ઝાડની જેમ મૂળમાંથી ઉખેડાઇ ગઇ છે. 11 તદુપરાંત તેમણે પોતાનો બધો રોષ મારી વિરુદ્ધ પ્રગટ કર્યો છે, તેઓ મને પોતાનો શત્રુ જેવો ગણે છે. 12 તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે, મારી આજુબાજુ હુમલો કરવા માટે ઊંચી મજબૂત ઇમારતો બાંધી છે. અને મારા ઘરની આસપાસ છાવણીઓ નાખી છે. 13 તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે. હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું. 14 સગાંવહાંલાઓએ મને તજી દીધો છે. મારા મિત્રો પણ મને ભૂલી ગયા છે. 15 મારા ઘરમાં જે મુલાકાતીઓ રહે છે તે તથા મારા નોકરો પણ મને પારકા જેવો ગણે છે. તેઓને હું વિદેશી જેવો લાગુ છું. 16 મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી. જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી. 17 મારી પત્ની મારા શ્વાસનેજ ધિક્કારે છે, અને મારા સગા ભાઇઓ પણ મારો તિરસ્કાર કરે છે. 18 નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે. 19 મારા ગાઢ મિત્રો મારો તિરસ્કાર કરે છે. મારા સૌ પ્રિયજનો મારી વિરૂદ્ધ થઇ ગયાં છે. 20 હું ખૂબ પાતળો છું, મારાં હાડકાંમાંથી મારી ચામડી ઢીલાશથી લટકે છે. મારામાં થોડોકજ જીવ બાકી રહ્યો છે. 21 હે મારા મિત્રો, મારા પર દયા કરો, કારણકે દેવ મારી વિરૂદ્ધ થઇ ગયા છે. 22 શા માટે દેવની જેમ તમે પણ મારી પાછળ પડ્યાં છો? મેં વેઠેલા દુ:ખોથી પણ તમને સંતોષ નથી થતો શું? 23 હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે. હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય. 24 હું ઇચ્છું છું કે, હું જે કહું છું તે લોખંડની કલમથી સીસાથી ખડક પર કોતરવામાં આવે તો તે સદાય રહેશે. 25 હું જાણું છું કે મારો ઉધ્ધાર કરનાર કોઇ છે. હું જાણુ છું તે જીવે છે. અને આખરે તે અહીં પૃથ્વી પર ઊભો રહેશે અને મારો બચાવ કરશે. 26 મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી પણ હું મારા દેવને મળીશ. 27 હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ.બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી. 28 તમે કદાચ કહો, “અમે અયૂબને હેરાન કરીશું. અને તેનો વાંક કાઢવા કઇક કારણ શોધીશું.” 29 તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે. તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે. ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”
20:1 પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો: 2 “હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું. 3 તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું. 4 શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી 5 દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે? 6 એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય; 7 પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’ 8 સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે. 9 જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ. તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે. 10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે. 11 તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા. પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે. 12 તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે. દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે. 13 દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે. તે તેનાથી છૂટવા માગતો નથી. તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે. 14 પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે. તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન. 15 એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે. દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે. 16 એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું. સાપનો એ ડંખ એને મારી નાંખે છે. 17 તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ. 18 એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે. જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ. 19 કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે. 20 તે કદી ધરાયો નથી. તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ. 21 તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી. તેની સફળતા સતત રહેતી નથી. 22 એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે. તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે. 23 જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે, દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે. દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે. 24 જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો કાંસાનું બાણ એને વીંધી નાખશે. 25 તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે, અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે. તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તે ભયથી આઘાત પામશે. 26 તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે. પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી. તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે. 27 આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે; પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે. 28 જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે. 29 દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે. “
21:1 પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું: 2 “હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો. 3 મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો. 4 શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં? 5 મારી દશા તો જુઓ! અને આઘાત પામજો મહેરબાની કરીને તમારા મોઢા પર તમારો હાથ મૂકી અને ઢાંકી દેશો. 6 હું યાદ કરું છું ત્યારે ગભરાઇ જાઉં છું. હું ભયથી જી ઊઠું છું. 7 શા માટે દુષ્ટ માણસો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે? 8 દુષ્ટ લોકો તેમના સંતાનોને મોટાં થતા જુએ છે. દુષ્ટ લોકો પોતાના પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે. 9 એમનાં ઘર સુરક્ષિત હોય છે, તેઓ ડરતા નથી તેઓને સજા આપવા માટે દેવ લાકડીનો ઊપયોગ કરતા નથી. 10 તેઓના બળદો જાતીય સંબધ બાંધવામાં કદી નિષ્ફળ જતા નથી. તેઓની ગાયો વાછરડાંઓને જન્મ આપે છે અને વાછરડાંઓ મરેલા જન્મતા નથી. 11 દુષ્ટ લોકો તેઓના સંતાનોને ઘેટાંના બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓના સંતાનો આસપાસ નાચે છે. 12 તેઓ નાચગાનમાં પોતાનો સમય પસાર કરે છે, તેઓ વાંસળી, સારંગી અને ખંજરીના તાલે ગાય છે અને ઝૂમે છે. 13 દુષ્ટ લોકો તેઓના જીવન દરમ્યાન સફળ થવાનો આનંદ માણે છે. ત્યાર પછી તેઓ મૃત્યુ પામે છે અને પીડા વગર તેઓની કબરમાં જાય છે. 14 તો પણ દુષ્ટ લોકો દેવને કહે છે, ‘અમને એકલા મૂકી દો’ તમે અમારી પાસે શું કરાવવા માગો છો તેની અમને ચિંતા નથી. 15 તેઓ કહે છે, ‘સર્વસમર્થ દેવ કોણ છે? અમારે તેમની સેવા શા માટે કરવી જોઇએ? શું એમને પ્રાર્થના કરીને કાઇ નહિ વળે?’ 16 એ સાચું છે કે દુષ્ટ લોકો પોતાની જાતે સફળ થયા નથી. હું તેઓની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી. 17 પણ કેટલીવાર દેવ અવારનવાર દુષ્ટ લોકોનો દીવો ફૂંક મારીને ઓલવે છે? કેટલીવાર દુષ્ટ લોકોને સમસ્યાઓ હોય છે? 18 આપણે એને કેટલીવાર હવામાં ખરસલાંની જેમ ઊડી જતો જોયો છે? વંટોળિયામાં ફોતરાઁની જેમ ફૂકાંઇ જતો જોયો છે? 19 તમે કહેશો, ‘દેવ તેઓના પાપની સજા તેઓના સંતાનોને કરે છે.’ પણ દેવ જો તેઓને સજા કરે, તોજ તેઓને જાણ થશે કે તેઓ તેઓના પોતાના પાપોને લીધેજ સજા ભોગવી રહ્યાં છે! 20 પાપીને પોતાની સજા જોવા દો. તેને સર્વસમર્થ દેવનો ક્રોધ અનુભવવા દો. 21 જ્યારે દુષ્ટ માણસના જીવનનો અંત આવે છે, અને તે મરી જાય છે, તે તેની પાછળ રહેલા કુટુંબની ચિંતા કરતો નથી. 22 માણસ શું દેવને પાઠ ભણાવી શકશે? દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે. 23 કોઇ માણસ મરી જાય છે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે તથા સુખચેનમાં રહે છે. 24 તેના શરીરને સારું પોષણ મળ્યું હતું અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા. 25 પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી. 26 પણ માટીમાં તો એ બંને એક સાથે મળી જાય છે અને જીવડાં તેઓ બંને ઉપર પથરાઇ જાય છે અને તેમને ઢાંકી દે છે. 27 જુઓ, તમારા વિચારો હું જાણું છું અને હું જાણું છું તમે મને દુ:ખ પહોચાડવા માગો છો. 28 તમે કહો છો, ‘એ મહાશયનું ઘર ક્યાં છે? એ દુષ્ટ માણસ વસતો હતો તે જગા ક્યાં છે?’ 29 શું તમે રસ્તે જનારાઓને પૂછયું? તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો? 30 ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે. દેવના કોપમાંથી દુષ્ટ ઊગરી જાય છે. 31 તેણે જે દુષ્કમોર્ કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી. તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી. 32 ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માન અપાય છે. 33 એની કબરમાં માટી પણ એની આસપાસ નરમાશથી પથરાઇ જાય છે. એની આગળ અને પાછળ મોટી મેદની હોય છે. 34 અને તમે! શા માટે મને ખોટા આશ્વાસન આપો છો? તમારા એક એક જવાબ સદંતર જૂઠા છે.”
22:1 ત્યારે અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે, 2 “શું કોઇપણ માણસ દેવને ઉપયોગી છે? ડાહ્યામાં ડાહ્યો માણસ પણ દેવને ઉપયોગી છે ખરો? 3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિદોર્ષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો? 4 અયૂબ, દેવ તને શા માટે સજા આપે છે, અને તારો વાંક કાઢે છે? તું તેની ઉપાસના કરે છે એટલા માટે? 5 તારા અનિષ્ટો ઘણા ભયંકર છે, તારાં પાપ પાર વિનાનાં છે. 6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય. કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય. તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે. 7 કદાચ તમે તરસ્યાને પાણી પાયું નહિ હોય, તમે ભૂખ્યાને રોટલો આપ્યો નહિ હોય. 8 અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો. અને લોકો તમને માન આપે છે. 9 કદાચ તમે વિધવાઓને ખાલી હાથે પાછી વાળી છે. તમે કદાચ અનાથોને છેતર્યા છે. 10 તેથી તારી ચારેતરફ ફાંસલો છે, અને અણધારી આફત તને ડરાવી મૂકે છે. 11 એટલા માટે તું અંધકારમાં જોઇ શકતો નથી, અને પુરના પાણી તને ઢાંકી દે છે. 12 શું દેવ આકાશમાં, ઊંચ્ચસ્થાનમાં, નથી? તારાઓની ઊંચાઇ જો, તેઓ કેટલાં ઊંચા છે. 13 અને છતાં તું કહે છે, ‘દેવ શું જાણે છે? કાળા વાદળોનીઆરપાર જોઇને તે આપણા વિશે અભિપ્રાય કેવી રીતે આપી શકવાનો છે? 14 જેવો તે આકાશની ધાર પર ચાલે છે, ગાઢ વાદળ તેને એવી રીતે ઢાંકી દે છે કે તે કાંઇ જોઇ શકતો નથી.’ 15 અયૂબ, તું પ્રાચીન માર્ગમા ચાલી રહ્યો છે જેના પર દુષ્ટ લોકો પહેલા ચાલતા હતા. 16 તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે તે પહેલાંજ નાશ પામી ગયા હતા. 17 કારણકે તેઓ દેવને કહેતા હતાં કે, ‘તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ; સર્વસમર્થ દેવ તમે અમને શું કરી શકવાનાં છો?’ 18 તેમ છતઁા પણ દેવે જ એમનાં ઘર ખજાનાથી ભર્યા હતા ના! હું દુષ્ટ લોકોની સલાહ પ્રમાણે અનુસરી શકતો નથી. 19 ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે. અને નિદોર્ષો દુષ્ટો પર હસશે. 20 તેઓ કહે છે, ‘જુઓ, બાકી રહેલા અમારા દરેક શત્રુઓનો નાશ થઇ ગયો છે. અને અગ્નિ તેઓની સંપતિને ભરખી જાય છે.’ 21 અયૂબ, હવે તું તારી જાત દેવને સમપિર્ત કરી દે, અને તેની સાથે સુલેહ કર, જેથી તારું ભલું થશે. 22 કૃપા કરીને એના મોઢેથી એનો બોધ સાંભળ અને સ્વીકાર કર. એની વાણી તારા હૃદયમાં ધારણ કર! 23 જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે. પાપને તારા ઘરથી દૂર રાખજે. 24 જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ અને કંચનને કથીર સમાન માનીશ, 25 ભલે સર્વસમર્થ દેવ તારું સોનું અને ચાંદીનો સંગ્રહ બને. 26 તો સર્વસમર્થ દેવ તારો પરમ આનંદ બની જશે. અને તું દેવ સામે નજર મેળવીશ. 27 તું જે કઇં અરજ કરીશ તે એ સાંભળશે, અને પછી તું તારી માનતાઓ પૂરી કરી શકીશ. 28 તારી સર્વ યોજનાઓ સફળ થશે. તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે. 29 દેવ અભિમાનીને પાડે છે અને નમ્રને બચાવે છે. 30 તે જેઓ નિદોર્ષ નથી તેઓને પણ ઉગારે છે, તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.”
