Philippians

1:1 ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી તરફથી કુશળતા હો. દરેક સંતો જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે. અને ફિલિપ્પીમાં રહે છે. અને તમારા સર્વ વડીલો અને વિશિષ્ટ મદદગારોને. 2 દેવ આપણા બાપ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હો. 3 હું જ્યારે પણ તમને યાદ કરું છું. ત્યારે મારા દેવનો આભાર માનું છું. 4 અને તમારા બધા માટે હું હમેશા આનંદથી પ્રાર્થના કરું છું. 5 મે જ્યારે લોકોને સુવાર્તા આપી ત્યારે તમે મારી જે મદદ કરી તે માટે હું પ્રભુનો આભારી છું. તમે જે દિવસથી વિશ્વાસી બન્યા તે દિવસથી તમે મને મદદ કરી. 6 દેવે તમારામાં શુભ કામની શરૂઆત કરી અને તે તમારા પ્રતિ હજુ પણ ચાલુ છે. મને ખાતરી છે કે ઈસુ ખ્રિસ્તનું પુરાગમન થશે, ત્યારે દેવ તે કામ પુરું કરશે. 7 મને ખબર છે કે તમારા વિષે આમ વિચારવામાં હું સાચો છું. તમે મારા અંતરમાં છો, તેથી હું નિશ્ચિંત છું, હું મારી જાતને તમારી ઘણી નજીક અનુભવું છું. હું તમારી સાથે આત્મીયતા અનુભવું છું કારણ કે મારી સાથે દેવની કૃપામાં તમે ભાગીદાર છો. જ્યારે હું જેલમાં હોઉ છું, અને જ્યારે હું સુવાર્તાના સત્યમાં બચાવ કરું છું અને મકકમતા દાખવું છું ત્યારે મારી સાથે તમે દેવ કૃપાના સહભાગી છો. 8 દેવ જાણે છે કે તમને મળવાને હું ઘણો આતુર છું. હું તમને બધાને ખ્રિસ્ત ઈસુના પ્રેમ સાથે ચાહું છું. 9 તમારા માટે મારી આ પ્રાર્થના છે કે:તમારો પ્રેમ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે; કે તમને જ્ઞાન શાણપણ પ્રેમ સાથે પ્રાપ્ત થાય; 10 તમે સારા અને નરસાનો તફાવત સમજી શકો અને સારાની પસંદગી કરો જેથી ખ્રિસ્તના પુનઃઆગમન માટે તમે નિમર્ળ અને નિષ્કલંક થાઓ. 11 તમે ઈસુ ખ્રિસ્તની મદદથી ઘણા સારાં કાર્યો કરશો જે દેવનો મહિમા વધારશે અને દેવની સ્તુતિ કરશે. 12 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવવા માગું છું કે મારી સાથે જે દુઃખદ બન્યું છે તે સુવાર્તાના ફેલાવામાં મદદરૂપ બન્યું છે. 13 હું ખ્રિસ્તમાં વિશ્વાસ ઘરાવું છું તેથી હું જેલમાં છું તે વાત સ્પષ્ટ બની છે. બધાં જ રાજ્ય દરબારનાં રક્ષકો અને બધા લોકો આ વાતથી જ્ઞાત છે. 14 હું હજુ જેલમાં છું પરંતુ તે વિષે હવે મોટા ભાગના વિશ્વાસીઓને કાંઈક સારું લાગે છે અને તેઓ ખ્રિસ્તની સુવાર્તા લોકોને કહેવા માટે વધુ હિમંતવાન બન્યા છે. 15 કેટલાક લોકો એદેખાઈ તથા વિરોધથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. જ્યારે બીજા લોકો મદદ કરવાનું ઈચ્છે છે તેથી ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરે છે. 16 આ લોકોમાં પ્રેમની લાગણી છે અને તેઓ જાણે છે કે દેવે મને સુવાર્તાનો બચાવ કરવાનું કામ સોપ્યું છે. તેથી તેઓ ઉપદેશ આપે છે. 17 પરંતુ પેલા બીજા લોકો સ્વાર્થી છે તેથી ઉપદેશ આપે છે. અને ઉપદેશ આપવા માટેનું તેમનું કારણ ખોટું છે. તેઓ મારા માટે કેદખાનામાં મુશ્કેલીઓ ઊભી કરવા માંગે છે. 