1:1 બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું. દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો. 2 તેના લોકોને આ સુવાર્તા આપવાનું વચન દેવે તેના પ્રબોધકો મારફતે આપ્યું હતું. પવિત્ર શાસ્ત્રમાં આ વચન લખેલું છે. 3 આ સુવાર્તા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે દેવનો દીકરો છે, જો કે એક વ્યક્તિ તરીકે તેનો જન્મ દાઉદના કુટુંબમાં થયો હતો. 4 પવિત્ર આત્માના પ્રતાપે મૂએલામાંથી પાછા ઉઠવાના પરાક્રમથી તેને દેવનો દીકરો જાહેર કરવામાં આવ્યો હતો. 5 દેવે ખ્રિસ્ત દ્વારા, તેના પ્રેરિત બનવાનું આ ખાસ મહત્વનું કામ મને સોંપ્યું છે. બધા દેશોના લોકો દેવમાં વિશ્વાસ રાખીને તેની આજ્ઞા પાળે એવું માર્ગદર્શન આપવાનું કામ દેવે મને આપ્યું છે. ખ્રિસ્ત માટે આ કાર્ય હું કરી રહ્યો છું. 6 હે રોમવાસીઓ, તમે પણ ઈસુ ખ્રિસ્તના થવા માટે તેડાયેલાં છો. 7 તમે તે લોકો છો જેઓને દેવ ચાહે છે અને પોતાના પવિત્ર લોકો થવા માટે તમને બોલાવ્યા છે. એવા તમ સર્વ લોકોને હું આ પત્ર લખું છું.આપણા પિતા દેવથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા અને શાંતિ થાઓ. 8 ઈસુ ખ્રિસ્ત દ્વારા હું દેવનો તમારા સર્વને માટે આભાર માનું છું. તમે રોમવાસીઓ પણ દેવમાં અસીમ વિશ્વાસ ધરાવો છો એવું કહેતા ઘણા લોકોને મેં સાંભળ્યા છે. તેથી દેવનો આભાર માનું છું. 9 જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે તમને યાદ કરું છું. દેવ જાણે છે કે આ વાત સાચી છે. દેવના દીકરા વિષેની સુવાર્તા લોકોમાં ફેલાવીને મારા આત્મા સાથે દેવની સેવા કરું છું. તમો સર્વ રોમવાસીઓ વચ્ચે પ્રભુ મને આવવા દે એવી મારી પ્રાર્થના છે. દેવની ઈચ્છા હશે તો એમ થશે. 10 11 તમ સૌને મળવાનું મને ઘણું મન થાય છે. હું તમને કોઈ આત્મિક દાન આપીને વધારે સાર્મથ્યવાન બનાવવા ઈચ્છું છું. 12 હું એમ કહેવા માગું છું કે આપણને જેમાં વિશ્વાસ છે તેના વડે આપણે એકબીજાને મદદ કરી શકીએ છીએ. તમારો વિશ્વાસ મને મદદ કરશે, અને મારો વિશ્વાસ તમને. 13 ભાઈઓ અને બહેનો, તમારા આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ થવા માટે તમારી પાસે આવવા અનેકવાર મેં તૈયારીઓ કરી હતી. પરંતુ મને આવવા દીધો નથી, એની નોંધ લેવા વિનંતી. જેમ બીજા બિન-યહૂદિ લોકોને મેં જે રીતે મદદ કરી છે. તે રીતે તમને પણ મદદ કરવાની મારી ઈચ્છા છે. 14 ગ્રીક લોકો તથા બિન-ગ્રીક લોકો, શાણા તેમ જ મૂર્ખ લોકો કે જે સૌની સેવા મારે કરવી જોઈએ. 15 તેથી જ રોમના લોકોને દેવની આ સુવાર્તા પહોંચાડવા હું અત્યંત આતુર છું. 16 આ સુવાર્તા માટે હું ગર્વ અનુભવું છું. આ સુવાર્તા એવા સાર્મથ્યની છે, જેનો ઉપયોગ દેવ એવા લોકોને બચાવવા માટે કરે છે જેઓ વિશ્વાસ રાખે છે. સૌ પ્રથમ યહૂદિઓને પછી બિન-યહૂદિઓને. 17 દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.” 18 સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે. 19 દેવ પોતાનો કોપ વ્યક્ત કરે છે, કારણ કે તેના વિષે જે કંઈ જાણી શકાય તે બધુંજ તેઓ જાણે છે. કેમ કે દેવે જ તે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 20 દેવની બાબતમાં કેટલીક વસ્તુઓ એવી છે જે જોઈ ન શકાય તેવી છે. જેમ કે દેવનું સનાતન પરાક્રમ અને એવા અન્ય બધા જ ગુણો કે જે તેને દેવ બનાવે છે. પરંતુ આ જગતનો પ્રારંભ થયો ત્યારથી એ બધી બાબતો ઘણી સરળતાથી લોકો સમજી શકે એમ છે. દેવે જે વસ્તુઓનું સર્જન કર્યું છે, એનું દર્શન કરીને દેવ વિષેની આ બાબતો લોકો સરળતાથી સમજી શકે છે. તેથી લોકો જે ખરાબ કાર્યો કરી રહ્યાં છે તેના પાપામાંથી છટકવા કોઈ પણ બહાનું ચાલશે નહિ. 21 આમ, દેવ વિષે સઘળું જાણ્યા પછી પણ તેઓએ દેવને મહિમા આપ્યો નહિ અને તેનો આભાર માન્યો નહિ. લોકોના વિચારોનું અધ:પતન થયું. તેમના મૂર્ખ મનમાં પાપરુંપી અંધકાર છવાઈ ગયો. 22 લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા. 23 અવિનાશી દેવના મહિમાને બદલે, પૃથ્વી પરના માનવો જેવી મૂર્તિઓ બનાવીને લોકો તેની ભક્તિ કરવા લાગ્યા. પશુ, પક્ષી અને નાગો જેવી વસ્તુઓ દ્વારા લોકો દેવના મહિમાનો વેપાર કરવા લાગ્યા. 24 માત્ર અનિષ્ટ કાર્યો કરવાની ઈચ્છાને કારણે લોકોનું જીવન આમ પાપમય બની ગયું. તેથી દેવે તેઓને ત્યાગ કર્યો અને તેઓને મન ફાવે તેમ પાપના માર્ગે ચાલવા દીધા. લોકોએ નૈતિક અપવિત્રતાના કાર્યોમાં રોકાઈને પાપ કર્યા અને તેઓના શરીરનું અપમાન કર્યુ. 25 દેવ વિષેના સત્યનો અનાદર કરીને એ લોકોએ અસત્યનો વેપાર ચલાવ્યો. જેણે દરેક વસ્તુઓનું સર્જન કર્યુ તે દેવની સેવા-ભક્તિ કરવાને બદલે એ લોકો દેવ ર્સજીત ભૌતિક વસ્તુઓની ભક્તિ તથા ઉપાસના કરવા લાગ્યા ખરેખર તો લોકોએ ઉત્પન્નકર્તાની સર્વકાળ સ્તુતિ કરવી. આમીન. 26 લોકોએ એવાં પાપી કાર્યો કર્યા તેથી, દેવે તેમને તરછોડી દીધા અને તેઓની ઈચ્છા મુજબ તેઓને શરમજનક મનોવિકારમાં રાખ્યા. પુરુંષો સાથે સ્વાભાવિક રીતે લગ્ન સબંધ માણવાનું સ્ત્રીઓએ બંધ કર્યુ. તેને બદલે અન્ય સ્ત્રીઓ સાથે સ્ત્રીઓ અસ્વાભાવિક વ્યવહાર કરવા લાગી. 27 એ જ પ્રમાણે, સ્ત્રીઓ સાથે સ્વાભાવિક લગ્ન સંબંધ ભોગવવાને બદલે પુરુંષો પણ એકબીજા સાથેની સજાતીય ઈચ્છાથી બળવા લાગ્યા. આમ પુરુંષો એકબીજા સાથે શરમજનક વ્યવહાર કરવા લાગ્યા. તેથી આવા અયોગ્ય વ્યવહારને કારણે તેઓને પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને શરીરે ભોગવવું પડ્યું. 28 દેવ વિશે સાચું જ્ઞાન મેળવવું એ જ મહત્વની બાબત છે એમ લોકો સમજી શક્યા નહિ. તેથી દેવે આવા લોકોનો ત્યાગ કર્યો અને તેઓને નક્કામા અને અવિચારી માર્ગે જવા દીઘા. જે ન કરવું જોઈએ એવું લોકો કરતા આવ્યા છે. 29 સ્વાર્થ, ધિક્કાર, અનિષ્ટ એમ દરેક પ્રકારનાં પાપ વડે એ લોકોનું જીવન ભરપૂર જણાય છે. એકબીજા માટે ખરાબમાં ખરાબ વિચારો ધરાવતા આ લોકોમાં ઈર્ષ્યા, ખૂન, ઝઘડા, જૂઠ્ઠાણું (છેતરપીંડી) વગેરે અનેક અનિષ્ટ પાપોએ પ્રવેશ કર્યો છે. 30 તેઓ એકબીજા વિષે નિંદા કર્યો કરે છે. તેઓ આ રીતે દેવને પણ ધિક્કારે છે. તેઓ ઉદ્ધત અને મિથ્યાભિમાની છે અને પોતાના વિષે બડાશો માર્યા કરે છે. અનિષ્ટ કરવાના નવા નવા માર્ગો તેઓ શોધી કાઢે છે. તેઓ પોતાના મા-બાપની આજ્ઞા પણ પાળતા નથી. 31 તેઓ મૂર્ખ છે, તેમનાં વચન પાળતા નથી, અને તેઓ બીજા લોકો પ્રત્યે દયા, મમતા, ભલાઈ દર્શાવતા નથી. 32 તેઓ સારી રીતે જાણે છે કે જે આવું કરે છે તે દેવના નિયમ મુજબ મૃત્યુને લાયક છે. તેમ છતાં પોતાની જાતે તેઓ આવા કાર્યો કરવાનું ચાલુ જ રાખે છે. એટલું જ નહિ પણ તેઓ જેમને આ રીતે વર્તતા જુએ છે તેઓને પણ ઉત્તેજન આપે છે.
