1:1 આ ઈસુ ખ્રિસ્તનો કૌટુંબિક ઈતિહાસ છે. તે દાઉદના પરિવારમાંથી આવ્યો. અને દાઉદ ઈબ્રાહિમના પરિવારમાંથી આવ્યો. 2 ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો. 3 યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો.(તેઓની મા તામાર હતી.)પેરેસ હેસ્રોનનો પિતા હતો.હેસ્રોન આરામનો પિતા હતો. 4 આરામ અમિનાદાબનો પિતા હતો.અમિનાદાબ નાહશોનનો પિતા હતો.નાહશોન સલ્મોનનો પિતા હતો. 5 સલ્મોન બોઆઝનો પિતા હતો.(બોઆઝની માતા રાહાબ હતી.)બોઆઝ ઓબેદનો પિતા હતો.(ઓબેદની માતા રૂથ હતી.)ઓબેદ યશાઈનો પિતા હતો. 6 યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.દાઉદ સુલેમાનનો પિતા હતો.(સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.) 7 સુલેમાન રહાબામનો પિતા હતો.રહાબામ અબિયાનો પિતા હતો.અબિયા આસાનો પિતા હતો. 8 આસા યહોશાફાટનો પિતા હતો.યહોશાફાટ યોરામનો પિતા હતો.યોરામ ઉઝિયાનો પિતા હતો. 9 ઉઝિયા યોથામનો પિતા હતો.યોથામ આહાઝનો પિતા હતો.આહાઝ હિઝકિયાનો પિતા હતો. 10 હિઝકિયા મનાશ્શાનો પિતા હતો.મનાશ્શા આમોનનો પિતા હતો.આમોન યોશિયાનો પિતા હતો. 11 યખોન્યા અને તેના ભાઈઓના પિતા યોશિયા હતો.(યહૂદી લોકોને ગુલામ બનાવવા માટે બાબિલ મોકલવામાં આવ્યાં તે સમય દરમ્યાન તેનો જન્મ થયો.) 12 બાબિલમાં તેઓને લઈ ગયા પછી:યખોન્યા શલથિયેલનો પિતા હતો.શલથિયેલ ઝરુંબ્બાબેલનો પિતા હતો. 13 ઝરુંબ્બાબેલ અબિહૂદનો પિતા હતો.અબિહૂદ એલ્યાકીમનો પિતા હતો.એલ્યાકીમ અઝોરનો પિતા હતો. 14 અઝોર સાદોકનો પિતા હતો.સાદોક આખીમનો પિતા હતો.આખીમ અલિહૂદનો પિતા હતો. 15 અલિહૂદ એલ્યાઝરનો પિતા હતો.એલ્યાઝર મથ્થાનનો પિતા હતો.મથ્થાન યાકૂબનો પિતા હતો. 16 યાકૂબ યૂસફનો પિતા હતો.યૂસફ મરિયમનો પતિ હતો.અને મરિયમ ઈસુની મા હતી.ઈસુ ખ્રિસ્તતરીકે ઓળખાવા લાગ્યો. 17 આમ ઈબ્રાહિમથી દાઉદ સુધીની ચૌદ પેઢી થઈ દાઉદથી યહૂદી લોકોને બાબિલમાં લઈ ગયા ત્યાં સુધીની પણ યૌદ પેઢી થઈ અને એ લોકોને બાબિલમાં લઈ ગયા તે સમયથી ખ્રિસ્તના જન્મ સુધીની યૌદ પેઢી થઈ. 18 ઈસુ ખ્રિસ્તની મા મરિયમ હતી. ઈસુના જન્મ વિષેની હકીકત આ પ્રમાણે છે. તેની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થઈ હતી. લગ્ન પહેલા મરિયમને ખબર પડી કે તે પવિત્ર આત્માથી ગર્ભવતી થઈ છે. 19 મરિયમનો પતિ યૂસફ, ખૂબજ ભલો માણસ હતો, તે જાહેરમાં મરિયમને લજ્જિત કરવા ઈચ્છતો ન હતો તેથી તેણે છૂટાછેડા આપવાનું ગુપ્ત રીતે નક્કી કર્યુ. 20 જયારે તે આ બાબતનો વિચાર કરતો હતો ત્યારે તેને પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહયું કે, “યૂસફ દાઉદના દીકરાતું મરિયમને તારી પત્ની તરીકે સ્વીકીરવામાં જરા પણ અચકાઈશ નહિ કારણ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથીછે. 21 તે દીકરાને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુપાડશે. તેને એવું નામ આપજે કારણ કે તે પોતાના લોકોને તેમના પાપોમાંથી મુક્ત કરશે.” 22 આ બધુ તેને થશે કારણ કે પ્રબોધકો દ્વારા પ્રભુએ કહેલું ભવિષ્ય કથન પરિપૂર્ણ થાય. 23 જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને એક દીકરો જન્મશે અને તેનું નામ ઈમ્માનુએલ પાડવામાં આવશે.”(ઈમ્માનુએલ એટલે “દેવ આપણી સાથે છે.”) 24 જયારે યૂસફ જાગ્યો, ત્યારે પ્રભુના દૂતના આદેશને અનુસર્યો અને મરિયમને તેની પત્ની તરીકે સ્વીકારી ઘરે તેડી લાવ્યો. 25 પરંતુ મરિયમે દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી યૂસફે તેને જાણી નહિ. તેણે તેનું નામ ઈસુ પાડ્યું.
2:1 ઈસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થયો હતો. હેરોદરાજાના સમયમાં તેનો જન્મ થયો હતો. ઈસુનો જન્મ થયા પછી પૂર્વના પ્રદેશમાંથી જ્ઞાની માણસો યરૂશાલેમ આવ્યા. 2 જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે, “નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે? અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે. અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ.” 3 યહૂદિઓના આ નવા રાજા વિષે હેરોદ રાજાએ સાંભળ્યું. આથી તે રાજા ખૂબજ બેચેન થયો અને યરૂશાલેમના બધા લોકો પણ ખૂબજ ચિંતાતુર થઈ ગયા. 4 હેરોદ યહૂદિઓના બધાજ પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓની એક સભા બોલાવી, તેઓને પૂછયું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. 5 તેઓએ ઉત્તર આપ્યો કે. “ખ્રિસ્તનો જન્મ યહૂદિયાના બેથલેહેમ નગરમાં થવો જોઈએ. પ્રબોધકે ધર્મશાસ્ત્રોમાં આ વિષે લખ્યું છે. 6 ‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.” મીખાહ 5:2 7 પછી હેરોદે પૂર્વમાંથી જ્ઞાની માણસોની એક ગુપ્ત સભા બોલાવી. હેરોદ જ્ઞાની માણસો પાસેથી તારો દેખાવાનો ચૉક્કસ સમય જાણી લીધો. 8 પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા. તેણે જ્ઞાની માણસોને કહયુ કે, “જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો. જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો. જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું.” 9 જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા. તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો. તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા. તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું, તે જગ્યાએ તારો થંભ્યો. 10 જ્ઞાની માણસો તારાને જોઈને ખૂબજ ખુશ થયા. તેઓના આનંદનો પાર ના રહ્યો. 11 જ્ઞાની માણસો જ્યાં બાળક હતું, તે ઘરે આવી પહોચ્યાં. તેઓએ બાળક અને તેની મા મરિયમને જોઈ. તેઓએ નમન કર્યુ. અને તે બાળકનું ભજન કર્યુ. તે માણસોએ ખજાનાની પટીઓ ઉઘાડી અને બાળકને ભેટ આપવા માટે જે સોનું, લોબાન અને બોળ હતાં તે તેને અર્પણ કર્યો. 12 પણ દેવે તેમને હેરોદ પાસે પાછા નહિ જવા સ્વપ્નમાં ચેતવણી આપી. આમ, જ્ઞાની માણસો તેમના પોતાના દેશમાં બીજા રસ્તે પાછા ગયા. 13 જ્ઞાની માણસોના ગયા પછી, યૂસફને સ્વપ્નમાં પ્રભુનો દૂત દેખાયો. દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને મિસરમા નાસી જા. હેરોદ બાળકની તપાસ શરૂ કરશે. તે તેને મારી નાખવા માગે છે. હું જ્યાં સુધી કહું કે બધું સલામત નથી, ત્યાં સુધી મિસરમાં જ રહેજે.” 14 તેથી યૂસફ ઊઠયો અને બાળક અને તેની માને પોતાની સાથે લઈને મિસર જવા ચાલી નીકળ્યો. તેઓ રાત્રીના સમયે ચાલી નીકળ્યા. 15 હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.” 16 જયારે હેરોદે જોયું કે જ્ઞાની માણસોએ તેને મૂર્ખ બનાવ્યો છે ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો. તેથી તેણે હૂકમ કર્યો કે બેથલેહેમ અને તેની આસપાસના વિસ્તારમાં બધા જ છોકરાઓને મારી નાખો. હેરોદે જ્ઞાની માણસો પાસેથી બાળકના જન્મનો સમય જાણી લીધો. કે જે (હાલના સમયથી) બે વર્ષ પહેલાનો સમય હતો તેથી તેણે બે વર્ષની ઉંમરના કે તેથી નાના દરેક બાળકને મારી નાખાવનો હુકમ કર્યો. 17 પ્રભુએ પ્રબોધક યર્મિયા દ્વારા જે ભવિષ્યવાણી જણાવીહતી તે પરિપૂર્ણ થઈ: 18 “રામામાં એક અવાજ સંભળાયો. તે કારમા રૂદનનો અને અત્યંત શોકયુક્ત હતો. રાહેલ તેના બાળકો માટે રૂદન કરી રહી છે; તે દિલાસો મેળવવાનો નકાર કરે છે, કારણ કે તેના બાળકો મરણ પામ્યા છે.” યર્મિયા 31:15 19 હેરોદના મરણ પછી, પ્રભુનો દૂત સ્વપ્નમાં યૂસફ પાસે આવ્યો. જ્યારે યૂસફ મિસરમાં હતો ત્યારે આમ થયું હતું. 20 દૂતે કહ્યું કે, “ઊભો થા! બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ચાલ્યો જા. જે લોકો બાળકને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા તે મરણ પામ્યા છે.” 21 તેથી યૂસફ બાળક અને તેની માને લઈને ઈસ્રાએલ ગયો. 22 પછી યૂસફે સાભળ્યું કે હેરોદના મરણ પછી તેનો પુત્ર આખિલાઉસ રાજા થયો છે ત્યારે યૂસફને ત્યાં જતાં ડર લાગ્યો ત્યારે સ્વપ્નમાં ચેતવણી મળી તેથી તે યહૂદિયાને બદલે ગાલીલ પ્રાંતમાં ગયો. 23 યૂસફ નાસરેથ ગામમાં ગયો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલુ પૂણ થાય. દેવે કહ્યું કે ખ્રિસ્ત નાઝારીકહેવાશે.
3:1 સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. 2 યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.” 3 યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો; અને તેના માટેનો માર્ગ સીધો કરો.”‘ યશાયા 40:3 4 યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હ6તાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો. 5 યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. 6 લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું. 7 ફરોશીઓઅને સદૂકીઓતે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે? 8 તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. 9 તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે. 10 અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષજે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે. 11 “તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. 12 તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશેઅને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.” 13 તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્માલેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14 પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?” 15 ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો. 16 બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17 અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”
4:1 પછી શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થાય તે માટે આત્મા તેને ઉજજડ પ્રદેશમાં લઈ ગયો. 2 ઈસુએ ચાળીસ દિવસ અને રાત કાંઈ જ ખાધુ નહિ. આ પછી તે ખૂબ જ ભૂખ્યો થયો. 3 ઈસુ પાસે લલચાવનાર શેતાન આવ્યો અને કહ્યુ કે, “જો તું દેવનો દીકરો હોય, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4 ઈસુએ તેને ઉત્તરમાં કહ્યું કે, “ધર્મશાસ્ત્રમાલખ્યું છે કે, ‘માણસ ફક્ત રોટલીથી નહિ પરંતુ દેવના મુખમાંથી આવતા પ્રત્યેક વચનથી જીવન પામે છે.”‘ પુનર્નિયમ 8:3 5 પછી શેતાન ઈસુને પવિત્ર શહેર યરૂશાલેમમાં લઈ ગયો અને ઈસુને મંદિરના સૌથી ઊચા સ્થળે બેસાડે છે. 6 પછી શેતાને કહ્યું કે, “જો તું દેવનો દીકરો હોય તો કૂદકો માર. શા માટે? કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે, ‘દે પોતાના દૂતોને આજ્ઞા કરશે, અને તેમના હાથમાં તને ઝીલી લેશે, જેથી તારા પગ ખડક પર અથડાશે નહિ.”‘ ગીતશાસ્ત્ર 91:11-12 7 ઈસુએ તેને ઉત્તર આપ્યો,એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.”‘પુનનિયમ 6:16 8 પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું. 9 તેણે કહ્યુ, “જો તું પગે પડીને મારું ભજન કરીશ, તો હું આ બધી જ વસ્તુઓ તને આપીશ.” 10 ઈસુએ શેતાનને કહ્યુ, “શેતાન! ચાલ્યો જા, ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રભુનું તારા દેવનું જ ભજન કર. ફક્ત તેની જ સેવા કર!”‘ પુનર્નિયમ 6:13 11 પછી શેતાન ઈસુને છોડી ચાલ્યો ગયો, ત્યાર પછી કેટલાએક દૂતો આવી તેને મદદ કરવા લાગ્યા. 12 ઈસુએ સાંભળ્યું કે યોહાનને જેલમાં પૂર્યો છે. તેથી તે ગાલીલ પાછો ગયો. 13 તે નાઝરેથ ન રોકાતાં ઝબુલોન અને નફતાલીની નજીકના પ્રદેશમાં ગાલીલ સરોવર પાસે કફર-નહૂમમાં જઈને રહ્યો. 14 યશાયા પ્રબોધકેજે કહ્યું હતું તે સાચું પુરવાર કરવા માટે ઈસુએ આમ કર્યુ: 15 “ઝબુલોનના પ્રદેશમાં, અને નફતાલીન પ્રદેશમાં, સમુદ્ર તરફના રસ્તે ગાલીલમાં, યર્દન નદી પાસેના, જ્યાં વિદેશીઓ રહે છે. 16 જેઓ અંધકારમાં જીવતા હતાં. પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો; તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે.” યશાયા 9:1-2 17 ત્યારથી ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો, તેણે કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે.” 18 ઈસુ ગાલીલ સરોવર પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે બે ભાઈઓ સિમોન (જે પિતર કહેવાતો) અને તેનો ભાઈ આન્દ્રિયાને જોયા. તેઓ જાળથી માછલા પકડતા હતાં. તેઓ માછીમાર હતા. 19 ઈસુએ કહ્યું, “ચાલો મારી પાછળ આવો. હું તમને જુદી જાતના માછીમાર બનાવીશ. તમારે માછલીઓ નહિ પણ લોકોને ભેગા કરવાનું કાર્ય કરવાનું છે.” 20 તે બંને ભાઈઓ તેમની જાળો પડતી મૂકીને ઈસુની પાછળ ગયાં. 21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા. 23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાંઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથીતથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.
5:1 ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં. 2 ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું: 3 “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે. 4 જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે. 5 જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે. કેમ કે તેઓ પૃથ્વીનું વતનપામશે. 6 બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે. 7 જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે. 8 જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓને દેવના દર્શન થશે. 9 જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે. 10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે. 12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો. 13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે. 14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે. 15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે. 16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે. 17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું. 18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ. 19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે. 20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ. 21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,’જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’ 22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે. 23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે. 24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ. 25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે. 26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ. 27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’ 28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે. 30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે. 31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ. 32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે. 33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો. 34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે. 35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે. 36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ. 37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે. 38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’ 39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો. 40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો. 41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો. 42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ. 43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’ 44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો. 45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે. 46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે. 47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે. 48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.
6:1 “સાવધાન રહો! તમે કોઈપણ સત્તકાર્યો કરો તો તે લોકોની સમક્ષ કરશો નહિ. લોકો તમને સારા કાર્યો કરતાં જુએ તે રીતે ના કરો. એમ કરશો તો આકાશના પિતા તરફથી તમને કોઈ જ બદલો મળશે નહિ. 2 “જ્યારે તમે ગરીબોને આપો તો તેની જાહેરાત કરશો નહિ. દંભી લોકો દાન આપતાં પહેલાં તેનાં બણગાં ફૂંકે છે અને લોકો તેમને આપતા જુએ એ રીતે જાહેરમાં ધર્મસ્થાનો અને શેરીઓમાં આપે છે. કારણ બીજા લોકો તેમને માન આપે તેવું તેઓ ઈચ્છે છે. હું તમને સત્ય કહું છું તેમને જે બદલો મળ્યો છે તે એટલો જ છે. 3 જેથી જ્યારે તમે ગરીબોને આપો તો ખાનગીમાં આપો, તમે શું કરો છો તેની કોઈને જાણ પણ થવા દેશો નહિ. 4 તમારું દાન ગુપ્ત હોવું જોઈએ. તમે જે કાંઈ ગુપ્ત રીતે કરો છો તે તમારો પિતા કે જે ગુપ્ત રીતે જે કાંઈ થાય છે તે જોઈ શકે છે. તે તમને બદલો આપશે.(લૂક 11:2-4) 5 “જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે દંભી લોકોની જેમ ના કરો. દંભી લોકો સભાસ્થાનોએ શેરીઓના ખૂણા પાસે ઉભા રહી મોટા અવાજથી પ્રાર્થના કરે છે. જેથી લોકો તેમને જોઈ શકે. હું તમને સત્ય કહું છું કે તેમને તેનો પૂરો બદલો મળી ગયો છે. 6 જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારા ઓરડામાં જાઓ અને તમારા ઓરડાના બારણાં બંધ કરો. પછી તમારા પિતાને પ્રાર્થના કરો. તમારો પિતા ગુપ્ત રીતે કરવામાં આવેલાં કામ જોઈ શકે છે. અને તે તેનો તમને બદલો આપે છે. 7 “અને જ્યારે તમે પ્રાર્થના કરો, ત્યારે અધર્મીઓની જેમ પ્રાર્થના ના કરો, તેઓ માને છે કે દેવની પાસે ઘણી વાતો કરવાથી દેવ ચોક્કસ કાંઈક તો સાંભળશે જ. 8 તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે. 9 તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:‘ઓ આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ. 10 તારું રાજ્ય આવે અને તું ઈચ્છે છે તેવી બાબતો જે રીતે આકાશમાં બને છે તે રીતે પૃથ્વી ઉપર બને તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. 11 અમને અમારી રોજની જરૂરિયાત પ્રમાણે અન્ન આપ. 12 જે રીતે અમે અમારું ખરાબ કરનારને માફી આપી છે, તે રીતે તું પણ અમે કરેલા પાપોની માફી આપ. 13 અને અમને લાલચમાં પડવા દઈશ નહિ; પરંતુ શેતાનથી અમને બચાવ. 14 હા, જો તું બીજાઓનાં દુષ્કર્મો માફ કરશે, તો આકાશનો પિતા તારાં પણ દુષ્કર્મો માફ કરશે. 15 પરંતુ જો તું તારું ખરાબ કરનારને માફ નહિ કરે તો આકાશનો પિતા તને પણ માફ નહિ કરે. 16 “જ્યારે તમે ઊપવાસ કરો, ત્યારે તમારી જાતને ઉદાસ દેખાડશો નહિ, દંભીઓ એમ કરે છે. તેઓ તેમના ચહેરા વિચિત્ર બનાવી દે છે જેથી લોકોને બતાવી શકે કે તેઓ ઉપવાસ કરી હ્યા છે. હું તમને સત્ય કહું છું કે તે દંભી લોકોને તેનો બદલો પૂરેપૂરો મળી ગયો છે. 17 જ્યારે તું ઉપવાસ કરે ત્યારે, તારા માથા પર તેલ ચોપડ અને તારું મોં ધોઈ નાખ. 18 ત્યારે લોકોને ના જણાવો કે તમે ઉપવાસ કર્યા છે, તમારા પિતા જેને તમે જોઈ શક્તા નથી તે બધુંજ જુએ છે. તમે ગુપ્ત રીતે જે કંઈ કરો છો તે તમારા આકાશમાંના પિતા જુએ છે. અને તે તમને તેનો બદલો જરૂરથી આપશે. 19 “તમારા માટે અહી પૃથ્વી ખજાનાનો સંગ્રહ ન કરો કારણ કે પૃથ્વી પર કીડા તથા કાટ ખજાનાનો નાશ કરે છે. ચોર ખાતર પાડીને ચોરી જાય છે. 20 આકાશમાં ખજાનાઓને સંગ્રહ કરો, આકાશમાં તમારા ખજાનાઓને નાશ ઉધઈ કે કાટ કરી શકશે નહિ કે તેને ચોર ચોરી જશે નહિ. 21 જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું ચિત્ત રહેશે. 22 “આંખ તો શરીરનો દીવો છે. જો તારી આંખો સારી હશે, તો તારું આખુ શરીર પ્રકાશથી પૂર્ણ રહેશે. 23 પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે. અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે. 24 “કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ. 25 “તેથી હું તમને કહું છું કે, તમારે જીવવા માટે જરૂરી ખાવાપીવાની ચિંતા કરશો નહિ અને શરીરને ઢાંકવા કપડાંની ચિંતા ના કરો. કારણ ખોરાક કરતાં જીવન બધારે અગત્યનું છે અને કપડાં કરતાં શરીર વધારે અગત્યનું છે. 26 તમે પક્ષીઓને જુઓ, તેઓ બી વાવતાં નથી, ને કાપતાં નથી ને કોઠારોમાં ભરતાં નથી. અને છતાય તમારો પિતા તે પંખીઓનું ભરણપોષણ કરે છે તમે તો પક્ષીઓ કરતાં ઘણા જ મૂલ્યવાન છો. 27 એના વિષે ચિંતા કરવાથી તમારાં આયુષ્યમાં એકાદ પળનો પણ વધારો નહિ કરી શકો. 28 “અને તમે તમારાં વસ્ત્રો વિષે શા માટે ચિંતા કરો છો? ખેતરનાં ફૂલોને નિહાળો, તેઓ કેવાં ખીલે છે, તેઓ તેના માટે મહેનત કરતાં નથી કે પોતાને માટે વસ્ત્રો પણ બનાવતાં નથી. 29 અને છતાં પણ હું તમને કહું છું કે સુલેમાને તેની પૂર્ણ ભવ્યતામાં પણ ફૂલોમાંના એકાદ ફૂલ જેવો સુંદર પોષાક ધારણ કર્યો ન હતો. 30 જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ. 31 “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું? 32 જે લોકો દેવને ઓળખતા નતી તેઓ આ બધી વસ્તુઓની પાછળ પડે છે. તમે આની ચિંતા ના કરો કારણ કે આકાશમાં રહેલાં તમારા પિતાને ખબર છે કે તમારે આ બધાની જરૂર છે. 33 પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે. 34 તે માટે આવતીકાલની ચિંતા ન કરો. આજની સમસ્યાઓ આજને માટે પૂરતી છે. આવતીકાલનું દુ:ખ આવતીકાલનું છે.