18 મારે માટે તેઓ મુશ્કેલી ઊભી કરે તેની હું દરકાર કરતો નથી. પરંતુ મહત્વનું એ છે કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. અને મારી એ ઈચ્છા છે કે તેઓ આમ કરે, પરંતુ તેઓએ યોગ્ય કારણથી આમ કરવું જોઈએ. જો કે તેઓ ખોટા અને ખરાબ કારણથી પણ આ કરે તેમા હું ખુશ છું. હું પ્રસન્ન છું અને રહીશ કારણ કે તેઓ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે. 19 તમે મારા માટે પ્રાર્થના કરો છો, અને ઈસુ ખ્રિસ્તનો આત્મા મને મદદ કરે છે. તેથી હું જાણું છું કે આ મુશ્કેલી જ મારું તારણ લાવશે. 20 હું જેની આશા રાખું છું અને ઈચ્છુ છું તે એ છે કે હંમેશની જેમ મારામાં, ખ્રિસ્તની મહાનતાનું મારી આ જીંદગીમાં જે મહત્વ છે તે હું દર્શાવી શકું અને ખ્રિસ્તને મારા કાર્યો થકી નિરાશ ન કરું. હું જીવું કે મરું મારે આ કાર્ય કરવું છે. 21 હું કહેવા માગું છું કે ખ્રિસ્ત માત્ર એક જ મારા જીવનમાં મહત્વનો છે. અને મને તો મરણથી પણ લાભ થવાનો છે. 22 જો હું દેહમાં જીવતો હોઈશ તો હું પ્રભુના કાર્યો કરી શકીશ પરંતુ હું નથી જાણતો કે હું શું પસંદ કરું છું, મરવાનું કે જીવવાનું? 23 જીવન અને મરણ વચ્ચેની પસંદગી ઘણી મુશ્કેલ છે. આ જીવન જીવવાનું હું ઈચ્છુ છું, અને ખ્રિસ્ત સાથે થઈશ. કારણ કે તે વધારે સારું છે. 24 તમારા લોકો માટે મને અહીં આ શરીરરૂપે રહેવું વધુ જરૂરી છે. 25 મને ખબર છે કે તમને મારી જરૂર છે અને તેથી હું જાણું છું કે હું તમારી સાથે રહીશ. તમારા વિશ્વાસની વૃદ્ધિ તથા આનંદને સારું હું તમને મદદ કરીશ. 26 જ્યારે ફરીથી હું તમારી સાથે હોઈશ ત્યારે ખ્રિસ્ત ઈસુમાં થતો ઘણો જ આનંદ તમે અનુભવશો. 27 એની ચોકસાઈ રાખો કે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય જીવન તમે જીવો. તેથી હું તમને આવીને મળું કે હું તમારાથી દૂર હોઉં, હું તમારા વિષે સારી વાતો જ સાંભળું, મારે સાંભળવું જોઈએ કે તમે બધા આત્મીય એકતા રાખો છો અને એક ચિત્ત થઈને સાથે મળીને સુવાર્તામાંથી જે વિશ્વાસ આવે છે તે માટે કામ કરો છો. 28 અને જે લોકો તમારી વિરુંદ્ધ છે તેઓનાથી તમે ગભરાતા નથી આ સર્વ વસ્તુઓ દેવની સાબિતી છે કે તમારો ઉદ્ધાર થયો છે અને તમારા દુશ્મનોનો વિનાશ. 29 દેવે તમને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખવા સન્માનીત કર્યા છે એટલું જ નહિ, પરંતુ ખ્રિસ્ત માટે દુઃખ સહન કરવાનું માન પણ તેણે તમને આપ્યું છે. આ બંને વસ્તુ ખ્રિસ્તનો મહિમા વધારે છે. 30 જ્યારે હું તમારી સાથે હતો, ત્યારે જે લોકો સુવાર્તાની વિરુંદ્ધ હતા તેઓની સાથેનો મારો સંઘર્ષ તમે જોયો હતો. અને અત્યારે મારી સાથે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તે વિષે તમે સાંભળો છો. તમે પોતે પણ તે પ્રકારના સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો.