2:1 જો તમે એમ માનતા હો કે તમે બીજા લોકોનો ન્યાય કરી શકો છો, તે એ તમારી ભૂલ છે. તમે પોતે પણ પાપથી અપરાધી થયેલા છો. તમે બીજા લોકોનો ન્યાય કરવાનો પ્રયત્ન કરો છો. પરંતુ તેઓની માફક તમે પણ ખરાબ કર્મો કરવામાં રચ્યાપચ્યા રહો છો. બીજા લોકોને અપરાધી સિદ્ધ કરવાની પ્રવૃતિ કરીને ખરેખર તો તમે પોતે અપરાધી ઠરો છો. 2 જે લોકો ખરાબ કર્મો કરે છે, તેમનો ન્યાય કરનાર તો દેવ છે અને આપણે જાણીએ છીએ તેમ દેવનો ન્યાય સાચો હોય છે. 3 જે લોકો ખોટાં કર્મો કરે છે તેમનો ન્યાય તમે કરો છો પરંતુ એવાં અનિષ્ટ કાર્યો તમે પોતે પણ કરો જ છો. તેથી આ વાત બરાબર ખાતરીપૂર્વક સમજી લેશો કે દેવ તમારો પણ ન્યાય કરશે. તમે એમાંથી છટકી શકવાના નથી. 4 દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી. 5 પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે. 6 દરેક વ્યક્તિને તેનાં કાર્યો અનુસાર દેવ તેને યોગ્ય રીતે શિક્ષા કરશે. 7 કેટલાક લોકો તો જાણે કે દેવના મહિમા માટે જ જીવતા હોય છે. તેઓ પોતાની સારી પ્રતિષ્ઠાનું જતન કરતાં અવિનાશી જીવન જીવી જાય છે. હંમેશા તેઓ સતત સારાં કામો કરવા સારું પોતાનું જીવન જીવતા હોય છે. દેવ એવા લોકોને અનંતજીવન આપશે. 8 પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. 9 સૌ પ્રથમ યહૂદિઓને અને પછી બિન-યહૂદિઓને એમ જે કોઈ વ્યક્તિ ખરાબ કામો કરશે તેને દેવ દુ:ખો અને યાતનાઓ આપશે. 10 પરંતુ સારાં કામો કરનાર દરેક વ્યક્તિને દેવ મહિમા, માન અને શાંતિ આપશે-ભલે પછી તે યહૂદિ હોય કે બિન-યહૂદિ. 11 કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સમાન ધોરણે દેવ સર્વનો ન્યાય કરે છે. 12 જે લોકો પાસે મૂસાનું નિયમશાસ્ત્રછે અને એવા લોકો કે જેઓએ નિયમશાસ્ત્ર સાંભળ્યું નથી. તેઓ બધા જ જ્યારે પાપ કરે છે ત્યારે એક સમાન કક્ષાએ આવી જાય છે. જે લોકો પાસે નિયમશાસ્ત્ર નથી અને જે પાપીઓ છે તેઓ નાશ પામશે. અને જે લોકો પાસે નિયમશાસ્ત્ર છે અને તેઓ પાપી છે તેઓનો ન્યાય નિયમથી થશે. 13 આ નિયમશાસ્ત્ર માત્ર સાંભળી લેવાથી દેવની નજરે ન્યાયી થવાશે નહિ. એ નિયમશાસ્ત્ર પ્રમાણે જે લોકો આજ્ઞા પાળે છે તે દેવની સાથે નિયમ મુજબ ન્યાયી ઠરશે. 14 બિનયહૂદિ લોકો પાસે નિયમશાસ્ત્ર હોતુ નથી, નિયમશાસ્ત્ર જાણ્યા વગર પણ પોતાની સ્વતંત્ર બુદ્ધિ વડે નિયમ મુજબ તેઓ વર્તે છે. જો કે તેઓને નિયમ મળ્યો નથી છતાં તેઓ તેમની જાત માટે નિયમરૂપ છે. 15 તેઓ તેમના હૃદયમાં તે બતાવે છે. નિયમની અપેક્ષા મુજબ સાચું શું છે અને ખોટું શું છે તે તેઓના કામ દેખાડી આપે છે. જ્યારે તેઓ ખોટું કરે છે ત્યારે તેમના વિચારો તેમને કહે છે કે તેઓએ ખોટું કર્યુ છે, અને તેઓ ગુનેગારની લાગણી અનુભવે છે. કેટલીક વાર તર્ક બુદ્ધિથી એમને લાગે કે એમણે જે કઈ કર્યુ છે તે યોગ્ય છે ત્યારે તેઓ અપરાધ ભાવનાથી પીડાતા નથી. 16 જે દિવસે દેવ ન્યાય ચૂકવશે ત્યારે લોકોના હૃદયમાં છુપાયેલી ગુપ્ત વાતો બહાર આવશે. હું જે સુવાર્તાનો ઉપદેશ આપું છું તે કહે છે. દેવ, ખ્રિસ્ત ઈસુ દ્વારા લોકોનો ન્યાય કરશે. 17 પાઉલ યહૂદિઓને કહે છે: તમારા વિષે શું કહેવું, શું માનવું? તમે તો યહૂદિ હોવાનો દાવો કરો છો. નિયમના આધારે તમે દેવની નજીક હોવાનું અભિમાન ધરાવો છો. 18 દેવ તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે તે તમે સારી રીતે જાણો છો. જે બાબતો અગત્યની છે તે પણ તમે જાણો જ છો કારણ કે નિયમશાસ્ત્રમાં તમે તેવું શીખ્યા છો. 19 તમે માનો છો કે જે લોકો સાચો માર્ગ જાણતા નથી, તેઓના માર્ગદર્શક તમે છો. જે લોકો અંધકારમાં છે તેમના માટે પ્રકાશરૂપ તમે છો. 20 તમે એમ ધારો છો કે મૂર્ખ માણસોને સાચો માર્ગ તમે બતાવી શકશો જે લોકોને હજી પણ શીખવાની જરૂર છે તેમના શિક્ષક તમે છો એમ તમે માનો છો. નિયમ શીખવાથી તમે વિચારો છો કે તમે બધું જ જાણો છો અને સર્વ સત્ય તમારી પાસે જ છે. 21 તમે બીજા લોકોને ઉપદેશ આપો છો, તો પછી તમારી જાતને ઉપદેશ કેમ આપતા નથી? તમે લોકોને કહો છો કે ચોરી ન કરવી, પરંતુ તમે પોતે જ ચોરી કરો છો. 22 તમો લોકોને કહો છો કે વ્યભિચારનું પાપ ન જ કરવું જોઈએ, પરંતુ તમે પોતે એ પાપના અપરાધી છો. તમે મૂર્તિ-પૂજાને ધિક્કારો છો, પરંતુ મંદિરોને લૂટો છો. 23 દેવના નિયમશાસ્ત્રનું જ્ઞાન હોવાની તમે બડાશો મારો છો પરંતુ નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરીને તમે દેવને શરમાવો છો. 24 શાસ્ત્રોમાં લખેલું છે કે: “તમારા કારણે બિનયયહૂદિઓમાં દેવના નામની નિંદા થાય છે.” 25 જો તમે નિયમનું પાલન કરતા હોય તો જ સુન્નત કરાવી સાર્થક ગણાય. પરંતુ જો તમે નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતા હશો તો તમે સુન્નત કરાવી જ નથી એમ ગણાશે. 26 બિનયહૂદિયો સુન્નત કરાવતા નથી. છતાં નિયમો જે માંગે છે, તે પ્રમાણે કરતા હોય તો તેમણે સુન્નત કરાવી છે એમ મનાશે. 27 યહૂદિ લોકો પાસે તો દેવનું લેખિત નિયમશાસ્ત્ર છે અને તમે તો સુન્નત કરાવી છે. છતાં પણ તમે નિયમનો ભંગ કરતા જ રહો છો. તેથી એવા લોકો કે જેમણે શારીરિક દૃષ્ટિએ સુન્નત કરાવી નથી. છતાં દેવ-આજ્ઞાનું પાલન કરે છે, તેઓનું જીવન એ બતાવે છે તમે લોકો અપરાધી છો. 28 સાચા યહૂદિ હોવું એ માત્ર સાદી સરળ બાહ્ય નિશાનીઓની બાબત નથી. અને સાચી સુન્નત તો શારીરિક નિશાની કરતાં વધારે છે. 29 જે વ્યક્તિ પોતાના અંત:કરણમાં યહૂદિ હશે તે જ સાચો યહૂદિ ગણાશે. સાચી સુન્નત તો પવિત્ર આત્માથી કરાવાની હોય છે, લેખિત નિયમ વડે થતી સુન્નત સાચી નથી. અને જ્યારે આત્મા દ્વારા કોઈ વ્યક્તિના હૃદયની સુન્નત થાય છે, ત્યારે લોકો તેની પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમના પ્રશંસા કરતા નથી પરંતુ દેવ તરફથી તેમની પ્રશંસા પ્રાપ્ત થાય છે.
3:1 તો શું યહૂદિયો પાસે એવું કઈ વિશિષ્ટ છે કે જે અન્ય લોકો પાસે નથી? સુન્નત શું કોઈ વિશિષ્ટ લાભ આપે છે? 2 હા, યહૂદિઓને અનેક વિશિષ્ટ લાભો છે. સૌથી અગત્યની વાત એ છે કે બીજા લોકોને બદલે દેવે યહૂદિઓમાં વિશ્વાસ મૂક્યો અને તેઓને ઉપદેશ આપ્યો. 3 જો કે એ સાચું છે કે કેટલાએક યહૂદિઓ દેવને વિશ્વાસુ ન રહ્યા. પરંતુ શું એ કારણે દેવે જે વચન આપ્યા છે તે એ પૂર્ણ નહિ કરે? 4 ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ:“તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.” ગીતશાસ્ત્ર 51:4 5 જ્યારે આપણે ખોટું કરીએ છીએ ત્યારે, તે સ્પષ્ટતાથી દર્શાવે છે કે દેવ સાચો છે. જો આ બાબત હોય તો પછી આપણે કહી શકીએ કે આપણને શિક્ષા કરવી તે દેવ માટે અયોગ્ય છે? (હું માણસોની રૂઢિ પ્રમાણે બોલું છું.) 6 ના! જો દેવ આપણને શિક્ષા ન કરે તો, પછી તે દુનિયાનો ન્યાય કરી શકશે નહિ. 7 કોઈ વ્યક્તિ આવી દલીલ કરી શકે? “જો હું જૂઠ્ઠુ બોલું, તો તેનાથી દેવની કીર્તિ વધશે, કેમકે મારું અસત્ય દેવના સત્યને પ્રગટ કરશે. તો પછી શા માટે મને પાપી ઠેરવો છો?” 8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ. 9 તો શું આપણે યહૂદિઓ બીજા લોકો કરતાં વધારે સારા છીએ? ના! અમે તો માત્ર હમણા જ આક્ષેપ કર્યો કે બધા જ લોકો યહૂદિઓ-બિનયહૂદિયો સૌ પાપની સત્તા હેઠળ છે. 10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી,એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.” 11 એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય. 12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!” ગીતશાસ્ત્ર 14:1-3 13 “લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે; તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” ગીતશાસ્ત્ર 5:9“ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;” ગીતશાસ્ત્ર 140:3 14 તેઓનું મોં કડવાશ અને શ્રાપથી ભરેલું છે.” ગીતશાસ્ત્ર 10:7 15 “બીજા લોકોને ઈજા કરવા અને મારી નાખવા લોકો હંમેશા તત્પર હોય છે; 16 તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં વિનાશ નોતરે છે અને દુ:ખો ફેલાવે છે. 17 લોકોને શાંતિનો માર્ગ સૂઝતો જ નથી.” યશાયા 59:7-8 18 “તેઓને દેવ પ્રત્યે આદર કે ડર નથી.” ગીતશાસ્ત્ર 36:1 19 જાણીએ છીએ કે નિયમશાસ્ત્ર જે કહે છે તે બાબતો એવા માણસોને સંબોધીને કહેવામાં આવી છે કે જેઓ નિયમ હેઠળ છે. આ બાબત તેમને કોઈ પણ બહાના કાઢતા અટકાવે છે. તેથી આખું વિશ્વ દેવના ચુકાદા સામે ઉઘાડું પડી જશે. 20 શા માટે? કારણ કે નિયમશાસ્ત્ર જે ઈચ્છે છે તેના પાલન વડે કોઈ પણ વ્યક્તિ દેવ આગળ ન્યાયી ઠરી શકે નહિ કારણ નિયમશાસ્ત્ર આપણને માત્ર આપણા પાપોથી સભાન કરે છે. 21 નિયમશાસ્ત્ર વિના લોકોને સાચા બનાવવા માટે હવે દેવ પાસે એક નવો માર્ગ છે. અને એ નવો માર્ગ દેવે આપણને બતાવ્યો છે. જૂના કરારે અને પ્રબોધકોએ આપણને આ નવા માર્ગ વિષે અગાઉ કહેલું જ છે. 22 ઈસુ ખ્રિસ્તમાં જે લોકો વિશ્વાસ રાખશે તેમના ઉદ્ધાર માટે દેવ તેમને ન્યાયી બનાવશે. જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસુ છે, એવા સૌ લોકોનો ઉદ્ધાર દેવ કરશે. 23 સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે. 24 દેવની કૃપાથી લોકોને દેવ સાથે ન્યાયી બનાવાય છે. અને તે વિનામૂલ્ય ભેટ છે. ઈસુ ખ્રિસ્ત જે આપણને પાપમાંથી મુક્ત કરે છે તેના દ્વારા આ પરિપૂર્ણ થાય છે. 25 દેવે ઈસુને એવા માર્ગ તરીકે આપ્યો જેનાથી વિશ્વાસ દ્વારા લોકોના પાપોને માફી મળી છે. દેવ ઈસુના રક્ત દ્વારા માફ કરે છે. આના દ્વારા દેવે દર્શાવ્યું કે તે ન્યાયી હતો. જ્યારે ભૂતકાળમાં થયેલા લોકોનાં પાપોને તેની સહનશીલતાને લીધે તેણે દરગુજર કર્યા. 26 અને હવે આપણી વચ્ચે ઈસુને મોકલીને દેવ એ બતાવવા માગે છે કે દેવ જે કરે છે તે સત્ય છે. દેવે આમ કર્યુ જેથી તે ન્યાયોચિત ન્યાય આપતી વખતે ઈસુમાં જેને વિશ્વાસ છે તેને તે જ સમયે ન્યાયી ઠરાવશે. 27 તો પછી પોતાના માટે વડાઈ કરવાનું ક્યાં રહ્યું? તેનું સ્થાન નથી. નિયમશાસ્ત્ર જે કામની અપેક્ષા રાખે છે તેને અનુસરવાથી નહિ પણ વિશ્વાસના માર્ગે કે જેમાં વડાઈનો સમાવેશ થયેલ નથી. 28 તો એવું કેમ હશે? કારણ કે આપણે માનીએ છીએ કે નિયમ મુજબ મનુષ્યો જે કઈ કરે છે તેને લીધે નહિ, પરંતુ દેવમાં વિશ્વાસ દ્વારા જ દેવ આપણને ઉદ્ધારને યોગ્ય બનાવે છે. લોકો નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ વિશ્વાસથી ન્યાયી ઠરે છે. 29 માત્ર યહૂદિઓનો જ દેવ નથી, બિન-યહૂદિઓનો પણ તે દેવ છે. 30 દેવ માત્ર એક જ છે અને તે યહૂદિઓને તેમજ બિનયહૂદિઓને એમના વિશ્વાસના આધારે ન્યાયી ઠરાવશે. 31 તેથી આપણે વિશ્વાસના માર્ગને અનુસરવાથી, નિયમશાસ્ત્રથી દૂર રહીને કાર્ય કરતા નથી. ના! તેને બદલે અમે તો નિયમશાસ્ત્રને તેનું યોગ્ય સ્થાન આપીએ છીએ.