7:1 બીજાઓને દોષિત ન ઠરાવો, અને દેવ તમને દોષિત ઠરાવશે નહિ. 2 તમે જે રીતે બીજાનો ન્યાય કરશો, તે જ રીતે તમારો પણ ન્યાય થશે તમે બીજાઓનો ન્યાય કરવા જે માપનો ઉપયોગ કરો છો, તે જ માપનો ઉપયોગ તમારા ચુકાદા માટે થશે. 3 “જો તારી આંખમાં ભારોટિયો હોય તે તું જોઈ નથી શકતો તો તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? 4 તું તારા ભાઈને કેવી રીતે કહી શકે, ‘તારી આંખમાં જે તણખલું છે તે મને કાઢવા દે?’ જ્યારે તારી આંખમાં મોટો ભારોટિયો હોય! 5 ઓ ઢોંગી તું પહેલાં તારી આંખમાંનો મોટો ભારોટિયો દૂર કર, પછી તું સારી રીતે જોઈ શકીશ. અને તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢી શકીશ. 6 “જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ના નાંખો અને ભૂંડોની આગળ મોતી ન વેરો. કદાચ તેઓને પગ નીચે કચડી નાંખે અને તમારા તરફ પાછા ફરી તમને ફાડી નાખે. 7 “દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. 8 કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે. 9 “તમારામાંના કોઈ એકને દોકરો છે? જો તારો દીકરો તારી પાસે રોટલી માંગે તો શું તું તેને પથ્થર આપીશ? ના! 10 જો તારો દીકરો તારી પાસે માછલી માંગે તો તું તેને સર્પ આપશે? ના! 11 તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે. 12 “તમે બીજા પાસે જેવા વ્યવહારની અપેક્ષા રાખતા હોય એવો જ વ્યવહાર તમે તેઓની સાથે રાખો. મૂસાના નિયમશાસ્ત્ર અને પ્રબોધકોની વાતોનો સારાંશ એ જ છે. 13 “સાંકડા કરવાજામાંથી દાખલ થાઓ, કારણ કે જે દરવાજો પહોળો છે અને જે રસ્તો સરળ છે, તે વિનાશ તરફ દોરે છે. ઘણા લોકો તે રસ્તેથી જાય છે. 14 જે દરવાજો સાંકડો છે, અને જે રસ્તો નાનો છે, તે સાચા જીવન તરફ દોરે છે. ફક્ત થોડા જ લોકોને તે જડે છે. 18તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબડ સારા ફળ આપી શક્તું નથી. 15 “જૂઠા પ્રબોધકોથી સાવધાન રહો. તેઓ તમારી પાસે ઘેટાંના વેશમાં આવે છે. પણ તેઓ વરુંઓ જેવા ભયંકર હોય છે. 16 તમે આવા લોકોને તેઓ જે વસ્તુઓ કરે છે તેનાથી ઓળખી શકશો. જેમ કાંટાળી ઝાડી પરથી દ્રાક્ષ અને કાંટાળી ઊંટકટારી પરથી અંજીર મળી શક્તા નથી. તેમ ખરાબ લોકો પાસેથી સારી વસ્તુની અપેક્ષા રાખી શકો નહિ. 17 તે જ પ્રમાણે પ્રત્યેક સારું વૃક્ષ સારાં ફળ આપે છે ને ખરાબ વૃક્ષ નઠારાં ફળ આપે છે. 18 તે જ પ્રમાણે સારું ઝાડ નઠારા ફળ આપી શક્તું નથી, અને ખરાબજાડ સારા ફળ આપી શક્તું નથી. 19 જે વૃક્ષ સારાં ફળ આપી શક્તાં નથી તેને કાપીને અગ્નિમાં નાંખી દેવામાં આવે છે. 20 તેથી તમે આવા લોકોને તેઓ કેવાં ફળો આપે છે તેના પરથી ઓળખી શકશો. 21 “જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે. 22 એ અંતિમ દિવસે ઘણા લોકો મને કહેશે, પ્રભુ અમે તારા માટે નથી બોલ્યા? તો શું અમે તારા નામે પ્રબોધ કર્યો નથી? અને તારા નામે ભૂતોનેકાઢયાં નથી? અને તારા નામે બીજા ઘણા પરાકમો કર્યા નથી? 23 પછી હું તેઓને કહીશ, ‘તમે અહીથી ચાલ્યા જાઓ, તમે ભૂંડા છો, મેં તમને કદી પણ ઓળખ્યા નથી.’ 24 “જે કોઈ વ્યક્તિ મારા વચનોને સાંભળે છે અને તે પ્રમાણે આચરણ કરે છે તે ખડક પર મકાન બાંધનાર ડાહ્યા માણસ જેવો છે. 25 ધોધમાર વરસાદ પડ્યો, પૂર આવ્યું અને તે ઘર પર વાવાઝોડું ફુંકાયું છતાં પણ તે ઘર તૂટી પડ્યું નહિ કારણ કે તેનો પાયો ખડક ઉપર બાંધેલો હતો. 26 “પરંતુ જે વ્યક્તિ મારા આ વચનોને ધ્યાનથી સાંભળે છે પરંતુ તે પ્રમાણે વર્તતો નથી તે રેતી પર ઘર બાંધનાર મૂર્ખ માણસ જેવો છે. 27 ધોધમાર વરસાદ આવ્યો, પૂર આવ્યું અને વાવાઝોડાના સપાટા લાગ્યા ત્યારે તે મકાન મોટા અવાજ સાથે જમીનદોસ્ત થઈ ગયું.” 28 ઈસુએ જ્યારે આ વચનો કહેવાનું પુરું કર્યુ, ત્યારે તેના ઉપદેશથી લોકો અચરત પામ્યા. 29 કારણ કે ઈસુ અધિકાર સાથે ઉપદેશ આપતો હતો, નહિ કે તેમના શાસ્ત્રીઓની જેમ.
8:1 ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો. 2 પછી એક કોઢથી પીડાતો માણસ તેની પાસે આવ્યો, પગે પડ્યો અને કહ્યુ, “હે પ્રભુ, તું ઈચ્છે તો મને સાજો કરવાની શક્તિ તારી પાસે છે.” 3 ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો. 4 ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.” 5 ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી. 6 લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, મારો નોકર ખૂબજ બિમાર છે, તે પથારીવશ છે અને પક્ષઘાતી છે.” 7 ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “હું જઈશ અને તેને સાજો કરીશ.” 8 લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે.” 9 હું મારા અધિકારીઓને આધીન છું. મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે. એકને હું કહું છું કે ‘જા’ તો તે જાય છે. બીજાને કહું છું કે, ‘આવ’, તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે, ‘આ કર’ તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે. હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે.” 10 ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી. 11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે. 12 અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.” 13 પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “ઘરે જા અને તારો નોકર તેં જે રીતે વિશ્વાસ કર્યો છે તે રીતે તે સાજો થઈ જશે.” અને બરાબર તે જ સમયે તેનો નોકર સાજો થઈ ગયો. 14 જ્યારે ઈસુ પિતરને ઘેર ગયો ત્યારે તેણે તેની સાસુને તાવથી પીડાતી દીઠી. 15 ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઉતરી ગયો. તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી. 16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા, ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા. તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા. 17 ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” યશાયા 53:4 18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યંુ કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.” 20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાનેમાથું ટેકવાની પણ જગા નથી.” 21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.” 22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.” 23 ઈસુ એક હોડીમાં જઈને બેઠો, તેના શિષ્યો પણ તેની સાથે ગયા 24 એ હોડીએ કિનારો છોડયો કે તરત જ દરિયામાં મોટું તોફાન શરૂ થયું ને ઉછળતાં મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી. પરંતુ ઈસુ તો ઊઘતો હતો. 25 શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!” 26 ઈસુએ કહ્યું કે, ‘તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો. 27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!” 28 સમુદ્રને સામે કિનારે ગદરાનીનાદેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા. તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?” 30 ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું. 31 અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે, “જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો, તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે.” 32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું. 34 આખું નગર ઈસુને મળવા બહાર આવ્યું અને જ્યારે લોકોએ તેને જોયો ત્યારે વિનંતી કરી કે, અમારા સીમોમાંથી તું ચાલ્યો જા.
9:1 ઈસુ હોડીમાં બેઠો અને સરોવરને પેલે પાર ગયો અને પોતાના શહેરમાં આવ્યો. 2 કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.” 3 કેટલાએક શાસ્ત્રીઓએ આ સાંભળ્યું અને અંદરો અંદર વાતો કરવા લાગ્યા કે, “આ માણસ પોતે જ દેવ હોય તેમ બોલે છે. આ રીતે તે દેવની વિરૂદ્ધ બોલે છે.” 4 ઈસુએ જાણ્યું કે તેઓ શું વિચારે છે તેથી ઈસુએ કહ્યું, “તમે તમારા મનમાં આવા ભૂંડા વિચારો શા માટે કરો છો?” 5 માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી. પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.” 6 7 અને તે માણસ ઉભો થયો અને ઘેર ચાલ્યો ગયો. 8 લોકોએ આ જોયું અને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને લોકોએ દેવની સ્તુતિ કરી કારણ કે દેવે આવો અધિકાર માણસોને આપ્યો. 9 ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો. 10 ઈસુએ માથ્થીના ઘરે તેના શિષ્યો સાથે ભોજન લીધું. ત્યારે ત્યાં કર ઉઘરાવનારા અને પાપીઓ પણ જમતા હતાં. 11 ફરોશીઓએ ઈસુને આવા માણસો સાથે ખાતાં જોયો તેથી તેના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક કર ઉઘરાવનારા તથા પાપીઓ સાથે શા માટે ભોજન લે છે?” 12 ઈસુએ આ સાંભળીને કહ્યું, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી. જેઓ બિમાર છે તેમને વૈદની જરૂર છે. 13 ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.” 14 પછી યોહાનના શિષ્યો ઈસુની પાસે આવ્યા. તેઓએ ઈસુને પૂછયું કે, “અમે અને ફરોશીઓ વારંવાર ઉપવાસ કરીએ છીએ તો તારા શિષ્યો શા માટે ઉપવાસ કરતા નથી?” 15 ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે. 16 “જો કોઈ જૂનાં કપડાં પર કોરા કપડાંનું થીંગડું મારે તો એ થીંગડાંથી કપડાંમાં કાણું વધારે મોટુ બનશે. 17 લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે, ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે. તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે. આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે.” 18 ઈસુ જ્યારે આ વાતો કહતો હતો, ત્યારે સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેને પગે પડ્યો અને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. તું આવીને માત્ર તારા હાથથી તેને સ્પર્શ કર તો તે સજીવન થશે.” 19 તેથી ઈસુ ઊભો થયો અને તેને ઘેર ગયો. તેના શિષ્યો તેની પાછળ ગયાં. 20 એક સ્ત્રી હતી, જે છેલ્લા બાર વર્ષથી લોહીવાના રોગથી પીડાતી હતી તેણે પાછળથી આવીને ઈસુના ઝભ્ભાની નીચલી કોરને સ્પર્શ કર્યો. 21 સ્ત્રી વિચારતી હતી કે, “જો હું માત્ર તેના ઝભ્ભાને સ્પર્શ કરીશ તો હું સાજી થઈ જઈશ.” 22 ઈસુ તેની તરફ વળ્યો અને તે સ્ત્રીને જોઈ કહ્યું, “દીકરી હિંમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે.” તે જ પળે તે સ્ત્રી સાજી થઈ ગઈ. 23 ઈસુ અધિકારીની સાથે તેના ઘેર આવી પહોચ્યો અને ઘરમાં ગયો ત્યારે તેણે વાંસળી વગાડનારાઓને અને ઘણા લોકોનેદન કરતા જોયા. 24 ઈસુએ કહ્યું, “આઘા ખસો, કારણ કે છોકરી મરણ નથી પામી. તે ઊંધે છે.” આ સાંભળી લોકો તેના તરફ હસવા લાગ્યા. 25 લોકોનું ટોળું ઘરની બહાર ગયું. ઈસુ છોકરીના ઓરડામાં ગયો. ઈસુએ છોકરીનો હાથ પકડ્યો અને તે છોકરી ઉભી થઈ. 26 આ સમાચાર આજુબાજુના સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગયા. 27 જ્યારે ઈસુ ત્યાંથી જતો હતો ત્યારે બે આંધળા માણસો તેની પાછળ પાછળ ગયા. તેઓ જોરથી બૂમ પાડવા લાગ્યા. “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કર.” 28 ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.” 29 પછી તેઓની આંખોને સ્પર્શ કરી ઈસુ બોલ્યો, “તમે વિશ્વાસ રાખો છો તો તે પ્રમાણે થાઓ.” 30 અને તરત જ તેઓ દેખતા થયા. ઈસુએ તેઓને કહ્યું, “તમે આ વિષે કોઈને વાત ન કરતા.” 31 પરંતુ આંધળા માણસો ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુની આ કીર્તિ તેઓએ આખા વિસ્તારમાં ફેલાવી. 32 આગળ જતાં લોકો ઈસુની પાસે બીજા એક માણસને લઈને આવ્યા, આ માણસને અશુદ્ધ આત્મા વળગેલો હતો. તે મૂંગો હતો. 33 ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.” 34 પરંતુ ફરોશીઓએ કહ્યું, “તે (ઈસુ) અશુદ્ધ આત્માના સરદાર (શેતાન) થી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે.” 35 ઈસુએ તે વિસ્તારના તમામ શહેરો અને ગામડાઓમાં જઈને યહૂદિ સભાસ્થાનોમાં દેવના રાજ્ય વિષેની સુવાર્તા આપી. અને જે લોકો બધાજ પ્રકારના રોગો અને માંદગીથી પીડાતા હતા તેમને સાજા કર્યા. 36 ઈસુએ ઘણા લોકોને જોયા અને તેઓ પર તેને કરૂણા ઉપજી કારણ કે તેઓ થાકેલા અને અસહાય હતા. તેઓ પાળક વિનાના ઘેટાં જેવા હતા. 37 ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસોરૂપી પાક (બચાવ) પુષ્કળ છે. પણ મજૂરો ઓછા છે. 38 તેથી પાકના (લોકો) ધણીને પ્રાર્થના કરો કે કાપણી કરવા વધારે મજૂરો મોકલી આપે.”
10:1 ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી. 2 બાર પ્રેરિતોનાં નામ આ પ્રમાણે છે:પ્રથમ સિમોન જે પિતર કહેવાય છે તેનો ભાઈ આંન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ તથા તેનો ભાઈ યોહાન. 3 ફિલિપ અને બર્થોલ્મી; થોમા તથા કર ઉઘરાવનાર માથ્થી; અલ્ફીનો દીકરો યાકૂબ અને થદી; 4 સિમોન કનાનીતથા યહૂદા ઈશ્કરિયોત, જે તેને દુશ્મનના હાથમાં સોપી દેનારો હતો. 5 આ બાર જણને બહાર મોકલતી વખતે ઈસુએ તેમને આજ્ઞા કરી કે જ્યાં બિન-યહૂદીઓ વસે છે ત્યાં જશો નહિ અને કોઈપણ સમરૂનીઓના નગરમાં જશો નહિ. 6 પણ ઈસ્રાએલના લોકો પાસે જાઓ. તે યહૂદીઓ ખોવાયેલા ઘેંટા જેવાં છે. 7 જેવા તમે જાઓ કે તરત જ તેઓને ઉપદેશ આપો કે, ‘આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.’ 8 માંદા લોકોને સાજા કરો. મરેલાને જીવતા કરો. રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો. હું તમને આ સાર્મથ્ય વિના મૂલ્યે આપું છું. માટે તમે પણ દરેકને વિના મૂલ્યે આપો. 9 તમારી સાથે સોનું, રૂપું કે તાંબુ કે કોઈપણ પ્રકારનું નાંણુ રાખશો નહિ. 10 મુસાફરી દરમ્યાન તમારી સાથે ફક્ત તમે જે કપડા પહેર્યા છે તે તથા જે પગરખા પહેર્યા છે તે જ રાખશો. ચાલવા માટે લાકડી પણ લેશો નહિ. વધારાનાં કપડાં કે પગરખાં પણ ના રાખશો કારણ કે કામ કરનાર ને તેની જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવશે જ. 11 “જ્યારે તમે જે નગરમાં કે ગામમાં પ્રવેશો, ત્યારે કોઈ લાયક વ્યક્તિની શોધ કરો અને બીજા સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેને ઘેર જ રહો. 12 જે ઘરમાં તમને આવકાર મળે તેમને કહો, ‘શાંતિ તમારી સાથે રહો.’ 13 જો ઘરના લોકો લાયક હશે તો તમારા આશીર્વાદ એમની સાથે રહેશે. પણ જો તેઓ લાયક નહિ હોય તો તમે આપેલી શાંતિની આશિષ તમારી પાસે પાછી આવશે. 14 અને જો કોઈ શહેર અથવા ઘર તમારો સત્કાર ના કરે, તો ત્યાંથી તરત જ નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગે લાગી હોય તો તે ખંખેરી નાખો. 15 હું તમને સત્ય કહું છું કે, ન્યાયના દિવસે સદોમ અને ગમોરા નગરોની હાલત તે નગરના કરતાં સારી હશે. તથા તેમના તરફ વધારે ઉદારતા બતાવાશે. 16 “સાંભળો! હું તમને એવી જગ્યાએ મોકલી રહ્યો છું કે જ્યાં વરુંઓની વચ્ચે તમે ઘેટાં જેવા લાગશો. આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો અને ખોટું કરશો નહિ. 17 લોકોથી ચેતના રહેજો, કારણ એ લોકો તમારી ધરપકડ કરશે. તમને ન્યાય માટે લઈ જશે અને સભાસ્થાનોમાં લઈ જઈ તમારા પર કોરડા ફટકારાશે. 18 તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો. 19 જ્યારે તમને પકડવામાં આવે તો તમારે શું કહેવું અને કેવી રીતે કહેવું તેની ચિંતા કરશો નહિ. યોગ્ય ઉત્તર આપવાના શબ્દો તમને તે વખતે જ આપવામાં આવશે. 20 તે સમયે તમે નહિ, પરંતુ તમારા પિતાનો આત્મા તમારા દ્વારા બોલશે. 21 “ભાઈઓ, ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે. પિતા તેમના બાળકોની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે. 22 જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે. 23 જ્યારે તમારી એક નગરમાં પજવણી કરવામાં આવે તો તમે બીજા નગરમાં જતાં રહેજો. તમને સાચું જ કહું છું કે, માણસનો દીકરો આવે તે પહેલા તમે ઈસ્રાએલના તમામ નગરોમાં ફરી વળશો. 24 “ચેલો તેના ગુરુંથી મોટો નથી કે દાસ એના શેઠ કરતાં ચડિયાતો નથી. 25 ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે! 26 “આથી લોકોથી ન ડરો કારણ કે જે કંઈક છુપાવેલું છે તે જાહેર કરવામાં આવશે. જે કંઈ ગુપ્ત છે તે પ્રગટ થશે. 27 હું તમને અંધકારમાં જે કહું છું તે તમે અજવાળામાં જાહેર કરો, અને મેં જે તમને કાનમાં કહ્યું, તે બધું તમે બધાજ લોકોને જાહેરમાં કહો. 28 “જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે. 29 એક પૈસામાં બે નાનાં પક્ષીઓ વેચાય છે પરંતુ તમારા બાપની ઈચ્છા વગર કોઈ એક પણ પક્ષી ધરતી પર નહિ પડી શકે. 30 દેવને તો ખબર છે કે તમારા માથા ઉપર વાળ કેટલા છે. 31 તેથી ડરો નહિ. તમારું મૂલ્ય તો એવાં નાનાં પક્ષીઓ કરતાં અધિક છે. 32 “જે કોઈ બીજા લોકોની સામે મારામાં વિશ્વાસની કબૂલાત કરશે તો, હું પણ આકાશમાંના બાપની આગળ એ મારો છે તેમ જાહેર કરીશ. 33 પરંતુ જ્યારે કોઈ માણસ બીજા લોકોની સામે મારામાં તેના વિશ્વાસને કબૂલ ન કરે, તો તેનો હું નકાર કરીશ. અને હું આકાશમાંના બાપની સમક્ષ તે મારો છે એવું જાહેર કરીશ નહિ. 34 “એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું. 35 ‘હું પુત્રને તેના પિતાની વિરૂદ્ધ, પુત્રીને તેની મા વિરૂદ્ધ, અને વહુને તેની સાસુ વિરૂદ્ધ કરવા આવ્યો છું. મનુષ્યના શત્રું તો તેમના ઘરના લોકો જ બનશે.’ મીખાહ 7:6 36 37 જે કોઈ મારા કરતાં વધારે તેના માતાપિતાને પ્રેમ કરે છે અને જે કોઈ મારા કરતાં તેમના દીકરા કે દીકરીને પ્રેમ કરે છે તે મારો શિષ્ય થવાને લાયક નથી. 38 જે માણસ તેને આપવામાં આવેલ વધસ્તંભનો સ્વીકાર કરતો નથી તો તે મારો શિષ્ય થવા માટે યોગ્ય નથી. 39 જે માણસ મારા કરતાં તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે. પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તેજ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે. 40 “જે માણસ તમને સ્વીકારે છે, તે મને સ્વીકારે છે, અને જે વ્યક્તિ મને સ્વીકારે છે તે જેણે મને મોકલ્યો તેને સ્વીકારે છે. 41 જો કોઈ વ્યક્તિ પ્રબોધકને સ્વીકારે છે કારણ કે તે એક પ્રબોધક છે પછી તે પ્રબોધક જે મેળવે છે તે બદલો તે વ્યક્તિ પ્રાપ્ત કરશે. જે કોઈ વ્યક્તિ સાચા માણસને સ્વીકારે છે, તે એક સારો માણસ છે પછી કે સાચો માણસ પ્રાપ્ત કરે છે તે બદલો તે વ્યક્તિને મળશે. 42 હું તમને સત્ય કહું છું કે જો કોઈ વ્યક્તિ શિષ્યના નામે નાનામાંના એકને પણ ઠંડા પાણીનો પ્યાલો પીવા આપે તો તેનું ફળ મળ્યાં વગર રહેશે જ નહિ.”