2:1 ખ્રિસ્તમાં એવી કોઈ રીત છે કે જે થકી હું તમારી પાસે કંઈ માગી શકું? શું તમારો મારા પ્રત્યેનો પ્રેમ મને દિલાસો આપવા તમને પ્રેરણા આપે છે? શું આપણે એક જ આત્માના સહભાગી છીએ? શું તમારામાં કૃપા અને મમતા છે? 2 જો તમારાંમા આ સર્વ હોય, તો હું તમને મારા માટે કંઈક કરવા વિનવું છું. જે મને આનંદથી ભરી દેશે. હું તમારી પાસે માગું છું કે એક જ અને એક સરખા વિશ્વાસમાં તમારા બધાના માનસ એક અને સંગઠીત કરો, એકબીજા પ્રત્યેના પ્રેમ માટે, એકબીજા સાથે સહમત થવાની બાબતમાં અને સમાન હેતુ સાધવા, સાથે રહીને એક અને સમાન વિચારના બનો. 3 તમે જે કંઈ કાર્ય કરો તે સ્વાર્થ અને અહંકાર પ્રેરિત ન કરશો. નમ્ર બનો અને બીજાને તમારા કરતા વિશેષ ઉત્તમ ગણો. 4 તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર પણ લક્ષ રાખો. 5 તમારા જીવનમાં તમારા વિચાર અને વર્તન ખ્રિસ્ત ઈસુ જેવાં હોવાં જોઈએ. 6 ખ્રિસ્ત પોતે દેવ જેવો હતો અને દેવ સમાન હતો. પરંતુ ખ્રિસ્ત દેવને સમાન હોવા છતાં તે સમાનતાને તે વળગી રહેવુ જરૂરી માનતો ન હતો. 7 પોતાનું દેવની સમકક્ષ હોવાનું સ્થાન તેણે છોડી દીધું. અને દાસ જેવા બનવાનું કબૂલ્યું. તે માનવ તરીકે જન્મ્યો અને દાસ જેવો બન્યો. 8 અને જ્યારે તે માનવ તરીકે જીવતો હતો, ત્યારે તે દેવ પ્રત્યે આજ્ઞાંકિત રહ્યો અને પોતાની જાતે વિનમ્ર બન્યો, તે વધસ્તંભ પર મરવાની અણી પર હતો છતાં પણ આજ્ઞાંકિત રહ્યો. 9 ખ્રિસ્ત દેવની આશાનું પાલન કરતો રહ્યો, અને દેવને અનુસર્યો તેથી દેવે તેને ઉચ્ચ સ્થાન ઊપર બીરાજમાન કર્યો. તેના નામને બધા જ નામો કરતાં દેવે શ્રેષ્ઠ જાહેર કર્યુ. 10 દેવે આ કર્યું કારણ કે આકાશમાં, પૃથ્વીમાં કે પાતાળમાં સ્થિત દરેક વ્યક્તિ ઈસુના નામે ઘૂંટણે પડીને નમે તેવી દેવની ઈચ્છા હતી. 11 દરેક વ્યક્તિ કબૂલ કરશે (કહેશે), “ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.” જ્યારે તેઓ આમ કહેશે ત્યારે, દેવ બાપનો મહિમા વધશે. 12 મારા વહાલા મિત્રો, તમે હમેશા આજ્ઞાંકિત રહ્યા છો. હું ત્યાં હતો, ત્યારે હમેશાં તમે દેવને અનુસર્યા છો. જ્યારે હું તમારી સાથે નથી ત્યારે તમે આજ્ઞાંકિત બનો. અને મારી મદદ વગર તમારું તારણ થાય તે વધુ મહત્વનું છે. દેવ પ્રત્યે માન અને ભય જાળવી આમ કરો. 13 હા, દેવ તમારામાં સક્રિય છે. અને દેવ તેની પ્રસન્નતા પ્રમાણેનું કાર્ય કરવા તમને મદદ કરશે. અને આમ કરવાની શક્તિ તે તમને પ્રદાન કરશે. 14 કોઈ પણ જાતની ફરિયાદ કે વાદવિવાદ વગર બધું કરો. 