23:1 ત્યારે અયૂબે જવાબ આપ્યો કે, 2 “આજે પણ મારી વાણીમાં ફરિયાદ અને કડવાશ છે. કારણકે હું હજી પણ પીડા સહન કરું છું. 3 હું ઇચ્છું છું, હું જાણતો હોત, હું દેવને ક્યાં શોધી શકીશ. હું તેના સ્થાને આવી શકત! 4 હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિદોર્ષતા બતાવવા મારું મોઢુંં દલીલોથી ભરેલું હશે. 5 મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે. 6 શું દેવ તેની શકિતનો મારી સામે ઊપયોગ કરશે? ના, હું જે કઇં કહું તે જરૂર સાંભળશે. 7 હું એક પ્રામાણિક માણસ છું. દેવ મને મારી દલીલો કહેવા દેશે. પછી મારો ન્યાયાધીશ મને મુકત કરશે. 8 પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી. 9 જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી. 10 પણ દેવ તો જાણે છે કે હું ક્યા માગેર્ જાઉં છું . એ મને કસી જોશે ત્યારે હું સુવર્ણ જેવો શુદ્ધ પુરવાર થવાનો છું. 11 હું દેવના માગોર્માં રહ્યો છું. તેમને પગલે ચાલ્યો છું. હું આમતેમ ભટકી ગયો નથી. 12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું. 13 પરંતુ દેવ બદલાતા નથી. કોઇપણ તેની સામે ઊભું રહી શકતું નથી. દેવ તેને જે કરવું હોય તેજ કરે છે. 14 તેમણે મારે માટે જે યોજના બનાવી છે તે પ્રમાણે જ તે કરશે. અને તેની પાસે મારે માટે બીજી ઘણી યોજનાઓ છે. 15 એજ કારણે હું તેમની હાજરીમાં જું છું. જ્યારે હું આ બાબતો વિશે વિચાર કરું છું ત્યારે હું તેનાથી ગભરાઇ જાઉં છું. 16 દેવે મારું મન નબળું પાડી દીધું છે. એમાં સર્વસમર્થ દેવે ડર પેસાડી દીધો છે. 17 મારી સાથે બનેલા દુષ્ટ બનાવો મારું મુખ ઢાંકતા કાળા વાદળ જેવા છે. પણ તે અંધકાર મને ચૂપ રહેવા દેશે નહિ.”
24:1 “સર્વસમર્થ દેવ, લોકોનું કયારે બૂરું થવાનું છે તે કેમ જાણે છે? પરંતુ તેના અનુયાયીઓ તે એવું કાંઇક ક્યારે કરવાના છે તેનું ભવિષ્ય ભાખી શકતા નથી.” 2 કારણકે દુષ્ટો પારકાની જમીન પચાવી પાડવાં સંપતિની આંકણી કરનારાઓને બદલી નાખે છે, તેઓ ઘેટાંબકરાં ચોરી જાય છે અને ચરાવે છે. 3 તેઓ અનાથોની માલિકીના ગધેડાઓને ચોરી જાય છે અને વિધવાની માલિકીના બળદોને જ્યાં સુધી તે તેનું દેવું તેઓને ચૂકવે નહિ ત્યાં સુધી લઇ લે છે. 4 તેઓ ઘર વગરના એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ગરીબોનો પીછો કરે છે. અને બધા ગરીબ લોકોને આ દુષ્ટ લોકોથી છુપાવાની ફરજ પાડવામાં આવે છે. 5 જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે. તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે. તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા, તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે. 6 ગરીબ લોકોએ ખેતરમાં સૂકું ઘાસ અને પરાળ કાપતા મોડી રાત સુધી કામ કરવું જોઇએ. તેઓએ દ્રાક્ષની વાડીમાં દ્રાક્ષ ભેગી કરીને ધનવાન લોકો માટે કામ કરવું જોઇએ. 7 તેઓ અન્ય લોકોના ખેતરોમાં કામ કરે છે અને દુષ્ટ લોકોનું વધ્યું ઘટયું ખાવાનું ખાય છે. 8 તેઓ આખી રાત વસ્રો વિના ઉઘાડા સૂઇ જાય છે. ઠંડીમાં ઓઢવા માટે એમની પાસે કાઇં હોતું નથી. 9 બાપ વગરના ગરીબ સંતાનો વેચાવા માટે માતાના ખોળામાંથી ઊપાડી લેવામાં આવે છે. ઉછીના લીધેલા નાણાંની જામીનગીરી તરીકે બાળકોને રાખવામાં આવે છે. 10 તેઓને વસ્ત્ર વિના ઉડા ફરવું પડે છે, તેઓ જથ્થાબંધ અનાજ દુષ્ટ લોકો માટે ઊંચકે છે છતાં પણ તેઓ ભૂખ્યાં રહે છે. 11 તેઓને જૈતૂનનું તેલ કાઢવાની અને દ્રાક્ષો પીલીને તેનો રસ કાઢવાની ફરજ પાડવામાં આવે છે. તેમ છતાં તેઓ તે તેલનો કે દ્રાક્ષાસવનો ઉપયોગ કરી શકતાં નથી, તેઓ તો તરસ્યા જ રહે છે. 12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો. ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી. 13 “એવા લોકો પણ છે જે પ્રકાશ સામે બળવો કરે છે, તેઓ જાણતા નથી દેવની શું જરૂરિયાત છે? અને તેઓ દેવને જે રીતે જોઇએ છે તેમ રહેતા નથી. 14 અજવાળું થતાં ખૂની માણસ ગરીબો અને દરિદ્રી લોકોના ખૂન કરવાં નીકળી પડે છે અને રાત પડે તે ચોરી કરવાં ફર્યા કરે છે. 15 જે વ્યકિત વ્યભિચાર કરે છે, તે સાંજે પરોઢ થવાની રાહ જુએ છે. ‘તને લાગે છે તેને કોઇ જોઇ શકે તેમ નથી ‘ તે છતાં પણ તે તેનું મોઢું ઢાંકે છે. 16 રાત પડે ત્યારે ચોરો ઘરોમાં ખાતર પાડે છે; પણ દિવસમાં તેઓ પોતાના ઘરમાં પૂરાઇને રહે છે અને અજવાળાથી દૂર રહે છે. 17 અંધારી રાત એ તેઓની સવાર છે; અંધકારના ભય સાથે તેઓ ફકત મિત્રતાજ રાખે છે. 18 દુષ્ટ માણસને પૂરનાં પાણી તાણી જાય છે. એની જમીનને દેવનો શાપ લાગે છે. તેથી તેઓ દ્રાક્ષનીવાડીમાંથી દ્રાક્ષો એકઠી કરશે નહિ. 19 અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે. 20 તેની માતા તેને ભૂલી જશે. કીડો મગ્નથી તેનું ભક્ષણ કરી જશે, તેને કોઇ સંભારશે નહિ, દુરાચારી માણસ કોહવાયેલાં વૃક્ષની જેમ તૂટી પડે છે. 21 સ્રીઓ કે જેને સંતાન થઇ શકે નહિ, દુષ્ટ લોકો તેઓને દુ:ખ પહોચાડે છે. તેઓ લાચાર વિધવાઓને સહાય કરતા નથી. 22 દુષ્ટ લોકો તેઓનું બળ શકિતશાળી માણસોના નાશ કરવામાં વાપરે છે. દુષ્ટ લોકો કદાચ સત્તા મેળવે પણ તેઓ પોતાના જીવનનો કોઇ વિશ્વાસ કરી શકતા નથી. 23 હા, દેવ તેઓને સુરક્ષાની ભાવનામાં આરામથી રહેવા દે છે. પરંતુ તેઓના માગોર્ ઉપર દેવની નજર છે. 24 ઘડીક માટે દુષ્ટ માણસ ઊંચો આવે છે પણ પછી તે મળતો નથી. બીજા દરેકની જેમજ તે ધાન્યની જેમ કપાઇ જશે. 25 કોણ કહી શકશે આ સાચું નથી? કોણ પૂરવાર કરી શકશે કે મારા શબ્દો ખોટા છે?”
25:1 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું; 2 “દેવ કર્તા-હર્તા છે. તે લોકોને તેનાથી ડરે એવા. અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે. 3 તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે? તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી. દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે. 4 દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ અને ન્યાયી માણસ કોણ છે? 5 દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી. અને પ્રકાશિત નથી. 6 મનુષ્ય એવો પવિત્ર નથી. મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”
26:1 પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે: 2 “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો! 3 હા, તમે શાણપણ વગરના આ માણસને અદભૂત શિખામણ આપી ! તમે ખરેખર દેખાડ્યું, તમે કેવા જ્ઞાની છો! 4 તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?” 5 પૃથ્વી તળે તથા પાણીમાં તે મરેલાઓના આત્મા ભયથી ૂજે છે. 6 દેવની સમક્ષ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કોઇ ઢાંકણ નથી. 7 દેવ ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે. 8 એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી. 9 દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે. 10 દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી. 11 જ્યારે દેવ તેઓને ડરાવે છે, આકાશના આધારસ્તંભો હાલવા લાગે છે. 12 દેવની શકિત સમુદ્રને શાંત કરે છે. પોતાના ડહાપણથી તેણે રહાબનોનાશ કર્યો છે. 13 એમના શ્વાસથી આકાશ સ્વચ્છ રહે છે, એમણે એમના બળથી ભાગી જતાં સાપને હણ્યો છે. 14 આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”
27:1 અયૂબે તેનું ષ્ટાંત કહેવાનું ચાલુ રાખ્યું. 2 “દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું; 3 જ્યાં સુધી હું જીવું છું અને દેવનો શ્વાસ મારાઁ નસકોરાઁમાં છે, 4 જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે. 5 તમે લોકો સાચા છો તે હું કદી જ સ્વીકારીશ નહિ; હું મૃત્યુ પામું ત્યાં સુધી મારી નિદોર્ષતા જાહેર કર્યા કરીશ. 6 હું મારી નિદોર્ષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ. 7 લોકો મારી વિરુદ્ધ થઇ ગયા છે. હું ઇચ્છુ છું મારા દુશ્મનોને સજા થાય જેવી રીતે દુષ્ટ માણસોને સજા થવી જોઇએ. 8 જો માણસ દેવની કાળજી કરતો નથી તો તે મરી જાય ત્યારે તેની પાસે કોઇ આશા રહેતી નથી. દેવ જ્યારે તેનું જીવન લઇ લે છે, તે વ્યકિત ને કોઇ આશા રહેતી નથી. 9 તે દુષ્ટ વ્યકિત દુ:ખમાં આવી પડશે અને દેવને મદદ માટે પોકારશે. પરંતુ દેવ તેને સાંભળશે નહિ. 10 તે વ્યકિતએ સર્વ પ્રસંગે દેવની પ્રાર્થના કરવી જોઇતી હતી. તે સર્વશકિતમાનથી આનંદ માનશે. 11 ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ. 12 તમે તમારી પોતાની આંખોથી દેવની શકિત જોઇ છે ને? છતાં મારી સાથે તમે શામાટે વ્યર્થ વાતો કરો છો? 13 દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે 14 જો તેમનાં સંતાનોની વૃદ્ધિ થાય, તો તે તરવારથી હત્યા થવા માટે છે. અને તેના વંશજો ભૂખમરાને કારણે મૃત્યુ પામશે. 15 તેમાંથી જેઓ બચી જશે તેઓ રોગ અને મૃત્યુના ભોગ બનશે. અને તેની વિધવા શોક કરશે નહિ. 16 જો દુષ્ટ લોકો ધૂળની જેમ પુષ્કળ સંપત્તિ એકઠી કરે, તો પણ ઢગલાબંધ કપડાં ઢગલાબંધ માટીની જેમ ધરાવે છે. 17 પરંતુ અંતમાં તેઓને બદલે ભલા લોકો તેમના વસ્ત્રો પહેરશે, અને નિદોર્ષ લોકો તેની ચાંદી તેઓમાં વહેંચી લેશે. 18 તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા અને ચોકીદારના છાપરા જેવા છે. 19 દ્રવ્યવાન જ્યારે સૂવા જાય છે ત્યારે એ કદાચ ધનવાન હોય, પણ જ્યારે તે આંખ ખોલે છે ત્યારે બાકી કાંઇ હોતું નથી. 20 તે ગભરાયેલો હશે. તે એક જળપ્રલય જેવું લાગશે, જાણેકે એક વંટોળિયો આવ્યો હતો અને બધું ઉપાડી ને લઇ ગયો. 21 પૂર્વનો વાયુ તેને ઉડાવીને લઇ જાય છે, એટલે તે લોપ થાય છે; વંટોળિયો તેને તેની જગાએથી બહાર ખેચી જાય છે. 22 દુષ્ટ વ્યકિત કદાચ વંટોળિયાના જોરથી બચવાનો પ્રયત્ન કરે પણ તોફાન તેના પર દયા વગર તૂટી પડશે. 23 માણસો તેની સામે તાળી પાડશે કારણકે તે દુષ્ટ વ્યકિત ભાગી ગયો છે. જેવો તે તેના ઘરમાંથી ભાગે છે તેઓ તેના તરફ સીટી વગાડશે.