4:1 તો આપણા લોકોના પૂર્વજ ઈબ્રાહિમ વિષે આપણે શું કહી શકીએ છીએ? વિશ્વાસ વિષે તેઓ શું શીખ્યા? 2 જે કામો ઈબ્રાહિમે કર્યા એનાથી જ દેવે તેને ન્યાયી ઠરાવ્યો હોત તો તેને બડાશ મારવાનું બહાનું મળી જાત. પરંતુ ઈબ્રાહિમ દેવ આગળ બડાશ મારી શક્યો નહિ. 3 ધર્મશાસ્ત્ર કહે છે: “ઈબ્રાહિમ દેવમાં માનતો હતો. અને દેવે તેના વિશ્વાસનો સ્વીકાર કર્યો. તે વિશ્વાસે ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી ઠરાવ્યો.” 4 જ્યારે કોઈ વ્યક્તિ કામ કરે છે, ત્યારે એને આપવામાં આવતો પગાર બક્ષિસ તરીકે અપાતો નથી. તે જે પગાર મળે છે તે તેનાં કામની કમાણી છે. 5 પરંતુ મનુષ્ય એવું કોઈ પણ કામ કરી શકતો નથી કે જે તેને દેવ સાથે ન્યાયી ઠરાવી શકે. તેથી તે માણસે દેવમાં વિશ્વાસ રાખવોજ જોઈએ. પછી જ દેવ તે વ્યક્તિના વિશ્વાસનો સ્વીકાર કરે છે અને તે વિશ્વાસ તેને દેવ સાથે ન્યાયી ઠરાવે છે. દેવ એક છે જે અધર્મીને પણ ન્યાયી બનાવે છે. 6 દાઉદે આ જ વાત કહી છે. દાઉદે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ કેવાં કેવાં કામો કર્યા છે એ જોયા વગર દેવ જ્યારે તેને એક સારા માણસ તરીકે સ્વીકારી લે છે. 7 તેને ધન્ય છે.“જ્યારે લોકોના અપરાધો માફ કરાય છે, અને જેઓનાં પાપો ઢંકાઈ જાય છે, તેઓને ધન્ય છે! 8 અને જ્યારે પ્રભુ કોઈ વ્યક્તિને લેખે પાપ નહિ ગણીને સ્વીકારી લે છે ત્યારે, તે માણસને ધન્ય છે!” ગીતશાસ્ત્ર 32:1-2 9 તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો. 10 તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો. 11 ઈબ્રાહિમ જ્યારે સુન્નત વગરનો હતો ત્યારે તે વિશ્વાસના માર્ગે દેવ સાથે ન્યાયી થયો હતો. તે સાબિત કરવા માટે પાછળથી તેણે સુન્નત કરાવી. આ રીતે ઈબ્રાહિમ જે બધા લોકોએ સુન્નત નથી કરાવી તેના પૂર્વજ છે તેથી દેવે આ લોકોને દેવ સાથે ન્યાયી હોવાની માન્યતા આપી છે. 12 જે લોકોની સુન્નત કરવામાં આવી છે તેમનો પૂર્વજ પણ ઈબ્રાહિમ જ છે. માત્ર તેઓની સુન્નતને કારણે ઈબ્રાહિમને પિતાનું સ્થાન મળ્યું નથી. આપણા પૂર્વજ ઈબ્રાહિમ સુન્નત પહેલા જે વિશ્વાસ ઘરાવતો હતો, એવું વિશ્વાસભર્યુ જીવન જો તેઓ જીવે તો જ ઈબ્રાહિમ તેમનો પિતા ગણાય. 13 ઈબ્રાહિમ અને તેના વંશજોને નિયમના પાલનથી નહિ પણ વિશ્વાસથી દેવ સાથે ન્યાયી ઠરાવ્યા હતા. તેથી દેવનું વચન મળ્યું કે આખી દુનિયાની સમૃદ્ધિ અને સુખ તેને વારસામાં મળે. 14 દેવના વચન પ્રમાણે ધર્મશાસ્ત્રને અનુસરવાથી જ જો લોકોને બધું વારસામાં મળી જતું હોય, તો પછી વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી. અને એ રીતે ઈબ્રાહિમને મળેલું વચન પણ નિરર્થક છે. 15 શા માટે? કેમ કે નિયમનું લક્ષણ એ છે કે જ્યારે તેનું પાલન કરવામાં આવતું નથી, ત્યારે દેવનો કોપ ઉતરે છે. પરંતુ જો નિયમનું અસ્તિત્વ જ ન હોય તો, તેનું ઉલ્લંઘન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. 16 આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે. 17 શાસ્ત્રોમાં લખેલું છે એ પ્રમાણે; “મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે.”દેવની સાક્ષીએ આ વાત સત્ય છે. ઈબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો તે દેવ કે જે મૂએલાઓને સજીવન કરે છે, અને જે વસ્તુઓ કે ઘટનાઓ હજી સુધી બની નથી તેને પ્રગટ કરનાર છે. 18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” 19 ઈબ્રાહિમ જ્યારે લગભગ સો વર્ષનો થયો, ત્યારે તે બાળકોના પિતા બનવાની ઉંમર વિતાવી ચૂક્યો હતો. વળી, તેણે આ જાણ્યું કે સારા ને બાળકો થાય એવી કોઈ શક્યતા ન હતી. તે પોતાના દૃઢ વિશ્વાસમાંથી જરા પણ ડગ્યો નહિ. 20 દેવનું વચન ધ્યાનમાં રાખીને તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ પણ દેવનો મહિમા કર્યો અને ધીમે ધીમે તેનો વિશ્વાસ દૃઢ બનતો ગયો. તેણે હંમેશા દેવની સ્તુતિ કરી. 21 ઈબ્રાહિમને મનમાં ખાતરી હતી જ કે દેવે જે વચન આપ્યું છે તે પરિપૂર્ણ કરવા દેવ સંપૂર્ણપણે સમર્થ છે. 22 તો આમ, “દેવે ઈબ્રાહિમના વિશ્વાસનો સ્વીકાર કર્યો અને એ વિશ્વાસે જ ઈબ્રાહિમને દેવ સાથે ન્યાયી બનાવ્યો.” 23 “તેને ન્યાયી ગણવામાં આવ્યો.” એ શબ્દો માત્ર ઈબ્રાહિમ માટે જ લખવામાં આવ્યા ન હતા. 24 પણ આપણા પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કરનાર દેવ પર જેઓ વિશ્વાસ કરે છે તેઓને માટે પણ એ જ શબ્દો લખેલા છે. અને આપણે તે દેવમાં વિશ્વાસ કરીએ છીએ. 25 આપણા પાપોને લીધે ઈસુને મરણને સ્વાધીન કરવામાં આવ્યો, અને આપણે દેવની સાથે ન્યાયી થઈએ તે માટે તેને મૃત્યુમાંથી ઊઠાડવામાં આવ્યો.
5:1 આપણા વિશ્વાસને કારણે આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. તેથી, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ સાથે આપણો સુલેહ-શાંતિનો સંબંધ સ્થાપિત થયો છે. 2 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને ગર્વ છે. 3 આ બાબતમાં જે કઈ વિપત્તિઓ છે તેનો આપણે સ્વીકાર કરેલો જ છે. આપણે આ વિપત્તિઓને આનંદપૂર્વક શા માટે સ્વીકારીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ કે આ વિપત્તિઓ, જ આપણને વધારે ધીરજવાન બનાવે છે. 4 આપણી ધીરજ, એ આપણી દૃઢ મક્કમતાની સાબિતી છે. આ સાબિતી આપણને આશા આપે છે. 5 આ આશા આપણને કદી પણ નિરાશ નહિ કરે એ કદી પણ નિષ્ફળ નહિ જાય. એમ શા કારણે? કેમ કે દેવે આપણા હૃદયમાં તેનો પ્રેમ વહેવડાવ્યો છે. ‘પવિત્ર આત્મા’ દ્વારા દેવે આપણને આ પ્રેમ અર્પણ કર્યો છે. દેવ તરફથી ભેટરૂપે એ ‘પવિત્ર આત્મા’ આપણને પ્રાપ્ત થયો છે. 6 ખ્રિસ્તના રક્તથી આપણે દેવ સાથે ન્યાયી થયા છીએ. આપણે જ્યારે ખૂબ નિર્બળ હતા ત્યારે આપણા માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો. આપણે દેવથી વિમુખ જીવન જીવી રહ્યા હતા, ત્યારે યોગ્ય સમયે ખ્રિસ્ત આપણા વતી મૃત્યુ પામ્યો. 7 બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય. 8 પરંતુ આપણે જ્યારે પાપી હતા, ત્યારે આપણા વતી ખ્રિસ્ત મરણ પામ્યો. દેવ આપણા પર પુષ્કળ પ્રેમ કરે છે, એ વાત દેવે આ રીતે દર્શાવી. 9 ખ્રિસ્તના રક્ત દ્વારા આપણે દેવ સાથે ન્યાયી થયા. આમ ખ્રિસ્ત દ્વારા જ દેવના કોપથી આપણે ચોક્કસ બચી જઈશું. 10 હું એમ કહેવા માંગુ છું કે જ્યારે આપણે દેવથી વિમૂખ હતા, ત્યારે દેવે પોતાના દીકરાના મૃત્યુ દ્વારા આપણને મિત્રતા બક્ષી. જ્યારે હવે આપણે દેવના મિત્રો છીએ ત્યારે તે આપણને સૌને તેના દીકરાના જીવન દ્વારા બચાવશે. 11 હાલમાં આપણે જે આનંદ અનુભવીએ છીએ તે કૃપામાં વિશ્વાસ દ્વારા ઈસુએ આપણને આપ્યો છે. આપણે દેવના મહિમામાં ભાગીદાર થઈશું તે આશા માટે આપણને આનંદ છે. 12 એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે. 13 મૂસાના નિયમશાસ્ત્ર અગાઉ આ દુનિયામાં પાપનું અસ્તિત્વ હતું. પરંતુ જ્યાં સુધી કોઈ નિયમશાસ્ત્ર જ ન હોય ત્યાં સુધી દેવ લોકોને પાપના અપરાધી ગણતો નથી. 14 પરંતુ આદમથી મૂસા સુધીના સમયગાળા દરમ્યાન સૌ લોકો મૃત્યુ પામ્યા હતા. દેવના આદેશનું ઉલ્લંઘન કરવાના પાપને કારણે આદમ મૃત્યુ પામ્યો હતો. પરંતુ જે લોકોએ આદમની જેમ પાપ કર્યા ન હતાં તેમને પણ મરવું પડ્યું.આદમ ભવિષ્યમાં આવનાર ખ્રિસ્તની પ્રતિચ્છાયારૂપ હતો. 15 એક માણસના પાપના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા. પરંતુ દેવે લોકો પર જે કૃપા કરી તે ઘણી વધારે હતી. પરંતુ ઘણા લોકોને જીવનદાન મળ્યું. જે એક માણસ એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન થયાં છે, જેથી જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. 16 આદમે એક પાપ કર્યું કે તરત જ તેને અપરાધી ઠરાવવામાં આવ્યો. પરંતુ દેવની બક્ષિસની વાત તો કાંઈ જુદી જ છે. અનેક પાપો થયાં પછી દેવની બક્ષિસ મળી. એ બક્ષિસ તો એવી છે કે જે લોકોને દેવ સાથે ન્યાયી બનાવે છે. 17 એક માણસનાં પાપથી મરણે સઘળાં પર રાજ કર્યું, પણ હાલ કેટલાએક લોકો દેવની પૂર્ણ કૃપા મેળવે છે, અને દેવ સાથે ન્યાયી થવાની ભેટ મેળવે છે. હજુ પણ આ લોકો ઈસુ ખ્રિસ્ત દ્વારા ખૂબ ખાતરીપૂર્વક ખરું જીવન મેળવશે. 18 આમ આદમનું એક જ પાપ સર્વ માણસો માટે મૃત્યુદંડ લાવ્યું. પરંતુ એ જ રીતે ખ્રિસ્તે એક જ ન્યાયી કૃત્યને કારણે બધા લોકોને દેવ સાથે ન્યાયી ઠેરવ્યા. 19 એક માણસે દેવના આદેશનું ઉલ્લંઘન કર્યું અને તેના પરિણામે અનેક લોકો પાપમાં પડ્યા. પરંતુ એ જ રીતે એક માનવે દેવનો આદેશ પવિત્ર અને ધાર્મિક રીતે પાળી બતાવ્યો. અને તેના પરિણામે અનેક લોકો દેવ સાથે ન્યાયી બનશે. 20 લોકો વધારે પાપ કરે તે માટે નિયમશાસ્ત્ર દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ લોકો વધુ ને વધુ પાપ કરતા ગયા, તેમ તેમ દેવ વધુ ને વધુ કૃપા કરવા લાગ્યો. 21 પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.
6:1 તો તમે શું એમ માનો છો કે આપણે પાપ કરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી દેવની વધુ ને વધુ કૃપા આપણા પર ઉતરે? 2 ખરેખર, ના! આપણે આપણા પાપમય જીવન માટે મૃત્યુ પામ્યા છીએ. તો પછી પાપી જીવન જીવવાનું આપણે કેવી રીતે ચાલુ રાખી શકીએ? 3 જ્યારે આપણે બાપ્તિસ્મા પામ્યા હતા ત્યારે આપણે સૌ ખ્રિસ્ત ઈસુ સાથે એકરૂપ થયા હતા, એ તમે શું ભૂલી ગયા છો? આપણા બાપ્તિસ્માથી આપણે તેના મૃત્યુ સાથે ભાગીદાર બન્યા હતા. 4 કારણ કે જ્યારે આપણું બાપ્તિસ્મ થયું ત્યારે આપણે પણ તેની સાથે મરણમાં દટાયા અને તેના મૃત્યુમાં ભાગીદાર થયા. આ રીતે બાપના મહિમાથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ઊભો થયો તેમ આપણે પણ ઊભા થઈ શકીશું અને નવું જીવન જીવીશું. 5 ખ્રિસ્ત મૃત્યુ પામ્યો, અને આપણે પણ આપણા મૃત્યુથી ખ્રિસ્ત સાથે જોડાયા છીએ. તેથી જેમ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામ્યો તેમ આપણે પણ મૃત્યુમાંથી ફરી પુનરૂત્થાન પામીને તેની સાથે જીવનમાં એકરૂપ થઈશું. 6 આપણે જાણીએ છીએ કે વધસ્તંભ પર ખ્રિસ્તના મૃત્યુની સાથે જ આપણા જૂનાં માણસપણાનો અંત આવ્યો હતો. આપણા પાપમય ભૂતકાળની કોઈ અસર નવા જીવન પર ન પડે, અને (વળી પાછા) આપણે પાપના ગુલામ ન બનીએ માટે આમ થયું. 7 જે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેને મૃત્યુની સત્તામાંથી મુક્ત કરવામાં આવે છે. 8 આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામ્યા તેથી આપણે માનીએ છીએ કે આપણે તેની સાથે નવુ જીવન પામીશું. 9 મૃત્યુમાંથી ખ્રિસ્તને પુર્નજીવિત કરવામાં આવ્યો હતો. આપણે જાણીએ છીએ કે તે હવે ફરીથી કદી મૃત્યુ પામી શકશે નહિ. હવે તેના પર મૃત્યુની કોઈ સત્તા નથી. 10 હા, જ્યારે ખ્રિસ્ત મૃત્યુ પામ્યો ત્યારે તે જ સમયે મૃત્યુની સત્તાને પરાસ્ત કરવા મર્યો હતો તે સદાને માટે પૂરતું હતું. હવે તે જીવે છે, એટલે દેવના સંબંધમાં તે જીવે છે. 11 એ જ પ્રમાણે, તમારી ઉપર પણ પાપની સત્તાનો હવે અંત આવ્યો છે. અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવ-પ્રાપ્તિ સારું તમે હવે જીવંત છો, એવું તમારી જાત વિષે તમે વિચારો. 12 તમારા ર્મત્ય શરીરમાં પાપને રાજ કરવા ન દો અને તમારી પાપની દુર્વાસનાને આધીન થશો નહિ. તમારું પાપયુક્ત શરીર જો તમને પાપકર્મ કરવા પ્રેરતું હોય તો તમારે એનાથી ગેરમાર્ગે દોરવાઈ જવું નહિ. 13 પાપકર્મમાં તમારા શરીરનાં અવયવોને સમર્પિત ન કરો. અનિષ્ટ કાર્યો કરવાના સાધન તરીકે તમે તમારાં શરીરોનો ઉપયોગ ન કરો. પરંતુ તમારે પોતે દેવને સમર્પિત થઈ જવું જોઈએ. જે લોકો મરણ પામીને પણ હવે ફરીથી સજીવન થયા છે એવા તમે થાવ. તમારાં શરીરનાં અવયવો દેવને સમર્પિત કરો જેથી શુભ કાર્યો માટે એનો ઉપયોગ થાય. 14 હવે ‘પાપ’ તમારો ‘માલિક’ થઈ શકશે નહિ. શા માટે? કેમ કે તમે નિયમશાસ્ત્રના બંધનમાં નથી. હવે તમે દેવની કૃપા હેઠળ જીવી રહ્યા છો. 15 તો આપણે શું કરવું જોઈએ? આપણે પાપ કરવાનું ચાલું રાખવું જોઈએ? કેમકે આપણને નિયમનું બંધન નથી, પણ આપણે કૃપાને આધીન છીએ? ના! 16 સાચે જ તમે જાણો છો કે જ્યારે તમે કોઈની આજ્ઞા પાળવા તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમે તે વ્યક્તિના ખરેખર દાસ બની જાવ છો. જે વ્યક્તિની આજ્ઞા તમે માનો છો તેના તમે દાસ છો. ગમે તો પાપને અનુસરો અથવા દેવની આજ્ઞા માથે ચડાવો. પાપ તો આધ્યાત્મિક મૃત્યુને નોંતરે છે. પરંતુ જે દેવની આજ્ઞા પાળે છે તે દેવની સાથે ન્યાયી ઠરે છે. 17 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા-તમારા પર પાપનું શાસન ચાલતું હતું, પરંતુ દેવનો આભાર કે તમને જે (નૈતિક-ધાર્મિક સંસ્કારો) શીખવવામાં આવ્યા તેને તમે પૂર્ણ અંત:કરણથી સ્વીકાર્યા. 18 પાપમાંથી તમને મુક્ત કરવામાં આવ્યા છે, અને હવે તમે ન્યાયપણાના દાસ છો. 19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો. 20 ભૂતકાળમાં તમે પાપના દાસ હતા, અને તમે ન્યાયીપણાના અંકુશથી સ્વતંત્ર હતા. 21 તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે. 22 પરંતુ હવે તમે પાપની ગુલામીમાંથી મુક્ત થઈને દેવના દાસ થયા છો. અને આ (પરિવર્તન) તમને એવું જીવન આપશે કે જે માત્ર દેવને જ સમર્પિત હોય. અને એના દ્વારા તમને અનંતજીવન પ્રાપ્ત થશે. 23 જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.
7:1 ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. 2 હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. 3 પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી. 4 એ જ પ્રમાણે, મારા ભાઈઓ તથા બહેનો, ખ્રિસ્તના શરીરની સાથે જ તમારા જૂના શરીરનું મૃત્યુ થયું છે. હવે તમે નિયમના બંધનમાંથી મુક્ત થયા છો. હવે તમે એક માત્ર એવા ખ્રિસ્તના શિષ્ય થયા છો, જે મૃત્યુમાંથી ઊભો થયો હતો. હવે આપણે ખ્રિસ્તના શિષ્ય થયા છીએ. જેથી કરીને દેવની સેવામાં આપણો ઉપયોગ થઈ શકે. 5 ભૂતકાળમાં તો આપણે જ્યારે દૈહિક હતા, ત્યારે પાપ વાસનાઓને આધીન હતા. અને આપણે જે પાપ કર્યા તે આપણા માટે આધ્યાત્મિક મૃત્યુ નોતરતા હતા. 6 ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ. 7 ત્યારે આપણે શું કહીએ, શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહિ. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ના હોત, કારણ કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ના હોત. “તમારે બીજાઓની માલિકીની વસ્તુઓની ઈચ્છા કરવી જોઈએ નહિ.” 8 પણ પાપને તક મળવાથી આજ્ઞા વડે મારામાં સઘળા પ્રકારની અનિષ્ટ ઈચ્છાઓ પૂર્ણ કરવા મને લલચાવ્યો. મારામાં પાપ પેઠું. કારણ કે નિયમ વિના પાપ નિર્જીવ છે. 9 નિયમશાસ્ત્રનું મને જ્ઞાન થયું તે પહેલાં પણ હું તેના વગર જીવતો હતો. પરંતુ જેવો નિયમનો આદેશ મને મળ્યો કે તરત જ પછીથી મારામાં પાપ સજીવન થયું. 10 અને આમ પાપના કારણે મારું આધ્યાત્મિક મૃત્યુ થયું. એ આદેશનો હેતુ મને જીવન બક્ષવાનો હતો, પરંતુ મારા માટે એ આદેશ મૃત્યુ લાવ્યો. 11 મને પાપે આજ્ઞાનો ઉપયોગ કરી મૂર્ખ બનાવવાનો રસ્તો શોધ્યો. પાપે મારા આત્મિક મરણને માટે આજ્ઞાનો ઉપયોગ કર્યો. 12 આમ, નિયમશાસ્ત્ર તો પવિત્ર છે જ, અને આજ્ઞા પણ પવિત્ર, ન્યાયી અને સારી છે. 13 તો આનો અર્થ શું એવો થાય કે જે કઈક સારું છે તે જ મારા માટે મૃત્યુ લાવ્યું? ના! પરંતુ પાપે જે મારું મૃત્યુ લાવી શકે તેવા સારાપણાનો ઉપયોગ કર્યો. આમ એટલા માટે બન્યું કે પાપનું ખરું સ્વરૂપ પ્રગટ થઈ શકે. અને તેના બધા અનિષ્ટોમાં પાપ બતાવી શકાય આ બધું આજ્ઞા દ્વારા જ થયું હતું. 14 આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે. પરંતુ હું આધ્યાત્મિક નથી. જાણે કે હું તેનો સેવક હોઉં તેમ પાપ મારા પર સત્તા ચલાવે છે. 15 હું જે કોઈ કામો કરું છું, તે સમજી શકતો નથી. તેથી જે સારાં કામો કરવાની મારી ઈચ્છા છે, તે હું કરી શકતો નથી. અને જે ખરાબ કામો કરવાનું હું ધિક્કારું છું તે હું કરું છું. 16 ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે. 17 પરંતુ આ ખરાબ કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ ખરાબ કામો કરે છે. 18 હા, હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસતું નથી. મારો કહેવાનો અર્થ એ છે કે મારા અસ્તિત્વનો જે અંશ આધ્યાત્મિક નથી, તેમાં કોઈ સારાપણાનો સમાવેશ નથી. મારી ઈચ્છા તો એવી છે કે હું સારાં જ કામો કરું. પરંતુ હું તે કરતો નથી. 19 મારે જે સારાં કામો કરવાં છે તે હું કરતો નથી. તેને બદલે જે ખરાબ કામો જે મારે નથી કરવાં તે મારાથી થઈ જાય છે. 20 તેથી જે કામો મારે કરવાં નથી, તે જો મારાથી થઈ જતાં હોય, તો એવાં કામો કરનાર ખરેખર હું નથી. મારામાં રહેતું પાપ એ બધાં ખરાબ કામો કરે છે. 21 તેથી મેં આ સિદ્ધાંત શોધ્યો. જ્યારે હું સારું કરવા ઈચ્છું છું ત્યારે ભૂડું જ ઉપલબ્ધ હોય છે. 22 દેવના નિયમમાં હું અંતરના ઊડાણમાં ખૂબ સુખી છું. 23 પરંતુ મારા શરીરમાં કોઈ જુદો જ નિયમ કાર્ય કરતો જોઉ છું. માનસિક સ્તરે મારા મનમાં જે નિયમનો સ્વીકાર થયો છે તેની સામે પેલો શારીરિક સ્તર પર ચાલતો નિયમ યુદ્ધ છેડે છે. મારા શરીરમાં ચાલતો એ નિયમ તે પાપનો નિયમ છે, અને એ નિયમ મને એનો કેદી બનાવે છે. 24 તેથી હું દુ:ખી છું! મારા માટે મૃત્યુ લાવનાર આ શરીરથી મને કોણ બચાવશે? 25 દેવ જ મને બચાવશે! આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું તેનો આભાર માનું છું!આમ મારા મનમાં હું મારી જાતે દેવના નિયમને અનુસરું છું. પણ મારા પાપમય સ્વભાવથી હું પાપના નિયમનો દાસ છું. 26
8:1 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી. 2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. 3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો. 4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ. 5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે. 6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. 7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી. 8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી. 9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી. 10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. 11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે. 12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ. 13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે. 14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે. 15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ. 16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ. 17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે. 18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી. 19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે. 20 દેવે જે દરેક વસ્તુ ર્સજી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી 21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે. 22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે. 23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે. 25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ. 26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે. 27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે. 28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી. 29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે. 30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા. 31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ. 32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે? 33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે. 34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે. 35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ. લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” ગીતશાસ્ત્ર 44:22 37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. 38 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ. 39
9:1 હું ખ્રિસ્તમાં છું અને તમને સત્ય કહીં રહ્યો છું. હું અસત્ય બોલતો નથી. પવિત્ર આત્મા મારી સંવેદનાનું સંચાલન કરે છે. અને એવી સંવેદનાથી હું તમને કહું છું કે હું જૂઠું બોલતો નથી. 2 યહૂદિ લોકો માટે હું ઘણો દિલગીર છું અને સતત મારા હૃદયમાં ઉદાસીનતા અનુભવું છું. 3 તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું. 4 કારણ કે તેઓ તો ઈઝરાએલના લોકો છે. એ યહૂદિઓ તો ખાસ પસંદગી પામેલાં બાળકો છે. દેવે જે માનવો સાથે કરારો કર્યા છે એવા એ યહૂદિઓને દેવનો મહિમા પ્રાપ્ત થયેલો છે. દેવે મૂસાનું નિયમશાસ્ત્ર તેઓને આપીને ભક્તિની સાચી પધ્ધત્તિ બતાવી હતી. અને દેવે એ યહૂદિઓને માટે વચન પણ આપ્યું હતું. 5 તેઓ આપણા પિતાઓના વંશજો છે. અને તેઓ ખ્રિસ્તના દુન્યવી કુટુંબીજનો છે. ખ્રિસ્ત સર્વોપરી દેવ છે. તેની સ્તુતિ નિત્ય કરો! આમીન. 6 હા, આ યહૂદિઓ માટે હું ઘણું દુ:ખ અનુભવું છું. એમને આપેલું વચન દેવ પાળી ન શક્યો, એમ હું કહેવા માગતો નથી. પરંતુ ઈસ્રાએલના માત્ર થોડાક યહૂદિઓ જ દેવના સાચા લોકો છે. 7 અને ઈબ્રાહિમના વંશજોમાં ફક્ત થોડાક માણસો જ તમારાં દેવનો સાચાં સંતાનો છે. દેવે ઈબ્રાહિમને આમ કહ્યું હતું: “ઈસહાક જ તારો કાયદેસરનો દીકરો ગણાશે.” 8 આનો અર્થ એ છે કે ઈબ્રાહિમના બધા જ વંશજો કઈ દેવનાં સાચાં સંતાનો નથી. દેવે ઈબ્રાહિમને આપેલાં વચન પ્રમાણે જે સંતાનો દેવના થશે તે જ સંતાનો ઈબ્રાહિમનાં સાચાં સંતાનો થશે. 9 ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.” 10 માત્ર એટલું જ નહિ, રિબકાને પણ દીકરો થયો. એક જ પિતાના એ દીકરા હતા. તે જ આપણા પિતા ઈસહાક. 11 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય. 12 13 શાસ્ત્ર કહે છે તેમ, “યાકૂબને હું ચાહતો હતો, પરંતુ એસાવને હું ધિક્કારતો હતો.” 14 તો આ બાબતમાં આપણે શું કહીશું? શું દેવ ન્યાયી નથી? એવું તો આપણે કહી શકીએ એમ નથી. 15 દેવે મૂસાને કહ્યું હતું, “જે વ્યક્તિ પર મારે કૃપા કરવી હશે, તેના પર હું કૃપા કરીશ. જે વ્યક્તિ પર દયા બતાવવી હશે તેના પર હું દયા દર્શાવીશ.” 16 તેથી જે વ્યક્તિ પર દયા કરવાનો દેવ નિર્ણય કરશે તેને દયા માટે દેવ પસંદ કરશે. લોકો શું ઈચ્છે છે અથવા તેઓ કેવા કેવા પ્રયત્ન કરે છે, તેના પર દેવની પસંદગીનો આધાર નથી. 17 શાસ્ત્રમાં દેવ ફારૂનને કહે છે: “તું મારું આ કામ કરે એટલા માટે મેં તને રાજા બનાવ્યો. તારા દ્વારા મારું સાર્મથ્ય પ્રગટ કરવાની મારી ઈચ્છા હતી. આખી દુનિયામાં મારું નામ પ્રગટ થાય એમ હું ઈચ્છતો હતો.” 18 આમ જે લોકોની તરફ દયા બતાવવી હોય એમની તરફ દેવ દયા દર્શાવે છે. અને જે લોકોને હઠીલા બનાવવા હોય તેમને દેવ હઠીલા બનાવે છે. 19 તો તમારામાંથી કોઈ મને પૂછશે: “જો આપણાં કાર્યો પર દેવનો અંકૂશ જ હોય, તો પછી આપણાં પાપ માટે દેવ શાથી આપણી પર આરોપ મૂકે છે?” 20 દેવને પ્રશ્ન કરશો નહિ. તમે માત્ર માનવ છો; અને માનવોને એવો કોઈ હક્ક નથી કે તેઓ દેવને (આવા) પ્રશ્નો પૂછી શકે. માટીની બરણી તેના બનાવનારને પ્રશ્નો પૂછતી નથી. “તમે મને આવી જુદી જુદી વસ્તુઓ રૂપે કેમ બનાવી?” 21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે. 22 દેવે જે કર્યુ છે તે પણ કઈક આવું જ છે. દેવની ઈચ્છા હતી કે લોકો તેનો કોપ તેમજ સાર્મથ્ય જુએ. જે લોકો સર્વનાશને લાયક હતા, એમના પર દેવ ગુસ્સે થયો હતો, એવા લોકોને પણ દેવે ખૂબ જ ધીરજપૂર્વક સહન કર્યા. 23 એવા લોકો માટે પણ દેવે ધીરજથી રાહ જોઈ, જેથી કરીને દેવ પોતાનો સમૃદ્ધ મહિમા દર્શાવી શકે. જેઓ તેની કૃપા પ્રાપ્ત કરવાના હતા. તેથી આપણે જેઓ તેની કૃપાનાં પાત્રો છીએ અને જેમને તેણે તેનો મહિમા મેળવવા તૈયાર કર્યા છે તેમનામાં પોતાનો મહિમા પ્રગટ કર્યો છે. 24 એ લોકો તે આપણે જ છીએ. આપણે એવા માનવો છીએ કે જેમને દેવે તેડયા છે. યહૂદિઓ તેમજ બિનયહૂદિઓમાંથી દેવે આપણને પસંદ કર્યા છે. 25 હોશિયાના અધ્યાયમાં શાસ્ત્ર કહે છે તેમ: “જે લોકો મારા નથી-તેઓને હું મારાં લોકો કહીશ. અને જે લોકો ઉપર મેં પ્રેમ નથી કર્યો તેઓ પર હું પ્રેમ કરીશ.” હોશિયા 2:23 26 અને “એ જ ઠેકાણે દેવે કહ્યુ કે, ‘તમે મારી પ્રજા નથી’- તે જ ઠેકાણે તેઓ જીવંત દેવના દીકરા કહેવાશે.” હોશિયા 1:10 27 અને ઈસ્રાએલ વિષે યશાયા પોકારીને કહે છે કે:“સમુદ્રની રેતીના કણ જેટલા ઈસ્રાએલના અનેક લોકો છે. પરંતુ એમાંના થોડાક જ લોકો તારણ પામશે. 28 હા, પૃથ્વી પરના લોકોના ન્યાય તોળવાનું કાર્ય દેવ જલદી પૂર્ણ કરશે.”યશાયા 10:22-23 29 યશાયાએ કહ્યું છે તેમ:“દેવ સર્વસમર્થ છે. આપણા માટે દેવે એના કેટલાએક માણસોને બચાવી લીધા, એવું જો દેવે ન કર્યુ હોત તો, સદોમ અને ગમોરાશહેરોના લોકો જેવી આપણી દશા થાત.”યશાયા 1:9 30 તો આ બધાનો અર્થ શું થાય? એનો અર્થ આ છે કે: બિનયહૂદિ લોકો દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરતા ન હતા છતાં તેઓને દેવ સાથે ન્યાયી બનાવાયા અને તેઓ પોતાના વિશ્વાસને લીધે ન્યાયી ઠર્યા. 31 અને જ્યારે દેવ માટે ન્યાયી ઠરવા ઈસ્રાએલના લોકોએ નિયમશાસ્ત્રને અનુસરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેઓ સફળ ન થયા. 32 સફળ કેમ ન થયા? કેમ કે તેમણે પોતાનાં કાર્યોના બળના આધારે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કર્યો. તેઓને દેવમાં વિશ્વાસ ન હતો કે દેવ તેમને ન્યાયી બનાવશે. જે પથ્થર લોકોને પાડી નાંખે છે, તેની ઠોકર ખાઈન તેઓ પડ્યા. 33 એ પથ્થર વિષે શાસ્ત્ર કહે છે.“જુઓ, સિયોન માં મેં એક પથ્થર મૂક્યો છે કે જે લોકોને પાડી નાખશે. એ પથ્થર ઠોકર ખવડાવીને લોકોને પાપમાં પાડશે. પરંતુ જે કોઈ વ્યક્તિ એ પથ્થરમાં વિશ્વાસ રાખશે તે નિરાશ થશે નહિ.” યશાયા 8:14; 28:16
10:1 ભાઈઓ તથા બહેનો, મારી સૌથી મોટી ઈચ્છા એ છે કે યહૂદિઓ તારણ પામે. દેવને મારી એ જ પ્રાર્થના છે. 2 યહૂદિઓ વિષે હું આ કહી શકું છું કે: તેઓ દેવને અનુસરવાનો ખરેખર પ્રયત્ન કરે છે. પરંતુ સાચો માર્ગ તેઓ જાણતા નથી. 3 દેવ જે માર્ગે લોકોને ન્યાયી બનાવે છે એ તેઓ જાણતા ન હતા. અને પોતાની આગવી રીતે તેઓએ ન્યાયી બનવાનો પ્રયત્ન કર્યો. આમ દેવની રીતે ન્યાયી બનવાનું તેમણે સ્વીકાર્યુ નહિ. 4 ખ્રિસ્તે જૂના નિયમશાસ્ત્રનો અંત આણ્યો, જેથી કરીને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર પ્રત્યેક વ્યક્તિને દેવ-પ્રાપ્તિ માટે ન્યાયી બનાવી શકાય. 5 નિયમ દ્વારા દેવ સાથે ન્યાયી થવા સંબંધમાં મૂસા લખે છે. “જે દરેક વ્યક્તિ નિયમનું પાલન કરે છે, તે નિયમની બાબતોનું પાલન કરવાથી જીવન મેળવશે.” 6 પરંતુ વિશ્વાસના માર્ગે યોગ્યતા મેળવવા વિષે શાસ્ત્ર આમ કહે છે: “તમે પોતે આવું ન કહેશો Њ ‘ઉપર આકાશમાં કોણ જશે?”‘ (આનો અર્થ એ છે કે, “ખ્રિસ્તને પ્રાપ્ત કરવા અને તેને પૃથ્વી પર પાછો નીચે લાવવા આકાશમાં કોણ જશે?” 7 અથવા તમે આમ પણ પૂછશો નહિ, કે પૃથ્વીના કે ઊડાણમાં કોણ ઊતરશે?” (એનો અર્થ છે Њ “નીચે પાતાળમાં મૃત્યુલોકમાં જઈને મૃત્યુમાંથી ખ્રિસ્તને પૃથ્વી પર કોણ લઈ આવશે?”) 8 શાસ્ત્ર જે કહે છે તે આ છે: “દેવનો સંદેશ તો તમારી પાસે છે; તે તમારા મુખમાં અને હૃદયમાં છે.” તે સંદેશ તે જ વિશ્વાસનો સંદેશ છે, કે જે અમે લોકોને કહીએ છીએ. 9 જો તમે તમારી મુખવાણીનો ઉપયોગ આમ કહેવા માટે કરશો કે, “ઈસુ પ્રભુ છે,” અને જો તમે તમારા મનમાં માનશો કે દેવે ઈસુને મૃત્યુમાંથી ઉઠાડયો છે, તો તમારું તારણ થશે. 10 હા, અમે અમારા હૃદયોથી માનીએ છીએ, અને તેથી અમને ન્યાયી ઠરાવાયા છે. અને, “અમે એમાં માનીએ છીએ.” એમ કહેવા માટે અમે અમારી મુખની વાણીનો ઉપયોગ કરીએ છીએ; અને તેથી આપણું તારણ થયું છે. 11 હા, ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ તેનામાં વિશ્વાસ કરે છે તેને શરમાવું નહિ પડે.” 12 એ ધર્મશાસ્ત્ર કહે છે, “જે કોઈ વ્યક્તિ,” કારણ કે યહૂદિઓ અને બિન-યહૂદિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. એ જ પ્રભુ સૌ લોકોને પ્રભુ છે. પ્રભુમાં વિશ્વાસ રાખનાર સૌ લોકોને પ્રભુ અનેક આશીર્વાદ આપે છે. 13 હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.” 14 પરંતુ સહાય માટે તેઓ પ્રભુમાં ભરોસો મૂકી શકે તે પહેલાં લોકોએ પ્રભુમાં વિશ્વાસ કરવો જોઈએ. અને લોકો પ્રભુમાં વિશ્વાસ કરે તે પહેલાં તેમણે પ્રભુ વિષે સાંભળેલું હોવું જોઈએ. અને લોકો પ્રભુ વિષે સાંભળે એ માટે બીજી કોઈ વ્યક્તિએ તેમને પ્રભુ વિષે કહેવું પડે. 15 અને લોકોની પાસે જઈને તેઓને બધું કહેવા માટે કોઈક વ્યક્તિને મોકલવી પડે. શાસ્ત્રમાં લખેલું છે કે, “સુવાર્તા લાવનાર પ્રબોધકો કે ઉપદેશકોનાં પગલા કેવાં સુંદર છે!” 16 પરંતુ બધા જ યહૂદિઓએ એ સુવાર્તા માની નહિ. યશાયાએ કહ્યું, “હે પ્રભુ, અમે લોકોને જે કહ્યું એમાં માનનારા કોણ હતા?” 17 આમ, સુવાર્તા સાંભળવાથી વિશ્વાસ આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ લોકોને ખ્રિસ્ત વિષે કહે છે ત્યારે એ સુવાર્તા લોકોને સાંભળવા મળે છે. 18 પરંતુ હું પૂછું છું, “શું લોકોએ એ સુવાર્તા સાંભળી નથી?” હા, તેઓએ સાંભળી જ હતી જેમ શાસ્ત્ર કહે છે તેમ:“આખી દુનિયામાં તેઓને અવાજ ફેલાઈ ગયો; આખા જગતમાં બધે જ તેઓનાં વચનો ફેલાયાં છે.” ગીતશાસ્ત્ર 19:4 19 વળી હું પૂછું કે, “શું ઈસ્રાએલના લોકો એ સુવાર્તા સમજી ન શક્યા?” હા, તેઓ સમજ્યા હતા. પ્રથમ મૂસા દેવ વિષે આમ કહે છે:“જે પ્રજા હજી ખરેખર રાષ્ટ્ર બની નથી, એવા લોકો ઉપર હું તમારામાં ઈર્ષા ઉત્પન્ન કરીશ. જે રાષ્ટ્રમાં સમજશક્તિ નથી તેની પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.” પુર્નનિયમ 32:21 20 દેવ માટે આવું કહેનાર યશાયાએ હિંમતપૂર્વક કહ્યું:“જેઓ મને શોધતા ન હતા-તેઓને હું મળ્યો; જેમણે મને કદી ખોળયો નહોતો એવા લોકોની આગળ હું પ્રગટ થયો.” યશાયા 65:1 21 બિનયહૂદિઓ વિષે યશાયા દ્વારા દેવ આમ બોલ્યો. પરંતુ યહૂદિ લોકો વિષે દેવ કહે છે, “એ લોકો માટે હું રાત-દિવસ રાહ જોઈ રહ્યો છું, પરંતુ મારી આજ્ઞા પાળવાનો અને મને અનુસરવાનો તેઓ ઈન્કાર કરે છે.” યશાયા 65:2
11:1 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું. 2 ઈસ્રાએલના લોકો જનમ્યા તે પહેલાં દેવે તેમને પોતાના માણસો તરીકે પસંદ કર્યા. અને દેવે એ લોકોને તરછોડ્યા નથી. એલિયા પ્રબોધક વિષે ધર્મશાસ્ત્ર જે કહે છે તે તમે સારી રીતે જાણો છો. ઈસ્રાએલના લોકોની વિરુંદ્ધમાં દેવને પ્રાર્થના કરતા એલિયા વિષે શાસ્ત્રમાં ઉલ્લેખ છે. 3 એલિયા બોલ્યો, “હે પ્રભુ, આ લોકોએ તારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તારી વેદીઓનો વિનાશ કર્યો છે. પ્રબોધકોમાં એક માત્ર હું જ હજી જીવતો છું. અને હવે એ લોકો મને પણ મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.” 4 પરંતુ દેવે એલિયાને શું જવાબ આપ્યો, તે જાણો છો? દેવે તેને કહ્યું, “જે 7,000 માણસો હજી પણ મારી ભક્તિ કરે છે તેઓને મેં મારા માટે રાખી મૂક્યા છે. આ 7,000 માણસો ‘બઆલ’ની આગળ ઘૂંટણે પડયા નથી.” 5 એવું જ અત્યારે પણ છે. થોડાક માણસો એવા છે કે જેઓ દેવ કૃપાથી પસંદ કરાયા છે. 6 અને જો દેવ-કૃપાને કારણે એમની પસંદગી થઈ હોય, અને તેઓ દેવના માણસો થયા હોય, તો તે તેઓનાં કર્મોને આધારે નહિ. પરંતુ તેમનાં કર્મોને આધારે તેઓ દેવના ખાસ માણસો થઈ શક્યા હોત તો, દેવ લોકોને કૃપાની જે બક્ષિસ આપે છે તે ખરેખર બક્ષિસ ન ગણાત. 7 તો એ આમ થયું છે: ઈસ્રાએલના લોકોએ દેવ-પ્રાપ્તિ માટે યોગ્યતા કેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ સફળ ન થયા. પરંતુ દેવે જે માણસો પસંદ કર્યા, તેઓ સુપાત્ર થયા. બીજા લોકો કઠણ થયા અને તેમણે દેવનો આદેશ સાંભળવાનો ઈન્કાર કરી દીઘો. 8 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” યશાયા 29:10“દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ, અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ. અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.” પુર્નનિયમ 29:4 9 અને દાઉદ કહે છે:“મિજબાની ઉડાવતા લોકો ભલે ફસાઈ જાય, અને પકડાઈ જાય. ભલે તેઓને પડવા દો અને શિક્ષા થવા દો. 10 તેઓ જોઈ શકે નહિ એવી તેઓની આંખો અંધકારમય થાઓ, અને તેઓની પીઠ તું સદા વાંકી વાળ, અને પછી હંમેશને માટે ભલે તેઓ દુ:ખ ભોગવે.” ગીતશાસ્ત્ર 69:22-23 11 તેથી હું પૂછી રહ્યો છું: “યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું. 12 જો કે યહૂદિઓની ભૂલ આખી દુનિયા માટે સમૃદ્ધ આશીર્વાદો લઈ આવી. અને યહૂદિઓએ જે ખોયું તે બાબતે બિનયહૂદિ લોકો માટે અઢળક આશિષ લાવી. દેવની ઈચ્છા પ્રમાણે યહૂદિઓ જ્યારે લોકો પ્રત્યેક દયાળુ બનશે ત્યારે આખી દુનિયા ખરેખર વધારે સમૃદ્ધ આશીર્વાદ પ્રાપ્ત કરશે. 13 હવે, જે લોકો યહૂદિ નથી તેમને હું સંબોધું છું. બિનયહૂદિઓનો પણ હું પ્રેરિત છું. તેથી જ્યાં સુધી મારે એ કાર્ય કરવાનું છે, ત્યાં સુધી હું મારાથી શક્ય હોય એવી સર્વોત્તમ રીતે કરીશ. 14 મને આશા છે કે હું મારા પોતાના લોકોને ઈર્ષાળુ બનાવી શકીશ. એ રીતે કદાચ એમાંના કેટલાએકને હું બચાવી શકીશ. 15 દેવ યહૂદિઓથી વિમુખ થઈ ગયો. જ્યારે એવું થયું ત્યારે દેવે દુનિયાના અન્ય લોકો સાથે મૈત્રી કરી. તેથી જ્યારે દેવ યહૂદિઓને સ્વીકાર કરશે. ત્યારે લોકોને ખરેખર મૃત્યુ પછીનું તે સાચું જીવન પ્રાપ્ત થશે. 16 જો રોટલીનો પ્રથમ ટૂકડો દેવને અર્પણ કરવામાં આવે છે, તો તે આખી રોટલી પવિત્ર બની જાય છે. જો વૃક્ષનાં મૂળિયાં પવિત્ર હોય તો વૃક્ષની ડાળીઓ પણ પવિત્ર હોય છે. 17 એ વાત એવી છે જાણે કે ઉછેરવામાં આવેલ જૈતૂન વૃક્ષની કેટલીક ડાળીઓ કાપી નાખવામાં આવી છે અને જંગલી જૈતૂન વૃક્ષની એક ડાળીની તેમાં કલમ કરવામાં આવી છે. તમે બિનયહૂદિઓ તે જંગલી ડાળી જેવા છો, અને તમે હવે પ્રથમ વૃક્ષની શક્તિ અને જીવનના સહભાગી થયા છે. 18 અસલ વૃક્ષની ડાળીઓ જે કાપી નાખવામાં આવી હતી, તે વિષે તમે ગર્વ કરશો નહિ. એનું ગર્વ કરવા માટે તમારી પાસે કોઈ યોગ્ય કારણ પણ નથી. શા માટે? કેમ કે તમે એ અસલ વૃક્ષનાં મૂળિયાંને જીવન આપતા નથી. તે મૂળિયાં તમને જીવન આપે છે, તમારા જીવનને આધાર આપે છે. 19 તમે કહેશો, “ડાળીઓ એટલા માટે તોડી નાખવામાં આવી હતી કે જેથી કરીને હું તે ઝાડમાં જોડાઈ શકું.” 20 એ સાચું છે. પરંતુ એ ડાળીઓ તોડી નાખવામાં આવી હતી કેમ કે અસલ વૃક્ષમાં તેઓને વિશ્વાસ ન હતો. અને તમે એ અસલ વૃક્ષના ભાગ બની જીવી રહ્યાં છો, કારણ કે તમે વિશ્વાસ ધરાવો છો. અભિમાન ન કરશો, પરંતુ દેવનો ડર રાખો. 21 જેમ દેવે એ વૃક્ષની કુદરતી ડાળીઓને રહેવા ન દીઘી, એ જ રીતે જો તમે વિશ્વાસ નહિ રાખો તો, દેવ તમને પણ રહેવા નહિ દે. 22 આમ, તમે જોઈ શકો છો કે દેવ દયાળુ છે, પરંતુ તે ઘણી સખતાઈ પણ રાખી શકે છે. જે લોકો દેવને અનુસરવાનું બંધ કરે છે તેઓને દેવ શિક્ષા કરે છે. પરંતુ જો તમે દેવની દયા હેઠળ જીવન જીવતા હશો તો તે હંમેશા તમારા પ્રત્યે કૃપાળુ રહેશે. જો તમે દેવની દયાને અનુસરવાનું ચાલુ નહિ રાખો તો વૃક્ષમાંથી ડાળીની જેમ કપાઈ જશો. 23 અને જો યહૂદિઓ ફરીથી દેવમાં માનતા થશે તો, દેવ એમને ફરી પાછા અપનાવી લેશે. તેઓ જ્યાં હતા ત્યાં મૂળ સ્થાને તેમને પુન:સ્થાપિત કરવા દેવ સમર્થ છે. 24 કોઈ જંગલી ડાળી એક સારા વૃક્ષનું અંગ બને એ કાંઈ કુદરતી ઘટના નથી. તમે બિનયહૂદિઓ તો કોઈ જંગલી જૈતૂન વૃક્ષની તૂટેલી ડાળી જેવા છો. અને એક સારા જૈતૂન વૃક્ષ સાથે તમને જોડવામાં આવ્યા હતા. પરંતુ પેલા યહૂદિઓ તો સારા વૃક્ષની ફૂટેલી ડાળી જેવા છે. તેથી, તેમના પોતાના અસલ વૃક્ષ સાથે તેમને ફરીથી જોડી શકાય છે. 25 ભાઈઓ તથા બહેનો, આ રહસ્યમય સત્ય હું તમને સમજાવવા માગું છું. હું ઈચ્છું છું કે આ સત્ય તમને સમજવા માટે સહાયરૂપ થશે કે તમે સર્વજ્ઞ નથી. તે સત્ય આ છે: ઈસ્રાએલના એક ભાગને હઠીલો બનાવવામાં આવ્યો છે. પરંતુ પુરતા પ્રમાણમાં બિનયહૂદિઓ જ્યારે દેવના શરણે આવશે ત્યારે એ સ્થિતિ પણ બદલાશે. 26 અને એ રીતે આખા ઈસ્રાએલને બચાવશે. શાસ્ત્રોમાં લખેલું છે:“સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબના કુટુંબના અધર્મને તથા સર્વ અનિષ્ટોને દૂર કરશે. 27 અને જ્યારે હું તેઓનાં પાપ દૂર કરીશ, ત્યારે તેઓની સાથેનો મારો કરાર પૂર્ણ થશે.” યશાયા 59:20-21; 27:9 28 યહૂદિઓ સુવાર્તા સ્વીકારવાનો ઈન્કાર કરે છે, તેથી તેઓ દેવના શત્રું છે. તમે બિનયહૂદિઓને મદદ કરવા આમ કર્યુ છે. પરંતુ એ ભૂલશે નહિ કે યહૂદિઓ હજૂ પણ દેવની ખાસ પસંદગી પામેલા લોકો છે. તેથી દેવ તેઓને ખૂબજ ચાહે છે. દેવે તેમના બાપદાદાઓને વચનો આપ્યાં હતાં, તેથી દેવ તેમને ચાહે છે. 29 દેવ જ્યારે જે લોકોને પાસે બોલાવીને એમને કઈક આપે છે, તે પછી દેવ લોકોને આપેલું પોતાનું વચન કદી પણ પાછું ખેંચી લેતો નથી. 30 એક સમય એવો હતો કે જ્યારે તમે દેવના આદેશનો અનાદર કરતા હતા. પરંતુ હમણા તમે દયાપાત્ર બન્યા, કેમ કે પેલા યહૂદિ લોકોએ દેવ-આજ્ઞાનો અનાદર કર્યો છે. 31 અને હવે યહૂદિઓ આજ્ઞાપાલનનો અનાદર કરે છે, કેમ કે દેવે તમને ક્ષમા આપી છે. પરંતુ આમ એટલા માટે બન્યું, જેથી તેઓની ઉપર દેવ દયા કરે. 32 દેવ-આજ્ઞાનો અનાદર બધા લોકોએ કર્યો જ છે. આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા બધા લોકોને દેવે એક સાથે એક જગ્યાએ એકત્રિત કરી રાખ્યા છે, જેથી કરીને તે તેઓ પર દયા વરસાવી શકે. 33 હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. 34 શાસ્ત્ર કહે છે તેમ,“પ્રભુનું મન કોણે જાણ્યું છે? તેનો મંત્રી કોણ થયો છે?” યશાયા 40:13 35 “દેવને કોઈએ કઈ પણ ક્યારે આપ્યું છે? દેવ કોઈ પણ વ્યક્તિનો ઋણી નથી. જેથી કોઈને પાછું ભરી આપવામાં આવે?” અયૂબ 41:11 36 હા, બધી વસ્તુઓના સર્જક દેવ છે. અને દરેક વસ્તુ દેવ દ્વારા અને દેવ માટે જ ટકી રહે છે. દેવનો સર્વકાળ મહિમા થાઓ! આમીન.
12:1 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે. 2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે. 3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો! 4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી. 5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ. 6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ. 7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું. 8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ. 9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો. 10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ. 11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો. 12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો. 13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો. 14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો. 15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો. 16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો. 17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો. 18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો. 19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,”એમ પ્રભુ કહે છે. 20 પરંતુ તમારે આમ કરવું જોઈએ: “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો એને ખવડાવ. જો તારો દુશ્મન તરસ્યો હોય તો તેને પાણી પા; આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” નીતિવચનો 25:21-22 21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.
13:1 દરેક માણસે મુખ્ય અધિકારીઓના હુકમનું પાલન કરવું જ જોઈએ. જે અધિકારી છે તેઓને દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. અને અત્યારે જે લોકો શાસન કરી રહ્યા છે, તેમને પણ દેવ દ્વારા એ સત્તા આપવામાં આવી છે. 2 તેથી જે વ્યક્તિ સરકારની વિરુંદ્ધમાં હોય તે ખરેખર તો દેવના આદેશની વિરુંદ્ધમાં છે. સરકારની વિરુંદ્ધ જતા લોકો પોતે શિક્ષા વહોરી લે છે. 3 જે લોકો સારાં કાર્યો કરતા હોય તેમણે સરકારી અધિકારીઓથી ડરવાની જરૂર નથી. પરંતુ જે લોકો ખોટાં કામો કરતા હોય તેમને તો અધિકારીઓનો ડર લાગવો જ જોઈએ. શું તમારે શાસકોના ડરમાંથી મુક્ત થવું છે? તો તમારે સારાં કામો કરવાં જોઈએ. જો તમે સારાં કાર્યો કરશો તો સરકારી અધિકારીઓ તમારાં વખાણ કરશે. 4 શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે. 5 તેથી તમારે સરકારના નિયમોનું પાલન કરવું જ જોઈએ. તમારે સરકારી કાયદાઓનું પાલન કરવું જોઈએ કારણ કે જો તમે પાલન ન કરો તો તમને શિક્ષા થાય. તમારે એટલા માટે પણ કાયદાનું પાલન કરવું જોઈએ કેમ કે, એમ કરવું જ યોગ્ય છે એ તમે જાણો છો. 6 અને તેથી જ તમે કરવેરા પણ ચૂકવો છો. જે સત્તાધારી છે તે દેવ માટે કાર્ય કરે છે અને શાસન કાર્યમાં પોતાનો બધો સમય આપે છે. 7 જે લોકોનું ઋણ તમારા માથે હોય તે તેમને ચૂકવો. કોઈ પણ જાતના કરવેરા કે કોઈ પણ જાતનું દેવું તમારા પર હોય તો તે ભરપાઈ કરી દો. જે લોકોને માન આપવા જેવું હોય તેમને માન આપો. અને જેમનું સન્માન કરવા જેવું હોય તેમનું સન્માન કરો. 8 કોઈનું કોઈ પણ પ્રકારનું દેવું રાખશો નહિ. પરંતુ હંમેશા એક બીજાના પ્રેમના ઋણી રહો. જે વ્યક્તિ બીજા લોકોને પ્રેમ કરે છે તેણે ખરેખર નિયમની બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરી છે એમ ગણાશે. 9 હું આમ શા માટે કહું છું? કારણ કે નિમયશાસ્ત્ર કહે છે, “તારે વ્યભિચારનું પાપ ન કરવું જોઈએ, ખૂન ન કરવું, કશાયની ચોરી ન કરાય, બીજા લોકોની વસ્તુઓ મેળવી લેવાની ઈચ્છા ન કરાય.”આ અને બીજી બધી આજ્ઞાઓ કે આદેશો ખરેખર તો એક જ નિયમમાં સમાઈ જાય છે: “જે રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો, એ જ રીતે પોતાના પડોશી પર પણ પ્રેમ કરો.” 10 પ્રેમ બીજા લોકોને ઈજા કે દુ:ખ પહોંચાડી શકતો નથી. તેથી, નિયમના બધા જ આદેશોનું પાલન કરવું કે તેને પ્રેમ કરવો એ બધું એક જ છે. 11 આ બધી વાત હું તમને એટલા માટે કહું છું કે, તમે જાણો છો તેમ, આપણે સૌ મહત્વપૂર્ણ સમયમાં જીવી રહ્યાં છીએ. હા, તમારી નિંદ્રામાંથી જાગૃત થવાનો હવે સમય આવ્યો છે. પછી જ્યારે આપણે વિશ્વાસીઓ બન્યા તેના કરતાં હવે તારણનો સમય આપણી વધુ નજીક છે. 12 “રાત”લગભગ સમાપ્ત થઈ ચૂકી છે. “દિવસ”ઊગી રહ્યો છે. તેથી આપણે અંધકારનાં કામો કરવાનું હવે બંધ કરવું જોઈએ. સત્કર્મોના કાર્યો માટે આપણે પ્રકાશના શાસ્ત્રોથી સજજ થવું જોઈએ. 13 પ્રકાશમાન દિવસમાં રહેતા લોકોની જેમ આપણે વર્તવું જોઈએ. મોંજ મસ્તીથી છલકાતી ખર્ચાળ મિજબાનીઓ આપણે ઉડાવવી ન જોઈએ. મદ્યપાન કરીને આપણે નશો ન કરવો જોઈએ. આપણે આપણાં અવયવો વડે જાતીય વાસનાનું પાપ કે બીજાં કોઈ પણ પાપ ન કરવાં જોઈએ. આપણે (બિનજરુંરી) દલીલો કરીને મુશ્કેલીઓ ઊભી કરવી ન જોઈએ, અથવા ઈર્ષાળુ ન બનવું જોઈએ. 14 પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો. તમારામાં રહેલો પાપનો અંશ તમને જે ખરાબ ઈચ્છાઓ કરાવે છે, તેને સંતોષવાના વિચારો ન કરો.
14:1 વિશ્વાસમાં જે માણસ નબળો હોય તો તેનો તમે તમારી મંડળીમાં સ્વીકારવા માટે ઈન્કાર ન કરશો. અને એ વ્યક્તિના જુદા વિચારો વિષે એની સાથે દલીલબાજીમાં ન ઉતરશો. 2 એક વ્યક્તિ એવું માને છે કે એને મન ફાવે તેમ તે કોઈપણ જાતનો ખોરાક ખાઈ શકે છે. પરંતુ નિર્બળ વિશ્વાસ ધરાવનાર માણસ એવું માને છે કે તે ફક્ત શાકભાજી જ ખાઈ શકે છે. 3 કોઈપણ જાતનો ખોરાક લેનાર માણસે એવું માની લેવું ન જોઈએ કે તે શુદ્ધ શાકાહારી વ્યક્તિ કરતાં વધારે સારો છે. અને ચુસ્ત શાકાહારી માણસે પણ એવું માનવું ન જોઈએ કે બધી જાતનો ખોરાક લેનાર માણસ ખોટો છે. કેમ કે દેવે તેનો પણ સ્વીકાર કર્યો છે. 4 બીજા માણસના નોકર વિષે તમે અભિપ્રાય આપી ન શકો. નોકર કામ બરાબર કરે છે કે નહિ, એ તો ફક્ત એનો પોતાનો જ શેઠ નક્કી કરી શકે. અને પ્રભુનો સેવક ન્યાયી હશે કારણ કે તેને ન્યાયી કે સુપાત્ર બનાવવા પ્રભુ સમર્થ છે. 5 કોઈ માણસ એવું માની શકે કે કોઈ એક દિવસ તે બીજા કોઈ દિવસ કરતાં વધારે મહત્વનો છે. અને વળી બીજો કોઈ માણસ એવું માની શકે કે બધા દિવસ એક સરખાજ છે. ખરી વાત તો એ છે કે દરેક માણસે મનમાં પોતાની માન્યતાઓ વિષે બરાબર સ્પષ્ટ હોવું જોઈએ. 6 બીજા દિવસો કરતાં અમુક જ દિવસ વધારે અગત્યનો છે એવું માનનાર માણસ પ્રભુને માટે એવું કરી રહ્યો છે. અને બધું જ ખાનાર માણસ પણ દેવને માટે એવું કરી રહ્યો છે. હા એ ખોરાક માટે તે દેવનો આભાર માને છે. અને અમુક ખોરાક ખાવાનો ઈન્કાર કરનાર માણસ પણ પ્રભુને ખાતર એમ કરી રહ્યો છે. એ પણ દેવનો આભાર માને છે. 7 હા, આપણે સૌ પ્રભુને ખાતર જીવીએ છીએ. આપણે કાંઈ આપણી પોતાની જાત માટે જીવતા કે મરતા નથી. 8 જો આપણે જીવીએ છીએ તો તે પ્રભુને ખાતર જ જીવીએ છીએ. અને જો આપણે મરીએ છીએ તો તે પણ પ્રભુને ખાતર જ. આમ, જીવતાં કે મરતાં આપણે પ્રભુનાજ છીએ. 9 તેથી જ તો ખ્રિસ્ત મરણ પામ્યો અને પાછો મૃત્યુમાંથી સજીવન થયો. ખ્રિસ્તે આ પ્રમાણે કર્યુ જેથી કરીને જે લોકો મરણ પામ્યા છે અને જેઓ હજી જીવતા છે તે સૌને ને પ્રભુ થાય. 10 તો પછી ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર તમારા ભાઈ વિષે તમે શા માટે સારો કે ખરાબ અભિપ્રાય બાંધો છો? અથવા તો તમારા ભાઈ કરતાં તમે વધારે સારા છો, એમ તમે શા માટે વિચારો છો? આપણે બધાએ દેવના ન્યાયાસન આગળ ઉપસ્થિત થવાનું છે અને તે આપણા સૌનો ન્યાય કરશે. 11 હા, શાસ્ત્રમાં લખેલું છે: પ્રભુ કહે છે કે,“પ્રત્યેક વ્યક્તિ મારી આગળ ઘૂંટણીએ પડીને નમન કરશે અને પ્રત્યેક વ્યક્તિ કબૂલ કરશે કે, હું દેવ છું. હું જીવું છું એ જેટલું ચોક્કસ છે, એટલું ચોક્કસ એ રીતે આ બધું બનશે.” યશાયા 45:23 12 આમ, પોતાના જીવન વિષે આપણામાંની દરેક વ્યક્તિએ દેવને જવાબ આપવો પડશે. 13 આમ આપણે એકબીજાનો ન્યાય તોળવાનું બંધ કરવું જોઈએ. આપણે એવો નિર્ણય લેવો પડશે કે આપણે એવું કાંઈ પણ ન કરવું કે જે કોઈ ભાઈ કે બહેનને નિર્બળ બનાવે કે તેને પાપમાં પાડે. 14 હું તો પ્રભુ ઈસુમાં છું. અને હું જાણું છું કે એવો કોઈ ખોરાક નથી કે જે ખાવા માટે નકામો હોય. પરંતુ જો કોઈ માણસ એવું માનતો હોય કે કોઈ વસ્તુ તેના માટે ખોટી કે નકામી છે, તે તેના માટે તે ખોટું જ છે. 15 જો તમે જે કાંઈ ખોરાક લેતા હોય અને તેનાથી તમારા ભાઈની લાગણી દુભાતી હોય તો તમે પ્રેમનો માર્ગ અનુસરતા નથી. તેને ખાવાનો આગ્રહ કરીને તેના વિશ્વાસનો નાશ કરશો નહિ. એ માણસ માટે ઈસુ મરણ પામ્યો છે. 16 તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું કશું કરશો નહિ. 17 દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે. 18 જે કોઈ વ્યક્તિ આ રીતે જીવન જીવીને ખ્રિસ્તની સેવા કરે છે તે દેવને પ્રસન્ન કરે છે. અને બીજા લોકો પણ એ વ્યક્તિનો સ્વીકાર કરે છે. 19 જે કામો કરવાથી શાંતિ સ્થપાતી હોય એવું કરવા આપણે સખત પરિશ્રમ કરીએ. અને જેનાથી એક બીજાને મદદ થાય એવું કરવાનો આપણે પ્રયત્ન કરીએ. 20 જ ખોરાક ખાવાની બાબત પર માર મૂકીને દેવનું કાર્ય નષ્ટ ન થવા દો. ખાવાની બાબતમાં બધો જ ખોરાક ખાવા લાયક હોય છે. પરંતુ જે ખાવાથી બીજો માણસ જો પાપમાં પડતો હોય તો એ ખોરાક ખાવો યોગ્ય ન ગણાય. 21 સાચી વસ્તુ એ છે કે માંસ ખાવાથી કે દ્રાક્ષારસ પીવાથી કે એવું કાંઈ કરવાથી જો તમારા ભાઈનું આધ્યાત્મિક પતન થતું હોય તો તે યોગ્ય નથી. તેથી એવું કાંઈ પણ ન કરવું જેનાથી કોઈનું પણ આધ્યાત્મિક પતન થાય. 22 આવી બાબતો વિષેની તમારી અંગત માન્યતાઓને તમારી અને દેવની વચ્ચે ગુપ્ત રાખવી જોઈએ. અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવ્યા વગર જે વ્યક્તિ પોતે જેને સાચું કે યોગ્ય માનતો હોય એવું કરી શકે એવી વ્યક્તિને ધન્ય છે. 23 તે ખોરાક ખાવો યોગ્ય છે કે નહિ તેની ખાતરી કર્યા વગર જો કોઈ વ્યક્તિ તે ખાઈ લે તો તે પોતાની જાતને દોષિત માને છે. શા માટે? કારણ કે તે વ્યાજબી હતું એમ તેણે માન્યું નહોતું. અને જો કોઈ વ્યક્તિ જેમાં તેને વિશ્વાસ નથી કે તે સાચું છે અને તે કરે છે તો પછી તે પાપ છે.
15:1 આપણે સબળ વિશ્વાસુ છીએ. તેથી જે લોકો વિશ્વાસમાં નિર્બળ હોય તેવાને આપણે મદદ કરવી જોઈએ. એ લોકોની નિર્બળતાઓ સંભાળી લઈને આપણે એમને મદદ કરવી જોઈએ. આપણે આપણી જાતને ખુશ કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. 2 આપણામાંના દરેકે બીજાને પણ ખુશ કરવા જોઈએ. એમને મદદ કરવા આપણે આમ કરવું જોઈએ. એમનો વિશ્વાસ દ્રઢ થાય એ માટે એમને મદદ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. 3 ખ્રિસ્ત પણ પોતાને ખુશ કરવાના પ્રયત્નમાં જીવન જીવ્યો ન હતો. તેના વિષે શાસ્ત્રમાં કહ્યું છે તેમ: “જે લોકોએ તારું અપમાન કર્યું છે, તેમણે મારું પણ અપમાન કર્યું છે.” 4 ભૂતકાળમાં જે બધું લખવામાં આવ્યું હતું તે આપણને ઉપદેશ આપવા અને આપણામાં આશા ઉપજાવવા લખાયું હતું. આપણને ઉદ્ધારની આશા મળે એ માટે એ બધું લખાયું હતું, શાસ્ત્રો આપણને જે ધીરજ અને શક્તિ આપે છે તેમાંથી આશા જન્મે છે. 5 ધીરજ અને શક્તિનો સ્રોત દેવ છે. દેવને મારી પ્રાર્થના છે કે ખ્રિસ્ત ઈસુ ઈચ્છે છે તેમ તમને સૌને હળીમળીને સાથે રહેવામાં દેવ તમારી મદદ કરે. 6 એમ કરવાથી તમે સૌ એક સૂત્રમાં બંધાશો. અને આમ તમે સૌ સાથે રહીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા દેવને મહિમાવંત કરશો. 7 ખ્રિસ્તે તમને સ્વીકાર્યા, તેવી રીતે તમારે એકબીજાને સ્વીકારવા જોઈએ. એમ કરવાથી દેવને મહિમા મળશે. 8 મારે તમને એ કહેવું છે કે દેવ જે વચન આપે છે તે સત્ય છે, એમ બતાવવા ખ્રિસ્ત યહૂદિઓનો સેવક થયો. દેવે યહૂદિઓના પૂર્વજોને જે જે વચનો આપ્યાં હતાં તે દેવ કરી બતાવશે, એ સાબિત કરવા માટે ખ્રિસ્તે આમ કર્યુ. 9 અને બિનયહૂદિઓ પણ દેવની દયાને માટે સ્તુતિ કરે. શાસ્ત્રમાં લખ્યું છે,“માટે હું બિનયહૂદિઓમાં તારી સ્તુતિ કરીશ; અને તારા નામનાં સ્ત્રોત્ર ગાઈશ.” ગીતશાસ્ત્ર 18:49 10 શાસ્ત્ર તો આમ પણ કહે છે:“દેવના માણસોની સાથે સાથે સૌ બિનયહૂદિઓએ પણ આનંદિત થવું જોઈએ.” પુર્નનિયમ 32:43 11 વળી શાસ્ત્ર આમ પણ કહે છે:“તમે સૌ બિનયહૂદિઓ પ્રભુની સ્તુતિ કરો; અને સઘળાં લોકો પ્રભુનાં ગુણગાન ગાઓ.” ગીતશાસ્ત્ર 117:1 12 અને યશાયા પ્રબોધક કહે છે:“યશાઈના વંશમાંથીએક વ્યક્તિ આવશે. તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” યશાયા 11:10 13 હવે દેવ કે જેના પર તમે આશા રાખો છો, તે તમને તમારા વિશ્વાસને પૂર્ણ આનંદ અને શાંતિથી ભરી દો. જેથી કરીને તમે તે પવિત્ર આત્માના સાર્મથ્ય દ્વારા ભરપૂર આશાથી છલકાઈ જાઓ. 14 મારા ભાઈઓ તથા બહેનો, મને ખાતરી છે કે તમે ભલાઈથી ભરપૂર છો. હું જાણું છું કે જરૂર હોય એટલું સર્વ પ્રકારનું જ્ઞાન તમે ઘરાવો છો, અને તમે એકબીજાને ચેતવણી આપી શકો એમ છો. 15 એ છતાં વિદેશીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય આર્પણ થાય, માટે દેવની સુવાર્તાનો યાજક થઈને હું વિદેશીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉ. 16 એ કારણે દેવે મને જે કૃપાદાન આપ્યું છે તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવા માટે વધારે હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે. 17 આમ, ખ્રિસ્ત ઈસુમાં દેવ માટે હું જે કઈ કરી શક્યો છું એનું મને ગૌરવ છે. 18 મેં પોતે જે કઈ કર્યુ છે તે વિષે હું વાત નહિ કરું. બિનયહૂદિ લોકો દેવની આજ્ઞા માને એવું એમને માર્ગદર્શન આપવામાં ખ્રિસ્તે મારી પાસે જે કાર્ય કરાવ્યું છે તે વિષે જ હું બોલીશ. મેં જે બાબતો કહી છે અને કરી છે, એને લીધે તેઓએ દેવની આજ્ઞા પાળી છે. 19 પરાક્રમોની શક્તિ અને જે મહાન વસ્તુઓ એમણે જોઈ છે, અને પવિત્ર આત્માના સાર્મથ્યને લીધે એમણે દેવનો આદેશ માન્યો છે. યરૂશાલેમથી માંડીને ઈલ્લુરિકા સુધી બધે ફરી ફરીને મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે. અને આમ મારા કાર્યનો એ ભાગ મેં પરિપૂર્ણ કર્યો છે. 20 જે જે સ્થળોએ લોકોએ કદી પણ ખ્રિસ્ત વિષે સાંભળ્યું ન હોય ત્યાં સુવાર્તા પ્રગટ કરવાનાં કાર્યને મેં હમેશા મારું ધ્યેય બનાવ્યું છે. આમ કરવાનું કારણ એ છે કે બીજી કોઈ વ્યક્તિએ જ્યાં આ કાર્ય પહેલેથી જ શરું કરી દીધું હોય ત્યાં પહોંચી જઈને એણે કરેલા કાર્યના પાયા પર હું કામ ન કરું. 21 પણ, શાસ્ત્રોમાં લખેલું છે:“જે લોકોને તેના વિષે કશું જ કહેવામાં નથી આવ્યું તે લોકો જોશે, અને જેઓના સાંભળવામાં આવ્યું નહોતું તેઓ સમજશે.” યશાયા 52:15રોમની મુલાકાત માટે પાઉલની યોજના 22 તેથી જ ઘણી વાર તમારી પાસે આવતાં મને રોકવામાં આવતો હતો. જેથી મારે અહીં રોકાઈ જવું પડતું હતું. 23 હવે અહીં આ વિસ્તારોમાં મેં મારું કાર્ય પરિપૂર્ણ કર્યુ છે. વળી ઘણાં વર્ષોથી તમારી મુલાકાતે આવવાનું મને મન હતું. 24 તેથી હું જ્યારે સ્પેન જઈશ ત્યારે તમારી મુલાકાત લઈશ. હા, સ્પેન પ્રવાસે જતા તમારી મુલાકાત લેવાની હું આશા રાખું છું, અને તમારી સાથે રહેવાથી મને ખૂબ આનંદ થશે. પછી તમે મારા પ્રવાસમાં મને મદદ કરી શકશો. 25 અત્યારે તો હું દેવના લોકોને મદદરૂપ થવા યરૂશાલેમ જઈ રહ્યો છું. 26 યરૂશાલેમમાં દેવના કેટલાક સંતો ગરીબ છે. મકદોનિયા અને અખાયાના વિશ્વાસુ લોકોએ તેઓને સારું કઈ ઉઘરાણું કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ગરીબ લોકોને મદદ કરવા એમણે દાન આપ્યું છે. 27 મકદોનિયા અને અખાયાના વિશ્વાસી ભાઈઓ આમ કરતાં આનંદ અનુભવતા હતા. અને યરૂશાલેમના વિશ્વાસીઓને એમણે ખરેખર મદદ કરવી જ જોઈએ. તેઓએ એમને મદદ કરવી જોઈએ કારણ કે તેઓ આ રીતે બિનયહૂદિઓ છે અને યહૂદિઓને ઈસુના આધ્યાત્મિક આશીર્વાદોના તેઓ ભાગીદાર થયા. તેથી યહૂદિઓને મદદ કરવા એમની પાસે જે કાંઈ હોય એનો એમણે ઉપયોગ કરવો જોઈએ. તેઓના માથે યહૂદિઓનું ઋણ છે. 28 મારે ખાતરી કરવી પડશે કે યરૂશાલેમના ગરીબ લોકોને જ આ બધા પૈસા મળે કે જે એમના માટે દાનમાં આપવામાં આવ્યા છે. આ કાર્ય પૂરું કર્યા પછી હું સ્પેન જવા નીકળીશ. સ્પેનના પ્રવાસે જતાં તમારી મુલાકાત લેવા માટે હું રોકાઈશ. 29 હું જાણું છું કે તમારી મુલાકાત વખતે તમારા માટે, હું ખ્રિસ્તના ભરપૂર આશીર્વાદો લાવીશ. 30 ભાઈઓ તથા બહેનો, મારા આ કાર્યમાં મને મદદ કરવા તમે મારા માટે દેવને પ્રાર્થના કરો એવી મારી તમને વિનંતી છે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે આ કરો. પવિત્ર આત્મા આપણને પ્રેમ આપે છે તેટલા માટે આમ કરો. 31 યહૂદિયામાં રહેતા અવિશ્વાસીઓના હુમલામાંથી હું બચી જાઉ એવી પ્રાર્થના કરો. અને એવી પણ પ્રાર્થના કરો કે યરૂશાલેમ માટે હું જે મદદ લાવી રહ્યો છું તેનાથી ત્યાંના દેવના સંતો ખુશ થાય. 32 જો દેવની ઈચ્છા હશે તો હું તમારી પાસે સહર્ષ આવીશ અને તમારી સાથે હું વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક દેવની પ્રાર્થના કરીને મને મદદ કરો. 33 દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.
16:1 હું તમને જણાવવા ઈચ્છું છું કે ખ્રિસ્તમાં ખ્રિસ્તની મંડળીની તે ખાસ સેવિકા છે. 2 પ્રભુના નામે દેવના લોકોને શોભે તે રીતે તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ તમારી પાસે મદદની માગણી કરે ત્યારે તેને સહાય કરજો. 3 પ્રિસ્કા અને અકુલાસને મારી સલામ કહેજો. ખ્રિસ્ત ઈસુની સેવામાં તેઓ મારી કાર્ય કરે છે. 4 મારો જીવ બચાવવા તેમણે પોતાનું જીવન જોખમમાં મૂક્યું હતું. હું એમનો આભારી છું, અને બધી જ બિનયહૂદિ મંડળીઓ એમની આભારી છે. 5 અને વળી એમના ઘરમાં જે મંડળી છે તેને પણ મારી સલામ કહેશો.મારા પ્રિય મિત્ર અપૈનિતસને મારા સ્નેહસ્મરણ પાઠવશો. આસિયા માઈનોરના પશ્ચિમ વિસ્તારમાં ખ્રિસ્તનો શિષ્ય થનાર તે પહેલો માણસ હતો. 6 મરિયમની ખબર પૂછશો, તમારા માટે એણે ઘણું સખત કામ કર્યુ છે. 7 આન્દ્રનિકસ અને જુનિયાસને સલામ કહેજો. તેઓ મારા સંબંધી છે, અને તેઓ મારી સાથે કેદમાં હતા. તેઓ તો દેવના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ કાર્યકરોમાંના છે. મારી અગાઉ તેઓ ખ્રિસ્તમાં વિશ્વાસી હતા. 8 પ્રભુમાં મારા પ્રિય મિત્ર અંપ્લિયાતસને મારી સલામ પાઠવશો. 9 ઉર્બાનુસને મારી સલામ કહેજો. ખ્રિસ્તની સેવામાં જોડયેલા તે મારા સહકાર્યકર છે. અને મારા પ્રિય મિત્ર સ્તાખુસની ખબર પૂછશો. 10 અપેલ્લેસને મારી સલામ કહેશો. તેની પરીક્ષા કરવામાં આવી હતી અને સાબિત થયું હતું કે તે ખ્રિસ્તને ખરેખર પ્રેમ કરે છે. અરિસ્તોબુલસના કુટુંબના સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 11 મારા સંબંધી હેરોદિયોનને સલામ કહેજો. નાર્કીસસ કુટુંબના જેઓ પ્રભુના છે તે સૌ સભ્યોને મારી સલામ પાઠવશો. 12 ત્રુંફૈના અને ત્રુંફોસાની મારા વતી ખબર પૂછશો. પ્રભુ માટે આ સ્ત્રીઓ ઘણી સખત મહેનત કરી રહી છે. પેર્સિસને મારી સ્નેહભીની યાદ પાઠવશો. એણે પણ પ્રભુ માટે ઘણો સખત પરિશ્રમ કર્યો છે. 13 રૂફસને સલામ કહેજો. પ્રભુની સેવામાં તે વિશિષ્ટ વ્યક્તિ છે. એની માને મારી સલામ પાઠવશો. એ તો મારી મા પણ થાય છે. 14 ખ્રિસ્તના શરણે આવેલા સૌ ભાઈઓ સાથે અસુંકિતસ, ફલેગોન, હર્મેસ, પાત્રબાસ તથા હાર્માસ છે તેઓને મારી સલામ કહેજો. 15 ફિલોલોગસ અને જુલિયા, નેર્યુસ તથા એની બહેન, અને ઓલિમ્પાસને મારી સલામ પાઠવશો. અને એમની સાથે જે સંતો છે તે સૌને મારી સલામ કહેજો. 16 તમે જ્યારે એક બીજાને મળો ત્યારે મંડળીમાં આવનાર બધાને પવિત્ર ચુંબન વડે સલામ કરજો. ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર બધી મંડળીઓ તમને સલામ કહે છે. 17 ભાઈઓ તથા બહેનો, એક બીજા વચ્ચે જે લોકો ફાટફૂટ પડાવે છે એવા લોકોથી સંભાળીને રહેવા હું તમને કહું છું. અન્ય લોકોને વિશ્વાસ ડગાવી દેતા લોકોથી ચેતતા રહેજો. તમે જે સાચો ઉપદેશ શીખ્યા છો તેના તેઓ વિરોધી છે. એવા લોકોથી દૂર રહેજો. 18 એવા લોકો આપણા પ્રભુ ખ્રિસ્તની સેવા કરતા નથી. તેઓ ખ્રિસ્તને માનતા નથી. તેઓ તો ફક્ત પોતાની જાતને મઝા પડે એવાં કામો કરતા ફરે છે. જે સીધા-સાદા લોકો ભૂંડું કે પાપ વિષે કશું જાણતા નથી, એમનાં સરળ અને ભોળાં મનને ભરમાવવા તેઓ મીઠી-મીઠી કાલ્પનિક વાતો કરે છે. 19 તમે લોકો દેવની આજ્ઞા પાળો છો, એમ બધા વિશ્વાસીઓએ સાંભળ્યું છે. તેથી એ વિષે તમારે લીધે મને ઘણો આનંદ થાય છે. પરંતુ જે બધી વસ્તુઓ સારી છે તે તમે જાણો અને સમજો એમ હું ઈચ્છું છું. અને જે બાબતો ભૂંડી છે તે વિષે તમે બિલકુલ ન જાણો એમ પણ હું ઈચ્છું છું. 20 શાંતિ આપનાર દેવ હવે ટૂંક સમયમાં જ શેતાનને હરાવશે અને એના પર તમારી સત્તા ચાલે એવી તમને શક્તિ આપશે. પ્રભુ ઈસુની દયા તમારી સાથે જ છે. 21 મારી સાથેના કાર્યકર તિમોથી તમને સલામ પાઠવે છે. વળી મારા સંબંધીઓ લૂક્યિસ, યાસોન, સોસિપાત્રસ પણ તમારી ખબર પૂછે છે. 22 હું તેર્તિયુસ છું, અને પાઉલ જે બોલે છે તે બધું હું લખી રહ્યો છું. પ્રભુના નામે મારી તમને સલામ કહું છું. 23 ગાયસ એનું ઘર મને તથા અહીંની આખી ખ્રિસ્તની મંડળીને વાપરવા દે છે. તે પણ તમને સલામ પાઠવે છે. એરાસ્તસ અને આપણો ભાઈ કવાર્તસ તમારી ખબર પૂછે છે. એરાસ્તસ અહીંનો નગર-ખજાનચી છે. 24 25 દેવનો મહિમા થાઓ. એક માત્ર દેવ જ તમારા વિશ્વાસને દ્રઢ કરી શકે છે. જે સુવાર્તાનો ઉપદેશ હું તમને ધર્મમાં તમારો વિશ્વાસ મજબૂત કરવા આપું છું, એ સંદેશનો સદુપયોગ દેવ હવે કરી શકશે. સુવાર્તા એટલે કે લોકોનાં પાપ માફ થઈ શકે અને તેઓ દેવના સાન્નિધ્યમાં રહેવા સુપાત્ર થાય, એવો માર્ગ હવે દેવે સૌ માટે ખૂલ્લો કરી દીધો છે. એ સુવાર્તા ઈસુ ખ્રિસ્ત વિષે છે કે જે હું લોકોને કહું છું. સુવાર્તા એક ગુપ્ત સત્ય છે કે જે હવે દેવે જાહેર કર્યુ છે. ઘણા વર્ષોથી એ રહસ્યમય સત્ય છુપાવી રાખવામાં આવ્યું હતું. 26 પરંતુ એ ગુપ્ત સત્ય હવે આપણી આગળ પ્રગટ કરી દેવામાં આવ્યું છે. અને હવે બધા જ દેશોના લોકોને એ સત્યથી માહિતગાર કરવામાં આવ્યા છે. પ્રબોધકોએ લખેલાં વચનો દ્વારા એ સત્ય જાહેર કરવામાં આવ્યું છે. દેવની આજ્ઞા આવી જ છે. અને તે ગુપ્ત સત્ય સૌ લોકોને હવે જણાવ્યું છે, જેથી કરીને તેઓ દેવ પર વિશ્વાસ કરે અને એની આજ્ઞાઓ પાળે. દેવ તો અવિનાશી છે. 27 તે એકલા જ્ઞાની દેવને, ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વકાળ પર્યંત મહિમા હો. આમીન.