15 ત્યારે તમે નિર્દોષ અને નિષ્કલંક બનશો. તમે દેવના ક્ષતિહીન સંતાન બનશો. પરંતુ તમે તમારી આજુબાજુ ઘણા જ દુષ્ટ અને અનિષ્ટ લોકોની વચ્ચે રહો છો. આવા લોકોની વચ્ચે, તમે અંધકારની દુનિયામાં ઝળહળતા પ્રકાશ જેવા થાઓ. 16 તમે તેઓને જે જીવન આપે છે તેનો ઉપદેશ આપ્યો તેથી જ્યારે ખ્રિસ્ત ફરી પાછો આવશે ત્યારે મને ગૌરવ થશે. કારણ કે હું દોડવાની હરીફાઈમાં હતો અને હું જીત્યો. મારું કામ નિરર્થક ગયું નથી. 17 તમારો વિશ્વાસ દેવની સેવામાં તેમારા જીવનનું અર્પણ આપવા તમને પ્રેરશે. તમારા અર્પણ (બલિદાન) સાથે કદાચ મારે મારા રક્તનું (મરણ) અર્પણ પણ આપવું પડે. પરંતુ જો તેમ થાય, તો મને આનંદ થશે અને તમ સર્વ સાથે હરખાઉં છું; અને તમારા બધાની સાથે તેમાં ભાગીદાર બનીશ. 18 તે રીતે તમે પણ આનંદ પામશો અને મારી સાથે હર ખાશો. 19 પ્રભુ ઈસુમાં તિમોથીને તમારી પાસે મોકલવાની હું આશા રાખું છું. તમારા વિષે જાણતા મને ઘણો આનંદ થશે. 20 મારી પાસે તિમોથી જેવો બીજો કોઈ માણસ નથી. તે ખરેખર તમારી કાળજી રાખે છે. 21 બીજા બધાને માત્ર પોતાની જાતમાં રસ છે. તેઓને ઈસુ ખ્રિસ્તના કાર્યમાં રસ નથી. 22 તમે જાણો છો કે તિમોથી કેવા પ્રકારનો માણસ છે. જે રીતે એક પુત્ર તેના પિતાની સેવા કરે તે રીતે સુવાર્તાના (પ્રસાર) કાર્યમાં તેણે મારી સાથે સેવા કરી છે. 23 જ્યારે મને ખબર પડશે કે મારું શું થવાનું છે, ત્યારે તરત જ તેને મોક્લવાની મારી યોજના છે. 24 મને ખાતરી છે કે પ્રભુ મને મદદરૂપ થશે. 25 એપાફ્રદિતસ ખ્રિસ્તમાં મારો ભાઈ છે. ખ્રિસ્તની સેનામાં તે મારી સાથે સહયોદ્ધો અને મદદગાર છે. જ્યારે મારે મદદની જરૂર હતી ત્યારે તમે તેને મારી પાસે મોકલ્યો. 26 હવે મેં તેને તમારી પાસે મોકલવાનું નક્કી કર્યુ છે. હું તેને મોક્લું છું કારણ કે તમને મળવાની તેની ખૂબ ઈચ્છા છે. તેની માંદગી વિષે સાંભળવાથી તમે લોકો ચિંતીત છો તેનાથી તે પોતે વ્યગ્ર છે. 27 તે માંદો હતો અને મરણની નજીક હતો. પરંતુ દેવે તેને અને મને મદદ કરી, કે જેથી મને વધુ શોક્નું કારણ ન મળે. 28 તેથી તેને મોકલવાની મારી ઘણી ઈચ્છા છે. જ્યારે તમે તેને જોશો, ત્યારે તમે આનંદીત થશો. અને મને તમારી ચિંતા નહિ થાય. 29 પ્રભુના નામે તેને ખૂબ આનંદથી આવકારજો. અને તેના જેવા માણસનું બહુમાન કરજો. 30 તેનું બહુમાન થવું જ જોઈએ કારણ કે ખ્રિસ્તના કાર્યમાં તેણે લગભગ પોતાનો પ્રાણ અર્પણ કરી દીધો. મને મદદ કરવામાં તેણે તેનો જીવ જોખમમાં મૂક્યો. આ એવી મદદ હતી જે તમે મને આપી શક્યા નહોતા.