11:1 ઈસુ તેના બાર શિષ્યોને સૂચનાઓ આપ્યા પછી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી ગાલીલ નામના નગરમાં ઉપદેશ અને બોધ આપવા ગયો. 2 યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. 3 યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?” 4 ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. 5 આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. 6 જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.” 7 યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! 8 તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. 9 તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:“ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું. તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1 11 હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો! 16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે. 17 ‘અમે તમારા માટે સંગીત વગાડ્યું, પરંતુ તમે નૃત્ય કયું નહિ; અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં પરંતુ તમે રડ્યા નહિ.’ 18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ 19 માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.” 20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ. 21 ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીનતને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોનના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખનાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં. 22 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે. 23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે?ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત. 24 હું કહું કે, “ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.” 25 પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 26 હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું. 27 મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે. 28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”
12:1 તે સમયે, ઈસુ વિશ્રામવારે પોતાના શિષ્યો સાથે અનાજના ખેતરોમાંથી જતો હતો. તેના શિષ્યો ભૂખ્યા થયા હતા. તેથી તેઓ અનાજના કણસલાં તોડી ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ આ જોયું અને તેમણે ઈસુને કહ્યું: “જો! તારા શિષ્યો શાસ્ત્રના નિયમનો ભંગ કરે છે. અને અનાજના કણસલાં તોડે છે જે વિશ્રામવારે કરવાની મનાઈ છે.” 3 ઈસુએ તેમને કહ્યું, “શું તમે વાંચ્યું છે કે જ્યારે દાઉદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાઉદે શું કર્યુ હતું? 4 દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો? 5 શું મૂસાના નિયમશાસ્ત્રમાં તમે કદીયે વાચ્યું નથી? વિશ્રામવારે ફરજ પાલન કરનારા યાજકો નિયમનો ભંગ કરે અને છતાં પણ તેમને દોષિત ગણાવતા નથી? 6 હું તમને કહું છું, અહીં એવું કોઈક છે કે જે મંદિર કરતાં પણ મોટો છે. 7 શાસ્ત્રો કહે છે, ‘મારે પ્રાણીના યજ્ઞો નથી જોઈતા; પણ હું લોકોમાં દયા ચાહું છું’ તમે જો શાસ્ત્રોના આ શબ્દોના સાચા અર્થો સમજતા હોત તો જેઓ નિર્દોષ છે, તેઓને દોષિત ન ઠરાવત. 8 “આ માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.” 9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યો. 10 ત્યાં સભાસ્થાનમાં એક વ્યક્તિ હતી જેનો હાથ અપંગ હતો. તેથી લોકોએ ઈસુને પૂછયું, “શું નિયમશાસ્ત્ર અનુસાર વિશ્રામવારે કોઈને સાજો કરવો એ શું યોગ્ય ગણાય?” 11 ઈસુએ ઉત્તર આપ્યો, “ધારો કે તમારી પાસે એક ઘેટું હોય અને વિશ્રામવારે તે ખાડામાં પડી ગયું હોય તો શું તમે તેને પકડી ખાડામાંથી બહાર નહિ કાઢો? 12 ઘેટાં કરતાં મનુષ્ય વધારે મૂલ્યવાન છે, માટે વિશ્રામવારે ભલાઈનાં કામ કરવાની નિયમશાસ્ત્ર અનુસાર મંજૂરી હોય છે.” 13 પછી ઈસુએ પેલા માણસને કહ્યું, “તારો હાથ મને જોવા દે.” તે માણસે પોતાને હાથ ઈસુ પાસે ધર્યો કે તરત જ તેનો હાથ બીજા હાથ જેવો થઈ ગયો. 14 ફરોશીઓ ત્યાંથી ચાલ્યા ગયા અને ઈસુને મારી નાખવાની યોજના બનાવી. 15 ફરોશીઓ શું કરવાના છે, તેની ઈસુને જાણ થઈ. તેથી ઈસુ તે જગ્યા છોડી ચાલ્યો ગયો. ઘણા લોકો તેની પાછળ ગયા. ઈસુએ બધા જ બિમાર લોકોને સાજા કર્યા. 16 ઈસુએ લોકોને ચેતવણી આપી કે તે કોણ હતો, તે બીજા લોકોને કહેવું નહિ. 17 આમ બન્યુ, જેથી યશાયા પ્રબોધકના શબ્દો સાચા પુરવાર થયા, 18 “જુઓ, આ મારો સેવક છે; જેને મેં પસંદ કર્યો છે; હું તેને પ્રેમ કરું છું અને એનાથી હું સંતુષ્ટ છું; હું મારો આત્મા તેનામાં મૂકીશ, અને તે બધા દેશોના લોકોનો ન્યાય કરશે. 19 તે વાદવિવાદ કરશે નહિ કે બૂમો પાડશે નહિ; લોકો તેને શેરીઓમાં ઊંચા અવાજે બોલતો સાંભળશે નહિ. 20 કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરું જેવા કમજોરને તે કચડી નાખશે નહિ; કે મંદ મંદ સળગતી જ્યોતને તે હોલવી નાખશે નહિં. બધા જ દેશોને ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે. 21 બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે.” યશાયા 42:1-4 22 પછી કેટલાએક માણસો એક માણસને ઈસુ પાસે લાવ્યા. તે અંધ હતો અને બોલી પણ શકતો ન હતો, કારણ તેનામાં ભૂત હતું. ઈસુએ તેને સાજો કર્યો. તે માણસ બોલતો થયો અને દેખતો પણ થયો. 23 બધા જ લોકો આશ્ર્ચર્યમુગ્ધ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “તે (ઈસુ) દાઉદનો દીકરો હોય તેમ બની શકે! જેને દેવે આપણી પાસે મોકલવાનું વચન આપ્યું છે!” 24 જ્યારે ફરોશીઓએ સાંભળ્યું ત્યારે કહેવા લાગ્યા, “ઈસુ ભૂતોના રાજા બઆલઝબૂલની મદદથી ભૂતોને હાંકી કાઢે છે.” 25 ઈસુને જ્યારે તેમના વિચારોની જાણ થઈ, ત્યારે ઈસુએ કહ્યું, “દરેક રાજ્ય અંદરો અંદર લડે તો તેનો નાશ થાય છે. દરેક શહેરમાં જ્યારે ભાગલા પડે તો તે લાંબો સમય ટકી શકતું નથી. તેમ દરેક કુટુંબમાં પણ ભાગલા પડે તો તે કુટુંબ ઊભું રહી શકે નહિ. 26 તે રીતે જો શેતાન શેતાનને હાંકી કાઢે તો તેના પોતાનાથી જ છૂટો પડે તો પછી તેનું રાજ્ય કેવી રીતે ટકાવી શકે. 27 તમે કહો છો કે ભૂતોને કાઢી મૂકવા હૂં બાલઝબૂલનો ઉપયોગ કરું છું, જો એ સાચુ હોય તો તમારા લોકો ભૂતોને હાંકી કાઢવા કઈ શક્તિનો ઉપયોગ કરે છે? આથી તમારા લોકો જાતે જ સાબિત કરે છે કે, તમે ખોટા છો. 28 પણ હું તો ભૂતોને કાઢવા દેવના આત્માના સાર્મથ્યનો ઉપયોગ કરું છું. જે બતાવે છે કે હવે દેવનું રાજ્ય તમારી નજીક આવી રહ્યું છે. 29 જો કોઈએ બળવાનના ઘરમાં પ્રવેશ કરવો હોય અને તેની વસ્તુઓ ચોરી લેવી હોય તો, પહેલા તો બળવાન માણસને તમારે બાંધી દેવો જોઈએ, પછી જ તે માણસના ઘરમાં કોઈપણ વ્યક્તિ તેની વસ્તુઓની ચોરી કરી શકે છે. 30 જો જે વ્યક્તિ મારી સાથે નથી તો તે મારી વિરૂદ્ધમાં છે. જે મારી સાથે કામ કરી શકતો નથી, તે મારી વિરૂદ્ધમાં કામ કરે છે. 31 “તેથી હું કહું છું, લોકોએ કરેલું દરેક પાપ અને પ્રત્યેક દુર્ભાષણ આ બધુજ માફ થઈ શકે છે. પણ જે કોઈ માણસ પવિત્ર આત્માની વિરૂદ્ધ જે દુર્ભાષણ કરે છે તે માણસને માફ નહિ કરાશે. 32 કોઈ માણસના દીકરાની વિરૂદ્ધ બોલે તો તેને માફ થઈ શકે, પરંતુ કોઈ પવિત્ર આત્માની વિરૂદ્ધ બોલે તો તે વ્યક્તિને માફ કરી શકાય નહિ. આ યુગમાં પણ નહિ, ને આવનાર યુગમાં પણ નહિ. 33 “જો તમારે સારું ફળ જોઈતું હોય તો સારું વૃક્ષ રોપવું જોઈએ, તમારું વૃક્ષ સારું નહિ હોય તો તેને ખરાબ ફળ મળશે. વૃક્ષની ઓળખાણ તેના ફળથી જાણી શકાય છે. 34 ઓ સર્પોના વંશ, તમે જ ખરાબ હો તો સારી વાત કેવી રીતે કરી શકો? તમારા હૃદયમાં જે કાંઈ ભર્યુ છે તે જ મુખ બોલે છે. 35 સારા માણસના હૃદયમાં સારી વસ્તુ સંધરેલી હોય તો તે સારું જ ખોલે છે. પણ જો દુષ્ટના હૃદયમાં ખરાબ વાત સંઘરેલી હોય તો તેને હોઠે ખરાબ વાત જ બોલાય છે. 36 પણ હું તમને કહું છું કે ન્યાયકાળે દરેક વ્યક્તિએ તેણે બોલેલા પ્રત્યેક અવિચારી શબ્દ માટે ઉત્તર આપવો પડશે. 37 તમે બોલેલા શબ્દોના આધારે જ તમારો ન્યાય કરવામાં આવશે, તમારી કહેલી કેટલીક વાતો તમને નિર્દોષ ઠરાવશે. અને તમારી કહેલી કેટલીક વાતો તમને દોષિત કરાવશે.” 38 એક દિવસે કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા. તેમણે કહ્યું, “ઉપદેશક, અમને નિશાનીરૂપે કંઈ ચમત્કાર કરી બતાવ.” 39 ઈસુએ કહ્યું, “દેવળ દુષ્ટ અને અવિશ્વાસી લોકો જ નિશાની તરીકે ચમત્કારની માંગણી કરે છે. પરંતુ યૂના પ્રબોધકની નિશાની સિવાય બીજી કોઈ નિશાની અપાશે નહિ. 40 જેમ યૂના ત્રણ દિવસ અને ત્રણ રાત મોટી માછલીના પેટમાં રહ્યો તેમ માણસનો દોકરો પૃથ્વીના પેટમાં ત્રણ દિવસ અને ત્રણ રાત રહેશે. 41 ન્યાયકાળે નિનવેહના લોકો આજની પેઢીના તમારા લોકો સાથે ઊભા રહેશે, અને તમને દોષિત ઠરાવશે. કેમ કે જ્યારે યૂનાએ તેઓને ઉપદેશ આપ્યો, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો અને પોતાના ખરાબ માર્ગ છોડી દઈ દેવની તરફ વળ્યા. પણ જુઓ યૂના કરતાં અહીં એક મોટો છે તો પણ તમે તેના પર વિશ્વાસ કરવાનો ઈન્કાર કરો છો. 42 “ન્યાયના દિવસે શેબાની રાણી આજની પેઢીના તમારા લોકો સાથે ઊભી રહેશે કારણ કે ઘણે દૂરથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી. અહીં સુલેમાન કરતાં પણ એક મોટો છે. 43 “અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળ્યા પછી ઉજજડ સ્થળોએ વિસામો શોધતો ફરે છે પણ એને એવું કોઈજ સ્થળ વિસામા માટે મળતું નથી. 44 તેથી તે કહે છે, ‘જેના ઘેરથી (વ્યક્તિ) હું નીકળ્યો છું તેના જ ઘરે (વ્યક્તિ) હું પાછો જઈશ. તેથી તે પાછો આવે છે અને જુએ છે તો પેલા માણસનું ઘર ખાલી સ્વચ્છ અને સુઘડ બનાવેલું છે. 45 પછી તે અશુદ્ધ આત્મા જાય છે અને પોતાના કરતાં વધુ ભૂંડા એવા સાત અશુદ્ધ આત્માઓને લાવે છે. અને એ બધાજ પેલા માણસમાં પ્રવેશીને રહે છે. આ અગાઉ કરતાં તેની દશા વધારે કફોડી બને છે. આ દુષ્ટ પેઢીના લોકો જે આજે છે તેમની હાલત પણ એવી જ થશે.” 46 ઈસુ જ્યારે લોકોને વાત કરી રહયો હતો ત્યારે તેની સાથે વાત કરવાની ઈચ્છાથી તેની મા અને ભાઈઓ ઘરની બહાર ઊભા રહ્યા હતા. 47 એક માણસે ઈસુને આવીને કહ્યું, “તારી મા અને ભાઈઓ તારી સાથે વાત કરવાની ઈચ્છાથી તારી રાહ જોઈને બહાર ઊભા રહ્યાં છે.” 48 ઈસુએ ઉત્તર આપ્યો, “કોણ મારી મા અને કોણ મારા ભાઈઓ?” 49 પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ આંગળી ચીંધી ને કહ્યું, “જુઓ! આ લોકો જ મારી મા અને મારા ભાઈઓ છે. 50 મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે વર્તે છે તે જ મારા ભાઈ, બહેન, અને મા છે.”
13:1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સરોવરના કિનારે જઈને બેઠો. 2 ઘણા લોકો તેની આસપાસ ભેગા થયા. તેથી તે હોડીમાં પ્રવેશ્યો અને બેઠો. લોકો કિનારે ઊભા રહ્યાં. 3 ઈસુએ દૃષ્ટાંતો દ્વારા ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. તેણે કહ્યું,“એક ખેડૂત ખેતરમાં વાવવા માટે બહાર ગયો. 4 જ્યારે ખેડૂત વાવણી કરતો હતો ત્યારે કેટલાંએક બી રસ્તાની બાજુએ પડયાં. પક્ષીઓ આવ્યાં અને તે ખાઈ ગયાં. 5 કેટલાંએક બી પથ્થરવાળી જમીન પર પડ્યાં. ત્યાં પૂરતી માટી નહોતી. અને માટીનું ઊંડાણ નહોતું. તેથી બી વહેલા ઊગી નીકળ્યાં. 6 પણ સૂર્યના તાપથી બધા જ કુમળા છોડ ચીમળાઈ ગયા અને સુકાઈ ગયા. કારણ તેમનાં મૂળ ઊડાં ન હતાં. 7 કેટલાએક બી કાંટા ઝાંખરામાં પડ્યાં. ઝંાખરા ઉગ્યાં પણ સારા બી ના છોડને ઉગતા જ દબાવી દીધા. 8 કેટલાંક સારી જમીનમાં પડ્યાં અને તેમાંથી છોડ ઊગ્યા, અને અનાજ ઉત્પન્ન કર્યુ. કેટલાંક છોડે સોગણાં, કેટલાંક સાઠગણાં અને કેટલાંકે ત્રીસગણાં ફળ ઉત્પન્ન કર્યા. 9 તમે લોકો જે મને સાંભળી રહ્યાં છો, તે ધ્યાનથી સાંભળો!” 10 પછી ઈસુના શિષ્યોએ તેને આવીને પૂછયું, “તું લોકોને દૃષ્ટાંતો દ્વારા શા માટે શીખવે છે?” 11 ઈસુએ શિષ્યોને કહ્યું, “આકાશના રાજ્ય અને તેના મર્મો વિષે તમને સમજવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ તે બીજા લોકોને આપવામાં આવ્યો નથી. 12 જેની પાસે સમજ છે, તેને આપવામાં આવશે અને તેની પાસે તેની જરૂરિયાત કરતાં પણ પુષ્કળ થશે, પણ જેની પાસે સમજ નથી, તેની પાસે જે થોડી ઘણી છે તે પણ ગુમાવી બેસશે. 13 આથી હું દૃષ્ટાંત દ્વારા તેમને કહું છું કે તમે નજર કરશો અને તમને દેખાશે. લોકો જુએ છે પણ હકીકતમાં તેઓ જુએ છે છતાં તેઓ જોતા નથી. તેઓ સાંભળે છે, પણ હકીકતમાં તેઓ સાંભળતા નથી અને સમજતા પણ નથી. 14 તેથી યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી છે તે સાચી પડી છે:‘તમે લોકો સાંભળશો અને સાંભળતા જ રહેશો, પણ કદી સમજશો નહિ. તમે જોઈ શકશો છતાં પણ કદી પણ જોઈ શકશો નહિ. અને તમે શું જુઓ છો તે સમજી શકશો નહિ તેમના કિસ્સામાં આ સાચું સાબિત થયું છે. 15 કેમ કે આ લોકોનું હૃદય લાગણી વિહિન થઈ ગયું છે. તેઓને કાન છે, પણ ભાગ્યે જ સાંભળે છે, અને તેઓએ પોતાની આંખો બંધ કરી છે. કારણ સત્ય જોવું નથી, નહિ તો તેઓ પોતાની આંખોથી જુએ, પોતાના કાનથી સાંભળે, અને પોતાના હૃદયથી સમજી પાછા ફરે તો હું તેઓને સાજા કરું.’ યશાયા 6:9-10 16 પણ તમે આશીર્વાદ પામેલા છો, કારણ કે તમારી આંખો જોઈ શકે છે અને તમારા કાન સાંભળી શકે છે. ને સમજી શકે છે. 17 હું તમને સત્ય કહું છું કે ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે જુઓ છો તે જોવા ઈચ્છતા હતા પરંતુ તેઓ જોઈ શકયા નહિ. અને ઘણા પ્રબોધકો અને સારા માણસો તમે જે સાંભળો છો તે સાંભળવા ઈચ્છતા હતા પરંતુ તે સાંભળી શકયા નહિ. 18 “બી વાવનાર ખેડૂતનાં દૃષ્ટાંતનો અર્થ ધ્યાનથી સાંભળો’ 19 “જે બીજ રસ્તા ઉપર પડ્યા છે તેનો અર્થ શો? એનો અર્થ એ કે જે રાજ્ય વિષેની સંદેશ સાંભળે છે પણ તે સમજી શકતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવીને લઈ જાય છે. રસ્તાની કોરે જે વાવેલું તે એ જ છે. 20 “અને ખડકાળ પ્રદેશમાં બી પડે છે, તેનો અર્થ શો? એ બી એવા માણસ જેવું છે કે જે ઉપદેશ સાંભળે છે અને તરત જ આનંદથી સ્વીકારી લે છે. 21 તો પણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડીવાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તે તરત ઠોકર ખાય છે તે માણસનાં હૃદય સુધી તે ઉપદેશની અસર થાય અને જયારે તેને સ્વીકારેલા સંદેશને લીધે સતાવણી થાય છે ેત્યારે ઝડપથી સિધ્ધાંતો ત્યજી દે છે અને પાછો પડે છે. 22 “અને જે બી કાંટા અને ઝાંખરામાં પડ્યાં છે તે એવી વ્યક્તિ જેવા છે કે જે ઉપદેશ સાંભળે છે પણ જ્યારે દુન્યવી ચિંતાઓ અને સંપત્તિના પ્રલોભનો આવે છે ત્યારે સંદેશને ગુંગળાવી નાખે છે. અને તેને ઊગતા અટકાવે છે. અને તે કોઈ ફળ ધારણ કરી શકતા નથી. 23 “સારી જમીન ઉપર પડેલા બી નો અર્થ એ છે કે જે વ્યક્તિ આ ઉપદેશ સાંભળે છે અને સમજે છે તે તેનાં ફળ પામે છે અને કોઈવાર તે જીવનમાં સો ગણાં, કોઈવાર સાઠ ગણાં અને કોઈવાર ત્રીસ ગણાં ફળ ધારણ કરે છે.” 24 ઈસુએ બીજું એક દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય એ વ્યક્તિ જેવું છે, જેણે પોતાના ખેતરમાં સારા બીજની વાવણી કરી હતી. 25 એક રાત્રે, બધાં જ માણસો ઊંઘતા હતા. ત્યારે તેનો વૈરી આવ્યો અને ઘઉંમાં નકામા બી વાવી ગયો. 26 પણ જ્યારે છોડ ઊગ્યા અને દાણા દેખાયા ત્યારે નકામા છોડ પણ દેખાયા. 27 ખેડૂતનો છોકરો આવ્યો અને તેને કહ્યું, ‘શું તમે ખેતરમાં સારા બી વાવ્યા ન હતાં? તો પછી ખરાબ છોડ ક્યાંથી આવ્યા?’ 28 “તે માણસે ઉત્તર આપ્યો, ‘વૈરીઓએ આ વાવ્યું છે,’“નોકરે પૂછયું, ‘તમે રજા આપો તો નકામા છોડ કાઢી નાખીએ.’ 29 “તેણે કહ્યુ, ‘ના, તેમ કરવા જશો તો નકામા છોડ સાથે ઘઉંના છોડ પણ ઉખાડી નાખશો. 30 પાક લણતાં સુધી ઘઉં અને નકામા દાણા ભલે સાથે ઊગે પાક લણણીના સમયે લણનારાઓને હું કહીશ પહેલા નકામા છોડને ભેગા કરો. તેમને બાળી નાખવાના હેતુથી તેમના ભારા બાંધો. અને પછી ધઉં મારા કોઠારમાં ભેગા કરો.”‘ 31 પછી ઈસુએ લોકોને બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે જેને માણસે લઈને તેના ખેતરમાં વાવ્યું. 32 બધા જ બી કરતાં તે સૌથી નાનું છે. પણ તે જ્યારે ઉગે છે ત્યારે બગીચાનાં બધાજ છોડ કરતાં બધારે મોટું બને છે અને તે વૃક્ષ બને છે. અને પક્ષીઓ ત્યાં આવીને ડાળીઓમાં માળા બાંધે છે. 33 પછી તેણે બીજુ દૃષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, એક સ્ત્રીએ ત્રણ ગણાં લોટમાં ખમીર ભેળવ્યું જ્યાં સુધી બધાજ લોટને આથો આવી ખમીર તૈયાર ન થયું ત્યાં સુધી તે રહેવા દીઘું.” 34 ઈસુએ લોકોને દૃષ્ટાંત કથાઓ દ્વારા ઉપદેશ આપ્યો. તેણે દૃષ્ટાંત કથાઓનો ઉપયોગ કર્યા સિવાય કદીયે ઉપદેશ આપ્યો નથી. 35 આમ એટલા માટે બન્યું, પ્રબોધકે જે કહ્યું હતું તે સાચું પડે:“હું દૃષ્ટાંતો દ્વારા જ વાત કરીશ; અને પૃથ્વીની ઉત્પત્તિથી અત્યાર સુધી ગુપ્ત રખાયેલા રહસ્યોને હું સમજાવીશ.” ગીતશાસ્ત્ર 78:2 36 પછી ઈસુ લોકસમુદાયને છોડી ઘરમાં ગયો, તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી, “અમને ખેતરના નકામા છોડવાનું દૃષ્ટાંત સમજાવો.” 37 ઈસુએ ઉત્તર આપ્યો, “જેણે સારા બી નું વાવેતર કર્યુ છે તે માણસનો દીકરો છે. 38 આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે. 39 જે વૈરીએ ખરાબ બી વાવ્યા તે શેતાન છે, કાપણી એ જગતનો અંત છે, અને પાક લણનારા એ દૂતો છે. 40 “આ દૃષ્ટાંતમાં જેમ નકામા છોડને જુદા કાઢી બાળી દેવામાં આવે છે તે જ પ્રમાણે જગતના અંતકાળે થશે. 41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે એ દૂતો એવા લોકો જેઓ બીજાને પાપ કરવા પ્રેરે છે અને જેઓ અનિષ્ટ કરે છે તેમને બહાર કાઢશે અને તેમને તેના રાજ્યની બહાર લઈ જશે. 42 તે દૂતો આવા માણસોને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકી દેશે. જ્યાં લોકો વેદનાને લીધે રડશે અને દાંત પીસશે. 43 ત્યારે સારા લોકો જ તેના બાપના રાજ્યમાં સૂરજની જેમ ચમકશે. જે સાંભળી શકતા હોય તે મારી વાત ધ્યાનથી સાંભળી લો! 44 “આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો. અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું, તે બધુંજ વેચી દીધું. 45 “વળી, આકાશનું રાજ્ય સુંદર સાચા મોતીની શોધ કરવા નીકળેલા એક વેપારી જેવું છે. 46 એક દિવસે તે વેપારીએ આ વિશિષ્ટ મૂલ્યવાન મોતી જોયું ત્યારે તે ગયો અને તેની પાસે જે કઈ હતુ તે બધુ વેચી દીધું અને તે ખરીદી લીધું. 47 “અને આકાશનું રાજ્ય એક જાળ જેવું છે, જેને સરોવરમાં નાખીને બધીજ જાતની માછલીઓ પકડી હતી. 48 જ્યારે જાળ પૂરી માછલીઓથી ભરાઈ ગઈ ત્યારે તેણે જાળને પાણીમાંથી બહાર કાઢી સારી માછલીઓ ટોપલીઓમાં ભરી દીઘી. અને ખરાબ માછલીઓને ફેંકી દીઘી. 49 સૃષ્ટિના અંત સમયે પણ આવું જ થશે. દૂતો આવીને દુષ્ટ માણસોને સારા માણસોથી જુદા પાડશે. 50 દૂતો દુષ્ટ માણસોને ધગધગતા અગ્નિમાં ફેંકી દેશે જ્યાં એ લોકો કલ્પાંત કરશે અને દુ:ખથી તેમના દાંત પીસશે અને દુ:ખી થશે.” 51 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “હવે તમે આ બધી બાબતો સમજો છો?”શિષ્યોએ કહ્યું, “હા, અમે સમજીએ છીએ.” 52 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “જે શાસ્ત્રીઓ આકાશના રાજ્ય વિષે જાણે છે એ એક એવા ઘર ઘણી છે કે જે તેના કોઠારમાંથી નવી અને જુની વસ્તુઓ બહાર કાઢી નાખે છે.” 53 જ્યારે ઈસુએ દૃષ્ટાંતો દ્વારા પોતાનો ઉપદેશ પૂરો કર્યા પછી ત્યાંથી ચાલી નીકળ્યો. 54 ઈસુ જ્યાં ઉછરીને મોટો થયો હતો ત્યાં ગયો અને લોકોને તેમના સભાસ્થાનમાં ઉપદેશ આપવા લાગ્યો. અને લોકો આશ્ર્ચર્યમુગ્ધ થયા અને કહ્યું, “આ માણસને આવું ડહાપણ અને ચમત્કાર કરવાનું પરાક્રમ કયાંથી પ્રાપ્ત થયું?” 55 આ તો એક સુથારનો દીકરો છે. તેની મા મરિયમ તરીકે ઓળખાય છે. તેના ભાઈઓને યાકૂબ, યૂસફ, સિમોન અને યહૂદા તરીકે આપણે ઓળખીએ છીએ. 56 તેની બહેનો પણ અહીં જ રહે છે, તો આ માણસમાં આટલું બધું ડહાપણ અને આ બધું કરવાનું સાર્મથ્ય કયાંથી આવ્યાં? 57 એથી એ લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ.એટલે ઈસુએ લોકોને કહ્યું, “પ્રબોધકને પોતાના ગામ કે પોતાના ઘર સિવાય બધે જ સન્માન મળે છે.” 58 તે લોકો ઈસુમાં વિશ્વાસ કરતાં ન હતા, તેથી તેણે ત્યાં ઘણાં પરાક્રમી કાર્યો બતાવ્યા નહિ.
14:1 આ સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદ, ઈસુ વિષે સાંભળ્યું. 2 ત્યારે તેણે પોતાના ચાકરોને કહ્યું, “આ માણસ (ઈસુ) તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૃત્યુમાંથી ઉઠયો છે. તેથી જ આ પરાક્રમી કામો કરવા તે સાર્મથ્યવાન છે.” 3 હેરોદે આ પહેલા યોહાનને કેદ કર્યો હતો અને તેને સાંકળો વડે બાંધી જેલમાં પૂરી દીધો હતો. હેરોદના ભાઈ ફિલિપની પત્ની હરોદિયાને લીધે યોહાનની ધરપકડ થઈ હતી. 4 હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.” 5 તેથી હેરોદ તેને મારી નાંખવા માંગતો હતો પરંતુ તે લોકોથી ડરતો હતો. કારણ લોકો યોહાનને પ્રબોધક માનતા હતા. 6 પણ હેરોદના જન્મ દિવસે હેરોદિયાની દીકરીએ હેરોદ અને તેના મહેમાનોની સમક્ષ નૃત્ય કર્યુ. તેથી તે ખૂબ ખુશ થયો. 7 હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ. 8 શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું, તેથી તેણે હેરોદને કહ્યુ, “આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ.” 9 રાજા હેરોદ ખૂબજ દિલગીર થયો પણ તેના મહેમાનોની સમક્ષ તેણે તે દીકરીને વચન આપ્યું હતું, તેથી તેની માંગ પૂરી કરવા હુકમ કર્યો. 10 તેથી તેણે જેલમાં માણસોને યોહાનનો શિરચ્છેદ કરવા મોકલ્યા. 11 યોહાનનું માથું થાળીમાં મૂકીને છીકરીને આપ્યું. છોકરી તે માથું તેની મા પાસે લઈ ગઈ. 12 પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું ધડ લીધુ અને દફનાવી દીધું. પછી તેઓએ જઈને ઈસુને આ બધી બાબત જણાવી. 13 ઈસુએ જ્યારે યોહાન વિષે જાણ્યું ત્યારે તે હોડીમાં એકલો એકાંત સ્થળે ચાલ્યો ગયો. લોકોએ જ્યારે જાણ્યું કે ઈસુ ચાલ્યો ગયો છે, તો લોકસમુદાય પોતાના ગામ છોડી તેની પાછળ પાછળ ચાલતો ગયો. 14 ઈસુ જ્યારે હોડીમાંથી બહાર આવ્યો ત્યારે તેણે લોકોની ભીડ જોઈ, તેમના પર દયા વર્ષાવી, માંદા લોકોને સાજા કર્યા. 15 બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.” 16 ઈસુએ કહ્યંુ, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.” 17 શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.” 18 ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,” 19 પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા. 20 બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા. 21 જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા. 22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.” 23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો. 24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો. 25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો. 26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!” 27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.” 28 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુ, જો એ તું જ છે, તો તું મને પાણી પર ચાલીને તારી પાસે આવવા કહે.” 29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.”પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો. 30 પણ જ્યારે પિતર પાણી પર ચાલતો હતો ત્યારે તેણે સખત પવન ફૂંકાતો જોયો અને તે ડરી ગયો. તે ડૂબવા લાગ્યો અને બૂમ પાડી ઊઠ્યો, “હે પ્રભુ, મને બચાવ!” 31 તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?” 32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા. 33 તેના જે શિષ્યો હોડીમાં હતા તેઓએ તેને નમન કર્યુ અને કહ્યું, “તું ખરેખર દેવનો દીકરો છે.” 34 સરોવર પાર કરી, તેઓ ગન્નેસરેતને કિનારે ઉતર્યા. 35 લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યો છે, તે તેના આગમનના સમાચાર તેઓએ આખા પ્રદેશમાં પ્રસરાવ્યા, અને બધાજ માંદા લોકોને ઈસુ પાસે લાવવા એકબીજાને કહ્યું અને લોકો ઈસુ પાસે બધાજ માંદા માણસોને લાવ્યા. 36 અને માંદા લોકો ઈસુને આજીજી કરવા લાગ્યા કે ફક્ત તારા ઝભ્ભાની કિનારને અડકવા દે. જેટલા લોકોએ તેના ઝભ્ભાને સ્પર્શ કર્યો તે બધાજ સાજા થઈ ગયા.