28:1 “ત્યાં ચાંદીની ખાણો છે. ત્યાં સોનું ગાળી તેને શુદ્ધ બનાવવા માટે એક જગા છે. 2 લોઢું જમીનમાંથી ખોદી કાઢવામાં આવે છે, અને પિત્તળ ખડકમાંથી ગાળવામાં આવે છે. 3 માણસ અંધકારને ભેદે છે, કાળમીંઢ ખડકોને ખોદી કાઢે છે, ખાણમાં ઊંડાઁમાં ઊંડે ઊતરીને કઇંક શોધી કાઢે છે. 4 ખનીજ ધાતુની શિરાના ચિહન દ્વારા કામદારો જમીનની અંદર નીચે ઊંડાણમા ખોદે છે. તેઓ, લોકો રહે છે તેનાથી દૂર એવી જગ્યાએ જયાં કોઇ કદી ગયું નથી ત્યાં રહે છે. તેઓ જમીનમાં નીચે ઊંડા ઊતરે છે. 5 ધરતીની ઉપર અનાજ ઊગે છે પણ નીચે તો બધું અલગ જ છે જાણે અગ્નિથી ઓગળી ગયું હોય એમ થાય છે. 6 તેના ખડકોમાંથી નીલમણિઓ મળે છે, અને તેમાંથી સોનાના ગઠ્ઠા નીકળે છે. 7 શિકારી બાજ પક્ષીની આંખે પણ તે જમીનની નીચેનો રસ્તો દેખાતો નથી. શિકારી પક્ષી પણ તે રસ્તો જાણતા નથી. 8 વિકરાળ પશુ પણ ત્યાં પહોંચ્યુ નથી.મદોન્મત સિંહના પગ પણ ત્યાં પડ્યા નથી. 9 પરંતુ લોકો જાણે છે, કેવી રીતે અચલ ખડકોને કોતરી કાઢવા અને પર્વતોના મૂળિયાઓને કેવી રીતે ઊખાડી નાખવા. 10 તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે. 11 તેઓ નદીઓના મૂળ શોધી કાઢે છે અને છૂપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે. 12 પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે? સમજશકિત ક્યાં મળી શકે? 13 આપણે જાણતા નથી કે જ્ઞાન કેટલું કિંમતી છે. પૃથ્વીપરના લોકો ધરતીમાં ખોદીને જ્ઞાન મેળવી શકતા નથી. 14 ઊંડાણ કહે છે, ‘એ અમારી પાસે પણ નથી;’ મહાસાગરો કહે છે, ‘એ અમારી પાસે નથી.’ 15 તે સોનાથી ખરીદી શકાય નહિ. આખી દુનિયામાં અનુભૂત જ્ઞાન ખરીદવા માટે ચાંદી પર્યાપ્ત નથી. 16 ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમને ધોરણે તેની કિંમત થાય નહિ. 17 સોના કે હીરા સાથે તેની તુલના થઇ શકે તેમ નથી. કે સોનાના પાત્રથી પણ તે ખરીદી શકાય તેમ નથી. 18 એની આગળ પરવાળાં કે રત્નની કોઇ તુલના થાય તેમ નથી. જ જ્ઞાનની કિંમત તો માણેકથી પણ વધુ ઊંચી છે. 19 કૂશ દેશના પોખરાજ પણ અનુભૂત જ્ઞાન જેટલા કિંમતી નથી. શુદ્ધ સુવર્ણથી પણ તમે અનુભૂત જ્ઞાન ખરીદી શકો નહિ. 20 તો અનુભૂત જ્ઞાન ક્યાંથી આવે છે? આપણને સમજશકિત ક્યાંથી મળી શકે? 21 અનુભૂત જ્ઞાન પૃથ્વી પરની દરેક સજીવ વસ્તુથી છૂપાયેલું છે. આકાશના પક્ષી પણ અનુભૂત જ્ઞાનને જોઇ શકતા નથી. 22 વિનાશ તથા મૃત્યુ કહે છે કે, ‘અમે અમારા કાનોએ તેની અફવા સાંભળી છે.’ 23 દેવ જ તે તરફનો માર્ગ જાણે છે, એને એના રહેઠાણની ખબર છે. 24 કારણકે એને ધરતીના છેડાની જાણ છે, આકાશની નીચે જે કઇં છે તે બધું એ જોઇ શકે છે. 25 જ્યારે દેવ પવનનું વજન કરે છે અને તે પાણીને માપથી નાખે છે. 26 જ્યારે તેમણે વરસાદ માટે નિયમ ઠરાવ્યો અને મેઘર્ગજીત વાવાઝોડાનો માર્ગ નક્કી કર્યો, 27 તે વખતે દેવે અનુભૂત જ્ઞાન જોયું હતું. અને તે વિશે ધ્યાનપૂર્વક વિચાર્યુ. દેવે જોયું હતું અનુભૂત જ્ઞાનની કેટલી મહત્તા હતી અને તે મંજૂર કર્યું. 28 તેણે માણસને કહ્યું, “યહોવાનો ડર અને તેમનો આદરભાવ કરવો એ જ અનુભૂત જ્ઞાન છે. દુષ્ટતાથી દૂર રહેવું તે જ સમજશકિત છે.”
29:1 વધુમાં અયૂબે અનુસંધાનમાં કહ્યું: 2 “હું ઇચ્છું છું, મારું જીવન થોડા મહિના પહેલા હતું તેવું હોત. તે વખતે દેવ મારું ધ્યાન રાખતા હતા અને મારી સંભાળ લેતા હતા. 3 ત્યારે તેનો દીવો મારા પર ઝળહળતો હતો અને એના પ્રકાશથી હું અંધકારમાં ચાલી શકતો હતો. દેવે મને જીવવા માટેનો સાચો રસ્તો બતાવ્યો હતો. 4 હું એ દિવસો માટે ઇચ્છું છું જ્યારે હું સફળ હતો અને દેવ મારા નિકટના મિત્ર હતા. 5 તે વખતે સર્વસમર્થ દેવ મારી સાથે હતા અને મારા સંતાનો મને વીંટળાયેલા રહેતા હતાં. 6 તે વખતે જીવન સારું હતું, હું મારા પગ દૂધની તરથી ધોતો અને મારી પાસે પુષ્કળ પ્રમાણમાં સારામાં સારુ તેલ હતું. 7 એ દિવસોમાં હું જ્યારે નગરના દરવાજે જતો ત્યારે આદરપાત્ર આગેવાનોની વચ્ચે જાહેર સભાના સ્થળમાં હું બેઠો હતો. 8 ત્યારે યુવાનો મને જોઇને માર્ગ મૂકતા હતાં અને વૃદ્ધો ઊભા થઇને મને માન આપતા હતાં. 9 નેતાઓ પણ મને જોઇને બીજાઓને ચૂપ કરવા માટે બોલવાનું બંધ કરી દેતા અને મોં પર તેઓના હાથ મૂકતાં. 10 નગરનાં ઉચ્ચ અધિકારીઓ ધીમા અવાજે બોલ્યા. તેઓની જીભ તેઓના મોઢાના તાળવે ચોંટી ગઇ. 11 મેં જે કહ્યું તે લોકોએ સાંભળ્યુઁ અને પછી મારા વિશે સારી વાતો કરી. મેં જે કર્યું તે લોકોએ જોયું અને પ્રસંશા કરી. 12 કારણકે જ્યારે ગરીબોએ મદદ માટે બોલાવ્યો, મેં અનાથને મદદ કરી કે જેની સંભાળ લે તેવું કોઇન હતું. 13 જેઓ મરવા પડ્યા હતાં તેઓ મને આશીર્વાદ આપતા હતાં. વિધવાઓના હૈયા હું ઠારતો હતો. 14 સદાચારી રહેવું એ મારા વસ્ત્રો હતા. પ્રામાણિક વર્તન એ મારો ઝબ્બો અને પાઘડી હતા. 15 હું અંધજનોની આંખ સમાન હતો. તેઓને જ્યાં ક્યાંય પણ જવાની ઇચ્છા હતી, મેં તેઓને રસ્તો બતાવ્યો. અને હું લંગડા માટે પગ સમાન હતો. તેઓ જ્યાં જવાં માંગતા હતા હું તેઓને ઊંચકીને લઇ ગયો. 16 ગરીબો સાથે હું તેઓના પિતાની જેમ વર્તતો. મેં લોકોને ન્યાયાલયમાં તેઓની દલીલો જીતવા મદદ કરી જેઓને હું જાણતો પણ ન હતો. 17 મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા અને નિદોર્ષ લોકોને તેઓથી બચાવ્યા. 18 હું આખો વખત વિચાર કરતો કે હું મારી આસપાસ મારા કુટુંબ સાથે લાંબુ જીવન જીવીશ. 19 મેં વિચાર્યુ, હું નીરોગી છોડ જેના મૂળિયા ને ખૂબ પાણી છે અને જેની ડાળીઓ ઝાકળથી ભીની છે તેના જેવો તંદુરસ્ત અને મરદાન પુરુષ થઇશ. 20 મેં વિચાર્યું દરેક નવો દિવસ તેજસ્વી અને નવી અને ઉત્તેજિત વસ્તુઓથી ભરેલો હશે. 21 લોકો મારા બોધને ધ્યાનથી સાંભળતા હતાં, તેઓ શાંતિ પૂર્વક મારી સલાહની રાહ જોતા હતા. 22 મારા બોલી રહ્યાં પછી એ કોઇ દલીલ કરતા ન હતા. કારણકે મારી સલાહથી તેઓને સંતોષ થતો હતો. 23 જેમ પ્રતિકૂળ સમયમાં વરસાદની રાહ જોવાતી હોય તેવી રીતે લોકોએ મારી સલાહ માટે આતુરતાપૂર્વક રાહ જોઇ. મારા શબ્દો જાણે વસંત ઋતુનો વરસાદ હોય. તેમ તેઓ તેનો આસ્વાદ માણી રહ્યાં હતા. 24 તેઓ વિશ્વાસ કરી શકતા નહિ. ત્યારે હું મોં મલકાવીને તેઓને ઉત્તેજન આપતો. મારા સ્મિતે તેઓને સારું લગાડ્યું. 25 હું એમની વચ્ચે વડીલની જેમ બેસી અને તેઓની બધી બાબતોનો ઉકેલ લાવતો. હું છાવણીમાં તેના લશ્કર સાથેના એક રાજા જેવો હતો, અને જ્યારે તેઓ નિરાશ-હતાશ થતા ત્યારે હું તેમને હિંમત અને આશ્વાસન આપતો હતો.”