3:1 અને હવે, મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ દ્વારા તમને આનંદ પ્રાપ્ત થાઓ. તમને ફરીથી લખવામાં મને કોઈ તકલીફ નથી, અને આમ કરવાથી તમે વધુ જાગૃત બનશો. 2 જેઓ અનિષ્ટ કરે છે તેવા લોકોથી સાવધ રહેજો. તેઓ ફૂતરા જેવા છે. તેઓ શરીરને કાપવા પર ભાર મૂકે છે. 3 આપણે સાચી રીતે સુન્નત પામેલા છીએ અને તેના આત્માથી આપણે દેવની સ્તુતિ (સેવા કરીએ છીએ. આપણને ખ્રિસ્ત ઈસુમાં હોવા માટે ગૌરવ છે. અને આપણે આપણી જાતમાં કે અન્ય કોઈ આપણા કાર્યમાં વિશ્વાસ નથી મૂક્તા. 4 હું મારી જાતમાં વિશ્વાસ મૂકવાને શક્તિમાન હોઉ, તો પણ હું મારામાં વિશ્વાસ નહી મુકું. જો કોઈ વ્યક્તિ એમ માને કે તેને પોતાની જાતમાં વિશ્વાસ મૂકવા માટે કારણ છે, તો તે વ્યક્તિ જાણી લે કે મને મારી જાતમાં વિશ્વાસ મૂકવા માટે સબળ કારણ છે. 5 હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો. 6 હું મારા યહૂદી ધર્મથી એટલો બધો ઉત્તેજીત હતો કે મેં મંડળીને સતાવેલી. હું જે રીતે મૂસાના નિયમ શાસ્ત્રને અનુસર્યો હતો તેમા કોઈ દોષ શોધી શકે તેમ નહોતો. 7 એક સમયે, આ બધી જ વસ્તુ મારા માટે ઘણી મહત્વની હતી. પરંતુ મેં નક્કી કર્યુ કે ખ્રિસ્ત આગળ આ બધી વસ્તુઓનું કશું જ મૂલ્ય નથી. 8 માત્ર તે જ વસ્તુઓ નહિ, પરંતુ હવે તો મને લાગે છે કે ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને પામવાની મહાનતાની સરખામણીમાં કોઈ પણ વસ્તુ મહત્વની નથી. ખ્રિસ્તને કારણે મેં એ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો અને હવે હું જાણું છું કે ખ્રિસ્ત આગળ તે બધી વસ્તુઓ તુચ્છ કચરા જેવી છે. આ રીતે મને ખ્રિસ્ત મળ્યો. 9 આને કારણે હું ખ્રિસ્ત દ્વારા ન્યાયી છું. હું નિયમશાસ્ત્રને અનુસર્યો એને કારણે આ બન્યું નથી. પરંતુ ખ્રિસ્તમાં મારા વિશ્વાસને કારણે શક્ય બન્યું હતું. દેવે મારા ખ્રિસ્તમાંના વિશ્વાસનો ઉપયોગ મને તેને અનુરૂપ બનાવવામાં કર્યો. 