15:1 પછી કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ યરૂશાલેમથી ઈસુની પાસે આવ્યા અને તેઓએ પૂછયું. 2 “તારા શિષ્યો આપણા પૂર્વજોએ નક્કી કરેલા રીતરિવાજોનું પાલન કેમ નથી કરતાં? તેઓ ખાતા પહેલા તેમના હાથ કેમ ધોતા નથી!” 3 ઈસુએ કહ્યું, “તમારા રીતરિવાજોનું પાલન કરવા માટે તમે દેવની આજ્ઞાનું પાલન કરવાની શા માટે ના પાડો છો? 4 દેવે તો કહ્યું હતું કે, ‘તું તારા પિતા તથા તારી માનું સન્માન કર.’અને દેવે એમ પણ કહ્યું હતું કે ‘જે પોતાના પિતા તથા માનું અપમાન કરે છે તેને અવશ્ય મારી નાખવો જોઈએ.’ 5 પણ તમે એમ કહો છો કે કોઈ વ્યક્તિ તેના પિતા કે માને એમ કહી શકે; ‘તમને મદદ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય એવું જે કાંઈ મારી પાસે છે, તે દેવને અર્પણ કરવામાં આવ્યું છે. તેથી તમારી મદદ નહિ કરી શકું.’ 6 આમ તમે પોતાના બાપનું કે માતાનું સન્માન નહિ કરવાનું શીખવો છો. એમ તમે તમારા સંપ્રદાયથી દેવની આજ્ઞા રદ કરી છે. આ રીતે તમે બતાવો છો કે પૂર્વજોએ બનાવેલા રીતરિવાજોનું પાલન કરવું વધારે મહત્વનું છે. 7 તમે દંભી છો! તમારા વિષે યશાયાએ જે ભવિષ્યવાણી કરી છે, તે સાચી છે: 8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓનાં હૃદય મારાથી ઘણાં દૂર છે. 9 તેઓની મારા તરફની ભક્તિ નકામી છે. તેઓ દેવની આજ્ઞાઓને બદલે માણસોએ બનાવેલા નિયમોનો ઉપદેશ આપે છે.”‘ યશાયા 29:13 10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું, “હું જે કહું છું તે ધ્યાનથી સાંભળો અને સમજવા પ્રયત્ન કરો. 11 મનુષ્ય જે ખોરાક ખાય છે, તેથી તે અપવિત્ર થઈ જતો નથી, પરંતુ તેના મુખમાંથી જે કોઈ શબ્દો નીકળે છે તેનાથી તે અશુદ્ધ બને છે તેનાથી તે અપવિત્ર થાય છે.” 12 ત્યારે શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, “શું તમને ખબર છે કે તમારી આ વાતથી ફરોશીઓ ગુસ્સે થયા છે?” 13 ઈસુએ ઉત્તર આપ્યો, “મારા આકાશમાંના બાપે રોપ્યાં નહિ હોય એવા દરેક છોડને મૂળમાંથી ઉખાડી નાંખવામાં આવશે. 14 માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.” 15 પિતરે ઈસુને વિનંતી કરી કહ્યું, “અગાઉ લોકોને આપેલ દૃષ્ટાંતનો અર્થ સમજાવો.” 16 ઈસુએ કહ્યુ, “હજુ પણ તમને સમજવામાં મુશ્કેલી છે? 17 શું તમે નથી જાણતાં કે જે ખોરાક તમારા મોંમાં જાય છે તે પેટમાં જાય છે. પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે અને તે ગટરમાં જાય છે. 18 પરંતુ જે શબ્દો વ્યક્તિના મોંમાંથી નીકળે છે તે જે રીતે વ્યક્તિ વિચારે છે તેનું પરિણામ છે. આ શબ્દો માણસને અસ્વચ્છ બનાવે છે. 19 કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે. 20 માણસને આજ વસ્તુ અપવિત્ર બનાવે છે. હાથ ધોયા વિના ખાવાથી કંઈ અશુદ્ધ થવાતું નથી.” 21 પછી એ વિસ્તારમાંથી ઈસુ દૂર તૂર અને સિદોનના પ્રદેશમાં ગયો. 22 ત્યાં રહેતી એક કનાની સ્ત્રીઓ ઈસુ પાસે આવીને જોરથી બૂમ પાડીને વિનંતી કરી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરીને ભૂત વળગેલું છે અને તે કાયમ રિબાયા કરે છે.” 23 પણ ઈસુએ તેને કશો જ ઉત્તર આપ્યો નહિ, શિષ્યોએ ઈસુને વિનંતી કરતાં કહ્યું, “તેને દૂર મોકલી દો. તે આપણી પાછળ આવે છે અને બૂમો પાડે છે.” 24 ઈસુએ કહ્યું, “દેવે મને ઈસ્રાએલના (યહૂદિઓ) ઘરનાં ખોવાયેલાં ઘેટાં પાસે મોકલ્યો છે.” 25 પછી તે સ્ત્રી ફરીથી ઈસુ પાસે આવી અને તેને પગે પડી કહેવા લાગી, “પ્રભુ, મને મદદ કર!” 26 ઈસુએ કહ્યું, “છોકરાઓની રોટલી લઈન કૂતરાંઓને આપવી એ બરાબર નથી.” 27 સ્ત્રીએ ઉત્તર આપ્યો, “હા પ્રભુ, એ તો ખરું છે પરંતુ કૂતરાંઓ પોતાના માલિકના મેજ નીચે પડેલા રોટલીના નાના ટુકડાઓ ખાય છે.” 28 ઈસુએ કહ્યું, “બાઈ, તારો વિશ્વાસ ઘણો છે! તારી ઈચ્છા પ્રમાણે તને થાઓ.” તેની દીકરી તે જ ઘડીએ સાજી થઈ ગઈ. 29 પછી ઈસુએ તે સ્થળ છોડી દીઘું. અને ગાલીલના સરોવરના કિનારે ગયો. પછી તે એક ટેકરી પર ચઢયો અને ત્યાં બેઠો. 30 લોકોનાં ટોળેટોળાં ત્યાં આવ્યાં લંગડા, આંધળા, ટુડાંઓને, મૂંગા અને બીજા ઘણા માંદા લોકોને ઈસુના પગ આગળ લાવીને તેમને મૂક્યાં અને તેણે તે બધાને સાજા કર્યા. 31 લોકો આશ્ર્ચર્ય પામ્યા. કારણ કે તેઓએ મૂંગાઓને બોલતાં જોયાં, અપંગ સાજા થયાં, લંગડા ચાલતા થયાં અને આંધળા દેખતાં થયા છે! આથી લોકોએ ઈસ્રાએલના દેવની સ્તુતિ કરી. 32 પછી ઈસુએ તેના શિષ્યોને પાસે બોલાવ્યા અને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે કારણ કે તેઓ ત્રણ દિવસથી સતત મારી સાથે છે. હવે એમની પાસે કંઈજ ખાવાનું નથી. હું તેમને ભૂખ્યા જવા દેવા માંગતો નથી, કદાચ રસ્તામાં તેઓ જતાં જતાં ભૂખથી બેભાન થઈ જાય.” 33 પછી શિષ્યોએ કહ્યું, “આટલા બધા લોકોને જમાડવા આપણે પૂરતી રોટલી ક્યાંથી મેળવીશું અને આપણે કોઈપણ ગામથી ઘણા દૂર છીએ.” 34 ઈસુએ પૂછયું, “તમારી પાસે કેટલી રોટલી છે?”શિષ્યોએ કહ્યું, “અમારી પાસે સાત રોટલીઓ અને થોડીક નાની માછલીઓ છે.” 35 ઈસુએ લોકોને જમીન પર બેસી જવા કહ્યુ. 36 ઈસુએ રોટલી અને માછલી લઈન દેવનો આભાર માન્યો અને તેણે રોટલીના ટૂકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ તે ટૂકડા લોકોને આપ્યા. 37 દરેકે ઘરાઈને ખાધું. પછી વધેલા ટૂકડા ભેગા કર્યા અને તેની સાત ટોપલી ભરાઈ. 38 ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4,000 પુરુંષો હતા. 39 પછી ઈસુએ લોકોને વિદાય કર્યા અને તેઓ હોડીમાં બેસી મગદાન પ્રદેશમાં ગયા.
16:1 ફરોશીઓ અને સદૂકીઓ ઈસુની કસોટી કરવા આવ્યા. તેઓએ તેને પૂછયું, જો તને દેવે મોકલ્યો છે તો અમને કોઈ પરાક્રમ કરી બતાવ. 2 ઈસુએ ઉત્તર આપ્યો, “સૂર્યાસ્ત સમયે તમે જાણો છો કે હવામાન કેવું થવાનું છે અને આકાશ રતૂમડું છે તો તમે કહેશો કે હવામાન સારું હશે. 3 અને સુર્યોદય સમયે આકાશ લાલ અને ઘેરાયેલું હોય તો તમે કહેશો કે આજે હવામાન તોફાની હશે. તમે આકાશના ચિન્હો સમાજી શકો છો ખરા,પણ વતૅમાન સમયના ચિન્હો તમે પારખી શકતા નથી. આજની દુષ્ટ અને વ્યભિચારી પ્રજા પરાક્રમોની એંધાણી માગે છે. 4 આજની દુષ્ટ અને અવિશ્વાસી પેઢી એંધાણીની રાહ જુએ છે પણ તેઓને યૂનાના ચિન્હસિવાય બીજુ કોઈ ચિન્હ અપાશે નહિ.” પછી ઈસુ તે જગ્યા છોડીને ચાલ્યો ગયો. 5 ઈસુ અને તેના શિષ્યો સરોવર પાર કરી ગયા. પણ રોટલી લાવવાનું શિષ્યો ભૂલી ગયા. 6 ઈસુએ તેઓને કહ્યું, “ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી સાવધ રહો.” 7 શિષ્યોને લાગ્યું કે, “તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા છે તેથી ઈસુ આવું કહે છે?” 8 ઈસુએ શિષ્યોને વિચાર જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસી લોકો, તમે શા માટે કોઈ રોટલી નહિ હોવાની ચર્ચા કરો છો? 9 શું તમે હજી પણ સમજતા નથી? તમને યાદ છે કે ફક્ત પાંચ રોટલીથી મેં 5,000 માણસોને જમાડ્યા હતા અને તેમના જમ્યા પછી કેટલી બધી રોટલી વધી હતી? 10 અને યાદ કરો કે, સાત જ રોટલીઓથી 4,000 માણસોને જમાડ્યા હતા. અને તેમના જમ્યા પછી પણ તમે કેટલી બધી ટોપલીઓમાં રોટલી ભરી હતી? 11 હું ખોરાક સંબંધી કહું છું એવો વિચાર જ તમને કેમ આવ્યો? તમે કેમ સમજતા નથી? પણ ફરોશીઓ અને સદૂકીઓના ખમીરથી તમે સાવધાન રહો.” 12 આખરે શિષ્યો સમજ્યા કે ઈસુ તેમને રોટલીના ખમીરથી સાવધ રહેવાનું કહેતો ન હતો, પરંતુ ઈસુ તેમને ફરોશીઓ અને સદૂકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહેતો હતો. 13 જ્યારે ઈસુ કૈસરિયા ફિલિપ્પી પ્રદેશમાં આવ્યો તો તેણે તેના શિષ્યોને પૂછયું કે, “માણસનો દીકરો કોણ છે એ વિષે લોકો શું કહે છે?” 14 શિષ્યોએ કહ્યું, “કેટલાક લોકો કહે છે કે તું યોહાન બાપ્તિસ્ત છે. બીજા લોકો કહે છે કે, તું એલિયાછે. થોડા લોકો કહે છે તું યર્મિયાઅથવા બીજા પ્રબોધકમાંનો એક છે.” 15 પછી ઈસુએ તેના શિષ્યોને પૂછયું, “તમે શું કહો છો, હું કોણ છું?” 16 સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તું પોતે મસીહ, જીવતા દેવનો દીકરો છે.” 17 ઈસુએ ઉત્તર આપ્યો; યૂના પુત્ર સિમોન તને ધન્ય છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાં બાપે તને એ જણાવ્યું છે. 18 હું તને કહું છું કે તું પિતર છે, આ ખડક પર હું મારી મંડળી બાંધીશ, અને તે મંડળીની સામે હાદેસની સત્તાનુંજોર ચાલશે નહિ. 19 હું તને આકાશના રાજ્યની ચાવીઓ આપીશ. તું જેને પૃથ્વી પર બંધનકર્તા ગણશે તે જ આકાશમાં બંધનકર્તા રહેશે. અને પૃથ્વી પર તું જે બંધનકર્તા નથી તેમ જાહેર કરીશ તે આકાશમાં બંધનકર્તા થશે નહિ.” 20 પછી તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને ચેતવણી આપી. 21 પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે, તેણે યરૂશાલેમ જવું પડશે. ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે. તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે. 22 પિતર ઈસુને એક બાજુ લઈ ગયો અને કહેવા લાગ્યો, “તને દેવ બધી બાબતોથી બચાવે, પ્રભુ! તારી સાથે આવું બનશે નહિ!” 23 ઈસુ પિતર તરફ ફર્યો અને કહ્યું, “અરે શેતાન, તું મારાથી દૂર ચાલ્યો જા; તું દેવની રીતે નહિ પણ માણસની રીતે વિચારે છે.” 24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ વ્યક્તિ મારી પાછળ આવવા માંગે છે તો તેણે પોતાની જાતને ભૂલી જઈ તેણે પોતાની વધસ્તંભ ઊઠાવીને મારી પાછળ ચાલવું પડશે. 25 જે માણસ પોતાનું જીવન બચાવવા ઈચ્છે, તે પોતાનું જીવન ગુમાવશે, પણ મારે લીધે જે પોતાનું જીવન ગુમાવશે, તે તેનું જીવન બચાવશે. 26 જો કોઈ એક માણસ આખું જગત મેળવે, પણ જો તેનું જીવન ગુમાવે તો તે શા કામનું? અથવા માણસ પોતાના જીવનને બદલે શું આપશે? 27 માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુદ્ધાં આવશે, તો તે સમયે તે પ્રમાણે તેનો બદલો આપશે. 28 હું તમને સત્ય કહું છું, અહીં ઊભેલામાંથી કેટલાક લોકો માણસના દીકરાને તેના રાજ્ય સાથે આવતો જુએ ત્યાં સુધી જીવતા રહેશે.”
17:1 છ દિવસ પછી, ઈસુ પિતરને તથા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પર્વત પર એકાંતમાં ચાલ્યો ગયો. ત્યાં તેઓ એકલા જ રહ્યા. 2 અને શિષ્યો આગળ તેનું રૂપાંતર થયું. તેનો ચહેરો સૂર્ય જેવો પ્રકાશિત થયો અને તેનાં વસ્ત્રો પ્રકાશ જેવાં તેજસ્વી થયાં. 3 એકાએક મૂસા અને એલિયા ત્યાં દેખાયા અને ઈસુની સાથે વાત કરવા લાગ્યાં. 4 પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તારી ઈચ્છા હોય તો, હું ત્રણ માંડવા અહીં ઊભા કરી દઉં, એક તારા માટે, એક મૂસા માટે, એક એલિયા માટે.” 5 જ્યારે પિતર વાત કરતો હતો, ત્યારે એક ચમકતા વાદળે તેઓના પર આવી તેમને ઢાંકી દીધા અને વાદળમાંથી વાણી થઈ, “આ (ઈસુ) મારો વહાલો દીકરો છે, જેનાથી હું ખૂબજ પ્રસન્ન છું, તમે બધા તેને ધ્યાનથી સાંભળો!” 6 તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા. 7 ઈસુએ પાસે આવીને તેમને સ્પર્શ કર્યો અને કહ્યું, “ઊઠો, બીશો નહિ.” 8 તેઓએ ઊચે નજર કરી તો ત્યાં એકલા ઈસુ સિવાય બીજા કોઈને જોયા નહિ. 9 ઈસુ અને તેના શિષ્યો પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે તેણે શિષ્યોને આજ્ઞા કરી, “તમે જે કાંઈ પર્વત પર જોયું તે વિષે કોઈપણ વ્યક્તિને વાત કરતાં નહિ, જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી ઊઠે નહિ ત્યાં સુધી રાહ જુઓ. તેના પછી તમે જે કાંઈ દર્શન કર્યા છે તે વિષે વાત કરી શકશો.” 10 શિષ્યોએ ઈસુને પૂછયું કે, “શાસ્ત્રીઓ એવું શા માટે કહે છે કે, ખ્રિસ્ત પહેલાં એલિયાએ આવવું જોઈએ?” 11 ઈસુએ ઉત્તર આપ્યો, તેઓ સાચુ કહે છે, “એલિયા આવી રહ્યો છે અને તે દરેક વસ્તુને વ્યવસ્થિત કરી દેશે. 12 પણ હું તમને કહું છુ કે એલિયા આવી ચુક્યો છે. તેઓએ તેને ઓળખ્યો નહિ પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યુ તેમજ માણસના દીકરાને પણ દુ:ખ સહન કરવું જ પડશે.” 13 શિષ્યો સમજ્યા કે ઈસુ યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરતો હતો. 14 ઈસુ અને તેના શિષ્યો લોકો પાસે પાછા ગયા. એક માણસ ઈસુ પાસે આવ્યો અને તેને ઘુંટણીએ પડી પ્રણામ કર્યા. 15 માણસે કહ્યું, “હે પ્રભુ, મારા દીકરા પર દયા રાખ કારણ કે તેને વાઈનો રોગ છે અને તે ખૂબ પીડાય છે.ઘણીવાર તે અજ્ઞિમાં પડે છે તો ઘણીવાર તે પાણીમા પડે છ.ે 16 મારા દીકરાને તારા શિષ્યો પાસે લાવ્યો પરંતુ તેઓ તેને સાજો કરી શક્યા નહિ.” 17 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.” 18 પછી ઈસુએ તે ભૂતને તેના શરીરમાંથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો અને તરત જ તે ભૂત ચાલ્યું ગયું. અને તે જ ઘડીએ તે છોકરો સાજો થઈ ગયો હતો. 19 પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?” 20 ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’ 21 ફક્ત પ્રાર્થના અને ઉપવાસથી જ એ પ્રકારનો આત્મા (ભૂત) ચાલ્યો જાય છે.” 22 જ્યારે ઈસુ અને તેના શિષ્યો ગાલીલમાં ભેગા મળ્યા ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સુપ્રત કરાશે. 23 એ માણસો માણસના દીકરાને મારી નાખશે, પરંતુ ત્રીજા દિવસે તે મરણમાંથી ઊભો થશે.” તે સાંભળી શિષ્યો ખૂબજ દુ:ખી થયા. 24 ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમ ગયા. જે કર ઉઘરાવતા હતા તે લોકો પિતર પાસે આવ્યા અને કહ્યું, “શું તમારા ઉપદેશક બે ડ્રાકમાંજેટલો પણ મંદિરનો કર આપતા નથી?” 25 પિતરે ઉત્તર આપ્યો, “હા, ઈસુ તે આપે છે.”પછી આ વિષે ઈસુને વાત કરવા પિતર ઘરમાં ગયો. પરંતુ તે કાંઈ કહે તે પહેલા ઈસુએ તેને પૂછયું, “પિતર તને શું લાગે છે? રાજાઓ તેમના પોતાના લોકો પર કર નાખે છે કે પછી પરદેશીઓ પર કર નાખે છે?” 26 પિતરે કહ્યું, “પરદેશીઓ પર.”ઈસુએ કહ્યું, “તો પછી પોતાના દીકરાઓને કર ભરવાનો ના હોય. 27 પણ આપણે કર ઉઘરાવનારાઓને ગુસ્સે કરવા નથી. તું સરોવરના કાંઠે જા અને એક માછલી પકડ, પહેલી માછલી પકડી તેનું મોં ખોલજે, તેના મોઢામાંથી તને ચાર ડ્રાકમા મળશે એ સિક્કો લઈને કર ઉઘરાવનાર પાસે જજે અને તારો અને મારો કર તેમને આપી દેજે.”
18:1 તે વખતે શિષ્યો ઈસુ પાસે આવ્યા અને પૂછયુ, “આકાશના રાજ્યમાં મોટું કોણ છે?” 2 ઈસુએ એક નાના બાળકને તેની પાસે આવવા કહ્યું અને તેમની વચ્ચે તેને ઊભો રહેવા કહ્યું, 3 પછી શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી તમે લોકો બદલાશો નહિ અને બાળક જેવા નહિ બનો ત્યાં સુધી તમે આકાશના રાજ્યમાં પ્રવેશ નહિ કરી શકો. 4 તેથી જે કોઈ, પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવશે તે આકાશના રાજ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે. 5 “જે કોઈ મારા નામે આવા બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે. 6 “પરંતુ જે કોઈ મારા પર વિશ્વાસ કરનાર એક પણ નાનામાં નાની વ્યક્તિને ઠોકર ખવડાવે તે કરતાં એવા માણસના ગળે ઘંટીનું પડ બાંધી અને તેને ઊંડા દરિયામાં ડુબાડી દેવામાં આવે તે વધારે સારું છે. 7 જગતને અફસોસ છે, કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની. પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે. 8 “એટલે જો તારો હાથ કે પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દે. કારણ કે બંને હાથ અથવા બંને પગ સહિત અનંત અગ્નિમાં નંખાય તે કરતા અપંગ થઈને અનંતજીવન મેળવવું તે સારું છે. 9 જો તારી આંખ પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દે કારણકે બંને આંખો સહિત તને નરકની આગમાં ફેંકી દેવામાં આવે તેના કરતાં એક આંખે અનંતજીવનમાં પ્રવેશ કરવો તે ઉત્તમ છે. 10 “સાવધાન રહો, આ નાના બાળકોમાંથી એકનો પણ અનાદર ન થાય, કારણ કે તેઓના દૂતો આકાશમાં હંમેશા મારા બાપની આગળ હોય છે. 11 માણસનો દીકરો ખોવાયેલા લોકોને તારવા આવ્યો છે. 12 “જો માણસ પાસે 100 ઘેટાં હોય, પણ તેમાંથી એકાદ ઘેટું ખોવાઈ ગયું, તો તે માણસ બાકીના 99 ઘેટાંને ટેકરી પર છોડી એકને શોધવા નીકળશે, બરાબરને? 13 અને એ માણસને જો ખોવાયેલું ઘેટું મળી જાય, તો તે એટલો બધો ખુશ થાય કારણ કે તેને 99 ઘેટાં કરતાં એક ખોવાયેલું ઘેટું મળ્યું તેનો વધુ આનંદ છે, હું તમને સત્ય કહું છું. 14 તમારા આકાશમાંના બાપને આ નાનાઓમાંથી એકને પણ ગુમાવવું ગમશે નહિ. 15 “જો તારો ભાઈ અથવા બહેન તારું કાંઈ ખરાબ કરે તો તેની પાસે જા અને તેને સમજાવ. જો તારું સાંભળીને ભૂલ કબૂલ કરે તો જાણજે કે તેં તારા ભાઈને જીતી લીધો છે. 16 પણ જો એ માણસ તને સાંભળવાની સાફ ના પાડે તો તું ફરીથી એકાદ બે વધુ વ્યક્તિને તારી સાથે લે. તું જે કંઈ કહે તે આ બે કે ત્રણ સાક્ષીઓથી સાબિત કરી શકાય. 17 આમ છતાં એ ધ્યાનથી સાંભળવાની ના પાડે તો પછી મંડળીને આ વાતની જાણ કર. અને મંડળીનો ચુકાદો પણ માન્ય ન રાખે તો પછી તેને એક એવો માન કે જે દેવમાં વિશ્વાસ કરતો નથી અને તે કર ઉધરાવનારા જેવો જ છે. 18 “હું તને સત્ય કહું છું, જ્યારે પૃથ્વી પર તમે જે કાંઈ બાંધશો, તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર જે કાંઈ બંધન મુક્ત જાહેર કરશો તે આકાશમાં બંધનકર્તા નહિ હોય. 19 હું તમને એ પણ કહું છું કે, તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈ દેવની પ્રાર્થના કરીને જે કંઈ માગશે તે મારા આકાશમાંનો બાપ તમને અવશ્ય આપશે. 20 કારણ કે મારા નામ પર બે અથવા ત્રણ શિષ્યો જ્યાં ભેગા થઈને મળશે તો હું પણ ત્યાં તેમની મધ્યે હોઈશ.” 21 પછી પિતર ઈસુ પાસે આવ્યો અને તેને પૂછયું, “પ્રભુ મારો ભાઈ, મારી વિરૂદ્ધ અપરાધ કર્યા જ કરે તો મારે તેને કેટલી વાર માફી આપવી? શું સાત વાર?” 22 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું, સાત વાર નહિ પણ સાત વાર કરતાં પણ વધારે અને તારી વિરૂદ્ધ અપરાધ ચાલુ રાખે તો સિત્યોતેર વખત તારે તેને માફી આપવી જોઈએ.” 23 “આકાશના રાજ્યની તુલના એવા રાજા સાથે કરવામાં આવે છે જે પોતાના સેવકોની સાથે હિસાબ ચુક્તે કરે છે. 24 જ્યારે રાજાએ હિસાબ લેવાનો શરૂ કર્યો, ત્યારે તેની સમક્ષ એક એવી વ્યક્તિ આવી કે જેની પાસે ચાંદીના કેટલાક પાઉન્ડ લેવાના નીકળતા હતા. 25 દેવું ચુકવવા માટે તેની પાસે કશું જ સાધન ન હતું, એટલે રાજાએ હુકમ કર્યો કે તેને તથા તેની પત્નીને તથા તેના બાળકોને તથા તેની માલિકીનું જે કઈ હતું તે બધુ વેચી દેવું. 26 “પછી એ સેવકે એને પગે પડીને આજીજી કરી કે, ‘મારા માટે ધીરજ રાખો, હું આપનું બધુજ દેવું ચૂકવી દઈશ.’ 27 રાજા એના નોકર માટે દિલગીર થયો અને તેનું દેવું માફ કરી દીધું અને તેને છોડી મૂક્યો. 28 “પછી, તે સેવક છૂટો થયો પાછળથી તેને તેના સાથી સેવકોમાંના એકને દીઠો. તેની પાસે, તેનું નજીવું લેણું હતું તેણે જઈને તેનું ગળુ પકડ્યું અને કહ્યું, ‘તારી પાસે મારું જે કંઈ લેણું છે તે ચૂકવી દે!’ 29 “પેલો માણસ તેને પગે પડ્યો અને પોતાને થોડો સમય આપવા કરગરવા લાગ્યો અને કહ્યું, ‘મારા માટે ધીરજ રાખો મારી પાસે નીકળતું તારું બધુજ લેણું હું તને ચૂકવી દઈશ.’ 30 “પણ પહેલો નોકર સંમત ન થયો, તેણે તેના સાથી સેવકની ધરપકડ કરવા માટે ગોઠવણ કરી. અને પૂરેપુરું દેવું ચૂકવી આપે નહિ ત્યાં સુધી તેને જેલમાં પૂરાવ્યો. 31 બીજા નોકરોએ જે કાંઈ બન્યું તે જોયું અને ખૂબ દિલગીર થયા પછી તેઓ તેમના ધણી પાસે ગયા અને સઘળી હકીકત જણાવી. 32 “પછી ધણીએ જેનું દેવું માફ કર્યુ હતું તે નોકરને બોલાવ્યો અને કહ્યું, ‘અરે દુષ્ટ નોકર, તારી આજીજી સાંભળી મેં તારું જે બધું દેવું હતું તે માફ કર્યુ. 33 જેમ મેં તારા પ્રત્યે જે દયા બતાવી એવી દયા તારા સાથી નોકર પ્રત્યે તારે દર્શાવવી જોઈતી હતી.’ 34 તેનો ધણી ખૂબજ ગુસ્સે થયો અને જ્યાં સુધી તે પૂરેપૂરૂ દેવું ભરપાઈ ન કરે ત્યાં સુધી તેને સખત કેદની સજા ફરમાવી. 35 એ જ પ્રમાણે તમે તમારા ભાઈઓ અને બહેનોને તમારા હૃદયથી માફ કરી દો. નહિ તો જે રીતે રાજા ર્વત્યો તે રીતે મારા આકાશમાંનો બાપ તમને માફ નહિં કરે.”
19:1 આ વાતોનો ઉપદેશ આપી રહ્યા પછી ઈસુ ગાલીલથી નીકળીને યર્દન નદીની બીજી બાજુ, યહૂદિયાના વિસ્તારમાં આવ્યો. 2 ધણા લોકો ઈસુની પાછળ ગયા, ઈસુએ તેમાંના માંદા લોકોને ત્યાં સાજા કર્યા. 3 કેટલાક ફરીશીઓ ઈસુ પાસે આવ્યા. તેને વાતમાં ફસાવવા પૂછયું, “પુરુંષ ગમે તે કારણે પોતાની પત્નીને છૂટાછેડા આપે એ શું યોગ્ય છે?” 4 ઈસુએ ઉત્તર આપ્યો, “જરુંર તમે શાસ્ત્રમાં આ વાચ્યું હશે કે જ્યારે દેવે પૃથ્વી બનાવી ત્યારે ‘દેવે નરનારી ઉત્પન કર્યા.’ 5 અને કહ્યું કે, ‘આના કારણે મનુષ્ય તેના પિતા અને માતાને છોડી દેશે અને તેની પત્ની સાથે જોડાશે, અને તે બે એક દેહ થશે.’ 6 એટલે એ પુરુંષ અને સ્ત્રી અલગ નહિ એક દેહ છે, જેને દેવે લાંબા સમય માટે જોડ્યા છે, કોઈપણ વ્યક્તિએ તેઓને જુદા પાડવા જોઈએ નહિ.” 7 ફરોશીઓએ પૂછયું, “તો પછી મૂસાએ એવી આજ્ઞા કેમ કરી છે કે મનુષ્ય પોતાની પત્નીને છૂટાછેડાનું પ્રમાણપત્ર લખી આપી છૂટાછેડા આપી શકે છે?” 8 ઈસુએ ઉત્તર આપ્યો, “મૂસાએ તમને તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની છૂટ આપી છે કારણ તમે દેવનો ઉપદેશ સ્વીકારવા તૈયાર ન હતા. હકીકતમાં શરુંઆતમાં છૂટાછેડાની છૂટ આપી જ નહોતી. 9 હું તમને કહું છું, કે વ્યભિચારના કારણ વિના જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે, તે વ્યભિચાર કરે છે. અને તે મૂકી દીધેલી જોડે જે લગ્ન કરે તે પણ વ્યભિચાર કરે છે. પુરુંષ છૂટાછેડા આપી ફરી લગ્ન ત્યારે જ કરી શકે, જો તેની પ્રથમ પત્ની બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કરે છે.” 10 શિષ્યોએ ઈસુને કહ્યું, “જો આવા જ કારણસર પુરુંષ છૂટાછેડા આપે તો તેના કરતાં લગ્ન કરવાં જોઈએ નહિ એ સારું છે.” 11 ઈસુએ ઉત્તર આપ્યો, “લગ્ન અંગેનું આ સત્ય બધાજ સ્વીકારશે નહિ. આ સત્ય સ્વીકારવા દેવે કેટલાક માણસોને ઠરાવ્યા છે. 12 કેટલાક માણસો લગન નથી કરતાં તેનાં અહીં જુદાં કારણો છે, કેટલાક જન્મથી જ ખોજા હોય છે. કેટલાકને તો બીજા લોકો દ્વારા અશક્તિમાન બાનાવાયા છે. છેવટે કેટલાક એવા પણ છે જેઓ આકાશનાં રાજ્યને લીધે લગ્ન નહિ કરવાનું સ્વીકારે છે. આ ઉપદેશ જે પાળી શકે તે પાળે.” 13 પછી લોકો તેમનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં જેથી ઈસુ તેમનાં માથે હાથ મૂકી આશીર્વાદ દે અને તેમના માટે પ્રાર્થના કરે. પરંતુ તેના શિષ્યોએ તેમને ધમકાવ્યાં. 14 પછી ઈસુએ કહ્યું, “નાના બાળકોને મારી પાસે આવવા દો, તેમને રોકશો નહિ, કારણ કે આકાશનું રાજ્ય જે નાના બાળકો જેવા છે એમના માટે છે.” 15 બાળકો પર હાથ મૂક્યા પછી ઈસુએ તે જગ્યા છોડી. 16 એક માણસ ઈસુ પાસે આવ્યો અને પૂછયું, “હે ઉપદેશક, અનંતજીવન પામવા માટે મારે શું કરવું જોઈએ?” 17 ઈસુએ ઉત્તર આપ્યો, “શું સારું છે એવું મને શા માટે પૂછે છે? ફક્ત દેવ સારો છે. પરંતુ જો તારે અનંતજીવન જોઈતું હોય તો દેવની આજ્ઞાનું પાલન કર.” 18 માણસે પૂછયું, “કઈ આજ્ઞાઓ?”ઈસુએ ઉત્તર આપ્યો, “તારે કોઈનુ ખૂન કરવું નહિં, તારે વ્યભિચારનું પાપ કરવું નહિં, તારે કોઈની વસ્તુની ચોરી કરવી નહિં, તારે કોઈનામાં જૂઠી સાક્ષી આપવી નહિ. 19 ‘તારે તારા માતા પિતાને માન આપવું,અને ‘પોતાના પર જેટલો પ્રેમ કરે છે તેટલો જ પ્રેમ બીજા લોકોને પણ કર.’ 20 યુવાને ઈસુને કહ્યું, “મેં આ બધી જ વાતોનું પાલન કર્યુ છે, હવે મારે શું કરવાનું બાકી છે?” 21 ઈસુએ ઉત્તર આપ્યો, “જો તારે પૂર્ણ થવું હોય તો, પછી જા, તારી પાસે તારું પોતાનું જે કંઈ છે તે વેચી દે, પૈસા ગરીબોને આપી દે, તું જો આ વધુ કરીશ તો આકાશમાં તારો કિંમતી ખજાનો ભેગો થશે, પછી ચાલ, મારી સાથે આવ!” 22 આ સાંભળીને તે યુવાન માણસ ઘણો દુ:ખી થયો હતો. કારણ કે તે ઘણો પૈસાદાર હતો. તે પૈસા તેની પાસે જ રાખવા ઈચ્છતો હતો તેથી તે ચાલ્યો ગયો. 23 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “હું તમને સત્ય કહું છું, કે ધનવાનના માટે આકાશના રાજ્યમાં પ્રવેશ કરવો કઠિન છે. 24 હા, તેથી તો હું વારંવાર કહું છુ કે પૈસાદાર લોકોને આકાશના રાજ્યમાં પ્રવેશ કરવો એના કરતાં સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે.” 25 જ્યારે શિષ્યોએ આ સાંભળ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું અને પૂછયું, “તો પછી કોને બચાવી શકશે?” 26 ઈસુએ તેમને જોઈને કહ્યું, “લોકોને માટે આ અશક્ય છે. ફક્ત દેવને માટે બધું જ શક્ય છે.” 27 પિતરે ઈસુને કહ્યું, “અમે બધુજ છોડીને તારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?” 28 ઈસુએ તેને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે જ્યારે નવા યુગમાં માણસનો દીકરો તેના મહિમાના રાજ્યાસન પર બિરાજશે તે વખતે તમે પણ બાર રાજ્યાસન પર બેસશો. અને મારી પાછળ આવનારા ઈસ્રાએલના બારે કુળનો ન્યાય કરશો. 29 મારા નામને માટે જેઓએ ઘરો, ભાઈઓ, માતા પિતા, બાળકો, જમીનજાગીરનો ત્યાગ કર્યો છે તેઓ તેના કરતાં ઘણાંજ યોગ્ય છે. તેઓ સોગણું મેળવશે અને અનંતજીવનનો વારસો પામશે. 30 પરંતુ ઘણા એવા છે જેઓનું હમણા જીવનમાં ઊંચું સ્થાન છે પણ ભવિષ્યમાં તે નીચલી કક્ષાએ ઉતરશે અને હમણા જે નીચલી કક્ષાએ છે તે ભવિષ્યમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે.
20:1 “આકાશનું રાજ્ય એક જમીનદાર જેવું છે. આ માણસ તેના ખેતરમાં દ્રાક્ષ ઉગાડે છે. એક મળસકે તે માણસ પોતાના ખેતરમાં કામ કરવા માટે મજૂરો લેવા ગયો. 2 અને તેણે તેઓની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને ખેતરમાં મજૂરોને મોકલ્યા.” 3 “નવ વાગ્યાની આસપાસ તે જમીનદાર બજારમાં ગયો ત્યારે કેટલાક માણસો કશુંય કામ કર્યા વિના ત્યાં ઊભા હતા. 4 તેથી તે માણસે કહ્યું, તમે મારા ખેતરમાં જઈને કામ કરશો તો હું તમને યોગ્ય વળતર આપીશ.” 5 તેથી લોકો ખેતરમાં કામ કરવા ગયા.“ફરી બાર વાગે અને બીજી વાર ત્રણ વાગે બજારમાં ગયો ત્યારે પણ લોકોને ખેતરમાં કામ કરવા માટે લઈ આવ્યો.” 6 પછી સાંજે પાંચે વાગે તે બજારમાં ફરીથી ગયો ત્યારે પણ કેટલાક માણસો ત્યાં ઊભા હતા, તેઓને જમીનદારે પૂછયું, ‘તમે આખો દિવસ કોઈપણ કામ વિના અહીં કેમ ઊભા રહ્યા છો?’ 7 “તે લોકોએ કહ્યું, ‘અમને કોઈએ કામ આપ્યું નથી.’“તે માણસે તેઓને કહ્યું, ‘તમે મારા ખેતરમાં જાવ અને કામે લાગો,’ 8 “સાંજ પડી એટલે, દ્રાક્ષની વાડીના ધણીએ તેના મુખ્ય કારભારીને બોલાવીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને તેમની મજૂરી ચૂકવી દો. પહેલાથી છેલ્લા જે મજૂરો આવ્યા તેમને મજૂરી આપવાનું શરૂ કરો અને પહેલા મજૂરીએ આવ્યા હતાં તેમને આપતા સુધી ચાલુ રાખો.’ 9 “જે મજૂરો પાંચ વાગે આવ્યા હતા તેમાંના દરેકને એક દીનારનો સિક્કો મળ્યો. 10 પછી જે સૌથી પહેલા સવારમા કામ પર આવ્યા હતા તે તેમનું મહેનતાણું લેવા આવ્યા. તેઓએ વિચાર્યુ તેઓ વધારે મહેનાતાણું મેળવશે પણ તે દરેકને એક જ દીનારનો સિક્કો મળ્યો. 11 જ્યારે તેમને એક દીનારનો સિક્કો મળ્યો ત્યાર પછી દ્રાક્ષની વાડીના માલિકને તેમણે ફરિયાદ કરી. 12 જે લોકો છેલ્લાં આવ્યા હતા અને એક કલાક જ કામ કર્યુ તેમને તેં અમારા જેટલી જ મજૂરી આપી. જ્યારે અમે તો આખો દિવસ સૂર્યની ગરમીમાં કામ કર્યુ છે.’ 13 “પણ ખેતરના માલિકે તેઓમાંના એક જણાને કહ્યું, ‘મિત્ર, મેં તારી સાથે કોઈ જ અન્યાય કર્યો નથી. શું તમે કબૂલ થયા ન હતા કે હું તમને એક દીનાર આપીશ? 14 તેથી આ તારી મજૂરી લે અને ચાલતો થા, માટે જે છેલ્લો માણસ મજૂરી કરવા આવ્યો છે તેને આટલી જ મજૂરી આપવાની મારી ઈચ્છા છે. 15 મારે મારા પૈસાનું જે કરવું હોય તે કરું. તમને અદેખાઈ આવે છે કારણ કે એ લોકો સાથે હું સારો છું.’ 16 “એ પ્રમાણે જેઓ છેલ્લા છે તેને હવે ભવિષ્યમાં પ્રથમ સ્થાન મળશે. અને જેનું પ્રથમ સ્થાન હશે તેને ભવિષ્યમાં છેલ્લું સ્થાન મળશે.” 17 ઈસુ જ્યારે પોતાના બાર શિષ્યો સાથે યરૂશાલેમ જઈ રહ્યો હતો. ત્યારે તેણે એ બધાને એકાંતમાં એક બાજુએ બોલાવીને કહ્યું, 18 “જુઓ, આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. માણસનો દીકરો મુખ્ય યાજક અને શાસ્ત્રીઓને સોંપવામાં આવશે, અને તેને મોતની સજા ફટકારવામાં આવશે. 19 પછી તે લોકો માણસના દીકરાને બીનયહૂદિઓને સોંપી દેશે જેઓ તેની ક્રૂર મશ્કરી કરશે. તેના પર કોરડા વીંઝશે અને તેને વધસ્તંભ પર જડાવી દેશે, પરંતુ ત્રીજા દિવસે તે સજીવન થશે.” 20 પછી ઝબદીની પત્ની પોતાના દીકરાઓને સાથે રાખીને ઈસુની પાસે આવી. તેણે પગે પડીને ઈસુની પાસે માંગણી કરી. 21 ઈસુએ પૂછયું, “તારે શું જોઈએ છે?”તેણે ઉત્તર આપ્યો, “મને વચન આપ કે તારા રાજ્યમાં મારા બે દીકરાઓમાંથી એક દીકરો તારી જમણી બાજુ અને બીજો દીકરો તારી ડાબી બાજુએ બેસે.” 22 ઈસુએ બે દીકરાઓને કહ્યું, “તમે શું માંગી રહ્યા છો તે તમે જાણતા નથી. જે પ્યાલો મારે પીવાનો છે તે તમારાથી પીવાશે?”તેઓએ કહ્યું, “હા, અમે પી શકીશું!” 23 ઈસુએ તેઓને કહ્યું, “અલબત્ત હું જે કંઈ પીઉ તે તમે પી શકશો તો ખરા. પણ મારી જમણી કે ડાબી બાજુ કોને સ્થાન આપવું, તે મારા હાથની વાત નથી. એ સ્થાનો મારા પિતાએ નક્કી કરેલ વ્યક્તિઓ માટે છે.” 24 જ્યારે આ માંગણી વિષે બાકીના દશ શિષ્યોએ સાંભળ્યું ત્યારે તેઓ આ બે ભાઈઓ પર બહું ગુસ્સે થયા. 25 પછી ઈસુએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું, “તમે જાણો છો કે યહૂદી રાજ્ય કર્તાઓ પોતાની પ્રજા પર સત્તાનો પૂર્ણ અમલ કરે છે અને તેમના મોટા માણસો તેમના અધિકારનું લોકોને ભાન કરાવવા ચાહે છે. 26 પણ તમારી સાથે આ રીતે થવું ન જોઈએ. તમારામાં જે આગેવાન થવા ઈચ્છે તે તમારો સેવક હોવો જોઈએ. 27 અને જે સૌથી મોટો થવા ઈચ્છે છે, તેણે એક ગુલામ તરીકે તમારી સેવા કરવી જોઈએ. 28 તમારે માણસના દીકરા જેવા થવું જોઈએ, માણસનો દીકરો સેવા કરાવવા નહિ પણ સેવા કરવા અને ઘણા લોકોને માટે મુક્તિ મૂલ્ય તરીકે પોતાનું જીવન સમર્પણ કરવા આવ્યો છે.” 29 જ્યારે ઈસુ અને તેના શિષ્યો યરીખોથી નીકળીને જતા હતા ત્યારે ઘણા લોકો ઈસુને અનુસરતા હતા. 30 રસ્તાની બાજુએ બે અંધજનો બેઠા હતા. એ રસ્તે થઈને ઈસુ પસાર થાય છે એવું સાંભળીને તેઓ જોરશોરથી બૂમો પાડવા લાગ્યા, “હે પ્રભુ, દાઉદના દીકરા અમારા પર દયા કર!” 31 લોકોએ તેઓને ધમકાવીને શાંત રહેવા કહ્યું છતાં તેઓ તો વધારે જોરથી બૂમો પાડતા હતા, “હે પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કર!” 32 તે સાંભળીને ઈસુ ઊભો રહ્યો અને તેઓને બોલાવીને પૂછયું, “તમે મારી પાસે તમારા માટે શું કરાવવા ઈચ્છો છો?” 33 તેઓએ કહ્યું, “પ્રભુ, અમારે દેખતા થવું છે.” 34 ઈસુને તેમના પર દયા આવી અને તેઓની આંખોને સ્પર્શ કર્યો. અને તરત જ તેઓ જોઈ શક્યા. અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.
21:1 ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમની નજીક જૈતૂન પહાડ પર બેથફગે ગામ સુધી આવ્યા. ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલ્યા. 2 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જે ગામ તમે સામે જુઓ છો ત્યાં જાઓ. તમે ત્યાં પ્રવેશ કરશો, એટલે એક ગધેડાને અને તેના બચ્ચાંને બાંધેલા જોશો, તેને છોડીને અહીં લઈ આવો. 3 જો કોઈ તમને કઈ પૂછે તો એટલું જ કહેજો કે, ‘પ્રભુને તેની જરુંર છે. પછી એ તેને તરત જ મોકલી આપશે.”‘ 4 પ્રબોધક દ્વારા જે કહેવાયું હતું તે પૂર્ણ થાય તે માટે આમ થયું: 5 “સિયોનની દીકરી, ‘જો તારો રાજા તારી પાસે આવે છે. તે નમ્ર છે તથા એક ગધેડા પર, એક કામ કરનાર પ્રાણીથી જન્મેલા નાના ખોલકા પર સવાર થઈન આવે છે.”‘ ઝખાર્યા 9:9 6 શિષ્યો ગયા અને ઈસુએ કહ્યું તે પ્રમાણે કર્યુ. 7 શિષ્યો ગધેડી અને નાના ખોલકાને ઈસુ પાસે લાવ્યા. તેઓએ તેમના લૂગડાં ખોલકા પર મૂક્યા, ઈસુ તે પર બેઠો. 8 લોકોમાંથી ઘણાએ પોતાનાં વસ્ત્રો ઈસુના માર્ગમાં બિછાવ્યાં. જ્યારે ઘણા લોકોએ વૃક્ષોની ડાળીઓ કાપીને તેના માર્ગમાં બીછાવી. 9 કેટલાક લોકો ઈસુની આગળ ચાલી રહ્યા હતા, કેટલાક ઈસુની પાછળ ચાલતા હતા. તેઓ પોકારતા હતા,“દાઉદના દીકરાને હોસાન્ના! ‘પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. પરમ ઊચામાં હોસાન્ના.’ ગીતશાસ્ત્ર 118:26આકાશમાં દેવનો મહિમા થાઓ!” 10 પછી ઈસુ યરૂશાલેમમાં દાખલ થયો. શહેરના બધા જ લોકો મૂંઝાઈ ગયા. તેઓએ પૂછયું, “આ માણસ કોણ છે?” 11 તે ટોળામાંથી ઘણાએ ઉત્તર આપ્યો, “આ તો ગાલીલના નાસરેથમાંનો પ્રબોધક ઈસુ છે.” 12 ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. 13 તેણે ત્યાં હાજર હતા તે બધાજ લોકોને જણાવ્યું કે, “શાસ્ત્રમાં લખ્યું છે કે ‘મારું ઘર પ્રાર્થનાના ઘર તરીકે ઓળખાશે.’પરંતુ તમે તો તેને ‘લૂટારાની ગુફા’બનાવી દીઘી છે.” 14 પછી કેટલાક અંધજનો અને અપંગો ઈસુની પાસે આવ્યાં. ઈસુએ તેઓને સાજા કર્યા. 15 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુએ કરેલા પરાક્રમો જોયા અને “દાઉદના દીકરાને હોસાન્ના,” એવા બાળકોના પોકાર સાંભળ્યા. ત્યારે તેઓ ગુસ્સે થયા. 16 મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ઈસુને પૂછયું, “આ બાળકો જે કહે છે, તે શું તમે સાંભળો છો?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, શાસ્ત્ર કહે છે કે, ‘તેં ઘાવણા બાળકોના મુખે તારી સ્તુતિ કરાવી છે તે યોગ્ય સ્તુતિ છે.’શું શાસ્ત્રમાં તમે વાંચ્યું નથી?” 17 પછી ત્યાંથી ઈસુ તે સ્થળ છોડીને યરૂશાલેમ નગરની બહાર આવ્યો અને બેથનિયા ચાલ્યો ગયો. અને ત્યાં રાત રોકાયો. 18 બીજે દિવસે વહેલી સવારે, ઈસુ શહેરમાં પાછો ફરતો હતો ત્યારે તે ખૂબજ ભૂખ્યો થયો હતો. 19 ઈસુએ રસ્તાની બાજુએ એક અંજીરનું ઝાડ જોયું અને અંજીર ખાવાની આશાએ તે વૃક્ષ પાસે ગયો, પણ ઝાડ ઉપર એક પણ અંજીર નહોતું. તેના પર કેવળ પાંદડા જ હતાં તેથી તેણે વૃક્ષને કહ્યું, “ભવિષ્યમાં તારા પર કદી ફળ લાગશે નહિ!” અને અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું. 20 શિષ્યોએ જ્યારે આ જોયું ત્યારે અચંબા સાથે ઈસુને પૂછયું, “આ અંજીરનું ઝાડ એકદમ કેમ સૂકાઈ ગયું?” 21 ઈસુએ તેમને ઉત્તર આપતા કહ્યું, “હું તમને સત્ય કહું છું, તમને વિશ્વાસ હોય અને મનમાં શંકા ન કરો તો તમે આના કરતાં પણ વિશેષ કરી શકશો. અરે તમે આ પર્વતને કહી શકશો, ‘અહીંથી ઊંચકાઈને સમુદ્રમાં પડ.’ તો તે પ્રમાણે થશે. 22 જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.” 23 ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું, “કયા અધિકારથી તું આ બાબતો કરે છે? તને આવો અધિકાર કોણે આપ્યો?” 24 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તમને પણ એક પ્રશ્ન પૂછું છું, એનો ઉત્તર તમે મને આપશો, તો હું તમને કહીશ કે કયા અધિકારથી હું એ કામો કરું છું. 25 મને કહો: જ્યારે યોહાને લોકોને બાપ્તિસ્મા આપ્યું ત્યારે તે કોના તરફથી મળ્યું હતું, દેવથી કે માણસથી?”તેઓ અંદર એકબીજા સાથે ચર્ચા કરવા લાગ્યા કે, “જો આપણે કહીશું, ‘યોહાનનું બાપ્તિસ્મા દેવ તરફથી હતું,’ તો ઈસુ આપણને પૂછશે, ‘તો તમે યોહાનમાં વિશ્વાસ કેમ નથી કરતા?’ 26 જો એમ કહીશું કે તે મનુષ્યથી હતું, તો એ લોકો આપણા પર ગુસ્સે થશે, આપણે લોકોથી ડરીએ છીએ એટલે આપણને કહેશે તમે યોહાનમાં શા માટે વિશ્વાસ કરતા નથી.” 27 તેઓએ ઈસુને ઉત્તર આપ્યો, “અમે નથી જાણતા કે યોહાનને અધિકાર ક્યાંથી મળ્યો.”પછી ઈસુએ કહ્યું, “તો હું તમને કાંઈ જ નહિ કહું કે હું કયા અધિકારથી આ કરું છું!ઈસુ બે દીકરાઓની વાર્તા કહે છે 28 “સારું, બતાવો, હું કહું છું તે બાબતમાં તમે શું માનો છો? એક વ્યક્તિને બે દીકરા હતા, પહેલા દીકરાની પાસે જઈને તેણે કહ્યું, ‘આજે તું મારી દ્રાક્ષની વાડીમાં કામ કરવા જા.’ 29 “પણ દીકરાએ ઉત્તર આપ્યો, ‘હું નહિ જાઉં.’ પછી એનું મન બદલાયું અને નક્કી કર્યુ કે તેણે જવું જોઈએ, અને તે ગયો. 30 “પછી તે પિતા બીજા છોકરા પાસે ગયો અને તેને કહ્યું, “દીકરા, મારી દ્રાક્ષની વાડીમાં જા અને ત્યાં ખેતરમાં કામ કર.’ દીકરાએ કહ્યું, ‘હા સાહેબ, હું જઈશ અને કામ કરીશ.’ પણ તે ગયો નહિ.” 31 ઈસુએ પૂછયું, “કયા દીકરાએ પિતાની આજ્ઞાનું પાલન કર્યુ?”યહૂદિ નેતાએ કહ્યું, “પહેલા દીકરાએ.”ઈસુએ તેમને કહ્યું, “હું તમને સત્ય કહું છું કે તમે એમ માનો છો કે કર ઉઘરાવનાર અને વેશ્યાઓ ખરાબ લોકો છે, પરંતુ તેઓ તમારા કરતા આકાશના રાજ્યમાં તમે યત્ન કરશો તેના કરતાં પહેલા પ્રવેશ કરશે. 32 યોહાન તમને સાચો માર્ગ બતાવવા આવ્યો પણ તમે યોહાનમાં વિશ્વાસ કર્યો નહિ. પણ કર ઉઘરાવનાર અને વેશ્યાઓ તેનામાં વિશ્વાસ કરે છે એમ તમે જુઓ છો છતાં પણ તમે હજી પણ પસ્તાવો કરતાં નથી કે નથી તેનામાં વિશ્વાસ કરતા. 33 “આ વાર્તા ધ્યાનથી સાંભળો: એક માણસ હતો તેનું પોતાનું ખેતર હતું તેમા તેણે દ્રાક્ષ વાવી અને તેની ચારે બાજુ એક દિવાલ ચણી હતી. દ્રાક્ષનો રસ કાઢવા કુંડ બનાવ્યો, એક બૂરજ બાંધ્યા પછી કેટલાક ખેડૂતોને તે વાડી ઈજારે આપીને તે પ્રવાસમાં ગયો. 34 દ્રાક્ષ ચૂંટવાનો સમય થયો એટલે તેના નોકરોને ખેડૂતો પાસેથી પોતાની દ્રાક્ષનો ભાગ લેવા મોકલ્યો. 35 “પણ ખેડૂતોએ આ નોકરોને પકડ્યા અને તેમાના એકને ખૂબ માર્યો. અને બીજા નોકરને મારી નાખ્યો. અને ત્રીજા નોકરને પણ પત્થર વડે મારી નાખ્યો. 36 તેથી તે માણસે બીજા નોકરોને ખેડૂત પાસે મોકલ્યો. તે માણસે પહેલા કરતાં વધુ નોકરોને મોકલ્યા તેમની સાથે પણ ખેડૂતોએ તેવું જ વર્તન કર્યુ. 37 એટલે માણસે પોતાના દીકરાને ખેડૂતો પાસે મોકલ્યો. તે માણસે કહ્યું, ‘ખેડૂતો મારા દીકરાને માન આપશે.’ 38 “પણ જ્યારે ખેડૂતોએ ઘણીના દીકરાને જોયો ત્યારે તેઓ અંદર અંદર તેમનામાં વાતો કરવા લાગ્યા કે, ‘આજ તે ઘણીનો દીકરો છે, વારસ છે આ ખેતર તેનું છે માટે જો આપણે તેને પણ મારી નાખીએ તો આ ખેતર આપણું થઈ જશે!’ 39 તેથી ખેડૂતોએ છોકરાને પકડ્યો અને ખેતરની બહાર ફેંકી દીઘો અને તેને મારી નાખ્યો. 40 “આ ખેતરનો ઘણી આવશે ત્યારે એ ખેડૂતોને શું કરશે?” 41 યહૂદિઓના ધર્મગુરુંઓ અને આગેવાનોએ કહ્યું, “તે ચોક્કસ આ દુષ્ટ માણસોને મારી નાંખશે. અને બીજા ખેડૂતો જે તેમનો પાક થશે ત્યારે ભાગ આપશે તેવા ખેડૂતોને તે ખેતર ભાગે ખેડવા આપશે.” 42 ઈસુએ તેઓને કહ્યું, “શું તમે શાસ્ત્રમાં નથી વાંચ્યું? ‘બાંધનારાઓએ નકામો ગણીને પડતો મૂકેલો પથ્થર જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો, એ પ્રભુથી બન્યું, અને આપણી નજરમાં આશ્વર્યકારક છે.’ ગીતશાસ્ત્ર 118:22-23 43 “એટલે જ હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે. અને એવા લોકોને આપવામાં આવશે કે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે રાજ્યોમાં ફળ આવશે. 44 જે મનુષ્ય આ પથ્થર પર પટકાશે તેના ટુકડેટુકડા થઈ જશે. અને એ પથ્થર જે વ્યક્તિ પર પડશે તેનો ભૂકો થઈ જશે.” 45 મુખ્ય યાજકો અને ફરોશીઓએ ઈસુ પાસેથી આ દૃષ્ટાંત સાંભળ્યું અને તેઓને લાગ્યું કે ઈસુ તેમના સબંધમાં જ કહે છે. 46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા. પણ તેઓ લોકોથી ખૂબ ડરતા હતા, કારણ લોકો ઈસુને પ્રબોધક તરીકે માનતા હતા.
22:1 ઈસુએ લોકોને સમજાવવા માટે બીજી દૃષ્ટાંત વાર્તાઓ કહીં: 2 “આકાશનું રાજ્ય એક રાજા જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો હોય. 3 રાજાએ કેટલાક માણસોને ભોજન માટે નિમંત્રણ આપ્યું. ભોજન તૈયાર થયું એટલે રાજાએ જમવા માટે લોકોને બોલાવવા તેના નોકરોને મોકલ્યા પણ લોકોએ રાજાના સમારંભમાં આવવાની ના પાડી. 4 “પછી રાજાએ બીજા વધારે નોકરો મોકલ્યા, રાજાએ નોકરોને કહ્યું, ‘જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેમને કહો કે ભોજન તૈયાર છે. મેં મારા સારામાં સારા બળદ અને વાછરડાંને મારીને ભોજન તૈયાર કર્યુ છે. બધુ જ તૈયાર છે માટે લગ્ન નિમિત્તેના ભોજનસમારંભમાં આવો.’ 5 “નોકરો ગયા અને લોકોને ભોજન માટે આવવાનું કહ્યું, પણ લોકોએ નોકરોને સાંભળવાની ના પાડી દીઘી, તેઓ પોતાના બીજા કામે ચાલ્યા ગયા. એક પોતાના ખેતરમાં કામ કરવા ચાલ્યો ગયો. જ્યારે બીજો પોતાના ધંધા પર ચાલ્યો ગચો. 6 થોડા બીજાઓએ નોકરોને પકડ્યા, તેમને માર્યા અને મારી નાંખ્યા. 7 રાજા ખૂબ ગુસ્સે થયો અને રાજાએ તેનું લશ્કર મોકલ્યું. તેઓએ પેલા લોકોને મારી નાખ્યા. અને તેમના શહેરને બાળી નાખ્યું. 8 “પછી, રાજાએ તેના નોકરોને કહ્યું, ‘લગ્નો ભોજનસમારંભ તૈયાર છે, મેં જે લોકોને નિમંત્રણ આપ્યું છે તેઓ ભોજનસમારંભમાં આવવા માટે યોગ્ય ન હતા. 9 તેથી હવે તમે શેરીઓના ખૂણેખૂણામાં જાઓ અને જે લોકોને જુઓ તે દરેકને લગ્ના ભોજનસમાંરભમાં આવવાનું કહો.’ 10 તેથી નોકરો શેરીઓમાં ગયા. તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા. આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો. 11 “પણ જ્યારે રાજા મહેમાનોને જોવા અંદર આવ્યો ત્યારે એક માણસ તેણે જોયો કે જેણે લગ્નને લાયક કપડા પહેર્યા નહોતાં. 12 રાજાએ તેને પૂછયું, ‘હે મિત્ર, લગ્ને લાયક વસ્ત્ર પહેર્યા વગર તું કેવી રીતે અહીંયાં આવ્યો?’ પણ પેલા માણસે કાંઈ ઉત્તર આપ્યો નહિ. 13 એટલે રાજાએ તેના નોકરોને કહ્યું, ‘આ માણસના હાથ અને પગ બાંધી દો અને તેને અંધારામાં ફેંકી દો જ્યાં લોકો રડશે અને દાંત પીસશે.’ 14 “કેમકે આમંત્રિતો ઘણા છે પણ પસંદ કરાયેલા થોડા છે.” 15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ. 16 તેથી ફરીશીઓએ કેટલાક માણસોને અને હેરોદીઓને ઈસુની પાસે મોકલ્યા. તેમણે ઈસુને પૂછયું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું પ્રમાણિક છે અને કોઈની શેહશરમમાં આવ્યા વિના તું દેવના માર્ગ વિષે સાચું શિક્ષણ આપે છે. તારી પાસે બધાજ લોકો સરખા છે. 17 તો તું અમને કહે કે, કૈસરને કર આપવો તે શું ઉચિત છે? હા કે ના?” 18 ઈસુ એમનો ખરાબ વિચાર સમજી ગયા અને કહ્યું, “ઢોંગીઓ! તમે મને શા માટે ફસાવવા માંગો છો? 19 તમે જે સિક્કા દ્વારા કર ચૂકવો છો તે લાવીને મને બતાવો.” તેઓએ એક દીનાર લાવીને ઈસુને બતાવ્યો. 20 પછી ઈસુએ તેમને પૂછયું, “આ સિક્કા પર કોનું ચિત્ર છે? અને તેના ઉપર કોનું નામ લખેલું છે?” 21 પછી લોકોએ કહ્યું, “આના ઉપર કૈસરનું નામ છે અને તેનું જ ચિત્ર છે.”એટલે ઈસુએ તેઓને કહ્યુ, “જે કૈસરનાં છે તે કૈસરને આપી દો અને જે દેવનું છે તે દેવને આપી દો.” 22 ઈસુની વાત સાંભળી બધા અચરત પામ્યા, અને ઈસુને છોડી ત્યાંથી ચાલ્યા ગયા. 23 એ જ દિવસે થોડાક સદૂકીઓ ઈસુ પાસે આવ્યા (લોકો મરણમાંથી ઊભા થશે તે સદૂકીઓ માનતા નહોતા) અને સદૂકીઓએ ઈસુને પૂછયું. 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. 25 એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. તેમાંના મોટા ભાઈએ લગ્ન કર્યુ અને નિ:સંતાન મરણ પામ્યો, તેથી પોતાની સ્ત્રીને બીજા ભાઈ પાસે તેડી ગયો. 26 આ બીજો ભાઈ પણ નિ:સંતાન મરણ પામ્યો. પછી પેલી સ્ત્રી ત્રીજા ભાઈની સાથે પરણી એમ સાતે ભાઈઓના સંબંધમાં આવું બન્યું. 27 સૌથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 આ સાતે માણસો તે સ્ત્રીને પરણ્યા, તો પછી હવે મૂએલાઓનાં પુનરુંત્થાનમાં, પેલા સાતમાંથી તે કોની પત્ની થશે?” 29 ઈસુએ કહ્યું, “ધર્મલેખો અને દેવનાં પરાક્રમ વિષેના તમારા અજ્ઞાનને કારણે એ તમે સમજી શકતા નથી. 30 તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય. 31 શું પુનરુંત્થાનના સંબંધમાં દેવે તમને જે કહ્યું છે તે તમે વાંચ્યું છે? 32 દેવે કહ્યું, ‘હું ઈબ્રાહિમનો તથા ઈસહાકનો તથા યાકૂબનો દેવ છું.’પણ તે મૂએલાઓનો દેવ નથી. પરંતુ જીવતા લોકોનો દેવ છે.” 33 ઈસુનો ઉત્તર સાંભળીને તે લોકો તેના ઉપદેશથી અચરત પામ્યા હતા. 34 ફરોશીઓએ જાણ્યું કે ઈસુએ પોતાના ઉત્તરથી સદૂકીઓને બોલતા બંધ કરી દીઘા તેથી તેઓ એકત્ર થયા. 35 એક ફરોશી જે શાસ્ત્રી હતો. તેણે ઈસુને ફસાવવા એક પ્રશ્ર્ન પૂછયો. 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કઈ છે?” 37 ઈસુએ ઉત્તર આપ્યો, “પ્રભુ તારા દેવ પર, તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રીતી કર.’ 38 આ પહેલી અને સૌથી મોટી આજ્ઞા છે. 39 બીજી મોટી આજ્ઞા પણ એવી જ છે. ‘તું જેવો પ્રેમ તારા પર કરે છે તેવો જ પ્રેમ તારા પડોશી પર કર.’ 40 આખા નિયમશાસ્ત્ર અને પ્રબોધકોના લખાણોનો પાયો આ બે આજ્ઞાઓમાં સમાયેલો છે. આ બે આજ્ઞાઓને પાળશો તો તમે બીજી સર્વ આજ્ઞાઓ પાળશો.” 41 જ્યારે બધા ફરોશીઓ ભેગા થયા હતા ત્યારે, ઈસુએ તેઓને પ્રશ્ન પૂછયો. 42 ઈસુએ કહ્યું, “મસીહ વિષે તમે શું માનો છો? તે કોનો દીકરો છે?”તેઓએ ઉત્તર આપ્યો, “તે દાઉદનો દીકરો છે.” 43 ઈસુએ તેઓને ફરીથી પ્રશ્ન કર્યો, “તો પછી પવિત્ર આત્માની પ્રેરણાથી દાઉદ તેને ‘પ્રભુ’ કેમ કહે છે. 44 ‘પ્રભુએ (દેવે) મારા પ્રભુને (ખ્રિસ્ત) કહ્યું કે: જ્યાં સુધી તારા શત્રુંઓ તારા નિયંત્રણ હેઠળ છે; ત્યાં સુધી તું મારી જમણી બાજુ બેસ.’ ગીતશાસ્ત્ર 110:1 45 દાઉદે તેને ખ્રિસ્ત પ્રભુ કહ્યો તો એ તેનો દીકરો કેવી રીતે હોઈ શકે?” 46 ઉત્તરમાં કોઈ કશું જ બોલી શક્યા નહિ. તે સમય પછી તેઓએ બીજા પ્રશ્નો પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.
23:1 ઈસુએ પછી લોકોને અને તેના શિષ્યોને કહ્યું. ઈસુએ કહ્યું, 2 “યહૂદિ શાસ્ત્રીઓને તથા ફરોશીઓને મૂસાનો ઉ5દેશ તમને સમજાવવાનો અધિકાર છે. 3 તેથી એ લોકો જે કહે તે પ્રમાણે વર્તજો અને તેમની આજ્ઞાનું પાલન કરજો. પરંતુ તે લોકો જે કરે છે તે પ્રમાણે તમે ન કરતા. હું એટલા માટે કહું છું કે, તેઓ જે ઉપદેશ આપે છે તે પ્રમાણે તેઓ પોતે વર્તતા નથી. 4 તેઓ એવા કડક નિયમો બનાવે છે કે લોકોને પાળવા મુશ્કેલ પડે છે. તે બીજા લોકોને નિયમોનું પાલન કરવા અનુરોધ કરે છે પરંતુ તે લોકો તેમાંનો એક પણ નિયમ પાળવા પ્રયત્ન કરતા નથી. 5 “તેઓ સારા કામ એટલા માટે કરે છે કે લોકો તેઓને જુએ. તેઓ પવિત્ર દેખાવા માટે શાસ્ત્ર વચનોના શબ્દો સાથેની પેટીઓ લઈ લે છે અને સ્મરણપત્રોને પહોળા બનાવે છે અને પોતાના ઝભ્ભાની ઝૂલને લાંબી કરે છે જેથી લોકો તેમને ધર્માત્મા સમજે, જુએ. 6 આવા ફરોશીઓ અને શાસ્ત્રીઓને જમણવારોમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરવાનું ગમે છે અને સભાસ્થાનોમાં મુખ્ય સ્થાને બેસવાનુ ગમે છે. 7 બજારમાં લોકો તેમને માન આપે તે તેમને ગમે છે અને લોકો તેમને ‘ગુરું’ કહીને બોલાવે તેવુ તે ઈચ્છે છે. 8 “પરંતુ તમે ‘ગુરું’ ન કહેવાઓ કારણ તમારો ગુરું તો એક જ છે અને તમે બધા તો ભાઈ બહેન છો. 9 તમારામાંથી કોઈને પણ આ પૃથ્વી પર ‘પિતા’ ન કહો કારણ તમારો પિતા તો એક જ છે અને તે આકાશમાં છે. 10 તમે ‘સ્વામી’ પણ ન કહેવાઓ, કારણ તમારો સ્વામી તો ફક્ત એક જ છે અને તે માત્ર ખ્રિસ્ત, જે તમારા સ્વામી છે. 11 તમારામાં મહત્વપૂર્ણ વ્યક્તિ એ હશે કે જે તમારો સેવક બનશે. 12 જે પોતાની જાતને બીજા કરતા ઊંચો કરશે તેઓને નીચા કરવામાં આવશે. અને જેઓ પોતાને નીચો કરશે તેઓને ઊંચા કરવામાં આવશે. 13 “હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. 14 અરે, ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ; ઢોંગીઓ, તમને અફસોસ છે! કારણ કે તમે વિધવાઓની મિલકત હડપ કરી જાઓ છો અને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરો છો તે માટે તમને સખત સજા થશે. 15 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમારા માર્ગોને એક વ્યક્તિ અનુસરે માટે તમે સમુદ્ર તથા પૃથ્વી ફરી વળો છો; જ્યારે તમને તે વ્યક્તિ મળે છે ત્યારે તમે તેને પોતા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો! 16 “ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ. 17 અરે ઓ અંધ મૂર્ખાઓ! વધારે મોટુ કયું, સોનું કે મંદિર? ‘મંદિર મોટું છે કારણ એ મંદિરને લીધે સોનું પવિત્ર બન્યું છે. 18 “તમે એ પણ કહો છો, ‘કોઈ વેદીના સમ ખાય તો તે અગત્યનું નથી પરંતુ જો વેદી પર ચઢાવેલ વસ્તુના સમ ખાય તો તેણે તે સમ પાળવા જ જોઈએ. 19 અરે અંધજનો, કોણ મોટું, વેદી પર ચઢાવેલી વસ્તુ કે વેદી? જે અર્પણને પવિત્ર બનાવે છે? 20 તેથી જે કોઈ વેદીના સમ લે છે તે તેના તથા તેના પર મૂકેલ દરેક વસ્તુના સમ લે છે. 21 જે મંદિરના સમ લે છે તે તેની સાથે મંદિરમાં રહે છે તેના પણ સમ લે છે. 22 અને જે આકાશના સમ લે છે તે દેવના રાજ્યાસનની સાથે એ રાજ્યાસન પર બેસનારના પણ સમ લે છે. 23 “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! તમે તમારી પાસે જે કાંઈ ફુદીનાનો, સૂવાનો, તથા જીરાનો દશમો ભાગ છે તે દેવને આપો છો. પરંતુ તમે વધારે નિયમશાસ્ત્રની મોટી વાતોનું પાલન કરતા નથી. તમે ન્યાયીકરણ, દયા અને વિશ્વાસની અવગણના કરો છો. તમારે આ બીજી બાબતોની ઉપેક્ષા કર્યા વિના તમારે આ બધાનું પાલન કરવું જોઈએ. 24 તમે લોકોને માર્ગદર્શન આપો છો, પણ તમે પોતે જ આંધળા છો! તમે તમારા પીણામાંથી માખી દૂર કરો છો પણ ઊંટને ગળી જાઓ છો. 25 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! તમે તમારી વાટકીઓ, થાળીઓ બહારથી સાફ કરી રાખો છો, પરંતુ તમે તમારા પોતાના સંતોષ માટે લોકોને છેતરીને તેની અંદર જુલ્મ તથા અન્યાય ભરો છો. 26 ઓ આંધળા ફરોશી, પહેલા તું તારા થાળી વાટકા અંદરથી સાફ કર તો તેની સાથે સાથે વાસણ બહારથી પણ સ્વચ્છ થઈ જશે. 27 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રીઓ અને ફરોશીઓ તમને અફસોસ છે! કે તમે સફેદ ધોળેલી કબર જેવા છો. કારણ કે તે બહારથી સુંદર દેખાય છે પણ અંદરથી મરણ પામેલા લોકોનાં હાડકાઓ અને બધીજ જાતનો ગંદવાડ ભરેલો છે. 28 એવું જ તમારા માટે છે. લોકો તમને બહારથી જુએ છે તો તમે ન્યાયી જેવા દેખાવ છો. પણ અંદરથી તો તમે ઢોંગથી ભરેલા દુષ્ટ છો. 29 “અરે ઢોંગી, યહૂદિ શાસ્ત્રી અને ફરોશીઓ, તમને અફસોસ છે! કે તમે પ્રબોધકો માટે કબરો બનાવો છો અને ન્યાયી લોકોની કબરો શણગારો છો. 30 અને કહો છો, ‘જો પૂર્વજોના સમયમાં અમે હોત તો આ પ્રબોધકોને મારી નાખવા જરાપણ મદદ ન કરી હોત.’ 31 એટલે તમે એ સ્વીકારો છો કે જે લોકોએ પ્રબોધકોને મારી નાખ્યા છે તેમના જ તમે સંતાનો છો. 32 તેઓના પગલે ચાલીને અને તમારા બાપદાદાઓનાં પાપ પૂરા કરશો! 33 “ઓ સર્પો! સર્પોના વંશ! તમે નરકના દંડમાંથી કેવી રીતે બચી શકશો! 34 આથી હું તમારી પાસે પ્રબોધકને તથા જ્ઞાનીઓ તથા શાસ્ત્રીઓને મોકલું છું. તેઓમાંના કેટલાકને તમે વધસ્તંભે જડશો અને કેટલાકને મારી નાખશો. કેટલાકને તમે તમારા સભાસ્થાનોમાં કોરડા મારશો અને ગામેગામ તેઓની પાછળ પડશો. 35 “તેથી તમે પૃથ્વી પર સારી વ્યક્તિઓને મારી નાખવા માટે ગુનેગાર ઠરશો, ન્યાયી હાબેલને મારી નાખવામાં આવ્યો. તેનાથી માંડી બેરખ્યાના દીકરા ઝખાર્યાને મંદિરની તથા હોમવેદીની વચ્ચે મારી નાખવામાં આવ્યો. તેથી હાબેલ અને ઝખાર્યાના સમયમાં જે બધા સારા લોકો રહેતા હતા તેના મરણ માટે તમે ગુનેગાર છો. 36 હું તમને સાચે જ કહું છું. આ બધી વસ્તુઓ માટે આ પેઢીના લોકોને ભોગવવું જ પડશે. 37 “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર, હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો, જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે, પણ તમે એવું ઈચ્છયું નહિ. 38 હવે તારું મંદિર પૂરેપૂરું ઉજજડ થઈ જશે. 39 હું તને કહું છું, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે’એવું તમે નહિ કહો ત્યાં સુધી તમે મને ફરી કદી જોશો નહિ.”
24:1 ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. 2 ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.” 3 પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?” 4 ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. 5 ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. 6 પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. 7 રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. 8 પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે. 9 “આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. 10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. 11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. 12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. 13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. 14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે. 15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ. 19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ. 22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે. 23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો. 26 “તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ. 27 જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે. 28 જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે. 29 “એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ: ‘સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ. અને તારાઓ આકાશમાંથી ખરી પડશે. આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’ યશાયા 13:10; 34:4-5 30 એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે. 31 માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે. 32 “અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે. 33 તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે. 34 હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે. 35 આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય! 36 “પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે. 37 “નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે. 38 જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું. 39 જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે. 40 એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે. 41 આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે. 42 “એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી. 43 યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત. 44 એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે. 45 “ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે? 46 ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે. 47 હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે. 48 “પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના. 49 પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે. 50 પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય. 51 એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.
25:1 “એ દિવસે આકાશનું રાજ્ય દશ કુમારિકાઓ પોતાના વરને મળવા મશાલ લઈને નીકળી હોય તેના જેવું હશે. 2 એમાંથી પાંચ મૂર્ખ હતી. અને પાંચ વિચારશીલ હતી. 3 મૂર્ખ કુમારિકાઓ જ્યારે પોતાની મશાલો લઈને આવી ત્યારે તેમની સાથે વધારાનું તેલ લીધું નહિ. 4 વિચારશીલ કુમારિકાઓ પાસે તેમની મશાલો સાથે બરણીમાં વધારાનું તેલ હતું. 5 વરને આવતાં ઘણી વાર લાગી એટલામાં બધીજ કુમારિકાઓ થાકી ગઈ અને ઊંઘવા લાગી. 6 “મધ્યરાત્રીએ કોઈકે જાહેરાત કરી કે, ‘વરરાજા આવી રહ્યો છે! તો ચાલો આપણે તેને મળવા જઈએ!” 7 “પછી બધી જ કુમારિકાઓ જાગી ગઈ ને પોતાની મશાલો તૈયાર કરી. 8 પણ મૂર્ખ કુમારિકાઓએ વિચારશીલ કુમારિકાઓને કહ્યું: ‘અમને તમારું થોડું તેલ આપો. અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9 “સમજુ કુમારિકાઓએ કહ્યું, ‘ના! કદાચ અમારી પાસે જે તેલ છે તે તમને તથા અમને પુરું નહિ પડે માટે તમે તેલ વેચનારા પાસે જાઓ અને પોતપોતાના માટે થોડું ખરીદી લાવો.’ 10 “તેથી તે કુમારિકાઓ તેલ ખરીદવા ગઈ. એટલામાં વરરાજા આવી પહોંચ્યો. જે કુમારિકાઓ તૈયાર હતી, તેઓ તેની જોડે લગ્નનાં જમણમાં પહોંચી ગઈ અને પછી બારણાં બંધ કરવામાં આવ્યાં. 11 “પછી પેલી બીજી કુમારિકાઓ આવી અને બહાર ઊભી રહીને કહેવા લાગી, ‘સ્વામી, હે સ્વામી, બારણાં ઉઘાડો અને અમને અંદર આવવા દો.’ 12 “પણ વરરાજાએ ઉત્તર આપ્યો, ‘હું તમને સત્ય કહું છું, હું તમને જાણતો નથી.’ 13 “તેથી હંમેશા તૈયાર રહો, તમને ખબર નથી, માણસનો દીકરો ક્યા દિવસે અને ક્યા સમયે આવશે. 14 “આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ, હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો. 15 તેણે એકને ચાંદીના સિક્કા ભરેલી પાંચ થેલીઓ આપી, બીજાને બે અને ત્રીજા ને એક, તેણે દરેકને તેમની શક્તિ અનુસાર આપી; પ્રવાસ કરવા ચાલી નીકળ્યો. 16 જેને ચાંદીના સિક્કાની પાંચ થેલીઓ આપી હતી તે ત્યાંથી ચાલી નીકળ્યો અને એણે તરત જ તે પૈસાનું બીજે રોકાણ કર્યુ. અને બીજી પાંચ થેલી કમાયો. 17 જેને બે થેલીઓ મળી હતી તેણે પણ બીજે રોકાણ કયું અને બે થેલી કમાઈ લીધી. 18 પણ જે નોકરને એક જ થેલી આપી હતી તે ગયો અને જમીનમાં ખાડો ખોદી પોતાના ધણીના પૈસાની થેલી જમીનમાં દાટી દીઘી. 19 “ઘણા સમય પછી તે ધણી પાછો આવ્યો અને નોકરોને પૂછયું કે તેઓએ તેના પૈસાનું શું કર્યુ. 20 જેને પાંચ થેલી આપવામાં આવી તેણે બીજી વધારાની પાંચ થેલી લાવી તેના ધણીને આપી અને કહ્યું, ‘તેં મારા પર વિશ્વાસ મૂક્યો તેથી તે પાંચ થેલીઓનો બીજી પાંચ થેલીઓ કમાવવા મેં ઉપયોગ કર્યો.’ 21 “ધણીએ કહ્યું, ‘તું ખૂબ સારો વિશ્વાસ રાખવા લાયક નોકર છે. તેં થોડા પૈસાનો સારો ઉપયોગ કર્યો છે, તેથી હું તને આના કરતાં પણ વધારે વસ્તુ સાચવવા આપીશ. આવ, અને મારા સુખનો ભાગીદાર બન.’ 22 “પછી જેને બે થેલીઓ આપવામાં આવી હતી, તે ધણી પાસે આવ્યો અને નોકરે કહ્યું, ‘ધણી તેં મને બે થેલી ભરેલા પૈસા આપ્યા હતા, મેં આ બંને થેલીના પૈસાનો ઉપયોગ કર્યો છે અને હું બીજી બે થેલીઓ વધારે કમાયો છું.’ 23 “ધણીએ કહ્યું, ‘તેં બરાબર કર્યુ છે. તું ખૂબજ સારો નોકર છે અને તું વિશ્વાસ રાખવા લાયક છે. તેં થોડા પૈસાનો ખૂબ સારો ઉપયોગ કર્યો એટલે હું તને આનાં કરતા પણ વધારે અધિકાર આપીશ, આવ અને મારી સાથે સુખમાં ભાગીદાર થા.’ 24 “પછી જેને એક થેલી આપવામાં આવી હતી, તે નોકર ધણી પાસે આવ્યો અને ધણીને કહ્યું, “હું જાણું છું કે તું ખૂબજ કડક માણસ છે. તેણે કહ્યું, ‘જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી પાક લણનાર, અને જ્યાં તેં નથી વેર્યુ, ત્યાંથી એકઠું કરનાર છે. 25 તેથી મને ખૂબજ બીક લાગી અને તારી પૈસાની થેલી લઈને હું ગયો અને જમીનમાં સંતાડી દીધી. તેં મને જે ચાંદીના સિક્કાની થેલી આપી હતી, તે પાછી લે.’ 26 “ધણીએ કહ્યું, ‘તું દુષ્ટ અને આળસુ નોકર છે! તું કહે છે, ‘જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું પાક લણું છું અને જ્યાં નથી વેર્યુ ત્યાંથી એકઠું કરું છું.’ 27 તો મારું ધન તેં બેન્કમાં કેમ ન મૂકયું? જો બેન્કમાં પૈસા મૂક્યાં હોત તો મને વ્યાજ સાથે પાછા મળત.’ 28 “તેથી ઘણીએ બીજા નોકરોને કહ્યું આની પાસેથી પૈસાની એક થેલી લઈ લો અને જેની પાસે દશ થેલી છે તેને આપી દો. 29 દરેક વ્યક્તિની પોતાની પાસે જે છે તેનો તે યોગ્ય ઉપયોગ કરશે તો તેને વધુ આપવામાં આવશે. અને જેને તેની જરુંરિયાત છે તેનાથી પણ અધિક પ્રાપ્ત કરશે અને જેની પાસે છે, તેનો યોગ્ય ઉપયોગ નહિ કરે તો તેની પાસેથી બધું જ છીનવી લેવામાં આવશે. 30 તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’ 31 “માણસનો દીકરો ફરીથી આવશે. તે ભવ્ય મહિમા સાથે તેના બધાજ દૂતો સાથે આવશે અને તે રાજા તરીકે મહિમાના રાજ્યાસન પર બીરાજશે. 32 વિશ્વના બધાજ લોકો માણસના દીકરાની આગળ ભેગા થશે. માણસનો દીકરો પછી બધાજ લોકોને બે ભાગમાં વહેંચી નાખશે. જેમ ઘેટાંપાળક ઘેંટા બકરાંને જુદા પાડે છે. 33 માણસનો દીકરો ઘેટાંને (સારા લોકો) પોતાની જમણી બાજુ મૂકશે અને બકરાંને (ખરાબ લોકો) ડાબી બાજુ રાખશે. 34 “પછી તે રાજા, જમણી બાજુ બેસનારા સારા માણસોને કહેશે, આવો, મારા બાપના આશીર્વાદિતો આવો, અને જે રાજ્ય જગતનો પાયો નાખતા પહેલા તમારા માટે અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યુ છે તે પ્રાપ્ત કરો. 35 તમને આ રાજ્ય મળ્યું છે કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખાવાનું આપ્યું હતું, તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈક પીવા આપ્યું હતું. અને જ્યારે હું એકલો ભટકતો હતો ત્યારે તમે મને ઘેર બોલાવ્યો હતો. 36 હું વસ્ત્ર વગરનો હતો ત્યારે તમે મને કાંઈક પહેરવાં આપ્યું હતું. હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી હતી, હું કારાવાસમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા હતા.’ 37 “પછી સારા માણસો ઉત્તર આપશે, ‘પ્રભુ, અમે ક્યારે તને ભૂખ્યો જોયો અને ભોજન આપ્યું? અમે ક્યારે તને તરસ્યો જોયો અને તને કાંઈક પીવા આપ્યું? 38 અમે તને ક્યારે એકલો જોયો અને ઘરથી દૂર ફરતા જોયો? અને અમે તને અમારે ઘેર ક્યારે બોલાવ્યો? અમે તને વસ્ત્ર વગર ક્યારે જોયો અને તને કોઈક વસ્ત્ર પહેરવા આપ્યું? 39 અમે તને ક્યારે માંદો જોયો? અમે તને ક્યારે કારાવાસમાં જોયો અને તારી મુલાકાત લીધી?” 40 “પછી રાજા ઉત્તર આપશે, ‘હું તમને સત્ય કહું છું. તમે મારા લોકોમાંના એકના માટે અહીં જે બધું કર્યુ તે બધું તમે મારા માટે જ કર્યુ.’ 41 “પછી રાજા તેની ડાબી બાજુ બેઠેલા માણસોને કહેશે. મારી પાસેથી જે અગ્નિ સદાને માટે સળગે છે ત્યાં ચાલ્યા જાઓ. તમે શ્રાપિત છો, શેતાન તથા તેના દૂતો માટે જે સર્વકાલિક અગ્નિ તૈયાર કરેલો છે તેમાં પડો અને, 42 આજ તમારી સજા છે. કારણ હું ભૂખ્યો હતો ત્યારે તમે મને કશું જ ખાવાનું આપ્યું નહોતું અને જ્યારે હું તરસ્યો હતો ત્યારે તમે મને કાંઈ પીવા આપ્યું નહોતું. 43 હું જ્યારે ઘરતી દૂર હતો અને ફરતો હતો, ત્યારે તમે મને ઘરમાં બોલાવ્યો નહોતો. વસ્ત્ર વગર નગ્ન હતો, પરંતુ તમે મને વસ્ત્ર પહેરવા આપ્યા નહોતા. હું બિમાર હતો અને કારાવાસ ભોગવતો હતો ત્યારે તમે મારી સેવા કરી નહોતી.’ 44 “પછી લોકો પણ ઉત્તરમાં પૂછશે, ‘હે પ્રભુ, અમે તને ભૂખ્યો, તરસ્યો, એકલો, વસ્ત્ર વગર, બિમાર અથવા બંદી ક્યારે જોયો? અને અમે તને મદદ ના કરી?’ 45 “પછી રાજા ઉત્તરમાં કહેશે, ‘હું તમને સત્ય કહું છું, કે તમે અહીં મારા લોકોમાંના કોઈને પણ ના પાડી તે મને ના પાડી બરાબર છે.’ 46 “પછી તે દુષ્ટ માણસો ત્યાંથી ચાલ્યા જશે અને તેઓને સદાને માટે સજા થશે. અને પછી સારા લોકો અનંતજીવનમાં જતા રહેશે.”
26:1 ઈસુએ આ બધી બાબતો કહેવાનું પૂરું કર્યા પછી તેણે તેના શિષ્યોને કહ્યું, 2 “તમે જાણો છો કે બે દિવસ બાદ પાસ્ખાપર્વ છે. તે દિવસે માણસના દીકરાને વધસ્તંભ પર મારી નાખવા માટે દુશ્મનોને સુપ્રત કરવામાં આવશે.” 3 પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું, પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા. 4 તે સભામાં તેઓએ ઈસુની ધરપકડ કરવાનો રસ્તો શોધવા પ્રયત્ન કર્યો. તેઓએ કપટનો ઉપયોગ કરીને, ઈસુને પકડવાની અને મારી નાખવાની યોજના કરી. 5 સભામાંના માણસોએ કહ્યું, “આપણે પાસ્ખાપર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ, આપણા લોકો ગુસ્સે થાય અને ગરબડનું કારણ ઊભું થાય તેમ ઈચ્છતા નથી.” 6 ઈસુ બેથનિયામાં હતો. તે સિમોન નામના કોઢિના ઘરમાં હતો. 7 જ્યારે ઈસુ ત્યાં હતો, એક સ્ત્રી તેની પાસે આવી. તેની પાસે આરસપાનની ખૂબ કિંમતી અત્તરથી ભરેલી શીશી હતી. તે સ્ત્રીએ ઈસુ જ્યારે જમતો હતો ત્યારે તેના માથા પર અત્તર રેડ્યું. 8 શિષ્યોએ આ જોયું અને તેઓ તે સ્ત્રી પર ગુસ્સે થયા. તે શિષ્યોએ પૂછયું, “આ અત્તરનો બગાડ શા માટે? 9 કારણ કે આ અત્તર ઘણા મૂલ્યે વેચી શકાત અને પૈસા ગરીબ લોકોને આપી શકાત.” 10 પણ શું બન્યું છે તે ઈસુએ જાણ્યું. ઈસુએ કહ્યું, “આ સ્ત્રીને તમે શા માટે સતાવો છો? તેણીએ મારા માટે સારું કામ કર્યુ છે. 11 ગરીબ લોકો તમારી સાથે હમેશા હશે પણ હું સદા તમારી સાથે નહિ હોઉં. 12 આ સ્ત્રીએ મારા શરીર પર અત્તર રેડ્યું. તેણીએ મારા મરણ પછી મારી દફ્નકિયાની તૈયારી માટે કર્યુ છે. 13 હું તમને સત્ય કહું છું, આખી દુનિયાના લોકોને તે સુવાર્તા જણાવાશે. અને દરેક જગ્યાએ જ્યાં તે સુવાર્તા કહેવામાં આવશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યુ છે તે પણ જણાવાશે અને લોકો તેણીને યાદ કરશે.” 14 પછી બાર શિષ્યોમાંનો એક મુખ્ય યાજકો પાસે કહેવા ગયો. આ ઈશ્કરિયોત નામનો યહૂદા તે શિષ્ય હતો. 15 યહૂદાએ કહ્યું, “હું તમને ઈસુ સુપ્રત કરીશ. તમે મને આ કરવા માટે શું આપશો?” યહૂદાને યાજકે 30 ચાંદીના સિક્કાઓ આપ્યા. 16 તે સમય પછી યહૂદાએ ઈસુને યાજકોને સોંપવા માટેના ઉત્તમ સમયની રાહ જોવા માંડી. 17 બેખમીર રોટલીના પ્રથમ દિવસે શિષ્યો ઈસુ પાસે આવ્યા. તે શિષ્યોએ કહ્યું, “અમે તારા માટે પાસ્ખા પર્વના ભોજન માટે બધી તૈયારી કરીશું. અમે ભોજનની તૈયારી ક્યાં કરીએ? તારી શી ઈચ્છા છે?” 18 ઈસુએ કહ્યું, “શહેરમાં જાવ, હું જે માણસને જાણું છું, એવા માણસ પાસે જાવ. ઉપદેશક કહે છે તે તેને કહો, ‘પસંદ કરાયેલો નિયત સમય નજીક છે. હું તારા ઘેર મારા શિષ્યો સાથે પાસ્ખાપર્વનું ભોજન કરીશ.”‘ 19 શિષ્યોએ આજ્ઞાનું પાલન કર્યુ અને ઈસુએ તેઓને જે કરવા માટે કહ્યું તે કર્યુ. તેઓએ પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યુ. 20 સાંજે ઈસુ મેજ પાસે તેના બાર શિષ્યો સાથે બેઠો હતો. 21 તેઓ બધા જમતા હતા. પછી ઈસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું. તમારા બારમાંનો એક જે અહીં છે તે મને જલ્દીથી દુશ્મનોને સુપ્રત કરશે.” 22 શિષ્યો આ સાંભળીને ઘણા દિલગીર થયા. દરેક શિષ્યોએ ઈસુને કહ્યું, “પ્રભુ ખરેખર હું તે એક નથી! 23 ઈસુએ કહ્યું, “જે એક જણે મારી સાથે તેનો હાથ વાટકામાં ઘાલ્યો છે તે જ વ્યક્તિ મારી વિરૂદ્ધ જશે. 24 પણ તે વ્યક્તિને અફસોસ છે જેની મારફતે માણસના દીકરાને મારી નાખવા સુપ્રત કરાયો છે. શાસ્ત્રનું લખાણ કહે છે કે આ બનશે. પરંતુ જે માણસના દીકરાને મારી નાખવા માટે સોંપે છે, તે વ્યક્તિનું ઘણું ખરાબ થશે. જો તે માણસ જન્મ્યો ના હોત તો તેને માટે સારું હોત.” 25 પછી યહૂદાએ ઈસુને કહ્યું, “ઉપદેશક, ચોક્કસ હું તારી વિરૂદ્ધ જઈશ નહિ.” (યહૂદા તે એક છે જે ઈસુને તેના દુશ્મનોને સોંપશે.)ઈસુએ ઉત્તર આપ્યો, “હા તું તે જ છું.” 26 જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.” 27 પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીઘો. તે માટે દેવનો આભાર માન્યો. અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું, “તમારામાંના દરેક જણ આ પીઓ. 28 આ દ્રાક્ષારસ મારું લોહી છે. નવા કરારનું એ મારું લોહી (મરણ) છે જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવામાં આવ્યું છે. 29 હું તમને આ કહું છું કે: જયાં સુધી આપણે મારા પિતાના રાજ્યમાં ભેગા મળીશું નહિ ત્યાં સુધી હું ફરીથી આ દ્રાક્ષારસ પીશ નહિ. તે દ્રાક્ષારસ નવો હશે. ત્યારે હું તમારી સાથે ફરીથી પીશ.” 30 બધા શિષ્યોએ ગીત ગાયું. પછી તેઓ જૈતુનના પહાડ પર ગયા.(માર્ક 14:27-31; લૂક 22:31-34; યોહાન 13:36-38) 31 ઈસુએ શિષ્યોને કહ્યું, “આજે રાત્રે તમે મારા કારણે તમારો વિશ્વાસ ગુમાવશો. શાસ્ત્રલેખમાં લખેલું છે.‘હું ઘેટાંઓના પાળકને મારીશ, અને ઘેટાંઓ દૂર ભાગી જશે.’ ઝખાર્યા 13:7 32 પણ મારા મરણ પછી, હું મરણમાંથી સજીવન થઈશ. પછી હું ગાલીલમાં જઈશ. તમારા ત્યાં જતાં પહેલા હું ત્યાં હોઈશ.” 33 પિતરે ઉત્તર આપ્યો, “તારા કારણે બીજાઓ કદાચ વિશ્વાસ ગુમાવે પણ હું મારો વિશ્વાસ કદી ગુમાવીશ નહિ.” 34 ઈસુએ ઉત્તર આપ્યો, “હું તને સત્ય કહું છું, આજે રાત્રે તું કહીશ તું મને ઓળખતો નથી. મરઘાના બોલતા પહેલા તું આ ત્રણ વાર કહીશ. 35 પરંતુ પિતરે ઉત્તર આપ્યો, “જો કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહિ કરું!” અને બીજા શિષ્યોએ પણ એમ જ કહ્યું. 36 પછી ઈસુ તેના શિષ્યો સાથે ગેથશેમા નામની જગ્યાએ ગયો. ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “જ્યારે હું ત્યાં જાઉં અને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહી બેસો.” 37 ઈસુએ પિતર અને ઝબદીના બંને દીકરાઓને તેની સાથે લીઘા. પછી તે શોકાતુર અને દુ:ખી થયો. 38 ત્યારે તે તેઓને કહે છે, “મારું હૃદય દુ:ખથી ભાંગી પડે છે. મારી સાથે અહીં જાગતા રહો અને રાહ જુઓ.” 39 પછી ઈસુ તેઓથી થોડે દૂર ચાલ્યો ગયો. અને ઈસુએ ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, જો શક્ય હોય તો મને આ દુ:ખનો પ્યાલો આપીશ નહિ, પરંતુ તારી ઈચ્છા પ્રમાણે કર, મારી ઈચ્છા પ્રમાણે નહિ.” 40 પછી ઈસુ પાછો તેના શિષ્યો પાસે ગયો. ઈસુએ તેના શિષ્યોને ઊંઘતા દીઠા. ઈસુએ પિતરને કહ્યું, “તમે લોકો મારી સાથે એક કલાક માટે પણ જાગતા રહી શકતા નથી? 41 જાગતા રહો, અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. તમારો આત્મા જે સાચું છે તે કરવા ઇચ્છે છે. પણ તમારું શરીર અબળ છે.” 42 પછી ઈસુ બીજી વાર દૂર ગયો અને પ્રાર્થના કરી, “મારા બાપ, મારી પાસેથી જો દર્દ ભરી સ્થિતિ દૂર ન કરી શકાય અને જો મારે તે કરવું જોઈએ તો પછી હું પ્રાર્થના કરું છું કે તું ઈચ્છે છે તે પ્રમાણે થાય.” 43 પછી ઈસુ શિષ્યો પાસે ગયો. ઈસુએ ફરીથી તેમને ઊંઘતા દીઠા. તેઓની આંખો ખૂબ થાકેલી હતી. 44 તેથી ઈસુ તેઓ પાસેથી ખસી ગયો અને તેમનાથી દૂર ગયો અને પહેલાની માફક તે જ શબ્દોમાં ત્રીજી વખત પ્રાર્થના કરી. 45 પછી ઈસુ શિષ્યો પાસે પાછો ગયો અને કહ્યું, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? માણસના દીકરાને પાપી લોકોને સુપ્રત કરવાનો સમય આવ્યો છે. 46 ઊભા થાઓ! આપણે જવું જોઈએ. અહીં તે માણસ આવે છે જે મને મારા દુશ્મનોને સુપ્રત કરશે.”ઈસુ હજી બોલતો હતો ત્યારે યહૂદા ત્યાં આવ્યો. યહૂદા બાર શિષ્યોમાંનો એક હતો. આ લોકો મુખ્ય યાજકો તથા લોકોના વડીલોમાંથી મોકલવામાં આવ્યા હતા. યહૂદાની સાથેના આ લોકો પાસે તલવારો અને લાકડીઓ હતી. 47 યહૂદાએ લોકોને આ માણસ ઈસુ લાકડીઓ હતી. 48 યહૂદાએ લોકોને આ માણસ ઈસુ છે તે બતાવવા કઈક યોજના કરી હતી. યહૂદાએ કહ્યું, “હું જે માણસને ચૂમીશ તે જ ઈસુ છે; તેને પકડી લેજો.” 49 તેથી યહૂદા ઈસુ પાસે ગયો અને કહ્યું, “રાબ્બી સલામ!” યહૂદા ઈસુને ચુમ્યો. 50 ઈસુએ કહ્યું, “મિત્ર, તું જે કરવા આવ્યો છું તે કર.”પછી તે માણસો આવ્યા અને ઈસુ પર હાથ નાખીને તેને પકડી લીધો. 51 ઈસુની સાથેના શિષ્યોમાંના એકે લાંબો હાથ કરીને પોતાની તલવાર કાઢી. આ શિષ્યે મુખ્ય યાજકના નોકર પર હુમલો કર્યો અને કાન કાપી નાખ્યો. 52 ઈસુએ તે માણસને કહ્યું, “તારી તલવાર પાછી તેની જગ્યાએ મૂકી દે. જે લોકો તલવારનો ઉપયોગ કરે છે તેઓ તલવાર વડે મારી નંખાશે. 53 તમે ખરેખર જાણો છો કે મારા બાપ પાસે માંગણી કરું તો તે દૂતોની બાર ફોજ કરતાં વધારે આપી શકે. 54 પરંતુ ધર્મલેખોમાં કહ્યું છે તેથી એવું જ થવું જોઈએ.” 55 પછી ઈસુએ બધા લોકોને કહ્યું, “તમે તલવારો અને લાકડીઓ લઈને હું અપરાધી હોઉં તે રીતે મને પકડવા આવ્યો છો? હું હંમેશા મંદિરમાં બેસીને બોધ આપતો હતો. તમે ત્યાં મને પકડ્યો નહિ. 56 પરંતુ આ બધી ઘટનાઓ બની, તેથી પ્રબોધકોના લેખ પૂર્ણ થયા.” પછી ઈસુના બધા શિષ્યો તેને છોડીને દૂર નાસી ગયા. 57 ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા. શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા. 58 પિતર ઈસુ પાછળ ગયો, પણ તે ઈસુની નજીક આવ્યો નહિ. પિતર પ્રમુખ યાજકના ઘરની ઓસરી સુધી ઈસુની પાછળ આવ્યો. તે અંદર ગયો અને ચોકીદારો સાથે બેઠો. પિતર જોવા ઈચ્છતો હતો કે અંતમાં ઈસુનું શું થશે. 59 મુખ્ય યાજકો અને સમગ્ર ન્યાયી સભાએ ઈસુની વિરૂદ્ધ કંઈ શોધવાનો પ્રયત્ન કર્યો, જેથી તેઓ તેને મારી નાખી શકે. તેઓએ લોકોને જૂઠી સાક્ષી કહેવડાવવા માટે પ્રયત્ન કર્યો કે ઈસુએ ખોટું કર્યુ છે. 60 ઘણા લોકો આવ્યા અને ઈસુ વિષે ખોટી વાતો કહી. પરંતુ સભાને ઈસુને મારી નાખવા માટે સાચું કારણ મળ્યું નહિ, પછી બે માણસો આવ્યા અને કહ્યું, 61 “આ માણસે કહ્યું છે કે, ‘હું દેવના મંદિરનો નાશ કરી શકું છું અને ફરીથી ત્રણ દિવસમાં બાંધી શકું છું.”‘ 62 પછીથી પ્રમુખ યાજક ઊભો થયો, અને તેણે ઈસુને કહ્યું, “આ લોકોએ તારી વિરૂદ્ધ કહ્યું છે. તારી વિરૂદ્ધમાં મુકાયેલા આક્ષેપો વિષે તારે કંઈક કહેવું છે? શું આ લોકો સાચું કહે છે?” 63 પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?” 64 ઈસુએ કહ્યું, “હા, હું છું. ભવિષ્યમાં તમે માણસના દીકરાને દેવની જમણી બાજુએ બેઠેલો જોશો અને તમે માણસના દીકરાને આકાશના વાદળા પર આવતો જોશો.” 65 જ્યારે પ્રમુખ યાજકે આ સાંભળ્યું, ત્યારે તે ઘણો ગુસ્સે થયો. તેણે તેનાં વસ્ત્રો ફાડી નાંખ્યાં. અને કહ્યું, “હવે વધુ સાબિતીની જરૂર નથી, તમે બધાએ હમણા જ દેવ વિરૂદ્ધ બોલતાં સાંભળ્યો. 66 તમે શું વિચારો છો?”યહૂદીઓએ ઉત્તર આપ્યો, “તે અપરાધી છે, અને તે મરણજોગ છે.” 67 પછી ત્યાં લોકો ઈસુના ચહેરા પર થૂંક્યા અને તેઓએ તેને મૂક્કીઓ મારી. બીજા લોકોએ ઈસુને થબડાકો મારી. 68 તેઓએ કહ્યું, “ઓ ખ્રિસ્ત! અમને કહે તને કોણે માર્યુ!” 69 તે સમયે, પિતર પરસાળમાં બેઠો હતો. એક સેવિકા પિતર પાસે આવી. તેણે કહ્યું, “તું પણ ગાલીલના ઈસુની જોડે હતો.” 70 પણ પિતરે કહ્યું કે, તે ઈસુ સાથે કદી હતો નહિ. તેણે ત્યાં બધા લોકોને આ કહ્યું. પિતરે કહ્યું, “તમે કોના વિષે વાત કરો છો તે હું જાણતો નથી.” 71 પછી પિતરે પરસાળ છોડી, દરવાજા આગળ બીજી એક સેવિકાએ તેને જોયો. તેણે ત્યાં લોકોને કહ્યું, “આ માણસ ઈસુ નાઝારી સાથે હતો.” 72 ફરીથી, પિતરે દેવના સમ ખાઈન કહ્યું કે તે ઈસુ સાથે કદી ન હતો. પિતરે કહ્યું, “દેવના સોગંદ પૂર્વક કહું છું કે હું આ માણસ ઈસુને ઓળખતો નથી!” 73 થોડીવાર પછી ત્યાં ઊભેલા કેટલાક લોકો પિતર પાસે ગયા અને કહ્યું, “અમે જાણીએ છીએ કે ઈસુને અનુસરનારા તે લોકોમાંનો તું એક છે કારણ કે તું જે રીતે વાત કરે છે તે જ બતાવે છે. તેના આધારે અમે આ કહીએ છીએ.” 74 પછી પિતરે શાપ આપવાનું શરૂ કર્યુ. તેણે દ્ઢતાથી કહ્યું, “હું દેવના સમ ખાઉં છું કે હું આ માણસને ઓળખતો નથી.” પિતરના આમ કહ્યા પછી મરઘો બોલ્યો. 75 પછી ઈસુએ તેને જે કહ્યું હતું, તે પિતરને યાદ આવ્યુ, “મરઘો બોલતા પહેલા તું ત્રણ વાર કહીશ કે તું મને ઓળખતો નથી.” પછી પિતર બહાર ગયો અને ધ્રુંસકે ધ્રુંસકે રડયો.
27:1 બીજા દિવસની વહેલી સવારે, બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી. 2 તેઓએ ઈસુને સાંકળોએ બાંધ્યો. પછી તેને લઈ જઈને પિલાત હાકેમને સુપ્રત કર્યો. 3 યહૂદાએ જોયું કે તેઓએ ઈસુને મારી નાખવાનું નક્કી કર્યુ છે. યહૂદા ઈસુને તેના દુશ્મનોને સોંપનારાઓમાંનો એક હતો. જ્યારે યહૂદાઓ શું બન્યું તે જોયું ત્યારે તેણે જે કંઈ કર્યુ હતું તે માટે ઘણો દિલગીર થયો. તેથી તે મુખ્ય યાજકો તથા વડીલ આગેવાનો પાસે 30 ચાંદીના સિક્કા પાછા લાવ્યો. 4 યહૂદાએ કહ્યું, “મેં પાપ કર્યુ છે, મે એક નિર્દોષ માણસને મારી નાખવા આપ્યો છે.”યહૂદી આગેવાનોએ ઉત્તર આપ્યો, “અમને કોઈ ચિંતા નથી! તે પ્રશ્ન તારો છે. અમારો નથી.” 5 તેથી યહૂદાએ પૈસા મંદિરમાં ફેંક્યા. પછી યહૂદાએ તે સ્થળ છોડ્યું અને પોતે જાતે લટકીને ફાંસો ખાધો. 6 મુખ્ય યાજકોએ મંદિરમાંથી ચાંદીના સિક્કા ઊંચકી લીઘા. તેઓએ કહ્યું, “અમારો કાયદો આ પૈસાને મંદિરના ભંડારમાં રાખવાની પરવાનગી આપતો નથી, કારણ કે આ પૈસા માણસના મરણ માટે આપવામાં આવ્યા છે.” 7 તેથી તેઓએ એક ખેતર જે કુંભારના ખેતરના નામે ઓળખાય છે તે આ પૈસાથી ખરીદવાનું નક્કી કર્યુ. જે લોકો યરૂશાલેમની મુલાકાતે આવતાં મરણ પામતાં તેઓને માટે દફનાવવાની જગ્યા તરીકે તે ખેતર ઉપયોગમાં લેવાશે. 8 તેના કારણે હજુ પણ તે લોહીના ખેતર તરીકે ઓળખાય છે. 9 તેથી પ્રબોધક યર્મિયાએ જે કહ્યું તે આ રીતે વચન પૂરું થયું:“તેઓએ 30 ચાંદીના સિક્કા લીધા. તેના જીવન માટે યહૂદિ લોકોએ આ કિંમત ઠરાવેલી હતી. 10 તેઓએ તે 30 ચાંદીના સિક્કાઓનો કુંભારનું ખેતર ખરીદવા માટે ઉપયોગ કર્યો. પ્રભુએ તેનો મને હુકમ કર્યો હતો. 11 ઈસુ હાકેમ પિલાત સમક્ષ ઊભો રહ્યો. પિલાતે તેને પ્રશ્ર્નો પૂછયાં, તેણે કહ્યું, “શું તું યહૂદિઓનો રાજા છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, હું છું.” 12 જ્યારે મુખ્ય યાજક અને વડીલ યહૂદિ આગેવાનોએ ઈસુ પર આરોપો મૂક્યા. તેણે કંઈ જ કહ્યું નહિ. 13 તેથી પિલાતે ઈસુને કહ્યું, “તું આ લોકોને તારી આ બધી બાબતો માટે આરોપ મૂકતા સાંભળે છે, તું શા માટે ઉત્તર આપતો નથી?” 14 પરંતુ ઈસુએ પિલાતને ઉત્તરમાં કંઈ જ કહ્યું નહિ. આથી પિલાત ઘણો જ આશ્ચર્યચકિત થયો. 15 પ્રતિ વર્ષ પાસ્ખાપર્વના સમયે હાકેમ કેદમાંથી એક વ્યક્તિને મુક્ત કરતો. હંમેશા લોકો જે વ્યક્તિને ઈચ્છે તેને મુક્ત કરવામાં આવતો. 16 તે સમયે ત્યાં કેદમાં એક માણસ હતો જે ઘણો કુખ્યાત હતો. તેનું નામ બરબ્બાસ હતું. 17 બધા લોકો પિલાતને ઘરે ભેગા થયા. પિલાતે લોકોને કહ્યું, “હું તમારા માટે એક માણસને મુક્ત કરીશ. તમે ક્યા માણસને મારી પાસે મુક્ત કરાવવા ઈચ્છો છો? બરબ્બાસ કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 પિલાતે જાણ્યું કે લોકોએ ઈસુને અદેખાઈને કારણે તેને સોંપ્યો. 19 પિલાત જ્યારે ન્યાયાસન પર બેઠો હતો ત્યારે તેણે આ બાબતો કહીં. જ્યારે તે ત્યાં બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો. સંદેશામાં કહ્યું, “તે માણસ સાથે કંઈ જ કરીશ નહિ, તે માણસ નિર્દોષ છે. આજે મને તેના વિષે સ્વપ્ન આવ્યું હતું, અને તેનાથી મને ઘણું દુ:ખ થયું.” 20 પરંતુ મુખ્ય યાજકો અને વડીલ યહૂદી નેતાઓએ લોકોને સમજાવ્યા કે બરબ્બાસને મુક્ત કરવો અને ઈસુને મારી નાખવા વિનંતી કરો. 21 પિલાતે કહ્યું, “મારી પાસે બરબ્બાસ અને ઈસુ છે. મારી પાસેથી આ બેમાંથી તમારા માટે કોને મુક્ત કરાવવા ઈચ્છો છો?”લોકોએ ઉત્તર આપ્યો, “બરબ્બાસને! 22 પિલાતે પૂછયું, “તો જે એક ખ્રિસ્ત કહેવાય છે, મારે તેની સાથે શું કરવું જોઈએ?પણ બધા લોકોએ ઉત્તર આપ્યો, “તેને વધસ્તંભ પર મારી નાખો!” 23 પિલાતે પૂછયું, “તમે શા માટે મારી પાસે તેને મારી નંખાવવા ઈચ્છો છો? તેણે શું ખોટું કહ્યું છે.પરંતુ બધા લોકોએ મોટે સાદે બૂમો પાડવાનું ચાલું રાખ્યું, “તેને વધસ્તંભ પર મારી નાખો! 24 પિલાતે જોયું કે લોકોને વિચાર બદલવા માટે તે કંઈ કરી શકે તેમ નથી અને તેણે જોયું કે લોકો બેચેન થઈ રહ્યા હતા. તેથી પિલાતે થોડું પાણી લઈને હાથ ધોયા. જેથી તે બધા લોકો જોઈ શકે. પછી પિલાતે કહ્યું, “હું આ માણસના મરણ માટે દોષિત નથી. તમે જ તેમાંના એક છો જે તે કરી રહ્યાં છો!” 25 બધા લોકોએ ઉત્તર આપ્યો, “અમે તેના મરણ માટે જવાબદાર છીએ. અમે અમારી જાત માટે, તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ.” 26 પિલાતે તેમના માટે બરબ્બાસને મુક્ત કર્યો. પિલાતે કેટલાક સૈનિકને ઈસુને ચાબુક વડે મારવા કહ્યું. પછી પિલાતે ઈસુને વધસ્તંભ પર મારી નાખવા માટે સૈનિકોને સુપ્રત કર્યો. 27 પછી પિલાતના સૈનિકો ઈસુને હાકેમના મહેલમાં લાવ્યા. બધા સૈનિકો ઈસુને આજુબાજુ ઘેરી વળ્યા. 28 સૈનિકોએ ઈસુનાં વસ્ત્રો ઉતારી નાખ્યાં અને લાલ ઝભ્ભો તેને પહેરાવ્યો. 29 પછી સૈનિકો મુગટ બનાવવા માટે કાંટાળી ડાળીઓનો ઉપયોગ કર્યો. તેઓએ આ કાંટાનો મુગટ ઈસુનાં માથા પર મૂક્યો, અને તેના જમણાં હાથમાં તેઓએ એક લાકડી મૂકી. પછી તે સૈનિકો ઈસુ આગળ નમ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા. તેઓએ કહ્યું, “ઓ યહૂદિઓના રાજા, સલામ!” 30 સૈનિકો ઈસુ પર થૂંક્યા. પછી તેઓએ તેની લાકડી લીધી અને તેને માથામાં ઘણી વાર મારી. 31 તેઓએ ઈસુની મશ્કરી કરી રહ્યા પછી, સૈનિકોએ ઝભ્ભો ઉતારી લીધો અને ફરીથી તેને તેનાં પોતાનાં કપડાં પહેરાવ્યા. પછી તેઓ ઈસુને વધસ્તંભ જડવા માટે દૂર લઈ ગયા. 32 સૈનિકો ઈસુ સાથે શહેરની બહાર જતા હતા. તે સૈનિકોએ બીજા માણસને ઈસુનો વધસ્તંભ લઈ જવા દબાણ કર્યુ. આ માણસનું નામ કુરેનીનો સિમોન હતું. 33 તેઓ ગુલગુથા નામના સ્થળે આવ્યા. (ગુલગુથાનો અર્થ ખોપરીની જગ્યા). 34 ગુલગુથામાં, સૈનિકોએ ઈસુને દ્રાક્ષારસ પીવા માટે આપ્યો. તે દ્રાક્ષારસમાં સરકો ભેળવેલો હતો. ઈસુએ દ્રાક્ષારસ ચાખ્યો પરંતુ તે પીવાની ના પાડી. 35 સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યો. પછી તેઓએ તેનાં લૂગડાં કોને મળે તે માટે સિક્કા ઉછાળ્યા. 36 સૈનિકો ત્યાં બેઠા અને ઈસુની ચોકી કરવા લાગ્યા. 37 સૈનિકોએ તેના વિરૂદ્ધનું તહોમતનામું ઈસુના માથા પર મૂક્યું, તેમાં લખેલું હતુ: “આ ઈસુ છે, જે યહૂદિઓનો રાજા છે.” 38 બે લૂટારાઓને ઈસુની બાજુમાં વધસ્તંભ પર જડ્યા હતા. એક લૂટારાને ઈસુની જમણી બાજુએ અને બીજાને ડાબી બાજુએ રાખ્યો હતો. 39 ઈસુની બાજુમાંથી પસાર થતા લોકો તેની મશ્કરી કરતાં હતા. લોકોએ તેમના માથાં હલાવ્યા. 40 અને કહ્યું, “તેં કહ્યું હતું કે મંદિરનો નાશ કરીને તેને ત્રણ દિવસમાં બાંધી શકે છે. તેથી તારી જાતને બચાવ! જો તું ખરેખર દેવનો દીકરો હોય તો વધસ્તંભ પરથી નીચે ઉતર!” 41 મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો યહૂદિ આગેવાનો પણ ત્યાં હતા. આ માણસો પણ બીજા લોકોની જેમ ઈસુની મશ્કરી કરતાં હતા. 42 તેઓએ કહ્યું, “તેણે બીજા લોકોને બચાવ્યા, પણ તે તેની જાતને બચાવી શક્તો નથી. લોકો કહે છે તે ઈસ્રાએલનો રાજા છે. (યહૂદિઓનો) જો તે રાજા હોય તો તેને હવે વધસ્તંભ પરથી નીચે આવવું જોઈએ. પછી અમે તેનામાં વિશ્વાસ મૂકીશું. 43 તેણે દેવમાં વિશ્વાસ મૂક્યો છે. દેવ તેને ખરેખર ઈચ્છતો હોય તો દેવને તેનો છૂટકારો કરવા દો. તેણે તેની જાતે કહ્યું છે કે, “હું દેવનો દીકરો છું.” 44 અને તે જ રીતે, લૂંટરાઓ જે ઈસુની નજીક વધસ્તંભ પર મારી નંખાવા લટકાવવામાં આવ્યાં હતા તેમણે પણ ઈસુની મશ્કરી કરી. 45 મધ્યાહને આખા દેશમાં અંધકાર છવાઈ ગયો. આ અંધકાર ત્રણ કલાક ચાલુ રહ્યો. 46 લગભગ ત્રણ વાગે ઈસુએ મોટા અવાજ સાથે બૂમ પાડી કે “એલી, એલી, લમા શબક્થની?” આનો અર્થ છે, “મારા દેવ, મારા દેવ, તેં મને શા માટે એકલો છોડી દીધો?” 47 ત્યાં ઊભા રહેલા કેટલાક લોકોએ આ સાંભળ્યું. લોકોએ કહ્યું, “તે એલિયાને બોલાવે છે.” 48 લોકોમાંના એકે ઝડપથી દોડીને એક વાદળી લીધી અને તેણે વાદળીને સરકાથી ભરી અને તે વાદળીને લાકડી સાથે બાંધી. પછી તેણે તે લાકડીનો ઉપયોગ કરીને ઈસુને વાદળી ચૂસવા માટે આપી. 49 પણ બીજા લોકોએ કહ્યું, “તેની (ઈસુ) ચિંતા કરશો નહિ. અમને જોવા દો કે એલિયા એને છોડાવવા આવે છે કે કેમ.” 50 ફરીથી ઈસુએ મોટા સાદે, બૂમ પાડી. પછી તે મરણ પામ્યો. 51 જ્યારે ઈસુ મરણ પામ્યો, ત્યારે મંદિરનો પડદો ઉપરથી નીચે બે ભાગમાં ફાટી ગયો. પડદો ટોચ પરથી શરૂ થઈ અને તે નીચે સુધી ફાટી ગયો અને ધરતી પણ કાંપી અને ખડકો ફાટી ગયા. 52 બધી કબરો ઉઘડી અને દેવના સંતોમાંના ઘણા જે મરણ પામ્યા હતા, તે ઊભા થયા. 53 ઈસુના મરણમાંથી ઊઠયા બાદ પેલા લોકો પવિત્ર શહેરમાં ગયા અને ઘણા લોકોએ તેને જોયો. 54 લશ્કરના અમલદારો અને તેના માણસો જે ઈસુની ચોકી કરતા હતા તેમણે ધરતીકંપ અને આ બધું થયેલું જોયું. તે ઘણા ગભરાઈ ગયા હતા અને કહ્યું, “ખરેખર તે દેવનો દીકરો હતો!” 55 ઘણી સ્ત્રીઓ વધસ્તંભથી દૂર ઊભી રહીને જોતી હતી. આ સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલમાંથી આવી હતી. અને તેની સેવા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબ તથા યોસેની મા મરિયમ, તથા ઝબદીના પુત્રોની મા હતી. 57 તે સાંજે યૂસફ નામનો એક ધનવાન યરૂશાલેમમાં આવ્યો. અરિમથાઈના શહેરમાંથી યૂસફ ઈસુનો એક શિષ્ય હતો. 58 યૂસફ પિલાત પાસે ગયો અને ઈસુનો દેહ તેને આપવા કહ્યું. પિલાતે ઈસુનો દેહ યૂસફને આપવા માટે સૈનિકોને હુકમ કર્યો. 59 યૂસફે દેહ લીધા પછી શણના સફેદ વસ્ત્રોમાં વીટંાળ્યો. 60 યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ અને મરિયમ નામની બીજી સ્ત્રી કબરની નજીક બેઠી હતી. 62 તે દિવસ સિદ્ધિકરણ દિવસ કહેવાતો હતો. બીજે દિવસે મુખ્ય યાજકો અને ફરોશીઓ પિલાત પાસે ગયા. 63 તેઓએ કહ્યું, “સાહેબ, અમે યાદ કરીએ છીએ કે, જ્યારે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે ત્રણ દહાડા પછી હું મરણમાંથી સજીવન થઈશ.’ 64 તેથી ત્રણ દહાડા સુધી કબરની ચોકી કરવાનો હુકમ કર. તેના શિષ્યો આવે અને કદાચ લાશને ચોરી જાય. પછી તેઓ લોકોને કહેશે કે તે મરણમાંથી સજીવન થયો છે. આ ભૂલ તેઓએ પહેલા તેના વિષે જે કહ્યું હતું તેનાં કરતાં વધારે ખરાબ હશે.” 65 પિલાતે કહ્યું, “થોડાક સૈનિકો લઈ જાવ અને જાઓ અને તમે જે ઉત્તમ રીત જાણતા હોય તે રીતે કબરની ચોકી કરો.” 66 તેથી તેઓ બધા કબર પાસે ગયા અને તેને ચોકીદારોથી સુરક્ષિત કરી. તેઓએ કબરના મુખ પર મોટો પથ્થર મૂકી સીલ માર્યું અને ત્યાં રક્ષણ માટે ચોકીદારો મૂક્યા.
28:1 વિશ્રામવારપૂર્ણ થયા પછી અઠવાડિયાના પ્રથમ દિવસની વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબર તરફ નજર કરવા આવી. 2 તે સમયે ત્યાં ભયંકર ધરતીકંપ થયો અને પ્રભુનો એક દૂત આકાશમાંથી ઉતર્યો અને કબરના પ્રવેશદ્વાર આગળથી પથ્થર ગબડાવી તેના ઉપર બેઠો. 3 તેનો ચહેરો વીજળી જેવો ચમકતો હતો. અને તેનાં કપડાં બરફ જેવાં ઉજળાં હતાં. 4 જે સિપાઈઓ કબરનો પહેરો ભરી રહ્યાં હતા તે ભયના માર્યા કાંપવા લાગ્યા અને જાણે મરણ પામ્યા હોય તેવા થઈ ગયા. 5 પછી દૂતે પેલી સ્ત્રીઓને કહ્યું, “ગભરાશો નહિ, હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુની તમે શોધમાં નીકળ્યા છો. 6 પણ ઈસુ અહીં નથી, તેણે કહ્યું હતું તે પ્રમાણે તે ઊઠયો છે, આવો, તેનું શરીર જ્યાં પડ્યું હતું તે જગ્યા જુઓ. 7 અને હવે જલદી જાવ અને તેના શિષ્યોને કહો: ‘ઈસુ મરણમાંથી ઊઠયો છે. અને તે ગાલીલ જશે. ત્યાં તેને મળો.’ મારે જે કહેવાનું હતું તે આ છે. તમારા પહેલાં એ ત્યાં હશે. તમે તેને ત્યાં ગાલીલમાં જોશો. પછી દૂતે કહ્યું: “મેં તમને કહ્યું તે યાદ રાખો.” 8 સ્ત્રીઓ તરત જ કબર પાસેથી પાછી વળી. તેઓનાં હૃદય ભય અને આનંદની લાગણી અનુભવતાં હતાં. તેના શિષ્યોને જે કાંઈ બન્યું તેનો સંદેશો આપવા દોડી ગઈ. 9 તેઓ દોડતી જતી હતી, એવામાં તેઓએ ઈસુને ઉભેલો જોયો. ઈસુએ તેઓને કુશળતા પાઠવી. તેઓએ ઈસુના પગ પકડી તેનું ભજન કર્યુ. 10 પછી ઈસુએ તેમને કહ્યું, “ગભરાશો નહિ, જાઓ અને મારા ભાઈઓને (શિષ્યો) ગાલીલ જવા કહો. તેઓ મને ત્યાં જોશે.” 11 સ્ત્રીઓ શિષ્યોને માહિતી આપવા જતી હતી ત્યારે કબરની ચોકી કરનારા સૈનિકોએ શહેરમાં મુખ્ય યાજકો પાસે જઈને જે કાંઈ બન્યું હતું તે બધું જે તેમને કહ્યું. 12 યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવી.અને સૈનિકોને મોટી લાંચ આપી. 13 તેઓએ સૈનિકોને કહ્યું, “લોકોને જઈને કહો કે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો રાત્રે આવી ઈસુના શબને ચોરીને જતા રહ્યાં. 14 તમારી આ વાત હાકેમ જાણશે તો અમે તેને સમજાવીશું, અને તમને કશુંજ નહિ થવા દઈએ.” 15 સૈનિકોએ પૈસા લઈ લીધા અને તેઓને સમજાવ્યા પ્રમાણે વાત વહેતી મૂકી. આ વાત યહૂદિઓમાં ફેલાઈ ગઈ અને આજે પણ એ વાત યહૂદિઓમાં ચાલતી આવે છે. 16 પછી અગિયાર શિષ્યો ગાલીલ પહોંચ્યા અને ઈસુએ કહ્યું હતું ત્યાં પહાડ પર પહોંચી ગયા. 17 તેઓએ જ્યારે ઈસુને જોયો ત્યારે તેનું ભજન કર્યુ. પણ તે ખરેખર ઈસુ હતો કે કેમ? તે બાબતની કેટલાકને શંકા થઈ. 18 ઈસુ તેમની પાસે આવ્યો અને કહ્યું, “આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. 19 તેથી તમે બધાજ દેશોમાં જાઓ અને સર્વ લોકોને મારા શિષ્યો બનાવો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપો. 20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”