30:1 “પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે. તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે. અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ. 2 એ યુવાન માણસોના પિતાઓ મને મદદ કરવા માટે ખૂબ નિર્બળ છે. તેઓ વૃદ્ધ અને થાકેલા છે. તેઓના સ્નાયુઓ હવે મજબૂત અને કઠણ રહ્યાં નથી. 3 ખાવા માટે કંઇ ન હોવાને કારણે તેઓ ભૂખ્યા રહે છે. તેથી તેઓ રણની સૂકી ધૂળ ખાય છે. 4 તેઓ રણમાં ખારી ભાજી ચૂંટી કાઢે છે અને છોડના મૂળીયાં ખાય છે. 5 તેઓના નાગરિક તરીકેના હક પણ છીનવી લેવાયા હતાં. લોકો તેઓની પાછળ દોડતા હતા, જાણે તેઓ ચોર હોય અને પીછો થઇ રહ્યો હોય. 6 તેઓ ખીણમાં, ખડકોમાં, ગુફાઓમાં, અને ખાડાઓમાં પડી રહે છે. 7 તેઓ પશુની જેમ ઝાડીઓમાં બરાડા પાડે છે. તેઓ ઝાડ નીચે સમૂહમાં ભેગા થાય છે. 8 તેઓ દેશમાંથી કાઢી મૂકાયેલા નામ વગરના નિરર્થક લોકોનો એક સમૂહ છે. 9 હવે તે માણસોના પુત્રો અનુપ્રાસવાળી કવિતા ગાઇ મારી મશ્કરી કરે છેે. હું તેઓ મધ્યે મશ્કરી રૂપ બન્યો છું. 10 તેઓ મારા પ્રત્યે ઘૃણા કરે છે અને મારી પાસે આવતા નથી. મારા મોં પર થૂંકતા પણ તેઓ અચકાતા નથી. 11 દેવે મારા ધનુષ્યની દોરી લઇ લીધી છે અને મને દુર્બળ બનાવી દીધો છે. 12 તેઓ મારી જમણી બાજુથી મારા પર હૂમલો કરે છે તેઓ મારા પગે ફટકો મારી પાડી દે છે. કબજે કરેલા નગર જેવું મને લાગે છે. હુમલો કરવા અને મારો નાશ કરવા તેઓએ ગંદા ટેકરા મારી દિવાલ સામે બાંધ્યા છે. 13 તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઇની મદદની જરૂર નથી. 14 તેઓ દિવાલમાં એક કાણું પાડે છે. તેઓ તેની આરપાર ધસી જાય છે અને પથ્થરો મારી પર પડે છે. 15 હું ભયથી જુ છું, એ યુવાન માણસો જેમ પવન વસ્તુઓને ફૂંકી નાખે તેમ મારા સ્વમાન પાછળ પડ્યા છે. મારી સુરક્ષા વાદળોની જેમ ચાલી ગઇ છે. 16 હવે મારું જીવન લગભગ લુપ્ત થઇ ગયું છે અને હું મરવાની અણી પર છું. દુ:ખના દિવસોએ મને ઘેરી લીધો છે. 17 રાત્રી દરમ્યાન મારા હાડકાઓને પીડા થાય છે, પીડા મને સતાવવાનું છોડતી નથી. 18 દેવે મારો કાંઠલો પકડ્યો અને મારા વસ્ત્રોને ચોળીને બગાડી નાખ્યા છે. 19 દેવે મને કાદવમાં ફેંકી દીધો છે. હવે હું ધૂળ તથા રાખ જેવો બની ગયો છું. 20 હે દેવ, હું કાલાવાલા કરું છું, પણ તમે મારું સાંભળતા નથી. હું તમારી સમક્ષ આવીને ઊભો છું પણ તમે મારી સામે નજર કરતા નથી. 21 તમે મારા પ્રત્યે નિષ્ઠુર થઇ ગયા છો. તમે તમારી શકિતનો ઉપયોગ મને ઈજા પહોંચાડવામાં કરો છો. 22 દેવ તમે મજબૂત પવનને મને ફૂંકી દેવા દો છો. તમે મને હવાના તોફાનમાં ઊછાળો છો. 23 હું જાણું છું કે તમે મને મોતને ઘાટ ઉતારી રહ્યા છો, જ્યા બધા જીવંત માણસોને મળવાનું છે ત્યાં તમે મને લઇ જાઓ છો. 24 મુશ્કેલીમાં આવી પડેલો માણસ મદદને માટે કાલાવાલા કરે છે અને હાથ લંબાવે છે. 25 શું દુ:ખી માનવીઓ માટે મેં આંસુ સાર્યા નથી? દીનદુ:ખિયાઓ માટે મારું હૃદય શું રડી ઊઠયું નથી? 26 તેમ છતાં મેં જ્યાં સારી વસ્તુની આશા રાખી હતી ત્યાં મને ખરાબ વસ્તુ મળી, જ્યાં મેં પ્રકાશની આશા રાખી હતી ત્યાં મને અંધકાર મળ્યો. 27 મારું અંતર ઉકળે છે. દુ:ખનો અંત આવતો નથી. અને પીડા હજી તો શરૂજ થઇ છે. 28 હું સૂર્યના પ્રકાશ વિના, આખો વખત ઉદાસ અને ઉત્સાહ ભંગ રહું છું. જાહેર સભામાઁ ઊભો રહું છું અને મદદ માટે બૂમો પાડુઁ છું. 29 હવે હું રડતાં શિયાળવા જેવો અને ચીખતાં શાહમૃગો જેવો બની ગયો છું. 30 મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે. 31 તેથી મારી વીણામાંથી હવે વેદનાના સૂર નીકળે છે, મારી વાંસળીમાંથી હવે વ્યથાનું સંગીત સંભળાય છે.
31:1 “મેં મારી આંખો સાથે કરાર કર્યો છે; કે કોઇ કુમારિકા સામે લાલસાભરી નજરે જોવું નહિ. 2 સર્વસમર્થ દેવ, લોકોને માટે શું કરે છે? તેના ઉચ્ચસ્થાનથી લોકોને બદલો કેવી રીતે આપે છે? 3 શું તે દુરાચારીઓને માટે વિપત્તિ અને ખોટું કરનારાઓ માટે વિનાશ મોકલી આપતા નથી? 4 શું તે મારા આચરણ નથી જોતા? અને મારા બધાં પગલાં નથી ગણતા? 5 જો મેં કપટ ભરેલો આચાર કર્યો હોય, અથવા જો મારો પગ કોઇને છેતરવા તરફ વળ્યો હોય; 6 જો દેવ ચોક્કસ માપનું ત્રાજવું ઊપયોગમાં લે તો તેને જાણ થશે કે હું નિદોર્ષ છું. 7 જો હું સત્યના માર્ગથી પાછો ફર્યો હોઉં, મારી આંખોએ મારા હૃદયને અનિષ્ટ કરવા દીધું હોય અથવા તો જો મેં બીજા કોઇની નાની વસ્તુ પણ આંચકી લીધી હોય, તો દેવને જાણ થઇ જશે. 8 તો મારું વાવેલું અનાજ બીજાઓ ખાય અને મારા ઉગાવેલા છોડ ઊખેડી નાખવાનું યોગ્ય જ હશે. 9 જો મારું મન કોઇ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો મેં મારા પાડોશીના બારણે તેની પત્ની સાથે વ્યભિચાર કરવાની રાહ જોઇ હોય. 10 તો ભલે મારી પત્ની બીજા પુરુષ માટે રસોઇ કરે. અને ભલે બીજા પુરુષની થઇ જાય. 11 કારણકે જાતીય પાપ એ શરમજનક પાપ છે. એ તો ભયંકર શિક્ષાને પાત્ર છે. 12 તે તો એક અગ્નિ છે જે તમામ વસ્તુઓને સળગાવી નાખે છે. મેં જે કાઇ વાવ્યું છે તેને તે ઉખાડી શકે તેમ છે. 13 મેં મારા કર્મચારીઓનો હક કદી ડૂબાડી દીધો નથી. 14 મેં જો એમ કર્યુ હોય તો જ્યારે દેવ મારી સામે આવીને ઊભા રહેશે તો હું શું કરીશ? જ્યારે તે પૂછશે મેં શું કર્યું, તો મારે શું કહેવું જોઇએ? 15 કારણકે જે દેવે મને સજ્ર્યો છે તેણે જ મારાં નોકરચાકરોને ર્સજ્યા છે અ મને માતાઓના ગર્ભની અંદર દેવે અ મને સૌને આકાર આપ્યા છે. 16 મેં ગરીબોને કશું આપ્યું ન હોય તેવું કદી બન્યું નથી અને વિધવાઓને મેં કદી રડાવી નથી. 17 અનાથો ભૂખ્યા હોય ત્યારે મેં એકલપેટાની જેમ કદી ખાધું નથી. 18 હું જુવાન હતો ત્યારથી મેં એમના પિતાની જેમ એમની સંભાળ લીધી છે અને વિધવાઓને તો મેં પહેલેથી જ મદદ કરી છે. 19 અને કોઇને ઠંડીથી થરથરતા અથવા તો એક ગરીબ માણસને ડગલા વગરનો જોયો હોય. 20 મેં હમેશા તેઓને કપડાં આપ્યા તેઓને હૂંફાળા કરવા મેં મારા પોતાના ઘેટાંઓનું ઊન આપ્યું અને તેઓએ મને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. 21 મેં એક અનાથ મદદ માગવા માટે તે જ્યારે દરવાજા પર આવ્યો હોય ત્યારે હાથ ઉઠાવ્યો હોય. 22 જો મેં આવું કશું કર્યુ હોય તો મારો હાથ તોડી નાંખવામાં આવે અને તેને ખભામાંથી ખેંચી કાઢવામાં આવે! 23 પણ મેં કાંઇ ખોટુ કર્યુ નથી. હું દેવની શિક્ષાથી ડરું છું. તેની મહાનતા મને ડરાવે છે. 24 મેં મારી ધનસંપત્તિ પર કદી આધાર રાખ્યો નથી, અને હંમેશા મદદ કરવા માટે મને દેવમાં વિશ્વાસ હતો. મેં કદી કહ્યું નથી કે શુદ્ધ સ્વર્ણ, ‘તુંજ મારી એકમાત્ર આશા છે.’ 25 હું ધનવાન છું પણ તેથી હું અભિમાની નથી. હું ખૂબ પૈસા કમાયો. પણ તે એકજ એવી વસ્તુ નથી જેનાથી હું સુખી થયો. 26 મેં તેજસ્વી સૂર્ય કે સુંદર ચંદ્રની પૂજા કરી નથી. 27 હું સૂર્ય અને ચંદ્રની પૂજા કરું એવો મૂર્ખ ન હતો. 28 તે પણ એક પાપ છે જેની સજા થવીજ જોઇએ. જો મેં એવી કોઇપણ વસ્તુની ઉપાસના કરી હોય તો હું દેવને વિશ્વાસુ રહ્યો હોઇશ નહિ. 29 હું મારા શત્રુના દુ:ખે કદી ખુશ થયો નથી. તેઓની મુશ્કેલીમાં મેં કદી હાંસી નથી ઉડાવી. 30 મે મારા મુખને મારા દુશ્મનોને શાપ આપવાનું અને તેઓ મરી જાય તેમ ઇચ્છવાનું પાપ કદી કરવા દીધું નથી. 31 મારા ઘરમાં દરેક જણ જાણે છે કે મેં અજાણ્યાને કાયમ ખાવાનું આપ્યું છે. 32 પરદેશીને માર્ગમાં ઉતારો કરવો પડતો નહોતો; પણ મુસાફરને માટે મારાઁ બારણાં હંમેશા ઉઘાડાં હતાં. 33 જો આદમની જેમ મેં મારાં પાપ સંતાડ્યાં હોય, 34 લોકો કદાચ શું કહેશે એવો મને કદી ડર લાગ્યો નથી. ડરે મને કદી ચૂપ રહેવા દીધો નથી. એણે મને કદી બહાર જતા રોક્યો નથી. લોકોના મારા પરના ધિક્કારથી હું ડરતો નથી. 35 અરે હું ઇચ્છું છું, મને કોઇ સાંભળતું હોત! મને મારી બાજુ સમજાવવા દો. હું ઇચ્છું છું કે સર્વસમર્થ દેવ મને જવાબ આપે. હું ઇચ્છું છું કે તેને જે લાગે મેં ખોટું કર્યુ છે તો તે લખી નાખે. 36 તો હું એને મારે ખભે લટકાવીશ. હું રાજમુગટની જેમ તેને પહેરીશ. 37 હું મારા એકેએક પગલાનો અહેવાલ તેને આપીશ. હું મારું માથું ઊચુ રાખીને એની સામે ઊભો રહીશ. 38 મેં મારી જમીન કોઇ પાસેથી ચોરી નથી, કોઇપણ મને તેની ચોરી માટે દોષિત ઠરાવી શકે તેમ નથી. 39 મેં હંમેશા ખેડૂતોને તેના ખોરાક માટે પૈસા ચૂકવ્યા, જે મને આ જમીનમાંથી મળ્યા. મેં કદી બીજા માણસની જમીન તેને મારી નાખીને ઝૂંટવવાની કોશિષ કરી નથી. 40 જો મેં કોઇ આવી ખરાબ બાબત કરી હોય તો એવું થજો કે મારી જમીનમાં ઘંઉ અને જવને બદલે કાંટા અને ખડ ઉગે!” અયૂબનું નિવેદન પૂરું થયું.
32:1 પછી અયૂબના ત્રણ મિત્રોએ અયૂબને જવાબ આપવાનું મૂકી દીધુ કારણકે અયૂબને એટલો આત્મ વિશ્વાસ હતો કે તે પોતે સાચે નિદોર્ષ હતો. 2 પરંતુ રામના કુળનો બુઝનો વંશજ બારાકેલનો પુત્ર અલીહૂ અયૂબ પર ગુસ્સે થયો હતો, કારણકે અયૂબ પોતાને નિદોર્ષ અને દેવને દોષિત માનતો હતો. 3 વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેનો ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તો પણ તેઓએ અયૂબને દોષિત ઠરાવ્યો હતો. 4 તેઓ બોલતા હતાં ત્યારે અલીહૂ બોલ્યા વિના બેસી રહ્યો હતો, કારણકે તેઓ એનાથી ઉંમરમાં મોટા હતા; 5 પણ જ્યારે એણે જોયું કે એ ત્રણેના મોંમા ઉત્તર નથી ત્યારે એને રોષ થયો હતો. 6 બુઝનો વંશજ બારાકેલના પુત્ર અલીહૂએ ઉત્તર આપતા કહ્યું કે:“હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો; માટે હું દબાઇ ગયો, અને મારો મત તમને જણાવવાની મારી હિંમત ચાલી નહિ. 7 મને લાગ્યું, ‘મોટેરાઓએ બોલવું જોઇએ, વયોવૃદ્ધોએ એમનું જ્ઞાન શીખવવું જોઇએ.’ 8 પરંતુ માણસમાં રહેલો આત્મા વ્યકિતને ડાહ્યો બનાવે છે. ને સર્વસમર્થ દેવનો શ્વાસ લોકોને સમજાવે છે. 9 માત્ર મોટી ઉંમરવાળા બુદ્ધિમાન હોય છે, એમ નથી, અને વૃદ્ધો ન્યાય સમજે છે એમ હંમેશા હોતું નથી. 10 માટે હું કહું છું કે, ‘મને સાંભળો; હું પણ મારો મત દર્શાવીશ.’ 11 જુઓ, જ્યારે તમે બોલતા હતા ત્યારે મેં રાહ જોઇ. જ્યારે તમે શબ્દો શોધતા હતા, હું તમારી દલીલો સાંભળતો હતો. 12 તમને મેં ધ્યાનથી સાંભળ્યા, પણ તમે કોઇએ અયૂબને ખોટો પાડ્યો નહિ. અયૂબને સામો જવાબ આપ્યો નહિ. 13 તમે ત્રણ જણાઓ કહી ન શકો કે તમને જ્ઞાન મળ્યુ . દેવે નહિ લોકોએ અયૂબની દલીલોનો જવાબ આપવો જેઇએ. 14 એ મારી સાથે દલીલમાં ઊતર્યો નથી, અને હું તમારી જેમ સામે જવાબ આપીશ નહિ. 15 અયૂબ, તેઓ દલીલ હારી ગયા છે, તેઓ કંઇ વધારે સામો જવાબ આપતા નથી, એમની પાસે હવે શબ્દો રહ્યા નથી. 16 અયૂબ, તને જવાબ આપવા હું આ માણસોની રાહ જોતો હતો. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ તમારી સાથે દલીલ કરવાનું બંધ કર્યુ છે. 17 ના, હવે હું મારે જે કંઇ કહેવાનું છે તે કહીશ, હું જે વિચારું છું તે કહીશ. 18 મારી પાસે ઘણી બાબતો કહેવા માટે છે મારી અંદરનો આત્મા મને ફરજ પાડે છે. 19 હું દ્રાક્ષારસની તે નવી બાટલી જેવો છું કે જે હજી ખોલી ન હોય. હું તે નવા દ્રાક્ષારસના ઢાંકણા જેવો છું કે જે ખોલાયા પછી ઊડવાની તૈયારીમાં હોય છે. 20 મારું મન સ્વસ્થ થાય માટે મારે બોલવું જ જોઇએ, મારે મોઢે અયૂબની દલીલોનો જવાબ આપવો જ જોઇએ. 21 હું કોઇનો પક્ષ નહિ લઉં, હું કોઇની પ્રશંસા નહિ કરું. 22 મને પ્રશંસા કરતાઁ નથી આવડતું, જો હું એમ કરું તો દેવ મને કબરની તરફ મોકલી દેશે!”
33:1 “અને હવે, અયૂબ, હું જે કહું તે કૃપા કરીને ધ્યાનથી સાંભળ, 2 જો, હવે મેં મારું મોં ખોલ્યું છે, મારી જીભ બોલવાની તૈયારીમાં છે. 3 મારું હૃદય પવિત્ર છે, તેથી હું પ્રામાણિકતાથી બોલીશ, મારા હોઠો હું જે જાણું છું એ વિશે સચ્ચાઇથી બોલશે. 4 દેવના આત્માએ મને ઉત્પન્ન કર્યો છે, સર્વસમર્થ દેવનો શ્વાસ મને જીવન આપે છે. 5 જો તારાથી બની શકે, તો તું મને ઉત્તર આપ; તારી દલીલો વિચારી લે અને મારી સાથે દલીલ કર. 6 દેવની નજરમાં તો હું તારા જેવો જ છું હું પણ માટીમાંથી જ પેદા થયો છું. 7 તારે મારાથી ડરવા જેવું કાંઇ નથી. હું તારી સાથે કઠોર નહિ થાઉં. 8 મારી સુનાવણીમાં તમે કહ્યું છે, ‘તમારા એ શબ્દો મેં સાંભળ્યા હતા.’ 9 હું નિર્મળ છું, મે ખોટું કાંઇ કર્યુ નથી. 10 દેવ મારી વિરુદ્ધ થવા બહાનું શોધી કાઢે છે, દેવ મારી સાથે એક શત્રુ જેવો વર્તાવ કરે છે. 11 તે મારું એકેએક પગલું ધ્યાનથી જુએ છે.’ 12 જો, હું તને કહું છું કે એમાં તું સાચો નથી. દેવ માણસથી બહુ મહાન છે. 13 “તું શા માટે એમની સાથે દલીલ કરે છે કે એ તારા એક પણ સવાલનો જવાબ આપતા નથી? 14 દેવ વારંવાર અનેક રીતે બોલતા હોય છે, પણ માણસ સમજતો નથી. 15 જ્યારે માણસો ગાઢ નિદ્રામાં હોય કે, પથારી પર ઝોકાં ખાતાં હોય, અને સ્વપ્નમાં, અથવા રાતના સંદર્શનમાં પડ્યાં હોય; 16 દેવ લોકોના કાન ખોલી નાખે છે, અને એમને ચેતવણી આપીને ભયભીત કરે છે. 17 અને એમ એ માણસને પાપ કરતાં અટકાવે છે, અભિમાનથી બચાવે છે, 18 દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે. માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે. 19 તદુપરાંત, દેવ માણસને પથારીવશ કરીને સતત તેના હાડકાઓમાં પીડા મારફતે તે તેઓને સમજાવે છે. 20 પછી તે માણસ ખાઇ શકતો નથી. તે માણસને એટલી બધી પીડા થાય છે કે તેને સ્વાદિષ્ટ ભોજનનો પણ અણગમો થાય છે. 21 એનું શરીર સુકાઇ જાય છે અને ચામડી નીચેથી હાડકાં દેખાઇ આવે છે. 22 તે વ્યકિત કબરની પાસે છે. અને તેનુ જીવન મૃત્યુની નજીક છે. 23 દેવને હજારો દેવદૂતો છે. કદાચ તે દેવદૂતોમાંથી એક તે વ્યકિત પર બરોબર નજર રાખે. 24 અને તેેના પર દયાળુ થઇને દેવને કહે છે કે, ‘એને કબરમાં ધકેલો નહિ, તેના પાપનો ચુકાદો કરવા મેં એક રસ્તો શોધી કાઢયો છે. 25 તો એનો દેહ ફરીથી પાંગરે છે, એ ફરીથી જ્યારે તે યુવાન હતો તેવો બની જાય છે. 26 તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે. અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે. 27 તે માણસ પોતાના મિત્રની આગળ કબૂલ કરશે, ‘મેં પાપ કર્યુ હતું. મેં સારા ને ખરાબમાં બદલાવ્યુ હતું. પરંતુ દેવે હું જે સજાને પાત્ર હતો તે મને આપી નહિ. 28 તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે. હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’ 29 દેવ તો માણસની સાથે એકવાર, બેવાર, વારંવાર આમ વતેર્ છે. 30 તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી તે માણસ જીવનનો આનંદ માણી શકે. 31 હે અયૂબ, હવે હું જે કહું તે ધ્યાનથી સાંભળ! તું મૌન રહે અને મને બોલવા દે. 32 પણ અયૂબ, તારે જો મારી સાથે સંમત થવું ન હોય, તો બોલવાનું ચાલુ રાખ, તારી દલીલ મને કહે કારણકે હું તને નિદોર્ષ જાહેર કરવા માગું છુ 33 પણ જો તારે કાઇ કહેવાનું જ ન હોય, મારું સાંભળો, છાના રહો અને હું તમને ડહાપણના જ્ઞાનના પાઠ શીખવીશ.”