10 હું માત્ર ખ્રિસ્તને અને મૃત્યુમાંથી સજીવન થવાના સાર્મથ્યને જાણવા માંગુ છું. હું ખ્રિસ્તની વ્યથામાં સહભાગી થવા માંગુ છું અને તેના મરણમાં તેના સમાન થવા માગું છું. 11 જો હું આમ કરી શકું તો મારી જાતે મૃત્યુમાંથી ઊઠવાની આશા હું રાખી શકું. 12 હું નથી કહેવા માંગતો કે દેવની જેવી ઈચ્છા હતી તેવો જ હું છું. હજી હું તે સિદ્ધિને પામ્યો નથી. પરંતુ તે ધ્યેયને પ્રાપ્ત કરવાના મારા પ્રયત્નો સતત ચાલું છે, ખ્રિસ્ત મારી પાસે આમ કરાવવા માંગે છે. અને તેથી તેણે જ મને તેનો બનાવ્યો છે. 13 ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું. 14 તેથી હમેશા ધ્યેય પ્રાપ્તિમાં હું પ્રયત્નશીલ રહું છું તેથી પુરસ્કૃત થાઉ છું આ પુરસ્કાર મારો છે કારણ કે ખ્રિસ્ત ઈસુ વડે દેવે મને સ્વર્ગીય જીવન માટે બોલાવ્યો છે. 15 આપણે બધા જે આત્મીય રીતે પરિપકવ થયા છીએ તેમણે આ રીતે વિચારવું જોઈએ. આમાંની કોઈ વસ્તુ સાથે જો તમે સંમત નથી થતા તો, દેવ તમને એ સ્પષ્ટ કરશે. 16 પરંતુ જે સત્ય આપણને લાધી ચૂક્યુ છે તેને અનુસરવાનું આપણે ચાલુ રાખવું જોઈએ. 17 ભાઈઓ અને બહેનો, તમારે બધાએ મારા જેવું જીવન જીવનાનો પ્રયત્ન કરવો જોઈએ, અને એમ તમને બતાવ્યા પ્રમાણેનું જીવન જે જીવતો હોય તેઓનું અનુકરણ કરો. 18 ઘણા લોકો ખ્રિસ્તના વધસ્તંભના દુશ્મન જેવું જીવન જીવે છે. મે તમને ધણી વાર આ લોકો વિષે કહ્યું છે અને હમણાં પણ તેઓના વિષે રડતા રડતા કહું છું. 19 જે રીતે આ લોકો જીવે છે તેથી તેઓ તેઓનો વિનાશ નોંતરે છે અને દેવની સેવા નથી કરતા. તેઓનો દેવ તેઓનું પેટ છે, શરમજનક કૃત્યો કરે છે અને તેને માટે ગૌરવ અનુભવે છે. તેઓ માત્ર પાર્થિવ વસ્તુનો જ વિચાર કરે છે. 20 આપણું પોતાનું સ્થાન આકાશમાં છે અને આપણે આપણા તારનારની આકાશમાંથી આવવા માટે રાહ જોઈએ છીએ. આપણો તારનાર તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. 21 તે આપણા નિર્બળ શરીરને બદલી તેઓને તેના પોતાના જેવા મહિમાવાન બનાવશે. ખ્રિસ્ત પોતાની શક્તિ કે જેના વડે તે બધી વસ્તુ ઉપર શાસન કરે છે, તેનાથી આમ કરી શકશે.

4:1 મારા પ્રિય ભાઈઓ અને બહેનો, હું તમને ચાહું છું અને તમને મળવા ઈચ્છુ છું. તમારા કારણે મને આનંદ થાય છે અને મને તમારું ગૌરવ છે. મારા કહ્યા પ્રમાણે તમે પ્રભુને અનુસરવાનુ ચાલુ રાખજો. 2 હું યૂવદિયા અને સુન્તુખેને, પ્રભુમાં એક ચિત્તના થવા કહું છું. 3 અને તમે મારા મિત્રો જેણે મારી સાથે વફાદારીપૂર્વક સેવા કરી છે, તેથી આ સ્ત્રીઓને મદદ કરવાનું હું તમને કહું છું. આ સ્ત્રીઓએ સુવાર્તાના પ્રચારમાં મારી સાથે કામ કર્યુ છે. તેઓ કલેમેન્ત અને બીજા લોકો જે મારી સાથે કામ કરતાં હતા તેઓની સાથે કામ કર્યુ છે. જીવનના પુસ્તકમાતેઓનાં નામ લખાઈ ચુક્યાં છે. 4 પ્રભુમાં સદા આનંદ કરો; હું ફરીથી કહું છું કે આનંદ કરો. 5 દરેક લોકોને જાણવા દો કે તમે નમ્ર અને માયાળુ છો. પ્રભુ જલદી આવે છે. 6 કશાની ચિતા ન કરશો. પરંતુ તમારે જે કોઈ જોઈએ છે તે દેવ પાસે માંગો અને પ્રાર્થના કરો. અને જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે હમેશા આભારસ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. 7 પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી. 8 ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો. 9 તમે મારા દ્વારા શીખેલા અને મેળવેલાં કાર્ય કરો. મેં તમને કહેલું અને તમે જે કરતા મને જોયો તે સર્વ કરો. અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. 10 હું પ્રભુમાં ઘણો આનંદીત છું કે ફરીથી તમે મારી સંભાળ લો છો. તમે હમેશા મારી સંભાળ લીધી છે, પરંતુ તે દર્શાવી શકાઈ નથી. 11 મારે કશાની જરૂર છે તેથી હું તમને આમ નથી કહેતો, મારી પાસે જે કઈ છે અને જે કઈ બની રહ્યુ છે, તેનાથી સંતોષ મેળવવાનું હું શીખ્યો છુ. 12 દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું. 13 ખ્રિસ્તને કારણે આ બધું હું કરી શકું છું, કારણ કે તે મને આમ કરવાનું સાર્મથ્ય આપે છે. 14 પરંતુ જ્યારે મારે મુશ્કેલીઓ હતી ત્યારે તમે મને મદદ કરી તે ઘણું સારું છે. 15 તમે ફિલિપ્પીના લોકો યાદ કરો જ્યારે મેં ત્યાં સુવાર્તા આપવાની શરૂઆત કરેલી. મેં જ્યારે મકદોનિયા છોડ્યું ત્યારે તમારી એક જ મંડળી એવી હતી કે જેણે મને મદદ કરી. 16 હું જ્યારે થેસ્સાલોનિકામાં હતો ત્યારે મારે જરૂરી વસ્તુઓ તમે મને ઘણીવાર મોકલી. 17 મારે ખરેખર તમારા તરફથી દાન નથી જોઈતું. પરંતુ આપવાથી જે સારું થાય છે તે તમને મળો તેમ હું ઈચ્છુ છું. 18 મારી પાસે જરૂર કરતાં પણ વધારે છે. મારે જરૂરી બધી વસ્તુઓ છે કારણ કે એપાફદિતસ તમે આપેલ દાન લાવ્યો હતો. તમારું દાન દેવને ઘરેલું મધુર મહેકતા અર્પણ જેવું છે. દેવે તે અર્પણ સ્વીકાર્યુ અને પ્રસન્ન થયો. 19 ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે. 20 આપણા દેવ અને બાપને સર્વકાળ મહિમા હો. આમીન. 21 ખ્રિસ્ત ઈસુમાં દેવના બધા જ સંતોને સલામ કહેજો. મારી સાથે જે ભાઈઓ છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. 22 દેવના બધા જ સંતો જે મારી સાથે છે તેઓ તમને ક્ષેમકુશળ કહે છે. બધા સંતોને અને કૈસરના ઘરનાં બધા વિશ્વાસીઓ તમને ક્ષેમકુશળ કહે છે. 23 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન