Luke

1:1 ઘણા લોકોએ આપણી વચ્ચે જે ઘટનાઓ બની હતી તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. 2 જેઓએ પોતાની જાતે આરંભથી તે ઘટનાઓ નીહાળી છે125 અને જેઓ પ્રભુનો સંદેશ તે લોકોને આપતા હતા. તે લોકોએ આપણને જે રીતે કહ્યું હતું તે જ પ્રમાણે તેઓએ તે બાબતો લખી છે. 3 નેકનામદાર થિયોફિલ, શરુંઆતથી જ મેં મારી જાતે આનો ચોકસાઇપૂર્વક અભ્યાસ કર્યો અને તેથી મેં તમારા માટે પુસ્તકમાં યોગ્ય ક્રમમાં વૃતાંત લખવા વિચાર્યુ. 4 હું આ બધી બાબતો તારા માટે લખું છું જેથી તને ખાતરી થશે કે તને જે કંઈ શીખવવામાં આવ્યું છે તે સાચું છે. 5 યહૂદિયાના રાજા હેરોદના સમયમાં ત્યાં અબિયાના વગૅમાનો ઝખાર્યા નામનો યાજક હતો. તેની પત્નિનું નામ એલિયાબેત હતું. જે હારુંનના પરિવારની હતી. 6 ઝખાર્યા અને એલિસાબેત બંન્ને દેવની આગળ ન્યાયી હતા અને તેઓ પ્રભુની આજ્ઞાઓ અને જરુંરિયાતો પ્રમાણે બધુ કરતા હતા. તેઓ નિર્દોષ હતા. 7 પરંતુ ઝખાર્યા અને એલિસાબેત નિ:સંતાન હતા. કારણ કે એલિસાબેત મા બનવા માટે શક્તિમાન ન હતી; અને તેઓ બંન્ને ઘણાં વૃદ્ધ હતા. 8 તેના વર્ગના વતી દેવ સમક્ષ યાજક ઝખાર્યા સેવા કરતો હતો. આ વખતે તેના વર્ગને સેવા કરવા માટેનો વારો હતો. 9 યાજકોના રિવાજ પ્રમાણે મંદિરમાં પ્રવેશવા માટે અને દેવ સમક્ષ વેદી પર ધૂપ સળગાવવા માટે તેની પસંદગી થઈ. તેથી ઝખાર્યા ધૂપ સળગાવવા માટે પ્રભુના મંદિરમાં દાખલ થયો. 10 તે સમયે મંદિર બહાર પ્રાર્થના માટે ઘણા લોકો ભેગા થયા હતા. જ્યારે ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યારે તેઓ પ્રાર્થના કરતા હતા. 11 તે વખતે પ્રભુનો એક દૂત ઝખાર્યાની આગળ ધૂપવેદીની જમણી બાજુએ ઊભેલો દેખાયો. 12 જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે તે ચોંકી ઊઠ્યો અને ગભરાયો. 13 પરંતુ તે દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઇશ નહિ. દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તારી પત્નિ, એલિસાબેત, પુત્રને જન્મ આપશે. જેનું નામ તું યોહાન પાડશે. 14 આના કારણે તને પુષ્કળ આનંદ થશે. તેના જન્મના કારણે ઘણા લોકો પણ આનંદ પામશે. 15 યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે. 16 યોહાન યહૂદિઓને પાછા ફેરવશે પછી તેમના પ્રભુ તેમના દેવ તરફ ફેરવશે. 17 યોહાન તેની જાતે પ્રથમ દેવ આગળ ચાલશે. તે એલિયાની જેમ સામથ્યૅવાન બનશે. એલિયા પાસે હતો તેવો આત્મા તેની પાસે હશે. તે પિતા અને બાળકો વચ્ચે શાંતિ લાવશે. ઘણા લોકો પ્રભુની આજ્ઞાઓનું પાલન કરતા નથી. યોહાન તેઓને સાચા વિચારના માર્ગે વાળશે અને પ્રભુના આગમન માટે તૈયાર કરશે.” 18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “હું એક ઘરડો છું, અને મારી પત્નિ પણ વૃદ્ધ છે. હું કેવી રીતે માની શકું કે તું જે કહે છે તે સાચું છે?” 19 દૂતે તેને ઉત્તર આપ્યો, “હું ગાબ્રિયેલ છું. હું દેવની સમક્ષ ઊભો રહું છું. દેવે મને આ શુભ સંદેશો આપવા માટે તારી પાસે મોકલ્યો છે. 20 તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.” 21 બહાર લોકો હજુ પણ ઝખાર્યાની રાહ જોતા હતા. તેઓ નવાઇ પામ્યા હતા કે શા માટે મંદિરમાં તે આટલા લાંબા સમય સુધી રહ્યો. 22 જ્યારે ઝખાર્યા બહાર આવ્યો. તે તેની સાથે બોલી શક્યો નહિ. તેથી લોકોએ વિચાર્યુ કે ઝખાર્યાને મંદિરની અંદર કોઈ દર્શન થયું છે, ઝખાર્યા તે કઈ બોલી શક્યો નહિ, ઝખાર્યા લોકોને ફક્ત ઇશારા કરતો હતો. 23 જ્યારે તેનો સેવા કરવાનો સમય પૂરો થયો. ત્યારે ઝખાર્યા ઘેર પાછો ગયો. 24 થોડા સમય બાદ ઝખાર્યાની પત્નિ એલિસાબેતને ગર્ભ રહ્યો. પાંચ મહીના સુધી તે ઘરની બહાર નીકળી નહિ. એલિસાબેતે કહ્યું: 25 “જુઓ, પ્રભુએ મારા માટે શું કર્યુ છે! અગાઉ લોકો મને મહેણાં મારતા હતા. પણ હવે નિઃસંતાનનું અપમાન દૂર થયું છે.” 26 એલિસાબેતની સગર્ભાવસ્થાના છઠા મહિના દરમ્યાન, દેવે એક દૂતને નાસરેથ નામે ગાલીલ શહેરમાં મોકલ્યો. જેનું નામ ગાબ્રિયેલ હતું. તે દૂતને મરિયમ નામની કુંવારી કન્યા પાસે મોકલ્યો હતો. તેની સગાઇ યૂસફ નામના માણસ સાથે થઈ હતી. જે દાઉદના વંશમાથી હતો. 27 28 દૂત તેની આગળ દેખાયો અને કહ્યું: “અભિનંદન! પ્રભુ તારી સાથે છે અને તનેઆશીર્વાદ આપવા ઈચ્છે છે.” 29 પરંતુ મરિયમ દૂતની વાત સાંભળ્યા પછી ગભરાઇ ગઇ. તે નવાઇ પામી હતી. “આ અભિનંદનનો અર્થ શો?” 30 દૂતે કહ્યું, “ગભરાઇશ નહિ, મરિયમ, દેવ તારા પર અત્યંત પ્રસન્ન થયો છે. 31 ધ્યાનથી કાળજીપૂર્વક સાંભળ! તને ગર્ભ રહેશે અને તું દીકરાને જન્મ આપશે. તેનું નામ તું ઈસુ પાડશે. 32 તે બાળક એક મોટો માણસ થશે અને લોકો તેને પરાત્પરનો દીકરો કહેશે. દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. 33 ઈસુ હંમેશા યાકૂબના લોકો પર શાસન કરશે. ઈસુના રાજ્યનો અંત કદી આવશે નહિ.” 34 મરિયમે દૂતને પૂછયું, “તે કેવી રીતે બનશે? હું તો હજી એક કુંવારી કન્યા છું!” 35 દૂતે મરિયમને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારી પાસે આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. જે બાળકનો જન્મ થશે તે પવિત્ર થશે. તે દેવનો દીકરો કહેવાશે. 36 જો એલિસાબેત જે તારી સબંધી છે તે પણ સગર્ભા છે અને તેની વૃધ્ધાવસ્થામાં તે એક દીકરાને જન્મ આપશે. દરેક વ્યક્તિ તેને વાંઝણી માનતા હતા. પણ તે છ માસથી સગર્ભા છે! 37 દેવ માટે કશું જ અશક્ય નથી!” 38 મરિયમે કહ્યું, “હું તો ફક્ત પ્રભુની દાસી છું. તેથી તેં મારા માટે જે કહ્યું છે તે થવા દે!” પછી તે દૂત તેની પાસેથી ચાલ્યો ગયો. 39 પછી મરિયમ ઉઠીને ઉતાવળથી ઈસ્ત્રાએલના પહાડી પ્રદેશના શહેરમાં પહોંચી ગઇ. 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશીને તેણે એલિસાબેતને શુભેચ્છા પાઠવી. 41 મરિયમની શુભેચ્છા સાંભળીને એલિસાબેતના પેટમાં બાળક કૂદયું. પછી એલિસાબેત પવિત્ર આત્માથી ભરપૂર થઈ. 42 પછી તેણે મોટા અવાજે કહ્યું, “બીજી સ્ત્રીઓની સરખામણીમાં તું દેવથી વધારે આશીર્વાદિત છે. અને જે બાળક તારી કૂંખમાંથી જન્મ લેશે તેને પણ ધન્ય છે. 43 તું મારા પ્રભુની મા છે, અને તું મારી પાસે આવી છે! આવું સારું મારી સાથે કેવી રીતે બન્યું? 44 જ્યારે મેં તારો અવાજ સાંભળ્યો, મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45 તને ધન્ય છે કારણ કે પ્રભુએ જે તને કહ્યું છે તે ચોક્કસ થશે જ એવું તું દઢ વિશ્વાસથી માને છે.” 46 પછી મરિયમે કહ્યું, 47 “મારો આત્મા પ્રભુની સ્તુતિ કરે છે મારું હ્રદય આનંદ કરે છે કારણ કે દેવ મારો તારનાર છે. 48 દેવે તેની સામાન્ય અને દીન સેવિકા પર કૃપાદષ્ટિ કરી છે. હવે પછી, બધા લોકો કહેશે કે હું આશીર્વાદીત છું, 49 કારણ કે સર્વસમર્થ દેવે મારા માટે મહાન કાર્યો કર્યા છે. તેનું નામ પવિત્ર છે. 50 જે લોકો તેની સ્તુતિ કરે છે તેના ઉપર દેવ હંમેશા તેની દયા દર્શાવે છે. 51 દેવે તેના હાથોનું સામથ્યૅ બતાવ્યું છે તેણે અહંકારીઓને તેઓના મનની યોજનાઓ સાથે વેર વિખેર કરી નાખ્યા છે. 52 દેવે રાજ્યકર્તાઓને રાજ્યશાસન પરથી ઉતારી પાડ્યા છે, અને તેણે દીન માણસોને ઊંચા કર્યા છે. 53 પ્રભુએ ભૂખ્યાં લોકોને સારા વાનાંથી તૃપ્ત કર્યા છે. પણ તેણે જે લોકો ધનવાન અને સ્વાર્થી છે તેઓને ખાલી હાથે પાછા કાઢ્યા છે. 54 દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે. દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે. 55 દેવે આપણા પૂર્વજ ઈબ્રાહિમ અને તેનાં સંતાનોને આપેલું વચન હંમેશા પાળ્યું છે.” 56 લગભગ ત્રણ માસ એલિસાબેત સાથે રહ્યા પછી મરિયમ ઘેર પાછી ફરી. 57 યોગ્ય સમયે એલિસાબેતે પુત્રને જન્મ આપ્યો. 58 તેણીના પડોશીઓ તથા સગાસબંધીઓએ જ્યારે સાંભળ્યું કે પ્રભુએ તેણી પર ખૂબ દયા દર્શાવી છે ત્યારે તેઓ તેની સાથે ખૂબ પ્રસન્ન થયા. 59 જ્યારે તે બાળક આઠ દિવસનો થયો ત્યારે તેઓ તેની સુન્નત કરવા આવ્યા. તેના પિતાનું નામ ઝખાર્યા હોવાથી તેઓની ઈચ્છા તેનું નામ ઝખાર્યા રાખવાની હતી. 60 પણ તેની માતાએ કહ્યું, “ના! તેનું નામ યોહાન રાખવામાં આવશે.” 61 લોકોએ એલિસાબેતને કહ્યું, “પણ તમારા કુટુંબમાં કોઈનું નામ યોહાન નથી.” 62 પછીથી તેઓએ પિતાને ઇશારો કરીને પૂછયું, “તને કયું નામ ગમશે?” 63 ઝખાર્યાએ લખવા માટે કંઈક માંગ્યુ. પછી તેણે લખ્યું, “તેનું નામ યોહાન છે.” દરેક જણને આશ્ચયૅ થયું. 64 પછી ઝખાર્યા બોલવા લાગ્યો. તે દેવની સ્તુતિ કરવા લાગ્યો. 65 અને તેના બધા પડોશીઓ ગભરાઇ ગયા. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં લોકો આ બાબતો વિષે વાતો કરતા હતા. 66 આ બધા લોકો જ્યારે તેઓએ આ બાબતો વિષે સાંભળ્યું. ત્યારે અચરત પામ્યા હતા. તેઓએ વિચાર્યુ, “આ બાળક કેવો થશે?” તેઓએ આ પ્રમાણે કહ્યું કારણ કે બાળક સાથે પ્રભુનું સામથ્યૅ હતું. 67 પછી યોહાનનો પિતા, ઝખાર્યા પવિત્ર આત્માથી ભરપૂર હતો. તેણે લોકોને પ્રબોધ કર્યો. 68 “ઇઝરાએલના દેવ પ્રભુની સ્તુતિ કરો. તે તેમના લોકો પાસે તેઓનો ઉદ્ધાર કરવા આવ્યા છે. 69 દેવના સેવક દાઉદના કુળમાંથી સમર્થ ઉદ્ધારક આપણા માટે આપ્યો છે. 70 તેના પવિત્ર પ્રબોધકો દ્ધારા લાંબા સમય પહેલા આપેલું વચન દેવે પાળ્યું છે. 71 દેવ આપણને આપણા દુશ્મનો તથા આપણને ધિક્કારનાર સર્વની સત્તામાંથી બચાવશે. 72 દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ. 73 દેવે આપણા પિતા ઈબ્રાહિમને વચન આપ્યું છે કે તે આપણને આપણા 74 દુશ્મનોની સત્તામાંથી બચાવશે. તેથી આપણે નિર્ભયપણે તેની સેવા કરી શકીએ. 75 જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી દેવ સમક્ષ ન્યાયી અને પવિત્ર થઈશું. 76 અને, ઓ! નાના છોકરા! હવે તું પરાત્પર દેવનો પ્રબોધક કહેવાશે. તું પ્રભુની આગળ ચાલશે, તેને માટે માર્ગ તૈયાર કરશે. 77 તું લોકોને કહીશ કે તેઓને પાપોની માફી મળશે. અને તેઓને બચાવી લેવામાં આવશે. 78 આપણા દેવની દયા વડે આકાશમાંથી નૂતન દિવસનું પ્રભાત આપણા પર પ્રગટશે. 79 જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે. તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે.” 80 આમ તે નાનો છોકરો મોટો થતો ગયો અને આત્મામાં વધારે સામથ્યૅવાન થતો ગયો. ઇઝરાએલના યહૂદિઓ સમક્ષ જાહેર થવાનો સમય આવતા સુધી તે બીજા લોકોથી દૂર રહ્યો.

2:1 આ સમય દરમ્યાન કૈસર ઓગસ્તસે હુકમનામું બહાર પાડ્યું કે જે દેશો રોમન શાસન હેઠળ છે તે સમગ્ર રાજ્યની વસતી ગણતરી કરવામાં આવે. એ હુકમનામા અનુસાર બધાજ લોકોએ પોતપોતાના નામ રજિસ્ટરમાં નોધાવવાનાં હતા. 2 આ વસ્તી ગણતરી પ્રથમ વાર જ થતી હતી. તે વખતે સિરિયા પ્રાંતનો હાકેમ કુરીનિયસ હતો. 3 તેથી બધાજ લોકો પોતપોતાના શહેરમાં નામની નોંધણી કરાવવા માટે ગયા. 4 અને યૂસફ પણ ગાલીલના નાસરેથ શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદનું શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં, 5 પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્નિ મરિયમનું નામ નોંધાવવા ગયો કેમ કે દાઉદના વંશ તથા કુળમાંનો તે હતો. 6 તેઓ ત્યાં હતાં એટલામાં તેના દહાડા પૂરા થયા. 7 ત્યાં મરિયમે તેના પ્રથમ દિકરાને જન્મ આપવાનો સમય હતો તેણે પ્રથમ દીકરાને જન્મ આપ્યો. તે વખતે ધર્મશાળામાં કોઈ ઓરડો ખાલી ન હોવાથી તેણે ગભાણમાં જ બાળકને કપડાંમાં લપેટીને સુવાડ્યો. 8 તે વખતે રાત્રે કેટલાક ભરવાડો ખેતરમાં તેમનાં ઘેટાંઓની રખેવાળી કરતા હતા. 9 પ્રભુનો દૂત ભરવાડોની સમક્ષ આવીને ઊભો રહ્યો તેમની આજુબાજુ પ્રકાશ ચમકવા લાગ્યો. તેથી ભરવાડો ગભરાઇ ગયા. 10 પ્રભુના દૂતે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, કેમ કે હું તમને મોટા આનંદથી સુવાર્તા આપવા આવ્યો છું. જેથી આખા દેશના તમામ લોકોમાં આનંદ ઉભરાશે. 11 આજે દાઉદના શહેરમાં તમારો તારનાર જન્મ્યો છે તે જ ખ્રિસ્ત પ્રભુ છે. 12 તમે તેને ઓળખી શકો તે માટેની આ નિશાની છે. તમે એક બાળકને કપડાંમાં લપેટેલો અને ગભાણમાં સૂતેલો જોશો.” 13 પછી તો આકાશમાંથી દૂતોનો મોટો સમૂહ પેલા પ્રભુના દૂત સાથે જોડાયો. અને બધાજ દૂતો દેવની સ્તુતિ કરવા લાગ્યા. 14 “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.” 15 પ્રભુના દૂતો ભરવાડોને છોડીને આકાશમાં પાછા ચાલ્યા ગયા. ભરવાડો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા, “આપણે બેથલેહેમ જઇને અહીં જે કંઈ ઘટના બની છે તથા પ્રભુએ આપણને દર્શાવી છે તે જોવી જોઈએ.” 16 ભરવાડો તો ઝડપથી ત્યાં પહોંચી ગયા અને મરિયમ તથા યૂસફને પણ શોધી કાઢ્યા. બાળક પણ ગભાણમાં સૂતેલુ હતું. 17 ભરવાડોએ બાળકને જોયું અને પછી પ્રભુના દૂતે બાળક વિષે તેઓને શું કહ્યું હતું તે તેઓએ જણાવ્યું. 18 ભરવાડોએ તેઓને જે કહ્યું તે સાંભળીને દરેક જણ નવાઇ પામ્યા. 19 પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી. 20 ભરવાડો પણ જે કંઈ જોયું અને સાંભળ્યું હતું, તે બધુ તેઓને દૂતે કહી હતી તે જ થઈ હતી. તે બધા પ્રભુનો મહિમા તથા સ્તુતિ કરતાં કરતાં ઘેર પાછા ફર્યા. 21 જ્યારે બાળક આઠ દિવસનું થયું ત્યારે તેની સુન્નત કરાવવામાં આવી અને તેનું નામ ઈસુ રાખવામાં આવ્યું. પ્રભુના દૂતે માતાના ગર્ભમાં બાળક આવતા પહેલાં જ આ નામ આપ્યું હતું 22 મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે શુદ્ધિકરણનો સમય આવતા યૂસફ અને મરિયમ બાળકને પ્રભુ સમક્ષ રજૂ કરવા માટે યરૂશાલેમ લઈ ગયા. 23 પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.” 24 વળી પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે લોકોએ બલિદાન પણ આપવાનું હોય છે. તે મુજબ હોલાંની એક જોડ અથવા કબૂતરનાં બે બચ્ચાનું બલિદાન આપવાનું હોય છે. તેથી યૂસફ અને મરિયમ આ વિધિ કરવા યરૂશાલેમ ગયા. 25 યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ રહેતો હતો. તે ઘણો ઉત્તમ ધાર્મિક નિષ્ઠાવાળો માણસ હતો.તે ઈસ્ત્રાએલના લોકોના સુખ માટે પ્રભુના આગમનની વાટ જોતો હતો. પવિત્ર આત્મા તેની સાથે હતો. 26 પવિત્ર આત્માએ શિમયોનને કહ્યું હતું કે જ્યાં સુધી તે પ્રભુ ખ્રિસ્તનાં દર્શન નહિ કરે ત્યાં સુધી તેનું મૃત્યુ થશે નહિ. 27 પવિત્ર આત્માના માર્ગદર્શનથી તે મંદિરમાં ગયો. યહૂદિઓના નિયમશાસ્ત્રની વિધિ કરવા માટે મરિયમે અને યૂસફ બાળ ઈસુને લઈને મંદિરમાં આવ્યા. 28 શિમયોને બાળકને હાથમાં લીધું અને દેવનો આભાર માન્યો. 29 “પ્રભુ, હવે તેં આપેલા વચન પ્રમાણે આ તારા સેવકને શાંતિથી મૃત્યુનું શરણ લેવા દે. 30 કારણ કે મેં મારી પોતાની આંખો વડે તારા તારણનાં દર્શન કર્યા છે. 31 તમે બધાજ લોકો માટે તેને તૈયાર કર્યો છે. 32 તે જગતના લોકો માટે જ્યોતિ છે જે બીન યહૂદિઓને તમારો માર્ગ બતાવશે. તે ઈસ્ત્રાએલના લોકોનો મહિમા વધારશે.” 33 શિમયોને ઈસુ વિષે જે કંઈ કહ્યું તે સાંભળીને તેના માતાપિતા નવાઇ પામ્યા. 34 પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે. 35 લોકોના હ્રદયમાં રહેલા ગુપ્ત વિચારો જાહેર થશે. જે કંઈ ઘટનાઓ બનશે તેમાથી તારું હ્રદય દુ:ખી થશે.” 36 મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી. 37 હવે તો તે 84 વર્ષની થઈ હતી અને તે વિધવા હતી. છતાં તેણે ક્યારેય મંદિર છોડ્યું ન હતું. તે મંદિરમા જ રહેતી અને રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થના દ્ધારા પ્રભુની સ્તુતિ કરતી હતી. 38 તેણે ત્યાં જ તે ક્ષણે આવીને પ્રભુનો આભાર માન્યો અને જે લોકો યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે બધાએ આ બાળક વિષે કહ્યું. 39 પ્રભુની આજ્ઞાનુસાર બધી જ વિધિઓ પૂર્ણ કરીને યૂસફ અને મરિયમ ગાલીલના નાસરેથમાં પોતાને ગામ પાછા ફર્યા. 40 દેવની કૃપા તે નાના બાળક સાથે હતી. તેથી તે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધારે પરાક્રમી અને બુદ્ધિશાળી થતો ગયો. 41 પ્રતિવર્ષ પાસ્ખાપર્વ વખતે ઈસુના માતાપિતા યરૂશાલેમ જતાં હતા. 42 જ્યારે ઈસુ બાર વર્ષનો થયો ત્યારે તેઓ પર્વમાં હંમેશા જે પ્રમાણે જતા હતા તે જ પ્રમાણે ગયા. 43 જ્યારે પર્વની ઉજવણી પૂરી થઈ ત્યારે તેઓ ધેર પાછા ફર્યા. પરંતુ બાળ ઈસુ તો યરૂશાલેમમાં જ રહી ગયો. તેના માતાપિતા તેના વિષે કંઈ જ જાણતા નહોતા. 44 તેમણે વિચાર્યુ કે ઈસુ તે સમુહમાં હશે. એક દિવસની મુસાફરી કર્યા પછી તેની શોધમાં તેઓ નીકળ્યા. તેઓએ તેમના પરિવારમાં તથા નજીકના મિત્રમંડળમાં શોધ કરી. તે માટે યૂસફ અને મરિયમ આખો દિવસ ફર્યા. 45 પરંતુ યૂસફ અને મરિયમને ક્યાંય ઈસુ જડ્યો નહિ. તેથી ફરી પાછા તેની શોધમાં યરૂશાલેમ ગયા. 46 ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો. ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો. 47 જે દરેક વ્યક્તિએ તેને સાંભળ્યો. તેના ચતુરાઇભર્યા ઉત્તરો અને સમજશક્તિ જોઈને આશ્ચર્ય પામ્યા હતા. 48 ઈસુના માતાપિતાએ જ્યારે તેને જોયો ત્યારે તેઓ પણ નવાઇ પામ્યા. તેની માએ તેને પૂછયું, “દીકરા, અમારી સાથે આવું તેં કેમ કર્યુ? તારા પિતા અને હું તારા માટે બહુ ચિંતા કરતા હતા. અને તારી શોધ પણ કરી રહ્યા હતા.” 49 ઈસુએ તેઓને કહ્યું, “તમે મારી શોધ શાં માટે કરતા હતા? તમને ખબર હોવી જોઈએ કે, હું મારા પિતાનું કામ જ્યાં છે ત્યાં જ હોઇશ!” 50 પરંતુ ઈસુએ જે કહ્યું તેનો અર્થ તેઓ સમજી શક્યા નહિ. 51 ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી. 52 ઈસુએ વધુને વધુ અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે કદમાં ઊંચો થયો અને લોકો ઈસુને ચાહતા અને ઈસુ દેવને પ્રસન્ન કરતો.

3:1 પોંતિયુસ પિલાત તિબેરિયસ કૈસરના રાજ્યશાસનના 15માં વર્ષ યહૂદિયાનો અધિપતિ હતો. ગાલીલ પર હેરોદ; ત્રાખોનિતિયા અને યટૂરિયા પર હેરોદનો ભાઈ ફિલિપ, લુસાનિયાસ, અબિલેનીનો રાજા હતો. 2 અન્નાસ અને કાયાફા પ્રમુખ યાજકો હતા. તે સમય દરમ્યાન ઝખાર્યાના દીકરા યોહાનને દેવે આજ્ઞા કરી. યોહાન તો અરણ્યમાં રહેતો હતો. 3 તેથી યોહાને યર્દન નદીની આજુબાજુના પ્રદેશમાં યાત્રા કરીને લોકોને પસ્તાવો કરવા માટે, પાપોની માફીની ખાતરી મેળવવા તથા બાપ્તિસ્મા પામીને જીવન ગુજારવાનો ઉપદેશ આપ્યો. 4 યશાયા પ્રબોધકના પુસ્તકમાં લખેલા વચનો મુજબ:“અરણ્યમાં કોઈ વ્યક્તિનો પોકાર સંભળાય છે: ‘પ્રભુને માટે માર્ગ તૈયાર કરો. તેનો માર્ગ સીધો બનાવો. 5 પ્રત્યેક ખીણો પૂરી દેવાશે. અને બધાજ પર્વતો અને ટેકરીઓ સપાટ બનાવાશે. રસ્તાના વળાંક સીધા કરવામાં આવશે. અને ખાડા ટેકરાવાળા રસ્તાઓ સરખા કરવામાં આવશે. 6 પ્રત્યેક વ્યક્તિ દેવનું તારણ જોશે!”‘ યશાયા 40:3-5 7 ત્યારે ઘણા લોકો તેનાથી બાપ્તિસ્મા પામવા સારું આવ્યા. યોહાને તેઓને કહ્યું: “તમે ઝેરીલા સાપો જેવા છો, દેવનો કોપ અને જેણે તમને તેમાંથી બચવા માટે ચેતવણી આપી છે તેમાંથી ઉગારવા માટે તમને કોણે સાવધાન કર્યા? 8 તમે એવાં કામ કરો કે જે દર્શાવે કે તમે તમારું હ્રદય પરિવર્તન કર્યું છે. તમારી જાતને તમે કહેવાનું શરું ના કરશો. ‘ઈબ્રાહિમ અમારો પિતા છે.’ કારણ કે હું તમને કહું છું કે દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાન ઉત્પન્ન કરી શકે છે. 9 વૃક્ષો કાપવા માટે હવે કુહાડી તૈયાર છે. દરેક વૃક્ષ જે સારાં ફળ ન આપતાં હોય તે બધાને કાપી નાખીને અજ્ઞિમાં નાખી દેવામાં આવશે.” 10 લોકોના ટોળાએ યોહાનને પૂછયું, “અમારે શું કરવું જોઈએ?” 11 યોહાને ઉત્તર આપ્યો, “જો તમારી પાસે બે અંગરખા હોય તો જેની પાસે એક પણ નથી તેને આપો. અને જેની પાસે ખોરાક હોય તો તે પણ વહેંચવો જોઈએ.” 12 જકાતનાકાના કર ઉઘરાવનારા અમલદારો પણ બાપ્તિસ્મા પામવા તેની પાસે આવ્યા. તેઓએ યોહાનને પૂછયું, “ઉપદેશક, અમારે શું કરવું?” 13 યોહાને તેમને કહ્યું, “તમને જેટલી જકાત લેવાનો હુકમ કર્યો હોય તેનાથી વધારે જકાત લોકો પાસેથી ઉઘરાવો નહિ.” 14 સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.” 15 બધાજ લોકો ખ્રિસ્તના આગમનની પ્રતિક્ષા કરી રહ્યા હતા અને યોહાન અંગે નવાઇ પામી વિચારતા હતા કે, “કદાચ યોહાન એ તો ખ્રિસ્ત નહિ હોય.” 16 યોહાને બધા લોકોને ઉત્તર આપ્યો, “મેં તો તમારું ફક્ત પાણીથી બાપ્તિસ્મા કર્યુ પણ હું જે કરું છું, તેનાથી વધારે શક્તિશાળી વ્યક્તિનું આગમન થઈ રહ્યું છે. હું તો તેના પગના જોડાની દોરી ખોલવા માટે પણ યોગ્ય નથી. તે પવિત્ર આત્માથી અને અજ્ઞિથી તમારું બાપ્તિસ્મા કરશે. 17 તેનું સૂંપડું તેના હાથમાં છે. તે ખળીમાંથી દાણા જુદા પાડવા તેયાર છે. તે દાણા ભેગા કરશે અને તેની વખારમાં મૂકશે. અને તે ભૂસાંને આગમાં બાળશે, જે કદી હોલવાશે નહિ.” 18 યોહાને લોકોને સુવાર્તા આપવાનુ ચાલુ રાખ્યું અને લોકોને મદદરૂપ થવા બીજી ઘણી બાબતો કહી. 19 યોહાને રાજા હેરોદની તેના ભાઈની પત્નિ સાથેના તેના સંબંધ માટે ટીકા કરી. તથા તેના બીજા ખરાબ કાર્યો માટે યોહાને તેની ટીકા કરી. 20 તેથી હેરોદે યોહાનને કેદ કરવાનું બીજું એક ખરાબ કામ કર્યુ. આમ હેરોદના દુષ્કર્મોમાં એકનો વધારો થયો.(માથ્થી 3:13-17; માર્ક 1:9-11) 21 યોહાનને જેલમાં કેદ કરવામાં આવ્યો તે પહેલા, બધાજ લોકો તેના દ્ધારા બાપ્તિસ્મા પામ્યા હતા. પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો. જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો ત્યારે, આકાશ ઊઘડ્યું. 22 પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઊતર્યો. ત્યાર બાદ આકાશમાંથી આકાશવાણી થઈ, “તું મારો વહાલો દીકરો છે અને હું તને ચાહું છું. હું તારા પર ખૂબ પ્રસન્ન થયો છું.” 23 ઈસુએ જ્યારે સેવાની શરૂઆત કરી ત્યારે તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી. લોકોના ધાર્યા પ્રમાણે ઈસુ યૂસફનો દીકરો હતો. એલીનો દીકરો યૂસફ હતો. 24 એલી મથ્થાતનો દીકરો હતો.મથ્થાત લેવીનો દીકરો હતો.મલ્ખીનો દીકરો લેવી હતો.યન્નાયનો દીકરો મલ્ખી હતો.યૂસફનો દીકરો યન્નાય હતો. 25 મત્તિથ્યાનો દીકરો યૂસફ હતો.આમોસનો દીકરો મત્તિથ્યા હતો.નહૂમનો દીકરો આમોસ હતો.હેસ્લીનો દીકરો નહૂમ હતો.નગ્ગયનો દીકરો હેસ્લી હતો. 26 માહથનો દીકરો નગ્ગય હતો.મત્તિથ્યાનો દીકરો માહથ હતો.શિમઇનો દીકરો મત્તિથ્યા હતો.યોસેખનો દીકરો શિમઇ હતો.યોદાનો દીકરો યોસેખ હતો. 27 યોહાનાનનો દીકરો યોદા હતો.રેસાનો દીકરો યોદા હતો.ઝરુંબ્બાબેલનો દીકરો રેસા હતો.શઆલ્તીએલનો દીકરો ઝરુંબ્બાબેલ હતો.નેરીનો દીકરો શઆલ્તીએલ હતો. 28 મલ્ખીનો દીકરો નેરી હતો.અદીનો દીકરો મલ્ખી હતો.કોસામનો દીકરો અદી હતો.અલ્માદામનો દાકરો કોસામ હતો.એરનો દીકરો અલ્માદાસ હતો. 29 યેશુનો દીકરો એર હતો.એલીએઝેરનો દીકરો યેશુ હતો.યોરીમનો દીકરો એલીએઝેર હતો.મથ્થાતનો દીકરો યોરીમ હતો.લેવીનો દીકરો મથ્થાત હતો. 30 સીમેઓનનો દીકરો લેવી હતો.યહૂદાનો દીકરો સીમેઓન હતો.યૂસફનો દીકરો યહૂદા હતો.યોનામનો દીકરો યૂસફ હતો.એલ્યાકીમનો દીકરો એલ્યાકીમ હતો. 31 મલેયાનો દીકરો યોનામ હતો.મિન્નાનો દીકરો મલેયા હતો.મત્તાથાનો દીકરો મિન્ના હતો.નાથાનનો દીકરો મત્તાથા હતો.દાઉદનો દીકરો નાથાન હતો. 32 યશાઇનો દીકરો દાઉદ હતો.ઓબેદનો દીકરો યશાઇ હતો.બોઆઝનો દીકરો ઓબેદ હતો.સલ્મોનનો દીકરો બોઆઝ હતો.નાહશોનનો દીકરો સલ્મોન હતો. 33 અમિનાદાબનો દીકરો નાહશોન હતો.અર્નીનો દીકરો અમિનાદાબ હતો.હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો.પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો.યહૂદાનો દીકરો પેરેસ હતો. 34 યાકૂબનો દીકરો યહૂદા હતો.ઇસહાકનો દીકરો યાકૂબ હતો.ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.નાહોરનો દીકરો તેરાહ હતો. 35 સરૂગનો દીકરો નાહોર હતો.રયૂનો દીકરો સરૂગ હતો.પેલેગનો દીકરો રયૂ હતો.એબરનો દીકરો પેલેગ હતો.શેલાનો દીકરો એબર હતો. 36 કાઇનાનનો દીકરો શેલા હતો.અર્પક્ષદનો દીકરો કાઇનનાન હતો.શેમનો દીકરો અર્પક્ષદ હતો.નૂહનો દીકરો શેમ હતો.લામેખનો દીકરો નૂહ હતો. 37 મથૂશેલાનો દીકરો લાખેમ હતો.હનોખનો દીકરો મથૂશેલા હતો.યારેદનો દિકરો હનોખ હતો.મહાલલેલનો દીકરો યારેદ હતો.કાઇનાનનો દીકરો મહાલલેલ હતો. 38 અનોશનો દીકરો કાઇનાન હતો.શેથનો દીકરો અનોશ હતો.આદમનો દીકરો શેથ હતો.આદમ, જે દેવનો દીકરો હતો.

4:1 પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો. 2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી. 3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.” 4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.”‘ પુનર્નિયમ 8:3 5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું. 6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું. 7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.” 8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે: ‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ. તારે એકલા તેની જ સેવા કરવી!”‘ પુનર્નિયમ 6:13 9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ! 10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11 11 અને એમ પણ લખ્યું છે કે:‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 91:12 12 ઈસુએ ઉત્તર આપ્યો:“એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે: ‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.”‘ પુનર્નિયમ 6:16 13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.(માથ્થી 4:12-17; માર્ક 1:12-13) 14 પછી પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ ગાલીલ પાછો ફર્યો. ગાલીલની આજુબાજુના પ્રદેશમાં ઈસુની વાતો પ્રસરતી ગઇ. 15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા. 16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો. 17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું: 18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે. પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા, કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા, આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે. 19 તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” યશાયા 61:1-2 20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી. 21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!” 22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?” 23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!”‘ 24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી. 25 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. 26 પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો. 27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.” 28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા. 29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય. 30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો. 31 ત્યારબાદ ઈસુ ગાલીલના એક કફર-નહૂમ શહેરમાં ગયો. અને વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો. 32 તેઓ ઈસુના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું. 33 ત્યા સભાસ્થાનમાં એક માણસ હતો. તેને અશુધ્ધ આત્મા વળગેલો હતો. તેણે મોટા અવાજે બૂમો પાડી. 34 “ઓ ઈસુ નાઝારી! તારે અમારી પાસેથી શું જોઈએ છે? શું તું અમારો સર્વનાશ કરવા અહીં આવ્યો છે? હું જાણું છું તું કોણ છે? તું દેવનો પવિત્ર છે.” 35 પરંતુ ઈસુએ તેને ચેતવણી આપી અને કહ્યું, “છાનો રહે! આ માણસમાંથી બહાર નીકળ.” પરંતુ અશુદ્ધ આત્માએ તે માણસને લોકોની હાજરીમાં જ તેને નીચે ફેંકી દીધો. તેને કોઈ પણ જાતની ઇજા કર્યા વિના તે તેનામાંથી બહાર નીકળી ગયો. 36 આશ્ચર્યચકિત પામેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા: “આનો અર્થ શું? આ માણસના શબ્દોમાં આ તે કેવો અધિકાર! અને તાકાત છે? કે અશુદ્ધ આત્માઓ પણ તેને આધીન થઈને બહાર નીકળી જાય છે.” 37 બધાજ આજુબાજુના પ્રદેશમાં ઈસુ વિષેના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. 38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી. 39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી. 40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા. 41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે. 42 બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ. 43 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “દેવના રાજ્યની સુવાર્તા મારે અન્ય શહેરોમાં પણ પહોંચાડવી જોઈએ. અને તે માટે જ મને મોકલવામા આવ્યો છે.” 44 આમ ઈસુ યહૂદિયાના સભાસ્થાનોમાં ઉપદેશ પ્રગટ કરતો ફર્યો.

5:1 ગન્નેસરેત ગાલીલ સરોવરને કાંઠે ઈસુ ઊભો હતો તે દેવના વચનનો ઉપદેશ કરતો હતો. તેઓ તેનો ઉપદેશ સાંભળતા હતા. 2 ત્યારે તેણે સરોવરને કિનારે બે હોડી લાંગરેલી જોઈ. માછીમારો તેઓની જાળ પાણીમાં ધોઇ રહ્યાં હતા. 3 તેમાની એક હોડી સિમોનની હતી. ઈસુ તે હોડીમાં બેસવા ચઢી ગયો. ઈસુએ તેને કાંઠાથી થોડે દૂર હોડી હંકારવાનું કહ્યું. તેણે તેમાં બેસીને લોકોને ઉપદેશ આપ્યો. 4 ઈસુએ ઉપદેશ આપી રહ્યાં પછી સિમોનને કહ્યું, “હોડીને દૂર ઊંડા પાણીમાં લઈ જાઓ. અને માછલાં પકડવા જાળો નાખો. તમને કેટલાંક માછલાંઓ મળશે.” 5 સિમોને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે આખી રાત ખૂબ મહેનત કરી છે, પરંતુ અમને કશું જ પ્રાપ્ત થયું નથી. પરંતુ તું કહે છે તે કારણથી હું જાળો નાખીશ.” 6 માછીમારોએ પાણીમાં જાળો નાખી અને જાળોમાં એટલી બધી માછલીઓ ભરાઇ કે તેના ભારથી જાળો તૂટવા માંડી. 7 તેથી તેઓએ બીજી હોડીમાં બેઠેલા એમના મિત્રોને ઇશારો કર્યો. તેઓ આવ્યા અને બંને હોડીઓમાં એટલી બધી માછલીઓ ભરી કે હોડીઓ ડૂબવા માંડી. 8 જ્યારે સિમોન પિતરે આ જોયું ત્યારે તે ઈસુના ચરણોમાં માથું નમાવીને બોલ્યો, “પ્રભુ! હું તો એક પાપી માણસ છું. તું મારાથી દૂર રહે.” તેણે આ એટલા માટે કહ્યું કારણ કે આટલી બધી માછલીઓ પકડાઇ તેથી તે અને તેના સાથીદારો ભારે આશ્ચર્ય પામ્યા. 9 10 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન તથા પિતરના ભાગીદારો જે સિમોનના મિત્રો હતા તેઓને પણ આ જોઈને ભારે આશ્ચર્ય થયું હતું. તેથી ઈસુએ સિમોનને કહ્યું, “ગભરાઇશ નહિ, હવે પછી તું માછલીઓ નહિ, પરતું માણસોને ભેગા કરીશ!” 11 પછી તે લોકો તેઓની હોડીઓ કિનારે લાવ્યા અને સર્વસ્વનો ત્યાગ કરીને ઈસુને અનુસર્યા. 12 પછી એક વખત ઈસુ એક શહેરમાં હતો, ત્યારે આખા શરીરે રક્તપિત્તના રોગથી પીડાતો એક માણસ ત્યાં હતો. ઈસુને જોઈને તે માણસે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “પ્રભુ! મને સાજો કર, તું ચાહે તો મને સાજો કરી શકવા સમર્થ છે.” 13 ઈસુએ કહ્યું, “હું તને સાજો કરવા ઈચ્છું છું, તું સાજો થઈ જા!” ઈસુનો સ્પર્શ થતાં જ દર્દીનો રક્તપિત્તનો રોગ મટી ગયો. તે રોગ મુક્ત થઈ ગયો. 14 ઈસુએ આ વાત કોઈને પણ ન કહેવાની આજ્ઞા કરીને કહ્યું, “તું યાજક પાસે જા અને તારી જાત તેને બતાવ અને મૂસાના આદેશ પ્રમાણે દેવને ભેટ અર્પણ કર. જેથી લોકોને ખબર પડશે કે તું સારો થઈ ગયો છે.” 15 પરંતુ ઈસુના આ સમાચાર તો વધુ ને વધુ પ્રસરવા લાગ્યા. ઘણા લોકોના ટોળેટોળા ઈસુને સાંભળવા તથા પોતાના રોગમાંથી મુક્ત થવા આવવા લાગ્યા. 16 તેથી ઈસુ વારંવાર એકાંત સ્થળોએ જતો જેથી એકાંતે પ્રાર્થના કરી શકતો. 17 એક વખત ઈસુ ઉપદેશ આપતો હતો ત્યારે કેટલાક ફરોશીઓ અને નિયમોપદેશકો ત્યાં આવીને બેઠા. તે બધા ગાલીલ, યહૂદિયા અને યરૂશાલેમના હતા. ઈસુ પાસે રોગીઓને સાજા કરવા પ્રભુનું પરાક્રમ હતું. 18 કેટલાએક માણસો એક પક્ષઘાતી માણસને ખાટલામાં ઊંચકીને લાવ્યાં હતા. તે માણસોએ ઈસુની આગળ તેને લાવવા અને નીચે મૂકવા પ્રયત્ન કર્યા. 19 પણ ત્યાં લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ તેની પાસે જવાનો માર્ગ કરી શક્યા નહિ. આખરે તેઓ છાપરા પર ચઢી ગયા અને છત પરનું છાપરું ખસેડીને પથારી સાથે જ પક્ષઘાતીને ઈસુની આગળ વચ્ચે ઉતાર્યો. 20 તેઓનો વિશ્વાસ જોઈને ઈસુએ પક્ષઘાતી રોગીને કહ્યું, “મિત્ર, તારા પાપો માફ કરવામાં આવ્યા છે. 21 ફરોશીઓ અને શાસ્ત્રીઓ પણ અંદરો અંદર વિચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, “આ માણસ કોણ છે? આ તે દેવનું અપમાન કહેવાય! પાપમાંથી માફી આપવાનું કામ દેવના સિવાય બીજું કોણ કરી શકે?” 22 પરંતુ ઈસુને ખબર પડી ગઇ કે તેઓ શું વિચારતા હતા, તેણે કહ્યું, “તમારા મનમાં આવા વિચારો કેમ આવે છે?” 23 તારા પાપો માફ થયા છે એમ કહેવું અથવા ચાલ ઊભો થા અને તારી પથારી લઈને ચાલતો થા. એ બેમાં કયું સરળ છે, તેનો વિચાર કરો. પરંતુ તમને ખાતરી થાય તે માટે હું સાબિત કરી બતાવીશ કે પૃથ્વી પર માણસના દીકરાને પાપમાંથી માફી આપવાનો અધિકાર છે. તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “હું તને આજ્ઞા કરું છું ઊઠ! અને તારી પથારી ઊચકીને ઘેર ચાલ્યો જા!” 24 25 પછી તરત જ તે માણસ બધા લોકોની હાજરીમાં ઊભા થયો. તે જે પથારીમાં સૂતો હતો તે ઉપાડીને દેવની સ્તુતિ કરતો કરતો પોતાને ઘેર ચાલ્યો ગયો. 26 બધાજ લોકો અચરત પામી ગયા. તેઓ સ્તુતિ કરવા લાગ્યા. લોકો વિશ્વાસથી નવાઇ પામી દેવના સામથ્યૅ માટે તેઓ ખૂબ માનથી બોલ્યા, “આજે આપણે આજાયબ જેવી વાતો જોઈ છે!” 27 આ પ્રસંગ પછી ઈસુ બહાર જતો હતો ત્યારે તેણે લેવી નામના જકાતદારને જકાતનાકામાં બેઠેલો જોયો. તેથી ઈસુએ તેને કહ્યું, “આવ અને મને અનુસર!” 28 આ સાંભળીને તરત જ લેવી સર્વસ્વ છોડીને ઈસુને અનુસરવા લાગ્યો. 29 અને પછી લેવીએ પોતાના ઘરે ઈસુના માનમાં ભોજનસમારંભનુંઆયોજનકર્યુ. ત્યાં ભોજનસમારંભમાં ઘણા જકાતદારો અને બીજા કેટલાએક લોકો પણ હાજર હતા. 30 તે વખતે ફરોશીઓ અને શાસ્ત્રીઆએે તેના શિષ્યોને ફરીયાદ કરી, “તમે શા માટે જકાતદારો અને પાપીઓની સાથે ભોજન કરો છો અને પીઓ છો?” 31 ઈસુએ તેઓને પ્રત્યુત્તર આપ્યો, “તંદુરસ્ત માણસોને વૈદની જરૂર પડતી નથી. ફક્ત રોગીઓને જ વૈદની જરૂર પડે છે. 32 હું પ્રામાણિક માણસનો નહિ પરંતુ પાપીઓને તેઓના જીવન અને હ્રદય પરિવર્તન કરવા બોલાવવા આવ્યો છું!” 33 તેઓએ ઈસુને કહ્યું, “યોહાન બાપ્તિસ્તના શિષ્યો વારંવાર ઉપવાસ અને પ્રાર્થના કરે છે, ફરોશીઓના શિષ્યો પણ એમ જ કરે છે. પરંતુ તારા શિષ્યો તો હંમેશા ખાય છે અને પીએ છે.” 34 ઈસુએ તેઓને કહ્યું, “જો વરરાજા તેઓની સાથે હોય તો શું વરરાજાની જાનમાં આવેલા જાનૈયાઓ ઉપવાસી રહે તેવું શક્ય છે? 35 પરંતુ એવો સમય આવશે. જ્યારે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે અને તેના મિત્રોને ઉપવાસ કરવો પડશે.” 36 ઈસુએ લોકોને આ દષ્ટાંત પણ કહ્યું, “કોઈ પણ વ્યક્તિ પોતાના નવા કોટમાંથી કાપડનો ટૂકડો કાઢીને જૂના કોટને થીંગડુ મારતો નથી. કારણ કે તે જાણે છે કે આમ કરવાથી નવા કોટને નુકશાન થશે અને નવા કોટનું થીંગડુ જૂના કોટના કાપડને મળતું નહિ આવે. 37 કોઈ પણ માણસ નવો દ્ધાક્ષારસ જૂના દ્ધાક્ષારસની મશકોમાં ભરતો નથી. કારણ કે નવો દ્ધાક્ષારસ જૂની મશકને ફાડી નાખશે અને તેથી દ્ધાક્ષારસ ઢોળાઇ જશે. દ્ધાક્ષારસની મશકોનો નાશ થશે. 38 લોકો હંમેશા નવો દ્ધાક્ષારસ નવી મશકોમાં જ ભરે છે. 39 જે કોઈ જૂના દ્ધાક્ષારસનું પાન કરે છે તેઓ કદાપિ નવો દ્ધાક્ષારસ માગતા નથી. તે કહે છે, “જૂનો દ્ધાક્ષારસ જ સારો છે.”

6:1 એક વખત વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરોમાંથી પસાર થતો હતો. ત્યારે તેના શિષ્યો અનાજના કણસલાં તોડીને હાથમાં મસળીને ખાતા હતાં. 2 કેટલાએક ફરોશીઓએ પૂછયું, “વિશ્રામવારના દિવસે મૂસાના નિયમાનુસાર જે કાર્ય કરવું મંજૂર કરેલ નથી તે શા માટે કરો છો?” 3 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, “દાઉદે શું કર્યું જ્યારે તે અને તેની સાથેનાં માણસો ભૂખ્યા હતા. તે શું તમે વાંચ્યું નથી? 4 દાઉદ દેવના મંદિરમાં ગયો અને દેવને અર્પિત થયેલી રોટલી મૂસાના નિયમ પ્રમાણે યાજકો સિવાય બીજો કોઈ ખાઇ શકે નહિ તે રોટલી તેણે ખાધી હતી અને તેમાંથી રોટલીનો થોડો થોડો ટૂકડો તેની સાથેના લોકોને આપ્યો હતો.” 5 પછી ઈસુએ ફરોશીઓને કહ્યું કે, “માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.” 6 બીજા એક વિશ્રામવારે ઈસુ જ્યારે સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો તેવો માણસ ત્યાં હતો. 7 વિશ્રામવાર હોવાથી ઈસુ તેને સાજો કરે છે કે નહિ, તે જોવા માટે શાસ્ત્રીઓ અને ફરોશીઓ આતુર હતા. તેઓ ધ્યાનથી જોઈ રહ્યાં હતા જેથી તેઓને ઈસુને દોષિત ઠરાવવા માટે કારણ મળે. 8 પણ સુ તે લોકોના વિચારો જાણતો હતો. તેથી તેણે જેનો હાથ સુકાઈ ગયેલો હતો તે માણસને બોલાવીને કહ્યું, “ઊઠ અને વચમાં જઇને ઊભો રહે.” તેથી તે ઊઠ્યો અને વચમાં જઇને ઊભો રહ્યો. 9 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને પૂછું છું કે વિશ્રામવારના દિવસે કોઈનું, ભલું કરવું યોગ્ય છે કે માઠું કરવું, કોઈની જીવન બચાવવું કે તેનો નાશ કરવો, એ બેમાંથી શું યોગ્ય છે?” 10 ઈસુએ ત્યારબાદ ચારેબાજુ લોકો પર નજર ફેરવીને તે માણસને કહ્યું કે, “તારો હાથ લંબાવ,” તેણે ઈસુની આજ્ઞાનું પાલન કર્યુ અને તેનો હાથ ફરીથી સાજો થઈ ગયો. 11 પરંતુ આ જોઈને શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સે થયા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, “હવે ઈસુનું આપણે શું કરીએ?” 12 તે દિવસો દરમ્યાન ઈસુ પ્રાર્થના કરવા માટે પહાડ પર ગયો. અને તેણે આખી રાત દેવની પ્રાર્થનામાં વિતાવી. 13 અને પછી જ્યારે પ્રભાત થયું ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને ચેઓનામાંથી બારની પસંદગી કરી અને તેઓને “પ્રેરિતો” નામ આપ્યું. 14 એટલે સિમોન (ઈસુએ તેનું નામ પિતર પાડ્યું) અને તેના ભાઈ આંન્દ્ધિયાને, યાકૂબ તથા યોહાનને, ફિલિપને તથા બર્થોલ્મીને, 15 માથ્થીને તથા થોમાને, યાકૂબને (અલ્ફીના દીકરો) તથા સિમોન, જેને ઝેલોટીસ કહેતા હતા. તેને, 16 યહૂદા (યાકૂબનો દીકરો) આ યહૂદા ઇશ્કરિયોત હતો જેણે ઈસુને તેના દુશ્મનોને સોંપ્યો. 17 ઈસુ અને પ્રેરિતો પહાડ પરથી નીચે ઉતર્યાને ઈસુ સપાટ મેદાનમાં આવીને ઊભો રહ્યો. ત્યાં મોટા સમૂહમાં તેના શિષ્યો હતા. અને સમગ્ર યહૂદિયામાંના તથા યરૂશાલેમના અને તૂર તથા સિદોનના સમુદ્ધકિનારાના ઘણા લોકો મોટા સમૂહમાં હતા. 18 જેઓ ભેગા થયા હતા તે તેનો ઉપદેશ સાંભળવા તથા તેઓના રોગોમાંથી સાજા થવા માટે આવ્યા હતા. તે લોકો અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા. ઈસુએ તે બધા લોકોને સાજા કર્યા. 19 બધાજ લોકો ઈસુને સ્પર્શ કરવા કોશિશ કરતાં હતા, કારણ કે તેનામાંથી જે પરાક્રમ નીકળી રહ્યુ હતુ તેનાથી દરેક સાજા થયા હતા! 20 ઈસુ તેના શિષ્યો તરફ જોતાં જોતાં બોલ્યો, “તમે લોકો જે ગરીબ છો, તે સૌને ધન્ય છે, કારણ કે દેવનું રાજ્ય તમારુંછે. 21 તમે જે હમણાં ભૂખ્યા છો, તેઓને પણ ધન્ય છે, કારણ કે તમે પણ તૃપ્ત થવાના છો. આજે તમે રડો છો, તમને પણ ધન્ય છે, કારણ કે તમે હસશો. 22 “માણસના દીકરાને કારણે લોકો તમને તેમના જૂથમાંથી હાંકી કાઢશે, તમારા નામની નિંદા કરશે, તમારી બદનામી કરશે ત્યારે પણ તમને ધન્ય છે. 23 એવું બને તે દિવસે તમે આનંદમગ્ર બનીને નાચી ઊઠજો, કારણ કે આકાશમાં તમને મોટો બદલો પ્રાપ્ત થશે. કારણ કે તેઓના બાપદાદાઓએ પણ આ પ્રબોધકો સાથે આ જ રીતે વ્યવહાર કર્યા છે. 24 “પણ હે ધનવાનો, તમને અફસોસ છે, કારણ કે તમારી સુખસંપત્તિ આ જીવન માટે જ છે. 25 અને એ લોકો અત્યારે જે સંતુષ્ટો છે તેમને પણ અફસોસ છે, કારણ કે તમારો ભૂખે મરવાનો સમય આવનાર છે, અને હાલમાં હસનારાઓ, તમને અફસોસ છે, કારણ કે તમે શોક કરવાના છો અને રડવાના છો. 26 “જ્યારે બધાજ લોકો તમારું સારું કહેશે ત્યારે તમને અફસોસ છે કારણ કે તેઓના બાપદાદાઓ પણ હંમેશા જૂઠા પ્રબોધકો માટે આવી જ પ્રસંશા કરતા હતા. 27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો. 28 જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો. 29 જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમે તેની આગળ બીજો ગાલ ધરો. 30 દરેક વ્યક્તિને તે જે માગે તે આપો. જ્યારે તમારી પાસેથી કોઈ તમારો કોટ લઈ જાય તો તમારું ખમીસ પણ લઈ જવા દો. તેની પાસેથી તે પાછું માગશો નહિ. 31 જેમ તમે ઈચ્છા રાખો છો કે બીજાઓ તમારા માટે કરે તેમજ તમે પણ તેઓના માટે તેવું કરો. 32 “જો તમે, તમને જે ચાહે છે તે લોકોને જ ચાહો તો તેમાં તમારી મહેરબાની શાની? કારણ કે પાપીઓ પણ તેમના પર પ્રેમ કરનારાઓને ચાહે છે! 33 જે લોકો તમારુંભલું કરે છે, ફક્ત તે લોકોનું જ તમે ભલુ કરો તો તેમ કરવા માટે તમને વધારે પ્રસંશા મળે ખરી? ના! પાપીઓ પણ એમ જ કરે છે! 34 હંમેશા જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો, તેઓને જ તમે ઊછીનું આપો, તો તેમાં તમારી મહેરબાની શાની? ના! પાપીઓ પણ પાછું લેવા માટે પાપીઓને ઊછીનું આપે છે! 35 “તેથી તમારા વૈરીઓને પણ પ્રીતિ કરો. તેઓનું ભલું કરો. અને કંઈ પણ પાછું મેળવવાની આશા વિના તમે ઉછીનું આપો. જો તમે આમ કરશો તો તમને તેનો બદલો મળશે. અને તમે પરાત્પરના દીકરાઓ થશો. હા કારણ કે દેવ, અનુપકારીઓ તથા દુષ્ટ લોકો પર પણ માયાળું છે. 36 તેથી જેમ તમારો બાપ પ્રેમ અને દયા આપે છે તેમ તમે પણ પ્રેમ અને દયા દર્શાવો. 37 “બીજા લોકોનો ન્યાય તમે ના કરો. એટલે તમારો ન્યાય પણ થશે નહિ. બીજા લોકોનો તિરસ્કાર ના કરો. એટલે કોઈ તમારો તિરસ્કાર કરશે નહિ. બીજા લોકોને માફ કરો તેથી તમને માફી મળશે. 38 બીજા લોકોને આપો એટલે તમને મળશે. તમે તમારા હાથમાં પકડો તેના કરતાં પણ વધુ મેળવા શકશો. તમને એટલું બધું આપવામાં આવશે જેથી તમારો ખોળો પણ ઊભરાઇ જશે. કારણ કે તમે જે રીતે બીજા લોકોને આપો છો તે જ રીતે દેવ તમને આપશે.” 39 ઈસુએ તેમને આ દષ્ટાંત કહ્યું, “શું એક આંધળો બીજા આંધળાને દોરી શકે? ના! તેઓ બંને ખાડામાં પડશે. 40 વિધાર્થી પોતાના શિક્ષક કરતા મોટો નથી. પરંતુ જ્યારે વિધાર્થી સંપૂર્ણ રીતે વિદ્ધાન બનશે ત્યારે તે તેના શિક્ષક જેવો બનશે. 41 “શા માટે તમે તમારા ભાઈની આંખમાં પડેલા નાના ધૂળના રજકણનું ધ્યાન રાખો છો, પણ તમે તમારી આંખમાં પડેલા મોટા ભારોટિયાને તમે નથી જોતા? 42 તમે તમારા ભાઈને કહો છો, “ભાઈ, તારી આંખમાંથી મને નાની ધૂળની રજકણ કાઢી નાખવા દે. તમે આવું શા માટે કહો છો? તમે તમારી પોતાની, આંખમાંનો મોટો ભારોટિયો પણ જોઈ શકતા નથી. તમે એક ઢોંગી છો. પહેલા તમે તમારી પોતાની આંખમાંથી મોટા ભારોટિયાને બહાર કાઢો. પછી તમે તમારા ભાઈની આંખમાંથી ધૂળ કાઢવાનું સ્પષ્ટ જોઈ શકશો. 43 “એક સારું વૃક્ષ ખરાબ ફળ આપતું નથી, તેમ એક ખરાબ વૃક્ષ સારું ફળ આપતું નથી. 44 પ્રત્યેક વૃક્ષ જે પોતે જે ફળ આપે છે તેનાથી ઓળખાય છે. લોકો કાંટાના ઝાડ પરથી અંજીર ભેગા કરતા નથી. અને ઊંટકટા પરથી દ્ધાક્ષ મેળવતા નથી! 45 સારા માણસના હ્રદયમાં સારી વસ્તુઓ સાચવેલી હોય છે તેથી તેના હ્રદયમાંથી સારી વસ્તુઓ બહાર આવે છે. પરંતુ દુષ્ટ માણસના હ્રદયમાં ખરાબ વસ્તુઓ સાચવેલી હોય છે. તેથી તે ખરાબ વસ્તુઓ બહાર કાઢે છે. કારણ કે વ્યક્તિ તેના હ્રદયમાં જે કાંઇ ભરેલું હોય છે તે જ બોલે છે. 46 “તમે મને પ્રભુ, પ્રભુ, શા માટે કહો છો, અને હું જે કહું છું તે શા માટે કરતા નથી? 47 પ્રત્યેક માણસ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે, એ હું તમને બતાવીશ: 48 તે એક મકાન બંાધનારમાણસ જેવો છે. જે ઊડું ખોદે છે અને મજબૂત ખડક પર મકાન બાંધે છે જ્યારે રેલ આવે છે ત્યારે પાણી મકાનને તાણી જવા પ્રયત્ન કરે છે. પરંતુ રેલ ઘરને હલાવી શકતી નથી, કારણ કે મકાન સારી રીતે (મજબૂત) બંાધેલું હતું. 49 “પરંતુ જે માણસ સારા શબ્દો ધ્યાનથી સાંભળે છે પરંતુ તેનું પાલન કરતો નથી તે મજબૂત ખડક પર મકાન નહિ બાંધનાર માણસ જેવો છે. જ્યારે રેલ આવે છે ત્યારે મકાન તરત જ નીચે પડી જાય છે. અને મકાન સંપૂર્ણ નાશ પામે છે.”

7:1 ઈસુએ લોકોને આ બધી બાબતો કહેવાનું પૂર્ણ કર્યુ. પછી ઈસુ કફર-નહૂમ ગયો. 2 ત્યાં કફરનહૂમમાં એક લશ્કરનો અમલદાર હતો. તે અમલદારને એક નોકર હતો જે ઘણો માંદો હતો. તે મરવાની અણી પર હતો, તે અમલદાર નોકરને ઘણો ચાહતો હતો. 3 જ્યારે અમલદારે ઈસુ વિષે સાંભળ્યું ત્યારે તેણે યહૂદિઓના વડીલોને તેની પાસે મોકલ્યો. તે અમલદારની ઈચ્છા હતી કે માણસો ઈસુને આવીને નોકરને બચાવવાનું કહે. 4 તે માણસો ઈસુ પાસે ગયા. તેઓએ ઈસુને અમલદારને મદદ કરવા વિનંતી કરી. તેઓએ કહ્યું, “આ અમલદાર તમારી મદદ માટે યોગ્ય છે. 5 તે આપણા લોકોને ચાહે છે અને આપણા માટે તેણે સભાસ્થાન બંધાવ્યું છે.” 6 તેથી ઈસુ તે માણસો સાથે ગયો. જ્યારે ઈસુ અમલદારના ઘર નજીક આવતો હતો ત્યારે અમલદારે કેટલાએક મિત્રોને કહેવા માટે મોકલ્યા કે, “પ્રભુ મારા ઘરમાં આવવાની તકલીફ લઈશ નહિ. હું તને મારા ઘરમાં લાવવા માટે પૂરતી યોગ્યતા ધરાવતો નથી. 7 તેથી હું મારી જાતને તારી પાસે આવવા યોગ્ય ગણી શકતો નથી. તારે તો માત્ર આજ્ઞા કરવાની જ જરૂર છે અને મારો નોકર સાજો થઈ જશે. 8 હું તારી સત્તા જાણું છું. હું બીજા માણસોની સત્તાનો તાબેદાર છું. અને મારા તાબામાં સૈનિકો છે. હું એક સૈનિકને કહું છું કે જા, એટલે તે જાય છે અને બીજા સૈનિકને કહું છું, કે આવ, અને તે આવે છે; અને મારા નોકરને હું કહું છું કે આ કર અને નોકર તે કરે છે.” 9 જ્યારે ઈસુએ આ સાંભળ્યું; તે આશ્ચર્યચકિત થયો. જે લોકો તેની પાછળ આવતા હતા તેઓના તરફ ઈસુ પાછો ફર્યો. ઈસુએ કહ્યું, “હું તમને કહું છું આટલો બધો વિશ્વાસ તો મેં ઇઝરાએલમાં પણ નથી જોયો.” 10 જે લોકોને ઈસુ પાસે મોકલવામાં આવ્યા હતા. તેઓ ઘેર પાછા ફર્યા ત્યારે તેઓએ નોકરને સાજો થયેલો જોયો. 11 બીજે દિવસે ઈસુ નાઇન નામના શહેરમાં ગયો. તેના શિષ્યો અને લોકોનો મોટો સમૂહ તેની સાથે યાત્રા કરતો હતો. 12 જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા. 13 જ્યારે પ્રભુએ (ઈસુ) તેને જોઈ, ત્યારે તેના હ્રદયમાં તેને માટે કરૂણા ઉપજી. ઈસુએ તેને કહ્યું, “રડીશ નહિ,” 14 ઈસુ ઠાઠડીની પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. ખાંધિયા ઊભા રહ્યાં. ઈસુએ મૃત્યુ પામેલા પુત્રને કહ્યું, “હે જુવાન, હું તને કહું છું કે ઊઠ.” 15 પછી તે મૃત્યુ પામેલો માણસ બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો. 16 બધાજ લોકો ભયભીત થયા. તેઓ દેવની સ્તુતી કરતા હતા. તેઓએ કહ્યું, “આપણી પાસે એક મોટો પ્રબોધક આવ્યો છે!” અને તેઓએ કહ્યું, “દેવ તેના લોકોની સંભાળ રાખે છે.” 17 ઈસુ વિષેના આ સમાચાર આખા યહૂદિયામાં અને આસપાસના બધાજ પ્રદેશમાં પ્રસરી ગયા. 18 યોહાનના શિષ્યોએ આ બધી વાતો યોહાનને કહી. યોહાને પોતાના શિષ્યોમાંથી બે શિષ્યોને પોતાની પાસે બોલાવ્યા. 19 યોહાને તેઓને પ્રભુ (ઈસુ) ની પાસે મોકલીને પૂછાવ્યું કે, “જે આવનાર છે તે શું તું જ છે કે અમે બીજી વ્યક્તિની રાહ જોઈએ?” 20 તેથી તે માણસો ઈસુ પાસે આવ્યા. તેઓએ કહ્યું, “બાપ્તિસ્મા કરનાર યોહાને તારી પાસે અમને પૂછવા મોકલ્યા છે કે જે આવનાર છે તે શું તું જ છે કે પછી અમે બીજી આવનાર વ્યક્તિની રાહ જોઈએ?” 21 તે સમય દરમ્યાન, ઈસુએ ઘણા લોકોને માંદગીમાંથી, રોગોમાંથી અને ભૂંડા આત્માઓથી પીડાતાઓને સાજા કર્યા. ઈસુએ ઘણા આંધળાઓને સાજા કર્યા જેથી તેઓ ફરીથી દેખતા થઈ શકે. 22 પછી ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું, “જાઓ અને તમે અહીં જે જોયું છે અને સાંભળ્યું છે તે યોહાનને કહી સંભળાવો. આંધળા લોકો સાજા થયા છે અને જોઈ શકે છે. લૂલાં સાજા થયા છે અને ચાલી શકે છે. રક્તપિત્તિઓને સાજા કરવામાં આવે છે, બહેરાઓને સાજા કર્યા છે અને તેઓ સાંભળી શકે છે. મૃત લોકોને સજીવન કરવામાં આવ્યા છે. અને ગરીબ લોકોને દેવના રાજ્યની સુવાર્તા પ્રાપ્ત થાય છે. 23 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે!” 24 યોહાનના સંદેશાવાહકો ગયા પછી ઈસુએ યોહાન વિષે લોકોને કહેવાનું શરૂ કર્યુ: “રેતીના રણમાં તમે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને? 25 તમે બહાર શું જોવા ગયા હતા? શું સુંદર વસ્ત્ર પરિધાન કરેલા માણસને? ના, તો શું જેઓ ભપકાદાર વસ્ત્રો પહરે છે અને ભોગવિલાસ કરે છે કે જેઓ મહેલોમાં રહે છે. 26 ખરેખર, તમે શું જોવા માટે બહાર ગયા હતા? શું પ્રબોધકને? હા, અને હું તમને કહું છું, યોહાન એ પ્રબોધક કરતાં વધારે છે. 27 યોહાન વિષે આમ લખેલું છે: ‘સાંભળ! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે.’ માલાખી 3:1 28 હું તમને કહું છું, આજ પર્યંત જે કોઈ જન્મ્યા છે તે સૌના કરતાં યોહાન વધારે મોટો છે. તો પણ દેવના રાજ્યમાં જે માત્ર નાનો છે, તે તેના કરતાં મોટો છે.” 29 (જ્યારે લોકોએ આ સાંભળ્યું ત્યારે તે બધાએ કબૂલ કર્યુ કે, દેવનો ઉપદેશ સારો હતો. જકાતદારો પણ સંમત થયા. આ બધા લોકો યોહાનથી બાપ્તિસ્મા પામ્યા હતા. 30 પરંતુ ફરોશીઓ તથા શાશ્ત્રીઓએ તેમના માટેની દેવની યાજનાનો સ્વીકાર કરવાની ના પાડી. અને તેઓએ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામવા ના પાડી.) 31 “આ સમયના લોકો માટે હું શું કહું? હું તેઓને શાની ઉપમા આપું? તેઓ કોના જેવા છે? 32 આ પેઢીના લોકો તો બજારમાં કોઈ જગ્યાએ બેઠેલા બાળકો જેવા છે. એક બાળકોનું ટોળું બીજા બાળકોને બોલાવે છે અને કહે છે: ‘અમે તમારે માટે સંગીત વગાડ્યું, પણ તમે નાચ્યા નહિ; અમે કરૂણ ગીત ગાયું, પણ તમે દિલગીર થયા નહિ.’ 33 યોહાન બાપ્તિસ્ત આવ્યો અને બીજા લોકોની જેમ રોટલી ખાધી નહિ કે દ્ધાક્ષારસ પીધો નહિ, અને તમે કહો છો કે, ‘તેનામાં ભૂત છે.’ 34 માણસનો દીકરો બીજા લોકોની જેમ ખાતો અને પીતો આવ્યો છે. અને તમે કહો છો કે ‘એના તરફ જુઓ! તે વધારે પડતું ખાય છે અને ખૂબ વધારે દ્ધાક્ષારસ પીએ છે! તે જકાતદારોનો તથા ખરાબ માણસોનો મિત્ર છે!’ 35 પરતું જ્ઞાની પોતાના સર્વ કાર્યોથી યથાર્થ મનાય છે.” 36 ફરોશીઓમાંના કોઈ એકે ઈસુને પોતાની સાથે જમવા માટે કહ્યું. ઈસુ ફરોશીના ઘરમાં ગયો અને મેજ પાસે બેઠો. 37 તે સમયે તે શહેરમાં એક પાપી સ્ત્રી હતી; તેણે જાણ્યું કે ઈસુ ફરોશીના ઘેર જમવા બેઠો છે. તેથી તે અત્તરની આરસપાનની એક ડબ્બી લાવી. 38 તે ઈસુના પગ પાસે ઊભી રહી, અને રડવા લાગી. પછી તેના આંસુઓથી તેના પગ ધોવાનું શરૂ કર્યું. તે પોતાના ચોટલાથી ઈસુના પગ લૂછવા લાગી. તેણે તેના પગને ઘણીવાર ચૂમ્યા અને પછી અત્તરથી ચોળ્યા. 39 ઈસુને પોતાને ઘેર આવવા જે ફરોશીએ કહ્યું હતું, તેણે આ જોયું. તે તેની જાતે વિચાર કરવા લાગ્યો. “જો આ માણસ પ્રબોધક હોત તો એ જાણતો હોત કે જે સ્ત્રીતેને સ્પર્શે છે તે પાપી છે!” 40 ઈસુએ ફરોશીને કહ્યું, “સિમોન, મારે તને કંઈક કહેવું છે.”સિમોને કહ્યું, “ઉપદેશક તું શું કહેવા માગે છે?” 41 ઈસુએ કહ્યું, “બે માણસો હતા, બંને એક જ લેણદારના દેવાદાર હતા, એક માણસને લેણદારનું 500 ચાંદીના સિક્કાનું દેવું હતું. બીજાને લેણદારનું 50 ચાંદીના સિક્કાનું દેવું હતું. 42 માણસો પાસે પૈસા ન હતા, તેથી તેઓનું દેવું ચૂકવી શક્યા નહિ. પરંતુ લેણદારે તે માણસોને કહ્યું, “તેઓએ તેને કશું આપવાનું નથી.” તે બે માણસોમાંથી કયો માણસ લેણદારને વધુ પ્રેમ કરશે? 43 સિમોને ઉત્તર આપ્યો, “મને લાગે છે કે જે માણસને તેનું સૌથી વધારે દેવું હતું તે.”ઈસુએ સિમોનને કહ્યું, “તું સાચો છે.” 44 પછી ઈસુ તે સ્ત્રીતરફ વળ્યો અને સિમોનને કહ્યું, “આ સ્ત્રીને તું જુએ છે? જ્યારે હું તારા ઘરમાં આવ્યો ત્યારે તેં મને મારા પગ ધોવા માટે પાણી આપ્યું નહી. પણ તેણે મારા પગ તેના આંસુથી ધોયા અને તેના ચોટલાથી લૂંછયા છે. 45 તેં મને ચુંબન કર્યુ નથી, પણ હું જ્યારથી અંદર આવ્યો ત્યારથી તે જરા પણ રોકાયા વગર મારા પગને ચુંબન કર્યા કરે છે! 46 તેં મારા માથામાં તેલ ચોળ્યું નથી, પણ તેણે મારા પગ પર અત્તર ચોળ્યું છે. 47 તેથી હું તને કહું છું કે, “તેના ગણા પાપો હોવા છતાં માફ થયા છે. આ સ્પષ્ટ છે, કારણ કે તેણે ઘણો પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ જેને ઓછું માફ કરવામાં આવે છે તે પ્રેમ પણ થોડોક દર્શાવે છે.” 48 પછી ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા પાપ માફ કરવામાં આવ્યા છે.” 49 જમવાના મેજ પાસે બેઠેલા લોકો તેઓની જાતે વિચાર કરવા લાગ્યા કે, “આ માણસ કોણ છે કે જે પાપને પણ માફ કરે છે?” 50 ઈસુએ તે સ્ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા.”

8:1 બીજા દિવસે, ઈસુએ કેટલાક શહેરો અને નાનાં ગામોની મુસાફરી કરી. ઈસુ ઉપદેશ આપતો અને દેવના રાજ્યની સુવાર્તા પણ આપતો. તેની સાથે બાર શિષ્યો હતા. 2 તેની સાથે કેટલીએક સ્ત્રીઓ પણ હતી. ઈસુએ તે સ્ત્રીઓને ભૂંડા આત્માઓના બંધનમાંથી મુક્ત કરીને તેઓને માંદગીમાંથી સાજી કરી હતી. તે સ્ત્રીઓમાંની એકનું નામ મરિયમ હતું, તે મગ્દલા ગામની હતી. જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં. 3 આ સ્ત્રીઓની સાથે ખૂઝાની પત્ની યોહાન્ના (હેરોદનો કારભારી) અને સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ હતી. તે સ્ત્રીઓ તેમના પોતાના પૈસાનો ઉપયોગ ઈસુ અને તેના પ્રેરિતોને મદદ માટે કરતી.(માથ્થી 13:1-17; માર્ક 4:1-12) 4 ઘણા લોકો ભેગા થવા આવ્યા. દરેક શહેરમાંથી લોકો ઈસુ પાસે આવ્યા. ઈસુએ તે લોકોને આ દ્ધષ્ટાંત કહ્યું: 5 “એક ખેડૂત તેનાં બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની ધારે પડ્યા. લોકો તે બી પર ચાલ્યા અને પક્ષીઓ આ બધા બી ખાઈ ગયાં. 6 કેટલાંએક બી ખડક પર પડ્યાં આ બી ઊગવાની શરૂઆત થઈ, પણ પછી કરમાઇ ગયાં કારણ કે બી ને પાણી મળ્યું નહિ. 7 કેટલાંએક બી કાંટાવાળી ઝાડી પર પડ્યાં. આ બી ઊગ્યાં પણ પછી કાંટાઓએ તેને ઊગતાં જ દાબી દીધાં. 8 અને કેટલાંએક બી સારી જમીન પર પડ્યાં. આ બી ઊગ્યાં અને તેમાંથી 100 ગણા દાણા પાક્યાં.”ઈસુએ દ્ધંષ્ટાત પૂરું કર્યા પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો તે ધ્યાનથી સાંભળો!” 9 ઈસુના શિષ્યોએ તેને પૂછયું, “આ વાર્તાનો અર્થ શું છે?” 10 ઈસુએ કહ્યું, “દેવના રાજ્યનું રહસ્ય સમજવા માટે તમારી પસંદગી થયેલ છે. પણ બીજા લોકોને કહેવા માટે હું દ્ધષ્ટાંતોનો ઉપયોગ કરું છું. આમ કહું છું તેથી:‘તેઓ નજર કરશે, પણ તેઓ જોશે નહિ; અને તેઓ ધ્યાનથી સાંભળશે, પણ તેઓ સમજશે નહિ.’ યશાયા 6:9 11 “દ્ધષ્ટાંતનો અર્થ આ છે: “બી એ તો દેવના વચન છે. 12 રસ્તાની ધારે પડેલું બી એટલે શું? તે એવા લોકો છે જે ઉપદેશ સાંભળે છે પણ પછી શેતાન આવે છે અને તેઓના હ્રદયમાંથી ઉપદેશ લઈ જાય છે. તેથી એ લોકો ઉપદેશમાં માનતા નથી અને બચી શકતા નથી. 13 પેલા ખડક પર પડેલા બી નો અર્થ શું? તે એવા લોકો જેવા છે જે દેવનો ઉપદેશ સાંભળે છે અને આનંદપૂર્વક સ્વીકાર કરે છે પણ આવા લોકોનાં મૂળિયાં ઊંડા હોતાં નથી તેઓ થોડા સમય માટે સ્વીકારે છે પણ જ્યારે પરીક્ષણનો સમય આવે છે, તો વિશ્વાસ ગુમાવે છે અને દેવથી દૂર જતા રહે છે.” 14 “કાંટાવાળી ઝાડીમાં પડેલા બી નો અર્થ શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચન સાંભળે છે પણ આ જીવનની ચિંતાઓ, સંપત્તિ અને મોજમઝામાં તેઓનો વિકાસ અટકી જાય છે. અને તેથી તેઓને સારાં ફળ કદાપિ આવતાં નથી. 15 અને જે સારી જમીન પર પડ્યાં હોય છે તે બી નું શું? તે બી એવા લોકો જેવા છે જે દેવના વચનો પ્રામાણિક શુદ્ધ હ્રદયથી સાંભળે છે. તેઓ દેવના વચનને અનુસરે છે અને ધીરજથી સારા ફળ પ્રાપ્ત કરે છે. 16 “કોઈ પણ વ્યક્તિ દીવો સળગાવીને તેને વાસણ તળે ઢાંકતો નથી. અથવા ખાટલા નીચે છુપાવતો નથી. તે માણસ દીવો દીવી પર મૂકે છે તેથી જે લોકો અંદર આવે તેઓને જોવા માટે પૂરતો પ્રકાશ મળશે. 17 દરેક વસ્તુ જે છુપાયેલી છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ જાહેર થઈ જશે. 18 તેથી તમે કેવી રીતે ધ્યાનથી સાંભળો છો તે માટે સાવધાન બનો. જે વ્યક્તિ પાસે થોડીક સમજશક્તિ હશે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે વ્યક્તિ પાસે સમજશક્તિ નહિ હોય, તેની પાસેથી તેના ધારવા મુજબ જે થોડી સમજશક્તિ હશે તે પણ તે ગુમાવશે.” 19 ઈસુની મા અને તેના ભાઈઓ તેની મુલાકાતે આવ્યા ત્યાં બીજા લોકોની એટલી બધી ભીડ હતી કે તેની મા તથા ભાઈઓ તેની નજીક જઇ શક્યા નહિ. 20 કોઈકે ઈસુને કહ્યું, “તારી મા તથા તારા ભાઈઓ બહાર ઊભા છે. તેઓ તને મળવા ઈચ્છે છે.” 21 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ લોકો જે દેવની વાત ધ્યાનથી સાંભળે છે અને તેનું પાલન કરે છે તેઓ મારી મા તથા મારા ભાઈઓ છે!” 22 એક દિવસ ઈસુ અને તેના શિષ્યો એક હોડીમાં ચઢ્યા. ઈસુએ તેઓને કહ્યું, “મારી સાથે સરોવરને પેલે પાર આવો.” અને તેથી તેઓએ હોડી હંકારવાનું શરૂ કર્યુ. 23 જ્યારે તેઓ હાંકારતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. સરોવર પર વાવાઝોડું ફૂંકાયું. જેથી હોડીમાં પાણી ભરાવા લાગ્યું. તેઓ જોખમમાં હતા. 24 તેના શિષ્યો ઈસુ પાસે ગયા અને તેને જગાડ્યો. તેઓએ કહ્યું, “સ્વામી! સ્વામી! આપણે ડૂબી જઈશું!”ઈસુ ઊભો થયો. તેણે પવનને અને પાણીનાં મોજાંને હૂકમ કર્યો. પવન અટક્યો અને સરોવર શાંત થઈ ગયું. 25 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?”શિષ્યો ડરીને અચરજ પામ્યા. તેઓએ એકબીજાને કહ્યું, “આ કેવા પ્રકારનો માણસ છે? તે પવન અને પાણીને પણ હૂકમ કરે છે અને તેઓ તેનું માને છે!” 26 ઈસુ અને તેના શિષ્યો ગાલીલથી સરોવરને પેલે પાર હોડી હંકારી ગયા. તેઓ ગેરસાનીઓના લોકોના પ્રદેશમાં આવી પહોંચ્યા. 27 જ્યારે ઈસુ હોડીમાંથી બહાર નીકળ્યો ત્યારે તે શહેરમાનો એક માણસ ઈસુ પાસે આવ્યો. આ માણસમાં ભૂતો હતાં. તે ઘણા લાંબા સમયથી કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ પણ જ્યાં લોકોના મૃતદેહો દાટવામાં આવતા તે ગુફાઓમાં તે રહેતો. 28 અશુદ્ધ આત્મા તેને વારંવાર વળગતો. તેને કાબુમાં રાખવા માટે તેના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવતા. તે માણસ હંમેશા સાંકળો તોડી નાંખતો. અને તેના અંદર રહેલા ભૂતો નિર્જન જગ્યાએ બહાર જવા તેને દબાણ કરતા. પછી ઈસુએ તે અશુદ્ધ આત્માને આ માણસમાંથી બહાર આવવા હુકમ કર્યો તે માણસ ઈસુની આગળ નીચે પડ્યો અને મોટા સાદેથી બૂમો પાડવા લાગ્યો, “ઓ ઈસુ, પરાત્પર દેવના દીકરા, તું મારી પાસેથી શું ઈચ્છે છે? મહેરબાની કરીને મને શિક્ષા કરીશ નહિ!” 29 30 ઈસુએ તેને પૂછયું, “તારું નામ શું છે?” તે માણસે ઉત્તર આપ્યો, “સેના.” (તેણે કહ્યું તેનું નામ સેના હતું કારણ કે ઘણા ભૂતો તેનામાં પેઠાં હતા.) 31 ભૂતોએ ઈસુને વિનંતી કરી કે અમને અનંતકાળના અંધકારમાં મોકલીશ નહિ. 32 ત્યાં એક ટેકરીની બાજુમાં ઘણાં ભૂંડોનું ટોળું ચરતું હતું. ભૂતોએ ઈસુને વિનંતી કરી કે, અમને ભૂંડોમાં પ્રવેશવાની રજા આપો. તેથી ઈસુએ ભૂતોને તેમ કરવાની રજા આપી. 33 પછી ભૂતો માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. પછી ભૂંડોનું ટોળું પહાડની ધાર પરથી સરોવરમાં ધસી પડ્યું. બધાજ ભૂંડો ડૂબીને મરી ગયા. 34 ભૂંડો ચરાવનાર જે થયું હતું તે જોઈને તે પણ ભાગી ગયો. તે માણસોએ એ વાત શહેરમાં અને ગામડાંઓમાં જાહેર કરી. 35 શું બન્યું છે તે જોવા લોકો બહાર આવ્યા. લોકો ઈસુ પાસે આવ્યા ત્યાંરે તે માણસને ઈસુના પગ આગળ બેઠેલો જોયો. તે માણસે કપડાં પહેરેલાં હતા. માનસિક રીતે તે ફરીથી સ્વસ્થ હતો. અને અશુદ્ધ આત્માઓ જતા રહ્યાં હતા. તે લોકો ડરી ગયા. 36 તે લોકો કે જેમણે આ બાબત બનતાં જોઈ હતી તેમણે ઈસુએ આ માણસ કે જનામાં ભૂતો હતાં તેને કેવી રીતે સાજો કર્યો તે બીજા લોકોને કહ્યું. 37 ગેરસાનીઓના બધાજ લોકોએ ઈસુને દૂર ચાલ્યા જવા કહ્યું. તેઓ બધા ડરી ગયા હતા.તેથી ઈસુ પાછો હોડીમાં બેઠો અને ગાલીલ પાછો ફર્યો. 38 જે માણસ કે જેનામાંથી ભૂતો નીકળ્યાં હતા તેણે ઈસુ સાથે જવા વિનંતી કરી. પણ ઈસુએ તે માણસને વિદાય કર્યો. અને કહ્યું, 39 “તારે ઘરે પાછો જા અને દેવે તારે માટે શું કર્યુ છે તે લોકોને કહે.”તેથી તે માણસ ગયો અને આખા શહેરમાં કહ્યું કે ઈસુએ તેને માટે શું કર્યુ છે. 40 ઈસુ જ્યારે ગાલીલ પાછો ફર્યો ત્યારે લોકોએ તેનું સ્વાગત કર્યુ. દરેક વ્યક્તિ તેની રાહ જોતી હતી. 41 ઈસુ પાસે યાઈર નામનો એક માણસ આવ્યો. યાઇર સભાસ્થાનનો અધિકારી હતો. તે ઈસુના ચરણે પડ્યો અને ઈસુને વિનંતી કરી કે મારે ઘેર પધારો. 42 યાઇરને માત્ર એક દીકરી હતી. તે બાર વર્ષની હતી, જે મરણ પથારીએ હતી. જ્યારે ઈસુ યાઇરને ઘરે જતો હતો તે દરમ્યાન તેની આજુબાજુ લોકોનું ટોળું તેના પર ઘસારો કરતું હતું. 43 ત્યાં એક સ્ત્રીહતી જેને બાર વર્ષથી લોહીવા હતો. પોતાની પાસે જે કઈ હતું તે બધું જ ખર્ય્યુ. પણ કોઈ વૈદ તેને સાજી કરી શક્યો ન હતો. 44 તે ઈસુની પાછળથી આવી અને તેનાં લૂગડાંની કોરને અડકી. તે જ ક્ષણે તેનો લોહીવા બંધ થઈ ગયો. 45 પછી ઈસુએ કહ્યું, “મને કોણ અડક્યું?”બધા લોકોએ કહ્યું, તેઓએ ઈસુને સ્પર્શ કર્યો નથી. પિતરે કહ્યું, “સ્વામી, તારી આજુબાજુ જે લોકો છે તેઓ તારા પર ધસી રહ્યાં હતાં.” 46 ઈસુએ કહ્યું, “મને કોઈએ સ્પર્શ કર્યો છે. કેમકે મને ખબર પડી છે કે પરાક્રમ મારામાંથી બહાર નીકળ્યું છે.” 47 જ્યારે સ્ત્રીએ જોયું કે તે છુપી રહી શકે તેમ નથી ત્યારે ધ્રુંજતી ધ્રુંજતી આગળ આવી અને બધાજ લોકોની સમક્ષ ઈસુના પગ આગળ પડીને બોલી કે શા માટે તે ઈસુને સ્પર્શી હતી. પછી તેણે કહ્યું કે જ્યારે તેણે ઈસુનો સ્પર્શ કર્યો ત્યારે તરત જ તે સાજી થઈ ગઇ હતી. 48 ઈસુએ તેને કહ્યું, “દીકરી, તને તારા વિશ્વાસે સાજી કરી છે. શાંતિથી જા.” 49 હજી ઈસુ બોલતો હતો ત્યાં તો સભાસ્થાનના અધિકારી (યાઇર) ને ઘરેથી એક માણસ આવ્યો. અને કહ્યું કે, “તારી પુત્રીનું અવસાન થયું છે. હવે ઉપદેશકને તકલીફ આપીશ નહિ.” 50 ઈસુએ આ સાંભળ્યું, તેણે યાઇરને કહ્યું, “જરાય ગભરાઇશ નહિ. માત્ર વિશ્વાસ રાખ એટલે તારી પુત્રી સાજી થઈ જશે.” 51 ઈસુ ઘરે આવ્યો. ઈસુએ ફક્ત પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીના માબાપને જ તેની સાથે અંદર આવવા દીધા. ઈસુએ બીજા કોઈ પણ માણસને અંદર આવવા દીધા નહિ. 52 બધાજ લોકો રડતાં હતા અને વિલાપ કરતાં હતાં કારણ કે તે છોકરી મૃત્યુ પામી હતી. પણ ઈસુએ કહ્યું, “રડશો નહિ, તેનું મૃત્યુ થયું નથી, પણ તે ઊંઘે છે.” 53 લોકો ઈસુ તરફ હસ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે છોકરી મરી ગઇ છે. 54 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને બોલાવી, “નાની છોકરી ઊભી થા!” 55 તેનો આત્મા તેનામાં પાછો આવ્યો ને તરત ઊભી થઈ. ઈસુએ કહ્યું, “તેને કઈક ખાવાનું આપો.” 56 તે છોકરીનાં માબાપ આશ્ચર્યચકિત થઈ ગયા. ઈસુએ તેઓને કહ્યું કે, જે કંઈ બન્યું છે તે વિષે કોઈને કહેતાં નહિ.

9:1 ઈસુએ તેના શિષ્યોને બોલાવીને તેઓને બધા ભૂતો પર, તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યાં. 2 તેણે તેઓને દેવના રાજ્ય વિષે કહેવા તથા માંદાઓને સાજા કરવા મોકલ્યા. 3 તેણે તેઓને કહ્યું, “જ્યારે તમે મુસાફરી કરો ત્યારે તમારી સાથે લાકડી લેશો નહિ, ઝોળી, ખોરાક કે પૈસા પણ લઈ જશો નહિ. પ્રવાસમાં ફક્ત તમે પહેરો છો તે જ કપડાં લેજો. 4 જ્યારે તમે ઘરમાં જાઓ ત્યારે તે જગ્યા છોડતા સુધી ત્યાં જ રહો. 5 જો શહેરના લોકો તમારું સ્વાગત ન કરે તો શહેરની બહાર જઈને તમારા પગ પર લાગેલી ધૂળ ખંખેરી નાખજો. આ તમને ચેતવણીરૂપ બનશે.” 6 તેથી તે શિષ્યો બહાર નીકળ્યા. તેઓ બધા ગામડાઓમાંથી પસાર થયા. તેઓ સુવાર્તા પ્રગટ કરતાં અને સર્વત્ર લોકોને સાજા કરતાં ગયા. 7 જે કંઈ બનતું હતું તે બધી બાબતો વિષે શાસનકર્તા હેરોદે સાંભળ્યું. તે મૂંઝવણમાં પડ્યો કારણ કે કેટલાએક લોકોએ કહ્યું, “યોહાન મૂએલામાંથી ઊઠ્યો છે.” 8 બીજા લોકોએ કહ્યું, “એલિયા આપણી પાસે આવ્યો છે.” અને બીજા કેટલાએક લોકોએ કહ્યું, “પ્રાચીન પ્રબોધકોમાંનો એક મૂએલાંમાંથી ઊભો થયો છે.” 9 હેરોદે કહ્યું, “મેં યોહાનનું મસ્તક કાપી નંખાવ્યું, પણ જેના સંબધી હું આ વાતો સાંભળું છું તે કોણ છે?” હેરોદે ઈસુને મળવાના પ્રયત્ન ચાલુ કર્યા. 10 જ્યારે પ્રેરિતો પાછા આવ્યા. તેઓએ તેમના પ્રવાસમાં જે જે કર્યુ હતું તે ઈસુને કહ્યું અને ઈસુ તેઓને બેથસૈદા નામના શહેરમાં લઈ ગયો. જ્યા ઈસુ અને તેના પ્રેરિતો એકાંતમાં સાથે રહી શકે. 11 પણ લોકોને ખબર પડી કે ઈસુ ક્યાં ગયો છે. તેઓ તેની પાછળ ગયા. ઈસુએ તેઓને આવકાર્યા અને દેવના રાજ્ય સંબંધી વાત કરી. તેણે જે માંદા લોકો હતા તેઓને સાજા કર્યા. 12 નમતા બપોરે, તે બાર પ્રેરિતો ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “આ જગ્યાએ કોઈ રહેતા નથી. લોકોને વિદાય કરો. જેથી તેઓ તેમના માટે ખેતરમાં અને આજુબાજુના ગામોમાં જઇને ખાવાની અને રહેવાની સૂવાની જગ્યાની વ્યવસ્થા કરે.” 13 પરંતુ ઈસુએ પ્રેરિતોને કહ્યું, “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”પ્રેરિતોએ કહ્યું, “આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલીઓ જ છે. આ બધા લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ એમ તું ઈચ્છે છે?” 14 (ત્યાં લગભગ 5,000 માણસો હતાં.)ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકોને કહો પચાસ પચાસના સમૂહમાં બેસે.” 15 તેઓએ તેમ કર્યુ, અને બધાજ લોકો નીચે બેસી ગયા. 16 પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલીઓ લીધી. ઈસુએ ઊચે આકાશમાં જોયું અને ખોરાક માટે આશીર્વાદ માંગ્યો. પછી ઈસુએ ખોરાકના ભાગ પાડ્યા અને તે શિષ્યોને આપ્યા. ઈસુએ શિષ્યોને લોકોને ભોજન પીરસવાનું કહ્યું. 17 બધાજ લોકોએ ખાધું અને તૃપ્ત થયા. છતાં ત્યાં ઘણું ખાવાનું રહ્યું હતું. અને છાંડેલા ખોરાકના ટૂકડાઓથી બાર ટોપલીઓ ભરી. 18 એક વખત ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતો હતો. તેના શિષ્યો ભેગા થઈને ત્યાં આવ્યા. ઈસુએ તેઓને પૂછયું, “હું કોણ છું તે વિષે લોકો શું કહે છે?” 19 શિષ્યોએ ઉત્તર આપ્યો, “કેટલાએક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા કેટલાએક કહે છે તું એલિયા છે અને કેટલાએક લોકો કહે છે; તું પ્રાચિન પ્રબોધકોમાંનો એક છે અને ફરી સજીવન થઈને આવ્યો છે.” 20 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “અને હું કોણ છું એ વિષે તમે શું કહો છે?”પિતરે ઉત્તર આપ્યો, “તું દેવનો ખ્રિસ્ત છે.” 21 ઈસુએ તેઓને કોઈને પણ નહિ કહેવા માટે ચેતવણી આપી.(માથ્થી 16:21-28; માર્ક 8:30-9:1) 22 પછી ઈસુએ કહ્યું, “માણસના દીકરાએ સહન કરવું પડશે. મોટા યહૂદિ વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેનો અસ્વીકાર કરશે. માણસના દીકરાને મારી નાખવામાં આવશે. પણ ત્રણ દિવસ પછી તે મૃત્યુમાંથી ઊભો થશે.” 23 ઈસુએ તે બધાને કહેવાનું ચાલુ રાખ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ઈચ્છતું હોય, તો તેણે પોતાની ઈચ્છાઓ અને વસ્તુઓને ‘ના’ કહેવી અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 24 જે કોઈ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા ઈચ્છશે તે પોતાનું જીવન ગુમાવશે. પણ જે કોઈ વ્યક્તિ મારે ખાતર પોતાનો જીવ ગુમાવશે, તો તેને તે બચાવશે. 25 કારણ કે જો કોઈ માણસ આખું જગત પ્રાપ્ત કરે પણ પોતાનો પ્રાણ ગુમાવે અથવા તેનો પોતાનો નાશ થાય તો તેને શો લાભ? 26 જો કોઈ મારા કારણે તથા મારા ઉપદેશને લીધે લજવાશે ત્યારે માણસનો દીકરો તે વ્યક્તિથી લજવાશે. જ્યારે તે તેના મહિમા સાથે અને બાપના મહિમા સાથે અને પવિત્ર દૂતોના મહિમા સાથે આવશે. 27 હું તમને સત્ય કહું છું, “અહીં ઊભા રહેલાઓમાંથી તમે કેટલાએક લોકો મૃત્યુ પામતા પહેલા દેવના રાજ્યનું દર્શન કરશે.” 28 ઈસુ, એ વાતો કહ્યા પછી લગભગ આઠ દિવસો પછી પિતર, યોહાન તથા યાકૂબને લઈને પહાડ પર પ્રાર્થના કરવા માટે ગયો. 29 ઈસુ જ્યારે પ્રાર્થના કરતો હતો ત્યારે તેનો ચહેરો બદલાયો. તેનાં વસ્ત્રો સફેદ ચમકતાં થયાં. 30 તે પછી બે માણસો ઈસુ સાથે વાતો કરતાં હતા. તે માણસો મૂસા તથા એલિયા હતા. 31 મૂસા અને એલિયા પણ તેજસ્વી અને ચમકતા દેખાતા હતા. તેઓ ઈસુ સાથે તેના મૃત્યુ સંબંધી વાત કરતા હતા. જે યરૂશાલેમમાં થવાનું હતું. 32 પિતર અને બીજા ઘસઘસાટ ઊંઘતા હતા. પણ તેઓ જાગી ઊઠ્યા અને ઈસુનો મહિમા જોયો. તેઓએ ઈસુ સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. 33 જ્યારે મૂસા અને એલિયા જ્યારે વિદાય થતા હતા ત્યારે પિતરે કહ્યું, “સ્વામી, આપણે અહીં છીએ તે સારું છે અમે અહીં ત્રણ તંબૂ બનાવીશું. એક તારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે” (પિતર જે કંઈ કહેતો હતો તે સમજતો નહતો.) 34 જ્યારે પિતર આ બોલતો હતો ત્યારે તેઓની આજુબાજુ એક વાદળ આવ્યું. પિતર, યાકૂબ અને યોહાન ગભરાઇ ગયા. જ્યારે વાદળોએ તેઓને ઢાંકી દીધા. 35 વાદળામાંથી એક અવાજ આવ્યો. તે અવાજે કહ્યું, “આ મારો દીકરો છે. મારો પસંદ કરેલો. તેની આજ્ઞાનું પાલન કરો.” 36 જ્યારે તે અવાજ પૂરો થયો ત્યારે માત્ર ઈસુ જ ત્યાં હતો પિતર, યાકૂબ, યોહાને કંઈ કહ્યું નહિ. તે વખતે તેઓએ જે જોયું હતું તેમાનું કશુંય કોઈને કહ્યું નહિ. 37 બીજે દિવસે ઈસુ, પિતર, યાકૂબ અને યોહાન પહાડ પરથી નીચે ઉતર્યા. લોકોનો મોટો સમુદાય ઈસુને મળ્યો. 38 લોકોના સમુદાયમાંથી એક માણસે ઘાંટો પાડીને ઈસુને કહ્યું, “ઉપદેશક, મહેરબાની કરીને આવ અને મારા દીકરા તરફ જો. તે મારો એકનો એક દીકરો છે. 39 એક અશુદ્ધ આત્મા મારા પુત્રને વળગે છે, અને પછી તે બૂમો પાડે છે. તે તેની જાત પરનો કાબૂ ગુમાવે છે અને તેના મોંઢામાંથી ફીણ નીકળે છે. અશુદ્ધ આત્મા તેને ઇજા કરવાનું ચાલુ રાખે છે અને માંડ માંડ તેને છોડે છે. 40 મેં તમારા શિષ્યોને મારા પુત્રમાંથી દુષ્ટ આત્માઓને હાંકી કાઢવા વિનંતી કરી, પણ તેઓ તેને કાઢી શક્યા નહિ.” 41 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે લોકો જે હમણાં જીવો છો પણ તમારામાં વિશ્વાસ નથી. તમારા જીવનો બધા ખોટાં છે. હું ક્યાં સુધી તમારી સાથે હોઇશ અને તમારી સાથે ક્યાં સુધી તમારું સહન કરું? ઈસુએ તે માણસને કહ્યું, “તારા પુત્રને અહીં લાવ.” 42 જ્યારે તે છોકરો આવતો હતો ત્યારે અશુદ્ધ આત્માએ તેને જમીન પર પછાડ્યો. છોકરાએ તેની જાત પરનો કાબૂ ગુમાવ્યો. પણ ઈસુએ અશુદ્ધ આત્માને ખૂબ ધમકાવ્યો. પછી તે છોકરો સાજો થઈ ગયો. અને ઈસુએ તે છોકરાને તેના બાપને પાછો આપ્યો. 43 બધા લોકો દેવના આ મહાન પરાક્રમથી આશ્ચર્યચકિત થયા.હજુ પણ લોકો ઈસુએ જે જે બધુ કર્યું તેનાથી વિસ્મિત થતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 44 “હું હમણાં તમને જે બાબતો કહીશ તેને ભૂલશો નહિ. માણસનો દીકરો કેટલાએક માણસોના બંધનોમાં મૂકાશે.” 45 પણ શિષ્યો ઈસુના કહેવાનો અર્થ સમજી શક્યા નહિ. તેનો અર્થ તેનાથી ગુપ્ત રખાયો જેથી તેઓ તે સમજી શક્યા નહિ. પણ શિષ્યો ઈસુએ જે કહ્યું હતું તે વિષે પૂછતાં ડરતા હતા. 46 ઈસુના શિષ્યોમાં વાદવિવાદ શરું થયો કે તેમનામાંનો કોણ સૌથી વધારે મહત્વનો છે. 47 ઈસુએ તેઓ શું વિચારતા હતા તે જાણ્યું. તેથી ઈસુએ એક નાનું બાળક લઈને પોતાની બાજુમાં ઊભૂં રાખ્યું. 48 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે કોઈ મારે નામે આ નાનાં બાળકનો અંગીકાર કરે છે તે વ્યક્તિ મારો અંગીકાર કરે છે અને જ્યારે કોઈ વ્યક્તિ મારો અંગીકાર કરે છે, ત્યારે તે મારા મોકલનારનો પણ અંગીકાર કરે છે. તમારામાંનો એ વ્યક્તિ સૌથી મહત્વનો વ્યક્તિ છે જે નમ્ર છે.” 49 યોહાને ઉત્તર આપ્યો, “સ્વામી, અમે એક વ્યક્તિને તારા નામનો ઉપયોગ કરીને ભૂતોને લોકોમાંથી બહાર કાઢતા જોયો. અમે તેને બંધ કરવા કહ્યું, કારણ કે તે આપણા સમુદાયનો નથી.” 50 ઈસુએ યોહાનને કહ્યું, “તેને અટકાવશો નહિ. જે કોઈ તમારી વિરૂદ્ધ નથી. તે તમારા પક્ષનો જ છે.”સમરૂની શહેર 51 ઈસુને આ દુનિયા છોડીને આકાશમાં પાછા જવાનો સમય નજીક આવતો હતો ત્યારે તેણે યરૂશાલેમ જવાનો નિર્ણય કર્યો. 52 ઈસુએ પોતાની આગળ કેટલાએક માણસોને મોકલ્યા. તે માણસો ઈસુ માટે સંપૂર્ણ તૈયારી કરવા સમરૂનીઓના એક શહેરમાં ગયા. 53 પણ ત્યાના લોકોએ તેને આવકાર્યો નહિ કારણ કે તે યરૂશાલેમ જતો હતો. 54 યાકૂબ અને યોહાન, જે ઈસુના શિષ્યો હતા તેમણે આ જોયું. તેઓએ કહ્યું, “પ્રભુ, શું તું ઈચ્છે છે કે, અમે આજ્ઞા કરીએ કે આકાશમાંથી આગ વરસે અને એ લોકોનો નાશ કરે?” 55 પણ ઈસુએ પાછા ફરીને તેઓને ઠપકો આપ્યો. 56 પછી ઈસુ અને તેના શિષ્યો બીજા એક શહેરમાં ગયા. 57 તેઓ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કોઈ વ્યક્તિએ ઈસુને કહ્યું, “તું જે જગ્યાએ જશે ત્યાં હું તારી પાછળ આવીશ.” 58 ઈસુએ ઉત્તર આપ્યો, “લોંકડાંને રહેવા માટે દર હોય છે. પક્ષીઓને રહેવા માટે માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.” 59 ઈસુએ બીજા એક માણસને કહ્યું, “મારી પાછળ આવ!”પણ તે માણસે કહ્યું, “પ્રભુ, મને જવા દે અને પહેલા હું મારા પિતાને દાટું.” 60 પણ ઈસુએ તેને કહ્યું, “જે લોકો મરેલા છે તેઓને પોતાના મૃત્યુ પામેલાઓને દાટવા દે. તું જઇને દેવના રાજ્યની વાત પ્રગટ કર.” 61 બીજા એક માણસે કહ્યું, “પ્રભૂ, હું તારી પાછળ આવીશ પણ પહેલા મને મારા પરિવારમાં જઇને સલામ કરી આવવાની રજા આપ.” 62 ઈસુએ કહ્યું, “જો કોઈ વ્યક્તિ ખેતર ખેડવાનું શરૂ કરે અને પાછળ જુએ તો તે દેવના રાજ્યને માટે યોગ્ય નથી.”

10:1 આ પછી, પ્રભુએ બીજા વધારે 72માણસો પસંદ કર્યા અને જે દરેક શહેર અને જગ્યાએ જવાનું તેણે આયોજન કર્યુ હતું, ત્યાં બબ્બેના સમૂહમાં પોતાના પહેલાં મોકલ્યા. 2 ઈસુએ તેઓને કહ્યું, “પાક ઘણો સારો છે, પણ પાકના કામમાં મજૂરો બહુ થોડા છે, પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે તેના પાકને ભેગો કરવામાં મદદ માટે વધારે મજૂરોને મોકલે. 3 “તમે હમણા જઇ શકો છે. પણ ધ્યાનથી સાંભળો! હું તમને મોકલું છું અને તમે વરુંઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા હશો. 4 પૈસા, ઝોળી કે જોડાં કંઈ પણ તમારી સાથે લઈ જશો નહિ. રસ્તામાં કોઈની સાથે વાત કરવા રોકાશો નહિ. 5 કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા પહેલા કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ 6 જો શાંતિનો દીકરો ત્યાં રહેતો હોય તો તમારા આશીર્વાદની શાંતિ તેમની સાથે રહેશે. પણ જો, માણસ શાંતિ નહિ રાખતો હોય તો પછી તમારા આશીર્વાદની શાંતિ તમારી પાસે પાછી આવશે. 7 શાંત ઘરમાં જ રહો. લોકો તમને ત્યાં જે કંઈ આપે તે ખાઓ અને પીઓ. કારણ કે મજૂર તેના વેતનને પાત્ર છે. તેથી એક ઘેરથી બીજા ઘેર જશો નહિ. 8 “જો તમે કોઈ શહેરમાં પ્રવેશો અને લોકો તમને આવકારે તો તેઓ તમને જે ખાવાનું આપે તે ખાઓ. 9 ત્યાં રહેતા માંદા લોકોને સાજા કરો, પછી તેઓને કહો, ‘દેવનું રાજ્ય જલદીથી તમારી પાસે આવે છે!’ 10 “પણ જો તમે કોઈ શહેરમાં જાઓ અને લોકો તમને આવકારે નહિ તો પછી તે શહેરની શેરીઓમાં જાઓ. અને કહો; 11 ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગ પર છે તે પણ અને તમારી સામે ખંખેરી નાખીએ છીએ. પણ એટલું યાદ રાખજો કે દેવનું રાજ્ય જલદી આવે છે.’ 12 હું કહું છું કે ન્યાયના દિવસે તે શહેરના લોકોની હાલત સદોમના લોકો કરતાં વધારે ખરાબ થશે. 13 “ઓ ખોરાઝીન, તે તારે માટે ખરાબ છે, ઓ બેથસૈદા, તે તારા માટે ખરાબ છે. મેં તમારામાં ઘણા ચમત્કારો કર્યા છે. તે જો તૂર તથા સિદાનમાં થયા હોય તો, તે શહેરના લોકોએ તેઓનાં જીવનમાં પરિવર્તન કર્યુ હોત અને ઘણા વખત રહેલાં પાપો કરવાનું બંધ કર્યુ હોત. તેઓએ તાટના વસ્ત્રો પહેર્યા હોત અને તેમની જાતે રાખ ચોળીને તેઓએ તેઓનાં પાપો માટે પશ્ચાતાપ દર્શાવ્યો હોત. 14 પરંતુ ન્યાયના દિવસે તૂર અને સિદોન કરતાં તમારા માટે વધારે ખરાબ થશે. 15 અને ઓ કફર-નહૂમ, શું તને આકાશ સુધી ઊંચુ કરાશે? ના! તને તો નરકમાં ફેંકી દેવામાં આવશે! 16 “જ્યારે કોઈ વ્યક્તિ તમને ધ્યાનથી સાંભળે છે, તે વ્યક્તિ ખરેખર મને પણ ધ્યાનથી સાંભળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ તમને સ્વીકારવાની ના પીડે, ત્યારે તે મને પણ સ્વીકારવાની ના પાડે છે. અને જે મને સ્વીકારવાની ના પાડે છે, તે જેણે મને અહીં મોકલ્યો છે તેને સ્વીકારવાની ના પાડે છે.” 17 જ્યારે 72 માણસો તેઓનો પ્રવાસ કરીને પાછા ફર્યા ત્યારે તેઓ ઘણા પ્રસન્ન હતા. તેઓએ કહ્યું, “પ્રભુ, જ્યારે અમે તારા નામનો ઉપયોગ કર્યો ત્યારે ભૂતો પણ અમને તાબે થયા.” 18 ઈસુએ તે માણસોને કહ્યું, “મેં શેતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડતો જોયો. 19 ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી. 20 પણ આનંદ કરો. આત્માઓ તમને તાબે થયા તેથી આનંદી થશો નહિ. એટલે નહિં કે તમારી પાસે સામથ્યૅ છે, તેને બદલે તમારા નામ આકાશમાં લખેલાં છે તેથી આનંદ પામો.” 21 પછી પવિત્ર આત્માથી ઈસુને વધારે આનંદનો અનુભવ થયો. ઈસુએ કહ્યું, “હે બાપ આકાશ અને પૃથ્વીના ધણી, હું તારો આભાર માનુ છું. હું તારી સ્તુતી કરું છું કારણ કે તેં ડાહ્યા અને બુદ્ધીશાળી લોકોથી આ વાતો ગુપ્ત રાખી છે. પણ તેં એ વાતો એવા લોકો કે જે નાનાં બાળકો જેવા છે તેમને તેં પ્રગટ કરી છે. હા બાપ, તેં આ કર્યુ છે કારણ કે તું ખરેખર જે કરવા ઈચ્છતો હતો તે આ જ છે. 22 “મારા બાપે મને બધી વસ્તુઓ આપી છે. દીકરો કોણ છે એ માણસ જાણતો નથી. ફક્ત બાપ જ જાણે છે અને દીકરો જાણેછે કે બાપ કોણ છે. ફક્ત તે લોકો જ જાણશે કે બાપ કોણ છે. તે એ લોકો છે જેને દીકરો તેમને પ્રગટ કરવા પસંદ કરે છે.” 23 ઈસુ તેના શિષ્યો સાથે પાછો ફર્યો. તેઓ ત્યાં ઈસુની સાથે એકલા જ હતાં. ઈસુએ કહ્યું, “તમે હમણા જે જુઓ છો તે જોવા તમને ધન્ય છે! 24 હું તમને કહું છું કે તમે હમણા જે જુઓ છો તે જોવા માટે પ્રબોધકો અને રાજા ઈચ્છતા હતા. પણ તેઓ આ વસ્તુઓ જોઈ શક્યા નથી. અને ઘણા પ્રબોધકો અને રાજાઓ તમે જે હમણા સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા, પણ તેઓ આ બાબતો સાંભળી શક્યા નહિ.” 25 પછી એક કાયદાનો પંડિત ઊભો થયો. તે ઈસુનું પરીક્ષણ કરવા પ્રયત્ન કરતો હતો. તેણે કહ્યું, “ઉપદેશક, અનંતજીવનની પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ?” 26 ઈસુએ તેને કહ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખ્યું છે? તેમાં તું શું વાંચે છે?” 27 તે માણસે ઉત્તર આપ્યો, “તારે પ્રભુ તારા દેવ પર પૂર્ણ હ્રદયથી તથા તારા પૂરા જીવથી તથા તારા પૂર્ણ સામથ્યૅથી તથા તારા પૂર્ણ મનથી પ્રીતિ કરવી જોઈએ.’તથા, ‘તમે તમારી જાતને જેવો પ્રેમ કરો છો તેવો જ તમારા પડોશી પર પ્રેમ રાખવો.’“ 28 ઈસુએ તેને કહ્યું, “તારો ઉત્તર ખરો છે. એ જ કરો તેથી તને અનંત જીવન મળશે.” 29 પણ તે માણસ તેની જાતને ન્યાયી ઠરાવવા, પ્રશ્રો પૂછતો હતો. તેથી તેણે ઈસુને કહ્યું, “પણ આ બીજા લોકો કોણ છે જેમને મારે પ્રેમ કરવો જોઈએ?” 30 આ પ્રશ્રનો ઉત્તર આપતા ઈસુએ કહ્યું, “એક માણસ યરૂશાલેમથી યરેખોના રસ્તેથી જતો હતો. કેટલાએક લૂંટારાઓએ તેને ઘેર્યો. તેઓએ તેનાં વસ્ત્રો ઉતારી લીધાં અને માર્યો. પછી તે લૂંટારાઓ તે માણસને જમીન પર પડેલો છોડીને ચાલ્યા ગયા. તે લગભગ મરી ગયો હતો. 31 “એવું બન્યું કે એક યહૂદિ યાજક તે રસ્તા પરથી પસાર થતો હતો. જ્યારે યાજકે તે માણસને જોયો તે તેને મદદ કરવા રોકાયો નહિ, તે દૂર ચાલ્યો ગયો. 32 પછી, લેવીનજીક આવ્યો. લેવીએ ઇજાગ્રસ્ત માણસને જોયો. પણ તેને જોઈને તે પણ બીજી બાજુ ચાલ્યો ગયો. તે પણ તેને મદદ કરવા રોકાયા વગર જ ચાલ્યો ગયો. 33 “પછી એક સમરૂની તે રસ્તેથી પસાર થતો હતો. તે તે જગ્યાએ આવ્યો જ્યાં પેલો ઇજાગ્રસ્ત માણસ પડ્યો હતો. સમરૂનીએ તે માણસને જોયો. તે ઇજાગ્રસ્ત માણસને જોઈ તેને કરૂણા ઉપજી. 34 તે સમરૂની તેની પાસે ગયો અને તેને ઘા પર ઓલિવનું તેલ અને દ્ધાક્ષારસ રેડ્યો. પછી તેણે તે માણસના ઘા પર પાટો બાંધ્યો. સમરૂની પાસે એક ગધેડા હતો. તેણે તે ઇજાગ્રસ્ત માણસને તેના ગધેડા પર બેસાડ્યો અને તેને ધર્મશાળામાં લઈ ગયો. ધર્મશાળામાં સમરૂનીએ તેની માવજત કરી. 35 બીજે દિવસે, સમરૂની બે ચાંદીના સિક્કા લાવ્યો અને ધર્મશાળામાં જે માણસ કામ કરતો હતો તેને આપ્યા. સમરૂનીએ કહ્યું, ‘આ ઇજા પામેલા માણસની માવજત કરજે. જો તેના માટે તું વધારે ખર્ચ કરીશ તો હું જ્યારે ફરી પાછો આવીશ ત્યારે તે આપીશ.”‘ 36 પછી ઈસુએ કહ્યું, “હવે લૂંટારાઓથી ઇજા પામેલા પેલા માણસ પર આ ત્રણ માણસોમાંથી (યાજક, લેવી, સમરૂની) ક્યા માણસે પ્રેમ દર્શાવ્યો. તું શું વિચારે છે?” 37 કાયદાના પંડિતે ઉત્તર આપ્યો, “તે એક કે જેણે તને મદદ કરી,”ઈસુએ તેને કહ્યું, “તો પછી તું જા અને જઇને બીજા લોકો માટે એ પ્રમાણે કર.” 38 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યાત્રા કરતા હતા. ત્યારે ઈસુ એક શહેરમાં ગયો. માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર રાખ્યો. 39 માર્થાને મરિયમ નામની બહેન હતી. મરિયમ ઈસુના પગ પાસે બેઠી હતી અને તેને ઉપદેશ ધ્યાનથી સાંભળતી હતી. પણ તેની બહેન માર્થા ઘરકામમાં વ્યસ્ત હતી. 40 માર્થા ઘણા કામોમાં વ્યસ્ત હતી ઘણું કામ કરવાનું હતું, માર્થા અંદર ગઇ અને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? મને મદદ કરવા માટે તેને કહે!” 41 પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બધી બાબતોમાં ચિંતા કરે છે અને ગભરાય છે. 42 ફક્ત એક જ વાત મહત્વની છે, મરિયમે યોગ્ય પસંદગી કરી છે; અને તે તેની પાસેથી કદાપિ લઈ લેવામાં આવશે નહિ.”

11:1 એક વખત ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈસુએ પ્રાર્થના કરવાની પૂરી કરી ત્યારે તેના શિષ્યોમાંના એકે તેને કહ્યું, “યોહાને તેના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું. પ્રભુ તમે પણ અમને પ્રાર્થના કરતા શીખવો.” 2 ઈસુએ શિષ્યોને કહ્યું, “જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ રીતે પ્રાર્થના કરો:‘ઓ બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ સદા પવિત્ર મનાઓ. અમે પ્રાર્થના કરીએ છીએ કે તારું રાજ્ય આવો. 3 દરેક દિવસે અમને જરુંરી ખોરાક આપ. 4 અમે કરેલાં પાપ તું માફ કર, કારણ કે અમે અમારા પ્રત્યેક અપરાધીઓને માફ કરીએ છીએ. અને અમને પરીક્ષણમાં ના લાવો પણ ભૂંડાઇથી અમારો છૂટકો કર.”‘ 5 પછી ઈસુએ તેઓને કહ્યું, “ધારો કે તમારામાંનો કોઈ એક મોડી રાત્રે તમારા મિત્રને ઘરે જાય અને કહે, “મારો એક મિત્ર મારી મુલાકાતે શહેરમાં આવ્યો છે. પરંતુ મારી પાસે તેને ખવડાવવા કંઈ નથી. કૃપા કરીને મને ત્રણ રોટલી આપ,” 6 7 તમારો મિત્ર ઘરમાંથી જ ઉત્તર આપે છે, “ચાલ્યો જા, મને તકલીફ ન આપ! હમણા બારણું બંધ છે. હું અને મારા બાળકો પથારીમાં છીએ. હું હમણા ઊઠીને તને રોટલી આપી શકું તેમ નથી. 8 હું તમને કહું છું કે તમે એના મિત્ર હોવા છતાં કદાચ તે ન ઊઠે, પણ તમારા સતત આગ્રહને કારણે તે અવશ્ય ઊઠશે અને તમને જરૂરી બધું જ આપશે. 9 તેથી હું તમને કહું છું. માગવાનું ચાલુ રાખો, અને દેવ તમને આપશે. શોધવાનું ચાલુ રાખો અને તમે તે મેળવશો. બારણું ખખડાવવાનું ચાલું રાખો, અને બારણું તમારા માટે ઉઘડશે. 10 હા, જો એક વ્યક્તિ માંગવાનું ચાલુ રાખે છે તો તે વ્યક્તિ મેળવશે. જો વ્યક્તિ શોધવાનું ચાલુ રાખે છે તો તેને મળે છે. જો વ્યક્તિ ખખડાવવાનું ચાલુ રાખે છે, તો તે વ્યક્તિ માટે બારણું ઉઘડશે. 11 તમારામાંથી કોઈને દીકરો છે? જો તમારો દીકરો તમારી પાસે એક માછલી માગશે તો તમે શું કરશો? શું કોઈ પિતા તેના પુત્રને સર્પ આપશે? ના! તમે તેને એક માછલી જ આપશો. 12 અથવા, જો તમારો દીકરો એક ઇંડુ માંગશે તો શું તમે તેને એક વીંછી આપશો? ના! 13 તમે બીજા લોકો જેવા જ છો, તમે ભૂંડા છો છતાં તમે જાણો છો કે તમારા બાળકોને સારી ભેટો કેવી રીતે આપવી. તેથી તમારા આકાશમાંના બાપ જાણે છે. જે લોકો તેની પાસે માગે છે તેમને તે પવિત્ર આત્મા આપશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે.” 14 એક વખતે ઈસુ માણસમાંથી ભૂતને બહાર કાઢતો હતો. તે માણસ વાત કરી શકતો ન હતો. જ્યારે દુષ્ટ આત્મા બહાર આવ્યો ત્યારે તે માણસ બોલી શક્યો. લોકો અચરત પામ્યા હતા. 15 કેટલાએક લોકોએ કહ્યું, “લોકોમાંથી ભૂતોને બહાર કાઢવા ઈસુ બાલઝબૂલની તાકાતનો ઉપયોગ કરે છે. બાલઝબૂલ ભૂતોનો સરદાર હતો.” 16 બીજા લોકો ઈસુનું પરીક્ષણ કરવા ઈચ્છતા હતા. તેઓએ ઈસુની પાસેથી આકાશમાંથી નિશાની માગી. 17 તેઓ શું વિચારતા હતા તે જાણીને ઈસુએ લોકોને કહ્યું, “જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તેને નાશ થાય છે અને પરિવારના સભ્યો એકબીજા સાથે ઝઘડે તો તેથી તેમા ભાગલા પડે છે. 18 તેથી જો શેતાન પોતાની સામે થયેલો હોય તો તેનું રાજ્ય કેવી રીતે ટકી શકે? તમે કહો છો કે ભૂતોને બહાર કાઢવામાં હું બાલઝબૂલની શક્તિનો ઉપયોગ કરું છું. 19 પણ જો હું બાલઝબૂલની શક્તિથી ભૂતોને બહાર કાઢતો હોઉં તો કમારા લોકો કઈ શક્તિનો ઉપયોગ કરે છે જ્યારે તેઓ ભૂતોને બહાર કાઢે છે? તેથી તમારા પોતાના લોકો જ સાબિત કરે છે કે તમે ખોટા છો. 20 પણ હું તો ભૂતોને કાઢવા માટે સાર્મથ્યનો ઉપયોગ કરું છું, આ બતાવે છે કે દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે! 21 “જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે. 22 પણ ધારો કે બીજો મજબૂત માણસ આવે છે અને તેને હરાવે છે, તે જેના પર પ્રથમ માણસે તેના ઘરને સલામત રાખવા વિશ્વાસ કર્યો હતો તે હથિયારો તે મજબૂત માણસ લઈ જશે. પછી વધારે મજબૂત માણસ બીજા માણસોની માલમિલ્કત બાબતે તેની ઈચ્છા પ્રમાણે કરે છે. 23 “જે વ્યક્તિ મારા પક્ષનો નથી તે મારી વિરૂદ્ધ છે. જે માણસ મારી સાથે કામ કરી શકતો નથી તે મારી વિરૂદ્ધ કામ કરે છે.” 24 “જ્યારે માણસમાંથી અશુદ્ધ આત્મા બહાર આવે છે, પછી નિર્જળ પ્રદેશોમાં આરામ માટેની જગાની શોધમાં તે ભટકતો ફરે છે. પણ તે આત્માને આરામ માટેની જગ્યા મળતી નથી. તેથી આત્મા કહે છે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તે જ ઘરમાં હું પાછો જઇશ.’ 25 જ્યારે આત્મા પેલા માણસ પાસે પાછો આવે છે, ત્યારે તેનું અગાઉનું ઘર સ્વચ્છ અને સુશોભિત જુએ છે. 26 પછી તે અશુદ્ધ આત્મા બહાર જાય છે અને તેના કરતાં વધારે દુષ્ટ સાત અશુદ્ધ આત્માઓને લઈને આવે છે. પછી બધાજ અશુદ્ધ આત્માઓ તે માણસમાં પ્રવેશીને ત્યાં જ રહે છે અને પેલા માણસની હાલત પહેલાં કરતાં વધારે ભૂંડી બને છે.” 27 જ્યારે ઈસુએ વાતો કહી, ત્યારે એક સ્ત્રીએ ટોળામાંથી ઈસુને મોટા અવાજે કહ્યું, “તારી માતાને ધન્ય છે, કારણ કે તેણે તને જન્મ આપ્યો અને તને ધવડાવ્યો.” 28 પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.” 29 લોકોનો સમૂહ મોટો ને મોટો થતો ગયો. ઈસુએ કહ્યું, “આજે જે લોકો જીવે છે તેઓ દુષ્ટ છે, તેઓ દેવની પાસેથી એંધાણી રુંપે કોઈ ચમત્કાર માંગે છે, પણ તેઓને એંધાણીરુંપે કોઈ ચમત્કાર આપવામાં આવશે નહિ. યૂનાને જે ચમત્કાર થયો તે જ ફક્ત એંધાણી હશે. 30 નિનવેહમાં રહેતા લોકોને માટે યૂના જ નિશાની હતો. માણસના દીકરા સાથે પણ એમ જ છે. આ સમયના લોકો માટે માણસનો દીકરો જ નિશાની થશે. 31 “ન્યાયના દિવસે દક્ષિણની રાણીઆ પેઢીના માણસો સાથે ઊભી રહેશે. તે બતાવશે કે તેઓ ખોટા છે. શા માટે? કારણ કે દૂર દૂરથી તે સુલેમાનનું જ્ઞાન ધ્યાનથી સાંભળવા આવી. અને હું તમને કહું છું કે હું સુલામાન કરતા મોટો છું. 32 “ન્યાયના દિવસે નિનવેહની આ પેઢીના માણસો લોકો સાથે ઊભા રહેશે અને તેઓ બતાવશે કે તમે દોષિત છો. શા માટે? કારણ કે જ્યારે યૂના પેલા લોકોને ઉપદેશ આપતો હતો ત્યારે તેઓએ પસ્તાવો કર્યો. હું તમને કહું છું કે, હું યૂના કરતાં વધારે મોટો છું. 33 “કોઈ પણ વ્યક્તિ દીવો લઈને તેને વાસણ નીચે સંતાડી મૂકશે નહિ. તેને બદલે તે દીવી પર મૂકે છે તેથી ઘરમાં પ્રવેશનારા તે જોઈ શકે. 34 તારી આંખ તારા શરીર માટે દીવો છે. જો તારી આંખો સારી હશે તો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. પણ જો તારી આંખો ખરાબ હશે તો તારું આખુ શરીર અંધકારથી ભરેલું હશે. 35 માટે સાવધાન રહે, તારામાં રહેલા પ્રકાશને અંધકાર થવા દઇશ નહિ. 36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હશે અને તેનો કોઈ ભાગ અંધકારરૂપ નહિ હોય તો તે બધું તેજસ્વી થશે. જેમ દીવો તને પ્રકાશ આપે છે તેમ.” 37 ઈસુએ બોલવાનું પૂરું કર્યા પછી ફરોશીએ ઈસુને પાતાની સાથે જમવા બોલાવ્યો તેથી ઈસુ આવ્યો અને મેજ પાસે બેઠો. 38 પણ ફરોશીને તે જોઈને આશ્ચર્ય થયું જ્યારે ઈસુએ જમતાં પહેલા તેના હાથ ધોયા નહિ. 39 પ્રભુએ (ઈસુ) તેને કહ્યું, “તમે ફરોશીઓ તો થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પરંતુ તમારા અંતરમાં તો બીજા લોકોને છેતરીને ભેગી કરેલી વસ્તુઓ અને દુષ્ટતા છે. 40 તમે મૂર્ખ છો! જેણે (દેવ) બહારનું બનાવ્યું તેણે અંદરનું પણ નથી બનાવ્યું શુ? 41 તેથી તમારી થાળીમાં અને વાટકામાં જે છે તે લોકોને જરૂર છે તેમને આપો, પછી તમે સંપૂર્ણ શુદ્ધ થશો. 42 “પણ તમે ફરોશીઓને અફસોસ છે. તમે દેવને તમારી પોતાની બધી વસ્તુઓનો દશમો ભાગ આપો છો, તમે તમારા બાગમાં થતી ફુદીનાનો, સિતાબનો તથી બીજા નાના છોડનો દશાંશ જ આપો છો. પણ તમે બીજા લોકો તરફ ન્યાયી થવાનું અને દેવને પ્રેમ કરવાનું ભૂલી જાઓ છો. તમારે આ પ્રમાણે કરવું જોઈએ, અને પેલી બીજી બાબતો જેવી કે દશમો ભાગ આપવાનું પણ ચાલુ રાખવું જોઈએ. 43 “ફરોશીઓ તમારે માટે અફસોસની વાત છે કારણ કે તમે સભાસ્થાનોમાં માનવંત સ્થાનોને ચાહો છો, અને રસ્તે જતાં લોકો તમને સલામ કરીને માન આપે એવું તમે ચાહો છો. 44 તમને અફસોસ છે! કેમ કે તમે તો છુપાયેલી કબરો જેવા છો, લોકો અજાણતા તેના પરથી ચાલે છે એવા તમે છો.” 45 પંડિતોમાંના એકે ઈસુને કહ્યું, “ઉપદેશક, જ્યારે તમે ફરોશીઓ માટે આમ કહો છો, તેથી તમે અમારા સમૂહની પણ ટીકા કરો છો.” 46 ઈસુએ ઉત્તર આપ્યો, “તમને અફસોસ છે! તમે પંડિતો છો! કારણ કે તમે એવા કડક કાયદાઓ બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોને માટે ઘણું કઠિન છે. તમે બીજા લોકોને તે કાયદાનું પાલન કરવા દબાણ કરો છો, પણ તમે તમારી જાતે તે કાયદાઓને અનુસરવાનો જરાય પ્રયત્ન કરતા નથી. 47 તમને અફસોસ છે કેમ કે તમે તમારા પૂર્વજોએ મારી નાંખેલા પ્રબોધકો માટે કબરો બાંધો છો. 48 અને હવે તમે બધા લોકોને બતાવો છો, તમે તમારા બાપ દાદાઓએ જે કર્યુ તેની સાથે સંમત છો. તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યા છે, અને તમે પ્રબોધકો માટે કબર બાંધો છો! 49 તેથી દેવના જ્ઞાને પણ કહ્યું છે, ‘હું તેઓની પાસે પ્રબોધકો તથા પ્રેરિતોને મોકલીશ. મારા પ્રબોધકો અને પ્રેરિતોમાંના કેટલાએકને દુષ્ટ માણસો દ્ધારા મારી નાખવામાં આવશે. બીજાઓને સતાવવામાં આવશે.’ 50 “તેથી દુનિયાના આરંભથી જે બધા પ્રબોધકોને મારી નાખવામાં આવ્યા છે તે માટે તમે લોકો જે હમણાં જીવો છો તેમને શિક્ષા થશે. 51 હાબેલની હત્યા માટે તમને શિક્ષા થશે. જે રીતે ઝખાર્યા જે વેદી અને મંદિરની વચ્ચે માર્યો ગયો હતો. હા, હું તમને કહું છું તમે લોકો જે હાલમાં જીવો છો તેઓને તે બધા માટે શિક્ષા થશે. 52 “ઓ પંડિતો, તમને અફસોસ છે! કેમ કે તમે દેવ વિષે શીખવાની ચાવી સંતાડી દીધી છે. તમે તમારી જાતે શીખતા નથી અને બીજાઓને પણ તે શીખવામાંથી અટકાવ્યા છે.” 53 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેને વધારે કષ્ટ આપવા લાગ્યા. તેઓ ઘણી બાબતો વિષે પ્રશ્રોના ઉત્તર આપવા માટે પ્રયત્ન કરીને ઈસુને ઉશ્કેરવા લાગ્યા. 54 ઈસુને કંઈ ખોટું બોલતાં પકડી શકાય તે માટે તક શોધવાનો તેઓ પ્રયત્ન કરતા હતા.

12:1 ઘણા હજારો લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા. ઈસુ લોકોને બોલ્યો તે પહેલા તેના શિષ્યોને તેણે કહ્યું, “ફરોશીઓના ખમીરથી સાવધ રહો. હું સમજું છું કે તેઓ ઢોંગી છે. 2 જે કંઈ છુપાવી રાખેલું છે તે બતાવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ કરાશે. 3 તમે જે કંઈ અંધારામાં કહો છો તે અજવાળામાં કહેવાશે, અને ગુપ્ત ઓરડામાં તમે જે કંઈ કાનમાં કહ્યું હશે તે ઘરના ધાબા પરથી પોકારાશે.” 4 પછી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને કહું છું, મારા મિત્રો, લોકોથી ડરો નહિ, લોકો શરીરને મારી શકે છે, પણ તે પછી તેઓ તમને ઇજા કરતાં વધારે કઈ કરી શકશે નહિ. 5 હું તમને એકથી ડરવાનું બતાવીશ. તમારે તેનાથી ડરવું જોઈએ જેનામાં તમને મારી નાખવાનો અને પછી તમને નરકમાં નાખવાનો અધિકાર છો. હા, તે એક છે જેનાથી તાર ડરવું જોઈએ. 6 “જ્યારે પક્ષીઓ વેચાય છે, પાંચ નાના પક્ષીઓની કિંમત માત્ર બે પૈસા છે. પણ દેવ તેમાંના કોઈને ભૂલી શકતો નથી. 7 હા, દેવને એ પણ ખબર છે કે તમારા માથાંના વાળ કેટલા છે. ડરશો નહિ. તમે ઘણા પક્ષીઓ કરતાં વધારે મૂલ્યવાન છો. 8 હું તમને કહું છું, જો કોઈ વ્યક્તિ બીજા લોકો આગળ ઊભો રહે અને કહે કે તેને મારામાં વિશ્વાસ છે. પછી હું કહીશ કે તે વ્યક્તિ માકી છે. હું આ દેવના દૂતોની આગળ કહીશ. 9 પણ જો કોઈ વ્યક્તિ લોકો આગળ ઊભો રહીને જાહેર કરે કે તેને મારામાં વિશ્વાસ નથી પછી હું કહીશ કે તે વ્યક્તિ મારી નથી. હું આ દેવના દૂતોની આગળ કહીશ. 10 “કોઈ વ્યક્તિ માણસના દીકરાની વિરૂદ્ધ કંઈક કહે છે, તો તેને માફી આપી શકાય છે. પણ કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ કંઈ વાત કહેશે તો તેને માફ કરી શકાશે નહિ. 11 “જ્યારે લોકો તમને સભાસ્થાનોમાં અધિપતિઓ અને અધિકારીઓની આગળ લઈ જાય ત્યારે શું કહેવું તેની ચિંતા ન કરો અને તમારો બચાવ કેવી રીતે કરવો તેની પણ ચિંતા ન કરો. 12 તે વખતે પવિત્ર આત્મા તમારે શું કહેવું જોઈએ તે શીખવશે.” 13 ટોળામાંના એક માણસે ઈસુને કહ્યું, “ગુરુંજી, હમણા જ અમારા પિતાનું મૃત્યુ થયું છે. મારા ભાઈને કહે કે અમારા પિતાની માલિકીની વસ્તુઓનો ભાગ મને આપે.” 14 પણ ઈસુએ તેઓને કહ્યું, “કોણે કહ્યું કે હું તમારો ન્યાયાધીશ થઈશ કે તમારા પિતાની વસ્તુઓ તમારા બંને વચ્ચે વહેંચવાનો નિર્ણય કરીશ? 15 પછી ઈસુએ તેઓને કહ્યું, “સાવધાન રહો અને બધાજ પ્રકારના સ્વાર્થીપણા સામે જાગ્રત રહો. વ્યક્તિ તેની માલિકીની ઘણી વસ્તુઓમાંથી જીવન પ્રાપ્ત કરી શકતો નથી.” 16 પછી ઈસુએ આ વાર્તાનો ઉપયોગ કર્યો: “એક ધનવાન માણસ હતો જેની પાસે કેટલીક જમીન હતી. તેની જમીનમાં ઘણી સારી ઉપજ થઈ. 17 તે ધનવાન માણસે તેની જાતે મનમાં વિચાર કર્યો, ‘મારે શું કરવું? મારી પાસે ઉપજ ભરી મૂકવાની જગ્યા નથી.’ 18 “પછી પૈસાદાર માણસે કહ્યું; ‘હું જાણું છું કે હું શું કરીશ.’ હું મારી વખારોને પાડી નાંખીને વધારે મોટી વખારો બાંધીશ! હું ત્યાં મારા બધાજ ઘઉં અને સારી વસ્તુઓ એક સાથે નવી વખારમાં મૂકીશ. 19 પછી હું મારી જાતને કહીશ, ‘મારી પાસે ઘણી સારી વસ્તુઓનો સંગ્રહ છે, મેં ઘણાં વરસ માટે પૂરતું બચાવ્યું છે આરામ લે, ખા, પી અને જીવનમાં આનંદ કર!’ 20 “પરંતુ દેવે તે માણસને કહ્યું, “અરે! મૂર્ખ માણસ આજે રાત્રે તારું મૃત્યુ થશે. તેથી તેં તારી જાત માટે તૈયાર કરેલી વસ્તુઓનું શું? હવે તે વસ્તુઓ કોની થશે?” 21 “જે વ્યક્તિ તેની જાત માટે જ ફક્ત વસ્તુઓ બચાવે છે તેનું આમ જ થશે. દેવ સમક્ષ તે વ્યક્તિ ધનવાન નથી.” 22 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જે ખોરાક જોઈએ તેની ચિંતા કરશો નહિ, તમારા શરીર માટે જરૂરી કપડાંની તમે ચિંતા કરશો નહિ. 23 જીવન ખોરાક કરતા વધારે મહત્વનું છે અને શરીર કપડાં કરતા વધારે મહત્વનું છે. 24 પક્ષીઓ તરફ જુઓ, તેઓ વાવતા નથી કે લણતાં નથી. પક્ષીઓ વખારમાં કે ઘરમાં અનાજ બચાવતા નથી. પરંતુ દેવ તેમની સંભાળ રાખે છે. અને તમે તો પક્ષીઓ કરતાં ઘણા મૂલ્યવાન છો. 25 તમારામાંથી કોઈ પણ તેના અંગે ચિંતાઓ કરીને તમારા જીવનમાં થોડા સમયનો પણ વધારો કરી શકતો નથી. 26 જો તમે નાની બાબત પણ કરી શકતા નથી તો પછી બીજી બાબતોની ચિંતા શા માટે કરો છો? 27 “જંગલી ફૂલોને જુઓ, તેઓ કેવી રીતે ઊગે છે. તેઓ તેમની જાત માટે નથી કપડાં બનાવતા કે નથી કંઈ કામ કરતાં. પણ હું તમને કહું છું કે મહાન ધનવાન રાજા સુલેમાન પણ સુંદર રીતે શણગારાએલાં ફૂલોમાંના એક જેવો પણ પહેરેલો ન હતો. 28 એ પ્રમાણે દેવ ખેતરના ઘાસને સુંદર વસ્ત્રો પહેરાવે છે તેમ ઘાસ આજે જીવે છે. પણ આવતીકાલે તેને બાળી નાખવા આગમાં નંખાય છે. તેથી તું જાણ કે દેવ તને વધારે સારું પહેરાવશે. તેથી આવો અલ્પવિશ્વાસ ન રાખો. 29 “તેથી હંમેશા તમે શું ખાશો અને શું પીશો તેના વિષે વિચાર ન કરો. તેના વિષે ચિંતા ન કરો. 30 જગતના બધા લોકો તે વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે છે. તમારો પિતા જાણે છે કે તમારે તે વસ્તુઓની જરૂર છે. 31 જે વસ્તુઓ તમને જોઈએ છે તે દેવનું રાજ્ય છે. પછી આ બધી જરૂરી વસ્તુઓ તમને આપવામાં આવશે. 32 “ઓ નાની ટોળી, તમે ડરશો નહિ, તમારા પિતા તમને રાજ્ય આપવા ઈચ્છે છે. 33 તમારી પાસે જે વસ્તુઓ છે તે વેચી દો અને જેઓને જરૂર છે તેઓને તે પૈસા આપી દો. આ જગતની સંપત્તિ સદા રહેતી નથી. તેથી જે સંપત્તિ સતત રહે તે મેળવો. તમારી જાત માટે આકાશમાં ખજાનો પ્રાપ્ત કરો. તે ખજાનો સદા રહેશે. આકાશમાંના ખજાનાને ચોરો ચોરી શકતા નથી, અને કીડા તેનો નાશ કરી શકતા નથી. 34 જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારુંચિત્ત રહેશે. 35 “તૈયાર થાઓ, પૂર્ણ પોષાક પહેરો, તમારા દીવા સળગતા રાખો. 36 લગ્ન સમારંભમાંથી ઘેર પાછા આવતા ધણીની રાહ જોતાં સેવકો જેવા થાઓ. ધણી આવે છે અને ટકોરા મારે છે. દાસો ધણી માંટે બારણું ઉઘાડે છે. 37 એ દાસોને ધન્ય છે કારણ કે જ્યારે તેઓનો ધણી ઘરે આવે છે અને તે જુએ છે કે તેના દાસો તૈયાર છે અને તેની વાટ જુએ છે. હું તમને સત્ય કહું છું, ધણી તેની જાતે કામ માટે કપડાં પહેરશે અને દાસોને મેજ પાસે બેસવા કહેશે. પછી ધણી તેમની સેવા કરશે. 38 પેલા દાસોને મધરાત પછી મોડેથી તેઓના ધણીની આવવાની રાહ જોવી પડે. તેઓનો ધણી જ્યારે આવે છે, ત્યારે તેઓને રાહ જોતા જોઈને તે આનંદ પામે છે. 39 “આ યાદ રાખો, ઘરનો ધણી જો જાણતો હોત કે ક્યા સમયે ચોર આવશે તો પછી ધણી ચોરને તેના ઘરમાં ઘૂસવા દેત નહિ. 40 તેથી તમે પણ તૈયાર રહો! માણસનો દિકરો તમે ધાર્યુ નહિ હોય તેવા સમયે આવશે.” 41 પિતરે કહ્યું, “પ્રભુ, તેં આ વાર્તા અમારા માટે કહી કે બધા લોકો માટે?” 42 પ્રભુએ કહ્યું, “શાણો અને વિશ્વાસપાત્ર સેવક કોણ છે? ધણી એક દાસ પર વિશ્વાસ રાખે છે જે બીજા દાસોને સમયસર તેમનું ખાવાનું આપશે. એ દાસ કોણ છે જેના પર ધણી તે કામ કરવાનો વિશ્વાસ રાખે છે? 43 જ્યારે ધણી આવે છે અને પોતે દાસને સોંપેલું કામ કરતાં જુએ છે, ત્યારે તે દાસ ઘણો સુખી થશે. 44 હું તમને સત્ય કહું છું, “ધણી તે દાસને પોતાની સર્વ માલમિલકતની સંભાળ રાખવા પસંદ કરે છે. 45 “પણ જો દાસ દુષ્ટ હોય અને વિચારે કે તેનો ધણી જલદીથી પાછો આવશે નહિ, તો પછી શું બને? પેલો દાસ બીજા દાસો અને દાસીઓને મારવાનું શરૂ કરશે. તે ખાશે, પીશે અને છાકટો બનશે. 46 પછી પેલા દાસનો ધણી આવશે ત્યારે પેલો દાસ તૈયાર હશે નહિ. દાસે ધારણા નહિ કરી હોય કે ધણી આવશે તેવા સમયે તે આવશે પછી ધણી પેલા દાસને શિક્ષા કરશે. ધણી તેને બીજા લોકો જે તેની આજ્ઞા પાળતા નથી તેમની સાથે દૂર કાઢી મૂકશે. 47 “પેલા દાસે જાણ્યું, તેનો ધણી તેની પાસે શું કરાવવા માંગતો હતો પણ તે દાસે તેની જાતને તૈયાર કરી નહિ અથવા તેના ધણીની ઈચ્છા પ્રમાણે જે કરવાનું હતું તે માટે પ્રયત્ન પણ કર્યો નહિ, તેથી તે દાસને ઘણી બધી શિક્ષા થશે! 48 પણ તે દાસોનું શું કે જેઓ તેમના ધણી શું ઈચ્છે છે તે જાણતા નથી? તે દાસ શિક્ષા થાય તેવાં જ કામ કરે છે. પણ જે દાસો તેમને શું કરવાનું છે તે જાણે છે તેના કરતા તેને ઓછી શિક્ષા થશે. જે વ્યક્તિને વધારે આપવામાં આવ્યું હશે તે વધારે હોવા માટે પણ જવાબદાર થશે. જે વ્યક્તિ પાસેથી વધારે અપેક્ષા રાખવામાં આવશે ત્યારે તેની પાસેથી વધારે માંગણી કરવામાં આવશે.” 49 ઈસુએ બોલવાનું ચાલુ રાખ્યું, “હું પૃથ્વી પર આગ વરસાવવા આવ્યો છું. જો આગ પ્રસરી જ ગઇ હોય તો હું બીજું શું ઈચ્છું! 50 મારે જુદા જ પ્રકારના બાપ્તિસ્મા સાથે બાપ્તિસ્મા પામવું જોઈએ અને તે પૂરું થતાં સુધી હું ઘણી ચિંતામાં છું. 51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે. 53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે: દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે. પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે. મા અને પુત્રીમાં ભાગલા પડશે: પુત્રી તેની માની વિરોધી થશે. મા તેની પુત્રીની વિરોધી થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે: વહુ તેની સાસુની વિરોધી થશે. સાસુ તેની વહુની વિરોધી થશે.” 54 પછી ઈસુએ લોકોને કહ્યું, “જ્યારે તમે પશ્ચિમમાં મોટાં વાદળા ઘેરાતાં જુઓ છો ત્યારે તમે કહો છો કે; વર્ષાનું ઝાપટું આવશે; અને વરસાદ પડશે. અને ખરેખર વરસાદ પડે છે. 55 જ્યારે તમને લાગે છે કે દક્ષિણમાંથી પવન ફૂંકાય છે ત્યારે તમે કહો છો કે, ‘તે દિવસે ખૂબ ગરમી પડશે, અને તમે સાચા છો.’ 56 ઓ ઢોંગીઓ! તમે હવામાન સમજી શકો છો તો હમણાં જે બની રહ્યું છે તે તમે શા માટે સમજતા નથી? 57 “શું સાચું છે તેનો તમે તમારી જાતે કેમ નિર્ણય કરતા નથી? 58 જ્યારે તારા વિરોધી સાથે ફરિયાદ નોંધાવવા માટે ન્યાયાલયમાં જતો હોય તો રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર. જો તું તેનો ઉકેલ નહિ લાવે તો તે તને ન્યાયાધીશ આગળ ઘસડી જશે. રખે ન્યાયાધીશ તને અધિકારીને સોંપે. અને તે તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું તું પ્રત્યેક દમડી જે તારે ચુકવવાની છે તે નહિ આપે ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળશે નહિ.”

13:1 તે સમયે ત્યાં ઈસુ સાથે ક્ટલાએક લોકો હતા. તે લોકોએ ગાલીલમાં કેટલાએક લોકો સાથે જે કંઈ બન્યું તે વિષે ઈસુને કહ્યું. જ્યારે તેઓ સ્તુતિ કરતા હતા ત્યારે પિલાતે એ લોકોને મારી નાખ્યા. પિલાતે દેવને જે યજ્ઞો થતાં પશુઓનાં લોહીમાં તેઓનું લોહી ભેળવી દીધું. 2 ઈસુએ ઉત્તર આપ્યો, “તેઓ પર વિપત્તિઓ આવી પડી કારણ કે તેઓ ગાલીલના બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા તેથી તે લોકોએ સહન કર્યુ એમ તમે ધારો છો શું? 3 ના, તેઓ નહોતા! પણ જો તમે બધા પસ્તાવો નહિ કરો તો તમે પણ પેલા લોકોની જેમ નાશ પામશો! 4 પણ પેલા 18 લોકોનું શું? જ્યારે શિલોઆહનો બૂરજ તેમના પર તૂટી પડવાથી જેઓ માર્યા ગયા? શું તમે એમ માનો છો કે એ લોકો યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે પાપી હતા? 5 તેઓ નહોતા! પણ હું તમને કહું છું, જો તમે પસ્તાવો નહિ કરો તો તેમની જેમ તમે બધા પણ નાશ પામશો.” 6 ઈસુએ આ વાર્તા કહી: “એક માણસ પાસે એક અંજીરનું ઝાડ હતું. તેણે તે ઝાડ તેની વાડીમાં રોપ્યું. તે માણસ પેલા અંજીરના વૃક્ષ પર કેટલાંક ફળની શોધમાં ત્યાં આવ્યો. પણ એકે જડ્યું નહિ. 7 ત માણસનો એક માળી હતો. જે તેની વાડીની સંભાળ રાખતો હતો. તેથી તે માણસે તેના માળીને કહ્યું; ‘હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી. તેને કાપી નાખો! તે શા માટે નકામી જમીન રોકે છે? 8 પણ માળીએ ઉત્તર આપ્યો, સાહેબ વૃક્ષને ફળ આવવા માટે એક વર્ષ વધારે રહેવા દો. મને તેની આજુબાજુ ખોદવા દો અને છોડને ખાતર નાખવા દો. 9 બીજે વર્ષે વૃક્ષ કદાચ ફળ આપે, અને જો તેમ છતાં વૃક્ષ ફળ નહિ આપે તો તું તેને કાપી નાંખજે.”‘ 10 ઈસુ એક સભાસ્થાનમાં વિશ્રામવારે ઉપદેશ આપતો હતો. 11 સભાસ્થાનમાં એક સ્ત્રી હતી, જેનામાં મંદવાડનો આત્મા હતો. આ મંદવાડના આત્માએ તેને 18 વરસથી કુબડી બનાવી હતી. તેની પીઠ હંમેશા વાંકી રહેતી. તે સીધી ઊભી થઈ શકતી નહિ. 12 જ્યારે ઈસુએ તેને જોઈ, તેને બોલાવી; બાઇ, તારો મંદવાડ તારી પાસેથી દૂર જતો રહ્યો છે! 13 ઈસુએ તેના પર હાથ મૂક્યા પછી તે સીધી ઊભી થઈ શકી. તેણે દેવની સ્તુતિ કરી. 14 સભાસ્થાનના આગેવાનો ગુસ્સે થયા કારણ કે વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી. આગેવાને લોકોને કહ્યું, “કામ કરવાના દિવસ 6 છે. તેથી તે દિવસોમાં કોઈ પણ દિવસે આવીને સાજા થાઓ. વિશ્રામવારના દિવસે સાજા થવા આવવું નહિ.” 15 પ્રભુએ ઉત્તર આપ્યો, “તમે લોકો ઢોંગી છો! તમારામાંનો દરેક તેના બળદ તથા ગધેડાને તેના તબેલામાંથી છોડે છે અને દરરોજ પાણી પીવડાવવા માટે લઈ જાય છે-વિશ્રામવારે પણ! 16 આ સ્ત્રી જેને મેં સાજી કરી છે તે આપણી યહૂદિ બહેન છે. પરંતુ શેતાને તેને 18 વરસથી બાંધી રાખી હતી. ખરેખર, વિશ્રામવારે તેને મંદવાડમાંથી મુક્ત કરવી તે ખોટું નથી!” 17 જ્યારે ઈસુએ આમ કહ્યું ત્યારે જે બધા માણસો તેની ટીકા કરતાં હતા તેઓ શરમાયા અને ઈસુ જે અદભૂત કામો કરતોં હતો તેથી બધાં જ ખુશ થયા. 18 પછી ઈસુએ કહ્યું કે, “દેવનું રાજ્ય શાના જેવું છે? હું તેને શાની સાથે સરખાવું? 19 દેવનું રાજ્ય રાઇના બી જેવું છે. જેને એક માણસે આ બી લઈને પોતાની વાડીમાં વાવ્યું. તે બી ઊગ્યું અને મોટું ઝાડ થયું. પક્ષીઓએ તેની ડાળીઓ પર માળાઓ બાંધ્યા.” 20 ઈસુએ ફરી કહ્યું, “હું દેવના રાજ્યને શાની સાથે સરખાવું? 21 તે ખમીર જેવું છે જેને સ્ત્રી રોટલી બનાવવા માટે લોટના મોટા વાસણમાં ભેળવે છે. ખમીર બધા લોટને ફુલાવે છે.” 22 ઈસુ દરેક શહેર અને ગામડામાં બોધ કરતો હતો. તેણે યરૂશાલેમ તરફથી યાત્રા ચાલુ રાખી. 23 કોઈકે ઈસુને પૂછયું, “પ્રભુ! કેટલા લોકોનું તારણ થશે? ફક્ત થોડાક?”ઈસુએ કહ્યું, 24 “સાંકડો દરવાજો જે આકાશના માર્ગને ઉઘાડે છે તેમાં પ્રવેશવા સખત પ્રયત્ન કરો. ઘણા માણસો તેમાં પ્રવેશવાનો પ્રયત્ન કરશે, પણ તેઓ પ્રવેશ પામી શકશે નહિ. 25 જો માણસો તેના મકાનના બારણાને તાળું મારે તો પછી તમે બહાર ઊભા રહી શકો અને બારણાંને ટકોરા મારો, છતાં તે ઉઘાડશે નહિ. તમે કહેશો કે, ‘પ્રભુ, અમારે માટે બારણું ઉઘાડો! પણ તે માણસ ઉત્તર આપશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો?’ 26 પછી તમે કહેશો, ‘અમે તારી સાથે ખાધું અને પીધું. તમે અમને અમારા શહેરની શેરીઓમાં ઉપદેશ આપ્યો.’ 27 પછી તે તમને કહેશે, ‘હું તમને ઓળખતો નથી! તમે ક્યાંથી આવ્યા છો? મારી પાસેથી ચાલ્યા જાઓ! તમે બધાજ લોકો ખોટું કરો છો!’ 28 “તમે લોકો ઈબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને બધા પ્રબોધકોને દેવના રાજ્યમાં જોશો અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, ત્યારે તમે ભયથી રડશો અને દાંત પીસશો. 29 પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે. 30 જે લોકો હમણા જીવનમાં નીચામાં નીચી જગ્યાએ છે તે લોકો દેવના રાજ્યમાં ઊંચામાં ઊચી જગ્યાએ હશે. અને જે લોકો હમણા ઊચામાં ઊચી જગ્યાઓ છે તેઓ હવે દેવના રાજ્યમાં નીચામાં નીચી જગ્યાએ હશે.”(માથ્થી 23:27-39) 31 તે સમયે કેટલાએક ફરોશીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું, “અહીંથી દૂર ચાલ્યો જા, અને છુપાઇ જા. હેરોદ તને મારી નાખવા ચાહે છે!” 32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ, જઇને તે શિયાળવાને કહો આજે અને આવતીકાલે હું લોકોમાંથી અશુદ્ધ આત્મા બહાર કાઢું છું અને સાજા કરવાનું મારું કામ પૂરું કરી રહ્યો છું. પછી બીજે દિવસે કામ પૂરું થઈ જશે. 33 તે પછી મારે જવું જોઈએ, કારણ કે બધા પ્રબોધકોએ યરૂશાલેમમાં મરવું પડે. 34 “ઓ યરૂશાલેમ! યરૂશાલેમ! તું પ્રબોધકોને મારી નાખે છે. દેવે તારી પાસે મોકલેલા લોકોને નેં પથ્થરે માર્યા. ઘણી વાર મેં તારાં લોકોને મદદ કરવાની ઈચ્છા કરી. જેમ મરઘી પોતાનાં બચ્ચાઓને પાંખો તળે ભેગાં કરે છે તેમ કેટલી વાર તારાં લોકોને ભેગા કરવાની ઇચ્ચા કરી, પણ તમે મને કરવા દીધું નહિ. 35 હવે તમારું ઘર સંપૂર્ણ ઉજ્જડ મૂકવામાં આવશે. હું તમને કહું છું કે, પ્રભુનાં નામે જે આવે છે તેને ધન્ય છે, એમ તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી જોઈ શકશો નહિ.”

14:1 ઈસુ ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારે તેમની સાથે ખાવા માટે ગયો. ત્યાં લોકો ઈસુને ખૂબ નજીકથી તાકી રહ્યાં હતા. 2 જલંદરનો રોગવાળા માણસને ઈસુની આગળ ઊભો રાખ્યો હતો. 3 ઈસુએ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહ્યું, “વિશ્રામવારે સાજાં કરવું સારું છે કે ખરાબ?” 4 પણ તેઓએ ઉત્તર આપ્યો નહિ. તેથી ઈસુએ તે માણસને લક્ષમાં લીધો અને તેને સાજો કર્યો. પછી ઈસુએ તે માણસને મોકલી દીધો. 5 ઈસુએ ફરોશીઓ અને શાસ્ત્રીઓને કહ્યું, “જો તમારો દીકરો અથવા કામ કરનાર પ્રાણી વિશ્રામવારે કૂવામાં પડે તો તમે તરત જ તેને બહાર કાઢશો.” 6 ઈસુએ જે કહ્યું તેની સામે ફરોશીઓ અને શાસ્ત્રીઓ કંઈ જ કહી શક્યા નહિ. 7 પછી ઈસુનું ધ્યાન કેટલાએક મહેમાનો ઉત્તમ જગ્યાએ બેસવાની પસંદગી કરતા હતા તે તરફ ગયું, તેથી ઈસુએ તેઓને આ વાર્તા કહી; 8 “જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય. 9 અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ્યું હોય તે તમારી પાસે આવે અને કહે, ‘આ માણસને તારી બેઠક આપ.’ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો. અને તમે ખૂબ શરમિંદા બનશો. 10 “તેથી માણસ જ્યારે તમને નિમંત્રણ આપે તો જે ઓછી મહત્વની હોય એ બેઠક પર બેસવા માટે જાઓ. પછા જે માણસે તમને નિમંત્રણ આપ્યું છે તે તમારી પાસે આવશે અને કહેશે, “મિત્ર, આ તરફ વધારે મહત્વની બેઠક પર આવ. પછી બીજા બધા મહેમાનો પણ તમને માન આપશે. 11 પ્રત્યેક માણસ જે પોતાને અગત્યનો બનાવે છે. તેને નીચો કરવામાં આવશે. પણ જે માણસ પોતાને નીચો બનાવે છે તે મહત્વનો બને છે.” 12 પછી ઈસુએ જે ફરોશીઓને નિમંત્રણ આપ્યું હતું તેને કહ્યું, “જ્યારે તું દિવસનું કે રાતનું ખાણું માટે નિમંત્રણ આપે ત્યારે તારા મિત્રો, ભાઈઓ, સબંધીઓ તથા પૈસાદાર પડોશીઓને જ ના આપ. કેમ કે બીજી કોઈ વાર તેઓ તને જમવા માટે નિમંત્રણ આપશે. ત્યારે તને તારો બદલો વાળી આપશે. 13 તેને બદલે જ્યારે તું મિજબાની આપે ત્યારે કૂબડા લોકોને, અપંગોને અને આંધળાઓને નિમંત્રણ આપ. 14 તેથી તું ધન્ય થશે, કારણ કે આ લોકો તને કશું પાછું આપી શકે તેમ નથી. તેઓની પાસે કંઈ નથી. પણ જ્યારે સારા લોકો મૃત્યુમાંથી ઊભા થશે ત્યારે તને બદલો આપવામાં આવશે.”(માથ્થી 22:1-10) 15 ઈસુ સાથે મેજ પર જમવા બેઠેલાઓમાંથી કોઈ એક માણસે આ વાત સાંભળી. તે માણસે ઈસુને કહ્યું, “દેવના રાજ્યમાં જે ભોજન કરશે તેને ધન્ય છે!” 16 ઈસુએ તેને કહ્યું, “એક માણસે રાતનું મોટું ખાણું કર્યું. તે માણસે ઘણા લોકોને નિમંત્રણ આપ્યાં. 17 જ્યારે જમવાનો સમય થયો ત્યારે તે માણસે તેના દાસને મહેમાનોને કહેવા મોકલ્યાં ‘કૃપા કરીને ચાલો! હવે બધું જ તૈયાર છે!’ 18 પરંતુ બધાજ મહેમાનોએ કહ્યું તેઓ આવી શકે નહિ. દરેક માણસે બહાનું કાઢયું. પહેલા માણસે કહ્યું; ‘મેં હમણાં જ ખેતર ખરીદ્યું છે, તેથી મારે ત્યાં જઇને જોવું જોઈએ. કૃપા કરી મને માફ કર.’ 19 બીજા એક માણસે કહ્યું: ‘મેં હમણાં જ પાંચ જોડ બળદ ખરીદ્યા છે, તેઓને પારખવા હું હમણાં જાઉં છું. મને માફ કર.’ 20 ત્રીજા એક માણસે કહ્યું: ‘હમણા જ મારા લગ્ન થયા છે, હું આવી શકું તેમ નથી.’ 21 “તેથી દાસ પાછો ફર્યો. તેણે તેના ઘરધણીને જે કંઈ બન્યું તે કહ્યું. પછી ઘરધણી ગુસ્સે થયો અને બોલ્યો, ‘જલ્દી જા! શહેરની શેરીઓ અને ગલીઓમાં જા, અપંગ, આંધળા અને લંગડા માણસોને અહીં તેડી લાવ.’ 22 “તે પછી દાસે તેને કહ્યું કે; ‘સાહેબ તેં મને જેમ કરવાનું કહ્યું તેમ મેં કર્યુ છતાં પણ હજુ ઘણા લોકો માટે જગ્યાઓ છે.’ 23 ધણીએ દાસને કહ્યું કે; ‘રાજમાર્ગો અને ગામડાના રસ્તાઓ પર જા, ત્યાં જઇને લોકોને આગ્રહ કરીને આવવાનું કહે, હું ઈચ્છું છું કે મારું ઘર ભરાઇ જાય. 24 હું તને કહું છું કે મેં જે લોકોને પ્રથમ નિમંત્ર્યા હતા તેમાંથી કોઈ પણ ક્યારેય મારી સાથે જમશે નહિ!”‘ 25 ઈસુ સાથે ઘણા લોકો જતા હતા. ઈસુએ લોકોને કહ્યું, 26 “જો કોઈ માણસ મારી પાસે આવે છે, પણ તેના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અથવા બહેનોને મારા કરતા વધારે પ્રેમ કરે છે, તો તે માણસ મારો શિષ્ય થઈ શકતો નથી. માણસ તેની જાતને જેટલો પ્રેમ કરે છે તેનાથી વધારે મને પ્રેમ કરતો હોવા જોઈએ! 27 જ્યારે તે મારી પાછળ આવે છે ત્યારે તેને આપવામાં આવેલ વધસ્તંભ ઊંચકશે નહિ તો તે મારો શિષ્ય થઈ શકશે નહિ. 28 “જો તમે બુરજ બાંધવા ઈચ્છા રાખો તો, પહેલા બેસીને તેની કિંમત કેટલી થશે તે નક્કિ કરવી જોઈએ. મારી પાસે તે કામ પૂરું કરવા પૂરતા પૈસા છે કે કેમ તે જોવું જોઈએ. 29 જો તમે તેમ નહિ કરો તો, તમે કામ તો શરું કરી શકશો, પણ તમે તે પૂરું કરી શકશો નહિ. અને જો તમે તે પૂરું નહિ કરી શકો, તો બધા લોકો જે જોતા હતા તેઓ તમારી મશ્કરી કરશે. 30 તેઓ કહેશે; ‘આ માણસે બાંધવાનું તો શરૂ કર્યુ, પણ પૂરું કરી શક્યો નહિ!’ 31 “જો કોઈ રાજા બીજા રાજાની સામે લડાઇ કરવા જવાનો હશે તો પહેલા બેસીને આયોજન કરશે. જો રાજા પાસે ફક્ત 10,000 માણસો હશે તો તે એમ જોવાની યોજના કરશે કે તે બીજા રાજા પાસે 20,000 માણસો છે તેને હરાવી શકે તેમ છે કે કેમ? 32 જો તે બીજા રાજાને હરાવી શકે નહિ, અને હજી તે રાજા ખૂબ દૂર હશે તો પછી તે કેટલાક માણસોને બીજા રાજાને કહેવા મોકલશે અને સમાધાન શાંતિ માટે પૂછશે. 33 “તે જ રીતે તમારે બધાએ પહેલા યોજના કરવી જોઈએ, તમારે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને પછી મારી પાછળ આવો. જો તમે તેમ ના કરી શકો તો તમે મારા શિષ્ય થઈ શકતા નથી. 34 “મીઠું એ સારું છે પણ જો મીઠું તેનો ખારો સ્વાદ ગુમાવે તો પછી તેની કશી કિમંત રહેતી નથી. તમે તેને ફરી ખારું બનાવી શકતા નથી. 35 તમે તેનો જમીનને માટે અથવા ખાતરને માટે પણ ઉપયોગ કરી શકતા નથી. લોકો તેને બહાર ફેંકી દે છે.‘જે લોકો મને સાંભળે છે તેમણે ધ્યાનથી સાંભળવું જોઈએ!’

15:1 ઘણા કર ઉઘરાવનારાઓ અને પાપી લોકો ઈસુને ધ્યાનથી સાંભળવા આવ્યા. 2 પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ! આ માણસ (ઈસુ) પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે!” 3 પછી ઈસુએ તેઓને આ વાર્તા કહી: 4 “ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે. 5 અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે. તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે. 6 તે તેના મિત્રો અને પાડોશીઓ પાસે જાય છે અને તેઓને કહે છે; ‘મારી સાથે આનંદ કરો, કારણ કે મને મારું ખોવાયેલું ઘેટું જડ્યું છે.’ 7 એ જ પ્રમાણે , હું તમને કહું છું, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં વધારે આનંદ થાય છે. જે 99 સારા લોકો જેમને પસ્તાવો કરવાની જરૂર નથી તેઓનાં કરતાં જો એક પાપી પસ્તાવો કરે છે તો તેથી વધારે આનંદ થાય છે. 8 “ધારોકે એક સ્ત્રી પાસે દસ ચાંદીના સિક્કા છે, પણ તે તેઓમાંનો એક ખોવાઇ જાય છે. તે સ્ત્રી દીવો લઈને ઘર સાફ કરશે. જ્યાં સુધી તે સિક્કો નહિ મળે ત્યાં સુધી તે કાળજીપૂર્વક તેની શોધ કરશે. 9 અને જ્યારે તેને ખોવાયેલો સિક્કો જડે છે, ત્યારે તે તેના મિત્રો અને પડોશીઓને બોલાવશે અને તેઓને કહેશે, ‘મારી સાથે આનંદ કરો કારણ કે મને મારો ખોવાએલો સિક્કો જડી ગયો છે. 10 તે જ પ્રમાણે, જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે દેવના દૂતો આનંદ કરે છે.” 11 પછી ઈસુએ કહ્યું, “એક માણસને બે દીકરા હતા. 12 નાના દીકરાએ તેના પિતાને કહ્યું કે, ‘પિતા, મને સંપતિનો મારો ભાગ આપ!’ તેથી પિતાએ તેના બંને દીકરાઓને મિલકત વહેંચી આપી. 13 “પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો. તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા. 14 તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું. તે પછી તરત જ, જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ. તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું. તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી. 15 તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું. તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો. 16 તે છોકરો એટલો બધો ભૂખ્યો હતો કે જે ખોરાક ભૂંડો ખાતા હતા તે ખાવાની તેને ઈચ્છા થઈ. પરંતુ કોઈ પણ માણસે તેને કંઈ પણ આપ્યું નહિ. 17 “તે છોકરાએ અનુભવ્યું કે તે ઘણો મૂર્ખ હતો. તેણે વિચાર્યુ, ‘મારા પિતાને ઘરે બધા નોકરો પાસે પુષ્કળ ખાવાનું છે, પણ હું અહીં ભૂખે મરું છું કારણ કે મારી પાસે કશુંય ખાવાનું નથી. 18 હું અહીંથી ઊઠીને મારા પિતા પાસે જઇશ. હું તેને કહીશ: પિતા, મેં દેવ સામે અને તારી સામે પાપ કર્યુ છે. 19 હું તારો દીકરો કહેવડાવવાને યોગ્ય નથી. પરંતુ મને તારા નોકરોમાંનો એકના જેવો ગણ.’ 20 પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો.“જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી. 21 પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’ 22 “પણ પિતાએ નોકરોને કહ્યું, “જલદી કરો! સારામાં સારાં કપડાં લાવો અને તેને પહેરાવો. અને તેની આંગળીએ વીંટી પહેરાઓ અને પગમાં જોડા પહેરાવો.” 23 એક માતેલું વાછરડું લાવો. આપણે તેને કાપીશું અને આપણી પાસે પુષ્કળ ખોરાક થશે. પછી આપણે મિજબાની કરીશું. 24 મારો દીકરો મરી ગયો હતો, પણ હવે તે ફરીથી જીવતો થયો છે! તે ખોવાઇ ગયો હતો, પણ હમણા તે જડ્યો છે!’ તેથી તેઓએ મોટી મિજબાની કરી. 25 “મોટો દીકરો ખેતરમાં હતો. તે ત્યાંથી આવતાં ઘર નજીક આવી પહોંચ્યો. તેણે સંગીત અને નૃત્યનો અવાજ સાંભળ્યો. 26 તેથી મોટા દીકરાએ નોકરમાંથી એકને બોલાવીને પૂછયું; ‘આ બધું શું છે?’ 27 નોકરે કહ્યું; ‘તારો ભાઈ પાછો આવ્યો છે. તારા પિતાએ મોટું વાછરડું જમવા માટે કાપ્યું છે. તારા પિતા ખુશ છે કારણ કે તારો ભાઈ સહીસલામત ઘરે પાછો આવ્યો છે.’ 28 “મોટો દીકરો ગુસ્સામાં હતો અને મિજબાનીમાં જવા રાજી નહોતો. તેથી તેનો પિતા બહાર આવ્યો અને તેને અંદર આવવા કહ્યું. 29 પુત્રએ તેના પિતાને કહ્યું; ‘મેં ઘણા વર્ષો સુધી એક ગુલામની જેમ તારી સેવા કરી છે! મેં હંમેશા તારી આજ્ઞાનું પાલન કર્યુ છે. પણ તેં કદાપિ મારા માટે એક વાછરડું પણ કાપ્યું નથી. તેં કદાપિ મને કે મારા મિત્રોને મિજબાની આપી નથી. 30 પણ તારા બીજા દીકરાએ કસબણો પાછળ તારા બધા પૈસા વેડફી દીધા અને તે ઘરે આવે છે ત્યારે તું તેને માટે એક રુંષ્ટપુષ્ટ વાછરડું કપાવે છે?’ 31 “પણ પિતાએ તેને કહ્યું ‘દીકરા, તું હંમેશા મારી સાથે છે, મારી પાસે જે બધું છે તે તારું જ છે. 32 આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ, કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે. તે ખોવાઇ ગયો હતો, પણ હવે તે પાછો જડ્યો છે.”‘

16:1 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એક ધનવાન માણસ હતો. આ ધનવાન માણસે તેના વ્યાપારની દેખરેખ રાખવા માટે એક કારભારી રાખ્યો હતો. પાછળથી તે ધનવાન માણસને ખાનગીમાં જણાવવામાં આવ્યું હતું કે તેનો કારભારી તેને છેતરે છે. 2 તેથી તેણે તેને અંદર બોલાવ્યો. અને તેને કહ્યું; ‘મેં તારા વિષે ખરાબ વાતો સાંભળી છે. તેં મારા પૈસાનું શું કર્યુ છે તેનો હિસાબ મને આપ. હવે તું મારો કારભારી રહી શકીશ નહિ!’ 3 “તે કારભારીએ તેની જાતે વિચાર્યુ, ‘હું શું કરું? મારો ધણી મારી પાસેથી કારભાર લઈ લે છે. હું ખોદકામ કરી શકું તેટલો શક્તિશાળી નથી. ભીખ માંગવામાં મને શરમ આવે છે. 4 હું જાણું છું કે હું શું કરીશ! હું એવું કંઈ કરીશ કે જેથી હું જ્યારે મારી નોકરી ગુમાવું ત્યારે બીજા લોકો મને તેઓના ઘરે આવકારે.’ 5 “તેથી કારભારીએ દરેક દેણદારને જેઓને માથે ધણીનું દેવું હતુ તેઓને બોલાવ્યા. તેણે પહેલા માણસને કહ્યું, ‘તારે મારા માલિકનું કેટલું દેવું છે?’ 6 તે માણસે ઉત્તર આપ્યો; ‘મારે તેમનું 8,000 પૌંડ ઓલિવ તેલનું દેવું છે.’ કારભારીએ તેને કહ્યું; ‘આ રહ્યું તારું બીલ, જલ્દી બેસી જા, અને બીલની રકમ ઓછી કર, 4,000 પૌંડ લખ.’ 7 “પછી કારભારીએ બીજા માણસને કહ્યું, ‘તારે મારા ધણીનું દેવું કેટલું છે?’ તે માણસ બોલ્યો; ‘મારે તેનું 60,000 પૌંડ ઘઉનું દેવું છે.’ પછી કારભારીએ તેને કહ્યું, ‘આ રહ્યું, તારું બીલ તું તેને ઓછું કરી શકે છે. 50,000પૌંડ લખ. 8 “પાછળથી ધણીએ તે અપ્રામાણિક કારભારીને કહ્યું કે તેણે ચતુરાઇથી કામ કર્યુ છે, હા, દુન્યવી માણસો તે સમયના અજવાળાના લોકો કરતાં તેઓના ધંધામાં વધારે ચતુર હોય છે. 9 “હું તમને કહું છું, આ દુનિયામાં અહીં તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરી દેવ સાથે મિત્રો કરી લો, પછી જ્યારે તે થઈ રહે ત્યારે તે ઘરમાં તેને કાયમ આવકાર મળશે. 10 જે માણસ નાની વસ્તુઓમાં વિશ્વાસુ માલૂમ પડે છે તે મોટી બાબતોમાં પણ વિશ્વાસુ રહેવાનો, પણ જે વ્યક્તિ નાની વસ્તુઓમાં અપ્રામાણિક છે તે મોટી વસ્તુઓમાં પણ અપ્રામાણિક રહેવાની. 11 જો તમે જગતનાં ધન સંબંધી અવિશ્વાસુ હશો તો ખરા ધન (સ્વર્ગીય) માટે તમારો વિશ્વાસ કેવી રીતે રાખી શકાય 12 અને જો તમે બીજાની માલિકીની સંપત્તિ સંબંધી વિશ્વાસુ ન રહો તો તમને તમારુંજે છે તે કેવી રીતે સોંપી શકાય 13 “કોઈ પણ ચાકર એક સાથે એક જ સમયે બે ધણીઓની સેવા કરી શકે નહિ. તે ચાકર એક ધણીનો તિરસ્કાર કરશે અને બીજા ધણીને પ્રેમ કરશે અથવા તે એક ધણીને વફાદાર રહેશે અને બીજાની પરવા કરશે નહિ. તમે એક સાથે દેવ અને ધન બંનેની સેવા કરી શકો નહિ.” 14 ફરોશીઓ આ બધી વાતો ધ્યાનથી સાંભળતા હતા. ફરોશીઓએ ઈસુની ટીકા કરી કારણ કે તેઓ પૈસાને ચાહતા હતા. 15 ઈસુએ ફરોશીઓને કહ્યું, “તમારી જાતને તમે લોકો સામે સારી દેખાડો છો. પણ દેવ જાણે છે કે ખરેખર તમારા હ્રદયમાં શું છે જે કંઈ લોકોની દષ્ટિએ મહત્વનું છે તે દેવની આગળ તો ધિક્કારને પાત્ર છે. 16 “લોકોએ મૂસાના નિયમો અને પ્રબોધકોના ઉપદેશો પ્રમાણે જીવવું જોઈએ. એવું દેવે ઈચ્છયું. પણ યોહાન બાપ્તિસ્ત આવ્યો તે સમયથી દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવી રહી છે. ઘણા લોકો દેવના રાજ્યમાં પ્રવેશવા ખૂબ પ્રયત્નો કરી રહ્યાં છે. 17 આકાશ અને પૃથ્વી માટે જતાં રહેવું વધારે સરળ છે પરંતુ શાસ્ત્રની એક પણ માત્રા બદલી શકાશે નહિ” 18 “જો કોઈ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને બીજી કોઈ સ્ત્રીને પરણે છે, તે વ્યભિચારના પાપ માટે દોષિત છે. અને કોઈ માણસ છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.” 19 ઈસુએ કહ્યું, “એક ધનવાન માણસ હતો જે હંમેશા સૌથી સુંદર વસ્ત્રો પહેરતો. તે એટલો ધનવાન હતો કે રોજ ખૂબ વૈભવવિલાસ અને મિજબાનીઓ રાખવા સમર્થ હતો. 20 ત્યાં લાજરસ નામનો ખૂબ ગરીબ માણસ પણ હતો. લાજરસના આખા શરીર પર ફોલ્લા હતા. લાજરસ વારંવાર તે ધનવાન માણસના દરવાજા આગળ પડ્યો રહેતો. 21 ધનવાન માણસના મેજ પરથી ખાતાં ખાતાં નીચે પડેલા ટુકડાઓ ખાઇને પોતાની ભૂખ સંતોષતો. કૂતરા પણ આવતા અને તેના ફોલ્લા ચાટતા. 22 “પછીથી લાજરસ મૃત્યુ પામ્યો. દૂતોએ લાજરસને લઈને ઈબ્રાહિમની ગોદમાં મૂક્યો. તે ધનવાન માણસ પણ મૃત્યુ પામ્યો. અને તેને દાટવામાં આવ્યો. 23 તેને હાદેસમાં મોકલવામાં આવ્યો અને ત્યાં ઘણી પીડા ભોગવવી પડી. તે ધનવાન માણસે દૂરથી ઈબ્રાહિમને લાજરસ સાથે જોયો. 24 તેણે બૂમ પાડી, ‘ઈબ્રાહિમ બાપ, મારા પર દયા કર. લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે; કારણ કે હું આગમાં પીડા ભોગવી રહ્યો છું. 25 “પણ ઈબ્રાહિમે કહ્યું; દીકરા, યાદ કર જ્યારે તું જીવતો હતો ત્યારે તારી પાસે જીવનમાં બધી જ સારી વસ્તુઓ હતી. પણ લાજરસના જીવનમાં તો બધું જ ખરાબ હતું. હવે લાજરસ અહીં દિલાસો પામે છે, અને તું પીડા ભોગવે છે. 26 તદુપરાંત અમારી અને તારી વચ્ચે એક મોટી ખાઈ છે. કોઈ માણસ તેને ઓળંગીને તને મદદ કરવા આવી શકશે નહિ. અને કોઈ વ્યક્તિ ત્યાંથી અહી અમારી બાજુ આવી શકશે નહિ.’ 27 “ધનવાન માણસે કહ્યું, ‘પછી કૃપા કરીને પિતા ઈબ્રાહિમ, લાજરસને મારા પિતાને ઘરે પૃથ્વી પર મોકલ. 28 મારે પાંત ભાઈઓ છે. લાજરસ મારા ભાઈઓને ચેતવણી આપી શકે, જેથી તેઓને આ વેદનાની ભૂમિ પર આવવું ના પડે.’ 29 “પણ ઈબ્રાહિમે કહ્યું, ‘તેઓની પાસે મૂસાનો નિયમ અને પ્રબોધકોના લખાણો વાંચવા માટે છે. તેમને તેમાંથી શીખવા દે.’ 30 “પરંતુ ધનવાન માણસે કહ્યું; ના ઈબ્રાહિમ બાપ! જો કોઈ મરણ પામેલામાંથી તેઓની પાસે આવે, તો તેઓ વિશ્વાસ કરશે અને પસ્તાવો કરશે. 31 “પણ ઈબ્રાહિમે તેને કહ્યું; ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.”‘

17:1 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “લોકો પાપ કરે એવી ઘટનાઓ તો બનવાની જ. પણ જે માણસો દ્ધારા એ ઘટનાઓ બને છે તેને અફસોસ છે. 2 જો કોઈ નિર્બળ માણસોમાંના કોઈ એકને પાપમાં નાખે તો તે માણસ માટે અફસોસ છે. તે કરતાં તેની કોટે ઘંટીનું પડ બાંધીને તેને સાગરમાં ડૂબાડવામાં આવે તે તેને માટે વધારે સારું છે. 3 તેથી સાવધાન રહો!“જો તારો ભાઈ પાપ કરે તો તેને કહે કે તે ખોટો છે. પણ તે જો દુ:ખ વ્યક્ત કરે અને પાપ કરવાનું બંધ કરે તો તેને માફ કર. 4 જો તારો ભાઈ દિવસમાં સાત વાર કંઈ ખોટું કરે, અને દરેક વખતે તારી પાસે પાછો આવે અને કહે કે, હું દિલગીર છું. તો તું તેને માફ કર. 5 પ્રેરિતોએ પ્રભુને કહ્યું, “અમારો વિશ્વાસ વધાર!” 6 પ્રભુએ કહ્યું, “જો તમને રાઇના દાણા જેટલો વિશ્વાસ હોય તો તને આ ગુલ્લર ઝાડને કહેતા કે તું ઊખડીને સમુદ્ધમાં રોપાઇ જા!” અને તે ઝાડ તમારું માનત. 7 “ધારો કે તમારામાંના કોઈ એક પાસે નોકર છે કે જે ખાતરમાં કામ કરે છે. નોકર ખેતરમાં જમીન ખેડતો અથવા ઘેટાંની સંભાળ રાખતો હોય છે. જ્યારે તે કામ પરથી આવે છે, ત્યારે તમેે તેને શું કહેશો? તમે તેને કહેશો કે, ‘અંદર આવ અને જમવા માટે બેસી જા?’ 8 ના! તમે તમારા નોકરને કહેશો, મારા માટે કંઈક ખાવાનું તૈયાર કર. પછી કપડાં પહેર અને મારી સેવા કર. જ્યારે હું ખાવા પીવાનું પુરું કરું પછી તું ખાજે. 9 નોકર તેનું રોજીંદુ કામ કરવા માટે કોઈ વિશિષ્ટ મહેરબાની પ્રાપ્ત કરતો નથી. તેના માલીકે તેને જે કરવાનું કહેલું તે જ ફક્ત તે કરે છે. 10 તમારી સાથે એવું જ છે. જ્યારે તમને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે જ બધું તમે કર્યુ છે ત્યારે તમારે કહેવું જોઈએ, “અમે ફક્ત અમારે જે કામ કરવાનું હતું તે જ કર્યું છે, અમે ખાસ મહેરબાનીને લાયક નથી.” 11 ઈસુ યરૂશાલેમમાં મુસાફરી કરતો હતો. તે ગાલીલમાં થઈને સમરૂન ગયો. 12 તે એક નાના ગામમાં તેને દશ માણસો મળ્યા હતા. આ માણસો ઈસુની નજીક આવ્યા નહિ, કારણ કે તે બધા રક્તપિત્તિયા હતા. 13 પણ તે માણસોએ ઘાંટો પાડીને કહ્યું, “ઈસુ! સ્વામી! કૃપા કરી અમને મદદ કર!” 14 જ્યારે ઈસુએ માણસોને જોયા, તેણે કહ્યું કે, “જાઓ તમે તમારાં શરીરને યાજકોને દેખાડો.”જ્યારે દશ માણસો યાજકો પાસે જતા હતા ત્યારે, તેઓ સાજા થયા. 15 જ્યારે તેઓના એક માણસે જોયું કે તે સાજો થયો હતો, તે ઈસુ પાસે પાછો ગયો. તેણે મોટા અવાજે દેવની સ્તુતિ કરી. 16 તે ઈસુના પગમાં પડ્યો. તે માણસે ઈસુનો આભાર માન્યો. (તે માણસ સમરૂની હતો યહૂદિ નહિ.) 17 ઈસુએ ઉત્તર આપ્યો, “દશ માણસો સાજા થયા હતા; બીજા નવ ક્યાં છે? 18 દેવનો આભાર માનવા આવનાર આ વિદેશી સમરૂની માણસ જ પાછો આવ્યો?” 19 પછી ઈસુએ તેને કહ્યું, “ઊભો થા, તું જઇ શકે છે. તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.” 20 કેટલાએક ફરોશીઓએ ઈસુને પૂછયું, “દેવનું રાજ્ય ક્યારે આવશે?”ઈસુએ ઉત્તર આપ્યો, “દેવનું રાજ્ય આવે છે પણ તમે તમારી આખો વડે જોઈ શકો તે રીતે નહિ. 21 લોકો કહેશે નહિ, “જુઓ, અહી દેવનું રાજ્ય છે! અથવા ત્યાં તે છે!” ના, દેવનું રાજ્ય તો તમારામાં છે.” 22 પછી ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “એવો સમય આવશે કે જ્યારે માણસના દીકરાના દિવસોમાંના એકને તમે જોવા ઈચ્છશો પણ તમે જોઈ શકશો નહિ.” 23 લોકો તમને કહેશે, “જુઓ ત્યાં તે છે! જુઓ, અહીં તે છે! તમે જ્યાં છો ત્યાં જ રહો; દૂર જશો ના અને શોધશો ના.” 24 “જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે તમે તે જાણી શકશો. જે દિવસે તે આવશે ત્યારે તે આકાશમાં વીજળીના ઝબકારાની જેમ પ્રકાશસે. 25 પણ તે પહેલા માણસના દીકરાને ઘણું સહન કરવું પડશે અને આ પેઢીના લોકો દ્ધારા તેનું મરણ થશે. 26 “જેમ નૂહના દિવસોમાં થયું તેમ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. 27 નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો. 28 “લોતના સમય દરમ્યાન પણ એમ જ થયું, જ્યારે દેવે સદોમનો નાશ કર્યો ત્યાં સુધી પેલા લોકો ખાતા, પીતા, ખરીદતા, વેચતા, રોપતા, અને તેઓના માટે મકાનો બાંધતા હતાં. 29 જ્યારે લોતે શહેર છોડ્યું ત્યારે તે દિવસે પણ લોકો આ બધું કરતા હતા. પછી આકાશમાંથી અજ્ઞિવર્ષા થઈ અને ગંધકનો વરસાદ થયો અને બધાનો નાશ થયો. 30 જે દિવસે માણસનો દીકરો ફરીથી આવશે ત્યારે પણ એમ જ બનશે. 31 “તે દિવસે જો માણસ ધાબા પર હોય તો તેની પાસે અંદર જઇને સામાન લેવાનો પણ સમય નહિ હોય. જો માણસ ખેતરમાં હોય તો તે પાછો ઘરે જઇ શકશે નહિ. 32 યાદ કરો, લોતની પત્નીનું શું થયું? 33 “જે માણસ પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે, તે જીવ ગુમાવશે અને જે કોઈ માણસ તેનો જીવ આપશે, તે બચાવી શકશે. 34 જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે.” 36 37 શિષ્યોએ ઈસુને પૂછયું, “પ્રભુ! આ ક્યાં થશે?ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં મડદું હોય, ત્યાં ગીધો પણ એકઠાં થશે.”