34:1 અલીહૂએ અનુસંધાનમાં આગળ બોલતા કહ્યું; 2 “હે શાણા માણસો, તમે મારા શબ્દો સાંભળો; અને હે જ્ઞાનીઓ, તમે મારા કહેવા પર ધ્યાન આપો. 3 જેમ જીભ સ્વાદને ઓળખી શકે છે, તેમ કાન શબ્દોને પારખી શકે છે. 4 ચાલો આપણે પસંદ કરીએ કે સાચું શું છે, ચાલો આપણે નક્કી કરીએ કે સારું શું છે. 5 કારણ કે અયૂબે કહ્યું છે કે, ‘હું નિદોર્ષ છું અને દેવ મારી સાથે ન્યાયી નથી. 6 હું નિદોર્ષ છું છતાં હું જૂઠા બોલો તરીકે ગણાઉં છું; એમણે મને સતત જીવલેણ પ્રહાર કર્યો છે; પણ મેં કઇં વાંક ગુનો કર્યો નથી.’ 7 અયૂબના જેવો બીજો કોણ છે? અયૂબ જેટલી સરળતાથી પાણી પીએ છે તેટલી સરળતાથી તિરસ્કાર પી જાય છે. 8 એને દુષ્ટ લોકોનીં સંગત ગમે છે, એ દુષ્ટ લોકોની સાથે ફરે છે. 9 તેણે કહ્યું છે, ‘દેવને ખુશ કરવાથી તેમાઁ તેને કોઇ લાભ નથી.’ 10 તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ. 11 તે માણસે જે કર્યુ હશે તેનો બદલો તે માણસને દેવ આપશે. 12 દેવ ખોટું કરશે જ નહિ, અન્યાય કરશે જ નહિ. આના કરતાં વધારે સાચું કોઇ વિધાન નથી. 13 પૃથ્વી પર કામગીરી બજાવવા માટે કોઇએ દેવને પસંદ કર્યા નથી. કોઇએ દેવને આખી દુનિયાની જવાબદારી સોંપી નથી. દેવેજ બધી વસ્તુઓ બનાવી છે અને તે વસ્તુઓ પર હમેશા તેમની જ સત્તા રહી છે. 14 જો દેવ પોતાનો આત્મા અને શ્વાસ પૃથ્વી પરથી લઈ લે. 15 તો તમામ સજીવોનો વિનાશ થાય અને માણસ જાત પાછી ધૂળ ભેગી થઇ જાય. 16 જો તમારામાં સમજ શકિત હોય તો મને સાંભળો! મારા શબ્દો ધ્યાનમાં રાખો. 17 જે ન્યાયને ધિક્કારે, તો એ કદી રાજ ચલાવી શકે? દેવ ન્યાયી અને પરાક્રમી છે. શું તને લાગે છે તું તેને દોષિત ઠરાવી શકીશ? 18 શું દેવ કદી રાજાઓને કહે છે કે, ‘તમે નકામા છો’ અથવા રાજકુમારોને કે, ‘તમે દુષ્ટ છો?’ 19 દેવ રાજકર્તાઓને બીજા લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી, ધનવાનોને ગરીબ લોકો કરતા વધારે પ્રેમ કરતા નથી. કારણ કે બધા તેના હાથે સર્જાયેલા છે. 20 એક ક્ષણમાં, મધરાતે પણ, તેઓ મૃત્યુ પામે છે. જ્યારે દેવ પ્રહાર કરે છે, બળવાન પણ મરી જાય છે. મહાન લોકો અદ્રશ્ય થઇ જાય છે અને તેમાં માણસનો હાથ સંડોવાયેલો નથી. 21 કારણકે, દેવની નજર માણસની ચાલચલગત પર હોય છે. તે તેની સઘળી વર્તણૂક જુએ છે. 22 દુષ્ટ માણસને સંતાડી શકે એવો કોઇ પડદો કે અંધકાર નથી. 23 દેવને લોકોની વધુ પરીક્ષા કરવા માટે સમય પસંદ કરવાની જરૂર નથી. દેવને લોકો વિશે અભિપ્રાય આપવા તેમને સામે લાવવાની જરૂર નથી. 24 જો શકિતશાળી લોકો પણ દુષ્કર્મ કરે, તો દેવને તેઓને માટે પ્રશ્ર્ન કરવાની જરૂર નથી. તે સર્વથા તે લોકોનો વિનાશ કરશે અને બીજાઓને નેતા તરીકે નિયુકત કરશે. 25 તેથી દેવ જાણે છે કે લોકો શું કરે છે એજ કારણે દેવ રાતોરાત દુષ્ટ લોકોને પાયમાલ કરશે અને તેઓનો નાશ કરશે. 26 દેવ દુષ્ટ લોકોને તેઓએ જે દુષ્કમોર્ કર્યા છે તેને માટે બીજાઓ જ્યારે જોતા હશે ત્યારે સજા કરશે. 27 કારણકે તેઓ દેવથી પાછા ફરી ગયા છે, તેઓ એના માર્ગને અનુસરવા માગતા નથી. 28 તેમનો પોકાર દેવ સુધી પહોંચે છે અને દેવ એ દુ:ખી લોકોનો સાદ સાંભળે છે. 29 પણ જો દેવ તેઓને મદદ ન કરવાનો નિશ્ચય કરે તો કોઇપણ દેવને દોષિત ઠરાવી શકે તેમ નથી. જો દેવ પોતે લોકોથી સંતાઇ જાય તો કોઇ તેને શોધી શકે તેમ નથી. 30 અને જો તે લોકોને પાપ કરવાનું કારણ શાસન છે તો દેવ તેને તેની સત્તા પરથી ઊતારી નાખશે. 31 શું કોઇએ ઇશ્વરને એમ કહ્યું છે કે, ‘હું ગુનેગાર છું, હવે પછી હું કદી પાપ કરીશ નહિ. 32 દેવ, હું તમને જોઇ શકતો નથી તે છતાં મને જીવવાની સાચી રીત મને શીખવશો જો મેં ખોટું કર્યુ હોય તો હું ફરી એવું કરીશ નહિ.’ 33 અયૂબ, તને દેવ પાસેથી ફળ જોઇએ છે. પણ તારે તે બદલવું નથી. અયૂબ એ તારો નિર્ણય છે અને મારો નથી. મને કહે તું શું જાણે છે. 34 ડાહ્યો માણસ મને સાંભળશે ડાહ્યો માણસ કહેશે. 35 ‘અયૂબ જ્ઞાન વગર બોલે છે. એના શબ્દોમાં કોઇ તાત્પર્ય નથી.’ 36 મને લાગે છે કે અયૂબને વધારે સજા થવી જોઇએ. કારણકે અયૂબ અમને દુષ્ટ માણસો જેવા જવાબ આપે છે. અંત સુધી તેની કસોટી થવી જોઇએ. 37 અયૂબ તેના બીજા પાપોમાં બળવાખોરીનો ઉમેરો કરે છે. અયૂબ ત્યાં અમારું અપમાન કરી અમારી પહેલા બેસે છે. અને તે દેવની વિરુદ્ધ લાંબી લાંબી વાતો કરે છે.”
35:1 વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું; 2 “અયૂબ, તું દેવને પૂછ, ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય? જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’ 3 તું એમ માને છે કે, આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે; ‘દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?” 4 હું તને તથા તારા બધા મિત્રોને એક સાથે જવાબ આપીશ. 5 ઊંચે આકાશમાં જો! જો વાદળાં તારા કરતાં કેટલાં ઊંચા છે! 6 અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી. 7 અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી. તારી પાસેથી દેવને કાંઇ મળવાનું નથી. 8 અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે. તેઓ દેવને મદદ કે હાનિ કરતા નથી. 9 જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે. તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે. 10 પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી. તેઓ કહેશે નહિ મારા સર્જનહાર દેવ ક્યાં છે? દેવ જેઓ ઉત્સાહ ભંગ છે, તેઓને મદદ કરે છે. તો તે ક્યાં છે? 11 જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે! 12 તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી, કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે. 13 એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ. સર્વસમર્થ દેવ તેઓ તરફ જરા પણ ધ્યાન આપશે નહિ. 14 તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી, ત્યારે દેવ તેને સાંભળશે નહિ. તુું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે અને તારી નિદોર્ષતા સાબિત કરે છે. 15 અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી. તે વિચારે છે કે દેવ પાપ જોતા નથી. 16 તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે. અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે. એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”
36:1 વળી અલીહૂએ આગળ અનુસંધાનમાં કહ્યું; 2 “જરા લાંબો સમય મને નિભાવી લે, દેવના પક્ષમાં હું થોડા વધુ શબ્દો છે કહેવા ઇચ્છું છું. 3 હું મારું જ્ઞાન એકેએક સાથે વહેચીશ, દેવે મારું સર્જન કર્યુ અને તે ન્યાયી છે તે હું સાબિત કરીશ. 4 હું તને જણાવું છું કે તે ખરેખર સત્ય છે કેમ કે હું સંપૂર્ણ જ્ઞાની છું. 5 દેવ મહા બળવાન છે, પણ એ કોઇનો તિરસ્કાર કરતા નથી. દેવ ખૂબ બુદ્ધિમાન છે, પણ ખૂબ વિદ્વાન પણ છે. 6 એ દુષ્ટોને જીવતા રહેવા દેતા નથી; પણ ગરીબોનો ન્યાય કરે છે. 7 જે સચ્ચાઇથી રહે છે, તે લોકો પર દેવ નજર રાખે છે. તે તેઓને રાજાઓની સાથે સિંહાસન પર બેસાડે છે અને તેઓ સદાય ઉચ્ચ સ્થાન પર રહે છે. 8 તેથી જો લોકોને સજા થઇ છે, જો તેઓ સાંકળ અને દોરડાથી બંધાયેલા છે, તો તેઓએ કાંઇક ખોટું કર્યું છે. 9 અને દેવ તેને કહેશે, તેઓએ શું કર્યું હતું. દેવ તેને કહેશે કે તેઓએ પાપ કર્યા હતા. દેવ તેઓને કહેશે તેઓ ઉદ્ધત હતા. 10 દેવ તેઓને પાપ કરવાનું મૂકી દેવાનો આદેશ આપશે અને તેઓના શિક્ષણ તરફ કાન ઉઘાડે છે. 11 તેઓ જો એનું માને અને એની સેવા કરે તો તેઓ તેમનું બાકીનું જીવન સમૃદ્ધિમાં ગાળશે. તેઓના વષોર્ સુખથી ભરેલા હશે. 12 પરંતુ જો તેઓ એનું ન માને તો તેઓ અજ્ઞાનમાંજ મૃત્યુ પામે અને મૃત્યુલોકમાં પહોંચી જાય. 13 લોકો જે દેવની ચિંતા કરતા નથી જ્યારે આખો વખત તેઓ દુ:ખી રહે છે. દેવ તેઓને શિક્ષા કરે છે ત્યારે પણ તેઓ તેમને મદદ માટે પ્રાર્થના કરતા નથી. 14 તેઓ હજુ જુવાન હશે મરી જશે. અને તેમનો જીવ દુષ્ટોની સાથે નાશ પામે છે. 15 પણ દુષ્ટલોકોને તેઓના દુ:ખ દ્વારા નરમ બનાવે છે. દેવ તે દુ:ખ દ્વારા લોકોને જગાડી અને તેને સાંભળતા કરે છે. 16 તેણે તને દુ:ખમાંથી દૂર કર્યો છે, તેણે તને નિરાંતનું જીવન આપ્યું છે. તેણે તને પુષ્કળ પ્રમાણમાં ખોરાક પીરસ્યો છે. 17 પરંતુ હવે અયૂબ, તું દોષિત ઠરાયો. તેથી તને એક દુષ્ટ વ્યકિતની જેમ સજા થઇ. 18 હવે તમે સાવધ રહેજો, જેથી સમૃદ્ધિ તમને ફોસલાવે નહિઁ, લાંચ તમારું મન બદલાવે નહિ. 19 સંકટમાં તારી અઢળક સમૃદ્ધિ તને શા કામની? તારી શકિત તારા શા કામની? 20 રાતે આવવાની ઇચ્છા કરતો નહિ. લોકો રાત્રિમા અલોપ થઇ જવાનો પ્રયત્ન કરે છે. તેઓ વિચારે છે કે તેઓ પોતાને દેવથી સંતાડી શકશે. 21 અયૂબ, તેઁ ખૂબજ પીડા ભોગવી છે. પણ અનિષ્ટ પસંદ કરતો નહિ કંઇ પણ ખોટું નહિ કરવાની સાવચેતી રાખજે. 22 દેવ પોતાના સાર્મથ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે. એના જેવો ગુરુ છે કોણ? 23 એમણે શું કરવું એ કોઇ એમને કહી શકે ખરું? તમે ખોટું કર્યુ છે એમ એમને કોણ કહી શકે?’ 24 તેમણે પ્રતાપી કાર્યો કરેલા છે. તેમણે કરેલાં મહાન કાર્યો માટે તેમની સ્તુતિ કરવાનું યાદ રાખ. લોકોએ દેવની સ્તુતિ વર્ણવતા ઘણા ગીતો લખ્યા છે. 25 દેવે જે કાઇં કર્યુ છે તે બધાએ જોયું છે, દૂર દેશાવરમાં પણ લોકો તે જોઇ શકે છે. 26 દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી. કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી. 27 દેવ, પૃથ્વી પરથી પાણીને ઊંચે લઇ જઇ અને તેનું ઝાકળ અને વરસાદમાં રૂપાંતર કરે છે. 28 જે વાદળોમાંથી પૃથ્વી પર વરસે છે અને અનેક લોકો પર પડે છે. 29 દેવ કેવી રીતે વાદળો પાથરે છે, અને તેમાં થતી ગર્જનાઓને કોઇ સમજી શકે છે ખરું? 30 જુઓ, દેવ પૃથ્વી પર વિજળી ફેલાવે છે અને મહાસાગરના ઊંડામાં ઊંડા ભાગને ઢાંકી દે છે. 31 દેવ પોતાના અદ્ભૂત અંકુશ વડે, તે લોકો પર શાસન કરે છે અને તેઓને ભરપૂર ખોરાક પૂરો પાડે છે. 32 તેઓ પોતાના હાથથી વીજળીને પકડે છે અને જ્યાં તેને પાડવી હોય ત્યાં પડવાની આજ્ઞા કરે છે. 33 ગર્જના ચેતવણી આપે છે કે તોફાન નજીક આવી રહ્યું છે. તે દ્વારા પણ સમાચાર પહોંચાડે છે કે તોફાન નજીક આવી રહ્યું છે.”
37:1 વીજળી અને ગર્જના મને બીવડાવે છે. મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે. 2 દેવની ગર્જના તથા તેના મુખમાંથી નીકળતી વાચા ધ્યાન થી સાંભળ. 3 આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે. 4 વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે, દેવ તેના મહત્વથી ગર્જના કરે છે. જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે. 5 તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે. જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી. 6 દેવે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ દેવે વરસાદને કહ્યું, “પૃથ્વી પર મૂશળધાર વરસો.” 7 અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે, જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે. 8 ત્યારે પશુઓ તેમની ગુફામાં ભરાઇ જાય છે અને એમાં પડ્યાં રહે છે. 9 દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે, ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે. 10 દેવના શ્વાસથી હિમ બને છે, અને સમુદ્રો થીજી જાય છે. 11 તે ધાડા વાદળોને પાણીથી ભરી દે છે અને તેમાં વીજળીઓ ચમકાવે છે. 12 દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે. વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે. 13 દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે. 14 હે અયૂબ, સાંભળ, જરા થોભ, અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર! 15 દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે? 16 તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે? વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે. 17 પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી. તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે. 18 શું તમે પથરાયેલા આકાશને ચકચકીત કરેલા પીતળની જેમ ચમકીલુ બનાવામાં દેવને મદદ કરી શકશો? 19 અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું! અમારા માં અંધકાર છે! અમે એની સાથે દલીલો કરી શકતા નથી. 20 હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી. એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે. 21 હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી. 22 તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી. 23 સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી. દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે. આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી. 24 એ કારણથી લોકો દેવનો આદર કરે છે. પણ જે અભિમાની છે અને પોતાની જાતને વિદ્વાન માને છે, દેવ તે લોકોને માન આપતા નથી.”
38:1 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપતાં કહ્યું કે, 2 “મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?” 3 તારી કમર બાંધ; કારણકે હું તને પૂછીશ, અને તું મને જવાબ આપીશ, જવાબ આપવાનો તારો વારો છે. 4 જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે 5 પૃથ્વીને ઘડવા માટે એનાં તોલમાપ કોણે નક્કી કર્યા હતાં? દુનિયાને એક માપરેખાથી કોણે માપી હતી? 6 એના મજબૂત પાયાં શાના ઉપર નાંખવામાં આવ્યા છે? તેની જગ્યામાં પહેલો પથ્થર કોણે મૂક્યો? 7 પ્રભાતના તારાઓએ સાથે ગીત ગાયું અને દેવદૂતોએ જ્યારે તે થઇ ગયું ત્યારે આનંદથી બૂમો પાડી! 8 સમુદ્રને પૃથ્વીના ઊંડાણમાંથી ધસી આવતા રોકવા દરવાજાઓ કોણે બંધ કર્યા હતા? 9 વાદળાં અને ગાઢ અંધકારરૂપી વસ્રો મેં તેને પહેરાવ્યંે. 10 મે તેની બાજુઓની હદ બનાવી અને બંધ દરવાજાઓની સીમાઓ પાછળ તેને મૂકી. 11 મે સમુદ્રને કહ્યું, ‘તું અહીં સુધી ગતિ કરજે, અહીંથી આગળ ઉલ્લંઘન કરીશ નહિ. તારા પ્રચંડ મોજા અહીં અટકી જશે.’ 12 શું આ પ્રભાત થાય છે, તે તમારા આદેશથી થાય છે? સવારે સૂર્યના કિરણોએ કઇં દિશામાં ઊગવું તે શું તમે નક્કી કરો છો? 13 અયૂબ, તે ક્યારે પણ પ્રભાતના પ્રકાશને પૃથ્વીને ઝૂંટવી લઇને દુષ્ટ લોકોને તેઓની સંતાવાના સ્થાનેથી જાવી નાખવાનું કહ્યું છે? 14 પ્રભાતનો પ્રકાશ ટેકરીઓ અને ખીણોને ષ્ટિ ગોચર કરે છે. જ્યારે દિવસનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, ત્યારે તે જગ્યાઓની આકૃતિ, કપડાની ઘડીની જેમ બહાર દેખાય છે. તે સ્થળો પોચી માટી પર છાપ વડે પડેલી છાપ જેવો આકાર લે છે. 15 દુષ્ટ લોકોને દિવસનો પ્રકાશ ગમતો નથી. જ્યારે તે તેજથી પ્રકાશે છે, તે તેઓને તેઓના દુષ્કમોર્ની યોજના કરતા રોકે છે. 16 અયૂબ, તું કદી સમુદ્રના ઉદ્ગમસ્થાનના ઊંડાણમાં ગયો છે ખરો? તું ક્યારેય મહાસાગરની સપાટી પર ચાલ્યો છે? 17 શું તે કદી મૃત્યુના દ્વાર જોયા છે? તમે કદી મૃત્યુની અંધારી જગાના દ્વાર જોયા છે? 18 તું જાણે છે કે પૃથ્વી કેટલી વિશાળ છે. આવું જ્ઞાન તારી પાસે હોય તો તે મને કહે! 19 પ્રકાશનું ઉદગમસ્થાન ક્યાં છે? અંધકારની જગા ક્યાં છે? મને જણાવ. 20 તમે પ્રકાશ અને અંધકારને તે જે સ્થાનેથી આવ્યા હતા, ત્યાં પાછા લઇ જઇ શકો છો? તમે તેના ઉદ્ભવસ્થાને જઇ શકો છો? 21 આ બધું તો તું જાણે છે, કારણકે ત્યારે તારો જન્મ થઇ ચૂક્યો હતો ને! અને તું તો ઘણો અનુભવી વૃદ્ધ ખરું ને? 22 બરફના તથા કરાઁ ભંડારોમાં બેઠો છે? તથા સંગ્રહસ્થાન છે, શું તેઁ જોયાં છે? 23 મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે. 24 તમે કદી જ્યાં સૂર્ય ઊગે છે, જ્યાં તે પૂર્વ તરફના પવનને આખી પૃથ્વી પર ફૂંકાવે છે તે સ્થળે ગયા છો? 25 વરસાદના પ્રચંડ પ્રવાહ માટે નાળાં અને ખીણો કોણે ખોદ્યા છે? ગર્જના કરતો વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? 26 જ્યાં માનવીએ પગ પણ નથી મૂક્યો એવી સૂકી અને ઉજ્જડ ધરતી પર તે ભરપૂર વરસે છે. 27 જેથી ઉજ્જડ તથા વેરાન જમીન તૃપ્ત થાય અને લીલોછમ ઘાસચારો ફૂટી નીકળે, તે માટે ત્યાં વરસાદ કોણ મોકલે છે? 28 શું વરસાદનો કોઇ જનક છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે? 29 કોના ગર્ભમાંથી હિમ ને કોણ જન્મ આપે છે? 30 પાણી તો પથ્થરના ચોસલા જેવું થઇ જાય છે, અને મહાસગાર પણ થીજી જાય છે. 31 આકાશના તારાઓને શું તું પકડમાં રાખી શકે છે? શું તું કૃતિકા અથવા મૃગશીર્ષના બંધ નક્ષત્રોને છોડી શકે છે? 32 શું તું રાશિઓને નક્કી કરેલા સમયો અનુસાર પ્રગટ કરી શકે છે? શું તું સપ્તષિર્ને તેના મંડળ સહિત ઘેરી શકે છે? 33 શું તું આકાશને અંકુશમાં લેવાના સિદ્ધાંતો જાણે છે? શું તું તેઓને પૃથ્વી પર શાસન કરાવી શકે છે? 34 શું તમે તમારો અવાજ વાદળાં સુધી પહોંચાડી શકો છો? જેથી તમે પુષ્કળ વરસાદ લાવી શકો? 35 શું તમે વીજળીને આજ્ઞા કરી શકો છો? એ તમારી પાસે આવીને કહેશે કે, ‘અમે અહીંયા છીએ, તમને શું જોઇએ છે?’ તમારે તેને જ્યાંજયાં લઇ જવી હશે શું તે જશે? 36 અયૂબ, વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે? 37 બધાં વાદળોની ગણતરી કરી શકે અથવા પાણી ભરેલી આકાશની મશકો રેડી શકે એવો પર્યાપ્ત વિદ્વાન કોઇ છે? 38 જેથી ધરતી પર સર્વત્ર ધૂળ અને ઢેફાં પાણીથી પલળીને એકબીજા સાથે ચોંટી જાય છે. 39 શું તમે સિંહણને માટે શિકાર પકડી શકો? શું તમે સિંહણના બચ્ચાંની ભૂખને સંતોષી શકો છો? 40 એટલે જ્યારે તેઓ તેમની બોડમાં લપાઇને બેઠા હોય ત્યારે અથવા ઝાડીમાં સંતાઇને તેઓના શિકાર પર તરાપ મારવા તૈયાર બેઠા હોય ત્યારે? 41 જ્યારે કાગડીનાં બચ્ચાં તેઓના માળામાં ભૂખે ટળવળતાં હોય અને દેવને પોકારતાં હોય ત્યારે તેઓને ખોરાક કોણ પૂરો પાડે છે?
39:1 “ડુંગર પરની જંગલી બકરીઓ કેવી રીતે બચ્ચાંને જન્મ આપે છે તે શું તું જાણે છે? જંગલી હરણીં બચ્ચાઁને જન્મ આપે ત્યારે તમે એમને જોયાં છે? 2 તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ? તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે? 3 તે પ્રાણીઓ નીચે સૂવે છે, તેઓને પ્રસૂતિ પીડાનો અનુભવ થાય છે અને તેઓ તેઓના બચ્ચાને જન્મ આપે છે. 4 આ બચ્ચાં વનવગડામાં ઊછરે છે અને મોટાં થાય છે. પછી તેઓ પોતાની માતાને છોડીને જાય છે અને પાછા ફરતાં નથી. 5 જંગલી ગધેડાંને કોણે છૂટો મૂક્યો? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે? 6 મેં જંગલી ગધેડાઓ માટે રણને ઘર તરીકે રહેવા દીધુ છે. મેં તેઓને રહેવા માટે ખારી જમીન આપી છે. 7 જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી. 8 જંગલી ગધેડાઓ પર્વતો પર રહે છે, કે જે તેઓનું ચરાણ છે. અને તેઓ તેઓનો ખોરાક શોધી કાઢે છે. 9 શું તમારી સેવા કરવામાં જંગલી બળદો આનંદ માનશે ખરા? તેઓ તમારી ગમાણમાં રાત્રે આવીને તે રહેશે ખરાં? 10 જમીન ખેડવા માટે તમે તેને ઉપયોગમાં લઇ શકશો? શું તે તમારા માટે હળ ખેંચશે? 11 જંગલી બળદ ખૂબ શકિતશાળી છે! પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો? 12 ખળામાંથી દાણા લાવીને વખારમાં ભરવા માટે તેના પર ભરોસો રાખી શું તેને મોકલશો? 13 શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે. તેની પાંખો અને પીંછાઓ બગલાંની પાંખો જેવા નથી. 14 તે પોતાનાં ઇંડા જમીન પર મૂકે છે અને તેઓ રેતીમાં હૂંફાળા થાય છે. 15 કોઇ પગ મૂકીને ઇંડાને છૂંદી નાંખશે અથવા જંગલી પ્રાણીઓ તેમનો નાશ કરી નાખશે તેની તેને ચિંતા નથી. 16 તે પોતાના બચ્ચાં વિષે એવી બેદરકાર રહે છે કે જાણે તે બચ્ચાં તેના પોતાના હોય જ નહિ. તે મરી જાય તો પણ તેને તેમની કશી ચિંતા હોતી નથી. કે તેની તે બધી મહેનત નિરર્થક થઇ ગઇ હતી. 17 કારણકે દેવે તેને બુદ્ધિહીન સરજી છે; તેણે તેને અક્કલ આપી નથી. 18 પરંતુ તે જ્યારે કૂદે છે અને દોડવા લાગે છે, તે ઘોડા અને તેના સવાર પર હસે છે, કારણકે તે કોઇપણ ઘોડા કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. 19 શું ઘોડાને તમે બળ આપો છો? તેની ગરદનંને કેશવાળીથી તમે ઢાંકો છો? 20 તીડની જેમ તમે તેને કુદાવો છો? તેનો હણહણાટ કેવો ભવ્ય અને ભયજનક હોય છે? 21 એક ઘોડો ખુશ છે કારણકે તે ખૂબ બળવાન છે. તે તેની પગની ખરીથી જમીન ખોતરે છે અને યુદ્ધમાં ઝડપથી દોડી જાય છે. 22 તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે. તે તરવાર જોઇને પાછો પડતો નથી. 23 સૈનિકના તીરો નું ભાથું ઘોડાની બાજુમા જતા જે છે. ભાલો અને બીજા શસ્ત્રો જે તેનો સવાર ઊંચકીને લઇ જાય છે. તે સૂર્યથી ચળકે છે. 24 ઘોડો ઊશ્કેરાઇ જાય છે. તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે. જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે, તે સ્થિર રહી શકતો નથી. 25 રણશિંગડાના નાદે નાદે એ હણહણે છે. યુદ્ધની ગંધ તેને દૂરથી આવે છે. સેનાપતિઓના હુકમો અને હકોટા એ સમજી જાય છે. 26 બાજ પક્ષી કેવી રીતે આકાશમાં ઊડે છે અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે તે શું તેઁ શીખવ્યું છે? 27 શું તારી આજ્ઞાથી ગરૂડ પક્ષી ઊંચે ઊડે છે? શું તેં તેને પર્વતોમાં ઉંચે માળો બાંધવાનું કહ્યું હતું? 28 ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે. 29 ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે, તેની આંખો તેને દૂરથી શોધી કાઢે છે. 30 તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે, અને જ્યાં મુડદાં પડ્યાં હોય ત્યાં જાય છે.”
40:1 યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું કે, 2 “અયૂબ, તેઁ સર્વસમર્થ દેવ સાથે દલીલ કરી છે? તે મને ખોટું કરવા માટે દોષિત ઠરાવ્યો. હવે તું કબૂલ કરીશ કે તું ખોટો છે? શું તું મને જવાબ આપીશ?” 3 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપ્યો કે, 4 “મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું. 5 હું એક વખત બોલ્યો, પણ, હું ફરીથી બોલીશ નહિ. હું બે વખત બોલ્યો, પણ હવે હું વધારે કહીશ નહિ.” 6 પછી યહોવાએ વંટોળિયામાંથી અયૂબને જવાબ આપ્યો કે: 7 તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા. 8 અયૂબ, શું તું માને છે કે હું ગેરવાજબી છુ? તું કહે કે હું ખોટું કરવા માટે દોષિત છું, તેથી શું તું નિદોર્ષ દેખાઇ શકીશ? 9 તારે મારા જેવા ભુજ છે? મારી જેમ તું ગર્જના કરી શકે છે? 10 તો તું જો દેવ સમાન હોય, તો તું ગર્વ કરી શકે. જો તું દેવ સમાન હોય, તો માન અને પ્રતિષ્ઠાને વસ્ત્રો ની જેમ ધારણ કરી શકીશ. 11 જો તું દેવ સમાન હોય, તો તું તારો ક્રોધ વ્યકત કરી શકીશ અને ઘમંડીઓને પછાડીશ. 12 હાં અયૂબ! એ ગવિર્ષ્ઠ લોકો સામે જો અને તેઓને નમ્ર બનાવ. દુષ્ટો જ્યાં ઊપસ્થિત હોય, કચરી નાખ. 13 સર્વ ગવિર્ષ્ઠ લોકો ને ધૂળમાં દાટી દો. તેઓના મુખને કબરોમાં ઢાંકી દે. 14 જો તું એવું કરી શકીશ તો હું પણ તારા વખાણ કરીશ મને ખાતરી થશે કે તું તારા પોતાના બળથી પોતાને બચાવી શકશે. 15 ગેંડાની સામે જો. મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે, તે બળદની જેમ ઘાસ ખાય છે. 16 તેના પેટમાંના સ્નાયુઓ ખુબજ બળવાન છે તેના શરીરમાં ઘણી શકિત છે. 17 એની પૂંછડી દેવદાર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભી રહે છે, એની પગની પિંડીના સ્નાયુઓ કેવા મજબૂત છે! 18 તેના હાડકાં કાંસા જેવા છે. તેના પગ લોખંડના સળિયા જેવા મજબૂત છે. 19 મારા પ્રાણીઓના સર્જનોમાં ગેંડો શ્રેષ્ઠ છે. જો કોઇ તેનું સર્જન કરવાનો દાવો કરે તો ભલે તે મારી સાથે તરવાર લઇને લડવા આવે. 20 જંગલનાં બીજાં પ્રાણીઓ જ્યાં વસે છે તેવા પર્વતો પરથી તેને ઘાસ મળી રહે છે. 21 તે કાદવ કીચડવાળી જગ્યામાં કમળના છોડ નીચે પડી રહે છે. તે બરૂઓની વચ્ચે કાદવ કીચડમાં સંતાય છે. 22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે. 23 જો નદીમાં પૂર આવે, તો ગેંડો ભાગી જશે નહિ. તે યર્દન નદી તેના મોઢા પર પાણી ઊડાડે તો પણ તે ગભરાતો નથી. 24 તેને આંકડીમાં ભરાવીને કોણ તેને પકડી શકે? તેના નાકમાં નથ કોણ નાખી શકે છે?
41:1 “અયૂબ, શું તું મહાકાય સમુદ્રના પ્રાણીને માછલી પકડવાના આંકડાથી પકડી શકે છે? શું તું તેની જીભ દોરીથી બાંધી શકશે? 2 શું તેના નાકમાં નથ નાખીને તું તેને નાથી શકે છે? તેના જડબામાં આંકડી ભરાવી શકે છે? 3 શું તેને છોડી દેવા માટે તે તને કાલાવાલા કરશે? શું તે તારી સાથે નમ્રતાથી બોલશે? 4 શું તે તારી સાથે એવો કરાર કરશે કે તે આજીવન તારો ગુલામ રહેવા સંમત થશે? 5 શું તું તેની સાથે પાળેલા પક્ષીઓની જેમ રમી શકશે? શું તું તેને દોરડેથી બાંધશે જેથી તારી નોકરાણીઓ તેની સાથે રમી શકે? 6 શું તારી પાસેથી લિબ્યાથખરીદવા માટે વેપારીઓ કોશીશ કરશે? તેઓ વેપારીઓની વચ્ચે તેને વહેંચી નાખશે? 7 શું કાટાળું અસ્ત્રથી તેની ચામડીને છેદી શકાય? શું અણીદાર ભાલો તેના માથામાં ભોંકી શકાય? 8 તારો હાથ તેના માથા પર મૂકશે ત્યારે જે યુદ્ધ થશે તે તને લાંબા સમય સુધી યાદ રહેશે. તું ફરીથી એવું ક્યારેય કરશે નહિ. 9 શું તને લાગે છે કે તું મહાકાય સમુદ્ર પ્રાણીને હરાવી શકશે? ભૂલી જા! એમાં કોઇ આશા નથી. તેને જોઇનેજ તું ગભરાઇ જઇશ. 10 તેને છંછેડીને ગુસ્સે કરે એવો હિંમતવાળો કોઇ નથી. તો મારી સામે કોણ ઊભો રહી શકે? 11 તેની સાથે યુદ્ધ કરીને કોણ સફળ થયો છે? આખા આકાશ તળે એવો કોઇ નથી. 12 હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ. 13 તેની ચામડીને કોઇ ભોંકી શકે તેમ નથી. તેની ચામડી એક બખ્તર જેવી છે. 14 તેનું મોઢું કોણ ઉધાડી શકે? કારણકે તેના દાંત લોકોને બીવડાવે છે. 15 મહાકાય સમુદ્ર પ્રાણીની પીઠ પર ઢાલ સંપૂર્ણપણે બંધ છે. 16 તે ઢાલો એક બીજાની એટલી નજીક છે કે તેમની વચ્ચે હવા પણ જઇ શકતી નથી. 17 તેઓ એકબીજા સાથે એવાં સજ્જડ ચોટેઁલાં હોય છે કે તેમને કશાથી ઉખેડી શકાય નહિ. 18 તે છીંકે છે ત્યારે તે વીજળી નાં ચમકારા બહાર નીકળતા હોય એવું લાગે છે. તેની આંખો સવારના સૂરજની જેમ ચમકે છે. 19 તેના મુખમાંથી અગ્નિની જવાળાઓ નીકળે છે અને અગ્નિની ચિનગારીઓ વછૂટે છે. 20 ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે. 21 મહાકાય સમુદ્ર પ્રાણીના ઉચ્છવાસથી કોલસા પણ સળગી ઊઠે છે. તેના મુખમાંથી ભડકા નીકળે છે. 22 તેની ગરદનમાં બળ છે, લોકો ગભરાઇ અને તેનાથી દૂર ભાગી જાય છે. 23 તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી. તે લોઢા જેવું કઠણ છે. 24 તેનું હૃદય ખડક જેવું મજબૂત અને ઘંટીના પથ્થર જેવું સખત છે. તેને કોઇ ડર નથી. 25 તે મહાકાય સમુદ્ર પ્રાણી જ્યારે ઊભું થાય છે ત્યારે સૌથી બળવાન પણ તેનાથી ડરી જાય છે. તે જ્યારે તેની પૂંછડી હલાવે છે ત્યારે તેઓ ભાગી જાય છે. 26 મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે. તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી. 27 તેની આગળ લોખંડ ઘાસ જેવું અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે. 28 તે તેના પર બાણના મારથી પણ ગભરાતો નથી.પથ્થરની શિલા પણ તેને વાગીને ખરસલા ની જેમ પાછી ફરે છે. 29 જ્યારે લાકડાની ડાંગો મહાકાય સમુદ્ર પ્રાણીને વાગે છે ત્યારે તેને તો તે સળીનો ટૂકડો હોય તેમ લાગે છે, અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે. 30 તેના પેટની ચામડી પરનાં ભીંગડાઁ ઠીકરાં જેવાં કઠણ અને ધારદાર હોય છે. તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે. 31 મહાકાય સમુદ્ર પ્રાણીને ઊકળતા પાણીના ઘડાની જેમ હલાવે છે. ઊકળતા તેલની જેમ તે પરપોટો ઊડાવે છે. 32 જ્યારે મહાકાય સમુદ્ર પ્રાણી તરે છે ત્યારે તે તેની પાછળ માર્ગ કરી મૂકે છે, તે પાણીને હલાવી નાખે છે. અને પાછળ સફેદ ફીણ મૂકી દે છે. 33 પૃથ્વી પર બીજું કોઇપણ પ્રાણી તેનાં જેવું નિર્ભય સૃજાયેલુ નથી. 34 તે સૌથી ગવિર્ષ્ઠ પ્રાણીની પણ ઉપેક્ષા કરે છે. તે સર્વ ગવિર્ષ્ઠ પ્રાણીઓનો રાજા છે.” અને મેં યહોવાએ તેનું સર્જન કર્યુ છે.”
42:1 ત્યારે અયૂબે યહોવાને જવાબ આપતાં કહ્યું કે: 2 “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે. તને કોઇ અટકાવી શકે તેમ નથી. 3 યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: “આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?” મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી. 4 તેં કહ્યું હતું કે,”સવાલ પૂછવાનો વારો મારો છે ને જવાબ આપવાનો વારો તારો છે.’ 5 આજ સુધી મેં તારા વિષે પહેલા સાંભળ્યું જ હતું પરંતુ હવે મેં તને નજરે નિહાળ્યો છે. 6 અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.” 7 યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ.” 8 તેથી અલીફાઝ, સાત બળદો અને સાત નર ઘેટા લાવી આપ. આ મારા સેવક માટે લઇ આવ. તેઓને મારી નાખ અને તેઓને તારા પોતાને માટે દહનાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ પછી હું તને સજા નહિ આપું, જેને તું લાયક છે. તને સજા થવીજ જોઇએ કારણકે તું બહુ મૂર્ખ હતો. તું મારા વિષે સાચું બોલ્યો નહિ. પણ મારો સેવક અયૂબ મારા વિષે સાચું બોલ્યો હતો.” 9 9અલીફાઝ, બિલ્દાદ, અને સોફારે યહોવાની આજ્ઞા પ્રમાણે કર્યુ ને યહોવાએ અયૂબની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. 10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું. 11 અયૂબના બધાંજ ભાઇઓ બહેનો અને અગાઉના મિત્રો અયૂબને મળવા આવ્યાં અને એમણે તેનાં ઘરમાં તેની સાથે ભોજન કર્યું. તેમણે તેમની સહાનુભૂતિ પ્રગટ કરી અને દેવે તેની પર જે દુ:ખ નાખ્યું એ માટે તેને દિલાસો આપ્યો. દરેક જણે તેને ચાંદીનો એકેક સિક્કો અને એક-એક સોનાની વીંટી આપી. 12 યહોવાએ અયૂબને વધારે આશીર્વાદ એની પાછલી ઉંમરમાં આપ્યાં. હવે અયૂબની પાસે 14,000 ઘેટાં, 6,000 ઊંટ, 2,000 બળદ અને 1,000 ગધેડીઓ હતી. 13 તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં. 14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. 15 સમગ્ર દેશમાં અયૂબની પુત્રીઓ જેવી અન્ય કોઇ સુંદર સ્રીઓ ન હતી. તેમના પિતાએ તેઓના ભાઇઓની સાથે હિસ્સો આપ્યો. 16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. 17 આ પ્રમાણે સારું જીવન જીવીને અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મૃત્યુ પામ્યો.