18:1 પછી ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે તેઓએ હંમેશા પ્રાર્થના કરવી જોઈએ અને કદાપિ આશા ગુમાવવી જોઈએ નહિ. ઈસુએ તેઓને શીખવવા એક વાર્તાનો ઉપયોગ કર્યો: 2 “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવની પરવા કરતો નહિ. ન્યાયાધીશ પણ લોકો તેના વિષે શું વિચારે છે તેની ચીંતા કરતો નહિ. 3 તે જ ગામમાં એક સ્ત્રી હતી, તેના પતિનું અવસાન થએલ હતું. તે સ્ત્રી ઘણીવાર આ ન્યાયાધીશ પાસે આવતી અને કહેતી કે, “એક માણસ મારું ખરાબ કરી રહ્યો છે, મને મારા હક્કો અપાવ.” 4 પરંતુ ન્યાયાધીશ તે સ્ત્રીને મદદ કરવા ઈચ્છતો ન હતો. લાંબા સમય પછી ન્યાયાધીશે તેની જાતે વિચાર્યુ, ‘હું દેવથી ડરતો નથી અને લોકો શું વિચારે છે તેની પણ પરવા કરતો નથી. 5 પણ આ સ્ત્રી મને તકલીફ આપે છે. જો હું તેને જે જોઈએ છે તે આપીશ તો તે મારો પીછો છોડશે. પણ જો હું તેને જે જોઈએ છે તે નહિ આપુ તો હું માંદો પડીશ ત્યાં સુધી તે મને તકલીફ કરશે!”‘ 6 પ્રભુએ કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, અન્યાયી ન્યાયાધીશે જે કહ્યું તેનો પણ અર્થ છે. 7 દેવના લોકો તેને રાત દિવસ બૂમો પાડે છે. દેવ હંમેશા તેના લોકોને જે સાચું છે તે હંમેશા આપશે. દેવ તેના લોકોને ઉત્તર આપવામાં ઢીલ કરશે નહિ. 8 હું તમને કહું છું, દેવ જલ્દીથી તેના લોકોની મદદ કરશે! તે તમને બહુ જ જલ્દીથી આપશે! પણ જ્યારે માણસનો દીકરો ફરીથી આવશે, ત્યારે તેનામાં વિશ્વાસ હોય એવા લોકો તેને પૃથ્વી પર જડશે?” 9 ત્યાં કેટલાએક લોકો હતા તેઓ વિચારતા કે તેઓ ઘણા સારા છે. આ લોકો એવી રીતે વર્તતા કે જાણે તેઓ બીજા લોકો કરતાં વધારે સારા છે. ઈસુએ આ વાર્તાનો ઉપયોગ તેઓને શીખવવા માટે કર્યો. 10 એક વખત બે જણા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા. એક ફરોશી હતો તે અને બીજો કર ઉઘરાવનાર હતો. 11 ફરોથી કર ઉઘરાવનારથી દૂર ઊભો રહ્યો. જ્યારે ફરોશીએ તેની પ્રાર્થનામાં કહ્યું કે, “ઓ દેવ, હું બીજા લોકો જેટલો ખરાબ નથી, તે માટે તારો આભાર માનું છું. હું ચોરી કરનાર, છેતરનારા કે વ્યભિચાર કરનારા માણસો જેવો નથી. હું કર ઉઘરાવનાર અધિકારી કરતાં વધારે સારો છું તે માટે તારો આભારમાનું છું. 12 હું સારો છું, હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું, અને મારી બધી કમાણીનો દશમો ભાગ આપુ છું!’ 13 “જકાત ઉઘરાવનાર પણ એકલો ઊભો રહ્યો. પણ જ્યારે એણે પ્રાર્થના કરી, ત્યારે તેણે ઊચે આકાશ તરફ જોયું પણ નહિ. દાણીએ છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ દેવ, મારા પર દયા કર, હું એક પાપી છું!’ 14 હું તમને કહું છું, જ્યારે આ માણસ તેની પ્રાર્થના પૂરી કરીને ઘરે ગયો, તે દેવ પાસે ન્યાયી હતો. પણ તે ફરોશી જે પોતાને બીજા કરતા વધારે સારો સમજતો હતો તે દેવ પાસે ન્યાયી ઠર્યો નહોતો. પ્રત્યેક વ્યક્તિ પોતાની જાતને મહત્વની બનાવે છે તેને નીચી કરવામાં આવશે. પણ જે વ્યકિત પોતાની જાતને નીચી કરે છે તે માનવંતી બનાવાશે.” 15 કેટલાએક લોકો તેમનાં નાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યા જેથી ઈસુ તેઓનેં સ્પર્શ કરી શકે. પણ જ્યારે શિષ્યોએ આ જોયું ત્યારે તેઓએ લોકોને આમ નહિ કરવા કહ્યું. 16 પણ ઈસુએ તે નાના બાળકોને તેની પાસે બોલાવ્યા અને તેના શિષ્યોને કહ્યું, “નાનાં બાળકોને મારી પાસે આવવા દો. તેઓને અટકાવશો નહિ, કારણ કે દેવનું રાજ્ય જે આ નાનાં બાળકો જેવા છે તેઓના માટે છે. 17 હું તમને સાચું કહું છું, કે, જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે, તે તેમાં નહિ જ પેસશે!” 18 એક યહૂદિ અધિકારીએ ઈસુને પૂછયું કે, “ઉત્તમ ઉપદેશક, મારે અનંત જીવન પ્રાપ્ત કરવા શું કરવું જાઇએ?” 19 ઈસુએ તેને કહ્યું કે, “તું મને શા માટે ઉત્તમ કહે છે? ફક્ત દેવ જ ઉત્તમ છે. 20 છતાં હું તારા પ્રશ્રનો ઉત્તર આપીશ. તું દેવની આજ્ઞાઓ જાણે છે: ‘તારે વ્યભિચારનું પાપ કરવું જોઈએ નહિ, તારે કોઈનું ખૂન કરવું જોઈએ નહિ, તારે કશું ચોરવું જોઈએ નહિ, તારે બીજા લોકોને ખાટી સાક્ષી આપવી જોઈએ નહિ. તારે તારા માતા પિતાને માન આપવું જોઈએ....’“ 21 પણ તેણે કહ્યું કે, “હું નાનો બાળક હતો ત્યારથી આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું!” 22 જ્યારે ઈસુએ આ સાંભળ્યું. ત્યારે તેણે તે અધિકારીને કહ્યું કે, “હજુ તારે એક વસ્તુ વધારે કરવાની જરૂર છે તારી પાસે જે કંઈ બધું છે તે વેચી દે અને પૈસા ગરીબ લોકોને આપી દે. આકાશમાં તને તેનો બદલો મળશે. પછી આવ અને મને અનુસર!” 23 પણ જ્યારે તે માણસે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો દિલગીર થયો. તે માણસ ઘણો ધનવાન હતો અને તેની પાસે પૈસા રાખવા ઈચ્છતો હતો. 24 જ્યારે ઈસુએ જોયું કે તે માણસ દિલગીર થયો છે ત્યારે તેણે કહ્યું, “ધનવાન માણસ માટે દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે! 25 ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે પણ ધનવાનોને દેવના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે.” 26 જ્યારે લોકોએ આ સાંભળ્યું, તેઓએ કહ્યું, “તો પછી કોનું તારણ થશે?” 27 ઈસુએ ઉત્તર આપ્યો, “માણસો માટે જે કરવું અશક્ય છે તે બાબત દેવ કરી શકે છે!” 28 પિતરે કહ્યું કે, “જુઓ, અમે અમારી પાસે જે બધું હતું તેનો ત્યાગ કરીને તારી પાછળ આયા છીએ!” 29 ઈસુએ કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, દેવના રાજ્ય માટે દરેક વ્યક્તિ જે પોતાના ઘરનો, પત્નીનો, ભાઈઓનો, માતાપિતા અને બાળકોનો ત્યાગ કરશે, તે 30 તેણે જે ત્યાગ કર્યો છે તે ઉપરાંત ઘણું વધારે પ્રાપ્ત કરશે. તે માણસ આ જીવનમાં અનેકગણું મેળવશે. અને તે માણસ મૃત્યુ પામે, પછી તે દેવ સાથે સદાને માટે રહેશે.” 31 પછી ઈસુએ બાર પ્રેરિતો સાથે એકલા વાત કરી. ઈસુએ તેઓને કહ્યું કે, “ધ્યાનથી સાંભળો! આપણે યરૂશાલેમ જઇએ છીએ. દેવે પ્રબોધકોને જે કંઈ માણસના દીકરા વિષે લખવાનું કહ્યું હતું તે બનશે! 32 તેના લોકો તેના વિરોધી બનશે. અને તેને બીનયહૂદિ લોકોને સ્વાધીન કરશે. લોકો તેની મશ્કરી કરશે, તેને અપમાનિત કરશે અને તેની પર થૂંકશે. 33 તેઓ તેને કોરડા મારશે અને પછી મારી નાખશે. પણ તેના મૃત્યુ પછી ત્રીજા દિવસે તે સજીવન થઈને ઊઠશે.” 34 શિષ્યોએ આ સમજવા પ્રયત્ન કર્યો, પણ તેઓ તમજી શક્યા નહિ, તેનો અર્થ તેઓનાથી ગુપ્ત રહ્યો. 35 ઈસુ યરેખોના શહેર નજીક આવ્યો. ત્યાં રસ્તાની બાજુએ એક આંધળો માણસ બેઠો હતો. આંધળો માણસ પૈસા માટે લોકો પાસે ભીખ માંગતો હતો. 36 જ્યારે આ માણસે રસ્તા પરથી પસાર થતાં લોકોનો અવાજ સાંભળ્યો, તેણે પૂછયું, શું થઈ રહ્યું છે?” 37 લોકોએ તેને કહ્યું કે, “નાસરેથનો ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે.” 38 આંધળો માણસ ઉત્સાહમાં આવી ગયો અને બોલ્યો કે, “ઈસુ, દાઉદના દીકરા! કૃપા કરીને મને મદદ કર!” 39 જે લોકો આગળ હતા અને સમૂહને દોરતા હતા તેઓએ આંધળા માણસની ટીકા કરી. તેઓએ તેને શાંતિ જાળવવા કહ્યું, પણ ઔંધળો માણસ વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો, “દાઉદના દીકરા! મને મદદ કર!” 40 ઈસુ ત્યાં થોભી ગયો અને બોલ્યો, “પેલા આંધળા માણસને મારી પાસે લાવ!” જ્યારે આંધળો માણસ નજીક આવ્યો, ઈસુએ તેને પૂછયું કે, 41 “તારી ઈચ્છા મારી પાસે શું કરાવવાની છે?”આંધળા માણસે કહ્યું કે, “પ્રભુ, મારે ફરીથી દેખતા થવું છે.” 42 ઈસુએ તેને કહ્યું કે, “જો! તું સાજો થઈ ગયો છે કારણ કે તને વિશ્વાસ છે.” 43 પછી તે માણસ જોઈ શક્યો. તે માણસ ઈસુની પાછળ દેવનો મહિમા પ્રગટ કરતો કરતો ગયો. બધા લોકો જેઓએ આ જોયું તેઓએ આ જે કંઈ બન્યું છે તે માટે દેવની આભારસ્તુતિ કરી.

19:1 ઈસુ યરેખોના શહેરમાં થઈને જતા હતો. 2 યરેખોમાં જાખ્ખી નામનો માણસ રહેતો હતો. તે ઘણો શ્રીમંત અને કર ઉઘરાવનાર મુખ્ય માણસ હતો. 3 તેણે પણ ઈસુને જોવાની ઈચ્છા હતી. ત્યાં બીજા ઘણા લોકો હતા તેઓની ઈચ્છા પણ ઈસુને જોવાની હતી. જાખ્ખી એટલો ઠીંગણો હતો કે લોકોની ભીડમાં જોઈ શકતો નહિ. 4 તેથી ઈસુ જે જગ્યાએ આવવાનો હતો તે જાણીને તે ત્યાં દોડી ગયો. પછી જાખ્ખી એક ગુલ્લરના ઝાડ પર ચડ્યો જેથી તે ઈસુને જોઈ શકે. 5 જ્યારે ઈસુ તે જગ્યાએ આવ્યો ને ઊચે જોયું તો ત્યાં ઝાડ પર જાખ્ખીને જોયો. ઈસુએ તેને કહ્યું કે, “જાખ્ખી, જલદી નીચે આવ! હું આજે તારે ઘેર રહેવાનો છું.” 6 પછી જાખ્ખી જલ્દી નીચે આવ્યો. ઈસુને તેને ઘેર આવકારીને તે ખુશ થયો. 7 બધા લોકોએ આ જોયું. તેઓએ ફરિયાદ કરવાની શરુંઆત કરી. “જુઓ, ઈસુ કેવા માણસ સાથે રહે છે. જાખ્ખી એક પાપી છે!” 8 જાખ્ખીએ પ્રભુને કહ્યું, “હું સારું કરવા ઈચ્છું છું. હું મારી સંપત્તિનો અડધો ભાગ ગરીબોને આપીશ. જો કોઈ વ્યક્તિને છેતરી હશે તો હું તેને ચારગણું વધારે પાછું આપીશ!” 9 ઈસુએ કહ્યું કે, “આ એક સજ્જન માણસ છે. સાચે જ તે ઈબ્રાહિમના પરિવારનો છે. તેથી આજે જાખ્ખીનું તેનાં પાપોમાંથી તારણ થયું છે! 10 માણસનો દીકરો ખોવાયેલા માણસોને શોધવા અને તેઓને તારવા આવ્યો છે.” 11 ઈસુ યરૂશાલેમ પાસે ફરી મુસાફરી કરીને આવ્યો. કેટલાએકે વિચાર્યુ કે દેવનું રાજ્ય જલ્દી પ્રગટ થશે. 12 ઈસુએ લોકોનો આ વિચાર જાણ્યો. તેથી તેણે તેઓને આ વાર્તા કહેવાની ચાલુ રાખી. “એક કુલીન માણસ પોતાના માટે રાજ્ય મેળવીને રાજા બનવા માટે પાછો આવવા દૂર દેશમાં ગયો. પછી તે માણસે પોતાને ઘરે પાછા ફરીને તેના લોકો પર શાસન કરવા માટે યોજના કરી. 13 પછી તેણે પોતાના ચાકરોમાંથી દસ જણને બોલાવ્યા. તેણે દરેક ચાકરને પૈસાની થેલી આપી. તે માણસે કહ્યું કે, ‘હું પાછો આવું ત્યાં સુધી આ પૈસા વડે વ્યાપાર કરો.’ 14 પણ રાજ્યના લોકો તે માણસને ધિક્કારતા હતા. તેથી લોકોએ એક સમૂહને તે માણસની પાછળ બીજા દેશમાં મોકલ્યા. બીજા દેશમાં આ સમૂહે કહ્યું કે, ‘અમે આ માણસ અમારો રાજા થાય એમ ઈચ્છતા નથી!’ 15 “પરંતુ તે માણસ રાજા થયો. જ્યારે તે ઘેર પાછો ફર્યો, તેણે કહ્યું, ‘જે ચાકરો પાસે મારા પૈસા હતા તેઓને બોલાવો. હું જાણવા માગું છું કે તે પૈસા વડે તેઓ કેટલું વધારે કમાયા.’ 16 પહેલા ચાકરે આવીને કહ્યું, ‘સાહેબ, તેં મને આપેલી એક થેલી વડે હું દશ થેલી પૈસાકમાયો!’ 17 રાજાએ ચાકરને કહ્યું, ‘સરસ! તું મારો ચાકર છે. હું જોઈ શકું છું કે હું નાની વસ્તુઓ માટે તારો વિશ્વાસ કરી શકું. તેથી મારા શહેરોમાંથી દશ શહેરો પર તારો અધિકાર રહેશે!’ 18 “બીજો ચાકર આવ્યો અને કહ્યું કે; ‘સાહેબ, તારી પૈસાની એક થેલીમાંથી હું પાંચ થેલી કમાયો.’ 19 રાજાએ આ ચાકરને કહ્યું, ‘તું પાંચ શહેરોનો અધિકારી થઈ શકીશ.’ 20 “પછી બીજો એક ચાકર અંદર આવ્યો અને રાજાને કહ્યું કે, ‘સાહેબ, આ રહી તારી પૈસાની થેલી. મેં તેને કપડાંના ટુકડામાં લપેટીને છુપાવી રાખી હતી. 21 મને તારી બીક લાગતી હતી કારણ કે તું શક્તિશાળી છે. હું જાણું છું કે તું બહું કડક છે. તું જે તારું નથી તે પણ માગી લે છે; અને જ્યાં તેં વાવ્યું નથી તેની ફસલ લણી લે તેવો છે.’ 22 “પછી રાજાએ તે ચાકરને કહ્યું કે, ‘તું ખરાબ ચાકર છે, હું તારા જ શબ્દો તારા તિરસ્કાર માટે વાપરીશ. તેં કહ્યું, કે, ‘હું એક કડક માણસ છું. તેં કહ્યું કે હું જે કમાયો નથી તે પૈસા પણ લઈ લઉં છું. અને ફસલ જે મેં ઉગાડી નથી તે હું ભેગી કરું છું. 23 જો તે સાચું હોય તો, તેં મારા પૈસા સાહુકારને ત્યાં (બેંકમાં) મૂક્યા હોત. પછી હું જ્યારે પાછો આવું ત્યારે, મારા પૈસાનું થોડું વ્યાજ મળ્યું હોત. 24 પછી જે માણસો ત્યાં ઊભા હતા તેઓને રાજાએ કહ્યું કે, ‘આ ચાકર પાસેથી પૈસાની થેલી લઈ લો અને જે ચાકર પૈસાની દશ થેલી કમાયો છે તેને તે આપો.’ 25 “તે માણસોએ રાજાને કહ્યું કે, ‘પણ સાહેબ, તે ચાકર પાસે પૈસાની થેલી તો અત્યારે જ છે!’ 26 “રાજાએ કહ્યું કે, જે માણસ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરે છે તે વધારે મેળવે છે. પણ જે વ્યક્તિ એની પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કરતો નથી. તેની પાસેથી બધું જ લઈ લેવામાં આવે છે. 27 હવે મારા દુશ્મનો ક્યાં છે? ક્યાં છે એ લોકો જે હું તેઓનો રાજા થાઉં તેમ તેઓ ઈચ્છતા નહોતા? મારા દુશ્મનોને અહી લાવો અને તેઓને મારી નાખો. હું તેઓને મરતા જોઈશ! 28 આ બાબતો કહ્યા પછી ઈસુએ યરૂશાલેમ તરફની મુસાફરી ચાલું રાખી. 29 ઈસુ બેથફગે તથા બેથાનીયા શહેર પાસે જૈતૂન નામના પહાડ નજીક આવ્યો. ઈસુએ તેના બે શિષ્યોને મોકલ્યા. 30 તેણે કહ્યું કે, “તમે ત્યાં જે શહેર જુઓ છો ત્યાં જાઓ, જ્યારે તમે શહેરમાં પ્રવેશસો તો તમે એક (ગધેડાનું) વછેરું ત્યાં બાધેલું જોશો. આ વછેરા પર કોઈએ કદાપિ સવારી કરી નથી. વછેરાને છોડીને મારી પાસે લઈ આવો. 31 જો કોઈ વ્યક્તિ તમને પૂછે કે તમે વછેરાને શા માટે લઈ જાઓ છો. તમારે કહેવું, ‘પ્રભુને આ વછેરાની જરૂર છે.”‘ 32 બે શિષ્યો શહેરમાં ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે જ તેઓને વછેરું મળ્યું. 33 શિષ્યોએ વછેરાને છોડ્યું. પણ વછેરાના માલિકો બહાર આવ્યા. તેઓએ શિષ્યોને કહ્યું કે, “તમે અમારા વછેરાને શા માટે છોડો છો?” 34 શિષ્યોએ ઉત્તર આપ્યો કે, “પ્રભુને તેની જરુંર છે.” 35 તેથી ઈસુની પાસે તે શિષ્યો વછેરાને લાવ્યા. શિષ્યોએ વછેરાની પીઠ પર તેઓનાં લૂગડાં મૂક્યા. પછી તેઓએ ઈસુને વછેરા પર બેસાડ્યો. 36 ઈસુએ યરૂશાલેમના રસ્તે વછેરા પર સવારી કરી. શિષ્યો ઈસુની આગળ પોતાના લૂગડાં રસ્તા પર પાથરતાં હતા. 37 ઈસુ યરૂશાલેમની નજીક આવતો હતો. તે લગભગ જૈતૂનના પહાડની તળેટી નજીક આવ્યો હતો. શિષ્યોનો આખો સમૂહ ખુશ હતો. તેઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેઓએ દેવની સ્તુતિ કરી. તેઓએ બધાજ પરાક્રમો જોયા હતા તે માટે દેવની સ્તુતિ કરી. 38 તેઓએ કહ્યું કે, “પધારો; પ્રભુના નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!” ગીતશાસ્ત્ર 118:26“આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાઓ!” 39 કેટલાએક ફરોશીઓ જે ટોળામાં હતાં તેઓએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, તારા શિષ્યોને કહે કે આવી વાતો ના ઉચ્ચારે!” 40 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું તમને કહું છું, આ બાબતો કહેવાવી જોઈએ. જો મારા શિષ્યો આ નહિં કહે તો આ પથ્થરો તેઓને બૂમો પાડીને કહેશે.” 41 ઈસુ યરૂશાલેમ પાસે આવ્યો. તેણે શહેર જોયું અને તે માટે રૂદન કર્યુ. 42 ઈસુએ યરૂશાલેમને કહ્યું કે, “હું ઈચ્છું છું કે તેં આજે શાંતિ શાના વડે લાવી શકાય તે જાણ્યું હોત. પણ તેં તે જાણ્યું નથી કારણ કે તે તમારાથી ગુપ્ત રખાયેલ છે. 43 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે તારા દુશ્મનો તારી આજુબાજુ દીવાલ બાંધશે અને તને દુશ્મનો ચારે બાજુથી ઘેરી લેશે. તેઓ તને સપડાવશે અને પકડશે. 44 તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ. જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ.” 45 ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી. 46 ઈસુએ કહ્યું કે, “શાસ્ત્રોમાં લખ્યું છે કે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે.’પરંતુ તમે તેને ચોરોને છુપાવા માટેનો અડ્ડો બનાવી દીધું છે.”‘ 47 ઈસુ રોજ મંદિરમાં ઉપદેશ આપતો હતો. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. 48 પણ બધાજ લોકો ઈસુને નજીકથી એકાગ્રતાથી સાંભળતા હતા. ઈસુ જે કહેતો તેમાં તેઓને ખુબ રસ હતો. તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા લોકોના મુખીઓને તેને કેવી રીતે મારી નાખવા શું કરવું તે સૂઝતુ ન હતું.

20:1 એક દિવસ ઈસુ મંદિરમાં હતો. તે લોકોને બોધ આપતો હતો. ઈસુ દેવના રાજ્ય વિષેની સુવાર્તા લોકોને કહેતો હતો. ત્યારે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વૃદ્ધ યહૂદિ આગેવાનો પણ ઈસુ સાથે વાત કરવા આવ્યા. 2 તેઓએ કહ્યું કે, “અમને કહે! કયા અધિકારથી તું આ વસ્તુઓ કરે છે? આ અધિકાર તને કોણે આપ્યો?” 3 ઈસુએ ઉત્તર આપ્યો કે, “હું પણ તમને એક પ્રશ્ર પૂછીશ; મને કહો; 4 જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે આકાશમાંથી આવ્યું હતુ કે માણસોમાંથી?” 5 યાજકો, શાસ્ત્રીઓ, યહૂદિ આગેવાનો બધા આ અંગે વાતો કરવા લાગ્યા. તેઓ એકબીજાને કહેવા લાગ્યા. “જો આપણે ઉત્તર આપીશું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવથી થયુ હતુ તો એ કહેશે, તો તમે શા માટે યોહાનને માનતા નથી?’ 6 પણ જો આપણે કહીએ કે, “યોહાનનું બાપ્તિસ્મા માણસથી થયું હતુ તો પછી બધા લોકો આપણને પથ્થરોથી મારી નાખશે. કારણ કે તેઓ માને છે કે યોહાન એક પ્રબોધક હતો.” 7 તેથી તેઓએ ઉત્તર આપ્યો કે, “અમે ઉત્તર જાણતા નથી.” 8 તેથી ઈસુએ તેઓને કહ્યું કે, “તો હું તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ કામો કરું છું. 9 પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી, “એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી. કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો. 10 થોડા સમય પછી દ્ધાક્ષની ફસલનો સમય આવ્યો. તેથી તે માણસે પેલા ખેડૂતો પાસે એક ચાકરને મોકલ્યો, જેથી તેઓ તેને તેના ભાગની દ્ધાક્ષ આપે. પણ તે ખેડૂતોએ ચાકરને માર્યો અને કંઈ પણ આપ્યા વિના કાઢી મૂક્યો. 11 તેથી તે માણસે બીજા એક ચાકરને મોકલ્યો. ખેડૂતોએ આ ચાકરને પણ માર્યો. તેઓએ તેનું સહેજ પણ માન રાખ્યું નહિ. તે ખેડૂતોએ તે ચાકરને કાંઇ આપ્યા વિના કાઢી મૂક્યો. 12 તેથી માણસે ત્રીજા સેવકને ખેડૂતો પાસે મોકલ્યો, ખેડૂતોએ આ ચાકરને ખરાબ રીતે ઇજા પહોંચાડી અને તેને બહાર ફેંકી દીધો. 13 “ખેતરના માલિકે કહ્યું કે, ‘હવે હું શું કરું? હું મારા પુત્રને મોકલીશ. હું મારા પુત્રને ઘણો ચાહું છું. કદાચ ખેડૂતો મારા પુત્રને માન આપે!’ 14 જ્યારે ખેડૂતોએ પુત્રને જોયો ત્યારે તેઓએ એકબીજાને કહ્યું કે, ‘આ માલિકનો દીકરો છે. આ ખેતરો તેના થશે.’ જો આપણે તેને મારી નાખીશું ત્યાર પછી તેના ખેતરો આપણા થશે. 15 તેથી ખેડૂતોએ પુત્રને ખેતરમાંથી બહાર કાઢી મૂક્યો અને મારી નાખ્યો.“આ ખેતરનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.”લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!” 17 પરંતુ ઈસુએ તેઓની તરફ નજર કરી અને કહ્યું કે, “તો પછી આ લખાણનો શો અર્થ: ‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો. તે જ ખૂણાનું મથાળું થયો! ગીતશાસ્ત્ર 118:22 18 જે વ્યક્તિ તે પથ્થર પર પડશે તેના ટુકડા થઈ જશે અને જો તે પથ્થર તમારા પર પડશે તો તે તમને કચડી નાખશે!” 19 શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો આ વાર્તા જે ઈસુએ કહી તે સાંભળી. તેઓએ જાણ્યું કે આ વાર્તા તેઓના વિષે હતી. તેથી તેઓ તે વખતે ઈસુને પકડવા ઈચ્છતા હતા. પરંતુ લોકો કંઈ કરશે તો તેવો તેઓને ડર હતો. 20 તેથી શાસ્ત્રીઓ અને યાજકોએ ઈસુને પકડવાના યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. તેઓએ કેટલાએક માણસોને ઈસુ પાસે મોકલ્યા. તેઓએ આ માણસોને તેઓ સારા હોય તે રીતે વર્તવા કહ્યું. ઈસુ જે કંઈ કહે તેમાં કંઈક ખોટું શોધવા તેઓ ઈચ્છતા હતા, જો તેઓ કંઈ ખોટું શોધી કાઢે તો પછી તેઓ ઈસુને શાસનકર્તાને સોંપી શકે જેની પાસે સત્તા અને અધિકાર હતા. 21 તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે, કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી, તું એ જ બધા લોકોને શીખવે છે. તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે. 22 અમને કહે કે, અમારે કૈસરને કર આપવો ઉચિત છે? હા કે ના?” 23 પણ ઈસુએ જાણ્યું કે આ માણસો તેની સાથે કપટ કરી રહ્યા છે. ઈસુએ તેઓને કહ્યું કે, 24 “મને એક દીનાર સિક્કો બતાવો, સિક્કા પર કોનું નામ છે? અને તેના પર કોની છાપ છે?” તેઓએ કહ્યું કે, “કૈસરની.” 25 ઈસુએ તેઓને કહ્યું કે, “તો કૈસરની જે વસ્તુઓ હોય તે કૈસરને અને દેવની જે વસ્તુઓ છે તે દેવને આપો.” 26 તે માણસો તેના શણપણભર્યા ઉત્તરથી આશ્ચર્ય પામ્યા. તેઓ કંઈ બોલી શક્યા નહિ. તે માણસો લોકો આગળ ઈસુને ફસાવવામાં ફાવ્યા નહિ. ઈસુએ કશું કહ્યું નહિ જેથી તેઓ તેની વિરૂદ્ધ ઉપયોગ કરી શકે. 27 કેટલાએક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા. (સદૂકીઓ માને છે કે મૃત્યુ પછી પુનરુંત્થાન નથી.) તેઓએ ઈસુને પૂછયું કે; 28 “ઉપદેશક, મૂસાએ આપણા માટે લખ્યું છે કે જો પરણીત માણસ મૃત્યુ પામે અને તેની પત્નીને બાળક ના હોય તો પછી તેના ભાઈએ તે સ્ત્રીને પરણવું જોઈએ. પછી તેઓને તેના મૃત્યુ પામેલા ભાઈ માટે બાળકો થશે. 29 ત્યાં સાત ભાઈઓ હતા. પહેલો ભાઈ એક સ્ત્રીને પરણ્યો, પણ મૃત્યુ પામ્યો. તેને બાળકો ન હતાં. 30 પછી બીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. 31 અને ત્રીજો ભાઈ તે સ્ત્રીને પરણ્યો અને તે મૃત્યુ પામ્યો. આ જ ઘટના બધાજ સાતે ભાઈઓ સાથે બની. તેઓ બધા મૃત્યુ પામ્યા. અને તેઓને બાળકો ન હતા. 32 છેલ્લે મૃત્યુ પામનાર સ્ત્રી હતી. 33 પરંતુ બધા સાતે ભાઈઓ તેણીને પરણ્યા. તેથી જ્યારે મૃત્યુ પછી પુનરુંત્થનનો સમય આવશે, ત્યારે આ સ્ત્રી કોની પત્ની થશે?” 34 ઈસુએ સદૂકીઓને કહ્યું કે, “પૃથ્વી પર લોકો પરણે છે. 35 જે લોકો મૃત્યુ પછી પુનરુંત્થાન થવા માટે યોગ્ય રીતે ન્યાયી ઠરશે અને આ જીવન પછી ફરી જીવશે. તે નવા જીવનમાં તેઓ પરણશે નહિ. 36 તે જીવન દરમ્યાન લોકો દેવદૂત જેવાં હોય છે અને તેઓનું કદી મૃત્યુ થતું નથી. તેઓ દેવના બાળકો છે કારણ કે તેઓ મૃત્યુમાંથી સજીવન થાય છે. 37 મૂસાએ સ્પષ્ટ બતાવ્યું છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે. જ્યારે મૂસા બળતા ઝાડવામાં દેવ દર્શનના પ્રસંગનું વર્ણન કરે છે. ત્યારે તે પ્રભુને ‘ઈબ્રાહિમનો દેવ, ઈસહાકનો દેવ અને યાકૂબનો દેવ કહે છે.’ 38 જો દેવ કહે કે તે તેઓના દેવ છે તો પછી આ માણસો ખરેખર મૃત્યુ પામેલા નથી. તે ફક્ત જીવતા લોકોનો જ દેવ છે. બધાં જ લોકો દેવના છે તે જીવતા છે.” 39 કેટલાએક શાસ્ત્રીઓએ કહ્યું કે, “ઉપદેશક, તારો ઉત્તર ઘણો સારો છે.” 40 તે પછી વધારે પ્રશ્રો ઈસુને પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.(માથ્થી 22:41-46; માર્ક 12:35-37) 41 પછી ઈસુએ કહ્યું કે, “ખ્રિસ્ત દાઉદનો દીકરો છે એમ લોકો શા માટે કહે છે? 42 ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે: ‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: તું મારી જમણી બાજુએ બેસ, 43 અને હું તારા શત્રુંઓને તારા કબજામાં મૂકીશ.’ ગીતસાસ્ત્ર 110:1 44 જો દાઉદ ખ્રિસ્તને તેના ‘પ્રભુ’ કહે તો પછી ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે થઈ શકે?” 45 બધા લોકો ઈસુને ધ્યાનથી સાંભળતા હતા. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો. તેઓને કપડાં પહેરીને આજુબાજુ ફરીને માનવંતા દેખાડવાનું ગમે છે. બજારનાં સ્થળોએ તેઓને લોકો માન આપે તેમ તેઓ ઈચ્છે છે. તેઓ સભાસ્થાનોમાં, મુખ્ય મહત્વની બેઠકો મેળવવા ચાહે છે. તેઓ જમણવારમાં પણ મહત્વની બેઠકો ચાહે છે. 47 પણ તેઓ વિધવાઓના ઘર પડાવી લે છે. તેઓ લાંબી પ્રાર્થનાઓ કરીને તેઓની જાતે સારા દેખાવાનો પ્રયત્ન કરે છે. દેવ આ લોકોને વિશેષ શિક્ષા કરશે.”

21:1 ઈસુએ કેટલાએક ધનવાન લોકોને મંદિરમાં પૈસાની પેટીમાં દેવની ભેટો મૂકતાં જોયો. 2 પછી ઈસુએ એક ગરીબ વિધવાને જોઈ, તેણે બે નાના તાંબાના સિક્કા પેટીમાં મૂક્યા. 3 ઈસુએ કહ્યું કે, “હું તમને સાચું કહું છું, આ ગરીબ વિધવાએ ફક્ત બે નાના સિક્કા આપ્યા છે. પણ ખરેખર તો તેણે પેલા બધાજ પૈસાદાર લોકો કરતાં વધારે આપ્યું છે. 4 ધનવાન લોકો પાસે પુષ્કળ છે, તેઓએ તો ફક્ત તેમની પાસે જે વધારાનું છે તેમાંથી જ આપ્યું છે. આ સ્ત્રી ઘણી ગરીબ છે. પણ તેણે તેની પાસે હતું તે બધું જ આપ્યું છે. અને તે પૈસા તેના જીવનમાં સહાય માટે જરૂરી હતા.” 5 કેટલાએક લોકો મંદિર વિષે વાતો કરતા હતા. તેઓએ કહ્યું, “આ એક સુંદર મંદિર ઉત્તમ પથ્થરોથી બાંધેલું છે. દેવને દાનમાં અપાયેલ ઘણી સુંદર ભેટો તો જુઓ!” 6 પણ ઈસુએ કહ્યું, “સમય આવશે ત્યારે તમે જે બધું અહી જુઓ છો તેનો નાશ થશે. આ મકાનનો પ્રત્યેક પથ્થર જમીન પર પાડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ! 7 કેટલાએક શિષ્યોએ ઈસુને કહ્યું કે, “ઉપદેશક, આ વસ્તુઓ ક્યારે બનશે? આપણને કેવી રીતે ખબર પડશે કે તે થવાનો સમય આવ્યો છે?” 8 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! કોઈ તમને મુર્ખ ન બનાવે. ઘણા લોકો મારા નામે આવશે, તેઓ કહેશે, ‘હું ખ્રિસ્ત છું’ અને ‘ખરો સમય આવ્યો છે!’ પણ તમે તેઓને અનુસરશો નહિ. 9 જ્યારે તમે યુદ્ધો તથા હુલ્લડોની અફવાઓ સાંભળો ત્યારે બીશો નહિ. આ બાબતો પ્રથમ બનશે પણ તેનો અંત પાછળથી આવશે.” 10 પછી ઈસુએ તેમને કહ્યું, “એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સાથે લડશે. એક રાજ્ય બીજા રાજ્યની સામે લડશે. 11 ત્યાં મોટા ધરતીકંપ, મંદવાડ અને દુ:ખલાયક બાબતો ઘણી જગ્યાએ થશે. બીજી કેટલીક જગ્યાએ તો લોકોને ખાવા માટે ભોજન પણ નહિ હોય, ભયંકર બનાવો બનશે. આકાશમાંથી આશ્ચર્યજનક વસ્તુઓ લોકોને ચેતવણી આપવા આવશે. 12 “પરંતુ આ બધી વસ્તુઓ બનતા પહેલાં, લોકો તમને પકડશે અને તમારું અહિત કરશે. લોકો તેમની સભાસ્થાનોમાં તમારો ન્યાય કરશે. અને તમને કેદ કરશે, તમને જબરજસ્તી રાજાઓ અને શાસનકર્તાઓ સમક્ષ ઊભા રાખવામાં આવશે. તમે મને અનુસરો છો તેથી લોકો તમારી સામે આ બધું કરશે. 13 પણ આ તમને મારા વિષે કહેવાની તક આપશે. 14 બચાવ માટે તમારે શું કહેવું તેની પણ જરાય ચિંતા કરશો નહિ. 15 તમારો કોઈ પણ દુશ્મન ઉત્તર ન આપી શકે તેવુ કહેવા માટે બુદ્ધિ હું તમને આપીશ. 16 માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તારી વિરૂદ્ધ થશે. તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. 17 બધા માણસો તમને ધિક્કારશે કારણ કે તમે મને અનુસરો છો. 18 પણ આમાંની કોઈ પણ વસ્તુ તમને ખરેખર નુકશાન કરી શકશે નહિ. 19 જો તમે તમારા વિશ્વાસમાં મક્કમ રહેશો તો આ બધામાંથી તમારી જાતને બચાવી લેશો. 20 “તમે યરૂશાલેમની ચારે બાજુએ લશ્કર જોશો. પછી તમે જાણશો કે યરૂશાલેમનો વિનાશ થવાનો સમય આવ્યો છે. 21 તે વખતે યહૂદિયામાં જે લોકો છે તે પહાડોમાં નાશી જાય. જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ જલ્દી છોડી જવું. જો તમે યરૂશાલેમ નજીકના પ્રદેશમાં હો તો શહેરની અંદર જશો નહિ. 22 પ્રબોધકોએ જ્યારે દેવ તેના લોકોને શિક્ષા કરશે તે આ સમયની બાબતમાં ઘણું બધું લખ્યું છે. તે આ સમય છે. જ્યારે આ બધું પરિપૂર્ણ થાય. 23 તે વખતે જેઓ ગર્ભવતી હશે અથવા જેને નાનાં દુધ પીતા બાશકો છે તે તેમના માટે દુ:દાયક છે! શા માટે? કારણ કે આ ભૂમિ પર વધારે વિપત્તિનો સમય આવશે. દેવ આ લોકો પર ગુસ્સે થશે. 24 કેટલાએક લોકો સૈનિકો દ્ધારા મૃત્યુ પામશે. બીજા લોકોને કેદી તરીકે રાખશે અને બધાજ દેશોમાં લઈ જવાશે. ફક્ત યરૂશાલેમ તેઓનો સમય પૂરો નહિ થાય ત્યાં સુધી બિન યબૂદિઓથી પગ તળે ખૂંદી નંખાશે. 25 “સૂર્ય, ચંદ્ર અને તારાઓ સાથે આશ્ચર્યજનક ઘટનાઓ બનશે. પૃથ્વી પરના લોકો ફસાયાની લાગણી અનુભવશે. સમુદ્ધોમાં ગર્જના તોફાન સજાર્શે. અને લોકો તેનું કારણ સમજી શકશે નહિ. 26 લોકો પૃથ્વી પર શું થશે તેની અતિશય ચિંતાઓથી ભયભીત થઈ જશે. પૃથ્વી પર જે કંઈ થશે તેનાથી આકાશમાં જે બધું છે તે પણ બદલાઇ જશે. 27 પછી લોકો માણસના દીકરાને પરાક્રમ સાથે અને મહા મહિમાસહિત વાદળાંમાં આવતો જોશે. 28 જ્યારે આ ઘટનાઓ બનવા લાગે ત્યારે ઊચે નજર કરો અને ખુશ થાઓ! ચિંતા ના કરો. કારણ કે તમે જાણો છો કે તમારો ઉદ્ધાર થવાનો સમય પાસે આવ્યો છે!” 29 પછી ઈસુએ આ વાર્તા કહી કે, “બધા વૃક્ષો તરફ જુઓ. અંજીરનું વૃક્ષ એક સરસ ઉદાહરણ છે. 30 જ્યારે તે ફૂટવા માંડે છે ત્યારે તમે જાણો છો કે ઉનાળો નજીક છે. 31 તે જ રીતે આ બધી બાબતો વિષે મેં તમને કહ્યું છે. જ્યારે તમે આ બધી બાબતો બનતી જોશો, ત્યારે તમે જાણી શકશો કે દેવનું રાજ્ય ઘણું જલદી આવી રહ્યું છે. 32 “હું તમને સત્ય કહું છું. આ બધી વસ્તુઓ બનશે ત્યારે આ સમયના લોકો ત્યાં સુધી જીવતા હશે! 33 આખી પૃથ્વી અને આકાશ નાશ પામશે, પણ મેં જે શબ્દો કહ્યા છે તેનો નાશ કદાપિ થશે નહિ! 34 “સાવધાન રહો! તમારો સમય ખાવા પીવામાં બગાડો નહિ અથવા દુન્યવી વસ્તુઓની ચિંતા ના કરો. જો તમે એમ કરશો તો તમે સાચો વિચાર કરી શકશો નહિ. અને પછી જો એકાએક અંત આવી પહોંચશે ત્યારે તમે તૈયાર નહિ હોય. 35 પૃથ્વી પરના તમામ લોકો માટે તે આશ્ચર્યજનક રીતે આવશે. 36 તેથી હર વખત તૈયાર રહો. અને પ્રાર્થના કરો કે આ બધું જે થવાનું છે તેમાંથી તમારી જાતને સુરક્ષિત રીતે પસાર થવા તથા માણસના દીકરા સમક્ષ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” 37 દિવસ દરમ્યાન, ઈસુ લોકોને મંદિરમાં બોધ આપતો, રાત્રે તે શહેરની બહાર જતોં અને આખી રાત જૈતૂનના પહાડ પર રહેતો. 38 સવારે બધા લોકો વહેલા ઊઠતા અને ઈસુને ધ્યાનથી સાંભળવા મંદિરમાં જતા.

22:1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો. 2 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને મારી નાખવાનો રસ્તો શોધવાના પ્રયત્નો કરતા હતા. પણ તેઓ લોકોથી ડરતા હતા.(માથ્થી 26:14-16; માર્ક 14:10-11) 3 ઈસુના બાર પ્રેરિતોમાં એકનું નામ યહૂદા ઈશ્કરિયોત હતું. શેતાન યહૂદામાં પેઠો. અને તેને ખરાબ કૃત્યો કરવા પ્રેર્યો. 4 યહૂદા મુખ્ય યાજકો અને કેટલાએક સરદારો જે મંદિરના રક્ષકો હતા તેઓને મળ્યો અને તેઓની સાથે વાતો કરી. યહૂદિએ તેઓને ઈસુને કેવી રીતે સોંપવો તે સંબંધી મસલત કરી. 5 યાજકો આ બાબતથી વધારે ખુશ હતા. જો તે ઈસુ તેઓને સોંપે તો તેઓએ યહૂદાને પૈસા આપવાનું વચન આપ્યું. 6 યહૂદાએ સંમતી આપી. પછી યહૂદા તેઓને ઈસુ સોંપવાના ઉત્તમ યમયની રાહ જોવા લાગ્યો. અને લોકો તેની આજુબાજુ હાજર ના હોય તેવા પ્રસંગે તેને તેઓના હાથમાં સોંપવાની તક જોવા લાગ્યો.(માથ્થી 26:17-25; માર્ક 14:12-21; યોહાન 13:21-30) 7 બેખમીર રોટલીનો દિવસ આવ્યો. આ તે દિવસ હતો જ્યારે યહૂદિઓ પાસ્ખાના યજ્ઞમાં ઘેટાઓનું બલિદાન આપતા હતા. 8 ઈસુએ પિતર અને યોહાનને કહ્યું કે, “જાઓ, આપણે ખાવા માટે પાસ્ખા ભોજન તૈયાર કરો.” 9 પિતર અને યોહાને ઈસુને કહ્યું કે, “તું આ ભોજનની તૈયારી અમારી પાસે ક્યાં કરાવવા ઈચ્છે છે?”ઈસુએ તેઓને કહ્યું, 10 “સાંભળો! તમે શહેરમાં અંદર જશો, ત્યાર બાદ તમે એક માણસને પાણીની ગાગર લઈ જતા જોશો. તેની પાછળ જજો. તે એક મકાનમાં જશે. તમે તેની સાથે જાઓ. 11 તે ઘરના માલિકને કહો, ‘ઉપદેશક પૂછે છે કે તું કૃપા કરીને અમને તે ખંડ બતાવ જ્યાં હું અને મારા શિષ્યો પાસ્ખા ભોજન લઈશું.’ 12 પછી તે માણસ જે મકાનનો માલિક છે તે તેમને મેડી પર એક મોટો ખંડ બતાવશે. આ ખંડ તમારા માટે તૈયાર હશે ત્યાં પાસ્ખા ભોજન તૈયાર કરો.” 13 તેથી પિતર અને યોહાન ગયા. ઈસુએ કહ્યા પ્રમાણે જ બધું બન્યું. તેથી તેઓએ પાસ્ખા ભોજન તૈયાર કર્યુ. 14 પાસ્ખા ભોજન કરવાનો તેઓનો સમય આવ્યો. ઈસુ અને તેના પ્રેરિતો મેજ પાસે બેઠા હતા. 15 ઈસુએ તેઓને કહ્યું કે, “હું મૃત્યુ પામું તે પહેલા મારી તમારી સાથે પાસ્ખા ખાવાની ઘણી ઈચ્છા હતી. 16 હું તમને કહું છું દેવના રાજ્યમાં પાસ્ખા ભોજનનો સાચો અર્થ અપાય નહિ ત્યાં સુધી હું ફરીથી કદાપિ પાસ્ખા ભોજન ખાવાનો નથી.” 17 પછી ઈસુએ એક પ્યાલો દ્ધાક્ષારસ લીધો. તેણે તે માટે દેવની સ્તુતિ કરી. પછી તેણે કહ્યું, “આ પ્યાલો લો અને અહી દરેક જણને તે આપો. 18 હું તમને કહું છું દેવનું રાજ્ય આવે ત્યાં સુધી હું ફરીથી દ્ધાક્ષારસ પીનાર નથી. 19 પછી ઈસુએ કેટલીએક રોટલી લીધી. તેણે રોટલી માટે દેવની સ્તુતિ કરી અને તેના ટૂકડા કર્યાં. તેણે તે ટૂકડા શિષ્યોને આપ્યા. પછી ઈસુએ કહ્યું કે, “આ રોટલી મારું શરીર છે કે જે હું તમારા માટે આપું છું. મારી યાદગીરીમાં આ કરો.” 20 આજ પ્રમાણે સાંજના ભોજન પછી ઈસુએ એક દ્ધાક્ષારસનો પ્યાલો લીધો અને કહ્યું કે, “આ દ્ધાક્ષારસ દેવનો તેના લોકો માટેનો નવો કરાર છે. આ નવા કરાર મારા લોહીથી શરું થાય છે. જે હું તમારા માટે આપું છું.” 21 ઈસુએ કહ્યું કે, “તમારામાંનો એક મારી વિરૂદ્ધ થશે. તેનો હાથ મેજ પર મારા હાથની બાજુમાં છે. 22 માણસનો દીકરો દેવની યોજના પ્રમાણે કરશે. જે માણસના દીકરાને મારી નાંખવા માટે આપશે, તે બાબત તે માણસને માટે ખરાબ છે. તેને અફસોસ છે!” 23 પછી શિષ્યોએ એકબીજાને પૂછયું કે, “આપણામાંનો કોણ ઈસુ માટે આવું કરનાર હશે?” 24 પાછળથી પ્રેરિતો વિષે અંદરો અંદર દલીલો કરવા લાગ્યા કે તેઓના બધામાં મુખ્ય કોણ. 25 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “દુનિયાના રાજાઓ તેમની પ્રજા પર શાસન કરે છે. જે માણસોનો બીજા લોકો પર અધિકાર હોય છે તેઓ તે લોકોના મહાન પરાપકારી હોવાનું ‘લોકો પાસે કહેવડાવે છે.’ 26 પણ તમારે તેમના જેવું થવું ના જોઈએ. સૌથી મુખ્ય વ્યક્તિએ સૌથી નાની વ્યક્તિ જેવા થવું જોઈએ, આગેવાનોએ સેવકો જેવા થવું જોઈએ. 27 કોણ વધારે અગત્યનું છે, જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે કે જે વ્યક્તિ તેની સેવા કરે છે તે? ખરેખર જે વ્યક્તિ મેજ પાસે બેસે છે તે વધારે અગત્યની છે, પણ હું તો તમારી વચ્ચે એક સેવક જેવો છું! 28 “તમે લોકો મારા પરીક્ષણ સમયમાં મારી સોથે રહ્યા છો. 29 મારા બાપે મને એક રાજ્ય આપ્યું છે. હું પણ તમને મારી સાથે શાસનનો અધિકાર આપું છું. 30 મારા રાજ્યમાં તમે મારી સાથે ખાશો અને પીશો. તમે ઈસ્ત્રાએલના બાર કુળોનો ન્યાય કરવા રાજ્યાસનો પર બિરાજશો. 31 “ઓ સિમોન, સિમોન જો શેતાને એક ખેડૂત જેમ ઘઉં ચાળે છે તેમ તને કબજે લેવા માગ્યો. 32 મેં પ્રાર્થના કરી છે કે તું તારો વિશ્વાસ ગુમાવે નહિ! જ્યારે તમે મારી પાસે પાછા આવો ત્યારેં તમારા ભાઈઓને વધારે મજબૂત થવામાં મદદ કરજો.” 33 પણ પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, હું તારી સાથે જેલમાં આવવા તૈયાર છું, હું તારી સાથે મરવા માટે પણ તૈયાર છું!” 34 પણ ઈસુએ કહ્યું કે, “પિતર, હું તને કહું છું કે આજે મરઘો બોલે તે પહેલા તું મને ઓળખતો નથી, એમ (કહીને) તું ત્રણ વાર મારો નકાર કરશે!”મુશ્કેલીઓ માટે તૈયાર થાઓ 35 પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.” 36 તેઓને કહ્યું કે, “પણ હવે જો તમારી પાસે થેલી અને પૈસા હોય તો તમારી પાસે રાખો. જો તમારી પાસે તલવાર ના હોય તો તમારા કપડાં વેચીને એક ખરીદી રાખો. 37 પવિત્ર લેખ કહે છે કે: ‘લોકોએ કહ્યું કે તે એક ગુનેગાર હતો.’ યશાયા 53:12 એ જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, અને તે હવે બની રહ્યું છે.” 38 તે શિષ્યોએ કહ્યું કે, “પ્રભુ, જો, અહીં બે તલવાર છે!”ઈસુએ તેઓને કહ્યું કે, “બે પૂરતી હશે.” 39 ઈસુએ શહેર છોડ્યું અને જૈતૂન પહાડ પરની જગ્યાએ પહોંચ્યો. તેના શિષ્યો તેની સાથે ગયા. (ઈસુ ત્યાં વારંવાર જતો.) ઈસુએ તેના શિષ્યોને કહ્યું કે, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.” 40 41 પછી ઈસુ તેઓનાથી લગભગ 50 ડગલા દૂર ગયો અને ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. 42 “હે, બાપ જો તારી ઈચ્છા હોય તો, આ યાતનાનો પ્યાલો મારાથી દૂર કર: તોપણ તારી ઈચ્છા પ્રમાણે નહિં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ.” 43 પછી એક દૂત દેખાયો, તે દૂત આકાશમાંથી ઈસુની મદદ માટે આવ્યો હતો. 44 ઈસુ ખૂબ પીડાતો હતો. પ્રાર્થનામાં તેણે ખૂબ આગ્રહ કર્યો, તેના મોઢા પરથી પડતો પરસેવો લોહીનાં ટીપાં જેવો ધરતી પર પડતો હતો. 45 જ્યારે ઈસુએ પ્રાર્થના પૂરી કરી તેના શિષ્યો પાસે ગયો ત્યારે તેઓ ઘસઘસાટ ઊંઘતા હતા. (તેઓ તેમના દુ:ખોથી વધારે થાક્યા હતા) 46 ઈસુએ તેઓને કહ્યું કે, “તમે શા માટે ઊંઘો છો? ઊભા થાઓ અને પરીક્ષણો સામે મજબૂત બનવા પ્રાર્થના કરો.” 47 જ્યારે ઈસુ બોલતો હતો ત્યારે એક લોકોનું ટોળું આવ્યું. બાર પ્રેરિતોમાંનો એક સમૂહને દોરતો હતો. તે યહૂદા હતો. યહૂદા ઈસુની નજીક આવ્યો જેથી તે ઈસુને ચૂંબન કરી શકે. 48 પણ ઈસુએ તેને કહ્યું કે, “યહૂદા, શું તું ચુંબનનો ઉપયોગ કરીને માણસના દીકરાને દુશ્મનોને સોંપવા ઈચ્છે છે?” 49 ઈસુના શિષ્યો પણ ત્યાં ઊભા હતા. જે થતું હતું તે તેઓએ જોયું. શિષ્યોએ ઈસુને કહ્યું કે, “પ્રભુ, અમારે તલવારોનો ઉપયોગ કરવો જોઈએ?” 50 એટલામાં તો શિષ્યોમાંના એકે તેનો ઉપયોગ કર્યોં. તેણે મુખ્ય યાજકના ચાકરનો જમણો કાન કાપી નાખ્યો. 51 ઈસુએ કહ્યું કે, “અહીં જ બંધ કર! પછી ઈસુએ ચાકરના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. 52 ઈસુને પકડવા જે સમૂહ આવ્યો હતો તેઓ મુખ્ય યાજકો, વડીલો અને યહૂદિ સરદારો હતા. ઈસુએ તેઓને કહ્યું કે, “તમે તલવારો અને લાકડીઓ સાથે અહીં બહાર શા માટે આવ્યા છો? શું તમે વિચારો છો કે હું એક ગુનેગાર છું? 53 હું દરરોજ મંદિરમાં તમારી સાથે હતો. ત્યાં મને પકડવાનો પ્રયત્ન તમે શા માટે ન કર્યો? પણ આ તમારો સમય છે, એવો સમય જ્યારે અંધકારનું સાર્મથ્ય હોય છે.” 54 તેઓ ઈસુને પકડીને દૂર લઈ ગયા. તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પિતર તેની પાછળ ગયો. પણ તે ઈસુની નજીક આવી શક્યો નહિ. 55 સૈનિકો ચોકની વચમાં અજ્ઞિ સળગાવીને સાથે બેઠા હતા. પિતર તેઓની સાથે બેઠો. 56 એક સેવિકાએ પિતરને ત્યાં બેઠેલો જોયો. અજ્ઞિના પ્રકાશને કારણે તે જોઈ શકી. તે છોકરીએ નજીકથી પિતરના ચેહરાને જોયો, પછી તેણે કહ્યું કે, “આ માણસ પણ તેની (ઈસુની) સાથે હતો!” 57 પણ પિતરે કહ્યું કે આ સાચું નથી. તેણે કહ્યું, “બાઇ, હું તેને જાણતો નથી.” 58 થોડા સમય પછી, બીજી એક વ્યક્તિએ પિતરને જોયો અને કહ્યું કે, “તું પણ તેમાંનો એક છે.”પણ પિતરે કહ્યું, “ભાઈ, હું તેના શિષ્યોમાંનો એક નથી!” 59 લગભગ એક કલાક પછી બીજા એક માણસે કહ્યું કે, “તે સાચું છે! આ માણસ તેની સાથે હતો. તે ગાલીલનો છે!” તે માણસે કહ્યું કે આ બાબતની તેને ખાતરી હતી. 60 પણ પિતરે કહ્યું કે, “ભાઈ, તું શું વાત કરે છે, તે હું જાણતો નથી!”જ્યારે તે બોલતો હતો કે તરત જ મરઘો બોલ્યો. 61 પછી પ્રભુ ફર્યો અને પિતરની આંખોમાં જોયું અને પ્રભુએ જે તેને કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું. “સવારે મરઘો બોલ્યા અગાઉ, તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62 પછી પિતર બહાર ગયો અને ખૂબ રડ્યો. 63 કેટલાએક માણસો ઈસુની ચોકી કરતા હતા. તેઓ ઈસુની આ પ્રમાણે મશ્કરી કરતા હતા: તેઓએ તેની આંખે પાટા બંધ્યા હતા તેથી તે તેઓને જોઈ શકે નહિ. પછીથી તેઓએ તેને માર્યો અને કહ્યું કે, “જો તું પ્રબોધક હોય, તો અમને કહે તને કોણે માર્યો?” 64 65 તે માણસોએ ઈસુની નિંદા કરીને તેની વિરૂદ્ધ બીજું ઘણું કહ્યું. 66 બીજા સવારે, લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ સાથે ભેગી થઈ. તેઓએ ઈસુને તેઓના ઊંચામાં ઊચી ન્યાયસભામાં લઈ ગયા. 67 તેઓએ કહ્યું કે, “જો તું ખ્રિસ્ત હોય, તો અમને કહે!” ઈસુએ તેઓને કહ્યું કે, જો હું તમને કહું કે હું ખ્રિસ્ત છું તો તમે મારું માનવાના નથી, 68 અને જો હું તમને પૂછીશ તો તમે ઉત્તર આપવાના નથી. 69 પણ હવે પછી માણસનો દીકરો દેવના રાજયાસનની જમણી બાજુએ બેસશે.” 70 તેઓ બધાએ કહ્યું કે, “તો શું તું દેવનો દીકરો છે?”ઈસુએ તેઓને કહ્યું કે, “હા, તમે સાચા છો જ્યારે તમે જ કહો છો કે હું તે છું.” 71 તેઓએ કહ્યું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની શી જરુંર છે? આપણે આપણી જાતે તેને આ કહેતો સાંભળ્યો છે!”

23:1 પછી આખો સમૂહ ઊભો થયો અને પિલાત પાસે ઈસુને લઈ ગયો. તેઓ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવા લાગ્યા. 2 તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.” 3 પિલાતે ઈસુને પૂછયું કે, “શું તું યહૂદિઓનો રાજા છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.” 4 પિલાતે મુખ્ય યાજકો તથા લોકોને કહ્યું કે, “મને આ માણસમાં કંઈ ખોટું દેખાતું નથી.” 5 તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!” 6 પિલાતે આ સાંભળ્યું અને પૂછયું કે, શું ઈસુ ગાલીલનો હતો? 7 પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો. 8 જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો. હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી. તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો. હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો. તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે. 9 હેરોદે ઈસુને ઘણા પ્રશ્રો પૂછયા, પણ ઈસુએ કંઈ કહ્યું નહિ. 10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા. તેઓએ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવાનું ચાલું રાખ્યું. 11 પછી હેરોદ અને તેના સૈનિકો ઈસુને હસતા હતા. તેઓએ ઈસુને રાજાઓના જેવાં કપડાં પહેરાવી તેની મશ્કરી ઉડાવી. પછી હેરોદે ઈસુને પાછો પિલાત પાસે મોકલ્યો. 12 ભૂતકાળમાં પિલાત અને હેરોદ હંમેશા દુશ્મનો હતા પણ તે દિવસે હેરોદ અને પિલાત મિત્રો બન્યા. 13 પિલાતે મુખ્ય યાજકો, યહૂદિ અધિકારીઓ અને બધા લોકોને ભેગા કર્યા અને સાથે બોલાવ્યા. 14 પિલાતે તેઓને કહ્યું કે, “આ માણસને તમે મારી પાસે લાવ્યા છો. તમે કહ્યું કે તે લોકોનું પરિવર્તન કરે છે. પણ મેં તમારી સમક્ષ તેની પરીક્ષા કરી, મને તેણે કંઈ ખોટું કર્યુ હોય એવું દેખાયું નહિ. 15 હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ. 16 તેથી હું તેને થોડી શિક્ષા કર્યા પછી, તેને જવા માટે મુક્ત કરીશ.” 17 હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો. 18 પણ બધા લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો! બરબ્બાસને મુક્ત કરો!” 19 (બરબ્બાસ શહેરમાં હુલ્લડ શરું કરવા બદલ બંદીખાનામાં હતો. તેણે કેટલાક માણસોની હત્યા પણ કરી હતી.) 20 પિલાત ઈસુને મુક્ત કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેને ફરીથી કહ્યું કે તે ઈસુને છોડી મૂકશે. 21 પણ તેઓએ વારંવાર બૂમો પાડી, “તેને મારી નાખો!” “વધસ્તંભ પર મારી નાખો!” 22 ત્રીજી વખત પિલાતે લોકોને કહ્યું કે, “શા માટે? તેણે શું ખોટું કર્યુ છે? તે દોષિત નથી. તેને મારી નાખવાનું કોઈ કારણ મને દેખાતું નથી. તેથી હું તેને થોડીક સજા કરીને પછી છોડી દઇશ.” 23 લોકોએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. તેઓએ માંગણી કરી કે ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખો. તેમની બૂમો એટલી મોટી થઈ કે 24 પિલાતે તેઓના માંગ્યા પ્રમાણે તેઓને આપવાનો નિર્ણય કર્યો. 25 લોકો બરબ્બાસને મુક્ત કરાવવા ઈચ્છતા હતા. બરબ્બાસ હુલ્લડ શરું કરાવવા બદલ તથા લોકોની હત્યા માટે બંદીખાનામાં હતો. પિલાતે બરબ્બાસને છોડી મૂક્યો. અને પિલાતે ઈસુને મારી નાખવા માટે લોકોને સોંપ્યો. લોકોને તો આ જ જોઈતું હતું. 26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી. 27 ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલ્યા. તેમાંની ઘણી સ્ત્રીઓ હતી. 28 પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો! 29 સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’ 30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’ 31 જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?” 32 ત્યાં બીજા બે ગુનેગારો પણ હતા તેઓને મારી નાખવા માટે તેઓ ઈસુની સાથે દોરી જતા હતા. 33 ઈસુ અને તે બે ગુનેગારોને ‘ખોપરી’ નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો. 34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે. 35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?” 36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો. 37 સૈનિકોએ કહ્યું કે, “જો તું યહૂદિઓનો રાજા હોય તો તું તારી જાતને બચાવ!” 38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.” 39 ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!” 40 પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું! 41 તારા અને મારા માટે મૃત્યુ ન્યાયી રીતે આવી રહ્યું છે કારણ કે આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કુકર્મો માટે યોગ્ય છે. આ માણસે તો કશું જ ખોટું કર્યુ નથી.” 42 પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!” 43 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, હું જે કહું છું તે સાચું છે. આજે તું મારી સાથે પારાદૈસમાંહોઇશ!” 44 તે લગભગ બપોર હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો. 45 ત્યાં સૂરજ ન હતો. મંદિરમાંનો પડદો બે ભાગમાં ફાટી ગયો. 46 ઈસુએ જોરથી ઊચા અવાજે પોકાર કર્યો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.? ઈસુએ એમ કહ્યું, પછી તે મૃત્યુ પામ્યો. 47 લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું. તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, “હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો!” 48 ઘણા લોકો આ જોવા માટે શહેરની બહાર આવ્યા. જ્યારે લોકોએ તે જોયું, તેઓ 49 ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી. 50 51 યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો. 52 યૂસફે પિલાત પાસે જઇને ઈસુનો દેહ માંગ્યો. પિલાતે યૂસફને શબ લેવાની હા પાડી. 53 તેથી યૂસફે વધસ્તંભ પરથી દેહ નીચે લાવીને લૂગડાંમાં વીંટાળ્યું. પછી તેણે ઈસુનું દેહ ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું. આ અગાઉ આ કબર કદી ઉપયોગમાં લેવાઇ ન હતી. 54 તે દિવસ સિદ્ધિકરણનો હતો. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, વિશ્રામવાર શરૂ થયો હતો. 55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું. 56 પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.

24:1 વહેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી. 2 એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો. 3 તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ. 4 સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા. 5 તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે. 6 ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું? 7 ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.” 8 પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું. 9 સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું. 10 આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. 11 પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી. 12 પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો. 13 તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું. 14 તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા. 15 જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો. 16 (પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.) 17 પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા. 18 કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.” 19 ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા. 20 પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો. 21 અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે. 22 પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો. 23 પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, “ઈસુ જીવંત છે!” 24 તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.” 25 પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ. 26 પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.” 27 પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી. 28 તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું. 29 પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો. 30 ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા. 31 તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો. 32 બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.” 33 પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા. 34 તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.” 35 પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી. 36 જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.” 37 શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા. 38 પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો? 39 મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.” 40 ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં. 41 શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?” 42 તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો. 43 જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી. 44 ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.” 45 ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી. 46 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે. 47 તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે. તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ. 48 49 ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.” 50 ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા. 51 જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો. 52 શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા. 53 તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા.